જિપ્સીની ડાયરી-5 ડિસેમ્બર 1971

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Wednesday, September 22, 2021

5 ડિસેમ્બર 1971

    C કંપની તરફ જતાં પહેલાં અમે સિચ્યુએશન રિપોર્ટ જોયા. ગઇ રાતના અમારી 

પોસ્ટ સાથે થયેલી વાયરલેસ વાતચીત અને હકીકતનું સંબંધિત બ્રિગેડ હેડક્વાર્ટર્સમાંથી 

પૂરું સમર્થન આવ્યું હતું.. કૅપ્ટન સામ્બ્યાલે જોયેલા લગભગ 400 સૈનિકો – એટલે 

બલોચ રેજીમેન્ટની બટાલિયનની ચાર કંપનીઓ. તેમાંની બે કંપનીઓએ બુર્જ 

ચોકી પર અને બે કંપનીઓએ ફતેહપુર પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ બન્ને 

પોસ્ટ  નજીક – નજીક હતી. 

મહેરસિંહની પ્લૅટૂનના સમાચાર અત્યંત ગંભીર હતા. મહેરસિંહ મૃતપ્રાય થયા 

હતા. તેમને તેમના મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કમાંડરે પોસ્ટ ખાલી કરવાનો 

હુકમ કર્યો, પણ ક્યાં જઇને મળવું તેનું RV (rendezvous – મિલનસ્થાન) જણાવ્યું નહોતું. મહેરસિંહે ઘાયલ અવસ્થામાં પણ પોસ્ટમાંના 

વાયરલેસના કોડ અને સંકેત અંગેના દસ્તાવેજ બાળીને નષ્ટ કર્યા. પોસ્ટમાંના 

સૈનિકોને હાથ ઊંચો કરી આશિર્વાદ આપ્યા અને પ્રાણ ત્યાગ્યા. ત્યાં સુધીમાં 

બલોચ સિપાહીઓ પોસ્ટની પાળ સુધી પહોંચ્યા હતા. જવાનોએ તેમને મળેલા 

હુકમ પ્રમાણે ગુપ્ત માર્ગેથી પોસ્ટ છોડી અને નજીક આવેલા શેરડીના ખેતરમાં 

છુપાયા. ત્યાં shallow trench ખોદી મોરચાબંધી કરી.

રાવિ પારની આલ્ફા કંપનીની તોતી નામની ચોકી પર થયેલા હુમલામાં આપણા 

જવાનોના હિંમત પ્રદર્શનની અજબ વાત સાંભળી. આ ચોકી પર હુમલો કરવા 

સામે વાળા લાઇનબંધ થતા હતા (જેને ઇન્ફન્ટ્રી ટૅક્ટિક્સમાં FUP – Forming

up Place કહેવાય છે), તેમની સામેની ટ્રેન્ચમાં કેરળનો જવાન પ્રભાકરન્ 

નાયર અને તેના બે સાથીઓ હતા. તેમણે તેમની રાઇફલ પર બેયૉનેટ ચઢાવી 

“ભારત માતાકી જય”ની ગર્જનાથી આવી રહેલા દુશ્મન પર ‘ચાર્જ’ કર્યો! દુશ્મન હેબતાઇ ગયા અને તેમને લાગ્યું કે તેમની ચાલ છતી થઇ છે. 

તેમની પહેલી હરોળના સૈનિકોમાં ભંગાણ પડ્યું અને એવું લાગ્યું કે હુમલો ટળી ગયો છે. પ્રભાકરન્ આગળ વધે તે પહેલાં દુશ્મનોની બીજી હરોળના સૈનિકોએ જોયું 

કે આ તો કેવળ ત્રણ યુવાનોએ ‘કાઉન્ટર ઍટેક કર્યો હતો. તેમણે છોડેલી ગોળીઓમાં 

પ્રભાકરન્ નાયર વીર થયો અને તેના સાથી ઘાયલ. આ રિપોર્ટ જોયા બાદ હું ચાર્લી કંપની તરફ જવા નીકળી ગયો.

    COના હુકમ પ્રમાણે મારૂં કામ સામાન્ય હતું. અમારા ચાર્લી કંપનીના સબ ઇન્સપેક્ટર દર્શનસિંહ અને શેરપુર 

પોસ્ટના જવાનોને મળી તેમને CO વતી શાબાશી આપી તેમને તેમના 

રિઝર્વ કંપનીના સ્થાન પર મોકલી, તેમની જરુરિયાતો જાણી તે પૂરી 

કરવાની વ્યવસ્થા કરવાની હતી. હું કેવળ મારી 9 mm પિસ્ટલ, એક સ્પૅર મૅગેઝીન લઇને નીકળ્યો. યુનિફૉર્મમાં ઉનનું 

શર્ટ, અને પાતળી જર્સી હતી. ઇક્વિપમેન્ટ નહોતી પહેરી, કેમ કે કામ 

પૂરું થતાં મારે પાછા હેડક્વાર્ટર્સમાં જવાનું હતું.

    ધુસ્સી બંધ પર પહોંચ્યો તો ત્યાં દર્શનસિંહ, અમારા વીસ જવાન આગલા હુકમની  રાહ જોઇ રહ્યા હતા. તેમને મળી દરેક જવાનની પીઠ થાબડી 

તેમને શાબાધી આપી. અમારા લાન્સ નાયક અજાયબસિંહ અને સંતોખસિંહ 

વીર ગતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. કૂલ સાત જવાન જખમી થયા હતા. સૌને 

મારા વન ટન ટ્રકમાં તેમના કંપની હેડક્વાર્ટરમાં મોકલ્યા અને ટ્રકને પાછા 

આવવાનું કહ્યું, મારે હજી મારી બીજી પોસ્ટ – માઝી મેવાઁના જવાનોને 

મળવાનું હતું. થોડી વારમાં તેઓ નદી પાર કરીને તેમના પત્તનથી ચાલીને 

અમારા મિલનસ્થાન પર આવી પહોંચ્યા અને તેમની સાથે વાત કરતો હતો 

ત્યાં ચાર્લી કંપનીના જવાબદારીના વિસ્તારના ઑપરેશનલ કમાંડર ઇન્ફન્ટ્રી 

રેજીમેન્ટના CO કર્નલ ગુરચરન સિંઘ તેમની રક્ષક ટુકડી સાથે આવી પહોંચ્યા. કોઇ ઔપચારિકતા કર્યા વગર તેમણે મને કહ્યું, “તું મારા ઑોરેશનલ આધિપત્ય નીચે છે. મારો તને હુકમ છે કે તારા જવાનોને 

લઇ માઝી મેવાં પોસ્ટ પર હુમલો કરી તેના પર કબજો કર. તમે બૉર્ડર સ્મગલિંગ 

ફોર્સ વાળાઓને હવે અસલ કામ કરવાનો વારો આવ્યો છે તો હવે પૂરો કરો.”

    મિલિટરીના કેટલાક અફસરોને BSF પ્રત્યે જે અવિશ્વાસ કહો કે અણગમો, 

તેના અનુભવોમાં વધારા થતા જતા હતા ! અને તે પણ યુદ્ધ જ્યારે ચરમ 

સીમા પર પહોંચ્યું હતું તેવા સમયે! હું આ વાત સહન કરી શક્યો નહીં.

મારે તેમને જે કહેવાનું હતું તે કહ્યું – જેનું અહીં પુનરૂચ્ચારણ નહીં કરીએ.

એટલું જ કહેવું યોગ્ય થશે કે મેં તેમને કહ્યું કે માઝી મેવાઁથી આવેલા

જવાનોને લઇ તે પોસ્ટનું reconnaissance કરી આગળ જે કાર્યવાહી

કરવાની હશે તે કરીશ.

     વયોવૃદ્ધ એવા પોસ્ટ કમાંડર S.I. મુલ્ક રાજે મારી તરફ અસાહય નજરે જોઇ જવાનોને લાઇનબંધ થવાનો હુકમ કર્યો. મેં આગળ વધીને અને કર્નલ સિંઘને કહ્યું, “મુલ્ક રાજને હું તેની ફરજમાંથી 

ફારેગ કરૂં છું. હું જઇ રહ્યો છું તેથી તેમને ત્યાં જવાની જરૂર નથી. ફરીથી

કહું છું કે પોસ્ટ પર ઍટેક નહીં, પણ રેકી  કરવાના ઇરાદાથી જઇશ. માઝી

મેવાઁ પ્લૅટૂન પોસ્ટ છે. તેના પર હુમલો કરવા મારે ઓછામાં ઓછી એક

કંપની – ૧૦૦ જવાન જોઇએ, અને તે પણ પૂરી રેકી કર્યા બાદ”  કહી, સૅલ્યૂટ કરી જવાનોની સામે ગયો અને પૂછ્યું, “મારી સાથે 

આવવા તૈયાર છો?”

“સાબજી, આપ અમારી સાથે હશો તો જ્યાં કહેશો ત્યાં જવા અમે તૈયાર છીએ,” પ્લૅટૂનના સિનિયર નાયક તુલસી રામે જવાબ 

આપ્યો. મેં તેને મારો સેકન્ડ-ઇન-કમાંડ નીમ્યો અને તેને હુકમ કર્યો કે જવાનોને લાઇનબંધ કરે. ડ્રિલ પ્રમાણે અમે જવાનોનાં હથિયાર અને 

ઍમ્યુનિશન તપાસ્યા. બધું બરાબર હતું. મેં તેમને હુકમ કર્યો “પ્લૅટૂન,  

સાવધાન! મેરે પીછે માર્ચ!” અને અમે ધુસ્સી બંધ પરથી રાવિ નદીના પટ

ઉતરવાનું શરૂ કર્યું. અમારી નાવ સામા કાંઠે હતી. તેથી નદીમાં ઉતરી

પગપાળા જ અમારે પાર જવાનું હતું.  તુલસીરામનો એક જવાન આ

જગ્યાથી પરિચિત હતો. તે  છિછરાં – એટલે ખભા-સમાણાં ઊંડાણવાળા

ભાગ તરફઅમને લઇ ગયો. આગળ હું, સાથે નાયક તુલસી રામ અને પાછળ ૨૨ જવાન.    

    ડિસેમ્બરની  કાતિલ ટાઢ હતી. માઝી મેવાંથી આવેલા જવાનોનાં કપડાં

હજી સૂકાયાં નહોતાં. “બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’ના નારા સાથે મેં

રાવિના જળમાં પગ મૂક્યો અને જાણે સો – સો વિંછીઓએ ડંખ માર્યો હોય

તેમ બરફ જેવા પાણીએ મારી ત્વચાને સ્પર્શ કરી મારૂં સ્વાગત કર્યું. ધીમે

ધીમે અમે આગળ વધ્યા. પાણી છાતી સમાણૂં થયું હતું. નીકળતાં પહેલાં મેં

મારી પિસ્તોલ મુલ્ક રાજને  આપી તેની સ્ટેનગન લીધી હતી. અમે સૌએ અમારા

હથિયાર અને રાઇફલની ગોળીઓના બંડોલિયર ઊંચા કર્યા જેથી તે પાણીમાં

ભિંજાય નહીં. અમારાં હાડ ઠરીને બરફ જેવા થયા હતા. 

   ધીરાં પણ મક્કમ પગલે અમે રાવિના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા હતાં

ત્યાં  મારી ડાબી બાજુએ  “છમ્.. છમ્..છમ્” જેવો અવાજ સંભળાયો – જાણે

ગરમ તવા પર પાણીનાં છાંટા પડ્યા હોય તેમ. બે – ત્રણ સેકંડ બાદ સંભળાયા

Rat-tat-tat જેવા ધડાકા. મેં ડાબી તરફ જોયું તો શેરપુર ચોકી પર કબજો

કરી, રાવિના કિનારા પર પોઝીશન લઇને બેઠેલા પાકિસ્તાની સૈનિકોની

બ્રાઉનિંગ મશિનગન અમારા પર  

ટ્રિગર દબાવી રહેલ સૈનિકના ટોપ પાસે સીધી દાંડી છે, તે
રેન્જ સેટર છે. ગોળીઓ છોડ્યા બાદ તેમની અમારા પર અસર થઇ
છે કે નહીં તે જોઇ આ રેન્જસેટરમાં ફેરફાર કરવામાં આવે છે અને ગનની
નળીનું alignment તે પ્રમાણે કરવામાં આવે છે..

ફાયરિંગ કરી રહી હતી. તેમના સૈનિકો દેખાયા નહીં, પણ જે ઝાડી પાછળથી 

તેઓ ફાયરિંગ કરી રહ્યા હતા ત્યાંથી નીકળતો ધુમાડો જોયો. એકા’દ

મિનિટ બાદ ફરી એક વાર તેમની મશિનગનનો બર્સ્ટ આવ્યો. અમે

તેમની રેન્જથી દૂર હતા અને તેઓ ranging કરી રહ્યા હતા તે સ્પષ્ટ

હતું. તેમની ગોળીઓના નાના બર્સ્ટથી જે ઘડીએ અમારામાંથી

કોઇને ગોળી વાગે તે accurate range થાય. ત્યાર બાદ  મિનિટની

૩૫૦ ગોળીઓ છોડનારી આ કાતિલ નળીમાંથી નીકળનારા મૃત્યુના

સંદેશાઓમાંથી રાવિના પ્રવાહના મધ્યમાં ફસાયેલા અમારામાંથી કોણ

બચી શકે? આ વિચાર આવે તે પહેલાં ફરી એક બર્સ્ટ આવ્યો, જે હવે

અમારાથી કેવળ પચાસે’ક ગજ છેટે હતો.

***Posted by Capt. Narendra

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: