“પ્રવીણ શાસ્ત્રીની અધુરી વાર્તા – ૨” ગુજરાત દર્પણ

New photo 1

“પ્રવીણ શાસ્ત્રીની અધુરી વાર્તા – ૨”

ગુજરાત દર્પણ

૮ માર્ચ એટલે ‘વુમંસ ડે’, વુડબ્રીજ સીનીયર એસોસિયેશનના વુમંસ લીંગના નેજા હેઠળ, કો-ઓર્ડીનેટર શ્રીમતિ ભગવતી શાહ સાથે અનસુયાબહેન અમીન અને તેમની ટીમે “ગોલ્ડન એરા ડે કેર”માં સાંજના પાંચ વાગ્યાથી એક સોસિયલ ડિબેટનો પ્રગ્રામ યોજેલ.

આ પ્રોગ્રામમાં પચાસ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાત તરીકે સુશ્રી રમાબેન મુકુંદભાઈ ઠાકર હતાં. સાથે “અકિલા”ના પ્રતિનિધિ દિપ્તીબેન જાની, ‘ગુજરાત ટાઈમ્સ” ના પ્રતિનિધિ સૈલુબેન દેસાઈ તથા ટીવી એશિયા તરફથી મદનભાઈ ખાસ પધાર્યા હતાં. બ્રાહ્મણ સમાજ ઓફ યુંએસએના લીનાબેન ભટ્ટ, સ્વજનના મીનાબેન શાહ અને અન્ય સંસ્થાની બહેનો હાજર રહી હતી.

 

આ સભામાં ચર્ચા માટે પ્રવીણ શાસ્ત્રીની નીચેની અધુરી વાર્તાનું પઠન કરવામાં આવેલ હતું.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રવીણ શાસ્ત્રીની અધૂરી વાર્તા

‘લીના હવે કેમ છે?’

‘ડોક્ટર, શરીરનું પુછો છો, કે મનનું? મનથી તો હું મરી જ ચૂકી છું.’

‘અત્યારે તો શરીરનું જ પુછું છું? આર યુ ઓલ રાઈટ?’

‘ડોક્ટર કાર્તિક, શા માટે મને બચાવી? મરવા દેવી હતી ને?’

‘એ મારી જોબ હતી, મારી જગ્યાએ તને ન ઓળખતો કોઈ આલતુ ફાલતુ ડોક્ટર હોત તો તે પણ તને બચાવતે. ફરગેટ ઈટ, ડોક્ટર તો શું, તારા જેવી જ કોઈ પ્રેક્ટિશનર નર્સ હોત તો તેણે પણ એ જ કર્યું હોત, સોરી, તને મરતાં ન આવડ્યું એટલે તું જીવી ગઈ. ભગવાને તને જીવાડી છે. હવે જીવવું એ તારે માટે ફરજીયાત છે.’ ડોકટર કાર્તિકે હસતાં હસતાં લીનાને કહ્યું. ‘યુ મસ્ટ લીવ. યુ હેવ નો ચોઈસ. ધેર ઈઝ ઓન્લી વન લાઈફ ટુ લીવ.’

‘પણ કેવી રીતે જીવુ? શા માટે જીવું?’

આ સંવાદ એક જાણીતી હોસ્પિટલના ઇમર્જંન્સી રૂમમાં થયો હતો.

[હવે આપણે લીનાના સવાલનો જવાબ શોધવાનો છે. તે પહેલાં આપણે લીના અને તેની વાત જાણી લઈએ. આ પણ પ્રવીણ શાસ્ત્રીની એક અધુરી વાર્તા છે. આપણા સમાજની જ આ વાત વાર્તા બનીને આપણી સામે આવી છે. તો આપણે સમજીએ કે વાત શું છે.]

લીના આ જ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. ડોક્ટર કાર્તિક ER ડોક્ટર હતા. બન્ને એક બીજાને પ્રોફેશનલી ઓળખતા હતા, લીનાએ કોઈ દવાનો ઓવર ડૉઝ લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતૉ પણ તરત સારવાર મળતાં બચી ગઈ.

[ચાલો આપણે લીનાની આપવીતિ એને મોઢે જ સાંભળીયે.]

મારું નામ લીના. મનિષ અમારો પાડોસી. નાનપણથી જ અમે સાથે રમેલા અને મોટા થયેલા. હું નીચી અને વજનમાં હોવું જોઈએ તે કરતાં વધારે વજનની શ્યામળી. સીધી સાદી મણીબેન. મનિષ હેંડસમ અને રંગીલો.

મારા ભાઈ ભાભી અહિ અમેરિકામાં ડોક્ટર છે. મેં ભાઈની સલાહથી ઈન્ડિયામાં નર્સિંગનો કોર્ષ કર્યો હતો. ભાઈએ મારી પેટિશન ફાઈલ કરી હતી. મારો પાડોસી મનિષ કોઈ બીજી છોકરી સાથે હરતો ફરતો હતો. મને અમેરિકાના વીઝા મળ્યા. અમે પાડોસીના પરિવાર સાથે બેઠા હતા. મેં હસવામાં પુછ્યું; ‘મનિષ અમેરિકા આવવું છે? જો મારી સાથે લગ્ન કરે તો તને અમેરિકા લઈ જાઉં

 

માનશો નહિ, એણે તરત કહ્યું ચાલ કાલે કોર્ટમાં જઈને લગ્ન રજીસ્ટર કરાવી લઈએ.’

 

મેં પુછ્યું આર યુ સિરિયસતારી ગર્લ ફ્રેંડનું શું

 

‘ના ના, એ કાંઈ મારી કાયમની ગર્લ ફ્રેંડ નથી. ખાલી દોસ્ત જ. એવી દોસ્ત તો મને અમેરિકામાં ઘણી મળી રહેશે. મિસિસ મનિષ તો તું જ.’

 

હા જોક ન્હતો કરતો. મને તો ગમતો હતો. મને તો બગાસું ખાતાં પતાસુ મળી ગયું. અમારા બન્ને પરિવારની પણ સહમતી હતી. સાદાઈથી આર્યસમાજની રીતે અમારા લગ્ન થઈ ગયા. અમે અમેરિકા આવી ગયા. મને મારા ભાઈની ઓળખાણથી નર્સની નોકરી મળી ગઈ. મનિષ પણ એક ઓફિસની નોકરીમાં ગોઠવાઈ ગયો. અમારો સંસાર સુખી હતો. એ સ્વભાવથી રમુજી હતો. ઓફિસમાં પણ ઘણી છોકરીઓ એની મિત્ર હતી. મને એનો વાંધો ન હતો. હોસ્પિટલમાં હું પણ ઘણાં પુરુષો સાથે કામ કરતી જ હતી.

 

હું એક દીકરીની મા બની. મારે કોઈક વાર દશ દશ કે બાર બાર કલાકની શિફ્ટ આવતી. હું મારી જોબ પર હોઉં ત્યારે મનિષ મારી દીકરીની સારી કાળજી રાખતો. અમે સુખી હતા. પણ મારા નસીબમાં સુખ કાયમનું હતું.

 

દીકરી મેડિકલ કોલેજમાં ગઈ અને ડોર્મમાં રહેતી થઈ. મારી જોબમાં મારી જવાબદારી વધતી ગઈ. ટેન્શન પ્રેસર પણ વધારે રહેતું. મેનાપોઝનો સમય હતો. મારી સહશયનની ઈચ્છાઓ મરી પરવારી હતી. મનિષની માંગણીઓ વધતી હતી. હું અનિચ્છાએ પણ બને તેટલો સહકાર આપતી. પણ હું હવે હું બાવીસની હતી. બાવીસનો ઉન્માદ નહતો. હું બાવનની હતી.

 

મનિષને મિડલાઈફ ક્રાઈસિસે બહેકાવ્યો. છાનોમાનો પોર્ન મૂવી જોતો થયો. પછી મારી હાજરીમાં જોતો થયો. મારી જાણ બહાર પ્રોસ્ટીટયૂટ પાસે જવાનું શરૂ કર્યું. મને ખબર પડી. એણે માફીઓ માંગી. દીકરીના સોગન ખાધા. થોડો સમય સારો ગયો. એક દિવસ ખબર પડી કે ઓફિસની કોઈ છોકરી સાથેના લફરામાં એણે નોકરી ગુમાવી. ફરી પાછું સોરી. અને ફરી ચક્ર ચાલું થયું. એ નફ્ફટ થઈ ગયો. હવે એને મારામાં રસ નહતો. ગોરી ચામડીનું વ્યસન લાગ્યું હતું.  મેં ડિવૉર્સની ધમકી પણ આપી. એણે ફરી માફી માંગી.

 

દીકરીનું મેડિકલનું છેલ્લું વર્ષ હતું. મારે નોકરી કરવી પડે એમ હતી. એની પાસે નોકરી હતી. મારી દીકરીને બાપના ચારિત્ર્યની ખબર હતી. દીકરીને મનિષને માટે માન અને પ્રેમ હતો.

 

અત્યારે મારી દીકરી બે વીકનું વેકેશન લઈને આવી છે. ગયા અઠવાડિયે ગુન્ડા જેવા બે માણસો અને એક પંદર વર્ષની છોકરી એક વિડિયોની કોપી લઈને આવ્યા. જેમાં પંદર વર્ષની સગીર છોકરી સાથે મનિષનો વિકૃત વિડિયો હતો. છોકરીએ એને ફસાવ્યો હતો. એઓ પાંચ લાખ ડોલર માંગતા હતા. ક્યાં તો પાંચ લાખ ડોલર ક્યાં તો પોલીસ. સગીર સાથે રેપનો કેશ અને લાઈફ સેન્ટન્સ. ક્યાં તો કાયમની બ્લેક મેઈલિંગની સતામણી. દીકરીએ બાપની વાત જાણી. કહે કે આપણે પોલીસને ખબર આપીએ ભલે પાપા જીવનભર માટે જેલમાં જાય. તું ડિવૉસ લઈ લે. મને સમજાયું નહિ કે શું કરું. આખરે એ મારો પતિ હતો. નાનપણથી જ મને પ્રેમ હતો. દારુ અને ડ્રગનું એડિક્શન હોય છે એમ સેક્સનું પણ એડિક્શન હોય છે. બીલ કોસ્બીને હતું. બીલ ક્લિંટનને હતું. આસારામ અને એના દિકરાને હતું. એવું જ મારા મનિષને છે.

 

          બાપ-દીકરી બહાર ગયાં હતાં. બસ મેં મરવા માટે મને અનુકૂળ આવતી દવાનો લેથલ ડોઝ લઈ લીધો. પણ દીકરી ઘરે જલ્દી આવી ગઈ. એણે મને હોસ્પિટલમાં દાખલ કરી. હું મરી શકી. બચી ગઈ.

 

હવે ડોક્ટર કાર્તિક કહે છે કે મારે જીવવું પડશે. પણ મારો સવાલ છે શા માટે? મારે જીવવું તો કોને માટે?  કેવી રીતે?  છે તમારી પાસે જવાબ?  જો તમે મારી જગ્યાએ હો તો શું કરો?

 

*****

બહેનો ચાલો સવાલોના જવાબ લીનાને આપીએ. એને જીવવાનો રસ્તો બતાવીએ. અમેરિકા છે. અમેરિકન કલ્ચર માટેના જે જવાબો હોય તે અમેરિકામાં રહેલા ભારતીય સમાજને લાગુ પડી શકે? એક ગંભીર વિષય છે.

 

જવાબો આપી અધુરી વાર્તા પૂરી કરીએ.

 

૦૦૦૦૦૦

 

સમયના અભાવે બહેનોને ચર્ચાનો જવાબ “ગુજરાત દર્પણ” પર મોકલવાનું કહેવામાં આવ્યું હતું. ઘણી બહેનોના જવાબ મળેલા. લગભગ દરેક બહેનો પ્રતિભાવ ‘આપઘાત તો ન જ કરવો જોઈએ અને જે ગુનો કરે છે, દાંપત્ય જીવનમાં દગો કરે છે તેને શિક્ષા થવી જ જોઈએ’ તે મુજબના હતાં. સ્થળ મર્યાદાને કારણે ચર્ચાની બધી વિગતોનો સમાવેશ નથી થયો પણ ત્રણ બહેનોના જવાબો અત્રે પ્રસિદ્ધ કરેલ છે. એમાં લેખક શ્રી પ્રવીણ શાસ્ત્રીને વાર્તા પુર્તી માટે શ્રી ઈલાબેન રમેશ શાહ

[૭૩૨ – ૮૪૧ – ૦૭૯૧] નો “દીકરી સાથેનો સંવાદ” ગમ્યો છે.

 

ઈલા બહેનને વાર્તા પુર્તી માટે ધન્યવાદ.

તો હવે આગળવાંચો –

 

‘મોમ હવે રડવાનું નથી. ભગવાને તને મારે માટે બચાવી લીધી છે. તારા પ્રેમ અને સપોર્ટ તો મારી જીંદગીના બે હાથ છે. લીનાનો હાથ પકડી એ બાજુમાં બેસી ગઈ. મમ્મી એક વાત પુછું?  તેં આત્મહત્યાનો નિર્ણય લેતાં પહેલાં સહેજ પણ વિચાર ન કર્યો! તું આટલી ભણેલી , ગણેલી ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતી, કે જે બીજા માટે આદર્શરૂપ બને છે, અને તે આવો ક્ષણિક આવેશમાં આપઘાતનો નિર્ણય લીધો?

 

હું માનું છું કે ડેડીની ભૂલ છે. હું એ પણ માનું છું કે તને આઘાત લાગ્યો છે કે આ વાતની દીકરીને ખવર પડી ગઈ. હવે હું એને શું મોઢું બતાવીશ! મમ્મી તું ભૂલી ગઈ કે હું પણ મેડિકલ ડોક્ટર છું; અને આવી વાત મારાથી વધારે કોણ સારીરીતે સમજી શકશે. આપણે બન્ને એકબીજા સાથે અને એકબીજા માટે જીવવાનું છે. મમ્મી એક ખાસ વાત; અત્યાર સુધીની આખી જીંદગી તું મારા અને ડેદી માટે જીવી. હવે તારે તારા માટે  પણ જીવવાનું છે. જો એને એના કર્મોની સજા મળીજ ગઈ ને? આ ઉમ્મરે ડેડીએ સમાજમાં ઈજ્જત અને માન બન્ને ગુમાવ્યા. વધુમાં બાકીની જીંદગી જેલમાં જ ગુજારશે.’

 

‘મમ્મી, હવે હું તારી સાથે જ છું. મને પણ તારી જેમ ડેડી એટલાજ વ્હાલા હતા; પણ એમના પોતે કરેલા દાંપત્ય જીવનના દ્રોહની સજા ભોગવવી જ જોઈએ. હવે આ વખતે તારી વારંવારની માફી નહિ મળે – બરાબરને. !’

 

‘ચાલ જલ્દી જલ્દી સ્વસ્થ બની જા. આપણે બન્ને સાથે મળીને આગળની સફર ખૂબ જ સમજદારીથી વિતાવીશું; અને આપને સમાજમાં આ રીતે સહન કરતી બીજી સ્રીઓને જાગૃત કરવાની છે. સજા કરવાના બહાદુર નિર્ણય લેવા  માટે તૈયાર કરીએ.’

 

‘લીના હવે કેમ છે?’ ડોક્ટર કાર્તિક એમનો રાઉન્ડ પુરો કરી ફરી મળવા આવ્યા. કાર્તિકે લીનાના ચહેરા ઉપર સહેજ સ્મિત જોયું. ‘મને લાગે છે કે તને તારા પ્રશ્નોનો જવાબ મળી ગયો’

 

‘હા ડોક્ટર, આ મારી દીકરી મીલીએ મને જાગૃત કરી. મારી  આંખો પરથી લાગણીની પટ્તીઓ ખોલી નાંખીને મને વાસ્તવિક દુનિયામાં લઈ આવી. હવે હું મારા ભવિષ્યને સાફ જોઈ શકું છું. મારો આત્મહત્યાનો નિર્ણય ખોટો હતો. હવે હું સમાજની મારા જેવી પિડિત સ્ત્રીઓને જાગૃત કરવા માટે જીવીશ. મારી દીકરી સાથે મારી આ નવી સફર મને દુર લઈ જશે.

૦૦૦૦૦૦૦૦૦

 

ઈંદિરાબેન પારેખ (૭૩૨-૨૮3-૩૫૬૭) નો પ્રતિભાવઃ

 

સૌપ્રથમ તો આવી ડિબેટ શરૂ કરનાર ભગવતીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ઘણાં પોતાના જીવનમાં આવેલ ચઢાણ અને ઉતારને  ન જીરવી શકતાં જીવનનો અંત આણવાનો નાદાનીયતભર્યો પ્રયાસ કર્યો. પણ આપણા શાસ્ત્રોક્ત પ્રમાણે જન્મ અને મરણ ની લગામ પરમાત્માએ પોતાના હાથમાં રાખી છે.

 

આ વાર્તામાં લીનાના નસીબમાં મરવાનું નથી લખ્યું અને એ બચી ગઈ. હવે જ્યારે એ બચી ગઈ છે તો નારીશક્તિને ઉજાગર કરવાનો તેને સંપૂર્ણ અવસર પ્રાપ્ત થયો છે. સંસારમાં નારીશક્તિના અમાપ દાખલાઓ જોવા મળે છે.

 

સંસારમાં નાસીપાસ થયેલી બહેનોએ પોતાના જીવનની હવે પછીની કારકિર્દિ ઉપરથી સચોટ દાખલો મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. પોતાના સંતાન, પોતાની દીકરી જે મેડિકલનો છેલ્લા વર્ષનો અભ્યાસ કરે છે તેના જીવનમાં એક તેજ બિંદુ બનીને સાથ સહકારથી પ્રોત્સાહિત કરવી જોઈએ.

 

અને શા માટે જીવવું, તો તેના જવાબમાં સમાજમાં દાખલા રૂઓઅ બનવા – પોતાના સંતાન માટેના જીવનને ઉજાગર કરવા જો જીવીએ છીએ તો પોતાના “સ્વયંના જીવન”, હવે પછીનું શેષ જીવન ઉત્સાહ પૂર્વક જીવી લેવું જોઈએ.

 

આધ્યાત્મિક રીતે વિચારીયે તો ચોર્યાસીલાખ ફેરા બાદ પૂર્વજન્મના મહાપૂન્ય યોગે પરમાત્માએ માનવ પદવી આપી છે. તો આ પદવીને એળે કેમ જવા દેવાય. આથાના ઉધ્ધારમાટે દેવોને પણ મનુષ્ય જન્મ લેવો પડે છે. તો મારા ખ્યાલથી કોઈએ આ ભવનો ફેરોઅફળ જવાદેવાની ભૂલ ન કરતાં, જાગૃતતા કેળવવી જોઈએ. કદાચ મોક્ષ પ્રાપ્ત કરી શકીયે કે ન કરી શકીયે પણ સદ્ગતી પ્રાપ્ત કરવાના પ્રયત્નો તો જરૂર કરી શકીએ. તો હવે પચીનું બાકીનું જીવન જ્ઞાની પુરુષોના સાનિદ્ગ્યમાં આત્માને ઉંચાઈ ઉં લઈ જવાના પ્રયત્નો જરૂર કરવા જોઈએ.

 

***

          એક અજ્ઞાત બહેનનો પ્રતિભાવઃ

 

મારા મત મુજબ મનિષને સજા થવી જ જોઈએ. તેને બચાવવા પાંચ લાખ ડોલર તો શું પણ પાંચ ડોલર પણ ખર્ચવા જોઈએ નહિ. એક ઐયાસી જીવન માટે ભર્યાભાદરા કુતુંબને નષ્ટ કરતો આ પ્રયાસ સમાજને બોધ આપે છે.

 

આજે મને જૂની ‘મધર ઈન્ડિયા” મૂવીની યાદ આવે છે. નરગીસ પોતાના જ દીકરાને ગામની જ દીકરીને બે ઈજ્જત કરવાના ગુના માટે જાતે દીકરા ઉપર બંદૂકની ગોળી મારી, મારી નાંખે છે. તેમ લીનાએ પણ પોતાના પતી મનીષની સજા માટે સહેજેય દયા રાખ્યા વગર કોર્ટ જે સજા કરે તે મંજૂર રાખી તેને જેલમાં જ મોકલવો જોઈએ. કુટુંબ માટે લીનાએ જે ભોગ આપ્યો છે; રો જે રોજ ૧૨ થી ૧૬ કલાક કામ કરીને કુટુંબને સાચવવું અને સાથે સાથે પોતાની જેમજ  ડોક્ટર બનાવવાની ઈચ્છા છે અને તે માટે દિવસ રાત કામ કરે છે.

 

આ વાર્તા બીજી એક રીતે બોધ દાયક બને છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે બે ટંક ખાવા મળે તેનાથી સંતોષ પામતો નથી. સમાજમાં રહેલા માનવીઓ હંમેશા સામાન્ય રીતેગૃહસ્થીના નિયમોને જાળવતા હોય છે. પણ દરેક પુરુષ સંયમી પણ હોતા નથી. સ્ત્રીઓને માથે બેવડી જવાબ દારી હોય છે.  એક ઘરને સાચવવાનું અને બીજું એટલું જ મહત્વનું વરને સાચવવાનું. બહેનોએ ખાસ કામ અને ઘરની સાથે પરસ્પરના પ્રેમને પણ એટલો જ જીવંત રાખવો જોઈએ.

 

હવે જ્યારે મનીષે લીનાને મનથી ખુબ જ દુઃખ આપ્યું છે; જેને લીધે તે અમેરિકા આવ્યો તે પણ તે ભૂલી ગયો છે. લીનાએ તેને સાચવ્યો છે. પોતે થાકીને પણ પતિ અને દીકરી માટે ભોજન સાથે સર્વ કામની જવાબદારી તે નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તેવા સંજોગોમાં મનિષે તેને બને તે કામમાં મદદ કરી તેને લાગણીથી તરબદર કરવી જોઈએ. તેના કરતાં તે તદ્દન ખોટું જ આચરણ કરે છે. એટલે સમાજમાં આવા કિસ્સા ન બને તે માટે હવે તેને જેલમાં મોકલી તેની દીકરીના ભવિષ્યને બચાવવું જોઈએ.

 

          મારું એક સૂચન છે.  જો આ ડિબેટનો સમય થોડો વધુ રાખી, આ સવાલ જવાબની ચર્ચા તે જ સમયે આવેલ બધી જ બહેનોની હાજરીમાં થાય તો આખી ડિબેટ જીવંત લાગશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: