“મિસ્ટર ઓકક્સિજન”

‘શાસ્ત્રી. મધુબાલા ગુજરી ગઈ.,’ અમારા ગોઠીયા મિત્ર ધનસુખે જાણે બ્રેકિંગ ન્યુઝનો ધડાકો કર્યો હોય એમ ફોન પર સમાચાર આપ્યા. ધનસુખને અર્થવગરની વાતને પણ જાણે સર્પ્રાઈઝ હોય એવી રીતે વાત કરવાની ટેવ. મોટેભાદે એની વાતમાં કોઈ ઢંગધડો કે દમ ના હોય.

‘હા મને ખબર છે. પચાસ વર્ષ પહેલા ની વાત છે. ત્યારે હું લંડનમાં હતો અને એ સમાચાર પણ ફોન પર તેં જ આપેલા’; મેં એને કોલ્ડ રિસ્પોન્સ આપ્યો.

‘ના યાર, કિશોર કુમારવાળી મધુબાલા નહિ, તમારા પરમ મિત્ર પ્રાણજીવન મિસ્ટર ઓક્સિજન ની મધુબાલા.’

‘ઓહ, મધુબેન! શું કોવિડે એને પણ ઉપાડી લીધા?’ક્યારે?

મઘુબેન એટલે મારા પાડોસીની દીકરી અને મારા સ્નેહિ મિત્ર પ્રાણજીવનની પત્ની.

‘ત્રણ ચાર મહિના પહેલાં જ ગુજરી ગઈ. બિચારી ગમે તેવી સુંદરી હોય ઘડપણ કે મોત કોઈને છોડતું નથી. આઠ દશ દિવસની માંદગીમાં જ બોચારી ઉપડી ગઈ.’ પ્રાણીયાએ મને ખબર આપી હોત તો એટલિસ્ટ એની પથારી પાસે બેસીને એને પાણી પાત, અને ભગવાનને પ્રાર્થના કરત કે આવતા ભવમાં એને ધનસુખનું સુખ આપજે.

કાળો, બાઠો અને બાડો ધનસુખ કોઈ આશામાંને આશામાં બે વર્ષ સુધી અમારા ઘરની આજુબાજુ સાઈકલ પર આંટા મારતો હતો.  ધનસુખ મધુબેનની જ્ઞાતીનો જ પટેલ હતો. માંગું મોકલાવ્યું હતું પણ અમારા મધુબેન તો મનોમન હેન્ડસમ પ્રાણજીવનભાઈને જ વરી ચૂકેલા.

 પ્રાણજીવનભાઈ દશમા ધોરણમાં મારી સાથે ભણેલા. માત્ર એક વર્ષનો જ અમારો સંગાથ, પણ હું એનો જાણે એડ્પ્ટેડ ફ્રેંડ બની ગયેલો. એઓ મારા કરતાં ચાર પાંચ વર્ષ મોટા. બિચારા ભણવામાં પાછળ પડી ગયેલા. બધી વાતે ખુબ હોશિયાર, સમજુ, આનંદી સ્વભાવવાળા, ઊંચા પહોળા કદાવર અને રૂપાળા માણસ. પણ વાંચવા લખવાનો કંટાળો. લખવાનું આવે અને એને ત્રાસ લાગે. લખતાં તાવ આવે. પરીક્ષામાં પણ આવડતું હોય તો લખતાં લખતાં ઊંઘી જાય. દશમા ધોરણ પછી ભણવાનું છોડી દીધેલું.

એનો એક નાનોભાઈ ડોક્ટર અને બીજો નાનો ભાઈ વકીલ બની ગયેલા. પ્રાણજીવનભાઈ એના ફાધર ડોક્ટર અને મધર કોલેજમાં પ્રોફેસર. આવા કુટુંબમાં દશમા ધોરણમાં નાપાસ એવા પ્રાણજીવનભાઈની વેલ્યુ શું? એજ્યુકેટેડ ફેમિલી એનો માટે નકામા થઈ ગયેલા દીકરા હતા. જ્ઞાતિના દરજી પણ ભણેલા અને દરજી સમાજથી અળગા થઈ ગયેલા.

એના પિત્રાઈ કાકાની ટેલરિંગની દુકાન હતી . ધંધો ધમધોકાર ચાલતો હતો. એમને કોઈ સંતાન ન હતું. એમણે મોટી ઉમ્મરના પ્રાણજીવનભાઈને દત્તક લઈ લીધા. ‘હવે તું અમારો દીકરો. આમારી સાથે રહેજે અને મોજ કરજે.’

‘ના મોટાબાપા મારે મોજ નથી કરવી. મારે દરજીકામ શીખવું છે અને કામ કરવું છે. મારે વારસો લઈને મોજમજા નથી કરવી; દીકરા તરીકે કામ કરવું છે,  દીકરા તરીકે તમારી સેવા કર્વી છે.  મને શીખવો અને તમે મોજ મજા કરો. ફરો હરો અને જાત્રા કરો.

અને કાકાએ એને પોતાના ટેલરિંગના બિઝનેશમાં લગાવી દીધા. જોત જોતામાં ધંધામાં પાવરધા થઈ ગયા. એ એના પેરન્ટસને પપ્પા મમ્મી કહેતા અને દત્તક લેનારને મોટાબાપા અને મોટાબા કહેતા. વર્ષમાં બે વાર એના પપ્પા મમ્મીને પગે લાગવા જતા. એમની બર્થડે સમયે અને નવા વર્ષને દિવસે. લોકોને એ કહેતા કે મારે બે ફાધર છે એક જન્મ આપનાર વાસુદેવ અને બીજા પોતાનો કરીને પોષતા નંદજી. અને મારી બે મધર છે એક જન્મ આપનાર દેવકીજી અને બીજી પાલન પોષણ કરનાર જશોદાજી.

પપ્પા મમ્મી એજ્યુકેટેડ અને મોટાબાપા અભણ પણ ટેલરિંગના બિઝનેશમાં નામના મેળવેલી અને બે પાંદડે થયેલા.

હું કોલેજમાં ભણતો તે સમયમાં એની દુકાનમાં ઘણી વાર જવાનું થતું. મારી પડોશમાં પટેલકાકાના દીકરી મધુબેનને પ્રાણજીવનભાઈ ગમી ગયેલા. પ્રાણજીવનભાઈને મધુબેન ગમી ગયેલા પણ મધુબેન બી.એ. થયેલા. ભણેલા ગણેલા. પાડોસી પાંચગામના મોભાદાર પટેલ. હું એમનો પાડોસી અને પ્રાણજીવનભાઈનો મિત્ર એટલે મારે એ બન્ને વચ્ચે મધ્યસ્થીનો ભાગ ભજવવો પડેલો. એક પટેલ અને બીજા દરજી. બન્ને વચ્ચે જ્ઞાતી અને ભણતરનો તફાવત બાકી પ્રાણજીવનભાઈ હેંડસમ અને મધુ એટલે બ્યુટિફુલ મધુબાલા જ.

મધુબેને તો એમના મમ્મીની આગળ ‘પ્યાર કીયાતો ડરના ક્યા’ ગાઈ નાંખેલું પણ પપ્પા આગળ બોલાયું નહિ. પટેલકાકાને સમજાવની જવાબદારી મેં લીધેલી. આખરે બધું સાંગોપાંગ પાર પડ્યું હતું. અને એમના લગ્નનો યશ મને મળેલો.

મધુબેને પ્રાણજીવનભાઈનું નામ મિસ્ટર ઓક્સિજન પાડ્યું હતું. પ્રાણવાયુ એટલે ઓક્સિજન જ ન્વ! પછી તો અમે બધા અને નોકર ચાકરો પણ મિસ્ટર ઓક્સિજન સાહેબ કહેતા થઈ ગયેલા. લગ્ન પછી ટેલરિંગ બિઝનેશ વધતો જ જતો હતો. નવા મશીનો અને નવા કારીગરો ઉમેરાતા ગયા અને બી.એ. થયેલા મધુબેન પણ ધંધામાં જોડાઈ ગયા. પ્રાણજીવનભાઈ લેડિઝ ટેલર તરીકે પ્રખ્યાત. લેડિઝનું  માપ લેવાનું કામ મધુબેને ઈરાદા પુર્વક પોતાના હાથમાં લઈ લીધેલું. પણ મિસ્ટર ઓક્સિજન નાની છોકરી હોય, જાડી પાતળી યુવાન મહિલા હોય કે ડોશીમા હોય નજરથી માપ કહી દેતા જે મધુના માપ સાથે મેચ થઈ જતું. માત્ર તનનું માપ જ નહિ પ્રાણજીવનભાઈ મનનું માપ કાઢવામાં પણ કુશળ હતા. કોને શું ગમશે તે કળી જતાં. સામાને ગમતી વાતોમાં વેતરીને પોતાના કરી લેતો. એમનો સંસાર સુખી હતો.

એના મોટાબાપા ગુજરી ગયા ત્યારે પહાડ જેવો માણસ નાના બાળકની જેમ ખુબ રડેલો. એણે મોટાબાને આશ્વાસન આપવું જૉઇએ પણ બિચારા બા એને આશ્વાસન આપતા રહ્યા. ચારેક મહિના પછી એને લાગ્યું કે મોટાબા મુંજાય છે. રોજ રાત્રે છાનામાના રડે છે.

એક દિવસ એની દુકાનમાં એના ત્રીજા ધોરણના શિક્ષક શંકરલાલ કોટ સીવડાવવા આવ્યા. શંકરલાલ સાહેબ પ્રેમાળ શિક્ષક હતા. એમની વેષભુષા અનોખી હતી. ધોતિયું, કફની, ઉપર કાળો કોટ અને માથે સફેદ ટોપી. ઉનાળા ચોમાસામાં હાથમા છત્રી હોય શિયાળામાં હાથમાં લાકડી હોય.

મિસ્ટર ઓક્સિજનના ભેજામાં કોઈ અનોખો ઝબકારો થયો. એ વાંકોવળીને સાહેબને પગે લાગ્યો. ‘સાહેબ આપ તો નિવૃત્ત થઈ ગયા. હવે આપના ફેમિલીમાં કોણ કોણ છે?.’

‘બે દીકરીઓ છે. એ એમના કુટુંબમાં સુખી છે. પત્ની ચાર વર્ષ પહેલાં ગુજરી ગઈ. હવે એકલો છું. ટીફીન બાંધી દીધું છે. હસતાં રમતાં જીવન વહેતું જાય છે. આગળ પાછળ કોઈ ચિંતા નથી’ સાહેબે જવાબ આપ્યો.

‘સાહેબ, મારા મોટાબાપા હમણાં થોડા સમય પર જ દેવલોક પામ્યા. મારામોટાબા એકલા પડી ગયા છે. મારે આપને બાપા તરીકે દત્તક લેવા છે. તમારી બધી જવાબદારી મારી. તમારે સવારે મારે ત્યાં આવી રહેવાનું. મોટાબા સાથે નાસ્તો કરવાનો, પછી બાને મંદીરે લઈ જવાના. સાહેબ, કાર છે, ડ્રાઈવર છે. ઘરમાં રસોઈ કરવા મહારાજ છે. બપોરે લંચ કર્યા પછી બા આરામ કરે છે. મધુની સાથે તમારે અહી દુકાન પર આવી રહેવાનું. ક્યાંતો આગળ બેસો ક્યાં તો પાછલા રૂમમાં આરામ કરો. ડ્રાઈવર સાંજે બાને દુકાન પર લઈ આવે પછી તમારે બાને ફરવા કે સિનેમા નાટક જોવા લઈ જવાના. બાને મન થાય તો હોટલ રેસ્ટોરાંટમાં જમી લેવાનું અને નહિ તો ઘરનું તો છે જ. અમે બધા રાત્રે સાડા દશ વાગ્યે સાથે બેસીને જમીએ છીએ. આપને મોડું ખાવાનું ફાવશેને? જમ્યા પછી ડ્રાઈવર તમને તમારે ઘેર મૂકી આવશે’

ભાઈ તું મને બાપા બનાવે તેનો મને વાંધો નથી, પણ તમારા બા માટે તો હું એમના ભાઈ તરીકે જ ફરજ બજાવીશ. મને પૈસાની કોઈ જ અપેક્ષા નથી. બસ તમારા બાને જરૂરી સાથ આપીશ. આ નવીન વ્યવસ્થાથી એના મોટાબા અને શંકરલાલ સાહેબ એમ બન્નેનું ઘડપણ સુધરી ગયું.

મધુએ સાચે જ પ્રાણજીવનનું નામ મિસ્ટર ઓક્સિજન રાખ્યું હતું. એણે એડપ્શનને એક નવો વળાંક આપ્યો હતો. હું જ્યારે ઈંડિયા જતો ત્યારે એમને મળતો. દર વખતે કહેતા કે ફલાણી મારી એડપ્ટેડ દીકરી છે કે દીકરો છે. ફલાણો મારો એડપ્ટેડ ભાણેજ કે ભત્રીજો છે. જેટલાને એ એડપ્ટ કરતો તેમને વર્ષમાં એક જોડી કપડાં ભેટ આપતો. દીવાળી વખતે મિઠાઈ અને નાણાકીય ભેટ આપતો. એને એક દીકરી હતી. તે ડોક્ટર થઈ હતી અને બીજા ડોક્ટની સાથે લગ્ન કરી લંડન ગઈ હતી. એ સુખી હતી. એને પપ્પા મમ્મીની મિલ્કતની જરૂર ન હતી.  

   છેલ્લી વાર જ્યારે હું એને મળ્યો ત્યારે કહેતા હતા કે એક વૃધ્ધાશ્રમ એડપ્ટ કર્યું છે. એ પોતે પણ વૃધ્ધ થયા હતા. એના નાનાભાઈ જેઓ વકીલ હતા એનો દીકરો પણ વકીલ થયો હતો, પણ એને વકીલાતમાં રસ ન હતો. પ્રાણજીવને ભત્રીજાને દત્તક લઈ લીધો. એણે મેનેજમેંટ સંભાળી લીધી. એણે એડપ્શન કે દત્તક શબ્દને તદ્દન નવો જ પ્રાણવાયુ પુરો પાડ્યો હતો. ખરેખર તો એ કોઈપણ હક્ક વગર લોકોને પ્રેમ વહેચી પોતાના કરી લેતા.

એડપ્ટ કરેલા ભત્રીજાએ પરદેશથી મશીનો વસાવી કપડાં તૈયાર કરવાની ફેકટરી ખોલી. પ્રાણજીવનભાઈની સંપત્તિ વધતી અને વહેંચાતી રહી. પંચ્યાસી વર્ષની ઉમ્મરે પણ મારે માટે તેઓ દશમા ધોરણના મિત્ર જ બની રહ્યા હતા. હું એમને માનપૂર્વક પ્રાણજીવનભાઈ કહીને આદર પૂર્વક વ્યવહાર કરતો તો એઓ કહેતા કે તું મારો દશમા ધોરણનો દોસ્ત મટી ગયો છે. મને તું કહેનાર મિત્ર જોઈએ છે. એ ગમે તે કહે પણ હું એમને તું નું સંબોધન કરી શકતો નહિ.

મધુબેનના નિધનના સમાચાર મળતાં જ મેં પ્રાણજીવનભાઈને ફોન કર્યો. ‘પ્રાણજીવનભાઈ મને મોડા મોડા હમણાં જ દુઃખદ સમાચાર મળ્યા.’

‘શાસ્ત્રી, મારી મધુબાલા આઠ દશ દિવસ જ માંદી રહી હતી. એણે તને યાદ કર્યો હતો. એ માંદી પડી ત્યારે જ એને સંકેત મળી ગયો ગયો હતો કે હવે આ ઉમ્મરે એ વધુ દિવસો નહિ કાઢે. દીકરી જમાઈ લંડનથી આવી ગયા હતાં. મારા એડપ્ટ કરેલા સૌ સ્નેહીઓ એક અઠવાડિયાથી મધુની આજુબાજુ વિટળાયલા રહ્યા હતા. એ બધાની હાજરીમાં મધુએ મારી પાસે વચન માંગી લીધું કે એના અગ્નિસંસ્કારના બીજા દિવસે જ મારે એની માસીની દીકરી ચંદાને વાઈફ તરીકે એડપ્ટ કરી દેવાની.

આખી જીંદગી મધુબાલા સાથે કાઢી. એનું સ્થાન કોઈ જ લઈ શકે નહિ. શાસ્ત્રી, હું પંચ્યાસી વર્ષનો અને ચંદા એંસી વર્ષની. ચંદા એકવીશ વર્ષની હતી ત્યારે એના ડિવૉર્સ થઈ ગયેલા. અમારા કરતાં ચાર પાંચ વર્ષ નાની. ડિવોર્સ થયા પછી મધુએ એને કોલેજમાં ભણવા જવાનું સૂચવ્યું હતું. એ અમારે ત્યાં જ રહીને કોલેજમાં ભણી. એમ.એ. પીએચ.ડી. થઈ કોલેજમાં પ્રોફેસર પણ થઈ. ચંદા અમારે ત્યાં જ્યારે જ્યારે આવતી ત્યારે મધુ મને કહેતી કે મિસ્ટર ઓક્સિજન આપકી આધી ઘરવાલી આયી હૈ. અમે મજાક મશ્કરી કરતાં.

બીજા દિવસે તો નહિ પણ પંદર દિવસ પછી, મારી દીકરી જમાઈની હાજરીમાં અમે મધુના ફોટા સામે એક દિપક પ્રગટાવ્યો. એની સાક્ષીએ એક બીજાને જયમાલા નહિ પણ માત્ર એક ગુલાબનું પુષ્પ આપીને એકબીજાને પતિ પત્ની તરીકે એડપ્ટ કર્યા. એંસી પંચ્યાસી વર્ષ પછીના લગ્ન દેહ લગ્ન નથી હોતાં. એ લગ્ન એકમેકના સથવારાની હૂંફના લગ્ન હોય છે. ફેર એટલો કે ચંદાના સફેદવાળના સેંથામાં રોજ પ્રાણજીવનનું સિંધુર શોભે છે.

એમની ફેકટરીના ચારસો જેટલા એંપ્લોયી માટે એઓ દત્તક દાદાજી મિસ્ટર ઓક્સિજન દાદા છે. માલિક તરીકે નહિ પણ દાદા તરીકે ફેક્ટરીમાં જાય છે. એની પાછળ ફરસાણ મિઠાઈની વાન જાય છે અને કારીગરોના હાથમાં ફરસાણ મિઠાઈના બોક્ષ પકડાવી દે છે. કારીગરોના ભાથામાંથી બટકો રોટલો પણ માંગીને મોમાં મૂકી દે છે. એ કહે કે ડિક્શનરી એડપ્શન માટે શું કહે છે એ મને ખબર નથી, પણ વ્હાલથી પારકાનાને પોતાના કરી લેવા એ જ એડપ્શન છે. બીજું ધન અને લાગણી વહેંચવાથી જ વધે છે.

*****

પબ્લિશ્ડઃ ગુજરાત દર્પણ. માર્ચ ૨૦૨૧

Pravin Shastri

6 Saveria Court

Howell NJ 07731‘

 

2 responses to ““મિસ્ટર ઓકક્સિજન”

  1. Raksha Patel March 13, 2021 at 3:48 PM

    અનોખી વાર્તા…..સુંદર શરુઆત મઘુબાલા નામથી કન્ફ્યુઝન પછી સાચા અર્થમાં થતું એડોપ્શન….વાર્તા ખુબ ગમી!

    Like

  2. anil1082003 March 11, 2021 at 11:01 PM

    MR.OXYGEN’S FREIND .SAHI BAT HAI.” JYOT SE JYOT JALA TE CHALO. DHAN SE DHAN BATTE CHALO APO AP PREM ATE RAHE GA” DEKH TE RAHIO .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: