જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Sunday, October 3, 2021

નો મૅન્સ લૅંડ

     જિપ્સી પાછો વળ્યો. દૂર જર્નૈલસિંહ જીપની બહાર ઉભો રહી અપલક નજરે તેના અફસર તરફ ચિંતામય નજરે જોઇ રહ્યો હતો. તેની નજીક જઇ જિપ્સીએ કહ્યું, “જર્નૈલ, આપણા જવાનોની તપાસ કરવા હું એકલો આગળ જઉં છું. તારે અહીં જ રહી મારી રાહ જોવાની છે. જો હું એક કલાકમાં પાછો ન આવું તો હેડક્વાર્ટર્સમાં જઈ CO સાહેબને અત્યાર સુધી જે થયું છે તેનો રિપોર્ટ આપજે.”

    “સા’બ જી,  આપની સલામતીની જવાબદારી મારી છે. આપને છોડીને હું ક્યાં’ય નહીં જઉં. આપ જીપમાં બેસો.  આપણે સાથે જ જઇશું.” જર્નૈલ આખરે જવાંમર્દ શીખ જવાન હતો. 

    મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના સુબેદાર સાહેબ આ સાંભળી રહ્યા હતા. જેવો હું જીપમાં બેસવા ગયો, તેમણે મને મરાઠીમાં કહ્યું, “સાહેબ, યા પુઢે શત્રુ આહે.” આગળ દુ:ખિત સ્વરમાં કહ્યું, ” માફ કરજો, મારા હાથ બંધાયેલા છે.  સંભાળીને જજો. રામ રામ,” કહી તેઓ તેમની ટ્રેન્ચમાં ગયા. તેમનો દુ:ખિત ચહેરો ઘણું બધું કહી ગયો. જે માણસ જાણી જોઇને મોતના મ્હોંમાં જતો હોય તેના માટે શોક પ્રદર્શિત કરવા સિવાય આ વીર યોદ્ધા બીજું શું કરી શકે? વાત સ્પષ્ટ હતી : અમે ત્યાં પહોંચીએ તે પહેલાં ફિલ્ડ ટેલીફોનથી મેજર તેજાએ સુબેદાર જાધવ સાહેબને તેમના સીઓ કર્નલ પોપટલાલનો હુકમ સંભળાવી દીધો હતો.

    જર્નૈલે જીપ સ્ટાર્ટ કરી. અમે ધીરે ધીરે આગળ વધ્યા.

    અમે લગભગ પંદરે”ક મિનિટ આગળ વધ્યા હતા  ત્યાંથી આગળ, લગભગ ૩૦૦ – ૪૦૦ ગજના અંતરે ધુસ્સી બંધમાં અમને ટ્રેન્ચ જેવું કશું ક દેખાયું. મારી પાસે દૂરબિન નહોતું. જર્નૈલે તેની સ્ટેનગનમાં મૅગેઝિન ચડાવી, મેં મારી પિસ્તોલને holsterમાંથી બહાર કાઢી, cock કરી, પણ સેફ્ટી કૅચ ઑન રાખ્યો જેથી અકસ્માત તેમાંથી ગોળી ન છૂટે. અમે આગળ ગયા તો ટ્રેન્ચ સ્પષ્ટ દેખાઇ, અને તેમાંથી અમારી તરફ રાઇફલ તાણીને ખાખી યુનિફૉર્મમાં એક સૈનિક દેખાયો.

    સ્થિતિ ગંભીર હતી. પાકિસ્તાની સેનાનો યુનિફૉર્મ ખાખી રંગનો છે. BSFની વર્દી તે સમયે ખાખી રંગની હતી તેથી અમે જાણી ન શક્યા કે અમે જોયેલા  સૈનિક કોણ હતા. અહીં બે શક્યતાઓ હતી. જો તે દુશ્મન હોય તો અમને તેમની નજીક જેટલું જવાય એટલું આવવા દેશે અને અમને ઘેરીને કેદ કરવાનો પ્રયત્ન કરશે. જો અમે ત્યાંથી જ પાછા ફરવાનો પ્રયત્ન કરીશું તો ગોળીઓની ઝડી વરસાવવાનું શરૂ કરશે. બીજી સંભાવના હતી કે આ અમારા BSFના જવાન હતા. બન્ને સંજોગોમાં અમારે આગળ વધ્યા જ કરવાનું હતું. છેલ્લા શ્વાસ અને છેલ્લી ગોળી સુધી લડી લેવાની તૈયારી સાથે અમે આગળ જવાનું નક્કી કર્યું. મેં પિસ્તોલ પર ઘોડો ચડાવ્યો. અંગુઠો સેફ્ટી કૅચ પર રાખ્યો, જેથી ગોળી છોડવી પડે તો અંગુઠા વડે સેફ્ટી કૅચ પાછળ ખેંચી  ગોળીઓ છોડી શકું. જર્નૈલે તેની સ્ટેનગન જમણા હાથમાં રાખી અને ડાબો હાથ સ્ટિયરિંગ રાખી જીપ ચલાવવાનું ચાલુ રાખ્યું. અમારા બન્નેનાં મન શાંત હતા. અમને ખબર હતી કે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવાો. મનમાં ડર નહોતો. શંકા નહોતી. ઉદ્દેશ સ્પષ્ટ હતો.

    ટ્રેન્ચથી પચીસે’ક ગજ પર મેં જર્નૈલને જીપ રોકી ‘ચૌકન્ના’ રહેવા કહ્યું. હું ધીરેથી બહાર નીકળ્યો, અને…

    ધુસ્સી બંધની પેલી પારથી, જ્યાં અમારી નજર નહોતી પહોંચતી, ત્યાંથી સરકીને અમારી પાછળ આવેલા જવાનને અમે જોયો. સામેથી એક શીખ સિપાહી ખાઇમાંથી બહાર આવ્યો અને મને side arm સૅલ્યૂટ કરી ‘સત્ શ્રી અકાલ’ કહી અભિવાદન કર્યું.     

    અમે હાશકારો કરીએ તે પહેલાં સબ ઇન્સ્પેક્ટર અજીતસિંહ, પ્રકાશ ચંદ અને બે જવાનો અમારી પાસે આવ્યા અને અમને ભેટી પડ્યા. અમને જોઇને પ્રકાશ ચંદની આંખમાં પાણી આવ્યું, અને કહ્યું, ‘સાબ, આપ આવશો એવી અમારી ધારણા હતી અને…”

    કોઇ પણ જાતની કૂમક કઅ મશિનગન/મોર્ટાર કે આૃ્ટિલરીના સપોર્ટ વગર  આ સ્થાન પર કેવી રીતે પહોંચ્યા તે વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે ઍટેક કરવાના જુસ્સામાં અમારી બન્ને પ્લૅટૂન દુશ્મનને નષ્ટ કરીને આગળ વધી તો તો તેમની આખરની ટ્રેન્ચના જવાનો લેફ્ટેનન્ટ ચીમાની ટૅંકનો ધસારો અને તેની આગળનો બૉનેટ જેવા ભાગમાં બેસેલા BSFના જવાનોને જોઇ ટ્રેન્ચ છોડી નાસવા લાગ્યા હતા. અમારા સૈનિકોને હુકમ હતો કે જ્યાં દુશ્મનની રક્ષાપંક્તિ ખતમ થાય ત્યાંથી બસો-ત્રણસો ગજ આગળ જઇ મોરચા ખોદી defenceમાં તૈયાર રહેવું. અજીતસિંહ અને પ્રકાશચંદે હુકમ પાળ્યો. કમનસીબે મેજર રણવીરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને  વિજય મેળવ્યા બાદ તેમને તરત સારવાર માટે મોકલવામાં આવ્યા. આવી હાલતમાં તેમની કંપનીની જગ્યાએ ગયેલ  મેજર તેજાને આ વાતની જાણ કરી શક્યા નહીં. તેજાને છેક સુધી ખબર નહોતી કે જે ભૂભાગને તેણે No man’s land નક્કી કરીને તેના COને જાણ કરી હતી, ત્યાંથી ચારસો ગજ આગળ BSFની બે પ્લૅટૂન રક્ષાપંક્તિ બનાવીને બેઠી હતી. તેણેે જ તેના COને કણાવ્યું હતું કે BSFની બે પ્લૅટૂન, જે તેમના ઑપરેશનલ કન્ટ્રોલ નીચે હતી, તેમનો કોઇ પત્તો નહોતો!   

    અજીતસિંહની સાથે હું દરેક ખાઇમાં ગયો અને જવાનોની હિંમતને દાદ આપી અને શાબાશી આપી. છેલ્લા અઢાર કલાકથી તેમના પેટમાં તેમની વૉટર બૉટલના પાણી સિવાય બીજું કંઇ નહોતું ગયું, તેમ છતાં તેમનો જુસ્સો જોઇ અમે સાચે જ નવાઇ પામી ગયા. દરેક જવાન પાસે જઇને અમે નોંધ કરી કે કોને શાની જરૂરિયાત હતી. ગઇ કાલના ઍટેકમાં બન્ને પ્લૅટૂનના આ જવાનો પાસે તેમના યુનિફૉર્મ અને હથિયાર સિવાય બીજું કશું નહોતું. શિયાળાની કાતિલ ટાઢમાં, જ્યાં ટેમ્પરેચર શૂન્યની આસપાસ હતું, ત્યાં આ સૈનિકોએ પહેરેલા કપડે રાત વિતાવી હતી, એટલું જ નહીં, દુશ્મનનો સામનો કરી રહ્યા હતા. મેં તેમને અમારા CO સાહેબનો શાબાશીનો સંદેશો આપ્યો અને કહ્યું કે તેમના માટે જરૂરી સામાન, શિરામણ અને બપોરના ભોજનની વ્યવસ્થા કરૂં છું. ત્યાં એક રસપ્રદ વાત થઇ. આ બધા સૈનિકોમાં એક જ જવાન એવો હતો જેની પાસે જર્સી (યુનિફૉર્મનું લાંબી બાંયનું સ્વેટર) પણ નહોતી. તેણે શરમાળ સ્વરે કહ્યું, “સર, બને તો મારા માટે જર્સી મોકલી શકશો?” 

    મેં જર્સી પહેરી હતી. મને થયું, મને  હેડક્વાર્ટરમાં પહોંચતાં એકાદ – બે કલાક લાગશે. ત્યાંના અમારા ક્વાર્ટરમાસ્ટર સ્ટોરમાંથી  અન્ય સામાન સાથે જર્સી મોકલવામાં કોણ જાણે કેટલો સમય લાગશે. તેથી મેં તેને મારી જર્સી ઉતારી આપી અને કહ્યું, “તને નવી જર્સી મળે ત્યાં સુધી આનાથી કામ ચલાવ. મારી પાસે યુનિટમાં spare જર્સી છે, તો મારી ચિંતા ન કરીશ.” આ હતી આપણી ગુજરાતી વ્યાવહારિકતા. સમય સાચવવાની વાત, એટલું જ, પણ આ વાતનો આખી બટાલિયનમાં પ્રસાર થયો કે ઍડ્જુટન્ટે  ફ્રન્ટ પરના જવાનને પોતાની જર્સી ઉતારી આપી!

    હેડક્વાર્ટર્સમાં પાછા જવા જેવા અમે જીપમાં બેઠા અને જર્નૈલે ચાવી ફે્રવી, અજીતસિંહની રક્ષાપંક્તિની સામે ડેરા નાખીને બેઠેલી પાકિસ્નતાની સેનાની મશિનગને અમારા પર ફાયરિંગ શરૂ કર્યું. તેમના માટે આ ઇનામી ઘા કરવાની તક હતી, કેમ કે eyeball to eyeball જેવા નીકટના સામસામેના મોરચાઓ બાંધી બેસેલા જવાનોને મળવા જીપમાં જનાર કોઇ વરિષ્ઠ અફસર જ હોય! તેને મારી નાખવાથી દુશ્મનને પબ્લિસિટી કરવાનો લાભ મળે કે તેમના સૈનિકોએ દુશ્મનના સિનિયર અફસરનો વધ કર્યો છે!  

    શરૂઆતમાં ગોળીબારનો પહેલો ઘા અમારી રક્ષાપંક્તિ પર હતો અને બીજો burst અમારી જીપ પર. આ વખતે પણ તેમનું ranging ક્ષતિપૂર્ણ હતું અને ગોળીઓ  અમારી જીપની પાછળની બાજુએ પડતી હતી. જીપ પર ગોળીઓનો વરસાદ પડવામાં વાર નહીં લાગે એવી સ્થિતિ હતી. જો કે આ વખતે અમારા બચાવમાં અમારા પોતાના સૈનિકો હતા. અજીતસિંહે તેમની  LMG (લાઇટ મશિન ગન)થી દુશ્મનની દિશામાં ફાયરિંગ શરૂ કર્યું. બે’એક મિનિટ તેમતી ગોળીઓ બંધ થઇ, પણ હવે બીજી દિશામાંથી તેમની ભારે બ્રાઉનિંગ મશિનગનમાંથી ગોળીઓ વરસવા લાગી. અમારા કાન પાસેથી સનનન કરતી ગોળીઓ  જતી હતી તે સાંભળ્યું. આ વખતે પણ રામ રાખે તેને કોણ ચાખૈની વાત સિદ્ધ થઇ. અમારા સદ્ભાગ્યે ધુસ્સી બંધમાં વળાંક નજીકમાં જ હતો ત્યાં વળ્યા બાદ અમે આ કાતિલ ગોળીબારમાંથી બચી નીક્યા. આ વખતે અજીતસિંહની પ્લૅટૂને કબજે કરેલી બલુચ સૈનોની કેટલીક રાઇફલ, વાયરલેસ સેટ અને મેજર શેખના નામ સાથેના નકશા તથા ગોળીઓ ભરેલી મૅગેઝિન્સ અમને આપી, જે લઇ અમે હેડક્વાર્ટર્સ તરફ જવા નીકળ્યા. પ્રથમ મેજર તેજા અને સુબેદાર જાધવને અમારી બન્ને પ્લૅટૂનોની માહીતી આપી અને તેમની સાથે સમ્પર્ક સાધવા વિનંતી કરી. ત્યાંથી અમે ઇન્સ્પેક્ટર કરણસિંહ પાસે ગયા અને ત્યાંથી ભોજનની ગાડીઓ રવાના કરાવી.

    હવે આગળ એક એવી શોધ થઇ, જે હૃદય હચમચાવી નાખે તેવી હતી.
Posted by Capt. Narendra 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: