જિપ્સીની ડાયરી- કૅરી ઑન સેવન્ટી ફાઈવ અને WT – વેપન્સ ઍન્ડ ટૅક્ટિક્સ ટ્રેનિંગ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

Monday, April 26, 2021

કૅરી ઑન સેવન્ટી ફાઈવ

મિલિટરીમાં થાકની પરાકાષ્ઠાની પરાકાષ્ઠા (આવું કંઇ હોય છે તેની સમજ મિલિટરી

ટ્રેનિંગ વખતે જ પડે) ઉપરાંત સખત મહેનત કરાવાય તેને ‘રગડા’ કહેવામાં આવે છે.

આ રગડો શું હોય છે તે OTSમાંના અમારા વાસ્તવ્યના બીજા દિવસથી સમજાયું.

કહેવાનું રહી ગયું : પહેલા દિવસે દોડીને દોડીને બધા કામ કર્યા તેમાંનું એક હતું

અમારા કેન્દ્રની ‘બાર્બર શૉપ’ની મુલાકાત. બે – ત્રણ કૅડેટ્સ, જેઓ સેનામાં

બિન-અફસર (Other Rank – ટૂંકાણમાં OR)ના હોદ્દા પર સેવારત હતા અને

એમર્જન્સી કમિશન માટે સિલેક્ટ થયા હતા, તેમના સિવાય લગભગ બધા

જીસીને પોતાના સુંદર, વાંકડિયા, લાંબા, ‘ડિઝાઇનર હૅર કટ’નું અભિમાન હતું.

અમને કટુ વિયોગ – bereavement શું હોય છે તેનો વસમો અનુભવ થયો બાર્બર

શૉપમાં. ૧૯૬૩માં Guinness World Recordની સ્થાપના નહોતી થઈ તેથી

આ ‘વિક્રમ’ ક્યાંય નોંધાયો નહીં, તેમાંનો એક આ હતો : એક મિનિટમાં ત્રણ

‘ઘરાક’ના વાળ કાપવા. લાઇનબંધ ખડા રહેલા GCમાંથી એક પછી એક આવીને

બાર્બર શૉપની હાઇ ચૅર પર બેસે ન બેસે, ફટાક દઇને સફેદ કપડું ગરદન ફરતું

મૂકાય અને વન નંબરનું મશિન સમસ્ત કેશ-સંભાર પરથી વીસ સેકંડમાં ફરી વળે.

એક ઝટકાથી ખભા ફરતું કપડું ખેંચાય ત્યારે સમજવાનું કે વાળ કપાઈ ગયા છે

અને ફરીથી કંપનીના સ્ક્વૉડમાં ખડા રહેવાનું.. તે દિવસે સલૂનના અરિસામાં પોતાનું

મુખદર્શન કરીને ખુરશી પરથી ઉભા થનારા મારી આલ્ફા કંપનીના ૧૨૦ GCમાંથી

૧૧૦ જણાના એવા નિસાસા નીકળ્યા, જાણે અમે અમારા કોઈ પ્રિયજનને ગુમાવ્યા

હતા. બીજા દસ શીખ કૅડેટ હતા, તેઓ દૂર ઉભા રહીને અમારી હાલત જોઇને ખુશ

થતા જણાયા.

બીજા દિવસથી અમારો રગડો – આઇ મિન, ટ્રેનિંગ શરુ થઇ ગઇ. 

સવારે ચાર વાગે ઉઠીને સૌ પ્રથમ અમને મળેલો મોટો સફેદ મગ (જેમાં

આપણા બે-ત્રણ કપ ચા સમાય) ભરીને ‘બેડ ટી’ અને અમારી મેસની

ભઠ્ઠીમાંથી નિકળેલા તાજા ગરમાગરમ બિસ્કીટનો નાસ્તો. ત્યાર પછી ઝપાટાબંધ દાઢી, બ્રશ અને બાથરુમમાં જઇ પ્રાતર્વિધી પતાવી કસરતનો – એટલે 

પી.ટી. (ફિઝીકલ ટ્રેનિંગ)નો યુનિફોર્મ પહેરી બૅરેકની બહાર પ્લૅટુન-વાર લાઇનબંધ 

ઉભા રહી જવાનું. હવે સાર્જન્ટ બહાદુરસિંઘ આવી અમારો ‘ટર્ન-આઉટ’ (પહેરેલો પોશાક, બુટ પૉલીશ વિ.) ચેક કરે. તેમાં કોઇ ઉણપ હોય કે ન હોય,

‘યૂ બ્લડી ફૂલો, તમારા જેવા જોકર્સ મારી આખી જીંદગીમાં મેં ક્યાંય જોયા નથી. 

તમારા દેદાર જોઇ મને શરમ આવે છે,’ કહી, અમારામાંથી કેટલાકનાં નંબર બોલી, 

નોંધી લે. જેમનો નંબર નોંધાયેલો હોય, તેમણે રાતના ભોજન બાદ સજા ખાવા 

મેદાનમાં જવાનું હોય. આને સજા ન કહેતાં એક્સ્ટ્રા ડ્રિલ કહેવામાં આવે છે.

આ ‘પરેડ’માં અમને ‘ફ્રન્ટ રોલ’ (ખરબચડી જમીન પર ગુંલાટિયા ખાવાના), 

બૅક રોલ (ઉંધા ગુંલાટિયા); આવા પચાસેક ફ્રંટ રોલ  (આ સહેલામાં સહેલી

સજા, હોં કે!). ત્યાર બાદ અમારા ઘૂંટણ, સાથળ અને પગની ઘૂંટીનો સત્યાનાશ 

કરનારી ‘ઢઢ્ઢુ ચાલ’ (અંગ્રેજી: frog march) જે ઓછામાં ઓછી સો મિટરની

હોય. આ પતે એટલે ‘ચિત્તા ચાલ’ – એટલે જમીન પર ચત્તા સુઇ, ચિત્તાની જેમ 

ઘસડાતા જઇ ૧૦૦ મિટરનું અંતર કાપવાનું. અને છેલ્લે, હૉકી ગ્રાઉન્ડ ફરતા

દસ ચક્કર. આ બધાં “કામ” ભારે ભરખમ બૂટ, બેલ્ટ, પાઉચ અને પીઠ પર

ઉંચકવાનો હૅવરસૅક – જેને છોટા પૅક અથવા પીઠ્ઠુ કહેવાય, તે પહેરીને જ

કરવાના હોય.  આ ‘extra drill’નું ઉર્દુ નામ ‘પીઠ્ઠુ પરેડ’ – પીઠ પર લગાડવાના આ થેલામાં કૂચ કરતી વખતે તેમાં સુચિ પ્રમાણે ત્રણેક કિલોગ્રામના વજનની 

વસ્તુઓ રાખવામાં આવે. જો કે અમને મળતી પીઠ્ઠુ પરેડમાં નિયત વસ્તુઓને 

બદલે આ થેલામાં તેનું વજન પૂરૂં કરવા પત્થર અને ઇંટ મૂકવામાં આવે. બહાદુરસિંઘ 

તેને ‘પેટી પરેડ’ કહેતા. આ ‘પરેડ’નો વણલખ્યો નિયમ એવો હતો કે ત્રણ દિવસથી 

ઓછી “પેટી પરેડ” કોઇને ન અપાય! મારી પ્લૅટુનમાં ઓરિસ્સાનો કૅડેટ પૂર્ણચંદ્ર 

પરીજા હતો. તેને એટલી એક્સ્ટ્રા ડ્રીલ મળી હતી, કે ટ્રેનિંગ પૂરી કરીને સેકન્ડ 

લેફ્ટનન્ટ થઇને પોતાની રેજીમેન્ટમાં ગયો ત્યારે તેના નામે અગિયાર એક્સ્ટ્રા 

ડ્રીલ ઉધાર રહી હતી!

પ્લૅટુન સાર્જન્ટ બહાદુરસિંઘની ‘બહાદુરી’ બાદ અમે પીટી કરવા જઇએ. રોજ 

સવારે ‘રોડ-વૉક-ઍન્ડ-રન’માં બે માઇલની દોડ કરી આવવાનું. ત્યાર બાદ 

બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ ભરપૂર અને પૌષ્ટિક – કેટલીક વાર ભારે પણ થઈ જતો

જે ઘણી વાર નુકસાન પહોંચાડે. આ શિરામણ બાદ ડ્રીલ, WT – Weapons

Training અને ત્યાર બાદના લેક્ચર્સમાં થાકીને બેસેલા જીસીઓને આ ભારે બ્રેકફાસસ્ટને

લીધે ઝોકું આવી જાય. એકાદ જીસી પકડાઈ જાય તો તેને instant karma અર્થાત્

‘તરત દાન મહા પૂણ્ય’ની જેમ આખા ક્લાસની વચ્ચેની ખુલ્લી જગ્યામાં દસ

ગુલાંટિયાં ખાવાની સજા થાય. બેથી વધુ ઉંઘણશી પકડાય તો ૧૨૦ જણાના

આખા ક્લાસને બહાર મેદાનમાં આવી ફ્રન્ટ રોલ કરવાના.

 હવે વાત કરીએ લશ્કરી કવાયત – ડ્રીલની. બ્રેકફાસ્ટ બાદ કવાયતનો

પિરિયડ આવે. કડક સ્ટાર્ચ લગાડેલા ખાસ યુનિફૉર્મ પહેરી ડ્રીલ સ્ક્વેરમાં 

જવાનું. જ્યાં સુધી ડ્રીલની પરીક્ષા પાસ ન કરીએ ત્યાં સુધી અમને કૅમ્પમાંથી 

બહાર જવાનો ‘આઉટ પાસ’ ન મળે, અને અમારા બૂટને પૉલીશ કરી, બાકીના 

સામાનને તૈયાર કરી આપવા માટે ઑર્ડર્લી’ ન મળે. ડ્રીલમાં ‘લેફ્ટ-રાઇટ’ કરવા 

ઉપરાંત ‘Ceremonial Parade’ (તમે ૨૬મી જાન્યુઆરીની પરેડ જોઇ હશે, 

તેમાં જે રીતે પરેડ કમાંડર તલવાર લઇને માર્ચ કરતા હોય છે, સલામી શસ્ત્ર અને 

‘Beating the Retreat’ કરતા હોય છે, તે બધી વિધિઓ શીખવી પડતી હોય છે.) 

ડ્રીલમાં સૌથી વધુ અગત્યતા અપાય છે પોશાકને. શર્ટના કૉલર કે બાંયમાંથી 

સૂતરનો એક પણ તાંતણો ડોકિયું કરતો હોય તો જીસી ‘ફેઇલ’. પૉલીશ કરેલા 

બૂટમાં સુબેદાર મેજરને પોતાનો ચહેરો ન દેખાય તો પણ તમે ‘ફેઇલ’. લાંબા 

મોજાની ઉપરની કિનારમાંથી પતંગિયાના આકારના લાલ અને ભૂરા રંગના ‘garter flash’ની લંબાઇ પણ નિયમ પ્રમાણે હોવી જોઇએ. અમારા ડ્રિલ સાર્જન્ટને અંગ્રેજી 

આવડતું ન હોવાથી ગાર્ટર ફ્લૅશને ‘ગટરફ્લાય’ કહેતા! ટોપી – એટલે બેરી (beret) 

ડાબી આંખની ભમરથી બે આંગળ કરતાં ઉંચી કે નીચી હોય તો પણ તમે ‘ગયા’. 

વાળ એવા કપાયેલા હોવા જોઇએ કે બેરીની પાછળના ભાગમાં એક પણ વાળ 

દેખાવો ન જોઇએ. આ તો શરુઆત. ત્યાર બાદ દરેક હલન ચલન, સૅલ્યુટ કરવાની 

રીત, પગ ઉપાડીને પછાડવાની ઢબ – જવા દો, આ બધું યાદ આવે છે અને ફરી 

ડ્રીલ સ્ક્વેરના (પરીક્ષાના) નામથી ધ્રુજારી છૂટે છે. 

હું બે વાર ડ્રીલ સ્ક્વેરમાં ‘ફેલ’ થયો હતો. પહેલી વાર મારા શર્ટના કૉલરમાંથી એક 

મિલીમીટરના ૧૦૦મા ભાગ જેટલું તાંતણું ડ્રીલના ચીફ ઇન્સ્ટ્રક્ટર, રેજીમેન્ટ ઑફ 

ગાર્ડ્ઝના સુબેદાર મેજરની નજરે ચઢ્યું તેથી ફેઇલ. બીજી વાર તેમણે મારી આંખમાં 

આંખ પરોવીને જોયું ત્યારે મારી આંખનું પોપચું એક મિલીમીટરના હજારમા ભાગ 

જેટલું હલી ગયું તેથી નાપાસ! કોઇ પણ કારણ હોય, પણ રીપોર્ટમાં ફક્ત એટલું 

લખાય : “જીસી ડ્રીલ સ્ક્વેરમાં બે વાર ફેલ થયો છે. આ દર્શાવે છે કે તે ડ્રીલમાં તે 

સાવ કાચો છે”. મારા બે વાર ‘ફેઇલ’નો રીપોર્ટ વાંચીને મારી એકલાની એવી 

બારીકાઇથી પરીક્ષા લેવાઇ, જાણે સુબેદાર મેજર હાથમાં સુક્ષ્મદર્શક યંત્ર લઇને 

મારો યુનીફોર્મ, બૂટ પૉલીશ, બેલ્ટ, બકલ, બેરી પરના બૅજનો ચળકાટ ચકાસી 

રહ્યા હતા. મારી તો એટલી હદ સુધી ચકાસણી થઈ કે મારા ડાબા ખિસા પર

લગાડેલા  A 1175ના ચેસ્ટ નંબરની પાછળના ખિસાનાં બટન બંધ છે કે નહીં,

તે પણ સુબેદાર મેજરે ચેસ્ટ નંબર ઉતારી જોયું! ત્યાર પછી ડ્રીલમાં કરવામાં 

આવતી બધી વિધિઓ – માર્ચીંગની દરેક ક્રિયા તથા “પત્રકે સાથ સૅલ્યૂટ 

કરના”  વિગેરે જેવી એકે એક વિધિ મારી પાસેથી કરાવી. અંતે ‘સૅલ્યૂટ’નો હુકમ 

આપી મારા ચહેરાથી એક સેન્ટીમીટર પર પોતાનો ચહેરો લાવીને જોયું કે મારી 

આંખ સીધી લાઇનમાં જોઇ રહી છે કે તેમની તરફ અને સૅલ્યુટની સ્થિતિમાં મારો 

હાથ સ્થિર છે, જમણી આંખની ભમરની એક ઇંચથી ઉપર મારી હથેળી છે કે નહિ 

તે ચકાસીને જોયું. બધું સંતોષકારક લાગતાં આખરે તેમણે મને પાસ થયાનો હુકમ,

“કૅરી ઑન, જીસી,” આપ્યો અને કહ્યું, “સેવન્ટી- ફાઇવ’ આપકી ડ્રીલ બહુત બહેતર 

હુઇ હૈ. કોઇ કસર નહિ. કૅરી ઓન.” આના જવાબમાં શિરસ્તા પ્રમાણે હું ઉંચા 

સાદે બે જ અક્ષર બોલી શકું: “સર!” 

મારા હોઠ પર શબ્દ આવ્યા હતા, ‘આપને મેરી ડ્રીલ કબ દેખી થી જો અબ 

બહેતર હુઇ?’ પણ આવું કશું કહેવાય નહિ, અને કહીએ તો દસ થી ઓછી 

એક્સ્ટ્રા ડ્રીલ મળ્યા વગર ન રહે! આ વખતે મને સૌથી વધુ દુ:ખ થયું હોય તો 

શાળા કે કૉલેજ દરમિયાન એનસીસીમાં ન જોડાયો તેનું હતું. OTSમાં જે શિક્ષણ 

મેળવી રહ્યો હતો તે મને એનસીસીમાં મળ્યું હોત તેથી 

અહીંની ટ્રેનિંગ મને વસમી ન લાગત.
Posted by Capt. Narendra at 8:18 PM

Tuesday, April 27, 2021

WT – વેપન્સ ઍન્ડ ટૅક્ટિક્સ ટ્રેનિંગ

સૈન્યમાં દરેક જવાન અને અફસર માટે તેનું હથિયાર તેના ત્રીજા હાથ જેવું ગણાય.

જેટલી કાળજી આપણા શરીરની લેવાય એટલી જ માવજત દરેક સૈનિકે તેના

હથિયારની કરવાની રહે છે. યુદ્ધમાં સૈનિકનું આ જ એક ‘અંગ’ છે, જે તેને જીવંત

રાખે છે. આપણા હાથની આંગળીઓ, કાંડું, હાથના સ્નાયુઓને મજબૂત રાખવા

અને આપણા ખુદના આરોગ્ય માટે આપણાં અંગ-પ્રત્યાંગને જે રીતે સાફ રાખવા

પડે, એવી જ કાળજી હથિયારની રાખવાની હોય. અમારા કૅડેટકાળમાં અમને

અપાતા પ્રશિક્ષણમાં આ વાત પર અત્યંત ભાર અપાયો. WTમાં મુખ્યત્વે ત્રણ

ચીજો આવે (૧) બંદૂક વડે નિશાન સાધવાની રીત. આને ‘રીત’ ન કહેતાં ‘કાયદો’

કહેવામાં આવે છે. આપણા પર હુમલો કરી મારી નાખવા માટે ધસી આવતો

દુશ્મન આપણું કાસળ કાઢે તે પહેલાં આપણે તેના પર ગોળી ચલાવી આપણા

મોરચા સુધી પહોંચવા ન દેવાય એટલા માટે નિશાનબાજીનો નિયમ અમને કાયદા

તરીકે શીખવવામાં આવે. આ ‘કાયદ’નું પાલન ન થાય તો તેની એક જ શિક્ષા – જે

અન્ય કોઇ નહીં, આપણો દુશ્મન આપે : મૃત્યુ. દુશ્મન તમારા પર હુમલો કરવા દોડે,

ત્યારે તમે નિશાન ચૂકી જાવ તો શત્રુની ગોળી તમને વિંધી નાખે. તેણે પણ પોતાની

ટ્રેનિંગ સાવધાનીપૂર્વક કરેલી હોય છે તેથી તે પણ તેણે શીખેલા ‘કાયદા’ મુજબ

આપણા પર ફાયરિંગ કરતો આવે. ભારતીય સેનામાં ‘નિશાન’ને ‘શિસ્ત’ કહેવાય છે,

અને અમારા WT (વેપન્નાસ ટ્રેનિંગ)ના ઉસ્તાદ “શિસ્તકા કાયદા’ પર એટલું જોર આપે,

અને તેનું રટણ કરાવે કે અર્ધી રાતના ભર ઉંઘમાંથી અમને ‘શિસ્તકા કાયદા’ પૂછવામાં

આવે તો અમે તેનું અક્ષરશ: પુનરૂચ્ચારણ કરી શકીએ. બીજી એટલી જ મહત્વની

વાત છે રાઇફલને સાફ કરવાની. આમાં રાઈફલનું નાળચું (Barrel) અરિસા જેવું

સાફ અનેચળકતું હોવું જોઈએ. જ્યાં ગોળી ભરાય, તે (breach) પણ એટલો જ સાફ

હોવો જોઇએ. આનું કારણ  એ હોય છે કે રાઇફલમાંથી ગોળીબાર કર્યા બાદ રાઇફલનું

નાળચું અત્યંત ગરમ થાય છે. વળી ગોળી છૂટતાં કારતૂસમાંથી નિકળતો કાર્બન (મેશ)

નાળચામાં અને બ્રીચમાં જામી જતા હોય છે. આ સાફ કરવામાં ન આવે તો ગોળી

રાઇફલના નાળચામાં જ ફાટે અને ગોળી ચલાવનાર ખુદ જખમી થાય. ત્રીજી

અગત્યની વાત છે હથિયારના હલનચલન કરનારા હિસ્સા ખોલીને સાફ કરવાની

પ્રક્રિયા. યુદ્ધમાં મોટા ભાગે થનારા હુમલા રાતના અંધારામાં થતા હોય છે. તેથી

ફાયરિંગ કરનારું શસ્ત્ર ખોટકાઇ જાય  તો તેમાંના કળપૂર્જા અંધારામાં જ ખોલીને  

સાફ કરી, ફરીથી જોડી ફાયરિંગ કરવું પડે. તેથી અમને ટ્રેનિંગ દરમિયાન આંખે

પાટા બાંધી રાઇફલના હિસ્સા ખોલી, સાફ કરી ફરી ફિટ કરવાનો મહાવરો

આપવામાં આવે. આ કામ સચોટતાથી શિખવવામાં આવે. 

WT ની કવાયત બાદ ક્લાસરૂમમાં બેસીને યુદ્ધશાસ્ત્ર, યુદ્ધનો ઇતિહાસ, ભારતીય

સેનાનાં જુદા જુદા વિભાગોની સંઘટના, મૅપ રીડીંગ વગેરેનો અભ્યાસ, વાયરલેસ

સંચાર વિજ્ઞાન વગેરેનો અભ્યાસ કરવાનો.

વેપન્સ ટ્રેનિંગમાં પ્લૅટૂનના સૌથી ભારે હથિયાર Bren Gun અથવા LMG – લાઈટ

મશીનગનનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ હતો. બ્રેનગનના હિસ્સા અને તેના નાના

નાના પુર્જાઓ ખોલી, સાફ કરી, તેના પર તેલ ચઢાવ્યા બાદ તેની એસેમ્બ્લી કરવા

પર હાથોટી મેળવવા પર ઘણો ભાર મૂકાતો. ઘણી વાર અમારા `ઉસ્તાદજી’ અમને

પલોટવામાં એટલા મશગૂલ થઈ જતા કે તેમને સમયનું ભાન ન રહેતું. 

એક વાર LMGનો વર્ગ બ્રેકફાસ્ટ પહેલાં લેવાયો. પીટી કર્યા બાદ અમે બૅટલ ડ્રેસ

પહેરી સીધા વેપન ટ્રેનિંગ એરિયામાં ગયા. ક્લાસનો સમય પૂરો થયો હોવા છતાં

ઉસ્તાદજી અમને છોડવાનું નામ ન લે! અમે બધા ભૂખથી વ્યાકુળ થઈ રહ્યા હતા,

બીજી તરફ ઉસ્તાદજી તો મંડી પડ્યા હતા અમને પલોટવામાં! આ વર્ગમાં અમારે

બ્રેનગનના હિસ્સા-પૂર્જા ખોલી, સાફ કરી, ફરી પાછા ફિટ કરવાના હતા. આ કામ

પૂરું થયા બાદ દરેક કૅડેટે `રિપોર્ટ’ આપવાનો હોય છે: નંબર વન બ્રેન ઠીક! નંબર

ટૂ બ્રેન ઠીક! વિગેરે.

જ્યારે અમારા સાથી જેન્ટ્લમન કૅડેટ સરદાર બચૈંતસિંઘ (‘બચૈંત’ પંજાબી શબ્દ છે :

જેમ દેવેન્દ્રનો અર્થ દેવોનો રાજા થાય, તેમ બચૈંતનો અર્થ થાય ‘નિશ્ચિંત’!) અર્થાત્

નિશ્ચિંત સિંહનો વારો આવ્યો, તેમણે થાકેલા પણ પડછંદ અવાજમાં રિપોર્ટ આપ્યો:

“નંબર વન બ્રેકફા…સ્ટ ઠીક!”

અમારો આખો સ્ક્વોડ ખડખડાટ હસી પડ્યો. ઉસ્તાદજી ઝંખવાણા પડી ગયા અને

અમને `લાઇન તોડ’ એટલે `ડિસમિસ’નો હુકમ આપ્યો.

આવી હાલતમાં સેંડ મોડેલ રૂમમાં આવેલા વર્ગમાં બેઠાં પછી `થિયરી’ના લેક્ચરમાં

ઘણા કૅડેટ્સ થાકીને ક્લાસમાં જ ઝોકાં ખાઈને ઊંઘી જતા. તેમના પર કોઈ પ્રશિક્ષકની

નજરે પડી જાય તો તત્કાળ સૌની સામે તેને ગલોટિયાં ખાવાની શિક્ષા. એકથી વધુ

કૅડેટ્સ ઝોકાં ખાતાં દેખાય તો આખા ક્લાસને સામૂહિક રીતે પુનાના ઘોરપડી

વિસ્તારની પથરાળ જમીનમાં ઇક્વિપમેન્ટ સાથે 20-25 ગલોટિયાં ખાવાનું

કામ કરવું પડે!

એક દિવસ અમારી આલ્ફા કંપની સાથે ચાર્લી કંપનીનો સંયુક્ત ક્લાસ ગોરખા

રાઇફલ્સના કર્નલ વિષ્ણુ શર્મા લેતા હતા. એકસો એંસી કૅડેટ્સના ક્લાસમાં ઝોકું

ખાનારા વીસ-પચીસ કૅડેટ્સમાંથી હું જ પકડાઈ ગયો. બૂમ પાડી તેમણે મને ઊભો

કર્યો, અને પૂછ્યું, `એક પ્લૅટૂનમાં કેટલા ટુ-ઈંચ મોર્ટર બૉમ્બ હોય છે?’

એક તો હું ઊંઘતો હતો, તેમાં વળી પકડાઈ ગયો. જેમ સવાલ બૂમ પાડીને પૂછાય

તેમ અમારે જવાબ બૂમ પાડીને આપવાનો હોય. હું ગૂંચવાઈ ગયો હતો તેમ છતાં

ઘાંટો પાડીને પૂરા (પણ બનાવટી) આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, `ટ્વેન્ટી ફો…ર,

સર!’ – જે સાવ ખોટો હતો. કર્નલસાહેબનો પારો એકદમ ચઢી ગયો, અને તેમણે

આખા વર્ગને ક્લાસરૂમમાંથી બહાર કાઢી સો ગજ સુધી ગલોટિયાં ખાવાનો હુકમ

કર્યો. દરેક ગલોટિયે દોઢસોથી વધુ ગળામાંથી દબાયેલા અવાજ નીકળતા હતા,

“સા… સેવન્ટી ફાઇવ!”

આ જાણે ઓછું હોય તેમ બૅરેકમાં પાછા જઈએ ત્યાં અમારા સિનિયરો અમને

`પલોટવા’ તૈયાર હોય. ડગલે ને પગલે તેઓ તાત્કાલિક શિક્ષા આપે. અમને

અપાતી `ઢઢ્ઢુ ચાલ’ની શિક્ષા તેમને અત્યંત પ્રિય હતી, અને તે અમારી પાસેથી કરાવતા

જ રહેતા. ઉર્દુમાં દેડકાને ઢઢ્ઢુ કહેવાય છે. આ શિક્ષામાં અમારે ઉભડક બેસી, કમર પર

હાથ રાખી દેડકાની માફક કૂદી કૂદીને સોએક ગજનું અંતર કાપવાનું હોય છે, જેમાં

અગાઉ જણાવ્યા પ્રમાણે પગની પાની, calf muscle, સાથળ અને ઘૂંટણનો સામુહિક

સત્યાનાશ થતો હોય છે અને તેનો દુ:ખાવો એક અઠવાડિયા સુધી જતો નથી.

રાતના ડિનર બાદ અમારી આવી ‘પરેડ’ શરૂ થતી. `બ્લડી ફૂલ’ અમારા સિનિયરોનો

પ્રિય ઉદ્ગાર! દિવસમાં આ શબ્દનો તેઓ જેટલી વાર પ્રયોગ કરતા એટલી વાર તેમણે

ભગવાનનું નામ લીધું હોત તો કાં તો ભગવાને તેમને અર્જુનને આપ્યાં તેવા વિરાટ

દર્શન આપ્યાં હોત અથવા તેમને સહુને સદેહે સ્વર્ગમાં જવાનું વરદાન આપ્યું હોત!

આવા સખત કાર્યક્રમ તથા શિક્ષાઓથી હેરાન થઈને ઘણા કૅડેટ એક અઠવાડિયામાં

જ OTS છોડીને જતા રહ્યા હતા. સરકારી નિયમ પ્રમાણે જે લોકો એક અઠવાડિયામાં

પાછા ઘેર જવાનું નક્કી કરે તો તેમને કોઈ દંડ ભરવો નહોતો પડતો. ત્યાર બાદ દરેક

દિવસ દીઠ નિયત કરેલા દરે ટ્રેનિંગનો ખર્ચ આપવો પડે. ૧૯૬૩ના વર્ષમાં દર કૅડેટ

પાછળ છ મહિનાની ટ્રેનિંગમાં એક લાખ રૂપિયા ખર્ચાતા. આજના હિસાબે પંદરથી

વીસ લાખ જેવું થાય! આવી સખ્તાઇ અને કડક ટ્રેનિંગથી કંટાળીને કે થાકીને ઘણા

જીસી એક અઠવાડિયામાં જ OTS છોડીને પાછા જતા રહ્યા હતા. અમદાવાદના

સિનેમા મૅનેજર કદાચ આ કારણથી જ પાછા ગયા હતા.

‘જિપ્સી જેવો એક સંવેદનશીલ અને ભાવનાશીલ વ્યક્તિ કેવી રીતે ટકી શક્યો?

આની પણ એક નાનકડી કહાણી છે. જે ફરી કદી’ક…Posted by Capt. Narendra 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: