Category Archives: “વિજય ઠક્કર – ગુર્જરિકા”

અનુસંધાન…..વિજય ઠક્કર

    vijay-thakkar

                                                         વિજય ઠક્કર 

અનુસંધાન…..

 

ટો  સ્ટેશને આવીને થોભી..

માના અને મહર્ષિ ધીમેથી ઉતર્યા …એક હાથમાં કપડાની એક સુટકેસ અને બીજા હાથમાં મહર્ષિને પકડેલો..

ઓટોનું ભાડું ચૂકવીને એક નજર પાછળ છૂટી ગયેલા રસ્તા પર કરી.. સ્ટેશનમાં પ્રવેશ ટીકીટ ખરીદીને પ્લેટફોર્મ પર આવી ગઈ..હજૂતો ટ્રેન આવવાની થોડીવાર હતી.. દૂર એક બાંકડો ખાલી હતો.. માના ત્યાં જઈને એ બાંકડે બેસી ગઈ..એકબાજૂ સુટકેસ મૂકી અને બીજી બાજુ મહર્ષિને બેસાડ્યો..ખબર નહીં આ નાનકડો છોકરો મહર્ષિ એકદમ ચૂપ કેમ થઇ ગયો..!! કશુંજ બોલતો નથી..ફક્ત મમ્મીની પાછળ દોરવાયે જાય છે.

સ્ટેશન પર મુસાફરોની ચહલપહલ, ફેરિયાઓનો ઘોંઘાટ, કુલીઓની આવન-જાવન, રેનબસેરા જેવા આ પ્લેટફોર્મ પર સ્થાઈ નિવાસ કરતાં સમાજનાં તમામ અવલંબનોને પાછળ મૂકીને આવેલાંમાંથી કેટલાંક લોકો અહીં-તહીં સૂતાં છે..અને આ બધી ભીડ વચ્ચે માના દૂરના છેડે આવેલા બાંકડે બેઠી બેઠી પોતાના મન સાથે તુમૂલ યુદ્ધ ખેલી રહી હતી.. ગંતવ્ય વિષે હજુ મનમાં દ્વિધાજ છે..પણ એટલોતો મનમાં ચોક્કસ નિર્ધાર કરી લીધો છે કે જે છોડ્યું છે ત્યાંથીતો મન હવે સદાયને માટે વાળી લેવું.. છેલ્લા ત્રણ-ચાર વર્ષના સંઘર્ષ પછી માનાએ જાણે મેદાન છોડી દીધું….

સલીલ…હા ! સલીલ એનો પતિ… એની સાથેના સંઘર્ષનો અંત આવી ગયો.. એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.. પતિ-પત્ની નામનું લેબલ તોડી નાખ્યું..

ગઈ રાત્રે બંને વચ્ચે ખૂબ ઝગડો થયો.. વૈચારિક મતભેદો, નાનકડાં મન અને કશુંજ જતું નહીં કરવાની વૃત્તિ..પુરુષનો અહમ અને પુરુષ મનમાં ધીમેધીમે ઉછરીને મોટા થયેલા સંશયના કીડાના સળવળાટે આ ગૃહસ્થીને ઉધઈની જેમ કોરી ખાધી…અને અંતે અવિશ્વાસના પાયા પર ઉભી રહેલી એ ઈમારત ધરાશાયી થઇ ગઈ..

બસ છૂટી ગયું બધુંજ પાછળ…

માનાના મનની ઉદાસી ચહેરા પર સ્થાઈ થઇ ગઈ છે…મહર્ષિનો કલબલાટ પણ સાવ શમી ગયો છે..કારણ આખી રાત એણે પપ્પા-મમ્મીને લડતાં જોયાં હતા.. સુનમુન થઇ ગયેલા બાળ મન પર થયેલા આઘાતોએ ન જાણે શું શું અંકિત કરી દીધું હશે..! અત્યારેતો એની શી ખબર પડે..? એ બધુંજ ક્યારે અને કેવા સ્વરૂપે બહાર આવશે એનીયે અત્યારે કેવી રીતે ખબર પડે..!!!  આખી રાત સામસામા રાડારાડ અને ચીસાચીસ અને વાક્પ્રહારો ચાલતા રહેલા ત્યારે એ એટલુંજ બોલતો : પપ્પા..મારી મમ્મા સાથે ઝગડો ના કરો ને..મારી મમ્મા રડે છે .. અને એ પણ રડતો..

ટ્રેન આવવાની તૈયારી થઇ..બધા મુસાફરોની ચહલપહલ વધી ગઈ..પ્લેટફોર્મ પરનો શોરબકોર અને ભાગમભાગ છતાંય માનાતો હજુયે એમજ બાંકડે બેસી રહી હતી..એનું મન-તન જાણે નિશ્ચેતન થઇ ગયાં હતાં.

ટ્રેન આવી થોભી અને જતી રહી પણ તોયે માનાતો એમજ બાંકડે સુનમુન બેસી રહેલી…ઘણી વારે મહર્ષિએ જ્યારે એને હલબલાવી નાંખી ત્યારેજ એનામાં સ્વસ્થતા આવી.. અને હાંફળીફાંફળી આજુબાજુ જોવા માંડી..પ્લેટફોર્મ પરનો શોરબકોર શમી ગયો હતો ખુબ ઓછા લોકોની અવરજવર હતી…એને ધ્રાસકો પડ્યો.. “ શું ટ્રેન જતી રહી..?? ઓહ માય ગોડ…શું કરું હવે..?? “

કડવા વિચારોની હારમાળા તૂટી ગઈ..આખરે ફરી પાછી મહર્ષિને લઈને સ્ટેશનની બહાર આવી..ઉભી રહી ગઈ..એક બાજુ હમણાંજ છોડીને આવી એ બધું, એકબાજુ વર્ષો પહેલાં કાયમને માટે જેને અલવિદા કરેલી એ માં-બાપનું ઘર અને એકબાજુ એને મૂકીને જતી રહેલી ટ્રેનનું પ્લેટફોર્મ…. ત્રિભેટે આવીને ઉભી થઇ ગઈ…ક્યાં જવું …કેવી રીતે જવું…શું થશે..? અનેક ભાવો…અનેક પ્રશ્નાર્થો મનમાં ઉભા થયા.

              XX                          XX                        XX                         XX

“ વિદ્યા તને ઊંઘ નથી આવતી..?”

“ ના કોણ જાણે આજે જીવ બહુ બળ્યા કરે છે..”

“ભગવાનનું નામ લે વિદ્યા અને ઊંઘવાનો પ્રયત્ન કર એટલે ઊંઘ એની મેળે આવી જશે.. હજુતો રાતના

ત્રણ વાગ્યા છે..”

“કૌછુ..! મને તો જાણે કૈક ખોટું થવાનું હોય એવું લાગ્યા કરે છે..”

“ વિદ્યા તું નકામી ચિંતા કરે છે… કશુંય અશુભ નથી થવાનું.. અને જે કાંઈ થાય કે બને ..બધુંજ ઈશ્વરની ભેટ માનીને સ્વીકારી લેવાનું તો બહુ દુઃખ ના થાય સમજી…?”

“બધુંય સમજુ છું પણ મારું મન આજે કશુંક અમંગળ થવાનું હોય એમ બેચેન છે..”

“ જો વિદ્યા વિધાતાએ દરેકની હથેળીમાં ચિતરામણ કર્યું હોય છે..આપણને એની નાતો સમજ પડે કે ના એમાં ખબર પડે..અને એ અજ્ઞાનમાંજ સુખ છે..સુઈ જા જે થશે તે સારુંજ થશે..”

થોડીવાર બેમાંથી કોઈ નાં બોલ્યું ..

“ કૌછુ..સાંભળો છો..? આ બેબીતો મઝામાં હશે ને ? મનેતો એ છોડીની બહુ ચિંતા થાય છે..

“એની ચિંતા કરવા જેવી નથી વિદ્યા હવે સુઈ જા અને બધું ભગવાનને સોંપી દે…આપણી માના બહુ સમજદાર છોકરી છે..”

આ બંને ઘટનાઓ એજ રાત્રે સમાંતર બનેલી..એક બાજુ માનાનો એના પતિ સાથે સંબંધ વિચ્છેદ અને બીજી બાજુ માનાના મમ્મીનો સંતાપ-વિલાપ અને ચિંતા….એમનું દુસ્વપ્ન ખરેખર એ દિવસે કડવું સત્ય બનીને સામે આવ્યું..

હજુતો સવાર જ પડી હતી, ઘરનાં બધાં સભ્યો નીત્યક્રીયાઓ પતાવીને પોતપોતાનાં કામે વળગવાની તી

તીયારીમાં જ હતાં અને એજ વખતે માનાનો પ્રવેશ થયો અને સૌથી પહેલી નજર એના પર મમ્મીનીજ પડી.

.” અરે માના ! તું આમ અચાનક આટલી વહેલી સવારે ..?? “

“હા મમ્મી… હું થોડા દિવસ રહેવા આવી છું..”

“ પણ આટલી વહેલી સવારે અને એય પાછી આટલી મોટી બેગ લઈને..?”

“ હા મમ્મી આજે વહેલી સવારેજ નક્કી કર્યું અને નીકળી પડી…પણ કેમ મમ્મી હું અહીં રહેવા ના આવી શકું..?”

“આવવાની ક્યાં ના છે બેટા…પણ આતો થોડું જુદું લાગ્યું એટલે કહ્યું…”

“ અરે વિદ્યા ! તું આમ કેમ કહે છે..? શું થયું છે તને હેં..”

“ મને ક્યાં કશું થયું છે..? આ તો ગામમાંને ગામમાં છોડી રહેતી હોય અને સવારના પહોરમાં આમ આવડી મોટી બેગ લઈને આવે તો ચિંતાતો થાયજ ને ..પણ એ તમને નહીં સમજાય… એના માટે તો માં થઈને અવતરવું પડે…”

હવે પપ્પાનો વારો હતો..: “બેટા બધું સારું તો છે ને ..?”

“ હા પપ્પા બધું ઠીક છે..અને એ તો ઠીક કે સારું ના પણ હોય તો ક્યાં કશુંજ આપણા હાથમાં હોય છે..?”

“ બેટા કેમ આવું બધું નિરાશાજનક બોલે છે ?”

“ કશું જ નથી પપ્પા..આ તો બસ..”

“ તું સાચું તો બોલે છે ને બેટા …?”

બસ માનાએ હિમ્મતપૂર્વક રોકી રાખેલી પોતા પરનો સંયમ ખૂટી પડ્યો..ચોધાર આંસુએ રડી પડી..મમ્મીને ફાળ પડી…કૈક  અશુભના એંધાણ મળેલા એ સાચા પૂરવાર થયા…પપ્પાના ખોળામાં માથું મુકીને ક્યાંય સુધી રડતી રહી..મમ્મી-પપ્પા બંને એને સાંત્વન આપતા રહ્યાં…બહુ વારે શાંત થઇ…સહેજ સ્વસ્થ થઇ..એ આખો દિવસ કોઈએ કશુંજ પૂછ્યું નહીં..અને માનાએ પણ કશુંજ કહ્યું નહીં…આખો દિવસ માના ગુમસુમ બેસી રહી….

એ રાત્રે પપ્પા-મમ્મી હિંચકે બેઠાં હતાં અને માનાએ રૂમમાં પ્રવેશ કર્યો..એના હાથમાં એક કાગળ હતો અને એ કાગળ એણે પપ્પાના હાથમાં મૂક્યો..મમ્મીતો આ જોઇને બઘવાઈજ ગઈ અને લગભગ બુમ પાડી ઉઠ્યા

“ શેનો છે એ કાગળ… બેબી..?

“ કશું નથી..વિદ્યા તું શાંતિ રાખીશ..?  મને પહેલા વાંચવા તો દે…”

“હે ભગવાન શું થવા બેઠું છે આ..?” વલોપાત કરવા માંડ્યા..

“ કશું જ નથી થવા બેઠું.. મને પહેલા કાગળ વાંચવા દઈશ..??” પપ્પા સહેજ ગુસ્સે થઇ ગયા.

પપ્પાએ કાગળ વાંચવા માંડ્યો..:

“ આપણે દસ વર્ષ સાથે રહ્યા છતાં આપણું માનસિક સંયોજન ના થઇ શક્યું અને એટલે હવે આપણે છુટા પડીએ એજ શ્રેષ્ઠ વિકલ્પ છે, જે આપણા અને મહર્ષિના હિતમાં છે અને એ વિકલ્પ આપણને બંનેને મંજુર છે કારણ કે આપણે બંને સમાયોજન સાધીને સાથે રહી શકીએ એ સામર્થ્ય ગુમાવી ચૂક્યા છીએ.

આ લખાણ આપણે બંનેએ  રાજીખુશીથી અને સમજણપૂર્વક અને પૂરા હોશોહવાસમાં લખ્યું છે અને જરૂર જણાય તો કોર્ટ રજીસ્ત્રેશન આપણા બંનેમાંથી કોઈ પણ કરાવી શકે છે..”

કાગળમાં નીચે બંનેની સહીં હતી. કાગળની એક કોપી માના પાસે અને એક કોપી એની પાસે હતી..

પપ્પા કાગળ વાંચતાજ અવાક્ થઇ ગયા..કપાળ પર પરસેવો વળી ગયો..ચશ્મામાં ઝાંય વળવા માંડી..શ્વાસની ગતિ બેવડાઈ ગઈ.. આંખો ભીની થઇ આવી.. મમ્મી પણ રડવા લાગ્યાં… કોઈ કોઈને સાંત્વન આપી શકે એ પરિસ્થિતિમાં હતુંજ નહીં.. માના પણ રડતી હતી.. એકલો મહર્ષિ સ્વસ્થ હતો એ પણ આ દ્રશ્ય જોઇને બઘવાઈ ગયો.. માના પાસે જઈને એને વળગી પડ્યો.. અને એના આંસુ લૂછવા માંડ્યો..” મમ્મા તું ના રડીશને.. આપણે પપ્પાની કિટ્ટા કરી દઈશું…”

બધાં શાંત થઇ ગયા…સુનમુન…કોઈ કશુંજ બોલતું નથી.. બધાં પોતપોતાના મન સાથે સંવાદ કરતા હતા કે પોતપોતાની રીતે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા હતાં. ખાસ્સી વાર પછી પપ્પાએ પૂછ્યું : “ કેમ બેટા …કેમ આવું થયું ?”

“ય…શ…!”

“ યશના કારણે..???”

“ હા પપ્પા “

“ તારો સંબંધ છે હજી..””

“ ના બિલકુલ નહીં… પપ્પા…કેટલાય વર્ષોથી સંપર્ક તૂટી ગયો છે.. પણ મારી ભૂલ એ થઇ કે મેં એને લગ્ન પછી મારા યશ સાથેના સંબંધની રજેરજ વાત કરી….”

“ એ તો તારી પ્રામાણીકતા હતી બેટા..”

“ પ્રામાણીક્તાનું હંમેશાં સારુંજ પરિણામ મળે છે એવું નથી..એ પૂરવાર થઇ ગયુંને..?”

“ મને તો ખબરજ હતી કે એ નખ્ખોદ્યો મારી છોડીનો ભવ બગાડશે..” વિદ્યાબેન એકદમ તાડૂક્યા..

“ મમ..મમ્મી …પ્લીઝ “ માનાએ પહેલા રોષમાં અને પછી વિનંતીથી પ્રતિકાર કર્યો..

“ વિદ્યા..! યશ માટે એવું ના બોલ એ સારો માણસ છે..એણેતો  બેબીને બહુ સાચવી છે..બહુ પ્રેમ કર્યો છે.. એ તો વિધાતાની નિષ્ઠુરતા કે બેબીને એ પામી ના શક્યો…”

વિદ્યાબહેન હવે સાવ ચૂપ થઇ ગયાં..

“ બેબી આવું કેમ થયું બેટા ?”

“ પપ્પા અમારી વચ્ચે પ્રેમનું  ઝરણું તો ક્યારનુંયે સુકાઈ ગયું હતું….રહ્યો હતો માત્ર નફરતનો કીચડ…અમારા જીવનમાં એકદમ પલટો આવી ગયો..શરૂઆતના શાંત સુખી જીવનના કમાડની તિરાડમાંથી તોફાની વાયરો સૂસવાટા સાથે ધસી આવ્યો..બધુંજ વેરણ છેરણ થઇ ગયું…બધુંજ લુંટાઈ ગયું..” ખુબ ગમગીન અવાજે માના બોલી.

“ જવાબદાર કોણ બેટા…તું કે એ ..???”

“સમય…, પપ્પા, સમય અને બીજો સંશય “

“યશ જવાબદાર ખરો..?”

“ ના પપ્પા ના..બિલકુલ નહીં, એણે તો કશુંજ કર્યું નથી..એ તો આજેય દૂર ઉભો-ઉભો મને પ્રેમજ કરતો હશે…પણ પપ્પા સત્ય તો એ છે કે એના પ્રત્યેના દ્વેશભાવે જ અમારું બધું લૂંટાઈ ગયું..”

“બસ એ દિવસ પછી ઘરમાં કોઈએ એ વાતનો ઉલ્લેખ ના કર્યો..ખાસ્સા પંદરેક દિવસ વીતી ગયાં”

એક દિવસ વહેલી સવારે માના જાગી ગઈ..પપ્પાને ધીરેથી ઉઠાડ્યા અને બહાર વરંડામાં લઇ આવી..બંને જણ હિંચકે બેઠાં..થોડીવાર બંને સૂનમુન બેસી રહ્યાં..હીંચકાની સાથે મન પણ ઝૂલતું હતું..

“પપ્પા…હું શું કરું..?”

“ કશુંજ નહીં  બેટા.બસ તું તારે અહીં રહે શાંતિથી..અને ભગવાન પર ભરોસો રાખ..”

“પપ્પા મારાથી અહીં નહીં રહેવાય..”

“કેમ બેટા..? કેમ આટલો રુક્ષ જવાબ..? તને કાંઈ અમારા ભાવમાં ખોટ વર્તાઈ..??”

“ ના પપ્પા..પ્લીઝ એવું કશુંજ નથી પણ હું બધા ઉપર બોજ બનીશ..”

“એવું કેમ વિચારે છે બેબી..?”

“ પપ્પા.., હું યશ પાસે ચાલી જાઉ છું..”

“ એ કેવી રીતે શક્ય છે બેટા..??”

“પપ્પા મને યશ પર પૂરો ભરોસો છે..અને હવે હું યશ માટે છેક અંત સુધી લડી લઈશ, હવે હું નમતું  પણ નહીં જોખું અને હાર પણ નહીં માનું..”

“ બે..ટા..”

“મને ચોક્કસ ખબર છે કે યશ મારી રાહ જોતો હશે જ..પપ્પા યશને બધાએ અન્યાય કર્યો છે ..મેં પણ,

હા મેં પણ એને અન્યાય કર્યો છે.”

“તો તું શું કરવા માંગે છે..?”

“ બસ હું યશ સાથે રહીશ કોઈ પણ રીતે. યશ મારો સ્વીકાર કરશેજ, મારો આત્મા કહે છે કે બેબી જા, જા તારું ખરું ઠેકાણું યશ જ છે..”

 “મારું મન નથી માનતું..બેટા..”

“ પપ્પા એને હું એકવાર મળું ..? તમે આવશો મારી સાથે..?”

“ હા..હા,  હું ચોક્કસ આવીશ.. બેટા તારી સાથે..”

બીજા દિવસે માના અને પપ્પા યશના શહેરમાં ગયા..યશને ત્યાં પહોંચ્યા ત્યારે સવારનો સમય હતો. દરવાજો નોક કર્યો અને થોડીવારે દરવાજો ખૂલ્યો..સામે એક જાજરમાન સ્ત્રી ઉભી હતી, આ લોકોને જોઇને એકદમ આશ્ચર્યમાં પડી ગઈ..

“ કોણ…તમે માના ..??”

“ હા હું માના “

પપ્પા સહેજ પાછળ ઉભા હતા.. માનાએ એમના તરફ ઈશારો કરીને કહ્યું “ મારા પપ્પા છે..”

‘નમસ્તે..”

“ નમસ્તે..”

“ યશ છે..?” માનાએ પૂછ્યું..

“ હા..હા છે જ અને તમારી રાહ જુએ છે..”

“ મારી રાહ જુએ છે ..????પ..પ..પણ એને તો ખબરજ નથી કે હું આવવાની છું..”

“ હા એ તમારી રાહ જુએ છે..”

“ પણ કેમ ?”

“ કાયમ મને કહે છે …નીલેશ્વરી મારી માના પાછી આવશેજ ..તારે એને તારી પાસે રાખવી પડશે..”

પપ્પાતો આ બધું સાંભળીને સાવ ઢીલા થઇ ગયા..આંખોમાં આંસુ ધસી આવ્યા.. પાછું નીલેશ્વરીએ બોલવાનું શરુ કર્યું..” જો માના, ચાલો આપણે ઉપર જઈએ..ઉપર અગાશીમાં એ ઉભો હશે અને અપલક રસ્તાને જોતો હશે..રોજ આમજ ઉભો રહે છે અને હતાશ થઇ જાય છે..”નીલેશ્વરી આજે પણ માના ના આવી..” આવીને મને કહેશે.. ચાલો ઉપર પણ ખૂબ ધીમેથી એને સહેજ પણ ખલેલ ના પડે એ રીતે.. યશ અગાશીમાં એમજ ઉભો છે જેવું નીલેશ્વરીએ વર્ણન કર્યું..સફેદ કુર્તા પાયજામા ઉપર બ્રાઉન સ્વેટર પહેરેલું છે અને રસ્તાને તાકી રહ્યો છે..નીલેશ્વરીએ એને બૂમ પાડી.. “ યશ..!”

એ પાછળ ફર્યો અને એજ યથાવત “ ની..લ આજે પણ..મા..ના..!

“ યશ આજે તો માના આવી છે ..જો..”

“ ઓહ માય ગોડ..મા..ના..તું આવી ગઈ મારી પાસે..!!! તું માના આવી ગઈને મારી પાસે..??? માના તું જાણે છે …તને ખબર નહીં હોય …બેબી હું તારી કેટલી બધી રાહ જોતો હતો..?

“ ય…શ “

“ અરે તમે બેસો…હું પાણી લઇ આવું ..” નીલેશ્વરી નીચે ગઈ..પપ્પા એક ખૂણામાં ઉભા હતા અને યશની નજર એમના તરફ ગઈ.. “ અરે પપ્પા પણ આવ્યા છે.. “ યશ એમના તરફ ગયો અને એમના ચરણસ્પર્શ કર્યા અને માનાના ખભે હાથ મૂકી દીધો..

“ પપ્પા મેં માનાની બહુ રાહ જોઈ ..મને વિશ્વાસ હતોજ કે મારી માના મારી પાસે પાછી આવશેજ….અને હેં માના …તું આવી ગઈને મારી પાસે..?”

“…………………..”

“ હા યશ…માના તમારી પાસે આવી ગઈ ..પ…પણ નીલેશ્વરીને દુઃખ નહીં થાય ?

“ ના પપ્પા.. નીલેશ્વરી બહુજ સમજદાર સ્ત્રી છે.. અને એણે આ સંબંધને સ્વીકારેલોજ છે.. “

યશે હાથ ફેલાવી દીધા ..અને માના એના બાહુપાશમાં સમાઈ ગઈ…દૂર ઉભી ઉભી નીલેશ્વરી એની બંને હથેળીઓથી  એનો રડતો ચહેરો  છુપાવવાની કોશિશ કરતી હતી.. પપ્પા પણ બોજ હલકો થતા હર્ષના આંસુ વહાવતા હતા..

                                                  XXXXXXXXX

વિજય ઠક્કર

શબ્દો: 2001

લખ્યા તારીખ: August 7,2015 @ 2.45 PM          

આઈ’મ હીઝ ફાધર……. (વાર્તા)

vijay-thakkar

વિજય ઠક્કર

આઈ’મ હીઝ ફાધર……. 

મીસીસ બાવીસી  દાદર પરથી નીચે આવ્યાં. તેમની પાછળ બે-ત્રણ પ્રોફેસરો પણ ઉતર્યા અને પટાવાળો મનસુખ મેડમની બ્રીફકેસ લઈને આગળ ગાડી પાસે પહોંચી ગયો હતો. ગાડી પોર્ચ પાસે આવીને ઉભી હતી.. ડ્રાયવર ગાડી પાસે જ મેડમની રાહ જોઇને ઉભો હતો..

ડોક્ટર મીસીસ શશીકલા બાવીસી હજુ છ મહિના પહેલાંજ આ કોલેજમાં ટ્રાન્સફર થઈને આવ્યાં છે.અંગ્રેજી લીટરેચરમાં તેમણે પી.એચ.ડી કર્યું છે.. ધારદાર બુદ્ધિપ્રતિભા, સ્પષ્ટવક્તા અને શિસ્તનાં આગ્રહી, કામ કરવાનો  જબ્બર જૂસ્સો અને સબોરડીનેટ્સ પાસેથી કામ કરાવવાની તેમની આવડત અને ત્રેવડ બંને ગજબ.. પ્રભાવજ એવો કે કોલેજનાં રાઉન્ડમાં નીકળે એટલે આખું કેમ્પસ ખાલી થઇ જાય.. અધ્યાપકો કે વિદ્યાર્થીઓ કોઈ આડુંઅવળું ફરતું ના દેખાય.. આ હતું એમના વ્યક્તિત્વનું એક પાસું. એમનાં વ્યક્તિત્વનું બીજું પાસું પણ એવું જ મજબૂત… બિલકુલ ઓછું બોલવું,ધીમા અવાજે બોલવું, અવાજની ટોનલ ક્વોલીટી બેમિસાલ અને પ્રભાવક, ખૂબજ શાંત, સૌમ્ય, જાજરમાન અને  કેરીષ્મેટીક વ્યક્તિત્વ, મધ્યમસરનો બાંધો..પ્રમાણસરની હાઈટ, ઉજળો વાન અને કોઈની પણ દ્રષ્ટિ ચીપકી જાય એવાં ફીચર્સ.  મીસીસ  શશીકલાની ડ્રેસ સેન્સ પણ જબરદસ્ત છે.. તે હમેંશા ડ્રાય કરેલી સિલ્કની અથવા કલકત્તી કોટન કે પછી અવરગંડી પ્રકારનીજ સાડી પહેરતાં, ભાગ્યેજ તેઓ સિન્થેટિક કપડાં પહેરતાં અને સાડી-બ્લાઉઝનું પરફેક્ટ કે કોન્ટ્રાસ્ટ મેચિંગ હોય..ખુબજ ઓછી જૂલરી પહેરતાં. પરફેક્ટલી ટ્રીમ્ડ બોબ્ડ હેર રાખતાં.. કપાળમાં એક નાનકડી બિંદી કરતાં..અને રીમલેસ ગ્લાસીસ પહેરતાં…

શહેરનાં પશ્ચિમ કિનારે આવેલી આ કોલેજ અંગ્રેજ શાસન વેળાએ કોઈક અંગ્રેજ અમલદારે શરુ કરાવેલી અને ખૂબજ પ્રતિષ્ઠા હતી તેની આખા રાજ્યમાં..એ વેળા શહેરમાં જે બે-ત્રણ કોલેજો હતી એમાંની આ શ્રેષ્ઠ કોલેજ હતી.. ખૂબ વિશાળ કેમ્પસમાં પથરાયેલી હતી અને તેની બાંધણી પણ અંગ્રેજી કોઠી પ્રકારની હતી..

મીસીસ બાવીસીનું જાજરમાન અને ઠસ્સાદાર વ્યક્તિત્વ અને આ ભવ્ય પ્રાચીન ઢબની ઈમારત જોઇને કોઈ એવું ચોક્કસ અનુમાન કરેજ કે તેઓ કોઈ રાજ ઘરાનાની સ્ત્રી હશે….

આજે કોલેજમાં અગત્યની મીટીંગ હતી એટલે તેઓ મોડા સુધી રોકાયેલાં.. મીટીંગ પૂરી થઇ.. ઘણાબધાં  નીકળી ગયાં અને થોડાં લોકો રોકાયેલા, જેઓ હવે મેડમ સાથે નીકળ્યા.. આમાનાં કેટલાક પ્રોફેસરોને તેમના માટે આદર હતો તો કેટલાક તેમની અદબ જાળવવા રોકાયેલા તો કેટલાક વળી મેડમની કૃપાદ્રષ્ટિ પામવાની ખેવનાવાળા પણ હતા. મેડમ આગળ ચાલતાં હતાં અને બાકીના બધા એમની પાછળ ચાલતા હતા.

છેલ્લા એકાદ બે વર્ષમાં કોલેજનું વાતાવરણ ઘણું બગડી ગયું હતું.. કોલેજને તેની આગવી પ્રતિષ્ઠાને અનુરૂપ ચલાવવામાં અગાઉના આચાર્ય નિષ્ફળ ગયા અને તેથીજ મીસીસ બાવીસીને તાત્કાલિક અસરથી રાતોરાત બદલીને અહીં લાવવામાં આવેલાં.. ગવર્ન્મેન્ટ કોલેજ હોવાથી એમાં ટ્રાન્સફર થાય એ તો સ્વાભાવિક  ગણાય અને એ જ રાહે એમની ટ્રાન્સફર થઇ અને તેઓ અહીં આવી ગયાં.. હા… કોલેજને એનાં મૂળ રેપ્યુટેશનમાં લાવતા એમને છ એક મહિના લાગ્યા.. બધાંજ દૂષણો અને તમામ અસામાજિકોનો સફાયો થઇ ગયો.. હવે આજે કોલેજની એજ પૂર્વપ્રતિષ્ઠા આવી ગઈ..

રોજ સાંજે મોડે સુધી તેઓ કોલેજમાં રોકાતાં અને વળી આમ પણ એમનો પરિવાર અહીં નથી. કોલેજ તરફથી એમને સુંદર ક્વાર્ટર રહેવા માટે આપવામાં આવ્યું છે.. એમણે એમનાં આગવા અંદાજમાં અને એમનાં ટેસ્ટ અને જરૂરીયાત પ્રમાણે ક્વાર્ટરને  સજાવ્યું છે.. રોજ રાત્રે વોકિંગ માટે નીકળે અને બે-ત્રણ માઈલ જેટલું ચાલીને પાછા આવે..મોડીરાત સુધી વાંચતાં હોય અને એમ કરતાં  ક્યારે ઉંઘ આવી જાય એની ખબર જ ના રહે..

લગભગ સાંજ પડવા આવી છે…દિવસ આથમી ચૂક્યો છે, મેડમ ઓફિસમાંથી નીકળીને તેમની સરકારી ગાડી તરફ પ્રયાણ કરી રહ્યાં છે.. હમેંશા છૂટવાના સમયે ડ્રાયવર ગાડીને પાર્કિંગ લોટમાંથી  પોર્ચમાં  લાવીને ઉભી કરી દે..અને પછી મેડમ ઓફિસમાંથી આવીને સીધા તેમાં બેસી જાય. આજે પણ એમજ બન્યું.. દૂરથી   ડ્રાયવરે મેડમને આવતાં જોયા એટલે તે દરવાજો ખોલીને ઉભો રહી ગયો..મેડમ કારમાં બેઠાં અને દરવાજો બંધ કરતાં કરતાં કહ્યું..: “ ઓ.કે. જેન્ટલમેન ગુડ નાઈટ એન્ડ ટેક કેર… વી શેલ મીટ ટુ મોરો ધેન ….!!”

“યસ મે’મ..ગુડ નાઈટ” એક સાથે ત્રણ-ચાર જણાનો અવાજ આવ્યો..

કારનો દરવાજો બંધ થયો..અને કાર ધીરે ધીરે ચાલવા માંડી..અને એ સાથેજ એમણે ડ્રાયવરને કાર રોકવાની સૂચના આપી..અને તરતજ એમને મૂકવા આવેલા અધ્યાપકો કાર પાસે આવી પહોંચ્યા..

મેડમની નજર એમના બિલ્ડીંગથી દૂર પ્લે-ગ્રાઉન્ડ પાસે એક ઝાડ નીચે બેઠેલા કપલ, યંગ છોકરા- છોકરી

તરફ ગઈ…

“અરે આટલી મોડી સાંજે આ લોકો કોલેજ કેમ્પસમાં શું કરે છે..?” ક્યાં છે સિક્યુરીટી..? જલ્દી લઇ આવો એ બંને જણને અહીં..” એટલું બોલતાં બોલતાં કારમાંથી બહાર આવી ગયા..એકદમ  ધૂઆંપૂઆં થઇ ગયા..અધ્યાપકો પણ વિચારવા લાગ્યા કે મેડમ આવું કેમ કરે છે..? કોલેજ કેમ્પસમાં તો આ બધું બનતું જ હોય.. સિક્યુરીટી નો જવાન એ બન્નેને ત્યાં લઇ આવ્યો..આમતો એ લોકો ખાસ્સા દૂર બેઠા હતા એટલે થોડી વાર પણ લાગી ..પણ તેમ છતાં ત્યાં સુધી મેડમ બિલકુલ મૌન ઉભા રહ્યાં હતા અને જાણે કોઈક વિચારોમાં ખોવાઈ ગયાં..

“ મેડમ આ લોકો આવી ગયા..”

“હં..હા…હા..શું કરો છો અહીં આટલા મોડા ..આટલી સાંજે..?” ગુસ્સામાં લાલચોળ થઇ ગયેલાં. 

“કૈંજ નહિ અમેતો બેઠા હતા.. “

એક પ્રોફેસરને કશીક સૂચના આપી અને એ કારમાં બેસીને રવાના થયાં.. ડ્રાયવરને ઘડીએ ઘડીએ ઝડપથી ચલાવવાની સુચના આપ્યા કરતાં હતાં. એમનું વર્તન સાવજ બદલાઈ ગયું.. એકદમ રેસ્ટલેસ થઇ ગયાં.. ડ્રાયવર પણ એટલું તો સમજી જ શક્યો કે પેલા બે જણાને જોયાં પછી મેડમનું વર્તન બદલાઈ ગયું હતું.. એકદમ અપસેટ થઇ ગયા હતાં અને…કશાક વિચારોમાં ખોવાઈ ગયા હતાં અને એટલેજ તો એમને ઘર આવ્યું તો પણ ખબર જ ના રહી..એમના મનનો કબજો કોઈક અતીતની ઘટનાએ જાણે લઇ લીધો હતો…!!

મીસીસ બાવીસી શાંત પ્રકૃતિનાં પ્રૌઢા અને પ્રગલ્ભ વ્યક્તિત્વ… કોણ જાણે કેમ આટલાં બધાં વિવશ થઇ ગયાં..!!

ઘરે જઈને ક્યાંય સુધી બહાર વરંડામાં આરામ ખુરશીમાં બેસી રહ્યાં..અને એમજ ક્યારે આંખ મળી ગઈ એનીય ખબર ના રહી.. અને બસ જાગૃત અવસ્થામાં ચાલતા વિચારો અજાગૃતીમાં એક ગમતીલો અહેસાસ બનીને ઉમટી આવ્યો..આંખનાં ખૂણા ક્યારેક ભીનાશ અનુભવતાં, એક અવાજ પોકારતો હતો…બે હાથ પહોળા થઈને જાણે એમનાં તરફ આવી રહ્યાં હતાં..એક ખૂબ અનુભવેલા અહેસાસનું પુનરાવર્તન થતું લાગ્યું.. એજ અનુભૂતિ… હૃદયનાં એજ આવેગો.. રૂવાંડાઓનું ઉભા થઇ જવું.. ..એક ખોળામાં એમનું માથું અને કપાળ પરના વાળમાં પરોવાયેલી આંગળીઓનો સ્પર્શ અને ધીમે ધીમે બે હથેળીઓ વચ્ચે પકડાયેલો ચહેરો અને એનાં પર ચુંબનોનો વરસાદ…અને એનાથી થતી ગુંગળામણથી ચહેરો છોડાવવા થતી મથામણ અને છટપટાહટ અને એ સાથેજ નીકળી આવેલી ચીસ…

“ છો..છો..છોડ વિદિશ મને પ્લીઝ શું કરે છે,  આ ..જો..જો.. આ મારો આખો ચહેરો ..કેવો..? આરામખુરશીમાં છટપટાવા માંડ્યાં મીસીસ શશીકલા બાવીસી..!!!

એ સાથેજ ઝબકીને જાગી ગયાં..અને એક ક્ષણતો એમને ખ્યાલ જ ના આવ્યો કે એ ક્યાં છે.. ચારેય  બાજુ નજર ફેરવી લીધી કે કોઈ જોતું તો નથીને… પણ સારું હતું કે ત્યાં કોઈ હતું નહીં.

પચાસ બાવન વર્ષની આ સ્ત્રીમાં જાણે કોઈક નવયૌવનાનો પ્રવેશ થઈ ગયો હતો.. અત્યારેજ જાણે આ ઘટના બની હોય એવું ફિલ કરવાં લાગ્યાં.. ઉભાં થયાં અને વોશબેઝીન પાસે ગયાં અને સામેના મિરરમાં ચહેરો જોયો.. ચાંલ્લો  કપાળમાં એની મૂળ જગ્યાએથી સહેજ ખસી ગયો હતો.. એ તો જોકે એમની જ હથેળીમાં ચહેરો પકડ્યો ત્યારે એમ થયેલું..!

અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જ ૩૦-૩૨ વર્ષની મૂગ્ધ યુવાન શશીકલાનો ચહેરો મિરરમાં દેખાયો અને એના શરીરને વીંટળાયેલા બે હાથ..

“રહેવા દેને વિદિશ તું મને બહુ પજવે છે..પ્લીઝ છોડ મને “

“ શશી..તારી પાસેથી દૂર જવાનું મન જ નથી થતું….તારા બદનની મહેક મને દૂર જવા જ નથી દેતી..”

અચાનક શશીકલા તંદ્રાવસ્થામાંથી જાગૃતિમાં આવ્યા..!!

“ ઓહ માય ગોડ..! .આ શું થાય છે મને, હું તો કાંઈ નાની કીકલી છું..? કેમ આવું થયું અચાનક..? આટલાં બધાં વર્ષો પછી એ કેમ આમ સામે આવ્યો..? હા..! એ મારા જીવનનો એક હિસ્સો છે, હતો…હતો કેમ.? છે જ વળી, આજે જે રીતે એ ભૂતકાળનો ભોરીંગ, સમયનો રાફડો ફાડીને બહાર ધસી આવ્યો એનો અર્થ જ એ ને કે, એ હજુ પણ  મનમાં એનું અસ્તિત્વ જાળવીને બેઠો છે.. કોઈ પણ કારણ વગર આંતરમનના એ ખંડનાં ચુસ્ત ભીંસાયેલા કમાડનું ઓચિંતું ખૂલી જવું, એની પાછળ કોઈ કારણ હશે..?? એની સાથે થયેલા મેળાપની ઘટના અને એનાથી વિખૂટાં પડી જવાની દુર્ઘટના એ અમારી નીયતીજ ને વળી..?  નહીં તો ક્યાં કશુંય

અયોગ્ય હતું.?? જાત જાતનાં વિચારો અને  કેટ કેટલાય પ્રશ્નો એકસામટા ઉમટી આવ્યા…!!

એ સમજાતું ન હતું કે આટલાં બધાં વર્ષો પછી એવું તે શું થયું કે ભુતકાળે વર્તમાનનો કબજો લઇ લીધો..કારણકે તેઓ કેટલાં બધાં વર્ષોથી કોલેજના અધ્યાપન અને પ્રિન્સીપાલની જવાબદારી નિભાવી રહ્યા છે.. કોલેજ કેમ્પસમાં છોકરા-છોકરીઓને આમ એકાંતમાં સાથે બેઠેલા અને પોતાની મસ્તીમાં મસ્ત હોય એવાં તો અનેક પ્રસંગો એમણે જોયાં છે. આજે સાંજે કોલેજ કેમ્પસમાં બે જણ સાથે બેઠેલાં જોવા મળ્યાં એમાં ક્યાં કશુંજ નવું કે અજુગતું હતું….? તો પછી આજે કેમ એ ઘટના મીસીસ શશીકલાનાં મનોમસ્તિષ્ક પર સવાર થઇ ગઈ..!!

આ બધા પ્રશ્નોમાંથી માંડ માંડ છૂટકારો મળ્યો …

બાથરૂમમાં જઈને હોટ વોટરમાં કોલોન એડ કરીને શાવર લીધો..આખો રૂમ કોલોનની સ્મેલથી ભરાઈ ગયો..અને એમને પણ શરીરમાં સ્ફૂર્તિ આવી..તાજગી મહેસુસ થવા લાગી.જમ્યા અને નિત્યક્રમ મુજબ વાંચવા બેસતા હતા ને જ ફોન ની રીંગ વાગી..

“હેલ્લો..!”

“હેલો શશી..કેમ છે તું ?

“મજામાં..તમે કેમ છો માનવ..?”

“આર યુ સ્યોર… તું મજામાં છે..?કેમ અવાજ ઢીલો છે ? કાંઈ થયું છે ..? તબિયત તો ઠીક છે ને ? કોલેજમાં કાંઈ પ્રોબ્લેમ તો નથીને ?”

“ના માનવ એવું કશુંજ નથી.. તમે સવાલો બહુ જ પૂછો છો..તમે ચિંતા નહિ કરો…..માનવ, પ્લીઝ ..ડોન્ટ વરી..”

“ઓ.કે… ધેટ્સ વેરી ગૂડ..શશી સાંભળ જો હું કાલે સાંજે ત્યાં આવુ છુ, મારે થોડું કામ છે એટલે એકાદ દિવસ રોકાઈને પાછો આવી જઈશ ….”

“છોકરાઓ…?”

“એ લોકો અહીંજ રહેશે…જો સિદ્ધાંતને આવવું હશે તો લઇ આવીશ..હું પૂછી જોઇશ”

‘સારું થયું તમે આવો છો, આમ પણ આઈ નીડ યુ હિયર ધીસ ટાઈમ…”બોલતા તો આમ બોલાઈ ગયું પણ એ શબ્દોનો ખટકો તો જરૂર લાગ્યો..

અહીં ટ્રાન્સફર થઇ એટલે એમને એકલાં રહેવું પડતું હતું…એમનો પરિવાર અમદાવાદમાં સેટલ્ડ છે…એમના હસબંડ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છે.. નાનો દીકરો સિધ્ધાંત તેમની સાથેજ બિઝનેસમાં છે.. મોટી દીકરી સ્વર્ણિમ મેડીસીનમાં પોસ્ટ ગ્રેડ્યુએશન કરે છે અને હોસ્ટેલમાં રહે છે..આમ આખો પરિવાર વેરણછેરણ હતો..

ક્યાંય સુધી ફોન પાસે બેસી રહ્યાં, આજે કશુંજ સુજતું નથી…સૂનમૂન બેઠાં હતાં અને બસ વિચારોની ઘટમાળ ચાલ્યાજ કરી..બહુવારે એમાંથી બહાર આવ્યાં અને રૂમમાં આંટો મારીને પાછા આવીને બેડ પર બેસી ગયાં..અને વિચારવા લાગ્યા કે આજે શું થઇ ગયું છે …? વિદીશ સાથેનો સંબંધ  અનાયાસ માનસપટ પર તરી આવ્યો અને આટલા વર્ષે તાજો થયો.. જે ઘટનાઓ નજર સમક્ષ થઇ એ બધી જ જાણે હમણાંજ બની હોય એમ લાગતું હતું.. વિચારોમાં ને વિચારોમાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબરજ ના રહી.. અને મોડી રાત્રે જ્યારે ઝબકીને જાગ્યાં ત્યારે રૂમની લાઈટો ચાલુ હતી.. ઉઠ્યા બાથરૂમ જઈ આવ્યાં અને પાણી પીને પાછા આડા પડ્યા… જોકે ઊંઘ ઉડી ગઈ..ક્યાંય સુધી જાગતાં પડી રહ્યાં.. વિદિશ આજે નજર સામેથી હટતો જ નથી.. અનાયાસ એમનાં મોએથી જોરથી વિદિશના નામની ચીસ પડી ગઈ.. સ્વગત બોલવા માંડ્યાં

“વિદિશ મેં તને અન્યાય કર્યો છે ..હું કબુલ કરું છું કે મેં તારા કોઈ પણ દોષ વગર તને દુઃખી કર્યો છે .. તું તો ..તું..તો મને બહુજ પ્રેમ કરતો હતો..પણ શું કરતી હું વિદિશ ? હું બેવડું જીવતી હતી..ના તો હું તને છોડી શકતી  હતી કે ના તો હું માનવને પામી શકતી  હતી..એ સાચું હતું કે તું મારા જીવનમાં પહેલો આવ્યો હતો અને આપણે બેસુમાર પ્રેમ કરતા હતાં એકબીજાને અને આપણી વચ્ચેનો સંબંધ….” આટલું બોલતાં તો એમનાં ગળે ડૂમો આવી ગયો..ક્યાંય સુધી બોલી ના શક્યાં.. પાછો એક ઊંડો શ્વાસ લઈને ધીમે ધીમે બોલવા માંડ્યાં..” હા વિ..” ક્યારેક શશીકલા એને ફક્ત વિ કહીને જ બોલાવતાં..આજે અનાયાસ એ સંબોધન પણ થઇ આવ્યું.. “ વિ, આપણા સંબંધને કોઈ સામાજિક માન્યતા ન હતી..પણ આપણેતો ક્યાં એવી કોઈ માન્યતાની જરૂર પણ હતી..હેં..??”

આટલી રાત્રે એકલાંએકલાં બોલવું અને આમથી તેમ રૂમમાં આંટા મારવા… સાવ બાલીશ વર્તન લાગતું હતું એક મેચ્યોર્ડ અને ભણેલી ગણેલી પ્રૌઢ સ્ત્રીનું.. પણ અત્યારે ક્યાં કશુંજ એમનાં નિયંત્રણમાં હતું..? બધુંજ અનાયાસ થતું હતું.. આંતરમનમાં જબરદસ્તી દબાવી રાખેલી એ લાગણી આજે બહાર આવી રહી છે.. પણ આમતો એ સારુંજ હતું એમનાં માટે કારણકે એમ કરતાં એ મનનો ઉભરો બહાર ઠાલવી રહ્યાં હતાં.. એ તો બોલ્યેજ જતા હતાં.. એમની સામે એ વિદીશને બેઠેલો જોઈ રહ્યાં હતાં અને બસ એને સંબોધીને જે મનમાં આવતું તે બોલતાં હતાં..

“ વિદિશ, હા..! માનવ તારા પછી મારા જીવનમાં આવ્યો..પણ એ કાયદેસર મારા પતી તરીકે આવ્યો..મારો એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે…” અને એકદમ આવેશમાં આવીને ચિત્કારી ઉઠ્યા.. “ હા વિદિશ એ મારો પતિ છે કાયદેસર પતિ છે અને એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે અમારો..           બોલ  વિ..તારું મારા જીવનમાં શું સ્થાન હતું..હેં..બોલ..! તું નહિ બોલે… હું જ તને કહું છું કે તારું મારા જીવનમાં કોઈજ સ્થાન ન હતું.. મારે માનવને પામવો હોય તો મારે તારાથી છૂટકારો મેળવવોજ પડે..??પણ કેવી રીતે એ શક્ય હતું..? તું તો મારા શ્વાસનાં એકએક ધબકારમાં વ્યાપેલો હતો..વિદિશ મારી છાતીનાં ધબકારમાંથી પહેલો અવાજ જ વિદિશ આવતો.. પછી શું કરતી હું..? બોલ વિદિશ કેવી રીતે હું તારાથી મુક્ત થતી ??? એટલેજ વિદિશ ..હા એટલેજ હું તારાથી દૂર ચાલી ગઈ અને દૂર પણ એવીકે…!!!” આમ બોલતાં બોલતાં તો એમની આંખો મીંચાઈ ગઈ…ઘસઘસાટ ઊંઘી ગયાં… સવારે ખૂબ મોડા ઉઠ્યા ..નિત્યક્રમ પતાવી ઝડપથી કોલેજ પહોંચી ગયાં અને કામમાં લાગી ગયાં.. વચ્ચે એક ક્લાસ એમનો હતો તે પતાવીને હમણાંજ આવીને ઓફીસમાં બેઠાં..પટાવાળા મનસુખને કડક કોફી બનાવવા કહ્યું..સહેજ માથું ભારે લાગતું હતું.. એ કોઈ ફાઈલો જોઈ રહ્યા હતાં અને બીજો પટાવાળો એક ચિઠ્ઠી ટેબલ પર મૂકી ગયો..

“ કોણ છે ભાઈ.. મોકલ જે હોય તેને..” ચિઠ્ઠી વાંચ્યા વગરજ કહ્યું..અને પાછાં એ તો નીચું જોઇને ફાઈલો વાંચવા માંડ્યા ..

 ચેમ્બરનું ડોર ખૂલ્યું અને  એક અવાજ આવ્યો..” મે આઈ કમ ઇન મેડમ ..??”

“ યેસ પ્લીઝ..” અને એમણે ઉંચું જોયું..ચારેય આંખો મળી અને

“ શશી..”

“વી..વીદી..વિદિશ …તું..તું, ક્યાંથી આમ..અહીં..અચાનક..??

“ એક છોકરાને કોઈ છોકરી સાથે ગઈકાલે કેમ્પસમાં બેઠેલાં તમે જોયેલાં અને એના વાલીને બોલાવવાની તમે સુચના આપ હતી ને ? એ છોકરાનો વાલી હું છું.. આઈ’મ હીઝ ફાધર…! શશી..મીસીસ શશીકલા ..!!”

                                                  *********

                                                                               

વિજય ઠક્કર

ગુર્જરિકા

લખ્યા તારીખ: ૦૫/૨૧/૨૦૧૫ @ 1. 15 AM

                                                                     

મત્સ્યવેધ……વિજય ઠક્કર (વાર્તા)

vijay-thakkar

વિજય ઠક્કર

(ગુર્જરિકા)

મત્સ્યવેધ……

નગરથી બહુ દૂર નહિ છતાંય નગરની બહાર એક વૃદ્ધાશ્રમ.
ખૂબ જ રમણીય જગા છે. લગભગ ત્રણેક એકર જગામાં એક આ આશ્રમ છે. ચારે બાજુ
વનરાજીની વચ્ચે આ વૃદ્ધાશ્રમ છે. અહીં બધું જ છે સિવાય કે પોતાનાં લોહીના જણ્યા. કેટલાંય
અશક્ત, હારેલાં, થાકેલાં જીવનનો બોજ પણ વેંઢારી નહીં શકતા વૃદ્ધોનું આ આશ્રય સ્થાન છે.
કેટલાંય લોકોના ચહેરા ઉપરની રેખાઓ તેમના સંતાપની ચાડી ખાય છે. ફરિયાદ દેખાય છે આ
સંસાર માટે. જીવન ગણિતના સરવાળા-બાદબાકી કરતાં જે શેષ વધ્યું એને અહીં બસર કરી
રહ્યા છે. જિંદગીના તાપથી અહીં શાતા પામે છે. જીવનના આભાસોનું ધુમ્મસ ઓઢીને વર્ષો તો
વિતાવી દીધાં પણ એ ધુમ્મસેય ઓગળી ગયું. પોતીકાથી જ છેહ દેવાયેલા વૃધ્ધોનાં શરીર
જીંદગીના ઢસરડા કરીકરીને સુખદુઃખનાં ચાસથી ખરડાઈ ગયાં છે. અંતરમાં બેસુમાર આઘાત છે
છતાંય પોતાના સ્વજનોના કલ્યાણની કામના કરતાંકરતાં આ બાપડા આયખાંના દાડા કાપી
રહ્યાં છે. કોઈ સુખી નથી. કોઈક શરીરથી ત્રસ્ત છે તો કોઈક મનથી ભાંગી પડેલાં. કોઈક
સ્વેચ્છાએ આવ્યાં છે તો કોઈક તરછોડાયેલા. બધાં જ બધું યથાવત્ પૂર્વજીવનમાં છોડીને અહીં
આવી ગયાં છે.
આ બધામાં એક માણસ કંઈક જુદી જ પ્રકૃતિનો છે. અહીં બધા એકબીજાનાં સહારે પોતાની
અવસ્થા પસાર કરી રહ્યાં છે ત્યારે આ માણસ એકાંત શોધે છે. આ પુરુષ સાવ નોખી જ
માટીનો છે…અનોખી અદાનો છે. તદ્દન નિર્ભીક, સ્થિતપ્રજ્ઞ અને સંસારની અધુરપોને પચાવી
બેઠેલો. સંસારથી સાવ પર, માત્ર જ્ઞાન અને ભક્તિના માર્ગે આયખાંને ઊજવી રહ્યો છે. સાવ
એકાકી, શાંત અને સૌમ્ય એવા આ વૃધ્ધે વાણીને તદ્દન વિરામ આપી દીધો છે. મૌન ધારણ કરી
લીધું છે. આ આશ્રમમાં સૌના આદરનું તેઓ એક પાત્ર છે. જીવનનો પોણો સૈકો પસાર કર્યા
પછી અહીં એકલવાયી જિંદગી જીવવાનો જાણે આનંદ આવે છે. કોઈ ફરિયાદ નહિ કે કોઈની
ટીકાટિપ્પણ નહિ… સર્વનો આદર. આશ્રમના નિયમોમાં રહીને પણ એમણે પોતાની આગવી
સ્વતંત્રતા ટકાવી રાખી છે. આશ્રમે દરેક વૃદ્ધને આગવી એક નાની મઢૂલી આપી છે અને એમાં
જરૂરી તમામ સુવિધાઓ છે. બહાર ખૂલ્લી જગા છે. બહાર એક નાનકડી ઓસરી છે જેમાં એક
નાનકડો હીંચકો છે જેના પર હંમેશા આ વૃદ્ધ પુરુષ બેઠેલા દેખાય કે પછી બહાર એમણે નાનો
સુંદર બગીચો બનાવ્યો છે એમાં કશુંક ને કશુંક કરતા હોય. પોતાની મસ્તીમાં મસ્ત. ચહેરા પર
ગજબની શાંતિ દેખાય છે.
નામ છે એમનું વિશ્વજિતભાઈ.
કોઈને અહીં કોઈ જ મળવા આવતું નથી. પૂર્વજીવનનાં તમામ સંબંધો જાણે કપાઈ ગયાં છે.
આશ્રમના કાર્યકર્તાઓના આશરે જીવનનો બાકીનો હિસ્સો પૂરો કરવાનો.
થોડા દિવસ પહેલાં અચાનક એક બપોરે આશ્રમના દરવાજે એક ઓટોરીક્ષા આવી ઊભી. સાઠેક
વર્ષનાં એક સન્નારી એમાંથી ઊતર્યાં. રીક્ષાવાળાને ભાડું ચૂકવી સિક્યુરિટી ગાર્ડ પાસે આવ્યાં.
બોલો બહેન કોનું કામ છે..?”
ભાઈ મારે સંચાલક સાહેબને મળવું છે.
ગાર્ડ એમને અંદર લઈ આવ્યા અને સંચાલકની ઓફીસની બહાર બે લાકડાની ખુરશી પર
બેસવા કહ્યું.
સંચાલક સાહેબ આશ્રમમાં રાઉન્ડમાં ગયા છે. થોડીવારમાં આવશે ત્યાં સુધી આપ અહીં બેસો.
એમ કહી એણે ચાલવા માંડ્યું…પણ હજુ દસબાર ડગલા જ ચાલ્યા હશે અને પાછા આવ્યા.
બહેન તમે બહુ નસીબદાર છો…. જુઓ સામેથી સંચાલક સાહેબ આવે છે. સહેજ દૂર દેખાતા
સંચાલક તરફ એણે આંગળીથી ઇશારો કર્યો.
હા ભાઈ, એ તો આજે મારા નસીબનાં પારખાં થઈ જશે.
સંચાલક ઓફીસ પાસે આવી પહોંચ્યા.
બોલો બહેન… કેમ આવવું થયું…? આપને અહીં દાખલ થવું છે..? આવો ઑફિસમાં બેસીને વાત
કરીએ.
ઑફિસમાં પહોંચીને એક ફોર્મ એમની સામે મૂક્યું… આ અહીં દાખલ થવા માટેનું ફોર્મ
છે….અને હા, કેટલા વર્ષ થયા હશે આપને..? અમે અહીં સાઈઠ વર્ષથી ઉપરના વૃધ્દ્ધોને જ
દાખલ કરીએ છીએ.
મારે દાખલ નથી થવું સાહેબ પણ હું તો કોઈક ને શોધવા આવી છું.
સંચાલક એક ક્ષણ એમની સામે જોઈ રહ્યા….
કોને શોધવા આવ્યા છો..? શું નામ છે એમનું ? પુરુષ છે કે સ્ત્રી..??” સંચાલકે પ્રશ્નોની ઝડી
વરસાવી દીધી.
સાહેબ, વિશ્વજિત ઠાકર છે એમનું નામ
ઓહ, વિશ્વજિત ઠાકર..!!!! એક વિશ્વજિતભાઈ છે તો ખરા અહીં.
શુંઉંઉંઉં…?? છે અહીં વિશ્વજિત…ભા…???”
હા…છે પણ આ તમે શોધો છો એજ વિશ્વજિતભાઈ છે કે કેમ તે જોવું પડે..
જી સાહેબ… આપ મને બતાવી શકો..?”
આગંતુક સ્ત્રી ની ઉત્તેજના વધી રહી હતી… અહીં હોવાની વાત સાંભળતા એ તો બાવરી બની
ગઈ.
મને એવી ભાળ મળેલી કે એ કોઈક વૃધ્ધાશ્રમમાં છે એટલે ઠેરઠેર આશ્રમોમાં એમને શોધી
વળી છું અને આજ સવારથી આ શહેરમાં આવી છું. હે ભગવાન મારી આ ઇચ્છા પૂરી કર….જો
આ એજ હશે તો ખૂબ ઉપકાર માનીશ પ્રભુ તારો.
પણ, હું આપનો પરિચય પૂછવાનું તો ભૂલી જ ગયો…
સાહેબ હું શુભા છું, શુભા રાવ.
આપનો વિશ્વજિતભાઈ સાથેનો સંબંધ..?”
સંબંધ ને …હ..હા..હા.. એ મારા આઈ મીન હું એટલેકે સંબંધને..? એક માણસનો બીજા માણસ
સાથે હોય એ સંબંધ બીજું શું કહું સાહેબ…
સંચાલક એમની અવઢવ અને અસ્પષ્ટતા જોઇને સમજી તો ગયા એટલે વધારે સંકોચમાં ના
મૂકતાં કહ્યું: એક કામ કરીએ એ વૃદ્ધ વ્યક્તિને અહીં બોલાવિયે એના કરતાં ચાલો આપણે જ
એમની પાસે જઈએ. જો આ વિશ્વજિતભાઈ એજ હોય તો આપ એમને ત્યાંજ મળજો.
જી, સાહેબ…આપનો ખૂબ આભાર.. મને ઝડપથી એમની પાસે લઈ જાવ સાહેબ આપનો મારા
ઉપર એક મોટો ઉપકાર થશે. વર્ષોથી હું રઝળુ છું એમની શોધમાં હવે તો હતાશ થઈ ગઈ છું
રઝળપાટ કરીને
હા..ચાલો..અને ચિંતા ના કરો સૌ સારાં વાંનાં થશે…
બંને વિશ્વજિતભાઈની મઢૂલી તરફ જવા નીકળ્યાં… એક સરસ મજાનો વોક વેબનાવેલો હતો.
ચાલતાં ચાલતાં સંચાલકે આશ્રમની માહિતી આપી. ચારે બાજુ એકદમ હરિયાળી અને સુંદર
મજાનું લેન્ડસ્કેપીંગ કરેલું છે.. યુનિફોર્મ પૅટર્નનાં નાનાં હટટાઈપ લગભગ ૨૦૦ જેટલાં યુનિટ
છે અને બધાં એકબીજાથી વીસ-પચીસ ફૂટના અંતરે…. તમામ સુવિધાઓથી સજ્જ અને એમાં
તાત્કાલિક સારવારની તમામ સુવિધાઓ મોજૂદ છે. નૈસર્ગિક વાતાવરણવાળો આ અત્યંત
આધુનિક વૃધ્ધાશ્રમ છે અને હાલમાં અહીં ૧૨૫ જેટલા વૃધ્ધો એમની પાછલી અવસ્થા નિરાંતે
અને નિશ્ચિંતપણે વિતાવી રહ્યાં છે. બસ આ જ અમારો પરિવાર છે.
સાહેબ, હું તો ખૂબ પ્રભાવિત થઈ ગઈ આપનો આ આશ્રમ જોઈ ને.
આ વિશ્વજિતભાઈ ગજબ વ્યક્તિત્વ છે હોં. જો આ એજ વિશ્વજિતભાઈ હશે કે જેમને આપ
શોધો છો તો મારે તમને અને કદાચ એ ના પણ હોય તો એમનું વ્યક્તિત્વ જ કોમ્પ્લીમેન્ટ્સ
આપવા લાયક છે….
કેમ.. ??”
તદ્દન શાંત અને સૌમ્ય અને પોતાના જ આનંદમાં મસ્ત… વાંચન, લેખન, ઈશ્વરસ્મરણ અને
એમનો નાનકડો બગીચો બસ એ જ એમનો નિત્યક્રમ. કોઈની સાથે વાતચીત નહિ કે કોઈ
માગણી નહિ… જે મળે તેમાં સંતોષ… દસેક વર્ષથી અહીં રહે છે પણ આટલા સમયમાં વધુમાં
વધુ એ સો વાક્યો બોલ્યા હશે. જરૂરથી વધારે એક શબ્દ પણ બોલતા નથી.
પાંચસો એક ફૂટ દૂર પહોંચ્યા હશે અને સંચાલકની નજર એમની મઢૂલી તરફ પડી અને એ જ
સમયે વિશ્વજિતભાઈ અંદરથી બહાર ઓશરીમાં આવ્યા.
અરે જુઓ સામે પેલા વૃદ્ધ પુરુષ લેંઘો અને સદરો પહેરેલા દેખાય છે ને એ જ વિશ્વજીતભાઈ
છે.
શુભાએ સહેજ ધારીને જોયું અને તરત જ ચિત્કારી ઊઠી ..અરે સાહેબ આ જ તો છે એ
વિશ્વજિત….ભા
એક ક્ષણ તો એ ત્યાં ખોડાઈ જ ગઈ. બંને થોભી ગયાં… એકસાથે કેટકેટલાં વિચારો આવી
ગયાં…પુર ઊમટી આવ્યું આંખોમાં…. કંપ પ્રસરી ગયો આખા બદનમાં…..હલબલી ગઈ શુભા.
ચાલો આપણે એમની પાસે જ જઈએ…થોડી ક્ષણો પછી સંચાલકે કહ્યું.
સાહેબ, જો આપને વાંધો ના હોય તો હું એકલી જાઉં એમને મળવા માટે… મારે એમને
સરપ્રાઇઝ આપવું છે.
એક ક્ષણ વિચાર કરીને સંચાલકે મંજૂરી આપી… શુભા મઢૂલી તરફ આગળ વધી.
ઓફીસ તરફ જતા સંચાલક મનમાં ને મનમાં હસતા હતા અને વિચારતા હતા કે જુવાન છોકરા
છોકરીઓને તો પ્રેમ કરતાં બહુ જોયા પણ આ તો ડોસા-ડોસી…!!!
શુભા એકી નજરે એમના તરફ જોઈ રહી હતી અને થોડુંક થોભતી, પાછી ડગ માંડતી.. એનું
મન અને હૃદય બમણા વેગથી ચાલતાં હતાં પણ પગ ત્યાં ખોડાઈ જ ગયાં છે…. વિચારોનું
ઝુંડ ફરી વળ્યું મનમાં. વિશ્વજિત તમારી જિંદગીમાં ફરી એકવાર હું આશ્ચર્ય બનીને આવી છું….
હજુ આજે ય એવોને એવો જ આકર્ષક લાગે છે આ પુરુષ…ઉમરને લીધે વાળ સફેદ થઈ ગયા
છે.. ઉભા રહેવાની પણ એ જ સ્ટાઇલ, એકદમ ટટ્ટાર…પણ એણે સફેદ કપડાં કેમ પહેર્યા હશે…!!
એતો હંમેશા ડાર્ક કલર્સ પહેરતો. એજ પહોળો સીનો…અને એના આ પહોળા સીનામાં સમાઈ
જવા તો હું કેટલી બેતાબ હતી..? એની લાગણીના ઘોડાપૂરમાં હું તો એવી તણાઈ કે એને સંગ
જીવવાનાં કંઈકેટલાં ઓરતા મનમાં ને મનમાં જ ઘડી કાઢ્યા હતાં… પણ નિયતિને એ ક્યાં
મંજૂર હતું ..? હું તો ફંટાઈ ગઈ એ ઘોડાપૂરમાંથી. શરીર ઊતરી ગયું છે એનું… કોણ જાણે એની
જિંદગીમાં પણ મારી જેમ કેવાકેવા ઉતાર ચડાવ આવ્યા હશે…? સમયનો ખારોપાટ તો
ભલભલાની જિંદગી બંજર બનાવી દે છે. મારો વિશ્વજિત તો ટોળાનો માણસ અને આજે આમ
સાવ એકાકી…!! આજે મને ઓળખશે….?? અરે…! મને, આ એની શુભને, એના જીવનના એક
હિસ્સાને ના ઓળખે..?? પણ હું જે સંકલ્પ કરીને આવી છું એ પૂરો થશે..?? અરે ગાંડી કેમ તું
મનમાં વિકલ્પ ઉભા કરે છે…?” એમ પોતાના જ મન સાથે સંવાદ કરતી અને સંઘર્ષ કરતી છેક
નજીક જઈ પહોંચી…
ઓશરીમાં હીંચકા ઉપર બેઠેલા વિશ્વજિતની પૂંઠ પાછળ ઊભી રહી અને ટહુકો કર્યો..
વિશ્વજિત…. એ વિશ્વજિત
અરે આ કોણ બોલાવે છે મને ? કેમ ભણકારા વાગે છે મને..?? આ અવાજ તો બહુ જાણીતો…!!
આ તો મારી શુભાનો અવાજ…! શુભા..?”
સામે આવી ને ઊભી ગઈ એમની બરોબર સામે….હા વિશ્વજિત હું શુભા છું… તમારી શુભ…
ઓળખી ગયા મને..??”
અરે ગાંડી, મારા હ્રદયના ટુકડાને હું ના ઓળખું..?? પણ શુભ તું અહીં ક્યાંથી..? આમ અચાનક
? મારી શુભ…મારે તને જોવી છે…અરે ક્યાં ગયા મારા ચશ્મા..? શુભ, આવ અંદર આવ…
હાથ પકડીને એને અંદર લઈ ગયા… અને ચશ્મા શોધ્યા… સદરાની કોરથી ચશ્માના કાચ સાફ
કર્યા….અને પહેરી લીધા.. એના ગાલ પર હાથ ફેરવતા જ એક ડૂસકું નીકળી ગયું… શુભ,
તારો ચહેરો અને આ તારી આંખો…શુભ, તું તો એવીને એવી જ છો…તું તો જતી જ રહી, પાછું
વાળીને જોયું પણ નહિ….? હું તો તારી રાહ જોતો આવી ઊભી ગયો આ એકલતાના વિરાન
ટાપુ પર તારી તરસ લઈને…ચારેકોર નજર નાંખી પણ બધે જ મૃગજળ….
વિશ્વ, કેમ છો તમે..?
સારો છું… હવે શું સારું ને શું ખરાબ આ ઉંમરે….તારા આગમનની રાહ જોવામાં વર્ષો કાઢી
નાખ્યાં…પણ મારી શ્રદ્ધા પૂર્ણ થઈ…
૩૫ વર્ષે હું તમારા જીવનમાં પાછી આવી છું વિશ્વ ! તમારી ગુનેગાર છું હું, મારે એ દોષમાંથી
મુક્ત થવું છે એનું પ્રાયશ્ચિત કરવું છે….મારે તમને પામવા છે વિશ્વ….થાકી ગઈ છું
એકાકીપણાના ભારથી…જીવનનો એ ખાલીપો મારે ભરી દેવો છે વિશ્વજિત….હું મૃગજળ નથી
વિશ્વજિત…હું પણ ભટકી છું…વિશ્વજિત હું તો ખારા પાણીની પ્યાસી મીન. હું તમને લેવા આવી
છું, ચાલો મારી સાથે. આપણે હવે બાકીનું જીવન સાથે પૂરું કરીએ
અરે પગલી, તું મને ક્યાં લઈ જશે હેં..? હું તારા માથે બોજ બનીશ આ ઉંમરે હવે….અને તારા
ઘરનાં બધાં…??
તમારો બોજ ઊંચકવા જેટલા મારા ખભા સક્ષમ છે વિશ્વજિત. બધાં જ છે અને બધું જ છે
પણ હું હવે ત્યાં નથી….મને એ બાબત કશું જ ના પૂછશો પ્લીઝ, લાશ માત્ર સ્મશાન કે
કબ્રસ્તાનમાં જ હોય એવું નથી. હું તો જીવતી લાશો સાથે જીવી છું…
બહુ દુઃખી થઈ તું શુભ..?”
મેં તો તમને કહ્યું જ હતું કે હું તમારા સિવાય ક્યાંય સુખી નહિ રહી શકું પણ તમે તો જીદ
લઈને બેઠાં હતા…અને મને પરણવા મજબૂર કરી…એ સાચું કે તમે પણ બંધાયેલા હતા
પણ…..આપણી નિયતિ બીજું શું..?”
થોડી નિઃશબ્દ ક્ષણો પછી શુભાએ કહ્યું: વિશ્વ, તમે તૈયારી કરો..હું સંચાલક પાસે જઈને બધી
ફોર્માલીટી પતાવી આવું છું આપણે આજે જ અહીંથી નીકળી જઈએ.શુભા સંચાલક પાસે જવા
નીકળી.
ખૂબ ખુશ થયા વિશ્વજિત અને સ્વગત જ બોલતા હતા: શુભ, મારી શુભ…!! હું તો જાણતો જ
હતો કે તું આવીશ…તારે આવવું જ પડશે, પણ બહુ રાહ જોવડાવી તેં મારી વહાલી.થોડી ક્ષણો
મૌન રહ્યા અને પલંગ પર બેસી ગયા…વિચારવા લાગ્યા:
શું કરું હું…? મને તો કશું સમજાતું નથી.. આ મારી શુભ મને ક્યાં લઈ જશે..? એની જીદ છે તો
મારે જવું તો પડશે જ નહિ તો મારી શુભ દુઃખી થશે…પ..પણ મને કેમ આમ બધું ફરતું દેખાય
છે..? શુભાનું આગમન તો અવસર હોય ને પણ આજે મને કેમ બધું શુષ્ક લાગે છે ? ક્યાં ગયો
એ રોમાંચનો સમુદ્ર..? સુકાઈને રણ થઈ ગયો..? શુભા તું તો મારો પ્રેમ છે..મારા અંતરના
થીજેલા દરિયામાં માછલી બનીને સૂઈ ગઈ છું…આજે આ મત્સ્યવેધની ક્ષણે શું એ દરિયો સુકાઈ
ગયો..? હે ભગવાન મારી શુભાને શાંતિ આપ જે….પણ કેમ અચાનક મને આમ થાક લાગવા
માંડ્યો…?? આ પરસેવો કેમ વળે છે..? લાવ એ પાછી આવે ત્યાં સુધી આડો પડું.
ખાસો એકાદ કલાક વીતી ગયો. બધી ફોર્માલીટી પતાવી દીધી અને દોડતા પગે પાછી આવી
ગઈ… દીવાલ તરફ પડખું ફરીને સૂતેલા વિશ્વજિતને જોઇને બોલી: કેમ સૂઈ ગયા વિશ્વજિત ?
તમને આનંદ નથી થતો..? મને તો એમ કે તમે તૈયારી કરતા હશો.. થાક લાગ્યો છે…? સારું
આરામ કરી લો થોડીવાર ત્યાં સુધી હું મને સમજાય તે આટોપવા માડું આપણને સાંજ સુધીમાં
અહીંથી છુટ્ટી મળી જશે.કામ કરતાં કરતાંય એ તો બોલ્યા જ કરતી હતી. એની ખુશીનો પાર
ન હતો. આ સંચાલકે તો મને મૂંઝવી જ નાખી વિશ્વજિત..મને કહે શું થાય તમારા
વિશ્વજિત..? મને તો થયું કે કહી દઉં કે મારું સર્વસ્વ છે મારા વિશ્વજિત પણ જીભ અટકાવી
દીધી. મેં એમને બૉન્ડ લખી આપ્યું છે કે હવે પછીના વિશ્વજિતના જીવનની તમામ જવાબદારી
મારી છે. એક કામ કરો તમે આ બાજુ ફરી જાવ અને ત્યાંથી સૂતાસૂતા જ મને બધું બતાવો
અને હું બધું પેક કરવા માડું….. કેમ તમે કશું બોલ્યા નહીં…વિશ્વજિત… વિશ્વ…વિશ્વજિત…એમ
કરતાં એમને ઢંઢોળ્યા અને એ સાથે જ એ નિશ્ચેતન શરીર ઢળી પડ્યું….. માત્ર રહી ગયો એક
હવાનો ગુબ્બાર…..ચિત્કાર નીકળી ગયો શુભાથી… વિશ્વજિત…વિશ્વ..જીત શું થયું તમને..? ના
વિશ્વજિત ના…
ચોધાર આંસુએ રોવા માંડી….અફાટ રુદન સાથે બોલતી જ રહી…. આજે પણ તમે મને એકલી
મૂકી દીધી.. મને હાથતાળી આપીને…વિશ્વ કે.. કેમ વિશ્વજિત કેમ ???? કેમ મારી સાથે તમે
આમ સંતાકૂકડીની રમત માંડી છે વિશ્વ..?? શું વાંક છે મારો વિશ્વજિત શું વાંક છે..? મારે તો
પારિજાતનો સુગંધભર્યો દરિયો થઈને તમને વીંટળાવું હતું… મારે તો મેઘધનુષ્ય થઈને તમારા
ઘરને સજાવવું હતું…મારે તો સતત ટહુકીને મધુર ધ્વનિથી તમારા જીવનને સતત ભરી દેવું
હતું..ડૂસકાં રોકાવવાનું નામ જ નથી લેતાં. પાગલ જેવી થઈ ગયેલી શુભા બોલ્યે જ જતી
હતી. કેમ મારી સાથેજ આવું કેમ..કેમ..?? વિશ્વજિત આપણો પ્રેમ થીજેલાં જળમાં મીન બનીને
સૂઈ ગયો..? ના થયો મત્સ્યવેધ…..ના થયો..મત્સ્ય……વેધ…
 
*************

વિજય ઠક્કર

શબ્દો: 2150

લખ્યા તારીખ: September 15,2019 @ 05.20 PM

દેહ રથ – વિજય ઠક્કર

ભડભડ બળેલા કૃષ્ણના રથને તપાસીએ…….

Image result for burning arjun rath

“વાહન બનેલા દેહની કેવી દશા થશે ?

ભડભડ બળેલા કૃષ્ણના રથને તપાસીએ “

– ચિનુ મોદી… ઇર્શાદ

ગુજરાતના ખૂબ પ્રચલિત અને અગ્રેસર કવિ ગઝલકાર શ્રી ચિનુ મોદીની બે પંક્તિની વાત કરવી છે ઉપરોક્ત શીર્ષક પંક્તિ મારી ખૂબ

ગમતી અને જીવનના સત્યને ઉજાગર કરતી પંક્તિ છે. મનુષ્ય દેહમાંથી શબ બનેલા જીવનરથને કેમ બાળવામાં આવે છે એ સમજવા તો કૃષ્ણરથની કથા જ તપાસવી પડે.

મહાભારતની એ કથા ક્યાં કોઈથી અજાણી છે કે જેમાં ૧૮ દિવસના ભીષણ મહાયુદ્ધ પછી લાશોના ઢેર અને રક્તરંજિત કુરુભુમી કેવી બિહામણી લાગે છે..? કુરુક્ષેત્રનું યુદ્ધ સમાપ્ત થયું અને સારથી શ્રીકૃષ્ણ, કૃષ્ણરથને યુદ્ધભૂમિથી દૂર હંકારી ગયા અને અર્જુનને કહ્યું..” પાર્થ રથમાંથી નીચે ઊતર..” અર્જુન હિચકિચાટ અનુભવે છે.. એને સંશય થાય છે કે કેમ આજે કેશવ રથને આટલે દૂર લઈ આવ્યા. યુદ્ધના અઢાર દિવસ સુધી ક્યારેય કૃષ્ણએ મને રથમાંથી પહેલા ઊતરવાનું કહ્યું નથી અને શિષ્ટાચાર અને નીતિશાસ્ત્ર તો એવું કહે છે કે સારથીએ રથમાંથી એના અસવારથી પહેલા ઊતરવાનું હોય. યુધ્ધભૂમી પર જે દિવસથી શ્રીકૃષ્ણએ અર્જુનના સારથી બનવાનું સ્વીકાર્યું ત્યારથી યોગેશ્વર નીતિશાસ્ત્રના એ સીધ્ધાંત પ્રમાણે જ વર્ત્યા હતા તો આજે એથી વિપરીત વ્યવહાર કેમ???

જોકે અર્જુનના મન અને હ્રદયમાં એક વાત પણ એટલી જ સુનિશ્ચિત હતી કે શ્રી કૃષ્ણના વચન ક્યારેય નિરર્થક ના હોય છતાં એક ક્ષણ માટેય અર્જુનને થયેલી વિમાસણ શ્રીહરિ પામી જાય છે. મધુસૂદન અર્જુનના સંશયનું સમાધાન કરવાને બદલે એને ગાંડીવ અને બાણોનું ભાથું લઈને ખૂબ ઝડપથી રથમાંથી નીચે ઊતરવા કહે છે. પાર્થ નીચે ઊતરે છે અને પછીની કથા જાણીતી છે. કર્ણના અસ્ત્રશસ્ત્રના પ્રહારથી એ રથતો ક્યારનોય ભસ્મીભૂત થઈ ગયેલો પરંતુ શ્રી કૃષ્ણએ એમની માયાવી શક્તિથી યુદ્ધના અંત સુધી એને સહી સલામત રાખ્યો….અને અંતે અર્જુનને નીચે ઉતારી કેશવ રથની નીચે ઊતર્યા અને એ સાથેજ રથ ભડભડ સળગી ઊઠે છે.

કુરુક્ષેત્રના આ ભીષણ યુદ્ધમાં બંને પક્ષે વિશ્વશ્રેષ્ઠ યોદ્ધાઓ હતા. પાંડવ પક્ષે બધો જ મદાર અર્જુન પર હતો અને વળી એ જ તો યુદ્ધનો અગ્રયોધ્ધો હતો. પ્રતિપક્ષ કૌરવસેનાના તમામ મુખ્ય લડવૈયાઓ ના નિશાન પર અર્જુન હતો અને એટલે જ સૌથી વધુ પ્રહાર અર્જુન ભણી થયાં હતાં. નારાયણ આ સઘળું જાણતાજ હોય ને! દુશ્મનોના દુશ્પ્રહારોને એટલે જ તો કેશવે એમના તાપથી રોકી રાખ્યા હતાં પણ જેવા શ્રીહરિ રથમાંથી ઊતર્યા એ સાથેજ શ્રીહરીરુપી કવચમાંથી રથ મુક્ત થાય છે અને એ તમામ અસ્ત્રશસ્ત્ર બળીયા બની જાય છે, એમનો દુષ્પ્રભાવ વધી જાય છે….રથ ભસ્મીભૂત થઈ જાય છે.

મહાભારતના યુદ્ધના અર્જુનના વાહન-રથની વાત તો જાણીતી પણ છે અને મેં ઉપર એનો ઉલ્લેખ પણ કર્યો. ગુજરાતી સાહિત્યની ઉપરોક્ત શીર્ષક પંક્તિની પરિકલ્પના આ જ કથાતત્વને કેન્દ્રમાં રાખીને કેવી સરસ રીતે કરી છે. મનુષ્ય આખો જન્મારો પોતાના દેહને વાહન ગણીનેજ તો ઉપયોગમાં લે છે ને.! આ વાહન એટલેકે આપણું શરીર અને આ શરીરરૂપી રથમાં જ્યાં સુધી કૃષ્ણ રૂપી સારથી એટલેકે આત્મતત્વ બિરાજે છે એનું સુરક્ષા કવચ છે ત્યાં સુધી એ આ દેહરૂપી વાહન-રથ સુરક્ષિત છે અને ત્યાં સુધીજ એની કિંમત છે, એનું વજૂદ છે. જીવનું સત જતાંજ ચેતનવંતો દેહ શબ બની જાય છે, જેવું આત્મતત્વ-શ્રીહરિ આ રથમાંથી હેઠા ઊતર્યા …વિદાય થયા કે પછી આ દેહમાંથી ચેતના ચાલી જાય છે અને એ નિશ્ચેતન દેહ શબ બની જાય છે. પૂર્વાપર તમામ અવલંબનમાંથી મુક્ત બનેલા એ દેહને ચિતામાં આરૂઢ કરી અગ્નિદાહ દેવામાં આવે છે.

ભડભડ બળતું એ શબ એ મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ સાથે પ્રતીકાત્મક રીતે પ્રયોજાયું છે.


vijay-thakkar

વિજય ઠક્કર

શબ્દો: 557

લખ્યા તારીખ: September 17,2019

કર્ણનો હું રથ બની ઝૂકી ગયો… વિજય ઠક્કર

vijay-thakkar

 વિજય ઠક્કર-

“ગુર્જરિકા”

https://gurjarica.wordpress.com

 

કર્ણનો હું રથ બની ઝૂકી ગયો…….

 

સામેનો રથ વાતથી અણજાણ પણ નથી;
કે મારી  પાસે એક્કે ધનુષબાણ  પણ  નથી.

                                       મુકુલ ચોકસી

મહાભારતનું યુદ્ધ અનેક દાવપેચ અને છળકપટથી લડાયું છે. પાંડવોની પ્રામાણિકતા અને કૌરવોનાં કાળા કરતૂતો વચ્ચેનું આ યુદ્ધ હતું. વિશેષતા એ હતી કે દુષ્ટના પક્ષે આચાર્ય દ્રોણ અને પિતામહ ભીષ્મ જેવા જ્ઞાની વિશ્વશ્રેષ્ઠ યોદ્ધાઓ અને આદરના અધિકારી સત્પુરુષો હતા તો પ્રતિપક્ષે એકમાત્ર સ્વયં ભગવાન અને ભગવાનના નિતાંત ભક્તો હતાં.

જો કે મારે મહાભારતના યુદ્ધ વિષે કે એના દાવપેચ વિષે વાત કરવાનો આશય નથી જ.

મારું કુતૂહલ તો મહાભારતનાં યુદ્ધમાં જે બે રથનું પ્રયોજન થયું હતું એ વિષય સંદર્ભે છે. આપ જાણો જ છો ને કે હું કયા કયા બે રથને હું ઉલ્લેખી રહ્યો છું. હા જી, એક કર્ણ નો રથ અને બીજો અર્જુન નો રથ.

બંને રથની પોતપોતાની કથાઓ છે.

દાનેશ્વર કર્ણ જ્યાં સુધી યુધ્ધભૂમી પર હશે ત્યાં સુધી યુદ્ધ જીતાવાની કોઈ શક્યતા નહિ હોવાનું સ્વયમ યોગેશ્વર અને અર્જુનતાત દેવરાજ ઇન્દ્ર જાણતા હતા અને એટલે જ  અનંતસ્વરૂપે રચેલા અનેક તરકટોમાનું એક તરકટ તે ઇન્દ્રરાજને વિપ્રવેષે કર્ણ પાસે મોકલી એના કવચકુંડળ મેળવી લેવા. કર્ણને એના પિતા સૂર્યનારાયણે સ્વપ્નમાં આવી ઇન્દ્રરાજનાં આગમનની આગોતરી જાણ કરી હતી અને સૂતપુત્ર કર્ણ યાચક બ્રાહ્મણ વેષે આવેલા ઇન્દ્રદેવને ઓળખી લે છે છતાં બેઝીઝક કવચકુંડળ શરીર પરથી ઉતરડીને આપી દે છે. ઇન્દ્રરાજ પોતાના આ છળથી અને કર્ણના ઔદાર્યથી વિમાસણમાં મુકાયા. કર્ણને અનેક વિનંતી કરીને કવચ કુંડળનાં બદલામાં અમોઘ શક્તિ આપીને પરત ફરે છે. ઇન્દ્ર દેવને ખબર હતી કે એ શક્તિ એમના જ  પુત્ર અર્જુન પર પ્રયોજાવાની છે તેમ છતાં એ આપી દે છે.

જ્યારે યુદ્ધમાં નિર્ણાયક ઘડી આવી ત્યારે કર્ણના રથને યુદ્ધભૂમિ ગળવા માંડે છે અને કર્ણનો સારથી શલ્ય અનાડીવેડા કરવા માંડે છે. રથનું પૈડું બહાર કાઢવાનો શૈલ્ય ઇનકાર કરે છે એટલે છેવટે કર્ણ પોતે રથમાંથી નીચે ઊતરી સરખું કરે છે ત્યાં ફરી પૈડું ખાંગુ થયું અને ફરી કર્ણ એની ઠીક કરવા પૈડું હાથમાં લે છે. બસ આજ તકની તો રાહ જોતા હતા શ્રી કૃષ્ણ. અર્જુનને આદેશ કરે છે કે “હવે કોઈ જ વિચાર કર્યા વગર કર્ણ ઉપર તૂટી પડ અને એક ક્ષણ પણ ગુમાવતો નહિ.” પૈડાને હાથ દેતાદેતા કર્ણ બોલ્યો” અરે અર્જુન જરા સબૂર કર હું મારું પૈડું કાઢું ત્યાં સુધી ધીરજ ધર. હું રથમાંથી બહાર યુદ્ધભૂમિની વચ્ચે રથનું સમારકામ કરું છું અને તું રથની અંદર બેઠોબેઠો બાણવર્ષા કરે છે….?? આ યુદ્ધ એ ધર્મયુદ્ધ નથી અર્જુન ..?તું અધર્મ આચરી રહ્યો છે.”

એનો જવાબ કૃષ્ણ આપે છે..” કર્ણ ધર્મયુદ્ધની તારી સુફિયાણી વાતો જ તારા મોંએ હાસ્યાસ્પદ લાગે છે કારણ તેં તારા આ જન્મારામાં ક્યારેય ધર્મ પાળ્યો છે ખરો..? પાંડવોને લાક્ષ્યાગૃહમાં સળગાવી દેવાની સલાહ તેંજ આપી હતીને કર્ણ..? બેબસ દ્રૌપદીને કૌરવસભામાં તાણી લાવીને અપમાનજનક ઉચ્ચારણો કરવાવાળો તુંજ હતો ને કર્ણ? પાંડવોને વનવાસ દરમ્યાન યુક્તિપ્રયુક્તિથી પરેશાન કરવાના કીમિયા બતાવતી વખતે તારો ધર્મ ક્યાં હતો કર્ણ..? એકદમ કોમળ ફૂલ જેવા એક લબરમુછીયા અભિમન્યુને હણવા છ છ મહારથીઓ એના પર તૂટી પડ્યા હતા અને ત્યારે ખેલાયેલા એ પ્રપંચમાં તને અધર્મ દેખાતો ન હતો..? ભૂલી જ કારણ એ બધી ધર્મની વાતો તને શોભા નથી આપતી….

અર્જુન, વધ કર….. અર્જુન કર્ણનો વધ કર..”

અર્જુનના બાણ એક પછી એક આવ્યે જ જતાં હતાં.

રથ સહેજ ઠીક કરીને કર્ણ રથ પર અસવાર થયો અને નિત્ય જેની પૂજા કરતો હતો એવું ભગવાન પરશુરામનું બ્રહ્માસ્ત્ર તેણે કાઢ્યું અને જેવું એની પણછ પર ચડાવે છે… પણ આ શું…?? બ્રહ્માસ્ત્રને પ્રયોજવાની વિદ્યા જ સરી પડી… અને એટલામાંજ ફરી રથનું પૈડું નીકળી ગયું…કર્ણ એકલું બ્રહ્માસ્ત્ર લઈને નીચે ઊતરે છે અને એક હાથમાં પૈડું અને બીજા હાથમાં બ્રહ્માસ્ત્ર… પણ બીજી બાજુ કૃષ્ણ આ ઘડી ચૂકવા માંગતા નથી… આખરી આદેશ કરે છે અર્જુનને “અર્જુન કર્ણનો વધ કર..”

કર્ણ વીંધાઈ ગયો…આંખે અંધારાં આવવા માંડ્યા…

એ વીર યોદ્ધો મહારથી કર્ણ ભગવાન શ્રી કૃષ્ણ ને દૂરથી વંદન કરે છે “ હે યોગેશ્વર મને આપના શરણમાં લઈ લો… કહો આ વીર અર્જુનને કે એના બાણથી મારું મૃત્યુ પાવન કરે… કારણ અર્જુનના હાથનું મોત તો કોઈક વીરને જ પ્રાપ્ત થાય…..

કર્ણના એક હાથમાં પૈડું અને બીજા હાથમાં પરશુરામનું આપેલું નિરર્થક ખાલી બ્રહ્માસ્ત્ર…! સૂતપુત્ર રાધેય, મહાયોધ્ધો, એકવચની, દુર્યોધનનો પરમ મિત્ર કર્ણ કુરુક્ષેત્રની એ વીરભૂમિ પર ચત્તોપાટ પડ્યો….. આકાશ સામે જાણે એના પિતા ભગવાન સૂર્યનારાયણને વિનંતી કરતો હતો કે “ મને આપની બાહોમાં સમાવી લો…”

સૂર્યનારાયણ પણ પોતાના પુત્રની વીરગતિથી ખિન્ન થઈ ગયા અને તરત જ એમણે પૃથ્વી પર અંધકાર ફેલાવી દીધો…

(ક્રમશ:)

આભાર: કવિ શ્રી હેમંત ગોહિલ “મર્મર”  ( શીર્ષક પંક્તિ )

આભાર: કવિ શ્રી મુકુલ ચોકસી

                                          XXXXXXXXXXX

 

વિજય ઠક્કર

શબ્દો: 703

લખ્યા તારીખ:  August 5, 2019 @ 11.25 PM

 

 

 

 

વિદ્રોહ……વિજય ઠક્કર

વિદ્રોહ……

vijay-thakkar

વિજય ઠક્કર

“ગુર્જરિકા”

https://gurjarica.wordpress.com

____________________________________________________________

રૂપા વખતે તો ખાસ્સા પાંચ વર્ષ પછી અમેરિકાથી અમદાવાદ આવી.

દીકરીનું લગ્ન લીધું છેકેટકેટલી તૈયારીઓ કરવાનીમણિનગરનો એનો બંગલો પણ લગ્ન માટે તૈયાર કરવાનો છે. રીપેરીંગ અને રંગરોગાન અને સુશોભન અને સાથોસાથ લગ્નની ખરીદી અને બીજી તમામ તૈયારી કરવાની. બધું કરવામાં ઓછામાં ઓછા બે મહિના નીકળી જવાના એટલે રૂપા ત્રણ મહિના વહેલી આવી ગઈ. સુદીપ, હા, એના પતિ એકાદ મહિના પછી આવશે. બંને દીકરીઓ અને દીકરો છેલ્લા મહિનામાં આવશે. રૂપાને થોડા સામાજિક અને ધાર્મિક કામો પતાવવા હતા. રૂપા અત્યંત ધર્મભીરુ અને ઈશ્વર પ્રતિ અપ્રતિમ આસ્થા ધરાવતી પણ આમ તો અંધશ્રદ્ધાળુ પણ ખરી. પાંચ વર્ષે દેશ આવતી હતી એટલે દેવના દેવાય કેટલાં બધાં ચડી ગયાં હતાં. કેટકેટલી બાધાઆખડીઓ પૂરી કરવાની હતી. બેત્રણ દિવસ ભડકદ પણ રહેવા જવું હતું. ભડકદ રૂપાનું પિયરનું ગામ. મોટાભઈ અને એની જસી ગામમાં રહેતા હતાં. પપ્પાને મોટાભઈ કહેતી અને મમ્મીને જસી. સંયુક્ત પરિવારમાં ઘરના બધા નાનેરાઓ પપ્પાને મોટાભઈ કહેતા એટલે રૂપા પણ મોટાભઈ કહેતી. મમ્મીનું નામ આમ તો જસુ પણ બધાં એમને જસી કહેતા એટલે રૂપા પણ જસી કહેતી. રૂપાનો મોટોભઈ અમદાવાદ રહે એટલે એરપોર્ટ પર રૂપાને રીસીવ કરવા ગયેલો.

 

શરૂઆતમાં એકાદ અઠવાડિયું ભાઈના ઘરે રહેવાની હતી. વ્યવસ્થાપનની પાકી રૂપા અમેરિકાથી નીકળી પહેલાથી એણે ત્રણેય મહિનાનું તારીખ પ્રમાણે પ્લાનિંગ કરી રાખેલું અને એમાંય વળી કેટલાંક પ્લાન એણે મનોમન નક્કી કરી રાખ્યા હતા જે એણે કોઈની સાથે શેર નહોતા કર્યા.

અમદાવાદથી લગભગ ૮૦૮૫ કિલોમીટર દૂર એનું ગામ. બે ત્રણ દિવસ જેટલેગ ઉતારીને એણે ભાઈને કહ્યું કે કાલે ભડકદ જશે પણ પ્લીઝ તમે કોઈ મોટાભઈને કે જસીને કહેતા નહીં કે હું ત્યાં જાઉં છું. મારે એમને સરપ્રાઇઝ આપવું છે.

 

ટેક્સીવાળા અર્જુનસિંગ એમના પરિવારના જાણીતા એટલે એને એકલી જવામાં કોઈ વાંધો હતો. સવારે વહેલી નવેક વાગે ભડકદ જવા નીકળી. દોઢેક કલાકનો રસ્તો હતો. ગામ જવાનો મનમાં અનેરો ઉત્સાહ હતો. ગાડીમાં પાછલી સીટમાં આરામથી બેસી ગઈઅમદાવાદ છોડીને ગાડી નેશનલ હાઈવે આઠ પર સડસડાટ દોડવા માંડી. મન પણ એટલી તીવ્ર ગતિએ ગામ ભણી જઈ રહ્યું હતું. વિચારોમાં અટવાયેલા મનમાં અનેક ઘટનાઓનું સ્મરણ થઈ આવ્યું તો સાથે ગામ લોકોના ચહેરા પણ એક પછી એક આંખ સામે આવતાં ગયાં. જ્યાં જ્યાં રમી હતી બધી જગાઓ સાથે જોડાયેલી યાદોનું ઘોડાપૂર ઊમટ્યું. જેમાં ભણી હતી ગામની નિશાળ અને બાજુમાં આવેલી ગામની લાઇબ્રેરી. આથમણી ભાગોળે આવેલું ભાથી ખત્રીનું દેરું જ્યાં રામલીલા અને ભવાઈ અને રામાપીરના વેશ નીકળતા. મોડીરાત સુધી બેસીને ખેલ જોવા જતાં. છોકરીને એકલી ના મોકલાય એટલે એની જોડે જસીએ જતી અને મોડી રાત સુધી જાગતી. પંચાયતની સામે આવેલો ચબૂતરો જ્યાં મોટાભઈની જોડે ચકલાંને ચણ નાખવા રોજ જતી. રામજી મંદિર અને સ્વામીનારાયણ મંદિર અને તળાવ કાંઠે આવેલું મહાદેવનું જુનું મંદિર જ્યાં અને એની બહેનપણી મધુ નિયમિત સાંજે આરતી કરવા જતાં. રોજ સવારે ઊઠી નાહીધોઈ લે એટલે તાંબાની ટબુલીમાં જસી દૂધ ભરી આપે અને હાથમાં મુઠ્ઠી ચોખા આપે લઈને ખડકીની સામે આવેલા નવા મહાદેવનાં મંદિર જવાનું.

 

મહાદેવને દૂધચોખા ચડાવવાના અને લોટો પાણી ચડાવવાનું. અફર નિયમ. હા, મધુય સમયે મહાદેવ આવે. રૂપાના ઘરની સામે આવેલી બામણની ખડકીમાં એનું ઘર એટલે જ્યાં જાય ત્યાં બેય સાથે હોય. બેય ખાસંખાસ બહેનપણીઓ એટલે ગામમાં રૂપલીમધલીની જોડી કહેવાતી. ખડકીની ઉપર ટેકરાવાળા ભાગે મહીજી કાકાનો વાડો હતો અને એમાં એમના બાપા ગાંડા દેહઈની મેલડી માતાનું મંદિર. વારેતહેવારે ત્યાંથી ધૂણવાના અને ડાકલાનાં ડરામણા અવાજો આવે. વાડામાંથી બહાર નીકળતાં સામે ઓઝાનો ઈંટો પાડવાનો ભઠ્ઠો હતો અને એનાથી સહેજ આગળ ઉકરડો હતો. ગામની ઓતરાદી ભાગોળે આવેલો હરિજનોનો કૂવો અને એનાથી સહેજ આગળ મોટી ચોક જેવી ખૂલ્લી જગામાં સો એક વર્ષ જુનું મોટું વડનું ઝાડ હતું જેને બધા રામો ડુઓ કહેતા. જગા બહુ ડરામણી હતી.

 

રૂપાની આંખ સામે આખું બાળપણ આવી ગયું અને એટલી   તીવ્રતાથી એનું માનસિક અનુસંધાન મધુ સાથે પણ થઈ ગયું. અમેરિકાથી નીકળી ત્યારે નિશ્ચય કરીને આવી હતી કે કોઈ પણ રીતે મધુને મળવું છે. મધુ અને રૂપાનું બાળપણ અને એમનો યૌવન પ્રવેશ બધું સાથેસાથે થયેલું. એમના ઘરમાં કે જીવનમાં બનતું કશું પણ એકબીજાથી છાનું ના હોય. અત્યંત નિકટ બંને સખીઓના જીવનમાં પણ અણગમતો એવો વિખૂટાં પડવાનો સમય આવ્યો. રૂપા કૉલેજ કરવા અમદાવાદ ગઈ દરમ્યાન એની સુદીપ સાથે સગાઈ થઈ અને ઝડપઝડપમાં લગ્ન પણ થઈ ગયું. શરૂઆતમાં તો ભડકદ અવારનવાર ટૂંકી મુલાકાતે જતી પણ ધીમેધીમે પણ ઓછું થઈ ગયું. બધા સમય દરમ્યાન મધુને એકાદ બે વાર અલપઝલપ મળવાનું બનેલું બાકી તો નિરાંતે મળ્યાને તો વરસો વીતી ગયાં.

 

ગાડી સડસડાટ જઈ રહી હતી. આંખમાં અને શરીરમાં થાક અને જેટલેગ હતો એટલે એને એક મસ્તમજાનું ઝોકું આવી ગયું. ગામની નજીક પહોંચ્યા એટલે અર્જુનસિંગે રૂપાને જગાડી.

 

અર્જુનસિંગનો અવાજ સાંભળીને સડાક કરતી જાગી ગઈ. બારીમાંથી કેટલે પહોંચ્યાં એનો તાગ મેળવવા માંડી…. થોડું પરિચિત થોડું નવું એવા મિશ્ર ભાવોથી ચોક્કસ ક્યાં પહોંચ્યાનો અંદાજ ના મળ્યો પણ જેવું તળાવ આવ્યું અને સામે કિનારે મહાદેવનું જુનું મંદિર દેખાયું એટલે એના રોમાંચનો પાર ના રહ્યો. મહાદેવે તો અને મધુ નિયમિત સંધ્યા આરતી માટે આવતાં હતાં. એક ક્ષણ માટે એને મનમાં થયું પણ ખરું કે ચાલ મહાદેવ દર્શન કરીને જાઉં પણ પાછો એક વિચાર એવો આવ્યો કે જો મધુ અહીં ગામમાં હશે તો એની સાથે મંદિર આવીશ. ગાડી લગભગ ગામની ભાગોળે આવી પહોંચી. એમની આગળ એક એસ ટી બસ ગઈ હતી એટલે ભાગોળે ખાસ કોઈ વસ્તી હતી. ભાગોળથી જમણી બાજુ ગામ ભણી ગાડી વળી અને ગામમાંથી એક સ્ત્રી હાથમાં થેલી લઈને ભણી દોડતી આવતી દેખાઈ…. એણે હાથ લંબાવી ગાડી ઊભી રખાવી. અર્જુનસિંગે ગાડી થોભાવી અને કાચ ઉતાર્યો. ભઈ, એસ ટી ગઈ... ??? અને એની નજર ગાડીમાં બેઠેલી રૂપા તરફ ગઈ

રૂપીઇઇઇ !!

રૂપા પણ અવાજ પરથી એને ઓળખી ગઈ..

મધુઉઉઉ !!

રૂપા એકદમ ગાડીમાંથી નીચે ઊતરી અને એને ભેટી પડીબેઉની આંખોમાંથી આંસુ નીકળી આવ્યાં.

હું તો તને ઓળખી ના શકી. કેવી થઈ ગઈ છે તું..?? હેં, શું થયું બધું..? તારું શરીર અને તારો ચહેરોતો સાવ બદલાઈ ગયો છેતારી ચામડી એકદમ કાળી પડી ગઈ છે મધુઅને માટી કેમ ચોંટી છે તારા વાળમાં હેં મધુ ?? શું..શું.. શું થઈ ગયું ? કેમ તું દોડતી આવતી હતીતારે બસમાં ક્યાંય જવાનું હતું..?

હા રૂપીમારે બસમાં જવાનું હતું….પણ સહેજ માટે બસ ચૂકી ગઈ..

સારું થયુંને મધુઆપણે મળવાનું લખ્યું હશે..નહી તો તું તો જતી રહેત અને આપણાથી ના મલાતતું માનીશ હું આખા રસ્તે તારું રટણ કરતી કરતી આવી છુંત્રણ ચાર દિવસ પહેલા હું આવી અમેરિકાથી. પણ વખતે તો હું નિશ્ચય કરીને આવી હતી કે કોઈ પણ સંજોગોમાં મારે તને મળવું .

તારી બસ તો જતી રહી, હવે..??”

તો કલાક પછી બીજી આવશે. થોડી મોડી જઈશ બીજું શું…. પણ સારું થયું ને કે તું મળી ગઈહું તને બહુ યાદ કરતી હતી રૂપી..હેંડ ને થોડીવાર ક્યાંક બેસીયે. હેંડ મહાદેવની પાછળ ચોતરે બેસીએ..

એના કરતા ચાલને મારે ઘેર જઈએમોટાભઈ અને જસી તને મળશે..

નાઘેર નથી જવું…. અહીં બેસીએ

આમ પણ એણે ઘેર એના આવવાનાં સમાચાર મોકલ્યા હતા એટલે કોઈ રાહ જોવાનું કે ચિતા કરવાનું હતું એટલે એક ક્ષણ વિચાર કરીને બોલી સારું ચલ તું ગાડીમાં બેસી જાઅર્જુનસિંગ ચલો મધુ કહે ત્યાં ગાડી લઈ લો

અર્જુનસિંગે ગાડી પાછી વાળી અને મધુ જેમ બતાવતી ગઈ એમ ગાડી હંકારતા રહ્યા.

બસ બસ બસ અહીં ઊભી રાખો

મધુ એક ઝાટકે ગાડીમાંથી ઊતરી ગઈ અને બીજી સાઈડેથી રૂપા પણ ઊતરી ગઈ. મધુએ આગળ ચાલવા માંડ્યું અને અર્જુનસિંગને ગાડીમાં આરામ કરવાનું કહી રૂપા એની પાછળ દોરવાતી રહી.

ચાલને મધુ મહાદેવ દર્શન કરતાં જઈએ

  ના મારે નથી જવાનું એમ બોલીને તો આગળ ચાલવા માંડી. મહાદેવની પાછળના ભાગે ખાસ્સે દૂર એક ચોતરા જેવું દેખાયું. મધુ ત્યાં જઈને ઓટલા પર બેઠીરૂપા એની લગોલગ જઈને બેસી ગઈ.

  અરે મધુ છેક આટલે દૂર આવ્યા એના કરતાતો ક્યાંક નજીકમાં મહાદેવના ઓટલે બેઠા હોત તો સારું.

ના રૂપી ત્યાં જવાનું હવે મને નથી ગમતું..

અરે…! મહાદેવમાં મારા કરતાં તો તને વધારે શ્રધ્ધા હતી મધુ !!!

હાપણ તોય મહાદેવે ક્યાં મારી સામે જોયું..?”

કેમ..? શું થયું મધુ..?”

રૂપી, તને તો ખબર છે ને અરવિંદની ??

હા, પેલો અરવિંદ સુથારનો છોકરોતને બહુ ગમતો હતોઅને તમે બેઉ છાનામાના ખૂબ મળતાતા એજ ને..??? તમે બે એકબીજાને બહુ પ્રેમ કરતા હતા તો બધી મને ખબર છે. કેમ વખતે તો હું અહીં હતી ને ? તું એને મળી ને આવે પછી તમારી પ્રેમગોષ્ઠિની બધી વાત તું મને કરતી હતી.

હા, પણ પછી રૂપી તું તો શહેરમાં જતી રહી…. એક નિશ્વાસ નાંખી ને મધુ બિલકુલ ચુપ થઈ ગઈરૂપા પણ કશુંક બોલે એની રાહ જોઈ રહી.

પણ હું તો ક્યાં જવાની હતી..? અને આમેય હું તો અરવિંદ વગર ક્યાંય જઉં નહિ ને..

તો શું થયું પછી..? તું એની જોડે પરણી નહિ..?”

ના કેવી રીતે પરણુંમારા ઘરવાળાએ બહુ વિરોધ કર્યોઅમે બ્રાહ્મણ અને સુથાર….. મારા ઘરમાં તો મારી વાત કોઈ સ્વીકારવા તો શું સાંભળવા પણ તૈયાર હતું. મેં જીદ કરી એટલે મારી ઉપર ભયંકર અત્યાચાર થયાઘરમાંજ મને નજરબંધ કરી દીધી. એક મહિના સુધી મેં સૂર્યનો પ્રકાશ જોયો હતો. અરવિંદની શું દશા થઈ હશે તો મને ખબર નથી.એટલું બોલતાં તો મધુ થાકી ગઈબે ક્ષણ શાંત રહી એક ઊંડો શ્વાસ લીધો. રૂપા તો એને એકી નજરે જોઈ રહી હતીએનું હૈયું ભરાઈ આવ્યું પણ એણે આંસુ આવતાં ખાળ્યા.

મધુએ ફરી બોલવાનું શરુ કર્યુંએક દિવસ સવારે મારી બા આવીને મને કહ્યું: મધલી ઊઠ હેંડ જલદી તૈયાર થઈ જા આજે તને છોકરાવાળા જોવા આવવાના છે.

મારા માટે સૌથી મોટો માનસિક આઘાત હતોહું શું કરતી..? હું કશું બોલી નહીં. મારા માબાપ મારી લાગણીનો અનાદર કરતા હતા તો હું શું કરતી. એમણે કહ્યા પ્રમાણે હું તૈયાર તો થઈ ગઈ પણ મારું મન અને હૃદય બંને વિદ્રોહ કરતા હતાં….સતત એક અવાજ મારી અંદરથી મને સંભળાતો હતો….મારે કોઈને નથી જોવા ? હું મરી જઈશ પણ અરવિંદ સિવાય બીજા કોઈનું ઘર નહિ માડું.

અને હું મોકો જોઈ ને ઘરમાંથી ભાગી નીકળી….આખો દિવસ ખાધાપીધા વગર ખેતરામાં સંતાતી રહી

એટલામાં બસની ઘરઘરાટી સંભળાઈ

 

રૂપી જો મારી બસ આઈ ગઈ છે એટલે હું જાઉં છું…. લે હેંડ હું જાઉં. ડ્રાયવર મને ઓળખે છે એટલે રસ્તામાંથી મને બેસાડી દેશે. હું જાઉં..”  એટલું કહેતાં તો સડસડાટ દોડવા માંડી અને નજરથી ઓઝલ થઈ ગઈ. રૂપા ક્યાંય સુધી બાજુ તાકતી રહી. ધીમી ચાલે ગાડી પાસે આવી. અર્જુનસિંહ આરામ કરતા હતા એમને જગાડ્યા અને ગાડીમાં બેસી ગઈ…. મન ખૂબ વિક્ષુબ્ધ થઈ ગયું હતુંમધુને મળવાનો જે ઉત્સાહ હતો તો સાવ ઓસરી ગયો પણ મધુની કથની સાંભળીને પારાવાર વેદના થઈ આવીએક ડૂસકું આવી ગયુંપણ ઘેર પહોંચતા પહેલાં ગાડી થોભાવી મ્હો ધોઈ લીધું, ફ્રૅશ થઈ ગઈ. ખડકી પાસે ગાડી થોભાવી અને એકદમ દોડતી ઘરમાં પહોંચી ગઈ….

 

જસી રસોડામાં કશુંક કરતા હતા એમને પાછળથી વળગી પડી. મોટાભઈએ એને જોઈ એટલી તો રૂપી રૂપી કરતા એની પાછળ દોડતા રસોડામાં આવ્યા. ઘરમાં કોઈ કશું સમજી શકતું નહતું કે રૂપી ક્યાંથી અચાનક આવી ચડી. રૂપાએ એના આવવાની માંડીને બધી વાત કરી. ચાપાણી પીધાંફ્રૅશ થઈ ગઈ. જસી અને મોટાભઈ તો છોડીને આટલાં વર્ષે જોઈ ને ઘાંઘાં થઈ ગયા. રૂપી ખાસ કશું બોલતી નહતી એનાં ચહેરા પરની ઉદાસી જસી પારખી ગઈ.

શું થયું છે  બેટા? બધું કુશળમંગળ તો છે ને..?”

હા માં, બધું બરાબર છે પણ હું તો મધુની વાત સાંભળીને દુઃખી થઈ ગઈ

હા.. બેટા, છોકરાં માબાપની આબરૂનો વિચાર ના કરે પછી શું થાય? પણ તને કોણે કહ્યું ?”

હું તો ક્યારનીય અહીં આઈ ગઈ હોત પણ મને રસ્તામાં મધુ મળી ગઈ બસ ચૂકી ગઈ એટલે અમે તો જઈને બેઠાં મહાદેવની પાછળ પેલા ચોતરે.... ખાસુ કલાક જેવું બેઠાં હોઈશું.. પછી એની બસ આઈ એટલે ગઈ

તું એને બસમાં બેસાડીને આઈ..?”

નાના બસનો અવાજ સાંભળ્યો એટલે તો દોડી ગઈ. ડ્રાયવર એને ઓળખતો હતો એટલે રસ્તામાંથી બેસાડી દેશે એમ કહેતી હતી..?”

જસી અને મોટાભઈ એકબીજાની સામું જોતા રહ્યાંકોઈ કશું બોલતું હતું..?

કેમ માં શું થયું..?”

બેટા મધલીને મરી ગયે તો પાંચ વરસ થયાંતળાવ પાસે કાદવમાં મોઢું ઘાલીને ગૂંગળઈને એણે આપઘાત કર્યો હતો

                                                                   *******

 

વિજય ઠક્કર

શબ્દો : 1975

લખ્યા તારીખ: August 15, 2019

 

વિજય ઠક્કર “ગુર્જરિકા”

વિજય ઠક્કર ગુર્જરિકા

Gurjarica Usa

vijay-thakkar

મારા સાહિત્યકાર મિત્ર શ્રી વિજય ઠક્કરની ઓળખ એમના જ શબ્દોમાં.

હું વિજય ઠક્કર ૨૦૦૮માં પરિવાર સાથે અમેરિકા આવી અહીં સ્થાયી થયા. લખવાનો મારો શોખ કાળક્રમે મારી આદત બની ગઈ હતી તે અમેરિકા આવીને પણ “ગુજરાત દર્પણ” જેવા અમેરિકામાં સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય ગુજરાતી મેગેઝીનને કારણે બરકરાર રહી શકી. વર્ષ ૧૯૯૦થી પ્રોફેશનલી લખવાની શરૂઆત થઇ..પરંતુ ૧૯૯૪થી અમદાવાદમાં ગુજરાત ટુ ડે દૈનિકમાં ” ભીતર ભીનું આકાશ ” કોલમ ચાલી..અને ૧૯૯૭માં આ કોલમમાં છપાયેલી વાર્તાઓ ” ભીતર ભીનું આકાશ ” નામેજ પુસ્તક રૂપે પ્રગટ થઇ.. સાથેજ હૃદયમાં પાંગરેલા હિન્દી સાહિત્ય તરફના લગાવને કારણે હિન્દી કવિતાઓ, ગઝલો, મુક્તકો લખાયાં અને તે પણ વર્ષ ૧૯૯૭માં ” सर्पगंधी क्षण ” નામે પુસ્તક આકારે પ્રકાશિત થયું તો ગુજરાતીમાં પણ કવિતાઓ, ગીતો, ગઝલો લખાતી રહી… દરમ્યાન જૂદાજૂદા દૈનિકો, સામયિકો વગેરેમાં ” લીલા શ્વાસને સરનામે ” એ નામે કોલમ સ્વરૂપે વાર્તાઓ પ્રગટ થતી રહી.

૧૯૭૯થી દુરદર્શન સાથે સમાચાર વાચક તરીકે નાતો જોડાયો તે ૨૦૦૪ સુધી ચાલ્યો અને એજ અરસામાં રેડિયો-આકાશવાણી સાથે પણ સમાચાર વાચક, ડ્રામા આર્ટીસ્ટ, પેનલ રાયટર જેવી જૂદીજૂદી પ્રવૃત્તિઓ થતી રહી. સરદાર પટેલના જીવન પર આધારિત ” લોખંડી પુરુષ સરદાર પટેલ” ગુજરાત સરકાર પુરસ્કૃત નાટક નાં નિર્માતા લેખક અને અભિનેતા થવાનું સદભાગ્ય સાંપડ્યું. અમેરિકામાં રેડિયો દિલ સાથે છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષથી કો-હોસ્ટ તરીકે ઉપરાંત અમદાવાદમાં અને અમેરિકામાં ઇવેન્ટ પ્લાનર અને ” માસ્ટર ઓફ સેરીમની” તરીકે ખુબ પ્રસિદ્ધી મેળવી. ભારત અને અમેરિકામાં થઈને ૧૯૭૯થી લઈને અત્યાર સુધીમાં આશરે ૩૦૦૦ જેટલાં કાર્યક્રમોમાં ” માસ્ટર ઓફ સેરીમની” કરવાનો મોકો મળ્યો.

હાલમાં મારા બંને પુસ્તકો રીપ્રીન્ટમાં છે અને” લીલા શ્વાસને સરનામે ” પ્રકાશનની પ્રક્રિયામાં છે.

મારો બ્લોગ ” ગુર્જરિકા ” નામે અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્ય, ભાષા, અસ્મિતા, સમાજકારણની વાતો લઈને ગુજરાત રાજ્યના સ્થાપના દીવસથી આ વિજાણું યુગનો એક નાનકડો હિસ્સો બનશે. વ્યવસાયે અમદાવાદ મુનીસીપલ કોર્પોરેશનમાં ” P R Manager” તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો. માનવીય સંવેદનાઓ અને પ્રેમ સંબંધો એ મારો ખૂબજ ગમતીલો વિષય રહ્યો હોવાથી પ્રણય સંબંધો ઉપર આધારીત વાર્તાઓ ઉપરાંત જીવન ચરિત્રો લખવાનું બહુજ ગમે.

******

મિત્રો,

શ્રી વિજય ઠક્કરની વાર્તાઓ અને અન્ય સાહિત્યિક કૃતિ એમના સૌજન્ય સાથે મારા આ બ્લોકમાં પ્રસિદ્ધ થતી રહેશે. એમની વાતો “વિજય ઠક્કર – ગુર્જરિકા” કેટેગરીમાં વાંચવા મળશે. માનું છું કે મારા વાચક મિત્રોને એમની વાતો વાંચવી ગમશે જ.