લેખકઃ શ્રી સુરેંદ્ર ગાંધી
ભીંતર ના વ્હેણ
પ્રકરણ:૫૪
જોસેફ,વિનાયક અને ત્રિશૂળ ના ડ્રાઈવરે મ્યાનમારના સ્થાનિક ત્રિશૂળના એજન્ટની
મદદથી પરીક્ષિતે આપેલા ફોટાઓમાં બતાવેલી જગ્યાની શોધખોળમાં જવાનો પ્લાન
કર્યો. રેહાના અને શુભાંગીને મુંબઈ પહોંચાડવાની વ્યવસ્થા કરી. રેહાનાએ આ બાબત
ની જાણ એના બાપ ને કરવા માટે ફોન જોડ્યો.અન્સારીનાં જણાવ્યા મુજબ, એ એના
પ્રાઇવેટ જેટમાં રંગુન આવી રહ્યો હતો. એણે રેહાનાને રંગુન રોકાઈ જવાનું જણાવ્યું.
રેહાના સંમત થઇ. એણે અન્સારી આવી રહ્યો છે એ બધાને જણાવ્યું અને એ પણ
કહ્યું કે “મારા બાપ ને મળ્યા બાદ હું મુંબઈ પછી ફરીશ.” શુભાંગી ને પણ રોકાઈ
જવામાં વાંધો ન હતો.
ફ્લાઇટ દરમ્યાન અન્સારીએ રેહાનાના અપહરણ માટે જવાબદાર
માણસોને યોગ્ય શિક્ષા કરવાનો મનસૂબો ઘડ્યો. સહુ પ્રથમ એણે રંગુન થી શરૂઆત
કરવાનું નક્કી કર્યું. કાબુલથી એના આદેશ મુજબ જે સ્ત્રી રંગુન પહોંચી હતી એનું નામ
હતું નસીમ ફારુકી. અન્સારીએ નસીમને ફોન કરીને રંગુનના એરપોર્ટ પર એને સહાય
કરનારની સાથે મુલાકાત ગોઠવવાની કામગીરી સોંપી. એ સહાયકનું નામ હતું અલ્તાફ.
નસીમે અલ્તાફને ફોન જોડ્યો અને સહેજ શરમાળ, લાગણીભર્યું આમંત્રણ આપ્યું. “મારી માસીની તબિયત સુધારા પર છે અને ઘરમાં રહીને હું કંટાળી છું. તમારા સિવાય
બીજા કોઈને ઓળખતી નથી. બહાર ફરવા નીકળવું છે. આપણી અનાયાસે થયેલી
મુલાકાતમાંથી દોસ્તીના પુષ્પો પાંગરે તો મને ગમશે.”
અલ્તાફનો પ્રત્યુત્તર આહલાદક નહોતો પણ એ આવી તક જવા દે એવો
ગમાર પણ નહોતો. એણે કહ્યું તમારા દોસ્ત બનવાનું સૌભાગ્ય સાંપડશે એવી તો
કલ્પના સ્વપ્નમાં પણ નહોતી કરી.
તમને મેં રંગુન એરપોર્ટ ઉપર મદદ કરી હતી અને ઉપકારવશ તમે મને દોસ્ત બનવાનું
આમંત્રણ આપો તો મને એ નામંજૂર છે.” નસીમ પણ અલ્તાફના કહેંણનો ભાવાર્થ
સમજી અને લાવણ્યમય મૃદુતાથી બોલી, “સાચેજ તમારા એહસાનનો બદલો
ચુકવવાની ઈચ્છા નથી. બલ્કે તમને મારે એવા લેણદાર બનાવવા છે કે એનું લેણું
હું ચૂકવી જ ન શકું.” અલ્તાફને માટે નમતું જોખવા સિવાય કોઈ રસ્તો ન રહ્યો.
એણે આમંત્રણ સ્વીકાર્યું અને ફાઈવ સ્ટાર હોટલ ” બ્રહ્મપુત્ર” માં મળવાનું ઓઠવ્યું.
પરીક્ષિત ત્રિશૂળની ઓફિસમાં પાછો ફર્યો દિલ્હીથી. સૌ પ્રથમ
એણે ઉર્વશીને ફોન જોડ્યો. અર્ધજાગૃત અને ચિંતાતુર ઉર્વશી પરીક્ષિતનો અવાજ
સાંભળીને સંપૂર્ણ જાગૃત બની ગઈ. પરીક્ષિતે ટૂંકાણમાં અગત્યના કામ માટે બહારગામ
ગયો હોવાનું જણાવ્યું. હંમેશ મુજબ ઉર્વશી વધુ જાણકારીથી અલિપ્ત રહી. પરીક્ષિત
સમય મળ્યે ઘેર આવવાનો હતો એનો આનંદ ક્ષણજીવી નીવડ્યો કારણ કે આજે
એ વહેલી કામે જવાની હતી. ફોન પત્યો, ન પત્યો અને વારાંગનાએ મોકલાવેલા
અદ્યતન ફોટોગ્રાફની ફાઈલ પરીક્ષિતના ટેબલ પર આવી પહોંચી. એણે ફોટા
જોયા. રંગુનથી પચાસ માઈલ દૂર ઉત્તર-પૂર્વના જંગલમાં રેડિએશનનું પ્રમાણ
અતિશય ઉગ્ર હતું. ગરુડના સ્વયંસંચાલિત કેમેરાએ સમગ્ર વિસ્તારના ઝીણવટભર્યા
ફોટા ઝડપ્યા હતા. મકાનોથી થોડે દૂર એક તળાવ હતું; એ અસાધારણ તો નહીં
લાગયું પણ અજુગતું જરૂર લાગ્યું. એક નાનો રસ્તો રંગુનની દિશામાં જતો હતો.
બીજો રસ્તો પૂર્વમાં ચીનની સરહદ ઉપર અને પશ્ચિમમાં ઇન્ડિયાની સરહદ તરફ
જતો હતો. બેઉં રસ્તા ઉપર નહિવત ટ્રાફિક નજર આવતો હતો. બધીજ માહિતી
જોસેફ અને વિનાયકને સિક્યોર ફેક્સ લાઈન પર મોકલાવી. પરીક્ષિત ઘેર પહોંચ્યો
ત્યારે ઉર્વશી નીકળી ચુકી હતી.
ઇઝરાયલી ઇન્ટેલિજન્સ ચીફની પ્રાઇવેટ ફોન લાઈનની ઘંટડીએ કલરવ
કર્યો. ચીફે ફોન કાને ધર્યો અને કહ્યું ” જે કહેવું હોય તે ટૂંકાણમાં કહો.” જિન તાઓ
મિન્હ બોલ્યો. ” આપણી દિલ્હીની દોસ્ત પાસેથી સંદેશો મળ્યો એટલે રંગુન આવીને
તપાસ આદરી.
અનાયાસે ચાઈનીઝ જાસૂસી ખાતાના ડ્રાઇવરનો ભેટો થયો.વાતમાંથી વાત
નીકળી. ડ્રાઇવરના જણાવ્યા મુજબ ચાઈનીઝ ઇન્ટેલિજન્સ ચીફ મ્યનમારની
મુલાકાતે આવ્યા હતા. ડ્રાઈવર એમની તહેનાતમાં હતો. ચાઈનીઝ ચીફ બે
જગ્યાએ ગયા હતા. એક જગ્યા ગાઢ જંગલમાં હતી અને બીજી કોઈક વખારમાં.
જંગલવાળી જગ્યા જરા વિચિત્ર હતી. કારણ કે ત્યાં ગાઈગર કાઉન્ટર કપડાં પર
ભરાવીને ફરવું પડ્યું. બીજી જગ્યા જે વખારમાં હતી એ કોઈક ઇઝરાયલી કંપની
હતી. એ કંપની મ્યાનમાર સરકારને ઔદ્યોગિક વિકાસ અંગે માર્ગદર્શન આપતી
હતી. કંપનીના કર્તાહર્તાનું નામ બેન્જી.”જિન તાઓએ કંપનીનું સરનામું આપ્યું.
ઇઝરાયલી ચીફ બોલ્યા “રંગુનમાં રોકઇ જાવ.હું ચોવીસ કલાકમાં ત્યાં પહોંચીશ.
હોટેલ બ્રહ્મપુત્રમાં રેમન્ડ રાઉસના નામે રજીસ્ટ્રેશન કરાવું છું. ત્યાં મળીએ.”અને
લાઈન કપાઈ ગઈ. તલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પરથી રંગુનનો ફ્લાઇટ
પ્લાન ફાઈલ કરીને એક ચાર્ટર્ડ ફ્લાઇટ નીકળી. એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલરે
બેન્જી ને આ ફ્લાઇટ વિષે સચેત કર્યો.
જિન તાઓ મિન્હ એક કાઉન્ટર ઇન્ટેલિજન્સનો કર્તાહર્તા હતો.
ચીનની રાજનીતિનો કટ્ટર વિરોધી. મહત્વાકાંક્ષી ચીનમાં પણ સુલેહશાંતિ
ઝંખનારાઓની સંખ્યા સારી એવી હતી. આમ તો એ સરકારી કર્મચારી હતો. એનું કામ વહીવટીતંત્રમાંથી સડો નાબૂદ કરવાનું હતું. ચીનની લડાયક વૃત્તિને
એ એક સડો સમજતો હતો. એ વૃત્તિ અટકાવવા માટે એ સદૈવ તતપર રહેતો.
ઇન્ડિયામાંથી એન્રીચડ યુરેનિયમ ઉપાચત થવાની બાતમી મળી ત્યારે એણે ઇન્ડિયા
જઈને તપાસ આદરી. બાંગ્લાદેશ હાઈકમિશનનો હાથ હોવાની શક્યતાની જાણ થઇ.
કુરેશી અને ખતીજા ના સંપર્કમાં આવ્યો.
ઇઝરાયલી ચીફ અને જિન તાઓની ઓળખાણ અસામાન્ય સંજોગોમાં
થઇ હતી. ઇન્ડિયાએ અણુશસ્ત્રનું ઉત્પાદન કર્યું ત્યારે પાકિસ્તાનને ચીન અને
નોર્થ કોરિયા તરફથી પ્રોત્સાહન મળ્યું. પાકિસ્તાનમાં માંગીભીખીને મેળવેલી
સામગ્રીમાંથી અણુશસ્ત્ર વિકસ્યું. આ બાબત મોસાદની જાણમાં હતી. એટલું જ
નહીં ,મોસાદને એ પણ ખબર હતી કે ખાનગીમાં ચીન અને નોર્થ કોરિયાને અમેરિકા
તરફથી આ કામ માટે બહાલી મળી હતી! ઇઝરાયલી ચુપકીદી ચીનને સસ્તામાં
મળે તેમ ન હતું. બેઉં દેશો સમન્વય વધ્યો , વાણિજ્ય વિકસ્યું, જિન તાઓએ
અગત્યનો ભાગ ભજવ્યો. મોસાદ અને ચીની ઇન્ટેલિજન્સનો સંપર્ક વિકસ્યો
એ પણ જિન તાઓને લીધે. ચીનની મહત્વાકાંક્ષા જિન તાઓને પસંદ નહોતી. જિન તાઓને મોસાદ માં પડેલી ફાટફૂટ ની ખબર મળી ત્યારે એણે મોસાદ ના
અધ્યક્ષને ચેતવ્યા. ત્યારથી બન્ને વચ્ચે મિત્રાચારી ગાઢ બની અને એકમેકની
પુઠ સાચવતા રહ્યા.
Like this:
Like Loading...
Related