કોઈ જ આવ્યું નથી…..વિજય ઠક્કર

કોઈ જ આવ્યું નથી…..

 

મોક્ષ એકદમ ઝડપથી ઘરે આવતો હતો.

દરરોજ કરતાં આજે સ્કુટર વધારે ગતિથી હંકારતો હતો, કોઈ જ કારણ વિના. આજે કંઈક અંદરથી ખુશી મહેસુસ કરતો હતો. જાણે કોઈ આનંદપ્રદ ઘટના બનવાની હોય. ક્યારેક અશુભના ઍધાણ મળતાં હોય છે એમ ક્યારેક શુભના પણ ઍધાણ મળી જાય છે.

ઘરે આવી પહોંચ્યો.

રોજના ક્રમ પ્રમાણે દરવાજે લગાડેલું  લેટરબોક્સ ખોલ્યું. ત્રણચાર ટપાલો નીકળી અંદરથી.

એકતો એકદમ પરિચિત અક્ષરોવાળું કવર હતું જે જોઇને ચોંકી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે પાછું શું તોફાન આવ્યું ? કવર પરનાં અક્ષરો બહુ વર્ષો પછી જોવા મળ્યા,પણ છેલ્લાં વરસોમાં તો જ્યારે પણ આ અક્ષર સાથે એન્વલપ આવેલું  ત્યારે ઉપાધી…માનસિક તાણો અને પારાવાર આક્ષેપો સાથેજ આવેલું.,

બીજી ત્રણ-ચાર સામાન્ય ટપાલો હતી  જેનું ખાસ મહત્ત્વ ન હતું ગાર્બેજ હતી સાવ. ખિસ્સામાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું. અંદર આવી બિફકેસ સાઈડ પર ક્લોઝેટમાં મુકી દિવાન પર બેસી ગયો. આ બધી જ ક્રિયાઓ એકદમ ઝડપથી યંત્રવત પતાવી. કવર ખોલ્યું. વિગતવાર પત્ર વાંચતા પહેલા પત્રના અંતે લખેલા નામ પર નજર નાંખી. ચીંતા મિશ્રિત આનંદ થયો. પત્રમાં શું હશે એ જાણવા એણે સડસડાટ પત્ર વાંચવા માંડ્યો.

જો કે એક બે વાક્ય વાંચ્યા પછી એટલી તો ખાતરી થઇ કે કાંઈ તોફાન નથી આવ્યું એટલે સહેજ નિરાંત થઇ અને આરામથી પત્ર વાંચવા માંડ્યો. લગભગ પંદર વર્ષ પછી સંસ્કૃતિનો પત્ર આવ્યો. એકવાર ખુબ ઝડપથી વાંચી ગયો પણ પછી નિરાંત થતાં એણે ફરીથી શાંતિથી પત્ર વાંચવા માંડ્યો.

“ મોક્ષ,

કુશળ હશો, છું.

કુશળતા ઇચ્છવાનો મારો અધિકાર હજુ મેં જતો નથી કર્યો અને આમતો તમે જ એ અધિકાર માન્ય રાખ્યો હતો ને ? કદાચ આશ્ચર્ય થશે તમને પણ સાચુ કહું, તમને એક સુખદ આાંચકો આપવાનો વર્ષો પછી અભરખો થઈ આવ્યો. ખબર નથી પણ કેમ ઘણાં સમય સુધી મનને સંયમમાં રાખવાનો પ્રયત્ન કર્યો પણ ના થઇ શક્યું એમ…અસફળ રહી.. અને એમાંય પાછું નિમિત્ત મળી ગયું. સંહિતા પ્રેમ કરવાની ઉંમરે પહોંચી ગઈ અને પ્રેમ કરી બેઠી છે. સાચું કહું મોક્ષ, આમ પણ એ પૂરેપુરી બાપ પર ગઈ છે … બધીજ રીતે.. રૂપે-રંગે સ્વભાવે અને બુદ્ધિમાં પણ…. અફસોસ એને માત્ર એટલો જ છે કે બાપનો સહવાસ એને ના મળ્યો. જોકે તમને દોષ દેવાનો મારો કોઈજ  ઈરાદો નથી પણ નિયતિએ કરેલી એ ક્રુર મજાકનો અફસોસ તો થાય જ  ને વળી?  ક્ષણજીવી મેળાપ, સંહિતાનું આગમન અને અંતે આપણે એકબીજાંથી જોજનો દૂર. આ ક્રુર ખેલ કેમ આપણી સાથે જ  ખેલાયો ?  અફસોસ થાય છે પણ સ્વેચ્છાએ આપણે પસંદ કરેલા માર્ગ પર હું અને તમે ઘણાં બધા આગળ નીકળી ગયા  છીએને ????  પાછા વળવાનું દુષ્કર છે..???

સંહિતાએ એની જ સાથેના એના મિત્રને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. મારી સંમતિ માંગી છે, મુંઝાઈ છું. એને વાળવી નથી પણ એની  બાબતનો કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તમને પૂછવાનું, તમારી સલાહ લેવાનું મન થયું મન થયું અને એમજ કરવાનું મને મુનાસીબ લાગ્યું. મેં ખોટું કર્યું ?? અને આમ પણ એની બાબતમાં હું એકલી કઈ રીતે નિર્ણય લઈ શકું ? સંહિતા તો આપણી સંયુક્ત જવાબદારી છે ને ?? ભલે કોર્ટે એની કસ્ટડી મને સોંપી પણ ત્યારે પણ દીકરી પરના તમારા અધિકારનો મેં ક્યારેય ઇન્કાર ન હતો કર્યો. હા… ભલે તમે તમારી મરજી થી એ અધિકારનો ઉપયોગ ના કર્યો.

મોક્ષ, કેમ છો તમે ? એકલા જ છો કે પછી ????

સ્વભાવ તમારો તમને એકલા રાખી જ કેવી રીતે શકે…હેં..! તમારા આકર્ષણમાં કાંઈ કેટલાય લોકો ભરમાઈ શકે મારી જેમજ તો.. નહીં..? ખેર, તમને થશે કે આટલાં વર્ષો પછી પણ હજુ મારા મનમાં કડવાશ રહેલી છે…. અને એ મારી કલમમાંથી આજે પણ વ્યક્ત થઈ ગઈ. બહુ સંયમ રાખવા છતાં પણ. શું કરું ? મોક્ષ,  તમારા ચારિત્ર બાબત હું પહેલેથી જ આશંકિત હતી પણ મને ગુમાન હતું કે મારા તમારા જીવનમાં પ્રવેશ પછી અન્ય તમામ દ્વાર બંધ થઇ જશે અને એક જ દ્વાર રહેશે અને તે ફક્ત અને ફક્ત હું.

મારો એ અહમ ઠગારો નિવડ્યો હતો ને ?  જો કે એ મારી શંકા હતી કે વિશ્વાસ….એ બાબતમાં તો હું ત્યારે પણ દ્વિધામાં હતી અને  આજે પણ છું, છતાં જવાનીના મદમાં અને મારા ઘમંડમાં તમને છોડી

દીધા.  તમે ક્યારેય તમા કરી નથી પાછું વળીને જોવાની પણ હું પણ  એટલી જ અડગ હતી અને છું જ.. ભગ્ન હૃદય બીજે ક્યાંય જોડ્યું નથી. મારા શરીર પરનો તમારો એકાધિકાર આજે પણ યથાવત રહેવા દીધો છે.

ક્યારેક વિચારું છું કે તમેય કાંઈ ઓછા જીદ્દી તો નથીજ ને? પાંચ વર્ષની  સંહિતા મને સોંપી ને પછી ચાલી નીકળ્યા તો ના તો એની તરફ કે ના તો મારી તરફ જોવા સુદ્ધાનો પ્રયત્ન કર્યો.  જોયું મોક્ષ, મનના ભાવો નથી રોકી શકાતા. વ્યકત થઇ જ જાય છે કોઈ પણ સ્વરૂપે. આ પત્ર મારા પ્રાયશ્ચિતનો કે મારી ગુનાઈત મનોભાવના વ્યક્ત કરવા માટે હરગીઝ નથી જ પણ છતાંય આજે તમારી સમક્ષ વ્યક્ત થઈ જવાયું.

સંહિતાનો પણ એવો આગ્રહ હતો કે એના પતિને તમે જૂઓ પછી જ એ લગ્ન કરશે અને એટલે જ આજે તમને આ પત્ર લખ્યો. સંહિતાની ૨૯ સપ્ટેમ્બરની ટીકીટ બુક કરાવી છે ત્યાં તમારી પાસે આવવાની…હા એ એકલીજ આવશે. એક દીકરી બહુ વર્ષો પછી પોતાના બાપ ને મળવા આવી રહી છે એટલે હું તાગ મેળવી શકું છું તમારા આનંદનો. આમ પણ મારી  સગર્ભાવસ્થામાં આપણે કરેલા અનુમાનોમાં તમે જ તો  સાચા પૂરવાર થયા હતા ને મોક્ષ ? તમારે દીકરી જોઈતી હતી તો કુદરતે તમને આપી પણ મોક્ષ નિયતિએ જોકે તમને અન્યાય કર્યો. દીકરી આપીને ઝૂંટવી લીધી પણ મોક્ષ સલામ કરવાનું મન થાય છે તમારી જીદને. કુદરતે  જે માંગ્યું તે આપ્યું પણ એ પાછું લઈ પણ લીધું છતાં તમારા જીગરના ટૂકડા સામે પાછું વળીને જોયું પણ નહીં?  ભૂલી ગયા રાતે આવેલા દુઃસ્વપ્નની જેમ ???  જવાદો એ વાત, મૂળ વાત પર આવું સંહિતાએ માનવને પસંદ કર્યો છે પણ લગ્ન પહેલાં એ તમને મળવા માંગતી હતી અને કદાચ છાના ખૂણે હું પણ એવું જ ઇચ્છતી હતી. એક વિનંતી કરૂં લગ્નમાં આવજો. ભલે કાયદેસર રીતે એ શક્ય ન હોય પણ કન્યાદાન આપણે કરીએ ?કશુંક અણગમતું લખાઈ ગયું હોય તો માફ કરજો એમ નથી કહેતી પણ હું તો એવીજ છું એમ માની ને સ્વીકારી લેજો . સંહિતાના અહીંથી નીકળતા પહેલાં ફોન કરીશ.”

  •  સંસ્કૃતિ  ત્રણ ચાર વાર મોક્ષ પત્ર વાંચી ગયો. એના મનોભાવો કંઈક વિચિત્ર થઈ ગયા. વિચારતો હતો. “આ એ જ સ્ત્રી છે જેણે એક વખત ભરપેટ નફરત કરી હતી. કાગળ લખ્યા હતા જેમાં બેસૂમાર આક્ષેપો કર્યા હતા, વકીલો મારફત નોટિસ અપાવી હતી. કોર્ટમાં ઢસડી જઈ મારા ચારિત્ર્ય પર જેટલા થઈ શકે તેટલા છાંટા ઉડાડયા.’’  હસી દેવાયું મોક્ષથી. વિચારવા લાગ્યો. “કુદરત પણ ગજબ ખેલ કરે છે, માણસને રમાડે છે… ઉછાળે છે….. પછાડે છે…..ઊંચકે છે.”   કાગળ  બાજુમાં કોર્નર ટીપોઈ પર મૂકી એ ફ્રેશ થવા ગયો  અને ત્યાં  ખોવાઈ ગયો સંહિતાના વિચારોમાં.

“  કેવડી મોટી થઈ ગઈ હશે ?  ઓળખી શકીશ ?  નાનું નાનું પીંક ફ્રોક પહેરતી હતી અને કાલુંકાલું બોલતી હતી. પીંક કલર એને બહુ ગમતો એટલે એના માટે તો બધી જ વસ્તુ પીંક લાવવી પડતી. આખા રૂમને પણ પીંક કલર કરાવેલો.” રેસ્ટરૂમમાંથી બહાર આવીને મોક્ષે પાણી પીધું. ચાહ બનાવવા લાગ્યો. ટિફિન તો     છેક સાડા આઠ વાગે આવશે. ફરી એકવાર કાગળ વાંચી ગયો. એકદમ કોઈક વિચારના ઝબકારે ઊભો થયો. અને વોર્ડરોબમાં મૂકેલા સંસ્કૃતિના બધા જ કાગળો લઈ આવ્યો. પ્રેમ કર્યો હતો ત્યારના, સાથે જીવ્યા હતા ત્યારના, નફરત કરી હતી ત્યારના અને છૂટા પડ્યા હતા ત્યારના બધા જ કાગળો પર નજર નાંખી ગયો. શોધી કાઢ્યો એ બધામાંથી સંસ્કૃતિએ સૌથી પહેલો જે કાગળ લખેલો એ.

“ મોક્ષ,

જબરજસ્ત ચુંબકીય વ્યક્તિત્વ છે તારું. લાખ પ્રયત્નો કર્યા છતાં ના રોકી શકી મારી જાતને… ખેંચાઈ આવી છું તારા તરફ… આઈ લવ યુ મોક્ષ, મેં કદાચ કલ્પના પણ નહતી કરી કે આપણે મળી  શકીશું.  તારી ફરતે  છોકરીઓનાં  ઝૂંડ અને તારો  રોમેન્ટીક સ્વભાવ…  સાચું કહું બહુ નફરત હતી મને એ બધા માટે અને તારા માટે  પણ… પણ કેવી રીતે હું ખેંચાઈ આવી તારા તરફ એની મને ખબરેય ન પડી.

  • સંસ્કૃતિ.” મોક્ષ ફરી એકવાર કાગળ વાંચી ગયો. આંખોમાં ફરી એકવાર રોમાન્સ પ્રગટ્યો. બીજા કાગળ ઉથલાવ્યા. લગ્ન પછી એકાદ વર્ષે સંસ્કૃતિએ કન્સીવ કર્યું અને છેલ્લા દિવસોમાં  એનાં મમ્મીને ત્યાં ગઈ પછી લખેલો પત્ર.

“ મોક્ષ ,

કેટલી બધી નસીબદાર છું હું કે તારા જેવો પતિ મળ્યો, અને હવે તારા જેવોજ બદમાશ છોકરો મળશે !!! હા, હું છોકરો લઈનેજ આવવાની છું મોક્ષ. મને છોકરી નહીં જ જોઈએ કારણ ખબર છે?  છોકરી બિચારી તારા જેવા લંપટના હાથે ચડી જાય તો?  હું તો ફસાઈ ગઈને?  એય મોક્ષ, ખરાબ લાગ્યું, નહીં ને? હસતો,  પ્લીઝ હસને મોક્ષ !!

  •  સંસ્કૃતી “   પત્ર વાંચીને ખડખડાટ હસી પડ્યો મોક્ષ,   હસતા હસતા આંખો ભરાઈ આવી.

ક્યાંય સુધી બેસી રહ્યો એ કાગળ છાતી પર મૂકીને, ખોવાઈ ગયો ભૂતકાળમાં. ડૉક્ટરે ૨૭મી સપ્ટેમ્બર ડેટ આપી હતી. મોક્ષ પચ્ચીસમી તારીખથી જ સંસ્કૃતિ પાસે પહોંચી ગયો હતો. બહુ કેર લેતો હતો, છોકરો -છોકરીના ઝઘડા તો ચાલુ જ હતા, અંતે એ દિવસ આવી ગયો. ૨૯મી સપ્ટેમ્બરે છોકરી આવી… જીતી ગયો મોક્ષ. ખુશ થયાં બન્ને.

એટલામાંજ  ડોરબેલ વાગ્યો.

ટીફીન આવ્યું. જમી લીધું પણ આજે માત્ર જમવા ખાતર. સંહિતા કાયમ પપ્પાના ખોળામાં બેસીને જમવાની જીદ કરતી. સંહિતા બહુ લાડકી હતી પપ્પાની. રોજ એને પીંક આઇસ્કીમ જોઈએ પછી જ જમવાનું. જમીને માંડ ઊભો થયો. હજુ ભૂતકાળ  એનો પીછો છોડતો ન હતો. પંદર-સત્તર વર્ષ પહેલાંની બધી જ ઘટનાઓ હજુ ગઈકાલની જ હોય એમ આંખ સામે તાદશ્ય થતી હતી. સિગરેટ સળગાવી હિંચકે બેસી ગયો. ક્યાંય સુધી શૂન્યમનસ્ક બેસી જ રહ્યો. અચાનક એક ઝબકારો થયો. સંસ્કૃતિનો છેલ્લો પત્ર લઈ આવ્યો.

“મોક્ષ ,

તારા સ્વભાવમાં તું કોઈ જ પરિવર્તન લાવી શકે એમ લાગતું નથી. હું તારા આ સ્વભાવથી કંટાળી ગઈ છું. રોજ કોઈ સ્ત્રીમિત્ર તારી સાથે હોય. રોજ કોઈને કોઈના ફોન આવે.. આ બધું મારાથી સહન નહીં થાય. મારો અહમ્ તૂટી ગયો છે, તારા જીવનમાં મારા પ્રવેશ પછી મને એમ હતું કે તું સુધરીશ. પણ ના, એ શક્ય નથી લાગતું. મારા ગયા પછી તને મનફાવે તેવા સંબંધો વિસ્તારવાની છૂટ છે, અને એ સ્વતંત્રતા હું પણ હવે મેળવી લઉં છું. તને આ પત્ર લખીને સંહિતા સાથે આ ઘરને છેલ્લીવાર સજાવીને જાઉં છું. જેવું મેં લગ્ન પછી આવીને સજાવ્યું હતું. હા એ લોભ હું જતો નથી કરતી કરાણ કે આ મારૂં ઘર હતું, મેં એની સાથે મારી બધી જ સ્મૃતિઓ જોડેલી છે. આ કાગળ લખું છું ત્યારે થોડુંક મંથન હતું પણ  જરાય દ્વિધા ન હતી. આ ઘરનો એકેએક ખૂણો-દિવાલો આપણો બેડરૂમ, એ પલંગ જ્યા આપણે… એ કર્ટન્સ જે આપણા રોમાન્સનો મૂક સાક્ષી છે. પલંગની બાજુમાં પડેલું ફલાવર વાઝ જેમાં હું રાતરાણીના ફૂલ રોજ રાત્રે સજાવતી હતી અને મારી અને એની ખુશબુમાં તને મદહોશ કરતી હતી, મોક્ષ, તારો સ્પર્શ જેણે શરૂઆતમાં મને અત્યંત રોમાંચિત કરી હતી અને પાછળથી અંગારાની આગ આપી હતી. પલંગની સામે પડેલું ડ્રેસિંગ ટેબલ જેમાં મારૂં યૌવન જોવા માટે તું તડપતો હતો એ બધું જ…. એમનું એમ મૂકીને હું જાઉં છું.

મને ચોક્કસ વિશ્વાસ છે કે એ બધું જ  આ ઘરમાં કોઈક બીજું આવશે અને એ મારી બધી જ સ્મૃતિઓ ભૂંસી નાખશે. રોજ કોઈક બદલાતું રહેશે. તને જરા પણ ખેદ નહીં હોય પણ મને છે….. પણ મારી પાસે હવે ઘર છોડવા સિવાય બીજો વિકલ્પ નથી. જાઉં છું. અને હા !  નીચે નામ નથી લખતી કારણ કે હવે તો  આપણે અજનબી બની જઈશુંને  એકબીજા માટે.”

મોક્ષની આંખો ભરાઈ આવી. સ્વગત જ બોલવા લાગ્યો.                                                     “ સંસ્કૃતિ… ઓ સંસ્કૃતિ, તને શું ખબર તારા ગયા પછી એ બેડરૂમ જ્યાં તેં સપનાં સજાવ્યા હતા એ  તદ્દન બંધ થઈ ગયો છે. ત્યાં વર્ષોની ધૂળ જામી ગઈ છે, જેમ તારી યાદો પર.”

મોક્ષ ફસડાઈ પડ્યો. ક્યાંય સુધી બેસી જ રહ્યો. રાત વીતવા માંડી હતી. ક્યારે ઝોકું આવી ગયું એય ખબર ન રહી… રાત્રે જ્યારે જાગ્યો ત્યારે બે વાગ્યા હતા. ઊઠયો, પાણી પીધું. સિગરેટ સળગાવી. ફરી પાછો આજે આવેલો કાગળ વાંચવા માંડ્યો. પસ્તાવાની આગમાં શેકાતી સંસ્કૃતિ તરફ કોઈક લાગણી થઈ આવી. વિચારવા લાગ્યો. સંસ્કૃતિના શબ્દો પર:  “નિયતિએ કરેલી કુર મજાક જ ને વળી? ક્ષણજીવી મેળાપ, સંહિતાનું આગમન અને આપણે એકબીજાથી જોજનો દૂર. આ ક્રૂર ખેલ કેમ આપણી સાથે જ ખેલાયો? અફસોસ થાય છે પણ સ્વેચ્છાએ આપણે પસંદ કરેલા માર્ગો પર હું અને તમે ઘણાં બધાં આગળ નીકળી ગયા છીએને ??  પાછા વળવાનું દુષ્કર છે ???”

“ના સંસ્કૃતિ  ના જરા પણ દુષ્કર નથી.” સ્વગત બોલ્યો. “તને શું ખબર તારા એ પઝેસિવ અને શંકાશીલ  સ્વભાવે કેટલું બધું નુકસાન કર્યું છે આપણું…… કેટલા દુ:ખી કર્યા છે. આપણને બન્નેને ?  તારા ગયા પછી કોઈ જ આવ્યું નથી ન તો કોઈ આવશે. આવીશ તો તું જ.”

બીજા દિવસે સવારે ઓફિસ જતા પહેલા એક જ લીટીનો કાગળ લખ્યો.

“ સંસ્કૃતિ, સંહિતાની સાથે તું આવીશ તો મને ગમશે. જોઈતો જા તારા ઘરને…. હજુ તારી યાદમાં બધું જ તડપે છે.” – મોક્ષ

 


વિજય ઠક્કર

તા: મે ૨૩, ૨૦૧૬

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: