જિપ્સીની ડાયરી કૅપ્ટન નરેન્દ્ર – ૧

May be an image of 1 person

જિપ્સીની ડાયરી  કૅપ્ટન નરેન્દ્ર

નિવેદન

‘જિપ્સીની ડાયરી’ સૌ પ્રથમ બ્લૉગ સ્વરુપે સન ૨૦૦૮માં શરૂ થઈ  હતી. 

શરૂઆતથી જ તેને ટાઈમ્સ ઑફ ઈંડીઆના જ્યેષ્ઠ સંપાદક સ્વ. શ્રી. તુષારભાઈ ભટ્ટ 

તથા ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખકો શ્રી..હરનીશભાઈ જાની અને શ્રી રજનીકુમાર 

પંડ્યા તથા અમેરિકાના બ્લોગ જગતના સુપરિચિત આગેવાન સુરેશભાઈ જાની, ડૉ. કનકભાઈરાવલ અને ચિરાગ પટેલ જેવા વાચક, પથદર્શક અને મિત્રો મળ્યા. 

સૌએ ‘ડાયરી’ના દરેક અંક વાંચ્યા અને સુંદર પ્રતિભાવ આપ્યા. જ્યારે તેનુંછેલ્લું 

પ્રકરણ પૂરું થયું, કૅપ્ટનના કૉલેજકાળના મિત્ર, મુંબઈના પ્રખ્યાતવકીલ 

ગિરીશભાઈ દવેએ આગ્રહ કર્યો કે આને પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવું. 

સદ્ભાગ્યે મારા વતન ભાવનગરની શામળદાસ કૉલેજના પ્રિન્સિપલ 

ડૉ. ગંભિરસિંહજી ગોહિલે તેનું સંપાદન કરવાનું સ્વીકાર્યું

 બોપલના પુસ્તક-શિલ્પી શ્રી. અપૂર્વભાઈ આશરે તેને એક પ્રતિમાની 

જેમ કંડારી ગુર્જર  સાહિત્ય મંદિર દ્વારા ૨૦૧૨માં પ્રકાશિત કરી..  

‘જિપ્સીની ડાયરી’ને ગુજરાતે આવકારી. એટલા માટે નહીં કે તેના 

પ્રસ્તુતકર્તાને કોઈ જાણતું કે ઓળખતું હતું.

પુસ્તકની પ્રસિદ્ધી પાછળ એક નાનકડો ઈતિહાસ છે. 

વર્ષો પહેલાં ગુજરાતમાં જન્મેલાં વિમલાબાઈ નામનાં એક અજાણ્યાં 

મરાઠી મહિલાએ એક પાકા પૂંઠાની નોટબુકમાં પોતાની આત્મકથા  લખી :

“મારી જીવનકથા”. આપણી તળપદી બોલી પ્રમાણે ‘ચાર ચોપડી સુધી ભણેલી’ 

આ મહિલાની સીધી સાદી ભાષામાં લખેલ કથા એક નિવૃત્ત  ગુજરાતી સિપાહીને હાથ લાગી. 

કથા એવી તો હૃદયસ્પર્શી હતી કે લંડનના કઠણ વર્ષોમાં દિવસે ૧૦-૧૨ કલાકની 

નોકરી  ઉપરાંત અનેક રાત જાગીને તેણે તેનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. સ્વાતિ 

પ્રકાશનના શિવજીભાઈ આશરે તેને પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. 

વર્ષાબહેન અડાલજાએ તેની પ્રસ્તાવના લખી.

“બાઈ” ના શિર્ષકથી પ્રકાશિત થયેલ આ નાનકડા પુસ્તકને ગુજરાતના વિવેચકોએ 

વધાવી લીધું. જોતજોતામાં ગુજરાતભરમાં આ પુસ્તક પ્રખ્યાત થઈ ગયું. 

જન્મભૂમિ-પ્રવાસીએ તેને તે વર્ષના દસ સર્વશ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક ગણ્યું.

“બાઈ”નો અનુવાદક તે આ કૅપ્ટન.

“બાઈ”ના વાચકોને આ નામ કદાચ યાદ રહી ગયું હશે. તેણે લખેલી 

‘યુદ્ધસ્ય રમ્યા: કથા:’ જેવી આ ડાયરી વિશે વાચકોને થોડું કુતુહલ થયું  અને ‘જિપ્સીની ડાયરી’ને ગુજરાતી સાહિત્યમાં એક નાનું એવું સ્થાન મળ્યું. 

આમ જોવા જઈએ તો આ એક પ્રવાસકથા છે – જીવનનો પ્રવાસ.

‘જિપ્સી’ની આ પ્રવાસ યાત્રા દરમિયાન તેના જીવનમાં આવા અનેક 

મહાનુભાવો આવ્યા. કેટલાક એવા પ્રસંગો આવ્યા જેની અનુભુતિ કરી તે ધન્ય થયો. 

કેટલાક મહાન આત્માઓના સાન્નિધ્યના તેજનો તેના પર અજાણતાં છંટકાવ થયો. 

માતા પિતા તથા પૂર્વજોએ આપેલા સંસ્કાર, શિક્ષકોએ આપેલી નવદિશા અને 

નિ:સ્વાર્થ મિત્રોના સંસર્ગમાં તેને  માનવતાના અનન્ય દર્શન થયા. નિસર્ગનું અનંત 

સૌંદર્ય અને તેની વિશાળતાની અનુભૂતિ થઈ. 

કેટલીક વાર કાર્યકારણની સીમાની પાર થયેલા અદ્ભૂત ચમત્કારશા 

અનુભવો થયા.. જે મહાનુભાવો તથા પ્રકૃતિની જીવંત શક્તિઓએ તેના 

પર  કૃપા કરી, તેની આભારવંદના નહિ કરે તો તેનું  જીવન અધુરૂં રહેશે 

એવું તેને લાગ્યું. આ સામુહિક ઊપકારની સ્વીકૃતિમાં, આભારની 

અભિવ્યક્તિમાં જન્મી તે ‘જિપ્સીની ડાયરી’ છે.

 ‘જિપ્સી’એ લેખિતમાં કોઈ નોંધપોથી નહોતી રાખી. જે જે બનતું ગયું, 

અનુભવો થતા ગયા, સ્મૃતિની છીપમાં કંડારાઈ ગયા હતા. લખવાની 

શરૂઆત કરી ત્યારે સમગ્ર બનાવોની ઘટમાળ નજર સામે એક 

વિડિયોની જેમ ઉપસ્થિત થઈ અને તે સાક્ષીભાવે, એક પ્રેક્ષકની જેમ જોતો 

રહ્યો અને શબ્દોમાં ઉતારતો ગયો. 

અહીં રજુ થતી વાતો તથા અનુભવોને વિશે એટલું જ કહીશ કે આ મારૂંજીવન હતું, 

અને છે. બધી ઘટનાઓ ત્યારે સત્ય સ્વરૂપ હતી અને જીવનની સંધ્યાએ હજી જીવંત છે! 

સંધ્યા સમયે અંજલી આપવાનો રિવાજ છે.    

જિપ્સી અહીં તેના જીવનમાં આવી ગયેલ બધાંને,ખાસ કરીને તે પોતાનાં 

માતાપિતાએ તેના પર કરેલ અનંત ઋણ માટે હૃદયાંજલી અર્પણ કરે છે. 

તેના અનેક દોષને ભુલી તેના અસ્તિત્વને ટકાવી રાખનાર તેના આત્મીય,  મિત્રો અને તેના જીવનના અભિન્ન અંગ સમા અનુરાધા, કાશ્મિરા, રાજેન 

અને પૌત્ર સચિનનો આભાર માને છે. 

સ્નેહીજનો હંમેશા એકબીજાના હૃદયમાં રહે છે. એકના હૃદયમાં  જન્મતી 

ભાવનાનો પડઘો બીજાના હૃદયમાં અચૂક પડતો હોય છે, તેથી મારા પ્રેમભાવ 

અને કૃતકૃત્યતાને તેઓ સમજે છે. તેમનાં નામ વ્યક્તિગત રીતે ન લેતાં તેમનો 

હાર્દીક આભાર માનું છું અને તેમના ઋણનો  કાર કરૂં છું. મનોમન જાણું છું કે, 

મારા હૃદયસ્થ આપ્ત, મારા મિત્ર, આપે તેનો સ્વીકાર કર્યો છે.

થોડા સમય પહેલાં કૅપ્ટનના પરમ મિત્ર શ્રી. પ્રવીણકાંત શાસ્ત્રીજીની 

ખાસ ઇચ્છા થઇ કે ‘જિપ્સીની ડાયરી’ને તેમના બ્લૉગમાં ફરી પ્રકાશિત કરવી. 

આમ પણ ડાયરીની સુધારેલી આવૃત્તિ પ્રસ્તુત કરવાની વર્ષોથી  ઇચ્છા હતી. 

પ્રવાસ પૂરો થવામાં છે; ગંતવ્ય પર પહોંચતાં પહેલાં આ ઈચ્છાને પૂરી કરવાની તક 

ગણી ‘જિપ્સીની ડાયરી’ને નવા સ્વરુપમાં સંપાદિત કરી અહીં રજુ કરવાનો પ્રયત્ન 

કર્યો છે. તેના નુતન સંસ્કરણમાં એક નવો ઉપક્રમ શરૂ કર્યો છે. અગાઉના 

બ્લૉગને મળેલા કેટલાક  પ્રતિભાવ સાહિત્યની દૃષ્ટિએ ઘણા રસપ્રદ હતા, 

એટલું જ નહી, મૂળ  લેખ કરતાં પ્રતિભાવ અનેકગણાં ઉત્તમ હતાં. નવા વાચકોને 

કદાચ  ગમશે એવી શ્રદ્ધાથી કેટલાક પ્રતિભાવ આ આવૃત્તિમાં રજુ કર્યા છે.

તો ચાલો ‘જિપ્સી’ના સિગરામમાં. એક એક પ્યાલી, એક એક અડાળીનો 

સ્વાદ લેતાં લેતાં આગળ વધીએ!

– કૅપ્ટન નરેન્દ્ર  

Capt. Narendra
www.captnarendra.blogspot.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: