વૃદ્ધત્વઃ મારું મનોમંથન

એક કોષી જીવ જન્મે છે બહુ કોષી શરીર ધારણ કરી વિકાસ પામે છે. સમય જતાં વિકાસ સિમિત થતો જાય, વિકાસ થંભે અને દેહ વૃદ્ધ થતો જાય છે વૃદ્ધ દેહ મૃત્યુ પામે છે. આ સનાતન સત્ય છે.

વાત છે વૃદ્ધત્વની.

થોડા દિવસ પહેલાં જ મેં જીવનના ૮૨ વર્ષ પુરા કર્યા. જૂના ફોટાઓ કાઢ્યા અને પરિવાર સાથે આનંદ મજાકની વાતો અને કોમન્ટ સાથે અતિત અને વર્તમાનના મારા શારીરિક દેખાવની ઘણી વાતો થઈ.  Grandpaa, You are not the same person as you was ten years ago. You should not drive for your and public safety.  બધા કહેતા હતા કે હજુ તો તમે યુવાન છો. ત્યારે મારી સ્પષ્ટ વક્તા (Big mouth) એક પૌત્રીએ ધડાકો કર્યો.

વૃદ્ધત્વ કે ઘડપણ સ્વીકારવાની એ ઘડી હતી.

મારા અનેક સ્વજનો અને વડીલમિત્રો મારા કરતાં ઉમ્મરમાં મોટા છે. શારીરિક માનસિક રીતે તંદુરસ્ત છે.; અને આનંદપૂર્વક જીવ્યે જાય છે. એમના મતે ઉમ્મર એ માત્ર આંકડો જ છે. ઘડપણ જેવી કોઈ વસ્તુ જ નથી. ખુબ સરસ વાત કહેવાય. જીવનના આખરી દિવસોમાં આ ખુમારીથી જ જીવવું જોઈએ. તન, મન અને ધનથી સુખી વ્યક્તિ જ આ રીતે જીવી શકે. બધા માટે આ ખુમારી શક્ય નથી.

સૌથી પહેલાં શરીરની જ વાત કરીએ. ‘શતં શરદ’ આશીર્વાદ પામેલ માનવી પણ અડધે આવ્યા પછી શારીરિક વિકાસ ગુમાવે છે. શરીરની ક્ષમતા ઘટે જ છે. આ હકિકત છે. શાહમૃગ વૃત્તિ રાખીને ઘડપણને નકારી ન શકાય. જીવનને અડધે રસ્ત્તે આવ્યા પછી મહિલા સંતાન પ્રાપ્તીની શક્તિ ગુમાવે છે. પુરુષના શુક્રાણુની સંખ્યા ઘટતી જાય છે.  લગભગ ૩૦ વર્ષની ઉમ્મરની આસપાસ કલર પિગ્મેંટેશન (melanocytes)  પ્રોડક્શન ધીમું પડી જાય. કાળા વાળ સફેદ થવા માંડે. આંખ અને કાનની શક્તિ ઘટવાની શરૂઆત થઈ જાય. લાંબુ જીવવા માટે પણ ઘરડા તો થવું જ પડે.

એક સમયે મેં ત્રીસ માઈલની સાઈકલ પર મુસાફરી કરી હતી. હવે સાઈકલ ચલાવી શકતો નથી. અભ્યાસ અને નોકરી સાઈકલ સવારી દ્વારા જ કરી હતી. તાપી અને નર્મદામાં તર્યો છું. હવે તરી શકતો નથી. પતંગ માટે ઢાળવાળા છાપરાઓ અને અગાસીમાં કૂદકા મારતો હતો. આજે ત્રણ ફૂટના સ્ટૂલપર ચઢતાં પણ બેલેંસ રહેતું નથી.

બસ પૌત્રીની કડવી વાત સ્વીકાર જ પડે. ગ્રાંડપાનું શરીર ચોક્કસપણે ઘરડું થયું છે. ડાયાબિટિસ સાથે ગાઢ મૈત્રી છે. એના અનેક (ગેર)ફાયદાનો આનંદ માણું છું જ છું. હાર્ટમાં ચારેક સ્ટેંટ છે. આખમાં ગ્લુકોમા, રેટિનોપેથી, કિડની અને આંતરડાઓ એનું સંગીત વગાડતાં જ રહે છે.

પણ એતો જલોટાના ભજન જેવા “તનકે તંબુરે તેરે” ની જ વાત છે. તનની વાત સામે મન તો હજુએ આંખવિચામણાં કરે છે. અત્યારમાં ઘરડા થઈ જવાય? શું કારની ચાવી છોકરાંઓને આપીને લાચાર થઈ જવાય? ના ભઈ ના. માત્ર ૮૨ વર્ષની ઉમ્મરમાં જ પરાવલંબી થઈ વાનું તો કેમ પોષાય?  મેં હમણાં જ એડલ્ટ કોમ્યુનિટીમાં એક કોન્ડોમિનિયમ ખરીદ્યો છે. કોમ્યુનિટિમાંની વસ્તીમાં રહેતા માણસોની એવરેજ ઉમ્મર ૭૨ વર્ષની છે. ૯૦ વર્ષની ઉમ્મરના સ્ત્રી પુરુષો ડ્રાઈવ કરે છે. ગોલ્ફ રમે છે, ટેનિસ અને પુલ રમે છે. સ્વિમિંગ પૂલ, જીમનેસિયમ અને અનેક જાતની ક્લબના સભ્યો છે. બધા આનંદથી જીવ્યે જાય છે. આ બધાને જોયા જાણ્યા પછી મારું  મન કહે છે કે હું હજુ ઘરડો નથી જ. ફેસબુક પર મારા ગુરુવર્ય જોષી સાહેબે નેવુ વટાવ્યા છે. તન મનથી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.  મારા BRC Corp. Production Manager શ્રી મોદી સાહેબ પણ ફેસબુક અને અન્ય સોસિયલ મિડિયા પર એકટિવ છે. તન, મન અને ધનથી તંદુરસ્ત છે. ૯૦+ ના ઘણાં સ્વજનો અને વડિલમિત્રો પાછલા જીવનનો સંતોષ પૂર્વક આનંદ માણી રહ્યા છે. એઓ સૌ અનેક નાનેરા વૃદ્ધોને માટે પ્રેરણાસ્રોત છે.  હું સ્વીકારું છું કે મારું શરીર બદલાયું છે, ચહેરો બદલાયો છે. અરે! છોકરાંઓ તો કહે છે કે સ્વભાવ પણ બદલાયો છે. ચતાં હું મનથી તંદુરસ્ત છું. મન વૃદ્ધ નથી થયું.

ઈશ્વરકૃપા છે. નીતિરીતિથી જીવ્યો છું. ઘનિક નથી પણ સંતાન, સમાજ કે સરકાર પાસે જીવન જીવવા માટે હાથ લાંબો કરવો પડે એમ નથી. આ મારી અંગત વાત છે.

આર્થિક ક્ષમતા વગરનું દીર્ઘાયુષ્ય શ્રાપ બની ન જાય તેની તકેદારી રાખવી ખુબ જ અગત્યની છે. સમાજ અને કૌટુંબિક માળખાઓ સતત બદલાતા રહે છે. માનવ જીવન સ્વલક્ષી,સ્વકેંદ્રિત બની ગયું છે. આધેડ ઉમ્મરમાં જ તમે સો વર્ષ જીવવાના છો. એ ધ્યાનમાં રાખીને આયોજન કરવું જરૂરી છે. સંતાન, સમાજ કે સરકારને માથે પડેલા ભિક્ષુક વૃદ્ધો હતાશા ડિપ્રેશનમાં રિબાય છે. અને એ ડિપ્રેશન ઈશ્વર પાસે મોતની માંગણી કરાવ્યા કરે છે. વૃદ્ધો આત્મહત્યા તરફ  વળે છે.

હું અમેરિકામાં છું. પશ્ચિમના જગતના વૃદ્ધો કુટુંબપરાવલંબી નથી. કુટુંબ પાસે એમની કોઈ અપેક્ષા નથી. સંતાન કે સ્વજનો થોડુંક કરે તો પણ એ ખુબ મોટી વાત છે એમ વડિલો ગૌરવથી કહી શકે છે. ભારતના વૃદ્ધોની વાત જૂદી જ છે. વડીલોની કુટુંબ પાસે અપેક્ષાઓ વધતી જ જાય છે. કુટુંબીજનોની દિનપ્રતિદિન ઉપેક્ષા પણ વધતી જ જાય છે. અપેક્ષાઓ ન સંતોષાય એટલે ઘરડા મનોમન દુઃખી થતાં હોય છે. સમાજ ખુબ જ ઝડપથી બદલાતો જાય છે. સમય ઓળખીને આયોજન ન કરનાર ઘરડાઓ ની હતાશા – ડિપ્રેશનના કિસ્સા રોજબરોજ સાંભળવા મળે છે.

 કેટલાયે વૃદ્ધો પાસે બધુ જ છે પણ એમની સાથે કોઈ વાત કરવા વાળું નથી. કોઈ એમની વાત સાંભળનાર નથી. એમને સામાજિક હૂફ જૉઇએ છે. એમને એમની એકની એક વાત સૌને કહેવી છે. એમના  સુખ અને દુઃખની વાતો સાંભળનાર જોઈએ છે.

પોતાના ઘરમાં કોઈ વાત કરનાર નથી. મંદિરને ઓટલે કે ગામને ચોતરે કે પાનને ગલ્લે કોઈ તમારી વાત સાંભલવા નવરૂં નથી. પંચાવનથી પાંસઠના સમજુ આધેડ પરિસ્થિતિ સમજતા થયા છે.  આરંભે શૂરા એવા શાણા માણસો ઘરડા માટે સપોર્ટ ગ્રૂપ યોજે છે. થોડો સમય સરસ કામ થાય પણ છે અને પછી ઠાપ્પ.

મારા સમવયસ્ક મિત્રો, વડિલોને એક પ્રાર્થના. આજે ઘરમાં બેઠા બેઠા પણ ધારો તો સેંકડા માનવ સાથે વાત કરી શકો છો. ગમે તે એક સોસિયલ મિડિયા પર પ્રવૃત્ત રહો. સેંકડો નહિ તો માત્ર આઠ દશ મિત્રો તો એવા મળશે જ જેને તમારી વાતો વાંચવી-સાંભળવી ગમશે.

સમયને ઓળખવાની જરુર છે. લાઈફ એક્ષ્પેક્ટંસી વર્ષો વર્ષ વધતી જાય છે. ઘડપણ  તો આવવાનું જ છે. સો વર્ષનું આયુષ્ય મળે કે ન મળે પણ સો વર્ષ જીવવાનૂ આયોજન તો અત્યારથી કરવું જરૂરી છે. સો વર્ષ પછી તો તમે જીવીત હશો તો પણ તમને ખબર ન પડે કે તમે હયાત છો . તમને ખબર પણ ન પડે કે દુનિયામાં શું થઈ રહ્યું છે. તો જેટલું જીવો એટલું આનંદ્થી જીવો.    

 શાસ્ત્રીનું મનોમંથન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: