જિપ્સીની ડાયરી

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી ૧૯૬૨નું:યુદ્ધ (૧)

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Sunday, April 18, 2021

૧૯૬૨નું:યુદ્ધ (૧)

રાજકીય ક્ષેત્રે બદલાયેલી સ્થિતિ જોતાં ભારતના તે સમયના ચીફ ઑફ આર્મી 

સ્ટાફ જનરલ થિમય્યાએ NEFA – અરૂણાચલ પ્રદેશ તથા તેની આસપાસના 

રાજ્યો તે સમયે North East Frontier Agency નામે ઓળખાતા હતા, ત્યાંની 

સરહદ પર મજબૂત લડવૈયાઓની સેના – The Red Eagles  – 4 Infantry Divisionને 

મોકલવાનું નક્કી કર્યું. દુર્ગમ પહાડોમાં તેને મોકલવામાં આવનાર હતી તેથી તેનું નવું

નામાભિધાન થયું : 4 Mountain Division.

વર્ષોથી પંજાબની સરહદ પરના રણક્ષેત્રમાં યુદ્ધ કરવાનું પ્રશિક્ષણ પામેલી આ પંદર હજાર સૈનિકોની ડિવિઝનને પૂર્વી ભારતના હિમાલયના ક્ષેત્રમાં રવાના કરવામાં 

આવી. નિયમ પ્રમાણે બેઝ કૅમ્પમાં જતાં પહેલાં આ સેનાને ત્રણ તબક્કે ૧૫૦૦૦

ફિટની ઉંચાઈએ આવેલ રક્ષાપંક્તિમાં જવું જોઈએ. તેમાંનો પહેલો તબક્કો :

સૈનિકોને હિમાલયની સખત ટાઢમાં યુદ્ધ કરી શકાય તેવા હથિયાર આપી તેના

વપરાશ અને મેન્ટેનન્સની સઘન ટ્રેનિંગ ઉપરાંત દરેક સૈનિકને તેના અંગત હથિયાર

(રાઈફલ, સ્ટેન ગન, લાઈટ મશિનગન, મિડિયમ મશિન ગન, મૉર્ટર તોપ વિ.થી

ફાયરિંગમાં પાવરધા બને તેવા ગોળીબાર કરવાની પ્રૅક્ટિસ (જેને Range Firing

કહેવામાં આવે છે) આપવામાં આવે.

 આ એ જ ડિવિઝન હતી જેના અંબાલા ખાતેના વાસ્તવ્ય દરમિયાન તેના કમાંડર 

મેજર જનરલ બી. એમ. કૌલ હતા અને વડા પ્રધાનને ખુશ કરવા તેમણે આ સૈનિકો

પાસેથી યુદ્ધાભ્યાસને બદલે મજુરી કરાવી હતી.  આ યોદ્ધાઓના કમભાગ્યે તેઓ

શિલૉંગ પહોંચ્યા ત્યારે પંડિત નહેરૂએ કૌલને લેફ્ટેનન્ટ જનરલનું Out of turn પ્રમોશન

આપી તેમને પૂર્વ ભારતના પર્વતીય ક્ષેત્રની સેના IV Corpsના સેનાપતિ તરીકે કરી. નહેરૂની કદમબોસી કરનાર આ જનરલને અંબાલાના 

‘ઑપરેશન અમર’ના “સફળ” અભિયાન માટે સેનામાં નવું દાખલ ઉચ્ચતમ સેવા માટેનું સન્માન ‘પરમ વિશિષ્ટ સેવા મેડલ’ના પ્રથમ વિજેતા તરીકે અર્પણ કરવામાં 

આવ્યું હતું! ‘લાલ ગરૂડ’ સેનાના સૈનિકોને ભારતની પર્વતમાળાના રક્ષણ માટે

અગાઉ જણાવેલ ક્રમબદ્ધ induction (યુદ્ધ ક્ષેત્રમાં સૈનિકોની રક્ષા પંક્તિમાં

ગોઠવવાની પ્રક્રિયા)ને બદલે શિલૉંગમાં ફરી એક વાર મજુરી કરાવી. નીચેના

ચિત્રમાં જનરલ કૌલ અને વડા પ્રધાન જોવામાં આવશે. પાર્શ્વભૂમિમાં શિલૉંગથી

પર્વત તરફ રવાના કરવામાં આવનારી આપણી સેનાનો કાફલો છે.

“સામાન્ય” લાગતી આ વાતોથી અમે – ભારતના યુવાનો અજાણ હતા.અમે તો ફક્ત તે સમયે લોકસભામાં ચર્ચાનારા ચીનને લગતા પ્રશ્નો તરફ ધ્યાન રાખીને બેઠા હતા. 

૧૯૫૦માં ચીને ભારતના અક્સાઈ ચીન – જેનો ૩૮૦૦૦ ચોરસ કિલોમિટરનો વિસ્તાર જે સ્વિત્ઝલલૅન્ડ કરતાં સહેજ નાનો છે, તેના પર કબજો કર્યો 

તેની ચર્ચા વાંચી રહ્યા હતા. તે સમયે નહેરૂજીની ચીનના તુષ્ટિકરણની નીતિનો લોકસભામાં કૉંગ્રેસના કેટલાક અને અન્ય વિરોધી પક્ષના સભ્યોએ તેનો 

તીવ્ર વિરોધ કર્યો હતો. તેમણે માગણી કરી હતી કે આ બાબતમાં ભારતે સખત 

પગલાં લેવા જોઈએ. નહેરૂએ જાહેર કર્યું, “આ એવો પ્રદેશ છે જ્યાં ઘાસનું એક 

તણખલું પણ ઉગતું નથી. તે માટે આટલો હોબાળો કરવાની જરૂર નથી.” જવાબમાં 

મહાવીર ત્યાગીએ તેમના સફાચટ મસ્તક પરની ટાલ બતાવતાં કહ્યું, “અહીં પણ વાળનું એકે’ય તણખલું નથી ઉગતું, તો તમે શું મારી ગરદન 

કાપીને મારૂં મસ્તક મારા દુશ્મનને આપી દેશો?” જો કે આખી વાત 

હસાહસમાં ઉડાવી દેવામાં આવી હતી.

ત્યાર બાદ ચીને અક્સાઈ ચીનમાં લશ્કરી થાણાં બનાવ્યાં. ૧૯૬૨ સુધીમાં 

તેમના શિનચિયાંગ પ્રાંતને જોડતી સડક બાંધી. ભારત ‘મોટાભાાઈ’ ચીનને 

ખુશ કરવામાં એટલું મગ્ન થયું હતું કે તેમના માટે સઘળું કરી છુટવા તૈયાર હતા. 

એટલે સુધી કે યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી 

સ્થાન આપી વિટો આપવાના અધિકારનો પ્રસ્તાવ આવ્યો ત્યારે નહેરૂએ એક 

આદર્શવાદીની ઉદારતા બતાવી જાહેર કર્યું કે આ સ્થાન માટે ભારત કરતાં ચીન

વધુ લાયક છે તેથી તે સ્થાન અને વિટોનો અધિકાર ચીનને મળવો જોઇએ કહી

આ સ્થાન લેવાનો ઇન્કાર કર્યો. આનું નુકસાન આપણે હજી ભોગવી રહ્યા છીએ. વાચક જાણે છે કે 

પાકિસ્તાનમાં વસેલા આતંકવાદીઓની ફોજ તૈયાર કરી કાશ્મિરમાં મોકલનાર 

હાફિઝ સઈદને ત્રાસવાદી જાહેર કરવાના ભારતના સિક્યોરિટી કાઉન્સિલમાં મૂકાયેલા 

પ્રસ્તાવનો ચીને તેનો વિટો વાપરી તેને રદબાતલ કરાવ્યો હતો. પાકિસ્તાન તરફથી 

કાશ્મિરમાં થતા ત્રાસવાદી હુમલાઓની વિરુદ્ધમાં જ્યારે જ્યારે ભારતે સિક્યોરિટી 

કાઉન્સિલમાં પ્રસ્તાવ મૂક્યા, ફ્રાંસ જેવો દેશોએ તેનું સમર્થન કર્યું, જ્યારે ચીને વિટો 

વાપરી સઘળા પ્રસ્તાવ ફેંકાવ્યા હતા. 

આ જાણે ઓછું હોય, ચીને આખા અરૂણાચલ પ્રદેશ પર દાવો કર્યો. તેમણે 

મહિનાઓ આ પ્રદેશમાં યુદ્ધ માટે તૈયાર કરેલી સેનાને ભારતની સીમા પર આવેલ 

ઉંચાઈવાળા વિસ્તારોમાં દારૂગોળાનો અને બળતણનો ભંડાર ખડક્યો અને 

લદાખમાં ભારે પ્રમાણમાં સેના મોકલી. સૈન્યની ભાષામાં કહેવાય તેમ ભારતના 

વિસ્તારોમાં ચીને તેમની aggressive reconnaissance patrol (ભારતીય સેનાની રક્ષાપંક્તિ ક્યાં અને કેવી રીતે ગોઠવાયેલી છે તેની તપાસ કરનાર

 હથિયારબંધ ટુકડી) મોકલવાની શરૂઆત કરી. 

૨૦મી ઑક્ટોબર ૧૯૬૨.

દેશભરના અખબારોના પહેલા પાના પર મોટા અક્ષરોમાં સમાચાર આવ્યા.

 “ચીને બન્ને મોરચા પર કરેલો હુમલો. NEFA અને લદાખની અગ્રિમ 

ચોકીઓનું પતન.”

દેશ ચોંકી ગયો. ત્યાર બાદ એક પછી એક ચોકી પડતી ગઈ. પૂર્વ ક્ષેત્રમાં એક હજારથી વધુ ભારતીય  સિપાહીઓ અને અફસરો લડતાં લડતાં ખપી ગયા. બ્રિગેડિયર 

જૉન દળવી, તેમની ત્રણ બટાલિયનો – રાજપુત રેજિમેન્ટ, પંજાબ રેજિમેન્ટ અને 

ગોરખા બટાલિયનના કમાંડિંગ ઑફિસર્સ કર્નલ રતનસિંહ, કર્નલ બલવાન સિંહ 

આહલુવાલિઆ, કર્નલ રિખ અને ડિવિઝનના સિગ્નલ્સ કમાંડર કર્નલ તિવારી તેમના 

હથિયારમાંની છેલ્લી ગોળી સુધી લડ્યા અને યુદ્ધબંદી થયા. 

(સંદર્ભ: http://www.indiandefencereview.com/the-battle-of-tawang/)

લદાખમાં ૧૮૦૦૦ ફિટની ઉંચાઈએ આવેલ રેઝાંગલામાં મેજર શૈતાનસિંહના 

૧૨૦ જવાનો પર ૩૦૦૦ ચીનની ફોજે હુમલો કર્યો. છેલ્લી ગોળી છેલ્લા સૈનિક 

સાથે લડતાં લડતાં મેજર શૈતાનસિંહ અને તેમના ૧૧૪ આહિર જવાનોએ 

વીરગતિ પ્રાપ્ત કરી. પાંચ મૃત:પ્રાય થયેલા જવાન કેદ કરવામાં આવ્યા. એક જવાનને 

મરેલો સમજી ખાઈમાં જ છોડવામાં આવ્યો હતો તે કેમે કરી બટાલિયન હેડક્વાર્ટર્સમાં 

પહોંચ્યો અને તેણે રેઝાંગલાના યુદ્ધ વિશે વાત કહી, જે માનવા કોઈ તૈયાર નહોતું!

 ચુશુલની હવાઈ પટ્ટીને ચીને ત્રણ બાજુથી ઘેરી લીધી હતી અને તેના પતનની ઘડીઓ 

ગણાઈ રહી હતી, પણ ભારતની ટૅંક્સ, આર્ટિલરી અને કુમાયૂઁ રેજિમેન્ટના સૈનિકોએ 

ચુશુલને તેમના હાથમાં જતાં બચાવી લીધું હતું.

પૂર્વમાં તવાંગ શહેર પર ચીને કબજો કર્યો. ત્યાંથી તેઝપુર નજીક હતું. તેઝપુર એટલે 

આસામમાં પ્રવેશ કરવાનો રાજમાર્ગ. ત્યાં ચીનની સેના પહોંચે તો આખો આસામનો 

પ્રદેશ ચીનાઓના હાથમાં પડે. આમ ભારતની સેનાની કારમી હાર થઈ હતી. જખમ 

પર મીઠું ભભરાવાય તેમ ચીને ૨૦મી નવેમ્બર ૧૯૬૨ના રોજ એક તરફી શાંતિ જાહેર કરી 

અને તેમની ગણત્રી મુજબ જે LAC (લાઈન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ) હતી ત્યાં પાછા ગયા.

ભારતભરમાં હાહાકાર મચી ગયો. જનરલ થાપરે ‘ખરાબ તબિયત’ના કારણે રાજીનામું 

આપ્યું. લોકસભામાં કૃષ્ણ મેનનનું રાજીનામું માગવામાં આવ્યું. નહેરૂએ ઇન્કાર કર્યો, 

અને તેમને સંરક્ષણ ખાતામાંથી બદલીને ડિફેન્સ પ્રૉડક્શનના કૅબિનેટ મંત્રીના સ્થાન 

પર નીમ્યા. જનતા માની નહીં. લોકસભાના સભ્યોએ આનો તીવ્ર વિરોધ કર્યો. અંતે 

કૃષ્ણ મેનનને રાજીનામું આપવું પડ્યું.

જનરલ કૌલનું શું થયું?

આ એક જાદુગરની કોથળી જેવી વાત છે. તેમાંથી વસ્તુઓ બહાર ન નીકળે ત્યાં સુધી 

કોઈને ખબર ન પડે કે તેમાં શું છે. લાંબા સમય સુધી લોકો એટલું જ જાણી શક્યા કે તેઓ 

હારેલા સેનાપતિ હતા. નહેરૂના પ્રિયપાત્ર હોવાથી તેમણે તેમને બચાવવા તેમની બદલી

કરી જાલંધર ખાતે આવેલ XV Corpsના પકમાંડર તરીકે કરી. ચીનના ખપ્પરમાં હજાર જેટલા સૈનિકોનો હોમ કરનારા જનરલ કૌલે પંજાબમાં રહેલી સેનાનો અને તેમના 

કમાંડરોનો અણગમો અનુભવ્યો. અંતે તેમણે પણ રાજીનામું આપ્યું. જ્યારે તેમણે 

કરેલી ‘ભવાઇ’ની વાતો બહાર આવવા લાગી ત્યારે તેઓ ગભરાઈ ગયા અને 

પોતાની કેફિયત લખી : The Untold Story.  તેમાં તેમણે ખુદને બચાવી બાકીના 

બધા કમાંડરો પર દોષનો ટોપલો ઢોળ્યો.

બ્રિગેડિયર દળવી અને તેમના સાથી અફસરો ચીનના બંદીગૃહમાંથી પાછા આવ્યા 

ત્યારે તેમની સાથે જે જાતનો વ્યવહાર કરવામાં આવ્યો તેઓ ચોંકી ગયા. જનરલ 

કૌલની ‘ચોપડી’ વાંચી તેમને અત્યંત દુ:ખ થયું. ભારતના વીર સૈનિકોએ કરેલ હિંમતભર્યો 

સામનો અને તેમણે કરેલા બલિદાનનું આવું વિકૃત સ્વરૂપ જોઈ તેમને લાગ્યું સાચી 

વાત બહાર આવવી જ જોઈએ. તેમણે પુસ્તક લખ્યું. ‘Himalayan Blunder’. આવો જ અનુભવ કર્નલ તિવારીને થયો. કર્નલ સાત્ત્વિકવૃત્તિના અફસર હતા. 

તેમણે લખેલી તેમની આત્મકથા ‘A Soldier’s Voyage of Self Discovery’માં 

૧૯૬૨ના યુદ્ધની વિગતો આપેલી છે.

આ સમગ્ર વાત આગળ જતાં કહીશું. અત્યારે તો કેવળ ભારતના એક સામાન્ય 

નાગરિક તરીકે અમારી ભાવનાઓ અને દેશની હાકલના જવાબમાં શું કર્યું તે જણાવીશું. 

દેશ ભરમાં સૈન્યના આધુનિકરણની માગ ઊઠી. વડા પ્રધાને ‘રક્ષા કોષ’ માટે જનતા પાસે દાન 

માગ્યું. નોકરિયાતોએ એક દિવસનો પગાર દાનમાં આપ્યો. ગુજરાતની જનતા આવી 

વાતમાં હંમેશા અગ્રેસર રહે છે. શ્રીમંતોએ તેમના ધનની કોથળીઓ રક્ષા કોષમાં ઠાલવી

નાખી. નોકિરયાતો અને મજુરોએ એક દિવસની આવક સરકારને ભેટ ધરી. ગુજરાતની મહિલાઓએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યાં. ગુજરાતની જનતાએ 

રક્ષા કોષ છલકાવી દીધો.

અમારી ઑફિસના ચાર યુવાનો સહેજ જુદા મતના હતા. 

આ હતા ખાડિયાના વિરેન્દ્ર લાખિયા અને જનાર્દન રાવળ, રાયખડના માર્ટિન ચિટનીસ 

અને સિડની ફ્રાન્સિસ અને ભદ્રનો આ ‘જિપ્સી’. 

અમારા મતે ચીને આપણા દેશ પર કરેલ આક્રમણ અને વિજયનો ઉદ્દેશ કેવળ 

ભારતની ભૂમિ પર કબજો કરવા માટે નહોતો. તેમને સામ્યવાદની શ્રેષ્ઠતા પૂરવાર 

કરવી હતી. એક Totalitarian વિચારધારા ધરાવતી સત્તા ભારતની લોકશાહી 

પરંપરા કરતાં ઉત્તમ છે; રાજકીય શક્તિ બંદૂકની નળીમાંથી જન્મે છે એવી માઓની 

ઘોષણા કેટલી સાચી છે તે ભારતની જનતાના માનસ પર ઠોકી બેસાડવું હતું. તેમને

“ભારતની લોકશાહીની નિષ્ફળતા” જાહેર કરી આપણી જન્મભૂમિ પર સામ્યવાદનો

લાલ ઝંડો લહેરાવવો હતો. 

અમે આને વિચારધારાઓનું યુદ્ધ ઠેરવ્યું. લોકશાહી બચાવવા આપણા સૈનિકોએ

લોહીની નદીઓ વહાવી હતી. અમારો વિરોધ ચીનની સામ્યવાદી, વિસ્તારવાદી 

અને પક્ષની એકહત્થુ સત્તાની અજમાયેશ સામે હતો. અમે અમારો એક દિવસનો 

પગાર તો આપ્યો, પણ સાથે સાથે એ પણ નક્કી કર્યું કે દેશની રક્ષા કરવી હોય તો 

અમારા જેવા યુવાનોએ સીમા પર જઈ લડવું જોઈએ. આ માટે એક જ રસ્તો હતો.

મિલિટરીમાં જોડાવું.
Posted by Capt. Narendra at 11:22 AM

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: