ભીંતર ના વ્હેણ પ્રકરણ:૨૧

S.Gandhi

સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ પ્રકરણ:૨૧

ગૌતમ દીવાને અણુકેન્દ્રના સમગ્ર સ્ટાફની ફાઈલો સાથે પોતાના સિકયુરિટી

ઓફિસરને હાજર થવા જણાવ્યું. સિકયુરિટી ઓફિસર તન્વીર વાધવા ની કારકિર્દીની શરૂઆત થઇ હતી, સી.બી.આઈ.માં. એની કાર્યદક્ષતા

અને નિપુણતાને કારણે સફળતાનાં સોપાન સર કરીને એણે નામના મેળવી હતી.

પદ્ધતિસર કામગીરી બજાવનાર  તન્વીર ઘણીવાર ગૂંચવણભર્યા મામલાઓના

નિરાકરણમાં અંતરનો સાદ પણ સાંભળતો. તન્વીર અને પરીક્ષિત

એકબીજાથી અપરિચિત હતા. ગૌતમે એમની ઓળખાણ કરાવી. તન્વીર

મુદ્દાની વાત પર આવ્યો. એણે સ્ટાફની ફાઈલો ખુબ ઝીણવટથી તપાસી

હતી. પ્રત્યેક વ્યક્તિની હિલચાલનો હિસાબ તપાસ્યો હતો.પરંતુ કોઈ

સંશયાત્મક બાતમી મળી નહોતી. તન્વીરના માનવા પ્રમાણે યુરેનિયમના

કાફલાની વિગતો ગૌતમ દિવાનની ઓફિસમાથી જ ચોરાઈ હતી. છેલ્લા

પંદર દિવસની ગૌતમની ઓફિસના સર્વેલન્સ કેમેરામાં ઝડપાયેલી ટેઈપ

અને એક વિડિઓ મોનિટર પણ એ સાથે લાવ્યો હતો.

ગૌતમની ઓફિસમાં ગોઠવાયેલો કેમેરા મોશન ડિટેક્ટર સેન્સર

દ્વારા સંચાલિત હોવાથી કોઈ

પણ પ્રકારની હલચલ થાય એટલે તત્ક્ષણ સક્રિય બનતો. એમાં તારીખ

અને સમય ની નોંધણી પણ આપોઆપ જ થતી.

ગૌતમના મુલાકાતીઓની યાદી સાથે ઓફિસમાં થયેલી

 

અવરજવરનો તાળો મેળવાયો. અન્ય કર્મચારીઓની અવરજવર પણ

ધ્યાનમાં લેવાઈ. એકાએક તન્વીરે ટેઈપ સ્થગિત કરી. ઔડ્રી સાંજના

સમયે ગૌતમની ઓફિસમાં દાખલ થઇ હતી.સ્લો મોશનમાં ટેઈપ

આગળ ચલાવી. એ ફાઈલ કેબિનેટમાંથી એક દસ્તાવેજ કાઢતી હતી.

બીજી ફ્રેઇમમાં ઔડ્રી  દસ્તાવેજની ફેક્સ મશીનમાં કોપી કરતી દેખાઈ.

દસ્તાવેજ કેબિનેટમાં પાછો મુક્યો બનાવેલી કોપીને ઔડ્રી એ  પોતાના

બ્લાઉઝ માં સુરક્ષિત કરી કારણકે નારીના વક્ષઃસ્થળની આમન્યા હજુ

જાળવવામાં  આવતી હતી.  એનો જાહેરમાં મર્યાદાભંગ અપવાદરૂપેજ  થતો.

ઔડ્રી  નું ડાબું પડખું દસ્તાવેજને આવરી રહ્યું હોવાથી ક્લોઝ અપ માં વધુ

ઘટસ્ફોટ ન થયો. પરંતુ પાછી મુકાયેલી ફાઈલ ક્લોઝ અપ માં સ્પષ્ટ દેખાતી હતી.

ફાઈલનો ક્રમાંક લેબલ પર સ્પષ્ટ હતો. ક્રમાંકની યાદી માં નોંધ્યા મુજબ  ફાઈલમાં

યુરેનિયમ કાફલાની વિગતો હતી. તન્વીરે બાકીની ટેઈપ નું નિરીક્ષણ પૂરું કર્યું:જેમાં

કૈં વાંધાજનક નહોતું.

પરીક્ષિત ગૌતમની ઓફિસેથી નીકળીને સીધો પોતાની ઓફિસે

ગયો અને ત્રિશૂળના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની મિટિંગ બોલાવી.

અત્યારસુધી પ્રાપ્ત  થયેલી બાતમીનો તાળો  મેળવાયો. હવે  પછી  લેવાના પગલાંની

વિચારણા થઇ. સર્વાનુમતે ઠરાવવામાં અવ્યુકે ઔડ્રી ઉપર સાવધાનીપૂર્વક નજર રાખવી;

એને કોઈ પણ જાતનો એ બાબતનો અણસાર ન આવવો જોઈએ. સાથે સાથે એ પણ

નક્કી કરાયું કે જોસેફ અને એના સાથીદારે સિરાજના કારખાનામાં રંગાઈ  રહેલી ટ્રકનો

કબ્જો લેવા આવનાર ગ્રાહક ઉપર પણ ચાંપતી નજર રાખવી.મુખ્ય આશય હતો

ચુપકીદીથી માહિતી એકત્ર કરવાનો. કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી ન

બજાવવાથી અસાવધ શકમંદ વ્યક્તિઓની પહોંચ, લાગવગ કેટલી  વિસ્તૃત છે એનો

અંદાજ લગાવી શકાય.અંતે યોગ્ય સમયે સમગ્ર

ષડયંત્રનો પર્દાફર્શ કરવો. મિટિંગ પતાવી અને પરીક્ષિતે માધવન અને

પ્રાઈમ મિનિસ્ટરને બધો અહેવાલ આપ્યો.

 

પરીક્ષિતનો ખાનગી ફોન રણક્યો. ચારુદત્ત ઉર્ફે ઝફરનો અવાજ સાંભળીને

પરીક્ષિત ના કાન સરવા થયા. ચારુદત્ત ની બાતમીએ એને વધુ ચોંકાવ્યો.

ચારુદત્તના જણાવ્યા મુજબ સુલેહશાંતીના કરારનામા ઉપર સહીસિક્કા

થવાના દિવસે , કોઈક કાવત્રાબાજ જૂથ એકત્રિત થયેલા નેતાઓની હત્યા

કરશે. એવી બિનસત્તાવાર બાતમી એની જાણમાં આવી હતી.

આ વિરોધી જૂથને ટેકો આપનાર કોણ છે એની તાત્કાલિક શોધ

કરવાની ભલામણ કરી. પરીક્ષિતે બનતો પ્રયત્ન કરવાની ખાત્રી

આપીને ફોન મુક્યો. પરીક્ષિતના ચિંતિત  ચહેરાની રેખાઓ વધુ સખ્ત થઇ.કરારનામાની

તારીખ નક્કી થઇ ગઈ હતી; બે મહિનાનો ગાળો હતો. ક્ષણભર માટે પરીક્ષિતને અધીરાઈ

આવી ગઈ. શું સમયની દોડ એને મ્હાત તો નહીં કરે ને? એ પણ પ્રતીત થયું કે

બાંગ્લાદેશના હાઈ કમિશન ઉપર બારીકાઈભરી નજર રાખવી.

કદાચ આ ગૂંચવણનો ઉકેલ ત્યાંથી મળી આવે.

 

ત્રિશૂળના કાર્યકરો માટે આવી પરિસ્થિતિઓ નવી નહોતી. પરીક્ષિતે

ત્રિશૂળ ના એક અનુભવી  અફસર વિનાયક ભંડારીને બોલાવીને બાંગ્લાદેશ

હાઈ કમિશનનો મામલો સોંપ્યો. એ પણ તાકીદ કરી કે આ કામગીરીનો

અહેવાલ એના સિવાય બીજા કોઈને પણ આપવનો નહીં. વિનાયક

અનુભવની એરણ ઉપર ટિપાઈ ટિપાઈ ને ઘડાયો હતો.

વિનાયકનું ભણતર શાળાઓમાં નહીં પણ શેરીઓમાં થયું હતું.

પરિણામે એનામાં એક પ્રકારની હૈયાસૂઝ, ચાલાકી, અને સાવધાનીનો

સંગમ થયો હતો. એક જાસૂસ તરીકે વિનાયકે અનન્ય કામગીરી બજાવી હતી.

ભાસ્કર ચૌહાણ ની નજરે ચઢ્યો ત્યારથી ત્રિશૂળ નો હિસ્સો બની ગયો હતો.

એટલે પરીક્ષિતને ખાત્રી આ કામ માટે વિનાયક સુયોગ્ય હતો.

વિનાયક પણ પરીક્ષિતનો વિશ્વાસ સંપાદન કરવાની તક ઝડપી લેવા ઉત્સુક હતો.

આ બાજુ જોસેફ એ દુકાનના વિચારોમાં ડૂબી ગયો હતો. ઘરે પહોંચ્યા

પછી પણ એ દુકાનના વિચારોને ખંખેરી ન શક્યો. દુકાનનું નામ હતું

આઝાદ ઈમ્પોર્ટસ;અને એ નામ એના મનઃચક્ષુઓ સમક્ષ તરવરી રહ્યું હતું.

સત્તાવાર બાતમીને આધારે તો એનું  અસ્તિત્વ ક્યારનું આથમી ગયું હતું.

કોણજાણે કેમ પણ દુકાન રહસ્યમય લાગી. એણે ઊંડી તપાસ કરવાની

મનોમન નોંધ કરી. એમ પણ નક્કી કર્યું કે એ સ્વયં આઝાદ ઈમ્પોર્ટસ ની

મુલાકાતે જશે. જો તપાસમાંથી નવું કશું જાણવા મળે તો પરીક્ષિતને વાત

કરવી.

પીટર સવારે ઉઠ્યો અને પ્રાતઃકર્મોથી  પરવારીને આઝાદ

ઈમ્પોર્ટસ જવા નીકળ્યો. પીટર એક તાલીમબદ્ધ સાવધ માણસ હતો.

પીટર દુકાનથી થોડેક જ દૂર હતો ને એણે દુકાનમાં જતા પહેલા આસપાસના

વિસ્તારમાં એક લટાર મારવાનો વિચાર કર્યો. દુકાનમાં પ્રવેશ્યા વગર  દુકાનની આસપાસ ચારે તરફ સાહજિક પણ સાવધાનીથી

અવલોકન કર્યું. રસ્તાની સામેની બાજુએ બસસ્ટોપ પર ત્રણ

માણસો લાઈનમાં ઉભા હતા.

માણસોની સાધારણ અવરજવર અવિરત ચાલુ હતી.

પેલા ત્રણ માણસોમાંથી એક જરાક અજુગતો લાગ્યો.

એ માણસની વ્યાપક નજર આખા વિસ્તારને આવરી રહી હતી. થોડેક દૂર

જઈને રસ્તો ઓળંગીને પીટર સામી બાજુએ ગયો અને પાછો વળ્યો.એક બસ આવી.

રાબેતામુજબ પેસેન્જરોની ચઢઉતર થઇ અને બસ રસ્તે પડી. પીટર બસસ્ટોપ

પાસેથી પસાર થયો ત્યારે પેલો સશકમંદ માણસ ત્યાંજ ઉભો હતો! પીટરના

મગજના ચક્રો ગતિમાન થયા. બે શક્યતાઓ લાગી; એક તો બસ,એવ્યક્તિને જ્યાં

જવું હશે ત્યાં નહીં જતી હોય અને બીજી એ કે આ માણસે કોઈ પ્રકારની દેખરેખ

રાખવા માટે અહીં અડ્ડો જમાવ્યો હોય! પીટરના મગજમાં પ્રશ્નોની હારમાળા ચાલુ થઇ.

કોની હિલચાલ? કોની દેખરેખ? શા માટે? એને

તાલાવેલી થઇ. આ વાતનો નિવેડો લાવવાનો નિર્ણય કર્યો.થોડુંક ચાલીને

એક રેસ્ટોરન્ટ માં જઈને  બસસ્ટોપ પર નજર રાખી શકાય એવી ખુરશી

પર બેઠો. ચાનાસ્તો ઓર્ડર કર્યો. નાસ્તો પત્યો તો ય પેલો માણસ ત્યાં જ

અડીખમ હતો! પીટર આગલા દિવસનો તાળો મેળવી રહ્યો હતો. કદાચ

કાલિપ્રસાદ નો પીછો કોઈ કરતું હોય? એનો સંશય દ્રઢ થયો કારણકે

કાલિપ્રસાદ દુકાન માં જઈને પીટર બનીને નીકળેલો. હાલ પૂરતું કાલિપ્રસાદને

પ્રગટ ન કરવાનો નિર્ણય લઈને પીટર બિલ ચૂકવીને બહાર નીકળ્યો.

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: