લેખકઃ સુરેંદ્ર ગાંધી
પ્રકરણ:૫૫
વિનાયક, જોસેફ અને ત્રિશૂળના ડ્રાઈવરે, મળેલી બાતમીના આધારે રંગુનથી દૂર જંગલો
ભણી પ્રયાણ કર્યું. નકશામાં બતાવેલી જગ્યાથી બે માઈલ દૂર જોસેફ અને વિનાયક
કારમાંથી ઉતરીને પગપાળા આગળ વધ્યા. ડ્રાઈવર કાર પાર્ક કરીને એમની રાહ જોશે
એમ નક્કી થયું. જોસેફ અને વિનાયક સાવચેતીથી આગળ વધ્યા. થોડુંક અંતર ચાલ્યા
અને વિનાયક એકાએક અટક્યો. એક ઝાડ પર એક કરોળિયાનું મોટું જાળું જોયું, જે
એને રહસ્યમય તો નહીં પણ કુતુહલપ્રેરક તો જરૂર લાગ્યું. એણે દૂરબીનથી જાળાનું
નિરીક્ષણ કર્યું તો જાળાને એક છેડે દોરી દેખાઈ. દોરી ફરતી ફરતી એક ઘટાદાર
ડાળીમાં અદ્રશ્ય થઇ.વિનાયકે ઝાડ પે ચઢીને તંત નો અંત આણવાનું નક્કી કર્યું.
ઘડીકમાં તો ઘટાદાર ડાળીએ પહોંચ્યો અને જોયું કે દોરી વાસ્તવમાં એક
વીજળીનો તાર હતી અને એક ખોખા સાથે જોડાયેલી હતી. ખોખાના માળખામાં
એક ઘંટડી હતી. ઘંટડીની બાજુમાં એક ફોટો ઇલેક્ટ્રિક સેલ હતો, સૂર્યના
અજ્વાળામાંથી વિદ્યુતનું ઉત્પાદન કરવા કાજે. જાળમાં ધ્વનિ પરખનો સરંજામ
હતો. ધ્વનિ પારખીને જાળું ખોખાંમાંની ઘંટડીને ખબર કરે; અને ઘંટડીનો
અશ્રાવ્ય અવાજ ચોકીદાર કુતરાઓને સાવધ કરે; એની ખબર તો વિનાયકને
ત્યારે પડી જયારે બે ચોકીદાર કુતરા લઈને ઝાડ પાસે આવી પહોંચ્યા. જોસેફ પણ
આવી અણધારીઅને ઘટનાથી ચમક્યો. છતાંય સમયસૂચકતા વાપરીને પવનનીવિરુદ્ધ
દિશામાં એક ઝાડીમાં અદ્રશ્ય થઇ ગયો, જે થી કુતરાઓને એની ગંધ ના આવે.
અને ચોકીદારની નજરબહાર રહેવાય. ચોકીદારે વિનાયકને પડકાર્યો અને ઝાડ પરથી
નીચે ઉતરવા ઈશારો કર્યો. વિનાયક પાસે બીજો કોઈ રસ્તો ન હોવાથી એ નીચે ઉતર્યો કે તરત જ ચોકીદારે એને હાથકડી પહેરાવીને એક પગદંડી તરફ
દોર્યો.વિનાયક મૌન રહ્યો. ચાઈનીઝ ચોકીદાર સાથે વાતચીત પણ કઈ ભાષામાં
કરવી? જોસેફ માટે સમસ્યા ખડી થઇ.એણે ચુપકીદીથી સારું જેવું અંતર રાખીને
વિનાયકને અનુસરવાનું નક્કી કર્યું. વીસેક મિનિટ ચાલ્યા બાદ પગદંડી એક પહોળા
પટમાં ફેરવાઈ ગઈ. એક ચોકીદારે વિનાયકને પાર્ક કરેલી ટ્રકમાં ચઢવાનો ઈશારો
કર્યો.વિનાયકે સૂચનાનું પાલન કર્યું એટલે ટ્રકનો દરવાજો બંધ કરીને તાળું મારીને ટ્રકને
ગતિમાન કરી. બીજો ચોકીદાર કુતરાઓને લઈને એક કોટડી પાસે પહોંચ્યો. કુતરાઓને
બહાર બાંધીને તે કોર્ટસીમાં પ્રવેશ્યો. જોસેફ જેવી રીતે આવ્યો હતો તેવી જ રીતે પાછો ફર્યો.
થોડા થોડા અંતરે ઝાડના થડ પર ઓળખના એંધાણ રૂપે નિશાનીઓ કોતરી. જોસેફ
પાર્ક કરેલી ત્રિશૂળની કાર પાસે આવ્યોઅને ચોંક્યો. ડ્રાઈવર લાપતા હતો.અને
કારણ ચારે ચાર ટાયરોમાંથી હવા કાઢી નાખીને કારને નિરુપયોગી બનાવી દેવામાં
આવી હતી.
જોસેફને ચિંતા થઇ, ડ્રાઈવરનું શું થયું હશે? કારને કોણે નકામી કરી?
અન્સારીનું ગલ્ફ સ્ટ્રીમ જેટ વિમાન રંગુનના નિર્જન
એરપોર્ટ પર લેન્ડ થયું.
ઇમિગ્રેશનની વિધિ પતાવીને અન્સારી હોટેલ બ્રહ્મપુત્રા માં ચેક ઈન થયો.
અલ્તાફ નસીમની મુલાકાતે આવે ત્યારે એને કઈ રીતે સકંજામાં લેવો
એનો પેંતરો રચ્યો હતો. આયોજન એવું હતું કે મુલાકાત દરમ્યાન વેઈટર એલાન
કરે કે “અલ્તાફ ડાઇનિંગ હોલમાં હોય તો એના માટે ફોન કોલ છે અને એ બુથ
નમ્બર ત્રણમાં જઈને વાત કરી શકે છે.” ફાઈવ સ્ટાર હોટેલમાં ગ્રાહકોની વાતચીત
ખાનગી રાખવા માટે સાઉન્ડપ્રુફ બુથ બનાવવામાં આવ્યા હતા.
અલ્તાફ બૂથમાં જઈને ફોન પડે તે પહૅલા અન્સારીના માણસો અણધાર્યો હુમલો કરીને
અલ્તાફને બંદીવાન બનાવીને અન્સારી સમક્ષ ખડો કરે.અલ્તાફ પાસેથી બાતમી
કઢાવવા માટે અજમાવવાના નુસ્ખાઓ પણ વિચારી રાખ્યા હતા.
ઇઝરાયલી ઇન્ટેલિજન્સ ચીફ રંગુન પહોંચીને હોટેલ બ્રહ્મપુત્રામાં
રેમન્ડ રાઉસના નામ હેઠળ ચેક ઈન થયા હતા. એમના અંગરક્ષકો ઇઝરાયલી
વખારના સરનામે પહોંચી ગયા.
વખરના ચોકીદારે બેન્જીની ઓફિસનો રસ્તો દેખાડ્યો. બેન્જીને ચીફના
આગમનની ખબર અગાઉથી મળેલી હોવેથી એણે પૂર્વતૈયારીઓ કરી રાખી હતી.
ચીફના અંગરક્ષકોએ બેન્જીને કાઈં પણ અણધારી હિલચાલ ન કરવાની ચેતવણી
આપી. બ્રીફ કેઈસ ખોલીને ચીફે પૈસાની હેરાફેરીના દસ્તાવેજો બેન્જીના મોઢા
પર માર્યા અને હિસાબ માંગ્યો! બેન્જીએ નિર્દોષ હોવાનો ડોળ કર્યો.ચીફના ઈશારે
એમના અંગરક્ષકોએ ઓફિસની જડતી લીધી.બેન્જીની અનિચ્છા હોવા છતાં મોસાદે
એનો પાસવર્ડ શોધી કાઢ્યો. બધી વિગતો બહાર આવી.
એક ભયાનક ષડ્યંત્ર ખુલ્લું થયું. બેન્જી અને ચાઈનીઝ ઇન્ટેલિજન્સના
સહકારથી એક વિનાશકારી આયોજન આકાર લઇ રહ્યું હતું.એની ચોંકાવનારી
વિગતોથી મોસાદના ચીફ પણ ચકિત થયા વગર ન રહી શક્યા કારણ કે મોસાદની
જાણ બહાર ભાગ્યે જ કાઈં રહેતું. છતાંય આજે મોસાદની આંખમાં ધૂળ પડી હતી.
કદાચ દિવા નીચે અંધારું આમ જ થતું હશે! બેન્જીને આવી દગાબાજીની આકરી
કિંમત ચૂકવવી પડશે એ નિશ્ચિત હતું. અંગરક્ષકો બંદીવાન બેન્જીને બહાર
દોરી ગયા.બેન્જી સાથીદારોને ચેતવી પણ ન શક્યો. મોસાદના ચીફ બેન્જીને
ઇઝરાયલ ભેગો કરવાની વેતરણમાં પડ્યા. તે ઉપરાંત મોસાદના ચુનંદા
એજન્ટોનું જૂથ ચોવીસ કલાકમાં રંગુન પહોંચીને બેન્જી ના સાથીદારોને આવરીલે,
એનું આયોજન કર્યું. સમગ્ર ષડ્યંત્ર સમેટાય ત્યાં સુધી ચીફ રંગુનમાં રહેવાના હતા.
અન્સારીના માણસો હોટેલ બ્રહ્મપુત્રા ના સ્ટાફનો યુનિફોર્મ
પહેરીને ફરજ ઉપર હતા. અલ્તાફ નિર્ધારિત સમય કરતા સહેજ વહેલો આવ્યો.
નસીમ આવી અને મોડા આવવા બદલ ક્ષમાયાચના કરતા બોલી “રાહ જોવડાવીને
તમારો કિંમતી સમય બરબાદ કરવા બદલ ક્ષમા ચાહું છું. અને હા, ફરી વાર એવું
નહીં થાય એની ખાત્રી આપું છું.” અલ્તાફ મંદ હાસ્ય વેરતા બોલ્યો “ક્ષમા આપવાવાળો
હું કોણ? ફરી મળવાની તમે ઉદારતા બતાવી એને હું મારી ખુશનસીબી સમજીશ.”
બેઉ રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા અને બેઠક લીધી. વેઈટર ઓર્ડર લઇ ગયો.
અલકમલકની વાતો થઇ. નસીમનાં હાવભાવમાં નિખાલસતા હતી કે નિર્લજ્જતા,
એનું અનુમાન બાંધવાનું અઘરું હતું. અલ્તાફ મૂંઝવણમાં પડ્યો. પહેલી મુલાકાતમાં
એક સ્ત્રીની આવકાર આપતી આત્મીયતા શું સૂચવે છે? ચેત મછન્દર ગોરખ આયા,
જેવો તો ઘાટ નથીને!અલ્તાફે પણ સલૂકાઈભર્યું વલણ અપનાવ્યું.
થોડી વારમાં અલ્તાફ માટે ફોન કોલ આવ્યો છે એની ઉદઘોષણા
થઇ. અલ્તાફ વિસ્મય પામ્યો કારણ કે નસીમ સાથેની મુલાકાતની કોઈને
જાણ નહોતી.તો પછી આ બન્યું કેમ? કદાચ બીજો કોઈ અલ્તાફ હશે? રેસ્ટોરન્ટમાંથી
ગણ્યાગાંઠ્યા લોકોમાંથી કોઈ સળવળ્યું નહીં. ફરી ઉદઘોષણા થઇ. નછૂટકે અલ્તાફ
ઉભો થયો. વેઈટરે બુથ નંબર ત્રણ ભણી દોર્યો.
અલ્તાફ બૂથમાં પ્રવેશીને દરવાજો બંધ કરે તે પહેલા જ એના માથા પર
જોરદાર પ્રહાર થયો. અલ્તાફના પગ લથડ્યા અને અન્સારીના માણસના
બાહુપાશમાં અનાયાસે જકડાયો. અન્સારીના રૂમમાં અલ્તાફના સત્કાર
સમારંભની તૈયારીઓ થઇ ચુકી હતી. થોડા પ્રયત્નો બાદ અલ્તાફને કળ
વળી અને એણે આંખો ખોલી. અન્સારી ઉપર નજર પડી અને એને કયામત
નજદીક લાગી. બેભાન અલ્તાફના ખિસ્સામાંથી પાકીટ કાઢીને અન્સારીએ
માહિતી મેળવી લીધી હતી. પાકીટ ખિસ્સામાં પરત મુકાઈ ગયું હોવાથી અલ્તાફને
એનો સ્વપ્નેય ખ્યાલ નહોતો. અન્સારીએ અલ્તાફને કહ્યું ” યાદ છે,
આપણે પહેલા પણ મળ્યા છીએ?” અલ્તાફે હકાર ભણ્યો, અન્સારીએ આગળ
ચલાવ્યું ; “કોના કહેવાથી મને મળવા આવ્યો હતો?” અલ્તાફે કહ્યું ” જેના
કહેવાથી આવ્યો હતો એને મેં પ્રત્યક્ષ નીરખ્યો નથી, હું કોઈ જૂથનો સભ્ય નથી.
છૂટક કામકાજ કરું છું.
“કેટલા પૈસા મળ્યા આ કામના?” અન્સારીએ પૂછ્યું.
” પાંચ હજાર” અલ્તાફે જવાબ આપ્યો. ” એ માણસનો સંપર્ક કઈ રીતે
સાધવાનો?” અન્સારીના સવાલના જવાબમાં અલ્તાફ બોલ્યો
“ખબર નથી.” અન્સારીએ શાંતિ થી કહ્યું કે “જે જાણતો હોય તે મને જણાવી દે .
આ છેલ્લી જ તક તને આપું છું.”
અન્સારીએ એના માણસને ઈશારો કર્યો એટલે અલ્તાફના ડાબા
હાથની ટચલી આંગળીમાં છરો ભોંકાયો. અસહ્ય પીડાનો માર્યો અલ્તાફ
કરગરવા લાગ્યો અને બાતમી આપવા તૈયાર થયો. એણે સુલેમાન સૈયદનું
નામ આપીને કહ્યું કે તે એની સાથે કામ કરે છે અને એ અહીં ઉસ્માનના નામે
ઓળખાય છે. મોબાઈલ ફોનથી એનો કોન્ટેક્ટ કરી શકાય છે પણ એ વારંવાર
ફોન નંબર બદલતો રહે છે એટલે એની ભાળ મેળવવી મુશ્કેલ છે.
અન્સારીએ અલ્તાફને છુટ્ટો કર્યો અને જવાની રજા આપી. અલ્તાફ નચિંત તો
ન થયો પણ છુટકારાનો દમ ખેંચ્યો.
અન્સારીને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે સુલેમાન સૈયદ
કાવત્રાબાજ હતો. અન્સારીની ઇન્ડિયાની જમીન-જાગીરની સંભાળ સુલેમાન
સૈયદ જ રાખતો હતો. અન્સારી તરફથી એને અસંતોષનું કોઈ કારણ નહોતું.
તો પછી આનો મકસદ શું? અન્સારીએ એના ઇન્ડિયા ખાતેના માણસોને
સંદેશો મોકલ્યો. “ચોવીસ કલાકમાં સુલેમાન સૈયદને રંગુનમાં મારી સમક્ષ ખડો કરો.
અલ્તાફ અન્સારી પાસેથી છૂટીને નસીમ ને મળવા રેસ્ટોરન્ટમાં પાછો ફર્યો
પણ નસીમ નહોતી.
નસીમનું શું થયું હશે,એની કોઈ અટકળ બાંધી ન શક્યો. એક વેઈટર
પાસેથી જાણવા મળ્યું
નસીમ થોડીવાર રાહ જોઈને પછી જતી રહેલી. સાવચેતી ખાતર કોઈ
પીછો કરતું હોય તો એને ગેરરસ્તે દોરવવા એણે ફરતા ફરતા જવાનું નક્કી કર્યું.
ઘરે પહોંચ્યો તો ખબર પડી કે એના ઘરની જડતી લેવામાં આવી હતી કારણકે
બહાર જતી વખતે દરવાજામાં ચોંટાડેલા ત્રણ વાળ ખરી ગયા હતા,મામલો ગંભીર હતો એટલે એણે એના સાથીદારને બાંગ્લાદેશમાં
ફોન કર્યો. અન્સારી સાથેની મુલાકાતની વાત કરીને સાવધ રહેવાની ભલામણ કરી.
હવે આગળ શું પગલાં લેવા, એ બાબત અલ્તાફ વિચારી
રહ્યો હતો. નસીમ પર વ્હેમ આવ્યો પણ અન્સારી સાથે મળેલી હોવાની
શક્યતા મોળી લાગી. રંગુનથી પલાયન થવાના ઈરાદા થી કપડાં ભરવા બેગ
ખોલી અને એક જબબર ધડાકાએ બેગની સાથે અલ્તાફનો પણ નાશ કર્યો.
જીવનની અંતિમ ક્ષણોમાં અલ્તાફને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે બેગ ખોલવાથી
બૉમ્બ ફાટશે! સ્થાનિક પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટ ના માણસો
તાબડતોબ દોડી આવ્યા પણ માત્ર કાટમાળ જ હાથ આવ્યો. અલ્તાફના
રહ્યા સહ્યા અવશેષો ઓળખાય એવા નહોતા છતાં એકઠા કરીને કોરોનરને હવાલે કર્યા.
Like this:
Like Loading...
Related