સાંજ પડી ગઇ હતી. મુવમેન્ટ કન્ટ્રોલ ઑફિસરે મને જણાવ્યું કે મારી બટાલિયનની
છાવણી જાલંધરથી થોડે દૂર સુરાનૂસી ગામની નજીક છે અને તેણે મારા માટે વાહનની
સગવડ કરી આપી. મારા સહાયકે મારા ‘ઉતારો’ તૈયાર કરી રાખ્યો હતો: એક ઝાડની
નીચે મારો કૅરેવાન હતો. બાજુમાં નાનકડા તંબુમાં બાથરૂમ બનાવી હતી. કૅરેવાનની
પશ્ચિમ દિશામાં સારો છાંયડો જોઇ તેણે ત્યાં કૅમ્પ સ્ટૂલ અને કૅમ્પ ચૅર ગોઠવી હતી.
ઉપર આકાશ, આસપાસ ચોમેર ખુલ્લી જમીન અને ધીરે ધીરે પ્રકટ થતા તારક
સમૂહને જોઇ વિમાસી રહ્યો હતો. સપ્તર્ષિ તરફ નજર જતાં મને જુની યાદ આવી.
નાનો હતો અમને કોઇએ શીખવ્યું હતું કે રાતના ધ્રૂવ તારક શોધવો હોય તો
સપ્તર્ષિના પ્રથમ બે ઋષિઓની ડાબી તરફ કલ્પિત લાઇન દોરવાથી ધ્રુવ દેખાશે.
હું તે રાતે સપ્તર્ષિ તરફ જોઇ રહ્યો હતો ત્યારે મારાં બાએ મને પૂછ્યું, “આ
ઋષિઓમાં વશિષ્ઠ ક્યાં છે તે તને ખબર છે?” મને ખબર નહોતી.
તેમણે મને બતાવીને કહ્યું, “હવે ધારી ધારીને જો. તેમની નજીક ઋષિપત્ની
અરૂંધતિ દેખાશે. આ સાતે ઋષિઓમાં એકલા વશિષ્ઠની સાથે જ તેમનાં
અવિભાજ્ય અંગ સમાન પત્નીને આ તારકસમૂહમાં સ્થાન મળ્યું છે! આને
તેમના સ્નેહનું ફળ કહે કે પતિવ્રતાની તપસ્યા.” બાને આ વાત કોણે કહી
એ તો મને ખબર નથી, પણ પ્રથમ દૃષ્ટીએ દેવી અરૂંધતિ ન દેખાયાં. બાએ કહ્યા
પ્રમાણે ‘ધારી ધારીને’ જોયા બાદ નાનકડી હિરાકણી-સમી ટમટમતી તારિકા
અરૂંધતિનાં દર્શન થયાં! કહેવાય છે કે જ્યારે કોઇ પુરૂષને અરૂંધતિ ન દેખાય,
તેનું અવસાન અવશ્ય છે. આનો ખરો અર્થ એ છે કે મનુષ્યના જીવનમાં તેની
પડખે રહેતી તેની અર્ધાંગિની તેને દેખાતી બંધ થાય – ઉપેક્ષા કહો કે પછી
કોઇ પણ અર્થમાં હોય – આવા માણસનું જીવન મૃતપ્રાય જ સમજવું. પંજાબના
આ સપાટ મેદાનમાં શસ્ત્રસજ્જ અવસ્થામાં તંબુઓમાં પડેલા સૈનિકોને આ ઘનઘોર
અંધારી રાતમાં તેમની અરૂંધતિનો વિચાર આવતો હશે કે કેમ, કોણ જાણે! તે રાતે
આ કૅમ્પમાં, કોટ્યાવધિ તારકોની છાયામાં મેં મને એકાકિ વટેમાર્ગુના સ્વરૂપમાં જોયો.
એક એવો જણ જેનું ઘર એક કૅરેવાન છે. પથ અજાણ્યો છે. કેવળ ચાર દિવસ પહેલાં તે
તેના પરિવાર સાથે, માતા, બહેનો, પત્ની અને અન્ય સગાંવહાલાંઓ સાથે હતો અને
અચાનક આજે તેને એકલા કૂચ કરવાની છે. ક્યાં અને ક્યારે, કોઇને ખબર નહોતી. તે દિવસે મેં મને એક નવા સ્વરૂપમાં જોયો. એક જિપ્સીના. પાછળ ખડો હતો તેનો કૅરેવાન – તેનો સિગરામ.
આજથી તેની રોજનીશી લખાય છે તેની સ્મૃતિમાં. એક અદૃશ્ય કલમથી, અદૃશ્ય
પાનાંઓમાં. અત્યારે આ બ્લૉગમાં જે ઉતરે છે તે તેની સ્મૃતિનું મૂર્ત સ્વરૂપ છે.