“નર્કાલય મને વ્હાલું કે વૈકુંઠ નહીં રે આવું”

New photo 1

પ્રવીણ શાસ્ત્રી

“નર્કાલય મને વ્હાલું કે વૈકુંઠ નહીં રે આવું”

શું થયું તે સમજાયું નહીં પણ મારા મોં પર સફેદ ચાદર ઢંકાઈ ગઈ. એક ક્ષણમાં હું મારા શરીર થી અલગ થઈ ગયો. મારું પારદર્શક નવું સ્વરૂપ મારા સ્થૂળ દેહની પાસે ઉભું રહી ગયું. હવે મને ખાત્રી થઈ કે મારા દૈહિક જીવનનો અંત આવી ગયો હતો. હું મૃત્યુ પામ્યો હતો. મારા બધા આપ્ત જનો ભેગા થઈ ગયા હતા. એમણે થોડા આંસુ સારી વાસ્તવિકતા સ્વીકારી  લીધી. પ્રેતાવ્સ્થામાં હું બધાને જોતો સાંભળતો હતો. કોઈ મને જોતું સાંભળતું નહોતું.    પાડોશી મણી બા અનસૂયા ને વળગીને બેઠા હતા. સનમુખકાકાએ મારા ફ્યુનરલ માટે સસ્તી વ્યવસ્થાની જવાબદારી લઈ લીધી હતી. પંડ્યાજી જુદા જુદા મા’રાજો પાસે ફોનપર દિવસ ક્રિયાના ક્વોટેશન માંગતા હતા. મિત્ર જગદીશ, બધા સગા-સ્નેહીઓને ફોનપર મારા અકાળ  અવસાનના સમાચાર ફેલાવ તો હતો. સામેના એપાર્ટ્મેન્ટમાંથી માયા  બધાને માટે ચ્હા લઈ આવી હતી.

મને મારા સ્નેહિઓ પ્રત્યે માન ઉપજ્યું. મેં બધાને થેન્ક્યુ કહ્યું પણ મને કોણ સાંભળે!

મારો પુત્ર દિપક, અનસૂયાને મારી લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી માટે પૂછતો હતો. મારી પુત્રવધૂ વ્યુઈંગ વખતે સફેદ કે કાળી સાડી પહેરવી તેની ચિંતામાં હતી..

મારા બોડી માં મોર્ટિશિયને ફોર્માલ્ડિહાઇડ ભરી, સ્યૂટ પહેરાવી કાસ્કેટ માં વ્યુઇંગ માટે મૂકી દીધી. બિચારી મારી અનસૂયા! મને એની  ખૂબ દયા આવી. ફ્યુનરલ હોલ ચિક્કાર હતો. મારે માટે હું ખુશ થઈ જાઉ એવી સારી સારી વાતો થઈ. સસ્તાં એમેચ્યોર બ્રાહ્મણે અષ્ટમ પષ્ઠમ  ભણી, પાંચ-છ ચોખાના લોટના પીંડ મારા કાસ્કેટમાં પધરાવી દીધા. મારો (વરઘોડો?) હોર્સ પર નહીં, પણ મારી શ્મશાનયાત્રા હર્સમાં નીકળી …

ક્રિમેટરીમાં પહોંચ્યા પછી મારું કાસ્કેટ ફરનેસમાં મુકાયું. મારા પુત્રએ રડતાં રડતાં ગ્રીન સ્વિચ ઓન કરી…..

….વધુ વિચારું કે જોઊં તે પહેલા કોઈકે મને મારી બોચીમાંથી ઊંચકીને એક બ્લેક ટ્રકમાં નાખ્યો.. ટ્રકમાં એક મોટા મિકેનીકલ પાડા પર મોટી મુંછો અને મોટા ડોળાવાળો બિહામણો બ્લેક સવાર બેઠો હતો.

ગભરાઈને મેં પુછ્યું ” આપ કોણ છો?..મને ક્યાં લઈ જાવ છો?..હજુતો મારે મારું બેસણું અને દિવસક્રિયા જોવાની છે!

” આઈ એમ મિસ્ટર યમ.“

“હું તને ઑફિસર ચિત્રગુપ્ત પાસે લઈ જાઊં છુ. તારું ક્રિમેશન થઈ ગયું. નાવ યુ કાન્ટ ગો બેક ટુ ધ અર્થ એનીમોર. હવે જો ભૂખ લાગી હોય તો તારા કાસ્કેટમાના થોડા ચોખાના લાડવા ખાઈ લે.”  મેં ચાખવા માટે લાડુ મોંમા મુંક્યો પણ થુંકી નાંખ્યો. મારી અનસૂયા તો કેવા સરસ મસાલા લાડુ બનાવે છે.

છેવટે ચિત્રગુપ્તની ઑફિસ આવી. મને ધક્કો મારી ઉતારી પાડ્યો. સામે ચિત્રગુપ્ત કોમ્પુટર લઈને બેઠા હતા. નાક પર ઉતરેલા ચશમા ઉપરથી મારા પર વક્ર દ્રષ્ટી નાંખી પુછ્યું “યોર નેઈમ પ્લીઝ!”

મેં કહ્યું ” અશોક રાવળ “.

“લેટ મી સી યોર આઈડેન્ટીફિકેશન માર્ક ઓન યોર ફુટ પ્રિન્ટ”

મેં મારા પગની પાટલીના તળિયા બતાવ્યા. તળિયા કોમ્પુટર સાથે મેચ થયા. ચિત્રગુપ્ત સાહેબે એક ક્લિક કરીને બાવન પાનાનો પોર્ટફોલિયો પ્રિન્ટ કર્યો. એક કોપી મને આપી. ‘ગમ ગચ્છ ટુ ગો’ જેવા અંગ્રેજી સંસ્કૃત પ્રિન્ટ થયેલું હતું. હું ગુજરાતી-ઈંગ્લીસ બોલું તેવું જ.         ચિત્રગુપ્તે કહેવા માડ્યું….

‘હંઅ…એઝ પર યોર પોર્ટ્ફોલિયો, તું બ્રાહ્મણ છે. જન્મે, પણ કર્મે નહિ. તારા પિતાએ મોટો ખર્ચો કરી તને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. થોડા દિવસમાં જ  જનોઈ કાઢી નાંખી. નિત્ય સંધ્યા તો કરી જ નથી. આવડતી હોય તો કરેને! દેશ છોડી અમેરિકા આવી ગયો. નોકરીમાં ખોટા ખોટા ઓવરટાઈમ કર્યા. ઈન્કમટેક્ષમાં જાત જાતના છીંડા શોધી અપ્રમાણીકતા આચરી. આ બધો રૅકોર્ડ સાચો છેને?

હા સાહેબ!…પણ મેં મારા અનેક સગાવ્હાલાને અમેરિકા બોલાવી તેમને નોકરી ધંધાએ લગાડ્યા છે. મેં મારા બધાજ વડીલોની બને તેટલી સેવા  કરી છે. તેમને જરાપણ દૂભવ્યા નથી. કડવા ઘંટૂડા ગળીને પણ સૌ નગુણા સગાઓ પ્રત્યે સદભાવ રાખ્યો છે. નેત્રયજ્ઞમાં નામ વગર આપેલું ડોનેશન ટેક્ષમાં પણ બતાવ્યું નથી. મારી અનસૂયાને મેં વફાદાર રહીને સાચો પ્રેમ આપ્યો છે. અનેક તકો હોવા છતાં કોઈ લફરાંમા પડ્યો નથી. અમેરિકામાં રહેવા છતાં દારૂને અડક્યો નથી,. માંસાહાર કર્યો નથી…

બસ..બસ. આ બધું પણ તારી પ્રોફાઈલમા છેજ. અને એજ મારે માટે મોટો પ્રોબ્લેમ છે.

યોર ગુડ એન્ડ બેડ ડીડ્સ આર ઇક્વલી બેલેન્સ આઊટ્સ. આવા કેસમાં ક્યાં તો ટોસ ઉછાળી નક્કી કરીએ કે અડધો સમય સ્વર્ગ અને અડધો સમય નર્કમાં મોકલીએ. બીજો એક માર્ગ એ છે કે તને ચોઈસ આપવામાં આવે. એક વખત તું જે નિર્ણય લે તે પર્મેનન્ટ થઈ જાય. બોલ તારે શું કરવું છે?

“સર, આમ તો મારી ઈચ્છા સ્વર્ગની જ છે પણ મને જો પ્રિવ્યુ ની તક મળે તો સ્વર્ગ નર્ક બન્ને જરા જોઈ લઉ.”

ચિત્રગુપ્ત સાહેબે જરા માંથું ખજવાળ્યું. ચશ્મા ઊંચા નીંચા કર્યા. કોમ્પ્યુટરમાં ચેક કર્યું. બે ત્રણ ફોન કર્યા.

પછી મને કહ્યું “ઇટ્સ ઓકે. તારી સાથે સ્વર્ગ અને નર્ક બન્ને માટે એસ્કોર્ટ ગાઈડ ની વ્યવસ્થા કરી છે. મેઈક સ્યોર ધેટ યુ મેઈક રાઈટ ડિસીસન.”

થોડી વારમાંજ એક વૃદ્ધ સન્નારી ઓફિસમાં આવ્યા.

વૃદ્ધ હોવા છતાં દેખાવમાં જાણે હેમા માલિની. તેજસ્વી ગાંભિર્ય મુખમુદ્રા. પગે લાગવાનું મન થાય એવો પ્રભાવ.

એણે કહ્યું ” પધારો આપણે પહેલા કૈલાસલોકમાં જઈશું. પછી વૈકુંઠ અને સંતલોકમાં જઈશું. એમણે ઓઢેલી શાલ પાથરી. એનાપર અમે બન્ને ઉભા રહ્યાં.

અમે ઉડ્યા…માઈલો ઊંચા ગગનમાં.

….અમે આવી પહોંચ્યા હિમાચ્છાદિત કૈલાસલોકમાં. શિવજી પાર્વતિમાતા સાથે એક ઈગ્લુ જેવી ગુફામાં હતા. કદાચ ધ્યાનમાં હોય કે રતિક્રીડામાં હોય!  દર્શન લાભ ન મળ્યો. નજીકમાં ગણેશ ભુવન હતું. એસ્કોર્ટમાતાએ કહ્યું ” અંદર શ્રી ગણેશજી સિદ્ધી, બુદ્ધી લાભ શુભ અને સંતોષીમાં સાથે શિવલીંગ પૂજન કરી રહ્યા છે. બહાર મહાકાય નંદી અને પર્વત જેવા મોટા ઉંદરજીએ પાર્કિંગ કર્યું હતું. એક તરફ ભૂત ટોળી અને બીજી તરફ ગણેશ ગણો નૃત્ય ગાન કરતાં હતાં.

હું તો શિવ ભક્ત. માનસિક રુદ્રાભિષેક કરી નાંખ્યો. થોડી થંડી ચઢી ગઈ પણ મારું જીવન, (અરે મૃત્યુ!) સાર્થક થયું.

પછી અમે વૈકુંઠલોકમાં ગયા. આહા! શું આલ્હાદક વાતાવરણ હતું!  ભવ્ય રાજમહેલમાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે નિવાસ કરતા હતાં.

મને દર્શનની ઈચ્છા થઈ. મારાં એસ્કોર્ટમાતાએ જણાવ્યું કે હાલ ચાતુર્માસ ચાલે છે. દર્શન નહીં થાય.

મને તેઓ એક લક્ઝુરિયસ થિયેટર મા લઈ ગયા. ત્યાં થ્રી ડી સ્ક્રીનપર વિષ્ણુભગવાન અને લક્ષમીજીને હિંડોળા પર જોયા, દર્શન કર્યા. થિયેટરના બીજા હૉલમાં નરસિંહ મહેતા અને મીરાબાઈ ભજન કરતા હતાં. બીજા ડાન્સ ફ્લોર પર ગોપીઓની રાસલીલા ચાલતી હતી. એક ખૂણામા થોડા ભાગવતાચાર્યો એકલા એકલા કંઈક મનન કરી રહ્યા હતા. મને અહીંના ભવ્ય મહેલો, બગીચાઓ અને રંગીન સુગંધી ફુવારાઓ ગમ્યા.

રસ્તામા ઈદ્રલોક આવ્યું. ગેઈટ પર તાળું હતું. મારી આંખ્ ઈન્દ્રની અપ્સરાઓ ને શોધતી હતી.

ત્યાંથી અમે ઋષિઓના તપોવનમાં ગયા. અપાર શાંતિ હતી. ઋષિઓને સ્વર્ગ તો મળ્યું હતું.  હવે શા માટે આકરું તપ કરતાં હશે!  મને નવાઈ લાગી.

આગળ જતાં થોડા આશ્રમો દેખાયા. તેમાં સંતો રહેતા હતા. જ્ઞાનેશ્વર, શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, સાંઈબાબા, અવધૂત મહારાજ, જલારામબાપા, સ્વામિનારાયણ ભગવાન વિગેરે ઘણા હતા. એમના કોઈ ભક્તો દેખાયા નહિ. એમની સાથે થોડાક જ ભક્તો હતા.

મારી પૃચ્છાના જવાબમાં એસ્કોર્ટે જણાવ્યું, “બધા ઠગ ભગતો સ્વર્ગ માટે ક્વૉલિફાઈડ થતા નથી.”

છેલ્લે ગાંધીબાપૂનો આશ્રમ આવ્યો. આશ્રમની બહાર પ્રાર્થનાસભામાં ઈંદ્ર એના દેવગણ સાથે સાદા વસ્ત્રોમાં મુગટને બદલે ખાદીની સફેદ ટોપી  પહેરી પલાંઠી વાળીને બેઠા હતાં. બીજી બાજુ ખાદીની સફેદ સાડીમાં અપ્સરાઓ બેઠી હતી. બાપૂજી દેવોને સદાચાર અને સુરાનિષેધ ઉપર વ્યાખાન આપી રહ્યા હતા.

‘વૈષ્ણવ જન તો’ ભજનથી પ્રાર્થના સભા પૂરી થઈ.

સ્વર્ગ ખરેખર શાંતિધામ હતું.

” હવે આપણે ચિત્રગુપ્તના કાર્યાલયમા પાછા જઈશું. આશા છે કે આપ સ્વર્ગ જ પસંદ કરશો.”

અમે ચિત્રગુપ્તની ઓફિસે પાછા ફર્યા. એમણે નર્ક માટે એસ્કોર્ટને ફોન કર્યો. મને થયું, હવે ચોક્કસ કોઈ માથાપર સગડી વાળી ડાકણ આવશે.

નર્ક જોવાની ઈચ્છા બદલ પસ્તાવો થયો.

….પણ આતો મારા આશ્ચર્ય વચ્ચે રાખી સાવંત જેવી સેક્સી અર્ધનગ્ન લલના આવી. વધારે સમજું  વિચારું તે પહેલાતો એણે ‘હાય મી.અશોક રાવલ, આઈ એમ યોર એસ્કોર્ટ ફોર બ્યુટિફુલ નર્કલેન્ડ.’ આટલું કહેતાં તો અતિપરિચિત  હોઉં તેમ હગ કરીને મારા હોઠ સાથે તેના હોઠ ચાંપી દીધા.

કૈલાસમાં થીજી ગયેલું લોહી ગરમ થઈ ફરી શરીરમા વહેવા લાગ્યું.

અહીં યુરોપીયન હૅલ, ઈસ્લામીક જહન્નમ અને ઈન્ડીયન નર્કાલય છે. તેમાંથી તને માત્ર ઈન્ડીયન સેક્સનમાજ લઈ જઈશ. અહીંની પરમેન્ટ રેસિડન્સી લેશે તો વિઝીટર વિસા પર બીજા નર્ક જોઈ શકાશે. શીઘ્ર નર્ક યાત્રા પ્રવાસ કંપનીના જુદા જુદા પૅકેજ મળે છે. મારી ઍસ્કોર્ટે જુદા જુદા નર્કની માહિતી આપી.

અમે ડાઉનવર્ડ એલિવેટરમાં પાતાળ લોકમાં ઉતર્યા. અમે જેવા એલિવેટરમાંથી બહાર નીકળ્યા કે હવાઈન સ્ટાઈલથી બિકીનીમાં થોડી કન્યાઓએ પ્લાસ્ટીકના હારથી મારું સ્વાગત કર્યું. મારા કપાળપર કાળું મખમલી તિલક ચોંટાડ્યું. બેટરી ઓપરેટેડ લાઈટથી મારી આરતિ ઉતારી. વેલકમ સોંગ પણ કન્યાઓએ ગાયું. નર્કનો ભવ્ય આવકાર મને ગમ્યો.

મને તો એમ કે સૂર્યનારાયણ વગરના પાતાળમા ઘોર અંધકાર હશે પણ અહિ તો રંગબેરંગી નિયોન લાઈટ ઝગારા મારતી હતી. જાણે સુપર લૉગવૅગાસ!

એક એકથી ચડિયાતા કૅસિનો, લિકરબાર, સ્ટીપ્ટીઝ અને ગો-ગો બાર. પૃથ્વી પરના માનવ જીવન દરમ્યાન ગેરરસ્તે મેળવેલી કાળી કમાણી નર્ક એકાઉન્ટમા જમા થાય છે. અહિ પણ ભ્રસ્ટાચારી દેશનેતાઓ, લાંચિયા અધિકારીઓ, ભાઈલોગો, પાખંડી ધર્મગુરુઓ લ્હેરથી નર્ક જીવન માણતા હતા.

હું મુંઝાયો. ‘મારી પાસેતો અનીતિની કોઈ જ કમાણી ન હતી. હું અહિ કેવી રીતે રહી શકું!’

મારી એસ્કોર્ટે શંકાનું સમાધાન કર્યું.

અહિ મંદિરો છે. ભગવાનના નહિ પણ થર્ડ લેવલના સાંપ્રદાયિક ઘર્માચાર્યો અને બોલિવુડના એક્ટરોના મંદિરો છે. તેમા થોડી સેવા આપવાથી સવાર સાંજ મહાપ્રસાદ ભોજનની કુપન મળી રહેશે. બારમા ડ્રીંક બધાને માટે ફ્રી છે. વિકમાં એક વાર સ્ત્રી સંગ ફ્રી મળે છે. વધારેની ઈચ્છા હોયતો તમારા એકાઉન્ટમાથી કાર્ડ પર જોઈતી વસ્તુ મેળવી શકાય છે.

મારી રહેવાની વ્યવસ્થા?

તેં વેદિયાગીરી કરીને ખાસ અનીતિની કમાણી નથી. તારા એકાઉન્ટમા ખાસ બેલેન્સ નથી.; એટલે  માત્ર ચેરિટી સ્ટુડિયો મળશે. મને એણે સ્ટુડિયો એપાર્ટમેન્ટ બતાવ્યો. જાણે મેનહટ્ટનનો પેન્ટહાઉસ.

મેં મનમાં કહ્યું  “રાખ્યો”.

“તું તો લેખક છેને!”

‘અહિના ગોસિપ મેગેઝિનમાં  રસપ્રદ સેક્સી વાતો લખશે તો થોડો પુરસ્કાર અને પત્રકાર તરીકે વી આઈ પી ક્લબોના પાસ મળશે. તું જીવતો હતો ત્યારે તો કોઈએ તને પુરસ્કાર આપ્યો નથી. કાગળ કોમ્પ્યુટરના ગાંઠના ગોપીચંદન કરીને લખતો હતો.’

મને ખાત્રી થઈ ગઈ કે અહીં મારી રંગીન કામનાઓ ભોગવી શકીશ.’

એક જગ્યાએ કંઈક કંસ્ટ્રકશન ચાલતું હતું.

મેં પૂછ્યું, “અહીં શું બંધાય છે?”

અહીં ભારતના ગુંડા ધારાસભ્યો અને રાજ્યસભાના નક્કામા લોકો માટે લકઝૂરિયસ વસાહત ઉભી થાય છે.

હવે અમારી પ્રિવ્યુ ટૂર પૂરી થવા આવી હતી.

પ્રવાસનો થાક ઉતારવા અમે સ્ટ્રીપર બારમાં આવ્યા. એસ્કોર્ટે મને બ્લેક લેબલ ની ઓફર કરી,  પણ હું તો બ્રાહ્મણ. માત્ર મહાશીવરાત્રીને દિવસે થોડી ભાંગનો પ્રસાદ લેતો એજ.

મેં દૂધ માંગ્યું.  દૂધને બદલે મને સુપ્રિમ ડિલક્સ ફાલુદો મળ્યો.

એસકોર્ટે મારું ધ્યાન દોરતાં જણાવ્યું કે સ્વર્ગના ત્રણ ચાર દેવો વેશ પલટો કરીને ગેરકાઈદે નર્કમાં ઘુસી આવ્યા હતા. ગાંધીજીની મનાઈ છતાં છાના છપના સુરા-સુંદરી ને નર્કમાં ભોગવી લેતા હતા. માત્ર રાહુ અને કેતુની પાસેજ અહિ આવવાની પરમિટ હતી.

ઓચિંતો પવનનો સૂસવાટો સંભળાયો…હનુમાનજી આવ્યા…શનીને કાનથી પકડ્યો…બે ત્રણ દેવોને બગલમાં દબાવી ક્ષણવારમા ઉડી ગયા.

રાખી સાવંત જેવી એસ્કોર્ટે આલિંગન અને ગરમા ગરમ કિસ સાથે મને વિદાય આપી.  કહ્યું,  ‘સી ઉ સુન’

હું ફરી પાછો ચિત્રગુપ્તની ઓફિસમાં આવ્યો. એણે મારો નિર્ણય પુચ્છો. ” રાવલ તારે ક્યાં જવું છે?”

‘મારે સ્વર્ગમાં ક્યાં રહેવાનું’ મેં પૂચ્છ્યું

તું શિવ ભક્ત છે અટલે કૈલાસમા ભૂત ટોળીમા રહેવાનો અને શીવજીના ડમરૂ સાથે નૃત્ય કરવાનો લાભ મળશે. વૈકુંઠમા ગૌશાળામા ગાયમાતાના પવિત્ર છાણ-મૂત્ર સાફ કરવાનો અલભ્ય લ્હાવો મળશે. બીજી એક શક્યતાછે કે તું ગુજરાતી છે એટલે બાપૂજીના સેવાશ્રમમા એની બકરીની લીંડી સાફ કરવાનું સરળ કામ પણ મળી જાય. જ્યાં ઓપનિંગ હશે ત્યાં તને ગોઠવી આપીશ…. હવે બોલ… ‘સ્વર્ગ કે નર્ક… ઈટ્સ યોર ચોઈસ.

મેં ચિત્રગુપ્તને જવાબ આપ્યો  “નર્કાલય મને વ્હાલું કે વૈકુંઠ નહીં રે આવું”

                                              -:00000:-

………હવે તમે ઉઠશો! ધર્મપત્ની અનસૂયાનો અવાજ સંભળાયો.  કેટલું ઘોરો છો!…  ઊંઘમાં શું લવારો કરતા હતા?…વૈકુંઠ નહીં રે આવું… નહીં રે આવું…..એ વળી શું ગાતા હતા?…મોં પર ઓઢેલી ચાદર ખેંચતા શ્રીમતીએ હુકમ કર્યો. ‘ફ્રેસ થઈ ચ્હા પી લો. વાર્તા લખવાનું કહેતા હતા તે ક્યારે લખશો?’

પ્રવીણ શાસ્ત્રીની વાર્તા,

“નર્કાલય મને વ્હાલું કે વૈકુંઠ નહીં રે આવું”

પ્રગટઃ ગુજરાત દર્પણ ૨૦૧૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: