પોલીસનું કામ નીટ હતું, દેશમાં કોઈપણ ખૂણે કોમી ધીંગાણું થાય કે તરત તેઓ ‘અસામાજિક તત્વો ‘ને કોઈ શેહશરમ રાખ્યા વગર ઝબ્બે કરી લેતાં એટલે વાત વણસતી અટકી જતી. બન્ને તરફી સમાજને ખબર જ હતી કે તેમનામાં ‘અસામાજિક ‘કોણ છે. અને એક વાત એ પણ સ્વીકારવી રહી કે તે વખતે પ્રસાર માધ્યમોનો ઉણપને લીધે આવી વાતો વાયુવેગે પ્રસરતી નહોતી. એક ગામનું વાતાવરણ ડહોળાય કે તરત જ પડોશી ગામની શાંતિ સમિતિ એક્શનમાં આવી જતી અને “વ્હોટ ટૂ ડૂ?” કરતાં “નોટ ટૂ ડૂ”નું અમલીકરણ કરી સમાજોને વિભાજીત કરતાં દરેક મનસુબા સામે પાળ બાંધી દેતાં.
અને આજે… કોમી રમખાણો થતાં નથી પણ ભયંકર રોગચાળા જેમ ફાટી નીકળે છે. પહેલાંના સમયમાં બન્ને તરફથી અસામાજિક તત્ત્વો જ સામસામે રહેતાં જ્યારે આજે આધુનિક રમખાણોમાં આખી પેટર્ન બદલાઈ ચૂકી છે. આજનાં રમખાણોમાં એક તરફ ભારતીય નાગરિક અને બીજી બાજુ આખો સમૂહ હોય છે. એ સમૂહ કે જે કદી શાંતિ અને સોહાર્દ ઈચ્છતો જ નથી. એ સમૂહ કે જેમાં જબરજસ્ત અંડરસ્ટેન્ડીંગ હોય છે. તેઓ પોતપોતાની રીતે કામ વહેંચી લે છે.
જે પૈકી સૌથી ખતરનાક એ છે જે સામે કેટલાં મર્યા અને કેટલાં ઘર બાળ્યાં તેનો સ્કોર જણાવતો નથી પણ આપણાં કેટલાં મર્યા અને કેટલાં ઘર બળ્યાં ( ફરી વાંચો, આપણાં…) તેનો ક્રિકેટ કોમેન્ટ્રીની જેમ સતત અપડેટેડ સ્કોર આપતો રહે છે. અને આવાં વ્યક્તિને સામે કેટલાં ઉજડી ગયાં તેની કોઈ પરવાહ હોતી નથી,પણ પોતાનો એક મરે તેનો વિકૃત આનંદ મળે છે. હવે ઉશ્કેરણી માટે નારા લગાવવાની જરૂર પડતી નથી, આ સ્કોર જ ભારોભાર ઉશ્કેરણી કરવાનું કામ કરે છે. પોતાનો મરે તે અમુક લોકો માટે વ્યુહાત્મક જીત જેવું બની જાય છે. તમે બારીકાઈથી નિરીક્ષણ કરશો તો જણાશે કે તેઓ જે જાહેર માતમ કરતાં હોય છે તેમાં મૃતક પ્રત્યે લગીરેય સહાનુભૂતિ નહીં હોય, જોવાશે તો માત્ર અને માત્ર બનાવટી ગુસ્સો વ્યક્ત કરીને નિર્દોષ માણસોને આ ખૂની ખેલમાં જોતરવાનો કારસો. અંહી તેનાથી વધું ખતરનાક ખેલ રમાઈ જવાની સંભાવના હોય છે. પોતાનું એક મરે છે એ કદાચ સેલ્ફ ગોલ હોય અથવા જાણીજોઈને કરવામાં આવેલો સેલ્ફ ગોલ પણ હોઈ શકે છે. ટોળાનો આડેધડ પથ્થરમારો, અંધાધુંધ ગોળીબાર અને નાસભાગમાં પોતાનાં જ માણસો દ્વારા નિશાન બની જવાની સંભાવના તાર્કિક રીતે નકારી શકાય તેમ છે જ નહીં. કારણકે ટોળાં બાથ ભીડે ત્યારે કોણ કયા પક્ષના છે તે નક્કી કરવું અસંભવ છે અને એવી અર્જુનની આંખોવાળી નિશાનેબાજી કળયુગમાં અશક્ય છે. આમાં એ સંભાવના પણ નકારી શકાય નહીં કે ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ તમને તમારો જ માણસ આયોજનબદ્ધ મારી નાખવા તત્પર બનેલો હોય. અને આ એવી ઘટના છે કે જેને આપણે નરી આંખે જોઈને પણ જાહેરમાં કબૂલી શકતાં નથી અથવા કબૂલાત કરવાં દેવામાં આવતું નથી.
ઓકે, એ સમૂહ પૈકી બીજો હોય છે જે સતત વીડિયો શૂટ કરવામાં મસ્ત રહે છે. વીડિયો પણ એવાં હોવાં જોઇએ કે જેમાં મેક્સીમમ ધૃણા ફેલાઈ શકે, મહત્તમ નફરત ફેલાઈ શકે. તમે નોટીસ કરજો કે આ લોકો પોતાના તોફાને ચડેલા માણસો કે જે તેમની સૌથી નજીક હોય છે તેમને કેપ્ચર કરશે નહીં પણ ફોકસ સામે તરફ જ રહેશે. તેમનું કોન્સન્ટ્રેશન પોતાનાં માણસો બચાવવાનું, સમજાવવાનું કે ઘાયલોને ઈલાજનો વ્યવસ્થા કરાવવામાં સહેજ પણ નથી હોતું, પણ પ્રતિપક્ષ પર આક્ષેપબાજીની રમત અને ઠોસ પુરાવા ઠોકી પોસ્ટ રાયોટ વૉર જીતવાનું જ હોય છે. તમે જીવો કે મરો, ધે ડોન્ટ કેયર.
આ જ સમૂહમાંથી એક લેખક અથવા પત્રકાર અથવા બૌદ્ધિક ભારતીય મટીને પ્યોર હિન્દુ અથવા મુસલમાન બની જાય છે. આવાં રમખાણો ફેલાવવામાં તેમનો હાથ પણ ભયાનક હોય છે. તેઓ આગને કદી ઠંડી પડવા દેતાં જ નથી. તેઓ ચમચી ચમચી ઘી રેડીને નિર્દોષ નાગરિકોને હોમતા જ રહે છે. તેઓ એવાં દરેક લખાણનું ચાતુર્ય લખે અથવા બતાવે કે એક એક શબ્દ બન્ને પક્ષે ગુસ્સાને ચરમ સીમાએ પહોંચાડી દે. તમે અવલોકન કરશો તો જણાશે કે તેમને અખંડ ભારતની, પોતાનાં ધર્મની કોઈ ચિંતા નથી. તેઓ ધારે તો એ જ કુનેહથી સદભાવના માટે લોકોને કન્વીન્સીંગ અપીલ કરી શકે છે બટ નેવર, તેઓને રસ હોય છે ઉશ્કેરણી વધારવામાં જ. કહેવાતાં અથવા બની બેઠેલા આ બૌદ્ધિકો કે જેમને થોડું ટાઈપીંગ આવડે છે તેઓ દેશ કઇ રીતે તૂટી શકે તેની શક્ય દરેક તરકીબો ભડકાવતા રહે છે.
આ જ સમૂહમાંથી એક એ વ્યક્તિ છે જેમાં હું અને તમે પણ આવી જઈએ છીએ. રમખાણો ફેલાવવામાં આપણી પણ ભૂમિકા નાની નથી હોતી. વિજ્ઞાને તરક્કી કરી અને પ્રસાર માધ્યમો આટલાં સુલભ બની ગયાં તેનો સૌથી મોટો મિસયૂઝ આપણે જ કરી રહ્યા છીએ. અધૂરી માહિતી, અજ્ઞાન અને અફવા ફેલાવવામાં આપણને વિકૃત આનંદ મળતો થઈ ગયો છે. દિલ પર હાથ મૂકીને જાતને પૂછશો તો જવાબ મળી જશે કે ” કેટલા ફોરવર્ડ્સ તમે પૂરેપૂરાં વાંચીને આગળ ધકેલો છો? કેટલા તથ્યોની જાતચકાસણી કરો છો? કેટલા ફોરવર્ડ મેસેજીસ તમને તાર્કિક રીતે કન્વીન્સ કરી શકે છે?” તમે કદી જાતને પૂછી જોયું કે તમારાં આગળ ધકેલેલા મેસેજથી પણ સેંકડો લોકોનો જીવ જઈ શકે છે? તમારી બેદરકારી અથવા લાપરવાહીના કારણે તમારો ફોર્વરડ કરેલો મેસેજ આગળનાં આખાં ગૃપમાંથી એકાદ વિકૃત મગજમાં પૂરેપૂરો ઉતરી ગયો તો કેટલી તબાહી મચાવશે? કદીક શાંતિથી જવાબદેહી નક્કી કરજો કે દંગાઓમાં જે સો બસ્સો કે હજારો મરવાનો સ્કોર થાય છે તેમાં આપણો હાથ કેટલો છે? કયારેક નિરાંતે પોતાનાં હાથનું નિરીક્ષણ કરજો કે સેન્સીટીવ ટચ સ્ક્રીન પર અંગૂઠાની અઠખેલીઓના કારણે કેટલાં હાથોની હસ્તરેખાઓ સદાને માટે ભૂંસાઈ ગઈ છે, અણજાણમાં પોતાનો જ હાથ ખૂનમાં કેટલો લથપથ થઈ ચૂક્યો છે?!.
આ પૈકી એક નવી પ્રજાતિ ઉભરી આવી છે જે વેપનલેસ યુદ્ધ લડવામાં માને છે. જે રીતે બે દુશ્મન દેશોમાં લડાઈ થતી હોય તેવી ખતરનાક વિચારધારા આ લોકોના મગજમાં પાંગરે છે. ” એમને આર્થિક રીતે તોડી નાખો..”. ગ્રેટ…! કેટલા કમઅક્કલ લોકો હશે એ જે પોતાનાં જ દેશમાં આ રીતના પ્રોપોગેન્ડા પ્રાઉડલી ફેલાવે છે. ખરેખર તેઓ બહું નાદાન છે. ( આપણે તેમને તો શું પણ હમવતન કોઈના માટે પણ દેશદ્રોહીનું સર્ટીફીકેટ ન ફાડી શકીએ) પણ તેઓની નાદાની દેશનું અહિત જરૂર કરે છે. પચ્ચીસ ત્રીસ કરોડ લોકો સાથે ધંધાકીય કટઓફનો અંતિમ સાર શું હોઈ શકે? નાના મોટાં ત્રીસ દેશો સાથે આર્થિક વ્યવહાર સીફર કરવાં જેવી આ વાત છે. બલ્કે તેનાથી ભયાનક વાત છે કારણકે એમાં પોતાનાં જ દેશનો વિનિમય ખોરવાય છે. બબૂચકી ફરમાન એટલાં માટે કે એ પ્રસારનારાઓમાં કોમન સેન્સનો સદંતર અભાવ હોય છે. “ખાનની ફિલ્મો નહીં જોવાની..” આમાં ખાનને કોઈ નુકસાન નથી,તેમને મહેનતાણું એડવાન્સ મળી જતું હોય છે. નુકસાન થાય છે તો ગડા, રોય,શાહ, શીધવાણી જેવાં રોકાણકારોનાં જ. ઓલરેડી ડચકા ખાતી ઈકોનોમી હોય અને ઉપરથી આવાં બબૂચક ફરમાનો, દેશની આર્થિક પથારી ફેરવવાના દુશ્મન દેશના અરમાનો દેશના જ નાગરિકો પૂરાં કરી આપે છે. કોઈપણ વિકાસશીલ દેશ માટે પોતાના જ દેશમાં વિનિમયનું અટકી જવું એ આર્થિક કટોકટીનો ભયંકર સંકેત હોય છે. જો તમે પોતાનાં જ દેશમાં ધંધારોજગારની વાટ લગાવવાના પ્રણ લઈને બેઠાં હોય તો દેશની બરબાદીમાં તમારો હાથ સૌથી મોટો હશે તે માની લેવું. ( સાંભળવું ન ગમે એવી વાત એ છે કે હજું ગઈકાલે પેદા થયેલું બાંગ્લાદેશ ઈકોનોમીમાં આપણાં કરતાં આગળ નીકળી રહ્યું છે. તેને બહું જલ્દી સમજી લીધું કે કટ્ટરતા ફગાવીશું તો જ ખરું ઉદારીકરણ થશે. આજે તમે જે લક્ઝરી બ્રાન્ડ પહેરો છો તેનું મેક જોજો.. ‘મેઈડ ઇન બાંગ્લાદેશ ‘વાંચીને આંચકો ન પામતાં. પશ્ચિમી દેશોને ચીનની દાદાગીરી સામે લેબર વિકલ્પ જોઈતો જ હતો જે બાંગ્લાદેશે ઝડપી પાડ્યો છે. પાકિસ્તાનમાં તેમનાં જ મૂળનાં નાગરિકો રોકાણ માટે તૈયાર નથી, ગલ્ફની ભૌગોલિક સ્થિતિ ફેવર નથી કરતી એટલે ભારતથી શ્રેષ્ઠ વિકલ્પ દુનિયા પાસે નથી જ. અને સૌથી મોટું કે એક સો ત્રીસ કરોડનું બેઠું બજાર. પણ અફસોસ કે એ તક આપણી બેવકૂફી લીધે હાથથી સરી રહી છે. )
કોમી રમખાણોમાં એક તરફ આ આખો સમૂહ હોય છે જેમનાં કદી ન ઘર સળગે છે, ના કોઈનો દીકરો મરે છે,ના કોઈનો ઘરડો બાપ લાપતા થાય છે,ના કોઈની દીકરી પર બળાત્કાર થાય છે,ઈવન દંગા પછી આ સમૂહમાંથી ના કોઈ જેલમાં જાય છે,ના તો કોઈને પોતાનો સમય બરબાદ કરી કોર્ટના ધક્કા ખાવાં પડે છે. આખાં સમૂહની બીજી તરફ એકલો અટૂલો નાગરિક હોય છે. જે મરે છે,માર ખાય છે, બળે છે,સબડે છે ,ભોગ બને છે અને ગુનેગાર પણ પોતે જ સાબિત થાય છે અને સદીઓ સુધી સજા પણ એજ ભોગવે છે.
સાચાં ભારતીય તરીકે દરેક નાગરીકે જાગૃત થવાનો સમય આવી ગયો છે. દેશને તોડવા પર આમદા આખાં સમૂહને ઓળખવાનો સમય આવી ગયો છે. દેશને ખરેખર પ્રગતિને પંથે જોવો હોય તો દંગા એન્જીનીયરોને જાકારો આપવો જ રહ્યો, નહીંતર દર ત્રીજા દિવસે આ લોકો દંગા ભડકાવતા જ રહેશે અને દેશને એક એક વર્ષ પાછળ ધકેલતા જ રહેશે. તમારી લાશો પર પડદા પાછળ તેઓ જશ્ન માનવતા રહેશે. તમે કપાઈ મરશો , બળી મરશો, આખી જિંદગીની પૂંજી ભેગી કરીને બનાવેલાં ઘરને પળમાં રાખ બનતું ફાટેલાં આળિયે જોતાં જ રહી જશો. જાતે નક્કી કરજો કે તમે ભારતીય નાગરિક છો કે ભારતના દુશ્મન દંગાઈ સમૂહના સભ્ય?? જે કાંઈ નુકસાન થશે એ ભારતીય નાગરિકનું જ અને તેની જનેતા એવી ભારત માનું જ થવાનું છે. કારમા ઘાવ અને વેદનાઓ, ચીસો અને આખાં જન્મારાનું ફેઈલ્યોર નાગરિકનું જ થવાનું છે બાકી વારીશો,કપિલ મિશ્રાઓ, અનુરાગ ઠાકુરોની લેવીશ લાઈફમાં તશુભર ફર્ક નથી પડવાનો, તમારી જેટલી તબાહી વધશે એટલાં તેમનાં ઠાઠ વધશે.
પ્રસવની વેદના જણનારી જ જાણે
આપણે મન જેની કિંમત જીવથી વધારે નથી…!!