લેખકઃ સુરેંદ્ર ગાંધી
ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૪૯
મ્યાનમારમાં કેદ થયેલો ત્રિશૂળનો , માણસ એક પ્રકારની નિષ્ક્રિયતા
અનુભવી રહ્યો હતો. હાલના સંજોગોમાં કેદખાનામાંથી છટકવા
માટે મનોમન યોજનાઓ ઘડતો હતો. ત્રિશૂળની તાલીમેશીખવ્યું
હતું કે માનસિક જાગૃતિ અને શારીરિક શિસ્તબદ્ધતા કોઈ પણ
સંજોગોનો સામનો કરવામાં મદદ રૂપ થઇ શકે છે. કેટલાક તર્ક વિતર્ક
લડાવ્યા પછી નક્કી કર્યું કે અહીં થી છટકવા કરતા અહીં શું ચાલી રહ્યું છે
, એ જાણવું જરૂરી છે. પેલી બે યુવતીઓ વારંવાર એના માનસપટ
ઉપર રિપ્લે થતી રહી. કોણ હતી એ યુવતીઓ? એ સવાલ સળવળતો
જ રહ્યો પણ એનો જવાબ શોધવામાં હાલ શાણપણ નથી એમ
એને લાગ્યું. વિચાર્યું કે આગે આગે દેખા જાયેગા. કાચી કેદ જેવા
પોતાના આવાસનું નિરીક્ષણ કર્યું, કદાચ કોઈ વિશિષ્ટતા કે ક્ષતિ
નજરે ચડી જાય. બારણાને અડોઅડ એક બારી હતી. એક ખૂણામાં
પાણીનો નળ હતો. રૂમમાં એક ખાટલો હતો જેના ઉપર હાડપિંજર
જેવી એક પથારી હતી.
બાથરૂમની વ્યવસ્થા એક ખૂણાની નાનકડી ઓરડીમાં હતી.આ
વ્યવસ્થાનો ફાયદો ઉઠાવવાનું એણે નક્કી કર્યું. સંધ્યાકાળ નછીનો
સમય યોગ્ય લાગ્યો. બાકીનો દિવસ શારીરિક વ્યાયામમાંગાળ્યો.
અંધકારના એંધાણ વર્તાયાં એટલે એણે બાથરૂમ તરફ પગલાં ભર્યા.
સામે ચાલીને ચોકીદારની પરવાનગી પણ માંગી. પણ જવાબની
રાહ ન જોઈ.બાથરૂમનો દરવાજો ખોલીને અંદર જવાનો અભિનય
કર્યો. વાસ્તવમાં બાથરૂમની બહાર રહીને દરવાજો વાસ્યો અને
એક તરફ સંતાઈને ઉભો રહ્યો.ચોકીદાર અસાવધ નહોતોઅને એની
નજર અવારનવાર બાથરૂમના દરવાજા પર પડતી રહી.વ્યાજબી
સમયબાદ ચોકીદારને અધીરાઈ થઇ આવી અને એણે બાથરૂમનો દરવાજો
ખટખટાવ્યો. અંદરથી જવાબ ન મળ્યો અને અચાનક એના માથા
પર એક જોરદાર પ્રહાર થયો. ચોકીદારના હોશ ઉડી ગયા. ત્રિશૂળના
માણસે ઝડપથી પોતાના અને ચોકીદારના વસ્ત્રો ની અદલાબદલી કરી.
પોતે ચોકીદારનો વેશ પહેર્યો અને ચોકીદારને પોતાના કપડાં પહેરાવી
દીધા.ચોકીદારના મોઢામાં કપડાનો ડૂચો ખોસીને એના જ બૂટની
દોરીથી એના હાથ પીઠ પાછળ બાંધ્યા. બીજી દોરી ડુચાને સલામત
રાખવા માટે વાપરી.ચોકીદારની રિવોલ્વર લઇ લીધી ને એને બાથરૂમ
માં ઢસડ્યો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. ચકોર દ્રષ્ટિથી
અંધકારને ફંફોસીને ચુપકીદીથી પોતાની રૂમ પર પાછો ફર્યો.
ચાદરની અંદર ઓશીકું ગોઠવીને એવી રીતે ઢાંક્યું કે જાણે કોઈ
સૂતું હોય એમ લાગે.બહાર નીકળીને રૂમનો દરવાજો બંધ કર્યો.
સહુ પ્રથમ બે યુવતીઓને જે તરફ જતા જોઈ હતી તે તરફ વળ્યો.
ઘટાદાર વૃક્ષોની ઓથે છુપાઈને આગળ વધ્યો. થોડુંક ચાલ્યો અને
એક તરફ કોટડીઓની હરોળ દેખાઈ, બારીઓમાંથી આછોપાતળો
પ્રકાશ દેખાતો હતો. તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા
માટે ચોકીદાર પાસેથી છીનવેલી રિવોલ્વરની પકડ મજબૂત કરી.
એક બારીમાં ડોકિયું કર્યું તો બે મૂછાળા વાતો કરતા જણાયા. એક
મૂછાળો બોલ્યો “રેહાનાનું ભવિષ્ય એના બાપના હાથમાં છે
પણ બીજીનું ભવિષ્ય આપણે ઘડવું પડશે.” બીજાએ કહ્યું ” યુવતી
સુંદરને સુડોળ છે. જો સીધી રીતે તૈયાર નથાય તો બળાત્કાર કરવો પડશે.
એ પછી જિન-તાઓ ની મદદથી હોંગકોંગના વેશ્યાવાડામાં કે ઇઝરાયેલની
મદદથી કોઈ અમીર આરબ ના રણવાસમાં વેચીશું તો પૈસાય સારા
ઉપજશે.” થોડીકવાર મૌન છવાયું. પછી એક શખ્સ બોલ્યો ” અમીર
આરબને માલ શુદ્ધ હોવાની ખાત્રી આપીશું તો સારો ભાવ મળે ખરો!
” બીજાએ સુર પૂર્યો, “ચીનાઓ પણ ખાત્રી ના માલના સારા પૈસા
ચૂકવે છે!” બેઉં જણા એક સાથે બોલ્યા ” આવી બાબતમાં અકબંધ
સીલ વગરનો માલ પણ શુદ્ધ હોય છે.”
ત્રિશૂળના માણસના હાથની પકડ સખ્ત થઇ. ભવાં તંગ થયા પણ
કોઈ અવિચારી પગલું ભરવામાં નુકશાન હોવાનું ભારોભાર લાગ્યું.
હળવેકથી સરકીને બીજી બારીમાં ડોકિયું કર્યું. બે ચિંતાગ્રસ્ત યુવતીઓના
ચહેરાએ દેખા દીધી. શુભાંગી કહેતી હતી “રેહાના, આપણે
હિંમત હારવી નથી. પરિસ્થિતિનો મક્ક્મતાથી સામનો કરવાનો છે.
આપણું અહિત કરનારાઓને દ્રઢતાથી પડકારવા પડશે.” રેહાનાએ
જવાબ આપ્યો “શુભાંગી મારે લીધે તારે માથે પણ અગણિત
મુસીબતો આવી છે. લાગે છે કે મારા ફાથરના આ કહેવાતા મિત્રોની
દાનત બુરી છે. પણ એક વાત ધ્યાનમાં રાખજે કે મારી હયાતી
દરમ્યાન તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં.” કોઈક હિલચાલનો
અણસાર આવતા શુભાંગીએ બારી તરફ નજર કરી. લાગ્યું કે
કોઈ જાનવર હશે પણ છતાંય ખાત્રી કરવા બારી પાસે ગઈ.
શુભાંગીને બારી પાસે જોઈને ત્રિશૂળનો માણસ બારી સામે આવ્યો
અને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. શુભાંગી વધારે મુંઝવાય તે પહેલા
બોલ્યો, “મારી ઓળખ આપી શકું તેમ નથી પણ એટલું ચોક્કસ
કહીશ કે હું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક ઉચ્ચ ઓફિસર છું. તમારી
જેમ જ મને પણ અહીં બળજબરીથી લાવવામાં આવ્યો છે. આપણે
છટકવા માટે એકબીજાને મદદકરીએ.”
શુભાંગીને આ માણસ પરિચિત લાગ્યો, ક્યાંક જોયો હોય તેમ
લાગ્યું. એનો અવાજ પણ કઈંક જાણીતો લાગ્યો. અવિશ્વાસને મનમાંજ
દબાવ્યો અને બોલી “તમારી વાત સાચી છે. અમને અહીં બળજબરીથી
લાવવામાં આવ્યા છે.” ત્રિશૂળના માણસે જવાબ આપ્યો, “
બે શખ્સો વચ્ચે તમારા ભવિષ્ય વિશે ચાલતી વાતો સાંભળી છે પણ
ગભરાશો નહીં કારણકે આપણે રસ્તો કાઢીશું.” રેહાનાએ પૂછ્યું,
” શું થયું શુભાંગી? કોની સાથે વાતો કરે છે?” શુભાંગીએ ચૂપ
રહેવાનો ઈશારો કર્યો અને બારી પાસે બોલાવી. રેહાના ત્રિશૂળના
માણસને જોઈને હેબતાઈ ગઈ.
શુભાંગીએ ટૂંકમાં એનો પરિચય આપ્યો.રેહાનાની અકળામણ
વધી. મારા બાપના કહેવાતા બે હિતેચ્છુઓ ઓછા હતા તે આ નવો
હિતેચ્છુ આવી પડ્યો! રેહાનાની શંકાશીલ માન્યતા એના
ચહેરા ઉપર સ્પષ્ટ વર્તાઈ આવી. શુભાંગીએ હળવેકથી એને
સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યું “બધાને એક ત્રાજવેથી ન તોલાય.
તેલ જોવું જોઈએ અને તેલની ધાર જોવી જોઈએ. કેવી રીતે માની
લેવાય કે આ માણસ પણ દગાબાજ જ હશે!” પેલા માણસે કહ્યું
“આ ચર્ચા વિચારણાનો સમય નથી. એક વાર અહીંથી છૂટ્યા પછી
હું તમને સહીસલામત તમારા ઠેકાણે પહોંચાડીશ.” શુભાંગી
અને રેહાના પલભર એકબીજાને જોતા રહ્યા અને છેવટે સંમત થયા.
ત્રિશૂળના માણસે જણાવ્યું ” હું તમારા રૂમમાં આવું પછી આપણે
ભેગા મળીને એક અસરકારક યોજના ઘડી કાઢીએ. કિંમતી
સમય ન બગડે તે જોવું જરૂરી છે.”
ત્રિપુટીએ ભેગા થઈને યોજના ઘડી કાઢી. રેહાના બે શખ્સો
પૈકીના એકને પટાવીને રૂમમાં લઇ આવે. બારણાની ઓથે છુપાયેલો
ત્રિશૂળનો માણસ એ શખ્સના માથે જોરદાર પ્રહાર કરશે. એને બેભાન
થતો જોઈને બેઉં યુવતીઓ ચીસાચીસ કરશે એટલે બીજો
શખ્સ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા ત્યાં આવશે. પછી
એને પણ બેભાન બનાવી દેવાશે. બેભાન શખ્સોના કપડાં યુવતીઓ
પહેરી લેશે અને પછી એમને બાંધીને એમના મોઢામાં ડૂચા
ભરાવી દેવામાં આવશે. આ સઘળી કામગીરી દશ મિનિટમાં જ
પતાવવી પડે અને રૂમમાંથી બહાર નીકળવું પડે. ત્યારબાદ શક્ય
હોયતો પલાયન થવા માટે એક વાહનની સગવડ કરવી પડશે.
રેહાનાએ બીડું ઝડપ્યું અને શુભાંગી એક પલંગ પર ગાઢ નિંદ્રામાં
પોઢી ગઈ. ત્રિશૂળનો માણસ દરવાજા પાછળ સંતાઈ ગયો. રેહાનાએ
પેલા શખ્સોના બારણે હળવેકથી ટકોરા માર્યા.
અંદરથી પૂછવામાં આવ્યું “કોણ છે?” જવાબ મળ્યો “રેહાના
અનસારી એના બાપના મિત્રોનો આભાર માનવા ઈચ્છે છે.” દરવાજો
ખુલ્યો રેહાના અચકાતી હતી.દરવાજો ખોલનાર બોલ્યો ” અમે ફરજ
બજાવીને અનસારી ને આપેલું વચન પાળ્યું છે.” રેહાનાએ કહ્યું
” તમારી સહાય બદલ હું આભારી છું પણ મને મારી સાથીદારની
બીક લાગી છે. તે મારે લીધે મુશ્કેલીમાં આવી પડી છે, તેમ માને છે. મને
મારી સલામતી જોખમમાં લાગે છે.” પેલા માણસે કહ્યું “ચાલો હું
તમારી સાથીદારને સમજાવીશ.” રેહાનાએ ખુશ થવાનો દેખાવ
કર્યો; “ખરેખર તો તો ઘણું સરસ. તમને તકલીફ નહોતી એવી પણ
તમારી સજ્જનતાથી મને થોડીક રાહત મળશે.”
ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૫૦
રૂમમાં પ્રવેશીને પેલો માણસ શુભાંગીને ઢંઢોળવા વાંકો વળ્યો.. તરતજ
એના માથે પર રિવોલ્વરના હાથાનો જોરદાર પ્રહાર થયો.ખોપરીનું
હાડકું તૂટ્યું હોય એવો અવાજ આવ્યો અને એ માણસ ભોંયભેગો થયો.
રેહાનાની ચીસો સાંભળીને બીજો માણસ પણ એની રૂમમાંથી
હાંફળોફાંફળો ધસી આવ્યો. ત્રિશૂળના માણસે એના માથા પર
જોરદાર પ્રહાર કરીને એને પણ જમીનદોસ્ત કર્યો.યુવતીઓએ
ઝડપભેર એ શખ્સોના કપડાં પહેરી લીધા અને માત્ર અન્ડરવેરધારી
શખ્સોને ચાદરના ચિરાઓથી બાંધીને એમના મોઢા પર ડૂચા માર્યા,
શુભાંગીએ પહેરેલા પાટલુનના ખિસ્સામાં કઈંક અવાજ આવ્યો ,
જોયુંતો કારની ચાવી હતી. ત્રિપુટી ચુપચાપ અંધકારમાં સરકવા લાગી.
થોડેક દૂર પાર્ક કરેલી જીપ ત્રિશૂળના માણસે ઓળખી કાઢી ,
એ જીપમાં જ એને અહીં લાવવામાં આવ્યો હતો. જીપ સ્ટાર્ટ
થાય અને એના અવાજથી કોઈનું ધ્યાન દોરાય તે પરવડે તેમ ન’તું.
એટલે જીપનું ગિયર ન્યુટ્ર્લમાં શિફ્ટ કરીને ધક્કા મારીને થોડેક સુધી
દોરી ગયાને સલામત અંતરે પહોંચીને ત્રણે જણા જીપમાં પલાયન
થઇ ગયા.
એકાદ કલાકમાં તો સારું એવું અંતર કપાઈ ગયું.એક એસ.ટી.ડી.
ફોન બુથ પાસે જીપ અટકી.ત્રિશૂળના માણસે યુવતીઓને સાવધાન
રહેવાની તાકીદ કરી , બૂથમાં જઈને ત્રિશૂળની ઓફિસે કલેક્ટ કોલ
જોડ્યો. લાઈન મળી એટલે પોતાની ઓળખ આપતા ઓપરેટરે
સ્ક્રેમ્બલર ફોન થી પરીક્ષિતને ફોન કરીને લાઈન પર લીધો. પરીક્ષિતે
બધી વિગતો જાણીને એ માણસની કામગીરીને વખાણી અને એના
કુટુંબીજનોને એના ક્ષેમકુશળ પહોંચાડવાની ખાત્રી આપી.ત્રિશૂળના
રંગુન ખાતેના એજન્ટનો ફોન નમ્બર આપ્યો અને કોલ સમાપ્ત થયો.
પરીક્ષિત નિંદ્રાધીન ઉર્વશી તરફ ફર્યો અને હળવેકથી એનો હાથ
પંપાળ્યો , ઉર્વશી સળવળી અને પરીક્ષિતની સોડમાં સમાઈ
ગઈ. પરીક્ષિતના ચિંતિત મનનો ઉભરાયેલો ઉદ્વેગ શમી રહ્યો હતો.
શુભાંગીની ભાળ મળવાની આશાને અંકુર ફૂટ્યા. ઉર્વશીએ
અર્ધજાગૃત અવસ્થામાં પૂછ્યું ” કોનો ફોન હતો?” ઉર્વશી ભાગ્યે જ
એવો પ્રશ્ન કરતી. પરીક્ષિતના કામકાજમાં દખલ કરવાની એને
આદત નહોતી. શુભાંગીના વિચારમાં એના અશાંત મનની હાલત
ડોકાતી હતી . આંખતો અનાયાસે મળી ગઈ હતી. પરીક્ષિતે ઉર્વશીને
વધુ નજીક ખેંચીને કહ્યું ” શુભાંગી રંગુનમાં હોવાની શક્યતા છે.
” ઉર્વશી સફાળી બેઠી થઇ અને બોલી ઉઠી ” રંગુનમાં?” પરીક્ષિતે
માથું હકારમાં ધુણાવીને જવાબ આપ્યો , “વધુ વિગતો ઓફિસમાં
આવી રહી છે. મારે જવું પડશે.” પરીક્ષિતે વામનને ઉઠાડ્યો. ગઈ કાલથી
વામન અહીં જ રહેતો હતો.સદ્ભાગ્યે વામન અને પરીક્ષિત તૈયાર
થતા હતા તે દરમ્યાન વિશ્વનાથ પણ આવી પહોંચ્યો.ત્રિશૂળના
નિયમાનુસાર પરીક્ષિત એના બે અંગરક્ષકો સિવાય ક્યાંય ન જઈ શકે.
ત્રિશૂળનો રંગુન ખાતેનો ઓફિસર સુવાની તૈયારીમાં હતો
અને ત્યાં જ એનો ફોન રણક્યો. ત્રિશૂળ હેડક્વાર્ટર્સમાંથી ફોન હતો.
અને સવિસ્તર માહિતી આપવામાં આવ્યા બાદ ફોન કપાઈ ગયો.
સૂચના અનુસાર તૈયાર થઈને એ પેલા એસ.ટી.ડી. બુથ પર પહોંચી
ગયો. જીપના પેસેન્જર્સને મળ્યો.ઓળખવિધિ પત્યા બાદ યુવતીઓ
રંગુનના ઓફિસરની કારમાં ગોઠવાઈ અને જીપ એને અનુસરી.
વીસેક માઈલ દૂર જઈને બને વાહન એક બ્રિજ પર અટક્યા. જીપને
બ્રિજની નીચે વહેતી નદીમાં જળસમાધિ લેવડાવી અને ફરી કાર
ગતિમાન થઇ. ત્રિશૂળનો મ્યાનમાર ખાતેનો ઓફિસર રંગુનથી
થોડેક દૂર રંગુન અને બોગલની વચ્ચે ઈરાવદી નદીના કિનારે રહેતો હતો.
વિસ્તૃત વનરાજી અને લીલોતરીની ઓથે કોઈ પણ જાતની રોકટોક
વગર અવરજવર શક્ય હતી. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના લીધે એનું
રહેઠાણ સુરક્ષિત હતું. ઓફિસર આર R ના નામે સહું એને ઓળખતા.
ધોરી માર્ગ ને બદલે નાની, આડીઅવળી ગલીકૂંચીઓમાં થઈને
રસાલો મુકામે પહોંચ્યો. ખાવાપીવાની વ્યવસ્થા કરી તે દરમ્યાન
ત્રિશૂલને રિપોર્ટ મોકલ્યો. સાથે રેહાના અને શુભાંગીના ફોટા પણ
મોકલી આપ્યા. શુભાંગી અનરેહાનામાટેઓફિસર આરની પત્નીના
કપડાં કામ આવ્યા; એની પત્ની થોડાક સમય માટે ઇન્ડિયા ગઈ હતી.બન્ને
યુવતીઓની સુવાની વ્યવસ્થા પણ થઇ ગઈ. પરંતુ અનિશ્ચિત ભાવિની
ફિકરની તરફેણમાં નમેલું ત્રાજવું આંખો મીંચવાં દે તેમ નહોતું.
શુભાંગીએ મનઃચક્ષુનું રિપ્લેનું બટન દબાવ્યું. નાનો ભાઈ અનુરાગ
પ્રત્યક્ષ થયો પણ એ શું કરતો હશે , તે ન કલ્પી શકી.મમ્મી ચિંતાતુર
હશે પણ ભાંગી નહીં પડી હોય. ડેડી એમની રીતે શોધખોળમાં
રોકાયા હશે. શુભાંગીને એના ડેડી પર સંપૂર્ણ ભરોસો હતો. એના ડેડી
એને જમીન આસમાન એક કરીને પણ ઉગારી લેશે. એકાએક
કોલેજનો ચેરિટી પ્રોગ્રામ યાદ આવ્યો. ડેડી અચાનક પ્રોગ્રામ છોડીને
ચાલ્યા ગયા હતા તે યાદ આવ્યું.પ્રોગ્રામ બાદ હોલના પાછલા
દરવાજેથી ત્રિશૂળની કારમાં ઘરે પહોંચ્યા હતા તે યાદ આવ્યું. તરત
ઝબકારો થયો. તે દિવસે અને આજે પણ ડ્રાઈવર તો એ જ હતો!
શુભાંગીએ પડદો પડ્યો . સમજાયું કે આપ્તજનોની ગેરહાજરીમાં જ
એમનું ખરું મૂલ્યાંકન થાય છે. એમની ખોટ સાલે છે.
આમતો પરીક્ષિત-ઉર્વશીના કુટુંબમાં ગાઢ નિકટતા હતી. છતાં
વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ નહોતો. કોઈ પણ જાતની સીમાઓ
આંકવામાં આવી નહોતી આવી પણ લક્ષ્મણ રેખાનું અસ્તિત્વ
અકબંધ હતું. પોતાના કુટુંબ પ્રત્યે એક અહોભાવ શુભાંગીના
મનમાં પ્રગટ્યો. આવા સદ્ભાગ્ય બદલ એ મનોમન વઁદન કરી રહી.
શુભાંગીએ ત્રિશૂળના ડ્રાઈવરને આડકતરી રીતે પોતાની ઓળખ
આપી અને ચેરિટી પ્રોગ્રામનો ઉલ્લેખ કર્યો.ત્રિશૂળના ડ્રાઈવરને
તરત જ યાદ આવ્યું કે આ યુવતીને એણે સહીસલામત ઘરે પહોંચાડી
હતી.
એણે તરત આરના સ્ક્રેમ્બલર ફોનથી ત્રિશૂળનો ફોન જોડ્યો.
પરીક્ષિત હમણાં જ ત્રિશૂળ હેડક્વાર્ટર્સ પહોંચ્યો હતો. એણે
વાત કરી એટલે ખાત્રી થઇ ગઈ કે શુભાંગી ત્રિશૂળના સંરક્ષણ હેઠળ
સલામત છે. ઉર્વશીને ફોનથી ખબર આપી અને એ પણ નચિંત થઇ
ગઈ. પરીક્ષિતે કહ્યું ” મારે રંગુન જવું પડશે “. ઉર્વશીએ જવાબ આપ્યો :
” તારી સાથે જ છું એમ શી રીતે કહું? આપણે એકબીજામાં
એવા ઓતપ્રોત થઇ ગયા છીએ કે આપણી આપણી અલાયદી પહેચાન
પણ હવે રહી નથી”
Like this:
Like Loading...
Related