આ સાથે આ રહસ્ય રોમાન્સ સભર નવલકથા પુરી થાય છે. વાચક મિત્રોના
પ્રતિભાવોની અપેક્ષા અને યાચના.
લેખકઃ શ્રી સુરેંદ્ર ગાંધી.
ભીંતર ના વ્હેણ
પ્રકરણ: ૬૪
પરીક્ષિતને મન ઉર્વશી ,શુભાંગી અને અનુરાગ વગરનું અસ્તિત્વ ચેતનારહિત
અને યંત્રવત હતું. છતાંય કોઈ વાર એના કારમા ઘાવ ઉપર બાઝેલા રાખનાં
પોપડા સજીવન થઇ જતા અને એ ધ્યાનસ્થ દ્રષ્ટાની જેમ અંતર્મુખ બની રહેતો,
કલાકો સુધી એનું મનોમંથન ચાલતું.
આજે પણ એવું જ બન્યું.હંમેશા મુજબ એના મનઃચક્ષુ સમક્ષ પત્ની
અને બાળકો તરવર્યા. અચાનક ક્ષીણ થતી જીવનજ્યોતનાં એક અંતિમ તેજપુંજને
અણસારે મૃત્યુ રેખાઓ જીવંત થઇ અને હળવેકથી પત્ની અને બાળકોના જીવનદીપને
બુઝાવ્યા… પત્ની અને બાળકો અદ્રશ્ય થયા … સાથે સાથે વિચારોના વમળના
કુંડાળાઓમાં પરીક્ષિત ગરકાવ થયો.
શું મૃત્યુમાં જીવન કોઈ અગમ્ય દિશામાં પગલાં ભરે છે? મૃત્યુ જીવનનું
અંતિમ સ્થાન શી રીતે હોઈ શકે? સ્વર્ગ અને નર્કની પુરાવા વગરની કલ્પનાઓને
બહાલી આપવાનું અર્થહીન છે? હજુ સુધી પેલે પાર ગયેલા કોઈ પાછા ફર્યા નથી,
એ નક્કર પુરાવો શું સૂચવે છે? કદાચ ત્યાં એટલું ફાવી ગયું હોય કે પાછા ફરવાનું
મન પણ ન થાય! અથવા તો સ્વર્ગ-નર્ક એક લોભામણા માનવમનોપસ્થિત વિતર્ક છે.
આત્માના અમરત્વ ઉપર ભાર મુકનારાઓને માન્ય કરીએ તો મૃત્યુ એક હબ છે,
રિસાયક્લિંગ સ્ટેશન છે, મથક છે જ્યાં જીવનની ફ્લાઈટ્સ લેન્ડ થાય અને પુનર્જન્મ
રૂપે ટેઈક ઓફ કરે! તો જીવન અને મૃત્યુની પ્રક્રિયામાં શું ફરક છે? શું અસ્ખલિત
વહેતો જીવનપ્રવાહ જીવન અને મૃત્યુ ની પ્રક્રિયાથી પર છે? જો એમ જ હોય તો
મોક્ષ પામવાથી જીવનપ્રવાહ સ્થગિત થાય ખરો? જીવનપ્રવાહની ચેતનાને કોઈ
સમજી શક્યું છે? સમજી શકશે? એટલે હાલપૂરતું તો એટલું જ બસ છે કે પુનર્જન્મ,
ભવોભવના મિલન અને સ્વર્ગ તેમ જ નર્ક આપણી મનોભૂમિમાંથી આકાર લે છે.
આપણા દ્રષ્ટિબિંદુ , આચારવિચાર અને આપણી વર્તણૂકના પાયા ઉપર જ આપણી
સઘળી માન્યતાઓનું ચણતર આપણા થી જ થાય છે અને એના ફળ પણ આપણા
જીવન દરમ્યાન આપણે જ ભોગવવા પડશે. આ જન્મમાં જ આપણા હાથના કર્યા
આપણે જ હૈયે વાગશે. આપણા કર્મોનો પુરસ્કાર , સારો કે નરસો પણ આ જન્મમાં
જ અહીં જ મળશે. ફલાકાંક્ષારહિત કર્મ નો મર્મ શું? ફલાકાંક્ષાથી પર રહીએ અથવા
રહેવાય તો પછી કોઈપણ જાતના કર્મ નીડરતા થી કરી શકાય ખરા? કદાચ એટલે
વિશ્વકર્માએ વિશ્વનિર્માણ કર્યું ત્યારે બે દાંડ, ચાર સાંઢ, ખલનાયકો, સાધુસંતો અને
સામાન્ય માનવોની વસાહત બનાવી હશે. સ્વાભાવિક છે કે એટલે જ આપણી વચ્ચે
ચારે તરફ સત્કર્મ, અંધાધૂંધી, અરાજકતા, સદાચાર, દુરાચાર, દોસ્તી અને દુશમની
જેવા વિરોધાભાસી આચરણો પ્રત્યક્ષ થાય છે. શું મૃત્યુ આ બધી આધિ, વ્યાધિ
અને ઉપાધીઓનું પૂર્ણવિરામ છે? મૃત્યુને ખભે ચઢી જીવનની નનામી અથવા
જનાજામાં જનારા ક્ષિતિજને પેલે પાર જોઈ શકે ખરા? ઘણી અગમ્ય વાતોના
વિશ્લેષણને અંતે કોઈ સુગમ્ય તારવણ તારવવાનો પ્રયત્ન ઝાંઝવાના જળ
પાછળ મુકેલી દોટ જેવો છે?
પરીક્ષિતના મનનું સમાધાન હાથવેંતમાં નહોતું, તેમજ અસાધ્ય
પણ નહોતું. એણે હકીકતનો સ્વીકાર કર્યો હતો. એને ખબર હતી કે એનો
કુટુંબકબીલો હંમેશને માટે છિન્નભિન્ન થઇ ગયો હતો. આ કારમો આઘાત જીરવવાનું
એ શીખી રહ્યો હતો.એણે રોજીંદા કામનું રગશિયું જીવન સ્વીકાર્યું અને સમય સરકતો
રહ્યો. એક નવી જીવનદીશા અપનાવવાની પ્રબળ ઈચ્છા જાગી . અર્જુનની જેમ એણે
પણ આત્મજનો ગુમાવ્યા હતા, વિનાશકતા નિહાળી હતી. અર્જુનની મનોદશા સમજી
શકાતી હતી. સાથે સાથે સમ્રાટ અશોકના આચારવિચારમાં થયેલ પરિવર્તનનો પણ
અહેસાસ થતો રહ્યો.
આવા સેંકડો મનોમંથનમાંથી તારણ નીકળ્યું કે પત્ની અને બાળકોની
સ્મૃતિ ચિરઃસ્મરણીય બનાવવા માટે એક જીવંત સ્મારકની રચના કરવી રહી. એમનું
મૃત્યુ વ્યર્થ નહીં પણ સાર્થક બને એવી મનેચ્છા પાંગરતી રહી. અંતે એક રેખાચિત્ર સ્પષ્ટ
થયું, જેની પૂર્વભૂમિકા ઉપર વિશ્વ સહિષ્ણુ પરિષદના પાયાના શ્રી ગણેશ મંડાયા અને
ચણતરનો પ્રારંભ થયો. જોતજોતામાં આંતરરાષ્ટ્રીય સ્તરે બહાલી મળી અને સહિષ્ણુતાનું ‘
બીજારોપણ થયું.અસંખ્ય સ્થાનિક શાખાઓ અસ્તિત્વમાં આવી.
આ પરિષદની વાર્ષિક સભાઓ યોજાતી અને એમાં વિચારવિનિમય
થતો. પ્રવચનો થતા પરંતુ પોકળતાહીન પરીક્ષિત પ્રસિદ્ધિથી દૂર રહેતો, વર્ચસ્વવિહીન
રહેતો. તકસાધુઓ અને ખાટસવાદિયાઓનો ગજ વાગતો નહીં. પરિણામે સહિષ્ણુ
પરિષદમાં દુષણોનો અભાવ હતો. પરિષદના કાર્યકર્તાઓને સેવામાં રસ હતો. મેવામાં
નહીં. પરિષદની ઉદાહરણીય પ્રગતિ આ બાબતનો પુરાવો બની રહી. સંગઠનની
પાંચમી વાર્ષિક સભામાં પરીક્ષિતનું બહુમાન થવાનું હતું.પરીક્ષિતે દ્રઢતાપૂર્વક એ
પ્રસ્તાવ અમાન્ય કર્યો. અંતે નક્કી થયું કે કમ સે કમ એણે સંમેલનમાં ઉપસ્થિત
સદસ્યો સમક્ષ બે શબ્દો કહેવા. પરીક્ષીતે પોતાની વિચારધારાને વાણીમાં વહેતી મૂકી.
સમજૂતી, સન્માન, સંવેદના અને પ્રસંશનીયતાસભર આચરણ સર્વ વ્યાપી છે,
વ્યાજબી છે અને અમ્ર છે. આ તત્વજ્ઞાનના પાયા ઉપર રચાયેલી સંસ્કૃતિની ઇમારત
અડીખમ રહેશે,અહિંસા એક નકારાત્મક વિચારધારા છે કારણ કે એમાં હિંસાને
નકારવામાં આવે છે. વાસ્તવમાં હિંસાત્મક વલણ કે આચરણ અખત્યાર કરવા
માટે અપને ગર્વિષ્ઠ અને ક્રોધી બનવું પડશે, આપણે માનવજાતને હડધૂત કરવી
પડશે જેથી આપણે એનો નાશ કરી શકીએ. આવું હિંસક વલણ આપણા
દિલોદિમાગ ઉપર એટલી હદ સુધી કાબુ મેળવે કે હિંસા જ આપણા જીવનનું સર્વસ્વ બની જાય.
અહિંસા અપનાવવા માટે વૃત્તિઓનું અને લાગણીઓનું હકારાત્મક
વલણ અત્યંત આવશ્યક છે. આપણે માનવજાતનું સમ્માન કરતા શીખીશું તો જ આપણને
અહિંસા પાળવાનું અને આચરવાનું સામર્થ્ય પ્રાપ્ત થશે. અપને સમગ્ર માનવજાતનું સન્માન
કરવું પડશે, કોઈ પણ જાતના ભેદભાવ વગર.
યુગાંતરોથી આપણે સુલેહશાંતી ઝંખતા રંગ્યા છીએ. એની સ્થાપના કરવામાં
સફળતા કરતા અસફળતા વધુ સાંપડી છે. ભૌતિક હિંસાનો અભાવ એમાં કારણભૂત
નથી સંઘર્ષ, યુદ્ધ કે આક્રમકતાની ગેરહાજરીનો અર્થ એવો નથી કે શાંતિ પ્રવર્તે છે.
માનવજાત હિંસાનું આચરણ આક્રમકતાથી તેમ જ અનાક્રમક્તાથી એટલે કે સીધી
કે આડકતરી રીતે બળજબરીપૂર્વક અથવા નિર્બળતાથી કરી શકે છે. જાણે અજાણ્યે
નિર્બળ અને કમજોર માનવો પર થતું હિંસાનું આચરણ સર્વસામાન્ય છે પણ એવી
હિંસાનો ભોગ બનેલા નિર્બળ કે કમજોર માણસો બંડખોર બનીને એટલી જ
બળજબરીથી હિંસા અખત્યાર કરવા પ્રેરાય છે. આપણે મનસા, વાચા અને કર્મણા
એટલે કે મન, વાણી અને કર્મથી ઇજા પહોંચાડીએ તો એનો અર્થ એમ થાય કે
આપણે હિંસાત્મક છીએ. હિંસાત્મક પ્રવૃત્તિ અરસપરસના સંબંધોનો સઘળા સ્તરે
નાશ કરે છે. હિંસા આપણને સ્વાર્થી અને મતલબી બનાવે છે.જયારે સન્માન ,સમજૂતી ‘
અને પ્રશસ્તીસભર સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે. મીઠાશની ગેરહાજરીમાં કૌટુંબિક ,
સામાજિકધાર્મિક, આર્થિક, અને રાષ્ટ્રીય સંબંધો કથળી જશે. શાંતિની આરાધનામાં
વ્યક્તિગત ફાળો મહત્વનો છે. આ આધ્યાત્મિક શાંતિની વાત નથી કે નથી ઔપચારિક
શાન્તિનિકે સૂત્રો ઉચ્ચારવાથી અને કરારનામાં કરવાથી પેદા થતી કહેવા પૂરતી શાંતિ
ની વાત. આ છે સનાતન, સર્વવ્યાપી શુદ્ધ શાંતિની આરાધના. રાષ્ટ્રપિતાએ કહ્યું છે ” Can
we become change we wish to see ” અર્થાત જે પરિવર્તન આપણે આંવું છે, એ જ
પરિવર્તન આપણે બની શકીએ?
કર્મની કઠણાઈ એ છે કે આવા ફરીશ્તાઓની કારમી, કરપીણ હત્યા થઇ છે. કાયરતા
એ હિંસાનું પ્રતીક છે, નીડરતા અને જ્વલંત શ્રદ્ધા, અટલ આત્મવિશ્વાસ… કાયર
બનવું છે કે નીડર,અર્જુન બનવું છે કે અશોક? એ માનવીની ભીંતર ના વ્હેન છે,
જે બાજુ વાળશો તે બાજુ વળશે…
પરીક્ષિત વિરમ્યો, આભાર વ્યક્ત કરીને મંચ છોડીને સભાજનો
વચ્ચેથી માર્ગ કરીને પોતાની બેઠક તરફ વળ્યો. એની ખુરશી પાસે એક આધેડ
વયનો માણસ ઉભો હતો. એ માણસની આંખોમાં પરીક્ષિતની આંખો જેવી જ
ખુમારી હતી. પરીક્ષિતે સહેજ હસીને અભિવાદન કર્યું. પેલા માણસે કહ્યું ‘ આપણે
ઘણા વિષયો પર ઇન્ટરનેટ દ્વારા વિચારવિનિમય કર્યો છે.”પરીક્ષિતનો અચંબો
અછતો ન રહી શક્યો. પેલા માણસે ઉમેર્યું
“મને લાગે છે કે હું કસમયે અહીં આવ્યો છું. આ કઈં મળવામૂકવાનો
પ્રસંગ નથી.” પરીક્ષિતે પ્રત્યુત્તર આપ્યો
“ના, ના … એવું કઈં નથી. પરિષદની પુર્ણાહુતીના ભોજનસમારંભમાં
મારુ આતિથ્ય સ્વીકારો, પણ માફ કરજો તમારા નામનો આછોપાતળો
અણસાર પણ આ પળે નથી આવતો!”
આધેડ વયની વ્યક્તિએ આછું સ્મિત વેરીને કહ્યું “ગાંધી … સુરેન્દ્ર ગાંધી,” પરીક્ષિત નો અચંબો ક્ષણભર અટક્યો અને આત્મીયતાનો અહેસાસ થતા
જ બોલ્યો , “કોણ જાણે કેમ પણ હું તમને લાંબા સમયથી ઓળખતો હોઉં એમ લાગે છે…”
” કદાચ કોઈ અન્ય સ્તરે, અન્ય સ્વરૂપે…” વળતો જવાબ આવ્યો.
સમાપ્ત
Like this:
Like Loading...
Related