જિપ્સીની ડાયરી – હળવી પળો…

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે.

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Friday, April 30, 2021

હળવી પળો…

અમારી ટ્રેનિંગ આમ તો સખત હતી, પણ વિનોદ – મજાકના પ્રસંગો કંઇ

કમ નહોતા થતા. આ અગાઉ ‘નંબર વન બ્રેનગન ઠીક” ને બદલે ‘બ્રેકફાસ્ટ ઠીક’

તો સાંભળ્યું. આ ઉપરાંત કેટલીક અન્ય વાતોનો ઉલ્લેંખ કરીએ.

***

એક રવિવારે આઉટપાસ પર મારા મિત્ર રવિંદર કોહલી સાથે હું શહેર ગયો હતો.

થયું, કોઇ સારા સલૂનમાં વાળ કપાવી, સિનેમા જોઇ પાછા કૅમ્પમાં જઇશું. જે

સિનેમા અમારે જોવો હતો તે વહેલો શરૂ થવાનો હતો તેથી તે જોયા પછી

સલૂનમાં જવાનું નક્કી કર્યું. સિનેમા જોઇને બહાર આવ્યા તો બજારમાંની 

‘હૅર કટીંગ સલૂન’ બંધ થઇ ગઇ હતી. અમે ઉતાવળે કૅમ્પમાં પહોંચ્યા તો ત્યાં

ની બાર્બર શૉપ પણ બંધ. વાળ કપાવ્યા વગર ડ્રીલમાં જઇએ તો આવી બને. 

મારા મગજમાં વિચાર ઝબક્યો: બેરી (beret) કૅપ પહેરીને તેની કિનારની નીચેના 

વાળ સેફ્ટી રેઝર વડે સાફ કરી નાખીએ તો કેવું? રવિંદરને મારો વિચાર ગમ્યો, 

અને અમે એક બીજાને અક્ષરશ: ટોપી પહેરાવી, વાળ સાફ કરી નાખ્યા!

બીજા દિવસે ઇન્સ્પેક્શનમાં સુબેદાર મેજરે આખી કંપની સમક્ષ મને અને રવિંદરને 

લાઇનમાંથી એક કદમ આગળ આવવા કહ્યું અને હુકમ કર્યો,  “ઇન દો જીસી કો દેખો. 

કલ ઇનકી તરહ સબકા ‘હેર-કટ હોના ચાહીયે!”

તે દિવસે અમને બન્નેને કંપનીના ૯૬ કૅડેટ્સના શાપ સાંભળવા મળ્યા. અમારા નસીબ 

સારા કે અમારા કૅડેટ્સમાં કોઇ દુર્વાસા કે પરશુરામ નહોતા. નહીં તો…

આવી સામુહિક ‘મુબારકબાદી’ જીંદગીમાં આ પહેલાં એક જ વાર કર્નલ 

વિષ્ણુ શર્માના ક્લાસમાં મળી હતી.

***

સેનામાં અપાતા હુકમ સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ જેથી તેના અમલમાં 

જરા જેટલી શંકા ન રહે. હુકમ આપ્યા બાદ અમને પૂછવામાં આવે : ‘કોઇ શક?’

આનો જવાબ આપવાનો ન હોય. આના જવાબની રાહ જોયા વગર જ અમને

હુકમ મળે, “કૅરી ઑન’. આનું પ્રાત્યક્ષિક અમને ડગલે ને પગલે અપાતું. દાખલા તરીકે અમારા કોઈ હવાલદાર- અમારા ઉસ્તાદજી અમને કોઈ શિક્ષા આપે, તો તેમનો હુકમ આ પ્રમાણે હોય:

`જીસી. આપકે પૂરા બાયેં દેખો, સૌ ગજ પર કિકર કા દરખ્ત. દેખા?’ દરખ્ત વૃક્ષ 

માટેનો ઉર્દુ શબ્દ છે. કિકર એટલે બાવળ.

અમારો જવાબ ફક્ત આટલો જ હોય : `દેખા, ઉસ્તાદ.’

`આપ દૌડકે ઉસકે દાયેંસે જા કર બાયેંસે આ કર અપની જગહ પર વાપિસ 

ખડે હો જાયેંગે. કોઇ શક?’

એક દિવસ વેપન્સ ટ્રેનિંગમાં અમે બેસીને અમારા ઉસ્તાદનું ડેમોન્સ્ટ્રેશન જોઈ 

રહ્યા હતા. 

ઠંડો પવન વાતો હતો અને મને ઝોકું આવી ગયું. સાર્જન્ટે સાદ પાડ્યો,

`જીસી સેવન્ટી ફાઇવ, ખડે હો જાયેં.”

હું ઉભો થઇ ગયો.

ઉસ્તાદ બોલ્યા, “સામને દેખ, દો સો ગજ દૂર, કિકર. દેખા?”

મેં મજાક કરવાનો વિચાર કર્યો અને તેઓ આગળ કંઇ બોલે તે પહેલાં મેં કહ્યું, `દેખા, ઉસ્તાદ. ક્યા મૈં ઉસકે દાયેંસે જા કર બાંયેસે વાપસ આઉં?’

અમારા ઉસ્તાદ જાય તેવા નહોતા. તેમણે કહ્યું, `આપને બિલકુલ દુરુસ્ત (બરાબર) સમઝા જીસી. આપને અકલ કા ઠીક 

ઇસ્તેમાલ કિયા હૈ, ઇસ લિયે આપ ઉસકા ચક્કર દોબારકાટેંગે!.’

***

પંજાબના અફસરો માટે બે વાત મજાકમાં હંમેશા કહેવાતી – અને તેઓ 

આ વિશે જાણે પણ છે. આ બન્ને વાતો અમારા ઇન્સ્ટ્રક્ટર પાસેથી સાંભળેલી 

અને તેમણે તેમના શિક્ષકો પાસેથી. આ વાત લગભગ બધે પ્રચલિત છે. 

એક : The only culture Punjab has is Agriculture. બીજી વાત : પંજાબી અફસરો – ખાસ કરીને શીખ અફસરો 

અંગ્રેજી પણ પંજાબીમાં બોલે છે. આ કેમ તે સમજાવીશ. 

દેશના ભાગલા થતાં પહેલાં પંજાબી ભાષાની લેખન પદ્ધતિ ઉર્દુ હતી.

દેશ સ્વતંત્ર થયા બાદ શીખ ગુરૂઓએ લખેલ ગુરુ ગ્રંથ સાહિબની લિપી 

ગુરમુખી છે તેનો ઉપયોગ કરવાનો નિર્ણય પંજાબની સરકારે કર્યો. ગુરમુખી 

શૈલીમાં સામાન્ય રીતે જોડાક્ષર નથી હોતા. આ કારણસર કે કેમ, પંજાબમાં ખાસ કરીને ‘સ’ કે અંગ્રેજી ’S’ સાથે કોઇ જોડાક્ષર હોય તો 

પંજાબીઓ તેને અચૂક જુદા કરીને બોલવાના. આ ક્ષતિ ‘સુધારવા’ જ્યાં ’S’ જુદો 

હોય તો તેઓ તેને તેની બાદના અક્ષર સાથે જોડીને ઉચ્ચારશે. 

એક વાર ઇન્ફન્‌ટ્રી બટાલિયનની સંઘટનાનો (organisation)નો પાઠ લેવા 

રિસાલાના કર્નલ રંધાવા આવ્યા. રાઇફલ કંપનીની ચર્ચા બાદ તેઓ ‘સ્પોર્ટ કંપની’ 

સમજાવવા લાગ્યા. હું તો મિલિટરીની બાબતોમાં ગામડિયો ગમાર હતો. કર્નલ 

વારે વારે ‘સ્પોર્ટ કંપની’ – ‘સ્પોર્ટ કંપની’ બોલતા પણ તેમાં રમત ગમતનો 

ઉલ્લેખ જરા પણ નહોતો. અંતે મેં હાથ ઉંચો કર્યો.

“યસ, જીસી?”

“સર, આ સ્પોર્ટ કંપનીમાં ક્રિકેટ રમાય છે કે નહીં?”

પ્રથમ તો આખા વર્ગમાં સોપો પડી ગયો અને પછી હસાહસ.

“અહિં આવતાં પહેલાં તું કોમેડિયન હતો? મારી મજાક કરે છે? ચાલ દસ 

ફ્રન્ટ રોલ કર જોઉં.”

દસ ગુલાંટિયા ખાઇને પાછો મારી જગ્યાએ આવ્યો ત્યારે મારી બાજુમાં 

બેઠેલા બહેરામ ઇરાનીએ મારા કાનમાં કહ્યું, “અરે, ગધેરા, આય ટો સપોર્ટ કંપનીની વાટ કરટો હુટો. હવેથી ચૂપ મરજે, 

નહીં તો અમોને બી ફ્રન્ટ રોલ મલસે!”

***

અમારી કંપનીના કૅડેટ સાર્જન્ટ મેજર જીસી સુરજીત સિંઘ સંધનવાલિયા હતા.  

તેમનું કામ હતું કંપની હેડક્વાર્ટર્સમાંથી અમારા માટેના આદેશ અને બીજા 

દિવસના કાર્યક્રમની રૂપરેખા મેળવી અમને હુકમ સંભળાવવાના.

અમારી મેસમાં વિઝિટર્સ બૂક હતી. તેમાં ફક્ત બહારથી આવેલા મહેમાન જ 

લખી શકે. અમારા કેટલાક શાણા જીસીઓએ પોતાની ટિપ્પણી લખી હતી. 

કંપની કમાંડરે આદેશ સંભળાવ્યો હતો,”There will be no scribbling in the

Visitors Book by cadets.”

સંધનવાલિયાએ હુકમ સંભળાવ્યો, ‘ધેર વિલ બી નો સિ-ક્રિ-બિલિંગ ઇન 

ધ વિઝિટર્સ બુક.”

આ સાંભળી અનેક પ્રયત્નો છતાં હું હસવું રોકી શક્યો નહીં.”

‘જીસી, વ્હૉટ ઇસ સો ફણી? ઇફ ઇટ ઇઝ અ જોક, આઇ ઍમ નૉટ લાફિંગ.”

Funny શબ્દનો ઉચ્ચાર ‘ફણી’ સાંભળી મારાથી ફરી હસી પડાયું.

ત્યાર પછીના ત્રણ દિવસ મારી પીઠની પીડા અસહ્ય હતી. ડિનર બાદ પીઠ્ઠુ 

પરેડમાં પીઠ પરના હૅવરસૅકમાં બે ઇંટ મૂકી સીધા અને ઉંધા ગલોટિયાં 

ખાવા પડ્યા હતા. ત્રણ રાત. સત્તા આગળ શાણપણ  નકામું, અને મજાક

તો સાવ નકામી.

***

રોજ લંચ અને ડિનર વખતે મારી બાજુમાં બહેરામ બેસતો. તે અરસામાં 

રમઝાનનો પવિત્ર મહિનો આવ્યો. અમારી કંપનીમાં ચાર મુસ્લિમ કૅડેટ્સ હતા. 

દિવસે તો તેઓ કશું ખાય નહીં, તેથી તેમના માટે ઇફ્તારનું સ્પેશિયલ ભોજન 

(તંદૂરી ચિકન, બિરયાની, શિર ખોરમાનું પુડિંગ વિ.) પીરસાતું. બીજા દિવસે 

બહેરામે મેસ હવાલદારને તેની હૂરટી-હિંદીમાં કહ્યું, “હમ બી રોઝા રખટા હું.

હમારા લિયે ઇફ્ટાર કા બન્દોબસ કરનેકા.” 

મેસ હવાલદારે તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરી. તે રાતે તો બહેરામે કંઇ

ખાવાનું ઝાપટ્યું છે! 

બીજા દિવસે લંચ માટે તે આવ્યો ત્યારે મેસ હવાલદારે કહ્યું, “સર, આપે તો રોઝા રખ્યા છે, તેથી આજથી રમઝાન દરમિયાન 

આપને લંચ નહીં મળે…”

બિચારો બહેરામ!

બસ, આમ મજેમાં દિવસ પસાર થતા હતા, ટ્રેનિંગ પૂરી થવા માટે ફક્ત

એક મહિનો બાકી હતો. આ એક મહિનામાં અમારી સૌથી મોટી પરીક્ષા કહો

કે અમારા અફસર તરીકેના સર્વાંગીણ મૂલ્યાંકનની કસોટી થવાની હતી. ગયા

છ મહિનામાં અમે મેળવેલ પ્રશિક્ષણ અમે કેટલી સારી રીતે આત્મસાત્ કર્યું છે

તેનો મત્સ્યવેધ થવાનો હતો એક મોટી ‘એક્સરસાઇઝ’માં.

 ”એક્સરસાઇઝ પરિક્રમા’.    Posted by Capt. Narendra 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: