એક અજાણ્યા ગાંધીની આત્મકથા-પ્રકરણ 23

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 23–અમેરિકાનાં સપનાં

ભલે મેં છાપાંમાં વોન્ટ એડ જોવાનું છોડ્યું પણ છાપાં વાંચવાનું નહોતું છોડ્યું.  એ તો હું પહેલું કરું.  ઑફિસ જવા જેવો હું ટ્રેનમાં બેસું કે તુરત છાપું ઉઘાડું,  જ્યારે આજુબાજુ લોકો પત્તાં રમવામાં પડ્યા હોય, કે ભજન કરતા હોય, કે ઊંઘતા હોય ત્યારે હું છાપામાં તલ્લીન હોઉં.  દેશવિદેશમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની તાલાવેલી ઘણી.  આ છાપાંના પાનાં ઉથલાવતાં મારી નજર “વિદેશ ગમન”ના સમાચાર ઉપર જરૂર પડે.  બાપના પૈસાના જોરે વધુ અભ્યાસમાટે અમેરિકા ઉપડતા મારી જ ઉંમરના જુવાનિયાઓના ફોટા છાપાંમાં જોઈને હું જલીને ખાખ થઈ જતો.  થતું કે આ બધા ભોટાઓ કરતા અમેરિકા જવાની લાયકાત તો મારી વધુ છે.

એ લોકોને અમેરિકાની શું ખબર?  અમેરિકા જતા એક નબીરાને મેં જ્હોન ગુન્થરના જાણીતા પુસ્તક ‘ઇનસાઇડ અમેરિકા’ની વાત કરી હતી. એને ગુન્થરના નામની પણ ખબર ન હતી.  પ્રખ્યાત અમેરિકન કોલમનીસ્ટ વોલ્ટર લીપમેનની ઇન્ડીયન એક્ષ્પ્રેસમાં આવતી કોલમ હું નિયમિત વાંચતો, ત્યારે હારતોરા પહેરીને અમેરિકા પધારતાં આ રાજકુંવરોને લીપમેન કોણ છે તેની ખબર પણ નહીં હોય. એમની એક જ લાયકાત હતી.  તે એ કે એમના બાપા પાસે મોટો દલ્લો હતો, અને છોકરાને અમરિકા મોકલવા માટે ધૂમ ખર્ચો કરવા તૈયાર હતા, જ્યારે કાકા મારી પાસે આશા રાખીને બેઠા હતા કે હું ક્યારે પૈસા કમાઉ અને કુટુંબને મુંબઈમાં સેટલ કરું.  મને થતું કે આ ક્યાંનો ન્યાય છે?

એ જમાનામાં ચર્ચગેટ આગળ અમેરિકન લાયબ્રેરી હતી.  ત્યાં હું નિયમિત જતો.  અમેરિકન મેગેઝિન અને પુસ્તકો વાંચતો.  એ જ વખતે અમરિકામાં 1964ની ચૂંટણી ચાલતી હતી.  લીન્ડન જોહ્ન્સન અને બેરી ગોલ્ડવોટર વચ્ચે પ્રમુખપદા માટે જે હરીફાઈ થતી હતી તે વિષે હું બહુ જ રસથી વાંચતો.  કાલા ઘોડા પાસે આવેલ  ડેવિડ સાસૂન લાયબ્રેરીમાં પણ હું જતો અને ત્યાં આવતા દેશવિદેશનાં અનેક છાપાં મેગેઝિન ઉથલાવતો એ વાત તો મેં આગળ ઉપર કરી છે.   મને બહુ થતું કે પરદેશ જવા માટે બૌદ્ધિક રીતે હું પૂરેપૂરો તૈયાર છું, પણ આર્થિક રીતે સર્વથા નબળો હતો.  આ મુખ્ય મુદ્દાના કારણે મારે માટે અમેરિકા જવું એ માત્ર એક સપનું જ હતું.

એ વરસો દરમિયાન અમેરિકાથી સર્કેરામા યુ.એસ.એ. નામનું એક પ્રદર્શન આવ્યું.  ફોર્ટ એરિયાના એક મેદાનમાં એનો મોટો તંબૂ તણાયો. તેમાં બધી બાજુ પડદાઓ. ત્યાં તમારી આંખ સામે આખું અમેરિકા પ્રોજેક્ટ થાય.  તમારે ખાલી તંબુની વચ્ચે કલાકેક ઊભા રહેવાનું, પણ તમે અમેરિકામાં જ ઊભા છો એમ લાગે.  જાણે કે તમને અમેરિકાનો પ્રવાસ કરાવે, બધે લઈ જાય.  બધું બતાડે–ન્યૂ યોર્કના સ્કાય સ્ક્રેપર્સ, ટોળાંઓથી ઊભરાતા સાઈડ વોક્સ, ટેક્સીઓથી ભરેલી સ્ટ્રીટ્સ, શિકાગો જેવાં મહાકાય શહેરો, દરિયા જેવી વિશાળ નદીઓ, રળિયામણા બાગબગીચાઓ, ગ્રાન્ડ કેન્યન, નાયગરા ફોલ્સ જેવાં ભવ્ય ભૌગોલિક સ્થાનો, મહાન યુનીવર્સીટીઓ, એની પંચરંગી પ્રજા વગેરે રૂબરૂ જુઓ.  આ જોઈને હું તો ગાંડો બની ગયો.  થયું કે આવા અમેરિકામાં ક્યારે જવા મળે?

બે વરસ પહેલાં અમેરિકા ગયેલા મિત્ર નવીન જારેચા મને કયારેક ક્યારેક પત્રો લખતા અને અમેરિકાની વાતો લખી મને અજાયબી પમાડતા હતા.  એમના પત્રોની હું બહુ રાહ જોતો.  ગરુડની સ્ટેમ્પવાળો એમનો ઇનલેન્ડ લેટર જોઈને જ મારા રૂવાંડાં ખડા થઈ જતાં!  એકનો એક કાગળ દસ વાર વાંચી જતો!  તરત વળતો જવાબ લખું, અને આજીજી કરું કે ભાઈ, આપણું કૈંક કરો!  એ પોતે એટલાન્ટા યુનીવર્સીટીમાં ટ્રેજરરની ઓફિસમાં ક્લર્ક હતા.  આવી સામાન્ય નોકરી હોવા છતાં એમની પાસે નવી કાર હતી અને સરસ મજાનો ફ્લેટ હતો.  એમની અમેરિકન લાઈફ સ્ટાઈલની વાતો વાંચી હું અંજાઈ જતો, અને વળી પાછો શેખચલ્લીના વિચારે ચડી જતો, જાણે કે હું પણ ત્યાં જ છું અને એ બધી મજા કરી રહ્યો છું!

સપનાં કે વલખાં?

એમાં એક દિવસ જારેચનો તાર આવ્યો.  કહે કે તમારા એડમિશનની વ્યવસ્થા થઇ ગઈ છે, આવવાની તૈયારી કરો!  આ તાર વાંચીને હું તો આસમાને પહોંચી ગયો!  થયું કે આપણું ભાગ્યનું પાંદડું ખરેખર જ ફર્યું લાગે છે.  આખા ગામમાં જાહેરાત કરી દીધી કે ભાઈ, હું તો આ અમેરિકા ઊપડ્યો!  પણ એડમિશનનો લેટર આવ્યા પછી અમેરિકા જવાના ખરા પ્રશ્નો શરૂ થયા.  પહેલાં તો પાસપોર્ટ લેવો પડશે, એને માટે કોઈ ઝાઝું બેંક બેલેન્સવાળા ખમતીધર માણસે સરકારને ગેરેન્ટી આપવી પડશે કે આ ભાઈને અમેરિકામાં કાંક થયું અને સરકારને ખર્ચ થયો તો તેની બધી જવાબદારી એ લેશે.  એવી ગેરેન્ટી મારે માટે કોણ આપવાનું છે?  વધુમાં ત્યાં જવાની એરલાઈન્સની ટિકિટના પૈસા કોણ આપશે?  ત્યાંની કૉલેજની ફી કેમ ભરવી?  ત્યાં રહેવાના ખર્ચનું શું?  તે ઉપરાંત ફોરેન એક્ષ્ચેન્જનો મોટો પ્રશ્ન તો ઊભો જ હતો.

ધારો કે આ બધા પૈસા હું ઊભા કરું તોય મને મોંઘુ ફોરેન એક્ષ્ચેન્જ કોણ અપાવાનું છે?

1962માં ચાઇનીઝ ઇન્વેજન થયું. તે પછી ફોરેન એક્ષ્ચેન્જની ભયંકર તંગી હતી.  બહુ મોટી લાગવગ હોય તો જ મળે.  પરદેશ જવાની જેમને પરમીશન મળી હોય તેમને પણ માંડ માંડ સાત ડોલર મળે!  પરદેશ જનારા લોકો મોટે ભાગે કાળા બઝારમાં મોંઘે ભાવે ડોલર ખરીદે.  વધુમાં હું તો અહી પરણીને બેઠો છું, ઘર માંડ્યું છે, એ બધાંનું શું?  હું અમેરિકા જઈને વરસ બે વરસ ભણીશ, પણ એ દરમિયાન મુંબઈના ઘરનો, નલિનીનો, ભાઈ બહેન વગેરે જે મારી સાથે રહે છે તેનો ખર્ચ કોણ ઉપાડશે?

જેમ જેમ આ બધા પ્રશ્નોનો હું વિચાર કરતો ગયો તેમ તેમ મારો અમેરિકા જવાનો વિચાર કેટલો ઈમ્પ્રેકટીકલ છે તે સમજાયું.  મેં આ બધા પ્રશ્નો જારેચાને વિગતવાર સમજાવતો કાગળ લખ્યો.  મારી બોટમ લાઈન તો એવી હતી કે જો કોઈ પરોપકારી ધનવાન માણસ હું જ્યાં સુધી અમેરિકામાં ભણું ત્યાં સુધી ત્યાંનો અને મુંબઈનો મારો બધો ખર્ચ ઉપાડે અને ઉપરથી ત્યાં જવાની મારી ટિકિટ પણ કઢાવી આપે તો જ હું અમેરિકા આવી શકું!  જારેચાએ સ્વાભાવિક જ એમ ધારી લીધું હતું કે એ બધા પૈસાની વ્યવસ્થા તો હું પોતે જ કરીશ. જે રીતે એ અમેરિકા આવેલ તે રીતે. એ ભલા માણસને શું ખબર કે એમના પિતાશ્રીએ જે રીતે એમને માટે અમેરિકા જવાના પૈસા ઊભા કર્યા તેવું કાકા મારે માટે થોડું કરવાના હતા?  એટલું જ નહીં, અમેરિકા જવાની વાતનો કાકા તો સખત વિરોધ કરશે જ એની મને ખાતરી હતી.

જારેચા તરફથી કોઈ જવાબ નહીં આવ્યો. જારેચા હજી તો બે જ વરસ પહેલાં અમેરિકા ગયા હતા અને માંડ માંડ પોતે સેટલ થતા હતા તેમાં એ મારો આ બધો ખરચ કેમ ઉપાડે?  હું દરરોજ ઓળખીતા ટપાલીની સામે આતુર ચહેરે જોઉં અને એ ભલો માણસ મારી સામે માથું ધુણાવે અને હું સમજું કે મારે માટે અમેરિકાનો કોઈ કાગળ નથી. કૉલેજ એડમિશનનો કાગળ આવીને પડ્યો હતો તે હું જાનને જોખમે સાચવતો હતો, પણ ચારેક મહિના પછી મને સમજાણું કે આપણી અમેરિકાની ગાડી કંઈ આગળ વધે એમ લાગતું નથી.  જે સેમેસ્ટરથી મને એડમિશન મળ્યું હતું તે પણ શરૂ થઈ ગયું, અને આપણે રામ તો હજી મુંબઈમાં જ રખડતા હતા!

વધુમાં મુર્ખામી એવી કરેલી કે જેવો એડમિશન લેટર આવ્યો કે તરત જ હરખપદુડા થઈને ગામ આખામાં ઢંઢેરો પીટાવ્યો હતો કે હું તો અમેરિકા જવાનો છું!  સ્વાભાવિક રીતે જ ઓળખીતા પાળખીતા લોકો મળે ત્યારે પૂછે કે અમેરિકા ક્યારે ઊપડો છો?  કેટલાક મિત્રો કહે, તમારે માટે અમારે વિદાય સમારંભ કરવો છે, કયો દિવસ તમને ફાવશે?  મારું તો વળી પાછું સાપે છછુંદર ગળ્યા જેવું થયું. મારે શો જવાબ આપવો?  “અરે, હું તો અમરેલી જવાની વાત કરતો હતો,” એમ કહીને વાત ઉડાડી નાખતો, પણ અંદરથી થતું કે ધરતી જો માર્ગ આપે તો સમાઈ જાઉં. મનમાં ને મનમાં હું મારી જાતને તમાચા મારતો. કહેતો કે મારી અમેરિકા જવાની હેંસિયત શું?

પણ મારું અમેરિકા જવાનું જે સપનું છે તેનું શું કરવું?  ધીમે ધીમે હું મને સમજાવતો ગયો કે મારી જેમ જ અમેરિકા જવાનાં સપનાં સેવતા હજારો શું, લાખો જુવાનિયાઓ  મુંબઈમાં રખડે છે.  એ બધા અહીં રખડે અને હું અમેરિકા જાઉં એમ? હું એવો તો ક્યો નવી નવાઈનો છું?  મારી આજુબાજુ લોકો મારી જેમ જ જીવે જ છે ને?  કેટલા અમેરિકા જાય છે?  કેટલાને ઘરે ગાડી છે?  કેટલા મરીન ડ્રાઈવ કે જુહુના ફ્લેટમાં રહે છે? કેટલાને ઘરે સાહિત્ય, સંગીત અને કલા, આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે?  મારી જે જીવનની જે કલ્પના હતી તે તો માત્ર રોમેન્ટિક નવલકથાઓમાં જ હોય!  એ બધી વાતો  છોડીને જે વર્તમાન પરિસ્થિતિ છે, તે સ્વીકાર્યા વગર છૂટકો નથી.

મને જીવનમાં પહેલી જ વાર થયું કે હવે જે પરિસ્થિતિમાં હું ફસાયો છું, તેમાંથી છટકવું શક્ય નથી.  મારી વણસતી દશાની નિશાનીઓ બધે દેખાતી હતી.  દેશમાંથી કાકાની સહકુટુંબ મુંબઈ આવવાની વાત વળી પાછી શરૂ થઈ.  દેશના ધંધા સાવ પડી ભાંગ્યા હતા, દેશમાં બાકી રહેલા બીજા બે ભાઈઓને ઠેકાણે પાડવાના હતા. એક ભાઈ મુંબઈ આવીને મારી માથે ક્યારનોય પડ્યો હતો, પણ એને પણ વ્યવસ્થિત સેટલ કરવાનો હતો.  બહેન ને પરણાવવાની હતી. પહેલા સંતાનનું અકાલ નિધન થયું. નલિની હવે ક્યાં સુધી બીજા સંતાન માટે રાહ જુએ?  પોતાનો ધંધો કરવાની વાત તો બાજુએ મૂકો, નવી સારી નોકરીની પણ કોઈ શક્યતા દેખાતી નહોતી.

મારી નિરાશા હવે હતાશામાં ફેરવાઈ. થયું કે આપણે ભાગ્યે આ જ બધું લખાયું છે:  આ ન કરવા જેવી નોકરી, કપરી કૌટુંબિક પરિસ્થિતિ, દાખલ થતાં જ ઓકાવી દે એવી આ ચાલી અને એમાં અમારી આ દસ બાય બારની ઓરડી, આ મુશ્કેલીઓથી ભર્યું ભર્યું મુંબઈ, આ દંભી સમાજ, આ અક્કરમી દેશ–આ બધામાં હું કેવી રીતે આગળ આવવાનો હતો?  ક્યાં અને કેવી રીતે મોટાં કામ કરીને ભવિષ્યને ઉજાળવાનો હતો?  મને ‘હું કૈંક સ્પેશ્યલ છું,’ એવો જે ભ્રમ હતો તે ઓગળી ગયો.  ઊલટાનું મને એમ થવા મંડ્યું કે મારી આજુબાજુ જે હજારો ને લાખો લોકો જીવે છે તેમ જ મારે પણ જીવવાનું છે. એ બધાની જેમ હું પણ સાવ સામાન્ય માનવી છું.  મારે મારી પામરતા સ્વીકારવી જ રહી.

જે કુટુંબ, સમાજ, અને દેશમાં હું જીવું છું તેમાં કાંઈ ફેરફાર થવાનો નથી.  જે છે તે છે, લવ ઈટ ઓર લીવ ઈટ!  એ બધામાં સંતોષ માની આગળ વધો. પણ આગળ ક્યાં વધુ?   આવી હતાશામાં હું સાવ દિશાશૂન્ય અને હેતુવિહીન જીવન જીવતો હતો ત્યાં જારેચાનો ફરી એક ટેલીગ્રામ આવ્યો:  તારા અમેરિકાના બધા ખર્ચની વ્યવસ્થા થઇ ગઈ છે!  એડમિશનનું પણ થઈ ગયું છે, એ બાબતનો લેટર મોકલી દીધો છે. સેમેસ્ટર પણ શરૂ થઇ ગયું છે.  જલદી જણાવ કે કઈ તારીખે તું નીકળે છે.

ત્રણેક વરસ પહેલાં જારેચાનો અમેરિકા આવવાનો પહેલો તાર આવેલો ત્યારે મેં હરખપદુડા થઈને ગામ આખામાં ઢંઢેરો પીટાવેલો કે હું તો અમેરિકા જાઉં છું!  પછી જ્યારે એ આખી વાતનો જબરો ફિયાસ્કો થયો ત્યારે નીચી મૂંડીએ,” હું તો અમરેલી જવાનું કહેતો હતો,” એમ કહીને વાત ઉડાડી મૂકેલી.  દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તે ન્યાયે આ વખતે કોઈને અમેરિકા જવાની વાતની ગંધ સરખી પણ આવવા ન દીધી, અને મૂંગા મૂંગા અમેરિકા જવાની તૈયારી શરૂ કરી દીધી.

એક અજાણ્યા ગાંધીની આત્મકથા- નટવર ગાંધી

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 22– ડેડ એન્ડ નોકરી

 મારા તત્કાલના જીવનનિર્વાહના અને કૌટુંબિક પ્રશ્નોનો નિકાલ કરવા માટે મેં મારું બધું ધ્યાન મારી કારકિર્દી પર દોર્યું.  જો કે ત્યાં પણ નિરાશાજનક ભવિષ્ય સિવાય બીજું કશું દેખાતું  નહોતું.  બબ્બે ડીગ્રીઓ પછી પણ મને કોઈ બહુ સારા પગારની અને કોઈ સારા ઠેકાણે નોકરી નહોતી મળતી, અને એવી નોકરી મળશે એવી આશા પણ મેં છોડી દીધી હતી.  રોજ ટાઈમ્સ જોઈને એપ્લીકેશન કરતો તે બંધ કર્યું, થયું કે એનો અર્થ શું? કોઈ મોટી બેંક કે ઇન્શ્યુરન્સ કંપની અથવા ફોરેન કંપનીમાં લાગવગ સિવાય આપણો નંબર લાગવાનો નથી એ વાત સ્પષ્ટ હતી.  ધંધો કરવા માટે જે મૂડીની શરૂઆતમાં જરૂર પડે તે તો નથી જ, અને એ મૂડી હોય તોય ધંધો કરવા માટે જે આવડત જોઈએ તે ક્યાં હતી?

ધીમે ધીમે મને એમ થતું જતું હતું કે આપણે  ભાગે જે પત્ની, જે નોકરી અને જે ઓરડી લખાઈ હતી તે છે અને તેમાં જ સંતોષ માનીને જીવન જીવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.  દિવસ ને રાત મારી જાતને કહેતો કે, ભાઈ, તું વળી કઈ વાડીનો મૂળો છે કે તારી ગણતરી જુદી થાય?  તું કંઈ નવી નવાઈનો થોડો છે?  તું જોતો નથી કે મુંબઈમાં લાખો લોકો જીવે છે અને ઘણા તો તારા કરતાં પણ વધુ ખરાબ દશામાં જીવે છે, સબડે છે, એ કેમ જોતો નથી?  તારી પાસે ઓરડી તો છે,  જયારે લાખો લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, તેમનું શું?  ગમે તેવી પણ તારી પાસે નોકરી તો છે, દર મહિને પગાર આવે છે, જયારે લાખો લોકો નોકરી વગરના રખડે છે, તેમનું શું?  એ બધાનો વિચાર કરી, તારે સમજવું જોઈએ કે તું તો ભાગ્યશાળી છે, અને ભગવાનને ગાળ આપવાને બદલે એનો પાડ માનવો જોઈએ!

સવાર ને સાંજે ટ્રેનમાં જતા આવતા મોટા ભાગના લોકો જ્યારે ગાડીમાં ઊંઘતા હોય, અથવા પત્તાં રમતા હોય કે ભજન કરતા હોય, ત્યારે હું ઊંડા વિચારમાં ઊતરી જતો. મને થતું કે આ બધા લોકો કેવા વાસ્તવિકતા સ્વીકારીને જીવે છે, અને જે છે એમાં મોજમજા કરે છે તેમ હું કેમ નથી કરી શકતો? મારી જાતને બહુ સમજાવું કે આ જ વાસ્તવિકતા છે, તે સ્વીકારીને જ મારે જીવવાનું છે. રાતે પાછો ચાલીમાં આવું ત્યારે થતું કે આવી જ ચાલીમાં શું મારે જિંદગી કાઢવાની છે.  ટ્યુશન કરવા જ્યાં જતો તેવો ફ્લેટ, રાચરચીલું , ગાડીઓ વગેરે મને એક વાર મળશે એવા ખ્યાલ જે મનમાં રાખીને બેઠો હતો તે મૂર્ખાઈ હતી તે હવે મને સ્પષ્ટ સમજાયું.

અત્યાર સુધી હું હાડમારીના દિવસોમાં એમ માનતો કે આ બધું તો ટેમ્પરરી છે, આ તો વિધાતા મારી કસોટી કરે છે, પણ મારે હારવાનું નથી, બલ્કે એમાંથી નીકળીને હું જ્વલંત સફળતા પામવાનો જ છું, ખૂબ પૈસા બનાવવાનો જ છું, આગળ આવવાનો જ છું, અને દુનિયાને બતાવી દેવાનો છું કે હું કોણ છું!  ઉમાશંકર જોશીની સોનેટમાળા, ‘આત્માના ખંડેર’ના એક સોનેટની આ પંક્તિ હું વારંવાર ગણગણતો, “આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.”  પણ એ આખીય વાત હવે મને શેખચલ્લીનાં  સ્વપ્નાં જેવી લાગી, અને થયું કે એવા બણગા ફૂંકવા છોડી જે વાસ્તવિકતા છે તેને  સ્વીકારી નીચી મૂંડીએ જીવ્યે જવું.  દુનિયા જે છે તે છે અને તારા માટે કંઈ બદલાવાની નથી.  મારી આ નિરાશાનાં વરસોમાં બે જણને હું વારંવાર મળવા જતો.  “યથાર્થ જ સુપથ્ય”ની ફિલોસોફીથી જીવન જીવતી આ બે વ્યક્તિઓએ મારે માટે મોટા આશ્ચર્યની વાત હતી. એમણે જીવનમાં કૈંક મુશ્કેલીઓ વેઠી હતી, છતાં એ કેવી રીતે શાંતિથી જીવન જીવતાં હતાં!

હું જો મારી ડેડ ઍન્ડ નોકરીથી પેટ ચોળીને રોજ દુઃખ ઊભું કરતો હતો, તો મારા એક પરમ મિત્ર શરદ પંચમીયા એવી જ એક ડેડ એન્ડ નોકરી કરતા હતા, છતાં ખુશીથી જીવતા હતા.  દૂર મલાડમાં સંયુક્ત કુટુંબમાં બહેન, ભાઈઓ અને માબાપ બધા સાથે રહે.  ઘણી વાર હું એમને ત્યાં જતો ત્યારે મને હંમેશ થતું કે એ કુટુંબ કેવા સંતોષ અને સંપથી રહે છે.  પંચમીયા લાઈફ ઇન્સ્યુરન્સ કંપની ઓફ ઇન્ડિયા (એલ.આઈ.સી.) માં ક્લર્ક તરીકે નોકરી કરતા હતા. સંતોષી જીવ. આગળ વધવાની એમને કોઈ ઝંખના નહોતી એવું નહીં, પણ એ બાબતનો મારા જેવો કોઈ વલવલાટ નહોતો.  પાર્ટ ટાઈમ કૉલેજમાં જરૂર જતા હતા, પણ એ પ્રમોશન મેળવવા કરતા મઝા કરવા જતા હોય એમ લાગતું.  દરરોજ ટાઈમ્સ વાંચે. પબ્લિક અફેર્સમાં, પોલીટીક્સમાં પૂરેપૂરો રસ લે. પણ પોતે પ્રધાન નથી, કે થવાના નથી, તેનો એમને વસવસો નહોતો. 

એમને મળવા જાઓ એટલે આપણી કૉફી તો સાચી જ.  વધુમાં એ બટેટાવડાનો પણ આગ્રહ કરે.  સુક્લડી કાયા, શર્ટ પેન્ટ, જાડા કાચનાં ચશ્માં, જિંદગીમાં બધું જ મળી ગયું હોય એવી શાંતિ. કોઈ હાયહોય નહીં. બધાની સાથે હળીમળીને રહેવાની એમની વૃત્તિ.  એમને પત્ની પણ એવા જ શાંત સ્વભાવનાં મળ્યાં મળ્યાં.  જાણે કે એ બંને એક બીજા માટે સર્જાયા હોય એમ લાગે.  એવી જ એમની પરીઓ જેવી બે પુત્રીઓ. એમાંની એક તો સંસ્કૃતમાં પત્રો લખી શકે એવી પારંગત હતી.  બન્ને વળી આજ્ઞાંકિત તો એવી કે પંચમીયાનો પડતો બોલ ઝીલે.  આખી જિંદગી એમણે એલ.આઈ.સી.માં ક્લર્ક તરીકે કાઢી. એમના મિત્રો કે સગાંઓ પૈસાવાળા થયા, કે અમેરિકા ગયા, કે ઑફિસમાં બીજાઓને પ્રમોશન મળ્યું અને એમને નહીં મળ્યું, એ બાબતની ફરિયાદ કરતા મેં એમને ક્યારેય સાંભળ્યા નથી.  ઈર્ષ્યા તો માનવ સહજ છે, છતાં મેં જે બહુ ઓછી વ્યક્તિઓમાં મેં એમના જેટલો ઈર્ષ્યાનો અભાવ જોયો છે. 

મારી પ્રગતિમાં એમણે જીવંત રસ લીધો છે.  મેં કંઈ લખ્યું હોય અથવા મારા વિષે દેશના  છાપાંમાં જે કાંઈ આવ્યું હોય તે સાચવી રાખે.  એ બધા ક્લીપીન્ગ્સનું એમણે એક આલ્બમ બનાવેલું!  અમેરિકા આવ્યા પછી દેશમાં મને કૈંક એવોર્ડ મળતા અને મારું સમ્માન થતું.  આવા પ્રસંગે હું તેમને સહકુટુંબ લઇ જાઉં.  મારી પ્રગતિમાં ખુશી મનાવે. એમની મૈત્રી નિર્વ્યાજ હતી.  હું જ્યારે અમેરિકા આવતો હતો ત્યારે મને વળાવવા એરપોર્ટ આવેલા મિત્રોમાં પંચમીયા જ એક એવા હતા કે જેમણે મને એમની અમેરિકા આવવાની વ્યવસ્થા કરવા નહોતું કહ્યું.  મારા અમેરિકાના લાંબા વસવાટમાં દેશમાંથી અનેક પત્રો આવે છે. તેમાં ઘણાય નો ધ્રુવ મંત્ર એક જ હોય: “અમારું ત્યાં આવવાનું થાય એવું કંઈક કરો.”  પંચમીયાએ એ બાબતનો કોઈ દિવસ ઈશારો પણ કર્યો નથી, ન પોતાના માટે, કે ન પોતાની દીકરીઓ માટે. 

પોતે જે કોઈ પરિસ્થિતિમાં હોય એમાં જ સંતોષથી રહેવું એ જાણે કે પંચમીયાને સહજ હતું. મોટી ઉંમરે એમની આંખો ગઈ એ હકીકત એમણે જે સહજતાથી સ્વીકારી તે મારે માટે એક મોટી અજાયબી હતી. હું મુંબઈ જાઉં ત્યારે જરૂર એમને મળવા જાઉં.  છેલ્લે  ગયેલો ત્યારે એમના નાના બે રૂમના ફ્લેટમાં એ આંટા મારતા હતા.  કહે કે “આંખ ગયા પછી ઘર બહાર તો નીકળાય નહીં, એટલે ઘરમાં જ વોક કરી લઉં છું.”

બીજી એક એવી વ્યક્તિ હતી મારા માસા.  મુંબઈમાં એ સૂકા મેવાની દુકાન ચલાવતા. મૂળ કરાચીના.  દેશના ભાગલા પછી કરાંચીથી પહેર્યે લૂગડે ભાગીને મુંબઈ આવ્યા.  થોડી ઘણી બચત હતી તેમાંથી સૂકા મેવાનો સ્ટોર કર્યો.  દિવસ આખો સ્ટોર ચલાવે.  રાત્રે બંધ કરીને સ્ટોરના જ પાટિયા ઉપર સૂઈ જાય.  ઘરબાર તો હતા નહીં.  પોતાની માલ મિલકતમાં જે કંઈ રોકડું હતું તે ઓશીકે રાખી સૂએ. એક રાતે કોઈ ઓશીકું સરકાવી ગયું. આખા દિવસની કેડતોડ મજૂરીથી થાકેલા માસાને એવી તો ઊંઘ ચડેલી કે ખબર પણ ન પડી.  હવે શું કરવું? 

કોઈ પૈસાદારને ભાગીદાર બનાવી સ્ટોર ચાલુ રાખ્યો. વરસે બે વરસે એ પૈસાદારની દાનત બગડી. પૈસાના જોરે માસાને કહે, તમને હવે ભાગીદાર તરીકે અમે નહીં રાખીએ. નોકર તરીકે રહેવું હોય તો રહો અને સ્ટોર ચલાવો, નહીં તો ચાલતી પકડો. માસા બિચારા મોટી ઉંમરે ક્યાં જાય? જે સ્ટોર એમણે જાત મહેનતથી જમાવ્યો હતો ત્યાં જ નોકરી સ્વીકારી! ભાગીદાર પણ લોહી ચૂસનારો નીકળ્યો.  માસા વહેલી સવારે બાજુમાં જ જ્યાં એક રૂમમાં એમણે ઘર માંડ્યું હતું ત્યાંથી આવે.  દસેક મિનિટ દૂર ઘર હોવા છતાં ઘરે લંચ માટે જવાની રજા નહીં.  ટીફીન આવે તે ખાવાનું. બપોરે ખાધા પછી દસ પંદર મિનિટ  સ્ટોરમાં જ આડા પડી ઊભા થઈ જાય. મોડી રાત સુધી સ્ટોરનું કામ કરે.  રવિવારે ચોપડા લખે.  મેં એમને ક્યારેય મૂવીમાં જતા જોયા નથી. કોઈ લગ્ન પ્રસંગ જો રવિવારે હોય તો જ જાય. બાકી તો એ ભલા ને સ્ટોર ભલો.  જિંદગીમાં આટ આટલી હાડમારી ભોગવ્યા છતાં મેં એમને ક્યારેય ફરિયાદ કરતા જોયા નથી. 

હું આ બે વ્યક્તિઓનો મળતો ત્યારે જરૂર વિચારે ચડી જતો.  મારામાં એમના જેવી સહનશીલતા કે ધીરજ ક્યારે આવશે?  મુંબઈની હાડમારી વેઠવામાં હું એકલો થોડો છું?  આ શહેરમાં અસંખ્ય લોકો જીવે છે. કેટલાને ફ્લેટ છે? કેટલાને કાર છે? છતાં બધાય જીવે જ છે ને? અને મારે જો જીવવું જ હોય તો રોતા કકળતા શા માટે જીવવું?  આ બધું સમજતો છતાં ય હું જાણે નવી નવાઈનો હોઉં તેમ મારી હાડમારીઓને પંપાળ્યા કરતો હતો.  દિવસ રાત ફરિયાદ કરતો. જાતને કહેતો રહેતો કે હું સ્પેશલ છું, આ હાડમારીને લાયક નથી, મારી આવડત, બુદ્ધિ, વિચારસૃષ્ટિ, આકાંક્ષાઓ જોતાં મને ઘણું ઘણું મળવું જોઈએ, ઉપરવાળો કંઈક ભૂલ કરે છે.  જે મહાન લોકો મારે માટે પ્રેરણાપુરુષો હતા એમનાં જીવનચરિત્રો હું ઉથલાવી જતો અને જોતો કે એમણે શું શું વેઠ્યું છે, અને એમાંથી એ કેવી રીતે બહાર આવ્યા. વળી એ પણ જોતો હતો કે એ બધા મારી ઉંમરે શું કરતા હતા, ક્યાં સુધી આવી ચૂક્યા હતા અને હું હજી આ બે બદામની નોકરીમાંથી આગળ વધ્યો નથી, તેનું મારે શું કરવું. મારી આ અવદશામાંથી મારે કેમ છટકવું?

હવે જ્યારે જ્યારે મુંબઈ જાઉં છું ત્યારે મેં જ્યાં જ્યાં નોકરીઓ કરી હતી, કામ કર્યું હતું,  રહ્યો હતો, હર્યો ફર્યો હતો, ત્યાં એકાદ આંટો જરૂર મારું.  ટ્રામ તો હવે નથી, પણ ટ્રેન, બસ, ટેક્સીમાં જરૂર થોડી મુસાફરી કરી લઉં. જે જે રેસ્ટોરાંમાં મેં ખાધું હતું, તે હજી ચાલતાં હોય તો ત્યાં બેસીને કશુંક ખાઈ લઉં. આ બધી જગ્યાએ જઈને પ્રભુનો અને નવીન જારેચાનો પાડ માનુ કે એમણે મારી અમેરિકા આવવાની વ્યવસ્થા કરી, અને આ બધામાંથી મને ઉગાર્યો.  પચાસેક વરસના અમેરિકાના સુંવાળા વસવાટ પછી થાય કે હું મુંબઈમાં કેમ જીવ્યો?!  અને છતાં એ પણ જોઉં કે મુંબઈમાં મેં જે હાડમારી ભોગવી હતી તેનાથી પણ વધુ હાડમારી ભોગવતા લાખો લોકો મુંબઈમાં હજી જીવે જ છે ને! એ બધાને હું રોદણાં રોતાં જોતો નથી. મુંબઈની આ બધી મુશ્કેલીઓ વચ્ચે લોકો કેવા સિફતથી પોતાનો રસ્તો શોધી કાઢે છે!  કોઈ પણ સંજોગોમાં રહેવાની મુંબઈના લોકોની સૂઝસમજ અને ચતુરાઈ મને સમજાય છે. મુંબઈની આ સહનશીલ અને હિકમતી પ્રજાને હજાર હજાર સલામ ભરું છું.

જીવવા માટે અમેરિકન સુખસગવડો અનિવાર્ય નથી. આખરે દુનિયાના કેટલા લોકોને એ સુખસગવડો ભોગવવા મળે છે? અને છતાં લાખો અને કરોડો લોકો જીવે જ છેને!  જેમ હું મુંબઈમાં બધે આંટો મારી આવું છું તેમ દેશમાં મારે ગામ પણ જઈ આવું છું.  અને ત્યાં જતા એમ થાય છે કે ગામના લોકોને મુંબઈના સાધન સગવડો નથી, છતાં એ બધાં જીવે જ છે ને? એ બધાં દુઃખી છે એમ કેમ કહેવાય? આખરે પોતાના સંજોગોને અનુકૂળ થઈને રહેવાની કુશળતા મનુષ્ય સહજ છે, નહીં તો દેશનાં ગામડાંઓની ભયંકર ગરીબીમાં લોકો કેમ કરીને જીવે જાય છે? મને થાય છે કે મારું અમેરિકા આવવાનું ન થયું હોત તો મેં પણ શું એ બધાની જેમ મારો રસ્તો ન ખોળી કાઢ્યો હોત?  ખુદા જાને!

અને છતાં મુંબઈની હાડમારીઓમાંથી પસાર થતાં મારું જે દુઃખ હતું તેને હું કેમ નકારી શકું?  ટ્યુશન કરવા જતો ત્યારે ત્યાં વિશાળ ફ્લેટ અને તેની અનેક આધુનિક સાધન સગવડો જોતાં મને જરૂર થતું કે આ બધું મને કેમ ન મળે?  દરરોજ છાપાંમાં અમેરિકા જતા પૈસાદાર નબીરાઓના ફોટા જોતો ત્યારે થતું કે મને અમેરિકા જવા કેમ ન મળે?  આમાં મારી લાયકાતનો પ્રશ્ન તો હતો જ નહીં.  મને થતું કે એ બધા કરતાં શું મારી લાયકાત ઓછી હતી?  મને મારી ગરીબીનું તીવ્ર ભાન પળે પળે થતું.  હું જો પૈસાવાળો હોત, લાગવગવાળો હોત, તો હું પણ અમેરિકા જઈ શકું, ફ્લેટમાં રહી શકું, મોજમજા કરી શકું.  આ બધી ફ્લેટ અને અમેરિકાની વાત મૂકો પડતી, પણ જે સમાજ અને દેશમાં સારી નોકરી કે સારી ઓરડી મેળવવા માટે પણ જો આકાશપાતાળ એક કરવા પડતાં હોય, તો એવા સમાજમાં રહેવાનો અર્થ શો? આવી દુઃખી મનોદશામાં મને મુંબઈ માટે, સમાજ માટે, દેશ માટે ઘૃણા થાય તેમાં નવાઈ શી?

આ કપરા સમયે મને દેશમાં, એની લોકશાહીમાં અને એની સામાજિક વ્યવસ્થામાંથી શ્રદ્ધા સાવ ઊઠી ગઈ.  મારા જેવા ભણેલા માણસને પણ એક સામાન્ય નોકરી, કે રહેવાની ઓરડી મેળવવા આટલી મુશ્કેલી પડતી હોય એવી લોકશાહીનો અર્થ શો?  પછી તો હું પૈસાવાળાઓને ધિક્કારતો થઈ ગયો. એમની પાસે ફ્લેટ, ગાડી, વગેરે જીવનની બધી સગવડ હોય, એમના છોકરાઓને અમેરિકા જવાનું મળે, અને હું મુંબઈમાં હડદોલા ખાઉં તે મારાથી સહેવાતું નહોતું. મેં જોયું કે એક પછી સરકાર આવીને જતી. એક પંચવર્ષીય યોજના પૂરી થાય ને બીજી તૈયાર આવી ને ઊભી જ હોય.  પણ લોકોની દશામાં શું ફેરફાર થતો?  ઊલટાનું એમની દશા વણસતી જતી હતી.  મુંબઈમાં ઝૂંપડપટ્ટીઓ તો વધતી જતી હતી.  થતું કે મારે આ ભૂખડીબારસ દેશમાંથી ભાગવું જ જોઈએ. પણ કેવી રીતે?

એક અજાણ્યા ગાંધીની આત્મકથા- પ્રકરણ 21

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 21– આખરે મારકેટ છોડી!

એક દિવસ હું ટ્યુશન પતાવી જતો હતો ત્યાં શેઠે મને હાથના ઈશારે બોલાવ્યો અને બેસવા કહ્યું.  હું તો ગભરાયો, આ ટ્યુશન ગયું કે શું?  કોઈક કારણે તે દિવસે એમને બોલવાની ડોકટરે મના કરી હતી, તેથી એક કાગળ ઉપર લખ્યું, ગાંધી, તમે કોઈ વિશ્વાસપાત્ર  માણસને ઓળખો છો?  મારી ઑફિસમાં મારે મેનેજરની જરૂર છે.  મેં હા પાડી.  મને હાથના ઈશારે પૂછે, કોણ?  મેં કહ્યું,  હું! વળી પાછું કાગળ ઉપર લખીને પૂછ્યું કે તમે અત્યારે જે નોકરી કરો છો તે શા માટે છોડો છો?  મેં કહ્યું કે હું અત્યારે મૂળજી જેઠા મારકેટમાં કામ કરું છું, નોકરી ઠીક છે, પણ સારી નોકરી બીજે ક્યાંય મળતી હોય તો હું બદલવા તૈયાર છું.  મને લખીને જણાવ્યું કે આવતી કાલે ઑફિસે આવજો, આપણે જોબ ઓપનીંગની વાત કરીશું. 

બીજે દિવસે હું તો એમની ઑફિસે પહોંચી ગયો.  મેનેજરના જોબની ઓપનીંગ હતી.  ઓફિસમાં મેનેજરનો રોલ શું છે તે વિગતવાર સમજાવ્યો.  બીજા થોડા માણસો હતા–ગુજરાતી સેલ્સમેન, સાઉથ ઇન્ડીઅન ટાઈપિસ્ટ, એક ક્લર્ક, બે ઘાટી, અને એક પાર્ટ ટાઈમ મહેતાજી.  મેનેજર તરીકે હું આ બધાનો ઉપરી થઈશ.  મને પૂછે, તમે આ કામ સંભાળી શકશો?  જિંદગી આખી મેં કોઈને કોઈના હાથ નીચે નીચી મૂંડીએ કામ કર્યું હતું.  આ પહેલી જ તક મળતી હતી કે જેમાં મારી નીચે લોકો કામ કરવાના હતા.  હું આ તક જવા થોડો જવા દેવાનો હતો?  વધુમાં ઑફિસ ફ્લોરા ફાઉન્ટન આગળ ફોર્ટ એરિયામાં.  થયું કે કાલબાદેવીથી છૂટીશ. વધુમાં પગારમાં સો રૂપિયા વધારે!  હું શા માટે ના પાડું? 

મને પૂછે કે તમે ક્યારથી શરૂ કરશો?  મેં કહ્યું કે આવતી કાલથી!  મને કહે એમ ના ચાલે, જ્યાં છો ત્યાં તમારે ઓછામાં ઓછી એકાદ અઠવાડિયાની નોટીસ આપવી જોઈએ. અમે નક્કી કર્યું કે મારે બીજે અઠવાડિયે શરૂ કરવું.  જેવો હું જવાની રજા લેતો હતો ત્યાં મને કહે, ગાંધી,  તમે અમારી ઑફિસના મેનેજર થવાના છો. હવે તમારાથી ટ્રેનમાં સેકન્ડ  ક્લાસમાં ન અવાય જવાય!  ફર્સ્ટ ક્લાસમાં જ આવવા જવાનું છે,  ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવી લેજો, તે માટેના પૈસા ઓફિસમાંથી લઈ લેજો!  ફર્સ્ટ ક્લાસમાં તમને ઊંચા ઑફિસરોની, ધંધાદારીઓની ઓળખાણ થાય, એ આપણને કામ લાગે! (જો કે જે સેકન્ડ કલાસમાં હું આવતો જતો તે ખરેખર તો થર્ડ કલાસ જ હતો, પણ વેસ્ટર્ન રેલવેએ ચાલાકીથી એને સેકન્ડ કલાસ બનાવી દીધો અને થર્ડ કલાસને રદ કર્યો!) 

નવી નોકરી ભલે આવતે અઠવાડિયે શરૂ થવાની હોય, મેં તો દોડીને ફર્સ્ટ ક્લાસનો પાસ હમણાં ને હમણાં જ કઢાવી લીધો!  પેઢીમાં જઈને કહી દીધું કે મેં નવી નોકરી લીધી છે અને આવતે અઠવાડિયે હું એ શરૂ કરવાનો છું. મારકેટમાંથી છૂટવાની આવી તક હું થોડો જવા દેવાનો હતો?  ભલા મદ્રાસી શેઠે મને ઘણું કહ્યું કે ન જાવ, તમારો પગાર વધારીએ, પણ અમારી નોકરી ન છોડો. ગુજરાતી ભાગીદાર જેના હાથ નીચે મારે રોજ બ રોજ કામ કરવું પડતું તે તો મનમાં ને મનમાં રાજી થયો હશે કે હાશ, આ બલા છૂટી.  વળી પાછું હિસાબકિતાબનું કામ એના હાથમાં આવી જશે. અને જે કાંઈ કરવું હશે તે કરી શકશે. 

ભલે દૂરના પરામાં પણ ઓરડી મળી, સારું ટ્યુશન મળ્યું, નવી વધુ પગારની મેનેજર થવાની નોકરી, અને હું ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં ફરતો થઈ ગયો–થયું કે મારા નસીબનું પાંદડું ફરતું લાગે છે.  જો કે મારા શંકાશીલ સ્વભાવને થયું કે એક પછી એક આ બધું સવળું પડે છે, તો કાંક તો અવળું પડશે જ!  અને થયું પણ એવું જ!  શેઠના જે દીકરાને હું દરરોજ ભણાવતો હતો, તે ઑફિસમાં આવતો અને ત્યાં તો એ શેઠ થઈને બેસતો!  ઓફિસની હાયરારકીમાં એ ઊંચો અને હું નીચો.  વધુમાં ઑફિસમાં બીજા લોકોને ખબર પડે કે એ મારી આગળ ઈંગ્લીશના પાઠ ભણે છે એમાં એને નીચે જોવાપણું લાગતું હતું.  એ કહે કે હું હવે ગાંધી પાસે ટ્યુશન નહીં લઉં! 

આ ટ્યુશન બંધ થાય તો મારું આવી બને.  મારી આવકમાં મોટું ગાબડું પડે.  મેં મારી મૂંઝવણ શેઠને સમજાવી.  એ ભલા માણસ કહે, ગાંધી તમારે હવે ટ્યુશન કરવાની જરૂર નથી, હું ટ્યુશન જેટલો તમારો પગાર વધારો કરી આપું છું.  આમ હજી નોકરી શરૂ કરું ત્યાં જ મારો પગારવધારો થયો અને સાથે સાથે ટ્યુશન કરવાની માથાકૂટ પણ મટી. સવારના પાંચ વાગે ઊઠીને છ વાગ્યાની ટ્રેન હવે પકડવાની જરૂર ન રહી. હવે મારી રૂટીન મુંબઈના નોકરિયાતો જેવી નોર્મલ થઇ ગઈ. બધાની જેમ હું પણ દસેક વાગ્યાની ટ્રેન પકડી ચર્ચગેટ સ્ટેશને પહોંચું.  ત્યાં ઊતરતા મને થાય કે હાશ, કાલબાદેવીની, મારકેટની દુનિયામાંથી, એ ગંદકી, એ દલાલો, એ ગુમાસ્તાઓ, મહેતાજીઓ, પાનની પિચકારી ઉડાડતા પાંચ ચોપડી ભણેલા શેઠિયાઓની જાળમાંથી હું છૂટ્યો.

ટ્રેનમાંથી ચર્ચગેટ ઊતરો અને સામે ઈરોસ થીએટર દેખાય, ત્યાં હોલીવૂડની જે કોઈ નવી મુવી આવી હોય તેનાં મોટાં પોસ્ટરો દેખાય, સરિયામ મોટા રસ્તાઓ, ફૂટપાથ ઉપર ટાઈ લગાડીને ઝડપથી ઓફિસે જતા અને ફટફટ ઈંગ્લીશમાં વાત કરતા મુંબઈગરાઓ, ઊંચી  એડીના બૂટ પ્હેરીને વેસ્ટર્ન લેબાસમાં આવતી જતી પારસી કે ક્રિશ્ચિયન છોકરીઓ, મુંબઈ યુનીવર્સીટીનો રાજાબાઈ ટાવર, ફ્લોરા ફાઉન્ટન, એની બાજુમાં ફિરોજશાહ મહેતાનું ભવ્ય પૂતળું, અનેક રેસ્ટોરાં, કૉફી હાઉસો, જહાંગીર આર્ટ ગેલેરી, ડેવિડ સાસૂન લાયબ્રેરી, આ બધું જોતાં મને થયું કે હું જાણે સીવીલાઈજેશનમાં પાછો આવ્યો! ફોર્ટ એરિયામાં દરરોજ સાંજે કંઈ ને કંઈ પબ્લિક મીટીંગ હોય જ. ઑફિસેથી નીકળીને ત્યાં હું આંટો મારું.  અને પછી ત્યાં જે કોઈ મિત્ર મળ્યું હોય તેની સાથે કૉફી પીને ઘરે જવાની ટ્રેન પકડું. 

ઓરડી અને નોકરી મળ્યા પછી મને એમ થવા માંડ્યું કે હવે હું મુંબઈમાં સ્થિર થતો જાઉં છું.  ઓરડી લીધાની જેવી કાકાને ખબર પડી કે તરત જ નાની બહેનને મુંબઈ મોકલવા કહ્યું. એમનો વિચાર તો બીજા બે ભાઈઓને પણ મોકલવાનો હતો.  મેં ઘસીને નાં પાડી. કહ્યું કે મુંબઈ આવે એ પહેલાં એમનું ભણવાનું પૂરું થવું જોઈએ.  વધુમાં એક ભાઈ તો આવીને માથે પડ્યો જ હતો.  જો કે બહેન તો આવી જ. પ્રશ્ન એ થયો કે એને ક્યાં સૂવરાવવી? ભાઈ તો ચાલીમાં સૂતો, પણ બહેનને ચાલીમાં થોડી સૂવડાવાય?  નલિનીએ એનો પણ ઉપાય ગોત્યો.  આવી નાની ઓરડી હતી છતાં વચમાં લાકડાનું પાર્ટીશન નખાવી એના બે ભાગ કર્યા. એક ઓરડીની અમે બે ઓરડી કરી!  રાત પડે એટલે પાર્ટીશનની એક બાજુ અમે બે અને બીજી બાજુ બહેન, ભાઈ ચાલીમાં, આમ અમારું ગાડું ચાલ્યું! 

નોકરીમાં ઠરી ઠામ થતો જતો હતો પણ મહત્ત્વાકાંક્ષાનો કીડો વળી પાછો મનમાં ખદબદ કર્યા કરતો હતો.  હા, મેનેજરની નોકરી હતી, પણ આખરે એમાં મળી મળીને મને કેટલો પગાર મળશે?  એમાંથી ફ્લેટ થોડો લેવાય?  આ એક નાની ઓરડીમાં હું ક્યાં સુધી રહીશ?  દેશમાંથી મુંબઈ આવવા બે ભાઈઓ થનગની રહ્યા હતા. મને ખાતરી હતી કે વહેલા મોડા કાકા એમને મુંબઈ મોકલશે જ. વધુમાં એમના કાગળોમાં એ એમ પણ લખતા હતા કે દેશના ધંધા પડી ભાંગ્યા હોવાથી એ પોતે પણ મુંબઈ આવવાનો વિચાર કરતા હતા. ધારો કે દેશમાંથી આખુંય કુટુંબ મુંબઈ આવ્યું તો હું એ બધાંને ક્યાં રાખીશ.  વધુમાં અમારે ત્યાં પ્રથમ સંતાનનો જન્મ થવાનો હતો. 

આ બધો વિચાર કરતાં એમ થયું કે મારે મારી આવક વધારવી જ જોઈએ, પણ કેવી રીતે?  ખરેખર જ જો પૈસા બનાવવા હોય તો કશોક ધંધો કરવો જોઈએ, ધંધામાં જ પૈસા છે, નોકરીમાં નહીં.  પણ ધંધો કરવો કેમ?  એને માટે મૂડી જોઈએ તે ક્યાંથી કાઢવી?  અને શેનો ધંધો કરવો?  ધંધાની કોઈ લાઈન શીખ્યો નથી. થયું કે ચાલો, ચાર્ટર્ડ એકાઉન્ટિંગનું ભણું, એ પ્રેક્ટીસમાં બહુ સારા પૈસા બને છે.  પણ એ ભણવા માટે કોઈ ફર્મમાં જોડાવું જોઈએ, અને ત્યાં એપ્રેન્ટિસના નહિવત પગારે ચાર વરસ કામ કરવાનું, આર્ટીકલ ભરવાના, અને સાથે સાથે એની બહુ અઘરી પરીક્ષાઓ પાસ કરવાની.  પરીક્ષાઓની વાત તો પછી, પણ એપ્રેન્ટિસના નહિવત પગારે ચાર વરસ ઘર કેમ ચલાવવું?  વધુમાં હું તો પરણીને બેઠો હતો, અને ઘરે હવે બાળક આવવાનું હતું, દેશમાંથી ભાઈબહેનો આવવાના હતા, આ બધી જવાબદારી રોજબરોજની વ્યવસ્થિત આવક વગર કેમ અદા કરવી?  આમ ચાર્ટર્ડ એકાઉન્ટિંગનો વિચાર નેવે મુક્યો.

અને લૉયર થવાનો વિચાર કર્યો.  મારું લૉ કોલેજમાં પાર્ટ ટાઈમ જવાનું જે શરૂ કર્યું હતું, તે વચમાં બંધ કર્યું હતું તે વળી પાછું શરૂ કર્યું.  મુંબઈના મોટા વકીલો ધામધૂમ કમાય છે, એ હું જોતો. એમાંય જો ઇન્કમટેક્ષની પ્રેક્ટીસ કરીએ તો તરી જઈએ. વધુમાં કનૈયાલાલ મુન્શીનો દાખલો તો હાજરાહજૂર હતો, પોતે મોટા લૉયર, પણ સાથે સાથે મોટા લેખક, નવલકથાકાર.  એમની નવલકથાઓ, આત્મકથાઓ વાંચીને તો હું મોટો થયો. લૉયર થવાનું ભણવા માટે લૉ કોલેજમાં બે વરસ જવાનું અને પછી બાર એક્ઝામમાં પાસ થાવ, અને જો સારી લૉ ફર્મમાં જોડાઈ શકો તો પછી તમે ન્યાલ થઈ જાવ. 

લૉ કૉલેજની એક મોટી સગવડ એ હતી કે ત્યાં તમે સવાર કે સાંજના ક્લાસ ભરી શકો.  સાથે સાથે નોકરી કામધંધો પણ ચાલુ રાખી શકો.  આ વ્યવસ્થા મને ગમી. ચર્ચગેટ ઉપર આવેલ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં વળી પાછા ક્લાસ ભરવાના શરૂ કર્યા. સવારના ઘરેથી વહેલા નીકળવાની વાત મારે માટે કોઈ નવાઈની નહોતી.  ટ્યુશન કરવામાં માટે સવારના જતો તે હવે લૉ કૉલેજમાં જઈશ. આમ વળી પાછી મારું નવું રૂટીન શરૂ થયું.  સવારના વહેલા નીકળી પહેલા લૉ કૉલેજમાં જાઉં.  અને પછી અગિયારેક વાગે ઑફિસે જાઉં.  સદ્ભાગ્યે ચર્ચગેટ સ્ટેશન, લૉ કૉલેજ, ઑફિસ વગેરે બધું પાસે એટલે કોલેજમાં જવાની બહુ અગવડ નહીં પડી. 

મેં જોયું તો લૉ કૉલેજમાં મારા જેવા આશાઆકાંક્ષા ભર્યા, પણ નાણાંકીય સગવડ વગરના કંઈક જુવાનિયાઓ લૉ ડિગ્રી લઈ પોતાની કેરિયર આગળ વધારવા મથતા હતાં. બે વરસ લૉનું ભણ્યો, ગાઈડો વાંચીને પરીક્ષા આપી, પાસ થયો, એલ.એલ.બી.ની ડીગ્રી મળી, પણ એનો અર્થ એ થોડો હતો કે મને વકીલાત કરતા આવડશે કે કોર્ટમાં કેસ લડતા આવડશે? અરે, લૉ કૉલેજનાં એ બે વરસમાં કોઈ લૉ ઑફિસમાં પગ પણ મુક્યો ન હતો, કે કોર્ટમાં કોઈ કેસ લડાતો જોયો ન હતો. જેવું ભણતર બી.કોમ.નું એવું જ એલ.એલ.બી.નું, પોથીમાંના રીંગણા જેવું. તમારા નામ પાછળ એક પૂંછડુ વધે, અને એક વધુ લટકણું રેજ્યુમેમાં લગાડો, એટલું જ, બાકી એનો કોઈ પ્રેક્ટીકલ ઉપયોગ નહીં.  હીરો ઘોઘે જઈ પાછો આવ્યો એમ લૉ કોલેજમાં ગયા પછી પણ આપણ રામ તો હતા તેવા ને તેવા જ, ધોયેલા મૂળા જેવા!  હવે શું કરવું? 

આ દરમિયાન અમારે ઘેર પુત્રજન્મ થયો. પણ એ જન્મતાં જ, હજી નલિની એને લઈને ઘરે આવે એ પહેલાં પ્રસૂતિ ગૃહમાં જ ગુજરી ગયો.  નલિની ભારેપગી હતી ત્યારે જે પ્રકારની ખાવાપીવાની માવજત લેવી પડે તે અમે ન લઈ શક્યા, એટલે બાળક જન્મ્યું ત્યારે ખૂબજ નબળું હતું, અને જન્મતાં જ એનું મૃત્યુ થયું.  અમે હોસ્પિટલમાંથી ખાલી હાથે ઘરે આવ્યા.  આ અમારા બહુ ખરાબ દિવસો હતા. મને થયું કે આ શું? સંતાનપ્રાપ્તિનું સુખ જે રાજા રંક કે ગરીબ તવંગર બધાને મળે તેમાંથી પણ અમે બાકાત?  અને બીજા સંતાનની પણ આવી દશા નહીં થાય એની ખાતરી શી?  થયું કે વિધાતા મારી પાછળ આદુ ખાઈને પડ્યો છે.  હું વળી પાછો ભગવાનને ગાળ આપતો થઈ ગયો. 

પ્રથમ પુત્ર જન્મતા જ ગુમાવ્યો એનો શોક અમને, ખાસ કરીને નલિનીને ઘેરી વળ્યો. એનો સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયો.  નવ પરિણીત હૂતો હુતી તરીકે એકલા રહીને અમારે જે મજા કરવી હતી તે અમે ક્યારેય નથી કરી.  લગ્ન પછી તરત જ નલિનીને દેશમાં એક વરસ રહેવું પડ્યું.  પછી એ જયારે મુંબઈ આવી ત્યારે પહેલા ભાઈ અને પછી બહેન અમારી સાથે રહેવા આવ્યા એટલે એ મજાને બદલે કચ કચ શરૂ થઈ.  હું સાંજે ઘરે આવું ત્યારે રોજની ભાઈબહેનની કંઈ ને કંઈ કચ કચ હોય જ.

ભાઈ એનો પરચો દેખાડતો હતો. વહેલો મોડો આવે, આવીને ગરમ ગરમ રસોઈ માગે, એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રસોડું બંધ ન થાય અને અમારું સૂવાનું પણ મોડું થાય. એની ડીમાંડ વધતી જતી હતી. કાકા એનાથી કેમ કંટાળી ગયા હશે તે હું હવે સમજી શકતો હતો. ઉપરથી એ નોકરી છોડવાની વાત કરતો હતો, કહે, મારે આવી વગર પગારની ઘાટીના જેવી નોકરી નથી કરવી. એને તો જલદી જલદી શેઠ થઈને ગલ્લે બેસવું હતું!

એક અજાણ્યા ગાંધીની આત્મકથાઃ પ્રકરણ 20

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 20– આખરે ઓરડી લીધી!

મુંબઈમાં અમારી નાતનાં બધાં જ સેનેટોરિયમોમાં હવે અમે રહી ચૂક્યા હતા. એક ઠેકાણે તો એક્ષ્ટેન્શન પણ લીધું હતું.  કેટલીક જગ્યાએ ટ્રસ્ટીઓ અને મહેતાજીઓ અમને ઓળખી ગયા હતા. હવે ફરી વાર ત્યાં જવું મુશ્કેલ હતું.  એ મળે તોયે ત્રણ મહિના પછી તો એનો એ જ પ્રશ્ન ઊભો રહેવાનો છે.  વધુમાં આ સેનીટોરીયમમાં દર ત્રણ મહિને થતી રઝળપાટથી હું થાક્યો પણ હતો.  જો સેનેટોરિયમ મળ્યું તો મુંબઈમાં ક્યાં અથવા કયા પરામાં અને કેવું મળશે તે બાબતમાં અમારો કોઈ ચોઈસ થોડો હતો?  ભારતીય વિદ્યા ભવનની બાજુમાં જે એક જગ્યા મળી હતી, તે એવી તો ખખડધજ હતી કે ક્યારે પડી ભાંગશે તેનો કોઈ ભરોસો ન હતો. રૂમની વચમાં જ ટેકા માટે મોટા થાંભલાઓ મૂકાયેલા  હતા! 

હવે મારે શું કરવું?  મારી દશા વળી પાછી સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!  નોકરી મુંબઈમાં છે, પણ રહેવા માટે ઓરડી નથી.  દૂરના પરામાં પણ સામાન્ય ઓરડી લેવા જેટલાય પૈસા નથી અને એ પૈસા ભેગા થવાની હું કોઈ શક્યતા જોતો નહોતો.  હવે નલિનીને પણ દેશમાં પાછી મોકલવી મુશ્કેલ.  આ મુસીબતનો એક જ ઉપાય મને દેખાતો હતો. તે હતો મુંબઈ છોડવાનો!   મુંબઈમાં જ્યાં આખા દેશમાંથી લોકો પોતાનું નસીબ અજમાવવા આવતા હતા, ત્યાં  મારો જ પત્તો ન લાગે એમ?  મારે મુંબઈ છોડવું પડશે એમ?  અનેક સગાંઓ, મિત્રો અને ઓળખીતાઓ એમ બધા જ જો મુંબઈમાં પોતાનો રસ્તો શોધી લેતા હોય તો હું એક જ એવો નમાલો નીકળ્યો કે સામાન્ય ઓરડી પણ ગોતી શકતો નથી?   બધા જ પોત પોતાની રીતે મુંબઈમાં ગોઠવાઈ જતા હોય છે તો હું જ એવો અક્કલ વગરનો કે હજી ઓરડી વગરની રખડપટ કરું છું?  મેં તો એવો શું ગુનો કર્યો છે? 

જે જે વસ્તુઓ વિષે મનમાં હું ખાંડ ખાતો હતો, જેને માટે મગજમાં રાઈ ભરીને બેઠો હતો–બી. કોમ. ડીગ્રી, મારી સાહિત્યપ્રીતિ, ખાસ કરીને પૃથ્વી છંદ ઉપરનું મારું પ્રભુત્વ, દેશના રાજકીય પ્રવાહો વિશેની મારી સમજ, દેશોદ્ધાર કરવાની મારી ધગશ, કશુંક કરી છૂટવાની મારી મહત્ત્વાકાન્ક્ષા–આમાંનું કશું કરતાં કશું જ મને કામમાં નહોતું આવતું. થયું કે એ બધામાં ધૂળ પડો.  થયું કે આ કરતા હું કૉલેજમાં ન જ ગયો હોત તો સારું.  કાકાની વાત સાવ સાચી હતી.  મારાં કેટલાં બધાં સગાંઓ જેમણે કૉલેજનો દરવાજો પણ જોયો નથી તે આજે મારકેટમાં દલાલી કરે છે, અથવા નાનીમોટી કોઈ ધંધાની લાઈન પકડી લઈને પૈસા બનાવે છે.  કેટલાક તો ગાડીઓ ફેરવે છે.  અને હું બી.કોમ ભણેલો ઓરડી વગરનો રખડું છું.

પેઢીમાં બહારગામની મિલોમાંથી જે માલ આવતો તે છોડાવવાનું કામ મારે માથે હતું.  તે માટે હૂંડીઓ ભરવાની હોય.  એક બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી બીજીમાં ભરવાના અને હૂંડી છૂટે.  ઘણી વાર તો આખી સવાર એમાં જ જાય.  એ જમાનો કસ્ટમર સર્વિસ કે ટેકનોલોજીનો નહોતો.  એક બેન્કમાંથી પૈસા ઉપાડું, ટેક્સીમાં બેસી બીજી બેંકમાં જઉં.  મારી પાસે બેગમાં લાખો રૂપિયા હોય. અડધોએક કલાકની ટેક્સી રાઇડમાં હું લખપતિ બની જતો.  આવી રીતે લાખો રૂપિયા લઈને જવું આવવું એ કેટલું જોખમી હતું એવો વિચાર પણ આવ્યો નહોતો, કે એવું પણ વિચાર્યું નહોતું કે આમાંથી પાંચેક હજારની ગાપચી મારી લઉં તો મારો ઓરડીનો સવાલ ઊકલી જાય. કોને ખબર પડવાની છે?  જો કે એવું કાંઈ કરવાની હિંમત પણ નહોતી. 

મારી મુંબઈની ભયંકર નિષ્ફળતા મને બહુ કઠતી હતી. મારા હાથ હેઠા પડ્યા હતા.  આપણે મુંબઈ છોડવું પડશે એ વાત નલિનીને સમજાવતા હું એકાએક જ રડી પડ્યો!  બાળપણમાં હું જરૂર રડ્યો હોઈશ, પણ પુખ્ત વયમાં આ પહેલી જ વાર રડ્યો. એ મને રડતો જોઈ હેબતાઈ ગઈ.  નલિની પણ દર ત્રણ મહિને સેનેટોરિયમોમાં લબાચા ફેરવી ફેરવીને થાકી હતી. એણે  હા પાડી. અને મેં મુંબઈ બહાર કોઈ મોટા શહેરમાં નોકરી શોધવાનું શરૂ કર્યું.  તુરત જ  ભોપાલના એક મોટા કેમિકલ પ્લાન્ટમાં એકાઉટન્ટ તરીકે સારી નોકરી મળી. પગાર પણ સારો હતો. અને ત્યાં મુંબઈ જેવો કોઈ રહેવાનો પ્રશ્ન હતો જ નહીં.  જે પગાર મળવાનો હતો તેમાંથી હું કોઈ સારું મકાન ભાડે લઈ શકું.  મેં હા પાડી. જવાની તારીખ નક્કી થઇ.  આજે પચાસેક વર્ષ પછી એ યુનિયન કાર્બાઈડનો પ્લાન્ટ હતો કે બીજો કોઈ એ યાદ નથી, પણ દાયકાઓ પછી ભોપાલના યુનિયન કાર્બાઈડના પ્લાન્ટમાં ભયંકર હોનારત થઈ હતી જેમાં હજારેક માણસો મરી ગયા હતાં.  અમેરિકામાં બેઠા બેઠા એ સમાચાર વાંચ્યા ત્યારે મારી નોકરી માટે ભોપાલ જવાની વાત યાદ આવી હતી.  

બા કાકાને જણાવી દીધું.  કાકાને મારી મુંબઈ છોડવાની વાત જ નહીં ગમી.  અમારા સગાંઓ કે ઓળખીતાઓમાં કોઈ મુંબઈ સિવાય બીજે ક્યાંય ગયું હોય એમ સાંભળ્યું નહોતું.  હું એમની બાજી બગાડી નાખતો હતો.  એમને તો દેશમાં બાકી રહેલા મારા બીજા બે ભાઈઓ અને એક બહેનને બને એટલી જલદીથી મુંબઈ મોકલવા હતા.  હું જો મુંબઈમાં હોઉં જ નહી તો કેવી રીતે મોકલે?  મેં તો નક્કી કરી નાખ્યું હતું કે મુંબઈ બીજા બધા  માટે ભલે સારું હોય, પણ મારે માટે તો સાવ નકામું નીવડ્યું હતું. 

દેશમાં હતો ત્યારે હું મુંબઈ આવવાનાં અને રહેવાનાં સપનાં સેવતો હતો.  નાનપણથી નાસ્તિક છતાં, ગમે તેમ પણ મારું મુંબઈ જવાનું થાય એવી હું ઈશ્વર પાસે દિવસરાત પ્રાર્થના કરતો.  એ જ મુંબઈને હું હવે ધિક્કારતો થઈ ગયો.  ત્યાંથી ભાગવા તૈયાર હતો.  છતાં મુંબઈમાં જે મારી હાર થઈ હતી તે હું સ્વીકારવા તૈયાર ન હતો.  મનમાં ને મનમાં નક્કી કરતો હતો કે ભોપાલ કે બીજે જ્યાં ક્યાંય હું સ્થાયી થઈશ ત્યાં ખૂબ પૈસા બનાવીશ, આગળ આવીશ અને આ મુંબઈવાળાઓને બતાડી દઈશ!   વધુમાં મારી જાતને મનાવતો હતો કે મુંબઈની બહાર લાખો લોકો વસે જ છે ને?  એ બધાનું જે થાય છે તે મારું થશે. 

હજી મેં કોઈને વાત નહોતી કરી કે અમે તો ભોપાલ જવાની તૈયારી કરી રહ્યા છીએ.  થયું કે ઓછામાં ઓછું મારે મારી બહેન, મામા-મામી અને રતિભાઈને તો જણાવવું જોઈએ કે હું મુંબઈ છોડું છું.  દેશમાંથી આવીને પહેલો વહેલો બહેનને ત્યાં જ ઊતર્યો  હતો.  મામા-મામીએ અઢળક પ્રેમથી મુંબઈમાં મારી સંભાળ લીધી હતી. અને રતિભાઈએ તો મને કૉલેજમાં ભણાવ્યો હતો.  પહેલા રતિભાઈને મળવા ગયો.  વાત કરી.  રતિભાઈ કહે, આ તેં શું આદર્યું?  મુંબઈ કઈ છોડાય?  અને તે પણ ભોપાલ માટે?  ત્યાં તારું ભવિષ્ય શું? મેં કહ્યું કે મુંબઈમાં મને મારું ભવિષ્ય બહુ કાંઈ દેખાતું નથી, અને ધારો કે અહીં મારું ભવિષ્ય હોય તો પણ આ ઓરડી વગર અમારે રહેવું ક્યાં?  હવે મને સેનેટોરિયમ મળે એમ લાગતું નથી.  અને મળે તો ય એ રઝળપાટથી હું થાક્યો છું. એ મારી મૂંઝવણ સમજ્યા.  કહે, જા તું ઓરડીનું નક્કી કરી આવ, પાઘડીના પૈસા હું આપીશ!  હું એમની ઉદારતા જોઈને આભો બની ગયો.  મેં કહ્યું કે એ પૈસા હું ક્યારે પાછા આપી શકીશ તેની મને ખબર નથી.  એ કહે, એ બાબતમાં મુંઝાવાની જરૂર નથી.  જ્યારે તારી પાસે સગવડ થાય ત્યારે આપજે, અત્યારે તો ઓરડી લઈ લે.    

હું તો રાજીના રેડ થઈ ગયો. તરત ઓરડીની શોધ આદરી. દૂરના પરા કાંદિવલીમાં એક મારવાડી શેઠે પોતાના બંગલા પાછળ નોકરોને રહેવા માટે થોડી ઓરડીઓ ઉતારી હતી, તેમાંથી જે એક વધી હતી તે મળતી હતી.  પાઘડીના અઢી હજાર કહ્યા. ગયો રતિભાઈ આગળ. કહ્યું કે અઢી હજાર રૂપિયામાં કાંદીવલીમાં ઓરડી મળે છે.  એ કહે, હું તને બે હજાર આપીશ. બાકીના પાંચસોની વ્યવસ્થા તું કરી લેજે.  એ પાંચસો ઊભા થાય એટલે મારી પાસે આવજે, હું તને બે હજાર આપીશ. 

હવે મારે પાંચસો રૂપિયા ક્યાંથી કાઢવા?  પેઢીમાં તો બન્ને ભાગીદાર વચ્ચે ઝગડો ચાલતો હતો, ત્યાં કાંઈ વળે એમ લાગ્યું નહીં.  આખરે એક દૂરના માસા જેની પેઢીમાં દેશમાંથી આવીને વગર પગારે કામે લાગ્યો હતો, તેમને મળ્યો, અને પાઘડી માટે ખૂટતા પાંચસો રૂપિયાની વાત કરી.  એમણે તરત હા પાડી. દોડીને રતિભાઈ પાસે ગયો.  એમણે કહ્યું આવતી કાલે આવજે, અને પૈસા લઈ જજે.  આમ પાઘડીના અઢી હાજર રૂપિયા ઊભા થયા. અમે ઓરડી લીધી! અને અમારું ભોપાલ જવાનું બંધ રહ્યું.  

પાઘડીના પૈસા હાથમાં આવ્યા કે તુરત જ સેનેટોરિયમની દુનિયાને રામરામ કરીને અમે ઓરડીમાં રહેવા ગયા, અને ઘર માંડ્યું.  એ એક રૂમમાં અમારું કિચન, લીવીંગ રૂમ, ડાયનીંગ રૂમ, ફેમીલી રૂમ, લાયબ્રેરી, બાથરૂમ, જે ગણો તે બધું જ આવી ગયું!  ભાઈ રાતે બહાર ચાલીમાં સૂવે અને અમે ઓરડીમાં. સંડાસ માટે બહાર એક કામ ચલાઉ જગ્યા હતી ત્યાં પાણીનું ડબલું લઈને જવાનું. બારણું પકડીને બેસવાનું, નહીં તો ઊઘડી જાય. સંડાસ એક જ, અમે વાપરનારા વીસ. સવારના લાઈન લાગી હોય. વરસાદ વખતે છત્રી લઈ સંડાસ જવાનું!

પૈસા તો હતા નહીં, એટલે ઉધારું કરીને ઘરવખરીનો સામાન લઈ આવ્યા. થોડો સામાન સગાંઓએ આપ્યો. આમ અમારો મુંબઈનો ઘરસંસાર શરૂ થયો.  મારા અઢીસોના પગારમાં છોકરાને ઘૂઘરા રમાડવાની વાત તો બાજુમાં રહી,  હૂતો હુતી એમ બેનું અમારું ઘર પણ ચલાવવાનું મુશ્કેલ હતું.  તેથી મેં પ્રાઇવેટ ટ્યુશન કરવાના શરૂ કર્યા.  જો હવે સેનેટોરિયમ ગોતવાનું બંધ થયું તો ટ્યુશનની શોધ શરુ થઈ.  સાથે સાથે સારી નોકરી માટેની તપાસ તો ચાલુ જ હતી.  ટાઈમ્સ તો નિયમિત જોતો જ હતો.  એક વાર જોયું તો એક શ્રીમંત કુટુંબના એક નબીરાને ઈંગ્લીશ શીખવવા માટે શિક્ષકની જરૂર હતી. મેં તરત જ અરજી કરી.  મને મળવા બોલાવ્યો.

શ્રીમંત શેઠ કહે,  એમનો દીકરો સખ્ત માંદગીમાં સપડાયો એટલે એને સ્કૂલમાંથી ઉઠાડી લેવો પડ્યો હતો.  દીકરો ઝાઝું ભણ્યો નથી, અને હવે ઉંમર વધી હોવાથી સ્કૂલમાં જવાની ના પડે છે.  હવે એને કોઈ કૉલેજની ડિગ્રી નથી મળવાની, પણ જો પાંચમાં બેઠો હોય તો  કાંઈ બાફે નહીં એવું કાંઈક કરી આપો. ઓછામાં ઓછું મારે એનું ઈંગ્લીશ સુધારવું છે  અને એનું જનરલ નોલેજ વધારવું છે.  વળી હસતાં હસતાં કહે, ચોપાટી ઉપર જે દાઢીવાળાનું પૂતળું છે તે ટાગોરનું છે એમ માને છે!  (એ પૂતળું મુંબઈના એક વખતના મેયર વિઠ્ઠલભાઈ પટેલનું છે!) તમારે એની સાથે એક કલાક બેસવું, ટાઈમ્સ વાંચવું જેથી એનું ઈંગ્લીશ સુધરે, સાથે સાથે એનું જનરલ નોલેજ વધે અને કરંટ અફેર્સની પણ કૈંક ખબર પડે. અને છોકરો એમ ના માને કે બધા દાઢીવાળા પૂતળાં ટાગોરનાં છે!  મને થયું કે આ તો અદ્ભૂત તક છે.  મેં તુરત હા પાડી.  થયું કે હું દરરરોજ સવારના પહેલું કામ ટાઈમ્સ વાંચવાનું કરું જ છું, તો હવે આ રાજકુંવર સાથે એ કરીશ.  ઉપરથી મને મહિને દોઢસો રૂપિયા મળશે! 

આમ મને આવું સારું ટ્યુશન મળ્યું એથી હું તો ખુશ થઇ ગયો.  થયું કે આ તો સેલીબ્રેટ કરવું જોઈએ.  એમની ટેમરીન્ડ લેન પર આવેલી ઑફિસની નીચે જ ‘છાયા’ અને ‘ન્યૂ  વેલકમ’ નામના બે રેસ્ટોરાં હતા. ‘છાયા’માં જઈને બેઠો અને પૂરી ભાજીનો મોટો ઓર્ડર આપ્યો, આરામથી એ ખાઈને કોફી પીતો હતો, ત્યાં મારા જૂના મિત્ર કનુભાઈ દોશીને રેસ્ટોરાંમાં દાખલ થતા જોયા. મેં એમને બોલાવ્યા, અને પૂછ્યું: તમે અહીં ક્યાંથી?  એ કહે, એક ઈંગ્લીશ ભણાવાના ટ્યુશનના ઈન્ટરવ્યું માટે આવ્યો હતો, પણ એમણે મને કહ્યું કે હમણાં જ એ ટ્યુશન અપાઈ ગયું.  મેં કહ્યું કે બેસો, જેને એ ટ્યુશન મળ્યું છે તેની સાથે કૉફી પીવો! 

પોતાના જૂજ પગારને સપ્લીમેન્ટ કરવા મુંબઈમાં મારા જેવા ભણેલા લોકો પ્રાઇવેટ ટ્યુશન કરતાં. મારામાં જો ધંધા કરવાની કંઈક પણ સૂઝ હોત તો એનો મોટો ધંધો કરત.  કારણ કે આજે ટ્યુશન ક્લાસ ચલાવવાનો ધંધો કરનારા લોકો કરોડપતિ થઈ ગયા છે.  સ્કૂલો અને કૉલેજોમાં છોકરા છોકરીઓ કશું ભણતા જ નથી, અને જે ભણાવાય છે તે એક્ઝામમાં પાસ થવામાં બહુ ઉપયોગી નીવડતું નથીં.  જો સારા માર્ક્સ મેળવવા હોય તો પ્રાઇવેટ ટ્યુશનના ક્લાસ ભરવા જ પડે.  જાણે કે એક  પેરેલલ એજ્યુકેશન સીસ્ટમ ઊભી થઇ ગઈ છે.  મારી જેમ બીજા મિત્રો પણ આ રીતે પ્રાઇવેટ ટ્યુશન કરીને પોતાની ઇન્કમ સપ્લીમેન્ટ કરતા.

હવે મારું દરરોજનું રૂટીન બદલાઈ ગયું.  ટ્યુશન કરવા મારે મલબાર હિલ પર સવારના આઠે પહોંચવાનું.  મારું રહેવાનું ઠેઠ કાંદિવલીમાં. સવારના પાંચે ઊઠું. ન્હાઈ ધોઈ તૈયાર થઈ, થોડો ચા નાસ્તો કરીને ઘરેથી નીકળું. છની ગાડી પકડું. મુંબઈના ગ્રાન્ટરોડ સ્ટેશને ઊતરું, ત્યાંથી મલબાર હિલની બસ લઉં, અને બસ જ્યાં હેન્ગીંગ ગાર્ડન જવા જમણી બાજુ વળે ત્યાં હું ઊતરી પડું અને હાર્કનેસ રોડ દસેક મિનિટ ચાલીને દરિયા કાંઠે આવેલા શેઠના ઘરે પહોંચું. ટ્યુશન પતાવીને પાછો બસ પકડીને ઑફિસ પહોંચું ત્યાં સાડા દસ અગિયાર થઈ જાય.  

મુંબઈમાં પૈસાવાળા લોકો કેમ રહે છે તેનો મને હવે ખ્યાલ આવ્યો.  મકાનમાં દાખલ થાઉં તો ચોકીદાર ગુરખો મને સલામ કરે!  ભલે ને ત્રણચાર માળનું મકાન હોય તોય લીફ્ટ હોય.  લીફ્ટવાળો ગુરખો પણ તમને સલામ ભરે. ઘરે ઘાટી તો ખરા જ, પણ ઉપરાંત બીજા બે ત્રણ નોકરો, રસોયા મહારાજ, શોફર હોય. બબ્બે ગાડીઓ હોય, સવારે જતાં હું જોતો કે દરરોજ એ ગાડીઓ ધોવાતી.  ચાર પાંચ રૂમનો મોટો ફ્લેટ.  દરેકને પોતાના જુદા જુદા રૂમ, દરકે રૂમમાં બાથરૂમ. એ ઉપરાંત દિવાનખાનું, ડાઈનીંગ રૂમ, આ બધું જોઈ ને હું તો છક્ક થઈ ગયો.  ક્યાં મારી કાંદિવલીની એક ઓરડી જેમાં મારો આખો સંસાર આવી ગયો અને ક્યાં આલીશાન ફ્લેટ?! 

સવારના જેવો પહોંચું કે તરત મારે માટે એસ્પ્રસો કૉફી આવે.  મને પાછળથી ખબર પડી કે જે કુટુંબના નબીરાને હું ભણાવવા જતો હતો તે તો બહુ ખ્યાતનામ કુટુંબ હતું. લોકો વિનયી અને સંસ્કારી પણ ખરા.  મારી સાથે વાત કરે તો કોઈ દિવસ તું-તા ન કરે, હંમેશ તમે કહીને જ વાત કરે.  જે છોકરાને હું ભણાવતો હતો તે હતો ઉછાંછળો, પણ મારી સાથે વિનયથી વાત કરે.  ઘણી વાર તો હું ટ્યુશન કરીને નીકળતો હોઉં ત્યારે શેઠ જો નીકળતા હોય તો મને બસ સ્ટોપ સુધી રાઇડ આપે. 

એક અજાણ્યા ગાંધીની આત્મકથાઃ પ્રકરણ 19

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 19– સેનેટોરિયમોમાં રઝળપાટ

નલિનીને બા કાકા આગળ દેશમાં મૂકીને મારે તો મુંબઈ પાછું જવાનું હતું.  જવાની આગલી રાતે મને ઊંઘ જ ન આવી. હું મારા ભવિષ્યના વિચારે ચડ્યો.  મોટે ઉપાડે મેં લગ્ન તો કર્યું, પણ હવે શું?  ભવિષ્ય એકદમ નિરાશાજનક દેખાયું.  થયું કે હું શું કરી બેઠો?  મુંબઈ જઈને મૂળજી જેઠા મારકેટની ન કરવા જેવી નોકરી કરવાની છે, એ જ પેઢીમાં ભૈયાઓ અને ઘાટીઓ સાથે સૂવાનું છે, નાતની વીશીમાં ખાવાનું છે,  બા કાકાને મદદ કરવાની વાત તો બાજુમાં રહી,  હું એમને માથે નલિનીનો ભાર મૂકીને જાઉં છું.

ટ્રેનની લાંબી મુસાફરી કરતાં મારા વિચારોની ટ્રેનની મુસાફરી વધુ લાંબી નીકળી!  હું ક્યાં સુધી નલિનીને દેશમાં રાખી શકીશ?  આગલી રાતે એનો ધ્રુવ મંત્ર એક જ હતો:  “મને ક્યારે મુંબઈ બોલાવીશ?”  પણ એ માટે તો મારે ઓરડી લેવી પડે, ઓરડી માટે પાઘડીના પૈસા જોઈએ એ ક્યાંથી કાઢવા? ઓછા પગારની નોકરીમાંમાંથી મારું જ જો માંડ માંડ ચાલતું હતું, તો હું કેવી રીતે પાઘડીના પૈસા ઊભા કરીશ?

હવે મને સમજાયું કે મેં છોકરમતમાં વિચાર કર્યા વગર લગ્ન કર્યા એ કેવડી મોટી ભૂલ હતી.  એ ભૂલ મારે દાયકાઓ સુધી ભોગવવી પડશે, કે એમાં મારું આખું જીવન રોળાઈ જશે તે વાત તો મને મોડી સમજાણી.  હાલ તરત તો મારે યેન કેન પ્રકારેણ નલિનીને મુંબઈ લાવવાની હતી.  સારા પગારની નોકરી ગોતવી પડશે, અથવા કોઈ ધંધાની લાઈન શોધવી પડશે.  પણ એ કેમ કરવું?   મુંબઈ આવીને હું પેઢીની રૂટીનમાં ધીમે ધીમે પાછો ગોઠવાઈ ગયો. પણ હવે હું નફિકરો ન હતો.  મિત્રો અને પેઢીના લોકો જોઈ શકતા હતા કે મારે માથે મોટો ભાર હોય એમ સચિંત ફરતો હતો. લગ્ન કરીને જાણે કે મેં ગુનો કર્યો હોય એમ મને સતત થયા કરતું હતું.  મિત્રોને મળવાનું તેમ જ મામામામી ને ઘરે જવાનું પણ ઓછું કરી નાખ્યું.

નલિનીને દેશમાં ગયે લગભગ એક વરસ થઈ ગયું. દેશમાંથી તેના કાગળો નિયમિત આવતા જ હતા. એમાં એક જ વાત હોય, દેશમાં ગમતું નથી, ક્યારે મુંબઈ બોલાવે છે?  હું તેને હજી રાહ જોવાનું લખતો હતો.  કહેતો કે ઓરડી લેવાની પાઘડીના પૈસા નથી.  હમણાં તો આ નોકરીમાં કોઈ બચત થતી નથી.  નવી નોકરીની શોધમાં જ છું, કંઈક ધંધો કરવા માટે પણ પ્રયત્ન કરું છું. પણ એ હોશિયાર હતી. એણે ત્યાં દેશમાં બેઠા બેઠા પાઘડી વગર ઓરડી લેવાનો રસ્તો બતાવ્યો!  એણે લખ્યું કે મુંબઈમાં ઘણા લોકો સેનેટોરીઅમમાં ટેમ્પરરી રહે છે તેમ રહીએ, પછી જોઈ લઈશું.  એના એક સગા આ રીતે સેનેટોરીઅમમાં રહેતા હતા.

મુંબઈની ગીચ ગલીઓ અને અંધારા વિસ્તારોમાં રહેતા લોકોને ઘણા રોગો થતા.  ડોકટરો ભલામણ કરતા કે હવાફેર કરવા ક્યાંક બીજે જાવ, જ્યાં પુષ્કળ હવા ઉજાસ હોય એવી જગ્યાએ ચાર છ મહિના રહેવા જાઓ.  આવા દર્દીઓ માટે નાતના દાનેશરીઓએ ચોપાટીના દરિયા કાંઠે અને દૂરના પરાંઓમાં સેનેટોરિયમો બંધાવેલાં.  દર્દીઓને થોડાક મહિના રહેવા મળે. શરત એ કે તમારી પાસે ડોક્ટરનું સર્ટીફીકેટ હોવું જોઈએ અને મુંબઈમાં રહેવાનું ઘર હોવું જોઈએ, જેથી ઓરડી વગરના અમારા જેવા સાજા નરવા માણસો સેનેટોરિયમની વ્યવસ્થાનો ગેરલાભ ન લે.  જો કે લોકો ગમે તેમ કરીને ગેરલાભ લેતા જ હતા.

નલિનીનું કહેવું હતું કે આપણે શા માટે આવી સેનેટોરિયમમાં જગ્યા ન શોધીએ? કોઈ સગાની લાગવગથી ડોક્ટરનું સર્ટીફીકેટ તો મળી જ રહે.  એના મોટા બહેન તારા બહેન જેને મુંબઈમાં ઓરડી હતી તેને નામે સેનીટોરીઅમની અરજી કરવી. જો તુક્કો લાગે તો ઓછામાં ઓછું ત્રણ મહિના તો સાથે મુંબઈમાં રહેવા મળશે, પછીની વાત પછી! ત્રણ મહિના પછી જો બીજી કોઈ વ્યવસ્થા ન થઈ તો એ પાછી દેશમાં જશે!  એનો એ તુક્કો લાગ્યો અને અમને વિલે પાર્લેમાં ત્રણ મહિના માટે નાતની એક સેનીટોરીઅમમાં બે રૂમની જગ્યા મળી. અને નલિનીનું મુંબઈમાં આવવાનું નક્કી થયું.

આગળ જણાવ્યું તેમ એ જમાનામાં સાવરકુંડલાથી મુંબઈ જવા માટે વચમાં વિરમગામ સ્ટેશને ગાડી બદલવાની.  ત્યાં મીટરગેજની ટ્રેન પૂરી થાય અને બ્રોડગેજની ટ્રેન શરૂ થાય. નક્કી એવું થયું કે નલિની સાવરકુંડલા થી વિરમગામ આવે અને હું મુંબઈથી ત્યાં અડધે રસ્તે લેવા જાઉં. આ સેનેટોરીઅમની વ્યવસ્થા માત્ર ત્રણ મહિનાની જ છે, પછી નલિનીને ક્યાં રાખવી, ત્યારે અમારું શું થશે, એ બધી ચિંતા મૂકી હું વિરમગામ જવા તૈયાર થયો.  નલિનીને એક વરસ પછી મળવાનું હતું.  એની સાથે હનીમૂનમાં ભલે ને એક અઠવાડિયા માટે પણ જે જાતીય આનંદ ભોગવ્યો હતો,  જે મજા કરી હતી તે મનમાં હું હમેંશ વાગોળતો.  થયું કે વળી પાછી એ મજા કરવાની મળશે.

હું તો હરખપદુડો થઈને નક્કી કરેલ દિવસે વિરમગામ સ્ટેશને પહોંચી ગયો.  મુસાફરોના ટોળાં વચ્ચે નલિનીને ગોતવા માંડ્યો.  આખરે એને જોઈ, પણ મારો બધો જ ઉત્સાહ ઓસરી ગયો.  જોયું તો એની સાથે મારો એક ભાઈ અને કાકા પણ ઊભા હતાં.  મને ધ્રાસકો પડ્યો, શું આ ભાઈ પણ મુંબઈ આવવાનો છે?  મેં કલ્પના એવી કરેલ કે કાકા નલિની મને ભળાવીને પાછા સાવરકુંડલા જશે અને હું નલિનીને લઈને મુંબઈ આવીશ.  મારો એની સાથે રહીને મજા કરવાનો જે વિચાર હતો તે ભાઈને જોઈને પડી ભાંગ્યો.  “કાકાની કઠણાઈ” નામના પ્રકરણમાં આગળ જણાવ્યું છે તે મુજબ મારે આ ભાઈને  મુંબઈ લાવવો પડ્યો.  મુંબઈમાં હું મારું જ માંડ માંડ પૂરું કરતો હતો તેમાં હવે નલિનીની સાથે ભાઈ પણ આવીને માથે પડ્યો.  એણે હાઇસ્કૂલ પણ પૂરી નહોતી કરી. એને નોકરીએ કોણ રાખવાનું  છે?  ગુમાસ્તા થવાની પણ લાયકાત એનામાં નથી. ઘાટીની નોકરી મળે તો ય એ ભાગ્યશાળી.  વધુમાં એ મુંબઈમાં પણ સાવ નવો સવો. શરૂઆતના થોડા મહિના તો એ સાવ ઘરે બેઠો.

હું તો સવારના ઊઠીને નોકરીએ જાઉં, પણ નલિનીએ ભાઈની સંભાળ લેવાની.  એને માટે સવાર બપોર સાંજ એમ ત્રણ ટંક રસોઈ કરવાની.  ઘરમાં ગોંધાઈ રહેવાનું એને ન ગમે એટલે એને થોડું ઘણું મુંબઈ બતાડવાનું.  એનો સ્વભાવ તીતાલી. ઘડી ઘડીમાં ગુસ્સે થઈ જાય.  ઝીણી ઝીણી વાતમાં એનો કક્કો ખરો કરે. કાકા એનાથી કેમ થાકી ગયા હશે તે હું સમજી શક્યો.  થોડા જ વખતમાં નલિની પણ એનાથી થાકી ગઈ. દરરોજ રાતે અમારા બે વચ્ચે ભાઈપુરાણ થાય, અને મારી નલિની સાથે સૂવાની મજા બગડે.  એ મને કહે તમે આ પાપને ઘરમાંથી બહાર કાઢો. પણ હું એને ક્યાં કાઢું? એને કોણ રાખે?

આખરે એક મિત્રની લાગવગથી ભાઈને એક રેડીમેડ ગારમેન્ટના સ્ટોરમાં ઘાટી તરીકે નોકરી અપાવી. સ્ટોરનો માલિક કહે, હું એને પગાર નહીં આપું, મેં કહ્યું કાંઈ વાંધો નહીં. થયું કે ઓછામાં ઓછું  દિવસ આખો તો ઘરની બહાર રહેશે.  નલિનીનો દિવસ પૂરતો તો છુટકારો થશે.  પણ એને આવી પગાર વગરની નોકરી નહોતી કરવી.  એને ઘાટી તો નહોતું જ થવું.  એને તો ગલ્લે બેસવું હતું!  મેં કહ્યું જે છે તે આ છે. તું કંઈ ભણ્યો નથી, તારામાં કોઈ આવડત નથી.  એ પણ કહ્યું કે મેં પણ આવી જ રીતે પહેલી નોકરી ઘાટી તરીકે અને પગાર વગર જ કરેલી.  આ સિવાય તને બીજું કાંઈ મળશે નહીં.  લેવી હોય તો લે નહીં તો દેશમાં પાછો જા!  મને કમને એણે નોકરી લીધી. અને નલિનીને થોડીક રાહત થઈ. પણ અમારો રહેવાનો મૂળ પ્રશ્ન તો હજી ઊભો જ હતો.

સેનેટોરિયમમાં અમે અમારો ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો. ભલે ને કામચલાઉ પણ પહેલી જ વાર અમારું ઘર મંડાયું. મુંબઈના અસંખ્ય ગૃહસ્થ નોકરિયાતોની જેમ હું પણ સવારનો ચા નાસ્તો કરીને ટ્રેન પકડીને હું મુંબઈ જતો થયો.  હવે વીશીમાં લંચ લેવાને બદલે ઘરેથી ટીફીન આવે તે ખાતો.  સાંજે પેઢીનું કામ પતાવી બધાંની જેમ હું પણ ટ્રેન પકડીને ઘરે આવતો થયો.  આમ હું મુંબઈના સ્થાયી વસવાટ કે રહેઠાણ વગર મુંબઈવાસી થયો.

સેનેટોરિયમના પાડોશીઓમાં નાદુરસ્ત તબિયતને કારણે હવાફેર માટે આવ્યા હોય એવા લોકો તો બહુ ઓછા. મોટા ભાગના લોકો મારા જેવા શરીરે નરવા પણ પૈસેટકે બિમાર હતાં. અમારી કફોડી દશા એવી હતી કે નોકરી કરવી મુંબઈમાં પણ રહેવાના ફાંફા.  આવા સમદુઃખિયા અમે એકબીજા સાથે નોટ્સ સરખાવતા. ત્રણ મહિના પત્યે ક્યાં રહેવા જશું? પાડોશીને ઓળખો અને કાંઈક સંબંધ બાંધો ત્યાં તો એ બીજે ઠેકાણે  જવાની તૈયારી કરતા હોય. ઘણા લોકો તો રાતે ને રાતે જ ગાયબ થઈ જાય!  આપણને ખબર પણ ન પડે!  આમ લોકો આવતા જતા.  કોઈ ભાગ્યશાળી માણસ પાઘડીના પૈસા ઊભા કરે.  કાયમી નિવાસ સ્થાનની ઓરડી કે ફ્લેટ લે.  અમે બાકીના ફૂટેલા નસીબવાળા આભા થઈ છૂપી છૂપી એમની ઈર્ષ્યા કરતાં.  મનોમન વિચાર પણ કરતા કે ક્યારેક તો આપણા નસીબનું પાંદડું ફરશે અને આપણે પણ ઓરડી કે ફ્લેટ લેશું.

પણ મારું નસીબનું પાંદડું ફરે એ પહેલાં અમારા ત્રણ મહિના પૂરા થવાની તૈયારીમાં હતા.  મારી ચિંતા દિવસે દિવસે વધવા માંડી.  હવે હું શું કરીશ?  હું તો પાછો પેઢીમાં સૂવા જઈ શકું, અને વીશીમાં ખાઈ શકું. પણ નલિનીને થોડું કહેવાય કે તું પણ પેઢીમાં સૂવા ચાલ?  અને ભાઈનું શું કરવું?  જેવા ત્રણ મહિના પૂરા થયા કે હું સેનેટોરિયમના ટ્રસ્ટીઓના પગે પડ્યો. મારી પરિસ્થિતિ સમજાવી અને વિનંતી કરી કે અમને બીજા ત્રણ મહિના મહેરબાની કરીને રહેવા દો. એ લોકોને દયા આવી. અમને બીજા ત્રણ મહિનાનું એક્ષ્ટેન્શન આપ્યું.  હું તો રાજી રાજી.  ઓછામાં ઓછામાં આવતા ત્રણ મહિના આપણે સહીસલામત છીએ.  જો કે મને ખબર હતી કે બીજા ત્રણ મહિના તો અબઘડી પૂરા થશે, અને વળી પાછો એનો એ જ પ્રશ્ન ઊભો થવાનો છે.

જ્યાં સુધી હું ઓરડી લઈશ નહીં ત્યાં સુધી આ પ્રશ્ન ઉકલવાનો નથી જ.  ખબર હતી કે આ નોકરીમાં પણ મારું કશું વળવાનું નથી.  લોકો કહે, ધંધો કર, દલાલી કર, પણ હું શેનો ધંધો કરું કે શેની દલાલી કરું?  બી. કોમ.ની ડીગ્રીએ મને જમાઉધારના હવાલા નાખવા સિવાય શું શીખવાડ્યું હતું?  કોઈ મોટી બેંકમાં મને નોકરી મળે તો મારો ઉદ્ધાર થઈ જાય. આવી બેંક ઓરડી કે ફ્લેટ લેવા માટે એના કર્મચારીઓને લોન આપતી હોય છે.  બી.કોમ. થયો છું, તો બેંક ક્લાર્ક જરૂર થઇ શકું, પણ એવી નોકરી મેળવવા માટે લાગવગ જોઈએ એ ક્યાંથી કાઢવી?

સારી નોકરી માટેની શોધ તો ચાલુ જ હતી, પણ સાથે સાથે બીજા સેનેટોરિયમની શોધ પણ હવે શરૂ થઈ.  ખબર પડી કે મુંબઈના ચોપાટી વિસ્તારમાં બાજુ બાજુમાં બે  સેનેટોરિયમો હતાં.  બન્નેમાં અરજી કરી.  લાગવગ લગાડી, ટ્રસ્ટીઓ અને  સેનેટોરિયમ સંભાળતા મહેતાજીઓને મળીને કંઈક કાલાવાલા કર્યાં.  નસીબ જોર કરતું હશે કે કેમ પણ બન્ને જગ્યાએ મારો નંબર લાગ્યો!  ત્રણ મહિના એક જગ્યાએ અને પછીના ત્રણ મહિના બાજુમાં. આમ અમને ચોપાટી વિસ્તારમાં છ મહિના રહેવાનું મળ્યું!

અને તે પણ ભારતીય વિદ્યાભવનની આજુબાજુ.  કનૈયાલાલ મુનશીએ સ્થાપેલી એ ભવ્ય સંસ્થા હતી. ત્યાં ઘણા સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થતા.  જે મફત હોય તેમાં હું જરૂર જતો.  મુનશી પોતે પ્રસિદ્ધ નવલકથાકાર, જાણીતા ધારાશાસ્ત્રી અને એક વખતના ઉત્તર પ્રદેશના ગવર્નર.  એમની નવલકથાઓ મેં વાંચી હતી.  ખાસ તો ‘સ્વપ્નદ્રષ્ટા,’ તેના  નાયકની જેમ મારે પણ દેશ સેવા કરવી હતી.  હું મુનશીની આત્મકથાઓ વાંચીને એમના જેવા થવાની મહત્ત્વાકાન્ક્ષા સેવતો. પણ આ દર ત્રણ ત્રણ મહિને સેનેટોરિયમોમાં કરવા પડતા રઝળપાટ પછી એ સપનાં શેખચલ્લીની નિરર્થક ઘેલછાઓ જેવાં જ મને લાગ્યાં.

દર ત્રણ મહિને હવે ક્યાં જવાનું છે તેની ઠેઠ સુધી ખબર ન હોય.  જયારે નક્કી થાય ત્યારે બધા લબાચા ઉપાડવાના, લારીમાં ભરીને નવે ઠેકાણે ડેરા તંબૂ તાણવાના.  દેશના ભાગલા પછી નિરાશ્રિતો જે રીતે ગામે ગામે રખડતા એવી અમારી દશા થઈ.   મને યાદ છે કે સાવરકુંડલામાં કેટલાંક હબસી કુટુંબો આવી રીતે ગામને છેવાડે ઝૂંપડી બાંધીને રહેતા તે હું જો’તો.  એ જિપ્સી લોકો એકાએક જ રાતના પોતાનો માલ સામાન ઉપાડીને ક્યારે ગાયબ થઈ જાય તેની ખબર જ ન પડે.   અમારી પરિસ્થિતિ આ જિપ્સીઓ જેવી જ થઈ ગઈ હતી.

દરેક જગ્યાએ જ્યાં અમને રહેવાનું મળે ત્યાં અમારી આઇડેન્ટીટી બદલાય.  નવા નામે રહેવાનું.  મુંબઈમાં રહેતા અમારા જુદાં જુદાં સગાંઓનાં નામે અમે અરજી કરતા.  અમારે બરાબર યાદ રાખવું પડે કે અત્યારે જ્યાં રહીએ છીએ તે કયા નામે રહીએ છીએ અને કયા નામે આપણે અહીં ઓળખાઈએ છીએ.  એક સેનેટોરિયમમાં છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહીને મારી ઠેકડી ઉડાડતા, કારણ કે ત્યાં અમે નલિનીના બહેન તારાબહેનના નામે સેનેટોરિયમ લીધું હતું.  નલિની તારામતિ થયેલી. પાડોશના છોકરાઓએ હરિશ્ચન્દ્ર-તારામતિ વાળી દંતકથાને આધારે મને હરિશ્ચન્દ્ર બનાવી દીધો!  જ્યારે હું ઘર બહાર નીકળું ત્યારે હરિશ્ચન્દ્ર કહીને મારો હુરિયો બોલાવતા.  બહુ મોડેથી ખબર પડી કે શા માટે છોકરાઓ મને હરિશ્ચન્દ્ર કહેતા.

એક અજાણ્યા ગાંધીની આત્મકથા પ્રકરણ 18

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 18– બા

લગ્નના સહીસિક્કા થયાવડીલોને પગે લાગી અમે સીધા ગયા બોરીબંદર સ્ટેશનેમાથેરાનની ગાડી પકડીરાતે હોટેલમાં પહોંચ્યા. જીવનમાં પહેલી વાર હોટેલમાં રહેવાનું થયું. અને તેમાંય કોઈ સ્ત્રી સાથેમારે મન મોટી વાત હતી. વેવિશાળ પછી અમને બહાર ફરવા જવાની છૂટ હતીનલિનીને લઈને હોલીવુડની ફિલ્મો જવા જતો. એમાં હીરો અને હિરોઈનના છૂટથી ચુંબન કરવાના દૃશ્યો આવતાં જોવા માટે અમે હોલીવુડની મૂવીઓ જોવા જતા. જમાનામાં બોલીવુડની હિન્દી ફિલ્મોમાં ચુંબનના  દૃશ્યો સેન્સર બોર્ડ કાપી નાખતું હતુંમાથેરાનની હોટેલમાં તો અમે એકલા હતા. અહીં તો બધું કરવાની અમને છૂટ હતી. મારી જે જાતીય ભૂખ હતી તે હવે હું કશાય સંકોચ વગર સંતોષી શકું તેમ હતુંછતાં અમે સંયમ જાળવ્યોજ્યાં સુધી મુંબઈમાં રહેવાની વ્યવસ્થા થાય ત્યાં સુધી અમારે કુટુંબ શરૂ નહોતું કરવું

 

રહેવાનું કોઈ ઠેકાણું નથી, સારી નોકરી નથી, પૈસા નથી, એવા અનેક મૂંઝવણભર્યા પ્રશ્નોને ભૂલીને હું માથેરાનમાં અમારું હનીમુન માણવા મંડ્યો. આપણે તો પાછા  રોમેન્ટીક ખરા નેપ્રસિદ્ધ કવિ અને સૉનેટ સ્વામી બલવંતરાય ઠાકોરની જાણીતી સોનેટમાળાપ્રેમનો દિવસમારી સાથે લઈ ગયો હતોથયું કે અમે બંને સાથે પ્રેમ કરતા કરતા વાંચીશું અને માણીશું! બાકી રહ્યું હોય એમ અમે માથેરાનમાં ઘોડેસવારી કરી અને મિત્રોને બતાડવા એના ફોટાઓ પણ પાડ્યા!

 

જેવું હનીમુન પત્યું કે અમારા પ્રશ્નો પુરબહારમાં શરૂ થયા. જે દિવસે મુંબઈ આવ્યા કે તે દિવસે નલિની અને હું દેશમાં જવા રવાના થયા. સમયે મુંબઈથી સાવરકુંડલા જવા  વિરમગામ સ્ટેશને ગાડી બદલવી પડે અને લગભગ ચોવીસેક કલાક થઈ જાય. ગાડીની લાંબી મુસાફરી અમે ઊંચા જીવે પૂરી કરી ગામ પહોંચ્યામનમાં ફફડાટ હતો કે બા કાકા શું કહેશેહું એમનો ભાર હળવા કરવાને બદલે એમને માથે વધુ બોજો નાખતો હતોવધુમાં બાની ઇચ્છા વિરુદ્ધ મેં ઊભડક લગ્ન કર્યાં હતાંજે વહુને હું ઘરમાં લાવતો હતો તેને એમણે જોઈ પણ હતી!    

 

હું નલિનીનો પણ વિચાર કરતો હતોભલે નલિની દેશમાં રહેવા તૈયાર થઈ, પણ એને થયું તો હશે ને કે લગ્ન તો કેવું કે જેમાં પરણેતર સાથે રહેવાનું નહીંજેવા પરણ્યા તેવા ધણીથી પાંચસો ગાઉ દૂર જઈને રહેવાનું? અને તે પણ સાસરે જ્યાં સાસુ, ત્રણ દિયર, નણંદ વગેરે ને ઓળખવાની વાત તો બાજુ રહી, જોયા પણ નથીઅને પણ મુંબઈ જેવું મોટું શહેર છોડીને ગામડા જેવા નાના ગામમાં?

 

આવી બધી ચિંતા સાથે ઘરે પહોંચ્યોબા કાકા અને બીજા વડીલોને પગે લાગ્યોજાણે પોતાની ઈચ્છા વિરુદ્ધ કશું થયું હોય તેમ બાએ અમ વરઘોડિયાને વધાવી લીધા. એમણે તો ગોર પણ બોલાવી રાખ્યો હતોન્હાઈ ધોઈને અમે જેવા તૈયાર થયા કે તરત પૂજામાં બેસાર્યાઆડોશપાડોશમાંથી લોકો આવ્યાબાએ બધાને કંસાર ખવરાવ્યોજે વિધિ મેં મુંબઈમાં કરવાની ના પાડી હતી તે બધી બાએ દેશમાં મારી આગળ કરાવીમેં એમનું એવું તો મનદુઃખ કરેલું કે હવે એમને ના ક્હેવાની મારી હિંમત ચાલીઅને મેં જો ના પાડી હોત તો પણ મારું ત્યાં થોડું ચાલવાનું હતું કાંઈ મુંબઈ થોડું હતું

 

 

નલિની સાથે દેશમાં હું માત્ર એક અઠવાડિયું રહ્યોપણ એમાં મને મારા બાની કુશળતા અને કોઠાસૂઝની પહેલી વાર ખબર પડી. એમણે નલિનીની બધી જવાબદારી માથે લઈ લીધી. સમજો કે એમણે એનો કબજો લઈ લીધો એક અઠવાડિયામાં મેં જોઈ લીધું કે બાએ સાત સાત સંતાનોને કેવી રીતે ઉછેર્યાં હશે.    અમારા બહોળા સંયુક્ત કુટુંબમાં કેટલાં બધાં માણસો રહેતાં હતાંસંતાનો ઉપરાંત, સાસુ સસરા, જેઠ જેઠાણી અને દૂરના બીજાં  બે ત્રણસગાંઓ, અને આવતા જતા અનેક મહેમાનોબાએ બધાંની વચ્ચે રહેવાનું અને બધાનું સાચવવાનું. આમાં નલિનીનો વધારો થયોજો કે નલિનીએ એમનો મોભો વધાર્યોઅત્યાર સુધી બા નાની વહુ ગણાતા. હવે સાસુ બન્યા, જાણે કે એમને પ્રમોશન મળ્યું!

 

આમ તો બા નિરક્ષર હતાં ભણેલાં નહોતાં એનો અર્થ એવો નહીં કે ગણેલા નહોતાઅમારા સંયુક્ત કુટુંબમાં રહેવું સહેલું હતુંજેઠાણીએ મા બાપાને રાખવાની ના પાડી અને જુદા રહેવા ગયાઘરડા સાસુસસરાની સારવાર કરવાનું બાને માથે આવ્યુંએમાં માજીનો પગ ભાંગ્યો એટલે બાને માથે વળી એક કામ વધ્યું. માજી ને નવરાવવા ધોવરાવવાનું અને એમની બીજી બધી સફાઈ પણ બાએ કરવાની હતીબીજું કોણ કરેજેઠાણીની કોઈ મદદ હતી નહીં અને અમારી આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે કાકા કોઈ બાઈને માની સંભાળ માટે રાખે.

 

આવું બધું ઘરનું કામ ઓછું હોય તેમ કાકા એમાં વધારો કરેઘણી વાર વગર કહ્યે   જે ખેડૂતો માલ વેચવા આવ્યા હોય તેમને જમવા માટે ઘરે લઈ આવે. બાએ ઊભાઊભા એમની રસોઈ બનાવવાની ખડતલ લોકોનો ખોરાક પણ જબરોઘણી વાર બાપાને ફરસાણ ખાવાનું મન થાય. કહે, “વહુ, આજે થોડા ભજિયાં બનાવજો,” અથવા ગળ્યું ખાવાનું મન થાય તો કહે, “વહુ, આજે થોડો શીરો હલાવજો!”  ઉપરાંત આવડા મોટા કુટુંબની સવાર સાંજની રસોઈ તો ખરી જમાનામાં બહાર રેસ્ટોરાંમાં જવાની તો વાત હતી નહીંઅને કેટરિંગનું નામ કેવું અને વાત કેવી

 

ઘરકામના બોજા ઉપરાંત અમ સાત ભાઈબહેનની સંભાળ લેવાની જુદી. કાકા તો સવારથી દુકાને જવા નીકળી પડે. બાની દરરોજની રૂટીન એની . એમાં કોઈ ફેરફાર નહીંબાએ કોઈ દિવસ વેકેશન લીધું હોય કે ક્યાંય બહારગામ ગયા હોય એવું મને યાદ નથી. સિનેમા નાટકની વાત બાજુએ મૂકો, મેં એમને નવરાત્રિમાં રાસ ગરબા લેતા પણ જોયા નથી. એમની સમગ્ર દુનિયા અમારા ઘરની ચાર દીવાલોમાં સમાઈ ગઈ હતી. એમની જિંદગીમાં ઘરકામના ઘસરડા સિવાય મેં બીજું કંઈ જોયું નથીમેં ક્યારેય બાકાકાને સાથે બેસીને વાત કરતા કે હસતા જોયા નથીક્યારેય કાકા બા માટે કોઈ સાડી, ઘરેણું એવું કાંઈ લાવ્યા હોય તે પણ મને યાદ નથી

 

અને છતાં બા પાસેથી મેં ક્યારેય ફરિયાદનો કોઈ શબ્દનો સાંભળ્યો નથીઊલટાનું કાકાનાં વખાણ કરતા બાની જીભ સુકાય. અમે એમના પુત્રોએ એમને કોઈ સુખ કે શાંતિ આપ્યાં નથી, ઊલટાનું એમનું દુઃખ વધાર્યું છે. પુત્રવધુઓએ એમનો એક સાસુ તરીકે કોઈ મહિમા કર્યો નથી, ઊલટાનું એમની સાથે ઝગડાઓ કર્યા છેએમની વૃદ્ધાવસ્થામાં જ્યારે એમને જરૂર પડી છે ત્યારે અમે કોઈ હાજર નથી રહ્યાં.

 

1997માં મને વિશ્વગુર્જરીનો એવોર્ડ મળેલો ત્યારે બાને આખાયે કુટુંબ સાથે હું અમદાવાદ લઈ ગયો હતોએમના મોટા દીકરાનું આવું જાહેરમાં ગવર્નરના હાથે સમ્માન થાય એમના જીવનનો એક બહુ મોટો પ્રસંગ હતો. ત્યારે પછી તો હું એમને અમેરિકા લઈ  આવ્યો, પણ એમને અમેરિકા ફાવ્યું. પાછા દેશમાં ગયાંબા પાસેથી મોટામાં મોટી હું વસ્તુ શીખ્યો હોઉં તો કે જિંદગી જીવતાં જે અનેક મુશ્કેલીઓ, હાડમારીઓ આપણને અનિવાર્ય નડે છે તે સહેવી. બાબતની ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથીસહનશીલતા અને સહિષ્ણુતા એમના મોટા સદ્દગુણોમેં એમને ક્યારેય કોઈની સાથે ઝઘડો કરતા કે મોટે અવાજે બોલતા સાંભળ્યા નથી. એક વાર એમની એક માથેભારી વહુ એમને ખખડાવતી હતી ત્યારે બાને મેં મૂંગે મોઢે સાંભળતા જોયાં છેગમ ખાવાની વાત જાણે કે  એમને સહજ હતી.  “કાળજાનું મોં કાળુ કહેવત મેં એમની પાસેથી વારંવાર સાંભળી છે.

 

બધાને સમજીને બધા સાથે સંપીને રહેવું બાની ખાસિયત વાત  ક્યારેય બાએ મને પાસે બેસાડીને સમજાવી નથી, પણ જીવી બતાવી હતીબાના જીવનનો અમૂલ્ય પાઠ મને ધીમે ધીમે અને બહુ મોડેથી સમજાયો. અને તે પણ સાવર કુંડલા છોડીને મુંબઈ આવ્યો ત્યારે મેટ્રિકનું ભણવાનું પૂરું કરી હું નોકરીધંધા માટે ગામ છોડીને મુંબઈ આવ્યો, ત્યારે ઘરબાર કે પૈસા ટકાવગર આવનાર નવા માણસને મુંબઈમાં જે હાડમારીઓ ભોગવવી પડે છે તે બધી મને નડી હતી. જ્યારે જ્યારે બધું અસહ્ય બની જતું ત્યારે હું બાને, અને ખાસ તો એમની સહનશીલતાને યાદ કરીને મારું ગાડું આગળ ચલાવતો

 

અમેરિકા આવ્યા પછી પણ બાની સહનશીલતા અને સહિષ્ણુતા મને વારંવાર યાદ આવ્યા કરી છેમોટા સંયુક્ત કુટુંબમાં અનેક ચિત્રવિચિત્ર માણસો સાથે રહીને બધાને નભાવવાની બાની કુનેહ, એમની કુશળતા મારે માટે અમેરિકામાં પણ માર્ગદર્શક નીવડી છેઅમેરિકાની રાજધાની વૉશિન્ગટનના ચીફ ફાઈન્સિલ ઑફિસર થવાના નાતે મારે અનેક સારાનરસા માણસો સાથે વર્ષો સુધી નાછૂટકે કામ કરવું પડ્યું છે, કહો કે મારે બધાને નભાવવા પડ્યા છે. અગત્યના હોદ્દા ઉપર હું ચૌદ વરસ સુધી ટકી રહ્યો બાની સહનશીલતા અને સહિષ્ણુતાના ગુણ જે થોડાઘણા પણ મારામાં ઊતર્યા  છે તે કારણે બાની મારા ઉપર જાણેઅજાણે જે અસર પડી છે તે અનેક રીતે  મારા વર્તન અને વ્યક્તિત્વમાં આજે તારી આવે છે.

 

અત્યારની ભણેલી સ્ત્રીઓની સરખામણીમાં બા એક મા તરીકે કદાચ નપાસ થાય. પોતાની નિરક્ષરતાને કારણે એમણે પોતાનાં બાળકો સાથે બેસીને ક્યારે કોઈ ચોપડી વાંચી નથી, કે નથી કરી કોઈ દેશદુનિયાના વર્તમાન પ્રવાહોની ચર્ચાપણ પોતાની જિંદગી જે સહનશીલતા અને સહિષ્ણુતાથી બાએ જીવી બતાડી છે તે મારે માટે આજે પણ મોટી દીવાદાંડી સમાન છે.

એક અજાણ્યા ગાંધીની આત્મકથા પ્રકરણ 17-

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

 પ્રકરણ 17– તેમાં હું લગ્ન કરીને બેઠો!

 મુંબઈમાં મારી એકલતા ટાળવા હું ઘણી વાર શનિરવિએ મારા મામામામીને ત્યાં વિલે પાર્લામાં જતોએમનું ઘર નાનું, બે ઓરડીનું, પણ મારે માટે હંમેશ ઉઘાડું. બન્ને અત્યન્ત પ્રેમાળ અને ઉદાર દિલના. એમનો મારે માટે પ્રેમ ઘણોશનિવારે જાઉં, રાત રોકાઉ, રવિવારે સાંજના પાછો પેઢીમાં.  મામાની બાજુમાં એક વોરા કુટુંબ રહેતું હતુંત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોમોટા ભાઈ પરણેલા, એટલે ભાભી અને એમનાં ત્રણ સંતાનો, એમ બધા બે ઓરડીમાં રહેતાબે બહેન પરણીને સાસરે હતી. એક હજી કુંવારી, એનું નામ નલિનીએને મામીની સાથે બહુ બનતું. મોટા ભાગે મામીને ઘરે પડી પાથરી રહેતીમુંબઈની ચાલીઓમાં બારી બારણાં તો રાતે બંધ થાય, આખો દિવસ ઉઘાડાં હોય. પાડોશીઓની એક બીજાના ઘરમાં આખોય દિવસ અવરજવર થયા કરેજયારે હું મામામામીને ત્યાં જતો ત્યારે વોરા કુટુંબની અને ખાસ તો નલિનીની ઓળખાણ થઇમને ગમી ગઈ

 

કોલેજનાં વરસો દરમિયાન કોઈ છોકરી સાથે મૈત્રી બાંધવાની કે પ્રેમ કરવાની વાત તો બાજુમાં રહી, હું એવી કોઈની ઓળખાણ પણ   કરી શક્યો. ત્યારે મારી ઉંમર વીસેક વરસની હતી. મારા જુવાનજોધ શરીરની નસેનસમાં વીર્ય ઉછળતું હતું. અને મારી જાતીય ઝંખના દિવસે દિવસે તીવ્ર થતી જતી હતીજિંદગીમાં હજી સુધી તો કોઈ યુવતીનો સ્પર્શ પણ નહોતો કર્યોમારી પ્રેમપ્રવૃત્તિ માત્ર કવિતા પૂરતી હતીમોટા ભાગના ગુજરાતી કવિઓની જેમ મારી છંદોબદ્ધ કવિતામાં જે પ્રેમિકા આવતી હતી તે માત્ર કલ્પના મૂર્તિ હતી. મેટ્રો કે ઈરોસ જેવા થિયેટરમાં હોલીવુડની ફિલ્મોમાં ગમે તેમ છૂટછાટ લેતી રૂપાળી અભિનેત્રીઓ જોઇને હું આભો બની જાતોમેટ્રોમાં લગભગ દર રવિવારની મેટિનીમાં જાઉંજે કોઈ મૂવી હોય તેમાં બેસી જાઉં દોઢ બે કલાક તો કોઈ નવી દુનિયામાં પહોંચી જાઉંપણ થિયેટરમાંથી બહાર નીકળતાં મને મુંબઈની મારી કપરી પ્રેમવિહોણી વાસ્તવિકતાનું ભાન થાય, અને હું ભયંકર હતાશા અનુભવું.  

 

ધીમે ધીમે મને સમજાતું ગયું કે મારા ભાગ્યમાં કોઈ રૂપાળી, પૈસાપાત્ર કુટુંબની કે ભણેલ ગણેલ મુંબઈની છોકરી નથી લખીએવી છોકરીને મુંબઈ છોડીને ક્યાંય બીજે નથી જવું ગમતુંએટલું નહી મુંબઈમાં રહેવા માટે એને ફ્લેટ જોઈએ. તે પણ દૂરનાં પરાંઓમાં નહીંપ્રોપર મુંબઈમાં હોય તો વિચાર કરેમારી પાસે ફ્લેટ શું, સમ ખાવા પૂરતી એક નાનકડી ઓરડી પણ નહોતીનોકરી પણ મૂળજી જેઠા મારકેટનીઆવા મારા હાલ હવાલ જોઇને, કોણ મને છોકરી આપવાનું છેવધુમાં ભણેલ છોકરી તો હૂતો હુતી બંને એકલા રહી શકે એવું નાનું કુટુંબ પસંદ કરેછોકરાની સાથે ભાઈ બહેનોનું મોટું ધાડું  હોય તે તેને પોસાય નહીંવરની સાથે ઘરડાં માબાપ કે જેઠ જેઠાણી જેવા વડીલો આવતાં  હોય તો તેમની સેવા કરવી પડે પણ ચાલેઆવી બધી શરતો સામે હું કાયર હતોકાકાબા, ત્રણ ભાઈઓ અને એક બહેન દેશમાં રાહ જોઈને બેઠા હતા કે ભાઈ ક્યારે મુંબઈમાં ઓરડી લે અને અમને બોલાવે!   

 

જાતીય ઉત્સુકતાને કારણે નલિની પ્રત્યેનું મારું આકર્ષણ વધવા મંડ્યું ઝાઝું ભણી નહોતી. કૉલેજ સુધી પણ પહોંચી નહોતીજો કે મુંબઈની ચાલીમાં રહેલી એટલે મુંબઈમાં ઓછા પગારમાં ઘર કેમ ચલાવવું તેની એને ખબર. બહોળા કુટુંબમાં અને ગરીબાઈમાં ઊછરી હતી, એટલે કરકસર કરી જાણતીહા, કંઈ મીનાકુમારી કે વૈજયંતીમાલા જેવી રૂપસુંદરી નહોતી, પણ ચહેરો જોવો ગમે તેવો હતો. અત્યાર સુધી એક એવી છોકરી મળી કે જેની સાથે હું  સહેલાઈથી વાતોચીતો કરી શકતો. અને જે મારી સાથે વાતો કરતીમને થયું કે એની સાથે મારી સગાઈ થાય તો કેવું?

 

નલિનીના ભાઈઓ તો ક્યારનાય એની સગાઈ કરવા માથાકૂટ કરતા હતામામા મામીને ત્યાં મને આવતો જતો રોજ જોતા, એમને થયું હશે કે છોકરા સાથે બહેનનું નક્કી થઈ જાય તો એમને માથેથી એક ઉપાધિ ઓછી થાય. એમણે વાત મામીને કરી, અને મામીએ મને કરી. પણ મેં કહ્યું કે મને નલિનીમાં રસ છે, પણ હાલ તુરત મારી પાસે કોઈ રહેવાની વ્યવસ્થા નથી, હું તો પેઢીમાં સૂઉં છું અને નાતની વીશીમાં જમું છું લોકો કહે એમને બાબતનો કોઈ વાંધો નથી, ચાલો, સગાઈ તો કરી નાખીએ

 

મેં દેશમાં બાકાકાને જણાવ્યું. કાકાને થયું કે જો લગ્ન કરશે તો વહેલો મોડો મુંબઈમાં ઓરડી લેશે, અને ભાઈઓને મુંબઈ બોલાવશેવધુમાં મારી એક બહેન હજી કુંવારી હતીતેની પણ સગાઈ કરવાની હતીએને માટે દેશમાં છોકરો મળવો મુશ્કેલ હતો. એને પણ મુંબઈ મોકલાય અને પોતાની માથેથી બધો ભાર ઓછો થાયછોકરી કોણ છે, કુટુંબ કેવું છે, પોતાના દીકરા માટે બીજે કોઈ સારે ઠેકાણે તપાસ કરવી જોઈએ, છોકરો હજી નાનો છે, સારી નોકરી પણ નથી કે ધંધાની કોઈ લાઈન પણ હાથમાં આવી નથી, અરે, હજી ઓરડી પણ નથી તો રહેશે ક્યાં, એવી કોઈ બાબતનો વિચાર કર્યા વગર કાકાએ તો હા પાડી દીધી.

 

જમાનામાં મારા જેવો ભણેલો છોકરો મળવો મુશ્કેલઘણા પૈસાદાર લોકો આવા લાયક છોકરા સાથે પોતાની છોકરીને પરણાવવા માટે મુંબઈના સારા વિસ્તારમાં ફ્લેટ અપાવી દે, સારી નોકરી અપાવે કે પોતાના ધંધામાં બેસાડી દે. અમારા એક સગાએ રીતે પોતાના છોકરાને પરણાવ્યો. સસરાએ એને મુંબઈની જુહુ કૉલોનીમાં ફ્લેટ અપાવી દીધો. પણ એવી છોકરી મારે માટે ગોતવા કાકાએ મુંબઈ આવવું જોઈએ, આજુબાજુ પૂછપરછ કરવી જોઈએ. એમને એવી કોઈ માથાકૂટ કરવી નહોતી, એમને તો મારા ત્રણ ભાઈઓ અને બહેન ક્યારે મુંબઈ જાય જેથી એમને માથેથી ભાર ઓછો થાય ખ્યાલ હતોહું પણ મૂરખ કે મેં પણ કંઈ ઝાઝો વિચાર કર્યો, અને સગાઈ કરી બેઠો!

 

જેવી સગાઈ થઈ કે તુરત નલિનીના મોટા ભાઈએ લગ્ન કરવા કહ્યુંકહે કેઅત્યારના જમાનામાં સગાઈ લાંબો સમય રહે તે જોખમી છેધારો કે તમારું ફટક્યું અને સગાઈ તોડી નાખી તો પછી અમારી બહેનનું શું થાય?” આવી બધી દલીલો કરી તરત લગ્ન કરવા દબાણ કર્યું. મેં કહ્યું મારી પાસે રહેવા માટે ઓરડી ક્યાં છેલગ્ન તો કરીએ, પણ રહેવું ક્યાં કહે, લગ્ન પછી નલિની વરસ બે વરસ દેશમાં રહેશેત્યાં સુધીમાં તો તમે ઓરડી લઈ શકશોપણ લગ્ન તો હમણાં કરી નાખો. આમ કોઈ સારી નોકરીનો બંદોબસ્ત નથી, રહેવાનાં કોઈ ઠેકાણાં નથી, તોય હું લગ્ન કરીને બેઠો

 

મુર્ખતાની કોઈ હદ હોય કે નહીં? નલિનીના ભાઈઓ તો એમનો સ્વાર્થ જોતા હતા, પણ મેં લાંબો વિચાર કેમ કર્યો?   જીવનનો અત્યંત અગત્યનો નિર્ણય ઝાઝો વિચાર કર્યા વગર હું લેતો હતો ત્યારે મારા કોઈ વડીલોએ હું શું કરી રહ્યો શું તે બાબતમાં ચેતવણી પણ નહીં આપીસત્તરેક વરસની ઉંમર પછીના જીવનના બધા નિર્ણયો આમ મેં મારી મેળે લીધા હતા દૃષ્ટિએ જીવનમાં મેં  જે ચડતીપડતી કે તડકી છાયડી જોઈ છે, તે બાબતમાં હું મારી જાત ને જવાબદાર માનું છુંએમાં મારાથી કોઈનો વાંક કાઢી શકાયપણ મારી નાદાનિયતામાં લીધેલ નિર્ણયોને કારણે મારી કેવી કેવી મુશ્કેલીઓ સહન કરવી પડશે તેનો ખ્યાલ તો પછી આવ્યો

 

જે બસમાં હું થોડાં સગાંઓને લઈને પરણવા ગયેલો જાણે કે જૂનો કોઈ ખટારો જોઈ લોબા કાકા અને બીજા સગાંઓ તો દેશમાં હતાં. મારા બહેન બનેવી વગેરે જે બીજા કોઈ થોડાં મુંબ ઈમાં હતાં તેમણે કોઈએ મારા લગ્નમાં ઝાઝો રસ બતાવ્યો. લગ્નની બધી તૈયારી પણ મારે જાતે કરવાની હતી.   હું ત્યારે ગાંધીવાદી સાદાઈમાં માનતો હતોખાવાપીવામાં, કપડાં પહેરવામાં, બધી રીતે સાદાઈથી રહેતોઆગળ જણાવ્યું તેમ નાતની બોર્ડીંગમાં પણ દર રવિવારે ફરસાણ અને મિષ્ટાન હોય તે હું ખાઉંમાત્ર બે રોટલી અને થોડું શાક એમાં મારું ખાવાનું પતી ગયુંવચમાં તો એક ટાણું ખાતોદેશમાં આવી ગરીબી હોય અને લોકો ભૂખે મરતા હોય ત્યારે મારાથી મિષ્ટાન કેમ ખવાય કે ત્રણ ટંક કેમ ખવાયજો આવી મારી માન્યતા હોય તો પછી હું લગ્નનો જમણવાર થોડો કરવાનો હતો?

 

બને તેટલી સાદાઈથી મારે લગ્ન કરવાં હતાં. લગ્નની ધામધૂમમાં કશો ખર્ચો કરવો નહોતોજો કે ખર્ચો કરવાના પૈસા પણ હતા નહીં. સાદાઈથી બધું પતાવવું હોય તો  સિવિલ મેરેજ કરવા પડે. થોડાં સગાંઓ ને લઈને મારે વિલે પાર્લે નલિનીના ઘરે જવાનું હતુંસહી સિક્કા કરવા કોર્ટનો ઑફિસર ત્યાં આવવાનો હતો સિવિલ મેરેજ કરાવવા કોઈ બ્રાહ્મણ નહી, પણ કોર્ટમાંથી ઑફિસર આવેપાંચ દસ મિનિટમાં સહી સિક્કા કરાવી દે, અને બિન્ગો, તમારા લગ્ન થઈ જાય!   કોઈ જાન નીકળેજો માંડવો નંખાય તો બૈરાંઓ મોંઘાં પટોળાં કે સાડી સેલાં ને ઘરેણાં પહેરીને ક્યાં બેસે અને લગ્નના ગીતો ક્યાં ગાયસાજનમાજન સજ્જ થઈને ક્યાં બેસે? કોઈ કંકોત્રી નહીં, રીસેપ્શન નહીં, મેળાવડો નહીં, જમણવાર નહીં.

 

લગ્નનો કોઈ ખર્ચો નથી થવાનો વાત કાકાને ગમી. એમણે કોઈ વિરોધ નહીં  નોંધાવ્યોએમણે તો ખાલી હાજરી આપવાની હતી. પણ જયારે મુંબઈ આવ્યા ત્યારે એકલા આવ્યા. મારા બા નહીં આવ્યાંએમને થયું હશે કે ઘરે મોટા દીકરાના લગ્ન થાય અને લોકો ગળ્યું મોઢું કરેજાન નીકળે? લગ્નનાં ગીતો ગવાયમેંદીવાળા હાથ થાય લગ્ન છે કે છોકરાઓની ઘર ઘરની રમત છે?   જો કે એમને મોઢે ફરિયાદનો એક શબ્દ પણ મેં ક્યારેય સાંભળ્યો નથી, પણ એમણે એમનો વિરોધ એમની ગેરહાજરીથી નોંધાવ્યોએમના પહેલા દીકરાના લગ્ન થતાં હતાં અને બા પોતે હાજર નહીંબા આવ્યા! આજે હું સમજી શકું છું કે મેં બાને કેટલું દુઃખ આપ્યું હશે! આજે લખતાં મારી આંખ ભીની થાય છે.

 

થોડાં સગાં એક ઠેકાણે ભેગાં થાય અને ત્યાંથી અમે બસમાં સાથે વિલે પાર્લે જઈએ એમ નક્કી થયુંબધાં ભેગા તો થયા, પણ બસ મળેસરનામાની કંઈ ગરબડ થઈ હશે તેથી ડ્રાઈવર ભૂલો પડ્યોબસનું નક્કી તો મેં કરેલું. જાનૈયાઓને મૂકીને વરરાજા બસ શોધવા નીકળ્યાસારું થયું કે મારી સાદાઈની ધૂનમાં મેં વરરાજાને શોભે એવા ભભકાદાર કપડાં નહીં પણ રોજબરોજના લેંઘો કફની પહેરેલાં, નહીં તો મુંબઈના ટ્રાફિકમાં રઘવાયા થઈને પગપાળા બસ શોધતા વરરાજાને જોઈને લોકોને હસવું આવતઆખરે બસ મળી, જોતાં થયું કે બસ છે કે ખટારો?  અમે બધા જેમ તેમ એમાં ગોઠવાયાં, સીટ ઓછી પડી, થોડા લોકો સાથે વરરાજા ઊભા રહ્યા. હું ઘોડે નહી, ખટારે ચડ્યોઆમ મારી જાન નીકળી

 

મુંબઈના ટ્રાફિકમાં અમારી બસ પા પા પગલી ભરતી હતીએનું હોર્ન પોં પોં કરીને માથું દુઃખવતું હતું. માનો કે મારી શરણાઈ અને નગારાંધાર્યા કરતાં અમને મોડું થયું એટલે નલિનીના ભાઈઓને ચિંતા થઈ જમાનો મોબાઈલનો નહોતો, અને લેન્ડ લાઈન પણ પૈસાવાળાઓને ત્યાં હોય લોકો અમને શોધવા નીકળ્યા, એમને થયું કે એકસીડન્ટ થયો કે બસવાળો રસ્તો ભૂલ્યોકોર્ટ ઓફિસર ઊંચોનીચો થવા માંડ્યો. એને બીજી અપોઇન્ટમેન્ટ હતી. આખરે અમે પહોંચ્યા ખરા, પણ કલાકેક મોડાજાણે કે મારા ભવિષ્યના લગ્નજીવનમાં જે મુશ્કેલીઓ પડવાની હતી એની બધી એંધાણી હતી

 

જેવા અમે પહોંચ્યા કે કોર્ટ ઓફિસરે અમને ઝટપટ સહી સિક્કા કરાવી, “કોન્ગ્રેચ્યુલેશનકહી ચાલતી પકડી. આમ ફેરા ફર્યા વગર કે સપ્તપદીનાં પગલાં ભર્યા વગર અમે પ્રભુતામાં પગલાં માંડ્યાઅમે પરણ્યા તો ખરા, પણ અમારે  લગ્નની સુહાગ રાત ક્યાં કાઢવી પ્રશ્ન મોટો હતોઘર તો હતું નહીઆનો ઉપાય મેં શોધી કાઢ્યો હતોજેવા લગ્ન થાય કે તે દિવસે માથેરાન જવું, હનીમુન માટેઅને જે દિવસે માથેરાનથી પાછા આવીએ તે દિવસે નલિનીએ દેશમાં જવું, એટલે મુંબઈમાં રાત કાઢવાનો સવાલ ઊભો થાય.

એક અજાણ્યા ગાંધીની આત્મકથા પ્રકરણ 16

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 16– મૂળજી જેઠા મારકેટમાં, ફરી એક વાર!

 મારી સાથે જે મિત્રો કૉલેજમાં હતા તેમાંથી મોટે ભાગે બધા લાગવગ ઓળખાણને કારણે સારી સારી નોકરીએ લાગી ગયા.  કેટલાક બાપદાદાના ધંધામાં બેસી ગયા.  ભાગ્યશાળી નબીરાઓ અમેરિકા પહોંચી ગયા.  કેટલાકે ચાર્ટર્ડ અકાઉટન્ટ થવા માટે જરૂરી આર્ટીકલ ભરવા મંડ્યા. આ બધા નસીબદાર લોકોની મને ખૂબ ઈર્ષ્યા આવતી.  મારે સાવ સામાંન્ય ક્લર્ક તરીકે નોકરી કરવી પડે છે એની શરમ પણ થતી હતી. મને થતું કે હું કોને શું મોઢું બતાડું?  મેં મિત્રો અને સગાંવહાલાંઓને મળવાનું જ બંધ કરી દીધું.  મળવાનું થાય તો અચૂક પૂછપરછ થાય, “હમણાં ક્યાં નોકરી કરો છો? ક્યાં રહો છો? ધંધાની કોઈ લાઈન હાથમાં આવી કે?”  આમાંથી એકે ય પ્રશ્નના મારી પાસે સંતોષ કારક જવાબ નહોતા.  કોઈ જાણીતું મને મળવા આવવાનું કહે તો હું એ ટાળું.  એક વાર થોમસન ઍન્ડ ટેલરના મેઝેનીન ફલોરમાં જ્યાં હું બેસતો ત્યાંથી નીચે સ્ટોરમાં મેં બે મિત્રોને આવતા આવતા જોયા.  હું દોડીને બાથરૂમમાં જઈ સંતાઈ ગયો!  કંઈ કામે ગાંધી બ્હાર ગયા હશે, એમ માનીને થોડી વાર મારી રાહ જોઈને મિત્રો પાછા ગયા.

જો કોઈ લાગવગ નથી તો અરજી તો કરીએ, ક્યાંક કદાચ એ તુક્કો લાગી જાય, એ ન્યાયે, વળી પાછું મેં દરરોજ ટાઈમ્સ જોવાનું અને એપ્લીકેશન કરવાનું શરૂ કર્યું.  દરરોજ સવારે સારા અક્ષરે એક એપ્લીકેશન લખતો.  કાલબાદેવીની નાતની વીસીમાં ખાવાનું, પછી ત્યાંથી ચાલતા ચાલતા ફોર્ટમાં ટાઇમ્સના બિલ્ડીંગમાં મોટા ચકચકતા પીળા બોક્સમાં એપ્લીકેશન નાખવાની. ત્યાંથી ચાલતા થોમસન ઍન્ડ ટેલરમાં જઈને જમાઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાની. આ મારી રોજની રૂટીન. 

મનમાં ઊંડે ઊંડે હતું કે મારી ડેસ્ટીની કંઈક જુદી જ હોવી જોઈએ. હારવું નથી એવો મક્કમ નિર્ણય કરીને કંઈ ને કંઈ  પ્રેરણાત્મક સાહિત્ય વાંચતો.  વિવેકાનંદનો “Arise, Awake” વાળો પારાગ્રાફ મેં મોટા અક્ષરે લખી મારા ડેસ્ક પર કાચની નીચે રાખ્યો હતો તે વારંવાર વાંચતો.  સ્ટોરના મોટા શેઠ જેના પૈસાથી અમારો ખોટનો ધંધો ચાલતો હતો તે એક વાર અમદાવાદથી સ્ટોરની વિજીટે આવ્યા.  સ્ટોરમાં ફરતા ફરતા અમારા અકાઉન્ટીન્ગ ડીપાર્ટમેન્ટ આવ્યા.  એમણે એ વિવેકાનંદનો ફકરો જોયો. મને પૂછ્યું કે તમે કોણ છો, શું અભ્યાસ કર્યો છે, હજુ આગળ અભ્યાસ કરવાનો છો, શું વાંચો છો,  મને તમારી પ્રગતિના સમાચાર મોકલતા રહેજો, વગેરે વગેરે.  આપણે તો રાજીના રેડ થઈ ગયા.  થયું કે આપણું પ્રમોશનનું નક્કી!

મેં તો એમની સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો! એમની આગળ અભ્યાસ કરવાની ટકોર યાદ હતી.  એમની ઉપર છાપ પાડવા મેં તરત પાર્ટ ટાઈમ એલ.એલ.બી.નું લફરું શરૂ કર્યું.  સવારના વહેલા ઉઠીને  ગવર્નમેન્ટ લો કોલેજમાં જતો, પછી વીશીમાં અને પછી સ્ટોરમાં.  જો કે આ બાબતમાં મેં દેશમાં કાકાને કહ્યું જ નહિ,  એમને થાય કે વળી પાછું કોલેજમાં જવાની શી જરૂર?  એક ડિગ્રી ઓછી છે? 

સ્ટોરમાં પ્રમોશન મળે કે ન મળે, પણ મારું દરરોજનું એક એપ્લીકેશન કરવાનું તો ચાલુ જ હતું.  એક વાર સ્ટોરમાં એક અજાણ્યા માણસ મને મળવા આવ્યા. નામ ભાનુભાઈ. મને કહે કે તમારી સાથે કોફી પીવી છે અને વાત કરવી છે.  થોડું આશ્ચર્ય થયું, પણ મફતની કોફી પીવામાં શી હાનિ એમ માનીને એમની સાથે બહાર ગયો.  મને કહે કે તમે મદ્રાસની એક ટેક્ષટાઈલ મિલની મુંબઈની ઑફિસમાં નોકરી માટે જે અરજી કરી છે એ લોકો તમને જોબ આપવા તૈયાર છે. તમે કયારથી શરૂ કરી શકો?  હું તો ભૂલી પણ ગયેલો કે મેં આવી કોઈ નોકરીની એપ્લીકેશન કરેલી.  દરરોજ જો હું એક એપ્લીકેશન કરતો હોઉં તો મહિને બે મહિને કેમ યાદ રહે કે ક્યાં એપ્લાય કરેલું? પણ પગાર વધુ હતો એટલે મારી ઉત્સુકતા વધી.

મેં ભાનુભાઈને પુછ્યુ કે તમે ત્યાં કામ કરો છો? ના, એમણે કહ્યું, પણ વાત વિગતથી સમજાવી કે એ શા માટે આવ્યા હતા.  દક્ષિણની બે પ્રખ્યાત ટેક્ષટાઈલ મિલના કાપડનું મુંબઈમાં વેચાણ કરવાનો ઈજારો આ કંપનીના હાથમાં હતો.  એ કંપનીના બે ભાગીદારો. એક ગુજરાતી અને બીજા મદ્રાસી.  ધંધો ધીકતો ચાલે. કાપડનો માલ ઉમદા, ડીમાંડ બહુ, ગ્રાહકો બંધાયેલા. ઝાઝી મહેનત વગર જ ધંધો ચાલે. મદ્રાસી પાર્ટનર મિલોનું કામ સંભાળે, ગુજરાતી પાર્ટનર ચોપડા અને બેન્કનું.  ભાગીદારીમાં મદ્રાસી સિનિયર, નફામાં એનો ભાગ વધુ, આખરે તો એના સંપર્કો અને સંબંધોને કારણે જ આવી બબ્બે જબ્બર મિલની એજન્સીઓ મળી હતી. ગુજરાતી પાર્ટનરનું કામ રૂટીન હતું. કોઈ મહેતાજી પણ એ કામ સંભાળી શકે.  મુદ્દાની વાત એજન્સી સાચવી રાખવાની હતી, બાકી બધું એની મેળે થાય. અને એ કામ મદ્રાસીના હાથમાં.  

જેમ જેમ નફો વધતો ગયો તેમ તેમ ગુજરાતી પાર્ટનરની દાનત બગડી.  એને થયું કે એને અડધો અડધ ભાગ મળવો જોઈએ. આ કચકચ ચાલતી હતી. પણ એનો કોઈ ઉકેલ આવતો નહીં. ગુજરાતી ભાઈ સમજતા હતા કે જો એ ઝઘડો કરશે તો ધંધામાંથી સાવ જશે. મદ્રાસી ભાઈને એવી શંકા બેઠી કે ગુજરાતી પાર્ટનર ચોપડાઓમાં ગોટાળા કરે છે.  કંપની કેટલો નફો બનાવે છે તે બતાડે જ નહીં અને પૈસા ઉપાડ્યા  કરે.  નફો કેટલો થાય છે એની મદ્રાસીને ખબર જ ન પડે એ માટે એણે ચોપડા લખવાનું સાવ બંધ કર્યું!  જયારે  મદ્રાસી પાર્ટનર પૂછપરછ કરે ત્યારે જેમ તમે ગલ્લાંતલ્લાં કરીને વાત ટાળી દે.

મદ્રાસી પાર્ટનર  કોઈ અકાઉન્ટન્ટ રાખવાની વાત કરે તો ગુજરાતી પાર્ટનર કહે કે એવી શું જરૂર છે, હું બેઠો છું ને?  આખરે મદ્રાસી પાર્ટનર આ ગલ્લાંતલ્લાંથી થાકી ગયા.  નક્કી કર્યું કે અકાઉન્ટન્ટ તો રાખવો જ પડશે જેથી વ્યવસ્થિત હિસાબકિતાબ થાય, રેગ્યુલર ઓડીટ થાય, અને નફા નુકસાનની વરસને અંતે ખબર પડે.  એને એવો અકાઉન્ટન્ટ રાખવો હતો કે જે ઈંગ્લીશ પણ જાણતો હોય. એમને કોઈ મારકેટનો મહેતાજી નહોતો જોઈતો. આવો અકાઉન્ટન્ટને ગોતવાનું કામ એમણે એમના જૂના પાડોશી મિત્ર ભાનુભાઈ ને સોંપ્યું, એમણે ટાઈમ્સમાં એડ આપી, મેં  અપ્લાય કર્યું હશે. કાગનું બેસવું અને ડાળનું પડવું. આમ મને આ નોકરી મળી. 

પણ આ નોકરી કરવા મારે પાછું મૂળજી જેઠા મારકેટમાં જવાનું થયું!  પણ ભાનુભાઈ પાસે કેટલીક ચોખવટ કરી.  “ટોપી નહીં પહેરું,  ચા લેવા નહીં જાઉં,  શેઠના ગુલામની જેમ ઑફિસ સિવાયના આડાઅવળાં કામ નહીં કરું–શેઠના દીકરા માટે મેટ્રોમાં ટિકિટ લેવા નહીં જાઉં,  બેન્ક અવર્સ મુજબ સવારે આવીશ અને સાંજે નિયત સમયે ઘરે જઈશ, શનિવારે પણ બેન્ક અવર્સ રાખીશ, વગેરે.”  પહેલી વાર મારકેટમાં નોકરી શરૂ કરી ત્યારે પહેલે જ દિવસે મોટા મહેતાજીએ કહેલું કે તારે ટોપી પહેરવાની છે. અને પછી કહે ચા લઇ આવ. દરરોજ બધાં આવે એ પહેલાં પેઢીએ પહોંચવાનું તો ખરું જ, પણ ગમે તેટલું મોડું થાય તો પણ શેઠ મહેતાજીઓ બધા ઘરે જાય પછી જ ઘરે જવાનું.  શનિવારે તો બહુ મોડે સુધી પેઢી ઉઘાડી હોય.  કહે કે ઘરે જવાની શું ઉતાવળ છે?  કાલે તો રવિવાર છે! એમને મારી એટલી તો ગરજ હતી કે ભાનુભાઈએ કહ્યું કે કાંઈ વાંધો નહીં.  આવી જાઓ.  આ બાબતમાં કોઈ મુશ્કેલી પડે તો મને જણાવજો. 

પહેલે દિવસે જઈને જોયું તો મારે ગાદી ઉપર નીચે નહોતું બેસવાનું.  બેસવા માટે ખુરસી ડેસ્ક હતાં. ચપ્પલ પણ કાઢવાની જરૂર ન હતી. મારકેટની હાયરારકીમાં હવે મારું સ્થાન પહેલા કરતા ઊંચું થયું. હવે હું ઘાટીને કહી શકું કે “ચા લઈ આવ!”  મારકેટની ભૂગોળથી પણ હું પરિચિત હતો.  મુંબઈમાં આવ્યે હવે મને પાંચ વરસ થઈ ગયાં હતાં,  એટલે શહેરની પણ ગતાગમ હતી. ઉપરાંત મારકેટના કોક અભણ શેઠિયાની પેઢીમાં નહીં, પણ મિલની એજન્સીની ઑફિસમાં કામ કરવાનું હતું. મદ્રાસી પાર્ટનરસાથે ઈંગ્લીશ હિન્દીમાં વાતચીત થતી. એને મળવા આવતા લોકોમાં સાઉથના ઘણા અગત્યના ઊંચા ઓફિસરો, ધંધાદારી લોકો હોય.  ઓફિસની જગ્યા મોટી, સાથે નાનો એવો બાથરૂમ. મારકેટની નજીક પણ મારકેટની બહાર. મોટો ફાયદો એ કે હું ત્યાં રાત્રે સૂઈ શકું. બોર્ડીંગના મિત્રો સાથે જે ફ્લેટમાં રહેતો હતો તે તો કામચલાઉ હતો, એ ખાલી કરવાનો હતો.  રોજના જમણ માટે નાતની વીશીમાં જતો, પણ રહેવું  ક્યાં એ પ્રશ્ન તો હજી માથે હતો. મુંબઈમાં એ જમાનામાં જગ્યાની ભયંકર તંગી. દૂરનાં પરાંઓમાં પણ એક નાનકડી ઘોલકી લેવી હોય તો પણ હજારો રૂપિયાની પાઘડી આપવી પડે. મહિને મહિને ભાડું પગારમાંથી નીકળે, પણ એક સાથે પાઘડીની હજારો રૂપિયાની રકમ ક્યાંથી કાઢવી?  ઓરડીની પાઘડીના પૈસા તો હતા જ નહીં.  રહેવાનો પ્રશ્ન તો ઊભો જ હતો. મેં વિનંતી કરી કે મારે સૂવા બેસવા માટે ટેમ્પરરી જગ્યાની જરૂર છે તો રાતે હું ઓફિસમાં સુઈ શકું? 

મને રજા મળી.  પરંતુ શેઠ મને કહે, અહીં તમારો સામાન રાખવાની જગ્યા નથી.  એની વ્યવસ્થા કંઈક બીજે ઠેકાણે કરવાની.  મારી પાસે ત્યારે કોઈ સામાન કે સાધનસામગ્રી હતા જ નહીં. પહેર્યાં કપડાં એ જ!  ઑફિસમાં એક ઘાટી અને ભૈયાજી પણ રાતે સૂતા હતા.  મારકેટમાં કામ કરતા મોટા ભાગના ઘાટીઓ અને ભૈયાઓ પોતાના કુટુંબ કબીલાને દેશમાં મૂકીને મુંબઈમાં નોકરી કરતા. વરસે બે વરસે દેશમાં આંટો મારીને કુટુંબીજનોને મળી આવે. મુંબઈની નોકરીની જે કમાણી થાય તેમાંથી દેશમાં બૈરીછોકરાઓનું ભરણપોષણ થાય.  હું ભલે ને બી.કોમ. થયો, પણ ઓરડીની બાબતમાં મારી દશા આ ઘાટીઓ અને ભૈયાઓ જેવી જ હતી. હું એમની સાથે રાતે સૂવામાં જોડાયો.  એમને બહુ ગમ્યું નહીં, પણ મેં એમને સમજાવ્યું કે હું તો ઓરડીની શોધમાં જ છું. આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે. જેવી મને ઓરડી મળી કે હું ચાલ્યો.  જો કે મનમાં ઘણું સમજતો હતો કે હું એમ ક્યાંથી ચાલવાનો હતો? પગારમાંથી માંડ માંડ ચાલતું હતું ત્યાં ક્યાંથી પાઘડીના પૈસા હું કાઢવાનો હતો? 

અઠવાડિયે બે અઠવાડિયે ભૈયાજી મને કહે, હમ મજા કરને કે લિયે ચલતે હૈ, આપ ભી ચલિયે.  શરૂઆતમાં તો હું કૈં સમજ્યો નહી, પણ ઘાટીએ મને સમજાવ્યું કે ભૈયાજી તો ફોકલેન્ડ રોડ પર વેશ્યાવાડે જતા હતા!  હું ગભરુ માણસ અત્યાર સુધી તો નિશાળેથી નીસરી જવું પાંસરું ઘેરના ન્યાયે જિંદગી જીવ્યો હતો, તે હવે ફોકલેન્ડ રોડ ઉપર મજા કરવા જવાનો હતો?  ઉપરથી જો શેઠને ખબર પડી ગઈ તો નોકરી જાય એ કેમ પોસાય? લોકો મારે માટે શું ધારે? 

એક અજાણ્યા ગાંધીની આત્મકથા- પ્રકરણ 15

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

 રકરણ 15– હું જર્નાલીસ્ટ અને વીમા એજન્ટ પણ થયો! 

એક મિત્ર જન્મભૂમિ જૂથના ધંધાને લગતા સાપ્તાહિક વ્યાપારમાં પત્રકાર તરીકે કામ કરતા હતા. તેમને એક વાર મળવા ગયોપૂછ્યું, તમારે ત્યાં કોઈ મેળ મળે એમ છે કહે, હમણાં અહીંયા કંઈ નથીપણ મેં એમ સાંભળ્યું છે કેજન્મભૂમિના તંત્રી મોહનલાલ મહેતાસોપાનયુવાન પત્રકારોની શોધમાં છે. તેમને મળો. અહીંયા ઉપરના માળે એમની ઑફિસ છે. તપાસ  કરો. હું તો પહોંચી ગયોસોપાનની કેબીનમાં. પીયુન સાથે ચિઠ્ઠી મોકલાવી.  ‘સોપાનેમને અંદર બોલાવ્યો.

 

મેં કહ્યું કે મારે તમારા હાથ નીચે નોકરી કરવી છે. તમારી પાસેથી પત્રકારત્ત્વ શીખવું છેકહ્યું કે મેં એમના અમેરિકા પ્રવાસનું રસિક વર્ણનજન્મભૂમિમાં કટકે કટકે વાંચ્યું હતું અને મને  ખૂબ ગમ્યું હતું ખુશામત એમને ગમી કહે, અત્યારે અહીજન્મભૂમિમાં કોઈ ઓપનીંગ નથી, પણ જો તમને મેગેઝિનમાં કામ કરવાનો અને લખવાનો રસ હોય તો હું તમને હમણાં ને હમણાં જોબ આપી શકું છું. મારે ઘરેથી હું થોડાં મેગેઝિન ચાલવું છું. મને ખબર હતી કેસોપાનવર્ષોથીઅખંડ આનંદના તંત્રી હતા. તે ઉપરાંત એમનાં પત્ની લાભુબહેન અને પુત્રીઓ સાથે સાથેજીવન માધુરી,’ ‘બાળ માધુરીએવા મેગેઝીન ચલાવતા હતામને પણ ખબર હતી એમનું ઘર મુંબઈમાં ક્યાં હતું: ગુલબહાર, બેરેક રોડ, મેટ્રો  સિનેમા પાછળ!  ‘સોપાનપર મારી પહેલી છાપ સારી પડી હશેમને કહે કાલથી આવી શકશો? મેં કહ્યું જરૂર! અને બીજે દિવસે થોમસન ઍન્ડ ટેલરમાં કશું જણાવ્યા વગર હું તોસોપાનને ઘરે પહોંચી ગયો. આમ હું જર્નાલીસ્ટ થયો!

 

સોપાનના મોટા ફ્લેટમાં એક બાજુના રૂમોમાં એમનું કુટુંબપોતે, લાભુબેન, અને એમની બે દીકરીઓરહેતુંઅને બીજી બાજુના રૂમોમાં મેગેઝીનોમાં કામ કરતા સ્ટાફના બે લોકો બેસે. જેવો હું દાખલ થયો તેવું કર્મચારીઓએ મારી સામે ઘૂરકીને જોયુ.  ‘સોપાનઆવ્યા. મારી ઓળખાણ કરાવી. કહ્યું કે ગાંધી તમારી સાથે આજથી કામ કરશેએમણે તેમની કામ કરવાની પ્રથા સમજાવી. કહ્યું કે મારે તમારું કામ પડશે ત્યારે બોલાવીશ અને ત્યારે તમારે ફેમીલી કવાર્ટર્સમાં આવવું. ત્યાં મારી જુદી ઑફિસ  છેજ્યારે જ્યારે અમારામાંથી કોઈની જરૂર પડે ત્યારે બેલ વગાડેઅમને ખબર કે એક વાર બેલ વાગે તો કોને જવાનું, બે વાર બેલ વાગે તો કોને જવાનું. હવે એમાં હું ત્રીજો ઉમેરાયો. ઉપરાઉપરી ત્રણ બેલ વાગે ત્યારેગાંધી, તમારે આવવું.” 

 

એક બેલ વાગે એટલે અમે ત્રણે રાહ જોઈએ કે હવે ફરી વાર બેલ વાગશે કે નહીંપહેલી વાગે એટલે એક ભાઈસોપાનની ઑફિસમાં અંદર જવા તૈયાર થાયબાકીના અમે બે રાહ જોઈએ હવે કોઈ બેલ વાગવાની છે કે નહીંબીજી વાગ્યા પછી પહેલા ભાઈને રાહત થાય: હાશ, બચ્યાબાકીના અમે બે ત્રીજી બેલની રાહ જોઈએત્રીજી વાગે એટલે બીજા ભાઈને નિરાંત થાય. હું અંદર જાઉંજેવો પાછો આવું કે પેલા બે પૂછે, સાહેબ શું કહે છે?  અમારી બાબતમાં કાંઈ પૂછતા હતા કેસ્ટાફના માણસોએ શરૂઆતમાં ઑફિસનો ઉમરો બતાવીને મને સમજાવેલું કે લક્ષ્મણ રેખા છે. તમારે નોકરી ગુમાવવી હોય તો ઓળંગવી!” 

 

નોકરી કરવા માટે કોઈને ઘરે જવું મને જરા વિચિત્ર લાગ્યું. થોમસન ઍન્ડ ટેલરમાં કામ કરવા જતો ત્યારે ઑફિસમાં જતો હોઉં એમ લાગે, ફોર્ટમાં જવાનું, આજુબાજુ બેન્કોબીજી ઑફિસો, દુકાનો, રેસ્ટોરાં હોયસ્ટોરનો મોટો સ્ટાફ પણ ખરો  ઉપરાંત સાંજે છૂટો ત્યારે ફોર્ટના વિસ્તારમાં કંઈક પ્રવૃત્તિઓ ચાલતી હોયઆમાંનું અહી કંઈ મળે. કામ કરવાવાળા મને ગણીને ટોટલ ત્રણઇન, મીન ને તીન. ભાગ્યે કોઈ કોઈની સાથે વાત કરે. બાકીના બે જણ વારે વારે મારી સામે ઘૂરકીને જોયા કરે. એમને એમ કેસોપાને નવા માણસને એમના ઉપર જાસૂસી કરવા મૂક્યો છે.

 

સોપાનેમને પહેલું કામ આપ્યું એક અંગ્રેજી લેખનો અનુવાદ કરવાનું.  “ગાંધી, તમે કૉલેજમાં ભણેલા છો એટલે તમે અનુવાદ કરી શકશો.”  ‘રીડર્સ ડાયજેસ્ટકે એવા કોઈક મેગેઝીનમાં આવેલો લેખ હતો, “No man is a hero to his valet.” મેં એનો અનુવાદ કર્યો. એમને ગમ્યો. હું જો ભૂલતો હોઉં તો મારા નામઠામ વગરઅખંડ આનંદમાં છપાયો. મારું પહેલું લખાણ આમ મારા નામ વગર છપાયું!

 

હું બી.કોમ. હતો એટલેસોપાનમને કહે કે તમારે આપણું હિસાબ કિતાબનું કામ પણ સંભાળવાનું છે. પછી એમની એક દીકરીનો પરિચય આપતા કહે કે તમને સમજાવશે કે એકાઉન્ટ્સ બૂક્સ કેમ રાખવી. એની ઉંમર નાની છે પણ લાભુબહેને એને એવી ટ્રેનીંગ આપી છે કે ઇન્કમટેક્ષમાં પાસ થાય એવી બૂક્સ રાખી શકે છેપછી તો દીકરી મને એક પછી ઓર્ડર્સ આડી કે મારે શું શું કરવું. મને કઠ્યું. થયું કે હું તો સીડનહામમાંથી બી.કોમ. થયેલો છું, છોકરી મને શું એકાઉન્ટીન્ગ શીખવાડવાની હતીએમ પણ થયું કે જો મારે અહીં આવીને એકાઉન્ટીન્ગનું કામ કરવાનું હોય તો થોમસન ઍન્ડ ટેલર શું ખોટું હતુંમારે તો લેખક થવું હતું.

 

ત્રીજે દિવસે જ્યારે ફેમીલી કવાટર્સમાં કોઈ હતું ત્યારે એક કર્મચારી ભાઈ જે વરસોથી અહી નોકરી કરતા હતા તે મારી પાસે આવી, હળવેથી કહે, “ગાંધી, એવું મેં સાંભળ્યું કે તમે બી.કોમ. થયા છો, વાત સાચી?” મેં કહ્યું, “હા, હજી હમણાં ડીગ્રી  લીધી,” અને છાપ મારવા ઉમેર્યું,  “અને તે પણ સીડનહામ કોલેજમાંથી!”  કહે, “ભલા માણસ, તમે મૂરખ છોબી.કોમ.ની ડીગ્રી છે અને તે પણ સીડનહામમાંથી અને તમે અહીં નોકરી કરો છોતમારું શું ફરી ગયું છેભાગો અહીંથી લોકો તો તમારો દમ કાઢી નાખશે. આવી નોકરી તો જે લોકો અમારી જેમ ભણ્યા નથી એવા માટે છે. તમારી જેવી ડીગ્રી હોત તો હું તો કો મોટી બૅન્ક કે ઇન્શ્યુરન્સ કંપનીમાં ક્યારનોય  લાગી ગયો હોત!” ‘સોપાનને મળવા ગયો હતો ત્યારે જે વાત મને કહી હતી તે એકાએક યાદ આવી: “હું તમારું શોષણ નહીં કરું!”  હું ચેત્યો. ‘સોપાનના ઘરે એક અઠવાડિયામાં મને ખબર પડી ગઈ કે આમાં આપણું ઝાઝું વળે તમે નથી

 

બીજે અઠવાડિયે થોમસન ઍન્ડ ટેલરમાં નીચી મૂંડીએ પહોંચી ગયોત્યાં મહેતા સાહેબ મને પૂછે, “ક્યાં હતા ગાંધી તમે આખું અઠવાડિયું? અમને તો ચિંતા થઈતમારી તબિયત બગડી ગઈતી કે શું?”  મેં કહ્યું કેહા, સાહેબ, એકાએક , અને ઘરે ટેલિફોન મળે, એટલે તમને જણાવી નહી શક્યો.”  ભલા માણસે મારી વાત માનીઅને વળી પાછું મારું જમા ઉધાર કરવાનું કામ શરુ થઇ ગયું. આમ મારી જર્નાલીસ્ટ તરીકેની કારકિર્દી એક અઠવાડિયામાં પૂરી થઈ ગઈ.

 

 

હું થોમસન ઍન્ડ ટેલરમાં વળી પાછો જાણે કશું બન્યું હોય તેમ કામે લાગી ગયો. પણ સાવ સામાન્ય, બુક કીપીન્ગનો જોબ મને રાત દિવસ સતાવતો હતોસારી નોકરી માટેની મારી શોધ ચાલુ હતીદેશમાં એક વાર કાકાને મોઢે સાંભળ્યું હતું કે એમના એક નાનપણના ગોઠિયા મિત્ર વી. એચ. વોરા લંડન જઈને એક્ચ્યુઅરી થઈ  આવેલાઅત્યારે તે મુંબઈમાં લાઈફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા  (એલ.આઈ.સી.) માં મોટો હોદ્દો ધરાવતા હતામેં કાકાને લખ્યું કે મુંબઈ આવે અને મને વોરા સાહેબ પાસે લઈ જાય. એમની લાગવગથી એલ.આઈ.સી.માં જોબ અપાવી દે કારણ કે લાગવગ સિવાય સારી નોકરી મળવી શક્ય નથી.

 

કાકા મુંબઈ થોડા આવવાના હતાપણ એક ચિઠ્ઠી લખી મોકલાવીલખ્યું કે એને ઘરે જઈને ચિઠ્ઠી આપજેતને એલ.આઈ.સી.માં નોકરી મળી જશે. મેં ગોતી કાઢ્યું કે વોરા સાહેબ મુંબઈમાં ક્યાં રહેતા હતામુંબઈના મલબાર હિલના પોશ એરિયામાં એમના ઘરે એક સવારે વહેલો પહોંચી ગયોપણ હું પહોંચું તે પહેલાં વરસાદ ત્યાં પહોંચી ગયોમુંબઈના ધોધમાર વરસાદમાં બિચારી છત્રીનું શું ગજું તો કાગડો થઈ ઊડી ગઈવોરા સાહેબના ઘરે પહોંચ્યો ત્યારે કપડાં વરસાદના પાણીથી લદબદ હતાબેલ મારી. ઘાટીએ દરવાજો ઉઘાડ્યો. મેં એને કાકાની ભીંજાયેલી ચિઠ્ઠી આપીને કહ્યું કે સાહેબને મળવું છેએણે મારા દીદાર જોયા. કહે, ઇધર ખડા રહો ચિઠ્ઠી લઈ અંદર ગયોથોડી વારમાં બહાર આવીને કહે, સાહેબકો મિલને કે લિયે, કલ અગ્યારે બજે ફોર્ટકી ઑફિસમેં આના. આમ વોરા સાહેબના દર્શન કે નોકરી વગર હું એમના ઘરેથી નીકળ્યો

 

થોડું ઓછું આવ્યુંમને એમ કે વ્હાલથી બેસાડશે, કાકાના ખુશખબર પૂછશે. ચા પાણી નાસ્તો કરાવશેમુંબઈમાં મને એમની મદદની જરૂર પડે તો તેમને મળવા કહેશેજ્યાં સુધી મુંબઈમાં કાયમી વ્યવસ્થા થાય ત્યાં સુધી તેમને ત્યાં આવીને રહેવા આવવાનું  કદ્દાચ કહેશેઆમાંનું કંઈ થયું એનું આશ્ચર્ય તો થયું , રંજ પણ થયોજો કે બીજે દિવસે ઓફિસમાં આવવાનું કહ્યું એથી સાવ હામ હારીઓછામાં ઓછું જે કામ માટે ગયો હતો તે થાય, અને મને એલ.આઈ.સી.માં સારી નોકરી મળી જાય તો આપણે ગંગા ન્હાયા. એમને ઘર ગયાનું સાર્થક થાય.      

 

બીજે દિવસે એમની ફોર્ટની ઓફિસમાં પહોંચી ગયોથોડો વહેલો ગયેલોમારા એક મિત્ર શરદ પંચમીયા ત્યાં એલ.આઈ.સી.માં કામ કરતા હતા. એને પહેલો મળ્યોકહ્યું કે  હું તો વી. એચ. વોરાને મળવા આવ્યો છું. વોરા સાહેબ મને એલ.આઈ.સી.માં નોકરી અપાવાના છે. પંચમીયા તો આભા બની ગયા!   મને કહે કે તમારી મીટીંગ પતે અહીં પાછા આવજો. આપણે સાથે ચા પીશું બિલ્ડીંગના ટોપ ફ્લોર ઉપર વોરા સાહેબની ઓફિસ હતીહું તો કૂદતો કૂદતો બબ્બે પગથિયાં ચડતો ત્યાં પહોંચી ગયો

 

સેક્રેટરીએ મને વેઈટીંગ રૂમ બેસાડ્યો. બેઠો બેઠો હું મનમાં ગોઠવણી કરતો હતો કે હું એમને શું કહીશએમની ઉપર કેમ સારી છાપ પાડીશ. કેવી નોકરી, ક્યાં, કેટલા પગારની માંગીશ, વગેરે, વગેરેદસ મિનીટ, વીસ મિનીટ, અડધો કલાક, પોણો કલાક, કલાક, હું રાહ જોતો બેઠો રહ્યો. એક પછી એક એમ સૂટ, બૂટ, ટાઈ પહેરેલા ઓફિસરો આવતા જાય, પણ આપણો કોઈ ભાવ પૂછેગભરાતા, ગભરાતા સેક્રેટરીને પૂછ્યુંમારો નંબર ક્યારે લાગશેએણે મારી સામે જોયા વગર કહ્યું કે હજી બેસવું પડશેબેઠોદોઢ કલાકે મને અંદર બોલાવ્યોગયો. જોયું તો વોરા સાહેબ બહુ બીઝી લાગ્યા. મને કહે, તમને એક નામ આપું છું ભાઈને મળો તમને કામે લગાડી દેશેસેક્રેટરી તમને એનું એડ્રેસ આપશે. બે મિનિટમાં મીટીંગ પતી ગઈ!  

 

હું તો રાજીના રેડ થઈ ગયોનીચે પંચમીયા સાથે ચા પીવા ગયો. સેક્રેટરીએ જે માહિતી આપી હતી તે મેં એમને બતાડીતે જોઈ તો હસવા મંડ્યા. કહે, આવી  નોકરી તો હુંય તમને અપાવી શકુંમને સમજાવ્યું કે તો વીમા એજન્ટ થવાની વાત છેઆમાં તો તમારે ઘરે ઘરે જઈને લાઈફ ઇન્સ્યુરન્સ વેચવાનો છેહવે મારે આભા થવાનો વારો આવ્યો. છતાં વોરા સાહેબે કહ્યું હતું, એટલે ઓછામાં ઓછું જેમનું નામ આપ્યું હતું તેને મળવા ગયો ભાઈ મોટા વીમા ઓફિસર હતાએમનું કામ વીમા વેચનાર એજન્ટોને ટ્રૈન કરવાનું તો નવા નવા ઇન્સ્યુરન્સ એજન્ટ ગોતતા હતા. એમણે મને સમજાવ્યું કે વીમો કેમ વેચવો. કહે કે પહેલાં તમે તમારા સગાંવહાલાં અને મિત્રોને વહેંચો. બધા તમને ઓળખે, તમે એમને ઓળખોવીમો લેવાની વાત તમે કહેશો તે માનશે

 

એમની સલાહ મુજબ મુંબઈમાં રહેતા મારા ઓળખીતા લોકોનું લીસ્ટ બનાવ્યુંનક્કી કર્યું કે એમને એક પછી એક મળવા જવું અને વીમો લેવાનું કહેવુંબીજે દિવસે સવારે રવિવારે હું દૂરના એક માસાને મળવા ગયોરજાના દિવસે સવારનો વહેલો ગયો એટલે તેમને આશ્ચર્ય થયુંમને કહે, દેશમાં બધા બરાબર છેકોઈ મર્યું તો નથી ને? મેં એમને મારા આવવાનો હેતુ સમજાવ્યોપેલા વીમા એજન્ટે મને જે ગોખાવ્યું હતું તે બોલવાનું શરૂ કર્યું: જુઓ મુંબઈની પરાની ટ્રેનમાં લોકો જાન જોખમમાં મુકીને દરરોજ આવ જા કરે છેતમે પણ દરરોજ ટ્રેનમાં આવ જા કરો છોક્યારે શું થાય કહેવાય નહીં, એવું એવું બધું

 

માસાએ બધું સાંભળ્યા પછીમોટેથી બૂમ પાડી માસીને રસોડામાંથી બોલાવ્યાજો, નટુ આવ્યો છેઅને પછી પૂછ્યું, હું છેલ્લાં ત્રીસ વરસથી મુંબઈ ટ્રેનમાં રોજ આવ જા કરું છું, ક્યારેય ઘરે પાછો આવ્યો હોઉં એવું બન્યું છેમાસી શું બોલેપછી મને ચા પીવરાવી ને કહે, તું વીમાના રવાડે ક્યાં ચડ્યોવીમાના એજન્ટો તો કંઈક રખડે છેએમાં તારું કંઈ વળવાનું નથીકોઈ ધંધાની લાઈન હાથમાં પકડ તો બે પૈસા કમાઈશહું ચેત્યો. મારામાં વીમો કે બીજું કૈં પણ વેચવાની આવડત છે નહી.

 

પંચમીયા આગળ પાછો ગયોએમને પૂછ્યું, હવે મારે શું કરવું કહે, વોરા સાહેબ જઈને કહો કે તમારે તો એલ.આઈ.સી.ની ઑફિસમાં જોબ જોઈએ છેહું પાછો વોરા સાહેબને મળવા ગયોકીધું કે ઑફિસની નોકરીનું કાંઇક કરી આપોફરી વાર મળવા ગયો એમને નહીં ગમ્યુંકહે, કે માટે તમારે અરજી કરવી પડે, એક્ઝામ આપવી પડે, એવા જોબ માટે હજારો લોકોની લાઈન લાગેલી છેહું સમજી ગયો કે કંઈ મને એમ ને એમ એલ.આઈ.સી.ની નોકરી અપાવી દેવાના નથીજો કે પંચમીયાએ કહ્યું તેમ વોરાનો એક ઈશારો થાય તો મને  એલ.આઈ.સી.નો જોબ ફટ કરતા મળી જાયઆપણે તો પાછા હતા ત્યાં ને ત્યાંસદ્ભાગ્યે વખતે મેં મારો થોમસન ઍન્ડ ટેલરનો જોબ ચાલુ રાખ્યો હતો 

એક અજાણ્યા ગાંધીની આત્મકથા પ્રકરણ 14

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

 પ્રકરણ 14– જારેચા અમેરિકા ઉપડ્યા!

જમાનામાં લોકોને અમેરિકા જવાનો મોટો મોહ હતોઆંગળીના વેઢે ગણાય એટલા અમેરિકા જઈ આવેલા લોકોને હું ઓળખતો. તે વખતે અમને અમેરિકા માત્ર હોલીવુડની મુવીઓ અને લાઈફ ટાઈમ મેગેઝિનમાં જોવા મળતું . જો કે અમેરિકા વિષે જાણવાની ઉત્સુકતા ઘણી વખતે મુંબઈમાં હજી ટીવી પણ આવ્યું નહોતું, તો પછી સીએનએન વગેરે ટીવી શોજની વાત ક્યાં કરવી? આજે બધા શોજને કારણે લોકોને અમેરિકાની નવાઈ નથી રહી. કહો કે એનું  આકર્ષણ ઘટ્યું છેવધુમાં અમેરિકાની અવરજવર પણ વધી ગઈ છેદેશમાં ભાગ્યે કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગનું કે પૈસાદાર ઘર એવું હશે કે જેમાંથી કોઈક ને કોઈકદીકરો, દીકરી, ભાઈ, બહેન, જમાઈ, કે સાઢું એમેરિકામાં નહીં હોય. તે લોકો આવતા જતા હોય. વળી આવા સાધનસંપન્ન લોકો હવે તો અમેરિકામાં નિયમિત વેકેશન માણવા જાય છે

 

દરરોજ છાપાંમાં કોઈ ને કોઈના અમેરિકાગમનના ફોટાઓ સાથે સમાચાર આવે : “ફલાણાના દીકરા આજે મોડી રાતે એર ઇન્ડીયાના પ્લેનમાં અમેરિકાની અમુક યુનીવર્સીટીમાં એમ.બી..ના ઉચ્ચ અભ્યાસ કરવા માટે જવાના છે!”   એમનું અમેરિકાનું પ્લેન તો ઊડવાનું હોય ત્યારે ઊડે, પણ ભાઈ તો દિવસોથી ઊડતા દેખાયજેવી ખબર પડે કે કોઈ અમેરિકા જવાનું છે તો તુરત એના ભાવ ચડી જાયલોકો ઘરે જમવા બોલાવે. એરપોર્ટ ઉપર એમને વળાવવા માટે સગાંવ્હાલાં અને મિત્રોનું ધાડું પહોંચી જાયમારા જેવા હરખપદુડા લોકો પણ એરપોર્ટ પહોંચે. બધા વચ્ચે હારતોરા સાથે  ભાઈના ફોટા પડેબીજે દિવસે ઘરના બધાં છાપું ઉત્સુક થઈને જુએ કે શું આવ્યું છે.

 

અમેરિકા જવા માટેની ઘણી વસ્તુઓની જરૂર પડે: એડમીશન, વિસા, પાસપોર્ટ, ફોરેન એક્ષ્ચેન્જતે બધું મેળવતા નાકે દમ આવી જાય. બાબતમાં મદદ કરવા કેટલાક હોશિયાર માણસો કન્સલ્ટીંગનો ધંધો કરતાએક કન્સલટન્ટની બાબતની ધીકતી પ્રેક્ટીસ ચાલતી હતી. તેને મળવા જારેચા જવાના હતા. મને કહે ચાલો, મારી સાથેહું પણ ગયો. કન્સલટન્ટને મળ્યા ત્યારે ખબર પડી કે અમેરિકા જવું એટલે બેગમાં કપડા ભરીને એરપોર્ટ ઉપર જઈને હારતોરા લઈને પ્લેનમાં બેસવાની માત્ર વાત નથીમોટી વાત તો અઢળક પૈસા જોઈએ એની હતીઅમેરિકા ભણવા જવા માટે જે લાખો રૂપિયાની જરૂર પડે તે ક્યાંથી કાઢવા? એકડો જો પહેલાં લખાઈ જાય તે પછી બીજા મીંડાઓનું મહત્ત્વ હતું.   

 

જારેચાના પિતાશ્રી એમની નાતના અગ્રણી સેવક હતા. એમની ઇચ્છા એવી કે નાતમાંથી પહેલું અમેરિકા જનાર તો તેમનો દીકરો હોવો જોઈએઆમ તો માસ્તર હતા, પણ નાતનું બહુ કામ કરતાનાતમાં એમની આબરૂ મોટીનાતના ખમતીધર લોકોને કહ્યું કે આપણે હવે સંકુચિતતા છોડીને નવી પેઢીને આગળ અભ્યાસ માટે પરદેશમાં મોકલવી જોઈએ. જુઓ, મારો નવીન બી.કોમ. થયો છે. મારે એને અમેરિકા મોકલવો છે ત્યાં જશે તો નાતનું નામ ઉજાળશેઠરીઠામ થઈને નાતના બીજા છોકરાઓને પણ બોલાવશે. વાત એમને નાતના શેઠિયાઓને ગળે ઉતારી. નાતના લોકોએ ભેગા થઈને જારેચાના અમેરિકા જવા માટેનો ફંડફાળો ભેગો કર્યો મોટું કામ પત્યા પછી પાસપોર્ટ, વિસા, બોટની ટિકિટ અને ફોરેન એક્ષ્ચેન્જની પણ વ્યવસ્થા થઈ ગઈપેલા કન્સલટન્ટની મદદથી એમને એટલાન્ટા યુનીવર્સીટીમાં એડમીશન મળ્યુંજારેચાનું અમેરિકા જવાનું આમ નક્કી થયુંચોપાટીના મોટા રેસ્ટોરાંમાં નાતનો મોટો સમારંભ થયો. તેમના મિત્રને નાતે હું પણ ગયેલો. નાતના શેઠ લોકોએ ભાષણો કર્યાં. હારતોરા થયા. બીજે દિવસે બોટ પર એમને વળાવવા ગયો. બોટ ઊપડી ત્યાં સુધી હું પીઅર ઉપર ઉભો રહ્યો

 

પાછા વળતા આખે રસ્તે હું વિચાર કરતો હતો કે આમ મારું કયારેય અમેરિકા જવાનું થશે ખરું કેજારેચા અમેરિકા જાય તો હું કેમ જાઉંપણ હું અમેરિકા જઉં પહેલાં તો મારે બી.કોમ. થવાનું છે. એનાં હજી બે વરસ બાકી છેજારેચા જેવા બી.કોમ. થયા કે તેમના બાપાએ દીકરાને અમેરિકા મોકલવા માટે ખાસ દેશમાંથી મુંબઈ આવીને નાતના અગ્રગણ્ય શેઠિયાઓને મળીને પૈસા ઉભા કર્યા અને છોકરાને અમેરિકા મોકલ્યોમારે તો કાકાના કાગળો રોજ આવતા હતા. એમાં હરી ફરીને એક વાત હોય.   કૉલેજ પૂરી થવાની કેટલી વાર છેએમની ઇચ્છા હતી કે જલદી જલદી હું ભણવાનું પૂરું કરું, નોકરી કરવા માંડું અને દેશમાંથી ભાઈબહેનોને મુંબઈ બોલાવું અને ઠેકાણે પાડું. ટૂંકમાં બી. કોમ. થઈને મારે તો નોકરી કરવાની હતી, મુંબઈમાં સેટલ થવાનું હતું, અને દેશમાંથી બધાને બોલાવાના હતા. જારેચા સાથે મારી સરખામણી થાય.

 

જારેચા અને ભટ્ટના ગયા પછી કૉલેજમાં મને સૂનું સૂનું લાગવા માંડ્યુંબી.કોમ.નું ભણવામાં મને કોઈ રસ નહોતો જમાનામાં સીડનહામ કોલેજ બહુ વખણાતી. મુંબઈની ઉત્તમ કૉમર્સ કૉલેજ ગણાતી. એના પ્રોફેસરોની ખ્યાતિ બહુ હતી. પ્રિન્સિપલ  કે. ટી. મર્ચન્ટ મોટા ઈકોનોમિસ્ટ તરીકે પ્રખ્યાત હતા, અને પ્લાનિંગ કમિશનસાથે સંકળાયેલા હતા. તે ઉપરાંત મરાઠીના જાણીતા સાહિત્યકાર ગંગાધર ગાડગીલ અમને ઇકોનોમિક્સ ભણાવતા, અને કવિ પી.એસ. રેગે સિવીક્સઆમાંથી કોઈને ભણાવવામાં કે વિદ્યાર્થીઓમાં રસ નહોતો. ક્લાસમાં આવે, ભાષણ કરીને ચાલતા થાય. એક પ્રોફેસર  તો લેક્ચર કરતા કરતા રોજ રીતસરનાં બગાસાં ખાય. ઈંગ્લીશના એક પ્રોફેસરે  જ્યોર્જ બર્નાર્ડ શોના પીગ્મેલીયન નાટકને બોરિંગ કરી નાખ્યું!   નાટક શું છે તોમાય ફેર લેડીફિલ્મ જોઈ ત્યારે ખબર પડી.

 

બધાની જેમ ગાઈડો વાંચી ગોખીને હું એકઝામમાં પાસ તો થયો, પણ પછી શુંમારી સાથેના બી.કોમ. થયેલાઓમાં જે પૈસાપાત્ર હતા તે તો અમેરિકા જવાની તૈયારી કરવા મંડ્યા, બાકીના જે સગવડવાળા હતા તે ચાર્ટર્ડ એકાઉન્ટીન્ગનું કરવામાં લાગી ગયાજેમને બાપધંધો હતો તે તેમાં લાગી ગયા. જેમને સારી લાગવગ હતી તે બેંક કે કોઈ મોટી ફોરેન કંપનીમાં લાગી ગયા. અને હું બેકાર થયોઅને સાથે સાથે રહેવાનું ઠેકાણું પણ ખોયુંકૉલેજ પૂરી થઇ એટલે મારે નાતની બોર્ડીંગમાંથી નીકળવું પડ્યુંઆમ મારે માત્ર નોકરી નહોતી શોધવાની, સાથે સાથે રહેવા માટેનું કોઈ ઠેકાણું પણ શોધવાનું હતુંબોર્ડીંગમાં નાના ગામમાંથી આવેલા બીજા વિદ્યાર્થીઓ પણ મારી જેવી મુશ્કેલીમાં હતાકૉલેજની ડીગ્રી લઈ લીધા પછી અમારે બધાએ બોર્ડીંગ છોડવાની હતી. મારા જેવા ઘરબાર વગરના ચાર છોકરાઓ ભેગા થઇને અમારામાંથી એકના સગાનો ફ્લેટ ખાલી પડ્યો હતો ત્યાં રહેવા ગયાજોકે ફ્લેટ ચાર મહિના માટે મળ્યો હતો, પણ હાલ પૂરતી તો વ્યવસ્થા થઈ. પછી જેવા પડશે એવા દેવાશે હિસાબે રહેવા ગયા. અને મેં નોકરીની શોધ શરુ કરવા માંડી.

 

મારી પાસે બાપદાદાનો કોઈ મોટો ધંધો મુંબઈમાં હતો નહીં, પૈસા તો હતા નહીંકોઈ ઓળખાણ કે લાગવગ મળે, તો પછી મુંબઈમાં નોકરી કેવી રીતે મળેટાઈમ્સ વાંચવાનું ચાલુ હતું. એમાં વોન્ટ એડ જોવાનું શરૂ કર્યું. દરરોજ ઓછામાં ઓછી એક એપ્લીકેશન તો કરવી એવું નક્કી કર્યું. સારા કાગળ લઈ આવ્યો. ક્યાંય પણ કૉમર્સનું  ભણેલાની જરૂર હોય એવું લાગે કે તુરત રીસપેક્ટેડ સરથી શરૂ કરીને સારા અક્ષરે એપ્લીકેશનનો કાગળ લખતો અને સાથે બણગાં ફૂકતું રેજુમે તૈયાર હતું તે મૂકતો જમાનામાં ટાઈપ રાઇટર હતા, પણ લેવાના પૈસા હોતાઅને ટાઈપ રાઇટર હોય તો પણ ટાઈપ કરતા આવડવું જોઈએ નેએપ્લીકેશન હાથે લખ્યા સિવાય કોઈ છૂટકો હતો. પછી ચાલતો ચાલતો ટાઈમ્સના ફોર્ટમાં આવેલા મોટા બિલ્ડીંગની બહાર ચકચકતા પીળા બોક્સમાં એપ્લીકેશન નાખી આવતો.     

 

ભાગ્યે કોઈ જવાબ આવે. અને જો આવે તો સમજવું કે કોઈ મોટી બેન્ક કે ઇન્સ્યુરન્સ કંપની અથવા તો કોઈ ફોરેન કંપનીનો હોય. જો કે જવાબમાં મોટે ભાગેના હોય, અને તે પણ ફોર્મ લેટર હોયક્યારેક ઈન્ટરવ્યુમાં જવાનું થાય તો ખુશી થાઉં. મનમાં અને મનમાં અનેક સવાલજવાબ તૈયાર કરુંઇન્ટરવ્યુના દિવસે સવારના વહેલાં ઊઠી કપડાંને ઈસ્ત્રી કરાવરાવુંટ્રેનને બદલે બસમાં જાઉંટ્રેનની ગિરદીમાં કપડા ચોળાવાનો ભય. કંઈક કેટલીય એપ્લીકેશન કરી કેટલાય ઈન્ટરવ્યુ આપ્યા, પણ નોકરીનો કોઈ પત્તો ખાધો નહીં. નોકરીની શોધમાં આખું મુંબઈ  ફરી વળ્યો

 

ટાઈમ્સમાં ડ્રાઈવર માટે બહુ વોન્ટ એડ આવતી, પણ આપણને ડ્રાઈવિન્ગ કરતા આવડવું જોઈએનેબાઈસીકલ જો નથી આવડતી તો કાર ચલાવાની વાત ક્યાં કરું? એક વાર એમ પણ થયેલું કે ચલોડ્રાઈવિંગના ક્લાસ ભરુંગલ્ફના દેશોમાં ભણેલા માણસોની જરૂર હતી તો થયું કે ચાલો, પાસપોર્ટ કઢાવીએ અને નોકરી જો મળી જતી હોય તો ગલ્ફ ઉપડીએ. જમાનામાં હજી કમ્પુટર આવ્યા નોતા. ટાઈપ રાઈટર અને ટાઇપિસ્ટોની બોલબાલા હતી. દરેક નાની મોટી ઑફિસમાં કોરસ્પોંડસ અને ઇન્વોઇસ તૈયાર કરવા માટે  ટાઇપિસ્ટની બહુ જરૂર હોય. એટલે ટાઇપિસ્ટોની મોટી માંગ હતી. પણ આપણને ટાઈપીંગ ક્યાં આવડતું હતુંઆખરે ટાઈપીંગ ક્લાસ પણ શરૂ કર્યામને એમ થયા કરતુ હતું કે જે સ્કીલ્સની નોકરીના બજારમાં ખાસ જરૂર છે તેમાંનું મને કંઈ આવડતું નથી, અને જે કંઈ આવડે છે તેની કોઈ ડીમાંડ નથી. મને વારંવાર થતું કે મેં બી. કોમ થઇને શું કાંદો કાઢ્યો? કરતાં જો મારકેટમાં ચોંટી રહ્યો હોત તો કોઈ લાઈન હાથ લાગી હોત ચાર વરસો કૉલેજમાં બગાડ્યાં તેને બદલે કદાચ કોઈ ધંધો શીખ્યો હોત. પણ હવે મારકેટમાં થોડું જવાય છે? બી.કોમ થયા પછી ગુમાસ્તા કેમ થવાય?

 

ઘણી વાર મેઘનાદ ભટ્ટને મફતલાલ મિલની એમની ઑફિસમાં મળવા જાઉં.  તપાસ કરું કે એમને ત્યાં કોઈ નોકરીની શક્યતા ખરી કેએક વાર કહે કે અહી મફતલાલમાં નોકરી મળવી મુશ્કેલ, પણ મારા એક મિત્ર મહેતા અહીંથી હમણાં નોકરી છોડીને થોમસન ઍન્ડ ટેલર નામના નવા ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં ચીફ એકાઉન્ટટન્ટ તરીકે જોડાયા છે. તમારી ઇચ્છા હોય તો તેમને વાત કરું, જો ત્યાં કોઈ જગ્યા હોય તોમેં  કહ્યું, ભાઈસાહેબ, કંઈક કરો નેએમને કહો કે મહેરબાની કરીને મને રાખી લે. કોઈ પણ પગાર ચાલશે. એમણે મહેતાને વાત કરી. હું મહેતા સાહેબને મળવા ગયો. કહે આવતી કાલથી આવી જજો. પગાર મળશે મહિનાનો દોઢસોનો. હું તો રાજીના રેડ થઈ ગયોઆમ મને નોકરી મળી પણ આખરે ઓળખાણથી . ખંતથી સારા અક્ષરથી જે એપ્લીકેશન કરી હતી તે બધી નકામી નીવડી.

 

અમદાવાદના એક શ્રીમંત કુટુંબનો દીકરો અમેરિકા જઈને રીટેલ સેલ્સ મેનેજમેન્ટનું ભણીને એમ.બી..ની ડીગ્રી લઈ આવ્યો હતોબાપા ને થયું કે દીકરો અમેરિકાનું ભણીને આવ્યો પણ એને ઠેકાણે કેમ પાડવો? રાજકુંવર કહે મારે મુંબઈમાં એક મૉડર્ન ડીપાર્ટમેન્ટ સ્ટોર કરવો છે સમયે મુંબઈમાં એક ડીપાર્ટમેન્ટ સ્ટોર હતો, અકબરઅલી ઇબ્રાહીમજી નામે. અમેરિકન દૃષ્ટિએ મૉર્ડન ગણાય.  “ તો કોઈ દાણા બજારની દુકાન જેવો છે.”  એનું માનવું એવું હતું કે જો મુંબઈમાં કોઈ અદ્યતન, અમેરિકન સ્ટાઈલનો ડીપાર્ટમેન્ટ સ્ટોર શરૂ કરે તો અકબરઅલી પડી ભાંગશે, અને એનો  નવો સ્ટોર જામશે!

 

વાત એણે પોતાના શ્રીમંત બાપને ગળે ઉતારી. બાપને થયું કે કદાચ રીતે છોકરો ઠેકાણે પડશે. બાપા હતા ખમતીધર. જે કાંઈ પૈસાની જરૂર હતી, તે કાઢી આપ્યા. અને  કાલાઘોડા ઉપર થોમસન ઍન્ડ ટેલર નામે મોટે ઉપાડે ધામધૂમથી ડીપાર્ટમેન્ટ સ્ટોર શરૂ થયોમૂળમાં તો દવાની પ્રખ્યાત મોટી દુકાન હતી તે લઈ તેને વધારીને તેનો સ્ટોર કર્યો. અમેરિકન સ્ટાઈલ મુજબ વસ્તુઓના જુદા જુદા કાઉન્ટર બનાવાયાદાસના રસગુલ્લા, શુજ, પરફ્યુમ, રેડીમેડ શર્ટસ, વગેરે, અને  જુદા જુદા સેલ્સમેન રખાયાપર્ફ્યુંમના કાઉન્ટર ઉપર રૂપાળી અને  મીઠાશથી અંગ્રેજી બોલતી પારસી અને ક્રિશ્ચિયન છોકરીઓ મૂકી

 

ઉપરાંત દવાની દુકાન તો ચાલુ હતી. ફાર્મસીમાં વરસોથી કામ કરીને રીઢા થઈ ગયેલા કર્મચારીઓ તો છોકરાઓની રમત હોય એમ જોઈ રહ્યા હતાએમને થયું કે જો પોતે કોઈ હા ના કરશે તો જોબ જાશે. જમાનામાં આવો જોબ એમને બીજે ક્યાં મળવાનો છેનક્કી પગાર તો ખરો , પણ સાથે સાથે ડ્રગ કંપનીઓ એમને જેટલો માલ વેચાય તેનું કમીશન સાઈડમાં આપેતે ઉપરાંત બધા મળી ગયેલાદરરોજ સાંજે ઘરે જાય ત્યારે કોઈ મોંઘી દવા ખીસામાં મૂકી દે. ડોરકીપર પણ આમાં ભળેલો. એમને જવા દે. કમિશન અને દવાની રોજની તફડંચીની ઉપર કેબીનમાં બેઠેલા નાદાન જુવાનિયા મેનેજરોને કાંઈ ભાન નહીંઘણી વાર એમને હું ફાર્મસીમાં  નીચે  મળવા જતો ત્યારે મને સાનમાં સમજાવતા.  “ગાંધી, તમે બીજી નોકરી શોધવાનું ચાલુ રાખજો અમેરિકન ધતિંગ ઇન્ડિયામાં લાંબું નહીં ચાલે! જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તમાશો જુઓ અને મજા કરો.”  એમની વાત સાવ સાચી પડી. થોડાંક વરસોમાં થોમસન ઍન્ડ ટેલર સ્ટોર ઉઠી ગયો અને અકબરઅલી હજી પણ ધીકતો ધંધો કરે છે. આમ અમેરિકામાં એમ.બી.. થયેલા લખપતિના હીરાએ ખરેખર લાખના બાર હજાર કર્યાપણ   શ્રીમંત બાપ આગળ બીજા કૈંક લાખો રૂપિયા પડ્યા હતાકાનખજૂરાનો  એકાદ પગ ઓછો થયો તો શું થઈ ગયું?

 

પણ મને તો સ્ટોરમાં નોકરી મળી મોટી વાત હતીકામ જમાઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાનું હતુંએમાં કોઈ બી.કોમ.ની ડીગ્રીની જરૂરિયાત નહોતીપણ મારી પાસે કોમર્સની ડિગ્રી હતી તો જોબ મળ્યોરતિભાઈની વાત સાવ સાચી હતી. મારી પાસે જો આર્ટસ કોલેજની ગુજરાતી સાહિત્યમાં બી..ની ડિગ્રી હોત તો હું હજી રખડતો હોતમૂળ તો જમાનામાં જોબ હતા નહીં. અને જે કોઈ થોડાં ઘણાં હતાં તેને માટે લાગવગની જરૂર પડતી.

 

ડિગ્રી હોવા છતાં જેવી તેવી પણ નોકરી મેળવતાં નાકે જે દમ આવી ગયો એટલાથી ખબર પડી કે દુનિયામાં કેટલે વીસે સો થાય છે. વધુમાં એક કડવી વાત સમજાણી કે હું ભલે મુંબઈની સભાઓમાં આંટા મારું ને મોટા મોટા સાહિત્યકારોને મળું કે કૃષ્ણ મેનન કે આચાર્ય  કૃપલાની સાથે દેશના ભવિષ્યની ચર્ચા કરું, પણ બધી વાતોથી ઘરે છોકરા ઘૂઘરે રમે નહીં. ક્યાં દોઢસો રૂપરડીની નોકરી અને ક્યાં બધી કૉલેજનાં વરસોમાં સેવેલી મહત્ત્વાકાન્ક્ષાઓ? મને થયું કે આવી બે બદામની નોકરી શોધતાં મારે નાકે જો દમ આવી જાય છે તો હું શું દેશસેવા કરવાનો હતોમુનશીમેનન, કૃપલાની, રાધાકૃષ્ણ, નહેરુ, અશોક મહેતા વગેરેની બધી મોટી મોટી વાતો છોડી દો, ભાઈ!   બધી વાતો તો શેખચલ્લીના ચાળા અને રમત છે.

 

કૉલેજનાં વરસોમાં સેવેલી મહત્ત્વાકાન્ક્ષાઓએ મારા મગજમાં મારી વિશિષ્ટતાનું જે ભૂસું ભરેલું  તે બધું કરવા જેવી નોકરીએ કાઢી નાખ્યુંફાર્મસી વાળાઓની વાત મને ગળે ઊતરી ગયેલી. વધુમાં હું તો અકાઉન્ટન્ટ ને? સ્ટોરની  આવક જાવક જોતો અને થતું કે ગાડું લાંબુ ચાલે નહીંઆપણે આપણો વિચાર કરવાનો છે. સારી નોકરી ગોતવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો છેટાઈમ્સ જોતા રહેવાનું છે અને મિત્રોને પણ કહેતા રહેવાનું કે ભાઈ આપણું કંઈ થાય તો જોજો.