“જીસ કી બીવી મોટી…..”

પ્રવીણ શાસ્ત્રી

“જીસ કી બીવી મોટી…..”

Jiski biwi moti uska bhi bada naam hai, Aisa Bhi Hota Hai, 11 August 2015 Samaa Tv - YouTube

એક મોટો ધમાકો. ભમ્મ્મ્મ. એક મોટી ચીસ. બિચારો મનિષ ઓફિસ રૂમમાંથી બેડરૂમ  તરફ દોડ્યો અને દૃશ્ય જોઈ બારણાં પાસે થંભી ગયો.

‘ઓય મા મૈ તો મર ગઈ. મેરે મન્નુને હી મુઝે માર ડાલા. સુરેખા પર બોલીવુડી હિન્દી ભાષાની અસર મોટી હતી.  અરે મને સુખ્ખેથી મરવા પણ ના દીધી, મઈ તો મર ગઈ.’ સુરેખાનું કલ્પાંત ચાલુ જ હતું. ‘મેરે બાપને તેરે સાથ શાદીકી પરમિશન દી, ઇસ પાપ સે આજ મુઝે લટકના પડા. મેરા વેલેંટાઈન બીગડ ગયા.’

સુરેખાનું કલ્પાંત હિન્દી ગુજરાતી ભાષામાં ચાલુ હતું. છેલ્લા વીશ વર્ષથી એની ધમકી ચાલુ જ હતી કે ‘મનિયા, તું કોઈ બી પટાકડી સાથે લફરામાં પડશે તો હું પંખે લટકી જઈશ. પણ દરેક ગરબડ વખતે મનિષે એને સમજાવી પટાવી દીધેલી. કોઈ મોટી ગરબડ નહીં પણ હસી મજાક અને જરા તરા ટચી ટચી. હેંડસમ હસબંડ પ્રેમથી સોરી કહી સમજાવતો અને સુરેખા સમજી પણ ગયેલી, અત્યાર સુધી સુરેખા અને પંખો સલામત હતો. પણ આજની વાત જૂદી હતી. આજે પંખો તૂટ્યો પત્ની લટકી નહિ અને બિચારી બેડ પર જ પડી ગઈ. એને ખબર હતી કે એકાદ દિવસ તો આવું થવાનું જ છે. અને તે આજે થયું. મનિષ હસતો હતો.

મનિષ બારસાખનો ટેકો લઈને હસતો હતો. સુરેખા આંખો બંધ કરીને બરાડતી હતી.

સુરેખા એટલે ખરેખર સુરેખા. એના ખભાથી પગની પાની સુધી એક પણ વળાંક  દેખાય નહીં. જાણે તદ્દન સીધી લાઈનનું એક મોટું ડ્રમ. એ મહાકાય ૧૨૦ કિલો એટલે કે લગભગ ૨૬૦ પાઉંડની સુરેખાની દેહલતા બેડપર ચત્તીપાટ પડી હતી.. એના શરીર ઉપર સીલીંગ ફેન પડ્યો હતો. અને નફ્ફટ મનિષ એને મદદ કરવાને બદલે બારણે ઊભો રહીને હસતો હતો.

સુરેખાએ આંખો ખોલી. મનિષને હસતો જોઈને એણે બરાડો પાડ્યો ‘બેશરમ, આ ફેન હટાવ અને મને બેઠી કર. હું મરવા પડી છું અને તને હસવાનું સૂઝે છે?’

‘વીશ વરસ પહેલાં હું પડ્યો તો ત્યારે કેટલા બધા હસ્યા હતા એ યાદ છે? આજે મને હસવા દે. મને એક ફોટો લેવા દે પછી તને હેલ્પ કરું. સુરેખાને એ ભૂતકાળનો પ્રસંગ યાદ આવી ગયો. બિચારી દુખમાં યે હસી પડી.

એકવીશ વર્ષ પહેલાં મનિષ કુમળો હસમુખો હેન્ડસમ કોલેજીઅન હતો. એના પિતાજી,  દાનાચંદ ઝવેરીને ત્યાં સામાન્ય સ્થિતિના મુનિમજી હતા અને સુરેખા મનિષની કોલેજમાં જ ભણતી, દાનાચંદ ઝવેરીની એકની એક દીકરી હતી. દાનાચંદ આમતો કંજૂસ પણ એના મુનિમજીના દિકરાને કોલેજમાં ભણવાનો ખર્ચો આપતો. આમ સુરેખા મનિષના બાપના શેઠની દિકરી હતી.મનિષ ભણવામાં હોંશિયાર હતો. એની આજુબાજુ રૂપાળી છોકરીઓ વિંટળાયલી રહેતી. સુરેખા પણ એમાંની એક. બધીને મનિષ ગમે તો સુરેખાને કેમ ના ગમે! સુરેખા ભલે જાડી હતી પણ રૂપાળી તો હતી જ.

             એકવાર કોલેજ ફંકશનમાં સ્ટેજ પર મનિષે લાવારિસ મુવીનું, અમિતાભ બચ્ચનનું, ‘મેરે અંગનેમે તુમ્હારા ક્યા કામ હૈ’ ગીત ગાયું. જીસકી બીબી મોટી ઉસકાબી બડા નામ હૈ લાઈન પર સુરેખા સ્ટેજ પર પહોંચી ગઈ. સ્ટેજ પર મનીષનો હાથ પકડી ડેન્સ કરવા માંડ્યો અને નાચતા કુદતાં ભારે શરીરની સુરેખા પડી ગઈ. એણે મનિષનો હાથ પકડ્યો હતો એટલે તે પણ એના પર પડ્યો. 
             ઓડિયન્સમાંથી બધાએ એકની એક લાઈન ગાવાની ચાલુ રાખી. જિસકી બીવી મોટી ઉસકા ભી બડા નામ હૈ બિસ્તર પે લિટા દો ગદ્દે કા ક્યા કામ હૈ. કોલેજનું ઑડિટોરિયમ હાસ્ય અને તાળીઓથી લાંબો સમય ગાજતું રહ્યું. એના ફોટા લોકલ ન્યૂઝ પેપરમાં પણ આવ્યા. છોકરીઓથી ઘેરાયલા મનિષની ઘણાં અદેખાઈ કરતાં. એમને મનિષને ટ્રોલ કરવા માંડ્યો. એને  કે સુરેખાને જુએ એટલે બધા ગાવા લાગતાં. જિસકી બીવી મોટી….
             બસ થઈ રહ્યું. સુરેખાએ જીદ પકડી. પરણીશ તો મનિષને જ. મનિષ નહિ પરણે તો હું પંખે લટકી જઈશ. મા વગરની એકની એક દીકરી જીદ કરે એ બાપથી કેમ સહન થાય. “યે હાથ હમકો દે દે ઠાકુર”ની અદાથી દાનાચંદે મુનિમજીને કહ્યુ “મુનિમજી તહારો છોરો મન્હે આપી દે”  ધમકી કામ ન કરી એટલે દાનાચંદ લાંબો થઈને બાપ દીકરાને પગે પણ પડ્યો. મનિષ અને એના બાપા દાનાચંદના ઉપકાર હેઠળ દબાયલા હતા. એમનાથી બાપદીકરીનું દુઃખ ના જોવાયું. કંકોતરીઓ વહેંચાઈ ગઈ. શરણાઈ વાગી. મંગળ ગીતો ગવાયા અને સુરેખાએ પંખે લટકવાનું માંડી વાળ્યું.

સુરેખા કાંઈ સાસરે જાય? મનિષે જ સાસરવાસ કરવાનો હતો. પ્રથમ રાત્રીએ મહેફીલ પુરી થતાં માળ પરના શયન ખંડમાં જવાનું હતું. સુરેખાએ જીદ પકડી. મન્નુ મને ઉંચકીને ઉપરના બેડરૂમમાં લઈ જા, ‘પ્લીઝ, કેરી મી. મનિષ આમ તો દેખાવડો અને તંદુરસ્ત. એણે સુરેખાને બધાના દેખતાં ઉંચકી પણ ખરી, બે પગથીયા ચઢ્યો પણ ખરો; પણ…..સુરેખાનું મહાકાય તનબદન અને સિલ્કી સુંવાળું પાનેતર. પગ સર્યો. મનિષ પડ્યો અને એની ઉપર પડી સુરેખા. બધા ખૂબ હસ્યા. પરાણે મનિષ પણ હસ્યો. બસ આખી જીંદગી પરાણે હસતો જ રહ્યો. આજે સુરેખાને બેડ પર ચત્તી પડેલી સુરેખાને જોઈને ભૂતકાળની વાત યાદ આવી અને બિચારાથી હસાઈ ગયું.

સુરેખા મેદસ્વી હતી એ જ મોટી ખોડ. ભારે શરીરવાળી બધી જ વ્યક્તિઓ મોટે ભાગે પ્રેમાળ અને આનંદી જ હોય છે. કોલેજના છોકરાઓ મનિષની મશ્કરી કરતા. મનિષ અને સુરેખાના કાર્ટૂનો દિવાલ પર ચોંટાડતા. છોકરીઓ ‘હાય મેરે જાનુ’ કરીને નિસાષા નાંખતી. અને પરિણીત મનિષની મૈત્રી શોધતી. હવે એમાં મનિષનો શો વાંક.

સુરેખાએ પિતાશ્રીને કહી દીધું. અમારાથી ઈન્ડિયામાં ન જ રહેવાય. અમારે અમેરિકા જવું છે. પિતાશ્રીએ ખટપટ કરીને પૈસા વેરીને કોઈ કોલેજમાં મનિષ અને સુરેખાને એડમિશન અપાવી દીધું. સુરેખાથી તો ન ભણાયું પણ મનિષ ભણ્યો, ચાર્ટર એકાઉંટન્ટ થયો અને પોતાની એકાઉંટિંગ ફર્મ શરૂ કરી. અમેરિકન કોલેજમાં સાથે ભણતી અમેરિકન સુંદરીઓને પોતાની ઓફિસમાં નોકરીએ રાખી. સુરેખા અને મનિષનો સંસાર સારો ચાલતો હતો.

સરસ મજાનું મોટું ઘર લીધું. ઘરના જ એક ભાગમાં મોટો ઓફિસરૂમ પણ બનાવ્યો.

“મન્નુ બધ્ધા રૂમમાં સિલીંગ ફેન લગાવી દે”

“ડાર્લિંગ, વી હેવ ફોર ઝોન સેન્ટ્રલ એરકંડીશન.  વી ડોન્ટ નીડ સિલીંગ ફેન”

“ ડિયર તું જો લફરાબાજી કરે તો મારે લટકી જવા ફેન તો જોઈએ એટલે જોઈએ જ” આપણો મનિષ જન્મથી જ રસિક સ્વભાવનો. એને મહિલાઓ ગમે અને સનારીઓને પણ એની વાતો ગમે. જાણે ગોપીઓની વચ્ચેનો કનૈયો. એવા વરને સાચવવા સુરેખાએ જાત જાતના પ્રલોભનોની સાથે જાત જાતની ધમકી આપવી પડે.

મનિષની ઓફિસમાં સુંદર છોકરીઓ કામ કરે. બધીને જ હેંડસમ બોસની વ્હાલી થવાનું ગમે. વગર પૈસે ઓવરટાઈમ કરવા પણ તૈયાર. આવી લપસણી ઓફિસમાં મન્નુનો પગ સરે અને મન્નુ લપસે એ શક્યતા સવાસો ટકાની. મન્નુ લપસે તો સુરેખા ફેનપર લટકે એ વાત પણ દોઢસો ટકાની; એમાં જરાયે શંકા નહિ. બિચારો મન્નુ. મિઠાઈની દુકાન સામે ભૂખ્યા ઉભેલા બાળક જેવો. આજે  મનિષ પૂરો પિસ્તાળીશનો હતો. જાણે મિઠાઈ સામે બેઠેલો ડાયાબેટીક પેશન્ટ. મન્નુ સુરેખાને  હૃદયથી ચાહતો પણ મનડું તો હજુ રંગીન જ રહ્યું હતું. ઓફિસ ગર્લના ફોન નંબર યાદ રહેતા પણ નામ યાદ નહોતા રહેતા. દરેક છોકરીઓને તે “હાય હની”, “હાય સ્વીટી’ વિગેરેથી બોલાવતો. વીશ વર્ષમાં કોઈ એ પણ “મી ટૂ” ની ફરિયાદ કરી ન હતી.

મનિષ શોધી શોધીને સ્માર્ટ, મહેનતુ, ઈંટેલિજન્ટ અમેરિકન સુંદરીને પરસનલ આસિસ્ટન્ટ તરીકે  હાયર કરતો અને થોડા જ સમયમાં સુરેખા એ રૂપાળીઓને ફાયર કરાવતી. છેલ્લે કંટાળીને એણે એક પરિણીત ગુજરાતણને પરસનલ આસિસ્ટનન્ટ તરીકે હાયર કરી. લાંબી પાતળી ઝિરો ફિગરવાળી મધુનો પતિ જાડીયો અને ટાલીયો હતો. બિચારી મધુ પોતાના કરતાં તેના બોસની વધુ દયા ખાતી. બન્ને અનેક રીતે સમદુખીયા હતા. એક દિવસ મધુ મનિયા માટે મેથીના મુઠીયા લઈ આવી. મુઠીયામાં તો વાંધો ન હતો પણ મધુએ મનિયાના મોંમાં જાતે મુઠીયું મુક્યું અને ચાર હોઠ વચ્ચેનું મેથીનું મુઠીયું અદ્ર્ષ્ય થઈ ગયું. સુરેખા એ જોઈ ગઈ.

ખલ્લાસ. બે દિવસ “હવે તો પંખે લટકી જ જઈશ” ની સતત નોટિસના ત્રાસને કારણે મધુને છૂટી કરી.

એક વર્ષ પહેલાં જ આધેડ ઉમ્મરની એક બ્લેક જમૈકન મહિલા એલિઝાબેથને પરસનલ આસિસ્ટન્ટ તરીકે હાયર કરી. એની ઉમ્મર લગભગ પંચાવન વર્ષની. કામ સાથે કામ. બોસની સાથે બીજા કોઈ નખરા નહિ. ઓફિસ મેનેજર તરીકે બાહોશ. બધાની કામની વહેંચણી એવી કરી દીધી કે બધી છોકરીઓને દોડી દોડીને બોસ પાસે જવાની જરૂર જ ન પડે. સુરેખાને એલિઝાબેથ બહેન ગમી ગયા. એને શાંતિ થઈ ગઈ.

પછી તો કોવિડની મહામારી શરૂ થઈ. બધાએ ઘરેથી જ કામ કરવા માંડ્યું. બાર પંદર છોકરીઓથી ગુંજતી ઓફિસમાં હવે મનિષ એકલો જ કામ કરતો થયો. જરુર પડે તેને બે ચાર કલાક માટે ઓફિસમાં બોલાવી લેતો. જ્યારે કોઈ એંપ્લોયી કામ કરવા આવે ત્યારે સુરેખા ઓફિસમાં આંટો મારતી જ હોય. ખાત્રી કરી લે કે માસ્ક પહેરેલો છે કે નહિ. મનિષને તો ડબલ માસ્ક પહેરાવે. અને દશ ફૂટનું ડિસ્ટંસ રખાવે.

એલિઝાબેથ આવે ત્યારે એને જરા પણ ચિંતા નહિ. એ તો હાથમાં ગ્લોવ્ઝ પહેરે. મોં પર માસ્ક અને ફેસ શિલ્ડ પણ પહેરે. એ આવવાની હોય ત્યારે સોરેખાને ખુબ શાંતિ.

આજે વેલેંટાઈન ડે હતો. દર વેલેંટાઈન ડે પર મનિષ સુરેખાને સ્પેશીયલ બુકે આપતો. વચ્ચે લાલ તુલિપ્સ અને આજુબાજુ ચાર રંગના ગુલાબો.  ભારતના વરરાજાના હાથમાં હોય એવો મોટો કલગો. અને મસમોટું હાર્ટશેઇપ ચોકલેટ બોક્ષ. આજે પણ બિચારો મનિષ સવારે વહેલો ઉઠીને ફ્લોરિસ્ટને ત્યાં જઈને ફ્રેસ બુકે લઈ આવ્યો હતો. સુરેખાની સવાર દશ વાગ્યે થાય.

સવારે આઠ વાગ્યે અચાનક જ એલિઝાબેથ થોડા પેપર પર સહિ કરાવવા આવી પહોંચી. આંખનું કાજળ કાળા ગાલ પર પ્રસર્યું હતું. કપડાં પણ અવ્યવસ્થિત હતા. ઊંઘમાંથી ઊઠીને જ સીધી આવી પહોચી હોય એમ લાગતું હતું. સુરેખા હજુ ઉંઘતી હતી.

‘વ્હોટ હેપન ડીયર બેટ્સી?’ એલિઝાબેથને કોઈ લીઝ કહે ને કોઈ બેથ કે બેટ્સી પણ કહે.

‘નથ્થીંગ’

‘પ્લીઝ ટેલ મી. સમથીગ બેડ હેસ હેપન્ડ ટુ યુ. કંઈક તો ખોટું થયું છે. મનિષથી કોઈ પણ મહિલાનું દુઃખ સહન ન થાય.

‘માય બોય ફ્રેંડ બ્રોકઅપ વીથ મી લાસ્ટ નાઈટ. વી વેર ઈન રિલેશનશીપ ફોર લાસ્ટ ફિફટીન યર્સ. આઈ ડિડ નોટ સ્લીપ લાસ્ટ નાઈટ.’

આ હાયમાં બિચારી બેટ્સી અને મનિષના માસ્ક ભુલાઈ ગયા હતા. ખૂણામાં મૂકેલો કસ્ટમાઈઝ બુકે જોઈને એ ચોધાર આંસુએ રડી પડી. ‘વ્હાઈ હી હેસ ટુ લીવ મી એલોન ઓન વેલેંટાઈન ડે. નો ફ્લાવર્સ, નો ડાર્ક ચોકલેટ, નો ગિફ્ટ્સ, વ્હાઈ મી.’

મનિષ ભાન ભૂલ્યો. સુરેખા ઉઠે તે પહેલાં બીજો બુકે અને ચોકલેટ લઈ આવીશ એમ વિચારી, દયા ભાવથી સુરેખા માટે લાવેલ બુકે અને ચોકલેટ પેકેટ એલિઝાબેથને આપી દીધું. એને હગ કરી. ગાલ પર ગાલ ઘસાયા. અને જરા હોઠ પણ અડ્યા. શક્ય છે કે હગ કરતી વખતે મનિષના હાથ આમ તેમ ફર્યા પણ હોય. બસ એટલું જ.

‘હેપ્પી વેલેંટાઈન ડે બેટ્સી.’

બેટસીનો વેલેંટાઈન ડે સુધરી ગયો. બેટસી નું ઓફિસ કામ પતી ગયું. બન્ને છૂટા પડ્યા. અને મનિષ બેટ્સી પાછળ બીજો બુકે લાવવા બહાર નીકળવાની તૈયારી કરતો હતો અને મોટો ધમાકો અને સુરેખાની રાડ સંભળાઈ.

રાડનું કારણ….?

આજે રોજ કરતાં સુરેખા વહેલી ઉઠી. મનિષનું બેટ્સી સાથેનું દયાભાવનું આલિંગન સુરેખાએ જોયુ. મનિષને પોતાને પણ ખબર બ હતી પણ સાહજિક રીતે જ બિચારાનો હાથ ખોટી જગ્યાએ પહોંચી ગયો હતો. અને તે સુરેખાબેનના ધ્યાનમાં આવી ગયું હતું. પંખે લટકવાનું પુરતું કારણ હતું. એના બેડ ઉપર જ ફેન હતો. એ બેડ પર ઉભી થઈ તો માથે પંખો નડ્યો. અરે ભગવાન, લટકી જવાય એટલી ઉંચાઈ પણ નથી. એણે બન્ને હાથથી પંખાની બ્લેડ પકડી અને પંખો એના પર તૂટી પડ્યો. સુરેખા ચત્તીપાટ અને એના પર પંખો.

‘આઈ એમ ગોઇંગ ટુ ગેટ નાઈસ બુકે ફોર યુ. બસ આમ જ આરામ કર.’

‘અરે મન્નુ બળવા દે તારો બુકે પહેલાં મને બેઠી કર, આ તે કેવો પંખો? સરખું મરાય પણ નહિ. મારી તો કમ્મર તુટી ગઈ. ધોળી પાસેથી છોડાવ્યો; દેશીને દૂર કરી તો કાળી આભડી ગઈ. મારા તો નશીબ જ બળેલા છે.’

પત્નીની રેકર્ડ ચાલતી હતી. ભાન ભૂલેલા ભરથારને મોડે મોડે ભાન થયું કે એના હાથ જે રીતે વ્હાલી પત્નીના દેહને સ્પર્શતા તે જ રીતે બેટસીના દેહની ભૂગોળ પર પણ ફર્યા હતા.  એના હાથે શું કર્યું તે એને ખબર જ ન હતી. બધું જ અનાયાસે નિર્દોષ રીતે બની ગયું હતું. અને જીંદગીમાં પહેલી વાર સુરેખાએ પંખે લટકવાનો પ્રયાસ કર્યો હતો.

મનિષે હસવાનું બંધ કર્યું. સુરેખાના શરીર પર પડેલો પંખો દૂર કર્યો.

‘હની, કંઈ વાગ્યું તો નથી ને?’

‘આ શરીરને તો કાંઈ ગોદો વાગે એમ નથી પણ મારું દિલ તૂટી ગયું. તને ખબર છે તેં શું કર્યું?’

‘મેં શું કર્યું? હા ભૂલમાં તારા માટે લાવેલો તે બુકે મેં બેટ્સીને આપી દીધો.  હું હમણાં જ ફ્લોરિસ્ટને ત્યાં જઈ એના કરતાં સારો બુકે અને ડાર્ક ચોકલેટ લઈ આવું.’

‘બળવા દે બુકે. અત્યારે મને તારો હાથ આપ. મને બેઠી કર.’

મનિષે હાથ આપી સુરેખાને ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ સુરેખાએ એનો હાથ ખેંચીને એના કાનમાં ગાયું; “જીસકી બીવી મોટી……”

……..થોડી વાર પછી …… વેલેંટાઈન ડે ઉઅજવાઈ ગયો. આઈ લવ યુ, આઈ લવ યુ ટૂ પણ થઈ ગયું.

‘હની શું થયું તે મને ખબર નથી. પણ જે કંઈ થયું હોય તે માટે આઈ એમ વેરી સોરી. આઈ લવ યું હની. યુ આર ધ ઓન્લી વન ફોર મી.’ મનિષે માફી માંગી.

‘ઈટ્સ ઓકે. આઈ નો, યુ વોઝ હંગ્રી ફોર મેની ડેઝ. પણ જો બીજીવાર કોઈ ચાળે ચઢ્યો તો હવે ….હું પંખાના ભરોસે નહિ રહું…..ઝેર ખાઈશ…ગન લાવી તારી હગલીને ભડાકે દઈ દઈશ. ડિયર, આ પંખો કેમ તૂટી ગયો? એજ મને સમજાતું નથી.’

‘આઈ ડોન્ટ નો. મને પણ સમજાતું નથી. પંખો ભલે તૂટ્યો પણ મારી ગાદી તો સલામત છે.’ મનિષે એને  આખા શરીર પર ચુંબનોથી ભીંજવી દીધી.

મનિષ મનમાં બોલ્યો. મારાથી ભૂલમાં કોઈ લફરૂં થઈ જાય તો પણ તને મરવા થોડી દેવાય? જ્યારે બધા ફેન નંખાવ્યા ત્યારે જ મેં ઈલેક્ટ્રીશીયનને કહ્યું હતું કે ફેન વપરાવાના જ નથી. લાઈટ વેઇટ શોભાના ફેન ચાર સ્ક્રૂને બદલે માત્ર બે ઢીલા સ્કૄ પર લટકાવી રાખ. સર્કીટબ્રેકર પણ બંધ રાખી હતી. જરા પણ પ્રયાસ કરે તો એ નીચે તૂટી જ પડે. કદાચ જરા તરા વાગે પણ કોઈપણ મરે તો નહિ જ.

આજે એ જ બન્યું. જેવી હોય તેવી; ઝીરો ફિગર હોય કે ટ્વેન્ટીટુ ફિગર હોય, મનિષ સુરેખાને ચાહતો હતો. વફાદાર હતો. અને સુરેખા તે જાણતી હતી.

Pravin Shastri

March 27, 2021

2 responses to ““જીસ કી બીવી મોટી…..”

 1. Raksha Patel April 4, 2021 at 4:36 PM

  😂🤣😂 મઝાની હાસ્યથી ભરપૂર વાર્તા!

  Like

 2. anil1082003 April 2, 2021 at 9:58 AM

  jis ki biwi moti usko bhi mannu mota pyar kare. real true love.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: