જિપ્સીની ડાયરી – નવેસરથી : નિવેદન

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી – નવેસરથી : નિવેદન

જિપ્સીએ ૨૦૦૮ની સાલમાં બ્લૉગજગતમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો ત્યારે તેને કેવા સ્વરૂપમાં રજુ કરવો તેની કોઈ યોજના નહોતી ઘડી. નામ સુઝ્યું ‘જિપ્સીની ડાયરી’. પહેલો અંક બહાર પડ્યા બાદ થયું કે સૈન્યજીવનના છુટાછવાયા પ્રસંગોને બદલે તેની કડીબદ્ધ શ્રેણી બનાવીએ તો વાચકોને ખ્યાલ આવે કે ગુજરાતી યુવાન સૈન્યમાં શા માટે જોડાય છે. 

ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. આપણે ત્યાં વ્યવસાયની ઉણપ કદાપિ ભાસી નથી. રાજ્યમાં નહીં તો દેશમાં અન્યત્ર, અને ત્યાંથી આગળ વધવાની તક મળે તો પરદેશમાં આપણા સાહસિકો ગયા છે. તેમ છતાં ઘણા યુવાનો સૈન્યમાં ક્યા કારણસર જાય છે એવી વિમાસણ જનતામાં થાય તે સ્વાભાવિક છે. આ જાણે ઓછું હોય, તેમ આ વિશે ગેરસમજ પણ પ્રવર્તતી હતી. એક વાર જિપ્સીનાં પત્ની – અનુરાધા – બસમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. તેમની બાજુમાં બેઠેલાં એક બહેને વાતવાતમાં પૂછ્યું, “તમારા પતિ શું કરે છે?”

“એ મિલિટરીમાં છે. અત્યારે બોર્ડર પર.”

“બહેન, તમે આમ તો સારા, સુખવસ્તુ પરિવારનાં લાગો છો, તો તમારા પતિ મિલિટરીમાં શા માટે ગયા? જે માણસની આગળ પાછળ કોઈ ન હોય એવા લોકો જ મિલિટરીમાં જતા હોય છે.”

‘ડાયરી’ને મૂર્ત સ્વરૂપ આપવાનું નક્કી થયું ત્યારે આ ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવું લાગ્યું. 

ગુજરાતને ભારતના અન્ય નાગરિકો ભલે ‘બિઝનેસ-માઇન્ડેડ’ કહે, પણ આપણો પ્રદેશ બુદ્ધિપ્રધાન છે. રાજકીય વિચારોમાં અગ્રેસર. આથી જ તો ગુજરાતના બે યુગપુરુષોએ ભારતનું ભવિષ્ય ઘડ્યું અને આજે તે વિશ્વના ફલક પર અગ્રેસર છે : મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ ઉપરાંત ઓછા જાણીતા પણ યોગદાનની દૃષ્ટિએ ઉચ્ચ કોટિના રાજપુરૂષો થઈ ગયા. જેમ કે લોકસભાના સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર, દેશના સફળ નાણાંપ્રધાન મનુભાઈ શાહ, લોકસભાના સભ્ય ઇન્દુભાઈ યાજ્ઞિક, જયસુખલાલ હાથી. સિવિલ સર્વિસમાં અમૂલ્ય ફાળો આપનારા વિચક્ષણ અફસરો અને ભારતીય સેનાના ઉચ્ચ કક્ષાના પ્રખ્યાત  અફસરો (પણ ગુજરાતમાં અજાણ્યા રહી ગયા) ગયા જેમના વિશે ભવિષ્યમાં વાત કરવાનો પ્રયત્ન કરીશ. શરૂઆતમાં જિપ્સીની વાત.

અહીં એક વાત કહેવા જેવી છે. જિપ્સીએ તેના જીવનકાળમાં કોઈ ડાયરી કે રોજનીશી લખી નહીં. તેના જીવનમાં જે જે થતું ગયું, તેની સ્મૃતિની છીપમાં કંડારાતું ગયું. જે મહાપુરુષોએ તેમની કૃપાપ્રસાદી તેને આપી તેને યાદગિરીના પુસ્તકમાં અણમોલ પુષ્પની જેમ સંઘરી. માતા પિતા-પૂર્વજોએ સિંચેલા સંસ્કારો, અરૂણકાંત દિવેટિયાસાહેબ જેવા શિક્ષકોએ બતાવેલી નવદિશા અને માર્ગદર્શન, નિ:સ્વાર્થ મિત્રો અને સહયાત્રીઓએ કરાવેલ માનવતાનું દર્શન, નિસર્ગે કરાવેલ તેની વિશાળતા અને અપરિમિત સૌંદર્યની અનુભૂતિ તથા કાર્ય-કારણની પેલે પારના અનુભવોની ઘટમાળ – આ સૌની આભારવંદના કરવાનો જે પ્રયત્ન થયો તેમાં ઉદ્ભવી ‘જિપ્સીની ડાયરી’. અહીં એક નિવેદન કરીશ: જિપ્સીએ તેના જીવનમાં જે જોયું, અનુભવ્યું અને યાદ આવતાં ફરી તાદૃશ્ય થયું તે લખ્યું. તેમાં નથી કોઈ અતિશયોક્તિ, નથી મિથ્યાવચન કે નથી કલ્પનાના ઘોડા પર બેસીને દોડાવેલી કોઈ તરંગકથા. અહીં વર્ણવેલા કાર્ય-કારણની પેલે પાર જેવા લાગતા પ્રસંગો તે વખતે સત્ય હતા અને આજે પણ એટલા જ સાક્ષાત અને સાતત્યપૂર્ણ છે. જિપ્સીના જીવનના તે મહત્વના અંશ છે. તે સ્વીકારવા કે નહીં તે આપની મરજીની વાત છે. આપના જીવનમાં પણ એવા પ્રસંગો આવ્યા હશે જેનું કારણ કે પરિણામ સમજી શકાયું ન હોય.

બ્લૉગની શરૂઆતથી જ જિપ્સીને અમૂલ્ય મિત્રો મળ્યા. અમદાવાદના ટાઈમ્સ ઑફ ઇંડીઆ અને ઇકોનૉમિક ટાઈમ્સના ગ્રુપ સંપાદક સ્વ. તુષારભાઈ ભટ્ટ, આપણા લોકપ્રિય સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા, હરનીશભાઈ જાની અને જુગલકિશોરભાઈ વ્યાસ, સુરેશભાઈ જાની અને ચિરાગ પટેલ જેવા બ્લૉગર તથા વિદુષી પ્રજ્ઞાબહેન વ્યાસ જેવા સમીક્ષકનું માર્ગદર્શન અને પ્રોત્સાહનને કારણે ‘જિપ્સીની ડાયરી’ એક વિશેષ વાચક વર્ગમાં સ્થાન મેળવી શકી. મારા કૉલેજ કાળના મિત્ર અને મુંબઈના ખ્યાતનામ કૉર્પોરેટ ઍટર્ની ગિરીશભાઈ દવેએ ખાસ આગ્રહ કર્યો કે આને પુસ્તકરૂપે બહાર પાડવી. ભાવનગરની શામળદાસ કૉલેજના પ્રાચાર્ય ડૉ. ગંભીરસિંહજી ગોહિલે હસ્તપ્રતનું સંપાદન કર્યું, બોપલના પુસ્તકશિલ્પી અપૂર્વભાઈ આશરે તેને એક પ્રતિમાની જેમ ઘડી. ગુર્જર સાહિત્ય મંદિરે પ્રકાશિત કરી..જિપ્સીની ડાયરી
ગુજરતના સાહિત્યરસિકોએ આ પુસ્તકને સ્વીકાર્યું તેનું કારણ એ નહોતું કે કૅપ્ટન નરેન્દ્રનું એક ‘લેખક’ તરીકે કોઈ અસ્તીત્વ હતું. કદાચ એકાદ પુસ્તકના અનુવાદક તરીકે?  હા! આની પાછળ નાનો સરખો ઇતિહાસ છે.વર્ષો પહેલાં લંડનમાં સ્થાયી થયેલા આ ભૂતપૂર્વ સૈનિકને પાકા પાનાંની નોટબુકમાં મરાઠીમાં લખેલી એક હસ્તપ્રત મળી : નામ હતું “माझी जीवनकथा” લેખિકા હતાં વિમલાબાઈ.  ફક્ત ‘ચોથી ચોપડી’ સુધી ભણેલાં આ મહિલાની ભાષા અત્યંત સરળ અને હૃદયસ્પર્શી હતી. વળી એવી મૃદુ શૈલીમાં તે લખાઈ હતી કે તે વાંચીને આ સૈનિક ભાવવિભોર થઈ ગયો. એક એવી ઉત્કટ ભાવનાત્મક લહેરમાં તે ખેંચાઈ ગયો કે ક્યારે તેનું “બાઈ”ના શિર્ષકથી ગુજરાતીમાં ભાષાંતર કરવા લીધું અને ક્યારે તે પૂરૂં થયું, તેનું તેને ભાન પણ ન રહ્યું.  સ્વાતિ પ્રકાશનના શ્રી. શિવજીભાઈ આશર – જેમણે તેમના કલકત્તાના નિવાસ દરમિયાન ત્યાંના ‘નવોદિત’ ગુજરાતી લેખકો ચંદ્રકાંત બક્ષી અને શિવકુમાર જોશીને પહેલો ‘બ્રેક’ આપ્યો હતો, તેમણે વાંચ્યું અને સુપ્રસિદ્ધ લેખિકા વર્ષાબહેન અડાલજા પાસે મોકલ્યું. બહેને “હિંચકે બેઠાં’..ના શિર્ષક નીચે પ્રસ્તાવના લખી. સ્વ. ભોળાભાઈ પટેલ, સ્વ. વિનોદ ભટ્ટ જેવા વરીષ્ઠ વિવેચકોએ તેને વધાવી લીધું. જન્મભૂમિ-પ્રવાસીએ તેને તે વર્ષના “દસ સર્વશ્રેષ્ઠ પુસ્તકો જે સૌએ વસાવી લેવા જોઈએ”માં સ્થાન આપ્યું. બસ, “બાઇ”ના અનુવાદક-સંપાદક તરીકે એક ખૂણામાં લખાયેલ આ નામ વાચકોની યાદદાસ્તમાં રહી ગયું હશે. તેથી જ કે કેમ લોકોએ ‘જિપ્સીની ડાયરી’ કુતૂહલથી વાંચી. ગુજરાત સાહિત્ય અકાદમીને ૨૦૧૨ના વર્ષ માટે આ પુસ્તક નોંધપાત્ર લાગ્યું. ‘ગુજરાત મિત્ર’ના કટાર લેખક સ્વ. ડૉ. શશિકાંતભાઈ શાહે ડાયરીને સંક્ષિપ્તરૂપે નાનકડી પુસ્તિકાના અવતારમાં પ્રકાશિત કરી. સુરતના વિખ્યાત હીરાના નિકાસકાર શ્રી. સવજીભાઈ ધોળકીઆએ તેની દસ હજાર નકલ છપાવી વિનામૂલ્યે વહેંચી હતી. જામનગરના જાણીતાં લેખિકા વૈશાલીબહેન રાડિયાએ ‘ડાયરી’ના આધારે “રાવિ જ્યારે રક્તરંજિત થઈ’ના શિર્ષકથી લઘુથાની સ્પર્ધામાં ભાગ લીધો અને તેમને પ્રથમ પારિતોષિક મળ્યું. આ સૌનું શ્રેય ભારતના સૈનિકોના શૌર્યને જાય છે. જિપ્સીએ માત્ર કથાકારનું કામ કર્યું હતું.આ છે ‘ડાયરી’ની પૂર્વકથા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: