કૌશિક ચિંતન: ૧૩

કૌશિક ચિંતન: ૧૩

Kaushi Amin

જિંદગીને સમજવા લાગીએ છીએ ત્યાં સુધીતો જીવન પૂર્ણ થવા પર હોય છે. હજી એમ લાગે કે, પહેલું કદમ પણ આપણે માંડ્યું નથી ! જીંદગી જીવવાની કલા હજી આપણને આત્મસાત્ થઇ હોતી નથી. વિવેકબુદ્ધિથી આપણે ચિત્તને એકાગ્ર રાખવાના પ્રયાસ કરીએ છીએ. સમાજે સ્થાપેલાં શ્રેષ્ઠતમ મૂલ્યોને અનુસરીને જીવનને ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ચિત્ત ચંચળ છે. એકાગ્ર કરવાના લાખ પ્રયત્ન છતાં તે સતત વિચલિત થતું રહે છે. એ વિચલન સાથે જીવનને ગોઠવવાના પ્રયાસ જીવન પ્રવાહને સતત બદલતા રહે છે. જીવન એ તો વહેતો પ્રવાહ છે.

આપણે ક્યારેક આ પ્રવાહમાં તણાઈ આવતી હિમશિલા જેવા બની રહીએ છીએ. જો વહેણની સાથે રહેવા ઉપરાંત તેના કિનારાઓને, જનજીવનને માણીએ, કિનારા પરથી પસાર થતી ગોવાલણ કન્યાના ગોપીગીતને  કે પછી તેના ડચકારાને કે પછી ખળભળ વહેતા પ્રવાહના દ્વનીને માણીયે તો જીવનની સાર્થકતા અનુભવાય છે પરંતુ પથ્થર હૃદયની જેમ પાણીના વહેણ સાથે તણાયાજ કરીએ તો તો જીવન અધુરુંજ રહેવાનું છે..!

જીવન લાલસાઓથી ભરપૂર હોય છે. જે હાથવગું છે એનો આનંદ ના હોય, અને નથી એના ઓરતા રહે છે. હાથવગી સવલતોને આનંદસહ માણવી રહી, અને જે અધૂરપ છે તેને પામવાનો પ્રયાસ સતત જારી રાખવો રહ્યો. વ્યક્તિમાંથી માનવી બનવાનો પ્રયાસ સતત કરવો રહ્યો. જડ હિમશીલાવત જીવન વ્યક્તિને કદાપિ  માનવ બનવા નહીં દે..! વસ્તુઓ સાધન છે, જીવન સાધ્ય છે. સિદ્ધિ સાધના પર આધારિત નથી હોતી, પરંતુ તે પોતાના અંતરમાં ઘરબાયેલા સત્વ પર આધારિત હોય છે.

જીવનને ઉન્માદ કે જડતાથી જીવવાના બદલે, સાદગીપૂર્ણ સરળ રીતે જીવવું રહ્યું. એકમેકના સાથથી સફળ બનાવવું રહ્યું.

આજ તો મોક્ષનું શિખર છે..!  

સૌજન્યઃ જાગૃત જીવન

ગુજરાત સર્પણ ન્યુ જર્સી

પ્રેષકઃ વિજય ઠક્કર.  

કૌશિક ચિંતન: ૧૨

Kaushi Amin

કૌશિક ચિંતન: ૧૨

મહત્વાકાંક્ષા વિનાનું જીવન રગશિયા ગાડા જેવું છે. રોજેરોજ આવી પડતી જવાબદારીઓમાં જ અટવાયેલા રહીએ છીએ આપણે. આવા વખતે જીવના નિર્ધારિત લક્ષ મનમાં સતત ઢાંકેલા ન રાખ્યાં હોય તો જીવન સાવ એમ જ વીતી જાય છે. મહાપુરુષો, વિશિષ્ટ ક્ષેત્રના અગ્રણીઓ અને સામાન્ય પ્રજાના ભેદ આપણે નરી આંખે પારખી શકીએ શકીએ છીએ. આ પૈકીમાં આપણે ક્યાં છીએ એ સહજ રીતે જ નક્કી જોઈ શકીએ છીએ.

આપણે ક્યાં પહોંચ્યા છીએ તે, જો આપણે પારખી શકીએ તો આપણા નિર્ધારિત લક્ષને પ્રાપ્ત કરવાની પ્રેરણા, પ્રોત્સાહન અને એષણા આપોઆપ સ્ફૂરશે.

પરંતુ એ સાથે આપણે આપણી મર્યાદાઓને પણ જાણવી રહી. દોડવાની ગતિ હરણમાં પણ છે અને ચિત્તામાં પણ. આ બે પૈકી આપણે ક્યાં છીએ તે નક્કી કરવું રહ્યું. આપણી ગતિ સામાન્ય ચાલવાનીજ જો હોય, તો દોડવાની વાત ભૂલી જવી રહી, ને તો પછી હરણ કે ચિત્તાની સરખામણી પણ ક્યાં રહી ? મનના મનોરથ અને મનની આકાંક્ષાઓ લોભની ભેદરેખા સમજવી રહી. સ્વાર્થવૃત્તિ, વાસના, અસંતોષ જેવા કેટલાક પરિણામોને પારખવાં રહ્યાં.

લક્ષપ્રાપ્તિ સુધી પહોંચવામાં અનેક વિટંબણાઓ અને અમર્યાદ પીડાઓને પાર કરવી પડે છે. લક્ષ સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. આપણી ઇચ્છાઓની પૂર્તિ સામે આવતાં આ દુઃખ, દર્દ, વિટંબણાઓને પાર કરી જઈએ તો લક્ષ પ્રાપ્તિની અનુભૂતિ અનેરી આહલાદક બની રહે છે. રોમ રોમ આનંદદાયક બની રહે છે.

દૂરનાં અપ્રાપ્ય લક્ષને પામવાની મથામણ કરતા પહેલાં, નજીકનાં હાથવગાં લક્ષને અંકે કરી લઈએ. લક્ષ માર્ગના ચઢાણમાં આ જ તો પગથિયાં છે !

                                                                                      – કૌશિક અમીન

સૌજન્યઃ  જાગૃત જીવન – ગુજરાત દર્પણ ઓદ્સ્ટ ૨૦૧૬  

કૌશિક ચિંતન ૧૧

કૌશિક ચિંતન ૧૧

Kaushi Amin

રોજ આપને એક યા બીજી પ્રવૃત્તિ સાથે દિવસ પસાર કરીએ છીએ. આપણી રોજીંદી પ્રક્રિયાઓ સાથે, આજીવિકા માટેની કામગીરી કે પારિવારિક કે સામાજિક સંબંધોમાંથી પસાર થતી કામગીરી આમાં સમાય છે, પરંતુ વ્યક્તિગત રીતે આપણે ક્યારેય વિચાર્યું છે ખરું કે આપણી આ કામગીરીનો હેતુ શું છે..?એનાથી કોને કેટલો લાભ થાય છે ? આમાંની મોટાભાગની પ્રવૃત્તિઓના કેન્દ્રમાતો આપણે જાતે જ હોઈએ છીએ. મહદ અંશે તેના લાભાર્થી પણ આપણે જ હોઈએ છીએ. જો તેનો ફલક થોડો  વિસ્તરે તો તેનો  પ્રથમ લાભ પરિવાર પુરતો મર્યાદિત હોય છે. ક્યારેય આપને પરિવારને પાર પડોશી કે આપણા નજીકના સમુદાય, પોતાના વિસ્તારથી દેશ કે રાજ્ય કે દેશ સુધી કે વૈશ્વિક ફલક સુધી આપણે કાર્યવિસ્તાર વધે તેવી કલ્પના કે ખેવના ક્યારેય કરી છે ખરી ? ક્યાંક માત્ર એકલાનુંજ ભલું થાય તેવા કેન્દ્રવર્તી વિચારને વધુ સુદ્રઢ બનાવી “ વાર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો” ની વૃત્તિમાં આપને અટવાઈ-ભરમાઈ જતા નથી ને?

માનવીનો અહમ આ બધીજ પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાને રહે છે. ‘હું’ પ્રબળ બને અને કાવાદાવામાં અટવાઈ જઈએ તેને બદલે ‘હું’ને બાકાત રાખીએ અને ‘આપણને’ કેન્દ્રમાં મુકીએ  તો આપણેજ નહિ પણ પરિવાર અને સમાજ્ના રોજીંદા વ્યવહાર પણ સીધા અને સરળ બની રહે. આપણી પ્રવૃત્તિઓને પોતાના પૂરતી સીમિત કે માર્યાદિત ના બનાવતાં સર્વલક્ષી બનાવવી રહી.અહમ પ્રેરિત અને અહમ પોષિત પ્રવૃત્તિઓ માનવીને મોક્ષ માર્ગથી વિચલિત કરે છે. આ વિચલન વ્યક્તિને પોતાના પુરતી મર્યાદિત બનાવે છે તેને વિશ્વ કે બ્રહ્માંડ સાથે સાંકળી શકાતી નથી.

બ્રહ્માંડમાં, માત્ર આપણે એક જ નથી. આપની આસપાસ સુક્ષ્મ જીવો,પશુપંખીઓ, જળ,વન,સાગર,પર્વત, વિશાળ જનસમુદાય, વિશાળ બ્રહ્માંડ છે. આપણી દ્રષ્ટિને જો પોતાના પૂરતી જ માર્યાદિત રાખીશું તો આ બધા પર નજર ક્યારે પડશે.? આપને તેમની ખેવના કે મદદ ક્યારે કરીશું ? કાન આંખ અને મન હંમેશા ખુલ્લા રાખીએ …મોક્ષ માર્ગના તે સહયાત્રી છે..!

સૌજન્યઃ

કૌશિક અમીન

 જાગૃત જીવન……

“ગુજરાત દર્પણ” જુલાઈ ૨૦૧૬

કૌશિક ચિંતન : ૧૦

Kaushi Amin

કૌશિક ચિંતન : ૧૦

માનવી જ્યારે ખોટું કરે છે ત્યારે ઘણીવાર મનમાં વિચારે છે,જે થાય છે તે થવા દો અને પછી એ સતત ચાલતી પેલી ખોટું કર્યાની પ્રક્રિયા માટે સગવડીયા કારણો પણ હાથવગા રાખવાની દિલી જહેમત પણ કરે છે !

ખરેખર તો સારું-ખરાબ બધું જ આપણી ભીતર જ છે ! દેવ, દાનવ અને માનવ એ ત્રણ આપણા મૂળભૂત લક્ષણો છે. અનેક સ્વરૂપ આપણી ભીતર છે ! સમય સંજોગ અને મતિ( બુદ્ધિ) આપણને દૈવી કે દાનવીય કર્મો કરાવે છે. આપણા દરેક કાર્ય કે કરતૂતો માટે આપણે જ જવાબદાર છીએ, અને એટલેજ આપણી પાસે એવાંજ  બેસુમાર બહાનાં આપણી કરણીને  વ્યાજબી ઠરાવવા હાથવગાં રાખીએ છીએ ને ! સામેની વ્યક્તિ કરતાં આ બધીજ વાર આપણે આપણી જાતને જ આ બહાનાઓથી સમજાવતા રહીએ છીએ. પરંતુ સત્ય સામે આ મથામણ વાંઝણી પૂરવાર થાય છે. બચાવની મથામણમાં આપણે હૈયાની વાતને હોઠ સુધી લાવી શકતા નથી. આભાસને આપણે આભામાં ફેરવીએ છીએ અને પછી, તદ્દન  ઠોકશાહી ચલાવીને કહી દેતાં પણ અચકાતા નથી, ’ મારી મરજીની વાત છે ! ‘

માનવીનું મન સદપ્રવૃત્તી કે ગુન્હાહિત કર્મ કરવા સહજ ભાવથી જ પ્રેરાતું હોય છે. સાચા અને જુઠ્ઠાની વચ્ચે બહુજ પાતળી ભેદરેખા છે અથવા એમ પણ કહી શકીએ કે એક જ સિક્કાની બે બાજુઓ છે. આપણને ખુદને જ્યારે અસમર્થ હોવાનો અહેસાસ થાય તેવી પરિસ્થિતિમાં અપરાધભાવ આપણા મન પર સવાર થાય છે અને ત્યારે મનને જે અનુકુળ લાગે તે જ સાચું છે તેવા ભાવ સાથે આપણે આપણા કર્મોને ઢાળીએ છીએ. હું દુર્વ્યવહાર આચરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું , આ જાણવા છતાં, આપણે પોતેજ ભારેખમ મૌન પાળીને રહીએ છીએ. મનોમન પોતાને દિલાસો પણ આપીએ છીએ.

સંબંધના સમીકરણમાં હું હંમેશાં તમારી સાથે જ છું નાં ઠાલાં વચનો આપીએ છીએ. આશ્વાસનોની વણઝાર લાદીએ છીએ, પણ મનની અંદર જ સચ્ચાઈની જાણ હોય છે. પોતાના જ અનેક પ્રશ્નો છે તે તરફ અને પોતાના કામ તરફ પણ ધ્યાન આપવાની જરૂર હોય છે., પરંતુ આપણે પેલા ટોળામાં “ તમારી સાથે હંમેશાં હોઉં છું “ના ભાવને પ્રસ્થાપિત કરવામાં રચ્યાપચ્યા રહીએ છીએ. ઘરનાને ‘જતી’ કરીને પારકાના વ્યવહાર સાચવવાની કળા આપણને સૌને હસ્તગત છે. આપણને લાગે છે કે આપણા વાવટા કેવા ફરફરે છે પણ સરવાળે તો આપણાજ કર્મોના ધજાગરા છે !

પ્રેષક – વિજય ઠક્કર. 

સૌજન્યઃ ગુજરાત દર્પણ “જાગૃત જીવન”                                                                                         

કૌશિક ચિંતન ૯

Kaushi Amin

કૌશિક ચિંતન ૯

દરેક માનવીએ મનમાં કોઇક ને કોઇક મનસૂબા કર્યા જ હોય છે. મારે કાંઇક થવું છે, મારે કાંઇક પામવું છે, મારે કોઇક પદ પર પહોંચવું છે, મારે મારી ઓળખ ઉભી કરવી છે. દરેકને એક જ થાય છે કે `મારું સ્ટેન્ડ ક્યાં?‘
દરેકને એમ જ હોય છે, `દુનિયા મારા ખિસ્સામાં છે!‘ ચાલે તો, દુનિયાના બધાને પોતાનો શબ્દ ઉવેખે નહીં તે હદે કાબૂમાં રાખવા છે, પરંતુ પોતે કોઇના તાબેદાર થવું નથી! આ ઘટમાળમાં જ જીવન વ્યતિત થઇ જાય છે, જિંદગી વીતાવી છે, પરંતુ તેમાં કોઇ ઊર્મિ નથી. ગતિ, પ્રગતિની સમજ જ નથી. સરવાળે તો તે અધોગતિના માર્ગે જ વિરમી જાય છે! પોતાની જાતને કયાં સુધી બનાવી શકતા નથી. કદાચ તમને ભલે એમ લાગતું હોય, પરંતુ અંતે તો તમારી જાતને છેતરો છો. અસત્યનું આચરણ, મગજને મનમાં આવતા તુક્કાઓ પ્રમાણે દોડાવવું અને પછી જિંદગીથી હાંફી જવું!

મનને આપણે આપણી મનગમતી રીતે જ લાડ લડાવી રહ્યા છીએ. તમામ દુન્વયી બાબતો પર મારો જ એકાધિકાર! પોતાની જાતને સ્વાર્થમાં જ મદમસ્ત રાખવી છે. પણ, આપણામાંના મોટા ભાગનાને ખબર જ નથી. પોતાને શું જોઇએ છે? શું પ્રાપ્ત કરવું છે? સિંહનું ચામડંા ઓઢેલા આપણે ભીરુ છીએ. વસ્તુને નહીં, એક આભાસને તમે વળગી રહ્યા છો. આ જ બાબત તમને એકલવાયા કરી મૂકે છે. ઝાંઝવા પાછળની હરણફાળ આપણી જિંદગીના મહત્વનાં કર્મોને વિસારે પાડી દે છે. જિદંગીના કિંમતી વર્ષોને વિફળ બનાવી મૂકે છે.દરેકને એમ જ લાગે છે કે આપણે જિંદગી કોઇ નિશ્ચિત મુકામે જવા હરણફાળ ભરી રહી છે. પણ ભૂલી જઇએ છીએ કે આપણી અને સાંપ્રત સમયની દિશાઓ ભિન્ન માર્ગે ચાલી જાય છે. ભૂતકાળની ભવ્યતાઓને યાદ કરી પરબારા ભવિષ્યના કિલ્લાઓના ચણતર રચવાનું શરૂ કરીએ છીએ, અને એમાં જ વર્તમાનને ઠેબે ચડાવી દઇએ છીએ.

આપણને આપણા પોતાપણાની ખુમારી હોવી જોઇએ, અથવા તો સાંપ્રત સમયની સાથે સુસંગત જીવન હોવું જોઇએ. તો જ જયારે મૃત્યુ સમીપે હોઇએ ત્યારે તમામ મનસુબા પાર પડ્યા હશે. અધૂરી જીવાયેલી જિંદગીનો વસવસો નહીં રહે.

-કૌશિક અમીન
સાભાર
ગુજરાત દર્પણ.
જાગૃત જીવન (February 2015)

કૌશિક ચિંતન (૮)

Kaushi Aminકૌશિક ચિંતન (૮)

આખરે મોક્ષ છે શું?

કરોડો માનવી આ ધરતી પર જન્મે છે, જીવે છે, મરણ પામે છે. આમાંથી એકાદનો પણ બેડો પાર થાય છે ખરો? દરેક ધર્મ, ધર્મગ્રંથ પગદંડીઓથી લઈને ધોરી માર્ગ સુધીના મોક્ષ પ્રાપ્તિના માર્ગ દર્શાવે છે. દરેક ધર્મગ્રંથના પ્રેરક, દરેક જીવાત્મા પોતાના શરણે આવે તેવો સંદેશ આપે છે. આ પ્રેરક એટલે કે ઈશ્વર, અલ્લાહ, ગોળ, સુપ્રીમો, જગત નિયંતા તેમના આદેશને ‘માનશો તો તરી જશો’ ની જડબેસલાક ખાત્રી પણ આપે છે. વળી આ પ્રેરકની ફાટક દલાલી કરનારા ધર્મગુરુઓનો તો જાણે રાફડો ફાટી નીકળેલો છે. પેલા પ્રેરકને પામવા માટેની એમની ‘એજન્સી’ મોક્ષ પ્રાપ્તિ ઉપરાંત બ્રહ્મના રહસ્યો અને તમે પામર આત્મા સાવ નીચે ખાઈમાં કે અવ્ગુનોના કળણોમાં ખૂંપી ગયા છો તેમ ઠસાવી તેમાંથી ઉધ્ધાર કરવાની ખાત્રી આપે છે. પેલા પ્રેરક ભગવાન કરતાંયે આ ફટક દલાલ ગુરુઓના હાથ લાંબા છે. જેટલા ભક્તો તેટલા હાથ, પગ અને તેના પરની આંગળીઓ! બસ તમારે તેમની પગચંપી, ચસમપોષી કરવાની, તેમની આંગળી-હાથ ‘ફેવિકોલ’ લગાવીને જકડી રાખવાના! તો તમારો બેડો પર થયો જ સમજો.

 

આ ગુરુઓની આટલી કૃપા બાદ તમે ‘મોક્ષ’ ના આખરી લક્ષ સુધી પહોચો છો ખરા? ધરતી પરના કેટલા આ મોક્ષપ્રાપ્તિ કરી શકે છે? આ કવાયત આખી અર્થપૂર્ણ છે ખરી? આ ગુરુઓનો ધંધો ધમધોકાર ચાલે છે. પેલા પ્રેરક તત્વના નામે પારાવાર છેતરપીંડી ચાલે છે. જેણે સ્વપ્નમાંય ઈશ્વરને જોયો નથી તે તેમનો જીગરી યાર હોવાનો દાવો કરે છે!

 

ઈશ્વરની પ્રાપ્તિ દરેક માટે ગુરુશરણની નથી, તે સ્વાનુભૂતિની જ બાબત છે. ગુરુઓના ચમત્કારો તેમના ધંધાની જાહેરાત માત્ર છે. પાણી ઉપર ચાલવાની વાત હોય તે હાથમાંથી કે ફોટા ઉપરથી ભભૂતીની ઝરમર થવાની બાબત ધતિંગનો ભાગ જ છે. અને માનો કે તે ચમાત્કારો સાચા છે, તો તમારે એને શું ઘોળી પીવા છે? તેનાથી તો તમને સાક્ષત્કાર થવાનો જ નથી! આ ચમત્કારી પુરુષોને પણ ઈશ્વર પ્રાપ્તિ થઇ છે ખરી? આરાધના અને સિદ્ધિ બે અલગ બાબતો છે. તમારે-સાધકે નક્કી કરવાનું છે, શું જોઈએ છે?

એક હદ સુધી કદાચ ગુરુ ઉપયોગી થાય. ગુરુના નકશે કદમ ઉપર ચાલી પણ શકાય, પરંતુ અંતે તો તમારે તમારા પગ પર જ ચાલવાનું છે. ગુરુનું કર્મ હોકાયંત્રથી વધુ નથી. તેમની ભક્તિ-પૂજામાં અટવાઈ જવાનું નથી. ગુરુના ચરણ અને શરણ એ જીવનના આખરી લક્ષ હોઈ ન શકે. તે તમારી જીંદગી વેડફશે.

ગુરુ પણ શિષ્યોની સંખ્યા વધારવામાં જ અટવાયેલો, ભટકી ગયેલો આત્મા છે. ગુરુ-શિષ્યનું કર્મ એક બીજામાં અટવાઈને ભટકી જવાનું નથી.

મોક્ષનો માર્ગ, દરેકે પોતાને-સ્વને ઓળખીને જ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચવાનો છે.

સૌજન્ય – ગુજરાત દર્પણ

જાગૃત જીવન (February 2014)

કૌશિક ચિંતન ૭

Kaushi Aminકૌશિક ચિંતન ૭

સંઘર્ષ જીવનનું મહત્વનું પરિબળ છે. જીવન એક જંગ પણ છે. જંગ જીતવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે, અને એ જંગ લડવા માટે બળની સાથે જ પ્રેરકબળ અત્યંત આવશ્યક છે. આ વાળ પ્રેમમાંથી મળે છે. વિવિધ મોરચે ખેલતા જંગમાં આ બળ અને પ્રેમ અનેક સ્ત્રોતમાંથી મળી રહે. જીવનસાથીનો પરસ્પર પ્રેમ, સંતાનોને માટેનો પ્રેમ, સર્જન કે પ્રવૃત્તિ પ્રત્યેનો પ્રેમ એ એના પ્રાથમિક સ્ત્રોત છે. આવા સ્ત્રોત ભર્યાભાદર્યાં હોય તો જીવનના સંઘર્ષ જંગમાં ફેરવાતા નથી, બલ્કે એ આસન બની જાય છે!

જીવનના પ્રારંભિક લક્ષમાં ધન-સંપત્તિ, પરિવાર, સંસ્કૃતિનો સમાવેશ થાય છે. પરિણામે જાણે અજાણે એક લાલસા પણ અંતઃ મનમાં કબજો જમાવી લે છે.આ લાલ્સોમાંથી છૂટવા કોઈના ઉપદેશ, કે કોરું જ્ઞાન પણ કામમાં આવતું નથી. ધન-સંપતિ વગેરે જીવનમાં અંતિમ લક્ષ-ધ્યેય નથી. સુખનો અતિરેક કે સુખ-વૈભવનો અભાવ વગેરે દુન્યવી બાબતો રોજબરોજના જીવનનો, મનનો કબજો જમાવી લે છે.

આપના જીવન ઉપર તેની ઘેરી અસર રહે છે. ઘણીબધી વાર આ બાબતો માણસને ‘મદ’ માં રાખે છે. હુંકારનો, અભિમાનનો ત્યાં જન્મ થાય છે અને એ અભિમાનના અતિરેકના ભારથી માનવી લદાતો જાય છે. આ બાબત અતિભાર ધરાવનારી હોય છે, સહેલાઈથી તેને ફગાવી સહકારી નથી. માનવી જીવતરથી ઠોકરો ખાઈને, થાકી હારીને એ ગુલામીને એનાથી થયેલી યાતનાઓને સમજી શકે છે. કઠોર પરિશ્રમનો જેમ વિકલ્પ નથી, એમ જાત અનુભવનો પણ કોઈ વિકલ્પ નથી. આ ભાર ફગાવીને બાળક જેવા હળવાફૂલ બનવું એ ધ્યેય પ્રાપ્તિને પામ્યા જેટલું આનંદમય છે.
સ્લેટ ઉપર અને સમીકરણો માંડીને વાંચી ન શકાય તેટલી હદે ગૂંચવાડા દેખાય, બિલકુલ જીવન પણ એવું ગૂંચવાડા જેવું બની જાય છે. ત્યારે સ્લેટને કોરી કરી નવેસરથી આંકડા માંડીએ તેવું જ જીવનમાં આપણે લાદેલા કે એકઠા કરેલા ગૂંચવાડાઓને ભુસવાનું કામ કરવું રહ્યું. ત્યારે જ ઘણી બધી રાહત મળશે.

પણ આ એટલું આસાન છે? વીતી જાય છે, તે ફરીને પાછુ આવે છે, સંઘર્ષ યાત્રા નિરંતર ચાલ્યા કરે છે. તેમાંથી મુક્તિ મેળવવી જ રહી.

સૌજન્ય – ગુજરાત સર્પણ
જાગૃત જીવન (March 2014)

કૌશિક ચિંતન ૬

Kaushi Amin

કૌશિક ચિંતન ૬

ભવિષ્યના ઝાલમઝોળ જીવનને પામવાની દોડમાં આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. આપણી આજને આપણી આસપાસ વીંટળાયલા સ્વજનોને, લાગણીભીનો હુંફાળો સાથ આપતાં લોકોને અવગણીએ છીએ, ભૂલી જઈએ છીએ.

વરસતા વરસાદના ટીંપાના અવાજને અવગણીને, ભીની માટીની મહેકની લહેરખીનો, પેલી ઘાસ પરની લીલીઝમ ભીનાશને ટાળીને પેલા ઝાંઝવાના સરોવરને પામવાની સતત દોડમાં પરસેવે રેબઝેબ થઈને હાંફીએ છીએ. જાતથી, સ્વજનોથી, આપણી આસપાસથી આપણે દૂર થતાં જઈએ છીએ ને પેલા ઝાંઝવામાં વિસ્તરેલા લોકોને પામવાના, પેલા પારકાઓની હૂંફ મેળવવાના મસૂબામાં સતત રત રહીએ છીએ. આપણે પોતે પોતાના માટે કેટલી હદે નિષ્ઠૂર થઈ શકીયે છીએ?

સ્વપ્નોને પેલા ઝાંઝવાના જળથી સિંચવાની વ્યર્થ મથામણોમાં રત રહીએ છીએ. આપણે આપણી હયાતીને ગુમાવી દઈએ છીએ. નજીકનાંને અવગણીએ છીએ અને ક્ષિતિજે દૂર ઊભેલાંને છાતીએ લગાડવાની મથામણ કરીએ છીએ.

આંખો છે પણ પેલા લીલા ઘાસની કુમાશને જોઈ શકતી નથી. નાક છે પણ પેલી ભીની માટીની મહેંકને પામી શકતું નથી. હૃદય-મન પેલી હૂંફને આવકારી શકતું નથી. ક્ષિતિજ પારના સંબંધો માટે બંધાયલા સેતુ ઉપર રહેવાની, વસી જવાની મથામણ કરીએ છીએ. ને પેલા ઘરમાં વસી રહ્યા છે તેમાંથી પસાર થઈ જવાની નિરર્થક મથામણ, ઉતાવળ કરતા રહીએ છીએ. આ ઘરમાં આવ્યા છીએ, વસીએ છીએ અને તરફડતા બહાર જોઈ રહેવાની, ત્યાંથી નીકળી જવાની મથામણ શાંત ચિત્તે લગીરે બેસવા નથી દેતી.

આજની સવાર પડી છે, આજના દિવસના જીવવાને બદલે આવતી કાલના સવારનાં સોનેરી કિરણોની રાહ જોઈએ છીએ. આપણી ગઈ કાલની યાદોને વાગોળી શકાતી નથી, આજની ક્ષણોને આવકારી આપણી આજમાં જીવી શકતાં નથી, ને પેલા આવતી કાલના કિરણોને પામવામાં આજનાપરમ આનંદને મન ભરી માણી શકાતો નથી. જિંદગી પર્યંત અવિરત સમય બસ આમ જ પસાર થઈ જાય છે. ઝાંઝવા પાછળની દોડને ક્યાંક તો વિરામ આપીએ.

સૌજન્ય – જાગૃત જીવન. ગુજરાત દર્પણ ડીસેમ્બર ૨૦૧૪.

કૌશિક ચિંતન (૫)

Kaushi Aminકૌશિક અમીન

કૌશિક ચિંતન (૫)

માનવ માત્રના મનમાં સારપ હંમેશા રમતી રહે છે. સારપની ભરતી ઓટ ચાલ્યા કરે છે. માનવીનું જીવન લહેરની જેમ સતત કોઈ એક લયમાં હોય છે. તેને પણ પછડાટ લાગતી હોય છે. મોજાની જેમ તે પણ છિન્નભિન્ન જોવા મળે છે. માનવી તેના આસપાસના વાતાવરણથી પણ દોર્વાતો હોય છે. કાદવમાં કમળ ખીલે એ કુદરતનો ક્રમ છે, પરંતુ માનવી જો કળણોમાં ખૂટેલો હોય તો તે કમળની જેમ નિર્લેપ ભાગ્યે જ રહી શકે! માનવીનો ચહેરો-મહોરો કે તેની નજરે દેખાતી જીવનચર્યા એ એની સાચી ઓળખ નથી. અંતે તો માનવી મનથી, મગજથી દોરવાય છે. તેની આસપાસનું પર્યાવરણ તેના મનનું, જીવનચર્યાનું અને તેથી ખરા માનવીનું નિર્માણ કરે છે. મન અને તેમાં રચાતા-રમાતા આટાપાટા એજ સાચા માનવીની ઓળખ બની રહે છે.

પરમ તત્વ અને ભૌતિક જરૂરિયાતો વચ્ચેની કશ્મકશ, માનવીને જેટલો સુહ્યદ બનાવે છે તેટલો જ જંગલી પણ બનાવી શકે છે. પ્રાણીઓમાં અને માનવીમાં પાયાનો આ જ તો તફાવત છે. ઉત્ક્રાંતિની સાથે પશુમાંથી માનવીમાં પરિવર્તનતો થયું, પણ મનમાં ધરબાયેલી પેલી જંગલિયત સમૂળી નાશ પામતી નથી. એ જ જોતાં પશુ તો છે તેવા જ વર્તે છે. એની સાથે પનારો પાડનાર પણ એને એ જ રીતે ઓળખી લે છે, સ્વીકારી લે છે. સાપ અને નોળિયો એકબીજાને ઓળખે છે. બિલાડી અને કૂતરો પણ એ જ ઓળખથી એકબીજા સાથે વર્તે છે. પ્રાણી પોતાની મર્યાદાઓને છૂપાવવાની કોઈ કોશિશ કરતાં નથી.

માનવી પોતે જે છે તેવી ઓળખ હંમેશાં આપી શકતો નથી. પેલી સારપના સિક્કાની બીજી બાજુ પર પેલી જંગલિયત ઢંકાયલી પડી રહે છે. એ ધરબાયલી જંગલિયત ઉછળીને બહાર આવે તો શું? એની કોઈ ખાત્રી ખરી? હજારો વર્ષ માનવી શાંતિ અને મોક્ષની પાછળ ઝાંઝવાના જળની જેમ દોડ્યો છે. એકલી સારપ જો માનવીની ઓળખ હોત તો લંકા દહન, કુરુક્ષેત્ર કે એકવીસમી સદીમાં ૯/૧૧ કે ૨૬/૧૧ સર્જાત ખરાં કે? આપણા અહંકાર, ભૌતિક ક્ષુલ્લક સુખ પાછળની દોટ કે સત્તાલાલસા, દંભ, મોહ, માન મરતબાની ભૂખ, ઉપરછલ્લી જાહોજહાલીની લાલસાના સોનેરી મૃગ પાછળ આપણે સહુ અધ્ધર શ્વાસે હરણફાળ ભરી રહ્યાં છીએ. માનવ મન અંદરથી જ અંધકારમાં ધકેલાય છે, ઉજાશ ક્યાંય દેખાય છે ખરો? આંતરમનના આપણા વૈભવને આપણે ક્યારે પારખીશું?

સૌજન્યઃ
કૌશિક અમીન
જાગૃત જીવન
ગુજરાત દર્પણ
નવેમ્બર ૨૦૧૪

કૌશિક ચિંતન (૪)

Kaushi Amin

કૌશિક ચિંતન (૪)

જીવનમાં કશાથી ડરવાની જરૂર નથી. હા, ડરને સમજવાની જરૂર અવશ્ય છે. અનુભવો પરથી સમજાય ચે કે અન્યની સરખામણી, અન્ય સથેની હરીફાઈ એ તોલ માપનું વજૂદ બને છે. આ સરખામણી આપણાં સરખા કામમાં, રસમાં કે સમજમાં. આપણે અન્ય કરતાં કેટલા આગળ કે પાછળ છીરે તે સ્પષ્ટ કરી આપે છે. આનાથી માનવી તરીકેની તમારી કિંમત, મહત્તા કે અનિવાર્તતા અન્ય માટે કેટલી છે તે પણ દર્શાવી આપે છે.

ટમારી પોતાની ખુદ્દારી તમારી આસપાસના વર્તુળોમાં ધ્યાન ખેંચનારી બની રહેતી હોય છે. આ જ બાબત,આજના આટલા વિશાળ પ્રચાર માધ્યમોના સમયમાં, તમારી પ્રાથમિક સુખાકારી, આત્મ સંતોષ, તમારી મહત્વકાંક્ષાને સંતોષ આપતું કારણ પણ બને છે. આ જ પાયો તમારી પ્રગતિ અને સુખમય જિંદગીનું કારણ પણ છે. ખુદ્દારીનું નીચું પ્રમાણ તમારા જીવનની વિશાળ સમ્સ્યાઓનું કારણ પણ આજ બાબત છે તો આ ખુદ્દારી ચીજ છે શું?

ખુદ્દારીને સરળ રીતે સમજાવું તો તે આપણી માન્યતાઓ અને તેને આધારિત આપણું વલણ આપણી પોતાની જાત સાથે, આપણા વિચારો, લાગણીઓ આપણાં પોતાના બોલાતા શબ્દો, આપની કામગીરી, આપણી અન્યોના સંદર્ભોમાં થતી પ્રતિક્રિયાઓ – જે જાણે અજાણ્યે આપણે દર્શાવતા હોઈએ છીએ. આપણી અનુભૂતિ અને આપણી અભિવ્યક્તિ જેવી આપણી માનસિક પ્રતિક્રિયાઓ પર આધારિત બાબતોનો સમૂહ છે. ખુદ્દારી એ આપણી જીવનચર્યાની મહત્વની બાબત બની રહે છે, કારણ, વિચારો અને આપણી શ્રધ્ધા, આ બન્ને સરજનાત્મક સ્વરૂપ છે.

આ બાબત, આપણી માનસિક અભિવ્યક્તિ અને પ્રતિક્રિયાનું પ્રતિબિંબ બની રહે છે. આપણી આ માનસિકતા આપણા જીવનના અનેક પાસાને ઘડનારું કારણ પણ બની રહે છે. આપણા જીવનના મહત્વના નિર્ણયો, આપણી કામગીરી, આપણી કાર્યદક્ષતા વગેરેને દોરનારું કારણ પણ બને છે.

સૌજન્ય
“જાગૃત જીવન”
“ગુજરાત દર્પણ” નવેમ્બર ૨૦૧૩.