ભીંતર ના વ્હેણ પ્રકરણ ૧૮

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ

પ્રકરણ ૧૮

પરીક્ષિત અને ઝફર નો મેળાપ ઘણાજ વિચિત્ર સંજોગો માં થયો હતો. ઘણીવાર પરીક્ષિત મુશાયરાઓમાં હાજરી આપતો, પણ જ્યાર થી ન્યુ કેસરી માં જોડાયો હતો ત્યારથી સમય ના અભાવે એના કવિત્વ ની વેલ કરમાઈ રહી હતી. વર્ષો પહેલા ની આ વાત છે. આવા જ એક સંમેલન માં ભાગ લેવા એ કાશ્મીર ગયો હતો. કાશ્મીર માં ત્યારે અશાંતિ અને અરાજકતાનો આવાસ હતો. પાકિસ્તાન અને હિન્દુસ્તાન ના મતભેદો માં સ્વતંત્ર કાશ્મીરની ઝુંબેશ પણ ઝબકતી હતી. બે પક્ષોની લડાઈમાં  આવા તો કૈંક ત્રીજાઓ ફાવી ગયાના દાખલા ઇતિહાસમાં મોજુદ છે. મુશાયરા ની પુર્ણાહુતી બાદ પરીક્ષિત હોટેલ ના રૂમ પર પાછો ફર્યો અને સુવાની તૈયારી કરતો હતો ત્યાંજ દરવાજે ટકોરા થયા. કોઈના આગમન ની અપેક્ષા તો નહોતી એટલે સહેજ વિસ્મય થયું. કોણ હશે આ સમયે? તેય કાશ્મીર માં? ટકોરા વધુ ઉગ્ર બન્યા. પરીક્ષિતે એક યુગલને દરવાજે ઉભેલું જોયું. યુગલ અંદર આવ્યું. યુવતી હિન્દૂ હતી અને યુવક મુસલમાન. યુવક નો ચહેરો ચિંતાતુર હતો. યુવતીનો ચહેરો ભયભીત છતાં નિશ્ચયાત્મક હતો. પ્રેમ ના પ્રવાહમાં તણાયેલ યુગલ સરહદી સીમા પાર કરી ચૂક્યું હતું અને ધાર્મિક બંધનોની શૃંખલા તોડી, એકમેકમાં ઓતપ્રોત થઇ જવાની બન્નેની તૈયારી હોય તેમ લાગતું હતું.. યુવતીના કુટુંબીઓ આ યુગલ ની શોધખોળ માં આકાશપાતાળ એક કરી રહ્યા હતા. યુગલને માથે જાનનું જોખમ હતું. પરીક્ષિતની સહાય  અને આશ્રય મળે તો યુગલ વેશપલટો કરીને રાત ના અંધકારનો લાભ લઈને પાકિસ્તાની કાશ્મીરમાં સરકી જવા ઇચ્છતું હતું. પરીક્ષિતે ક્ષણિક ક્ષોભ અનુભવ્યો અને અંતે એમની વ્હારે આવ્યો. ત્યારથી એ લોકો એકમેક ના સંપર્ક માં રહ્યા. યુવક પાકિસ્તાનના જાસૂસી ખાતા માં એક ઉચ્ચ અધિકારીની પદવી પ્રાપ્ત કરી ચુક્યો હતો.

 

પરીક્ષિત ન્યુ કેસરી માં જોડાયો ત્યારે એણે સમગ્ર બીના જણાવી હતી.માધવન અને ભાસ્કર તરફ થી આ સંબંધ માટે કોઈ બાધ નહોતો.યુવક હિન્દૂ-પાક નહીં પણ હિન્દૂ-મુસ્લિમ એકતાનો હિમાયતી હતો. એને માટે  એ, કૈં પણ કરવા કરી છૂટવા કટિબદ્ધ હતો. અંતે નક્કી થયું કે સરહદ ની બેઉં બાજુ હિન્દૂ-મુસ્લિમ એકતાને આંચ આવે એવા બનાવોથી એકમેકને માહિતગાર કરવા. ત્રિશુલ ના એક ઉચ્ચ અધિકારીનો પાકિસ્તાની જાસુસીખાતાના કોઈ અધિકારી સાથે સંબંધ વાસ્તવમાં યોગ્ય ન ગણાય. પણ આવી અમૂલ્ય જતી નો ન જ દેવાય ને! અંતે એમ ઠરાવવામાં આવ્યું કે પરીક્ષિત નો અનલિસ્ટેડ નમ્બર આપવો અને  જરૂર પડે ત્યારે ચારુદત્ત નામધારી ઝફર સંપર્ક કરી શકે. સાવધાની ખાતર ચારુદત્ત અને પરીક્ષિત ના સંબંધ આડકતરા હતા એટલે કોઈ પગેરું કાઢે તો પણ કૈં વિગતો પ્રાપ્ત થઇ શકે તેમ નહોતું.

 

 

પરીક્ષિતે હોમ મિનિસ્ટર નો ફોન જોડીને તાત્કાલિક મુલાકાત માંગી. રૂબરૂમાં જ થઇ શકે એવી વાત હતી એ ભારપૂર્વક જણાવ્યું.સાંજના આઠ વાગ્યા પછી નો સમય નક્કી થયો.પરીક્ષિત ની સેક્રેટરીએ  દિલ્હી ની ફ્લાઇટ ની ટિકિટ બુક કરી.મુલાકાત પતે એટલે એ તરત જ પાછો ફરવાનો હતો. નિયમાનુસાર વામન અને વિશ્વનાથ એના પડછાયા બન્યા.પરીક્ષિત રવાના થતો હતો ત્યાં જ એનો ઇન્ટરકોમ રણક્યો. સેક્રેટરીએ જણાવ્યું કે રઝિયા ઝેદી વાત કરવા માંગતી હતી. રઝિયાએ પોતાની ઓળખ આપી. જો કે પરીક્ષિતને  એની જરૂર નહોતી.રઝિયા ના જણાવ્યા મુજબ એના પર હુમલો કરનાર બે શખ્સોને એના ભાઈ ના કારખાના માં જોયાહતા. ટ્રકમાં થી ઉતરી રહેલી કાર ની પણ વાત કરી. પરીક્ષિત ક્ષણભર અવાક બની ગયો પણ પછી એણે રઝિયા ને સૂચના આપી કે આ બાબત પર પડદો રાખવો અને રોજીંદી વર્તણુક ચાલુ રાખવી. એ પણ જણાવ્યું કે કોઈ શકમંદ હિલચાલ નજરે ચઢે તો સાવચેતીપૂર્વક ફોન દ્વારા સંપર્ક સાધવો. શકમંદ શખ્સો ને કોઈ પણ હિસાબે અણસાર ના  આવવો જોઈએ કે એમની હિલચાલ પર નજર રાખવામાં આવે છે. અસાવધ શત્રુ ને મ્હાત કરવાનું શક્ય હોય છે. એને રઝિયા નો આભાર માનીને ફોન પતાવ્યો.

 

ત્યારબાદ ત્રિશૂળ ના બે ચુનંદા ઓફિસરોને સિરાજ ના કારખાને પહોંચીને શકમંદ શખ્સો ની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો. સાવચેતીરૂપે સિરાજને ત્રિશૂળ તરફ થી એ ત્રણ શખ્સોને રોકી રાખવાની સૂચના પણ આપવામાં આવી. બે ગ્રાહકો ના સ્વાંગ માં ત્રિશૂળ ના માણસો એના કારખાને આવશે એ પણ જણાવ્યું. સિરાજને એનું કામ રાબેતા મુજબ જારી રાખવાનું કહેવામાં આવ્યું.

 

ત્રિશુળમાંથી જોસેફ અને એક સાથીદાર સિરાજને મળવા રવાના થયા. ટ્રાફિકમાં સમય બગાડવા કરતા ટ્રેઈન પકડી અને જોગેશ્વરી  પહોંચ્યા. ટેક્ષી કરી સિરાજને કારખાને પહોંચ્યા. સીધા સિરાજની ઓફિસ માં જવાને બદલે પાછળના ભાગ માં ખડકાયેલી કારો ની હાર તરફ વળ્યાં. કોઈ સેકન્ડહેન્ડ કાર ની શોધમાં. ખરેખર ઈરાદો એવો હતો કે પેલા ત્રણ શકમંદ શખ્સોની જાણબહાર એમની ભાળ મેળવવાનો. ફરતા ફરતા એક કારની  ઓથે રહીને જોસેફે  બાઇનોક્યુલરથી કારખાનાની અંદર જોવાનો પ્રયાસ કર્યો  તો વેઇટિંગ રૂમમાં ત્રણ શખ્સો બેઠેલા દેખાયા. એમને ઓળખવામાં પલભર નો પણ વિલંબ ન થયો. જોસેફે એના સાથીને પરિસ્થિતિ સમજાવી. અંતે નક્કી થયું કે એનો સાથી ગ્રાહક બનીને સિરાજ ને મળશે. જોસેફ ને એ લોકો ઓળખી જાય તો વાત વણસી જાય તેમ હતું. જોસેફ ના પ્રાગટ્યનો પ્રશ્ન સંજોગો પર છોડ્યો.

 

નક્કી થયા પ્રમાણે જોસેફ નો સાથી એક સારી સેકન્ડહેન્ડ કાર ખરીદવાના હેતુ થી સિરાજ ને નળવા ગયો. લાલ રંગ ની કાર એને પસંદ હતી.છતાંય બીજા કોઈ પણ રંગ ની કાર પણ ચાલશે એમ જણાવ્યું.બીજી આડીઅવળી વાતો કરીને સિરાજને કાર બતાડવા કહ્યું. બહાર જવાનો રસ્તો વેઇટિંગ રૂમ માં થી જતો હતો. જેવા વેઇટિંગ રમ માં આવ્યા કે સાથીદાર નો ફોન રણક્યો. જોસેફે એના સાથીદાર ને ફોન પર વાત કરવાને બહાને પેલા ત્રણ શખ્સો ના ફોટા લેવા જણાવ્યું. ત્યારબાદ સિરાજની ઓફિસ માં ફોન ની ઘંટી વાગી. સિરાજે ફોન ઉપાડ્યો; જોસેફ ફોન પર હતો. એણે સિરાજને ટ્રક નું રંગકામ મિકેનિકલ પ્રોબ્લેમ ને લીધે  આવતી કાલ પર મુલતવી રાખવાનું સૂચવ્યું. વેઇટિંગ રમ માં બેઠેલા લોકોને આ બાબત ની જાણ કરવા કહ્યું.અને ત્રિશૂળ ના માણસને કાર બતાડવાને બહાને પાછળ ના ભાગ માં લાવવા કહ્યું.સિરાજે કોઈપણ જાતની આનાકાની વગર ચહેરા પર દિલગીરી ધારણ કરીને જોસેફ ની સૂચના નો અમલ કર્યો.જોસેફ ના સાથીએ લીધેલો ફોટો ત્રિશુળને આઇડેન્ટિફિકેશન માટે મોકલ્યો.

 

સિરાજ ની તકલીફે કાલિપ્રસાદ અને એના જોડીદારો માટે મુશ્કેલી ઉભી કરી.ખાસતો વાહીદ ના શંકાશીલ માનસને એ રુચ્યું નહીં.ટ્રકને સિરાજના કારખાનામાં રાખવાની સગવડ કરી.એ સિવાય બીજો ઉપાય પણ નહોતો.શહેરના એક ખૂણામાં ટ્રક સલામત હતી.સિરાજે એનાથી બનતા પ્રયત્નો કરીને કામ ઝડપથી પતાવી આપવાની ખાતરી આપી. એ પણ જણાવ્યું કે જો મિકેનિકલ પ્રોબ્લેમ સાંજ સુધીમાં ઉકલી જાય તો ટ્રક નું કામ તરત જ કરવામાં આવશે.  અને કામ પતી જાય તો કાલિપ્રસાદ નો સંપર્ક કરવા માટે એનો ફોન નંબર માંગ્યો.પણ કાલિપ્રસાદે ઉતાવળ ન હોવાનું જણાવીને વાત ટાળી.કાલિપ્રસાદ અને એના માણસો વિદાય થયા.થોડીકવાર બાદ જોસેફ ના સાથીએ એમનો પીછો કર્યો. જોસેફ ટ્રકની તપાસ કરવા રોકાયો. જોસેફ ના સાથીએ જણાવ્યું કે ત્રણમાંનો એક માણસ ટેક્ષી પકડતો હતોઅને બીજા બે બસસ્ટોપ પર ઉભા હતા. એણે ટેક્ષી નો પીછો કરવાનું નક્કી કર્યું. જોસેફને પણ એ ઠીક લાગ્યું.

 

ત્રિશુળને મોકલેલા ફોટા પરીક્ષિતને પણ સેલફોન મારફતે મોકલાયા. પરીક્ષિત  દિલ્હીની ફ્લાઇટ પકડવાની તૈયારીમાં હતો.એણે વામન ને ફોટા બતાડ્યા અને તરત જ વામન ની આંખ ચમકી.ત્રણમાંના બે ની તો ફાઈલ બનાવી હતી. વાહીદ અને વઝીર. કાલિપ્રસાદ ની ખાતરી નહોતી.દાઢીમૂછ વગરનો પીટર હોય તેમ લાગ્યું.પરીક્ષિતે જોસેફને ફોન જોડ્યો ત્યારે જોસેફ ટ્રક ની તપાસ કરતો હતો.પરીક્ષિતે જોસેફ ની કામગીરીની પ્રસંશા કરી. વાતચીત પરથી એમ લાગ્યુંકે જોસેફ ને કેદ કરનાર આ જ માણસો હતા.કાલિપ્રસાદ અને પીટર , બે નામધારી એક જ વ્યક્તિ હોવાની માન્યતા દ્રઢ થઇ.અચાનક મળેલી સફળતાથી પરીક્ષિત પ્રસન્ન થયો.એક દિશા મળી. આગે આગે દેખા જાયેગા.પણ કોઈ ઉતાવળા અનુમાન બાંધવાનું એને પસંદ નહોતું.હોમ મિનિસ્ટર ને પણ આ પ્રગતિથી આશા બંધાશે એમ લાગ્યું. પરીક્ષિતનો  રાજકારણીઓ પર નો પ્રેમ સબળ નહોતો. એના હિસાબે મોટાભાગ ના રાજકારણીઓ મતલબી હતા. દેશ અને પ્રજાનું હિત જાળવવા કરતા, સત્તાને વળગવું ખુરશી જાળવવી, અને મબલખ માલમત્તા મેળવવામાં જ એમને રસ હતો. પરીક્ષિતે દેશ ના બંધારણ ની રક્ષા કરવાના શપથ લીધા હતા જેમાં વ્યક્તિ  ગૌણ હતી.નેતાઓ, અમલદારો, સામાન્ય પ્રજા અને દેશ ના હિત ને પ્રાધાન્ય આપે તો કલિયુગ ની દશા બેસી જાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: