જિપ્સીની ડાયરી. કેપ્ટન નરેંદ્ર ફણસે. સમરાંગણે – રાજકીય અને વૈચારિક નેપથ્યમાં એક ડોકિયું (૧)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

Saturday, April 10, 2021

સમરાંગણે – રાજકીય અને વૈચારિક નેપથ્યમાં એક ડોકિયું (૧)

૧૯૪૮ – ૧૯૫૮ના દશકનો સમય ભારતના યુવાનો માટે વિચારપ્રદ અને 

વિમાસણયુક્ત હતો. સૌ પ્રથમ વાત કરીશું રાજકીય વાતાવરણ વિશે.

કાશ્મિરનો પ્રશ્ન એક વાર UNને સોંપ્યા બાદ આ વિવાદ જાહેર જનતા માટે 

ઠંડો પડી ગયો હતો, પરંતુ તેની ઝાળ આપણી સેનાને ભોગવવી પડતી હતી. 

જો કે ‘મિલિટરીના અભિયાનની વાતો સંવેદનશીલ હોવાથી તે ગુપ્ત રાખવામાં 

આવે છે’ જેવા ખુલાસાથી રાજકારણીઓ છુટી જતા હતા. સમાચાર પત્રોમાં નાની 

સરખી એકા’દ – બે ઇંચના કોલમમાં વાત આવતી કે સામસામા ગોળીબાર થયા 

છે અને UNના અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય 

અખબારોના પહેલા પાને જે સમાચાર ઝળકતા હતા તે હતા વડાપ્રધાનના 

બિનજોડાણ અને પંચશીલના જાહેરનામાના. ભગવાન બુદ્ધના માનવજાતિના 

ભલા માટેના શીલ (ચારિત્ર્ય)ના પાંચ ઉપદેશ પર આધારિત પંડિત નહેરૂએ  

રાજનીતિના પાંચ પાયાની જાહેરાત ‘પંચશીલ’ના નામે કરી હતી. ટૂંકમાં કહીએ તો તે હતી :

 ૧. એકબીજાની સીમા, સ્વાયત્તતા અને ક્ષેત્રીય સાર્વભૌમત્વનું સન્માન.

 ૨. બિન-આક્રમણ :કોઈ પણ હાલતમાં એકબીજા પર આક્રમણ ન કરવું..

 ૩. એકબીજાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવો/.

 ૪. રાષ્ટ્રો વચ્ચે સમાનતાનો વ્યવહાર અને એકબીજાને કલ્યાણરૂપ થવું.

 ૫. શાંતિપૂર્ણ સહઅસ્તીત્વ.

 નવા નવા આઝાદ થયેલા દેશો પંચશીલના જાહેરનામામાં જોડાયા – ખાસ 

કરીને શ્રી લંકા, ઇંડોનેશિયા, ઇજિપ્ત અને સૌના આશ્ચર્ય વચ્ચે, ચીન અને 

રશિયા પણ! નવાઈની વાત એટલા માટે કે રશિયા પોતે એક મહાસત્તાધારી 

દેશ હતો અને અમેરિકાનું ‘શીત યુદ્ધ’ રશિયા સામે હતું. આમ એક રીતે ભારત 

‘બિનજોડાણ’ની જાહેરાત કરતું હતું પણ રશિયા સાથે નિકટના સંબંધો બાંધી 

રહ્યું હતું. અમારા માટે નહેરૂ વિશ્વ નેતા બની ચૂક્યા હતા. જ્યારે ચીન અને 

રશિયા જેવા દેશો તેમનું સમર્થન કરે ત્યારે તેમનો માર્ગ યોગ્ય જ હોવો જોઈએ 

એવું માની દેશ તેમની પાછળ ખડો હતો.

‘પંચશીલ’ અમેરિકા અને તેના મિત્ર રાજ્યો માટે ચિંતાજનક વિષય હતો. તેમનું 

રશિયા અને પૂર્વ યુરોપના રશિયાના એસ્ટોનિયા, લૅટવિયા, લિથુઆનિયા જેવા ખંડિયા સાથીઓ વચ્ચે શીત યુદ્ધ ચરમ સીમાએ પહોંચ્યું હતું. રશિયાની વગ 

દક્ષિણ એશિયામાં વધતી જતી હતી. ભારત સમેત બ્રહ્મદેશ અને મલેશિયાથી 

માંડી વિએતનામ અને ફિલિપીન્સ સુધી સામ્યવાદ ફેલાય તો બાકીનું વિશ્વ  

તેની અસર નીચે દબાઇ જાય. આને રોકવા અમેરિકા દુનિયાભરના દેશો સાથે

 ધડાધડ શસ્ર્તસંધિઓ કરવા મંડી પડ્યું હતું. તેમણે આખા પશ્ચિમ યુરોપને 

NATOમાં આવરી લીધું. દક્ષિણ એશિયા માટે તેમણે SEATOની લશ્કરી 

જોડાણનો ક્લબ બનાવ્યો. તેમાં જોડાયેલા દેશોને અઢળક આર્થિક મદદ 

ઉપરાંત મફતમાં આધુનિક-તમ હથિયારો, ટૅંક્સ, યુદ્ધ પોત તથા લશ્કરી 

વિમાનો આપવાનું શરૂ કર્યું.

નહેરૂજી અત્યંત ભાવનાશાળી અને આદર્શવાદી પુરુષ હતા. તેમની અંગત મહત્વાકાંક્ષા વિશ્વ નેતા બનવાની હતી. રાજકારણ તેમને 

વારસામાં મળ્યું હતું જેને લીધે ભારતના પહેલા વડા પ્રધાન થવાની ઇચ્છા 

જાગી હતી અને તે મેળવી. આમ જોઈએ તો તેમની આંતરિક વૃત્તિ, 

આકલન અને તબિયત laid back – આરામપ્રિય સાહિત્યકારનાં હતાં. 

રાજપુરુષ તરીકે તેમનું આદર્શ સ્વપ્ન હતું ભારતને – અને ત્યાર બાદ 

જગતને નિ:શસ્ત્ર, શાંતિપૂર્ણ અને અહિંસક બનાવવાનું.  આ કારણસર 

તેમણે SEATOનો પ્રસ્તાવ નકારી કાઢ્યો અને ૨૮મી એપ્રિલ ૧૯૫૪ના રોજ ચીન 

સાથે ‘પંચશીલના કરાર’ પર સહી કરી, ભારત અને ચીને તેમના જાહેર વક્તવ્યોમાં બન્ને દેશો વચ્ચે ‘ચિરશાંતિ અને આજન્મ ભાઈચારા’નો સંદેશ જગતને આપ્યો. આનો 

સીધો લાભ  પાકિસ્તાનને મળ્યો. ભારતના નિર્ણયના થોડા દિવસોમાં જ – એટલે મે 

૧૯૫૪માં પાકિસ્તાન SEATOમાં જોડાઈ ગયું. ૧૯૪૮માં કાશ્મિરમાં મળેલી 

નિષ્ફળતાનો બદલો લેવા તેમને ધન અને હથિયાર જોઈતાં હતાં તે આ લશ્કરી 

જોડાણ બાદ મળવાના શરૂ થઈ ગયા. પાકિસ્તાનની સેનાનું આધુનિકરણ શરૂ 

થઈ ગયું, જ્યારે ભારતમાં બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી અને દુનિયાએ જેને 

કચરાના ડબ્બામાં નાખી હતી તે ધોકા જેવી લી એન્ફિલ્ડ રાઈફલ સેનામાં ચાલુ રહી.  

નહેરૂ માનતા હતા કે અહિંસાના પુજારી એવા શાંતિપ્રિય ભારતને સેનાની 

જરૂર નથી. ૧૯૪૮ના યુદ્ધે આ માન્યતા ખોટી સાબિત કરી, પણ ઊઁડે ઊઁડે 

તેમને લાગતું હતું કે યુદ્ધનો સમય છોડીએ તો બાકીનો સમય સેના નિષ્ક્રીય 

અજગર સમાન છે.  તેને ‘કામે લગાડવી’ જોઈએ. આપણા આદર્શવાદી નેતાને 

જરા જેટલો ખ્યાલ નહોતો કે જેમ શસ્ત્રની ધાર કરવાનું બંધ કરવાથી તેમાં કાટ 

ચઢી જાય છે અને અંતે તે બૂઠું, નકામું થઈ જાય છે, તેમ સેનાને પણ  યુદ્ધનો 

અભ્યાસ કરવા માટેની કસરત તથા યુદ્ધના અભિયાનની સાતત્યતાપૂર્વક જમીન 

પર પ્રૅક્ટિસ જરૂરી હોય છે.  આ અભિયાનમાં સંરક્ષણ, આક્રમણ, ઘાત (ambush) 

અને આપણાં કરતાં વધુ શક્તિશાળી દુશ્મનને સીધા આક્રમણમાં હરાવી ન શકાય 

તો એવી જગ્યા સુધી પીછેહઠ કરવી જ્યાં દુશ્મન આપણો પીછો કરતું આવે, અને 

ત્યાં પહોંચતાં તેમનું નિકંદન કાઢી શકાય. આનો દાખલો : બીજા વિશ્વયુદ્ધમાં 

સિંગાપોરમાં થયેલી હાર અને તેના પતન પછી મિત્ર રાજ્યોની સેનાઓએ 

મલાયા અને બ્રહ્મદેશમાંથી પિછેહઠ કરી હતી. આ સેનાઓ બ્રહ્મદેશના પ્રતિકૂળ 

જંગલમાંથી સેંકડો માઈલની પીછેહઠ કરીને મણીપુરના ઈમ્ફાલના રણક્ષેત્રમાં 

આવી પહોંચી. ત્યાં આવીને આપણી સેનાએ એવી યોજના ઘડી કે આપણો 

પીછો કરીને આવી રહેલી જાપાનની સેના આપણે નક્કી કરેલા ‘killing zone’માં આવે અને ફસાઈ જાય. ઇમ્ફાલમાં જાપાનની સેનાનો સંપૂર્ણ નાશ થયો. 

તેમના હજારો સૈનિકો માર્યા ગયા. હાર પામેલી જાપાની સેનાને પિછેહઠ કરવાની 

ફરજ પડી તે એટલે સુધી કે આપણે તેમને સિંગાપોરની પેલે પાર હાંકી કાઢ્યા. 

આની પૂરી વિગત બ્રિટિશ ઇંડિયન આર્મીના ફિલ્ડ માર્શલ વાઇકાઉન્ટ સ્લિમ,

જેમની નીમણૂંક મિત્રરાજ્યોની સેનાના સેનાધિપતિ તરીકે થઈ હતી, તેમના

પુસ્તક “Defeat into Victory’ માં વાંચવા મળશે.

ભારતીય સેના આ સઘળા અભિયાનોનો સઘન યુદ્ધાભ્યાસ આખું વર્ષ કરતી રહે છે. 

નહેરૂજીના મનમાં તો ફક્ત ‘સેનાને constructive કામમાં લગાડો’ની ધૂન ચઢી હતી. 

આ ધૂનમાં તાલ કરતાલ વગાડવાનું કામ કર્યું એક કાશ્મિરી પંડિત અફસર – 

મેજર જનરલ બી.એમ.કૌલે. તેમણે નહેરૂના વિચારને એક વધારાના પગલામાં 

બદલ્યો.  સેનાને Constructive કામને બદલે તેમણે construction કામમાં 

લગાડી! અંબાલા કેન્ટોનમેન્ટમાં છાવણી નાખી રહેલી જગપ્રસિદ્ધ ‘લાલ ગરૂડ’ના 

નામે પ્રખ્યાત થયેલી 4 Infantry Division ને ‘રચનાત્મક બાંધકામ’માં લગાડી. 

જ્યારે આ ૧૫૦૦૦ સૈનિકોની સેનાએ યુદ્ધની તૈયારી માટેનું પ્રશિક્ષણ કરવા 

નિયત ક્ષેત્રમાં જઈ ત્રણ મહિનાનો યુદ્ધાભ્યાસ કરવો જોઈતો હતો, જનરલ કૌલે  

તેમની પાસેથી ‘ઑપરેશન અમર’નામ હેઠળ અંબાલામાં જ સૈનિક આવાસોનું 

બાંધકામ કરવા માટે કડિયાકામ કરાવ્યું અને ઈંટ, પત્થર, સિમેન્ટ વિ.ના તગારાં

ઉપાડવાનું unskilled મજુરીનું કામ કરાવ્યું. આનો પ્રચંડ ફટકો આપણી સેનાને 

૧૯૬૨ના યુદ્ધમાં સહન કરવો પડ્યો.

આ બધી વાતોથી અમે ગુજરાતના યુવાનો સાવ અણજાણ હતા. અમારા 

સૌરાષ્ટ્રનું એક બ્રહ્મવાક્ય છે, “જે આપણી લાઈન નહીં તે જાણવાની માથાકૂટ 

કરવી નહીં.” અમારે ક્યાં મિલિટરી સાથે લેવા દેવા હતી તે આ બધી વાતો 

જાણવાની ભાંજગડમાં પડીએ? વળી આ વાતની વાચ્યતા જરા પણ નહોતી થતી.

અહીં ચીન ભારત સામે બેવડો ખેલ ખેલી રહ્યું હતું. 

www.captnarendra.blogspot.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: