જિપ્સીની ડાયરી-કૌન દેસ હૈ જાના?

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Monday, June 28, 2021

કૌન દેસ હૈ જાના?

    મિલિટરી સ્પેશીયલ ટ્રેન સૈનિકોથી ખીચોખીચ ભરાયેલી હતી. અપરિણીત 

અફસરો એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા. કેટલાક સિગરેટની ધુમ્રસેરનો 

આધાર લઇ પોતાની ભાવના, પોતાના વિચારોને તન અને મનમાંથી બહાર કાઢવાનો 

પ્રયત્ન કરી રહ્યા હતા. એટલામાં હરીશ શર્મા અને તેનાં પત્નિ અમારી પાસે આવ્યા 

અને અમને કોઇ વાતની ચિંતા ન કરવા કહ્યું. હરીશે કહ્યું કે તેના વૃદ્ધ માતા પિતા 

જોધપુરથી ઝાંસી આવી ગયા છે. અનુરાધા આ શહેર અને મુલકથી અજાણી તેથી તે 

એકલી અમારા ક્વાર્ટરમાં રહે તેના કરતાં તે મિસેસ શર્મા સાથે રહેવા જાય તો સારૂં. 

હરીશના માતા-પિતા તેનું દીકરીની જેમ ધ્યાન રાખશે તેથી મારે મારાં અનુરાધાની ચિંતા 

કરવાની નથી. એટલામાં કૅપ્ટન તિવારી પણ ત્યાં આવી પહોંચ્યો અને જણાવ્યું કે એક 

અઠવાડીયામાં અફસરોની પત્નીઓને ઘેર જવા માટે ખાસ રિઝર્વેશન મળી જશે, અને અમારા 

ઓર્ડર્લીની સાથે અનુરાધાને ઠેઠ અમદાવાદ સુધી મોકલવામાં આવશે. એટલામાં એન્જિન ડ્રાઇવરે પહેલું હૉર્ન વગાડ્યું, અને ટ્રેન કમાંડરે સૌને ટ્રેનમાં ચઢવાનો હુકમ આપ્યો. હવે ગાર્ડે 

સિટી વગાડી. મિલિટરી સ્પેશીયલ માઇલો લાંબા પ્લૅટફોર્મને છોડી અજાણ્યા સ્થળે જવા 

નિકળી પડી. માઇલો લાંબા પ્લૅટફોર્મ એટલા માટે કહ્યું કે તે સમયે પૂરા ભારતમાં સૌથી 

લાંબું રેલ્વે પ્લૅટફૉર્મ ઝાંસીમાં હતું. આખી આર્મર્ડ ડિવિઝનને રેલ્વે દ્વારા ત્વરિત રીતે દેશના 

કોઇ પણ ખૂણામાં મોકલવાની આ પૂર્વ તૈયારી મુજબ બાંધવામાં આવ્યું હતું.

    ડબાના દરવાજામાં ઉભા રહી અનુરાધાનો ચહેરો લુપ્ત થાય ત્યાં સુધી હું હાથ હલાવી તેને 

વિદાય આપતો રહ્યો. ત્યાર બાદ લાંબા સમય સુધી હું ટ્રેનના બારણામાં ઉભો ઊંડા વિચારમાં ખોવાઇ ગયો. 

    માણસ પૃથ્વી પર આવે તે પહેલાં તે શું અને કોણ હોય છે? જ્ઞાનીઓ કહે છે કે ધરતી પર 

અવતરતાં પહેલાં આત્મા અવકાશમાં વિહરતું તત્વ હોય છે. એવું પણ સાંભળ્યું છે કે વ્યક્તિનો 

જન્મ થતાં પહેલાં તેના આત્મા પર જન્મજન્માન્તરના કર્મ તથા સંબંધોના આવરણ ચઢી જતા 

હોય છે. નહિ તો કોઇ આત્મા અમુક જ પરિવારમાં તે શા માટે જન્મતો હોય છે? અને તે પણ 

નિશ્ચિત સમયે અને નિશ્ચિત સમય પૂરતો જ? એવું પણ વાંચ્યાનું યાદ છે કે મનુષ્યના જન્મ 

પહેલાં તેના જીવાત્મામાં ઉમેરાય છે સ્નેહ સંબંધ, ઋણ સંબંધ, અપેક્ષા સંબંધ અને નસીબજોગે 

જો અવતરેલો આત્મા સ્ત્રી તરીકે જન્મે તો તેના પર ચાર ગણા ભારનું આવરણ ચઢતું હોય છે. 

    કન્યાની વાત કરીએ તો જન્મ પછી તેને હંમેશા એક વાતનો અહેસાસ કરાવાતો હોય છે 

કે તે પારકું ધન છે; દીકરી એટલે સાપના ભારા…… બાની જ વાત જુઓને! જન્મ્યા ત્યારથી

તેમણે કેટકેટલા ભાર ઉઠાવ્યા હતા! પાંચ વર્ષની વયે પિતાનું અવસાન, ૧૮-૧૯ વર્ષનાં થયાં 

ત્યારે માતાનું છત્ર ખોયું અને ૨૯મા વર્ષે વૈધવ્ય. ચાર સંતાનોને ઉછેરવાની જવાબદારી ૨૧ 

વર્ષ સુધી – હું કૉલેજનું ભણતર પૂરૂં કરી શકું ત્યાં સુધી એકલા પંડે ઉપાડી હતી. અને અનુરાધા? પરદેશમાં જન્મેલી આ યુવતી દારેસલામમાં માતા-પિતા અને ભાઇબહેનોનો મોટો પરિવાર છોડીને એકલી ભારતમાં આવી હતી. હમણાં જ અમારા 

લગ્ન થયા હતા, અને હવે હું તેને મિત્ર-પત્નીના આશ્રય પર છોડીને જઇ રહ્યો હતો! અમદાવાદ 

સુધીનો ચોવિસ કલાકનો પ્રવાસ તે એકલી કેવી રીતે કરી શકશે? ત્યાં ગયા પછી તે કેવી રીતે રહેશે તેનો વિચાર કરવાની 

મારામાં હિંમત નહોતી. અંતે ડબાનું બારણું બંધ કરી મારા સાથીઓ પાસે જઇ બેઠો.

    ટ્રેન પુરપાટ ઝડપે જઇ રહી હતી. મારા એકલાના જ નહિ, બા, અનુરાધા, મારી બહેનો અને

અમારા જીવનમાં આવી રહેલા નવા બાળક – સૌનાં જીવનની એક નવી યાત્રા શરૂ થઇ હતી. જીવનના રેલપથ પર એક ડબાના પ્રવાસીઓની 

જેમ ભલે સાથે પ્રવાસ કરતા લાગે, પણ પરમ સત્ય તો એ છે કે દરેક માણસ માટે જીવન પોતાની 

વ્યક્તિગત યાત્રા હોય છે. દરેકનો આખરી પડાવ જુદો હોય છે. ‘ઉતરવાના સ્ટેશન’ના વિચારમાં ‘સહયાત્રી’ઓના સંગાથમાં રહીને પણ દરેક માણસ એકાકિ 

હોય છે. મારા પરિવારની વાત કરું તો અમારા પ્રવાસની મંઝીલ ક્યાં છે તેનો ન તો મને ખ્યાલ હતો, ન મારા પ્રિયજનોને.

    અત્યારે તો હું એક અજાણ્યા પથ પર એકલો પ્રવાસ કરી રહ્યો હતો. મને મારા ગંતવ્યસ્થાનની સુદ્ધાં જાણ નહોતી. મને મારા પિતાજીના રૅકોર્ડ્ઝના સંગ્રહમાંનું પંકજ કુમાર મલ્લીકનું સાંભર્યું – કૌન દેસ હૈ જાના બાબુ, કૌન દેસ હૈ જાના?

… ખરે જ, આ જીવ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જઇ રહયો હતો?

Posted by Capt. Narendra 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: