ભીંતર ના વહેણ-પ્રકરણ ૩

S.Gandhi

સુરેન્દ્ર ગાંધી  

ભીંતર ના વહેણ-પ્રકરણ ૩

ડિનર ની પુર્ણાહુતી થઇ ત્યારે દિવાકરે પરિક્ષિત સમક્ષ બહાર લટાર  મારવાનો પ્રસ્તાવ મુક્યો. પરિક્ષિત ને એ સ્વીકારતા તકલીફ ન પડી કારણ કે દિવાકરે ઉર્વશી ને પણ શામેલ થવાનો આગ્રહ કર્યો. ત્રિપુટી  બહાર  નીકળી દિવાકર ની સાથે આવેલા બે માણસો પણ એની આગળ પાછળ સલામત અંતર રાખીને ચાલવા લાગ્યા.

              દિવાકરે વાત નો દોર સંભાળતા પરિક્ષિત ને એની રિસર્ચ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ને પરિક્ષિત ના ભવિષ્ય વિષે આછો પાતળો તાગ મેળવવાનો આડકતરો પ્રયાસ કર્યો. 

 પરિક્ષિતે શુભેચ્છાઓ બદલ દિવાકર નો આભાર માન્યો અને પછી સીધો જ પ્રશ્ન કર્યો કે એક અજાણી વ્યક્તિ એના માં એટલો બધો રસ લઇ શકે એવું સદ્ભાગ્ય એને શી રીતે સાંપડ્યું. દિવાકરે જરા પણ અચકાટ વગર જવાબ આપ્યો કે પરિક્ષિત   ની કારકિર્દી અને પર્સનલ  ઇન્ફર્મેશન ની ફાઈલ એની પાસે છે. દિવાકરે રૂબરૂ મળવા માટે એકાદ આવો મોકો પસન્દ કર્યો હતો એ પણ જણાવ્યું.

                       માધવને સવિસ્તર વાત માંડી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની ન્યુરોકેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ એટલે કે “ન્યુ કેસરી” નો એ ડિરેક્ટર છે. માત્ર ડિફેન્સ મિનિસ્ટર અને પ્રાઈમ મિનિસ્ટર ને જ એ પોતાના કામનો અહેવાલ આપતો. ન્યુ કેસરી ના અસ્તિત્વ ની ખબર  ફક્ત આ બે વ્યક્તિઓ પૂરતી મર્યાદિત હતી. ન્યુ કેસરી ની નાણાકીય જરૂરિયાતો પુરી પાડવા માટે સરકારે પોતાના ખર્ચે એક નામ પૂરતી સોફ્ટવેર કંપની બનાવી હતી. જેની માહિતી મેળવવાનું લગભગ અશક્ય હતું, અસંભવ હતું.

  
                   દેશભર માં થી ચુનંદા વૈજ્ઞાનિકો  ન્યુ કેસરી માં કામગીરી બજાવવા માટે એકત્રિત કરવા માં આવતા.આ વૈજ્ઞાનિકો ને લશ્કરી તાલીમ, વિમાનો ઉડાવવાનું , સબમરીન સંચાલન તેમ જ રોકેટ અને રોબોટિક્સ જાણકારી નો પણ સમાવેશ હતો. ન્યુ કેસરી માં ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ માં થી પણ એવા જ ચુનંદા માણસો ને ભેગા કરી ને “ત્રિશૂળનામ નું જૂથ બનાવાયું હતું. દેશ નું હીટ કરનારનું નામોનિશાન સંપૂર્ણપણે મિટાવી દેવા માં ત્રિશૂળ અજોડ હતું. ન્યુ કેસરી એ તાજેતર માં એક નવી આરંભી હતી. જેમાં માનવ શરીર માં વિવિધ સંજોગો માં થતા કેમિકલ ફેરફારો નો અભ્યાસ કરવાનો હતો. ત્યારબાદ એ કેમિકલ નું ઇલેક્ટ્રોનિક સિગ્નલ માં રૂપાંતર કરવાનું અને એ સિગ્નલ નો એવી રીતે ઉપયોગ કરવાનો કે જેનાથી મમાનવી અને અને મશીન નું યુગ્મ બને. દિવાકરે વાત આગળ વધારતા એ પણ જણાવ્યું કે ઉર્વશી ચિદમ્બરમ ની કમ્પની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ક્ષેત્રે રિસર્ચ કરતી હતી. ઉર્વશીએ સાઈકોલોજી માં પી.એચ.ડી ની  ડિગ્રી મેળવી હતી અને સાથે સાથે કમ્પ્યુટર નિષ્ણાત પણ હતી. ઉર્વશી એવા પ્રોગ્રામ બનાવતી કે જેમાં કમ્પ્યુટર ને માનવી ના મગજ જેવી સમજશક્તિ પ્રાપ્ત થાય. એનું ધ્યેય કમ્પ્યુટર ને માનવસ્વરૂપ આપવાનું હતું.

                                        દિવાકર માધવન પરિક્ષિત ના હાવભાવ નું નિરીક્ષણ કરતો રહ્યો. એને પ્રતિત થયું કે  પરિક્ષિત ને એની વાત માં રસ પડ્યો છે. એટલે એણે પરિક્ષિત ને કહ્યું ” આ તો ન્યુ કેસરી અને ત્રિશૂળ ની પ્રારંભિક માહિતી હતી”. એ પણ સ્પષ્ષ્ટ કર્યું કે દિવાકર પરિક્ષિત ના કોઈ પણ પ્રશ્ન નો ઉકેલ લાવવામાં સહાયક બનશે. અંત માં દિવાકરે પરિક્ષિત ને ન્યુ કેસરી માં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે જોડાવાની ઓફર આપી. એમ કરવાથી પરિક્ષિત ની આવક બમણી થશે , એ પણ ઉમેર્યું. પરિક્ષિત ને માધવન ની ઓફર આકર્ષક લાગી. એણે માધવન નો આભાર માન્યો ઓફર બદલ અને જણાવ્યું કે વિચારી ને બીજે દિવસે પોતાનો નિર્ણય જણાવશે.                                                      

“હેવાન” – (વાર્તા – પ્રવીણ શાસ્સ્ત્રી)

New photo 1

પ્રવીણ શાસ્ત્રી

“હેવાન” 

%e0%aa%9b%e0%ab%87%e0%aa%a1%e0%aa%a4%e0%ab%80

ભજન ગાયીકા નિરાલીના પુત્ર સુનીલની સ્મશાન યાત્રામાં હજારો માણસો જોડાયા હતા. નિરાલીએ રડતી આંખ સાથે સૌથી પ્રથમ પોતાના દીકરાને ખભો આપ્યો હતો. ભજન ગાયીકાનો દીકરો સુનીલ રિયાલીટી શો “આવતી કાલનો સંગીતકાર” સ્પર્ધામાં પહેલા દશમાં પસંદગી પામી ચૂક્યો હતો. પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો. સ્પર્ધાનો દોર ચાલુ જ હતો અને એ દરમ્યાન જ એનું ખૂન થયું. સુનિલ એની હોટેલ રૂમમાં એકલો હતો તે દરમ્યાન કોઈએ એના કપાળ પર એક બુલેટ ધરબાવી દીધી હતી. પોલીસે ઘટતા કાગળીયા કરી લાશનો કબજો નિરાલીને સોંફ્યો હતો. સ્મશાન ઘાટ પર ચિતા ખડકાઈ. અને માએ અશ્રૂધોધ સાથે પોતે આગ ચાંપી હતી. સુનીલ એનો દત્તક લીધેલ પુત્ર હતો. માનો એકનો એક દીકરો ભસ્મ થઈ ગયો હતો.

મોટિવ અને મર્ડરર શોધવા ક્રાઈમબ્રાન્ચની આખી ટીમ કામે લાગી ગઈ હતી. એના અનેક મિત્રો અને ઈર્ષ્યાળુ દુશ્મનો પણ હતા. સોહામણો અને રંગીલા સ્વભાવનો સુનીલ સ્ત્રી મિત્રોથી ઘેરાયલો રહેતો હતો. પોલીસ ટીમને મર્ડર વેપન મળ્યું ન હતું. સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા, સ્પર્ધામાંથી લઈ દૂર થઈ ગયેલાઓથી માંડી, સ્પર્ધામાંના ગાયકો અને આયોજકોની કડક તપાસ થતી રહી. ઘણાંના ફિંગર પ્રિન્ટસ લેવાયા. બે વીક થઈ ગયા. મમ્મી નિરાલી મુંબઈથી પોતાના ઘરે દિલ્હી પહોંચી ગઈ. દિવસો વીતતા ગયા. ગુનેગાર પકડાયો નહિ. દુઃખનું ઓસડ દહાડા નિરાલી માટે કારગત ન નિવડ્યું. પુત્ર શોક વધતો ગયો. ડિપ્રેશન વધી ગયું. અને એક દિવસ ઝેરી દવા લઈને આત્મહત્યા કરી લીધી. ન્યુઝ મીડિયા, સોસિયલ મીડિયાએ ફરી બે દિવસ કાગારોળ મચાવી અને બીજા વિષય તરફ વળી ગયું.  સંગીત સ્પર્ધા પૂરી થતાં મીડિયા પણ શાંત થઈગયું હતું. સુનીલ અને એની મા નિરાલી અવસાન પામી અને એની પાછળ કોઈ સ્વજન હતું નહિ. કોઈ ખાસ મિલ્કત પણ હતી નહિ. ત્રણ ચાર મહિનામાં જ મા દીકરો ભૂલાઈ ગયા.

સુનીલ મર્ડર કેસની ફાઈલ બંધ નહોતી થઈ. ક્રાઈમબ્રાંચની  સિનીયર ઈનસ્પેકટર શીતલ આહુજાના હાથમાં સુનીલ મર્ડર કેસ સોંફાયો. દશમાં સિલેક્ટ થયેલી એક છોકરી પર શીતલનું ધ્યાન કેંદ્રીત થયું. નંબર વન થઈ શકે એવી ગાયીકાએ એક પછી એક ભૂલો કરવા માંડી અને સ્વેચ્છાથી એલિમિનેશન સ્વિકારી લીધું હતું. એ હતી કેયા.

કેયા સુન્દર હતી. મીઠ્ઠી હતી. સુનીલની મિત્ર બની ગઈ હતી. સુનીલની હત્યાના ચાર દિવસ પહેલાં કેયાએ, સુનીલની મમ્મી નિરાલી સાથે એક હોટેલમાં લંચ લીધું હતું.

ઇનસ્પેક્ટર શીતલ અમદાવાદ કેયાને ત્યાં તપાસ કરવા ગઈ.

‘કેયા, તું જ નંબર વન બનીશ એવી મારી ધારણા હતી. હું દર શનિ રવિ તમારો પ્રોગ્રામ જોવા ટીવી સામે બેસી જતી હતી. એકદમ શું થયું કે ખૂબ જલ્દી એલિમીનેટ થઈ ગઈ.’

‘ના, તમે માનો છો એવું સરસ હું ગાતી નથી. બસ, શોખને ખાતર થોડું ગાઉં છું એજ.’

‘બેટી, વધુ વિનમ્ર થવાની જરૂર નથી. ચોક્કસ પણે તું કેળવાયલી ગાયીકા છે. એની સાક્ષી આ દિવાલ પરનો ફોટો છે. આ તારી સાથે હાર્મોનિયમ પર કોણ છે?’ ઇનસ્પેટર શીતલે પ્રેમથી પુછ્યું.

‘એ મારા પપ્પા છે.’

;હા હું જાણું છું. પ્રખ્યાત ગઝલ ગાયક રાજેંદ્રજીને કોણ ન ઓળખે. તું રાજેંદ્રજીની બેટી છે તે લોકો ન જાણે પણ મારા કોલેજ કાળમાં એઓ ખૂબ જાણીતા હતા. અમારી કોલેજમાં એક ગઝલનો પ્રોગ્રામ હતો એમાં એમને આમંત્રીત કર્યા હતા. એમની સાથે ગાવામાં એક કંપેનિયન ગાયીકા એક છોકરી પણ હતી, એ કોણ તારી મમ્મી હતી?’

ઈંસ્પેકટર શીતલજી એ મારા જન્મ પહેલાંની વાત. મને ખબર નથી કે એની સાથે કોણ એમના પ્રોગ્રામમાં જતું હતું. મમ્મીના કહેવા મુજબ મારા જન્મ પછી એમણે બહાર પ્રોગ્રામ આપવાનું બંધ કર્યું હતું. મારા દાદાનો એક્ષપોર્ટ ઈંપોર્ટનો બિઝનેશ છે. તેમાં જ વ્યસ્ત રહેતા હતા. માત્ર શોખ ખાતર રોજ સવારે ચાર થી છ બે કલાક રિયાઝ કરી લેતા. એઓ પોતાની રીતે શાસ્ત્રીય રાગમાં ગઝલ કંપોઝ કરતા અને મને પણ શીખવતા. હું એલિમિનેટ થઈ પછી થોડા દિવસમાં જ એઓ હાર્ટએટેકમાં ગુજરી ગયા.’

‘તું સુનીલને કેટલા સમયથી ઓળખતી હતી?’

‘અમારી ઓળખાણ “આવતી કાલનો સંગીતકાર” પ્રોગ્રામમાં જ થઈ હતી.

‘આ પહેલાં તું એને ઓળખતી હતી?’

‘ના’

‘અત્યારે તારી મમ્મી ક્યાં છે?’

‘પપ્પાના અવસાન પછી ધીમે ધીમે એમણે ઓફિસનું કામ સંભાળવા માંડ્યું છે. અત્યારે તે ઓફિસમાં જ હશે. મેમ, આ બધું તમે અમને કેમ પુછો છો? સુનીલના ખુન માટે તમને મારા પર શંકા છે?’

‘ના કેયા, અત્યારે તો તારા પર અમને જરા પણ શંકા નથી. બધો આધાર તારી પાસેથી સાચી માહિતી ઉપર છે. ગભરાઈશ નહિ અને ચિન્તા પણ કરતી નહિ. અમારે સુનીલની ફાઈલ બંધ કરતાં શક્ય એટલી માહિતી એના ડેટા બેઈઝમાં મૂકવા પડે એટલા માટે પુછું છું. તને ઠીક ના લાગે તેના તારે જવાબ ન આપવા. કેયા તારે સુનીલ સાથે કેવા સંબંધ હતા?’

‘સંબંધ? ખાસ કઈં જ નહિ. સંબંધ માત્ર સંગીતની પ્રેક્ટિસ પુરતો જ. એ હેન્ડસમ હતો. કોઈપણ છોકરીને એની સાથે મૈત્રી કરવાનું ગમે એવો હતો. એ મને પણ ગમતો હતો. પણ હું એને બોયફ્રેન્ડ તરીકે તો ન જ રાખું. એ કોઈ એકને વફાદાર રહે એવો ન હતો. મ્યુઝિક કોમ્પિટશનના પ્લેટફોર્મ પર ઘણાંની એકમેક સાથે મૈત્રી થાય છે ત્યાર પછી ભાગ્યે જ એકમેક સાથે સંબંધ જાળવી રખાય.’

‘એની સાથે ઘણી છોકરીઓએ શારીરિક સંબંધ બાંધ્યા હતા એ વાત સાચી?

‘મેડમ એવી અફવા ચાલતી પણ, સાચી કે ખોટી વાત તે મને ખબર નથી.’

‘કેયા, એક સીધો અને છેલ્લો સવાલ. તારે સુનીલ સાથે શારીરિક સંબંધ હતા? તું એની સાથે સૂતી હતી? તેં એની સાથે કેટલીવાર સેક્સનો આનંદ ભોગ્વ્યો હતો? દરેક પ્રશ્ન સાથે ઇંસ્પેકટર મેડમના અવાજમાં સત્તાની તાકાત હતી. કેયા ધ્રૂજી ઉઠી. આંખમાંથી રેલા ઉતરવા લાગ્યા.

‘મેડમ, આઈ એમ સોરી, આઈ ડોન્ટ વોન્ટુ ટોક એબાઉટ ધીસ. મારે આ બાબતમાં કશું જ કહેવું નથી. સોગન પૂર્વક કહું છું કે મેં સુનીલનું ખુન કર્યું નથી. એની હત્યા સાથે મારે કોઈ પણ સંબંધ નથી. પ્લીઝ લીવ મી એલોન.’

‘કેયા, ડોન્ટ ક્રાય. તું સસ્પેક્ટ નથી. પણ અમારી ફરજ છે કે ફાઈલ બંધ કરતાં પહેલાં શક્ય એટલી ઈંક્વાયરી રિપોર્ટ ભવિષ્યની તપાસ માટે ભેગો કરવો પડે. કદાચ દશ પંદર વર્ષ પછી પણ આ કેસ રીઓપન કરવો પડે તો શક્ય એટલી માહિતી એમાં હોવી જ જોઇએ. ભલે તું આજે આ સવાલનો જવાબ ન આપે પણ પચ્ચીસ વર્ષ પછી પણ આ કે આવા સવાલોના જવાબ પોલીસ કે કોર્ટને આપવા પડશે.’

‘મારે તારી મમ્મીને પણ કેટલીક વાત પુછવી છે. એમને પોલીસ સ્ટેશન પર આવવાનું ફાવશે કે અમે એમની ઓફિસ પર જઈએ?’

‘આપ મમ્મીને જ પુછી લો.’ કેયાએ એની મમ્મી ભારતીનો ફોન આપ્યો.

બીજે દિવસે ભારતી, પોતાની પુત્રી કેયાને લઈને પોલીસ સ્ટેશન પર પહોંચી ગઈ. સાથે એનો વકીલ પણ હતો.

‘થેન્ક ફોર કમિન્ગ વિથ કેયા ભારતીબેન. અમારી પાસે બધી જ માહિતી છે. હવે કશું જ ચૂપાવવાનો અર્થ નથી. અમે મેળવેલી માહિતીના કન્ફર્મેશન માટે અમે જે પુછીએ તેના જો સાચા જવાબો ન મળે તો અત્યારે જ ફાઈલ ઓપન કરી સસ્પેક્ટ તરીકે બન્નેની જુબાનીઓ જાહેર કરવી પડશે. અત્યારે અમારી પાસે સુનીલની હત્યાની લિન્ક તમારા સૂધી પહોચે એટલી માહિતી છે જ. હત્યાના મોટિવમાં કેયા છે. ભલે એમાં એનો હાથ નથી. મારા પુછ્યા વગર એ રાતથી વાત શરૂ કરો જ્યારે કેયા સુનીલ પાસે ગીતના સરગમના રિહલ્સલ  માટે ગઈ હતી. કેયા યુ સ્ટાર્ટ ફર્સ્ટ.’ સિનીયર ઇનસ્પેકટર શીતલે આગળ પાછળની પ્રસ્તાવના વગર ઈનક્વાયરી શરૂ કરી. બે મહિલા સબઈંસ્પેકટર અને પોલીસ પ્રોસિક્યુટરની હાજરીમાં કેયાનું બયાન શરું થયું.

‘હું રિયાલિટી શો પહેલાં સુનીલને ઓળખતી ન હતી. સુનીલ અને અમારી ઓળખાણ શો દરમ્યાન જ થઈ. સુનીલ ભલો અને આકર્ષક યુવાન હતો. એણે મને એક ગીતના વચ્ચેના સરગમના રિહલ્સલને માટે એના રૂમ પર બોલાવી. સામાન્ય વાતચીત પછી એણે કહ્યું કે કેયા યુ આર મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. આપણે શોમાં જીતીયે કે ન જીતીયે પણ હું તારી સાથે જ જીવન જીવવા માંગું છું. આ મારી એકાએક ઉદ્ભવેલી લાગણી છે. લવ એટ ફર્સ્ટ સાઈટ. હું ગરીબ માનો દત્તક લીધેલો છોકરો છું. તું મારી સાથે લગ્ન કરશેને?’

મેં કહ્યું ‘આર યુ ઈંસેઇન? ગાંડો થયો છે?. આપણે તો એકબીજાને ઓળખતા પણ નથી.’

એણે કહ્યું ‘ચાલ આપણે અત્યારે જ એક બીજાને ઓળખી લઈએ. એણે શર્ટ કાઢ્યૂં. હું પ્રતિકાર કરતી રહી. એણે મને પીંખી નાંખી. હી રેઇપ મી. હી રેઇપ મી. મારા પગમાં તાકાત ન હતી. અવાજ બંધ થઈ ગયો હતો. ત્યાર પછી વહેલી સવારે એ મને રિક્ષામાં અમારી રૂમ પર મૂકી ગયો. મેં મમ્મીને ફોન કર્યો. મમ્મી અને પપ્પા દોડી આવ્યા. પોલીસમાં ફરિયાદ કરવા જવાના હતા. આમ તો પપ્પા મમ્મીએ એને ટીવી ઉપર જોયો જ હતો પણ એક ફોટો જરૂરી હતો. મેં ઓળખ માટે લેવાયલો એક ફોટો બત્યાવ્યો જેમાં સ્ટુડુયો સેટ પર સુનીલ એની મા ના આશીર્વાદ લેતો ક્લોઝપ ફોટો હતો. એકદમ પપ્પાએ પોલીસ ફરીયાદ કરવાનો વિચાર માંડી વાળ્યો.’

‘ભારતી, એવું તે શું થયું કે દીકરીના પર થયેલો બળાત્કાર પોલીસને જણાવવાને બદલે એ દુઃખને અંદરને અંદર સમાવી દીધું.’ ઇંસ્પેકટર શીતલે પુછ્યું

‘સુનીલ મારા પતિ રાજેંદ્રનો દીકરો હતો. અમને ખબર ન હતી કે તેઓ એક બીજાના ભાઈ બહેન છે.’

કેયા અડધી ઉભી થઈને બરાડી ઉઠી ‘મમ્મી વ્હોટ આર યુ ટોકિંગ એબાઉટ? હાઉ કમ સુનીલ ઈઝ માય બ્રધર?’

‘જરા વિસ્તારથી સમજાવશો; કે આખી વાત શું છે? અમને પણ હજુ સમજ નથી પડતી.’ સિનીયર ઈંસ્પેક્ટર શીતલે પુછ્યું.

‘મેડમ, આ વાત બાવીશ વર્ષ પહેલાં ની છે. રાજેંદ્ર સંગીતકાર હતા. એ કોઈ અજાણી ગઝલ લેતા અને પોતાની રીતે શાસ્ત્રીય રાગમાં કંપોઝ કરતા અને ગાતા. એમણે ધીમે ધીમે પબ્લીક પ્રોગ્રામ આપવા માંડ્યા. એમણે મને પણ સંગીત શીખવવા માંડ્યું પણ મને ખાસ રૂચી ન હતી. એ મને શીખવતા ત્યારે અમારા ઘરની કામવાળી છોકરી દુર્ગા કામ કરતાં કરતાં અમારા રિયાઝ અને વાતો સાંભળતી. ગરીબ ઘરની હતી. મારા સસરાની એ વ્હાલી દીકરી બની ગઈ હતી. એનો કુમળો કંઠ સારો હતો, એકવાર એ કચરો વાળતા મને શિખવેલી ગઝલ મારા કરતા સારી રીતે ગણગણતી હતી. અમે એને ખુલ્લા ગળાથી ગાવાનું કહ્યું. એણે સરસ ગાયું. રાજેંદ્ર એને પોતાની સાથે પ્રોગ્રામમાં ગાવા લઈ જતા. એ માત્ર પંદર વર્ષની હતી. સરસ ગાતી હતી. અમે એનું નામ બદલી નિરાલી રાખ્યું. બન્નેની જોડી પ્રખ્યાત થવા માંડી.’

ભારતી વાત કરતાં અટકી. એણે પાણી પીધું. વાત ચાલુ રહી.

‘એ જ અરસામાં હું પ્રેગનન્ટ થઈ. હું મારા પિયરમાં હતી. નબળી ક્ષણે રાજેંદ્રની મતિ ભ્રષ્ટ થઈ. એમણે દીકરી કે બહેન જેવી દુર્ગાને બળત્કારે પ્રેગનન્ટ બનાવી દીધી. ઘરમાં હું નહતી. દુર્ગાએ મારા સસરાને વાત કરી. રાજેંદ્રએ એનો ગુનો કબુલ કરી માફી પણ માંગી. મારા સસરાનો સ્વભાવ ખૂબ જ ક્રોધી હતો. એમણે મારા પતિને નેતરની સોટીથી દુર્ગાની હાજરીમાં ખુબ માર માર્યો. મારા સસરાએ દુર્ગાને પૂના મોકલી આપી. જ્યાં એણે એક દીકરાને જન્મ આપ્યો. પછી એને દિલ્હીમાં ઘર લઈ આપ્યું અને એને સમજાવી કે આ બાળકને તેં દત્તક લીધો છે એમ જ જાહેર કરજે. મા બનવા માટે તું નાની છે. એણે નિરાલી નામ ચાલુ રાખ્યું એના નામ પર મારા સસરાએ બેંકમાં પૈસા મુક્યા જેના વ્યાજમાંથી એનો નિર્વાહ ચાલ્યો. મારા સસરાએ આ વાત એમના અવસાન સમયે કહી હતી. એણે પૂના છોડ્યા પછી તે દિલ્હીમાં હતી તેનાથી અમે અજાણ હતા. રાજેંદ્રએ બહારના પ્રોગ્રામ બંધ કર્યા. એમના સંગીતને એમણે ઘરના ઉંબરાની અંદર જ પુરી દીધું. પિતાજીના બિઝનેશને સંભાળી લીધો. દીકરી કેયા પાંચ વર્ષની થઈ પછી એને એમણે સંગીત શીખવવા માંડ્યું’

‘જ્યારે કેયાએ અમને બોલાવીને ફોટો સુનીલનો ફોટો નિરાલી સાથે બતાવ્યો ત્યારે જ ખબર પડી કે સુનીલ નિરાલી અને રાજેંદ્રનો દીકરો છે. અમે દિલ્હીમાં નિરાલીને કેયાની ગેરહાજરીમાં મળ્યા. એ નિરાલી દુર્ગા બની ગઈ. એણે સુનીલ સામે એકવારપણ જોયું નહિ. મને કહ્યું આપ દીકરીને સંભાળી લો. હું સુનીલને સંભાળીશ. એ બાપની જેમ છકેલ થઈ ગયો છે. દીકરી કેયાને જણાવવાની જરૂર નથી કે આ હેવાન એનો ભાઈ છે.’

અમે પોલિસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું. પરસ્પર માફી માંગી છૂટા પડ્યા. અમે અમદાવાદ આવી ગયા. નિરાલી સીધી મુંબાઈ ગઈ જ્યાં પ્રોગ્રામનું સુટિંગ થતું હતું.’

‘કેયા તને કેવું લાગ્યું?’

‘ઓહ માય ગોડ!  આઈ ડિડન્ટ નો અન્ટિલ ધીસ મોમેન્ટ ધેટ સુનીલ ઈસ માય બ્રધર. ઓહ માય ગોડ. મને આ ક્ષણ સુધી ખબર ન હતી કે પપ્પા મમ્મી નિરાલીજીને ઓળખતા હતા અને મારા રેપ અંગે એમને મળ્યા હતા. અને પોલિસને ફરિયાદ ન કરવાનો નિર્ણય લીધો હતો. મને તો સુનીલની મમ્મીએ મુંબઈ હોટલમાં મળવા બોલાવી હતી. મારી ખૂબ માફી માંગી. પગે લાગ્યા. મને નિરાલીના અમારા પરિવાર સાથેના સંબંધની જાણ તો અત્યારે આ ઓફિસમાં જ થઈ. મારું મન રેઇપ ઘટના પછી અસ્વસ્થ હતું. ગાવામાં ચિત્ત ન હતું. હું એલિમિનેટ થઈ ગઈ. મુંબાઈથી અમદાવાદ આવી ગઈ. મારા પપ્પાને આઘાત લાગ્યો. એમને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા. એના ત્રીજા દેવસે અમને સમાચાર મળ્યા કે સુનીલનું ખૂન થયું છે. અમે એની શ્મસાન યાત્રા ટીવી પર જોઈ હતી.’ કેયાએ વાત પુરી કરી.

‘હવે ભારતીજી અમારી ડિટેકટિવ ટીમે એ શોધ્યું છે કે નિરાલીએ આત્મહત્યા કરતાં પહેલાં તમને એક કાગળ મોકલ્યો હતો. આપની પાસે એ પત્ર છે?’

‘હા, એ હું મારી સાથે લાવી છું. કદાચ સુનીલની હત્યાનો આરોપ અમારા પર આવે તો બચાવને માટે જરૂર પડે.’

‘આપ અમારા ઓફિસરને આપશો કે એ બધાની હાજરીમાં વાંચે અને એનું રેકોર્ડિંગ પણ કરી શકાય. આ ઓરિજીનલ અમારી પાસે રહેશે. એની કોપી અને રિસિપ્ટ આપને મળશે.’

ઓફિસરે એ ટૂંકો પત્ર વાંચ્યો.

ભારતીભાભી,

મેં સુનીલ સાથે ઘણી વાતો કરી. ન છુટકે એટલું કહ્યું કે કેયા તારી બહેન છે. તો કહે કે મને ખબર નથી કે મારો બાપ કોણ છે. મારી મા કોણ છે. હું તો તારો દત્તક દીકરો છું. મારે કોઈ ભાઈ બહેન નથી. આ કોન્ટેસ્ટ પતે પછી હું અમદાવાદ જઈ એના બાપની હાજરીમાં કેયાને મારી પાસે ખેંચી લાવીશ. મારે એને વધુ વાત કરવી ન હતી. આ જાનવરને સમાજમાં ફરતો ના મુકાય. ભલે તે પ્ર્ખ્યાત ધનિક ગાયક કેમ બને.

બસ, મેં બજારમાંથી સાઇલંસર વાળી ગન ખરીદી. દીકરાને હોટલ પર જઈને કપાળ પર ચૂબન કર્યું અને એ જ કપાળ પર એક બુલેટથી રક્ત તિલક કરી મારા સુનીલને પ્રભુધામમાં મોકલ્યો. કઢણ કાળજે એનો અગ્નિ સંસ્કાર પણ કર્યો. હવે હું પણ પ્રભુ શરણે પેટના સંતાનને પોતાનો કરવા જઈ રહી છું.

તમારી દુર્ગા.

ઓફિસરે પત્ર પુરો કર્યો. મૂંગે મહોડે મા દીકરીએ જ્યાં જરૂરી હતું ત્યાં સહી સિક્કા કર્યા. પોલીસ રેકોર્ડ પરની સુનીલ મર્ડર કેસની ફાઈલ કાયમ માટે બંધ થઈ.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

પ્રવીણ શાસ્ત્રીની વાર્તા

ગુજરાત દર્પણ જાન્યુઆરી ૨૦૨૦

ભીંતર ના વહેણ-પ્રકરણ ૨

S.Gandhi

સુરેન્દ્ર ગાંધી

ભીંતર ના વહેણ
  પ્રકરણ ૨

પરીક્ષિત ની પ્રસ્તાવના વિચાર માંગી લે તેવી હતી. અનાદિકાળ થી અમૃત ની ઝંખના, અમૃત જેટલી જ અમર લાગે છે. અમૃત ઝાંઝવા ના જળ જેવું હશે! જેટલી એને માટે દોટ મૂકીએ, એટલું જ એ લલચાવે. દોટ મુકનાર થાકી જાય તો ય  હાથ ન આવે. જીવન નો પ્રારંભ અને અંત પણ નક્કી જ હોય છે. દરેક જિંદગી ની જન્મનોંધ અને મૃત્યુનોંધ ક્યાં અને ક્યારે અને કેવી રીતે થશે એ નક્કી જ હોય છે. એના સમયપત્રક માં ફેરફાર કદાપિ નથી થતા. ફક્ત એટલું જ નિશ્ચિત હોય છે કે જન્મ અને મૃત્યુ વચ્ચે ના ગાળા ની કોઈ પરિસીમા નથી. પરિણામે જીવનયાત્રા ક્યાં તો અલ્પજીવી અથવા તો દીર્ઘજીવી હોય છે.

પરીક્ષિત ના પ્રસ્તાવ ઉપર વિદ્વવત્તાભરી ચર્ચા વિચારણા થઇ . એના મઁતવ્યો ઉપર વધુ ઊંડાણ માં સંશોધન કરવું લાભદાયક હોવાની શક્યતા સહેલાઇ થી નકારી શકાય તેમ નહોતું. પરીક્ષિત નો આનંદ સ્વાભાવિક હતો અને એની ચાલ માં એક ઉત્તેજના ઉભરાતી હતી.  ” ડૉક્ટર વિદ્વંસ તમારી પ્રતિભાશાળી પ્રસ્તાવના પ્રભાવિત કરે તેવી છે.આપણે આ વિષે વધુ વિનિમય કરી શકીએ તો કેવું?” એક વ્યક્તિ  એ પરીક્ષિત ની સાથે ચાલ મેળવતા પ્રશ્ન કર્યો. વિસ્મિત પરીક્ષિત  એ વ્યક્તિ ને નીરખી રહ્યો.અને જણાવ્યું  “માફ કરજો મને તમારો પરિચય નથી પણ હું તમારી પ્રોપોઝલ ને અવશ્ય આવકારીશ.”  સામી વ્યક્તિ એ પ્રત્યુત્તર માં દરખાસ્ત રજૂ કરી ” આજે સાંજે ડાઇનિંગ હોલ માં મળીએ, જો અનુકૂળતા હોયતો.” પરીક્ષિતે આમન્ત્રણ સ્વીકાર્યું એટલે પેલી વ્યક્તિ એ પરીક્ષિત ના હાથ માં એનું બિઝનેસ કાર્ડ મૂક્યું અને કહ્યું” હાલ તુરત તો આ છે મારો પરિચય.” કાર્ડ પર નામ હતું દિવાકર માધવન અને ટેલિફોન નંબર સિવાય અન્ય કોઈ માહિતી નહોતી. પરીક્ષિત ને એ જરા ખૂંચ્યું. સહેજ સંશય થ નોંધ લીધી. હોટેલ ના રૂમ ભણી પગલાં ભર્યા.

ડિનર માટે સાત વાગ્યા ના સુમારે પહોંચવાને વાર હતી એટલે સોફા પર લંબાવ્યું . એના મનાકાશ પર વિચાર વાદળો છવાયા.  થોડીક વાર ના આંખમીંચામણાં બાદ ફ્રેશ થઇ ને ડાઇનિંગ હોલ જવા નીકળ્યો. રસ્તે  રિસોર્ટ ના પ્રકૃતિક વાતાવરણ ને માણવાની ગડમથલ માં ખોવાયેલો હતો.

સામે થી એક યુવતી બહુ ઝડપ થી તો નહીં પણ અસાધારણ ઉત્સુકતા થી એની તરફ આવી રહી હતી. એના ચહેરા પર લહેરાતી આનંદ ની સુરખી સાથે સાથે મન્ત્રમુગ્ધતા ની મૂંઝવણ પણ નજરાતી હતી. સાવ નજીક આવી ત્યારે પરીક્ષિત ને એ ચહેરો પરિચિત લાગ્યો. પોતાના ચહેરા પર અવતરતા આશ્ચર્ય ના ઓળા અછતા ન રહ્યા. આ તો એ યુવતી હતી જે થોડાક સમય પહેલા બસ માં એની હમસફર હતી. બન્નેના પગલાં સાહજિક થંભ્યા પરીક્ષિત આમ પણ સ્વભાવે થોડો ટીખળી ખરો. એણે યુવતી ને નમસ્કાર કરી ને કહ્યું ” મેં તમને ક્યાંક જોયા છે એવી ફટી પુરાણી તરકીબ અજમાવી ને તમને આકર્ષિત કરવાની અભિલાષા વ્યર્થ છે. કારણ કે કોઈ પણ સમજદાર યુવતી, એવી ચેષ્ટા ની પારદર્શકતા ને વેધક દ્રષ્ટિ એ વીંધી નાખે. છતાંય મારા આત્મવિશ્વાસ માં મને અડગ શ્રદ્ધા છે એટલે હું સંપૂર્ણ નિર્ભયતા થી કહીશ કે થોડાક સમય પહેલા મુંબઈ ની એક બસ માં અલ્પ ક્ષણો માટે આપણે સાથે હતા. અને હા મારા સગા સ્નેહીઓ એને મિત્રો મને પરીક્ષિત વિદ્વંસ કહે છે. મારે કોઈ દુશમ્નો છે કે નહીં એ જાણતો નથી એટલે એમને માટે મારી ઓળખ બિનજરૂરી છે. ખરેખર તમારી સાથે મુલાકાત થવાની અશક્યતા ની શક્યતા સંભવિત હતી અને એટલે તમને જોઈ ને આનંદ થયો છે એમ કહેવાની ચેષ્ટા કરવી અયોગ્ય નથી.માની લઉં છું કે તમે પણ આ કોન્ફરન્સ માં ભાગ લેવા આવ્યા હશો.” ફટી પુરાણી તરકીબ તો નહોતી પણ પરીક્ષિત પોતે જ પોતાના વાક્ચાતુર્ય ઉપર આફ્રિન થઇ ગયો.! યુવતી અનિમેષ નજરે પરીક્ષિત સામે જોઈ રહી હતી. એની આંખો પરીક્ષિત ના ચહેરા નું અવલોકન કરી રહી હતી. ક્ષણભર ની રુકાવટ પછી યુવતી એ કહ્યું ” મારુ નામ ઉર્વશી ચિદમ્બરમ છે અને હા, હું કોન્ફરન્સ અટેન્ડ કરવા આવી છું.તમને તમારા અનુમાન પર ગર્વ થાય તો નવાઈ નહીં. તમારી પ્રોપોઝલ ઇન્ટરેસ્ટિંગ લાગી પણ એમાં  લાગે છે. કોઈક વખત વધુ વિગતે વાત કરીશું.”

 હાથ માં આવેલી તક જવા દે એટલો તો એ અણઘડ નહોતો. એણે કહ્યું ” આજ સાંજ નો મારો ડિનર પ્રોગ્રામ નક્કી થઇ ગયો છે, કાલ પર વાત રાખીએ તો?” યુવતી એ જવાબ વાળ્યો ” મારો પણ આજ ની સાંજ નો ડિનર પ્રોગ્રામ નક્કી છે.કાલ ની ખબર નથી.”  પરીક્ષિતે પ્રમાણસર આતુરતા થી આવતી કાલ ની સાંજ નો ડિનર પ્રસ્તાવ મુક્યો અને ઉર્વશી એ સાભાર માન્ય રાખ્યો. અચાનક ભેગા મળેલા  તેમ બન્ને પોતપોતાની દિશામાં વળ્યાં.

પરીક્ષિત નિયત સમયે હોટેલ ના ડાઇનિંગ રૂમ પર પહોંચ્યો. ત્યાં તો દિવાકર માધવન ને પણ આવતો જોયો. દિવાકરે કહ્યું”તમને પણ મારી જેમ સમયસર પહોંચવાની આદત  લાગે છે.” જવાબ માં પરીક્ષિતે એક હકારાત્મક સ્મિત ફરકાવ્યું. હાલ ના સંજોગો માં પરીક્ષિતે એની આદત મુજબ નિર્ણય કર્યો હતો કે આંખ અને કાન સજાગ રાખવા અને જરૂર પૂરતું બોલવું. વાત નો દોર એ પોતાના હાથ માં રાખતો.અને સામી વ્યક્તિ ને ખુલાસા થી વાત કરવા પ્રોત્સાહિત કરતો. પરીક્ષિત નું સંપૂર્ણ  ધ્યાન સામી વ્યક્તિ ના હાવભાવ, બોલવાની છટા, હલનચલન ઇત્યાદિ પર કેન્દ્રિત રહેતું. દિવાકર નો પણ કોઈક એવો જ મહાવરો હતો. સામ પક્ષ ને સંપૂર્ણપણે ચકાસવાની એની આદત મુજબ એ પણ સાવધ હતો. ખાસ તો દિવાકર ના કામકાજ ને લીધે. વાત નો દોર ભલે એ સરકી જવા દે, પણ જરૂર કરતા વધુ ખુલાસા કરવામાં  માનતો નહોતો. જયારે સામી વ્યક્તિ એનો વિશ્વાસ સંપાદન કરે છે એમ લાગે ત્યારે જ એ વાત ને વળાંક  આપી ને ધ્યેયસિદ્ધિ તરફ દોરી જતો. જયારે એની ચકાસણી માં સામી વ્યક્તિ ઉત્તીર્ણ થાય ત્યારે જ એ મુદ્દા ની વાત પર આવતો.બેઉં ના વલણ માં સામ્ય હતું તો એ જ કે મનમેળ બગર નો વાર્તાલાપ કરવાનું ફક્ત રાજકીય અને સામાજિક નેતાઓ ને જ પરવડી શકે.

હાલ ના સંજોગો માં તો દિવાકર માધવન ના ચહેરા પર એક આતુરતા આકાર લઇ રહી હતી.ઘડિયાળ અને ડાઇનિંગ હોલ ના પ્રવેશદ્વાર ની વચ્ચે એની તીક્ષ્ણ નજર ઘડિયાળ ના કાંટા ની જેમ ફરતી રહી. પરીક્ષિતે મનોમન અનુમાન કર્યું કે ડિનર માં એક યા વધુ વ્યક્તિઓ સામેલ થનાર છે.એને દિવાકર ની વિહ્વળતા હળવી કરવા માટે ઔપચારિક વાત છેડી. સામાન્ય રીતે હવામાન થી માંડી ને હોટેલ ની સવલતો અને કોન્ફરન્સ ની અરેન્જમેન્ટ જેવા વિષયો સહાયરૂપ બને. હાલ તુરત તો એ વિષયો જ પૂરતા છે એવી પરીક્ષિત ની ધારણા હતી.ડાઇનિંગ રૂમ ને અડી ને બાર એટલે કે મદિરા મંદિર નું અસ્તિત્વ હતું.પરીક્ષિતે દિવાકર ને ડ્રિન્ક ની ઓફર કરી . બેઉં બાર તરફ વળ્યાં. ડ્રિન્ક ઓર્ડર કર્યા. ડ્રિન્ક ને હથેળી માં રમાડતા રમાડતા વળી થોડીક આડીઅવળી વાતો થઇ.દિવાકર ની ચિંતાતુર  મુખમુદ્રા ગંભીરતા તરફ જઈ રહી હોય એમ લાગ્યું. અંતે ઘેરાયેલા વાદળ વિખરાયા અને એક આનંદ ની આભા એના ચહેરા પર અંકાઈ. દિવાકરે પ્રવેશદ્વાર તરફ જોઈ ને કોઈક ને હાથ ઊંચો કરી ને ઈશારો કર્યો. પરીક્ષિતે જોયું  કે ઉર્વશી એમની તરફ આવી રહી હતી. પરીક્ષિત નું આશ્ચર્ય સીમા પાર જઈ ને કોઈક સરહદી મામલો સર્જે તે પહેલા ઉર્વશી એ દિવાકર ને કહ્યું ” સોરી તમને રાહ જોવડાવી. અને ઉમેર્યું  કે કંપની ના મૅનેજિંગ ડિરેક્ટર સાથે ફોન પર વાત કરવા માં સમય એના ધ્યાન બહાર સરકી ગયો.” પરીક્ષિત ને પણ ત્યાં બેઠેલો જોઈ ને કુતુહલ અવશ્ય થયું. પણ બીજી કોઈ અનુભૂતિ થાય તે પહેલા દિવાકરે કહ્યું ” હું પણ કમાલ છું ને! ઉર્વશી મીટ પરીક્ષિત.” એમ કહી ને બેઉં ની ઓળખ આપવાની સભ્યતા દાખવી.બન્ને પક્ષે ઔપચારિક “હલ્લો” થયું. ડિનર દરમ્યાન અવનવી વાતો થઇ.થોડીક ઉપરછલ્લી. ઉર્વશી ની હાજરી એ પરીક્ષિત માટે એક સમસ્યા ઉભી કરી.એક વાત તો નક્કી હતી કે દિવાકર માધવન પરીક્ષિત અને ઉર્વશી કરતા વધુ દિવાળીઓ ઉજવી ચુક્યો હતો એટલે કે ઉર્વશી અને દિવાકર વચ્ચે પ્રોફેશનલ રિલેશન હોવાની સંભાવના એને ગમવા માંડી.એક વાત પરીક્ષિત ના ધ્યાન બહાર નહોતી. દિવાકર જયારે ડાઇનિંગ રૂમ તરફ આવતો હતો ત્યારે એક માણસ દિવાકર થી દશ ડગલાં આગળ સાવધાની થી કોઈ નું ધ્યાન દોર્યા વગર, ચોતરફ શું ચાલી રહ્યું છે એની માનસિક નોંધ લઇ ચાલતો હતો. એના હાવભાવ પર થી એ પણ પ્રતીત થતું હતું કે કોઈ પણ પરિસ્થિતિ ઉપર વર્ચસ્વ સ્થાપવા માં એ જરા પણ અચકાશે નહીં. તેવી જ  રીતે દિવાકર થી દશેક ડગલાં પાછળ એવી જ સાવધાની થી બીજો માણસ  અનુસરતો હતો.  પરીક્ષિતે એ પણ નોંધ્યું કે એ બેઉં માણસો એમના થી દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં એવા એક ટેબલ પર બેઠા હતા જ્યાં થી ડાઇનિંગ રૂમ ની રઅવર જવર ઉપર ચાંપતી નજર રાખી શકાય. પરીક્ષિત ને માધવન ના સ્ટેટ્સ નો આછોપાતળો  અંદાજ આવી ગયો હતો.

ક્રમશઃ

મંગુની “દેશી” પાર્ટી અને ઈમિગ્રેશન.

પ્રવીણ લેખક કાર્ટુન

પ્રવીણ શાસ્ત્રી

ન્યુ યર ઈવની ખાણીપીણીનો જલસો આ વર્ષે મંગુની મોટેલના નાના પાર્ટી હોલમાં રાખ્યો હતો. અમારું સુરતી મંડળ ઉપરાંત મંગુના બે ત્રણ સગાના ફેમિલીઓ પણ હતા. સાંજે છ વાગ્યાથી જ બધાએ પેટ પૂજા કરવા માંડી હતી. ખાતા પીતા મહિલા વર્ગને ખાધેલું પચાવવા માટે ગરબા-રાસનું મન થયું. બસ શરૂ થઈ ગયું.

એક બાર ચૌદ વર્ષનો પોઈરો અકળાયો. “આ બધી દેશી આનટીઓને હાઉ ટુ સેલિબ્રેટ ન્યુ યર ઈવ તેનું ભાન જ નથી.”
એની દેશી ગ્રાંડમાએ આ કોમેન્ટ સાંભળી. ‘એઈ ટેણકા, તું મોટો અમેરિકન થઈ ગયો કે બધાને દેશી કે’વા લાઈગો.’
‘હા હા આઈ એમ બોર્ન અમેરિકન. નોટ દેશી લાઈક યુ ગ્રાંડમા. સમ ડે આઈ’લ બી પ્રેસિડન્ટ.’

આ વાત તો ત્યાં જ પતી ગઈ. એ છોકરો તો સોડા લેવા આવેલો તે સોડા લઈને ચાલ્યો ગયો. અમારી વચ્ચે “દેશી” શબ્દ પર ચર્ચા ચાલી. મંગુ સોસિયલ મિડિયા પર ચરતો માણસ. એણે મારા બ્લોગમાં અને મારા ફેસબુકના સ્ટેટસમાં મારો એક આર્ટિકલ વાંચ્યો હતો. એણે કહ્યું આપણા શાસ્ત્રીજીએ એના બ્લોગમાં લખું તે જાણવા જેવું છે. એણે એના ફોન પરથી મારા બ્લોગનો આર્ટિકલનો ભાગ વાંચવા માંડ્યો. શાસ્ત્રીજી લખે છે…..

આપણે જ્યારે “દેશી” શબ્દ સાંભળીયે કે લખીએ ત્યારે આપોઆપ સમજી લઈએ છે કે દેશી એટલે અમેરિકામાં આવેલા ભારતીય વસાહતીઓ. હું જ્યારે ૧૯૭૦ માં અમેરિકા આવ્યો ત્યારે ઈંડિયનોને માટે આ દેશી શબ્દ પ્રચલિત ન હતો. લેઈટ સેવન્ટિઝમાં અને અર્લી એઇટિઝમાં જ્યારે આ શબ્દો સંભળાતા થયા ત્યારે અમને લાગતું કે આ ભારતથી અમેરિકા આવેલા આવેલા માટે એક અપમાનજનક શબ્દ છે. દેશી એટલે જાણે અભણ, ગામડિયા ઈંડિયન્સ. સમય જતાં આ શબ્દ એટલો બધો સ્વિકૃત થઈ ગયો કે પદ્મશ્રી સુધીર પરિખના વિકલી ન્યુઝ પેપરનું નામ પણ દેશી ટોક થઈ ગયું. વાહ દેશી વાહ.

“ઈંડિયન્સ” એટલે અમેરિકાની મૂળભૂત રહેવાસી પ્રજા જેને ખોટી રીતે ઈંડિયન્સ માની લેવામાં આવી હતી. હવે સાચા ઈંડિયન્સનો ભરાવો થતાં અમેરિકામાં બે જાતના ઈંડિયન્સ થયા. નેટિવ ઈંડિયન્સ કે અમેરિકન ઈંડિયન્સ અને સાઉથ એશિયન ઈંડિયન્સ એટલેકે “દેશી”

ચાલો આપણે જરા આપણાં “દેશી” ઓની જૂની વાતો જાણીએ.

ઈ.સ ૧૬૮૦માં એક ભારતીય પિતા અને આઈરિશ માતાની દીકરીને અમેરિકામાં ગુલામ તરીકે વેચવામાં આવી હતી અને તે પહેલી ભારતીય છોકરી અમેરિકામાં હતી એવું ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું હતું. સત્તરસોની સદીમાં બ્રિટ્શ
કોલોનિયલ કન્ટ્રીઝ માંથી ગોરા અંગ્રેજોએ આફ્રિકા અને દક્ષિણ અમેર્રિકા, કેરેબીયન દેશોમાંથી કાળા કે બ્રાઉન લોકોને અમેરિકા ગુલામો તરીકે લાવવામાં આવ્યા તેની સાથે જ ભારતમાંથી પણ અનેક ગરીબ, અભણ લોકોને ગુલામ તરીકે લાવવામાં આવ્યા હતા.

૧૭૯૦ના નેચરલાઈઝેશનના કાયદા પ્રમાણે માત્ર ગોરાઓને જ સિટિઝનશીપ આપવામાં આવતી હતી. કાળા કે
એશિયનોને સિટિઝનશીપમાંથી બાકાત રખાયા હતાં. તે સમયે કાળા અને એશિયનોએ મને કે કમને માત્ર શારીરિક નહિ પણ માનસિક ગુલામી પણ સ્વિકારી લીધી હતી.

ભારતમાં પણ ઐતિહાસિક રીતે આપણે ઊચા, ગોરાની માનસિક ગુલામી સ્વિકારતા જ રહ્યા છે. (કેટલાક લોકો
નહેરૂજીની પ્રતિભાને ગોરી ચામડી પ્રત્યેનો પૂજ્યભાવ જ સમજે છે) ચાલો આડી વાતને બદલે અમેરિકન વ્હાઈટ
સુપ્રિમસી અને રેસિયલ ડિસ્ક્રિમિનેશનની સાથે ઈમિગ્રેશનની વાતમાં આગળ વધીયે.

એક એક્ષ્પર્ટના નોંધ્યા મુજબ ૧૮૨૦ થી ૧૯૦૦ એટલે કે એ આઠ દાયકા દર્મ્યાન માત્ર ૭૧૬ ભારતીયો હતા.
કેટલાક એના કરતાં વધારે હતાં એવું માને છે. મોટાભાગના શીખ પંજાબીઓ કેનેડાના બ્રિટિશ કોલ્મ્બિયામાં
રેશિયલ ડિસ્ક્રિમિનેશન અને ગોરાઓના ત્રાસથી અમેરિકામાં આવ્યાં હતાં. તેઓ વોશિન્ગટન, ઓરાગોન,
કેલિફોર્નિયા સ્ટેટમાં ખેતરોમા, રેલરોડ કંપનીમાં કે ફેકટરીઓમાં કામ કરતાં હતાં.

૧૯૦7-૮ દરમ્યાન અમેરિકામાં પણ ગોરાઓની અદેખાઈ વધી ગઈ. સસ્તા દેશી મજુરોની સ્પર્ધાએ તોફાનનું
સ્વરૂપ પકડ્યું અને એશિયન ઈમિગ્રાંટસના હક્કો પર અંકુશ અને કાપ મુકાયો. એઓ જમીન ખરીદી માલીકી હક્ક
ભોગવી ન શકે એવા કાયદા ઘડાયા. શીખ અને બીજા એશિયન ઈમિગ્રાંટ જેઓએ વ્હાઈટ સ્ત્રીઓ સાથે લગ્ન
કર્યા હતા તેઓના યુ.એસ. બોર્ન છોકરાંઓના નામે જમીન અને મિલ્કતો ખરીદવાનું શરૂ કર્યુ તોકેટલાક રાજ્યોમાં,
એન્ટી મિસગેઝનેશન કાયદાએ ભારતીય પુરુષો માટે સફેદ મહિલાઓ સાથે લગ્ન કરવું ગેરકાયદેસર બનાવ્યું હતું.
તે અરસામાં ઘણા ભારતીય પુરુષો, ખાસ કરીને પંજાબી પુરુષો, હિસ્પેનિક સ્ત્રીઓને પરણ્યા હતા.

૧૯૧૦ની આસપાસમાં ભારતિય મૂળના પારસીબાવા ભીખાજી બલસારા પહેલા જાણીતા દેશી અમેરિકાના
નેચર્લાઈઝ્ડ સિટિઝન થયા. ખરેખર એમને ભરતના ગણવાને બદલે ગોરા પર્સિયન નોન હિંદુ ગણવામાં આવ્યા
હતાં. ૧૯૧૩ અને ૧૯૨૩ની વચ્ચે કોકેઝિઅન મનાતા લગભગ ૧૦૦ જેટલાં ભારતના લોકોને નાગરિક્તા
આપવામાં આવી હતી. પાછળથી ગોરી અમેરિકન પ્રજાને એમાં વાંધો પડ્યો. કહે કે આ બધા પ્યોર ધોળીયાઓ
કોકેઝિયન નથી. ગોરિયાઓ સાથે કોઈ સાંસ્કૃતિક સરખા પણું નથી. આપણી મહાનતા સાથે એમને ભેળવવા
યોગ્ય નથી.

બસ ઘણાનું અપાયલું નાગરિત્વ છીનવાઈ ગયું. સિટિઝનશીપ ન મળે મિલ્કત ન ખરીદાય માત્ર મજુર તરીકે જ
રહેવાનું. મૂળ આવનાર વસાહતીઓ પુરુષો હતા અને તેમના અમેરિકન સ્ત્રીઓ સાથેના લગ્નો પર પણ અંકુશ
અવી ગયો હતો એટલે હજારો ભારતીઓ ભારત પાછા ફર્યા. જેમની પાસે પાછા જવા માટે પણ સાધન સગવડ
ન હતા તેઓ હતાસામાં જીવતાં રહ્યા.આ વા જ એક વસાહતી વૈશોદાસ બગાઇએ હતાશામાં આત્મહત્યા કરી હતી.તો બીજી બાજુ એક અંદાજ મુજબ 1920 થી 1935 ની વચ્ચે લગભગ 1,800 થી 2,000 ભારતીય વસાહતીઓ ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશ્યા હતાં

૧૯૪૩માં પ્રેસિડંટ રૂઝવેલ્ટે ભારતીઓ પ્રતિ થતા ડિસ્ક્રિમીનલ દૂરકરવાના બીલને સમર્થન આપ્યું અને
૧૯૪૬માં પ્રેસિડન્ટ ટ્રૂમેને ભારતીઓને ઇમિગ્રાંટ તરીકે અમેરિકામાં આવવાનો અને કાયદા મુજબ સિટીઝન
થવાનો અધિકાર આપતા કાયદા પર સહિ કરી. પછીતો ૧૯૫૬માં દિલિપસિંહ સાઉદ કેલિફોરનિયામાંથી હાઉસ
ઓફ કોંગ્રેસમાં ચૂટાયા અને બીજી અને ત્રીજી ટર્મમાં પણ ચૂટાંતા રહ્યા. દિલિપસિંહ કોંગ્રેસમેન તરીકે પહેલા
ઈંડિયન અને એશિયન હતા.

પછીતો પચાસ અને સાઠના દાયકામાં ભારત ઉપરાંત એશિયાના દેશોમાંથી ઘણાં અમેરિકામાં આવવા લાગ્યા.
દરેક દેશ માટે ક્વોટા સિસ્ટિમ પ્રમાણે ઇમિગ્રાંટ આવતા થયા. ઈસ્ટ્કોસ્ટમાં ભારતીયોની વસ્તી પ્રસરવા માંડી.
હવે મજુરી માટે આવતાં ઈંડિયન્સને બદલે ભણવા અને સ્થાયી થવા માટે આવતા લોકો વધવા માંડ્યા.
૧૯૬૫માં પ્રેસિડંટ લિન્ડન બી જોનસને ક્વોટા સિસ્ટિમ નાબુદ કરી અને લાયકાતના ધોરણે વોલિફાઈડ લોકોને
વિઝા આપવા શરૂ કર્યા.

આ કાયદાનો લાભ આપણા ગુજરાતીઓએ સરસ રીતે ઉઠાવ્યો. જેઓ ભણવા આવ્યા હતા એમની પાસે
ઈડિયાની ડિગ્રી તો હતી જ અને અહિનું ભણતર હતું. તેઓએ સહેલાઈથી ગ્રીન કાર્ડ (કાયદેસરના એલિયન કાર્ડ
મેળવ્યા).

લગભગ તે જ અરસામાં ઈંગ્લેંડમાં પણ એજ્યુકેટેડ ઈન્જીનિયર્સ અને સાઈન્ટિસ્ટને લેબર સર્ટિફિકેશન વિઝા
આપવાનું શરૂ કર્યું હતું. મને પાંચવર્ષ કરતાં વધુ ઈંડસ્ટ્રિઅલ લેબનો અનુભવ હતો. મેં કોઈ ગંભીરતા વગર અરજી
કરી. વિઝા મળી ગયા. બસ ગરીબ બ્રાહ્મણને ફરવા મળશે એ લોભથી ઈંગ્લંડ પહોંચી ગયો. સદ્ભાગ્યે બ્રિટિશ
રેલ્વેની રિસર્ચ લેબમાં નોકરી પણ મળી ગઈ. એડવાન્સ સ્પેક્ટ્રોસ્કોપીનો કોર્ષ પણ કરી લીધો. બે વર્ષમાં યુરોપમાં
પણ મફત ફરી લીધું.

બધા યુકેના મિત્રો અમેરિકા જવા માંડ્યા. મારે તો યુકે માં પણ કોઈ સગા નહિ અને અમેરિકામાં પણ કોઇ નહિ.
સુરત છોડ્યા પછી બધું જ સરખું ભારત અને ઈંગ્લેંડનો અનુભવ કામ લાગ્યો. તો હમ ચલે અમેરિકા. ૧૯૭૦માં
અમેરિકા આવ્યો.

તે સમયે એંપ્લોયમેંટ માટે પાંચ કેટેગરીના વિઝા હતા.
Professional preferences
The Immigration and Naturalization Act of 1965 and subsequent legislation
established professional preference categories for individuals seeking visas.
These categories are listed below in descending order, which the highest
preference category listed first: [1] [6]
1. "Persons of extraordinary ability" in the arts, sciences, education,
business, or athletics
2. Individuals holding advanced degrees or possessing "exceptional abilities
in the arts, science, or business"
3. Skilled workers with a minimum of two years of training or experience;
unskilled laborers for permanent positions

4. Other special classes of immigrants, including religious workers,
employees of U.S. foreign services posts, and former U.S. government
employees
5. Individuals investing between $500,000 and $1 million "in a job-creating
enterprise that employs at least 10 full-time U.S. workers"

હું અને મારા મોટાભાગના મિત્ર સેકંડ અને થર્ડ પ્રેફરન્સ કેટેગરીના લાભ લઈને અમેરિકામાં સ્થાયી થયા છીએ.
પછી અમારા સગા આવ્યા, સગાના સગાઓ આવ્યા અને તેના સગાઓ આવ્યા જેમને અમે નથી ઓળખતા
અને તેઓ અમને નથી ઓળખતાં એ સૌ સૌના પ્યારા “દેશીઓ” ભલે દેશી કહેવાતા હોય પણ એઓ દેશી નથી.
અમારા કરતાં વધુ કુશળ, એજ્યુકેટેડ અને વધુ સમૃદ્ધ છે.

આ પોસ્ટ વાંચતા સહેલાઈથી એક અનુમાન પર આવી શકાય કે અમેરિકામાં કલર અને રેસિયલ ડિસ્ક્રિમિનલ હતું
જ અને કાયદાથી એ અંકુશમાં આવ્યું છે. એમ તો ન જ કહી શકાય કે એ સંપૂર્ણ નાબુદ થઈ ગયું છે. શૈક્ષણિક રીતે, આર્થિક રીતે ભારતથી આવેલા સ્થાનિક પ્રજા કરતાં ચઢિયાતા સાબિત થયા છે. ગોરા અને કાળાની ઈર્ષ્યાનો
ભોગ બનાય એ પણ શક્યતાઓ તો ખરી જ. પહેલી પેઢી હજુ મુક્ત રીતે સ્થાનિક પ્રહા સાથે ભળી શ્ક્યા નથી.
બીજી પેઢી ને એ ક્ષોભ નથી. માત્ર મૈત્રી સંબંધ જ નહિ; લગ્ન સંબંધ પણ બંધાવા લાગ્યા છે.

મંગુએ વાંચવાનું પુરું કર્યું. પેલા છોકરાની વાતમાં એક તથ્યતો હતું જ. જ્યાંસુધી પ્લેઇન ભરાઈને આવતા રહેશે ત્યાં સુધી પહેલી અને બીજી પેઢીના ભારતીયો દેશી જ રહેવાના અને દેશી જ કહેવાવાના. અમે બધા પહેલી પેઢીના દેશીઓ જ છીએ. ન્યુ યર ઈવની પાર્ટિમાં પણ રગડા પેટિસ કે ઘારી દૂધપાક ખાવાના અને ગરબા પણ ગાવાના જ.
પછી તો ગરબા, રાસ, ભાંગડા, ડેન્સ, અને ખરેખર ૨૦૨૦ની શરૂઆત થતાં જ શેંપેઈંજના ચીયર્સથી દેશી પાર્ટી  મેરિકન પાર્ટી થઈ ગઈ.

પ્રવીણ શાસ્ત્રી
તિરંગા જાન્યુઆરી ૨૦૨૦.

ભીંતર ના વહેણ – પ્રકરણ ૧

વ્હાલા વાચક મિત્રો,

આજથી દર સોમવારે શ્રી સુરેન્દ્ર ગાંધીની નવલકથા “ભીંતર ના વહેણ”, “પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વાતો” બ્લોગમાં રજુ કરવાની અનુમતી મળી છે. શ્રી ગાંધી વર્ષોથી ન્યુ જર્સીના ગુજરાત દર્પણ અને તિરંગાના કોન્ટ્રિબુટર રાઈટર રહ્યા છે. પ્રણય કાવ્યો, વાર્તા અને નવલકથા ઉપરાંત અંગ્રેજી કટાક્ષલેખો પર પણ સારી હથોટી છે. આશા છે કે આ નવલકથા આપ સૌને  ગમશે. આ કથાના પ્રકરણો ત્રાસરૂપ લાગે એટલા લાંબા નથી. આપના પ્રતિભાવની અપેક્ષા તો ખરી જ.

પ્રવીણ શાસ્ત્રી.

ભીંતર ના વહેણ

S.Gandhi

  લેખક: સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી

પ્રકરણ ૧

જીવન પાનખર માં ખરી પડેલા સ્મૃતિપર્ણો મંદ ઘુમરીઓ લેતા હતા.જીવનસંધ્યા અસ્તાચળ ના અસીમ અંધકાર ને નિશ્ચિતપણે આવકારવા ક્ષિતિજ ભણી ડગલાં ભરવા માટે અધીરી થઇ રહી છે.સઁસ્મરણો ના અસંખ્ય તારલા ગગનગોખલે એક આખરી અજવાળું રેલાવી સ્મૃતિપટ ને સજાવી રહ્યા હતા.કદાચ અંધકાર ને પળભર થંભી જવાની વિનંતી  કરતી આછીપાતળી તેજરેખાઓ વહી ગયેલી જીવનગાથા ને અવનવા આકાર આપીને સ્પષ્ટ કરવા માં પ્રયત્નશીલ હતી. કોઈક અણઘઢ દિગ્દર્શક ના અધકચરા દિગ્દર્શન માં નિર્માયેલ   અસંગત  ચલચિત્ર ની જેમ સ્મૃતિપટ પર અસંખ્ય દ્રશ્યો ક્ષણભર માટે સજીવન થઇ અને ટોળે મળતા વિદાયગીતો ની જેમ વિખરાઈ જતા હતા.  વિદ્યુત ના ચમકારા ની જેમ કોઈક ઘટના ચોંકાવતી હતી તો મંદ પવન ના વીંઝણાં કોઈક વીતેલી વાતો ને મલકાવી રહ્યા હતા.મન; ચક્ષુ ની અશ્રુધારા ના વાંકાચૂંકા સ્ખલિત વહેણ માં વીતેલા વ્હાણા વહી રહ્યા હતા.અતીત ના ઓળા વર્તમાન ને આવરી રહ્યા હતા. શું અતીત ની આરાધના જ જીવન યાત્રા નું એક માત્ર  ધ્યેય છે? ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે! એટલે કદાચ અનિશ્ચિત અને અજ્ઞાત ભાવિ પર મીટ માંડવાને બદલે જોયેલા અને જાણેલા અતીત સાથે નો સમાગમ સત્સંગ કરતાંય  વધુ સુગમ લાગે.
પરીક્ષિત ને અણસાર પણ ના આવ્યો કે વીતી ગયેલી વાતો ના મણકાઓ ની માળા પર ફરી રહેલી અંગુલીઓ સાથે સમય પણ સરકી રહ્યો હતો.એ કોઈ તન્દ્રા માં વર્તમાન થી વિખૂટો થઇ બેઘડી ભૂતકાળ સમીપ જઈ બેઠો. વર્ષો પહેલા ની એક બસ સ્ટોપ ની વાત યાદ આવી. ઘરે થી નીકળતા મોડું થયું હતું. બસ ચુકી જવાની ધાસ્તીએ ચાલ ને તેજ કરી. ઝડપભેર લાઈન માં જોતરાઈ ગયો. એની આગળ લાઈન માં એક યુવતી ઉભી હતી.પરીક્ષિત ની સ્ત્રીદાક્ષિણ્ય ની ભાવના એટલી કૃપણ તો નહોતી જ. એટલે એણે મનોમન સહજ અંજલિ અર્પણ કરી અને નિખાલસપણે નીરખવાની ચેષ્ઠા કરી. યુવતીઓ ને નજર ના નજરાણા ધરવાની ઉદારતા એણે કેળવેલી પણ એમાં અશ્લીલતા નો અભાવ હતો. આંગળી ના ટેરવે ગણાય એટલી યુવતીઓ ના ગાઢ સમાગમ માં આવેલો પરીક્ષિત પાસે ઉભેલી યુવતી ની સમીક્ષા કરી રહ્યો હતો.
નિયમિત આ જ સમયે એ બસ સ્ટોપ પર આવતો અને તેથી એના જેવા સહયાત્રીઓ થી  સહેજ પરિચિત હતો.પરંતુ આજે પહેલી જ વાર નવાગંતુક યુવતી ને જોઈ ને કુતુહલ સળવળ્યું. યુવતી નિર્લેપભાવે, નારીસહજ નમણાશ થી નિર્વિકાર શી ઉભી હતી. બસ આવી અને પરીક્ષિત પણ એ યુવતી ને બસ માં અનુસર્યો. ખાલી સીટ ના અભાવે બન્ને સ્ટ્રેપ પકડી ને ઉભા હતા. બસ પણ દારૂબંધી ના જમાના નો સડેલા ગોળ નો દારૂ પીધેલ દારૂડિયા ની જેમ ટ્રાફિક માં લથડિયાં લેતી હતી. ઘડીક માં આંચકો તો ઘડીક માં વળાંક નો વાંચકો . કન્ડકટર ને પૈસા આપવા યુવતી એ પર્સ ફંફોસ્યુ અને બેશરમ બસે એવો લચકો લીધો કે પૈસા , પૈસા ને ઠેકાણે રહ્યા અને યુવતી નું ઠેકાણું પરીક્ષિત ના વિશાળ તો નહીં પણ પ્રમાણસર ખભા પર ઠરીઠામ થયું.ક્ષોભ અને અસહાયતા ના ઓળા યુવતી ના ચેહરા પર અવતર્યા. પરીક્ષિતે ક્ષમાયાચના ન કરવાની અનુકમ્પાભરી યાચના યુવતી ને કરી. ગરુડ થી પણ ત્વરિત ગતિએ પડેલા પૈસા પર તરાપ મારી અને યુવતી ને પરત કર્યા. યુવતીએ આભાર માન્યો. કોઈ દેશી મુવી માં આવા દ્રશ્ય નું શૂટિંગ કરવા માટે કેટકેટલા રિટેઈક થાય. અભિનય ની કૃત્રિમતા  કરતા બેઉં ના હાવભાવ માં સાહજિકતા હતી. એ નિખાલસ ભાવ ને ભજવવા માટે અભિનય પાંગળો લાગે. આંખ વડે થતા મૂક સંવાદો ને વાચા આપવાની ઘૃણા ન કરવી. આંખોની અગમ્ય ભાષા ની સરખામણી માં ડાચાં ની વાચા વામણી લાગે.
પરીક્ષિતે એ બસ યાત્રા ને નોંધનીય નહીં પણ સામાન્ય બીના તરીકે બહાલી આપી.આમ તો એની જીવનદીશા રેલ ના પાટા પર ચાલતી ટ્રેઈન ને જેમ ચિંધાયલી હતી.નસીબજોગે હજુ સુધી તો ગાડી પાટા પર હતી. ધ્યેયસિદ્ધિ એને માટે સાહજિક તો નહોતી પણ એના પ્રયત્નો માં એને અડગ શ્રદ્ધા હતી.એક આત્મવિશ્વાસ હતો પરિણામે ઘણી  મહત્વાકાંક્ષા પરિપૂર્ણ થઇ હતી. પી.એચ. ડી. ડિગ્રી પ્રાપ્ત કરી ને ટૂંક સમય માં આ એક ઇન્ટરનેશનલ ફાર્માસૂટિકલ કમ્પની માં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે જોડાઈ ગયો. એના જન્માક્ષર આ કમ્પની ના જન્માક્ષર સાથે ખુબ જ મળતા હશે એટલે તરક્કી ઝડપભેર થતી રહી. પરીક્ષિત પોતાની મશ્કરી કરતો. નોકરી સાથે જન્માક્ષર મળ્યા એ નસીબ ની વાત છે. છોકરી નો ઝાઝો વિચાર નહોતો કર્યો એટલે કુંડળી મળે કે ન મળે બહુ ફર્ક પડે તેમ નહોતું.સ્ત્રીઓ થી એ  પરિચિત હતો. શરમાળ નહોતો અને બેશરમ પણ નહીં. બસ માં બનેલી ઘટના ના કોઈ ફણગા ન ફૂટ્યા. એ ભલો ને એનું કામ ભલું. ફાજલ સમય મિત્રો અને કુટુમ્બીઓ સાથે ગાળતો. જે પ્રોજેક્ટ ઉપર એ  કામ કરતો હતો એ આશાજનક હતું. કૈંક નવું હાંસલ કરવાની સિદ્ધ કરવાની શક્યતા હાથવેંત માં હતી. લાઈફ ની રૂટિન માં બીજું કોઈ રટણ નહોતું.
કોઈક વૈજ્ઞાનિક કોન્ફરન્સ માં ભાગ લેવા માટે બહારગામ જવું પડ્યું. આવી સભાઓનું આયોજન રિસોર્ટ માં કોઈક ખ્યાતનામ હિલસ્ટેશન પર થતું. બધો ખર્ચ કમ્પની ફાળવે એટલે સસ્તા માં સિદ્ધપુર ની જાત્રાએ જવાય. સિમલા થી થોડે દૂર એક અદ્યતન, તાજેતર ના બનેલા રિસોર્ટ માં મિટિંગ હતી.  પરીક્ષિત એની રિસર્ચ નો પ્રારંભિક પરિચય આપવાનો હતો. બહુજ ડિટેઇલ માં ઉતરવાનું જોખમી હતું. હાજર રહેલા વૈજ્ઞાનિકો માં થી કોઈક એ રિસર્ચ નું અનુકરણ કરી ને યશ મેળવી જાય તો એની મહેનત પાણી માં જાય. વૈજ્ઞાનિકો પણ  આખરે તો આપણી જેવા જ કાચી માટીના માનવ. પ્રલોભનો અને પ્રપંચ પ્રત્યે નું વલણ પણ આપણા જેવું જ. વૈજ્ઞાનિકો માં ત્રણ પ્રકાર હોય છે. એક પ્રકાર સીટિંગ નો. આ બેઠાડુ આળસુ ના પીર, જેમને શેકેલો પાપડ ભાંગવાનું પણ ભારજનક લાગે. બીજો પ્રકાર ચીટિંગ  યાને કે કપટી, કાવતરાબાજ. જે વૈજ્ઞાનિક દાણચોરી કરે. જેમ જકાત ની જફા સામાન્ય લોકો ને નથી ગમતી તેમ એમને પણ ડ્યુટી સાથે અણબનાવ. ત્રીજા પ્રકાર માં આવે ઈટિંગ  જે ખાવાપીવા માં રચ્યાપચ્યા રહે અને અન્ય વૈજ્ઞાનિકો ને ખાણીપીણી સાથે ધોખો પણ ખવડાવે.
પરીક્ષિતે પોતાની રિસર્ચ ની ખુબ જ ઇન્ટરેસ્ટિંગ રજુઆત કરી . એનો પ્રસ્તાવ જેટલો લાક્ષણિક  હતો એટલો જ સચોટ હતો. અનાદિકાળ થી ઓસડ ઔષધિઓ નું અવિરત સઁશોધન થઇ રહ્યું છે. પણ આ આંધળી દોટ મુકવામાં એ વિસરાઈ ગયું કે રોગગ્રસ્ત દર્દી ની બીમારી સમસ્ત શરીર ને આવરી લે છે. મોટા ધરખમ સ્પેશિયાલિસ્ટ તબીબો દર્દી ની બીમારી નો ઈલાજ કરે  છે પણ દર્દી ના સમગ્ર શરીર ને પ્રાધાન્ય નથી આપતા. તેવીજ રીતે કોઈ પણ દવા ની અસર સમગ્ર શરીર પર થાય જ. એ નક્કર હકીકત છે.ઘણીવાર દવા ની અસર એવી વિપરીત હોય કે બકરી કાઢવા જાય અને ઊંટ પેસી એવો ઘાટ થાય. . ઉપરાંત પ્રત્યેક બીમારી ની અસર શરીર, મન અને ચેતના પર થાય છે.. એવી કોઈ જડીબુટ્ટી હશે જે દર્દી ને હમ્મેશા તંદુરદત રાખે? એક આદર્શ તરીકે આ પ્રસ્તાવ સુંદર લાગે પણ જો આવી જડીબુટ્ટી હાથ લાગી જાય તો કેટલા વ્યવસાઈ ગ્રુપ ને નુકશાન થાય! પરીક્ષિત ને હિસાબે જીવનયાત્રા એકલવાયી નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમગ્ર બ્રહ્માંડ ના તાણાવાણા એમાં વણાયેલા છે. જીવન માં બનતા  પ્રસન્ગો માં આશય  કે હેતુ હોય છે જેની પુરી જાણકારી ભાગ્યે જ થાય છે. તો શું જીવન નો દોરી સંચાર પરમતત્વ ના હસ્તક છે અને  આપણે  એની કઠપૂતળીઓ છીએ?

 

જાન્યુઆરી ૬, ૨૦૨૦

 

ક્રમશઃ

સુંદર પિચાઈ -NEWS18 GUJARATI જાણવા જેવું.

  • સુંદર પિચાઈ

  • સૌજન્યઃ

  • NEWS18 GUJARATI

એક સમયે પ્લેનની ટિકિટ માટે લીધી હતી લૉન, હવે બન્યા Google & Alphabetના CEO, દર કલાકે કમાય છે 1.6 કરોડ રૂપિયા

એક સમયે પ્લેનની ટિકિટ માટે લીધી હતી લૉન, હવે બન્યા Google & Alphabetના CEO, દર કલાકે કમાય છે 1.6 કરોડ રૂપિયા

ગૂગલના સીઈઓ તરીકે તેમને પગાર તરીકે વર્ષ 2018માં 47 કરોડ ડૉલર એટલે કે લગભગ 3,337 કરોડ રૂપિયા મળ્યા હતા

ગૂગલના સીઈઓ તરીકે તેમને પગાર તરીકે વર્ષ 2018માં 47 કરોડ ડૉલર એટલે કે લગભગ 3,337 કરોડ રૂપિયા મળ્યા હતા

નવી દિલ્હી : દુનિયાભરમાં ફેમર્સ સર્ચ એન્જિન ગૂગલ (Google Search Engine)ના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai)નું પ્રમોશન થઈ ગયું છે. સુંદર પિચાઈ હવે ગૂગલની પેરન્ટ કંપની ઍલ્ફબેટના CEO બની ગયા છે. નોંધનીય છે કે, હજુ સુધી આ જવાબદારી ગૂગલના સહ સંસ્થાપક સર્ગેઈ બ્રિનની પાસે હતી. નવા ફેરફાર બાદ સર્ગઈ બ્રિન અને ગૂગલના બીજા સહસંસ્થાપક લૈરી પેજ કંપનીમાં સહસંસ્થાપક, શૅરધારક અને ઍલ્ફબેટના બૉર્ડ ઑફ ડિરેક્ટરમાં ચાલુ રહેશે. બીજી તરફ પિચાઈ હવે ગૂગલ અને ઍલ્ફબેટ બંનેના સીઈઓની જવાબદારી સંભાળશે. પિચાઈ તેની સાથે જ ઍલ્ફબેટના બૉર્ડ ઑફ ડિરેક્ટર પણ રહેશે.

ઍલ્ફબેટની સ્થાપના 2015માં થઈ હતી

ગૂગલે 2015માં પોતાની કંપની સ્વરૂપમાં મોટો ફેરફાર કરતાં ઍલ્ફબેટની સ્થાપના કરી હતી. ઍલ્ફબેટ વિભિન્ન કંપનીઓનું એક સમૂહ છે. ઍલ્ફબેટ ગૂગલને વાયમો (સ્વચાલિત કાર), વેરિલી (જીવ વિજ્ઞાન, કૈલિકો (બાયોટેક આરએન્ડડી), સાઇડવૉક લૅબ અને લૂન જેવી બીજી સંસ્થાઓથી અલગ કરે છે. આ તમામ ગૂગલના મૂળ વ્યવસાય નથી.


આવો, આપને જણાવીએ કોણ છે સુંદર પિચાઈ અને કેવી રીતે તેમની આ મુશ્કેલ સફર…

(1) કોણ છે પિચાઈ? સુંદર પિચાઈનું પૂરું નામ સુંદરરાજન પિચાઈ છે. તેમનો જન્મ તમિલનાડુના મદુરૈમાં 12 જુલાઈ 1972ના રોજ થયો છે. ભારતમાં આઈઆઈટી ખડગપુરથી બીટેક અને સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલગી એમએસ કર્યા બાદ તેઓએ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીથી એમબીએની ડિગ્રી મેળવી. સુંદર પિચાઈ લાંબા સમયથી ગૂગલના કર્મચારી તરીકે કામ કરી રહ્યા હતા. વર્ષ 2015માં તેમને ગૂગલના સીઈઓ નિમવામાં આવ્યા

હતા.
(
2) ઘરમાં ટીવી નહોતું- સુંદર પિચાઈ ચેન્નઈમાં બે રૂમવાળા ઘરમાં રહેતા હતા. તેના પરિવારમાં ટીવી, ટેલીફોન, કાર કંઈ જ નહોતું. મહેનત કરીને તેમણે આઈઆઈટી ખડગપુરમાં એડમિશન લીધું. અહીંથી એન્જિનિયરિંગ કર્યા બાદ આગળનો અભ્યાસ કરવા માટે તેઓએ સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીની સ્કૉલરશિપ મળી હતી. તે સમયે તેમના ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે સુંદરની એર ટિકિટ માટે તેમના પિતાએ લોન લેવી પડી હતી.

(3) આવી રીતે પહોંચ્યા ગૂગલ – આઈઆઈટીમાંથી પાસ આઉટ થયા બાદ તેઓએ પાછળ વળીને નથી જોયું. વિભિન્ન કંપનીઓમાં કામ કરતાં તેઓએ લગભગ 11 વર્ષ પહેલા ગૂગલમાં નોકરી શરૂ કરી હતી. સુંદરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગૂગલમાં જૉબ માટે મારો ઇન્ટરવ્યૂ 1 એપ્રિલ 2004માં થયો હતો.

>> આ ઇન્ટરવ્યૂમાં સુંદર પિચાઈએ જણાવ્યું કે, ત્યારે જીમેલ લૉન્ચ થયું હતું અને મેન તેના વિશે કંઈ ખાસ જાણકારી નહોતી. જ્યારે મને જીમેલ વિશે પૂછવામાં આવ્યું તો મને લાગ્યું કે એપ્રિલ ફુલને લઈ મજાક કરવામાં આવી છે.
>> પિચાઈએ વધુમાં જણાવ્યું કે, પહેલા ત્રણ ઇન્ટરવ્યૂમાં આ વિશે જવાબ ન આપી શક્યો. ચોથા ઇન્ટરવ્યૂમાં ફરી પૂછવામાં આવ્યું તો મેં કહ્યુ કે, હું જીમેલ વિશે નથી જાણતો. ત્યારબાદ મને તેના વિશે જણાવવામાં આવ્યું.
>> સુંદર પિચાઈ પહેલા મેકૈંજી અને પછી પ્રોડક્ટ મેનેજર તરીકે ગૂગલમા જોડાયા હતા. પહેલા તેમને ગૂગલ ટૂલબાર, ડસ્કટૉપ સર્ચ, ગૂગલ ગીયર જેવી પ્રોડક્ટની જવાબદારી આપવામાં આવી.
>> ત્યારબાદ ક્રોમ આવ્યું અને તેઓ કંપનીની આગળી હરોળમાં આવી ગયા હતા. 2011માં જીમેલની જવાબદારી મળી.
>> એ જ વર્ષે સુંદર ગૂગલ છોડીને ટ્વિટરમાં જોડાવાનો નિર્ધાર કરી ચૂક્યા હતા. ત્યારે ગૂગલે લગભગ 305 કરોડ રૂપિયા આપીને તેમને રોકી દીધા હતા. સુંદરને જ્યારે ટ્વિટરથી જૉબ ઑફર કરવામાં આવી હતો તો તેમની પત્નીએ જ તેમને ગૂગલ નહીં છોડવાની સલાહ આપી હતી.

(4) દરેક કલાકે કરોડોમાં કમાણી- ગૂગલના સીઈઓ તરીકે તેમને વર્ષ 2018માં 47 કરોડ ડૉલર (લગભગ 3,337 કરોડ રૂપિયા) મળ્યા હતા. તેમાં તેમના તમામ પ્રકારના ભથ્થા સામેલ છે. ફૉક્સ ન્યૂઝ મુજબ, સપ્તાહમાં સુંદર પિચાઈ જો 40 કલાક કામ કરે છે તો એવામાં તેમની દર કલાકનો પગાર 2,25,961 ડૉલર (લગભગ 1.60 કરોડ રૂપિયા) થાય છે.

(5) પિચાઈ-અંજલિની લવ-સ્ટોરી – સુંદર પિચાઈએ પોતાની લવ સ્ટોરી વિશે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે દિવસોમાં સ્માર્ટફોન નહોતા. તેથી કોઈ યુવતીને તેની હૉસ્ટલની બોલાવવી ખૂબ મુશ્કેલ હતી. પિચાઈએ આગળ જણાવ્યું કે, અંજલિને બોાવવા માટે હું ગર્લ્સ હૉસ્ટેલના ગેટ પર જતો હતો અને કોઈને તેને બોલાવવા માટે કહેતો હતો.

સુંદર પિચાઈએ આગળ જણાવ્યું કે, જે યુવતી અંજલિને બોલાવતી હતી તે બૂમ પાડતી હતી કે, અંજલિ સુંદર આવ્યો છે. આ અવાજ બધા સાંભળતા અને આવી રીતે અમારી લવ સ્ટોરી વિશે બધાને જાણ થઈ ગઈ હતી. મેં અંજલિને ફાઇનલ યરમાં પ્રપોઝ કર્યું હતું. નોંધનીય છે કે, સુંદર પિચાઈ અને અંજલિ બે બાળકોના માતા-પિતા છે.

જમનાદાદીના તોફાન.

પ્રવીણ લેખક કાર્ટુન.jpg

પ્રવીણ શાસ્ત્રી

જમનાદાદીના તોફાન.

 

‘ભૂરી…..ઈ…ઓ… ભૂરકી ઈઈઈ!’

‘યા ગ્રાન્ડમા.’      

જમનાદાદીને “ગ્રાન્ડ મા” શબ્દમાં ગ્રા ને બદલે ગા જ સંભળાતો અને એ ગંદી ગાળ લાગતો એટલે ભુરીને લવથી સમજાવી દીધેલુ કે ‘ભૂરકી મારા ઘરમાં ગાળ નહિ ચાલે. મને દાદીમા જ કહેવાનું.’ બિચારી ભૂરી ઘણીવાર એ સુચના ભૂલી જતી અને ડોશી કપાળ પર હાથ ઠોકીને કંઈક બબડી લેતાં. જમના ડોશી મારું ઘર કહેતાં પણ ઘર તો ભૂરકીનું જ હતું. ભૂરી ને ડોશી મારું ઘર બોલે તેમાં કોઈ વાંધો ન હતો.

ભૂરી નું નામ પમેલા. ભૂરી આંખવાળી અમેરિકન ગોરકી પૌત્રવધૂ. જમના ડોશીને પોતાના દીકરા વહુ સાથે ગ્રહ બરાબર મેચ નહિ થતા. પોતાના દીકરા વહુ સાથે રહેવાને બદલે દીકરાના દીકરા બબલુ એટલે કે ઓર્થોપેડિક સર્જન ડોક્ટર બિરેન અને પમેલા સાથે વધારે ફાવતું. સાડી ચોરાણું વર્ષના જમનાદાદી જૂના જમાનાના મેટ્રીક પાસ. પાંસટ સિત્તેર વર્ષથી અમેરિકામાં રહે એટલે અંગ્રેજી તો આવડે જ પણ ભૂરી એટલે કે પમેલાને ડોશીનું અંગ્રેજી ફની અને મીઠ્ઠું લાગતું અને ડોશીને પમેલાનું ગુજરાતી મજાનું લાગતું. બન્ને ને એક બીજા સાથે સરસ જામી ગયું હતું. જમનાદાદી પમેલાને ભૂરી કહે, ભૂરકી કહે, કોઈવાર ગોરકી કહે. પમેલાને તો એ સ્વીટ જ લાગે.

આમ તો જમના જરાતરા ચાલી શકે પણ બબલુએ એને બેટરી વાળી વ્હિલચેર અપાવી દીધેલી. બસ જમનાડોશી જલસા કરે. બબલુ મોટો ઓર્થોપેડિક સર્જન. એનો બાપ એટલે કે દાદીનો દીકરો પણ દાકતર. દાદીની પુત્રવધૂ પણ દાક્તર. ગ્રાન્ડ ડોટર ઈન લો પમેલા પણ કોલેજમાં સાઈકોલોજીની ડોક્ટરેટ પ્રોફેસર હતી. એણે દીકરીના જન્મ પછી નોકરી છોડી દીધેલી. દીકરી હાઈસ્કુલમાં હતી. પમેલાને નોકરી કરવાની જરૂર પણ ન હતી. પાર્ટ ટાઈમ વોલેન્ટીયર સોસિયલ વર્કર તરીકે હોસ્પિટલમાં રોજ થોડા કલાક સેવા આપતી હતી. પમેલાને ડોશીમા ગમતા અને ડોશીમાને પમેલા ગમતી. કોઈ આર્થિક ચિંતા તો હતી નહિ.

પમેલાએ હોસ્પિટલ્થી આવી જેવો ઘરમાં પગ મૂક્યો કે તરત જ દાદીએ બુમ પાડી,

‘ભૂરી…..ઈ…ઓ ભૂરકી ઈઈઈ’

અને જવાબ મળ્યો, ‘યા ગ્રાન્ડમા.’

‘ગાનમાની બચ્ચી આ પા આ’

‘વ્હોટ દાદીમા?’

‘ડિયર ભૂરી કમ, અને મારી પા સીટ.’

‘ઓકે દાદીમા, વ્હોટ?’

‘ટુમોરો ઇઝ અવર એડવેન્ચર ડે.’

‘અગેઈન? નો, નો, નો. દાદીમા, નો એડવેન્ચર. બિરેન સેઇડ નો મોર એડવેન્ચર. એબ્સોલ્યુટલી નો.’

‘અરે ગાંડી! અરે પગલી”

‘નો ગાંડી, નો પગલી, નો સ્વીટ ટોક. નો એડવેન્ચર મીન્સ નો એડવેન્ચર.’

આ એડવેન્ચરમાં ડોશીમાએ એના બન્ને ટાંટિયા તોડ્યા હતા અને સળીયા નાંખ્યા હતા. ત્રણ મહિનાનો ખાટલાનંદ ભોગવ્યો હતો.

જમનાદાદીમાના લગ્ન વીસ વર્ષની ઉમ્મરે જયંતીલાલ સાથે થયા હતા. લગ્ન પહેલાં જમના એક તોફાની અને માથા ફરેલ છોકરી તરીકે પંકાયલી હતી. જયંતીલાલ ફાર્મસિસ્ટ હતા. ખુબ અભ્યાસુ અને ગંભીર પ્રકૃત્તિના માણસ.

બિચારી જમનાના તોફાનો સુકાઈ ગયા. એકદમ ડાહી થઈ ગઈ. થઈ જ જવું પડેને? પચ્ચીસ વર્ષની ઉમરે બન્ને અમેરિકા આવ્યા. જયંતિલાલને ફાર્મસ્યુટિકલ કંપનીમાં સારી નોકરી મળી.  દીકરા સુરેશનો જન્મ થયો. એકના એક પુત્ર સુરેશને પરિશ્રમ કરીને ડોક્ટર બનાવ્યો. પોતાની જ જ્ઞાતીની ડોક્ટર છોકરી સાથે પરણાવ્યો. દીકરો-વહુએ પોતાનો અલગ સંસાર વસાવ્યો. દીકરાને ત્યાં પણ એક દીકરો. તે દીકરો બિરેન પણ ડોક્ટર થયો. સાઈકોલોજીનું ભણેલી બ્યુટિફુલ અમેરિકન છોકરી પમેલા સાથે લગ્ન કર્યા. પરણીને એ પણ જૂદો રહેતો હતો. સૌ સુખી હતા. કોઈને કોઈ ફરિયાદ ન હતી. જમના જમનામાંથી મૉમ, મમ્મી, બા, દાદી અને ગ્રાન્ડમા બની ગયા હતાં.

એમની એંસી વર્ષની ઉમ્મરે જયંતિલાલે દેહ છોડ્યો. મરતાં પહેલાં ડોસા ડોશી વચ્ચે વાત થયેલી. ‘જીંદગી ભર ખુબ મહેનત કરી. પૈસા કમાતી વખતે પૈસા ખર્ચવાનો સમય ન હતો એટલે બધા સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટમાં આપોઆપ વધ્યા કરતા હતા. જયંતિલાલે તો જલસા નહોતા કર્યા પણ જમના તું જલસા કરજે. આનંદથી રહેજે.’

‘ના, હું તમારી પાસે ટૂંક સમયમાં આવું છું. તમારી આજ્ઞા પ્રમાણે જેટલા થાય તેટલા જલસા કરીને જેમ બને તેમ જલ્દી તમારી પાસે આવી રહીશ. જયંતિલાલ વિદાય થયા. જમનાદાદીએ ફ્યુનરલહોમમાં જ જયંતિલાલના મૃતદેહની પેટીમાં જ પોતાની બધી જ દવાઓ પધરાવી દીધી. નો મોર એની મેડિકેશન. મારા જેન્તિલાલ પાસે જલસા કરતાં કરતાં હું જલ્દી પહોંચીશ.

એંસી વર્ષના જમનાજી હવે ગંગાસ્વરૂપ બન્યા. પણ વૈધવ્ય પાળવાને બદલે હેર બ્લિચ કરાવીને, સેટ કરાવીને, અમેરિકન ડોશલીઓ જેવા કપડાં પહેરી બિંગો ક્લબમાં જવા માંડ્યું. સિનિયર સિટીજનની બાઉન્ડ્રી લાઈન પર ઉભેલા બાપના જેવી જ ગંભીર પ્રકૃત્તિના દીકરા-વહુ માજીને પોતાને ત્યાં લઈ આવ્યા. વહુ ભલે ડોક્ટર હતી પણ જૂનવાણી વિચારની હતી. એઇટી પ્લસની વિધવા ડોશીની બદલાઈલી લાઈફ સ્ટાઈલ એને નહોતી ગમતી. માજીનો સ્વભાવ તદ્દન બદલાયો હતો. મંદિરે જવાની ઉમ્મરે બોલિવુડના ફાઈટિંગ મૂવી જોવાનો ચસ્કો લાગ્યો હતો. ઘરે બેસીને મોરારીબાપુની કથાઓના વિડિયો જોવાને બદલે લેડિઝ મડ રેસ્લિંગ જોઈને બરાડા પાડવા શરૂ કર્યા હતા. ભણેલા ગણેલા પ્રોફેશનલ કુટુંબમાં આવું ચાલે? દીકરો-વહુ કહે મમ્મી દવા લો. તો કહે હવે એંસી તો પૂરા થયા. બાકી કેટલા? દવાઓ તો ફેંકી દીધેલી.

ઉપર જલ્દી જવા શરીર બગાડવું હતું પણ બેફિકરા જ્મનાજીની તંદુરસ્તી ખીલવા માંડી હતી.

ઘરમાં સ્વિમિંગ પૂલ હતો. ઉમ્મર પહેલાં જ માનસિક વૃદ્ધત્વ અનુભવતી ડોક્ટર વહુને તરતાં આવડતું નહતું પણ વર્ષમાં એકવાર પૂલ પાર્ટી થતી. બધાના અચંબા વચ્ચે જમનાબાએ પૂલમાં ઝંપલાવ્યું. ગામડાના તળાવમાં લૂગડા ધોઈને મોટી થયેલી જમનાને તરતાં આવડતું હતું. પણ આ ઉમ્મરે એઈટી પ્લસ ગંગાસ્વરૂપ ગુજરાતણ વિડો બિકીનીમાં? વેરી એમ્બરેસિંગ. પુત્રવધૂને આ બધું ન ગમતું; પણ ગ્રાન્ડ ડોટર ઈન લો પમેલા માટે દાદી વોઝ ફન.

ભૂરકી ગ્રાન્ડમાને પોતાને ત્યાં લઈ આવી. એને ભૂરકી સાથે ફાવી ગયું. મુદ્દલ કરતાં વ્યાજ વ્હાલું હતું. ડો. બિરેન એટલે કે ડોશીમાનો બબલુ પણ મજાનો હતો. અને ટિનેજ ગ્રેઇટ ગ્રાન્ડોટર તો ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. એ પણ મિઠ્ઠી હતી. એટલે જ એ દીકરાને બદલે દીકરાના દીકરાને ત્યાં જમનાદાદી રહેતાં હતાં.

એક દિવસની વાત.

પ્રેસિડન્ટ બુશે ઘરડે ઘડપણ વિમાનમાંથી પેરેસૂટ સાથે ઝંપલાવ્યું તે સમાચાર જમના બાએ ટીવી પર જોયા. નાનપણમાં એ વડ પર છોકરાઓ સાથે આંબલા-પીપળીની રમત રમતા અને ઝાડ પરથી ભૂસકો મારતા. મારા જેન્તિલાલ મારી રાહ જોતા હશે. એ મને મીસ કરતા હશે. બહુ લાંબો સમય થઈ ગયો. આ એક જલસો કરી લઉં. કદાચ જલ્દી પહોંચાશે.

બીજે દિવસે પેમિલાને સવારે બુમ પાડી…..

ભૂરી ઈઈઈ. ચાલ આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જઈએ.

ઓકેય. લેટસ ગો ગ્રાન્ડમા. ભૂરી તૈયાર. સાથે ગ્રાન્ડ ડોટર પણ રેડી. જમના બા કહે. બુશે ભૂસકો માર્યો. એમાં શું મોટી ધાડ મારી. મી ટૂ. એમ્યુઝમેન્ટ પાર્કમાં બંગી જમ્પિંગ  (bungee jumping) રાઈડ હતી.  ક્રેઇન માં પચાસ ફૂટ ઉપર જવાનું અને કમર પર ટેન્શન વાયર બાંધીને નીચે ઝંપલાવવાનું. ડોશીમાને પણ કુદકો મારવો હતો.

પમેલા ભૂરકીએ કહ્યું, ‘આર યુ ક્રેઝી?’

પણ ડોશીમા સાંભળે તો ને? જઈને લાઈનમાં ઊભા રહ્યા. રાઈડ ઓપરેટરે એને પાછી કાઢી. ‘ઈટ ઈઝ એઇજ ડિસ્ક્રિમિનેશન.’

ડોશીમાએ મોટો હંગામો ઉભો કર્યો. ભૂરીએ માંજીને માંડ માંડ સમજાવી.

છેવટે હાઈ રોલરકોસ્ટરની રાઈડ નો સોદો થયો. એ રાઈડ લીધી. દાદીને ચક્કર આવ્યા, ઉલટી થઈ. વૉમિટ કરતા જાય અને બબડતા જાય, ‘જયંતિલાલ હું હવે એક બે દિવસમાં આવી હોં. રાઈડમાં બૌ મજા આવી. કંઈ મંગાવવું છે?’ પણ બે દિવસમાં તો જમનાબા પાછા ઓલરાઈટ થઈ ગયા. ‘ભૂરકી, જો મને બંગી રાઈડમાં જવા દીધી હોત તો ચક્કર ન આવતે કે ઉલટી પણ ન થતે.’ લો કરો વાત.

બબલુ અને ભૂરી એની દીકરીને લઈને દર વિન્ટરમાં સ્કિઈંગ માટે જાય. ત્રણ વર્ષ પહેલાં એકાણું વર્ષના ડોશીમા કહે, ‘ભૂરકી મારે પણ બરફમાં લસરવું છે. મને પણ લઈ જા.’ બબલુ કહે ‘ના. તમારું ત્યાં કામ નથી. ઠંડી લાગે. ન્યુમોનિયા થાય. ઈન્ફેક્શન થાય અને મરી જવાય. આઈ ડોન્ટ વોન્ટુ લૂઝ માઈ ગ્રાન્ડમા. લસરવું છે એટલે લસરવું જ છે. હું મરી જાઉં તેમાં તારા બાપનું હું જાય? તને અને એને તો ફાયદો જ છે.’

ભૂરી કહે ‘લઈ જઈએ. અંદર બેસીને સ્પોર્ટસ જોશે.’ પણ જમના ડોશીની જીદ. છેવટે બાર્નમાંથી બધા ઈક્વિપમેન્ટ, ઝભ્ભા ટોપી ભાડે લઈને પહેરાવીને ડોશીમાને તૈયાર કર્યા. પગમાં બૂટ અને સ્કી સાથે ફોટા પાડ્યા. પમેલા અને એની દીકરીએ આજુબાજુ રહી હાથ પકડી રાખ્યો હતો. દાદી કહે ‘હાથ છોડ. હું કાઈ બેબી નથી.’ હાથ છુટ્યા અને ટાંટિયા લપસ્યા. બન્ને પગમાં સળીયા નાંખવા પડ્યા. સારું હતું કે પૌત્ર ઓર્થોપેડિક સર્જન હતો, કાબેલ હતો. બાકી આ ઉમરે બે પગમાં ઓપરેશન કરવાનું રિસ્ક કયો સર્જન લે!

થોડો સમય ઉપદ્રવ રહિત ગયો.

…..અને ભૂરીઈઈઈ

‘ટુમોરો ઇઝ અવર એડવેન્ચર ડે.’

‘આર યુ નટ્સ? માઈ ડિયર ગ્રાન્ડમા આર યુ ક્રેઝી?

‘પગલી મારી પાસે સીટ. સીટ બાય મી. ભૂરી એની બાજુમાં બેઠી.

‘લિસન. આઈ હેવ વન ફેન્ટસી.’

‘યસ. ટેલ મી.’

જમનાબાએ એને વાત કહેવા માંડી.

હું સ્કુલમાં ભણતી હતી ત્યારે એક પૈસાના બોર લેતી. મારી ફ્રેન્ડ બોર વેચવાવાળીને વાતમાં પાડતી અને એના ખૂમચામાં થી કોઈવાર મુઠ્ઠી ભરીને ફ્રોકના ગજવામાં મુકી દેતી. મને મજા આવતી. પણ બે દિવસ પછી બોર વાળીએ મને કહ્યું કે મને ખબર છે કે તને છાના માના બોર લેવાની ટેવ છે. આ સારું નથી. દીકરી આ ચોરી કહેવાય. …. અને ચોરીનો આનંદ ઊડી જતો. હું મેથ્સમાં સ્માર્ટ હતી. કાયમ હન્ડ્રેડ માર્કસ આવતા. એક વાર ચોરી કરવાનું મન થયું. પરિક્ષા કી ઐસી કી તૈસી. મારી આગળની છોકરીની નોટમાંથી ખોટા દાખલાની કોપી કરી. ટીચરે પકડી પાડી પણ મને જવા દીધી. ચોરીની મજા બગડી ગઈ.

‘ટુમોરો આઈ વોન્ટુ ગો ફોર શોપલિફટિંગ.’ ગ્રાન્ડમાએ ધડાકો કર્યો.

‘ગ્રામી, યુ આર ફની અને કંપ્લીટલી ઈન્સેઇન. ડુ યુ નો, ઇટ ઇઝ ક્રાઈમ. પનિસેબલ ક્રાઈમ. ઈટ ઈઝ સ્ટિલિંગ. ઈટ્સ થેફ્ટ. ઈટ ઇઝ ઈમમોરલ. ઇલ લિગલ. ઈફ યુ કોટ યુ હેવ ટુ ડુ કોમ્યુનિટિ સર્વિસ. પે હેવી પેનલ્ટી. યુ કેન ગો ટુ જેલ.’

‘હની, ડોન્ટ લેક્ચર મી. આઈ નો. આઈ ડિડ્ન્ટ કમ ઇન અમેરિકા યસ્ટર ડે ઈન બનાના બોટ. યુ આર રાઈટ. બટ ડિયર ઈટ ઈઝ જસ્ટ ફોર ફન.’

‘નો. ઈટ ઈઝ નોટ ફન. ડુ યુ નો ધેટ નેક્ટ ડે ટીવી રેડિયો એન્ડ ન્યુઝ પેપર વીલ બ્લાસ્ટ વીથ ન્યુઝ. મિલિયોનર ડોક્ટર ફેમિલી નાઇન્ટીફોર યર ગ્રેટગ્રાન્ડમધર કોટ શોપલિફ્ટિંગ. યુ આર ગોઈંગ ટુ સ્પોઈલ અવર ફેમિલી નેઇમ. એન્ડ અવર રેપ્યુટેશન,’

મિડિયા બ્રોડકાસ્ટિંગ! વાઉવ! ધેટ વુડ મોર ફન. હની હો જાય!

આ ઓલ્ડ લેડિને શું સમજાવવું એનું શું કરવું? જો બિરેનને ખબર પડે તો ડોશીને ડેડીને ત્યાં જ મોકલી આપે. જો મધર ઈન લો ને કેમ મોકલી આપ્યા એ ખબર પડે તો એને કોઈ દૂરના મેન્ટલ નર્સિંગ હોમમાં જ ધકેલી દે.

પમેલા વિચારતી હતી. આ પણ એક સ્ટડી માટેનો સેમ્પલ છે. ત્રણ કલાક પછી જમનાદાદી પાસે ગઈ. ‘ગ્રામી પ્રોમિસ મી ધીસ વિલ બી લાસ્ટ ટાઈમ. આફટર ટુ મોરો નો મોર ક્રેઝીનેસ. ઈ લવ યુ લવ યુ લોટ્સ. ઈફ યુ વોન્ટ ટુ ડુ એની ક્રેઝી થીંગ આઈ વીલ સેન્ડ યુ બેક ટુ મોમ’સ હાઉસ. એન્ડ યુ નો ધેટ યુ ડોન્ટ લાઈક ઈટ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધેટ. આઈ કાન્ટ ટેઈક એની મોર.’

‘ઓકે ઓકે ઓકે. લાસ્ટ ટાઈમ. આઈ પ્રોમિસ.’

બીજે દિવસે ડોશીમા અને પમેલા મોલના મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં શોપીંગ કરવા ગયા. પમેલાએ મોટુ કાર્ટ ભરીને શોપીંગ કર્યું. આ બાજુ જમના બાએ ઈલેક્ટ્રીક હેન્ડિકેપ કાર્ટમાં થોડું શોપીંગ કર્યું. એક ગાઉન પરની પ્રાઈઝ ટેગ બદલી સસ્તી ટેગ લગાવી દીધી. ડ્રેસિંગ રૂમમાં જઈને જુનું શર્ટ કાઢીને નવું શર્ટ ચડાવી દીધું. ધીમે રહીને એક હેર પીન અને નેઇલ પેઇન્ટ બોટલ પર્સમાં સરકાવી દીધી. એક કેડબરી મોંમાં પધરાવી દીધી. સરળતાથી વટથી ચેક આઉટ થઈ ગયું. ડોશીમાનો અભરખો પુરો થયો. જમનાબા જંગ જીત્યા. ડોશીમાં ઘરમાં આનંદથી “બચ ગયેલી રે મૈ બચ ગઈ;” ગાતાં રહ્યાં.

પમેલા પ્રોફેશનલ સાઈકોલોજીસ્ટ હતી. એણે સ્ટોર મેનેજરને અગાઉથી વાત કરી હતી કે હું માનસ શાસ્ત્રી છું. મારો એક અંગત રિસર્ચ પ્રોજેક્ટ છે. રીચ ઓલ્ડ વુમન શા માટે અને કેવી રીતે નાની નાની ચોરીઓ કરે છે. શોપલિફ્ટિંગ ચોક્કસ પણે એમની જરૂરીયાતને માટે તો ચોરી નથી કરતી પણ શોખ, થ્રીલ કે કુટેવને કારણે કરે છે તેનો વધુ સ્ટડી કરવાનો ઉદ્દેશ છે. કાલે હું એક વૃદ્ધાને લઈ આવીશ. એની પર સીસીટીવીનું રેકોર્ડિંગ રાખજો. એનું જે કંઈ બીલ હશે તેની ડબલ કિમત મારા કાર્ડમાં ચાર્જ કરજો. પણ એને પકડશો નહિ. એ પ્રોફેશનલ શોપલિફ્ટર નથી.

જમનાબાએ માત્ર પાંત્રીસ ડોલરનો માલ તફડાવ્યો હતો. સ્ટોર મેનેજરે પાંત્રીસ ડોલર જ ચાર્જ કર્યો હતો. પમેલા સાથે વાત થયા મુજબ સિત્તેર નહિ.

બિચારા જમનાબાને આ વાતની ખબર નહિ. એને મજા માણ્યાનો સંતોષ હતો. 

જમનાબા ખુશ હતા.

‘ભૂરીઈઈઈઈ….ઓ માય સ્વીટ ગોરકી. કોલ યોર મધર ઈન લો. આઈ વોન્ટુ ગોટુ ટેમ્પલ વિથ હર. નાઉ નો મોર તોફાન, નો એડવેન્ચર એઝ આઈ પ્રોમિસ. નાવ ઓન્લી ભજન. આક્સ હર ટુ કમ એન્ડ પીક મી અપ આફ્ટર લંચ.  આસ્ક હર ટુ બ્રીંગ માઈ વ્હાઈટ સારી. આઈ વોન્ટુ વેર ધેટ ટુ ટેમ્પલ.’

બીજે દિવસે લંચ લઈને જમનાબા નેપ લેવા આડા પડ્યા. એમનો પુત્ર સુરેશ અને પુત્રવધૂ મંદીરે લઈ જવા આવી પહોંચ્યા.

“ગ્રાન્ડમા વેક અપ, મૉમ ઈઝ હિયર. વી ઓલ આર ગોઈંગ ટુ ટેમ્પલ.”

‘ગ્રાન્ડમા વેક અપ.’

પણ શ્વાસ ન હતો, જવાબ ન હતો. એમના મો પર જાણે તોફાની સ્મિત હતું. જમનાદાદી, જયંતિલાલને મળવા મોટા ટેમ્પલ પર પહોંચી ગયા હતા.

પ્રવીણ શાસ્ત્રી.

પ્રગટઃ ગુજરાત દર્પણ ડિસે. ૨૦૧૯.

ચંદુ ચાવાલા અને જગો જોષી

પ્રવીણ લેખક કાર્ટુન.jpg

ચંદુ ચાવાલા અને જગો જોષી

          ‘શાસ્ત્રીજી, ચંદુનું પાછું છટક્યું છે.’ અમારા સુરતી બડી, મંગુ મોટેલનો ફોન આવ્યો. ‘હોસ્પિટલમાં પડ્યો પડ્યો લવારે ચઢ્યો છે. સાલાને પાછો ઠેકાણે લાવવો પડશે. છોકરાંઓ બધા વિખેરાઈ ગયાં અને મસમોટા ઘરમાં બે એકલાં એટલે ચંપા આમ પણ મુંઝાય છે; અને તેમાં ચાવાલો નવા નવા ગતકડા કાઢ્યા કરે અને ચંપાને દ;ખી કર્યા કરે છે.’

          ‘પણ વાત શું છે?’

          ‘તે તો મને યે ખબર નથી. હોસ્પિટલ જઈશું એટલે ખબર પડશે. હું લેવા આવું છું. આપણે સાથે જઈએ.’

          ગ્લુકોમાની સર્જરી પછી શક્ય હોય ત્યાં સુધી હું રાત્રે ડ્રાઈવ કરવાનું ટાળું છું. અમારો મંગો બે ત્રણ પેગ ચઢાવીને પણ સોબર રહી શકે. પણ મને એની સાથે આવવા જવાનું હોય તો ચિંતા રહે. એક સમય એવો હતો કે અમારા ગ્રુપમાં પાર્ટીમાં જવા આવવાનું હોય ત્યારે હું ડેઝિગ્નેટેડ ડ્રાઈવર રહેતો. પણ આ કંઈ પાર્ટીમાં જવાનું ન હતું. એ દશમિનિટમાં આવી પહોંચ્યો.

          અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કાર્ડિયાક કેર વિંગમાં ભાઈ સાહેબ પ્રાઈવેટ રૂમમાં  બેસીને ગીતા વાંચી રહ્યા હતા. અમારા સદાય છન્નુવર્ષીય કરસનદાદા હોસ્પિટલ રિક્લાયનર ચેર પર બેસીને ઘોરતા હતાં. પાસે ખાલી ડિસમાં ગાજરના હલવાનો ન ખવાયલો શેષ ભાગ પડ્યો હતો. અને એક બીજી ચેર પર ચંપા સેલફોન પર કોઈ ગુજરાતી કૉમૅડી નાટક જોતી હતી. અમે બન્ને ગયાં એટલે ચંપાએ સેલ ફોન બાજુ પર મુક્યો.

          ‘આવો પ્રવીણભાઈ, આવો મંગુભાઈ’. અમે ખુરશી ચંદુના બેડ પાસે ખેંચીને બેઠા. ચંદુએ અમારી સામે જોયા વગર ગીતા પઠન ચાલુ રાખ્યું. ચંદુ મારા કરતાં બે વર્ષ નાનો, પણ હું બધાને જ માન પુર્વક સંબોધું. અમારા મંગુ અને ચંદુમાં એવો વિવેક નહિ. અમે બધા પંચોતેર પ્લસના સિનીયર્સ. પણ ભેગા મળીયે અને નાનેરા હાજર ના હોય તો મંગુ ગધા પચ્ચીસીમાં આવી જાય.

          ‘ચંદુ કેમ છે? રામ નામ સત્ય હૈ કરતાં કરતાં અશ્વનિકુમારની તૈયારીતો નથીને?’ ચંદુએ જવાબ ન આપ્યો અને અમારા તરફ જોયા વગર ગીતા અભ્યાસ ચાલુ રાખ્યો. કરસનદાદા જાગી ગયા. મંગુ સામે મોમાંનું ચોખટું હાલતું દેખાય એ રીતે મંગુ સામે દાંત પીસીને બોલ્યા કે ‘મંગા, ગધેડા, બુદ્ધિના બારદાન તું હોસ્પિટલમાં છે. બોલવાનું ભાન રાખ. ચંદુના હાર્ટપર ખોટી અસર થાય એટલું ભાન નથી?’

          મેં પુછ્યું ‘ચંપા, ચંદુભાઈને શું થયું? શું પ્રોબ્લેમ છે?’

          ‘કશો પ્રોબ્લેમ નથી. એનામાં જગો કાણીયો ભરાયો છે.’

‘જગો કાણીયો?’ અમારા બન્નેના મોંમાંથી પ્રશ્ન સરી પડ્યો. અમારા મહોલ્લામાં હરિશંકર મા’રાજનો દીકરો જગદિશ કાણો ન હતો, પણ બિચારાની ડાબી આંખ જરા વધારે ફરક્યા કરતી. છોકરી સામે નિર્દોષ ભાવે જૂએ તો પણ આંખ મારતો હોય એવું જ લાગે. એ પંદર સોળ વર્ષનો હતો ત્યારે ચંપાની જાડી બેન ભદ્રા પર લવ લેટર લખેલો. ભદ્રાભદ્દી તો સીધી હરિશંકર કાકા પાસે પહોંચી. ‘કાકા, આ તમારા કાણીયાને મારી સાથે પરણવું છે. હું તૈયાર છું. ક્યારે માંડવો બંધાવીએ?’

હરિશંકર મા’રાજ પવિત્ર બ્રાહ્મણ અને ભદ્રા-ચંપા–ચંદુ બધા મોઢ ઘાંચી, ૧૯૫૫ની આસપાસનો સમય. ન્યાત જાતની વાતમાં બાંધછોડ નહિ. બિચારા જગદિશનું આવી બન્યું. મા’રાજે જગદિશને બરાબર ખોખરો કર્યો. અમે બધા છોકરા છોકરીઓ ઓટલા પરથી જગદીશની ધોલાઈની મજા માણતા હતાં, બસ તે દિવસથી અમારા મહોલ્લામાં જગદીશ જોષી જગો કાણીયો થઈ ગયો.  મોટો થયો પણ આંખને કારણે કોઈ કન્યા મળી નહિ. બિચારાને યજમાન વૃત્તિ પણ આવડી નહિ. એ પણ સહેલું નથી. શ્લોક  કંઠસ્થ કરવા પડે. વિધી રીતિઓ જાણવી પડે. હજારવાર ઊઠ બેસ કરવું પડે. એમાં એનું કામ નહિ. જોષી અટક વટાવી ખાવાનો આઈડિયા એને ફળ્યો. ગ્રહ દશા, ખરા ખોટા વીટીંના નંગો, હસ્તવિદ્યા, અંકવિદ્યાની ઠોકાઠોક કરવા માંડી. ઘરની બહાર એસ્ટ્રોલોજર રાજગુરુ જગદિશચંદ્ર જોષીનું બોર્ડ લટકતું થઈ ગયું હતું,

‘જગો કાંણીયો?’ એ ક્યારે આવ્યો અને ક્યારે ગયો? અમને ખબર જ ના પડી.

‘હા, એ  બે મહિના પહેલાં અમેરિકા આવ્યો હતો. એ પેલા પ્રેમ જ્યોતિષની જેમ જ ઈંડિયામાં ધંધો કરતો હતો.  અમારે ત્યાં ત્રણ દિવસ રહી ગયો. તમને બધાને મળવું હતું પણ એની પાસે સમય ન હતો. જવાની આગલી રાત્રે અમે બેઠા હતા અને ચંદુએ એને હાથ બતાવ્યો. એણે માથૂ ધુણાવ્યું. દોસ્ત ચંદુ, ગીતાનું અધ્યન કર, એમાં જ તારું કલ્યાણ છે. જગો જ્યારે કોઈનો હાથ જૂએ ત્યારે ભલે પેન્ટ શર્ટ પહેર્યા હોય પણ માથા પર જરીકસબવાળી પાધડી પહેરીને જ ભવિષ્ય ફળ અને એનું નિદાન કરે. પછી એ ડોસાએ મારો હાથ જોયો.

મને કહે ‘ચંપાવતિ, હિમ્મત રાખજો. આવી પડે તે સહન કરવાની શક્તિ મળે એ માટે હનુમાન ચાલીસાનો પાઠ દિવસમાં ચાલીસ વખત કરજો?’

મેં પુછ્યું મને કાંઈ પ્રોબ્લેમ છે?  ગ્રહદશામાં વાંધો છે?

‘તો કહે કે તારા મંગળ પર શનીની દૃષ્ટિ છે. શુક્ર વંકાયલો છે. વચ્ચેના ગુરુ અને બુધ ક્રોધિત છે. આબધું થવાનું કારણ તમારા લગ્ન શ્રાદ્ધ પક્ષમાં થયા છે. નક્ષત્ર અને ગ્રહની રિએરેંજમેંટ કરવાનું ખર્ચાળ છે કદાચ એકાવન હજાર ડોલર કે એનાથી પણ વધુ ખર્ચ થાય. પણ હવે આ ઉમ્મરે એવો ખર્ચ કરવાની શી જરૂર? ભગવાન પર છોડી દઈ એના શરણે જવું.’

ચંદુએ અકળાઈને કહ્યું કે ‘જગલા સીધું ભસ ને! ચંપાને શું પ્રોબ્લેમ છે?’

‘જગલાએ કહ્યું, ચંપાને બહુ મોટો પ્રોબ્લેમ છે. એક મહિના પછી એને વૈધવ્ય આવવાનું છે. પણ ચંદુ તારે સ્ટાર રિએરેંજમેંટ કરવા અડધોલાખ ડોલર ખરચવાની જરૂર નથી આપણે બધા જ  ઘરડા થયા છે. વહેલા મોડા જવાનું જ છે. હજુ એક મહિનાનો સમય છે. કાશી જા. ગીતા વાંચતા વાંચતા દેહને કાશીમાં જ મણિકર્ણિકા ઘાટ પર ભસ્મ થવા દે. હવે ચંપાવતીની બહેન ભદ્રાવતી પણ નથી રહ્યાં. જરૂર પડશે તો હું અમેરિકા આવીને ચંપાવતીની કાળજી રાખીશ. તમે જરા પણ ચંપાવતીની ચિંતા કરશો નહિ. તે વખતે તો અમે હસી કાઢ્યું. એ વાતને બે મહિના થઈ ગયા.’

‘ગઈ કાલે તમારો દોસ્ત કહે મને છાતીમાં દુખે છે. જગા કાણીયાનું ભવિષ્ય સાચું પડવાનું. તું ગંગાસ્વરૂપ થઈ જવાની. મારે પહેલાં સુરત જવું છે, પછી ત્યાંથી હરદ્વાર અને પછી કાશીમાં મરવું છે. તારે આવવાની જરૂર નથી’

‘મેં પુછ્યું ક્યાં દુઃખે છે તો કહે કે આમ તો જમણી બાજુ દુખે છે પણ કદાચ ડાબી બાજુ પણ દુઃખ માડે તો? એના કહ્યા પ્રમાણે એક મહિનામાં નહિ તો કદાચ બે મહિના પછી મરી જવાનો. મારે મારી જાતનું કલ્યાણ કરવું છે. ઈંડિયા જઈને પહેલાં સુરતનું જમણ માણવું છે. પછી હરદ્વારમાં પવિત્ર થઈને મોદીજીના મત વિસ્તાર કાશીમાં જઈને દેહ પાડવો છે. ગીતાનો બીજો અધ્યાય મોઢે કરવામાં લાગી પડ્યો છે.’

‘હું એને ER માં લઈ આવી. કેદારભાઈને ફોન કર્યો. કાર્ડિયોગ્રામ ઓકે. ઈકોકાર્ડિયોગ્રામ ઓકે. સ્ટ્રેટ ટેસ્ટ ઓકે એરે એંજીઓગ્રામ પણ ઓકે. બ્લડ ટેસ્ટ ઘોડા જેવો. પણ ભેજું માંદલું બકરુ જેવું. કેદારભાઈએ પણ બધા રેકોર્ડ જોઈને કહ્યું કે એનામાં કોઈ જ વાંધો નથી. ફેફસા પેટ બધું પરફેક્ટ છે.’

અમે વાત કરતાં હતાં ત્યાં કેદાર આવી પહોંચ્યો. કેદારે કહ્યું ‘મિસ્ટર ચંદ્રકાંત ચાવાલા હવે એક કલાકમાં રૂમ ખાલી કરવાનો છે. આપશ્રીને હવે કશું ચેક કરવાનું બાકી નથી. યુ આર પર્ફેક્ટ. ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણીની તૈયારી કરવા માંડો.’

‘ના, હવે ક્રિસ્મસ નહિ, ન્યુ યર પણ નહિ. મારી પાસે એટલો સમય નથી. તમે સૌ ચંપાનું ધ્યાન રાખજો. હું કાલે જ ટિકિટ બુક કરાઉં છું. છોકરાંઓને કહેવાની જરૂર નથી. મારું બારમું, તેરમું ભવ્ય રીતે ઉજવજો. આ શાસ્ત્રી તો ચિકણો કંજુશ છે. એ પૈસા ખરચવાનું આવે ત્યારે સગવડિયો રેશનાલિસ્ટ થઈ જાય છે. એણે તો એના પોઈરાઓને કહી દીધું છે કે મરણ વખતે અને મરણ પછી શ્રાદ્ધની કોઈ ક્રિયા કરવી નહીં. પણ તમે બધા મારું મરણ સાર્થક થાય એ માટે ભવ્ય રીતે બારમું તેરમું કરજો’. ચંદુના લવારા ચાલતા હતા.

નર્સ આવીને એક એંક્ઝાઇટીનું ઈંજેક્શન ઠોકી ગઈ. એ જરા શાંત થયો. અમે બધા વત કરતાં હતાં.

કેદાર કહે ‘ચંદુને તો જગો જોષી મરવાની વાત કહી ગયો; પણ ખરેખર તો જેને કેન્સર જેવી બિમારી હોય તેણે પણ નિરાશ થયા વગર પોઝિટિવ અભિગમ રાખવો જોઈએ. છે તે સુખ ભોગવી લેવું જોઈએ. મેં એક કે બે વર્ષ પહેલાં એક અડધા કલાકની સરસ ફિલ્મ જોઈ હતી. એમાં આ ચંદુભાઈ કહે તેવી જ વાત હતી. સુરતનું જમણ અને કાશીનું મરણ.

ચંદુ જરા સ્વસ્થ થયો હતો. ‘ડોક્ટર એ કઈ ફિલ્મ હતી? યુ ટ્યૂબ પર છે?’


‘હા, છે. ફિલ્મનું નામ “મુંબઈ વારાણસી એક્સપ્રેસ.” આરતિ ચાબ્રિઆની  માત્ર અડધા કલાકની જ સરસ ટૂંકી ફિલ્મ છે.’

સુરતનું જમણ અને કાશીનું મરણમેળવનાર માણસ નસીબદાર ગણાય છે. ફિલ્મમાં જાણીતા કલાકાર દર્શન જરીવાળાએ એક એવા ધનાઢ્ય ઉદ્યોગપતિકૃષ્ણકાંત ઝુનઝુનવાલાનું પાત્ર નિભાવ્યું છે, જે કેન્સરનો ભોગ બન્યા બાદ સઘળી મોહમાયાસંપત્તિ છોડીને જીવનનો બાકી બચેલો છેલ્લો એક મહિનો કાશીમાં વિતાવવાનું નક્કી કરે છે. કુટુંબસમાજસંપત્તિ છોડીને મૃત્યુ સમયે એકલા રહેવા અને જાતને થોડો સમય આપવા ઇચ્છતા કૃષ્ણકાંત મુંબઈ વારાણસી એક્ષ્પ્રેસ ટ્રેઇનમાં દાખલ થાય છે. જિન્દાદીલ સુરતી સહમુસાફર કાશી જતા ડિપ્રેસ કૃષ્ણકાંતને ચા, થેપલા અને ભેળનો આગ્રહ કરે છે અને સુરત ઉતરી જતાં પહેલાં સુરતનું જમણ અને કાશીના મરણનો જળવો સંદેશ આપી જાય છે.’

કૃષ્ણકાંતને કાશી પહોંચ્યા બાદ રફીક રીક્ષાવાળો સહિતના એવા કેટલાક મિત્રો મળે છે જેઓ સમાજના સાવ જુદા વર્ગમાંથી આવે છે, કૃષ્ણકાંતને બધા સાથે લાગણીના સંબંધ બંધાય છે. મ્રત્યુ થોડા દિવસો દૂર છે ત્યારે કૃષ્ણકાંત વાસ્તવિકતા સ્વીકારીને કાશીમાં નવા બનેલા મિત્રો સાથે આનંદથી જીવવાનું શરુ કરે છે.

અહીં એની તબિયત પણ આશ્ચર્યજનક રીતે સુધરવા માંડે છે. એક દિવસ જ્યારે એને ખબર પડે છે કે પોતે ઘર છોડ્યું પછી પુત્રો વચ્ચે ઝગડો વધી પડ્યો છે અને કંપની મુશ્કેલીમાં છે, ત્યારે કૃષ્ણકાંતને ફરી પાછી સંસારની માયા વીંટળાઈ વડે છે. અને તે કાશી છોડીને પાછા મુંબઈ ફરવાનું નક્કી કરે છે.

પ્રવાસ એનો આખરી પ્રવાસ સાબિત થાય છે. કાશીના મરણની સાથે એને સુરતી પ્રવાસીએ કરેલી સુરતના જમણની વાત યાદ આવે છે. એ ટ્રેઈનમાંથી સુરત સ્ટેશન પર ઉતરી સાસુમાની હોટલ તરફ જવા જાય છે અને એને એક્સિડંટ થાય છે અને મૃત્યુ થાય છે.

અહી જોવાની વાત છે કે જ્યાં સુધી કૃષ્ણકાંતે પરિસ્થિતિનો સ્વીકાર કરેલો, ત્યાં સુધી એની તબિયત સુધરતી ગઈ. પરંતુ જેવી એના મનમાં પુત્ર અને કંપની માટે મમતા જાગી ઉઠી, કે તરત એક અકસ્માતમાં એનો ભોગ લેવાઈ ગયો. એનું

બીજું ઈંટરપ્રિટેશન એમ પણ કરી શકાય કે કાશીનું જીવન અને સુરતનું મરણ.

આ ફિલ્મમાં કાશીની મરણ ઈકોનોમી પણ જાણવા મળે છે. મણીકર્ણિકા ઘાટ પર રોજની ૩૦૦ ચિતાઓ બળે છે. એક ચિતાના ૫૦૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે. અને તેનો ઈજારો તિર્થ ગોરનો હોય છે.

દોસ્ત હું પણ બ્રાહ્મણ છું. શાસ્ત્રી પણ બ્રાહ્મણ છે. પણ અમે જ્યોતિષમાં માનતા નથી. તેમાં પણ પૈસા લઈને આકાશના ગ્રહોની રિએરેન્જમેંટની વાત કરતા જગા જોષી જેવાની વાતમાં ભેરવાઈને મરવાના ભયે જિંદગીના માર્ગો બદલીને ગાંડાવેડા કરવાની જરૂર નથી. ચંદુભાઈ મોત બધાને જ આવવાનું છે. જાતસ્ય હિ ધ્રુવોર્મૃત્યુ. ભલે ગીતા વાંચો પણ ડિપ્રેશ ના થાઓ. ઉલટા સબળ બનો.

ઓકે ઓકે ડોક્ટર નો લેક્ચર. મારે સુરત નથી જવું. હરદ્વાર અને કાશી પણ નથી જવું. હું એટલાંટિક સીટીમાં ચાર ઓસન ફ્રંટ રૂમ બુક કરાઉં છું. આપણે બધા ક્રિસમસ અને ન્યુયર ત્યાં ઉજવીશું. આજે ઘેર જતાં પહેલાં એકાદ ઈટાલિયન ડાઈનરમાં ડિનર લઈશું હજુ મરવાની વાર છે.

અને અમે ડિનર લઈને છૂટા પડ્યા. લાઈફ જીવવા અને જલ્સા કરવા જ છે. 

000000

પ્રવીણ શાસ્ત્રી

“તિરંગા” ડિસેંબર ૨૦૧૯.