જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન?

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, October 7, 2021

પૂર્વસૂચન?

    અજીતસિંહ તથા પ્રકાશચંદની પ્લૅટૂનો માટે ભોજન રવાના કર્યા બાદ જીપમાં બેઠો. જર્નૈલસિંહે એન્જિન સ્ટાર્ટ કર્યું. કોણ જાણે કેમ, મનમાં વિચાર આવ્યો, ધુસ્સી બંધ પરથી સીધા હેડક્વાર્ટર્સ જઈએ તે પહેલાં અમારી બટાલિયનની પૂર્વ દિશામાં મારા મિત્ર જી.બી. સિંઘની 21 BSF Battalion હતી તેમને મળીને અજનાલા જઇએ.  અમારી F Companyની જ્યાં હદ શરૂ થતી ત્યાં જી.બી. સિંઘની બટાલિયનની હદ શરૂ થતી હતી તેનું કંપની હેડક્વાર્ટર રમદાસ (હા, આ તેનો ખરો ઉચ્ચાર છે, જો કે નકશામાં અંગ્રેજી સ્પેલિંગ Ramdas થાય છે) નામના ગામની સીમમાં હતું. મારે આ કામ કરવાની જરૂર નહોતી, અને મારી ફરજનો તે હિસ્સો પણ નહોતો. તેમ છતાં એક ક્ષણમાં મનમાં આવેલી વાતને ધ્યાનમાં રાખી અમે રમદાસ જવા નીકળ્યા. તે સમય અમને કોઇને આ કોઇ પૂર્વસંકેત હતો તેનો વિચાર સરખો આવ્યો નહોતો

    F Company HQનું ગામ હતું બલ્લડવાલ. ત્યાંથી અમે પાંચ કિલોમિટર સુધી જીપ ચલાવ્યે રાખી, પણ રસ્તામાં ક્યાંય મિલિટરી કે બીએસએફની રક્ષાપંક્તિ જોવા ન મળી. આ સ્થિતિ સાચે જ ગંભીર હતી. પંજાબ જેવા સપાટ મેદાની વિસ્તારમાં Defence સળંગ હોવો જોઇએ. જ્યાં એક બટાલિયન કે બ્રિગેડની  રક્ષાપંક્તિ પૂરી થાય તેને અડીને બીજી બટાલિયન કે બ્રિગેડની રક્ષાપંક્તિ હોવી જોઇએ, અને તેમનો fire power બન્ને યુનિટ કે ફૉર્મેશન વચ્ચેના gapને કવર કરે તેવો હોવો જોઇએ. આ વિસ્તાર મહાભારતના યુદ્ધમાં દુર્યોધનની જાંઘ કે ગ્રીક પુરાણ કથાના વીર એકિલીઝ (Achilles) ની એડી જેવો vulnerable હોય છે. ત્યાં ઘા કરવામાં આવે તો તેઓ જીવિત ન રહે  – અને અંતત: ત્યાં ઘા થવાથી જ તેઓ મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તાર અમારી Achilles’ Heel જેવો નાજુક હતો.

    વાત એવી હતી કે અમે જોયેલા વિસ્તારની ભુલેચૂકે પણ પાકિસ્તાનની સેનાને જાણ થાય તો આ પાંચ કિલોમિટર જેટલા પહોળા વિસ્તારમાંથી તેમની ટૅંક સહિતની આખી ડિવિઝન કોઇ પણ જાતની અડચણ કે અવરોધ વગર આ gapમાંથી નીકળી સીધી અમૃતસર પહોંચી શકે તેવું હતું. આવું થાય તો આપણો પંજાબ પરનો આખો ડિફેન્સ ભાંગી પડે, એટલું જ નહીં, અમૃતસરથી કાશ્મિર જતો નેશનલ હાઇ વે કપાઇ જતાં કાશ્મિર દેશથી અલગ પડી જાય. યુદ્ધ તેની ચરમ સીમા પર પહોંચ્યું હતું.

    મેં જર્નૈલસિંહને તરત જીપ વાળવાનો હુકમ કર્યો અને મારતે ઘોડે જઈએ તેમ હેડક્વાર્ટર્સ પહોંચ્યા અને અમારા COને આની માહિતી આપી. તેમણે Operational Map જોયા અને લગભગ આઘાત મહેસુસ કર્યો. અમારી 58 Infantry Brigade અને તેની પૂર્વમાં આવેલી બ્રિગેડિયર ગૌરીશંકરની 86 Infantry Brigade વચ્ચે એક સંયુકત વિસ્તાર દર્શાવતું બિંદુ, જેને મિલિટરીની ભાષામાં Junction Point કહેવાય, તે નક્કી કરવાનું રહી ગયું હતું. આપણી યુદ્ધ રણનીતિમાં આ એક ગંભીર ક્ષતિ રહી ગઇ હતી. મારા CO શ્રી. ભુલ્લર દોડતા જ અમારા campusમાં આવેલા બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં ગયા અને બ્રિગેડિયર નરિંદરસિંઘને વાત કરી. તેમણે નકશા જોયા અને તેમની પાસે બેઠેલા આર્ટિલરીના કર્નલ સતીશ ચંદ્ર તથા એન્જિનિયર્સના કંપની કમાંડરને હુકમ કર્યો કે તેઓ જાતે જઇને આની તપાસ કરે. તેમણે પાછા આવીને અમે આપેલી માહિતીની પુષ્ટી કરી. તરત ટેલીફોનના તાર ધણધણી ઉઠ્યા. 86 Infantry Brigade તથા અમારી બ્રિગેડની એન્જિનિયર્સની માઇન પાથરનારી ટુકડીઓને રાતના સમયે આ સમગ્ર વિસ્તારમાં માઇન બિછાવવા લાગી. 86 Infantry Brigadeeની 1/9 ગુરખા રાઇફલ્સ, શીખ લાઇટ ઇન્ફન્ટ્રી તથા અમારી પંજાબ રેજીમેન્ટની ટુકડીઓ પણ આ કામમાં લાગી. રાતના માઇન્સ બીછાવાઇ રહી હતી ત્યારે બે કે ત્રણના સુમારે દુશ્મનના ધ્યાનમાં આ વાત આવી. તેમણે આપણી Mine Laying Partyઓ પર તોપના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. મોતના વરસાદમાં પણ આપણી સેનાએ આ કામ પૂરૂં કર્યું. આની પુષ્ટી પણ વર્ષો બાદ થઇ, જે વિશે જુદો જ લેખ આપીશું.

ટૂંકામાં, આપણો દેશ એક ગંભીર આફતમાંથી બચી ગયો. આ એકમેવ આફત નહોતી. બીજી આફતનું નિવારણ પણ અચાનક જ, આવી જ સ્ફૂરણાને કારણે થયું હતું, જ્યારે 6 Decemberની બપોરે ૧૫મી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી, અમારી ૨૩મી BSF અને ૬૬ આર્મર્ડ રેજીમેન્ટની લેફ્ટેનન્ટ ચીમાની ટૅંકોએ ૪૩મી બલુચ રેજીમેન્ટને મારી ભગાવી હતી. આ હુમલામાં અમારા સૈનિકોએ બલુચના અફસરનો નકશો કબજે કર્યો હતો તેના પરથી અમને તેમની યોજનાનો ખ્યાલ આવ્યો હતો. નીચેના નકશા પરથી વાચક તેનું મહત્વ જાણી શકશે. 

નકશામાં ડાબી તરફ તીરનાં નિશાન વાળો માર્ગ પાકિસ્તાનની સેનાએ ભારતમાં કૂચ કરી સીધા અમૃતસર જવાની યોજના ઘડી હતી. તેમની યોજના હતી ૬ ડિસેમ્બરની રાતે બુર્જથી 43 Baluch અને ફતેહગઢથી પંજાબ રેજીમેન્ટ એ સાથે હુમલાઓ કરી ચોગાવાં નામના ગામે પહોંચે, અને ત્યાં એકત્ર થઇ અમૃતસર અને તેના રાજા સાંસી હવાઇદળના અડ્ડા પર કબજો મેળવે. આ યોજનાને આપણી સેનાએ ૬ ડિસેમ્બરની બપોરે હુમલો કરી તેને ધૂળ ભેગી કરી હતી. 

    આ યોજના વિશે અમારે હાથ લાગેલા 43 Baluchના નકશા પરથી જાણવા મળ્યું હતું.  નકશાની જમણી બાજુના ખૂણામાં જે આછો ત્રિકોણ છે, તે સાવ ખાલી પડેલો વિસ્તાર હતો. જો તેમની જાણમાં આ વાત આવી હોત તો નદી પાર કરીને આ ખાલી પડેલા વિસ્તારમાં પ્રવેશ કરી, સીધા ફતેહગઢ અને ત્યાંથી ધોરી સડક પરથી તેઓ ઠેઠ અમૃતસર સુધી તેમની સેના જઈ શકી હોત. આમ તેઓ 58 Infantry Brigade  અને 86 Infantry Brigadeની વચ્ચેનો માર્ગ ભેદીને તેઓ સીધા અમૃતસર તરફ જઇ શક્યા હોત. 

    વાત અહીં પૂરી થતી નથી.

    આ નકશાના ડાબા ખૂણામાં આવેલા ધુસ્સી બંધના કાટખૂણા વાળા વિસ્તારમાં એક માત્ર BSFની ચોકી છે. આ છે ફતેહગઢ ચોકી. અહીં પાકિસ્તાનની સૌથી વધુ પ્રખ્યાત પંજાબ રેજીમેન્ટે કબજો કર્યો હતો. ૬ ડિસેમ્બરની બપોરે બુર્જ પર કબજો મેળવ્યા બાદ પણ પંજાબ રેજીમેન્ટે ફતેહગઢ પરથી ચોગાવાં અને ત્યાંથી અમૃતસર તરફનું આક્રમણ ચાલુ રાખવાની મહેચ્છા છોડી નહોતી. તેમણે  આ ચોકી પર વધુ સૈનિકો એકઠા કરી રાખ્યા હતા. તેમની ટૅંક્સ તેમની મદદે આવી પહોંચે એટલી વાર હતી.

    ભારતીય સેનાપતિ મેજર જનરલ ભટ્ટાચાર્જીને આવું કંઇ થઇ શકે તેવું લાગ્યું. પાકિસ્તાન આગળ કોઈ પગલું ભરે તે પહેલાં ફતેહપુર ચોકી પાછી જીતી, પાકિસ્તાની સેનાને રાવી પાર ધકેલવાનો તેમણે નિર્ણય લીધો. આ કામ તેમણે 96 Infantry Brigadeને સોંપ્યું. કમાંડરે લેફ્ટેનન્ટ કર્નલ હરીશ ચંદ્ર પાઠકના કમાંડ હેઠળની 8 Sikh Light Infantryને સોંપ્યું.

    આ એક એવો હુમલો હતો, જે ઈતિહાસ-પ્રસિદ્ધ Charge of the Light Brigade ને ઝાંખો પાડે તેવો હતો.     

    આવતા અંકમાં તેનું સવિસ્તર વર્ણન આપીશું.
Posted by Capt. Narendra 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: