જિપ્સીની ડાયરી-૧૯૬૯ : દાવાનળ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Tuesday, August 17, 2021

૧૯૬૯ : દાવાનળ

    દાંતિવાડા (બનાસકાંઠા)માં તે સમયે BSFની બે બટાલિયનો માટેનું મુખ્ય મથક

બનાવવામાં આવ્યું હતું. અમારી કંપનીઓ (દરેક કંપનીમાં લગભગ ૧૨૦ જવાન-

અફસર હોય) બૉર્ડર પર જાય તે પહેલાં ઘનિષ્ઠ રીતે દરેક પ્રકારના યુદ્ધના અભિયાનો

તથા I.S. Duty (ઇન્ટર્નલ સિક્યૉરિટી ડ્યુટી) માટે તૈયારી કરી રહી હતી. કંપની

કમાંડર તરીકે અમારે કંપનીના દરેક જવાનને એવી રીતે તૈયાર કરવાનો હતો કે

જરૂર પડતાં કોઇના માર્ગદર્શન વગર તેને સોંપાયેલ ફરજ તે બજાવી શકે. બૉર્ડર

પર તહેનાત થવા માટે હજી સમય હતો. અમારે IS Duties માટે પણ તૈયાર રહેવાનું

હતું તેથી તે અંગેની અમે સૌએ પ્રૅક્ટિસ કરી હતી. તેવામાં મારે નાગપુર ખાતે આવેલ

સિવિલ ડિફેન્સ કૉલેજમાં પ્રશિક્ષણ માટે જવાનું થયું.  

સપ્ટેમ્બર ૧૯૬૯ : 

તે દિવસે હું નાગપુરથી ટ્રેનિંગ પૂરી કરીને અમદાવાદ આવ્યો ત્યારે અનુરાધા અને

નાનકડી કાશ્મિરા અમદાવાદ હતા. તેમને લઇ બીજા દિવસે દાંતિવાડા જવાની

તૈયારી કરી ત્યાં સમાચાર મળ્યા કે શહેરમાં તોફાન ફાટી નીકળ્યા છે. ૧૯૬૭ બાદ

અમદાવાદમાં મોટા પાયા પર જ્યારે પણ અશાંતિ થતી ત્યારે બીએસએફને

બોલાવવામાં આવે. સવારે રેડિયો પર સમાચાર સાંભળી ખ્યાલ આવ્યો કે આ

વખતે તોફાને માઝા મૂકી હતી. ન્યુ મેન્ટલ પાસે આવેલા અમારા હેડક્વાર્ટર્સમાં

ફોન કર્યો તો જાણવા મળ્યું કે અમારી બટાલિયન આગલી રાતે જ દાંતિવાડાથી

અમદાવાદ આવી હતી અને શહેરના કોટ વિસ્તારમાં આવેલા કાળુપુર-દરિયાપુર

વિસ્તારમાં ફરજ પર હતી. શહેરમાં તોફાન ચાલી રહ્યા હતા. અમારા વાહનો અને

બધા ‘રીસોર્સીઝ’ ડ્યુટી પર પરોવાયા હતા. હેડક્વાર્ટર્સના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે

મને હુકમ આપ્યો કે તેઓ મારા માટે ગાડી કે ‘એસ્કૉર્ટ’ મોકલી શકશે નહિ, અને

મારે કોઇ પણ હિસાબે કાળુપુરમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવી

રહેલ અમારી ટુકડીમાં પહોંચી જવાનું છે! મીઠાખળીમાં રિક્ષા કે ટૅક્સી નજરે પડતી

નહોતી. હું મીઠાખળી છ રસ્તા તથા નવરંગપુરા તરફ જવાનો વિચાર કરતો હતો

ત્યાં અમારા પાડોશી મારી પાસે આવ્યા. “સાહેબ, તમે બીએસએફના અફસર છો

તે જાણીને વિનંતી કરવા આવ્યો છું. અમારા ભાઇનો પરિવાર કાળુપુરના હિંસાગ્રસ્ત

વિસ્તારને અડીને આવેલ પોળમાં રહે છે. અમને તેમની ચિંતા છે. તેમને ત્યાંથી બહાર

લાવી, નજીકની જ સલામત ગણાતી ટંકશાળની પોળમાં ખસેડવાના છે. તમે અમને

મદદ કરી શકો? તેમના ઘર સુધી લઇ જવા મોટરની વ્યવસ્થા હું કરીશ. તમે યુનિફૉર્મ

પહેરેલો હશે તો તમને કોઇ નહિ રોકે.” 

    અમારી બટાલિયન એ જ વિસ્તારમાં હતી તેથી હું તરત તૈયાર થઇ ગયો.

યુનિફૉર્મ તો પહેર્યો હતો, પણ મારી પાસે મારી ૯ મિલિમિટર કૅલીબરની સર્વિસ

પિસ્તોલ નહોતી. નાગપુરના કોર્સ માટે હથિયાર જરૂરી નહોતાં તેથી હું નિ:શસ્ત્ર

હતો. મને થયું, યુનિફૉર્મ પહેરેલા અફસરને કોણ રોકશે? 

  અમે તેમની ફિયૅટ કારમાં નીકળ્યા. સરદાર બ્રિજ પાર કરી દિલ્હી દરવાજે પાસે

પહોંચ્યા કે ડાબી બાજુએ આવેલી એક ચાલીમાંથી ધારિયાં, લોખંડના સળીયા

અને લાઠીઓ લઇને મોટું ટોળું ધસી આવ્યું. અમારા મિત્ર કાન્તિભાઇ શાહ ગાડી

ચલાવી રહ્યા હતા, મેં તેમને ગાડી રોકવા કહ્યું. મારો યુનિફૉર્મ જોઇને તથા મારી

વાત સાંભળીને તેઓ અમારા પ્રવાસમાં અડચણ ઉભી નહિ કરે એવી મને ખાતરી

હતી. મેં બારણાંનો કાચ નીચે કર્યો, અને લોકોને થોભી જવા માટે હાથ બહાર

કાઢ્યો, પણ કાન્તિભાઇએ ગાડી પૂર ઝડપે મારી મૂકી. ટોળાંના માણસોએ ધારિયાનાં

ઘા માર્યા તે ફિયેટના બૉનેટ, છાપરા પર અને મારી સીટના બારણા પર પડ્યા. મારો

હાથ પૂરો બહાર નહોતો નીકળ્યો, તેથી સહેજમાં બચી ગયો. હું કાન્તિભાઇ પર

નારાજ થયો અને કહ્યું, “તમે ગાડી રોકી હોત તો આવું ન થાત. હું સંભાળી લેત.”

     “નરેનભાઇ, આવા ગાંડાતુર ટોળા પર કદી વિશ્વાસ રખાય? એ તો પહેલાં

કતલ કરે, અને ત્યાર પછી તપાસ કરે કે ગાડીમાં પ્રવાસ કરાનારા કઇ કોમના હતા.” 

   તેમની વાત સાચી હતી. ગાડી પર પડેલા ધારિયાનાં ઊંડા ઘા પરથી તેમના ઝનુનનો

ખ્યાલ આવી ગયો. એક અન્ય વાત – જે હું તે સમયે ભુલી ગયો હતો. તે હતી જનતાની

પોલીસ વિરોધી ભાવના, જે આવા સમયે સઘન રીતે વ્યક્ત થાય છે.

    અંગ્રેજોના સમયથી આંદોલન માટે એકઠી થતી જનતાને વેરવિખેર કરવા વિદેશી

સરકાર પોલીસનો વારંવાર ઉપયોગ કરતી. શાંત, અહિંસક ખાદીધારી પ્રદર્શનકારીઓ

પર ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કરાવવામાં આવતો. સામાન્ય પત્થરબાજી થતી તો તેને

ડામવા ગોળીબાર કરવાનો હુકમ પણ સહેલાઇથી અપાતો અને તેનું પાલન કરવા

સામાન્ય પોલીસના કર્મચારી બાધ્ય હતા. આ પરંપરા કેટલા સમય સુધી ચાલી તેનો

અંદાજ આવે તે માટે જણાવવું જોઇએ કે મહાગુજરાતના આંદોલન (ઑગસ્ટ

૧૯૫૬)ના સમયે મોરારજીભાઇ દેસાઇ દ્વિભાષી મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે

અમદાવાદમાં સભા કરી દ્વિભાષી રાજ્યનું જોરદાર સમર્થન કર્યું ત્યારે અમદાવાદના લાલ

દરવાજામાં કેટલા તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરબાજી કરી અને નાસી ગયા;

નિ:શસ્ત્ર પોલીસે તરત હથિયારબંધ દળને બોલાવ્યું અને તેમણે આવીને ત્યાં નજીકની

કૉલેજમાંથી એકઠા થયેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો.  કેટલાક વિદ્યાર્થીઓ અને

રાહદારીઓ મૃત્યુ પામ્યા હતા. જોતજોતામાં તેના પ્રત્યાઘાત આખા શહેરમાં ફેલાઇ

ગયા. પરિણામ એ આવ્યું કે જ્યાં પોલીસ દેખાય, જનતા તેમનો સામનો કરવા લાગી

જતી. આમ જુના જમાનાથી જનતાનો આક્રોશ ખાખી વર્દીધારી પોલીસ સામે હતો.

તેથી કોઇ પણ હુલ્લડ કે એવી જ કોઇ પરિસ્થિતિ ઊભી થાય અને તે રોકવા પોલીસ

જાય તો  જનતા તેમના પર જ પથ્થરબાજી અને હિંસક હુમલો કરે.     તે દિવસે મારો

પહેરેલો BSFનો યુનિફૉર્મ ખાખી રંગનો હતો. ટોળાંને પોલીસ અને બીએસએફ વચ્ચેના

તફાવતની નથી પડી હોતી અને અમારા પર થનારા જીવલેણ હુમલામાંથી કાન્તિભાઇની

સમયસૂચકતાને કારણે અમે જીવતા કાળુપુર પહોંચ્યા! ત્યાં અમારી બટાલિયનની કંપની

ડ્યુટી પર હતી. જવાનોએ અમારા પાડોશીનાં સગાંવહાલાંઓને સુરક્ષિત સ્થાન પર 

પહોંચાડ્યા. મને મારી બટાલિયન સુધી પહોંચાડવા માટે મેં તેમનો આભાર માન્યો

અને ફરજ પર લાગી ગયો.

    તે રાતે હું એક સેક્શન (દસ જવાન) લઇ અસારવા વિસ્તારમાં પેટ્રોલીંગ પર ગયો.

કર્ફ્યુ હોવાથી રસ્તાઓ સામસુમ હતા. ટાંકણી પડે તો પણ સંભળાય એવી ભયાનક

શાંતિ. રસ્તામાં લગભગ કાટખુણા જેવો વળાંક આવ્યો. જેવા અમે ત્યાં  વળ્યા, વીસે’ક

મીટર પર ચાર-પાંચ માણસ હોળી સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમે તેમને

પડકારતાં જ તેઓ નાસી ગયા. અમે ‘હોળી’ પાસે પહોંચ્યા અને જોયું તો લાકડાના

ઢગલામાં માણસનો પગ દેખાયો. જવાનોએ ઝડપથી લાકડાં હઠાવ્યા તો અંદર

લોહીથી લથપથ બે લાશો હતી. અમે વાયરલેસથી ઍમ્બ્યુલન્સ બોલાવી. અમને

shoot at sightના હુકમ મળ્યા હતા, તેથી સ્થળ પર ત્રણ જવાનોને ચોકી માટે

રાખ્યા અને હુકમ આપ્યો કે ઍમ્બ્યુલન્સ આવે તે પહેલાં કોઇ પણ માણસ અહીં

‘હોળી’ પેટવવા આવે તો ગોળીએ દેવા. આ હુકમ સાંભળી બે લાશોમાંની એક ઉભી

થઇ! આ ૨૦-૨૨ વર્ષનો ઘાયલ યુવાન હતો. તેને મરેલો ધારી તેને તથા તેના સાથીને

ગુંડાઓનું ટોળું બાળવાની તૈયારી કરતું હતું. સશસ્ત્ર સૈનિકો નાગરિકોની રક્ષા કરવા

આવી ગયા છે તેવી ખાતરી થતાં આ ઘાયલ યુવાન ઉઠ્યો અને ઉપકારવશ તેણે

અમારા પગ પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અમે તેને પાણી પાયું અને તેને

હૈયાધારણ આપી. થોડી વારે ઍમ્બ્યુલન્સ આવી પહોંચી અને અમે તેને તથા

તેના મૃત્યુ પામેલ સાથીને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યા. આખી રાત પેટ્રોલીંગ

કરી સવારના પહોરમાં મુખ્ય મથક પર અમે પહોંચ્યા ત્યાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરે

મને હુકમ આપ્યો, “હુલ્લડ બેકાબુ થયા છે. હવે બીએસએફની સાથે જામનગરથી

આર્મીની બ્રિગેડ (3000 સૈનિકો) તથા નીમચ (મધ્ય પ્રદેશ)થી સીઆરપીને

બોલાવવામાં આવેલ છે. તોફાનોને coordinated response આપી પરિસ્થિતિ પર

કાબુ કરવા માટે જામનગર બ્રિગેડ મેજરની આગેવાની નીચે શાહીબાગમાં પોલિસ

કમીશ્નરની કચેરીમાં ‘જોઇન્ટ ઑપરેશનલ કન્ટ્રોલ રૂમ’ (JOC) સ્થાપવામાં આવી છે.

બીએસએફના પ્રતિનિધિ તરીકે તને મોકલું છું. ત્યાં જઇને તારે શું કરવાનું છે તે બ્રિગેડ

મેજર કહેશે. તું હમણાં જ નીકળ,” કહી તેઓ રવાના થઇ ગયા. 

***

    ગુજરાતમાં કોમી અશાંતિ કોઇ નવી વાત નથી. અમદાવાદનો ઇતિહાસ

જોઇએ તો આ શહેરમાં છેક સન ૧૭૧૪થી કોમી તંગદિલી થતી આવી છે

અને તેના પ્રત્યાઘાત ઘણી વાર હિંસક સ્વરૂપના થયા છે. 

   અમદાવાદમાં થયેલા કોમી હુલ્લડોનો ઇતિહાસ જોઇએ તો તેના બે મુખ્ય

કારણો છે. એક તો ધાર્મિક ઉત્સવોની ઉજવણી – જેમાં મસ્જીદ પાસેથી

નીકળતા વરઘોડા – જેમ કે રથયાત્રા, કે વાજાં સાથે નીકળતી કોઇ ઉત્સવની

શોભાયાત્રા; મંદિરોમાં સંધ્યા ટાણે મંજીરાં કે ઘંટ વગાડીને આરતી થતી હોય

અને તે સાંજની નમાજનો સમય હોય; હોળી જેવા ઉત્સવ જેમાં રંગ છાંટવામાં

આવે કે જુના જુમાનામાં અમુક ધર્મના સ્થળ પાસે સામુહિક કુરબાનીનો

કાર્યક્રમ થતો હોય. બીજું મોટું – અને અતિ મહત્વનું કારણ છે અફવા. ખાસ કરીને

કોઇ પંથના ધર્મ ગ્રંથ કે તેમના ધર્મસ્થાનના થયેલા કથિત અપમાનની અફવા.

મોટા ભાગે આવી અફવાઓમાં સત્ય હોતું નથી, પણ તે સાંભળી લોકોની

ભાવનાને ઉશ્કેરનારા ઉગ્રવાદી ‘નેતા’ઓને કારણે તેની પરિણતી એક દવની

જેમ ચોમેર સળગી ઉઠે છે. 

    ૧૯૬૯માં આવું જ થયું હતું.

    ૩ સપ્ટેમ્બર ૧૯૬૯ના દિવસે થયેલા બે પ્રસંગો કહો કે તે વિશે ફેલાયેલી 

અફવાની ચિનગારીને કારણે જે નરસંહાર થયો તેવો અમદાવાદમાં ફરી

કદી થયો નથી. 

    ૨૦૦૨માં પણ નહીં.             

 Posted by Capt. Narendra 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: