સહિયર મૉમ

‘મૉમ, યૌર બોયફ્રેંડ ઇસ વેઇટિંગ……….’

અને ચૂસ્ત લેટેસ્ટ ફેશનની ડિઝાઈનર સાડી સજીને  નતાશા એના બેડરૂમની બહાર નીકળી.

;મૉમ એન્ડ માઈ બોયફ્રેન્ડ! હમ. યુ નોટી રાસ્કલ.. ‘

હેતલે નતાશા સામે જીભડો કાઢ્યો.

‘ચાંપલી, લવારા છોડ જલ્દી તૈયાર થઈ બેંક્વેટ હોલ પર આવ. અમે મંદીરે જઈને હોલ પર આવીએ છીએ.’ નતાશા હેતલને હગ કરીને બહાર નીકળી ગઈ. જ્યારે નતાશાએ વળગીને હેતલને આલિંગન આપ્યું ત્યારે એનો સાત માસનો બેબી બમ્પ પણ જાણે હેતલને વળગ્યો હતો. એ સુંવાળો સ્પર્શ કેટલો વ્હાલો અને આત્મીય લાગ્યો હતો.

આજથી દોઢેક વર્ષ પહેલાંની વાત છે. કેટલો મોટો હોબાળો થયો હતો.

હેતલ ભૂતકાળના પ્રસંગમાં સરી ગઈ. કેવું અણધારેલું બની ગયું હતું. નતાશાની પચ્ચીસમી બર્થ ડે હતી. તે જ વર્ષમાં નતાશાએ ચાર્ટર એકાઉંટંટની ડિગ્રી પણ મેળવી હતી.ડો.બેનરજી અંકલ અને એલિના આન્ન્ટીએ દીકરી નતાશા માટે ગ્રાંડ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું.

ડૉક્ટર બેનરજી અને ચાર્ટર એકાઉન્ટટ સિતાંશુ બન્ને પાડોસી. માત્ર પાડોસી જ નહિ પણ ખાસ મિત્ર પણ ખરા.. બન્ને પોતપોતાના ક્ષેત્રમાં પ્રખ્યાત અને આર્થિક રીતે સમૃધ્ધ. સિતાંશુની પત્ની મૃણાલી અને ડોક્ટર બેનરજીની પત્ની એલિના એક મહિનાને આંતરે પ્રેગનન્ટ હતી. એલિના તો નર્સ. બન્ને વચ્ચે ગાઢ મૈત્રી. તબીયત અને કાળજીની કલાકો સૂધી ફોન પર વાતો થાય. ગુજરાતી, બંગાળી અને રશિયન વાનગીઓની આપલે થાય. ડોક્ટર બેનરજી બન્નેને જોઈતી મેડિકલ સલાહ આપે.

અચાનક ન ધારેલી દુઃખદ વાત બની ગઈ. આઠમા મહિને જ સિતાંશુની પત્ની મૃણાલીએ હેતલને જન્મ આપ્યો અને બીજે દિવસે મૃણાલીએ આ જગતમાંથી વિદાય લીધી. ત્રણ મહિના પછી  ડોક્ટર બેનરજીની પત્ની એલિનાએ  નતાશાને જન્મ આપ્યો. એલિનાએ મા વગરની હેતલની પણ શક્ય એટલી કાળજી લેવા માંડી. સિતાંશુની પ્રેકટીશ ધમધોકાર ચાલતી હતી. એણે બ્રેક માર્યો. થોડો સ્ટાફ વધાર્યો, પોતાના કામના કલાકો ઘટાડ્યા. ઘરમાં આયા રાખી, રાંધવા વાળી બાઈ અને નોકર રાખ્યો. જાતે પણ હેતલની મા અને બાપ બની રહ્યા. મૃણાલી સાથે પ્રેમ લગ્ન હતા. એના જગ્યા બીજું કોઈ સાચવે એવી શક્યતા જ ન હતી.

બે ત્રણ વર્ષમાં બન્ને પાડોસી દીકરીની એક ન તૂટે એવી જોડી બની ગઈ. બન્ને ક્યાં તો ડોક્ટરને ત્યાં એલિના આન્ટી સાથે હોય કે સિતાંશુપાપા સાથે ધિંગામસ્તી કરતી હોય. નતાશા સિતાંશુને પાપાઅંકલ કહેતી.

ડોક્ટર અંકલ તો ખૂબ સીરીયસ માણસ. ડોક્ટર મુડી અને ઘણાં વ્યસ્ત. ભાગ્યે જ હસે કે દીકરી સાથે રમે. ક્યાંતો હોસ્પિટલમાં હોય કે ઘરની મેડિકલ લાયબ્રેરીમાં હોય. ડેસ્ક પર બેત્રણ કોમપ્યુટર પર કામ કરતા હોય. એલિના પણ નર્સ. એ પણ પાર્ટટાઈમ હોસ્પિટલમાં તો જાય જ. પાડોસી મિત્રોએ દીકરીઓના ઊછેર માટે વણલખ્યા નિયમો બનાવી રાખેલા. એકબીજાની સગવડ સચવાઈ રહે. જાણે એક જ પરિવારના બે મકાન. એક પરિવારની બે દીકરીઓ એક સાથે મોટી થાય. હેતલને કદી માની ખોટ સાલી જ નહિ.. નતાશાના વાલી હોય તેમજ હેતલની સાથે સાથે સિતાંશુ નતાશાના પણ પાપા જ બની રહ્યા. નતાશા બેનરજીને ડેડી કહેતી અને સિતાંશુને પાપાઅંકલ કહેતી.

            નતાશા અને હેતલ બન્ને મિત્રો કિંડરગાર્ડન થી હાઈસ્કુલ સુધી સાથે જ ઉછરી, ભણી અને મોટી થઈ. હાઈસ્કુલ પછી બન્ને મેડિકલમાં દાખલ થઈ.  માત્ર છ માસમાં જ નતાશાએ કહ્યું મને મેડિકલમાં રસ નથી. એને તો એકાઉંટિંગમાં રસ છે. હેતલ ડોર્મ રહી મેડિકલમાં આગળ વધતી ગઈ. નતાશા ઘર આંગણે જ રહીને પાપાઅંકલ પાસે માર્ગદર્શન મેળવીને ચાર્ટર એકાઉંટન્ટ થઈ. કોલેજમાં ન હોય ત્યારે સીધી પાપાઅંકલની ઓફિસમાં જાય. ઓફિસમાં મોટો સ્ટાફ. સ્ટાફના એંપ્લોયી એમ જ માને કે નતાશા બોસની દીકરી કે કોઈ નજીકની સગી છે. કોઈકવાર પાપાઅંકલને માટે મનગમતી વાનગી પણ બનાવી લાવે. પાપાઅંકલને પોતાની દીકરી હેતલની ખોટ ના સાલે. નતાશા અને હેતલ ફોનપર દિવસમાં એકવાર તો વાત કરે જ કરે.

            નતાશાની પચ્ચીસમી બર્થડે હતી. ચાર્ટર એકાઉંટનની ડીગ્રી પણ આવી ગઈ. ડોક્ટર બેનરજી અને એલિનાએ મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. ડોક્ટરો અને અન્ય સગા-સ્નેહીઓ પણ આવ્યા હતા. પાર્ટીમાં સિતાંશુ પાપાઅંકલ અને હેતલ ના હોય એવું તો બને જ નહિ. માત્ર પાપાઅંકલ જ નહિ પણ એની ઓફિસમાંના યુવાન યુવતીઓને પણ નતાશાના મિત્રો તરીકે આમંત્રણ અપાયું હતું.

            ખાણી પીણી, અભિનંદનની વર્ષા અને કેક પછી ડેન્સ. ડોક્ટર બેનરજીના ધ્યાનમાં બે ત્રણ યુવા ડોક્ટરો હતા. આંતરિક ઈચ્છા એવી ખરી કે નતાશા એના જીવનસાથી તરીકે કોઈ ડોક્ટરને પસંદ કરે. હેતલ તો મેડિકલમાં જ હતી.

            ‘ફ્રેંડસ યોર એટેન્શન પ્લીઝ. ડેડી, મૉમ, પાપાઅંકલ આજે મારા એક યુવાન હેંડસમ પ્રિન્સ ચાર્મિગ ડોક્ટર મિત્ર, સ્ટિવંસનને આજે કાંઈ કહેવું છે. પ્લીઝ ડોક્ટર સ્ટવનસન કમ ઓન ધ સ્ટેજ.’ નતાશાએ માઈક પર જાહેર કર્યું.ટક્ષિડામાં શોભતો યુવાન ડોક્ટર સ્ટિવ સ્ટેજ પર ગયો.

            ‘છે ને આ ડોક્ટર હેંડસમ?’ નતાશાએ ઓડિયંસને પુછ્યું.

            ‘યસ યસ યસ. ખરેખર નતાશા સાથે શોભે એવો છે.’ ડોક્ટર બેનરજીને પણ નવાઈ લાગી કે દીકરીએ આવો દેખાવડો ડોક્ટર કેવી રીતે શોધી કાઢ્યો.

            ‘હવે આ રાજકુમાર માટે એક પરીની જરૂર છે. હવે કોઈ કહેશો એ પરી કોણ હશે?

            ‘નતાશા નતાશા નતાશા.’ ઓડિયન્સમાંથી અવાજ આવ્યો.

            ‘ના નતાશા કરતાં પણ એક વધુ સુંદર છોકરી છે.  એ છે મારી બહેન, મારી મિત્ર, મારા દિલનો ટૂકડો હેતલ. હેતલ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.’

હેતલ સ્ટેજ પર આવી. સ્ટિવ ગુટણે પડ્યો અને હેતલને પ્રપોઝ કર્યું. માય ડિયર હેતલ, આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. વીલ યુ બી માય લાઈફ પાર્ટનર? હેતલે યસ યસ યસ થી ઉત્તર વાળી એની સામે ડાબો હાથ લાંબો કરી દીધો. નતાશાની બર્થડે પાર્ટીમાં  હેતલની એંગેજમેન્ટ સેરીમની ઉજવાઈ ગઈ. ડાબા હાથની આંગળીમાં ડાયમન્ડ રીંગ શોભતી થઈ ગઈ. અત્યાર સુધી બધું યોજનાબદ્ધ જ થયું હતું.

સિતાંશુને માટે એ મોટી સર્પ્રાઈઝ હતી. ડોક્ટર બેનરજી થોડા નિરાશ થયા, પણ એને પણ હેતલ વ્હાલી હતી. મન વાળીને અભિનંદન અને આશીર્વાદ આપ્યા.

હવે પછી જે બન્યું તેની હેતલને પણ કલ્પના ન હતી.

            ‘અરે એઈ નતલી, મારું તો થયુ, પણ તારુ શું? તેં કોઈ બોયફ્રેન્ડ શોધ્યો જ નહિ? તેં કોઈ રાજકુમાર શોધ્યો કે નહિ?’

            નતાશાએ સ્મિત સાથે હકારમાં ડોકું હલાવ્યું. ‘રાજકુમાર નહિ, રાજા. રિયલ કિંગ’

            ‘રીયલી?’ હેતલને આ જવાબની આશા ન હતી. રોજ અંગત ખાનગી વાતો થતી પણ નતાશાએ કોઈ બોયફ્રેંડની વાત કરી ન હતી. એને માટે બીગ સરપ્રાઈઝ હતી.

            ‘હુ ઈસ હી? એ કોણ છે? કોણ છે? એ કોણ છે?’ ની બુમો પડી. બંગાળી બાપ અને રશીયન માની દીકરી ઓછી સુંદર ન્હોતી.

‘એ કોણ નસીબદાર છે જેના પર મારી બહેન કળશ ઢોળવાની છે?’ હેતલે ઓડિયંસને પૂછ્યું. આવેલા બધા યુવાનો એકબીજા સામે જોતા હતા, એ કોણ હશે?

            ‘સૌથી પહેલાં મારે એક વાત કહેવી છે. જેને હું ચાહુ છું તેને ખબર નથી કે હું એને ચાહું છું. મેં કદી એને કહ્યું નથી કે હું એને ચાહું છું. મેં મુંગે મોઢે મારા પ્રેમદેવતા પર, મારા પ્રેમ રસનો માનસિક અભિષેક કર્યા કર્યો છે. આજે હું જાહેરમાં કબુલ કરીશ કે હું એમને જ પરણવાની છું. મારા જીવનમાં એમના સિવાય બીજો કોઈ પુરુષ નહિ હોય.’ નતાશા ગંભીરતાથી ભાવસભર થઈને બોલતી હતી.

            ‘કોણ છે કોઈ ડોક્ટર છે?’ હેતલે હરખથી નતાશાને પુછ્યું

            ‘ડોકટર?  ના ડિયર. ડોક્ટર નથી. મારા ડેડી ડોક્ટર છે, મૉમ પણ હાફ ડોક્ટર છે તું ડોક્ટર છે હવે સ્ટિવ પણ આપણાં ફેમિલીમાં ડોક્ટર છે. ઈનફ ડોક્ટર થઈ ગયા. વધારાનું શું કામ છે.? ડોકટરો તો સારાને પણ બિમાર કરી નાંખે..’ નતાશાના ગૌર ચહેરા પર એક અનોખુ સ્મિત રેલાતું હતું.

            ‘તો કોણ છે? તારા જેવો જ પૈસાના આંકડાની હેરાફેરી કર્યા કરે એવો કોઈ જુવાનીયો છે?

            ‘ધેર યુ આર, માઈ ડિયર હેતલ. યસ યુ આર… રાઈટ, એ મારા જેવા જ ચાર્ટર એકાઉંટર છે.’

            અને સિતાંશુ – પાપા અંકલની ઓફિસમાંથી આવેલા એકાઉંટંટસ આમંત્રીત મિત્રો એકબીજા તરફ જોવા માંડ્યા. ચાર તો પરણેલા હતા. બાકીના ત્રણમાં એક તો ટાલીયો હતો. એ તો ન જ હોય. જેને જરા તરા હેંડસમ કહી શકાય એવો તો એક માત્ર ઈસ્માઈલ જ હતો. ઈસ્માઈલ? ના ના, છી છી. શું એ ઈસ્માઈલને પરણશે? હેતલના મગજમાં સવાલ ઉઠ્યો. પણ તરત જ જાતીવાદનો વિચાર ખંખેરાઈ ગયો.  જો બંગાળી બ્રાહ્મણ બેનરજી રશીયન એલિનાને પરણી શકે, જો ગુજરાતી બ્રાહ્મણ હેતલ અમેરિકન સ્ટિવન્સને પરણી શકે તો નતાશા કેમ મુસ્લિમ ઈસ્માઈલને પરણીના શકે?

            હેતલે ધીમા અવાજે નતાશાને કાનમાં પુછ્યું ‘ઈસ્માઈને સ્ટેજ પર બોલાઉં?’

            ‘ગાંડી થઈ ગઈ છે. આપણે બ્રાહ્મણ. ઈસ્માઈલનું સ્ટેજ પર શું કામ છે? મારો હેંડસમ તો સ્ટેજ પર જ છે?’

            ‘કોણ? સ્ટેજ પર તો આપણું ફેમિલી જ છે? કોની વાત કરે છે?’

            એ સિતાંશુ પાસે ગઈ. એનો હાથ પકડી ઉંચો કર્યો. ‘આ છે મારા હેંડસમ હબી. મારા પ્રેમ દેવતા. આ છે મારા હૃદયના મહારાજા.’

            સિતાંશુ ઝટકાથી હાથ છોડાવી આઘા ખસી ગયા. ‘દીકરી ગાંડી થઈ ગઈ છે. આ બુઢ્ઢાની આવી મજાક?’

            ‘આ મજાક નથી. હું આપને ચાહું છું, દીકરી દીકરી ના કરો.. અને હું ક્યાં આપની દીકરી છું. હું તો જન્મી ત્યારથી જ આપની પ્રેમિકા છું. ના આપ બુઢ્ઢા નથી. હેંડસમ છો.’

            ……અને બેનરજીએ ટેબલ પરનો કાચનો ફ્લાવર વાઝ સિતાંશુના કપાળ પર ફેંક્યો. યુ ફ….તેં જ મારી દીકરીને ફસાવી છે. તેં જ મારી દીકરીને ભોળવી છે. ગેટ આઉટ ફ્રોમ માઈ સાઈટ. બૅરાહો બૅરાહો બંગાળી ભાષામાં ગેટ આઉટ ગેટ આઉટ બરાડતા રહ્યા. સિતાંશુ લોહી લુહાણ થઈ ગયા. બેનરજી ફ્લોર પર ફસડાઈ પડ્યા. એલિનાએ સ્વસ્થતા મેળવી લીધી અને પરિસ્થિતિ સંભાળી લીધી. સ્ટેજ પરથી હાથ જોડી ગેસ્ટની માફી માંગી અને પાર્ટી દરખાસ્ત કરી. સૌને શાંતિથી વિદાય થવાનું કહ્યું.

            હેતલ બેનર્જી અંકલ પાસે પહોંચી. ‘આન્ટી, અંકલને એંગ્ઝાઈટી એટક છે. ડોક્ટર સ્ટિવને કહો કે નજીકના ડ્રગ સ્ટોરર્માં થી SSRi લઈ આવે. હી વીલ બી ઓ,લરાઈટ.’

            તો બીજી તરફ નતાશાએ સિતાંશુ પાસે જઈને કપાળ પર ટેબલ નેપકિન ડાબી દીધો. અને લોહી બંધ થઈ ગયું.

            બેનરજી  હજુ બરાડતા રહ્યા. ‘નાલાયક બુઢ્ઢા, તને બીજું કોઈ ના મળ્યુ તે મારી દીકરીને ફસાવી? સફેદ ઠગ.’

            ‘ચાલો પાપાઅંકલ, આપણે ઘેર જઈએ. મૉમ વીલ ટેઇક કેર ઓફ ડેડ.’

            ‘ના નતાશા આપણે ઘેર નહિ. આપણે ઘેર નહિ. અમારું ઘર, તારું ઘર નથી. તું તારે ઘેર જા. તું અત્યારે સોબર નથી લાગતી. તું શું બોલે છે અને શું કરે છે તેનું તને ભાન નથી. તેં તું હેંડલ કરી શકે તેના કરતાં વધુ પી લીધું છે. જો ભાનમાં હોય તો, ગો હોમ એન્ડ ટેઈક કેર ઓફ યોર ડેડ. અને આવી સ્ટૂપિડ વાત કરવાનું બંધ કર. માઈ પાપા ઈસ યોર પાપાઅંકલ એન્ડ હી ઈઝ સિક્સ્ટી યર ઓલ્ડ.

            ‘હેતલ, આઈએમ ફુલ્લી સોબર. હું સંપૂર્ણપણે ભાનમાં છું.  તને શું ખબર, હું તો ચૌદ વર્ષની હતી ત્યારથી પાપાઅંકલના પ્રેમમાં છું. પહેલાં તો થતું હતું કે મને પાપા અંકલ જેવો જ હસબન્ડ મળે તો કેવું. સોળ વર્ષે થયું, એના જેવાને બદલે એ જ કેમ નહિ! વ્હાઈ નોટ પાપાઅંકલ. બીજો શા માટે શોધવો. પાપાઅંકલ જ કેમ નહિ. બસ ત્યારથી જ એ મારા હસબંડ બની ગયા છે.

            ‘પગલી તને શરમ નથી આવતી? મારા પાપા સાંઠ વર્ષના છે. ઉમ્મરનો તો ખ્યાલ કર.  તું પચ્ચીસની અને પાપા સાંઠના. સ્ટુપીડ વાત કરીને પાર્ટી બગાડી. આ બધી વાતનો અત્યારે અર્થ નથી. કાલે સંપૂર્ણ ભાનમાં આવે પછી વાત.’

            ‘પ્રેમ અને હૈયાની લાગણી વચ્ચે ઉમ્મરનો આંકડો નથી આવતો માય ડિયર હેતલ. પાપાઅંકલ એ તો મારે માટે મારા સિતાંશુ માટેનું સંબોધન માત્ર છે. હું એમને સિતાંશુ કહું, હબી કહું, ડાર્લિંગ કે ડિયર કહું કે પાપાઅંકલ કહું એમાં કોઈ સગપણ નથી. મારે માટે મારા જીવનમાં લાઈફપાર્ટનર એક જ વ્યક્તિ છે.’

            ‘નતાશા, તું અત્યારે તારે ઘેર જા. તારુ મગજ ઠેકાણે નથી.’

            બીજે દિવસે હેતલ અને નતાશા વચ્ચે બે ત્રણ કલાક વાત થઈ. ‘નતાશા આ ગાંડપણ છોડ. એક વાત. મારા પાપાને માટે તું દીકરી જ છે. એણે કદીએ તારી સામે બીજી નજરથી જોયું કે વિચાર્યું નથી. મેં આખી રાત એમની સાથે વાત કરીને ખાત્રી કરી છે. મારા પાપાએ કદીએ એવો ઈશારો કે કોઈજાતના સિગ્નલ આપ્યા હતા કે એ તને ચાહે છે?’

            ‘તારા પાપા તો આન્ટીના મૃત્યુ પછી પચ્ચીસ વર્ષમાં બધું જ ભૂલી ગયા છે. કદાચ એ પણ ભૂલી ગયા હશે કે એ એક સશક્ત પુરુષ છે અને એનામાંના પુરુષને બહાર લાવવા એક સ્ત્રીની જરૂર છે.’

            ‘ના નતાશા, મારા પાપાને એવી કોઈ જરૂર નથી. તને સાઈકોથેરાપીની જરૂર છે. મારા પાપા તને તું માને છે તેવો પ્રેમ કર્યો નથી અને કરી શકે પણ નહી. તું એની દીકરી જેવી છે.’

            ‘દીકરી દીકરી દીકરી, બધા શું લઈ બેઠા છે? હું પરણીશ તો પાપાઅંકલને જ પરણીશ. હું એડલ્ટ છું. મારા જિવનનો નિર્ણય જાતે લઈ શકું છું.’

            ‘તું ભલે ગમે તે ઈચ્છે. એક તરફી ગાંડપણનો કોઈ અર્થ નથી. મારા પાપાએ ડિસીશન લઈ લીધું છે. અમે મકાન વેચીને કોઈ બીજા સ્ટેટમાં ચાલ્યા જઈશું. પાપાને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તારી લાગણીનું સ્વરૂપ આ પ્રકારનું છે. તને સ્પાઉસીસ વચ્ચેનો એઇજ ડિફરન્સ માટેનો રૂલ ઓફ સેવેન ખબર છે. મોટાની ઉમરની અડધી ઉમર વત્તા સાત કરતાં વધુ તફાવત ના હોવો જોઈએ. પાપા સાંઠ વર્ષના છે. ત્રીસ વત્તા સાત એટલે કે સાડત્રીસ વર્ષની કોઈ યુવતી કરતાં નાની ઉમરની છોકરી સાથે લગ્ન ના કરી શકે.  તું તો હજુ સતાવીશની પણ નથી. અરે તું તો મારા કરતાં પણ બેત્રણ મહિના નાની છે. તું મારી મમ્મી બનશે? ઈટ્સ વેરી ફની. જો પાપાને લગ્ન કરવા હોત તો મારી મોમના મૃત્યુ પછી સહેલાઈથી લગ્ન કરી શકતે.’

            ‘હેતલ, તારા પાપાને શી જરૂર છે એ તને ના સમજાય. મને ખબર છે કે એઓ એક અભાવા વચ્ચે જીવી રહ્યા છે. ભલે ઘરમાં રસોઈ અને ઘરકામ માટે માણસો છે. પણ એની વ્યવસ્થા કોણ કરે છે. પાપાની શું ભાવે છે, એ શું ખાશે, કેટલું ખાશે, આવતી કાલે ક્યાં જવાનું છે, અને કયા કપડા પહેરવાના છે એની વ્યવસ્થા કોણ કરે છે. એની ઓફિસમાં એના કામનું સ્કેડ્યુઅલ કોણ નક્કી કરે છે? તું તો કોલેજમાં છે. તારી સાથે હું કોલેજમાં છ માસ હતી અને એ છમાસ દરમ્યાન એનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું એ તો તને ખબર છેને? મારા આવ્યા પછી જ બધું વ્યવસ્થિત થયું. પાપાઅંકલને ખ્યાલ પણ ન આવ્યો કે કેવી રીતે પાછું ઠેકાણે આવ્યું. અરે ત્રણ મહિના તો માત્ર ઓફિસમાં એક જ કલાક જતા હતા અને આલ્કોહોલની આદત પડવા માંડી હતી તે યાદ છે ને? અને રૂલ ઓફ સેવન ને ગારબેજમાં નાંખ. એનો કોઈ સાઈંટિફિક આધાર નથી. અસલ તો કાંઈ કેટલા ડોસાઓ બાર ચૌદ વર્ષની બાળકીઓને પરણી જતા હતા. હેતલ તું મારી લાડકી દીકરી બની જા. અને યાદ રાખ હું પચ્ચીસ વર્ષની એજ્યુકેટેડ એડલ્ટ યુવતી છું. મારે મારા માબાપની મંજુરીની કે તારી સલાહની જરૂર નથી. માત્ર પાપાઅંકલના સ્વિકારની જ જરૂર છે. તું તો આવતી કાલે ડોર્મમાં ચાલી જશે. ભણીને ડોક્ટર થશે. સ્ટીવ સાથે લગ્ન કરીને પ્રેક્ટિશ કરશે તારો સંસાર માંડશે. દરમ્યાન પાપાઅંકલનું કોણ? દીકરી હેતલ, આઈ લવ યુ. મારી કે પાપાઅંકલની ઉમ્મર ભૂલી જા. વિચાર કે હું એક પરિપક્વ સ્ત્રી છું અને પાપાઅંકલ એક સશક્ત પુરુષ છે. એના હારમોન્સ સમાજે બાંધેલા વાડામાં ગુંગળાય છે. હવે તારા પાપાને સુખી કરવા હોય તો કાલે કોલેજ જતાં પહેલાં તારા પાપાનો હાથ મારા હાથમાં મૂકીને જજે. આઈ લવ યુ.’

            અને ફોન મુકાઈ ગયો.

            ‘પાપા, તમે કોઈ દિવસ નતાશાને અણઘટતી વાત કે સ્પર્શ કર્યો હતો?’

            ‘આ તે કેવો સવાલ છે? હું એનો પાપાઅંકલ છું. એના બાપ જેવો છું.’

            ‘હા, બાપ જેવા; પણ આપ બાપ નથી. તમે નતાશા સાથે લગ્ન કરશો?’

            જવાબ આપવાને બદલે, સિતાંશુએ રૂમમાં આંટા મારવા માંડ્યા.

            ‘પાપા, આઈ વોન્ટ એન્સર.’ જવાબ ન જ મળ્યો. સિતાંશુ થાકીને ખુરશી પર બેસી ગયા. બાપ દીકરી અડધો કલાક એક પણ શબ્દની આપલે વગર માથું લટકાવીને બેસી રહ્યા.

            ડોર બેલ વાગ્યો. હેતલે બારણું ઉઘાડ્યું.

            ડોક્ટર અંકલ, એલિના આન્ટી અને નતાશા સામે ઉભા હતા. નતાશાએ પાનેતર પહેર્યું હતું. દુલ્હન નો શણગાર  હતો.

            ‘સિતાંશુ આમ મારી સામે બાઘાની જેમ જોયા ન કર. ખાસ વાગ્યું તો નથીને? આઈએમ સોરી, હું ભાન ભૂલી ગયો હતો. હું તને લેવા આવ્યો છું. મેં કોર્ટમાં ફોન કરી એપોઈન્ટમેન્ટ લઈ લીધી છે. જલ્દી તૈયાર થઈ જા. પહેલાં રજીસ્ટર કરાવી લઈએ અને પછી મંદીરમાં ભગવાનની સાક્ષીએ લગ્ન પતાવી દઈએ.’

            સિતાંશુ નતાશાને દિગ્મૂઢ થઈને જોતા જ રહ્યા. નતાશાએ ક્લોઝેટમાંથી એક વ્હાઈટ સૂટ કાઢ્યો અને સિતાંશુને બેડરૂમ તરફ દોરી ગઈ. સિતાંશુ યંત્રવત દોરાઈ ગયા. હેતલ જોતી જ રહી. બેટી તું પણ તૈયાર થઈ જા. એલિનાએ હેતલના માથા પર હાથ ફેરવતા કહ્યું. નતાશાએ સ્ટીવને ફોન કર્યો છે એ સીધો કોર્ટમાં આવશે. મેં બેનરજીને નતાશાની લાગણી સમજાવી છે. ઓલમાઈટી ગોડ જે કરશે તે સારું જ કરશે.’

            અને નતાશા વ્હાઈટ સૂટમાં સજ્જ પાપાઅંકલનો હાથ પકડી બહાર નીકળી. પાપાઅંકલ સિતાંશુ નતાશા દોરે તેમ દોરવાતા હતા.

આજે એ જ વાતને એક વર્ષ થઈ ગયું. નતાશા સાત માસની પ્રેગનન્ટ  હતી. લગ્ન સાદાઈથી થયા હતા. આજની એન્નીવર્સરી ગ્રાંડ પાર્ટીથી ઉજવાવાની હતી.  અને હેતલે બુમ પાડી હતી ‘મૉમ, યૌર બોયફ્રેંડ ઇસ વેઇટિંગ……….’

હેતલ ખુશ હતી. થોડા જ સમય પછી એની સહિયર મૉમ એને નાના ભાઈની ભેટ આપવાની હતી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રવીણ શાસ્ત્રીની વાર્તા

સહિયર મૉમ

પ્રગટઃ ગુજરાત દર્પણ માર્ચ ૨૦૨૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: