ભીંતર ના વ્હેણ પ્રકરણ:૩૮

શ્રી સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ

                                                          પ્રકરણ:૩૮

 ખતીજાનો અંગરક્ષક ભાનમાં આવ્યો અને અસહાય અવસ્થા માંથી છુટકારો મેળવવાના ઉપાયો વિચારવામાં મનને પરોવ્યું. લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કામ હતું. બંદીવાન હાલતે હલનચલન  અને વાચા હરિ લીધા હતા પણ મગજ તો સતેજ હતું. જે ખુરશી સાથે એને જકડવામાં આવ્યો હતો તેણે ઉગરવાનો માર્ગ ચીંધ્યો. લાકડાની ખુરશીને કોઈ પણ રીતે તોડવાની હતી. અને ખુરશી તૂટી જાય તો હાથપગના બંધનોમાંથી પણ મુકયી મળી જાય. એક જોરદાર ઝાટકા સાથે આખા શરીરને હલાવ્યું પણ ખુરશીએ મચક આપી.ફરી પ્રયત્ન કર્યો અને સમતુલા ગુમાવીને ખુરશી અંગરક્ષક સાથે જ઼ પછડાઈ. એમને એમ ઢસડાતા ઢસડાતા દરવાજા પાસે પહોંચ્યો અને દરવાજા સાથે અથડામણ આદરી. થોડા સમય પછી કોઈકનું ધ્યાન દોરાયું અને દરવાજો ખુલ્યો. અંગરક્ષકે મુક્ત  થઈને ફરજ પર હાજર સિક્યુરિટી ઓફિસરને સમગ્ર બીના જણાવી. મકાનની બહાર ગોઠવેલા સર્વેલન્સ કેમેરાની ટેપ તપાસતા જણાયું કે કુરેશી અને ખતીજા કોઈક બે અજાણ્યા શખ્સો સાથે ખતીજાની કારમાં રવાના થયા હતા. કોણ હતા અજાણ્યા શખ્સો? ખતીજા અને કુરેશીનું શું થયું?

              પરીક્ષિત પણ ખતીજા અને કુરેશીનું શું કરવું, વિચારી રહ્યો હતો. બાંગ્લાદેશ હાઈકમિશનની સત્તાવાર કર્મચારીઓની યાદીમાં ખતીજા અને કુરેશીના નામ નોંધાયેલા હતા. બેઉં ડિપ્લોમેટિક ઈંમ્યુનિટીથી  સુરક્ષિત હતા. એમની ધરપકડ કરવા માટે સબળ પુરાવા હોવા અત્યન્ત જરૂરી હતા. માધવન સાથે મસલત કરીને નક્કી કરવામાં આવ્યું કે હાલ પૂરતા બન્નેને છોડી દેવા. આમેય એમના પર નજર તો રાખવામાં આવતી જ઼ હતી. ડો.લાખાણીએ સૂચના મુજબ અમુક રસાયણો દ્વારા કુરેશીની યાદદાસ્ત ખોરંભે ચઢાવી. ત્યારબાદ ખતીજા અને કુરેશીને નાયર હોસ્પિટલમાં ખસેડ્યા. ત્યાં ઇમર્જન્સી રૂમમાં એમને દાખલ કર્યા. એમને નડેલા અકસ્માતના  પોલીસ રિપોર્ટના આધારે બાંગ્લાદેશ હાઈકમિશનને અકસ્માતની જાણ કરવામાં આવી. ખતીજા ફરી એકવાર છટકી ગઈ.

         ખતીજા પણ જમાનાની ખાધેલ હોવાથી પરિસ્થિતિનું ગામ્ભીર્ય સમજતી હતી. એણે પીટર, વાહીદ અને વઝીરને ચેતવણી આપવાનું નક્કી કર્યું. આઝાદ ઈમ્પોર્ટસ મારફતે પીટરને સંદેશો પહોંચાડવા એક અનુચરને મોકલ્યો. પીટરને મોડી સાંજે સંદેશો મળતા જ઼ એણે એક નાનકડી બેગ તૈયાર કરી. ઑડ્રી કામ પરથી પાછી નહોતી ફરી એટલે એને જણાવવા માટે “ફક્ત તાકીદની પરિસ્થિતિ સર્જાઈ છે”, એટલું લખીને  એક ચબરખી એનું ધ્યાન ખેંચાય એવી જગ્યાએ ગોઠવી. ઘર બંધ કરીને પીટર રસ્તે પડ્યો. એની ચકોર આંખો ચારે બાજુ ફરતી રહી. સાંજનો સમય હોવાથી અંધકારનું આધિપત્ય જામતું હતું. અંધકારની ઓથ પીટરને પસંદ આવી.એવો બેધારી તલવાર જેવો અંધકાર ત્રિશૂળ ના કર્મચારી માટે પણ એટલો જ઼ રુચિકર હતો.

           પીટર એક સામાન્ય રાહદારીની જેમ ચાલતો હતો અને ત્રિશૂળ નો માણસ પણ એને અનુસર્યો. પીટરને બસમાં મુસાફરી કરવામાં સલામતી લાગી કારણકે ટેક્સીનો પીછો કરવો સરળ હતો. બસમાંથી ગમે તે સ્થળે અચાનક ઉતરીને પીછો કરનારને થાપ આપી શકાય. ત્રિશૂળનો માણસ અને પીટર બસસ્ટોપ પર લાઈનમાં જોડાયા. બસ થોડીક વર્મા જ઼ આવી ગઈ. બેઉં બસમાં બેઠા. ત્રિશૂળનો માણસ બસની પાછળના ભાગમાં બેઠો અને મોબાઈલ ફોનથી ત્રિશૂલને જાણ કરી. ત્રિશૂળનો માણસ ફોન પર હતો અને પીટર અચાનક ઉઠીને ચાલતી બસમાંથી જાનના જોખમે નીચે ઉતર્યો. રસ્તો ઓળગીને સામેની  બાજુએ જઈને એક ટેક્સીમાં બેસીને પલાયન થઇ ગયો. પીછો કરનારને થાપ આપવા માટેની ઇન્ટેલીજન્સની પ્રાથમિક તાલીમ હતી. ત્રિશૂળના માણસને જયારે ખ્યાલ આવ્યો ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. પીટર ટેક્સીમાં બેસીને , દાઢીમૂછનો  ત્યાગ કરીને કાલિપ્રસાદ બની ગયો. ત્રિશૂળનો માણસ કોઈ દાઢીમૂચ ધરાવતા માણસ નો પીછો કરી રહ્યો હતો! પીટર ઉર્ફે કાલિપ્રસાદ પણ હાથતાળી આપીને છટકી ગયો.

                 કુરેશી અને ખતીજાની ઈજાઓ ગંભીર નહોતી; જાણ્યા બાદ બાંગ્લાદેશ હાઈકમિશનનો સિક્યુરિટી ઓફિસર રફીક એમને મળવા ગયો. બેઉં ને  દેખાડવા માટે સર્વેલન્સની ટેપ પણ સાથે હતી. એણે ટેપ દેખાડી અને બે અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કર્યો.ખતીજા અને કુરેશી એમના વિષે કઈં જાણતા નહોતા.કુરેશીને વધુ પૂછપરછ કરતા ખતીજાની પૂછપરછ કરવા માટે રફીક એને પોતાની ઓફિસમાં લઇ ગયો. ખતીજા માટે એના ડ્રાઇવરની બાતમી નુકશાનકારક બની. રફીકે ખુલાસો માંગ્યો. એવું તે શું બન્યું હતું કે ખતીજાએ ટ્રાન્સ્પોન્ડર સક્રિય કરવું પડ્યું ? એવું તે શું બન્યું હતું કે કુરેશી તાબડતોબ વાહીદ અને વઝીરને લઈને ખતીજાની વ્હારે ગયો હતો? ખતીજા છેલ્લા બે દિવસમાં ક્યાં, ક્યારે અને શા માટે ગઈ હતી? કોને મળી હતી? આવા અણધાર્યા સવાલોથી ખતીજા સમસમી ગઈ.જવાબમાં એટલુંજ કહ્યું કે રફીક એની હદ ઓળગી રહ્યો હતો. એક ઉતરતી કક્ષાનો ઓફિસર આવી પૂછપરછ કરી શકે. રફીક અપમાન ગળી ગયો પણ મનમાં ખતીજાને પાઠ શીખવવાની ગાંઠ વાળી. એણે એક અનુભવી ઓફિસરને છાજે એવી અદાથી નિવેદન કર્યું કે હાઈકમિશન અને એના સ્ટાફની સલામતીની જવાબદારી એના માથે હતી. એમાં કોઈ બાધ કે આંચ ના આવે તે જોવાની એની ફરજ હતી. વાત ત્યાં જ઼ અટકી ગઈ.

                   રફીક માટે એક ગંભીર મામલો હતો. બાંગ્લાદેશ હાઈ કમિશનના કમ્પાઉન્ડમાં કોઈ પણ જાતની રોકટોક વગર બે અજાણ્યા શખ્સ પ્રવેશ્યા અને ધોળે દિવસે બે કર્મચારીઓનું  અપહરણ કર્યું. ખતીજાના ડ્રાઈવર-અંગરક્ષકની બાતમીના આધારે એણે સમગ્ર બનાવોનું એક રેખાચિત્ર ઉપસાવ્યું. વાહીદ અને વઝીરને પૂછપરછ કરવાનું નક્કી કર્યું. એમની રૂમનો ફોન જોડ્યો વઝીર રૂમમાં જ઼ હતો પણ વાહીદ વહાર ગયો હતો. રફીકે વઝીરને પણ બે અજાણ્યા શખ્સવાળી ટેપ દેખાડી ,એમના વિષે પૂછ્યું. વઝીરની આંખમાં ઓળખ ના એંધાણ વર્તાયા.એક શખ્સ અણુકેન્દ્રના કાફલાનો રખેવાળ હતો. અને કાફલાને જ્યારે આંતરવામાં આવ્યો ત્યારે છટકી ગયો હતો. બીજા શખ્સની ઓળખાણ થઇ શકી.વઝીરના કહેવા પ્રમાણે ષડતંત્ર ક્યારે અને કોના આદેશથી અસ્તિત્વમાં આવ્યું ,અસ્પષ્ટ હતું. પરંતુ ખતીજા અને કુરેશી સક્રિય હોવાની શક્યતા નકારી શકાય તેમ નહોતું.અંતે રફીકે વઝીરને એમની મુલાકાત વિશે ચુપકીદી જાળવવાનું સૂચન કર્યું.

             ત્યારબાદ રફીકે એના હાથ નીચે કામ કરતી મુનીરાને પ્રભુકૃપા એપાર્ટમેન્ટ વિશે માહિતી મેળવવા માટે રવાના કરી અને ખતીજા,એના ડ્રાઈવર અને  બે અજાણ્યા શખ્સોના ફોટા સાથે લઇ જવા કહ્યું.બધી માહિતી એકથી કરીને હાઈકમિશનરની સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: