ભીંતર ના વ્હેણ પ્રકરણ ૬૨ અને ૬૩

લેખકઃ સુરેંદ્ર ગાંધી

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૬૨
પરીક્ષિત બહાર નીકળીને ઈરાવદી નદીના કિનારા તરફ વળ્યો.વિસ્તૃત વનરાજીની

ભેજવાળી ગરમ હવા ની જેમ જીવનના ભગ્ન મંદિરના અવશસેષોની ગુંગળામણ એને

ઘેરી વળી. પરીક્ષિત અંતરમાં એક પ્રકારનો ગાઢ શૂન્યાવકાશ અનુભવી રહ્યો. આવી

આકરી અગ્નિ પરીક્ષામાંથી હેમખેમ પાર ઉતરશે તો પણ એના નંદવાયેલા અસ્તિત્વમાં

કોઈ ફરક નહીં પડે.એના અંતરમાંથી ઉમટતા સવાલોના કોઈ સંતોષકારક જવાબ ન હતા.

જે કઈં બન્યું એને માટે કોણ જવાબદાર હતું?દુનિયાભરના જાસૂસી અને ઇન્ટેલિજન્સ

સાથે સંકળાયેલા સર્વ માણસોનો એક ઉસૂલ હતો, એક પરંપરા હતી, એક નીતિ મત્તા

હતી કે એમના કુટુંબીજનોને શતરંજના પ્યાદા નહીં બનાવવાના. એમની જાનહાની પર

નિષેધ હતો.પરીક્ષિત જાણતો હતો કે ફરજ બજાવવામાં આતંકવાદી કે દેશદ્રોહી

તત્વોની જિંદગીના નિર્ણાયક બનીને કેટલીય વાર એમને મોત ને હવાલે કર્યા હતા.

પરંતુ આવા લોકોના કુટુંબીજનોને હાનિ ક્યારેય નહોતી પહોંચાડી. એણે મનોમન
ગાંઠ વાળીકે એની પત્ની અને બાળકોના હત્યારાઓને એ ખોળી કાઢશે અને યોગ્ય

સજા અપાવશે. છતાંય એના મનનું સમાધાન ન થયું કે ન તો એના મનની સ્મશાનશાંતિમાં

કોઈ ફરક પડ્યો. કોઈ જ આશ્વાસન ન વર્તાયું. વિચારોના વમળમાંથી ઉગરવા માટે

પરીક્ષિતે કમર કસી અને પાછો વળ્યો.
વિશ્વનાથ, વામન, વિનાયક અને જોસેફની ચંડાળચોકડી વોરોસિલોવની પર્યોગશાળાનો

નાશ કરવા ઉપડી. સલામતીની ઇંદ્રજાળ ભેદવા એમણે મોડી સંધ્યા અને અવતરી રહેલી

રાતનો સમય પસંદ કર્યો હતો.ઇન્ડિયન એરફોર્સના ઈમ્ફાલનાં મથકમાંથી એમણે એક
ગ્લાઈડર અને એક કાર્ગો (માલવાહક) વિમાન મંગાવ્યા હતા પણ વિમાનને અજ્ઞાત

અવસ્થામાં લેન્ડ કરી શકાય તેમ ન હોવાથી છેલ્લી ઘડીએ વિમાનને બદલે સીકોર્સ્કી

હેલિકોપ્ટર વાપરવાનું નક્કી થયું. ઇન્ડિયન સ્પેસ એજન્સીના સર્વેલન્સ સેટેલાઇટ

ના રિપોર્ટને આધારે લેન્ડિંગ સાઈટ નક્કી કરી હતી.યોજના પ્રમાણે વિશ્વનાથ અને

વિનાયક ગ્લાઈડર વિમાન વાપરશે અને જોસેફ અને વામનને હેલિકોપ્ટરમાંથી દોરડાં

વાટે ઉતારવામાં આવશે. ત્રિશૂળની પ્રણાલિકા અનુસાર યોજના તૈયાર કરવામાં આવી

હતી. ધારોકે ગ્લાઈડર ને કોઈ અકસ્માત નડે તો પણ કામ વણથંભ્યું જારી રહે. મકસદ

હતોકે ચારમાંથી બે વ્યક્તિ પણ યોજના પાર પાડી શકે. બે ટુકડીઓમાંથી એક
તો નિર્વિઘ્ને લક્ષ્ય સિદ્ધ કરે, એ જોવું જરૂરી હતું.
જોસેફ અને વામન માટે હેલિકોપ્ટરની ગોઠવણ કરવાનું કામ એજન્ટ “આર” ની

લાગવગને લીધે ઝડપથી પતી ગયું. એક ઇન્ડિયન કંપનીને રંગુનની આસપાસ ના

વિસ્તારનો એરિયલ સર્વે કરવો હતો કારણ કે એ કંપનીને મ્યાનમારની સરકાર

તરફથી એક હાઈવેના બાંધકામ માટે ટેન્ડર ભરવાનું આમંત્રણ મળ્યું હતું. એજન્ટ

” આર” એક ખાનગી પાયલોટને ઓળખતો હતો ,જેણે કોઈ પણ જાતની આનાકાની

અને પૂછતાછ વગર હેલિકોપ્ટર ઉડાડવાનું બીડું ઝડપ્યું. ગોઠવણ અનુસાર

હેલિકોપ્ટર જોસેફ અને વામનને લઈને નિયત સમયે રવાના થયું.
વોરોસિલોવની પ્રયોગશાળાની આસપાસના વિસ્તારનું વિહંગાવલોકન કરીને, માઈલેક

દૂર એક સલામત જગ્યાએ જોસેફ અને વામનને દોરડા વાટેઉતારીને હેલિકોપ્ટર પાછું ફર્યું.

જોસેફ અને વિનાયક પગપાળા પ્રયોગશાળા તરફ વળ્યાં. અવતરી રહેલો અંધકાર ઠરીઠામ

થયો ત્યારે એ બેઉં પર્યોગશાળફરતી વાડ ની પ્રદક્ષિણા કરતા હતા.અંધકારને ભેદવા

માટે નાઈટ વિઝન ગોગલ્સ આંખે ચઢાવ્યા.વાડ કાપીને સાવચેતીથી કમ્પાઉન્ડમાં

પ્રવેશ્યા. કોઈ જાતના એલાર્મની સુષુપ્તાવસ્થામાં ખલેલ ન પડી એટલે બન્નેને નવાઈ તો
લાગી પણ વોરોસિલોવના રહેઠાણે પહોંચવું જરૂરી હતું એટલે નવાઈને નેવે મૂકી છતાંય

સાવચેતીની માત્ર ઘટવા ન દીધી અને અંધારામાં લપાતા છુપાતા આગળ વધ્યા. રહેઠાણની

દિશાની એમને ખબર હતી. એવામાં અચાનક કુતરાના ભસવાના અવાજથી ચોંક્યા અને એક
ઝાડની ઓથે છુપાયા. બે ચૌકીદાર ચાર કુતરા ને એમના ભણી દોરી રહ્યા હતા.

જોસેફ અને વામને તાત્કાલિક ઝાડ ઉપર ચઢી જઈને આફત ટાળી. કુતરા ઝાડની ફરતે

ચકરાવા લેતા હતા.ચોકીદારો કોઈ પગલું ભરે તે પહેલા જોસેફ અને વામન એમની ઉપર

કુદયા અને એમના ગળા ભીંસીને એમને યમસદન રવાના કર્યા. કુતરાઓને શાંત પાડવા

એમણે બેકપેકમાંથી માંસના ટુકડાકાઢીને નાખ્યાએટલે દશ મિનિટમાં કુતરા શાંત પડ્યા.

જોસેફ અને વામન આગળ વધ્યા. વોરોસિલોવના રહેઠાણનો અંધકાર અદ્રશ્ય થયો

અને ઝળહળતો પ્રકાશ પથરાયો. વોરોસિલોવ બહાર આવ્યો અને જોસેફ અને વામન

પણ એની તરફ વળ્યાં. અજાણ્યા માણસોને જોઈને વોરોસિલોવ ચોંકી ગયો ખરો

પણ ગભરાયો નહીં. સુરક્ષા માટે કમ્પાઉન્ડમાં લેન્ડ માઇન્સ દાટેલી હતી. ખોટી

જગ્યાએ પગ પાડનારનું મૃત્યુ નિશ્ચિત હતું. રંગુનના એરટ્રાફિક કન્ટ્રોલર તરફથી

ચાઈનીઝ જાસૂસી ખાતાને ઈન્ડિયાથી આવેલી બે ચાર્ટર્ડ ફ્લાઈટની માહિતી મળી હતી.

આ એક અસાધારણ ઘટના હતી. અધૂરામાં પૂરું એક ખાનગી પાયલોટે રંગુનની સહેલગાહે

જવાનો ફ્લાઇટ પ્લાન ફાઈલ કર્યો હતો. ચીની જાસૂસોની જિજ્ઞાસા તીવ્ર બની. તેમણે

તરત જ પ્રયોગશાળાની ફરતે સખ્ત સુરક્ષાની ગોઠવણ કરી. એક જાસૂસે વોરોસિલોવના
રહેઠાણના એક ઝાડ પર મુકામ કર્યો હતો. એ જોસેફ અને વામનના આગમનથી

ચેતી ગયો. એણે ઝડપભેર ગજવામાંથી એક પાતળો વાયર કાઢ્યો અને એનો એક છેડો

ઝાડની ડાળે અને બીજો છેડો પોતાની કમર પર બાંધ્યો. બે ગુલાંટ ખાઈને એ

વોરોવિલોવના ઘરને ફરતા વરંડા માં પડ્યો. વોરોસિલોવની પીઠ પર નિશાન

તાકીને એણે છરો ફેંક્યો. વોરોસિલોવના મૃત્યુનો ખાડો ખોદનાર એ ભૂલી ગયો કે
એના માટે પણ એક ખાડો ક્યાંક તૈયાર હશે જ! ખાડો ખોદે તે પડે, એ અમથું કહેવાયું

હશે! જો કે અહીં ખાડામાં પાડનાર પણ ખાડામાં પડ્યે વગર ન રહ્યો.
લેન્ડ માઇન્સના ધડાકાનું એલાન કરવા માટે પ્રયોગશાળાના તમામ સિક્યુરિટી

એલાર્મની ગર્જનાઓથી વાતાવરણ ઘોંઘાટમય બન્યું. સર્ચલાઈટો ચાલુ થઇ ગઈ અને

સમગ્ર વાતાવરણમાં પ્રકાશ ફેલાઈ ગયો. કોઈ ની નજરે ન ચઢવાના આશયથી

જોસેફ અને વામન, વોરોસિલોવના ઘરમાં ઘુસી ગયા. જો કે સર્ચલાઇટના અજવાળાને

લીધે અંધારામાં પણ ઘરની તપાસ સરળ બની. લગભગ બધા જ રૂમની તપાસ કર્યા બાદ ,

ઘરમાં કોઈની હાજરીનો અણસાર ન મળ્યો. એક રૂમ ઓફિસ જેવો લાગતો હતો. ત્યાંની

ફાઈલ કેબિનેટ ફંફોસી જોઈ પણ ખાસ કઈં હાથ ન આવ્યું. સિક્યુરિટી ગાર્ડની પલટન

ધસી આવવાથી કોલાહલમાં વધારો થયો. વોરોસિલોવના દેખાવ પરથી એની હત્યાનું

અનુમાન બાંધ્યું. વેરણછેરણ પડેલા માનવદેહના અંગ-ઉપાંગો જોઈને તારવ્યું કે લેન્ડ

માઇનનો ભોગ બનીને ખૂની પણ ફાની દુનિયા છોડી ગયો હતો. સર્વત્ર નીર્જિવતાનું

સામ્રાજ્ય વ્યાપ્ત હતું. છતાંય સલામતી ખાતર પગેરું ઢાંકવું જરૂરી હતું. કમ્પાઉન્ડમાં
હેન્ડ ગ્રેનેડ નાખીને ધડાકા કર્યા. કમ્પાઉન્ડ માં દાટેલી લેન્ડ માઇનના બુલંદ પ્રત્યુત્તર

આવ્યા અને પળભરમાં એક ખંડેર નજરે ચઢવા લાગ્યું.
જોસેફ અને વામન સપડાઈ ગયા. એમની જીવનદોરનો તાંતણો આશા-નિરાશાનાઝૂલે

ઝૂલતો હતો.વામને સેલફોન દ્વારા એજન્ટ “આર” ને સમગ્ર અહેવાલ મોકલી આપ્યો.

ચારે તરફ અગ્નિશિખાઓં બધું ભરખી જવા અધીરી બની. જોસેફ અને વામન માટે
આકરી કસોટી હતી. એમની તાલીમ, શૌર્ય, અને ધીરજની ખરી કસોટી થઇ રહી હતી.

આગના ધુમાડા ગૂંગળાવતા હતા. શ્વાચ્છોશ્વાસ માં વર્તાતી તેજી-મંદી અનિશ્ચિત ભાવિની

આગાહી કરતી હતી.છતાંય બેઉં હિંમત ન હાર્યા. તેઓ બાથરૂમમાં ગયા અને એક ફાટેલી
પાઇપમાંથી વહી રહેલા પાણીથી પગથી માથા સુધી લથપથ થયા. જ્વાળામુખીઓમાંથી

માર્ગ કાઢવાનો મરણીયો પ્રયાસ આદર્યો પણ નસીબ યારી આપે તો ને! અગ્નિસ્નાનને

ટાળવા માટે એમણે કરેલું જળસ્થાન એળે ગયું… અંતે પંચમહાભૂતોમાંથી બનેલું તેમનું
અસ્તિત્વ પંચમહાભૂતમાં જ વિલીન થઇ ગયું.

ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૬3
વિશ્વનાથ અને વિનાયક ઇન્ડિયન એરફોર્સ ના ઇમ્ફાલ મથકે મ્યાનમારની સરકારની

કનડગત વગર વિના વિલંબે પહોંચ્યા. એમનો ડિપ્લોમેટીક પાસપોર્ટ કામ આવ્યો.

નિયત સમયે ઇન્ડિયન એરફોર્સ ના એક વિમાન સાથે જોડાયેલા ગ્લાઈડર વિમાનમાં

વિશ્વનાથ અને વામન ગોઠવાયા એટલે એ વિમાન નિર્ધારિત ઊંચાઈએ ગ્લાઈડરને

દોરી ગયું અને વહેતુ મૂક્યું. ગ્લાઈડર ચુપકીદીથી મ્યાનમારની હવાઈ સરહદ ઓળંગીને

વોરોસિલોવની પ્રયોગશાળાથી માઈલેક દૂર ઉતર્યું. પ્રયોગશાળા શોધવામાં આગની

જ્વાળાઓ સહાયક બની. બેઉં એ પ્રયોગશાળાની ફરતે પ્રબળ એક્સ્પ્લોઝીવ લગાવ્યા.

ટાઇમર થી એક્સ્પ્લોઝીવ ના ફ્યુઝમાં બે મિનિટનો સમય ગોઠવીને વામન અને
જોસેફ સાથે નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યા. ત્યાં કોઈ વ્યક્તિ નજરે ન પડી. થોડીવાર રાહ

જોવાનું વિચાર્યું. જબર ધડાકાઓએ પ્રયોગશાળાનો નાશ કર્યો.
નસીબજોગે વોરોસિલોવની કાર્યસિદ્ધિ અપરિપક્વ હતી. ઈન્ડિયાથી ચોરાઈને આવેલા

એનરિચ્ડ યુરેનિયમ માંથી બનાવવામાં આવેલું અણુશસ્ત્ર આખરી તબક્કામાં હતું.

એનરિચ્ડ યુરેનિયમ એમાં ગોઠવાયું નહોતું. જયારે ચાઈનાથી આવેલા યુરેનિયમના બનેલા
અણુશસ્ત્રનો વિસ્ફોટ થયો. પરિણામે પ્રયોગશાળા ફરતા એક માઈલના ઘેરાવામાં ઘોર

વિનાશ થયો. કમનસીબે કોઈ જીવતું ન રહ્યું.
મ્યાનમારના સત્તાધીશો માટે ઢાંકપિછોડો શક્ય નહોતો. અણુધડાકાની સર્વત્ર નોંધણી

સેલેલાઇટ દ્વારા લેવાઈ હતી. કિરણોત્સર્ગી રજ નો ફેલાવો સાક્ષી હતો. આંતરરાષ્ટ્રીય

ક્ષેત્રે ખળભળાટ મચી ગયો. નિષ્ણાતોને તપાસ સોંપવામાં આવી. સામાન્ય

પ્રજાને પણ ઘરની બહાર નહીં નીકળવાની સખ્ત તાકીદ કરવામાં આવી. છેક

જાપાન સુધી કિરણોત્સર્ગી રજ ફેલાઈ હતી.
પરીક્ષિત અને માધવન એજન્ટ “આર” ના રહેઠાણે સ્વૈચ્છિક કારાવાસ ભોગવતા

હતા. બીજી તરફ લક્ષદ્વીપમાં સુલેહશાંતીના કરાર ઉપર નિર્વિઘ્ને સહીસિક્કા તો થયા

પણ મ્યાનમારની ઘટનાએ સોનાની થાળીમાં લોઢાની મેખ મારી.પરિણામે
કરારનામાનું સાફલ્ય શિથિલ અને અર્થહીન બનવાની માન્યતાના ફણગા ફૂટી રહ્યા હતા.
સબસલામત ના સંકેત બાદ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ તપાસ આદરી. અણુધડાકામાં

વપરાયેલું યુરેનિયમ ચાઈનામાં બનાવવામાં આવ્યું હતું. બીજો વપરાયા વગરનો

એનરિચ્ડ યુરેનિયમનો જથ્થો પણ હાથ આવ્યો, જેનું ઉત્પાદન ઇન્ડિયામાં થયું
હતું.ચાઈના ના સત્તાધીશો આદત મુજબ હકીકતની નક્કરતા નકારી ન શક્યાં.

ઇન્ડિયાની સરકારે સુપ્રત કરેલી દરેક વિગતો અને પુરાવાઓના આધારે આંતરરાષ્ટ્રીય

કાવતરું ખુલ્લું પડ્યું.માધવન અને ઇઝરાયેલી ઈન્ટેલિજન્સના અધ્યક્ષ રંગુનમાં

ઉપસ્થિત હતા. એમણે સમગ્ર પુરાવાઓના આધારે તાળો મેળવ્યો અને ઇન્ડિયા

નિર્દોષ ઠર્યું. ખતીજા અને એના શાગિર્દો ની ચોરી પુરવાર થઇ. બેન્જી બાર્ટલ્સટીન અને

એના સાથીદારોની ઇઝરાયેલી અદાલતમાં કાનૂની કાર્યવાહી થઇ અને ગુનેગારોને

યોગ્ય સજા કરવામાં આવી. કન્યાકુમારી, ખતીજા, વાહીદ અને વઝીર પર લાદવામાં

આવેલા ગુનાઓની યાદી લાંબી હતી. ખતીજા અને કન્યાકુમારીને જન્મટીપ ની
સજા મળી. વાહીદ અને વઝીરને મૃત્યુ દંડ મળ્યો.ચાઈનીઝ સરકારે એક ટચુકડી જાહેરાત

કરી, જેમાં ત્રાહિતોને માથે દોષારોપણ કરીને કાયદેસરના પગલાં લેવાની ખાત્રી

આપીને વાત ટાળી દીધી.
ડિફેન્સ મિનિસ્ટર યશપાલ મૈનીના સાળાને પણ યોગ્ય સજા મળી. લોકસભામાં

વિરોધ પક્ષે પ્રાઈમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરની આકરી ટીકા કરી. જો કે એમાં

માત્ર ઉગ્ર ચર્ચા જ હતી,તોડફોડ અને મારામારીનો અભાવ હતો. ત્રિશૂળ પરીક્ષિતના અને ન્યુ
કેસરી માધવનના નેજા હેઠળ રહ્યા. ભાસ્કર ચૌહાણ અને શિવમ ચિદમ્બરમના નેતૃત્વ

હેઠળ જળ, સ્થળ અને અવકાશી હુમલાઓનો સફળ સામનો કરી શકે એવા અદ્યતન શસ્ત્રો

વિકસાવવાનું નક્કી થયું. આઝાદ ઈમ્પોર્ટસમાંથી મળેલી નામોની યાદીનું પગેરું ઇઝરાયેલી
અને ચાઈનીઝ કાવતરાબાજોને ઉઘાડા પાડવામાં આઈ.આઈ.એ. ને મદદરૂપ બન્યું. એ

કાવત્રાબાજોમાંથી કોઈ બચ્યું નહીંપણ ક્યાં અને કેવી રીતે એમનું નિકંદન નીકળ્યું,

એની સત્તાવાર વિગતોના મણકાની માળા બનાવવાનું અશક્ય હતું.
પરીક્ષિતને પાછા ફર્યે ઘણો સમય વીતી ગયો હતો. કામમાં ડૂબીને એણે બધું વિસારે

પાડવાની આશા રાખી હતી પણ અંતે એ હાર્યો અને ઘર યાદ આવ્યું,કુટુંબકબીલો

પ્રત્યક્ષ થયો. થોડો વખત માબાપ સાથે રહ્યો. અંતે એક દિવસ ખંડિત અને ભસ્મીભૂત થયેલ
અવશેષોની મુલાકાતે જવાનું સાહસ કર્યું. આ કોઈ નાનીસૂની વાત નહોતી. પરીક્ષિતના

હાવભાવ હિમશીલા જેવા હતા, ચહેરાની ભૂગોળ નિરાકાર હતી અને ભૃકુટીઓની

ભૂમિતિ તંગ હતી. આંસુઓને તો એણે ક્યારનો જાકારો દીધો હતો અને લાગણીઓને

છૂટાછેડા આપ્યા હતા. છતાંય જેમ જેમ ઘર નજીક આવ્યું તેમ તેમ રૂઝાઈ ગયેલો

જખ્મ સજીવન થતો ગયો. માનસિક હાલત બેકાબુ બની.
ધોધમાર સ્મૃતિવર્ષા થઇ અને અનાયાસે જ વિખુટા થયેલા સ્વજનોને અશ્રુઓની

અંજલિ અર્પણ થઇ.

ભગ્ન મંદિરની ભસ્મ કપાળે ચોપડી. પત્ની અને બાળકો નજર સમક્ષ તરવર્યા.

એમની સાથે વિતાવેલા જીવનના પડઘાઓની સ્વપ્નસ્થ સુરાવલીના ગુંજનમાં એ

ખોવાઈ ગયો. પરીક્ષિતના અંતરે સાદ દીધો, લાગણીઓ પર કાબુ મેળવતા

શીખ…નહિતર લાગણીઓ તારા પર કાબુ મેળવશે અને એવી જગ્યાએ તને

લઇ જશે કે જ્યાં તું ક્યારેય ગયો નથી… ત્યાંથી પાછા ફરવું અસહ્ય બનશે…ધ્યાનસ્થ

હાલતનો અંત આવ્યો ત્યારે ઘણો સમય વહી ગયો હતો. પરીક્ષિત એક આખરીવાર

વ્હાલભરી નજરે એના ઘરના અવશેષોને નીરખ્યા અને પીઠ ફેરવીને ચાલ્યો ગયો…કદી

પાછા ન ફરવા માટે…પરીક્ષિત ચાલી તો નીકળ્યો પણ સ્વજનોની યાદ ડગલે ને પગલે

પડછાયાની જેમ સદૈવ સાથે ને સાથે રહેતી.કામમાં ઓતપ્રોત હોય એટલીવાર પૂરતું

બધું વિસારે પડ્યું હોય એમ લાગે પણ અંતે અંતરનો ખાલીપો એના સૂના ખંડેરના,

ભગ્ન મંદિરના દરવાજા અચૂક ખખડાવે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: