ચન્દુ તિબેટાનંદ ચાવાલા.

પ્રવીણ શાસ્ત્રી.jpg

ચન્દુ તિબેટાનંદ ચાવાલા.

‘શાસ્ત્રીજી, આપણા ચંદુનું પાછું કંઈ છટક્યું લાગે છે. જઈને ઠેકાણે લાવવો પડશે.’ મંગુ મોટેલનો મારા પર ફોન આવ્યો.

‘શું થયું?’

‘ચંપા કહેતી હતી કે ચંદુને કોઈ બાવો ભટકાઈ ગયો છે. ચંદુ યોગા અને મેડિટેશનને રવાડે ચઢી ગયો છે.’

‘ખરેખર? એતો સારી વાત છે એને યોગાની જરૂર જ છે.’ અમે પણ યોગ ને બદલે યોગા બોલતા થઈ ગયા હતા.

‘અરે ઘરમાં ત્રાસ વર્તાવ્યો છે. હવે સાધુ થવાની વાત કરે છે. ચંપાના છોકરાંઓ સાઉથ આફ્રિકા ફરવા ગયા છે. ચંપા એકલી છે. એ તીબેટ જવાની વાત કરે છે. ચંપાએ મને, તમને અને ડો.કેદાર, આપણાં ‘મિસ્ટર ઓન ટાઈમ’ ને બોલાવ્યા છે. હું તમને સાંજે પાંચ વાગ્યે લેવા આવીશ. પંદર દિવસથી કરસનદાદાનો પડાવ પથારો તો એના ઘરમાં જ છે.’

આમ પણ ક્રિસમસ પછી અમે ભેગા થયા જ ન હતા.

અમે બરાબર પાંચ વાગ્યે એને ત્યાં પહોંચી ગયા. અને ડો. કેદાર ‘મિસ્ટર ઓન ટાઈમ’ની પણ એન્ટ્રી થઈ. સામાન્ય રીતે ડોરબેલ વાગતાં હરખઘેલો ચંદુ બારણું ઉઘાડે અને અમને વળગી પડે.  આજે તેને બદલે ચંપાએ બારણું ઉઘાડ્યું.

‘ચંદુ ક્યાં છે?’

‘એ બેડરૂમમાં આસન પછીનો આરામ ફરમાવે છે.’ ચંપા ઉવાચ.

‘એ બિમાર તો નથી ને?’ ઈન્ડિયાની જેમ સીધા કોઈના બેડરૂમમાં એન્ટ્રી ના મરાય. સિવાય કે કોઈ બિમાર પથારીવશ હોય. તે પણ પૂછીને જ.

‘એ નથી. પણ હું એનાથી સિક થઈ ગઈ છું.’

એણે અમારો અવાજ સાંભળ્યો હશે એટલે બેડરૂમમાંથી બુમ પાડી. ‘શાસ્ત્રીભાઈ, મંગુભાઈ, કેદારભાઈ આપ આવી ગયા તે મને ગમ્યું. આપ સૌ શયનખંડમાં જ પધારો.’

સર્પ્રાઈઝ. સાસસ્ટ્રી ને બદલે શાસ્ત્રીભાઈ. સુરતી બોલીને બદલે એકદમ ભદ્ર ભાષા. વિવેકશીલ વર્તણુક. આ યોગાનો જ પ્રભાવ.

અમે બધા બેડરૂમમાં ગયા. ચંદુ ફ્લોર પર બ્રાઉન કલરના વુલન બ્લેન્કેટ પર, ઓરેન્જ નાઈટગાઉન જેવો રોબ પહેરીને ચત્તોપાટ પડ્યો હતો. માથે ટકલું. એની આંખો બંધ હતી. બેઠા થયા વગર કે અમારા તરફ મોં ફેરવ્યા વગર ફેરવ્યા વગર જ એ વાતો કરતો હતો.

‘ચંદુ, આર યુ ઓલ રાઈટ?’ કેદારે પૂછ્યું.

‘પંચોતેર વર્ષ સુધી હું ઓલરાઈટ ન હતો. યોગા કરવા માંડ્યા અને પંચોતેર કલાકમાં ઓલ રાઈટ થઈ ગયો. મને જીવન જીવવાનો નવીન અને ઉચ્ચતમ માર્ગ મળી ગયો. કેદાર, આપણે બધા જ પંચોતેર ઉપરના થયા. પણ તમે બધા એવાને એવા જ રહ્યા. આપણાં હાથ વેંતનું જ્ઞાન બીજા લઈ ગયા અને હવે તેઓ પાસે આપણી જ વાત, એમની પાસે શીખવી પડે છે. મેં યોગા અને મેડિટેશન ફ્રેન્ચ, મોન્ક પાસે શીખવા માંડ્યું છે. આપણા શાસ્ત્ર મુજબ પણ પંચોતેરની ઉમ્મર પછી હવે આપણે સન્યસ્ત લઈ લેવું જોઈએ. હું એ દિશામાં ગંભીર રીતે વિચારી રહ્યો છું’

મંગુએ રિક્લાઈનર પર ઘોરતાં કરસનદાદા તરફ આંગળી ચિંધીને પુછ્યું ‘સાથે આ છન્નુના દાદાને પણ હિમાલય પર લઈ જવાનો છેને?’

કરશનદાદા મંગુનો અવાજ સાંભળીને જાગ્યા. અફડા તફડી ચાલુ થઈ ગઈ.

‘મંગા તારે તો મને કાઢવો છે પણ મારે સન્યાસ લેવાની જરૂર નથી. હું તો ચંદુને પણ સંન્યાસ ન લેવા જ સમજાઉં છું. દુનિયામાં માત્ર બે જ જણાએ સન્યાસ લેવો જોઈએ. એક મંગાએ અને બીજા મંગાના ફેંકુ સાહેબે. બન્ને જણાએ હિમાલય પર જઈને યોગા કરવા જોઈએ.’ દાદાને બીજેપી હાર્યાનો ખૂબ જ આનંદ હતો.

ચંદુ પંચોતેર પ્લસ પછી પણ વાળ કાળા કરાવતો, કોઈક વાર તો દિવસમાં બે વાર સેવિંગ કરતો, મહિનામાં એકવાર ફેસિયલ કરાવતો. આજે એ એના માથા પર વાળ ન હતા. બાપ દાદાના મરણમાં પણ ન બોડાવનાર ચંદુએ તદ્દન ટકલું કરાવી દીધું હતુ. બૉલિંગ બૉલ જેવું ચળકતું માંથું અને ફ્લોર પર ડુંગર હોય એવું એનું પેટ.

એના રૂમમાં ભગવાન બુદ્ધનું મોટું સ્ટેચ્યુ હતું. પણ ઈન્ડિયન સ્ટાઈના બુદ્ધ ભગવાનનું નહિ પણ ચાઈનિશ કે જાપાનિશ સ્ટાઈલના પેટાળા બુદ્ધનું હતું. દિવાલ પર દલાઈ લામાનું મોટું ચિત્ર હતું.

‘ચન્દુ, આ બધા શું નાટક છે?’ મંગુ બરાડ્યો.

એક લાંબો પોઝ.

‘મંગુભાઈ, તને આ ન સમજાય. કદીયે ના સમજાય.’

અમે, અમારો ચન્દુને નહિ પણ ખરેખર કોઈ મહાત્મા સાધુની શાંત વાણી સાંભળતા હોય એવું લાગ્યું ‘હું જીવનના એક તબક્કામાંથી બીજા તબક્કામાં જઈ રહ્યો છું. આ તમે માનો તેવું સન્યસ્ત નથી. આ આનંદનું સન્યસ્ત છે. આરામનું સન્યસ્ત છે. સાદું જીવન અને શૂન્યાવકાશના ધ્યાનનું સન્યસ્ત છે, મેડિટેશન મારા જીવનને નિર્વાણ માર્ગે દોરી અપાર શાંતિ આપશે. અને ત્યાર પછી મારામાં અનેક વિવિધ શક્તિઓનો સંચાર થશે, હું તિબેટિયન સાધુઓની જેમ સવાસો વર્ષનું સુખદ આયુષ્ય ભોગવીશ.’

‘જો ચંદુ તારી વાત સાચી છે અત્યારે તું જે જે ગોળગોળ બોલી ગયો તેમાંનો મને એક પણ શબ્દ સમજાયો નથી. સમજાવાનો જ નથી અને સમજવો પણ નથી. પહેલાં તું તારી આંખ ખોલ બેઠો થા અને ખુરશી પર બેસ. માણસની જેમ વાત કર.’

મંગુએ એને હાથ ખેંચીને સીધો ખુરશી પર બેસાડ્યો.

‘અરેરેરે. હું યોગા પછી થાકી ગયો હતો એટલે શવાસન કરતો હતો.’

‘તારા ફળદ્રૂપ ભેજામાં શવાસન અને સવાસો વર્ષ જીવવાનું, સડેલું ફર્ટિલાઈઝર કોણે નાંખ્યું? શબ થઈને સવાસો વર્ષ જીવવાનું એ કેવી વાત?’

ચંપા અમારે માટે ચા લઈ આવી. ‘મંગુભાઈ, મહિના પહેલાં એણે ટિબેટિયન યોગા ક્લાસ જોઈન્ટ કર્યા હતા એમાંથી મગજ ખસ્યું છે. એને હવે ટિબેટિયન મોન્ક થઈને સવાસો વર્ષ જીવવું છે એવી ધૂન લાગી છે. તમને તો ખબર છે કે હું ચન્દુથી બે વર્ષ મોટી છું અને બે પાંચ વર્ષમાં ચુડી ચાંદલા સાથે ઉપર પહોંચી જવાની છું. બસ પછી એને તિબેટ, જાપાન, જ્યાં જવું હોય ત્યાં ભલે જાય, દોઢસો વર્ષ જીવીને જલસા કરે.’ ચંપાએ ઉભરો કાઢ્યો.

‘દોસ્તો, જો ટિબેટિયન પ્રમાણે જીવીયે તો આપણે સવાસો થી દોઢસો વર્ષ સહેલાઈ થી જીવી શકાય.

લગભગ બે હજાર વર્ષ પહેલાં તિબેટિયન સાધુઓ એકવીશ જાતના આસનો કરતાં હતાં, પછી એમાં થી એના અર્ક સમાન પાંચ આસનો નક્કી કર્યા. રોજ પંદર પંદર મિનિટ પણ આ આસન કરીયે તો પણ એકસોવીશ વર્ષ જીવી શકાય. આ પાંચ આસનને અંગ્રેજીમાં The Five Tibetan Rites: કહેવાય છે.  Rites જાણે ગુજરાતી શબ્દો જ લાગે. રીત, વીધિ. બસ આસનની રીત. કેદાર તો જાય જાતના યોગા કરે છે. જો હું ખોટો હોઉં તો પૂછો ડોક્ટર કેદારને.’

‘ચંદુની વાત સાચી છે. સવાસો વર્ષની વાતમાં માનતો નથી પણ સીધી સાદી વાત છે કે તમે ચોક્કસ નીતિ નિયમથી જીવો વ્યાયામ કરો તો તમારું સ્વાસ્થ્ય સારું જ રહે. લાંબું જીવી શકાય. એ નવી વાત નથી.’

“ડોક્ટર આ તિબેટીયનોની પાંચ રીત કઈ છે?’

‘આમતો એ બધા આપણા આસનો જેવા જ છે. પહેલી Ritesમાં ટ ટ્ટાર ઉભા રહીને હાથ પહોળા કરીને ડિઝીનેશ લાગે ત્યાં સૂધી ગોળગોળ ફર્યા કરવાનું હોય છે, જો તમે ઉત્તરગોળાર્ધ માં હોય તો ક્લોકવાઈઝ દક્ષિણ ગોળાર્ધમાં હો તો એન્ટિક્લોકવાઈઝ ફરવાનું હોય છે. બીજામાં જમીન પર સૂઈને હાથ જમીન પર રાખીને બન્ને પગ અને ડોકી ઊચી કરવાની હોય છે. ત્રીજીમાં બન્ને ઘુંટણ પર ઉભા રહીને કમ્મરમાંથી  આગળ પાછળ વાંકા વળવાનું હોય છે. ચોથું જરા અઘરું છે જમીન પર બેસીને  પગ અને હાથ પરથી શરીર ઉંચું કરવાનું હોય છે. પાંચમું તો આપણે દંડ પીલીયે તેવું જ હોય છે. દરેક Rites વખતે ચોક્કસ ધ્યાન કોન્સન્ટ્રેટન કરવાનું હોય છે. ત્યાર પછી મેડિટેશન. આપણા ઋષિ મુનીઓ આવા આસનો કરતા અને તપ, ધ્યાન મેડિટેશન કરતાં એટલે હજારો વર્ષ જીવતા એવી વાતો પુરાણોમાં લખાયલી જ છે. કામવાસના નિયંત્રણ માટે છઠ્ઠી રીત પણ છે.’

‘છઠ્ઠી જો જરૂર કરતાં સેક્ચ્યુઅલ એનર્જી વધી જાય તો કેમ ઘટાડવી તેને માટેની છે. ટટાર  ઉભા રહીને ફેફસાની બધી જ હવા ખાલી કરવાની. તદ્દન રિલેક્ષ થઈ જવાનું  વાંકા વળી બન્ને ઘૂટણ પર હાથ લઈ જવાના, રામદેવ બાબાની જેમ પેટ અંદર લઈ જવાનું વગેરે હોય છે.’

અમારો કેદાર મેડિકલ ડોકટર. ગંભીર માણસ. પણ મંગુથી રહેવાયું નહિ. ‘હવે ખબર પડી કે રામદેવબાબા કેમ રોજ પેટ અંદર બહાર કાઢે છે. એ સેક્સ શમન માટે જ કરતો હશે. ચંદુ તારે આડા અવળા થવાની જરૂર નથી. બજરંગબલીનું નામ લઈને બીજા આસન કે રીત જે કહો તે છોડીને બસ પેટ અંદર કરવાની પ્રેક્ટિશ કર. તારું પેટ એક ઈંચ અંદર જતું થાય એટલે મારા તરફથી ગ્રાન્ડ પાર્ટી.’

કેદારની આંખોએ મંગુને શાંત કરી દીધો. એને માહિતી ચાલુ રાખી. Ancient Secret of the Fountain of Youth પબ્લિકેશનમાં માનવામાં ન આવે એવા ફાયદા અને દાખલાઓ નોંધાયલા છે. લાકડીને ટેકે ચાલતો વૃદ્ધ એના વગર ચાલતો થઈ જાય. આંખોનું નૂર પાછું આવે, ટાલ પર કાળા વાળ ઉગવા માંડે. પણ ચન્દુભાઈ હવે તમારા મારામાં એઇજ રિવર્સલની કોઈ શક્યતા નથી. શાંતી રાખીને શરીર પ્રમાણે અને ઉમ્મર પ્રમાણે એક્સરસાઈઝ કરતા રહેવાનું અને ખાવા પીવા પર કાળજી રાખવાની.’

‘એનો અર્થ એ કે હું એકસોવીશ પર પણ નહિ પહોંચુ.’ ચંદુ હતાશ થઈ ગયો.

‘ડિપ્રેશન આવશે તો પંચ્યાસી પર પણ નહિ પહોંચે. હસતો અને આનંદિત રહેજે. કરસનદાદાની જેમ રોજ કેરેટકેઈક ખાયા કરશે તો છન્નુ ક્રોસ કરશે. બસ જેપ્પી રહેજે’ મંગુએ સધ્યારો આપ્યો

‘તમને ખબર છે, દુનિયાનો સૌથી હેપ્પી, આનંદી અને સુખી માણસ કોણ છે? કેદારે પુછ્યું.

બીલ ગેઇટ? ડોનાલ્ટ ટ્રંપ? મુકેશ અંબાણી? અમિતાભ બચ્ચન? ચંદુએ પ્રશ્નાર્થ ઉત્તર આપ્યો.

ના એકેય નહિ. મથ્થુ રિકાર્ડ (Matthieu Ricard) નામનો ફ્રેન્ચ બુદ્ધિસ મોન્ક દુનિયાનો સૌથી હેપી માણસ નોંધાયો છે.  ચાલીસ વર્ષ પહેલાં એણે ભારત જઈને બૌદ્ધ ધર્મ અને મેડિટેશનનો અભ્યાસ કર્યો. મેડિટેશન- ધ્યાન અને સાધના તમારા મગજને સંપૂર્ણ રીતે બદલી શકે એમ છે. આપણા મગજમાં સુખ કે આનંદની અનુભૂતિ માટે પણ ચોક્કસ ક્ષમતા હોય છે. ધ્યાન અને સાધનાથી એ ક્ષમતામાં વધારો થાય છે. તમે કયા વિચારો સ્વીકારો અને કયા વિચારો ટાળી શકો એ પણ મેડિટેશન દ્વારા શીખી શકો છો. તમે તમારી જાતને બદલી શકો છો. વિસ્કોનસીન યુનિવર્સિટિના ન્યુરોસાઈન્ટિસ્ટોએ રિકાર્ડની ખોપરી પર ૨૫૬ સ્કેનર લગાવ્યા. બ્રેઈન વેવ્ઝની નોંધણી થઈ. મગજના સ્કેનથી આ ફ્રેન્ચ સાધુનામાં આનંદ માટેની ‘અસામાન્ય, મોટી ક્ષમતા’ મળી આવી. અને એ મેડિટેશનને આભારી છે એમ મનાય છે. સ્કેન દ્વારા એ પણ જાણવા મળ્યું કે રિકાર્ડનું મગજ વધુ ગામા વેવ્ઝ ઉત્પન્ન કરે છે – ચેતના, ધ્યાન, શીખવાની અને યાદશક્તિ સાથે સંકળાયેલા આ મેથ્થુ રિકાર્ડ; દલાઈ લામાનો અત્યંત નજીકનો અને અત્યંત વિશ્વાસુ મોન્ક છે. એમણે ૨૦૧૧માં આ વિષય પર ‘The Art Of Meditation’ નામની બેસ્ટ સેલર બુક લખી છે.’

‘ચન્દુ મારી વાત સાંભળ, આ ટિબેટિયન એક્સર્સાઈઝ તારા ગજાની વાત નથી. આ મેડિટેશન તારા કોઈ બાપ દાદા સમજ્યા નથી. એ આપણો સબ્જેક્ટ જ નથી. ચંપા તને મંદિરે લઈ જાય તો તારાથી પૂરી પાંચ મિનિટ, બે હાથ જોડીને સ્થિર ઉભા રહેવાતું નથી. તારા કોઈ ગામા બામા રેઈઝ લામાની જેમ વધવાના નથી. તું તારે જાતે જ ખાઈ ખવડાવીને આનંદ માણ. ચંપા આજે શું બનાવ્યું છે? મંગુને ભૂખ લાગી હતી.

‘આજે તો તદ્દન સાદું જ બનાવ્યું છે, ખિચડી, વઘારેલી છાસ, રોટલો અને વેગણ બટાકાનું શાક. અને જમ્યા પછી હોમમૅઇડ કેરેટ કેઈક.’

‘ચાલો જે હશે તે ચાલશે. ભાણાં તૈયાર કરો. ખાઈ પીને ખોપડીના ગામાવેવ્ઝ વધારીએ.’

@@@@@@@@@@

“તિરંગા” જાન્યુઆરી

નામમાંહું ડાટેલું છે? ચંદુ ચાવાલા.

નામમાંહું ડાટેલું છે? ચંદુ ચાવાલા.

દિવાળી અને ક્રિસમસની વચ્ચે અમારા સુરતી ડોસાઓની ગેન્ગનું ગેધરિંગ મંગુની મોટૅલ પર હોય. આ “ડોસાઓની ગેન્ગનું ઘેધરિંગ” શબ્દો અમારા વયસ્ક મંડળના મહાશયો ના સ્નેહ મિલન માટે વપરાય તે મને  રુચે તો નહિ પણ અમારા મંગુએ અમારી નાનપણની ટોળકીને માટે “ગેંગ” શબ્દ રજિસ્ટર કરાવી રાખેલો. બાકી ગેંગ એટલે તો કિમિનલ્સનું નાનુ ગ્રુપ. ખરેખર અમે સદ્ગગૃહસ્થો એમાંના નહિ. આ વર્ષે ભેગા થયા ત્યારે મહિલાઓએ પોતપોતાના ઘરની દિવાળીની વધેલી વાનગીઓના કચરાનો નિકાલ કરવા એપેટાઈઝર તરીકે લઈ આવેલી, જાણે ઢગલાબંધ જાત જાતની મિઠાઈઓનો અન્નકૂટ. ચિલી પનીર, રગડા સમોસા, પાવભાજી પનીર ટીક્કા મસાલા જેવી આઈટમ તો ખરી જ. ગુજરાતી ડિનરમાં  દહિથરા શિખંડ એ મંગુની ભાવતી આઈટમ.

પેટપર હાથ ફેરવતા ફેરવતા અમારા સદાના છન્નુ વર્સીય કરસનદાદાને એક વસવસો રહી ગયો કે આટલી બધી મિઠાઈઓ હતી પણ કેરેટ કેઇક ન હતી.

દાદાએ કહ્યું ‘ઈલેક્શન આવે છે એટલે અક બે મહિનામાં અમદાવાદ ફરવા જવું છે.’

મંગુ મોટેલે કહ્યું ‘દાદા માંડી વાળો  તમે જાવ કે નહિ જાવ રિઝલ્ટમાં કોઈ ફેર પડવાનોધીનથી. મોદી છે ત્યાં સુધી તમારો એકે ય ભત્રીજો જીત્યો નથી અને જીતવાનો નથી.’ મંગુ કરસનદાદાના ટાંટિયા ખેંચવાની એક પણ તક છોડતો નહિ.

‘ગધેડા હું કોઈનો પ્રચાર કરવા નથી જવાનો. મેં અમેરિકામાં બેઠા બેઠા પાંચ પાંચ રાજમાં તારા સાહેબને હરાવ્યા છે ઈલેક્શન માટે મારે ઈન્ડિયા જવાની જરૂર જ નથી. દાદા ઊકળ્યા. હું તો દર મહિને તારું ડાચું  જોવું ના પડે એટલે ઈન્ડિયા જવાનો છું.’

‘માત્ર બે ત્રણ મહિના માટે જ?’ મંગુ હજુ ખેંચતો હતો.

‘સાસ્ટરી ટુ આ મંગુને જરા હમજાવ, ડાડાનું પ્રેસર વઢહે તો આપને જ હોસ્પિટલ દોડવુ પડહે.’ ચંદુએ મંગુને મૂગો કરવા મને કહ્યું. મંગુ મારું માન રાખે.  મેં  જરા ઈશારો કર્યો અને મંગુએ વાતનો વિષય બદલ્યો. ‘દાદા તમે શું માનો છો તમે જ્યારે અમદાવાદ જશો ત્યારે અમદાવાદ એરપોર્ટનું નામ કર્ણાવતી એરપોર્ટ હ્શે?’

‘શાસ્ત્રી, આ ડોબાને સમજાવ કે એરપોર્ટનું નામ અમદાવાદ નથી અને કર્ણાવતી પણ નથી થવાનું. સાલો શરમ વગરનો જાણી જોઈને અધ્ધર વાતો કરે છે.’

હવે મારે શરમાવાનો સમય હતો. મારે તો અમદાવાદ સાથે કશો જ સંબંધ નથી. અને આમ પણ હું લાંબા સમયથી ભારત ગયો નથી. એટલે બોમ્બે સિવાય બીજા એરપોર્ટ પર ઉતરવાનું થયું જ નથી. અમારા ચંદુને અવાર નવાર જવાનું થાય એટલે એને બધી ખબર. ‘સાસ્ટરી અમડાવાડના એરપોર્ટનું નામ સરડાર વલ્લભભાઈ પટેલ આંટરરાસ્ટ્રીય હવાઈ મઠક છે.’

‘ચંદુભાઈ પ્લીઝ મને સુરતીમાં નહિ અંગ્રેજીમાં સમજાવવાનું રાખો.’ મારે કહેવું પડ્યું. મને ખ્યાલ આવ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું હતું. મેં અને મોટાભાગના અમે સુરતીઓએ જ્યારે ભારત છોડ્યું ત્યારે. અમદાવાદ એરપોર્ટ હતું જ નહિ. હવે તો ઘણા બધા શહેરોના નામ પણ બદલાઈ ગયા છે. ભારતમાં હતાં ત્યારે અમે મુંબઈ જ બોલતા હતા, પણ અમેરિકા આવ્યા પછી, બોમ્બે જ જીભ પર ચઢી ગયું છે. મારા વાંચવામાં આવ્યું હતું કે બોમ્બેનું ઓફિશીયલ નામકરણ મુંબઈ ૧૯૯૬માં થયું. હવે સાંભળવા મળે છે કે અમદાવાદનું નામ કર્ણાવતી થવાનું છે.

કરસનદાદાએ કહ્યું ‘એ તમને ભક્તોને તમારા સાહેબની પોલિસી ના સમજાય. અત્યારે તો સીએમ સાહેબે એ વાત પાછલા ચૂલે ચઢાવી દીધી છે.’

‘ના દાદા અમદાવાદનું કર્ણાવતી કરવા માટે ઘણા રેફરન્સ અને ઈતિહાસ જોડાવો જોઈએ. કણાવતી અને અમદાવાદ વચ્ચે શું સંબંધ તે ઘણાને ખબર નથી કે સમજ નથી’ મંગુ ઘણા બધા ન્યુઝ પેપર વાંચે એટલે એ મારા કરતાં વધુ જાણે.

‘કેટલા બધા નામો બદલાઈ ગયા! બોમ્બેનું મુંબઈ, મદ્રાસનું ચિન્નાઈ, બેંગ્લોરનું બેનાલુરુ, કલકત્તાનું કોલકત્તા, બનારસનું વારાણસી. સાઉથ ઈન્ડિયામાના બદલાયલા નવા લાંબા લાંબા નામો બોલતાં તો સાલી મોંમાની જીભના ગોટા વળી જાય.’ અમારો ચંદુ સુરતીને બદલે રાબેતા મુજબની ગુજરાતી ભાષામાં બોલતો હતો. ‘અલ્હાબાદનું ત્યાંના ચીફ મિનિસ્ટરે પ્રયાગ નામ કર્યું તેમાં વિરોધ પક્ષના પેટમાં કેમ ચૂક આવી? પ્રયાગરાજ તો સદીઓથી કહેવાતું જ હતું ને? આ બધા નામો બદલાયા ત્યારે કઈ સરકાર હતી?’

‘ચંદુ, એટલે તું કોંગ્રેસ પર કાદવ ઉછાળવા માંગે છે?’

‘ના દાદા, તમારી કેરેટ કેઇકની કસમ. મારો એવો ઈરાદો નથી. શાસ્ત્રીનું ફરમાન છે કે ૨૦૧૯માં લોકસભાનું જે પરિણામ આવે પછી જ પોલિટિક્સની વાત કરવાની. અત્યારે આપણે નવા નામોની જ વાત કરીયે.’ આપણા અંગ્રેજી બલસારનું ગુજરાતી નામ વલસાડ કર્યું, બ્રોચ કે બડોચનું ભરુચ કર્યુ, બરોડાનું વડોદરા કર્યું કેમ્બેનું ખંભાત કર્યું તો હવે આપણે આપણા સુરતનું નામ પણ બદલવું જોઈએ ને? શાસ્ત્રી સુરતનું મૂળ નામ શું હતું?

તમારા બધાની જેમ જ હું સુરતી છું પણ હિસ્ટોરિયન નથી. થોડું સાંભળેલું કે આમ તેમ વાંચેલું જ યાદ છે. આપણા સુરતના નામ અંગે કોઈ ચોખ્ખી આધારભૂત વાત જ નથી. અને હોય તો તે મને ખબર નથી. બધી ગોળગોળ દંત કથાઓ છે. આ બાબતમાં હું કંઈ કહી નહિ શકું.’

‘ઓકે શાસ્ત્રી, તમારી કોઈ વાત ખોટી નીકળે તો અમે તમને ફાંસી પર નથી ચઢાવી દેવાના. યુ આર વીથ યોર ફ્રેન્ડસ.’ મંગુ વદ્યો.

‘સામાન્ય રીતે અમારા ગૃપમાં વાતો થતી હોય ત્યારે હું વક્તા નહિ પણ શ્રોતા જ બની રહું.’ હું જાણતો હતો તેટલું તેમને કહ્યું

‘આમ તો સુરતનું અસલ સંસ્કૃત નામ સૂર્યપુર ગણાતું એવું મારું માનવું છે. મારા દાદાશ્રી સુરતની આમલીરાનમાં આવેલી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડાચાર્ય  હતા. અને હું પણ ત્યાં થોડું ઘણુ ભણ્યો હતો એટલે સૂર્યપુર શબ્દ ખબર. જેને અંગ્રેજો ટાપ્ટી કહેતા તે આપણી તાપી નદી પુરાણ અનુસાર સુર્યપુત્રી ગણાય છે. અને સુર્યપુત્રીને કિનારે વસેલું નગર તે સુર્યપુર એવું મનાય છે.’

‘સાસ્ટરી ટારા ખીસ્સામાં જેટલી ડંટકઠા હોય ટે ખાલ્વી લાખ.’  ચંદુ મારી સાથે બોલીમાં ન સુધરે તે ન જ સુધરે.

‘મુંબઈ ગેઝેટરિયરમાં એક દંત કથા નોંધાયલી છે. તે મુજબ રાંદેરની એક સુરજ નામની શ્રીમંત વિધવાએ ગોપી નામના બ્રાહ્મણપુત્રને સારી જેવી મિલ્કત આપી હતી અને પોતાનું નામ રહે એવું કંઈ કરવાનું કહ્યું હતું. બસ એના ના ઉપરથી એણે સુરજપુર નામ રાખ્યું હતું. બ્રાહ્મણોએ સૂર્યપુર બનાવ્યું.’

‘તો બીજી એક વાત એવી પણ હતી કે રાંદેરના જમીનદારની પુત્રી સુરજ કુવારાવસ્થામાં જ ગર્ભવતી થઈ. એને માછીઓના વિસ્તારમાં કાઢી મુકવામાં આવી. એણે પુત્રને જન્મ આપ્યો. તે ગોપીનામનો પુત્ર મોટો થતાં ધનવાન બન્યો. તે સમયની સરકારમાં એની વગ સારી હતી અને એણે રહેતો હતો તે વિસ્તારનું નામ સુરજપુર  રાખ્યું.

ત્રીજી વાત એવી છે કે તુર્કસ્તાનના એક સુલતાનના જનાનખાનાની એક સુરતાનામની ખુબસુરત ઔરત ઈસ્તંબુલના વેપારી સાથે નાસીને સુરત-રાંદેરના વિસ્તારમાં આવીને વસી હતી. બસ સુરતા ઉપરથી સુરત નામ પડી ગયું.’

સાસ્ટરી ટારી બઢ્ઢી વાટ નાટ ટડ્ડન ખોટ્ટી છે.  સૂર્યપુર બી ખોટ્ટું ને સુરત પન ખોટ્ટું. મારા ગ્રેઈટ ગ્રેઈટ ગ્રાન્ડડાડાએ જ આપના સેરનું નામ હૂરટ પાડેલુ. માટ્ર અમારી નાતના જ નૈ પન આજુબાજુના ગામરા વારા બી હૂરટ જ કે’ટા. ટારી ડંટ કઠા ખોટ્ટી.

મેં કૂટરાની પૂછડી આગળ હાર સ્વીકારી લીધી.

‘પેલો સેક્સનો પિયર એવું કૈ ગૈલો કે ઢંટુરાના ફુલને ગમે તે નામ ઠોકો પન ધંટુરો એટલે ધંટુરો. ‘નામમાં હું ડાટેલું છે?’

“A rose by any other name would smell as sweet” is a popular reference to William Shakespeare’s play Romeo and Juliet, ચંદુ સાહિત્યની વધારે બરબાદી કરે તે તે પહેલાં ચંદુની પુત્રવધુ વિદુષીની બધા માટે ચા લઈને આવી.

‘ડેડી, શાની ચર્ચા ચાલે છે?’

ચંદુએ પાઘડી બદલી. ‘આ તારા મંગુઅંકલ સાથે નામ અંગેની ચર્ચા ચાલતી હતી. તારા મંગુઅંકલ હથોડા છાપ ઇન્જિનીયર. એને શેક્સપિયરનું અને રોમિયો જૂલિયટનું નામ ખબર છે પણ આખી’’ વાત ખબર નથી. એવા ઘણાં હોય છે કે જેઓ આર્ટસ કોલેજમાં ભણ્યા નથી, સાહિત્ય વાંચ્યું નથી, તેને પણ ખબર નથી. તો જરા ટંકમાં સમજાવી દેને કે જૂલિયટે નામની બાબતમાં શું કહ્યું હતું?’

ચંદુ મારી સાથે સુરતીબોલીમાં લવારો કરે પણ ભણેલી અને સંસ્કારી પુત્રવધુ સાથે સીધો દોર.

‘અંકલ ખરેખર નથી જાણતા? ન જાણતા હો એવું બને જ નહિ.’ મંગુએ જાણતો હોવા છતાં, ચંદુની ઈજ્જત સાચવવા કહ્યું કે મને એટલો ક્વોટ ખબર છે કે “વોટ્સ ઈન અ નેઇમ” વર્ષો પહેલાં વાંચ્યું હતું. જરા રિફ્રેશ કરાવી દે.’

અમારા કરસનદાદાને બિચારાને કશી જ ખબર નહિ. એને માટે તો રોમિયો એટલે ગલીને નાકે સડકછાપ છોકરીઓની છેડતી કરતો મવાલી. એમણે કહ્યં કે ‘મને પણ રોમિયોની વાત સમજાવને! મને તો કશી જ ખબર નથી’

‘દાદા, ઈંગ્લેન્ડના મહાન સાહિત્યકાર શેક્સ્પિયરે રોમિયો અને જૂલિયટ નામનું નાટક લખેલું. ઈટાલીના શેહેર વેરોનામાં બે પ્રતિષ્ઠિત કુટુંબ રહેતા હતા. આપણી ઇન્ડિયન સિનેમામાં આવે છે તે પ્રમાણે એ બન્ને પરિવારો વચ્ચે બાપ માર્યાના વેર. એક પરિવાર મોન્ટેગ્યુ અને બીજો પરિવાર કેપ્યુલેટ. મોન્ટેગ્યુ પરિવારનો દીકરો રોમિયો એક વાર કેપ્યુલેટ પરિવારની લગ્ન પાર્ટીમાં ઘૂસી ગયો. ત્યાં એણે કેપ્યુલેટ પરિવારની સુંદર દીકરી જૂલિયેટને જોઈ. બસ બન્ને વચ્ચે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. હવે બંને કુટુંબ વચ્ચે દુશ્મની એટલે પ્રેમ કે લગ્નનો વિચાર થાય જ નહિ. પણ પ્રેમ થઈ ગયો. જૂલિયેટ બિચારી ગાય “સારી સારી રાત તેરી યાદ સતાયે” જૂલિયેટ રિબાય; એ કહે ‘રોમિયો તું મોન્ટેગ્યુ કુટુંબમાં શાં માટે જનમ્યો? મારે ખાતર તું મોન્ટેગ્યુ મટીને કેપ્યુલેટ બની જા. મોન્ટેગ્યુ કે કેપ્યુલેટ!, નામમાં શું છે? વ્હોટ્સ ઈન અ નેઈમ?  રોઝ ઈઝ રોઝ. ગુલાબનુ નામ ગુલાબ હોય કે બીજુ કોઇ પણ સુગંધ તો એની એ જ રહેવાની ને? રોમિયો તું મારું રોઝ છે. લોકો ભલે એને ગમે તે નામ આપે. હવે નામ સાથે મારે શી નિસ્બત?’

‘દાદા, નાટકનું આ વાક્ય વિશ્વભરમાં બોલાતું થઈ ગયું. ગયે મહિને “મી ટુ” ની જેમ જ.

‘પછી રોમિયો જૂલનેલિયેટના લગ્ન થયેલા?’ કરસનદાદાને વાર્તામાં રસ પડ્યો.

‘વિદુષીની, હવે દાદાને એકાદ ઈન્ડિયન ફિલમની વાર્તા સંભળાવી દે એટલે પત્યું.’ મંગુ મોટેલથી દાદાની છેડતી કર્યા વગર રહેવાય નહિ.’

‘આ મશીનના મજૂરીયા અને બુદ્ધિના બળદીયા તારા મંગુઅંકલને સાહિત્યમાં સમજ ન પડે. આજે હું એની મોટલ પર બેઠો છું અને એની મોટેલમાં જ સૂવાનો છું એટલે એ મુરખ સાથે વધારે લમણાંઝીક નથી કરતો.’ દાદાએ ભદ્રભાષામાં મંગુ યજમાનને જેટલા વિશેષણથી નવાજાય તેટલો નવાજ્યો.

‘દીકરી મને નાટકની વાત કર. ફિલમની નહિ. પરણીને બન્ને સુખી થયાને?’ 

‘ના દાદા રોમિયો જૂલિયેટના નાટકમાં ખાધું પીધું અને રાજ કીધું એવું નથી.’

‘ફ્રીઅર લોરેન્સ નામના પાદરીની મદદથી તેઓએ ખાનગીમાં લગ્ન કર્યા. લગ્નની આગલી રાતે રોમિયોને જુલિયટના પિતરાઈ ભાઈ સાથે લડાઈ થઈ હતી. એમાં રોમીયોએ એના ભાઈને મારી નાંખ્યો. લગ્ન પછી તરત જ રોમિયોને, જૂલિયેટને મૂકીને નાસી જવું પડ્યું.’

‘પછી તો આપણી હિન્દી ફિલ્મમાં આવે છે તેમ માબાપને ખબર ન હતી કે જૂલિયેટ તો પરણી ચૂકી છે. એમણે જૂલિયેટને પેરિસ નામના છોકરા સાથે પરણાવવાની તૈયારી કરવા માંડી. જૂલિયેટે બેભાન થવાની દવા લઈને મરી જવાનું નાટક કર્યું. મરેલી સમજીને માબાપે એને ટોમ્બ એટલે કે કબરમાં પધરાવી.’

દાદા ધ્યાનથી સાંભળતા હતા.

‘રોમિયોને આ ખબર ન હતી કે એણે માત્ર બેભાન થવાની દવા જ લીધી છે. રોમિયો પણ એમ જ સમજ્યો કે જૂલિયેટ મરી જ ગઈ છે. તેણે કબર પાસે જઈ ઝેર ગટગટાવીને આપઘાત કર્યો.’

‘જૂલિયેટને ભાન આવ્યું. અને તેને ખબર પડી કે રોમિયો તો મરી ગયો છે. એણે પાસે પડેલી ઝેરની બોટલમાંથી ઝેર પીવાની કોશીશ કરી, પણ બોટલ તો ખાલી થઈ ગઈ હતી. જૂલિયાએ ચૂંબન કરીને રોમિયાના હોઠ પરનું ઝેર ચૂસવા પ્રયત્ન કર્યો. એટલામાં એના માણસો આવી ચઢ્યા. એટલે પોતે પેટમાં ખંજર મારીને આત્મહત્યા કરી લીધી.’

‘દાદા, પ્રેમનું આ સરસ નાટક દુનિયા ભરના સ્ટેજ પર જુદી જુદી રીતે ભજવાય છે. જેમને અંગ્રેજી આવડતું હોય એઓ તો એના સંવાદો સાંભળવા આ નાટક વારંવાર જૂએ છે.’

‘સારું થયું દીકરી તેં મને સરળ ગુજરાતીમાં સમજાવ્યું. ન્યુ જર્સીમાં આ નાટક ગુજરાતીમાં આવે તો મને જોવા લઈ જજે.’

વિદુષીનીએ કિચનમાં જતાં જતાં ન પાળવું પડે તેવું પ્રોમિસ આપ્યું. ‘ચોક્કસ દાદા, ન્યુ જર્સીમાં આવશે તો ડેડીને કહીશ. એઓ ચોક્કસ તમને લઈ જશે.’

દાદા ગણગણતા હતા. મુરખ રોમિયો, નામમાં શું દાટ્યું છે. જુલિયેટ હોય કે જમના પણવાનું તો બૈરાને જ ને. હું કેટલી વાર પરણ્યો! નામ જ બદલાયાને! શું ફેર પડ્યો?

**********

તિરંગા ડિસેમ્બર ૨૦૧૮

ચંદુ ચાવાલા અને કરસનદાદાનું “Me Too”

પ્રવીણ શાસ્ત્રી

પ્રવીણ શાસ્ત્રી

ચંદુ ચાવાલા અને કરસનદાદાનું “Me Too”

આજે અમારા કરસનદાદા ચોધાર આંસુએ રડ્યા. ડૂસકાં સાથે એમણે અનેકવાર રમાની માફી માંગી.

ખરેખર તો વાત આનંદની ઉજવણીનો હતો. ચંદુભાઈને ત્યાં આજે અમારી સુરતી ગેન્ગની દિવાળી ડિનરનો પ્રોગ્રામ હતો. બપોરે બે વાગ્યાથી જ ખાણીપીણીની ધમાલ ચાલતી હતી. મહિલાવર્ગનો તો હજુ નવરાત્રીનો નશો ઉતર્યો ન હતો. ગરબા અને રાસ પણ રમાયા. એક રૂમમાં ત્રણ ચાર કલાત્મક રંગોળી પુરાઈ હતી. મોટા ધડાકાવાળા બોમ્બ તો નહીં પણ સ્પાર્કલ્સનો તો ખજાનો હતો. આખો દિવસ ખૂબ ધમાલ રહી. રાત્રે દશ વાગ્યા પછી બાળબચ્ચા વાળા ઘરબેગા થયા. થોડા અંગત મિત્રો અને ચંદુનું ફેમિલી થાકીને વાતોના ગપાટા મારવા બેઠું હતું.

વાત નીકળી “મી ટૂ”  મુવમેન્ટની. એક ખૂણા પરની રિક્લાનર પર પગ લાંબા કરીને અમારા સદાના છન્નુવર્ષના કરસનદાદા કેરેટ કેઇક ઝાપટીને બેઠા હતા.

‘આ “મી ટૂ” કઈ બલા છે.’ કરસનદાદાએ પુછ્યું.

‘દાદા એ બહુ મોટી બલા છે. અમેરિકા પુરતી નથી આખી દુનિયામાં આ બલાની વાત છે. સૌથી વધારે વાતતો દાદા તમારા ઈન્ડિયામાં થાય છે.’  મંગુ મોટેલ દાદાને સતાવવાની એક પણ તક છોડતો નહિ.

‘મંગા ઈંન્ડિયા એકલું મારું નથી. તારો બાપ અને તેનો બાપ પણ પણ ઈન્ડિયામાં જન્મેલો છે. તું અમેરિકામાં પેદા નથી થયો.’

અમારી સાથે મહિલા વર્ગ પણ હતો.

‘આમ તો મેં પણ “મી ટૂ” ની વાત સાંભળી  છે પણ કાંઈ સમજાતું નથી’ ચંપાએ પણ જાણવાની ઈચ્છા દર્શાવી.

‘મમ્મી “મી ટૂ” એ મહિલા જાગૃતિની શરૂઆત છે.’ ચંદુની સૌથી નાની વહુ વિદુષીની એ ચંપા સાસુને શિક્ષિત કરવા માંડી. વિદુષીની ઘરમાં સૌથી વધુ ઠરેલ અને એજ્યુકેટેડ વહુ. એ જ્યારે બોલતી કે વાત કરતી હોય ત્યારે સૌ એને ધ્યાન આપીને સાંભળે. એણે જે જાણતી હતું તે કહેવા માંડ્યું.

‘૨૦૦૬માં એક નાની બાળકી પર કામુક હુમલો થયેલો. તે સમયે તરાના બર્કે નામની એક સોસિયલ એકટિવિસ્ટના મોંમાંથી અચાનક જ શબ્દો નીકળ્યા “Me Too”. આ “મી ટૂ”. કદાચ પોતાના ભૂતકાળની વાત હશે. ત્યાર પછી મીરામેક્સ નામની મોટી કંપનીના માલિક અને ફિલ્મપ્રોડ્યુસર હાર્વે વેઇનસ્ટીને એલીસા મિલાનો નામની અમેરિકન અભિનેત્રી અને ગાયિકાને જાતીય સતામણી કરી. બસ એલિસા મિલાનોએ આ વાત સોસિયલ મિડિયા પર વહેતી કરી અને એણે પણ તરાના બર્કેના જ શબ્દો “મી ટૂ” શબ્દો વાપર્યા. સીધો સાદો અર્થ તો “મને પણ” એવો થાય. હું પણ પિડિત છું. મને પણ અન્યાય થયો છે. આ શબ્દ નારી જગતનો ચેતના બની ગયો. જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાએ મોં સંતાડવાની જરૂર નથી. એ સંદેશની વાત છે. બહાર આવો અને સામનો કરો. તમે ગુનેગાર નથી પણ તમે પીડીત છો. સમય બદલાયો છે. તમારી વેદના માત્ર એક ક્ષણમાં તમારી વાત આખા વિશ્વમાં ફેલાવી શકો છે.’

‘અને મિલાનોએ એ જ કર્યું. ૧૫ મે, ૨૦૧૭ ના રોજ બપોરે મિલાનો દ્વારા “મી ટૂ” શબ્દને ટ્વિટ કરાયો અને દિવસના અંતે તો બે લાખથી વધુ લોકોમાં પ્રસરી ગયો. પછી ૧૬ ઓક્ટોબર સુધીમાં પાંચ લાખથી વધુ વખત ટ્વીટ થયો. ફેસબુક પર પહેલા ૨૪ કલાક દરમિયાન ૧૨ મિલિયન પોસ્ટમાં,મી ટૂ હેશટેગનો ઉપયોગ પાંચ મિલિયનથી વધુ લોકોએ કર્યો. આ છે સોસિયલ મિડિયાનો પાવર. વાત વાયરલ થતાં વાર નથી લાગતી. આ વાયરલ વાતે સમાજમાં એક વૈચારિક ક્રાંતી સર્જી દીધી છે.’ ‘સોશિયલ મીડિયા પર “#મીટૂ” હેશટેગનો ઉપયોગ ખૂબ ઝડપથી ભારતમાં પણ ફેલાઈ ગયો છે. જોબ કરતી મહિલાઓને ડર વગર સતામણીનો રિપોર્ટ કઈ રીતે કરવો તે શીખવવામાં આવી રહ્યું છે.  પુરુષોને પણ ઓફિસોમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે કે સેક્સ્ચ્યુઅલ હેરેસ્ટમેન્ટમાં કઈ નાની નાની વાતોનો પણ સમાવેશ થાય છે. સાહેબો હવે તમે છટકી નહિ શકો. ખરેખર તો આ માત્ર ભારતની જ વાત નથી. પુરુષો દ્વારા કો વર્કર્સની થતી સતામણી વૈશ્વિક છે. અમેરિકામાં પણ છે. યુરોપમાં પણ છે. અને આફ્રિકામાં પણ છે. જ્યાં જૂઓ ત્યાં બધે જ છે.’  ‘પહેલાં મૌખિક સતામણી થાય, કોમેન્ટ થાય અને પછી શારીરિક અડપલાં અને છેડછાડ શરૂ થાય. બદનામી, શરમ, ધાક ધમકી, નોકરી જવાનો ભય, અંગત લાચારી નો ભોગ બનેલી બાળકી, સગીર છોકરી કે પુખ્ત મહિલા બળાત્કારનો ભોગ બને, મૂંગી રહે, આખી જીંદગી પિડાય અને કેટલીક આત્મહત્યા પણ કરે. લોકોને તો મહિલાનો દોષ જ દેખાય. તેં આવા કપડાં પહેર્યાં. તું આવી રીતે જ વર્તી એટલે જ તારી સાથે આવું થયું; વિગેરે વિગેરે. સ્ત્રી ક્યાં જાય? કોને ફરિયાદ કરે?’ ‘પણ આ મી ટૂ ની ચેતનાથી હવે જે જે સ્ત્રીઓએ ભોગવ્યું છે તેઓ ધીમે ધીમે હિમ્મતથી બહાર આવી રહી છે. વર્ષો પહેલાં થયેલા અન્યાય જાહેર કરવા માંડ્યા છે.’  ‘અમેરિકાનો તાજો જ કિસ્સો છે. સુપ્રીમ કોર્ટના નોમિનેશન વેળા ડો.ફોર્ડ જેવી મહિલા તેના ટીન વર્ષોમાં થયેલા બનાવની વાત લાવ્યા હતા. આજે પ્રસિદ્ધ ટીવી અને ફિલ્મ અભિનેતા બિલ કોસ્બી જેલમાં છે. બિલ ક્લિન્ટન અને ડોનાલ્ટ ટ્રંપનીની વાતો ચર્ચાય છે.’ ‘સ્ત્રી પુરુષો સાથે કામ કરતા હોય એવું એક પણ ક્ષેત્ર આમાંથી મુક્ત નથી. અમેરિકા હોય કે ઈન્ડિયા, હજુ આપણો સમાજ પુરુષ પ્રધાન છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી, શિક્ષણ સંસ્થા, રાજકારણ, મંદિરો અને ચર્ચો, બધે જ જાતીય સતામણી નું અસ્તિત્વ છે જ.’ ઘણાંએ “મી ટૂ” સાંભળ્યું હતું પણ આનો ઇતિહાસ કે મૂળ ખબર ન હતું. આમ જૂઓ તો આ ગંભીર અને શૈક્ષણિક વાત હતી. ત્યાર પછી તો અમારા મિત્ર મંગુમોટેલે ભારતના નામી નેતા અભિનેતા, કાસ્ટિંગ કોચની ઘણી વાતો કરી. ૨૪,ઓક્ટોબર ૨૦૧૭માં ઈજી પેનુ અને રોય નામના કેલિફોર્નિયાના ઈન્ડિયન સ્ટુડ્ન્ટે ઈન્ડિયાના એક સો જેટલા મોટા માથાના જાણીતા માણસોના નામની યાદી સોસિયલ મિડિયા પર ફરતી કરી હતી. આ લોકોના સેક્સ્ચ્યુઅલ પ્રરાક્રમો ળતાઅને ત્રાસની માહિતી હતી. કમનસીબે બધા કેસ દબાઈ ગયા અને સફળતા ન મળી. પણ ફાયદો એ થયો કે શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટિઓમાં એક ફફડાટ વ્યાપી ગયો હતો. નાના પાટેકર કે એમ.જે. અકબર અને અનુ મલિક તો ટીપ ઓફ ધ આઈસબર્ગ કહેવાય. આવા તો કંઇકેટલા કેસ બહાર આવશે.  વિદુષીનીએ કહ્યું ‘મેં  હમણાં જ ઈન્ડિયન ન્યુઝ પેપરમાં વાંચ્યું. સરસ લખ્યું હતું.’

“યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:” જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. માની લઇએ કે જ્યાં મહિલાઓનું સન્માન થાય ત્યાં દેવતાઓ વસે છે પણ કમનસીબી એ છે કે દેવતાઓને વસવાનું મન થાય એવી જગ્યા હવે બહુ ઓછી બચી છે. હૅશટેગ “મી ટુ” કેમ્પેઇને આખી દુનિયામાં મહિલાઓ પર થતા અત્યાચારોની વાતો ઉઘાડી પાડી છે. મારી સાથે પણ આવું થયું છે એવું કહેનારી મહિલાઓની સંખ્યા વધતી જ જાય છે.

બોલિવૂડની સરોજ ખાને કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ છે પણ અહીં રેપ કરીને મહિલાને રઝળતી મૂકી દેવાતી નથી અને રોજી-રોટી અપાય છે!

લો કરો વાત! આ વાતે મોટો ઊહાપોહ મચ્યો પછી સરોજ ખાને માફી પણ માંગી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ મામલે ખરડાયેલી છે. હજુ હમણાં સાઉથની હિરોઇન શ્રી રેડ્ડીએ, હૈદ્રાબાદના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં આવેલી ફિલ્મ ચેમ્બરની ઓફિસની સામે ટોપલેસ થઇને કાસ્ટિંગ કાઉચની વાત કરી હતી. તેણે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાં માથાઓનાં નામ પણ આપ્યાં હતાં. અગાઉ પણ આવું કહેવાની હિંમત ઘણી હિરોઇનોએ કરી છે પણ થોડોક ઊહાપોહ થયા પછી બધું રાબેતા મુજબ ચાલવા લાગે છે. બોલિવૂડમાં તો હવે એવી હાલત છે કે કાસ્ટિંગ કાઉચ માત્ર હિરોઇનોનું જ નહીં, પુરુષ કલાકારો સાથે પણ આવું થાય છે.

કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીએ કબુલ્યું કહ્યું હતું કે રાજકારણ પણ આમાંથી બાકાત નથી. તેમણે કહ્યું કે કોઇએ તો હવે બહાર આવવું પડશે. આપણે ત્યાં નેતાઓ થોડુંક બોલીને ચૂપ થઇ જાય છે. વર્કિંગ વુમન્સ માટે આપણે ત્યાં કડક કાયદાઓ છે, પણ જ્યાં સુધી મહિલાઓ તેના ઉપર જે વીતે છે એ હિંમતભેર કહેવા માટે આગળ નહીં આવે ત્યાં સુધી એ કાયદાનો કોઇ ફાયદો થવાનો નથી. સમાજે પણ આવું બહાર લાવનાર મહિલાને બિરદાવવાનું કામ કરવું જોઇએ. મહિલાઓ મોટાભાગે એ કારણે ડરતી રહે છે કે એનું નામ બદનામ થશે. સમાજ જ્યારે એની પડખે ઊભો રહેશે ત્યારે જ જે ખરાબીઓ છે એ બહાર આવશે.

વિદુષીની અને મંગુ જ સમાચારોની વાત કરતાં હતાં.  અમે બધા શ્રોતા હતાં. મંગુ ઈન્ડિયન સોસિયલ મિડિયા પર કાયમ ભટકતો માણસ એટલે ઘણી વાતોથી માહિતગાર. એણે કહ્યું કે ૧૪ વરસની ઋચિકા હરિયાણાના પોલીસવડા રાઠોડની સામે પડેલી, એને ક્યાં આગળ આવવું હતું કે કેરિયર બનાવવું હતું ? બિચારીને આપઘાત કરવો પડેલો.

એરહોસ્ટેસ ગીતીકા હરિયાણાના મિનીસ્ટર સામે પડેલી એને ય આપઘાત કરવો પડેલો ૬ મહિના પછી એની માને પણ મરવું પડેલું. જેસીકા લાલને તો તરત જ કપાળ વચ્ચે બુલેટ મળેલી. મોટા માથાની સામે પડો એટલે પોલીસ અને વકીલોની ફોજ તમારી પાછળ પડી જાય કે તમારે મરે છૂટકો. સામાજીક, આર્થિક રીતે તમે પાયમાલ થઈ જાઓ.

ચંપાની વચલી વહુ, વિદુષીની જેવી શાંત અને ઠરેલ નહીં, જો વિફરે તો દુર્ગામાતાનો અવતાર. એણે  વાતમાં ઝંપલાવ્યું. ‘આપણે તો ફરિયાદ બરિયાદમાં માનીયે જ નહિ. વાંકીચૂકી વાતનો ઈશારો મળે એટલે તરત જ ઝપેટી નાંખવાનો. એકવાર ઈન્ડિયામાં મારી મમ્મી સાથે મંદિરે ગઈ’તી. એવી ખાસ ગીરદી પણ ન હતી. તોયે એક ભક્ત મારી પાછળ અને પાછળ જ રહે અને મારા બટ્ટ સાથે ઘસાયા કરે. જરાવાર જોયા કર્યું. પછી એના પેટમાં મારી એવી તો કોંણી મારી કે વળ ખાઈ ગયો. પછી મેં કહ્યું સોરી કાકા, આ ગીરદીમાં તો એવું થવાનું જ.’

‘એક વાર બસમાં મને એવું થયું હતું. બસ લગભગ ખાલી હતી. મારી બાજુની સીટ ખાલી હતી. બસમાં પુરતી જગ્યા હોવા છતાં, એક કાકો મારી બાજુમાં આવીને બેઠો. પછી મારી પાસેને પાસે ખસતો જાય. મેં તો મોટેથી બુમ જ પાડી, કંડક્ટર બસને પોલીસ સ્ટેશન પર લઈ જા. આ નાલાયક છેડતી કરે છે. માનશો નહિ પણ એ ઉઠીને ચાલુ બસે ઉતરીને નાસી ગયો.’

‘બે ત્ર્ણ લફંગાઓને કોલેજ ગરબામાં પણ બેનપણીઓ સાથે ઝપેટ્યા હતા. રાહ જોવાની જ નહિ.’ જાણે બાંય ચઢાવતી હોય એમ બધી બંગડી ઉપર ચઢાવી.

ચંપાએ ડોમેસ્ટિક એબ્યુઝની વાત કરી. બાળકીઓ ઉપર સ્વજન વડીલો કે ઓળખીતા કાકા મામાઓ બળાત્કાર કરે અને નાની છોકરીઓ બીચારી ચૂપ રહે. ટીનેજર પર બળાત્કાર થાય; ઈજ્જત સાચવવા આત્મહત્યા કે એબોર્શનનો માર્ગ લેવો પડે. વિક્ટિમ તો શું પણ માબાપ જાણતા હોય તો પણ એઓ બિચારા ચૂપ રહે. મિત્ર સાથે ડેટિંગમાં જતી છોકરીઓને પણ ફસાવીને સીધી પથારી ભેગી કરી દે.

ભલેને ગમે તેવો સગો હોય તો પણ વાત સાચી હોય તો ફટકારી ફટકારીને એને ફજેત કરી મુકવો જોઈએ. કે બીજાને પાઠ શીખવાના મળે.

વચલી વહુ કહે, ‘મરદોએ એ સમજી લેવું જોઈએ કે “નો મીન્સ નો” ભલેને એ હસબન્ડ વાઈફ વચ્ચેની વાત હોય. એ રેઇપ કહેવાય. ઈચ્છા અને મંજુરી વગરનો સેક્સ બળાત્કાર જ કહેવાય. વચલી ચંપાની બાજુમાં જ બેઠી હતી. ધીમે રહીને ચંપાને કહ્યું, ‘મમ્મી, તમારા દીકરા પર કેસ ઠોકી દઉં. કાલે મેં એને એકવાર ના કહી હતી.’ ચંપા એની બધી વહુઓ સાથે સાસુ તરીકે નહિ પણ પ્રેમથી ફ્રેન્ડ તરીકે જ વર્તન રાખતી. એટલે જ આવી ફ્રેન્ડલી વાતો પણ થતી. અમે અને આખું સુરત જાણે કે અમારા ચંદુ અને ચંપાના લવ-લફારાં પછી એક જ ન્યાતના એટલે માબાપે વિવાહ સગપણ કરી આપેલું. અમારા ચંદુચંપા એને લાઈસ્ન્સ સમજી બેઠેલા. પરિણામે ચંદુભાઈને સરાધીયામાં ઘોડે ચડવું પડેલું.

ચંપાએ જરા ચંદુ સાંભળે એમ વચલીને કહ્યું. ‘લગ્ન પહેલાં મે બેવાર ના કહી હતી તોયે તારા શ્વસુરજીએ મને ભોળવી. હવે એક કે બે વાર ના કેહેવાથી આજના હબી અટકતા નથી. ત્રણ વાર ના કહેવી પડે. પહેલી ના ને તો એઓ હા જ સમજે છે, બીજી નાને “મે બી” ગણી કાઢે.

અમારા સૌની નજર ચંદુ પર સ્થિર થઈ.

બિચારો ચંદુ પંચોતેર પ્લસની ઉમ્મરે પણ એકવીશનો હોય એમ શરમાયો. એણે કબુલ કર્યું ‘થઈ ગયું એ થઈ ગયુ. આપણે સૌ સુખી છીએ. આ બધી વાત છોડો. જરા કેઈક અને કોફી વાળું થવા દો. કરસનદાદાદાને માટે કેરેટ કૅક લાવો.’ વાત આગળ ના વધારવા ચંદુએ ઓર્ડર ફરમાવ્યો. વાતાવરણ જરા હળવું થયું.

મંગુની નજર અમારા કરસનદાદા પર પડી. દાદા ચોધાર આંસુએ રડતા હતા.

‘દાદા, શું થયું. દાદા આર યુ ઓલ રાઈટ? દાદા ૯૧૧ને ફોન કરું?’ ભલેને મંગુના જન્માક્ષર કરસનદાદા સાથે મળતાનહોતા આવતા હોય પણ કરસનદાદા માટે દોડવું પડે તો એ જ દોડી વળતો.

‘દાદા શું થયું.’

ધીમેથી દાદાએ કહ્યું “મી ટુ”

હેંએએએ? વ્હોટ? દાદા તમને કોઈએ…..?

‘ના મેં કોઈને…આ પસ્તાવો થાય છે.’

‘દાદા શું થયું હતું? માંડીને વાત કરો.’ દાદાએ આંખો નૂંછી, પાણી પીધું. વાત શરૂ કરી.

‘મારા બીજા લગ્ન પછીની વાત છે. મારી સેકંડ વાઈફના કાકાની દીકરી રમા અમારે ત્યાં ત્રણ ચાર દિવસ મહેમાન તરીકે આવેલી. ખરેખર તો મારી જ ઉમ્મરની. વાઈફની પિત્રાઈ મોટી બહેન થાય. પરણેલી પણ હતી. પણ મને બહુ જ ગમતી હતી. એકાંતમાં અચાનક મારાથી એને ગાલ પર બકી થઈ ગઈ. અરે આ શું કરો છો? તમારાથી આવું થાય? હું તો તમારી મોટી બહેન કહેવાઉં. આ પછી રમા એક દિવસ વહેલી ચાલી ગઈ. ત્યાર પછી રમાએ કોઈ પણ દિવસ મારી સામે જોયું નથી કે  વાત કરી નથી. હવે તો રમા આ દુનિયામાં નથી. એના કોઈ છૈયા છોકરાં પણ નથી. મને આજે ખોટું કર્યાનો ખુબ જ પસ્તાવો થાય છે. આજે જો રમા જીવતી હોત એ પણ કહેતે “મી ટૂ”.

કરસનદાદા ફરી ચોધાર આંસુએ રડ્યા. ડૂસકાં સાથે એમણે અનેકવાર રમાની માફી માંગી. વહુઓ કેઇક કોફિની તૈયારીમાં પડી.

ચંપા દાદાને આશ્વાસન આપતી હતી. ‘દાદા હવે રમા નથી. હોત તો તમને રડાવતે; હવે રડવાનો કાંઈ અર્થ નથી. તે સમયે રમાએ બુમાબુમ કરી હોત તો ફજેતો થાત. તમે બચી ગયા. કલાપીએ કહ્યું છે તે પ્રમાણે કબુલાત કરી, માફી માંગીને પસ્તાવો જાહેર કર્યો એટલું પુરતું છે. હવે આ કેરેટ કેકનો નાનો પીસ બચ્યો છે તે લઈ લો. મંગુભાઈ કહેતા હતા કે હવે દાદાનો કેઇક ખાવાનો મૂડ નહિ હોય એમ કહીને મોટ્ટો પીસ એમણે લઈ લીધો છે.’

‘સાલો બદમાશ મંગો, મારો સાત જનમનો દુશ્મન છે.’ કરસનદાદાએ શક્ય એટલી ભદ્રભાષામાં મંગુને ઢગલાબંધ સુરતી સંભળાવી. મંગુ અમને કહેતો હતો કે ‘ડોસો પશ્ચાતાપનું નહિ પણ, પરાક્રમ કરવાનું રહી ગયાનું રડતો હશે.’

“તિરંગા” નવેમ્બર ૨૦૧૮.

 

 

 

ચંદુચાવાલાના ફેસબુકી ફંડા.

પ્રવીણ શાસ્ત્રી

પ્રવીણ શાસ્ત્રી

 

ચંદુચાવાલાના ફેસબુકી ફંડા.

 

‘મમ્મી, એક બ્રેકિંગ ન્યુઝ છે. ન્યુઝ પરથી એવું અનુમાન છે કે વેરી સુન તમારા ડિવોર્સ થવાના છે. જો થાય તો હું તો તમારી સાથે જ રહીશ. મમ્મી યુ આર માય બેસ્ટ મધર ઈન લો.’

‘તને ભાન છે કે તું શું બકે છે? મારા સિવાય તને કેટલી બીજી મધર ઈન લો છે?’

‘અત્યારે તો ઓન્લી એક જ, પણ પોસિબલ છે કે સાઈડમાં ચાર પાંચ આવી ચડે.’

ચંપા એની ત્રણ વહુઓ એટલે કે ‘ડૉટર ઇન લૉ’ સાથે બેસીને નિરાંતે ગપ્પા મારતી હતી. સૌથી મોટીનો મોટો પરિવાર એણે આઉટઓફ સ્ટેટ સંસાર માંડ્યો હતો.

પંચોતેર પ્લસની ચંપા અને પાંત્રીસ થી પચાસની ત્રણ વહુઓ. સાસુવહુ નહિ. મા દીકરી પણ નહી, પણ બહેનપણીઓ જ. જાણે ફ્રેન્ડસ. ચંપાની આ આવડતને કારણે તો એનું મોટું કુટુંબ અમેરિકામાં પણ એક છત નીચે સંયુક્ત જળવાઈ રહેલું હતું. અઠવાડિયામાં બે ત્રણ વાર તો બપોરના ગપ્પાની સેસન્સ થાય જ.

નાની વહુ વિદુષીનો વિષય સાહિત્ય, જનરલ નોલેજ, એજ્યુકેશન, પોલિટિક્સ. વચલી વૈશાલીનો રસનો વિષય ફેશન અને ગામ ગોસીપ. એ કામની ખોટ્ટી અને ચોટ્ટી. પણ મોઢાની મીઠડી. બધાને લાડથી બટર લગાવ્યા કરે. મોટી મનિષાને ખાવા પીવાનો અને ફરવાનો ઈન્ટરેસ્ટ. બિચારી ખૂબ કામ કરે. જાત જાતનું બનાવતી જાય, ચાખતી જાય અને મોટી થતી જાય. આજે બધા બેઠા હતા અને વચલીએ ગંભીર ચહેરે ધડાકો કર્યો. “મમ્મી, એક બ્રેકિંગ ન્યુઝ છે. ન્યુઝ પરથી એવું અનુમાન છે કે વેરી સુન તમારા ડિવોર્સ થવાના છે.”

‘આજે કેમ લવારા કરવા માંડ્યા છે.  હમણાં તો એ મનોરંજન ગયા મહિને પતી ગયું અને તેં આ નવો બોમ્બ ફોડ્યો? શું વાત છે?’

‘મમ્મી, અમારા ડેડ, મીન્સ આપના સાત જન્મના ભરથાર આપને તલાક તલાક તલ્લાક કહી દે એવો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.’

‘એઈ વચલી, વાતમાં મોણ નાંખ્યા વગર સીધું ભસને, શું વાત છે?’ ચંપા તાડુકી. ચંપા એની વહુઓના નામમાં ઘણીવાર ગુંચવાતી એટલે મોટી, વચલી અને નાની એ રીતે જ ઉલ્લેખ કરતી.

‘મમ્મી તમે કોઈ ચંદ્રકાંત ટીમર્ચન્ડને ઓળખો છો?’

‘ના.’

‘તમે આ હેન્ડસમ ગાયને ઓળખો છો?’ વચલીએ એના ફોનમાં એક ફોટો બતાવ્યો.

‘ના.’

‘અરે, જરા ધ્યાનથી જૂઓ.’

‘ઓહ! આતો તમારા ડેડીનો જ ફોટો છે. મારી પચ્ચીસમી બર્થ ડે પર એણે મને એક કેમેરો ભેટ આપ્યો હતો અને પહેલો ફોટો મેં એનો  પાડ્યો હતો તે છે. એ તેવીસના હતા અને હું પચ્ચીસની. હી વોઝ રીયલી હેન્ડસમ.’ ચંપાને એની જુવાની યાદ આવી ગઈ.

‘મને જોવા દે, મને જોવા દે’ મોટી અને નાની વચ્ચે ફોનની ખેંચાતાણી ચાલી. બધી વહુએ રૂપાળા જુવાન સસરાને જોયા અને પેટ ભરીને વખાણ કર્યા. એટલું જ નહિ પણ મોટીએ તો થોડો બફાટ પણ કર્યો. બિચારીથી બફાઈ ગયું. ‘મમ્મીએ સરસ દહિંથરુ ઉપાડી લીધું.’

ચંપાથી આ સહન થાય? એણે તરત એનું ફોન આલ્બમ ક્લિક કર્યું. એક પછી એક પંદરથી પચ્ચીસના પોતાના ફોટાની સ્લાઈડ સેરવવા માંડી. ત્રણે ડોટર ઈન લોને કબુલ કરવું પડ્યું કે ચંપા મોમ પણ ઓછી બ્યુટિફૂલ ન હતી. મોટીવહુ જરા શરીરે મોટી જ હતી. ચંપાએ પ્રેમથી કહ્યું કે ‘તું જરા ખાવાનો શોખ કંટ્રોલમાં રાખે તો તું પણ મારા જેટલી જ બ્યુટિફુલ લાગે.’

‘હું કાલથી કિચનમાં પગ જ નથી મુકવાની. નોમોર કુકિંગ ફ્રોમ ટુમોરો. નથી રાંધવાની અને નથી ખાવાની. તમને મારા પર દયા આવે તો થોડું ખાવાનું મારા બેડરૂમમાં પહોંચાડજો. બહુ ભૂખ લાગશે તો બહાર હોટેલમાં જઈને થોડું ખાઈ આવીશ.’

‘થોડું જ?’

‘હા, માત્ર ૫૦૦૦ કેલરી જેટલું જ. આજથી કિચનમાં મારી જવાબદારી નહિ. મારી હેલ્પ કેન્સલ.’

વાત આડે રસ્તે ચઢ્તી હતી. વિદુષીની એ વાળી દીધી. ‘ભાભીજી, તમારા જેવી રસોઈ તો સંજીવ કપુરને પણ ના આવડે. ઘરમાં બધાના ટેસ્ટ જાળવવા માટે તમારે કમને પણ ચાખી ચાખી ચાખી ને રાંધવું પડે એ સ્વાભાવિક છે. આમ રિસાવાનું નહિ. આ ડેડીના ફોટાની વાત ચાલે છે. બોલો ભાભીજી ડેડી હેન્ડસમ હતા ને?’

‘એ તો છે જ ને. એટલે તો એના બધા દીકરાઓ હેન્ડસમ છે બાકી તો….જવાદોને વાત જ કરવા જેવી નથી. પણ વચલી, ડેડીના શું પરાક્રમ છે? આપના વ્હાલા મમ્મીજીને કોઈ પ્રોબ્લેમ તો નથી ને?’

‘હા, મમ્મી હાલમાં ડેન્જર ઝોનમાં છે. મમ્મી, હવે તમારા આ હેન્ડસમ હસબંડ ફેસબુકને રવાડે ચઢ્યા છે. ફેઇક આઇ.ડી, ઉભી કરી છે. એની પ્રોફાઈલ તો જૂઓ. નામ ચંદ્રકાંત ચાવાલાને બદલે ચંદ્રકાંત ટીમરચન્ડ. ઉમ્મર પંચોતેરને બદલે ફોર્ટી પ્લસ. પ્યારે સસુરજીની નાઈન્ટી પર્સેન્ટ ફ્રેન્ડ્સ, પટાકડીઓ જ છે. ઓ બાપરે! બધાની કોમેન્ટસ તો જૂઓ, શરૂઆત જ હાય હેન્ડસમથી અને હાય સ્વીટીથી થાય.’ વચલીએ ચંદુની ફેસબુક પરની પોસ્ટની પોલ ખોલી. એમણે ભૂલમાં મને પણ ફ્રેન્ડ બનાવી દીધી છે એટલે બધા ભોપાળાની ખબર પડે.

‘હંમ.’ ચંપાએ ઊંડો શ્વાસ મૂક્યો. ‘બુઢ્ઢા મન્કીએ ગુંલાટ મારવા માડી. એનો ટાંટિયો પ્લાસ્ટરમાં જવાનો. તમારે બધાએ એની સેવા કરવી પડશે. એ શું લખે છે તે મને જણાવતી રહેજે’ મામલો સિરિયસ હતો. ચંપા કૂલ હતી.

વહુઓને એમ હતું કે હવે બેત્રણ દિવસમાં વૉર ડિક્લેર થવાની જ.  પણ કશું જ ના થયું. અને બધી વાત ભૂલાઈ ગઈ. એકવાર અમારી સુરતી સિનિયર્સની ગેન્ગ ભેગી થયેલી ત્યારે વચલી વૈશાલી વહુએ ફેસબુકનો સબ્જેક્ટ કાઢેલો પણ બીજી વાતોમાં વચલીની વાત હવાઈ ગયેલી.

ચંદુને અમારા સુરતી દોસ્ત મંગુએ ફેસબુક પર ચઢાવી દીધેલો. અમે એના દોસ્તાર ખરા, પણ ફેસબુક પર નહી. એના લફરાં તો અમને પાછળથી ખબર પડેલા. ભાઈ સાહેબને ભાઈબંધ નહિ, પણ બેનપણી ઓ જ વધારે. ચંદુએ શોધી શોધીને બહેનપણીઓ બ્નાવવા માંડેલી. આમ તો ચંદુ નિર્દોષ. કોઈની સાથે ફિઝિકલ કોન્ટેક્ટ નહિ. કોઈની સાથે ફોન પર વાત નહિ, વર્ચ્યુઅલ લવ. વર્ચ્યુઅલ ફેન્ટસી. આમ તો એના ઘરના બધા જ એક કે બીજા સોસિયલ મિડિયા પર એકટિવ પણ એકબીજાના મિત્રમંડળમાં નહિ. બધાને પોતપોતાનું ગ્રુપ. એકમાત્ર ચાંપલી વચલી વહુ વૈશાલી બધા પર નજર રાખે.

ફરી એકવાર વૈશાલીએ મધર ઈન લોને ચેતવણી આપી. જૂઓ આ કૂડી પંજાબણ અમૃતા અગ્રવાલ નામની ડાકણી વળગી છે. એની પ્રોફાઈલ તો જૂઓ. ફાધર સુરતમાં રગડા પેટીસની લારી ચલાવતા હતા. એ સુરતમાં જ જન્મી. લોયર થઈ. લગ્ન થયા. અમેરિકા આવી. ડિવોર્સ થયા. લોસ વેગાસમાં રહે છે. એને ખબર પડી ગઈ છે કે ડેડી મલ્ટિ મિલિયનર છે. ડેડી અને ડાકણી વચ્ચે શું રંધાતું હોય એ શું ખબર? મમ્મી જાગો.

‘ના કંઈ જરૂર નથી.’ ચંપા કૂલ.

બે મહિલા પછી…..

‘મમ્મી, પેલી પંજાબી ડાકણ ગઈ અને કોઈ શાયરી વાળી નવી જ ભૂતડી વળગી છે.’

‘કોણ છે?’

‘ફૅઇક નૅઇમવાળી ‘સ્વીટમધુ’ છે. ન્યુ જર્સીની જ છે. મમ્મી તમારા હબી પાસે ફેસબુકનું એડિક્સન છોડાવો. જૂઓ મારી “નવી સાસુ ટુ બી” એ ડેડીને માટે ખુલમખુલ્લુ પોસ્ટ કર્યું છે’

તુમ જમાને કે હો, હમારે સિવાય,
મગર હમ કિસી કે નહીં તુમ્હારે સિવાય

ને એની રિસ્પોન્સ કૉમૅન્ટમાં તમારા સીધા સાદા સાત જન્મના પતિદેવે ઠોક્યું છે

મૈં તો ઇસ વાસ્તે ચુપ હૂં મધુ, કિ તૂ તમાશા ન બને
ઔર તૂ સમજતી હૈ મુઝે તુઝસે ગિલા કુછ ભી નહિં

મમ્મી આ તો જાહેરમાં પોસ્ટ કર્યું છે. અંદર અંદર ટેક્ટ્સ મેસેજમાં મધુડી સ્વીટુડી શું શું ચલાવતી હશે? જાગો મમ્મીજી જાગો.

જોવા દે, એ કેવી દેખાય છે.

મમ્મી “મધુસ્વીટી” એ પણ ફૅઇક નામ છે. એનો પ્રોફાઈલ ફોટો જ નથી. એને બદલે માત્ર હાર્ટ જ બતાવ્યું છે. શું ભણી છે, ક્યાં કામ કર્યું છે. કોણ સગા છે. કશું જ નહિ. ક્યાં રહે છે એમાં માત્ર ન્યુ જર્સી.

દીકરી વૈશાલી. પ્લીઝ આ વાત પર પડદો પાડ. ડેદી કરતાં પણ હું બે વર્ષ મોટી. મારી સિત્તોતેરની ઉમ્મરે હવે હું ક્યાં જાઉં? ભલે એને જે રીતે જીવવું હોય એ રીતે જીવે. આ ઉમ્મરે હવે શું ફેર પડે?

પણ અમારો ચંદુ મેન્ટલી ચાલીસ પ્લસનો જ થઈ ગયો હતો. “મધુસ્વીટી” સાથેની વર્ચ્યુઅલ મેન્ટલ ફેન્ટસી માણતો થઈ ગયો હતો. વાસ્તવમાં કશું જ નહિ. શાયરીની બુકસ વસાવી લીધી. એણે પણ શાયરી ઠોકવા માંડી. અને ટેક્સ્ટ પ્રણય ચાલુ થઈ ગયો.

એક દિવસ હિમ્મત કરીને ચંદુએ ઈનબોક્ષ મેસેજ મોકલ્યો, મધુસ્વીટી, પ્લીઝ પોસ્ટ યોર ફોટો.

નહિ મિસ્ટર ટીમર્ચન્ટ, મે ફોટો પોસ્ટ નહિ કર શક્તી. મેરા બુઢ્ઢા એક્ષ દેખેગા તો મેરી પીછે પડ જાયેગા. અગર ચાહો તો પર્સનલી મીલ શકતી હૂં.

કહાં?

મૈં ન્યુ જર્સીમેં હી હૂં, અગર એડ્રેસ દેદો તો આપ કે ઘર આ જાઉં.

નહીં નહીં સ્વીટી, ઘર પર નહિ. ઘરમેં રિનોવેશન ચલ રહા હૈ.

અચ્છા, સન્ડે એટલાન્ટિક સીટી કેસિનો હોટેલ બેલીમેં રૂમ બુક કરવા દેતી હું. વહાં મિલેંગે. બટ એક શર્ત. નો ટચી ટચી. શિર્ફ બાતેં.

હાં હાં. શિર્ફ બાતેં.

અમારો ચંદુ ફેસિયલ પણ કરાવી આવ્યો. એક બે સૂટ ખાનગીમાં બદલી જોયા. છેવટે ડિઝાઈનર ડ્રેસ જીન્સ ફીટ થયો તે પહેરવાનું નક્કી કર્યું. બે ત્રણ શાયરી ગોખી કાઢી.

ચંપા, આ સન્ડે મારે બિઝનેશ મિટિંગ છે.

આ સ્ન્ડે? ના આ સન્ડે મિટિંગ બિટિંગ કશું  નહિ. મેં આપણે ઘરે સત્યનારાયણની કથા રાખી છે.

અરે પણ આ સન્ડે એક ફ્રેન્ચ બિઝનેશમેન આવે છે. કદાચ મોટો કોન્ટ્રાક્ટ મળે એમ છે.

ઓકે સવારે કથા રાખીશું. પછી સાંજે તમે છૂટ્ટા. બપોરે અમારી લેડિઝ ક્લબનું ઇલેક્શન છે. હું ત્યાં જઈશ.

તમે મિટિંગમાં જજો.

ચંદુને હાશ થઈ ગઈ.

રવિવારે સવારે અગીયાર વાગ્યામાં તો ‘જયદીશ હરે’ની આરતી ગવાઈ ગઈ. પ્રસાદ ખવાઈ ગયો. લંચ લેવાઈ ગયું. અને ચંપા ક્લબના ઇલેક્શનમાં પહોંચી ગઈ. અમે ગપ્પાં મારતાં બેઠા હતાં. અમને તે વખતે લાગ્યું કે ચંદુ કંઈક અકળાતો હતો. છેવટે એણે ફોડ પાડ્યો.

સાસ્ટરી, આજે મારે ઈમ્પોર્ટન્ટ મિટિંગમાં જવાનું છે. ટમારે બેહવું ઓય ટો ટમે બેહો. મારે ટો જવું પડહે. ત્રણ વાગ્યે એણે એની બ્લેક બીએમડબ્લ્યુ મારી મૂકી. અમે યે નીકળી ગયા.

ચંદુ પાંચ વાગ્યે ફ્લાવર બુકે લઈને બેલી કેસિનો હોટેલ પર પહોંચ્યો. રિસેપ્શન ડેસ્ક પર તપાસ કરી.

યસ, મીસ મધુ ઈઝ વેઇટિંગ ફોર યુ ઈન રૂમ રૂમ ૧૭૨૧,

એલિવેટરમાં ચંદુના ટાંટિયા ગળાતા હતા. આ મધુ કોણ હોય અને કોણ નહિ. કદાચ ભેરવાઈ જવાય તો? આ ખોટું છે. ચંદુ પંદરમે માળે એલિવેટરમાંથી બહાર નીકળી ગયો. બાજુના એલિવેટરનું નીચે જવા માટે બટન દબાવ્યું. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો. લોબીમાં જરા બેઠો. ફરી વિચાર્યું કે બિચારી મધુ મારી રાહ  જોતી હશે. આ તો ફ્રેન્ડલી મિટિંગ હતી. “શિર્ફ બાતેં” ની ચોખવટ પહેલેથી જ થઈ ગઈ હતી.

ફરી હિમ્મત કરી એ સત્તરમા માળે પહોંચ્યો. એકવીસ નંબરના રૂમના બારણે બઝર દબાવ્યું અંદરથી તીણો અવાજ આવ્યો ‘ઈટ્સ ઓપન’

ઓસન ફ્રંટ ડ્રેઇપ બંધ હતો. રૂમમાં માત્ર બે કેન્ડલ ટમટમતી હતી. બેડ પર એક મહિલા રાહ જોતી હતી. આઈએ મિસ્ટર મર્ચન્ટ.

યુ યુ યુ ચંપા?

દિલ ભી તોડા તો, સલીકે સે ન તોડા તુમને

પ્યારે ચંદુ, બેવફાઈ કે ભી આદાબ હુઆ કરતે હૈ.

સોરી, સોરી સોરી ચંપા.

બિચારો ચંદુ એને વળગવા ગયો.

નો ટચી ટચી. સિર્ફ બાતેં. પણ પછી બે વચ્ચે શું થયું તે અમને ખબર નથી.

ચંદુ-ચંપાના ફેસબુકી ફંડાની આ બધી વિગત તો અમને એક અઠવાડિયા પછી ખબર પડી હતી. વચલી ચંપાને વારંવાર સસરાજીની વાત કરતી પણ ચંપાએ જરા પણ ફોડ પાડ્યો ન હતો કે સ્વીટમધુ તરીકે તે જ ચણ્દુને રમાડતી હતી. હવે ચંદુએ ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું છે. સ્વીટમધુની સીધી શાયરીઓનો માર, બિચારા બેવફા ચંદુને રોજ બેડરૂમમાં પડતો રહે છે. ચંદુને ઉર્દુ સમજાતું નથી પણ દુબારા દુબારા કરતો રહે છે.આપણો બિચારો ચંદુ “સ્વીટમધુ”માં એટલો તો ભેરવાઈ ગયો હતો કે સત્યનારાયણની કથા કરી પણ એની એન્નિવર્સરી પણ ભૂલી ગયો હતો; એ પાપની શિક્ષા વારંવાર ભોગવતો રહ્યો છે.

તિરંગા ઓક્ટોબર ૨૦૧૮

ઘરકી મુરધી દાલ બરાબર.

પ્રવીણ શાસ્ત્રી

ઘરકી મુરધી દાલ બરાબર.

અમારા ચંદુભાઈના ફેમિલીમાં ચાર પેઢી એક સાથે ખદબદે. સોળ સત્તર માણસો, ગણવા બેસીએ તો અમે તો ગુંચવાઈએ જ પણ ચંદુ પણ ગણવામાં અટવાઈ જાય. એના ત્રણ દીકરાઓ એમના કુટુંબ સહિત સાથે જ રહે. એક દીકરો કેલિફોર્નિયામાં રહે. કોનો છોકરો કે છોકરી કઈ કોલેજ કે ડોર્મમાં છે એમાં યે પાછા લોચા. બિચારો ચંદુ માથું ખંજવાળે અને કપાળ કૂટે.કોઈવાર મનમાં તો કોઈવાર બરાડો પાડીને બબડે “સાલું એલ્ઝાઇમર વળગ્યું છે.” આ ચાર પેઢીમાં ચન્દુ, ચંપા, એનો મોટો દીકરો અને બે વહુઓ ઈન્ડિયા બોર્ન અને બાકીના બધા જ મેઇડ ઇન અમેરિકા. બધા જ્યારે ભેગા હોય ત્યારે ઈન્ડોઅમેરિકન કલ્ચરની પાવભાજી.

અમારા ચંદુભાઈનો ચમચો ગરમ. મહેમાનોની આગતા સ્વાગતા, ખાવું, ખવડાવવું મહેમાનગીરી અને મોટાઈગીરીનો શોખ. ઉનાળો શરૂ થાય એટલે એને ત્યાં, નાટક ચેટક વાળાઓ, તબલા સારંગી વાળાઓ, જ્ઞાન વેચવાવાળા બાપુઓ, મોદીવાળા અને સોનિયાવાળા દેશહિત અને સંસ્થાઓના કલ્યાણાર્થે આવેલા જ હોય.

શરૂઆતના વર્ષોમાં તો પહેલી પેઢીને બધા આવે તે ગમતું. પણ પછી તો તેઓ પણ અકળાતાં. ખાસ કરીને મહિલાઓ. ચંદુભાઈ તો હિંચકે ઝૂલે પણ મહેમાનગીરી તો ચંપા અને ત્રણ વહુઓએ જ સંભાળવી પડે. એક સમયે રાંધવા માટે બે બાઈ રાખી હતી પણ એઓએ કટાળીને ચાલતી પકડેલી. બીજી પેઢીના બે દીકરાઓને દેશીઓ પોતાને ઘેર ધામા નાખે તે તો નજ ગમે એટલું જ નહિ પણ અમેરિકા આવે તે પણ ન ગમે. એ છકરાંઓમાં ‘અતિથિ દેવો ભવ’ ની ભાવનાની આશા રાખવી નકામી. એકવાર તો ચંપાએ જ કંટાળીને મને કહ્યું હતું કે “આ તમારા દોસ્તે મારા ઘરને ઘર્મશાળા બનાવી દીધું છે.” પણ ચંદુભાઈ એટલે ચંદુભાઈ.. સમજે તો ને? અમારા મંગુએ પણ ચંદુને કહેલું કે તારે ત્યાં જે આવે તેને મારી મોટેલ પર મોકલી આપ. હું એમને ખંખેરી લઈશ અને ચંપાને રાહત રહેશે. એમને ખબર પડવી જોઈએ કે તમારી મહેમાનગીરી અમને મોંઘી પડે છે. બધા જ પ્રાર્થના કરે છે કે અતીથી તુમ કબ જાઓગે?

હવે વાત એમ છે કે જેઓ ઈન્ડિયાથી આવે તેઓ ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાની જળવણીના ચંદુભાઈના ઘરના સભ્યોને લેક્ચર ફાડે. ચંદુભાઈના ઘરમાં ચંદુભાઈ સુરતી ભાષાની જાળવણી કરવા પ્રયાસ કરે. તદ્દન નાની વહુ વિદુષીની શુદ્ધનાગરીબ્રાહ્મણની ભાષા જાણે પણ ઘરમાં બધા સાથે અંગ્રેજીમાં જ વાત કરે. અમેરિકામાં જન્મેલાં છોકરાંના છોકરાંઓ ત્રીજી પેઢી તો પુરી અમેરિકન. દેખાવ દેશી એટલું જ બાકી ભારત જવા પણ રાજી નહિ. જેમ જેમ અમારા ચંદુની ભારતીય ધેલછા વધતી જાય તેમ તેમ છોકરાંઓનો દેશીઓ પ્રત્યેનો અનાદર વધતો જાય.

આજની ધમાધમી એ માટે હતી કે ભારતથી કોઈ કલ્ચરલ ગ્રુપ અમેરિકન દેશીઓને ભારતીય કલાજ્ઞાન અંગે માહિતી આપવા ન્યુ જર્સીમાં આવવાનું હતું. અમારા કરસનદાદાએ ચંદુભાઈનું નામ સૂચવ્યું હતું. પારકે ધેર પરોણાગત જેવો જ ધાટ હતો. દશ મહેમાનો એક વીક ચંદુભાઈને ત્યાં ધામા નાંખવાના હતા. કેટલાક ગ્રુપ જુદી જુદી જગ્યાએ યજમાનો શોધી કાઢે તો કેટલાક ભારત સરકારને ખંખેરીને જલસા કરતા હોય છે. આ વખતે ચંદુભાઈને બાદ કરતાં ઘરમાં બધાનો વિરોધ હતો.

અમારા મિત્ર રાજુભાઈએ એક વાર જણાવ્યું હતું કે સંસ્કૃતિ પ્રસારણને નામે આ બધા જલસા ચાલે છે. ગુજરાત કે અન્ય પ્રદેશ ના રાજકર્તા સાથે ના સંબંધો ને લીધે; જે તે રાજ્ય નું પ્રવાસન ખાતું તેના રાજ્ય ના કરવેરા ત્યાં ની પ્રજા ની સગવડો ના ભોગે, અહીં ના તેમના મળતિયાઓ ને નાણાં કે અન્ય મદદ કરે અને ત્યાં ના કલાકારો ને અહીં આવવા બહાનું જોઇએ તે માટે સગવડો કરે છે . આ બધી સ્ટેજ પર થતી મસ્તી નો વીડીયો રીપોટઁ પણ ખરચા ના હિસાબ તરીકે મોકલવો પડે અને રાજકર્તા ઓ ની વાહવાહી પણ કરવી પડે અને જે તે પ્રસંગ માં થી વહીવટકર્તા પોતાની સગવડો પણ કરી લે જ તેથી સ્થાનિક કલાકારો રહી જ જાય ..સંસ્કૃતિ પ્રસારણના નામ હેઠળ પરદેશ પ્રવાસના જલસા ઉડાવાય છે.. જ્યાં રાજકીય રોટલા શેકાતા હોય ત્યાં અહિના સ્થાનિક કલાકારોની તો કોઈ ગણના જ ન થાય. .

અમારા ચંદુભાઈના નાના દીકરાની વહુ વિદુષીની અમદાવાદમાં જન્મેલી અને ત્યાંની કોલેજમાં ભણેલી. શરૂઆતમાં તો એને પણ બધા કલાકારો અને સાહિત્યકારો આવતા તે ગમતું પણ હવે તો તે પણ કંટાળતી. એણે સાહિત્યિક સમીક્ષા અંગે સરસ નિબંધો લખેર્લા, મને વંચાવેલા. એણે બે ત્રણ પ્રકાશકોને મોકલેલા પણ કોઈ એની નોંધ લેવા પણ નવરું ન હતું. એણે મને પુછ્યું; ‘શાસ્ત્રી અંકલ તમે શું માનો છો, તમે તો અમારા ડેડીના સમય થી અહિં છો. કેટલાક મેગેઝિનના તંત્રી સંપાદકો તો મારા જેવા નવા અને અજાણ્યાની કૃતિઓ વાંચવાની જ દરકાર નથી કરતા.’ મારે કહેવું પડ્યું કે ‘દીકરી તારી વાત સાચી છે’

‘જો દીકરી હું પોતે તારા સસરાજીની જેમ માનવંતો યજમાન નથી થતો. મને પોસાય પણ નહિ અને રસ પણ નથી. ચંદુભાઈએ અને અહિની જ સંસ્તાઓના બડેખાંઓએ અમેરિકાના ખૂણેખૂણે વેરાયલા સર્જકો અને કલાકારોને પ્રકાશમાં લાવી બિરદાવવા જોઈએ.’

‘મારા એક મિત્ર મહેન્દ્રભાઈ શાહ વ્યંગચિત્રકાર છે, તું તો જાણે છે કે મહાગંથ કે નવલકથા કરતાં નવલિકા સર્જન અધરી વાત છે. તેમાંયે માઈક્રોફિકશન તોબ ખૂબ જ અઘરું. પોએટ્રી ઇઝ નોટ માય કપ ઓફ ટી. પણ જાણું છું કે એમાં યે મુક્તકો અને હાયકુ એ અધરો પ્રકાર છે. ઘટનાઓની અભિવ્યક્તિનો સૌથી ઉત્તમ પ્રકાર વ્યંગચિત્રો કે કાર્ટૂન છે.’

‘હા હા અંકલ મેં એમના કાર્ટૂન જોયા છે.’

‘એમણે મને એમની વ્યથાનો સંદેશ મોકલ્યો. આ એમના જ શબ્દો છે.’

“ ચાલો ગુજરાત” માં મારું કાર્ટુન્સ પ્રદર્શન માટે મેં અસફળ પ્રયત્ન કરેલ, અસફળ જ રહેલ, ભારતથી ઘણા બધાને ટિકીટ, રહેવા ફરવાના ખર્ચા સાથે બોલાવશે, આપણે આપણા ખર્ચે જઇએ તો પણ ના બોલાવે, અધૂરા માં પૂરું પ્રદર્શનમાં લોકો આપણાં કાર્ટુન્સ જોઇને ગાંડા થઇ જાય! ( આ તો એક વાર તક મળેલ, એટલે ખ્યાલ આવેલ!) મને તો આમાં કંઇક સેટીંગ હોય એવું લાગતું હોય છે! આપણે એ લાઇનમાં પાછા પડીએ એટલે માર ખાઇ જઇએ! તેથી જ તો સમ ખાવા કોઇ મહાનુભાવો જોડે લીધેલ એકાદ સેલ્ફી પણ ફેસબુક પર પોસ્ટ કરવા આપણી પાસે નથી”

એમણે વધુમાં જણાવ્યું કે “એક વાર તો મેં એક ઇવન્ટમાં કાર્ટુન્સ પ્રદર્શન માટે ફોન કરેલ, તો બુથના ભાડાનું એની સાઇઝ પ્રમાણે પ્રાઇસ લીસ્ટ મોકલી આપેલ! મેં દલીલ કરેલ કે મારું પ્રદર્શન તો લોકોના મનોરંજન માટે છે, હું ત્યાં કંઇ વેચવાનો નથી, મારું પ્રદર્શન તો એક મનોરંજન પુરુ પાડશે, It will be an added attraction! શોભામાં અભીવ્રુધ્ઘિ કરશે, તો કહે.., “ ભાડું તો આપવું જ પડશે, સાડી બુથ, ફુડવાળા, ટ્રાવેલ એજન્ટ, ઇન્સ્યુરન્સ એજન્ટ, રીયલ એસ્ટેટ બ્રોકર, જ્વેલર્સ, બ્સુટી પાર્લર બધા જ ભાડું આપે છે, તમે ભાડું નહીં આપો તો ઇન્ડિયાથી કલાકારો, કથાકારો, સંગીતકારો, સાહિત્યકારોને બોલાવવાનો ખર્ચો ક્યાંથી કાઢીશું?”

આપણે તો જાણીયે છીએ કે અહિ અમેરિકામાં દર વર્ષે તબલા સારંગી સાથે, પોલિટિશીયનસ, નાટક ચેટકવાળા, કથા વાર્તાવાળા બાવાઓ કવિતાવાળા સાહિત્યકારોની જમાત ઉતરી પડે છે. આયોજકો એમના પ્રોગ્રામ ગોઠવી પોતાના રોટલા શેકી લે છે. અમેરિકાના પ્રોગ્રામ આયોજકોને અમેરિકામાં જ સ્થાયી થયેલા મધ્યમ કે ઉચ્ચ કલાકારો દેખાતા જ નથી.. ઘરકી મુરઘી દાલ બરાબર જેવી જ વાત કહેવાય.

અમારા એક નેટ જગતના પ્રસિદ્ધ સાહિત્યકાર મિત્ર શ્રી નટવર મહેતા કહે છે; “મને કદી ‘ચાલો ગુજરાત’ કે એવા આયોજનમાં જવાનું દિલ જ નથી થતું. એક વાર તો એક મહિલા મિત્ર જેઓ અહીં યોજાયેલ આવા જ એક કાર્યક્રમના આયોજક પૈકી એક હતા. એમણે અંગત સંદેશ મોકલાવેલ.”

“એની પ્રવેશ ફીમાં પણ રાહત મળે એમ હતું. તો દિલ જ ન થયું. એ જ રીતે ડાયાસ્પોરા કે ગુજરાત લિટરરી કે એવા કાર્યક્રમથી પણ હું દૂર રહું છું. અરે! ગુજરાત દર્પણ ના કાર્યક્રમમાં જવા માટે પણ સમય નથી મળતો. બાકી, સુભાષભાઈ શાહે તો મારી હરેક વાર્તા એમના પ્રકાશનમાં પ્રકાશિત કરી જ છે. “

“ખેર! મને વાંચકો, ચાહકો મળી રહે છે. અર્થોપાર્જનનો આશય તો હતો જ નહીં અને ગાંઠના ગોપીચંદન કરી વાર્તા કે કવિતાના પુસ્તકો પ્રકાશિત કરવાનું સાહસ કરવાની ખેવના પણ નથી.”

“ટો શાસટરી આ બઢામાં ટારી બોટમ લાઈન હુ છે ટે ભસી નાંખને? મનૅ ટો ખબર છે કે ટને કૉઇ બોલાવટું નઠી એટલે ટને પેટમાં ડૂંખે છે. આ બઢાનો સટ્કાર હું કરું છું ઍતલે તો મને એમના પ્રોગ્રામમાં વીઆઈપીની લાઈનમાં બેહવાનું મલે. ટુ જેલસ છે. બોલ આ ડહ આર્ટિસ્ટ આવ્વાના છે એનું મારે હું કરવું?”

મારે બદલે ચંપા જ તાડુકી;

‘ચૂલામાં જાય તમારા ગેસ્ટ; અત્યારે ને અત્યારે એ લોકોને ઈન્ડિયા ફોન કરીને કહી દે કે મારે ત્યાં સગવડ થાય એમ નથી. તમે તમારા પ્રમોટરનો કોન્ટેકટ કરો. જો પ્રમોટર સગવડ ના કરી શકે એમ હોય તો અમારા મંગુભાઈની મોટેલ છે જ. એક નાઈટના $૧૨૦ પર રૂમનો ભાવ ચાલે છે. ત્યાં ગોઢવી આપીશું. તમને ખબર નથી પણ આવા ગેસ્ટને બોલાવનાર ખંધા પ્રમોટરો પણ આ બધાને પોતાની મલાઈ ચાટવા જ બોલાવે છે. પછી થોડા જ ટાઈમમાં એમને સગવડ આપવાને બદલે એમના ચંદુ ચાવાલા જેવા સગાને ત્યાં રખડતા મૂકી દે છે.’

‘પન ચંપા, આપની પ્રેસ્ટિજ નો સવાલ છે! આપના બાપ ડાડાની ઈજ્જટનો સવાલ છે.’

‘ભલે આપની ઈજ્જતના ઝંડા અડ્ધી કાઠી એ થઈ જાય નો મીન્સ નો.’

ચંદુભાઈ ફોન હાથમાં લેતા બબડતા બબડતા બોલ્યા “હવે મિસ્ટર ચા વાલાને વીવીઆઈપીની ફ્રન્ટ રૉમાં બેસવા નહિ મળે.”

તિરંગાઃ ઓગસ્ટ ૨૦૧૮

“લગન લગન કે ફેરે” – ચંદુ ચાવાલા

પ્રવીણ શાસ્ત્રી

“લગન લગન કે ફેરે”

‘સાસ્ટ્રી, ટારી વાર્ટાની વાટને હો ટક્કર મારે એવી જાનવા જેવી વાટ છે. આપનો મુન્નો દાકતર કાલે જ એના તીજા લગનની કંકોટરી આપી ગીયો. સાલો જબરો ઊસ્તાડ ને ભારે નસીબવાલો.’

ચંદુભાઈ જો તમે સુરતીને બદલે સીધી સરળ ભાષામાં વાત કરવાના ના હો તો મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. બધા સાથે જે પ્રમાણે વાત ખરો તે જ પ્રમાણે મારી સાથે વાત કરતાં તમારા પેટમાં શું ચૂંકે છે? આપને આપની પુત્રવધૂએ કેટલીયે વાર ડિફણાં મારીને સમજાવ્યું કે પપ્પા હવે તો સુરતમાં પણ તમારા જેવી બોલી બોલનાર કોઈ રહ્યું નથી. ચંદુભાઈ ક્યારે સુધરશો?’

‘સાલો મારો વાત કરવાનો મૂડ બગાડી નાંખ્યો. હું તમારા કરતાં નાનો છું તો પણ તમને શાસ્ત્રી કહું છું. તમે મોટા છો તો પણ મને ચંદુભાઈ કહો છો. કારણ કે આપણી વચ્ચે ન સમજી શકાય, ન સમજાવી શકાય એવી દોસ્તી છે. આપણી વચ્ચે કોમ્યુનિકેશનની એક શૈલી અથવા ઘરેડ સ્થાપીત થઈ ચૂકી છે. વ્હેન આઈ ગો આઉટ ઓફ ધીસ એસ્ટાબ્લિસ્ડ પેટર્ન ઓફ અવર કોમ્યુનિકેશન, હું બોલતો કે વાત કરતો ચંદુ નહિ પણ શાળાના શિક્ષકની સામે વાંચતો વિદ્યાર્થી લાગું છું. બધું કૃત્રિમ લાગે છે. ભલે પ્રવીણભાઈ આજથી તમારી સાથે શુદ્ધ ગુજરાતીભાષામાં જ આપણી વચ્ચે વાણીવ્હ્યવહાર થશે. ભાષા બચાવો ભાષા બચાવોના તૂત ક્યાં સૂધી ચલાવવાના છો. તમારા પોતાના ઘરમાંથી જ ગુજરાતી ભાષાની હિજરત થઈ ગઈ છે. કાલે ઉઠીને કહેશો કે ભદ્રંભદ્રીય ભાષા બોલો. સંસ્કૃત બોલો. શાસ્ત્રીજી, હું માત્ર આપની સાથે જ મારા દિલથી વાત કરું છું. કારણ કે આપશ્રી મારા આત્મીય છો. બસ હવે આપણી વચ્ચે શુદ્ધભાષાનો દુરાગ્રહ એક દિવાલ બની રહેશે. ચંપાવતી, આ આપના શાસ્ત્રીજીના મગજમાં બધા સાહિત્યકારોએ શુદ્ધ ગુજરાતીનું ભૂત ભરાવી દીધું છે. નાવ ઓન નો મોર સુરતી બોલી વીથ શાસ્ત્રીજી.’

‘ભલે કૃત્રિમ લાગે, તમે શાસ્ત્રીભાઈ સાથે સુરતીબોલીમાં નહિ પણ સિમ્પલ ગુજરાતીમાં બોલવાની ટેવ પાડો’ ચંપાએ મારો પક્ષ લીધો.’

‘શુદ્ધ ભાષાના ઠેકેદારો, સિમ્પલ ને બદલે સરળ નથી બોલાતું?’ આ શાસ્ત્રીની ભાષાના જ ક્યાં ઠેકાણા છે? એ ગુજરાતી બોલે છે કે અંગ્રેજી એનું એમને પોતાને પણ ભાન નથી. જ્યાં સીધા સરળ ગુજરાતી શબ્દ પ્રયોગ થઈ શકે ત્યાં પણ અંગ્રેજીની ઠોકાઠોક કર્યા કરે છે.  આજે અમારો ચંદુનો ભાષાવિકાસ ગાંડો થયો હતો.

હમણાં જ એક સાહિત્યસભામાં એક વિદ્વાનને શિક્ષણ અંગે બોલતા સાંભળ્યા. પોતે પ્રોફેસર હતા. પણ જ્યારે જ્યારે એઓ શિક્ષક શબ્દ બોલતાં ત્યારે સિક્ષક સંભળાતું. અને વર્ણસંકર બોલતા ત્યારે વર્ણશંકર સંભળાતું. શાસ્ત્રીજીના કાનમાં વાંધો છે એટલે એને તો ના સમજાય પણ હું બધિર નથી. મને તો બરાબર સ, શ અને ષનો ભેદ ખબર છે. હું સાસ્ટ્રી બોલું છું એ અભણ તરીકે નથી બોલતો પણ મારા બાળપણની પ્રેમસ્મૃતિ તરીકે એ કુદરતી રીતે નીકળે છે.  પ્રીયેચંપાવતી હવે તમે અંતિમ નિર્ણય જણાવો કે મારે કઈ ભાષામાં શાસ્ત્રીજી સાથે કઈ ભાષામાં વાણી વ્યવહાર કરવો?

‘મોસ્ટ સ્યુટેબલ એન્ડ પ્રેક્ટિકલ. નોરમલ. બટ નોટ સુરતી.’  ચંપાએ લાંબી જીભે લાંબા હાથે જવાબ વાળ્યો. વાતનું વતેસર થાય તે પહેલાં વાક્ભાષા યુદ્ધ વિરામ કરાવવો પડ્યો. મારે જ કહેવું પડ્યું ‘ ચન્ડુભાઈ એ બઢી વાટ ને મારો ગોલી ને ટમારા મુન્ના દાક્તરની હું નવાજૂની છે ટે વાટ કરો.

‘મારો મુન્નો નહિ, ચંપાનો મુન્નો. એની વે…. પિસ્તાળીશ વર્ષની ઉમ્મરમાં તો આ એના ત્રીજા ચોથા લગ્ન. મારો બેટો ટ્રંપથી પણ આગળ નીકળી ગયો. પહેલેથી જ સાલો નસીબદાર. જેલસી થાય એવો લક્કી.’

‘બિચારા ચન્દુ ચા વાલાના નસીબમાં માત્ર એક જ ક્વિન.’ ચંપા હસી. વાતાવરણ હળવું અને રાબેતા મુજબનું થઈ ગયું.

આ મુન્નો એટલે, ચંપાના દૂરના મામાના દીકરા રમણિક ગાંધીનો સૌથી નાનો દીકરો. ચાંદીના ચમચા સાથે જન્મેલો. પાછો રંગે રૂપે હેન્ડસમ, અને હોશિયાર. જરાક સ્મિત કરે, હોઠનો ખૂણો સ્હેજ ખેંચાય એટલે એના ગાલના ખંજન હસી ઉઠે. છોકરીઓ એના પર લટ્ટુ થાય એમાં શી નવાઈ! રમતાં રમતાં M.B.B.S. થઈને અમેરિકા આવી ચઢેલો.. શરૂઆતમાં ચંપાફોઈને ત્યાં જ રહેલો એટલે અમે બધા એને ઓળખીયે. વિવેકી અને હસમુખો એટલે અમને બધાને વ્હાલો પણ લાગે. સ્વભાવ રંગીલો એટલે એની બહેનપણીઓ પણ પુશ્કળ. એની ચંપાફોઈએ ભાભીને ફોન કરીને કહી દીધું આને માટે તને ગમતી કોઈ છોકરીને પારસલ કરી દે. દીકરો જલસા કરે છે અને પરણવાનું નામ જ નથી લેતો. એક તો નામ રાહુલ ગાંધી એટલે અમારી વહુઓ પણ હવે એને પપ્પુભઈ જ કહે છે.

બસ ભાભી પારસલ કરવાને બદલે જાતે જ એક ભણેલી ગણેલી કવયત્રિ લઈ આવ્યા. અમે પણ એના પહેલા લગ્નમાં ઝાપટી આવેલા. પહેલાં પહેલાં તો એમનું ઠીક ઠીક ચાલ્યું. આ મુન્નાભાઈ તો જોક્સ અને હસીખુસીનો જુવાનીયો. ઈલાબેન એકદમ સિરીયસ. સોસિયલ મિડિયા પર રાત દિવસ ઝાડવા પાંદડા અને વેધર વરસાદની કવિતાઓ ઠોક્યા કરે. આઠ દશ મહિનામાંતો  બન્ને એકબીજાથી કંટાળ્યા. બન્ને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી છૂટા પડી ગયા. ઈલાબેનને પણ અમેરિકાનો દેશી પ્રોફેસર મળી ગયો.

મુન્નો પાછો મૂડમાં આવી ગયો. સરસ પ્રેક્ટિસ ઝામી હતી. કેટલીક અમેરિકન છોકરીઓ તો બસ એનું મોં જોવા અને મજાની વાત સાંભળવા જ વગર પ્રોબ્લેમે ફોલો-અપ માટે આવ્યા કરતી. (ઈન્સ્યુરન્સ હોય એટલે કોના બાપની દિવાળી) મમ્મી કહે કે તને ગમતી કોઈ છોકરીને પરણી જા નહિતો બીજી પારસલ કરું. મુન્નાની પાસે પટાકડીઓ તો ઘણી. “ઈન્ની, મીન્ની માઈની મો” કરવી પડે એટલી બધી અને એમાં મુન્નો અકળાય. એ પ્રોબ્લેમ તમારી કલ્પનામાં પણ ના આવે એ રીતે સોલ્વ થઈ ગયો.

એના એક ડોક્ટર મિત્રની બ્યુટિફુલ બ્લોન્ડ વાઈફ આપણાં મુન્નાભાઈ પર ફીદા થઈ ગઈ. મુન્નો પણ ફસકવા માંડેલો. અમેરિકન દોસ્તાર પણ આપણા ઈન્ડિયન મુવી સંગમના રાજેન્દ્રકુમાર જેવો ઉદાર. એણે એની બ્યુટિફુલ વાઈફને ડિવોર્સ આપીને મુન્નાભાઈને સમર્પણ કરી દીધી. હોટલમાં રિશેપ્શન પણ એણે જ ગોઢવેલું. પણ આ વખતે બિચારો ભલો ભોળો મુન્નો ભેરવાઈ ગયેલો. બ્યુટિફુલ બ્લોન્ડ ખરેખર સાચા અર્થમાં બુદ્ધિમાં ડમ્બ બ્લોન્ડ હતી. એ એના દોસ્તના ગળામાં ઘંટીનું પડીયું બનીને રહેતી હતી. દોસ્તારે બન્નેને સમજાવી પટાવીને ડમ્બનું ટેક્ષફ્રી ડોનેશન આપણા મુન્નાને અર્પણ કરી દીધું. છૂટા પડવા માટે માથાનો દુખાવો થઈ પડી હતી. એનો દોસ્તાર તો લગભગ મફતનો છૂટો થઈ ગયેલો પણ આ વખતે એના બાપે સ્માર્ટ લોયર મેળવી આપેલો. બિચારા મુન્નાએ ચંદ્રકાન્તફૂઆને જણાવ્યા વગર ચાર લાખ ડોલરમાં સેટલ્મેન્ટ કરી દીધેલું. અમારા મંગુમોટેલે મોટેલે તો એ દાક્તરને સુરતીભાષામાં બૈરાઓ વચ્ચે એટલો ઠપકારેલો કે બિચારો રડી પડેલો. ચાર વર્ષમાં ચોંત્રીસની ઉમ્મરે બે લગ્ન અને બે ડિવૉર્સ. ચાર લાખ ડોલર ગાર્બેજમાં. બિચારાનું રસિક જીવન નિરસ થઈ ગયું. બધી લપ્પન છપ્પન છોડીને મેડિકલ પ્રેક્ટિસ પર જ લાગી ગયો. ઘણું ગુમાવ્યું હતું. છ વર્ષ વીતી ગયા. થોડો ઠરેલ થયો હતો. કમાવું હતું.

એની ઓફિસની સેક્રેટરી કે નર્સ તરીકે એણે કોઈ રૂપાળીને રાખી નહતી. બે સીનિયર ડોસીઓ જ નર્સ તરીકે કામ કરતી. એની સેક્રેટરી કાળી અને હેડંબાને પણ મહાત કરે એવી મજબુત હતી. ડિવોર્સી હતી. એને લોટરી અને ગેમબ્લિંગનું એડિક્શન હતું. એકવાર એણે ડોકટરને કહ્યું, ;ડૉક લેટ્સ બાય લોટરી ટુ ગેધર. પાંચ ડોલર તમારા અને પાંચ મારા.  ૫૦% ની પાર્ટ્નરશીપ. મારા એપાર્ટમેન્ટની બાજુના લિકર શોપમાંથી હું લેતી આવીશ. આપણા મુન્નાએ એને ખુશ રાખવા પાંચ ડોલર એના ડેસ્ક પર ફેંક્યા. પહેલી જ ટિકિટમાં મુન્નો ફાવી ગયો દશ હજાર ડોલર આવી ગયા. કાલીકાદેવીએ પાંચ હજારનો ચેક મુન્નાને આપી દીધો. બસ આ શિરસ્તો ત્રણ વર્ષ ચાલુ રહ્યો.  નાનીમોટી રકમ આવતી ગઈ. અને જતી ગઈ. ભલે મહાકાય હતી, રંગ શ્યામ હતો. પણ આખરે એ સ્ત્રી હતી. એણે જીતેલી રાતની ઉજવણીમા મુન્નાને અભડાવ્યો.

એક દિવસ એક શનિવારની સવારે મુન્ના પર ફોન આવ્યો, ‘ડાક, આઈ વન ટ્વેન્ટી ફાઇવ મિલિયન ડોલર.’ મુન્નો કહે ‘મારો ભાગ?’

‘ડાક, તારો ભાગ ઝીરો. મેં જ લોટરી ખરીદી હતી, ટિકિટ પણ મારી પાસે જ હતી.’

પછી તો લોયર્સ, એકાઉન્ટન્સ, ફ્રેન્ડસની દરમ્યાનગીરીથી એ કાલિકામાતાને બાટલીમાં ઉતારી. મુન્નો ડોક્ટર કાલિકાને પરણી ગયો. પરણવું પડ્યુ. બાર સાડાબાર મિલિયન ડોક્ટરને માટે મોટી રકમ ના હતી, તેમ નાની પણ ન હતી. બે વર્ષમાં બાર પંદર મિલિયનની સામે મુન્નાએ મોટી લોન લઈને જૂદી જૂદી સ્પેશિયાલિટિનું ફ્રેન્ચાઈસ ગ્રુપ ઉભું કરી દીધું. નુકશાન માત્ર એજ કે બિચારો હેન્ડસમ, નિર્દોષ મુન્નો બે વર્ષ સૂધી ભારે વજન નીચે કચડાતો રહ્યો.

એક કૂડી પંજાબન એની પેશન્ટ હતી. સ્માર્ટ ડિવોર્સ લોયર તરીકે જાણીતી હતી. કાલિકા સાથે ડિવોર્સનો કેસ શરૂ થઈ ગયો. મુન્નાને એમ હતું કે સહેલાઈથી બધું પતી જશે. પણ એક કે બીજે કારણે કેસ લંબાતો જ ગયો. લક્ષ્મી સાચવીને કાલિકાદોષ વિવારણ કરવાનું હતું. ત્રણ વર્ષ થઈ ગયા. ડિવોર્સ સેટલમેન્ટનું ઠેકાણુ પડતું ન હતું. પછી તો અમારા સર્કલમાં મુન્નો ભૂલાઈ ગયો હતો. અમારો કોન્ટેકટ છૂટી ગયો હતો.

આજે ચંદુભાઈ મૂડમાં આવી મુન્નાની વાત કરતાં હતા અને વાતમાં લેન્ગ્વેજનો વધાર થઈ ગયો.

મેં પૂછ્યું, ‘મુન્નાના કેસનું પતી ગયું?’

‘હા, એ ટો ફાવી ગીયો. સાસ્સ્ટ્રી ટમારે હારુ હો રિશેપ્શન ઈન્વિટેશન કાર્ડ આપી ગયલો છે. બ્યુટિફુલ, કૂડી પંજાબન લોયર હાઠે, સાલા મુન્નાએ કન્નુ બાન્ઢી જ ડીઢું. સાલો આપનો મિલિયોનર પપ્પુ  નસીબડાર ટો ખરો જ.’

વાંકી પૂછડીના ચંદુએ સુરતી બોલીમાં જ બળાપો વ્યક્ત કર્યો. એમતો ચંદુ પણ મિલિયોનર પણ આખી જીંદગી ચંપાએ જ બાંધેલો રાખેલો. બળાપો કદાચ એ જ હશે.

પ્રગટ “તિરંગા” જુલાઈ ૨૦૧૮

ચંદુ ચાવાલાની સમર પિકનિક

ચંદુ ચાવાલાની સમર પિકનિક

 જૂન મહિનો એટલે અમારા ન્યુ જર્સીમાં ફેમિલી પિકનિકની સિઝન. ગયા શનિવારે ચંદુ ચાવાલાને ત્યાં એના વિશાળ બેકયાર્ડમાં સવારથી ખાણી પીણીનો જલસો ચાલતો હતો. સવારે ફાફડા, પાપડી ગાંઠીયા, જલેબી, ગોટા, ચા, કોફી, ડોનટ,

લંચમાં ઈડલી, મેદુ વડા સંભાર, ખીચીયું, પાવભાજી, ભેળ, શેરડીનો રસ, ફરી બ્રેકમાં વોટરમેલન, આઈસક્રિમ, આઈસ ગોળા, મકાઈભુઠ્ઠા, પોપકોર્ન, ચા કોફી અને સોડા બિયર તો ચાલ્યાજ કરે.

સાંજે ખિચડી, વગારેલી છાસ, સુરતી પાપડીંમાં રસાવાળા મુઠ્યા, વેગણબટાકાનું શાક, અને પનિર ટીક્કા મ્સાલા, પુરી અને પરોઠા, છોકરાંઓ માટે પિઝા, પાસ્ટા અને પરોઠા ….બાપરે બાપ અધધ ખાવાનું પીવાનું.

 બે એકર પ્રોપર્ટી એટલે છોકરાં અને જુવાનીયાઓ છૂટથી વોલીબોલ, ટેનિસ રમે, થોડા તાજા આવેલા દેશીઓ બોલબેટ (ક્રિકેટ નહી) રમે. સ્વિમિંગ પૂલમાં પણ કેટલાક નાના મોટા મજા કરે. વચ્ચે વચ્ચે રોક મ્યુઝિક બ્લાસ્ટ થાય. ગયે વર્ષે એક ખૂણામાં બાર્બેક્યુ અને નોન્વેજ રાખેલું. પણ આ વર્ષે ચંપાએ નોન્વેજની મનાઈ ફરમાવેલી. અંતાક્ષરી રમાય લગભગ એકસો પચાસ માણસો હશે. સવાસો તો એના કુટુંબના જ અને વીસ પચ્ચીસ જેટલા અમે સુરતી મિત્રો. શુદ્ધ દેશી પિકનિક.

અમારો મંગુ મોટેલ એના કોઈ કામમાં રોકાયલો હોવાથી પિકનિકમાં આવ્યો ન હતો પણ અડધું ડિનર પતી ગતું પછી આવ્યો. ડિનર પછી નધા આમંત્રિતોએ વિદાય લીધી, અમે જવાની તૈયારી કરતાં હતા પણ મંગુ મોડો આવ્યો એટલે અમે સુરતી વયસ્કો રોકાઈ ગયા. પછીતો અમારા વયસ્કોનો જલસો જામ્યો.

અમારા કાયમના છન્નુ વર્ષના કરસનદાદા ઈન્ડિયાની ટ્રિપ મારીને હમણાં જ પાછા આવ્યા હતા. ઈન્ડિયાથી પંચ્યાસી વર્ષના ગાયનેકોલોજીસ્ટ ડો.રાગિણી પણ આવ્યા હતા. અમારા ટોળામાં આ વખતે ચંદુની ચંપા પણ બેસી ગઈ હતી.

અમારો મંગુ કરસનદાદાને માટે કેરેટ કૅઇક લાવ્યો હતો. કરસનદાદા કોઈની પણ બર્થ ડે પાર્ટિમાં જાય ત્યાં બધા જ એને માટે એક જૂદી નાની કેઈક મંગાવે જ. બર્થ ડે હોય કે ના હોય એની કેઈક પર, “Happy Birthday Karasandada 96.” લખાવવાનો એક ધારો જ પડી ગયેલો. એમની પાચન શક્તિ સારી. નાની કેઈક અડધી તો પોતે જ પૂરી કરે બાકીની અમારા ચંદુની.

આજે ચંપાએ ચંદુને કૅઇક ખાતાં અટકાવ્યો. ‘આખો દિવસ ખાખા જ કર્યું છે. હવે તમારે ચોવીસ કલાકનો ઉપવાસ. કિચનમાં પ્રવેશ બંધી.’

‘હું ક્યાં ઉપવાસમાં માનું છું. ચોવીસ કલાક તે ભુખ્યા રહેવાતું હશે? હું ઉપવાસની બાબતમાં ધાર્મિક નથી.’ કરસન દાદા કહે ‘ચંદુ, તું રાહુલના ગાંધીના સમર્થનમાં અને મોદીના વિરોધમાં પ્રતિકાત્મક ઉપવાસ કર. તમારી ન્યાતમાં ગાંધીઓ અને મોદીઓ બન્ને છે.’

મંગુ કહે ‘જો તું આવતા શનિ રવિ એડિસનના ઓક ટ્રી રોડ પર ઉપવાસ કરવા તૈયાર થાય તો દેવ દેવતાની જેમ તારે માટે એક ખાસ કમલાસન બનાવડાવું. જેઓ કોઈ મોદી સપોર્ટ માટે તારી સાથે એક કલાકના ઉપવાસ કરે તો એને એક ભાજપનો ખેસ મારા તરફ થી ભેટ.’

ચંદુ કહે ‘તેલ લેવા જાય રાહુલ અને મોદી. આઈ એમ નોટ ગોઈંગ ઓન ફાસ્ટિંગ ફોર એની પાર્ટી. નો મોર પોલિટિક્સ ટોક ટુ ડે.’

અમે બધા જાણીયે કે જો કરસનદાદા અને મંગુ કોંગ્રેસ ભાજપની રેસ્લિંગમાં ઉતરે તો સુરતી ભાષા પર ઉતરી પડે. ચંપા અને ડો. રાગિણીની હાજરીમાં એટલિસ્ટ ગાળાગાળી તો ન જ થવી જોઈએ. અમે રાજકારણની વાત બંધ કરી.

પણ મંગુથી ના રહેવાયું, ‘કરસનદાદા, તમે જોધપુર તમારા ગુરુજીના આશીર્વાદ લઈ આવ્યા કે નહિ.’ એક સમયે દાદા આસારામના ભગત હતા.

‘મંગુ, આસારામની વાતો તો સારી હતી. વર્તન ખરાબ હતું. એના કારનામાની મને શું ખબર! હું કાઈ એનો ભગત ન હતો. હું એના ટીવી પરના લેક્ચર સાંભળતો હતો એ જ. એના પાપની સજા ભોગવે એમાં કોઈને વસવસો ન થાય. ગમે તે જાણીતો ચમરબંધી હોય; ગુનેગાર હોય તેને તો સજા થવી જ જોઈએ. ખરેખર તો પ્રખ્યાત માણસો જો ગુનેગાર હોય તો તેને તો ડબલ સજા થવી જોઈએ.’ કરસનદાદા ઉકળ્યા. ‘ખબરદાર મને એનો ભક્ત કહ્યો  તો… એનો દીકરો નારાયણ સાંઈ પણ લંપટ નીકળ્યો. એણે તો નારાયણ અને સાંઈબાબાના બન્નેના નામને કલંકિત કર્યું. એને તો એનું @#$% કાપીને બૈરાના ટોળાને જ સોંફી દેવો જોઈએ. એમને જાહેરમાં પથરા મારીને સળગાવી દેવો જોઈએ. ભલે એ ગેરકાનુની કહેવાય. એને માટે વળી કાયદો શું અને કાનુન શું? જેલમાં ઘોંધીને જીવે ત્યાં સૂધી પાળવા પોષવાનો ખર્ચો તો પ્રજાએ જ ઉઠાવવાનોને?’

વ્હિલ ચેરમાંથી અડધા ઉભા થઈને કરસનદાદા ખરેખર આકોશ ઓકતા હતા., દાદા હાંફતા હતા. બેલેન્સ ગુમાવ્યું. પાસે જ ડો.રાગીણી બેઠા હતા એમણે એને સંભાળી લીધા; અને ખુરશી પર બેસાડ્યા.

 

‘આઠ દશ વર્ષની બાળકીઓ પર અત્યાચાર થાય, એના ખૂન થાય એ હેવાનોને સેક્સનો શું આનંદ આવતો હશે?’ ચંપાએ હળવેથી કહ્યું. હું રોજ ઈન્ડિન ટીવી પર ક્રાઈમ પ્રોગ્રામ જોઉં છું. મૂળ સત્ય ઘટનાઓ પર જ આ શોનું ડ્રામેટાઈઝેશન થયું હોય છે. આવા કેસ વર્ષોના વર્ષો ચાલે, લોકોને માટે તો આ માત્ર સમાચાર જ બની રહે. ગુનેગાર નફ્ફટની જેમ કોર્ટમાં હાજર થાય. જેણે ભોગવ્યું હોય તેનો પરિવાર એ દુર્ઘટનાનો પરિતાપ રોજે રોજ ભોગવતા રહે.  દાદા કહે છે તે વાત સાચી જ છે. એમને કડકમાં કડક શિક્ષા થવી જોઈએ. અને તે પણ વિલંબ વગર. ધર્મગુરુ હોય કે જાણીતો એક્ટર હોય, પ્રધાન હોય કે પૈસાવાળો હોય. યુવાન હોય કે બુઢ્ઢો હોય ગુનેગારને સજા થવી જ જોઈએ. એંસી વર્ષની ઉમ્મરના જાણીતા કૉમેડિયન બિલ કોસ્બીને પણ ત્રણ કાઉન્ટ હેઠળ દશ દશ વર્ષની સજા થઈ. જેઓ એમ માનતા હોય કે અમે ધનિક છીએ, અમે જાણીતા, વગદાર અને સમાજમાં પ્રતિષ્ઠિત છીએ, અમે વય્સ્ક છીએ એટલે અમને સજા થાય જ નહી, એ વાત હવે ભૂલી જવાની.’

 ડો. રાગિણીબહેને કહ્યું. ‘આપણે તો માત્ર છાપે ચઢેલા બનાવો જ જાણીયે છીએ. વણનોંધાયલા બળાત્કારના બનાવો તો દશ ઘણાં હોય છે. ઘરના વડિલો, અરે સગ્ગો બાપ વર્ષોના વર્ષો સુધી દીકરી પર બળાત્કાર કરતો રહે, દીકરીને પિંખતો રહે એવા દાખલાઓ પણ સાંભળ્યા છે. બાળકીઓનું ખૂન થાય કે પોતે આત્મહત્યા કરી લે. ઈન્ડિયામાં ડોક્ટરો પાસે કુંવારી સગીર છોકરીઓના ગર્ભપાતના કેસ આવતા હોય છે. ભારતનો સમાજ જ એવો છે કે ઇજ્જતના ખોટા ખ્યાલોમાં જે બનાવો પોલીસમાં નોંધાવા જોઈએ તે નોંધાતા જ નથી. શિક્ષકો વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરે. ઓફિસના બોસ મહિલા કર્મચારીઓનો ગેરલાભ ઉઠાવે. કાસ્ટિગ કાઉચ એ તો જાણે કાયદેસરની સ્વીકૃત બાબત. જાણે કાંઈ નવાઈ જ નહિ. જો કે ઈન્ડિયામાં પણ હવે ધીમે ધીમે મહિલાઓમાં જાગૃતિ અને હિમ્મત આવવા માંડી છે. મહિલાઓ ત્યારે જ નિર્ભય બની શકે જ્યારે એને એના પરિવારમાંથી પૂરેપૂરો સહકાર મળે. સમાજનો દૃષ્ટિકોણ બદલાય.’

ડોક્ટર ગંભીર વાત કરતાં હતાં. ‘આજે સમય ખૂબ ઝડપથી બદલાઈ ગયો છે. સ્ત્રીઓ માત્ર બચ્ચા પેદા કરીને, ઘરમાં રસોઈ કરીને પુરુષોની સેવા કરવા વાળી ગૃહિણીઓ જ નથી રહી. પુરુષ સાથે દરેક ક્ષેત્રમાં ખભેખભા મિલાવીને કામ કરે છે. સાથે બીજી વાત પણ સમજવા જેવી છે. સ્ત્રી આખરે તો સ્ત્રી છે, પુરુષ એ પુરુષ છે. સમય સંજોગો પ્રમાણે પ્રકૃત્તિ કામ કરતી જ હોય છે. ઉમ્મર અને હાર્મોન્સ પણ કામ કરતાં હોય છે. બળાત્કાર નહિ પણ સ્વૈચ્છિકરીતે પણ જો પુખ્ત ઉમ્મરની બે વ્યક્તિ વચ્ચે પોતાની મરજીથી સંબંધ બંધાય તો એ કેટલું વ્યાજબી અને કેટલું ગેરવ્યાજબી એ પોતે જ નક્કી કરવું પડે. પોતાના અને પોતાના પરિવાર પર શું અને કેવી અસર પડશે એનો પૂરેપૂરો ખ્યાલ બન્ને પુખ્ત ઉમ્મરની વ્યક્તિએ જાતે જ નક્કી કરવો પડે અને પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડે.’

‘તમારા અમેરિકાની તો વાત જ ન્યારી. આગળ પાછળના લફરાંની ચિંતા નહિ. વર્તમાનમાં જે સાથી હોય એના પ્રત્યે વફાદારી રાખો એટલે ભયો ભયો. પછી જો બીજા સાથે સંબંધ બંધાય તો તે અનિતિ નહિ પણ ચિટિંગ કહેવાય. બસ લગ્ન વગર સાથે રહેતાં હોય અને ચિટિંગ થાય એટલે પોટલાં બાંધીને છૂટાં પડી જવું. અને લગ્ન થયા હોય અને કોઈ ચિટિંગ કરે તો ડિવૉર્સ લઈ નવી ગિલ્લી નવો દાવ.’

અમારા મંગુ મૉટૅલથી બહુ લાંબા સમય સુધી દુઃખદ વાત કે ગંભીર વિષયની વાત સહન ના થાય. ‘ડોક્ટર મૅડમ, તમે ગમે તે કહો પણ અમારા અમેરિકામાં પ્રેસિડન્ટ થવા માટેનું એક અગત્યનું ક્વોલિફિકેશન એ છે કે તે વુમનાઈઝર હોવો જોઈએ. અમારા કેનેડિ સાહેબો, અમારા ક્લિન્ટન સાહેબ, અમારા ટ્રંપ સાહેબ, અમારા ઘણાં ગવર્નરો, સેનેટરો, કોંગ્રેસમેનો માટે એમના લફરાઓની સાચી ખોટી અફવાઓ ચાલ્યા જ કરતી હોય છે. જો જેલમાં જાય તો જ જાણીયે કે એણે ખરેખર કંઈ ગુનો કર્યો જ હ;શે બાકી બધું ચોખ્ખું જ. અમારા ટ્રંપ સાહેબ ત્રણ ત્રણ લગ્ન પછી પણ અનેક મહિલાઓના રસિક મિત્ર હતા જ, છે, અને હશે જ.’

આપણા સંસ્કૃત ના ટિચરે શીખવેલું કે

यौवनं धनसंपत्तिः प्रभुत्वं अविवेकिता।
एकैकमपि अनर्थाय किमु यत्र चतुष्टयम्।

               

યૌવન, ધનસંપત્તિ, સત્તા અને વિવેકહીનતા પૈકી એક પણ ઓવરફ્લો થાય તો મોટ્ટો પ્રોબ્લેમ થાય તો ચારે ભેગા થઈ જાય તો આવી જ બને સુનામીમાં બધું સાફ થઈ જાય. સાલુ આપણા ટ્રંપ સાહેબનું પણ આવું જ.

ટેબ્લોડની અફવાઓ પ્રમાણે તો ટ્રંપ સાહેબ સામે સોળ જેટલી મહિલાઓએ  અણછાજતી છેડછાડની વાતો જાહેર કરી હતી. પણ પુરાવા શું? “હી સૅઇડ સી સૅઇડ”ની જ વાતને! હવે તો પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિઅલ્સ સાથેના સેક્સની અને તે ઈલેક્શન ટાણે જાહેર ન કરવાના ૧૩૦,૦૦૦ ડોલરની વાત પણ ગવાઈ ચુકી છે. આપણા કરસનદાદા પણ ત્રણ ત્રણ  વાર ઘોડે ચઢેલા અને નર્સ સાથે લગ્ન કરવા તૈયાર થયેલા જ ને !’ મંગુએ દાદાને ટ્રંપ સાથે જોડી દીધા.

‘એઈ મંગા, બહુ ફાટ્યો છેને? તારી જ વાત કરને. તારામાં સત્તા સિવાય બધું જ છે. કાળા રંગીને જુવાન દેખાય છે; પૈસાનો ઢગલો છે. વિવેકતો બાપાએ શીખવ્યો જ નથી. તારા શું ભોપાળા હશે તે અયોધ્યાવાળો રામ જ જાણે. આ તારો કરસનદાદો, તારી એક દાદી જીવતી હોય એને છોડીને બીજી પરણવા નહોતો દોડ્યો. એક પછી એક બિચારી ભગવાનને ત્યાં ગઈ પછી જ  બીજીને લાવ્યો હતો. અને તે પણ મારા સ્વાર્થ માટે નહિ પણ મારા છોકરાંઓ મા વગરના ના રહે એટલે અમારા ડોહાઓએ મને ફોર્સ કરીને પરણાવ્યો હતો. અને ત્રણે દાદીઓને અમારા બધા વડીલ ડોસાઓએ “અખંડ સૌભાગ્યવતી ભવ” ના આશીર્વાદ આપ્યા હતા. શું થાય ઈશ્વરેચ્છા બલીયસી. આજે તો હું એકલો જ ને?’ દાદાની આંખ જરા ભીની થઈ. અમને તો દયા આવે. પણ મંગુ એટલે મંગુ.

‘દાદા પેલી હોસ્પિટલની નર્સને તમે અમારી દાદી બનાવવાના હતાં તેનું શું થયું?’

એ મીઠડી તો પરણેલી નીકળી. હું ભોળો ભરમાઈ ગયો. મને શું ખબર કે મજાક કરતી હતી.

 અમારા પંચ્યાસી વર્ષના ડો.રાગિણીએ છેલ્લી સિક્સર મારી. કરસનજી પેલી નર્સ પછી પાંચમો નંબર મારો બુક કરી કરી રાખજો. કરસનદાદાનું મોં જાણે શરમથી લાલચોળ થઈ ગયું.

 અમારી સુપર સિનિયર સિટીઝનની ગંભીર અને હળવી વાતોમાં ક્યારે રાતના અઢી વાગી ગયા તે ખબર ના પડી. મિટિંગ રાત્રે અઢી વાગ્યે પૂરી થઈ. કરસનદાદાએ ખુરશી પર ઘોરવા માંડ્યું હતું. મોં પરના સ્મિત ઉપરથી લાગતું હતું કે કરસનદાદા કોઈક સુખદ શમણાંમાં ઘોરતા હતા. કદાચ ડો. રાગિણીના સ્વપ્નામાં રાચતા હશે.

(રગટઃ તિરંગા જુન ૨૦૧૮)

ચંદુ ચાવાલાના “કાનનો કીડો”

પ્રવીણ શાસ્ત્રી

ફોટો આર્ટ સૌજન્યઃ શ્રી ધિરજલાલ વૈદ્ય.

ચંદુ ચાવાલાના “કાનનો કીડો”

‘શાસ્ત્રીભાઈ, હું ચંપા બોલું છું.’

‘બોલ ચંપા, કેમ ઓચિંતો ફોન કર્યો? બધા મજામાં છેને? અમારા ચંદુના શું સમાચાર છે? હોસ્પિટલમાં આપણે તમારું લિવિંગ વિલ બનાવ્યું પછી મળ્યા જ નથી. તમારું પર્સનલ વિલ બનાવવા તમો એકાઉન્ટન્ટ અને એટર્ની પાસે જવાના હતા તે જઈ આવ્યા.?’

‘ના  વિલ માટે એટર્ની પાસે નથી ગયા. પણ તમને અને મંગુમોટેલભાઈને લઈને ડિવૉર્સ વકીલ પાસે જવાનું છે.’

‘કેમ એકદમ શું થયું?’

‘હું તમારા ફ્રેન્ડ સાથે ડિવૉર્સ લેવાની છું. ત્રીસ વાર તલ્લાક બોલી ચૂકી છું. પંણ મીંઢાને અસર જ નથી થતી.’

‘શાસ્ત્રીભાઈ તમે અત્યારેને અત્યારે ઘેર આવો….તમે આવો એટલે સમજાવીશ.’

…અને ચંપાએ ફોન પર મસાણ પોક મૂકી. મેં કહ્યું, હું હમણાં જ નીકળું છું. હું, ચંદુ અને ચંપા એક જ મહોલ્લાના. ચંદુને એના કરતાં બે વર્ષ મોટી ચંપા સાથે ઈલ્લુ ઈલ્લુ થઈ ગયેલું. બન્ને એક જ જ્ઞાતીના. બન્ને પરિવાર ખમતા આસામી. મા-બાપે એપ્રુવ ની મહોર લગાવી દીધેલી. ક ટાઈમે બન્ને એ ગરબડ કરી નાંખેલી અને શ્રાધ્ધ પક્ષમાં ચંદુનો બેન્ડવાજા સાથે સુરતમાં વરઘોડો કાઢવો પડેલો.  આમતો અમારી ચંપા ખૂબ ઠરેલ. બહોળા પરિવારના કેરેક્ટરસને બેલેન્સમાં રાખતી. એ ફોન પર રડતી હતી. એનો ફોન મૂક્યો અને ચંદુનો ફોન આવ્યો.

‘સાસ્ટરી આ ટારી બેન ગાન્ડી ઠઈ ગઈ છે. આવીને ટારે ટાં ઠોરા ડિવસ હારુ લઈ જા.’ ચંપા અમારા મહોલ્લાની જ દીકરી, એટલે મને ભાઈ માનીને રાખડી બાંધે. એ સંબંધે ચંદુ મારા પર બનેવીપણાનો હક જમાવે. એની સાથે ફોન પર માથાકૂટ કરવાનો અર્થ નહિ. મેં કહ્યું હું આવું છું.

હું કપડા બદલું એટલી વારમાં તો મંગુ આવી પહોંચ્યો. ‘શાસ્ત્રીજી, તૈયાર છોને?. આપણે ચંદુને હોસ્પિટલમાં ઠેકાણે પાડવો પડશે.’

‘કેમ શું થયું?’

‘ચંદુ માધુરીના લફરામાં પડ્યો છે?’

‘માધુરી દીક્ષિત?’

‘હોતું હશે? વિદુષીનીની કોલેજની નિવૃત્ત પ્રોફેસર માધુરી, બે વર્ષથી ઉનાળો શરૂ થાય એટલે અમેરિકામાં ગુજરાતી સાહિત્ય પ્રસારણ બહાને રખડવા માટે આવી ચડે. વિદુષીનીએ એક વાર વ્યાવહારિક આમંત્રણ આપેલું કે આવો ત્યારે અમારે ત્યાં રહેજો. અમારા પપ્પાને પણ સાહિત્યમાં રસ છે. બધાને એમ કે એક બે દિવસ રહેશે પણ ગયે વર્ષે પૂરા ત્રણ વીક ખેંચી કાઢેલા. આમ પણ આપણા ચંદુને ત્યાં સાહિત્યકારો, નાટક ચેટકવાળા, કથાકારો, ફંડફાળો ઉઘરાવવાવાળા ના ઉનાળામાં ધામા હોય જ. એક બે દિવસ ઘરે રહે અને રાત્રે સત્સંગનો લાભ મળે.‘

‘છેલ્લા બે વર્ષ તો પ્રો.માધુરી સાથે વિદુષીની ફરતી રહી હતી, પણ આ વર્ષે તો વિદુષીની પેરિસ ગઈ છે; એટલે માધુરીના એસ્કોર્ટ બનવાની ફરજ બિચારા ચંદુને નિભાવવી પડે છે. કવિ સંમેલનોમાં ચંદુભાઈ માધુરીની બાજુમાં વિરાજમાન થાય છે. હવે ચંપા એમ માને છે કે આપણો પંચોતેરનો ચંદુ પંચાવનની લાગતી સાંઠ વર્ષની માધુરી પર લટ્ટુ થયો છે. બે દિવસથી ગાયા કરે છે “પ્યાર કીયા તો ડરના” આજે માધુરી એની માસીની દીકરીને ત્યાં ગઈ છે. રાત્રે પાછી આવશે. ઘરમાં ચંદુ અને ચંપા એકલા જ છે. બન્ને બે દિવસથી એકબીજા સાથે બોલતા નથી. અને બોલે તો ભાજપ કોંગ્રેસની ભાષામાં બોલે છે. ચંદુ “પ્યાર કીયા તો ડરના ક્યા” ગાતો ફરે છે અને ચંપાએ અમેરિકન વાઈફની જેમ ડિશો ફેંકવાની શરુ કરી છે. શાસ્ત્રીભાઈ આપણાં ચંદુનું કંઈક તો કરવું પડશે.’ મંગુએ મને પૂર્વભૂમિકા સમજાવી દીધી.

અમે વાતો કરતાં ચંદુને ત્યાં પહોંચ્યા.

ચંદુ ખૂણા પર બેસીને મેગેઝિન ઉથલાવતો હતો.

ચંપાને મંગુ, ભાભી કહેતો.

‘ભાભી, વોટ્સ ધ પ્રોબ્લેમ? મામલા ક્યા હૈ? મને તો ચંદુના રોમાન્સની વાતમાં રસ પડે. આ શાસ્ત્રીને પણ વાર્તા લખવા વિષય મળે.’

‘અહિ મારો સંસાર સળગી રહ્યો છે અને તમને મજાક સૂજે છે.’ ચંપા તાડૂકી

‘ચંપા વાત શું છે તે માંડીને વાત કર.’

‘શાસ્ત્રીભાઈ, આ તમારો દોસ્ત ઘરડે ધડપણ, માધુરીના મોહમાં પડ્યો છે. પહેલાં માધુરીબહેન કહેતો હતો. હવે મારા દેખતાં જ એને મસ્કા લગાવીને કહે તમારું નામ ભલે માધુરી હોય પણ તમે દેખાવમાં તો અસ્સલ મધુબાલા જેવા જ લાગો છો. તો ચાંપલી કહે, આવું માનવાવાળા તમે એકલા નથી, મારા એક્ષ પણ એવું જ કહેતા હતા. ઘરમાં તો બધા મને માધુરીને બદલે મધુ જ કહે છે. તમે પણ મારા ઘરના જેવા જ છો એટલે તો હું અહિ આવી છું. મને માધુરીને બદલે મધુ જ કહેજો. બસ ભાઈ સાહેબ મધુ મધુ કરતા થઈ ગયા છે. ચંદ્રકાંત ચાવાલા મધુ સાથે બેસીને કાવ્યોનું રસદર્શન શીખે છે. બે દિવસ પહેલાં મિસ્ટર ચાવાલા બંધબારણે મધુ સાથે “પ્યાર કીયા તો ડરના ક્યા”નું મધુ સાથે રિહર્સલ કરતા હતા. શાસ્ત્રીભાઈ મને તમારે ત્યાં લઈ જાવ અને મંગુભાઈ આ તમારા મધુ મજનુ ને તમારી મોટેલના સ્પેશિયલ રૂમમાં લઈ જાવ. ઘરના છોકરાં વહુવારુઓ અને ગ્રાન્ડકિડસ આગળ તો કંઈ મર્યાદા રહે. આ પ્રોફેસર ક્યાં સૂધી પડી રહેવાની છે તે પણ ખબર નથી. જાય ત્યારે બામણ જમાડીશ. તમારે તો આવવાનું જ’ અમારીચંપા બહેનીએ ઉકળાટ આક્રોશ ઠાલવ્યો.

‘ચંદુલાલ હવે તમારે તમારા બચાવમાં શું કહેવું છે?’

‘યાર સાસ્ટરી, આ માઢુરીબેન ચંપા કરટાં વઢારે ભનેલી અને વઢારે ઈટલેક્છ્યુઅલ કોન્વર્સેશન કરવાવાલી પ્રોફેસર છે. એની પાહે કવિટા મને એના છંડ વિશે ખૂબ જાનવા શીખવા મલે છે. થોરા દિવસમાં ટો મને ઘનુ જાનવા મઈલું જે નોટો જાનટો. અટ્યાર હુધી ટો જીઆરે માઢુરીબેન આવટી તીયારે આપની વિડુષીની એની ટેઇક કૅર કરટી. આપની ફરજ છે કે વિડુષીની નઈ ઓય ટિયારે આપને જ ખિયાલ રાખવો પરે ને? આઈ બિલિવ ઇન હંબલ હોસ્પિટાલિટી. અઠિતિ દેવો ભવ.’

‘ચંદુભાઈ કાવ્યોના છંદ-કુછંદ શીખો એને બદલે મારી સાથે ભલે શુદ્ધ નહિ તો સરખું ગુજરાતી બોલતા તો શીખો! એ પોફેસર સાથે તમે સુરતી બોલો છો?’ મારે ચંપાનો પક્ષ લેવો પડ્યો.

‘નોપ્પ. ઓન્લી વીથ યુ ડિયર શાસ્ત્રીજી. સાલો જેવો તમારો વિચાર કરું એટલે મને સુરતનો નકશો દેખાય છે. અને સુરતી જ શરૂ થઈ જાય છે.’

‘અરે ભલા માણસ, હવે તો સુરત અને સુરતની સુરત બદલાઈ ગઈ છે. નકશો બદલાઈ ગયો છે. આપણે વર્ષોથી અમેરિકામાં પડ્યા રહ્યા છીએ. મારી સાથે સારું ગુજરાતી બોલવા માંડો ને!’

‘એઈ ચંદુ, આ ભાભી કહે છે તે બંધ બારણે મધુ સાથે પ્યાર કીયા તો ડરના ક્યા ના રિહલ્સલની શું વાત છે.’ મંગુએ સીધો જ પથરો માર્યો.

‘મંગુ, વાતમાં કંઈ દમ નથી. મધુને હંમેશા આગલી રાત્રે બીજા દિવસના લેક્ચરની તૈયારી કરવાની ટેવ છે. મધુ માત્ર ગુજરાતી કવિના જ નહિ પણ ફિલ્મી ગીતોના પણ રસદર્શન સરસ રીતે રજુ કરે છે. શકિલ બદાયૂંની સાહેબની વાત નીકળી. એના પરથી શીશ મહેલના સેટ અને પ્યાર કિયા તો ડરના ક્યા ગીતની વાત પર પહોંચ્યા. પાંત્રીસ ફૂટ ઊંચો એકસો પચાસ બાય એંસી ફૂટનો શીશ મહેલ એક મિલિયનનો થયો હતો. પ્યાર કિયા તો ડરના ક્યા નો શબ્દદેહ નૌસાદ સાહેબની અગાસીમાં આખી રાતના બ્રેઇનસ્ટોરર્મિંગ પછી ફાયનલ “થયો હતો. ઉત્તર પ્રદેશના લોક ગીત ‘પ્રેમ કિયા, ક્યા ચોરી કરી હૈ’ ઉપરથી શકિલ સાહેબે આ રચના કરી હતી. તે જમાનામાં રીવરબરેશન (reverberation) માટેની ટેક્નોલોજી ડેવ્લોપ નહોતી થઈ. મજાની વાત તો એ કે એ ઈફેક્ટ લાવવા નૌશાદ સાહેબે લતામંગેશકરનું આ સોંગનું રેકોર્ડિંગ બાથરૂમમાં કર્યું હતું. અમે આ બધી વાતો કરતાં હતાં ત્યારે અમારે ત્યાંનો એક બાબલો તોફાને ચઢી, રૂમમાં દોડાદોડી અને ઘાંટાઘાંટ કરતો હતો.  બિચારી મધુ એ સોંગ રિપિટ કરી કરીને, એ સોંગના રસદર્શનની નોટ્સ તૈયાર કરતી હતી. એટલે મેં ડોર બંધ કરીને લોક કર્યું. મેં એ સોંગ વારંવાર સાંભળ્યું યે મગજમાં ઘૂસી ગયું છે. હવે એ નીકળતું જ નથી. જરા મારા બાથરૂમમાં શાવર લેતાં લેતાં રિવર્બરેશન ઈફેક્ટ જોવા બેત્રણ વાર મેં એ ગીત જરા મોટેથી ગાઈ જોયું. સાલું બરાબર ગુંજે છે.’

ચંપાને રસ પડ્યો. ‘શાસ્ત્રીભાઈ, આ રિવર બળવાની શું બલા છે?’ ચંદુને બદલે એણે એ સવાલ મને પૂછ્યો.

‘મૂળ અવાજ બંધ થઈ જાય પણ એનો ગુંજારવ કે પડઘો ચાલુ રહે. રેકોર્ડિગ સ્ટુડિયોમાં અને સાઉન્ડ સિસ્ટિમમાં એની સસ્ટેઇનની સગવડ હોય છે.’ મેં મારી અલ્પ આવડત પ્રમાણે સરળ ભાષામાં ચંપાને સમજાવ્યું.

ચંપા ફરી ઉકળી. ‘હા હા હા…બંધ બારણે પ્યાર કીયા તે બે દિવસ સુધી રિવર્બરેશન ચાલ્યું અને બાથરૂમ સુધી પહોંચ્યુ. સારું છે કે મધુ પાંત્રીસની નથી નહિ તો નવ માસ  સુધી સાઉન્ડ ઈફેક્ટ ચાલશે.’

‘શાસ્ત્રી, આ મારી ચંપારાણી કંઇ સમજાવો.’

‘જૂઓ દોસ્તો, આવો જ પ્રોબ્લેમ મને પણ નડે છે. હું મારા બ્લોગમાં એક જ રાગના અનેક કિલ્મી ગીતો મુકું છું. સાથે ક્લાસિકલ કંઠ અને વાદ્ય સંગીત પણ પોસ્ટ કરું છું. એક રાગનો આર્ટિકલ તૈયાર કરતાં સતત એક જ રાગ અઢાર-વીશ કલાક ઘૂંટાય છે અને કોઈ ગીતની એકાદ કળી મગજમાં એવી તો ઘૂસી જાય છે કે કેટલીક વાર તો દશ પંદર દિવસ સૂધી એ જ ગૂજ્યા કરે છે. આને અંગ્રેજીમાં સરળ ભાષામાં Earworm  કહે છે. મગજમાં એકાદ ગીતની કળી ચીપકી જાય તો જેમ જેમ ઉખાડવા પ્રયાસ કરીયે તેમ તેમ વધુને વધુ ચોંટતી જાય. મગજમાં એ જ રિપિટ થયા કરે. જેમ્સ કેલ્લારિસના સંશોધન પ્રમાણે દુનીયાના ૯૮% લોકોને આ અસર રહે છે. હું અને ચંદુભાઈ એકલા નથી. આ ગીતની ધૂન લાંબી નથી હોતી. માત્ર પંદર કે વધુમાં વધુ ત્રીસ સેકંડની લાઈનની જ હોય છે. ક્રોસવર્ડ પઝલ કે સુડોકુ પઝલ કે રસ પડે એવા બીજા વાંચનમાં પડી જાવ તો એ ઘૂસેલો કીડો ક્યારે નીકળી જાય એ પણ ખબર ના પડે.’

‘ચંપા, અમારા ચંદુના મગજમાં મધુ નામનો કીડો નથી. મ્યુઝિક કાનકીડો જ છે ઈયરવોર્મ. બ્રેઈનવોર્મ. સ્ટક સોંગ સિન્ડ્રોમ, ઈન્વોલેન્ટરી મ્યુઝિકલ ઇમેજરી કહેવાય છે.’

‘શાસ્ત્રી ભાઈ, હવે ઉમ્મર થઈ. ઈયરવૉર્મ જ હોય તો એના ભેજામાં કેમ કોઈ દિવસ ઓમ નમઃશિવાયનો કીડો ઘૂસતો નથી? શાસ્ત્રીભાઈ તમે ગમે તે કહો, મારી ડિક્ષનરીમાં મધુ એટલે ચંદ્રકાંત ચાવાલાના ભેજામાં ભરાયલો માધુરીકીડો જ છે. ઈન્ડિયામાં અનાજમાં કીડા કિલ્લા પડતા ત્યારે એ અનાજ અમે તડકે મૂકતાં હવે મારે તમારા બેસ્ટ ફ્રેન્ડને કાયમને માટે તડકે મૂકવા પડશે. કાલે મારી સાથે એટર્નીને ત્યાં આવજો’

મેં વાતને વળાંક આપ્યો. ચંપા, ડિક્ષનરીની વાત કરે છે ત્યારે હમણાં સોસિયલ મિડિયામાં શબ્દ સાહિત્ય પર ઘણીચર્ચાઓ થાય છે. તો એક શબ્દના અનેક અર્થો અને રૂઢી પ્રયોગોની વાત થાય છે. ગુજરાતી લેક્સિકોનમાં કેટલાક અર્થો જાણવા જેવા છે. કીડો એટલે કોઈ પણ પ્રકારનું નાનું મોટું જંતુ, હોશિયાર, નિષ્ણાત, કોઈ વાત કે વસ્તુમાં પાવરધું કે રચ્યુંપચ્યું હોય તે. જેમ કે, કાયદાનો કીડો, અજંપો; ફિકર; ચિંતા, ઇંટો કે નળિયા પકવતાં પીગળીને ગઠ્ઠો થઈ ગયેલી માટીને અને બળી-પીગળીને ઠરેલો કોઈ પણ કચરાને પણ કીડો કહેવાય છે, ધાતુના પદાર્થો, ઘણા તાપથી રસરૂપ થઈ બંધાઈ જાય છે તે એમાલ્ગમને પણ દેશી ભાષામાં કારીગરો કીડો કહે છે, બાવળના લાકડાનો ગાંઠવાળો કકડાને પણ કીડો કહે છે,’

હું ચંપાને કીડા જ્ઞાન આપતો હતો અને ચંદુના ફોનનો લાઉડ રિંગટોન ગાજ્યો “પ્યાર કીયાતો ડરના ક્યા”…”

‘વૅઇટ…’

‘હાય મધુ! ક્યારે આવે છે? લેવા આવું?…..ઓહ! વી આર ગોઇંગ ટુ મીસ યોર પ્લેઝન્ટ કંપની.

મંગુ તારી ભાભી ને કહી દે કે મધુ હવે એની માસીની દીકરીને ત્યાં જ રહેવાની છે. મારો પ્યાર કીયા નો ઇયર વૉર્મ ક્યારે નીકળશે એ તો મને ખબર નથી, પણ ચંપાનો બ્રેઇન કીડો હવે પાછો ઘરમાં નથી આવવાનો. મારા પેટમાંના કીડાઓ ભૂખમરો ભોગવે છે. એન્ડ સાસ્ટરી લેટ મી ટેલ યુ વન થીંગ. “યુ આર મોસ્ટ બોરિંગ કીડો.” ચંપાને કહે કે આજે સાંજે ઘરમાં જ લાઈવ પાણીપૂરીનો પ્રોગ્રામ રાખ્યો હતો તે મધુને બદલે તારી અને મંગુ સાથે જ પતાવવો પડશે.’

અને અચાનકજ અમારા ભેજામાં મધુને બદલે પાણીપૂરી પાણીપૂરી પાણીપૂરીનો ઇયરવૉર્મ રીપીટ થવા લાગ્યો.

“તિરંગા” મે ૨૦૧૮

ચંદુચાવાલાનું લિવિંગ વિલ

પ્રવીણ શાસ્ત્રી

ચંદુચાવાલાનું લિવિંગ વિલ

 

‘શાસ્ત્રી અંકલ, હું વિદુષીની બોલું છું. સોરી, મેં આપને  ઉંઘમાંથી તો નથી ઉઠાડ્યાને?’

‘ના, ના બેટી, હું જાગું જ છું.’ ખરેખર તો હું ઉંઘતો જ હતો; પણ વિદુષીની કોઈ ખાસ કારણ સિવાય ફોન ના કરે. હું બેઠો થઈ ગયો. ‘બેટી શું વાત છે?’

‘અંકલ, ડેડીને ગઈ કાલે રાત્રે જરા છાતીમાં દુખાવો થયો હતો અને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. અત્યારે એ સ્વસ્થ છે. ચિંતા કરવા જેવું નથી. આપને અને મંગુ અંકલને યાદ કરતા હતા.’

‘હું મંગુ અંકલને લઈને હોસ્પિટલ પહોંચું છું બીજું કંઈ કામકાજ હોય તો કહે’

‘ના અંકલ બીજું કશું જ કામ નથી.’

મેં મારું નિત્યકર્મ પતાવ્યું. તૈયાર થઈને મંગુને ફોન કરવાનો જ હતો અને મંગુ જ મારે ત્યાં આવી  પહોંચ્યો. મારી કોફી બાકી જ હતી. ડંકિન ડોનટમાંથી કોફી અને ડોનટ પતાવીને અમે હોસ્પિટલ પહોંચ્યા.

અમારા ચંદુનો પરિવાર મોટો. એમાં પાછું ચંદુની મોટાઈ પણ ભારે. ચંદુનું શરીર પણ ભારે. એનો સ્પેશિયલ રૂમ ઘરના માણસોથી ચિક્કાર હતો. ફેમિલી એમ જ સમજે કે સ્પેશિયલ રૂમ એટલે ઘરની જેમ જ બધા ભેગા થઈ શકે. નર્સ બિચારી બે ત્રણ વાર સૂચના આપી ગઈ કે માત્ર પેશન્ટ પાસે બે જણાએ રહેવું બીજા બધા બહાર બેસો. હોસ્પિટલના નિયમ પ્રમાણે બે જ  વિઝિટરકાર્ડ મળે પણ આપણા દેશી સ્નેહીઓ તો વટથી જૂદા જૂદા ડિપાર્ટમેન્ટમાંથી રસ્તા કાઢીને પેશન્ટ પાસે પહોંચી જાય. અમારો મંગુ જરા કડક સ્વભાવનો. એણે જ બધાને બહાર કાઢ્યા. વિદુષીની બધાને સમજાવીને ઘેર લઇ આઇ. માત્ર ચંપા અને અમે બે જ રૂમમાં રહ્યા.

અમારો ચંદુ વજનમાં ભારે પણ તંદુરસ્ત. છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષમાં એને હોસ્પિટલ બેડમાં સુવું પડ્યં ન હતું. આમ તો એ હિમ્મત વાળો પણ ઈન્જેકશનની નીડલથી ખૂબ જ ગભરાય. સોય જોઈને બુમાબુમ કરે. એ અમારા કરતાં નાનો. તો પણ પંચોતેરનો તો ખરો જ. વર્ષમાં એકવાર ફ્લ્યુ શોટ લેવાનો હોય તેમાં પણ ગાળીયા કાઢે; કે ગુલ્લી મારે. એને ડાયાબિટિઝ ખરો પણ એની એને પરવા નહિ. ઘરમાં તો ચંપા કે પુત્રવધૂ વિદુષીની કાળજી અને નજર રાખે પણ બહાર જાય ત્યાં ચંદુને જલસા પડી જાય.

ચંદુ અત્યારે ચેરમાં નિરાંતે બેઠો હતો. આઈવી માંથી સેલાઈન ટપકતું હતું.

‘ચંદુ કેમનું છે? હમણાં આપણા સંદિપ ભંડારીના ફ્યુનરલ હોમમાં વેકેન્સી જ નથી. સાલાયે ધંધામાં એક પણ ફિલ્ડ બાકી નથી રાખ્યું. ફ્યુનરલ હોમમાં ખુબ કમાયો છે. ટ્રાવેલનોયે બિઝનેશ. બોડિ ઈન્ડિયા પણ મોકલે. અને કોઈના અસ્થી ઈન્ડિયા મોકલવા હોય તો તેની પણ વ્યવસ્થા કરી આપે. સંદિપને ફોન કરું?’ મંગુએ ચંદુને પૂછ્યું.

રસ્તામાં અમે અમારા ડોક્ટર ફ્રેન્ડ કેદાર સાથે વાત કરી હતી. એના કહેવા પ્રમાણે ચંદુને હાર્ટ એટેક ન હતો. પણ જે રીતે એણે કંપ્લેન કરી હતી તે પ્રમાણે એને પ્રોટકોલ મુજબ ત્રણ દિવસ માત્ર ઓબ્ઝ્રવેશન હેઠળ રાખવાનો હતો. એન્જીઓગ્રાફી પણ થઈ જ જશે. ડોક્ટર કેદાર રાત્રે જ હોસ્પિટલ ગયો હતો અને કાર્ડિયોલોજિસ્ટ સાથે વાત કરી લીધી હતી. અમને શાંતિ હતી અને ચિંતાનું કંઈ કારણ ન હતું. એટલે મંગુ એને ઊડાવતો હતો.

‘સાસ્ટરી, ટુ અહિયા બેસ અને આ મંગુને બા’ર બેહાડ. સાલો મને ડિપ્રેશન કરાવી ડે એવા લવારા કરે છે. મને તો એમ કે મારા ડક્ટરને કહીને મને આજેને આજે ઘેરે પોંચારવામાં હેલ્પ કરે; પન ટેને બડલે મને ફ્યુનરલહોમ અને ટાંથી ઉપર પોંચારવાની વાટ કરે છે. ડોસ્ટ છે કે ડુશ્મન? મને કંઈ ઠયું નઠી તો પન સાલાઓ એનજીયોગ્રાફી કરવાનું કહે છે. આ ડોક્ટરો સાલા પૈસા કમાવા માટે જાટ જાટના ટેસ્ટ ઠોક્યા કરે છે. મેં ડશમા ઢોરનમાં સંસ્કૃતની એક્ષામ આપેલી તેમાં આવતું ઉટું કે યમ ટો જીવ જ લઈ જાય પણ દાક્ટર વૈદો તો આપનો જીવ ને પૈસા બઢુજ ખંખેરીને લઈ જાય. ટુ ટો બામન છે. એ શ્લોક ટને યાડ હશે.’

મને યાદ હતો. ચંદુની વાત સાચી જ છે.

वैद्यराज नमस्तुभ्यं यमराजसहोदर ।
यमस्तु हरति प्राणान् वैद्यो प्राणान् धनानि च ॥

અમે બધા હસી પડ્યા. ‘ચંપાબેન તમે વાત કરો ચંદુને શું થયું હતું?’

‘રાત્રે જરા વધારે ખવાઈ ગયું હતું. ગેસ થયો હશે બીજું તો શું?’

‘શું ખાધું હતું?’

‘આમ તો ખાસ નવું કશું જ નહિ. ગેસ્ટ હતા એટલે સાદુ જ ભોજન હતું. ઈન્ડિયાથી કેરી આવી હતી એટલે  રસપૂરી, કંદપૂરી, બટાકાવડા, અને સળંગ વાલનું શાક બનાવ્યું હતું. સાંજે પાંચ વાગ્યે મહેમાન સાથે ડિનર લીધું. અમારી વિદુષીની તો એમની ડિશમાં જરા જરા જ પિરસે. અને મહેમાનની હાજરીમાં પણ કહી દે કે બસ ડેડિ આટલું જ. રાત્રે દશ વાગ્યે મ્ને કહે કે મને ભૂખ લાગી છે. હુમ ટીવી જોતી હતી. મે કહ્યું કે ફ્રિઝમાં ઘણું બધું છે. જે જોઈએ તે લઈ લો. મારો જ વાંક. ફ્રિઝમાંનો બધો રસ સાફ. જેટલી કંદપૂરી હતી તે સાફ. હું ભૂલી ગઈ હતી કે અમારા ઘરમાં મહમ્મદ બેગડો છે. ઈન્ડિયામાં લોકોના ફિઝમાં લોક હોય છે. અમારે ત્યાં કમનસીબે અમેરિકામાં લોકવાળા ફ્રિઝ લોકો રાખતાં નથી.’

‘અગ્યાર વાગ્યે કહે મને છાતીમાં દુખે છે. ખબર નથી કે  ગેસ છે કે હાર્ટનો  પ્રોબ્લેમ છે. પછી કહે કે મારા ખભા પણ દુખે છે. ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટર કાંઈ ફોન ઉપાડે નહિ. ૯૧૧ને ફોન કરોનો મેસેજ આવે. વિદુષીની કહે કે કશો વાંધો નથી લાગતો પણ ચાન્સ નથી લેવો લેટ્સ કોલ ૯૧૧. એને હોસ્પિટલ લઈ આવ્યા. એં કેદારભાઈને ફોન કર્યો તો એ પણ આવી ગયા. કહ્યું કે કાંઈ ચિંતા કરવા જેવું નથી. પણ કોલેસ્ટરોલ અને ટ્રાઈગ્લિસરાઈડ ઘણું હાઈ છે એટલે આજે એનજીઓગ્રાફી કરવાના છે. એટલે અત્યારે કશું ખાવાનું આપવાનું નથી અને બુમાબુમ કરે છે કે મને ભુખ લાગી છે. હું હાર્ટ એટકથી નથી મરવાનો પણ તમે મરે ભુખે જ મારવાના છે. અહિ તો જેવા હિસ્પિટલમાં એડમિટ કરે એટલે તરત જ આઈવી ચડાવી દે. આમ પણ એની વેઇન પકડાય નહિ અને નિડલ જોઈને નાના છોકરાની નેમ રડે અને બરાડા પાડે. અમને ચંદુની ચંપાવતીએ વિસ્તૃત માહિતી આપી.

મંગુભાઈ, શાસ્ત્રીભાઈ હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે લિવિંગ વિલ માંગતા હતા. ઘણા વર્ષ પહેલાં કરાવ્યું હતું પણ અત્યારે એ ક્યાં છે તે પણ ખબર નથી. નવું જ બનાવવાનું છે. હોસ્પિટલમાંથી જ  સિમ્પ્લિફાઈડ વિલ ફોર્મ લઈ આવી છું. એમની સાથે સાથે મારું પણ બનાવી દેવાનું છે. મને ઘણી વાત ખબર નથી જરા સમજાવીને ફોર્મ ભરવામાં હેલ્પ કરોને..’

અમારો મંગુમોટેલ ફોર્મ કાગળીયામાં એક્ષ્પર્ટ. આમતો અમારો ચંદુ પણ ઘડાયલો, પણ ચંપાને પોતાના કરતાં બહારના પારકા પર વધારે વિશ્વાસ. મંગુભાઈ મને જરા વિગત વાર સમજાવજો. વર્ષો પહેલાં તો વકીલે સમજાવ્યા વગર જ ફોર્મ ભરીને અમારી પાસે સહિ ક્રાવી લીધી હતી.’

મંગુએ ચશ્મા ચડાવ્યા.

‘જૂઓ ચંપા આ લિવિંગ વિલને એડવાન્સ ડિરેક્ટિવ પણ કહેવાય છે.’

પેલા શ્લોકની વાત સાચી જ છે. સિક્કાની બે બાજુ છે. માનવીને માટે મૃત્યુ એ નિશ્ચિત છે. ડોકટરો શક્ય એટલી રીતે જીવન લંબાવવાની ફરજ બજાવતા હોય છે. આપણા છોકરાંઓને આપણે ડોક્ટર બનાવીયે છીએ. કારણ કે એ માનવંતો ધંધો છે. એઓ માનવ સેવા પણ કરે છે અને બેન્ક મંદિરમાં લક્ષ્મીદેવી  ની આરાધના પણ કરતા હોય છે. ખરેખર તો મડદાની કક્ષાના માનવને હલન ચલન વગર, મશીનથી હાર્ટ અને ફેસસાં ચાલુ રાખીએ, પથારીમાં પડી રહેલો દેહ સ્વજન માટે પણ દુઃખ્દ બની રહે છે. ચંદુ કહે છે તેમ ડોક્ટરો કે પ્રોફેશન યમરાજના જ બીજા ભાઈ સાબિત થાય છે. પોણોસો સો વર્ષ પહેલાં જ્યારે મેડિકલ પ્રોફેશન અને ટેકનોલોજી આટલી વિકસીત ન હતી ત્યારે આપણાં વૃધ્ધ વડીલો ઘરે જ બે ત્રણ અઠવાડિયાની માંદગી ભોગવી કુદરતી રીતે જ જીવન સંકેલી લેતા. મેડિકલની કઈ ટ્રિટમેન્ટ લેવી કે ન લેવી તે આપણે સોબર, સજાગ અને સ્વસ્થ હોઈએ ત્યારે જ લિવિંગ વિલ બનાવી દેવું જોઈએ.

‘એઈ મંગુ, અમને બઢ્ઢુ ખબર છે. ભાષન કરવાને બડલે જલ્ડી ફોમ ભરીને મને હોસ્પિટલમાંથી બા’ર કાઢ. મારે એન્જીઓ ફેન્જીઓ નથી કરાવવો.’

ચંપા તાડુકી. ‘મિસ્ટર ચંદ્રકાન્ત ચાવાલા તો શું; પણ એના બાપ પણ આજે આ ખાટલામાં હોય તો તેને ઓપરેશન ટેબલ પર ઢકેલીને એન્જીઓગ્રાફી કરીને ચેક કરાવી લઉં. એન્જીઓ કરાવો તો જ ખબર તો પડેને કે મારો ચૂડી ચાંદલો કેટલો ટાઈમ ટકવાનો છે.’

‘મંગુભાઈ તમ તમારે આગળ ચલાવો. ફોર્મમાં પહેલું શું છે?’

‘સીધી સાદી ભાષામામ એમ છે કે જો હું એવી શારીરિક માનસિક સ્થિતિમાં કે અસાધ્ય રોગથી રિબાતો હોઉં કે ફરી પાછા સાજા થવાની કોઈ શક્યતા જ ન હોય તો મારી સારવાર કરતા ડોકટરોને જણાવું છું; કે જીવન લંબાવવાની બધી ટ્રિટમેન્ટ બંધ કરીને એટલી જ Palliative ટ્રિટમેન્ટ આપવી કે જેનાથી મને વેદનામાંથી રાહત રહે. એટલા પૂરતી માત્ર પેઇન મેડિકેશન જ ચાલુ રાખવી. અને  જો છ મહિના કરતાં વધારે જીવવાની આશા ન જ જ હોય તો હોસ્પિટલ અગર ઘરમાંજ Hosspice હેઠળ શાંતિથી જીવન વિસર્જન થવા દેવું’

‘હા મંગુભાઈ એમાં હા નો ટિકડો મારી દો.’ ચંપાએ એપ્રુવ કરી દીધું.

‘મંગુ મારામાં આજની એન્જીયોની ના લખી દે.’ ચંદુએ ફરી ડખો કર્યો.

‘તમે ચૂપ રહો. તમારે શું કરાવવુ અને શું ન કરાવવું એ નક્કી કરવાવાળી હું બેઠી છું. મંગુભાઈ બીજી કઈ મુખ્ય વાત છે?’

‘તમનેકઈ ટ્રિટમેન્ટ નથી જોઈતી. તેનુ લિસ્ટ છે’

‘CPR જોઈએ છે?’

‘મંગુ મારાંમા હા લખજે; પણ એક કંડિશન મૂકવાની કે કોઈ બોલિવુડ-હોલિવુડની એક્ટ્રેસ હોય તો જ CPR આપવું નહિતો મને નિરાંતે ઉપર જવા દેવો.’

‘વાંદરો ડોસો થયો તો પણ ભભડો છૂટતો નથી. મારામાં અને એમનામાં પણ હા લખી દો. ભલે કોઈ કાળીયો પણ એને માઉથ ટુ માઉથ આપી જાય.’ ચંપાઉવાચ.

‘બીજું શું છે?’

‘પેસમેકર મુંકવું પડે તો?

‘એ પણ યસ’

‘લેબ ટેસ્ટ?’

‘હા. એતો જોઈએ જ.’

‘એન્ટિબાયોટિક્સ?’

‘યસ?’

‘ડાયાલિસીસ?’

‘એ કિડનીની કંડિશન પર અને ડોક્ટરની સલાહ પ્રમાણે વિચારીશું.બાકી કેન્સરની બધી જ ટ્રિટમેન્ટમાં ના લખી દેજો. યુવાન હોઈએ તો સારા થવાની શક્યતા પણ મારું અંગત માનવું છે કે અમે બન્ને પંચોતેરની ઉપરા છીએ એટલે છેલ્લા દિવસોમાં દુઃખદ ટ્રિટમેન્ટ લઈને મરવું નથી. ડાયાલિસિસ, કિમો કે રેડિયેશન નથી જોઈતું. પેટમાં ખોરાક માટેની ટ્યૂબ કે વેન્ટિલેટર ટ્યૂબ નથી જોઈતી. તમારા દોસ્તને પણ મંજૂર જ હશે. મરતી વખતે મારા અને તમારા દોસ્તના ગળામાં એક ટિપું ગંગાજળ નાંખજો. આઈવીથી પેઈનમેડિકેશન આપતા હોય તો તમારા ચંદુભાઈની મેડિકેશન પાણીપૂરીના પાણી સાથે મિક્ષકરીને આપજો. આજે ચંપાએ જ ડિસીસન ડિક્લેર કરી દીધું.’

લિવિંગ વિલ ગંભીર વાત છે. પણ ચંપાવતીએ હળવી રીતે બધી વાત કવર કરી દીધી. અમે બન્નેએ સાક્ષી તરીકે સાઈન કરી દીધી. જો કે જરૂરી ન હતું તો પણ, હોસ્પિટલમાં જ એક સોસિયલ સર્વિસિસ હેલ્પ ડિપારટ્મેન્ટમાં નોટરી પબ્લિક હતી તેમની પાસે નોટરાઈઝ પણ કરાવી દીધું. એણે સલાહ આપી કે થોડા થોડા સમયે આ વિલ કે તમારા કોઈ પણ વિલ રિવ્યુ કરતા રહેવું.

એટલામાં ચંદુભાઈને કેટલેબમાં લઈ જવા નર્સ આવી.

‘ચંદુ બેસ્ટ ઓફ લક. તું હાર્ટ ચેક કરાવવા જા, અમે કાફેટરીયામાં પેટપૂજા માટે જઈયે છીએ.’

ચંદુ સ્ટ્રેચર પર બબડતો હતો. કદાચ ભગવાનને પ્રાર્થના કરતો હશે કે મનમાંને મનમાં મંગુને  સુરતી સંભળાવતો હશે એ તો એનો રામ જ જાણે. અમે બહારથી ગમે તે બોલીયે પણ અંદરથી ચિંતા સહિત ચંદુના સૌ સારાવાના જ થાય તેને માટે પ્રાર્થના કરતાં હતાં. ચંદુ હવે યુવાન ન હતો. એને ડાયાબિટિઝ હતો. અને ફેટથી ફૂલેલો હતો. ખાવાની વાતમાં કોલેસ્ટરોલથી ભરેલો પાક્કો સુરતી હતો. એટલે જ અત્યારે માત્ર ગેસ નું કારણ હોય પણ એની જીવન શૈલી બદલાવવા ટેસ્ટ જરૂરી હતો..

“તિરંગા” અપ્રિલ ૨૦૧૮ માટેનો લેખ

“અમેરિકન મેલ્ટિંગ પોટ” – ચંદુ ચાવાલા

પ્રવીણ શાસ્ત્રી 

“અમેરિકન મેલ્ટિંગ પોટ”

‘શાસ્ત્રી, આજે ડેનીને ત્યાં જવાનું છે તે યાદ છેને?’

‘હુ ઈસ ધીસ?’ હું એકદમ ચમક્યો. અવાજ જાણીતો પણ ન ઓળખાયો. મારાથી પૂછાઈ ગયું.

તરત ખડખડાટ હાસ્ય. ‘સાસ્ટરી હું ટારો ચન્ડુ, વન એન્ડ ઓન્લી ચન્ડુ ચાવાલો. હુ સુઢરવા માંગું ટો પન  ટું મને સુઢરવા જ નઠી ડેવાનો. ટને ફોન કર્ટા પેલ્લા ડશ વખટ મનમાં પ્રેક્ટિસ કરી, સુઢ્ઢ ગુજરાટીમાં ફોન કૈરો ટો તને મારી ઓર્ખાન પન ન પરી.’

‘ના ના, ચંદુભાઈ ઓળખાણ પડી. બસ કાયમ મારી સાથે ચોખ્ખું ગુજરાતી બોલતા રહેજો. હા મને યાદ છે આપણે ડેનીને ત્યાં જવાનું છે.’

ગયા મહિને ડો.રાગિણીની બર્થડે સમયે ડેનીભાઈની અચાનક જ મુલાકાત થઈ ગયેલી. ડેનીભાઈ તો અમે કહીયે. એમનું સાચું નામ દિનેશ તો પાસપોર્ટ પર જ રહી ગયેલું. ઘરનું નામ દીનુ. શેરીનું નામ દિનેશભાઈ અને અમેરિકામાં ડેનીયલ, પણ ઓળખાય માત્ર ડેની તરીકે. અમારા મહોલ્લામાંના મનુ પંડ્યાનો ભાણેજ. મુંબઈમાં ઉછરેલા, વેકેશનમાં મામાને ત્યાં આવે. અમારા કરતાં ચારેક વર્ષ મોટા. ગોરા અને ઊંચા. પારસી બાવા જેવી પર્સનાલિટી. સુરત આવે ત્યારે અમારા ટોળામાં ભળી જાય. અમે એને દિનેશભાઈ કહેતા. મામા મનુ પંડ્યા ગુજરી ગયા પછી એમનું સુરત આવવાનું બંધ થયું. અચાનક મંગુને ત્યાંની પાર્ટીમાં ભેટો થઈ ગયો. પાર્ટીની ધમાલમાં વધુ વાતો ન થઈ પણ એમણે અમને એમને ત્યાં ‘ગેટ ટુ ગેધર’ માટે આમંત્રણ આપ્યું હતું.

એ યાદ કરાવવા જ ચંદુએ ફોન કર્યો. એમની રાબેતા મુજબની સુરતી ભાષામાં નહિ પણ ચોખ્ખી ભાષામાં. એમ તો બધા સાથે સીધી વાત કરતા. મને જોઈને જ એમનું સુરતીપણું સળવળતું. મારી સાથે ધીમે ધીમે નોર્મલ થવાની કોશીશ કરતા હતા. અમે ત્રણચાર મિત્રો જ દિનેશભાઈને ત્યાં જવાના હતાં. કાંઈ મોટી પાર્ટી ન હતી.

અમે સાંજે એમને ભેગા થયા. એઓ મામાને ત્યાં આવતા ત્યારના સંસ્મરણો વાગોળ્યા. અમારા સંબંધો એટલા અંગત ન હતા કે એમના અંગત જીવન વિશે એમને કંઈ પુછી શકીયે. પણ જાણવાની ઈચ્છાતો ખરી જ. બધા કરતાં મેં દિનેશભાઈ વીશે ઘણી વાતો સાંભળી હતી.

અમારો મંગુ સીધી જ વાત કરનારો. એણે સીધું જ આશાભાભીને પુછ્યું, ‘ભાભીજી આપ અમારા દિનેશભાઈ સાથેની કોઈ રોમાન્ટિક પોલ જાણતા હોય તો જણાવોને. એઓ તો અમારા ખૂબ જ સિરિયસ વડીલ. એમને તો પુછવાની હિમ્મત જ ના થાય.’

‘તમારા ભાઈ તો સિરિયસ હોવાના ડ્રામા કરે છે. બાકી એણે જ અમને બાલી ઉમ્મરમાં ફસાવ્યા છે.’ દિનેશભાઈ સ્મિત કરતા રહ્યા.

‘અમે બન્ને નોર્થ કેરોલિના યુનિવર્સિટિમાં ફાર્મસીમાં ડોક્ટરેટ કરતા હતા. ઓળખાણ થઈ. એ મને મસકા મારીને પ્રોજેક્ટ વર્કમાટે એમના એપાર્ટમેન્ટમાં બોલાવતા. જાતે રસોઈ કરતા. પણ રસોઈમાં કોઈ જાતના ઢંગઢડા નહિ. વાંકીચૂકી ભાખરી, કાચા રાઈસ અને બળેલી દાળ બે વખત ખાધા. પછી મારે જ કહેવું પડતું કે ડેની હું આવીને મારી રીતે રસોઈ બનાવીશ. તડકા દાલ,રાઈસ, પરોઠા, ચિકન, મટરપનીર હું બનાવતી. પછીતો એના એપાર્ટમેન્ટમાં વીકેન્ડમાં બે વાર મારે કુકિંગ કરવાનું માથે જ પડી ગયું. પાંચ દિવસ બહાર ખાવાનું. ફ્રેન્ડશીપ, લવ અને લિવિંગ ટુ ઘેધરમાં કૂડી પંજાબન ગુજ્જુ કી બાતોં ફસ ગઈ. સતિશના જન્મના એક મહિના પહેલાં અમે લગ્ન કર્યા. ઈટ વોઝ નાઈન્ટિનફિફ્ટી એઇટ.’

‘હા મને યાદ છે કે તમે બાબાને લઈને મામાને ત્યાં આવ્યા હતા. દશેક મિનિટ મારા પેરન્ટને પણ પગે લાગવા મારે ત્યાં આવ્યાં હતાં.’

‘હા શાસ્ત્રીભાઈ, મેં પંજાબણ સાથે લગ્ન કર્યા એટલે અમારા ફેમિલીને જ્ઞાતવાળાઓએ જ્ઞાત બહાર મૂક્યા હતા. મારા ફાધર અને અંકલને કાંઈ પડી ન હતી પણ મધરને વસવસો આખી જીંદગી રહ્યો હતો. અમારા લગ્નનો નહિ પણ ન્યાત બહાર થયાનો.’

ડિનર પછી એમણે બીગ સ્ક્રિન પર એમના ફેમિલી અને લાઈફ ઈવાન્ટ્સની સ્લાઈડ બતાવી. એમનું લગ્ન પહેલાંનું સહજીવન, મોટી ફાર્મસક્યુટિકલ કંપનીઓના રિસર્ચ ડિપાર્ટ્મેન્ટમાં કામ કરતાં ફોટાઓ. એમના ત્રણ દીકરા અને બે દીકરીના ઊછેર અને તેમના લગ્ન અને ગ્રાન્ડ ચિલ્ડ્રનના ફોટાઓ અને આશાભાભીની રનિંગ કોમેન્ટ્રીએ એટલો તો ખ્યાલ આપી દીધો કે અમે કોઈ ઈન્ડિયનને ત્યાં નહિ, પણ અમેરિકનને ત્યાં બેઠા હતાં. અમે અમેરિકામાં પણ સુરતી જ રહ્યા હતા. અમારા અમેરિકાના ચાળીસ પચાસવર્ષના વસવાટ પછી પણ પૂરા અમેરિકન થયા ન હતા. અમારા અહિ જન્મેલા છોકરાંઓ પંચોતેર ટકા અમેરિકન અને અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન પંચાણુ ટકા અમેરિકન. અમે તો પંચાણું ટકા દેશીના દેશી જ રહ્યા. અમારા ડેની અને આશાભાભી પહેલા જનરેશનથી જ અમેરિકન થઈ ગયા હતા.

ડેની, દિનેશભાઈ, ગંભીર વડીલમિત્ર. વાતોનો વિષય હતો અમેરિકા. લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી અને કલ્ચરલ મેલ્ટિંગ પોટ. જે દિનેશભાઈનું અને તેમના પરિવારનું જીવન પરથી સાક્ષાત થતું હતું. એમનો સૌથી મોટો દીકરો સતિશ અહી જ જન્મેલી તામિલ છોકરી સાથે પરણ્યો હતો. કહેવાય તો ઈન્ડિયન, પણ કલ્ચર અમેરિકન જ. બીજા નંબરનો રશીયન ઈમિગ્રાંટને પરણ્યો હતો. ત્રીજા નંબરના છોકરાએ જમૈકન બ્લેક અમેરિકન છોકરી સાથે લગ્ન કર્યા હતા. એની એક દીકરીએ આઈસીશ અમેરિકન સાથે લગ્ન કર્યા હતા. અને બીજી જાપાનિસ સાથે પરણી હતી.

આશાભાભીએ કહ્યું કે ‘યુનાઇટેડ સ્ટેટ્સ એ ઇમિગ્રન્ટ્સનો દેશ છે. અમેરિકા લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. સમગ્ર વિશ્વમાંથી લોકો, વધુ સારી રીતે જીવન જીવવા માટે અહિ આવે છે. દરેક ઇમિગ્રન્ટ તેમની સાથે તેમની સંસ્કૃતિ લાવે છે. તેમના રીત રિવાજો અને માન્યતાઓ લાવે છે. દુનિયાભરમાંથી આવતી પહેલી પેઢીની સંસ્કૃતિનું અહિ બીજી અને ત્રીજી પેઢીએ મેલ્ટિંગ થઈને એક નવી જ સંસ્કૃતિ બને છે અને તે છે અમેરિકન સંસ્કૃતિ. અમેરિકન કલ્ચર.’

‘અમારે ત્યાં કુટુંબ સાથે અવાર નવાર અમે ગુજરાતી અને પંજાબી તહેવારો ઉજવીયે છીએ, દીકરાઓને ત્યાં એમની પત્નીના કૌટુંબિક કે ધાર્મિક તહેવારોમાં પણ અમે સામેલ થઈએ છીએ. ઘરમાં વહુઓના માબાપ તેમના દેશની ભાષા બોલે છે પણ છોકરાંઓ તો અમેરિકન ઈંગ્લિશ જ બોલે છે અને સમજે છે.’

દિનેશભાઈએ કહ્યું,  ‘”આ દેશ એક વિશાળ સૂપના મોટા પોટ જેવો છે. એમાં બીજા દેશોમાંથી આવતા દરેક ઇમિગ્રન્ટસ કંઈકના કંઈક ઈન્ગ્રેડિયનસ ઉમેરતા જાય છે. એક નવો સ્વાદ ઉમેરે છે. માની લો કે એક સ્વાદિષ્ટ પાવભાજી. આ જ અમેરિકન કલ્ચર છે. દરેક ઇમિગ્રાન્ટ અમેરિકા આવ્યા પછી, તેઓ અન્ય લોકો સાથે જોડાય છે. એકબીજાની સંસ્કૃતિ વિશે શીખે છે. આ અમેરિકન મેલ્ટિંગ પોટના સૂપની વિશિષ્ટતા એવી છે કે બધા અલગ હોવા છ્તાં બધા એક છે એવો અનુભવ થાય છે.’

આશા ભાભીએ કહ્યું કે ‘અમારા ફેમિલીમાં ક્રોસ-કલ્ચરલ લગ્નોએ અમારે માટે રેશિયલ ટોલરન્સ સર્જવાનું કામ કર્યું છે. ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના સર્વે મુજબ 2010 માં અમેરિકામાં બ્લેક અને કોકેઝિયન વ્હાઈટના ઈન્ટર રેશિયલ લગ્નો 15 ટકા હતા તે દરવર્ષે વધતા જ રહ્યા છે. આ લગ્નની સંખ્યામાં વધારો પણ રેશિયલ ટોલરન્સ વધારવામાં સારો જેવો ફાળો આપે છે. એક નવી જ માનસિક સહિષ્ણુતા સર્જાય છે.  પ્યુ રિસર્ચ સેન્ટરના અભ્યાસ મુજબ, 35 ટકા અમેરિકનોના કુટુંબમાં પોતાની જાતિમાંજ લગ્ન કર્યા છે. જ્યારે ૬૫ ટકા અમેરિકનોએ આંતરજાતિય લગ્નો કર્યા છે. યુવાન લોકોમાં ક્રોસ-સાંસ્કૃતિક લગ્નને સ્વીકારી શકવાની ક્ષમતા વધારે હોય છે

ઓલ મિલિનિયલ્સ સ્વીક ઇન્ટરફેરી ડેટિંગ એન્ડ મેરેજ, સંસ્થાના સર્વે મુજબ ૮૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ  કોઈ અન્ય જૂથ સાથેના લગ્ન સ્વીકારે છે. આ કારણોસર, વધુ ક્રોસ-સાંસ્કૃતિક સંબંધોની અપેક્ષા રાખી શકાય છે.
કેટલાક પ્રોફેશનલ એથ્લેટ્સ કે પ્રખ્યાત લોકોએ પણ આંતરદેશીય કે જાતીય મેરજ કર્યા છે. તેમાં રોબર્ટ ડી નીરો અને ગ્રેસ હાઇટવર, જ્યોર્જ લુકાસ અને મેલોડી હોબસન, ઓડ્રા મેકડોનાલ્ડ અને વિલ સ્વેન્સન અને માર્ક ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાનનો સમાવેશ થાય છે.  લોકો તેમને સ્વીકારે છે. યુ.એસ. સેન્સસ બ્યૂરોના જણાવ્યા અનુસાર,  30 વર્ષમાં, શક્ય છે કે વ્હાઈટ કરતાં બ્લેક કે મિક્ષ વધારે હશે.  પ્રેસિડન્ટ ટ્રંપ એક યા બીજી રીતે આ ટાળવા પ્રયાસ કરે છે એવો પ્રચાર પણ થાય છે.’

આપણા ભારતની ચર્ચા નીકળી. દિનેશભાઈએ અમને પણ ઝપેટમાં લીધા. ‘તમે તો અમેરિકામાં પણ સુરતી જ બની રહેવા માંગો છો.’ કહ્યું અમને બધાને પણ એમની મર્માળુ નજર તો અમારા ચંદુ પર જ હતી.  એક સમાન સનાતન હિન્દુ પણ બની શકતા નથી. એમાં પણ અનેક સંપ્રદાયોની મારામારી.’ દિનેશભાઈ જાણે ક્લાસ રૂમમાં છોકરાં ભણાવતા હોય એમ કહેતા હતા. ‘હું માનું છું કે અમેરિકાની જેમ જ જો ભારતને એક દેશ બનાવવો હોય તો ક્રોસ કલ્ચર મેરેજીસ કરવા દો. આપોઆપ જાતી વાદ બંધ થશે. મારા એક ડોક્ટર પટેલમિત્ર તો અમેરિકામાં પણ પોતાના સંતાન માટે પાંચ ગામ કે સાત ગામના છોકરા છોકરી શોધતા રહે છે અને સંતાનો ધડાકા કરે કે તેઓતો અમેરિકનના પ્રેમમાં છે અને તેમની મરજી મુજબ પરણવાના છે. ત્યારે રાતા પીળા થઈ જાય છે. બિચારા દેશી ડોસાઓ!!’

ઈન્ડિયામાં જાતીવાદી રાજકારણે જે વાતાવરણ ઉભું થયું છે તેની ચર્ચા કરતાં દિનેશભાઈએ એમના ડેલાવેર યુનિવર્સીટીના પ્રોફરસર મિત્ર ડો. દિવ્યેશભાઈનો અભિપ્રાય જણાવ્યો. દિવ્યેશભાઈના કહેવા મુજબ જયાં સુધી આપણા ગુજરાત અને દેશમાં જ્ઞાતિના ભેદભાવની વાતો થતી રહેશે, ઉચ્ચ જ્ઞાતિ અને નીચી જ્ઞાતિની ચર્ચાઓ થતી રહેશે, પોતાની જ્ઞાતિના ગૌરવની લાગણીની વાતો કરતા રહેશે (જાણે કેમ પોતે નક્કી કરીને ને ચોક્કસ જ્ઞાતિમાં જન્મ લીધો હોય તેમ). જ્યાં સુધી આપણે આવી માનસિકતામાંથી બહાર નીકળીશું નહિ ત્યાં સુધી દેશ અરાજકતામાંથી બહાર આવશે જ નહિ અને રાજકારણીઓ ચૂંટણીના સમય઼માં ધર્મ અને જાતીના આવા નૂસખાના આધારે લાભ લેતા રહેશે. જે  જ્ઞાતિના લોકો સાચી પરિસ્થિતિ સમજશે તેઓ તો આવી લપમાં નહિ પડે.

દિનેશભાઈ ડેનિયલ બની ગયા હતા. એમના બાળકોને કોઈ જાતીવાદ ન હતો કોઈ પ્રાંતવાદ ન હતો, કોઈ ભાષાવાદ ન હતો કે કોઈ પણ વાદનો હઠાગ્રહ ન હતો. જો ભારતમાં આંતરપ્રાંતિય અને આંતરજાતિય લગ્નો થાય તોજ ભાષાવાદ અને જાતીવાદ નાબુદ થાય.’

એમની વાત સો ટકા સાચી જ છે. અમે બધા પહેલી પેઢીના ઈમિગ્રાન્ટ બીજી અને ત્રીજી પેઢીના ગ્રાન્ડચિલડ્રનના આંતરજ્ઞાતિના અને આંતરજાતીના લગ્નો જોતા આવ્યા છીએ અને સ્વીકારતા પણ થયા છે. ભારતમાં પણ આવા લગ્નો થશે તો જ એકતા સ્થપાશે. જાતીય ક્રોસબ્રિડિંગથી ઉત્તપન્ન થતી પ્રજા વધુ શક્તિશાળી હોય છે. ભારતને એ જરૂરી છે.

ત્યાર પછી તો અમારી વાતોના ઘણાં વિષયો બદલાયા. દિનેશભાઈ અને આશાભાભી સાથે ઘણી વાતો થઈ. એક ખાસ મજાની વાત થઈ કે ચંદુભાઈએ જાતે જ જાહેર કર્યું કે હવે હું શાસ્ત્રીને, સાસટરી નહિ કહું પણ શાસ્ત્રીભાઈ જ કહીશ. અને એમણે મને ચંદુભાઈ નહિ પણ ચંદુ જ કહેવાનું. આપણા કરતાં મોટા છે. અમારો મંગુએ સળી કરી.  ચંદુ તને આટલા વર્ષે આ બ્રહ્મજ્ઞાન કેવી રીતે થયું કે શાસ્ત્રીજી આપણા કરતાં મોટા છે. ચંદુની પુંછ કદીયે સીધી નહિ જ થાય. જેટલી વાર શાસ્ત્રીભાઈને બદલે સાસ્ટરી કહે એટલી વાર તારે શાસ્ત્રીજીને સો ડોલર આપવા.

‘મંગુ ટુ ડોસો ઠીયો ટો બી એવોને એવો જ રે’વાનો. ઢીસ ઈસ ઇન બિટવીન સાસ્ટરી એન્ડ આઈ. ટારે વચમા પરવાની જરૂર નઠી.’ હસતાં રમતાં અમે છુટાં પડ્યા.

“તિરંગા” માર્ચ ૨૦૧૮ માટે