જિપ્સીની ડાયરી. કેપ્ટન નરેંદ્ર ફણસે. સમરાંગણની પૂર્વભૂમિકા (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેદ્ર ફણસે

Tuesday, April 6, 2021

સમરાંગણની પૂર્વભૂમિકા (૨)

 ૧૯૪૮નું વર્ષ ભારતને એક નવી દિશામાં લઈ ગયું.  આ વર્ષમાં ત્રણ એવા

 પ્રસંગો બની ગયા જેમણે ભારતનું ભવિષ્ય બદલી નાખ્યું. 

સૌ પ્રથમ તો ગાંધીજીની હત્યા થઈ. આખો દેશ દુ:ખમાં ગરકાવ થઈ ગયો. 

માન્યામાં ન આવે એવી આ વાત હતી. ત્યાર પછી બનેલી બીજી ઘટનાએ 

ભારતના ભવિષ્યને કાયમ માટે બદલી નાખ્યું. પ્રસંગ હતો કાશ્મિરના ભારતમાં 

વિલિનીકરણનો. અહીં જે વાત કહીશું તેની માહિતી દશકો બાદ બહાર આવી.

૧૯૪૮ થી ૧૯૫૮ના દાયકામાં જે ઈતિહાસ ઘડાયો તેની પ્રક્રિયા ખાસ 

રાજદ્વારી વર્તૂળો પૂરતી મર્યાદિત રહી હતી. દેશના સામાન્ય નાગરિકો – 

ખાસ કરીને અમારા જેવા કિશોરો અને યુવાનો તેનાથી સાવ અનભિજ્ઞ રહ્યા. 

આ સઘળા પ્રસંગોની ઘટમાળના કેન્દ્રસ્થાને હતા દેશના લોકલાડિલા વડાપ્રધાન 

જવાહરલાલ નહેરૂ.

આજના યુગમાં પંડિત નહેરૂ વિશે લોકોમાં જે કોઈ અભિપ્રાય હોય તે જે તે 

વ્યક્તિની અંગત માન્યતા પર આધાર રાખે છે. જિપ્સીના પંડિત નહેરૂ વિશેના 

વિચારો પણ તેના અંગત છે. ‘જિપ્સીની નજરે’

– આ શિર્ષક હેઠળ કિશનસિંહ ચાવડાએ ઘણા સુંદર, તેમના લખાણના પ્રેમમાં 

પડી જવાય તેવા લેખ લખ્યા છે. 

આ ભટકતા જિપ્સીની નજરે પંડિત નહેરૂ એક Statesman – રાજપુરુષ કરતાં વધુ આદર્શવાદી સ્વપ્નદૃષ્ટા અને સાહિત્યકાર હતા. 

તેઓ ભારતને વિશ્વમાં આદર્શ શાંતિવાદી, અહિંસાના પ્રતિક અને 

બિનજોડાણવાળા સ્વિત્ઝરર્લૅંડ સમાન નિ:શસ્ત્ર અને neutral દેશ બનાવવા 

માગતા હતા. યુદ્ધના નામમાત્રથી તેઓ ગુસ્સે થઈ જતા. તેમની વાત પણ સાચી 

હતી. યુદ્ધ પોતે એક સમસ્યા છે, અને જે ખુદ સમસ્યા હોય તે તેનો ઉકેલ 

કેવી રીતે લાવી શકે?. તેઓ દૃઢતાપૂર્વક માનતા હતા કે ભારત જેવા અહિંસા 

અને શાંતિને પૂરી રીતે વરી ચૂકેલા દેશને સૈન્યની  આવશ્યકતા નથી. સૈન્યને 

બરખાસ્ત કરી તેની જગ્યાએ દેશમાં અમન અને સુખશાંતિ સ્થાપવા પોલીસને 

વધુ સક્ષમ કરવી જોઈએ એવા નિર્ણય પર તેઓ આવ્યા હતા. આ અંગેનો 

પ્રથમ કિસ્સો ૧૯૪૮માં જ થયો. અહીં થોડી વિસ્તારથી વાત કરવી આવશ્યક છે.

ભારતના ભાગલા થયા બાદ ભારતની સેના – જે ત્યાં સુધી ‘બ્રિટિશ ઇંડિયન 

આર્મી’ હતી, તેની વહેંચણી ચાલતી હતી. અફસરો અને સૈનિકોને પસંદગી

કરવાની તક આપવામાં આવી હતી કે તેમને ક્યા દેશની સેનામાં જવું છે. 

સંયુક્ત ભારતના કમાંડર-ઇન-ચીફ (C-in-C) ફિલ્ડ માર્શલ સર ક્લૉડ ઑકિલનેક 

નિવૃત્ત થયા હતા. તેમની વિદાય બાદ ભારત અને પાકિસ્તાનના C-in-C અંગ્રેજ જનરલ્સ હતા (અનુક્રમે જનરલ સર રૉય બૂચર અને જનરલ સર ડગલસ ગ્રેસી).

પાકિસ્તાનની સ્થાપના થતાં જ અફઘાનિસ્તાનના બાદશાય ઝહુરશાહે 

યોજના ઘડી : હાલ જે પાકિસ્તાનનાે પખ્તુનખ્વા પ્રાંત કહેવાય છે, તેના 

પશ્તુન બહુમતીવાળા  વિસ્તારો પર અફઘાનિસ્તાનનો કબજો કરવો. 

આ માટે તેમણે સીમા પરના મહેસુદ અને આફ્રિદી કબાઈલીઓના દસે’ક 

હજાર જેટલા ‘લશ્કર’ (હથિયારધારી નાગરિકો – militia-ની ટુકડીઓ)ને 

મોકલી તેના પર કબજો કરવાનો આદેશ આપ્યો. બધા કબાઈલીઓ

સરહદ પર એકઠા કર્યા. 

અહીં પાકિસ્તાન કાશ્મિર પર કબજો કરવાની તજવીજ કરી રહ્યું હતું. 

ભારતના ભાગલા કરવા અંગે બ્રિટનની પાર્લમેન્ટે પસાર કરેલા ૧૯૪૭ના

 Indian Independence Act મુજબ દેશી રાજાઓને અધિકાર આપાવામાં 

આવ્યો હતો કે ભારત કે પાકિસ્તાન, બેમાંથી જે દેશ સાથે તેમને જોડાવું 

હોય તો તે તેમની મુનસફીની વાત હતી. ભારત-પાકિસ્તાન સ્વતંત્ર થતાં સુધીમાં 

જો તેઓ નક્કી ન કરી શકે કે તેમને ક્યા દેશ સાથે જોડાવું છે, તો તેમને 

અધિકાર હતો કે તેઓ બન્ને દેશ સાથે ‘Standstill Agreement’ કરે, જેમાં સંબંધિત દેશી રાજા અને બન્ને દેશોના ગવર્નર જનરલ 

સહી કરીને મંજુર કરે કે જ્યાં સુધી રાજા નક્કી ન કરે કે ક્યા દેશ સાથે જોડાવું છે, 

તેમના પર કશું દબાણ ન લાવવું. સૌ જાણે છે કે કાશ્મિરના મહારાજા હરીસિંહને 

સ્વતંત્ર રહેવું હતું. તેમણે Standstill Agreement જીન્નાહ અને નહેરૂ પાસે મોકલ્યું. 

જીન્નાહે તેને મંજુરી આપી અને સહી કરીને આ દસ્તાવેજ હરીસિંહ પાસે મોકલી 

આપ્યો, નહેરૂએ હરીસિંહના પ્રસ્તાવ પર ધ્યાન ન આપ્યું. 

અંખડ ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હતું કે કાશ્મિરમાં પ્રવેશ કરવા માટે તે સમયે એકમાત્ર સડક હતી : પાકિસ્તાનના મરી અને મુઝફ્ફરાબાદ થઈને 

શ્રીનગર અને જમ્મુ તરફ. ભારતમાંથી ત્યાં જવા  સીધી કોઈ સડક નહોતી.

અહીં પાકિસ્તાનને જેવા સમાચાર મળ્યા કે અફઘાન ટોળકીઓ અટક અને 

ખૈબર વિસ્તારમાં પાકિસ્તાન પર હુમલો કરવા એકઠી થઈ રહી છે, તેમણે 

તેમના પશ્તુનભાષી અફસરોને આ જીરગાહ (ટોળીના વડેરાઓ) પાસે મોકલ્યા 

અને સમજાવ્યા કે પાકિસ્તાનને બદલે તેઓ કાશ્મિરમાં જાય તો તેમને 

અનેકગણો ફાયદો થશે. એક તો કાશ્મિર જવા પાકિસ્તાનની સરકાર તેમને 

વાહનો અને હથિયાર આપશે. કાશ્મિરમાં ‘વિધર્મી’ લોકોનું રાજ્ય હોવાથી 

જુના અરબ કાયદા ‘માલ-એ-હરબ’ પ્રમાણે હારેલી જનતાની મિલકત, 

ધનસંપત્તિ અને સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવવાની તેમને છૂટ આપવામાં આવશે. (આ વિશેના અહેવાલો મોજુદ છે અને સંદર્ભ આપી શકાશે). અફઘાન 

ટોળીઓએ પાકિસ્તાનના અફસરોની રાહબરી નીચે કાશ્મિર પર હુમલો 

કરવાનું નક્કી કર્યું.

ભારતની Military Intelligenceને જેવા આ સમાચાર મળ્યા, તે વખતના 

ભારતના ઍક્ટિંગ C-in-C જનરલ લૉકહાર્ટે આ હુમલાને પહોંચી વળવા 

સંરક્ષણ યોજનાની વ્યૂહરચના (Defence Strategy)નો દસ્તાવેજ તૈયાર કર્યો 

અને વડા પ્રધાન નહેરુ પાસે ગયા. 

આ દસ્તાવેજ જોઈ નહેરૂનો ક્રોધ સાતમા આસમાન પર પહોંચી ગયો. 

આ દસ્તાવેજ જનરલ લૉકહાર્ટ પર ફેંકી તેમણે બૂમ પાડી “Rubbish! ભારત 

અહિંસાવાદી અને શાંતિપ્રિય દેશ છે. અમને સૈન્યની જરૂર નથી. આવા અર્થહિન પ્રસ્તાવ મારી પાસે લાવશો મા. અમે પોલીસ પાસેથી શાંતિ 

સ્થાપના કરાવી લેશું. તમે જનરલ ગ્રેસી સાથે મળીને શા કાવાદાવા કરી

રહ્યા છો, તેનો મને અંદાજ છે!”

ક્ષોભિત થયેલા જનરલ લૉકહાર્ટે રાજીનામું આપ્યું. આ સમગ્ર સંભાષણ 

જનરલ લૉકહાર્ટના મિલિટરી સેક્રેટરી મેજર જનરલ એ.એ. રૂદ્રના જીવન ચરિત્ર – 

જે જનરલ પાલિતે લખ્યું તેમાં સવિસ્તર વર્ણવેલ છે.

પાકિસ્તાન તરફથી હુમલો થવાનો છે તેવી માહિતી મળી હોવા છતાં ભારત 

સરકાર તરફથી આ દિશામાં કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નહીં. 

અફઘાન કબાઈલીઓ કાશ્મિરમાં ઘુસી આવ્યા અને બારામુલ્લા શહેર પર કબજો કર્યો. આ એક વ્યાપારી કેન્દ્ર હોવાથી બારામુલ્લામાં અફઘાન લૂંટારાઓ માલ-એ-હરબ એકઠો કરવામાં અને સ્ત્રીઓ પરના અત્યાચારોની સઘળી સીમાઓ 

પાર કરવામાં રોકાઈ ગયા. કેટલીક ટોળીઓ શ્રીનગરની હવાઈ પટ્ટીથી કેવળ 

દસ માઈલ દૂર રહી ગયા હતા ત્યારે પંડિત નહેરૂ ચોંકી ગયા. સરદાર પટેલે 

તેમના સચિવ વી.પી. મેનને અને કર્નલ  સૅમ માણેકશૉ – જેઓ તે સમયે 

મિલિટરી સેક્રેટરી હતા, તેમને જુના ખખડધજ ડૅકોટા વિમાનમાં શ્રીનગર 

મોકલ્યા. હરીસિંહ પાસેથી Instrument of Accession મેળવ્યું અને ભારતીય 

સેનાને વિમાન દ્વારા કાશ્મિર મોકલી. આ કેવી રીતે થયું તેનો પૂરો અહેવાલ

વિખ્યાત પત્રકાર પ્રેમ શંકર ઝાએ ફિલ્ડ માર્શલ માઝેકશૉના ઇન્ટરવ્યૂમાં પ્રકાશિત કરેલ છે.

આપણી સેનાથી અનેકગણી સંખ્યામાં આવેલા કબાઈલીઓના લશ્કર સામે લડતાં 

લડતાં ભારતની પૅરેશૂટ બ્રિગેડના કમાંડર બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન પૂંચ 

વિસ્તારમાં અને શીખ રેજીમેન્ટના કર્નલ દિવાન રણજીત રાય બારામુલ્લા 

ખાતે વીરગતી પામ્યા. શ્રીનગરની હવાઈપટ્ટીનું રક્ષણ કરી રહેલ કુમાયૂઁ 

રેજિમેન્ટના મેજર સોમનાથ શર્મા વીર થયા. તેમની સાથેના સેંકડો બહાદુર 

સૈનિકોએ ભારતની જમીનના એક તસુભર હિસ્સા પર દુશ્મનનો કબજો 

રહેવા દીધો નહીં. પૂંચના ઝંઘડ વિસ્તારમાં ઘૂસેલા દુશ્મનોને મહાર રેજીમેન્ટે 

અનેક સૈનિકોના બલિદાનના અંતે મારી ભગાડ્યા.

 બ્રિગેડિયર ઉસ્માન અને કર્નલ રાયને પરણોપરાંત મહાવીર ચક્ર અને મેજર 

શર્માને પરમવીર ચક્ર (મરણોપરાંત) એનાયત થયા. 

૧૯૪૮ના આ યુદ્ધ અને બલિદાને ભારતમાં કેટલાક મહત્વના ફેરફાર આણ્યા.

સૌથી મહત્વની વાત : ભારતીય સેના બરખાસ્ત થતાં થતાં રહી ગઈ. ભારતમાં

સેના ન રહી હોત અને તેના સ્થાને પોલીસ હોત તો અત્યારે ભારતની શી સ્થિતિ

હોત તેનો વિચાર કરતાં કમકમા ઉપજે.

આ યુદ્ધને પરિણામે નાગરિકોના મનમાં ભારતીય સેના વિશે દહેશત અને ભયની લાગણી 

હતી તે દૂર થઈ. તેની જગ્યાએ ગૌરવ અને અભિમાનની ભાવના જન્મી.

ત્રીજો પ્રસંગ ભારતના ઇતિહાસ પર, અને ખાસ કરીને નહેરૂજીની પરદેશ 

નીતિ પરના ડાઘ સમાન ગણાયો. હાલનું જે આઝાદ કાશ્મિર છે, તેમાંથી 

દુશ્મનનોને હરાવી, ત્યાંથી તેમને ભગાવવાની સ્થિતિમાં બારતના સૈન્યો હતા 

ત્યારે નહેરૂજીએ કાશ્મિરમાં તત્કાળ યુદ્ધશાંતિની ઘોષણા કરી અને આ 

હુમલાનું નિરાકરણ કરવા માટે યુનાઇટેડ નેશન્સને વિનંતી કરી. નહેરૂજી 

પૂરવાર કરવા માગતા હતા કે તેઓ જીતવાની અણી પર હતા છતાં અહિંસા 

અને શાંતિના પુજારી હોવાથી કાશ્મિરની ‘સમસ્યા’નો હલ વિશ્વ શાંતિના 

મંદિર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા લાવવા માગતા હતા. 

Capt. Narendra
www.captnarendra.blogspot.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: