કરોડપતિ કાંતિલાલ.

પ્રવીણ શાસ્ત્રી

કરોડપતિ કાંતિલાલ.

અમારા કાંતિદાદા એક મળવા જેવા માણસ છે.

તમે જો એને ત્યાં સવારે ભૂલે ચૂકે મળવા ગયા હો તો એને ત્યાં તમારું લંચ ચોક્કસ.  ઉદાર દિલનો જીવ. ઉદારતા માત્ર ખાવા ખવડાવવામાં જ નહીં પણ ફંડ ફાળામાં પણ. પત્રં પૂષ્પમ મૂડ પ્રમાણે નામ લખાવતા રહે. એમના જીવનની વાત પણ સાંભળવા જાણવા જેવી છે.

ગયા રવિવારે જ મનોજભાઈ ગ્રામ્ય નારી કલ્યાણ સંસ્થા માટે ફાળો ઉઘરાવવા એમને ત્યાં ગયા હતા.  એમણે

શનીવારે રાત્રે આઠ વાગ્યે દાદાને ફોન કર્યો. ‘દાદા, હું મનોજ, થોડી મદદની જરૂર છે.  હું ભારતમાં સ્કુલમાં ભણતી દીકરીઓ માટે ફાળો ઉઘરાવું છું. અને જો તમે સમય આપો તો તે સમયે આપને મળવા આવું.

ઓહ! તો તમે ડોનેશન માટે આવવાના છો એમને? અરે ભાઈ એમાં શરમાવાનું શા માટે? કાલે સવારે આવજો, સાથે લંચ લઈશું અને ડોનેશનની ચર્ચા કરીશું. તમે કોરોના ટેસ્ટ કરાવ્યો છેને?

ના દાદા.

તમને શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો કોઈ તકલીફ છે?

ના દાદા. ભગવાનની દયા છે. કોઈ તકલીફ નથી.

ઓકે ઓકે. પણ નાહીને આલ્કોહોલિક કોલોન લગાવીને આવજો. મારી પાસે ઘણાં માસ્ક છે. ચિંતા નહિ.  તમારી જાણ ખાતર કહું કે મેં ત્રણ વાર ટેસ્ટ કરાવ્યા છે નેગેટિવ જ છે.  તો પણ આપણે દૂરથી વાતો કરીશું.

મોટાભાગના ડોસાઓ પોતાની સફળતાની સાચી ખોટી ડંફાસ મારવાની ટેવ હોય છે. કદાચ કાંતિદાદા પણ એવા જ હશે. વાતો સાંભળીશ અને જો સો બસો ડોલર ફંડમાં આપશે તો સ્કુલને મદદ થશે. કોરોના વાઈરસે એ દીકરાના ઘરમાં ગોંધાઈ ગયા હતા.

રવિવારે સવારે મનોજભાઈ દાદાને આંગણે પહોચ્યા. બેઠા ઘાટનું નાનું મકાન હતું. ડોર બેલ માર્યો. પંચિયું અને ગંજી સાથેના એક લાંબી દાઢીવાળા વૃદ્ધે બારણું ખોલ્યું.

મારું નામ મનોજ. હું કાંતિલાલ દાદાનેને મળવા આવ્યો છું.

ડોસાએ બે હાથ જોડી મનોજભાઈને આવકાર આપ્યો. ‘આવો પધારો મનોજભાઈ.’

મનોજભાઈ નાના ફેમિલી રૂમમાં સોફા પર બેઠા.

કિચનમાંથી એ વૃદ્ધ એક ટ્રેમાં કોફી ગોટા અને જલેબી લઈ આવ્યા અને મનોજભાઈની બાજુના ટેબલ પર મૂક્યા.

‘કાંતિલાલદાદા ઊઠ્યા નથી? હું વહેલો તો નથી આવ્યોને?’

વૃદ્ધે જવાબ ન વાળ્યો. મનોજભાઈ ગણગણ્યાં. નોકર પણ ઘરડો છે. કદાચ બહેરો હશે.

ડોસા ફરી કિચનમાં ગયા અને એક કોફી મગ લઈને પાછા આવ્યા , એમનાથી દૂર સોફા ચેર પર બેઠા.

‘મનોજભાઈ, હું જ કાંતિલાલ, હું શું સેવા કરી શકું?’

મનોજભાઈ બે ત્રણ મિનિટ માટે ડઘાઈ ગયા, પછી તરત જરા નજીક જઈ ને વાંકા વળી નમસ્કાર કર્યા.

‘ક્ષમા કરજો દાદાજી હું આપને ઓળખી ન શક્યો.’

દાદા હસ્યા. ‘ભાઈ તમે મને ક્યાંથી ઓળખો? હું ક્યાં જાહેર જીવનનો જાણીતો માણસ છું.  તમે તો શું પણ હવે તો પરિવારના બાળકો પણ એમના મા-બાપને પૂછે છે કે દાદા આપણાં કયા સગા થાય. હાઉ દાદા ઈઝ રિલેટેડ ટુ અસ?’

‘દાદા આમ તો હું ફૂલ નહિ તો ફૂલની પાંખડી, ગુજરાતના ગ્રામ્ય સમાજની સ્કુલની છોકરીઓ માટે થોડો ફાળો ઉઘરાવવા આવ્યો છું. કોલેજમાં પ્રોફેસર હતો. નિવૃત્ત થયો છું. દીકરો ઈન્જિનીઅર છે. દર વર્ષે આવું છું. સાહિત્ય સંસ્થાઓમાં સત્સંગ કરું છું. એકાદ ભારતની સંસ્થાને માટે સેવાર્થે ફાળો ઉઘરાવું છું. આ વર્ષે કોરોનાને કારણે બસ ઘરમાં જ રહ્યો હતો. આજે જ બહાર નીકળ્યો છું.’ મનોજભાઈએ દાદાને પોતાની ઓળખાણ અને આવવાનો હેતુ જણાવી દીધો.

‘તમે આવ્યા તેનો આનંદ થયો.’ દાદા પંચાણૂ વર્ષના છે એવું સાંભળ્યું હતું પણ પંચોતેરના હોય એવા સ્વસ્થ લાગતાં હતા.

‘મનોજભાઈ, નાસ્તો કરતાં કરતાં વાત કરો ગોટા અને  કોફી ઠંડી પડી જશે.’

મનોજભાઈએ સંકોચ સહ ગોટા લેવાનુ શરૂ કર્યું. ‘દાદા આ મારો પ્રિય બ્રેકફાસ્ટ છે. સરસ ગોટા છે.  કોણે બનાવ્યા છે?’

દાદા ફરી હસ્યા. ‘બનાવનાર કારીગર તમારી સામે જ બેઠો છે’

દાદા આપ? આ ઉમ્મરે?

દાદાએ કોઈ પ્રત્યુત્તર નહિ આપ્યો. એઓ સ્મિત ફરકાવતા રહ્યા.

‘દાદા અંગત સવાલો ન પૂછાય પણ આપને વાંધો ના હોય તો આપ અમેરિકામાં ક્યારે આવ્યા, તમારા જીવનના સંઘર્ષ અને જાણવા જેવી વાતો જણાવશો?’

‘મારા જીવનમાં ખરેખર રસ પડે એવું કાંઈ જ નથી. જેટલીવાર બગાસું ખાધું છે એટલી વાર પતાસુ મોમાં આવી પડ્યું છે. અમેરિકામાં મારે ખાસ કોઈ તકલીફ વેઠવી પડી નથી’

‘અસલ કથાઓની શરૂઆત ગરીબ બ્રાહ્મણ થી શરૂ થતી. મારા પિતાશ્રી ઘરના જ નાના મંદીરના ગરીબ પુજારી હતા. પ્રસંગોપાત કથા કરતાં ભજન કરતાં અને આરતી થતી. ગરીબ હતા પણ દાળ રોટલો મળી રહેતો. હું બાર વર્ષનો હતો ત્યારે મારી મા અમને પાંચ ભાઈઓને ને મૂકીને ગુજરી ગઈ. અમારી સંભાળ રાખવા પિતાશ્રીએ બીજા મેરેજ કર્યા. પણ અમારી બીજી બાથી અમારા બધાનું કામ કેમ કેમ થાય? બિચારી બિમાર રહેતી હતી. મારે સ્કુલ છોડી દેવી પડી. ઘરમાં નવી બાને કામમાં મદદ કરતો. રસોઈ કરતો. હું સત્તર વર્ષનો થયો ત્યારે મારી નવી બા પણ બિચારી અમારા માટે ત્રણ બહેનોને મૂકીને ગુજરી ગઈ.’

‘મારા પિતા હેન્ડસમ હતા. સરસ ગાતા હતા. એમને ભજનમાં આવતી એક સુંદર મહિલા સાથે પ્રેમ થઈ ગયો અને એમની સાથે એમણે ત્રીજા લગ્ન કર્યા. મેં ભૂલમાં વિવેક ચૂકીને જરા  ટીકા કરી “બાપા, બહુ થયું…..હું તો ન ભણ્યો પણ ભાઈબહેનો સામે તો જૂઓ. એમને તો ભણાવો.”

“બાપને શીખામણ આપે છે?” મને થપ્પડ માંડીને કાઢી મૂક્યો.’  

‘મેં લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. અને ઓપરેશન કરાવી નાખ્યું.

‘તે જમાનામાં દશબાર બાળકો તો સામાન્ય હતા. મેં ઘર છોડી દીધું. મેં એક બ્રાહ્મણીયા લોજમાં નોકરી કરવા માંડી. તે દરમ્યાન મારી નવી મમ્મી ખાનગીમાં આવીને મને મળ્યા’.

“ભૈલા પાછો ઘેર આવી જા. બાપા છે; થોડા ગુસ્સે થાય એટલે ઘર થોડું છોડાય. હું તો સાત ચોપડી ભણેલી છું. મારા બધાં છોકરાઓની હું કાળજી રાખીશ અને ભણાવીશ. તું પાછો આવી જા.”

;હું નવી મમ્મીને પગે લાગ્યો. પણ કહ્યું કે આવકને માટે નોકરી તો કરવી જ પડશે. મારી ચિંતા કરશો નહિ.

‘રાંધતા આવડતું હતું. લોજમાં નોકરી કરી મિષ્ટાન્ન ફરસાણ બનાવતા શીખ્યો. લોજમાં થોડી રસોઈ જુદી અલગ રાખી મૂકતો. દિવસને અંતે જે કાઈ વધે તે લોજના માલિકને પૂછીને મારી નવી મમ્મીને આપી આવતો. ભલે મમ્મી સાવકી હતી, પણ બધા ભાઈઓ અને બહેનો માટે લાગણી વાળી હતી. મારે રહેવાનું ખાવાનું મફત અને મહિને પાંચ રૂપિયાનો પગાર મળતો. બસ બે રૂપિયા મારી પાસે રાખીને ત્રણ રૂપિયા મારા નાના ભાઈ બહેનો માટે આપી આવતો. મારા લોજના માલિક પણ બ્રાહ્મણ હતા. એઓ મને કોઈ કોઈ વાર લગ્નવરામાં બીજા રસોઈઆ સાથે રસોઈ કરવા મોકલતા.

એકવાર એક લગ્નમાં હું રસોઈ કરવા ગયો હતો. અમેરિકાથી ડોક્ટર દેસાઈજી એમની ગોરી મેડમ સાથે આવ્યા હતા. એમને મારી રસોઈ ભાવી ગઈ. મને કહે અમેરિકા આવવું છે?  હું મારા બાપાને પૂછવા અને રજા લેવા ગયો. તો બાપાએ કહ્યું ‘જા મોં કાળું કર. દરિયાપાર જશે તો તારી સાથે મને પણ ન્યાત બહાર કાઢશે હવે પાછો અહીં પગ નહીં મૂકતો. પણ મારી ત્રીજી મમ્મી ભલી હતી. એણે મને ચાંલ્લો કરી. આશીર્વાદ આપ્યા. અને મને સોગન આપ્યા કે માસ મટન ખાઈશ નહિ અને દારુ પીતો નહિ. સિગરેટનું વ્યસન રાખતો નહિ.’

‘દેસાઈજી ડોક્ટર અને મેડમ સાથે હું અમેરિકા આવ્યો. ૧૯૪૭ની સાલ હતી. વર્ડવોર પૂરી થઈ હતી.  હું અમેરિકા જૂન ૧૯૪૭માં આવ્યો ત્યાર પછી ઓગસ્ટમાં ભારતને આઝાદી મળી. દેસાઈજીએ મોટી પાર્ટી રાખી હતી. બધા અમેરિકન અને માત્ર બે ઈંડિઅન ’

‘મેડમ અમેરિકન રસોઈ બનાવતા અને હું ગુજરાતી રસોઈ બનાવતો. દેસાઈજીને છોકરાં છૈયાં હતા નહિ. દેસાઈજી ખૂબ રંગીન માણસ. દેસાઈજી અને મેડમ બન્ને મોટા ડોક્ટર. હોસ્પિટલમાં જાય, કોલેજમાં ભણાવવા જાય, ઘરના બારમાં જાત જાતના દુનિયા ભરના દારુ રાખે. મોટા ઘરમાં થોડે થોડે દિવસે પાર્ટી રાખે. ખૂબ કમાય અને ખૂબ ખર્ચે. દેસાઈજીએ એના ગામમાં હાઈસ્કુલ બંધાવેલી અને ત્રણ ચાર બોરિંગ કુવા ખોદાવેલા.

દાદા વાત કરતા હતા અને એક પચ્ચીસ ત્રીસ વર્ષની ગોરી યુવતી ઘરમાં દાખલ થઈ. એણે મનોજભાઈને વંદન કર્યા અને દાદાજીના ચરણ સ્પર્શ કર્યા. ગ્રાંડપા, આઈ એમ સેટિંગ ધ ટેબલ. આઈ’લ કોલ યુ ઇન ટેન મિનિટ્સ’.

ડિયર શીલા ડોન્ટ રસ. ટેઇક યોર ટાઈમ બિફોર યુ ગેટ બીઝી ઈન કિચન, કેન યુ ગેટ દેસાઈજી સ સીડી નંબર સેવંટીન, ફોર મનોજભાઈ.

શીલાએ લાવીને બીગ સ્ક્રિન ટીવી પર સીડી શરૂ કરી દીધી. બ્લેક એન્ડ વ્હાઈટ ઝાંખા ઝાંખા ફોટાઓની સ્લાઈડ હતી. કાંતિદાદા રસ પૂર્વક એમના આરાધ્ય દેવતા દેસાઈજી ના જૂદા જૂદા ફોટાઓનું વર્ણન કરતા હતા. દેસાઈજી ફિશીંગ કરવા જતા, ફીશ પણ ખાતા, ડિયર હંટિંગ માટે જતા અને મીટ પણ ખાતા પણ મને આગ્રહ નહોતા કરતાં. નોનવેજ ડિસીસ  મેડમ જાતે રાંધતા અગર હાઉસકિપર રાંધતી. તે દિવસે મને રજા આપતા. દેસાઈજી સામેથી મને કહેતા કે રિમેંબર યુ પ્રોમિસ યોર મધર…ંનો મીટ, નો આલ્કોહોલ, એન્ડ નો સ્મોકિંગ. આઈ એમ ગોઈંગ ટુ ડાય સૂન. આઈ ડોંટ હેવ ફેમિલી. યુ હેવ બીગ ફેમિલી. બી રિસ્પોનસીબલ. યુ હેવ ટુ લીવ ફોર યોર ફેમિલી.. દેસાઈજી મને મહિને દોઢસો ડોલર જેટલો અધધ પગાર આપતા. હાઉસ કિપરને વીકમાં વીશ કે પચ્ચીસ ડોલર આપતા. મારો પોતાનો ખર્ચો તો હતો જ નહિ. હું સો ડોલર બેંકમાં મુકતો અને પચાસ ડોલર મારા બાપાને મોકલતો. તે સમયે લગભગ એક ડોલરના પાંચ રૂપિયા મળતા. તે વખતે મહિને અઢીસો રૂપિયા તો અમારા કુટુંબ માટે મોટી રકમ હતી.’

દેસાઈજી કહેતા કે પૈસા ઝાડ પર નથી ઉગતા. તે મેળવવા બુદ્ધિ કે મહેનત કે નસીબ હોવું જોઈએ. હિન્દુસ્તાન ગરીબ નથી. પણ ગરીબોએ જરૂર કરતાં વધારે બચ્ચા પેદા કર્યા છે. બૈરાઓ કામ કરતા નથી. 

સરતી સ્લાઈડ સાથે કાંતિદાદાની કોમેંટ્રી ચાલતી હતી.

કિચનમાંથી ઘંટડી રણકી. શીલાએ આવીને મીઠા અવાજે કહ્યું ‘ગ્રાંડપા, ડિનર ઈઝ રેડી. મિસ્ટર મનોજભાઈ, પ્લીઝ જોઈન વીથ અસ ફોર લાઈટ લંચ’

‘ચાલો મનોજભાઈ, આપણે જમતાં જમતાં વાતો કરીશું. અમારી શીલા એક્સેલન્ટ કૂક છે. ‘

મનોજભાઈ માટે લાઈટ લંચ ન હતું. એમનીસેંડવીચ ડિસમાં રસ, પૂરી, પાત્રાં, ઉંધીયું. પુલાવ કઢી પાપડ અથાણા હતાં, દાદાની ડિશમાં એક રોટલો ભાજીનું શાક અને દૂધ હતું. શીલાની ડિસમાં સલાડ સૂપ અને સેંડવિચ હતી.

દાદા જમતાં જમતાં વાતો કરતાં હતા.

‘ડોક્ટર મેડમ બિચારા પહેલાં ગયા. દેસાઈજી એકલા પડી ગયા. બધી સંપત્તિમાંથી દાન કરવા માડ્યું. ખાસ તો આંધળાઓને માટે ખુબ જ દાન કરતાં. બે વર્ષ પછી દેસાઈજી પણ ગયા. હું બ્રાહ્મણ છું પણ શાસ્ત્ર શીખ્યો ન હતો. ઓમ ત્રયંબમ યજામહે નો મંત્ર આવડતો હતો બસ તેજ બોલીને એના મોં પર આગ મૂકીને એમને વિદાય કર્યા.’ વાત કરતાં દાદા રડી પડ્યા. અડધે ભાણે ઉઠી ગયા.

મનોજભાઈ પણ ઉઠ્યા.

હિંચકા પર બેઠા. સામે થોડા અંતરે ખુરશી પર મનોજભાઈ બેઠા.

‘મનોજભાઈ, આજે આપણે જે ઘરમાં બેઠા છીએ તે ઘર અને સામે દેખાતો બંગલો દેસાઈજીનો છે. એઓ એ મારું નામ વિલમાં લખ્યું હતું. વિલ મુજબ પેલો બંગલો આ ઘર અને પચાસ હજાર ડોલર મને મળ્યા હતા. મેડમ આંખની ડોક્ટર હતાં. મેં એ બંગલો આંધળાઓની સ્કુલ માટે દાન કરી દીધો.’

‘ઘરમાં જાત જાતનો મોંઘો દારુ હતો. સિગાર હતી. મેં એના ખાસ ડોક્ટર દોસ્તને ડેનિયલને કહ્યું આમાંથી જે જોઈએ તે લઈ જાવ. પણ એણે કહ્યું કે મારે જરૂર નથી. તું બધાને આપી દેશે તો ખાશે શું? તું તો ભણેલો નથી. દુકાન કર અને વેચ. એણે મને પહેલો લિકર સ્ટોર કરી આપ્યો. હું તો પીતો ન હતો. એક એક બોટલ ડોઢસો બસો ડોલરમાં વેચાઈ. ધીમે ધીમે આ બ્રાહ્મણને દારુના ધંધામાં ફાવટ આવી ગઈ.’ દાદા હસ્યા.

‘મેં મારા બધા ભાઈઓને અમેરિકા બોલાવ્યા. એમની સાથે લિકરની દુકાનો લીધી. મેં મારા ભાઈઓને સોગન આપ્યા હતા. ભલે દારુનો ઘંધો કરો પણ તમે દારુ પીશો નહિ. સિગરેટ ફૂકશો નહિ, મીટ મટન ખાશો નહિ, ભાઈઓ એ મારું, અને મારી મમ્મીનું વચન પાળ્યું છે. પણ એ વચનમાં મારા ભત્રીજા ભત્રીજી કે ભાણેજ ભાણકીઓ કે તેના સંતાનોને મેં બાંધ્યા નથી. કહું તો સાંભળે ખરા?’

‘માનશો નહિ પણ મારી નવી મમ્મીએ પણ મને બીજા ચાર ભાઈઓની ભેટ આપી હતી. એટલે અમે આઠ ભાઈ અને ત્રણ બહેનોનો મોટો સંસાર. પિતાજી ગુજરી ગયા પછી મારી નવી મમ્મીને પણ અમેરિકા બોલાવી લીધા..બધા ભાઈઓમાં ખેંચ તાણ ચાલે કે મમ્મીતો અમારી સાથે જ રહેશે. પણ મમ્મી તો પોતાના પીંડના દિકરાને બદલે મારી સાથે જ રહ્યાં હતાં. બધામાં હું મોટો હતો. મારા મમ્મી નેવું વર્ષની ઉમ્મરે ગુજરી ગયા.જીવ્યા ત્યાં સુધી મને રસોઈ કરીને ખવડાવતા હતાં.’

’ધીમે ધીમે મારા આઠ ભાઈઓ અને ત્રણ બહેનોને અહિ ઠેકાણે પડ્યા. ભત્રીજાઓ ભાણેજો બધા ભણીને ડોક્ટર એન્જીનીયર અને બિઝનેશ મેન થયા છે. ભાઈઓ અને બનેવીઓ તો હવે રીટાયર્ડ થયા છે. તેમનો બધાનો સંસાર ખૂબ વિસ્તર્યો છે. સૌ સુખી છે. સગાના સગા અને તેના સગાઓ મળીને આજે મારા પછી લગભગ છસો માણસોનો સંસાર છે. બધાઓએ અનેક જાતીઓમાં લગ્ન સંબંધ બાંધ્યા છે. આ શીલા ના માબાપ અમેરિકન છે. આ શીલા અમેરિકન છે પણ કહે છે પાંચમી પેઢીએ તે મારા ભાઈના મૂળનું સંતાન છે.’

‘મારી ઉમ્મર થઈ છે. એ મને એના માબાપ કઈરીતે અમારા મૂળના છે તે સમજાવે છે પણ મને સમજાતું નથી. ડોકટર છે. આ એક જ દીકરી ગુજરાતી શીખી છે. મારી કાળજી રાખે છે. કહે છે કે દાદા હું તમે જીવો છો ત્યાં સૂધી તમારી સેવા કરીશ. પરણવાની ના કહે છે.’

‘દાદા તમે ખૂબ વાત કરી. બહુ બોલશો તો હાંફ ચડશે. પ્લીઝ ગો ટુ યોર રૂમ એન્ડ ટેઇક રેસ્ટ. આઈ વીલ ટેઇક કેર ઓફ અંકલ.’

‘દીકરીનો માર્શલ ઓર્ડર માનવો પડે. તમારી જે અપેક્ષા હોય તે શીલા દીકરીને કહેજો. ચેરિટી ડિપાર્ટમેંટ એના હાથમાં છે’. એ વૃદ્ધ વડીલ મનોજભાઈને નમસ્કાર કરીને એના રૂમમાં ગયા.

‘અંકલ, મને આપની જરૂરિયાત સમજાવશો?’

‘હું ગુજરાતની આદીવાસી ગ્રામ્ય સંસ્થા સાથે જોડાયલો છું. એ વિસ્તારમાં એક જ હાઈસ્કુલ છે. એમાં આઠ ધોરણથી બાર ધોરણના વર્ગમાં લગભગ બસો ગરીબ દીકરીઓ અભ્યાસ કરે છે. આખી શાળા દાન પર જ નીભે છે. ભણવા ભણાવવાના નાણાં તો સખાવતો પાસે મળી રહે પણ એમને માટે સેનિટરી પેડ માટે નાણાં થોડા મળે? માંગનારને પણ સંકોચ નડે. .

ઓહ, સમજી ગઈ. આઈ હેવ સીન અક્ષય કુમાર મુવી. યુ આર વર્ક્રિંગ ફોર ગુડ કોઝ. ઓકે લેટ્સ કેલ્ક્યુલેટ,  ટુ હંડ્રેડ ગર્લસ ટાઈમ મિનિમમ ફાઈવ પેડસ ઈક્વલ્સ વન થાઉઝંડ પેડસ પર મન્થ. બરાબર? ફોર વન યર યોર સ્કુલ નીડસ ટ્વેલ થાઉઝન પેડસ, રાઈટ્. પ્લીઝ ગીવ મી યોર સ્કુલ નેઈમ એન્ડ એડ્રેસ, ટ્રસ્ટીઝ નેઇમસ એન્ડ  ધેર એડ્રેસ. વી હેવ એસ્ટાબ્લિશ દેસાઈજી ચેરિટી ટ્રસ્ટ ફંડ. એમાંથી પાંચ વર્ષ સુધી તમારી સ્કુલમાં દર મહિને જરૂરી પેડ આવતા રહેશે. બાથરૂમમાં મશીન મૂકાશે એમાંથી છોકરીઓ જરૂર પ્રમાણે ઉપયોગ કરતી રહેશે. અંકલ ધન્યવાદ. તમે સરસ કામ કરો છો.’  

‘ઈંડિયાથી અનેક જુદા જુદા ફંડ ઉઘરાવવાળાઓ આવે છે. ઘણાં ફેઇક હોય છે. એટલે કોઈને અમે ચેક કે કેશ આપતા નથી. સંસ્થાનું એડ્રેસ લઈ લઈએ છીએ. સંસ્થાની  તપાસ કરી, યોગ્યતા પ્રમાણે જરૂરિયાત પહોંચાડીએ છીએ. તમારી સ્કુલની તપાસ કરીને બધું બરાબર હશે તો તમારું અહિ આવેલું સાર્થક થશે.’

મનોજઅંકલ, આપ કાર લાવ્યા છો?

ના, બહેન મને તો ડ્રાઈવિંગ નથી આવડતું, મારો સન મને અહિ મૂકી ગયો હતો. હું ફોન કરીશ એટલે લેવા આવશે.

હું અત્યારે ફ્રી છું. હું આપને મૂકી જઈશ.

 મનોજભાઈને અમેરિકન શીલાએ એમને ઘેર પહોંચાડ્યા. એમને માટે આ વિશિષ્ટ વ્યક્તિ અને વિશિષ્ટ પરિવારનો અનુભવ હતો.

(વાર્તા અને પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે.)

ગુજરાત દર્પણ – જૂન ૨૦૨૦.

3 responses to “કરોડપતિ કાંતિલાલ.

 1. ગાંડાભાઈ વલ્લભ October 15, 2020 at 6:07 PM

  સરસ વાર્તા. હાર્દીક અભીનંદન.

  Like

 2. રક્ષા પટેલ October 15, 2020 at 2:53 PM

  સામાજીક વાર્તા…..તેના બધાં જ પાત્રો ઘણા પ્રેરક રૂપ છે . સુંદર રજૂઆત!

  Like

 3. anil1082003 October 15, 2020 at 12:11 PM

  SARAS. KALPNIK KANTILAL-DADA NE SACHA JIVANT BANAVYA, VARTA VASTIVK MANAS NE ANUSARVA MATE SACHE PANTHE LAI JAY CHE.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: