ભીંતરના વ્હેણ પ્રકરણ ૪૪, ૪૫ અને ૪૬

લેખકઃ સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૪૪
વાહીદ અને વઝીરને લઈને બાંગ્લાદેશ હાઈકમિશન ની એક કાર
એરપોર્ટ જવા નીકળી. હાઈકમિશન ઉપર નજર રાખી રહેલા
ત્રિશૂળના માણસો પણ સાવધાનીપૂર્વક થોડુંક અંતર રાખીને
અનુસર્યા. ત્રિશૂળને આ બાબતની જાણ કટી. જોસેફ અને
વિનાયક પણ એરપોર્ટ જવા રવાના થયા હતા. કૈં અણધાર્યું
બનવાની શક્યતા નહિવત હોવા છતાં ત્રિશૂળના ઓફોસરો
સાવચેત હતા. એકાએક બાંગ્લાદેશ હાઈકમિશનની કાર દિશા
બદલીને બોમ્બે-પુણે હાઇવે તરફ વળી ગઈ. ત્રિશૂળના
માણસોએ પણ આશ્ચર્ય સાથે દિશા બદલી ને ત્રિશૂળને જાણ
કરી. જોસેફ અને વિનાયકને આ માહિતી એસ.એમ.એસ. કરાઈ.
એમની વિમાસણ વધી કારણકે એમની પાસે કાર નહોતી એટલે
ક્યાંય જવાય તેમ નહોતું. જોસેફે તોડ કાઢ્યો અને પરીક્ષિતને
વાત કરી અને ત્રિશૂળનું હેલિકોપ્ટર વાપરવાની પરવાનગી માંગી.
પરીક્ષિતની સંમતિથી ત્રિશૂળનું હેલિકોપ્ટર એરપોર્ટના કારગો
સેક્શનમાં વીસ જ મિનિટમાં લેન્ડ થયું.કોઈનું ધ્યાન ન દોરાય તે
મુખ્ય આશય હતો. કન્ટ્રોલ ટાવરને ત્રિશૂળ તરફથી હેલિકોપ્ટરને
ઇમરજન્સી ક્લિયરન્સ આપવાનો આદેશ મળ્યો હતો. જોસેફ
અને વિનાયક પણ ત્યાં પહોંચ્યા અને હેલિકોપ્ટર એમને લઈને
બોમ્બે-પુણે હાઇવે ઉપર છવાયેલા આકાશ ની દિશામાં ઉડવા
લાગ્યું. રેહાના અને શુભાંગીને લઈને રંગૂન જવા નીકળેલ
વિમાનને મિકેનિકલ ખામીને લીધે ફરજીયાત પાછા ફરવું પડ્યું.
જે મેદાનમાંથી એ વિમાન ઊપડ્યું હતું એ એક ખાનગી એરપોર્ટ
હતું.ક્રોપ-ડસ્ટીંગ એટલે કે ખેતરો ઉપર દવા છાંટનાર વિમાનો
સિવાય બીજી અવરજવર નહોતી. જવલ્લેજ દાણચોરી માટે
વપરાતા વિમાન, ચારસો ફીટની ઊંચાઈએ ઉડીને રેડાર સ્ક્રીન પર

દેખાયા વગર, સત્તાવાળાઓની નજરમાંથી છટકવા માટે આ
એરપોર્ટનો ઉપયોગ કરતા. નસીબજોગે આ વિમાનનો ફ્લાઇટ
પ્લાન ફાઈલ થયો હતો. યાંત્રિક ખરાબીને લીધે ફ્લાઇટ અટકી
હતી. પેલા બે મુસ્લિમ શખ્સ આ અણધારી આફ્તથી અકળાયા
પણ નાસીપાસ ન થયા . એમણે જિન તા મિન્હ નો સંપર્ક સાધ્યો
અને સઘળી હકીકત જણાવી. જિન તાઓએ કહ્યું ” અડધા કલાક
પછી ફોન કરો . બીજી વ્યવસ્થા થઇ જશે.”
જોસેફ અને વિનાયકની સૂચના મુજબ
ત્રિશૂળના હેલિકોપ્ટરે ત્રિશૂળની કાર પર નજર માંડી હતી.
વિનાયકે પાઇલોટનું બાયનોકયુલર લઈને હાઇવે પરની અગણિત
કારો પર નજર ફેરવી.કદાચ ચાસના પૂળામાં ખોવાયેલી સોય
આસાનીથી મળે પણ ટ્રાફિકમાં ખોવાયેલી કાર શોધવી સહેલી
નથી. જોસેફે ત્રિશૂળની કારનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ
હેલિકોપ્ટરના રોટરના ભારે અવાજના કારણે વાતચીત સાંભળી
શકાય તેમ નહોતી. એટલે એણે એસ.એમ.એસ. મોકલ્યો.
ત્રિશૂળની કારે એસ.એમ.એસ. ના પ્રત્યુત્તર માં જણાવ્યું કે હજી
થાણા સુધી પહોંચ્યા નથીઅને ઉઘાડા ન પડી જવાય એ માટે
સાયરન જેવી ઇમરજન્સી વસ્તુનો ઉપયોગ પણ નહીં કરવામાં
આવે. વાહીદ અને વઝીરને ખબર પડી જાયકે એમનો પીછો થઇ
રહ્યો છે તો પણ બાજી બગડી જાય.
જિન તાઓ મિન્હ પણ અણધારી આફતથી કળાયો
હતો.છતાંય પરિસ્થિતિનું ઝીણવટપૂર્વક પૃથ્થકરણ કર્યું. સમયની
કટોકટી હતી.રેહાના અને શુભાંગીની ગેરહાજરીથી કોઈ પણ
જાતના સવાલ ઉપસ્થિત થાય એ પહેલા એમને રંગૂન પહોંચાડી
દેવા. જિન તાઓએ ચાઈનીઝ એમ્બેસીના ઇન્ટેલિજન્સ ના
ચીફનો સંપર્ક સાધ્યો અને જણાવ્યું કે રેહનાનું અપહરણ કરનારા
તકલીફમાં હતા. એમનું વિમાન બગડ્યું હતું. જવાબમાં ચીફ

બોલ્યા ” અડધો કલાક માં ફોન કરો કોઈક રસ્તો મળી આવશે,”
ઇન્ટેલિજન્સ ચીફને કુરેશીનો નંબર શોધતા વાર ન લાગી.
કુરેશીનો અવાજ સંભળાયો એટલે બોલ્યા ” મારા માણસો
નેરળના ખાનગી એરપોર્ટ પર એમનું વિમાન બગડ્યું હોવાથી
અસહાય અવસ્થામાં છે. એમનું ઇન્ડિયા બહાર નીકળી જવું
ખુબજ જરૂરી છે.” કુરેશીએ થોડોક વિચાર કરીને કહ્યું ” કામ થઇ
જશે. મારા માણસોને હું રવાના કરું છું અને તેઓ ત્યાં પહોંચીને
તમારા માણસોને વહેલામાં વહેલી તકે ઇન્ડિયા બહાર નીકળી
જવામાં મદદ કરશે.” ત્યારબાદ એણે વાહિદ અને વઝીરની
કારની વિગતો આપી જેથી ખોરંભે ચઢેલી પાર્ટી કારને ઓળખી
શકે.
ચાઈનીઝ ચીફે તરત જ જિન તાઓને થઇ રહેલ ગોઠવણ
સમજાવી. વાહીદ અને વઝીરની કારનું વર્ણન આપ્યું અને
સાવધાન રહેવાની તાકીદ કરી. કુરેશીએ વાહીદને ફોન કર્યો અને
નવી કામગીરી સોંપી. નેરળ ના એક ખાનગી એરપોર્ટ પરથી ચાર
વ્યક્તિઓને લઈને થાણાની ખાડી જવાનું અને ત્યાંથી એમને
ઇન્ડિયા બહાર જવાની સગવડ કરી આપવી. વાહિદે ડ્રાઈવરને
નેરળના ખાનગી એરપોર્ટનો રસ્તો લેવાનો નિર્દેશ કર્યો.
બાંગ્લાદેશ હાઈકમિશનનો ડ્રાઈવર પીછો કરનારને
ગેરરસ્તે દોરવાની તાલીમ પામી ચુક્યો હતો. આ તાલીમનો
ઉપયોગ કરવાનો મોકો મળવાથી એ ખુશ હતો. એણે મેઈન
હાઇવે છોડીને કારને ગલીકૂંચીઓમાં ફેરવી. રિયર વ્યુ મિરરમાં
જોવાનું પણ સતત ચાલુ રાખ્યું. થોડીક વારમાં એના ધ્યાનમાં
આવ્યું કે એક કાર સેઇફ અંતરે પીછો કરતી હતી. ડ્રાઈવરે પીછો
છોડાવવાની યોજના વિચારી લીધી. એણે અચાનક કાર થોભાવી
એટલે પીછો કરનાર કારને આગળ નીકળી જવા સિવાય કોઈ
ઉપાય ન રહ્યો. બાંગ્લાદેશના ડ્રાઈવરે હવે કારને વિરુદ્ધ દિશામાં

ફેરવીને પાછો હાઈવેનો રસ્તો લીધો.એ પોતાની કુશળતા ઉપર
વારી જવા જેવી છોકરમત કરે એવો નહોતો. પીછો છોડાવ્યો
એટલે કઈં ઈડરિયો ગઢ તો નહોતો જીતી લીધો. ડિપ્લોમેટિક
લાયસન્સપ્લેટવાળી કાર ઉજ્જડ ગામના એરંડા પ્રધાનની જેમ
દીપી ઉઠે. થોડેક દૂર જઈને એણે કારના ડેશબોર્ડ ઉપરની એક
સ્વીચ દબાવી અને કારની લાયસ્નસપ્લેટ બદલાઈ ગઈ!
ઇન્ટેલિજન્સની આ લાક્ષણિક ટોળામાં ભળી જવાની તરકીબ
અજમાવવાથી ઓળખાઈ જવાની શક્યતા નહિવત બની.
ડ્રાઈવરે હવે કારને ટ્રાફિકમાં વહેતી કરી. નેરળના
ખાનગી એરપોર્ટ પહોંચતા કલાક થઇ ગયો. રનવેના છેડે એક
વિમાન નજર આવ્યું. વિમાનથી થોડેક દૂર ગાડી પાર્ક કરી.
વિમાનમાંથી બે શખ્સો બહાર આવ્યાને વાહીદ અને વઝીર
સાથે વાત કરી. ત્યારબાદ વિમાનમાંથી બે યુવતીઓને લઈને
પાછા
ફર્યા. બધા કારમાં ગોઠવાયા અને થાણાની ખાડી તરફ પ્રયાણ કર્યું.
કુરેશીએ થાણાની ખાડી ઉપર થયેલી ગોઠવણ અનુસાર બધાને
લઈને દાણચોરોની પાવરફુલ બોટ આંતરરાષ્ટ્રીય પાણીમાં ધસી
ગઈ. એક એમ્ફિબિયન વિમાન પાણી પર ઉતર્યું અને બોટના
પેસેન્જરો એ વિમાનમાં ગોઠવાયા. પછી વિમાન પાંખો
ફફડાવીને રંગુનની દિશામાં ઉડ્યું. આમેય વાહીદ અને વઝીરને
રંગુન તો જવાનું જ હતું ને!
મહાલક્ષ્મી રેસકોર્સ ના દરવાજેથી ત્રિશૂળના માણસને
લઈને નીકળેલી ટ્રક આતંકવાદીઓની માલિકીની હતી.
મિલિટરીની ટ્રકને કોઈ રોકટોક નડે નહીં અને એની જાંચપડતાલ
પણ ભાગ્યેજ થાય! આતંકવાદીઓની આ ગણતરી ખોટી
નહોતી. પરિણામે ટ્રક અત્યંત સરળતાથી મ્યાનમાર સરહદ પર
પહોંચી ગઈ. ત્યાંથી ત્રિશૂળના માણસને લઈને મ્યાનમારની

સરકારી ડિપ્લોમેટિક લાયસન્સ પ્લેટવળી કાર સરહદ પાર કરી
ગઈ.

ભીંતર ના વ્હેણ
પ્રકરણ:૪૫
એક કાચી જેઈલ ત્રિશૂળના માણસનું કામચલાઉ રહેઠાણ બની

અને શેષ ભાવિ અનિશ્ચિત રહ્યું. આમેય સાધનસામગ્રીના અભાવે

ત્રિશૂળના માણસની બધી છટકબારીઓ હાલ પૂરતી બઁધ થઇ ગઈ હતી.

બીજે દિવસે ત્રિશૂળનો માણસ પ્રાતઃકર્મથી પરવારીને એની રૂમમાં
પુરાયેલા સિંહની જેમ ફરી રહ્યો હતો. ત્યાં એણે એક કારમાંથી

વાહીદ,વઝીર, અને બે અજાણ્યા શખ્સો અને બે યુવતીઓને ઉતરતા

જોયા.વાહીદ અને વઝીર તો ઓળખાઈ ગયા અને શુભાંગીને ક્યાંક

જોઈ હોય તેમ લાગ્યું! પણ વધારે કૈં સમજ ન પડી.રેહાના વિષે તો કોઈ
અટકળ કરવા પણ એ તૈયાર નહોતો. એનું મન ચગડોળે ચડ્યું એના

મનઃચક્ષુઓ સમક્ષ ઘણા ચહેરાઓ તરવરી ઉઠ્યા. શુભાંગીને ક્યાંક

જોઈ છે એ માન્યતાએ વેગ પકડ્યો. પણ ક્યાં? ક્યારે? પ્રશ્નાર્થોનો

જવાબ ન મળ્યો.કદાચ “ન માંગે દોડતું આવે” એ વિશ્વાસે એણે હાલ
પૂરતું વિચારવાનું માંડી વળ્યું.
શુભાંગી એની વ્હારે આવી અને મુશ્કેલીમાં મુકાઈ ગઈ, મનોમન

રેહાના એ બાબતનો વસવસો કરી રહી હતી. અશ્રુભીની આંખો

સાથે રેહાનાએ દિલગીરી વ્યક્ત કરીઅને શુભાંગીની માફી માંગી.

શુભાંગીએ કહ્યું ” મારી જગ્યાએ તું હોતતો તું પણ મારી મદદે ચોક્કસ
આવતજને! શુભાંગીએ રેહાનાને હિંમત આપવાનો આછોપાતળો

પ્રયાસ કર્યો. પરિસ્થિતિનું મનોમન અવલોકન કર્યું. તારણ એ

નીકળ્યું કે રેહાનાને ખૈબરઘાટ પહોંચાડવાની હતી તો પછી
રંગુન શા માટે લાવ્યા? રેહાનાના હિતેચ્છુઓ અને કહેવાતા

કૌટુંબિક સ્વજનો વાસ્તવમાં એનું અહિત તો નથી કરી રહ્યાને!

આવા શખ્સોનો કેટલો વિશ્વાસ કરી શકાય? એમના ઈરાદામાં
નેકીનો અભાવ વર્તાયો. શુભાંગીને આ માણસો ખતરનાક લાગ્યા.

એમની સાથે શીંગડા લડાવવાનું વ્યર્થ હતું. શુંભાગીએ બે ધ્યેય

નક્કી કર્યા. એક તો આ લોકોની પકડમાંથી છટકવાનું અને બીજું,

કોઈ પણ હિસાબે પરીક્ષિતનો સંપર્ક કરવો.એને વિશ્વાસ હતો કે

એના ડેડી જરૂર કોઈ રસ્તો કાઢશે.
પરીક્ષિત અને ઉર્વશીની મૂંઝવણ અપાર હતી. કોલેજના પર્યટનના

આયોજકો તરફથી મળેલી બાતમીમાં કોઈ ભલીવાર નહોતો. એમને

તો એ પણ ખબર નહોતી કે શુભાંગીનું શું થયું છે! રેહાનાને

અચાનક ફેમિલી ઇમર્જન્સીને લીધે પાછા ફરવું પડ્યું હતું. એક
શખ્સ રેહાનાનો સમાન લેવા આવ્યો હતો એના જણાવ્યા મુજબ

રેહાનાના બાપની તબિયત બગડી હતી. રેહાનાને તાબડતોબ ઘરે

પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ માણસે શુભાંગીનો

ઉલ્લેખ પણ ન કર્યો.શુભાંગી નો સમાન હોટેલની રૂમની સફાઈ

કરનારે સ્ટોરેજમાં ખડક્યો.શુભાંગીની ગેરહાજરી પર્યટનના

આયોજકોના ધ્યાનમાં આવી એટલે એમણે શોધખોળ આદરી.

પૂછપરછ કરતા એટલું જાણવા મળ્યું કે ઘોડેસવારી દરમ્યાન શુભાંગીને
રેહાના મુશ્કેલીમાં હોવાનો અણસાર આવ્યો એટલે એ એની

મદદે ગઈ. ત્યારબાદ શુભાંગી અને રેહાનાના કોઈ વાવડ નહોતા.

રેહાનાનો સમાન લઇ જનાર માણસ વિષે પણ કોઈ ખાસ
માહિતી ન હતી.
ત્રિશૂળના કરતા હર્તા ની હેસિયતથી પરિસ્થિતિનો સામનો

કરવા પરીક્ષિત કટિબદ્ધ થયો. પરંતુ અન્ય પિતાઓમાં પરીક્ષિત

અપવાદ નહોતો. એક પિતાની જેમ જ એના મનમાં પણ કુશંકાઓના

વાદળ ઘેરાયા. એ પણ ચિંતિત હતો. કોઈ પ્રકારની અસહાયતા ઘેરી
વળે એ પાલવે તેમ નહોતું.ઉર્વશીની બાહ્ય વર્તણુક ભીંતરના

સંઘર્ષોને સલુકાઈથી આવરી રહી.એનો પરીક્ષિત પ્રત્યેનો વિશ્વાસ

હાલ પૂરતો આકબંધ હતો પણ જો સમસ્યાનો ઉકેલ વિલંબમાં

પડયોતો? તેમ છતાં હાલ ના સંજોગોમાં તો હકારાત્મક અભિગમ

જાળવી રાખવાનું જ યોગ્ય લાગ્યું.
પરીક્ષિત એના અંગરક્ષકો અને ત્રિશૂળના ચુનંદા સદસ્યોને લઈને

માથેરાન પહોંચ્યો તે પહેલા કામગીરીની ઝીણવટભરી છણાવટ કરી.

એક વ્યૂહ રચના એ આકાર લીધો.ઉપલબ્ધ માહિતીના આધારે

ઘોડેસવારી માટે ઘોડા પુરા પાડનાર તબેલાથી શરૂઆત કરવી.

ઘોડા ભાડે કરનાર વ્યક્તિઓની માહિતી મેળવવી. રેહાના વિષે

વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવો. રેહાનાના બાપ અનસારીની

કામગીરીની કામગીરીથી ત્રિશૂળ અપરિચિત ન હતુંપણ એક વિગતવાર

રેખાચિત્ર બનાવવામાં આવ્યું. અનસારી અફીણ નો ઉત્પાદક હતો.

ભારત સરકાર અનસારીની ધરપકડ કરવા આતુર હતી. ભારતમાં

ગેરકાયદે અફીણની બદી ફેલાવવાનો આરોપ હતો.એમાંથી છટકવા

માટે અનસારીએ સ્વૈચ્છીક દેશવટો અપનાવ્યો હતો.માથેરાનની

તમામ હોટેલો ના ગેસ્ટલિસ્ટ ના પ્રત્યેક ગેસ્ટની માહિતી મેળવવી.

શકમંદ લગતા ગેસ્ટની યાદી બનાવવી અને એમની હિલચાલની

નોંધ રાખવી. જરૂર પડ્યે એમને પૂછપરછ માટે બોલાવવા.
પરીક્ષિતના પડછાયા સમાન એના અંગરક્ષકો વામન અને વિશ્વનાથ

માટે આ ફરજ તો હતી જ પણ સાથે સાથે એક અંગત બાબત પણ

હતી. તેઓ પરીક્ષિતના કુટુંબનો એક હિસ્સો બની ચુક્યા હતા.

શુભાંગીનો પત્તો મેળવવાના પ્રયત્નોમાં કોઈ કમી હોવાની તો

શક્યતા ન જ હતી.વિશ્વનાથ પરીક્ષિતના રૂમમાં પ્રવેશ્યો અને

કહ્યું ” ઘોડાના તબેલાના માલિકને હું મળવા જઈશ અને વામન

અહીં રહેશે'” પરીક્ષિત સહેજ ખચકાયો એ વિશ્વનાથની નજર

બહાર ન રહ્યું. વિશ્વનાથે કહ્યું” કદાચ હું તટસ્થભાવે નિઃસ્પૃહયતાથી

માહિતી મેળવવામાં વધુ અસરકારક નીવડીશ.” વાત તો સાચી હતી.

પરીક્ષિતની ડહોળાયેલી મનોદશાનો સામા માણસને અંદાજ આવી

જાય કે પરીક્ષિત અને શુભાંગીના સગપણનો અણસાર આવે તો

એ શુભાંગી માટે જોખમકારક સાબિત થઇ શકે. હાલ ના સંજોગોમાં

શુભાંગી એક કોલેજીયન યુવતી હતી અને એનું અપહરણ કરનાર

એનાથી કૈં વધુ ન જાણે તે જરૂરી હતું. ઇન્ટેલિજન્સનો એક નિયમ

છે કે અજ્ઞાત બાબતો વિશે અટકળ બાંધનારાઓ નક્કર બાતમીના

અભાવે, પુરાવા વગર કોઈ જોખમકારક પગલાં ભરવાનું સાહસ

ના કરે. બને ત્યાં સુધી જેટલા એ લોકો અંધારામાં રહે તેટલું શુભાંગીનું

ભાવિ ઉજ્જવળ બને તેમ હતું. એકમેકની વિચારધારાથી અજાણ એવા
પરીક્ષિત અને વિશ્વનાથ વ્યૂહરચનાની એક જ પગદંડીના સાથી

હતા. બન્ને એ મનોમન આ બનાવનો ત્રિશૂળ ના અફસરને છાજે

તેવી પ્રણાલીમાં, કોઈ પણ ખામી વગર ઉકેલાવવાનો નીર્ધાર કર્યો.

અર્જુનની જેમ આખું પક્ષી નહીં પણ માત્ર તેની આંખ જ લક્ષ્યમાં

રાખવાની. શુભાંગી અને રેહાના ક્યાં છે , એ સવાલ પર સમગ્ર

ધ્યાન કેન્દ્રિત કરવાનું.

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૪૬
કન્યાકુમારી ની ઉપર દેખરેખ રાખવાથી ફાયદો થયો કે નહીં તે

જણાયું નહીં એના જ ઘર માં એને કેદ રાખવામાં ત્રિશૂળની

મુત્સદ્દીગીરી હતી. એના ઘરે આવતા ફોન કોલનું રેકોર્ડિંગ થતું રહ્યું.

પણ એવા કોઈ અગત્યના કોલ આવતા નહીં. છતાંય આ કાર્યક્રમ

ચાલુ રહ્યો. જિન તાઓ મિન્હ દ્વિધા માં પડ્યો હતો. એને રેહાનાના

અપહરણ માં હિસ્સો લીધો હતો. આડકતરો, પણ વાતનું વતેસર

થયું. નાદુરસ્ત વિમાનને કારણે વાહીદ અને વઝીર સઁડોવાયા-
અધૂરામાં પૂરું રેહાનાની સહાધ્યાયી પણ સકંજામાં હતી. આ બધી

હકીકત એને ચાઈનીઝ ઇન્ટેલિજન્સ તરફથી મળી હતી.બે શખ્સ

જે રેહાના અનસારીના મિત્રો હોવાનો દાવો કરતા હતા, એ હકીકતમાં

તો ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી , આઈ.આઈ.એ. ના
કાર્યકર્તાઓ હતા. જે કોઈ જાણતું નહોતું.જિન તાઓ મિન્હ ની

સઘળી પ્રવૃત્તિઓ આઈ.આઈ.એ. ની ચાંપતી નજર હેઠળ હતી
શુભાંગીની કોલેજ ના પર્યટન આયોજકો પાસેથી મળેલી માહિતીના

આધારે વિશ્વનાથ ઘોડાના તબેલાના મેનેજર ને મળ્યો. છેલ્લા દશ

દિવસમાં ઘોડા ભાડે કરનાર ગ્રાહકોની વિગતો માગી. મેનેજરનું વલણ

અસહકારી નહોતું પણ એણે સર્ચ વોરન્ટ માગ્યું. વિશ્વનાથે તરતજ
એક વોરન્ટ મેનેજરને સુપ્રત કર્યું. છેલ્લા દશ દિવસ માં બધા

મળીને ૧૧૭ ગ્રાહકો એ ઘોડા ભાડે લીધા હતા. મોટાભાગના બે

કલાક થી ચાર કલાક માટે હતા. પર્યટન ના આયોજકોએ દશ ઘોડા

પાંચ દિવસ માટે ભાડે લીધા હતા. વિશ્વનાથે ટૂંકા સમય માટે ઘોડા

ભાડે કરનાર ગ્રાહકોની વિગતો ધ્યાનથી તપાસવા મંડી. એમનું

સરનામું સ્થાનિક હોટેલ અથવા કોઈ રહેઠાણ હતું. બે ગ્રાહકો ના

સરનામાં નહોતા. મેનેજરને આ બાબત વિષે વિશ્વનાથે પૂછ્યું.
મેનેજરે જ્વાબમાંકહ્યું કે” આ લોકો સવારના પહેલી ગાડી માં

સહેલગાહે આવ્યા હતા અને સાંજે નેરળ પાછા ફરવાના હતા.

” મેનેજરે વધુમાં એ પણ જણાવ્યું કે “એમાં કશું અજુગતું
નહોતું.ઘણા લોકો એવીરીતે આવતા જતા હોય છે.” વિશ્વનાથે

એ બે માણસોનું વર્ણન માગ્યું મનેજર પાસેથી પણ કૈં ખાસ જાણવા

ન મળ્યું.વિશ્વનાથ પાછો ફર્યો. રસ્તામાં વિચારે ચઢ્યો.
નેરળ જઈ તપાસ કરવાનો ઈરાદો પરીક્ષિતનેજણાવ્યો. પરીક્ષિતને

યાદ હતું કે જોસેફ અને વિનાયક હૅલીકૉપ્ટર માં બોમ્બે પુના રોડ

પર બાંગ્લાદેશની ડિપ્લોમેટિક લાઇસન્સ પ્લેટ વાળી કારનો પીછો

કરવામાં સફળ નહોતા થયા.તદુપરાંત પીછો કરી રહેલી ત્રિશૂળની

કારને પણ થાપ આપીને બાંગ્લાદેશી કાર ગાયબ થઇ ગઈ હતી.

એ બાંગ્લાદેશી કારનું શું થયું? કારનો પત્તો મળ્યો? આ પ્રશ્નોની હાર

મુંબઈના ટ્રાફિકની જેમ સ્થગિત થઇ હતી. ખડકાઈ હતી.

જોસેફ અને વિનાયક ત્રિશૂળની કાર ના સંપર્કમાં હતા.બાંગ્લાદેશની

કાર થાપ આપીને છટકી ગઈ એ અશક્ય પણ અસંભવ ન’તું. જોસેફે

હેલિકોપ્ટરના પાયલોટને પૂછ્યું “અહીં કોઈ જગ્યાએ આ હેલિકોપ્ટર

લેન્ડ કરી શકાય?” પાયલોટે જવાબ વાળ્યો “હું તપાસ કરીશ.”

પાયલોટે સિવિલ એવિએશન ઇન્ફોર્મેશન સાથે વાત કરી. અને

નેરળના ખાનગી એરપોર્ટનું નામ મેળવ્યું. અને જોસેફને વાત કરી

” દશ મિનિટ દૂર નેરલમાં એક ખાનગી એરપોર્ટ છે.” જોસેફ અને

વિનાયકે ત્વરિત નિર્ણય લીધો ત્યાં લેન્ડ થવાનો અને પીછો કરવામાં

અસફળ રહેલી ત્રિશૂળની કારનેપણ ત્યાં પહોંચવાનો સંદેશો

એસ.એમ.એસ થી મોકલ્યો.હેપિકોપ્ટર લેન્ડ થયું અને જોસેફ અને

વિનાયક બહાર આવ્યા.હેલિકોપ્ટર ત્રિશૂળની કાર આવે ત્યાં સુધી

રોકાણ કરવાનું હતું.એરપોર્ટને બીજે છેડે એક વિમાન જોયું એટલે

વિનાયક અને જોસેફ ત્યાં ગયા, સાવધાનીપૂર્વક.વિમાનમાં કોઈ

નહોતું. વિમાનનો રજીસ્ટ્રેશન નંબર સિવિલ એવિએશનને આપ્યો

અને તપાસ કરવા જણાવ્યું. થોડીવારમાં જવાબ આવ્યો
“વિમાન બોમ્બે ફ્લાઈંગ ક્લબની માલિકીનું હતું. અને એક અરબી

બિઝનેસમેને ભાડે કર્યું હતું.” એ પણ જણાવ્યું કે ફ્લાઇટ પ્લાન

રંગુન નો ફાઈલ થયો હતો. બે દિવસ ના સમય માટે વિમાન ભાડે

કરવાની ગોઠવણ એ બિઝનેસમેનના વકીલે કરી હતી. એ વકીલની

વિગતો પુરી પાડવા માટે ફ્લાઈંગ ક્લબના મેનેજરે સત્તાવાર

દસ્તાવેજોની આવશ્કયતા ઉપર ભાર મુક્યો.
વિનાયક અને જોસેફ હેલિકોપ્ટરમાં માથેરાન પહોંચ્યા પરીક્ષિત

ને મળવા. પરીક્ષિતે વિશ્વનાથ, વામન,જોસેફ અને વિનાયક સાથે

બની ચૂકેલા બનાવોની સમીક્ષા કરી. માથેરાનમાંથી શક્ય તેટલી

માહિતી મળી ગઈ હતી અને ત્યાં વધુ રોકાણ અર્થહીન હતું.
ત્રિશૂળના હેડક્વાર્ટર પાછા ફરવાનો નિર્ણય લીધો. ઘોડા ભાડે

કરનાર બે ગ્રાહકોની સમસ્યા અણઉકલી રહી.
મુંબઈ પહોંચીને જોસેફ ફ્લાઈંગ ક્લબની મુલાકાતે જાય વધુ તપાસ

અર્થે અને વિનાયક કન્યાકુમારીના રેકોર્ડ થયેલા સંદેશ વ્યવહારનું

પૃથ્થકરણ કરે તેમ નક્કી થયું. એના સંદેશ વ્યવહાર ના થઇ રહેલા

રેકોર્ડિંગ વિષે એ અજ્ઞાત હોવાની શક્યતા રઝળપાટે હતી.વિનાયક

ડૂબ્યો કન્યાકુમારીના સંદેશ વ્યવહારમાં અને જોસેફ ફ્લાઈંગ

ક્લબ ના મેનેજરને આપવાના દસ્તાવેજોની વ્યવસ્થામાં રોકાયો.
ઘરે જતા પહેલા પરીક્ષિત દિવાકર માધવનને મળ્યો. પરીક્ષિતનો

ચેહરો જોઈને માધવન મામલાની ગંભીરતા સમજી ગયો. સમગ્ર

બીના જાણ્યા પછી વિચારમગ્ન માધવને પરીક્ષિતને નચિંત કરવાનો

પ્રયત્ન કર્યો અને કહ્યું ” આરબ વ્યાપારી અને એના વકીલની

માહિતી એકઠી કરવી જરૂરી છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં એની

ફાળવણી મહત્વની છે.” પરીક્ષિતે હુંકાર ભણ્યો અને ઘરે જવા નીકળ્યો.

વામન અને વિશ્વનાથ સાથે હતા. ઉર્વશી જરૂરી કામ પતાવીને ઘરે

જતી રહી. ઉર્વશી અનેક કટોકટીનો સામનો કરી ચુકી હતી. પણ

આજના જેવી અસામાન્ય કટોકટી ક્યારે ય સર્જાઈ ન’યિ. તેમ છતાં

જીવનની ક્ષણભંગુરતા થી એ પરિચિત હતી. કદાચ દરેક જીવન

કમ્પ્યુટરના પ્રોગ્રામ સોફ્ટવેર કે હાર્ડવેરમાં “ગ્લિચ” ની ઉદ્ભવના

અપવાદરૂપે નહોતી.ફર્ક એટલો જ હતો કે જીવન કમ્પ્યુટરના

પ્રોગ્રામમાં રીસેટ નો પ્રબંધ ન’તો. ઈરેઇઝ અને ડીલીટ ની વ્યવસ્થા

હતી. કોણ ક્યારે ઈરેઇઝ–ડીલીટ થઇ જશે એ કળવું અશક્ય હતું.

ઉર્વશી નીકાર પોર્ચમાં અટકી એટલે બાગકામ કરી રહેલ એકનાથ

કાર તરફ વળ્યો. પેસેન્જર સાઈડ નો પાછલો દરવાજો ખોલીને
આદતમુજબ સામાન કાઢવા ગયો. ઉર્વશીએ કહ્યું ” આજે હું કૈં

લાવી નથી.” એકનાથ મૌન રહ્યો અને પાછો કામે વળગ્યો. જાનકી

પણ ઉર્વશીને જોઈને સમજી ગઈ અને ઉર્વશીને સાંજના જમણ

વિષે પૂછવામાં શાણપણ ન લાગ્યું. ઉર્વશી સ્વસ્થ થાય એટલામાં

જાનકીએ ચા નો કપ લાવીને ટેબલ પર મુક્યો. ઉર્વશીએ મનોમન

જાનકીનો આભાર માન્યો. પરીક્ષિત ઘરમાં પ્રવેશ્યો. વિશ્વનાથ

અને વામન વચ્ચે વાત થઇ ચુકી હતી. હાલના સંજોગોમાં વામન

પરીક્ષિત ની સાથે જ રહે એમ નક્કી કર્યું.વિશ્વનાથ ઘરે ગયો.
જાનકી પરીક્ષિત માટે ચા લાવી. ચા પીવાની અનિચ્છા ચિંતિત

માબાપના ચેહરા ઉપર દિવા જેવી સ્પષ્ટ હતી.પરીક્ષિતે ઉર્વશીને

બધું સવિસ્તર જણાવ્યું. ઉર્વશી હંમેશ મુજબ એકાક્ષરી પ્રત્યુત્તર

વળતી રહી. અને પરીક્ષિતની ગહનતાને નાણવાનો પ્રયત્ન કરતી રહી.
એકાએક અત્યારસુધી કાબુમાં રાખેલ અશ્રુધારાએ એના મ્લાન

મુખડાને આવરી લીધું. અન્ય, અસંખ્ય માતૃહૃદયોની જેમ ઉર્વશીનું

હૃદય પણ શુભાંગી માટે વલોવાઈ રહ્યું હતું. પરીક્ષિતે ઉર્વશીના

વણકથ્યા શબ્દોમાં શુભાંગીને કોઈ પણ હિસાબે હેમખેમ પાછી

લાવવાની યાચના પારખી. પરીક્ષિતે ઉર્વશી સાથે આંખ મિલાવી,

એની સ્થિર નેત્રજ્યોત ઉર્વશીને દ્રઢતાપૂર્વક વિશ્વાસ દઈ રહી હતી.

એની વર્તણુક માં ઉર્વશીની મનોવ્યથા પડઘાતી હતી. યુગાંતરોથી
એકમેકના અંતર્યામી હતા. પરીક્ષિતના અલ્પ લાગતા આચરણમાં

વ્યક્ત દ્રઢ નિશ્ચયને ઉર્વશી નીરખી રહી અને એના ચહેરા પર છવાયેલી

ગ્લાનિમાં પણ આછીપાતળી આશાની સુરખીઓ લહેરાઈ.
વિનાયક કન્યાકુમારીના રેકોર્ડ થયેલા ટેલિફોન કોલ સાંભળી રહ્યો

હતો. અને અવારનવાર એક નોટ પેડ પર જરૂરી નોંધણી કરતો હતો.

જિન તાઓ મિન્હ અને કન્યાકુમારી ની વાતચીતે એનું ધ્યાન દોર્યું.

જિન તાઓ મિન્હ કહી રહ્યો હતો “રેહાના અનસારી ની બાતમી માટે

આભાર. અને હા, આપણા યહૂદી હિતેચ્છુ ની સેવા ના બદલામાં

એના સ્વિસ બેન્ક એકોઉંટ માં રાબેતા મુજબ ની રકમ જમા થઇ

જશે.” વિનાયકને તાજ હોટલ રૃમ નંબર ૬૧૨માં ઉતારો લેનાર

જિન તાઓ મિન્હ અદ્રશ્ય થઇ ગયો હતો એ યાદ આવ્યું. વિનાયકે

વધુ તપાસ કરવાનું નક્કી કર્યું. દિલ્હી ના ત્રિશૂળ અફસરને જીન

તાઓ ના ફોન કોલની વિગતો આપી અને ટેલિફોન કંપની માં

તપાસ કરવા મોકલ્યો. જોસેફ ફ્લાઈંગ ક્લબના મેનેજરને જઈ મળ્યો.

સાથે આણેલા દસ્તાવેજો આપ્યા અને અરબ વ્યાપારી અને એના

વકીલની વિગતો રજૂ કરવાનું જણાવ્યું. વકીલનું નામ હતું સુલેમાન

સૈયદ. એની ઓફિસ નું સરનામું જોસેફે ડાયરીમાં લખી લીધું અને

અરબ વ્યાપારીની બાબતમાં મેનેજરને પૂછ્યું.ત્યારે મેનેજરે કહ્યું

“સુલેમાને સિક્યુરિટી- સલામતી ખ્યાલમાં રાખીને એના ક્લાયન્ટ

વિષે માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.” આભારવશ
જોસેફ તરતજ ત્રિશૂળ હેડક્વાર્ટર્સ પાછો ફર્યો.
દિલ્હી ટેલોફોન તપાસનો રિપોર્ટ વિનાયકને મળ્યો. જિન તાઓ

મિન્હ ચાલાક હતો. એણે ચંદનીચોક વિસ્તાર નો એક પબ્લિક

ફોન વાપર્યો હતો કન્યાકુમારી સાથે વાત કરવા માટે. વિનાયકે

કન્યાકુમારી ના સઁદેશ વ્યવહાર નો રિપોર્ટ પરીક્ષિતને મોકલ્યો.
વિનાયક દિશાશૂન્ય બને તે પહેલા એણે “એક્સપ્રેસ ઇન્ટરનેશનલ”

ફાઈલ તપાસી. કમ્પ્યુટર ત્રિશૂળનું એક અનિવાર્ય અંગ હતું.

પ્રકાશની ગતિએ કોઈ પણ દસ્તાવેજ, ફાઈલ, અટવા ધંધાકીય

વિશેની બાતમી ની વિનાવિલંબે શોધી કાઢે. પરશુરામે જેમ પૃથ્વીને

નક્ષત્રી કરી હતી તેમ કમ્પ્યુટરે ઓફિસમાંથી કાગળનું નામોનિશાન

નાબૂદ કર્યું હતું. દક્ષિણા, રૃશ્વતના બંધાણી પટાવાળા, ચપરાશીઓ

અને કારકુનો ને કમ્પ્યુટરે સદાચારી તો નહોતા બનાવ્યા પણ

એમની આવકમાં ધરખમ ઘટાડો થવાને કારણે એમને સાદાઈ

અપનાવવી પડી હતી.

One response to “ભીંતરના વ્હેણ પ્રકરણ ૪૪, ૪૫ અને ૪૬

  1. Dipti Trivedi. December 2, 2020 at 12:07 PM

    nava prakran ma vilamb thayo pan tran prakran eksaathe aapine satu vali didhu.
    rasprad.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: