Category Archives: શ્વેતા-નવલકથા

આપને સપ્રેમ ભેટ-શ્વેતાની ઈ આવૃત્તિ

મારા વાચક મિત્રો, મારી નવલકથાની ઈ આવૃત્તિ આપ નીચે ક્લિક કરી ડાઉન્લોડ કરી શકો છો. આશા છે કે સળંગ વાંચન માટે આપને અનુકૂળતા રહેશે.

શ્વેતા ઈ આવૃત્તિ (2)

 

વહેતી વાર્તા “શ્વેતા” અંતિમ પ્રકરણ ૩૦

મારા વાચક મિત્રો, શ્વેતા નવલના અંતિમ પ્રકરણ સમયે..કંઈક વાત.

એક નાનકડા વાર્તા બીજમાંથી કોઈપણ જાતના પ્રીપ્લાન વગર વિસ્તરેલી વાર્તા સાહજિક રીતે એક લઘુનવલ બની ગઈ. ગુજરાત દર્પણના તંત્રીશ્રી સુભાષભાઈ શાહે પ્રેમ પુર્વક ૩૦ મહિના સુધી એમના માસિકમાં પ્રગટ કરી હતી. એમના હસ્તે જ “શ્વેતા” નું લોકાર્પણ થયું હતું.

આ તકે શ્રી સુભાષભાઈ, મારા સૌ વાચક મિત્રો અને અવારનવાર પ્રતિભાવ આપી મને ઉત્સાહીત કરનાર માનનીય મિત્રોના આભાર સહિત રજુ કરું છું –

sweta title image final                વહેતી વાર્તા “શ્વેતા” અંતિમ પ્રકરણ ૩૦                                            

હનીમુન પછી સૌ પોતપોતાની પ્રવૃતિમાં વ્યસ્ત થઈ ગયા. નવી સંયુક્ત ફાઈનાન્સિંગ કંપનીનું નવું નામકરણ થઈ ગયું. ‘આદિરાજ ફાયનાન્સિંગ’ અગ્રગણ્ય કંપનીઓમા ગણાતી હતી. સર્વાનુમતે યોગેશભાઈને સી.ઈ.ઓ.બનાવવામાં આવ્યા. શ્વેતા અને નિકીતાને મનેજીંગ ડાયરેક્ટર બનાવાયા. ચેરમેન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેકટર સુંદરલાલ શેઠ રહ્યા. શિવાનંદ વાઈસ ચેરમેન બન્યા.બોર્ડમાં યોગેશભઈ, શ્વેતા, નિકીતા, પાર્વતિબા, સોનાલીજી, રાજુ, આદિત્ય, કુંદનલાલ, વર્ષો જુના એમ્પ્લોયી ગુપ્તાજી અને દીનાબેનની નિમણુંક કરવામાં આવી.

 

મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડિરેક્ટરની પહેલી મિટીંગ પુરી થયા પછી કુંદનલાલને અમદાવાદનું પ્લેન પકડવાનું હતું ગુપ્તાજી કુંદનલાલને એરપોર્ટ પર લઈ ગયા. પાર્વતિબાને સાંજની આરતીનું મોડું થતું હતું. દીનાબેન એને મલબાર હિલ પર ઉતારી એને ઘેર ગયા. કોન્ફરન્સ રૂમમાં હવે બિઝનેશ મિટીંગને બદલે ફેમિલી મિટીંગ થઈ ગઈ.

 

‘સુંદર! મને ઘણીવાર નિકુળ યાદ આવે છે. પાર્વતિને પણ પહેલાતો વ્હાલો હતો પણ ધીમે ધીમે એનો સ્વભાવ બદલાતો ગયો. મને લાગે છે કે એટલેજ એ લંડન ચાલ્યો ગયો. ભલે એણે કોઈ બ્રિટીશ છોકરી સાથે લગ્ન કર્યા પણ મને ખબર આપવાની પણ દરકાર ન રાખી. અરે રાજુના લગ્નમાં આવતે તો મામાને જોઈને પ્રાચી કેટલી ખુશ થતે! હું એને સમજાવીને મુંબઈમાં જ રાખતે. એને આપણા બિઝનેશમાં પણ ગોઠવી શકાતે. સુંદર, એ છોકરો હોશિયાર, તેજસ્વી, તંદુરસ્ત છતાંયે કેટલો કમળના ફુલ જેવો કુમળો હતો. નિરાલીના મૃત્યુ પછી એણે પ્રાચીની જવાબ દારી લઈ લીધી. ઠરેલ વિચાર અને રમતિયાળ સ્વભાવ ને કારણે મને એના પર કુદરતી વહાલ ઉપજતું હતું.

શિવાનંદની આંખો ભીની અને અવાજ ગળગળો થઈ ગયો. સુંદર, તું મને કોઈપણ રીતે એનો ફોન મેળવી આપ. મારે એને મુંબઈ બોલાવવો છે. રાજુ બેટા’ તનેતો ખબર હશે જ. તું ધારેતો એની ભાળ મેળવી શકે. આપણે એને જુદો ફ્લેટ લઈ આપીશુ.’

 

રાજુએ પિતાને આટલા ભાવભીના કદીયે જોયા નહતા. નિકીતા લગભગ રડી પડવાની તૈયારીમાં જ હતી. એણે પાસે બેઠેલા રાજુનો હાથ જોરથી પકડી રાખ્યો. સત્ય જાણનાર સૌની આંખ શેઠજી પર મંડાયલી હતી.

‘શિવુ, હું વાત કરું તે પહેલા બે ઘૂટ પાણી પી લે અને જે કહું તે શાંતીથી સાંભળ.’ શિવાનંદને બે ઘડી અશુભ વિચાર આવી ગયો. પાણી પીને એ સુંદરલાલને તાકી રહ્યા.

‘દોસ્ત, નિકુળ, નિકુળ ન હતો.’

‘એટલે?’

‘નિકુળ નેવું ટકા સ્ત્રી અને દશ ટકા પુરુષ હતો.’

‘આઈ ડોન્ટ બીલીવ ઈટ.’

‘હા શિવુ. એણે કોઈ અંગ્રેજ સાથે લગ્ન નથી કર્યા. એણે પુરુષમાંથી સ્ત્રી થવાનું ઓપરેશન કરાવી લીધું છે. એ ઓપરેશન આપણા આદિત્યેજ કર્યું છે. હવે તે પુરુષ નથી. તે સંપૂર્ણ સ્ત્રી છે.’

‘શું એવું ઓપરેશન થઈ શકે?’

‘હા, આદિત્યની એમાં સ્પેશિયાલીટી છે.’

‘હાલ નિકુળ ક્યાં છે?’

‘એણે સ્ત્રી તરીકે લગ્ન પણ કરી લીધા છે. શારિરીક, માનસિક અને આર્થિક સુખી છે. ઈન્ડિયામાં જ છે.’

‘ઈન્ડિયામાં?.. ઈન્ડિયામા કઈ જગ્યાએ? મને ખબર હોત તો હું એને અને એના વરને જમાઈ તરીકે રાજુના લગ્નમાં બોલાવતે. મારે એની નરનારીના સ્વરૂપ સાથે લેવાદેવા નથી. એ મને વ્યક્તિ તરીકે વહાલો હતો. એ ક્યાં છે? ‘

‘એ મુંબઈમાંજ છે.’

‘તો તો આપણે કાલેજ એને ઓફિસમાં બોલાવીએ. રાજુ તું પણ નિકીતાને લઈને ઓફિસમાં આવી રહેજે. આપણે નિકીતાને પણ નિકુળની ઓળખાણ કરાવીશું.’

આદિત્ય, સોનાલી, શ્વેતા, નિકીતા અને રાજુ જાણે ચંપાયલી જામગરી બળતી બળતી બોમ્બના અંતર્ભાગ પાસે પહોંચીને બોમ્બ ફાટવાની હોય એમ સુંદરલાલ અને શિવાનંદને જોઈ રહ્યા હતા.

શેઠજી રિવોલ્વિંગ હાઈબેક રિક્લાઈનર પર પાછળ ઢળ્યા. બોચી પર બન્ને હાથપર માથું ટેકવ્યુ. ટેવ મુજબ આંખો બંધ કરી. ‘શિવુ કાલે શા માટે? આજે જ કેમ નહી?’

‘આજે જ?’

‘હા આજે જ.’

‘તો ફોન કર.’

થોડી ક્ષણો શાંતી પથરાઈ ગઈ.

સુંદરલાલે એજ અદામાં બંધ આંખે નિકીતા તરફ મોં ફેરવી કહ્યું ‘બેટા નિકુળ, તારા પેમાળ પિતાતુલ્ય સસરાને પ્રણામ કર.’

નિકીતા ઊભી થઈ. ખુરસી પર બેઠેલા શિવાનંદના પગે વળગી રડવા લાગી. શિવાનંદ એકદમ આશ્ચર્યાઘાતથી સ્તબ્ધ થઈ ગયા. એનો હાથ, પગ પકડીને બેઠેલા નિકુળ/નિકીતાના માથા પર હતો. શિવાનંદનો ચહેરો એકદમ લાલ હતો. પરસેવો રેલાતો હતો. શેઠજી ઊભા થયા. શિવાનંદની ખુરસી પાછળ જઈ એમના ખભા પર હાથ મુકી કહ્યું. ‘દોસ્ત મને માફ કર.’

‘બેટા રાજુ હું જે અનુભવું છું એ સ્વપ્ન છે કે સત્ય છે? ‘

‘બાપુજી સંપુર્ણ સત્ય છે.’

‘આ નિકીતા ખરેખર નિકુળ છે? એને કુંદનલાલ મહેતા સાથે કાંઈજ સંબંધ નથી? તને આ બઘી ખબર હતી? તમને બધાને જ આ ખબર હતી?’

‘બાપુજી બધા પ્રશ્નનો ઉત્તર હા છે.’

શિવાનંદે નિકીતાનું બાવડું પકડી ઊભી કરી. પાંચ મિનીટ સુધી એના મોં સામું જોયા કર્યું. પછી એને ભેટી પડ્યા. પછી એના કપાળ પર આશિષ ચુંબન કર્યું.

‘બસ હવે મારે કશું પુછવું નથી. મારે કશું જાણવું નથી. મારે સુંદર સાથે લડવું છે.’

સુંદરલાલે હાથ જોડી હસતા હસતા કહ્યું, ‘માફ કરો ભોળાનાથ, આ સત્ય તમારા કૈલાસમાં શાંતી જળવાય એટલેજ ગુપ્ત રાખ્યું હતું. હવે જાણ્યા પછી તમારે પણ ગુપ્તતાના સોગંદ લેવા પડશે.’

‘વોટ ડુ યુ મીન?’

‘જ્યાં સુધી પ્રાચી એકવીશ વર્ષની થાય ત્યાં સુધી એને આ વાતની જાણ ન થવી જોઈએ. સુખી સંસાર માટે આખી જીંદગી પાર્વતિને અંધારામાં જ રાખીશું.’

‘બનિયા! તેરે ભેજેમેં અભી કિતને સિક્રેટ છૂપાયે રખ્ખે હૈ?’

પ્રશ્ન ઈરાદા પુર્વક અનુત્તરજ રહ્યો. સુંદરલાલ અને સોનાલી એકબીજા સામે જોતા હતા જે શ્વેતાની નજર બહાર ન હતું.

                                               OOOOXXXOOOO

 

વેસ્ટ્પારલામાં ફાઈવ સ્ટારહૉટલ ‘પાર્ક વ્યુ’ સંયુક્ત મેનેજમેન્ટ હેઠળ ધમધમાટ બિઝનેશ કરતી હતી. હૉટલના અડતાળીસમા માળ પર આદિત્ય અને રાજુએ મેડિકલ સર્જીકલ સેન્ટર બનાવ્યું હતું. હોટેલના પાછળના ભાગે ત્રણ એલિવેટર હતા જે નોન સ્ટોપ અડતાળીસમા માળેજ અટકતા. સેન્ટરનું ઉદઘાટન ડૉ.જમશેદજી દારુવાલાએ કર્યું હતુ અને અતિથી વિશેષ તરીકે અમેરિકાથી ડૉ.દેસાઈ અને ડો.માર્થા આવ્યા હતા. બીજા ખાસ મહેમાનોમાં ડો.ફિરોઝશા, ડૉ.બહારબાનુ, મહારાસ્ટ્રના મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી પણ હાજર હતા.

આદિત્ય કંસ્લટિંગ માટે મિડલ ઈસ્ટ, યુરોપ અને અમેરિકા ફરતો હતો. સર્જરી અને પોસ્ટ સર્જીકલ ટ્રિટમેન્ટ પારલામાં થતી. SRS સર્જરી પછીની ગાયનેક કાળજી માટે અમદાવાદથી ડો.મોના મહેતા આવતી. પ્રોફેશનલ ડૉકટરો સુવર્ણા વિલા પર પહોંચતા નાદાન છોકરાઓની જેમ તોફાન કરી લેતા.

રાજુએ પોતાની કેન્સર રિસર્ચ લેબ પારલામાં ખસેડી. ઊધનામાં કેન્સર ટ્રિટ્મેન્ટ સેન્ટર આસિસ્ટન્ટ ડોકટરો દ્વારા ચલાવતો હતો. ટાટા હોસ્પિટલ સાથે એફિલીયેશન હતું.

શેઠજીનું ઓફિસમાં જવાનું ઓછું થઈ ગયું હતું. ફોન અને ઈન્ટરનેટ પર ઘરેથી ઘંધા પર નજર રાખતા. યોગેશભાઈ, શ્વેતા અને નિકીતાની મેનેજમેન્ટ હેઠળ ‘આદિરાજ’ નો ઝડપી વિકાશ થતો હતો. શેઠજી, નવસારી રોડ પરના સુંદરનગરમા બંધાતા ‘ગણપતાશ્રમ’ પોતાનો ફ્લેટ અને અક્ષય રિહેબ સેન્ટરના અંગે લાલાજી સાથે અવારનવાર દોડાદોડી કર્યા કરતા હતા.

આજે સુંદરલાલને થોડો તાવ હતો. શરીર દુખતું હતું. પાંડુરંગ પગ દાબતો હતો. સોનાલીના હૈયે શબ્દો આવી ગયા પાડુરંગ તું જા હું પગ દાબીશ. ગણપતકાકા ત્યાંજ હતા. હૈયે આવેલા શબ્દો હોઠ પર આવીને અટકી ગયા.

આદિત્ય અને શ્વેતા રાત્રે જુના આલ્બમ જોતા હતા.

શ્વેતા કહેતી હતી, ‘લુક આ પિક્ચર બરાબર તારા જેવોજ છેને! એજ હેર સ્ટાઈલ, એજ આંખો, એજ નાક. એક્ઝેટલી સેમ.’

‘એમા શું? મારો ફોટો છે એટલે સેમજ હોયને?’

શ્વેતાએ એનો કાન આમળ્યો. જો મોના હોત તો કહેત ‘હજુએ બુદ્ધિનો બળદીયો જ રહ્યો. મારાથી એવું ના કહેવાય. પણ ધ્યાનથી જો. આ આપણું આલ્બમ નથી. આ બા બાપુજીનું જુનુ આલ્બમ છે. જો બીજો ફોટો સુવર્ણાબા સાથેનો પણ આજ ફોટો છે.’

હંઅઅઅ….અ. યુ આર રાઈટ…બટ વોટ્સ ધેટ મીન્સ?.

આદિ! ટેઇક ઓફ યોર શર્ટ પ્લીઝ.

આઈ એમ લકી. આઈ વીલ ટેઇક ઓફ માઈ પેન્ટ એન્ડ બ્રીફ ટુ.

યુ નોટી. ડોન્ટ બી ટુ સ્માર્ટ. આઈ સેડ ઓન્લી શર્ટ. આદિત્યે શર્ટ ઉતાર્યું. શ્વેતાએ અની પીઠ પર હાથ ફેરવી ધ્યાનથી જોવા લાગી. એ નિરાશાજનક શ્વાસ મુકી ગણગણી કંઈ નથી. શર્ટ પહેરી લે.

હની, શું ખોવાયલું શોધે છે?

લાલ મસો કે મોટો તલ.

ઓહ. હતો પણ ડર્મિનોલોજીસ્ટ પાસે કઢાવી નાંખ્યો હતો.

આદિ, બાપુજીના વાંસા પર પણ મોટો મસો છે. મેં એક ફિલ્મ ઘરવાલી બહારવાલી મા જોયું હતું કે ત્રણ જનરેશનમાં જાંગ પર મોટો તલ હતો. આદિ, મને શંકા છે કે બાપુજી જ તારા પિતા છે. તારા જન્મ પહેલા બાપુજી અને મમ્મી અંધેરીમાંજ રહેતા હતા. બાપુજી અને મમ્મી, બન્નેના પ્રિય રાગ કેદાર છે. કદાચ…

શું ફેર પડે? મેંતો એમને પિતા તુલ્ય સ્વીકારી જ લીધા છે. એ પણ મને દિકરાની જેમજ વહાલ કરે છે. એ ખરેખર મારા પિતા હોય તો હું મારી જાતને ભગ્યશાળી સમજીશ. અને એ પિતા ન હોયતો પણ એમને માટેના માન પ્રેમમાં કશો ફેર પડવાનો નથી.

તને અને મને ભલે ફેર ન પડે; પણ બાપુજી અને મમ્મીને તો ફેર પડે જ. મને લાગે છે કે એઓ બન્ને પરસ્પર પ્રત્યેની અંગત લાગણી કચડીને એક છ્ત્ર નીચે જીવી રહ્યા છે.

એક નિર્ણાયક માર્ગ છે. બાપુજીને ઠીક નથી લાગતું. આવતી કાલે સવારે એમને તપાસવાના બહાને મોંના સલાઈવા સ્વેબ પર લઈ મારા અને બાપુજીના સેમ્પલ DNA માટે મોકલી આપીશ સાંજે બધું કન્ફર્મ થઈ જશે.

અને ખરેખર બીજે દિવસે DNA ટેસ્ટ રિઝલ્ટે શ્વેતાનું અનુમાન સાચું ઠેરવ્યું.

શ્વેતા, મનેતો કોઈપણ સમયે આવો વિચાર આવ્યો જ ન હતો. તેં ખરેખર મને મારા પિતાની ભેટ આપી છે.

હું તને એક બીજી પણ ભેટ આપવાની છું. મારા EPT ટેસ્ટમા HCG હોર્મોન્સ પોઝીટીવ આવ્યા છે.

ઓહ…રિયલી?

શ્વેતાએ આંખો નચાવતા સ્મિત સાથે ડોકું હલાવ્યું. આદિત્યે એને ઊંચકીને ગોળ ગોળ ફેરવીને બેડ પર નાંખી. આખા શરીરે ચુંબનાથી નવડાવી નાંખી. શ્વેતા ‘નો’ ‘નો’ કરતી આદિત્યનો પ્રેમરસ માણતી રહી. ઐક્યની સંતૃપ્તી પછી બન્ને બેડમાં સૂતા સૂતા ઉત્સવની યોજના કરી રહ્યા હતા. પંદર દિવસ પછી વસંત પંચમી આવતી હતી. ત્રણ દંપતિની લગ્ન જયંતિ. વળી એ ફેબ્રુઆરીની ચૌદમી તારિખ હતી. વેલેન્ટાઈન ડૅ. શેઠકુટુંબ તરફથી શિવાનંદ, યોગેશભાઈ, કુંદનલાલ, ફિરોઝશા ફેમિલી, પાડોસી અભિનેત્રી નિલીમા અને ડોક્ટર જમશેદજી તથા દીનાબહેન ને યથાયોગ્ય આમંત્રણ અપાઈ ગયા. આદિત્ય અને શ્વેતા, રાજુ અને નિકીતા, મોહિત અને મોના સવારથી સજીધજીને વિશિષ્ટ ઉજવણી માટે તૈયાર હતા. ત્રણે દંપતિએ સાથે બેસીને ટૂંકમા ગણેશ પુજન કર્યું. વડિલોને પગે લાગ્યા.

ડોક્ટર જમશેદજી એ ત ટ, દ ડ, ન અને ણની અદલાબદલી ભાષામા બધાને આશિર્વાદ આપ્યા. પછી તેઓ સોનાલી પાસે પહોંચ્યા. તેને પુછ્યું ‘ડિકરી, હું ટારો બાપ જેવો કેવાઉં ને?

હા બાવાજી મેં તો મારા જન્મદાતાને જોયાજ નથી. તમે જ મને મારા કપરા દિવસોમાં દીકરી ગણીને સહારો આપ્યો. આજે તો તમેજ મારા પિતા છો.

ટો ડિકરી જરા માથા પર સાલ્લો ઓઢી ડે. સોનાલીએ સમજ્યા વગર સૂચન માથે ચડાવ્યું.

ડિકરી, મેં ટો લગન જ ની કીઢા. ટમેજ મારા પોરિયાઓ. મને આજે આ બઢા જુવાનીયાને જોઈને કન્યાડાન કરવાનું ડિલ થયું છે. હું ટારો હાઠ આ સોજ્જા માનસ સુંડરલાલને આપ્પાનો છું. કોઈના વાઢાને ગનકારવાનો નઠી. ગનપટભાઈ, ટમને ટો કંઈ વાંઢો નઠીને?

સૌ સ્તબ્ધ થઈ ગયા. ગણપતકાકા બાવાજી સામે હાથ જોડીને હર્ષાશ્રુ વહાવતા હતા.

માત્ર શ્વેતા મરક મરક હસતી હતી. સુંદરલાલને ગણપતકાકાએ હાથ પકડી પાટલા પર બેસાડ્યા. જમશેદજી બાવાએ સોનાલીને પાટલે બેસાડી એનો હાથ સુંદરલાલના હાથમાં મુકી દીધો. શ્વેતાએ સાસુજીની સાડીના છેડાની ગાંઠ સસરાજીના ખેસ સાથે વાળી.

મોનાએ થાળી વગાડી. હાજર રહેલા સૌએ તાળીથી નવદંપતિને વધાવી લીધા. સુંદરલાલે હળવેથી સોનાલીને પુછ્યું આ સ્વપ્ન છે કે હકિકત?

સોનાલીએ જવાબ આપ્યો આ તમારી લાડકી શ્વેતાએ આપણને ભેરવી દીધા.

વલ્લભે ટૂંકી પણ શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન કરાવ્યા. લગ્નગીતો ગવાયા. સુંદરલાલ અને સોનાલી ગણપતકાકાને પગે લાગ્યા. ગણપતકાકાએ સોનાલીના માથા પર હાથ મુકતા કહ્યું ‘બેટી હૈયાની વ્યક્ત થતી દરેક વાત સમય અને સંજોગો પર આધાર રાખે છે.’ એમની નજર સુવર્ણાબેનના લેમિનેટેડ ફોટા પર હતી. એમણે આશીર્વાદ આપતા કહ્યુ.’શેઠજી સુખદ દિર્ગાયુષ્ય ભોગવો.’

‘કાકા આજથી મને શેઠજી કહેવાને બદલે દીકરા, બેટા કે સુંદરજ કહેજો.’

‘સારું બેટા, તમે કહેશો એમ કરીશ.’

‘તમે નહિ, તું કહેવાનું’

ગંણપતકાકાથી રડી પડાયું.

એક ખૂણા પર આદિત્ય અને શ્વેતા શુભપ્રસંગને માણતા હતા. આદિત્ય, સુંદરલાલનું સંતાન છે તેની સ્પષ્ટતા મેળવવાની જરૂર ન હતી. શ્વેતાએ ગૌરવ અને વડિલોનું સન્માન જળવાય એ રીતે આદિત્યને સુંદરલાલના પુત્ર તરીકે સ્થાપિત કરી દીઘો હતો. દાદાજીના પહેલા ચરણ સ્પર્શ સમયે તેમણે આશિષ આપ્યા હતા ‘બેટી, સુખી રહે અને શેઠ કુટુંબની વૃદ્ધિ કર’ શ્વેતાએ એ આશિર્વાદને સાર્થક કરવાની હતી. ટૂંકા સમયમાં જોયલા જીવનના રંગો અકલ્પિત હતા. ખરેખર માત્ર ભગવાનનેજ નિયતીની ખબર હતી. શ્વેતા વિચારતી હતી; “ન જાણું હું જાનકી નાથ, પ્રભાતે શું થવાનું છે.”

આદિત્ય શ્વેતાને બિરદાવી રહ્યો. ‘શ્વેતા, આજ સુધી મારા જીવનમાં માત્ર મમ્મીજ હતા. તેં મને સાચા પિતાની ભેટ આપી છે. તેં મને મારું પોતાનું કુટુંબ આપ્યું છે. તેં મને મારો પોતાનો સંસાર અને પોતાની દુનિયા આપી છે. થેન્ક્યુ ડાર્લિંગ. થેન્ક્યુ હની. કહેતા તેના બાવડા પકડી ચુમી લીધી. ભાવાવેશમાં આદિત્ય બધાની હાજરી ભુલી ગયો.

મોનાના જોયું. સ્વભાવગત તોફાની ટીકા કરી. ‘માસી આ તમારા નંગને વિવેક મર્યાદાનું ભાન ક્યારે આવશે?  આવતી દિવાળીમા બાપ બનવાનો છે પણ હજુ અક્કલ આવતી નથી.’

આદિત્ય મોના સામે મુક્કો ઉગામી ડોળા કાઢતો હતો.

સોનાલીએ પછ્યું ‘ખરેખર?’

હા માસી, મેં ગઈકાલે ચેક કરી કન્ફર્મ કર્યું છે. હું નામ પાડવા આવી પહોંચીશ.’ બધાએ તાળીથી આનંદના સમાચાર વધાવી લીધા. સોનાલી અને હેમાલીભાભી શ્વેતાને વળગીને તેના માથે વહાલભર્યો હાથ ફેરવતા હતા.

શ્વેતાએ પર્સમાંથી એક મોટું કવર કાઢ્યું. બાપુજી અને મમ્મીના હાથમાં મુક્યું.

‘બાપુજી, આમાં મુંબઈથી ઉપડતી ક્રુઝલાઈનરની બે ટિકીટ અને માહિતી છે. સિત્તોતેર દિવસનો પ્રવાસ છે. મુંબઈથી ફારઈસ્ટ, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલીયા, સાઊથઆફ્રિકા, મિડલીસ્ટ, યુરોપ અને ત્યાંથી યુએસએ ન્યુયોર્ક જવાનું છે. ત્યાં પ્રિન્સ્ટોનમાં થોડો સમય આરામ કરીને યુ ફ્લાઈ બેક ટુ બોમ્બે… જસ્ટ રિલેક્ષ એન્ડ એન્જોય….

ડોકટર ફિરોઝશા, બહારબાનુ, મોહિત-મોના અને જમશેદ બાવાએ શરૂ કર્યું…. હી ઈઝ અ જોલી ગુડ ફેલો…સૌ એમા જોડાયા. નાચગાનથી ઉજવણી રંગે ચડી. નિલીમાએ લાલાજીને હસતા હસતા હાથ લંબાવી પુછ્યું ‘મેરે દોસ્ત, ડેન્સ નહી કરોગે?’ શેઠ કુટુંબના બબ્બે લગ્ન લાલાજીને માટે યાદગાર બની ગયા.

એક ફુલોથી શણગારેલી લિમોઝિન ફ્રન્ટ પોર્ચમા આવીને ઉભી રહી. શ્વેતા, સુંદરલાલ અને સોનાલીને લિમોઝિન તરફ દોરી ગઈ. લિમોઝિન નવા દંપતીને તેમની પાર્ક વ્યુ હોટલના હનીમુન સ્યુટ પર લઈ જતી હતી. લિમોઝિનની પાછળ જસ્ટ મેરિડને બદલે લખ્યું હતું

‘ટુ ગેધર ફોર એવર.”

|| कुर्यात सदा मंगलम ||

               સમાપ્ત

 

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૯]

sweta title image final

નવલકથાના લોકાર્પણ પ્રસંગે યોગિનીનો પ્રતિભાવ.

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૯]

       લાલાજીની કારમાંથી ડૉ.ફિરોઝ, ડૉ.બહારબાનુ, મોનાના મમ્મી કુમુદગૌરી ઉપરાંત ડૉ.જમશેદજી બાવા, તેમના બહેન અને શેઠજીના પર્સનલ સેક્રેટરી દીનાબહેન ઉતર્યા.
            ‘શેઠજી ટમે ડરેક વખટે પોરીયાઓના લગનમાં મને જ બોલાવટા નઠી. પન આ વખટે ટો હું આવી જ પરીયો.’ ડૉકટર બાવાએ શેઠજીને મીઠો ઠપકો આપ્યો. દીનાબહેને બધાને ડૉ. ફિરોઝની ઓળખાણ કરાવી. ડૉ.ફિરોઝ અમારા ભાણેજ થાય. એમનો દીકરો કુંદનલાલની દિકરી મોનાને પરણવાનો છે. કુંદનલાલ તો આપણા સ્ટાફના માણસ કહેવાય પણ મોના એમની દીકરી છે તે તો અમને ખબર જ ન હતી.
           તો હું તમને બીજા એક ગુડ ન્યુઝ આપું. શેઠજીએ ઓળખવિધી ચાલુ રાખી. એ જરૂરી પણ હતું, ‘કુંદનલાલની ભત્રીજી નિકિતાના લગ્ન આપણા ડૉ.રાજુ સાથે નક્કી કર્યા છે.’
રાજુ અને નિકિતા બધા વડિલોને વાંકા વળી પગે લાગ્યા.
          ‘આટો સુંડરલાલે બઉ સુંડર વાત કીધી. ડૉકટર ટેં ટારી ડિકરીને એની મા આપી ટે બઉ સોજ્જુ કરીયું.
             અવે ડિકરી શ્વેટા! ટેં તારા ડાક્ટર ધનીને કાં સંતારી રાખેલો છે. એને બા’ર કાઢ્. ‘ આદિત્ય આગળ આવ્યો. એ પણ શ્વેતાની સાથે વડિલોને પગે લાગ્યો. એણે ખુણામાં ઉભેલી સોનાલી તરફ આંગળી ચીંધીને કહ્યુ, આ મારા મમ્મી સોનાલીજી છે?
          સોનાલીએ ડૉ.જમશેદજીને ત્યાંજ સેક્રેટરી તરીકે નોકરી કરેલી. ડોકટરબાવાએ ચશ્મા કાઢ્યા. કાચ નૂછ્યા. ‘આઈ ડોન્ટ બિલીવ ઈટ. શેઠજી આ એજ સોનાલી છે?’
          ‘હા બાવાજી હું એજ આપની સેક્રેટરી સોનાલી છું.’
          ‘ટું મારા દેસ્ક પર ચીઠ્ઠી મુકીને એકાએક કાં ડિસએપીયર ઠઈ ગયેલી. કઈ ટકલિફ હટી?
સોનાલીએ જવાબ ન આપ્યો. પિતા સમાન જમશેદજીને વળગીને રડી પડી.
      એટલામાં યોગેશભાઈ અને હેમાલી આવી પહોંચ્યા. સોનાલીએ ડૉકટર જમશેદજીને કોઈ ખુલાશો આપવો ન પડ્યો.
     બધા બેસીને વેડિંગ પ્લાનની ચર્ચા કરતા જતા. એટલામા બહાર ગુરખા સાથે બેઠેલા લાલાજીનો ફોન આવ્યો. ‘શેઠજી, હમારી પડૌશન નિલીમાજી, સોનાલીજીસે મિલના ચાહતી હૈ. દરવાજે પર ખડી હૈ. ઉનકો અંદર ભેજુ?’
       સૌ વિચારમાં પડી ગયા. નિલીમા બોલીવુડની જાણીતી અને ઠરેલ અભિનેત્રી છે. ટેરેસમાં કોઈક વાર નજર મળી જાય તો હાથ ઊંચો કરી હાય હલ્લો કરી લે છે. અક્ષયના અને સુવર્ણાબેનના મૃત્યુ વખતે શેઠજી અને શ્વેતાને આશ્વાસન આપવા આવેલી અને ચા, કૉફી બિસ્કિટ મોકલેલા. એવો ખાસ અંગત સંબંધતો હતો નહિ. અને આતો શેઠજી કે શ્વેતાને નહિ પણ સોનાલીજીને મળવા માંગતી હતી. સોનાલીજી પણ વિચારતા હતા કે આ નિલીમા કોણ હશે.
શેઠજીએ કહ્યું. આને દો.
        નિલીમાએ અંદર આવી સૌને વિવેક પૂર્વક નમસ્કાર કર્યા. સોનાલીજીની ચરણ રજ લઈને માથે ચડાવી. ‘સોનાદીદી મને ઓળખી કે નહિ?’ સોનાલીની સ્મૃતિ એકદમ જાગૃત થઈ ગઈ માત્ર એકજ વ્યક્તિ એને સોનાદીદી કહેતી હતી અને તે નીલી આહુજા. અમદાવાદમાં જ્યારે આદિત્ય માત્ર દોઢ વર્ષનો હતો ત્યારે આઠ વર્ષની નીલીને સોનાલી સંગીત શિખવવા જતા હતા..
       રૂપાળી ઢીંગલી જેવી નીલી કોઈવાર સોનાદીદીનેત્યાં આવતી અને આદિત્ય અને મોનાને રમાડતી. પણ નીલીના પિતાની બદલી મુંબઈ થતા સંપર્ક તૂટી ગયો હતો. આજે સોનાલીને શેઠજીના બંગલામાં દાખલ થતા જોઈને ટીચરને મળવા દોડી આવી.
         સોનાલીએ મોટા થઈ ગયેલા આદિત્ય અને મોનાની ઓળખાણ કરાવી. લગ્ન પ્રસંગની વાતો કરી. સુંદરલાલે નિલીમાને ત્રણે દિવસનું આમંત્રણ આપ્યું.
         શ્વેતાએ ધીમે રહીને કહ્યું ‘જો નિલીમાજી માર્ગદર્શન આપે તો ત્રણે દિવસનો મ્યુઝિકલ પ્રોગ્રામ સરસ રીતે ગોઠવાઈ જાય.’
          એ જવાબદારી મારી. હું તમારી પાડોસી છું. આદિત્ય અને મોનાને મેં રમાડ્યા છે. મને મારા કુટુંબનો પ્રસંગ છે એવું અનુભવું છું. પણ એક શરત!
            શેઠજીએજ જવાબ આપ્યો ‘જાણ્યા વગર પણ હું કહીશ કે તમારી બધી શરતો અમને મંજુર છે. આટલા વર્ષે પ્રેમાળ પાડોસીની સાથે આત્મીય સંબંધ થયો એ અમારા સદભાગ્યની વાત છે. બોલો તમારી શી શરત છે?’
          શેઠજી આજે તમારે બધાએ સાંજનું ડિનર મારે ત્યાં લેવાનું. માત્ર તમેજ નહિ પણ દાદાજીને પણ લઈ આવવાના. તમારા ઘરના સૌ નોકર ચાકરને પણ મારું. આમંત્રણ છે. એઓ પણ મારા પાડોસી કહેવાય. કહેવાય છે કે પહેલો સગો પાડોસી.
            શરત જાણ્યા વગર હા તો કહી દીધી. પણ આતો તમે તમારી તકલીફ વધારવાની શરત કરી છે.
         આજે મારા ભઈલાને અને તોફાની મોનાને હું પિરસીસ. અમારે ત્યાં લક્ષમીમાસી બધી વ્યવસ્થા અડધા કલાકમાં કરી દેશે. આપણે સાંજે સાત વાગ્યે મળીશું. અત્યારે મારે ડબીંગ માટે જવાનું છે સાંજે પાંચ વાગ્યે પાછી આવી જઈશ.
           શેઠજીએ લાલાજીને બોલાવી સ્ટાફમાં બધાને સાંજના ડિનરની વાત કરવાનું કહ્યું. કિશન મહારાજને પણ કહેડાવ્યું કે લક્ષમી બહેનને જે કાંઈ મદદ જોઈતી હોય તે આપજો.
             તેજ સાંજે નિલીમાને ત્યાં ડિનર વખતે લગ્નના આયોજનને આખરી ઓપ અપાઈ ગયો.
અમેરિકા, ઈંગ્લેન્ડ ફોન અને ઈ-મેઇલ દ્વારા આમંત્રણ અપાયા. ઈન્ડિયામાં કુરિયર મારફતેલગ્નની આમંત્રણ પત્રિકાઓ રવાના થઈ ચુકી હતી. આમંત્રણ પત્રિકાનું ગોલ્ડન ગિફ્ટ બોક્ષ હતું. એમાં પહેલા કાર્ડ પર ત્રણ વરકન્યાના ફોટા અને લગ્નની તારિખ, તીથી અને ‘કુર્યાત્ સદા મંગલમ્’ લખેલું હતું. લેમિનેટેડ કાર્ડની નીચે ગણેશ મુર્તી અને ગણેશ સ્તવન હતું. એની નીચે વેડિંગ બેલ આકારની મોટી સ્વિઝ ચોકલૅટ હતી. ચોકલેટની નીચે શિવાનંદ કુટુંબના ગુરુજી અને નવસારીના ધર્મનિષ્ઠ પણ આધૂનિક વિચારના દસ્તુરજીના આશિર્વચનો હતા. એની નીચે જુદા જુદા અંગ્રેજી અને ગુજરાતી આમંત્રણ કાર્ડ હતા. લગભગ ૨૦૦૦ રિસેપ્શન આમંત્રણો બોક્ષ હતા. સવારનું લગ્નનું આમંત્રણ માત્ર ૫૦૦ વ્યક્તિ માટે હતું. એમાયે બે દિવસ પહેલાના મહેંદી અને ગરબાનું આમંત્રણ માત્ર ખાસ અંગત ૧૦૦ વ્યક્તિને જ અપાયું હતું.
          મહેંદી અને લગ્નની વચ્ચેના દિવસે ગ્રહશાંતિ અને રાત્રે સોનાલીજીના લગ્નગીતો, સિતાર શહનાઈનું સંગીત અને કોરિયોગ્રાફીવાળા બોલીવુડ ડેન્સપાર્ટીનુ આયોજન થયું હતું. એમાં લગભગ ૩૦૦ જેટલાને આમંત્રણ અપાયું હતું.
         મહેંદી ઉત્સવ સુવર્ણા વિલાની વિશાળ ટૅરેસમાં ગોઠવાયો હતો. ગ્રહશાંતિ અને મ્યુઝીકલ નાઈટ ‘ગ્રાન્ડ હ્યાટ’ના બેન્ક્વેટ હોલમા આયોજીત થઈ હતી. લગ્ન અને રિશેપ્સન ડિનર, લીલા એસ્ટૅટમાં રાખવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનનો ખર્ચો સુંદરલાલ શેઠજ ઉપાડતા હતા. ખરેખરતો એના એકના એક પુત્રના લગ્ન હતાને!
           લગ્નોત્સવની શરૂઆત સુવર્ણા વિલામા મહેંદીથી થઈ.
       ટેરેસ ગાર્ડનમાં રંગીન ફુવારાઓની સુગંધીત હવા વાતાવરણને ખુશનુમા બનાવતી હતી. મધ્યમા ત્રિકોણાકારમા ગોઠવેલી ત્રણ ખુરશી પર શ્વેતા, મોના અને નિકીતા મહેંદી મુકાવતા હતા. તેની બાજુમાં નાના વર્તુળમા સોનાલી, હેમાલીભાભી, મોનાના મમ્મી કુમુદગૌરી, મોહિતના મમ્મી બહારબાનુ, દીનાબેન, અમેરિકાથી આવેલા ડૉ.માર્થા અને માઈકના પત્ની સુઝન હમણાંજ આસિસ્ટન્ટ કમિશ્નર બનેલા મલહોત્રાની પત્ની અને શ્વેતાની કોલેજ ફ્રેન્ડ કાશમિરા તથા પાડોસી અભિનેત્રી નિલીમાને હાથે મહેંદી મુકાતી હતી. પ્રાચીએ નિકીતા મામ પાસેજ બેસવાનો આગ્રહ રાખ્યો હતો.
       સ્ટાફમાં યુવાન વિમળા અને જ્યોતિ પણ બાકી રહ્યા ન હતા. કાંતામાસી અને પાડોસી લક્ષમીબેને શુકનના હાથ રંગ્યા હતા. એક માત્ર પાર્વતિબાએ મહેંદી મુકાવી ન હતી. એમની માન્યતા હતી કે જેના લગ્ન થવાના હોય તેનેજ મહેંદી મુકવાની હોય. અને આમ પણ મારી ઉંમરે આવું સારું ન લાગે.
        આ સિવાયની અન્ય આમંત્રિત મહિલાઓને માટે ટેમ્પરરી મહેંદી સ્ટીકર્સ તૈયાર હતા. રૂચી પ્રમાણે લગાવવાનો આનંદ માણતા હતા.
       નિલીમાએ લગ્નગીતોમાં સ્પેશિયાલિસ્ટ એવી ચાર આર્ટિસ્ટને એના નાના ઓર્કેસ્ટ્રા સાથે બોલાવી હતી. સાથે બોલીવુડનું ડેન્સ ગ્રુપ હતું. ટેરેસમાં બે વિડિયોગ્રાફર અને ત્રણ ફોટોગ્રાફર ફરતા હતા. ટેરેસમાં લગ્ન ગીતો, ગરબા અને નૃત્યની મહેફિલ જામી હતી. માત્ર મહિલાઓજ હતી. ક્યારેક શૃંગારિક ટોળ ટપ્પા પણ થઈ જતા. પાર્વતિબા શિવ શિવ રટ્યા કરતા.
         બધા પુરુષો નીચે સેન્ટ્રલહોલમાં ખાણાપીણાની મોજ માંણતા હતા. ઉપરનો ક્લોઝસર્કિટ વિડિયો નીચે સેન્ટ્રલહોલમાં બીગ સ્ક્રિન પર બ્રોડકાસ્ટ થતો હતો. પુરુષો માત્ર મહિલાઓના આનંદના દર્શક બની રહ્યા.
           જલસો રાત્રે અઢી વાગ્યા સુધી ચાલ્યો.
       બીજે દિવસે સવારે શાંતાકૃઝ વેસ્ટમા આવેલી હ્યાટ ગ્રાન્ડના બૉલરૂમમાં લગભગ પાંચસો સ્વજનોની હાજરીમાં વેદના મત્રો સાથે ગણેશ પૂજન થયું. હિદુ અને પારસી રીત રિવાજોનું કુશળતા પૂર્વક સંયોજન થયું હતું કોઈ પણ પક્ષે ચોક્કસ પ્રણાલિકા જળવવાનો દુરાગ્રહ નહોતો.
શ્વેતા, નિકીતા અને મોનાએ લીલા અને કિરમજી રંગના ઘેરવાળા રાજસ્થાની ડિઝાઈનર લહેંગા-ચોલી અને મેચિંગ ઓઢણી પહેરી હતી. સમગ્ર ડ્રેસ પર વૅલ્વૅટ, સોનેરી ઝરી અને રેશમથી ભરેલા કલાત્મક મોર હતા. એના પ્રમાણમા ત્રણે વરરાજાઓએ સાદા સફેદ અચકન સલવાર પહેર્યા હતા.
       ગૃહપુજારી વલ્લભનું આજે મોટુ માન હતું. પિતાંબર અને પાઘડી પહેરી ગ્રહશાંતી અને અગ્નિપૂજન કરાવ્યું હતું. સુંદરલાલ દીકરાના લગ્નનો આનંદને હૈયામાં સાચવીને, ભંડારીને આવેલા સ્વજનોને કહેતા મારી દીકરી શ્વેતાના લગ્ન છે.
        ગ્રહશાંતી પછી લંચ; અને સાંજે શાસ્ત્રીય સંગીતનો અને ક્લાસીકલ ડાન્સનો પ્રોગ્રામ હતો. પ્રાચીએ સરસ રજુ કર્યો. પ્રાચી નિકીતાને ડેન્સ ફ્લોરપર ખેંચી ગઈ. બન્ને મા-દીકરીએ બધાને ડોલાવી દીધા. સોનાલીએ મન મુંકીને સિતાર વાદન કરી બઘાને ભાવુક બનાવી દીધા. છેલ્લે શેઠજીના પ્રીય કેદાર રાગ વાળા ગુડ્ડી ફિલ્મના ‘હમકો મન કી શક્તિ દેના’ ની ગત સાથે સમાપન કર્યુ. રાત્રે સીટડાઉન ડિનર લઈ ત્રીજા દિવસના લગ્ન સમારંભની તયારી માટે સુવર્ણા વિલા પર પહોંચ્યા.
          ત્રીજા દિવસે લીલા રિસોર્ટ એસ્ટેટના ગ્રાઊન્ડ પર સવારે વૈદિક લગ્ન વિધી શરૂ થઈ ગઈ. આદિત્ય, શ્વેતા, રાજુ અને નિકીતાએ રજવાડી આઉટ પહેર્યો હતો. મોના અને મોહિતે પાઘડી સાથેનો પરંપરાગત લગ્ન વખતે પહેરાતો સફેદ આઊટફીટ પહેર્યો હતો. મધુર મંગળ શરણાઈના સૂરો સાથે ત્રળાણ દંપતીના હસ્તમેળાપ થયા. શાર્દૂલવિક્રીડિતમાં મંગળાસ્ટક ગવાયા. અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરાયા. સુંદરલાલ શેઠ સોનાલીની બાજુમાંજ ઊભેલા હતા. અનાયાસે લાગણીવશ થયેલા શેઠજીથી સોનાલીનો હાથ પકડાઈ ગયો. સોનાલીએ ધ્યાન બહાર કે ઈરાદાપુર્વક હાથ છોડાવાની કોશીષ ન કરી. બધાનું ધ્યાન મંગળ ફેરા ફરતા દંપતી પર હતું. શ્વેતાનું ધ્યાન શેઠજીના હાથ પર ગયું. શેઠજીની નજર શ્વેતા સાથે મળી. પકડેલો હાથ છૂટી ગયો.
              થોડી મહિલા વર્ગની રીતો શરૂ થઈ. નવવધૂના કાનમાં ‘અખંડ સૌભાગ્યવતી’ ની શુભેચ્છાની શરૂઆત થતી હતી. આદિત્યે એ રીત અટકાવી દીધી. અણે કહ્યું બહેનો, માતાજીઓ, અજાણ પણે તમે પતિ કરતાં નાની ઉંમરની નવવધૂઓને વહેલી મરવાનો શ્રાપ આપી રહ્યા છો. જમાનો બદલાયો છે. કાનમાં નહિ પણ મોટેથી અમને બન્નેને સુખદ દાંપત્ય સાથેના દિર્ઘાયુષ્યના આશિર્વાદ આપો. જુનવાણી સ્ત્રીઓ, ખાસ કરીને પાર્વતિબા, સુંદરભાઈના જમાઈની વાતથી ડગાઈ ગયા. પાર્વતિબાએ શિવ શિવ કરતા કળીયુગને દોષ દીધો. યુવતિઓએ તાળીથી નવો વિચાર વધાવી લીધો.
            સાંજે રિસેપ્શન શરૂ થયું. રિસેપ્શન ટેન્ટના મુખ્ય દ્વાર પર બે શુશોભિત હાથીઓ ઝૂલતા હતા. ટેન્ટમાં દાખલ થવાના લાંબા રસ્તા પરથી આવતા આમંત્રિતો પર ગુલાબની પાંખડીઓ અને ગુલાબ જળનો છંટકાવ થતો હતો. સુંદરલાલ શેઠ અને સોનાલીજી, શિવાનંદ શર્મા અને પાર્વતિજી, ડૉ ફિરોઝશા મહેતા અને ડો.બહારબાનુ, ડો.જમશેદજી દારુવાલા અને દીનાબહેન ભરૂચા, કુંદનલાલ અને તેમના પત્ની સૌનું સ્વાગત કરતા હતા. અગ્રગણ્ય દેશનેતાઓ, બોલીવુડના કલાકારો, વ્યાપાર જગતના માધાંતો, અને ડોકટરોથી એસ્ટેટ પરનો મોટો શામિયાણો ઉભરાતો હતો. મીઠું પણ માદક સંગીત લાઈવ ઓર્કેસ્ટ્રા સાઉન્ડ્ સિસ્ટિમમાં વહાવતા હતા.
         એકાએક શામિયાણાની તમામ લાઈટ ઝબૂકવા લાગી. ઓર્કેસ્ટ્રાનો ડ્રમ રોલ થયો અને થ્રીટાયર સ્ટેજ પર શિવાનંદ કુટુંબના ગુરુજી દસ્તુરજી અને વ્હિલચેરમાં દાદાજી પ્રવેશ્યા. ગણપતદાદાની વ્હિલચેર લાલાજી પુશ કરતા હતા.
             ફરી ડ્રમરોલ થયો. કુંદનલાલ અને કુમુદગૌરી, ડો.ફિરોઝશા અને ડો. બહારબાનુ, શિવાનંદ અને પાર્વતિબેન, પછી સોનાલીજી, યોગેશભાઈ, હેમાલીભાભી અને સૌરભ બીજા નંબરના સ્ટેજ પર ગોઠવાયા. બધી લાઈટ્સ ફરીથી લાંબો સમય સુધી ઝબ્ક્યા કરી. ફ્લ્ડ લાઈટ શેઠશ્રી સુંદરલાલ પર કેન્દ્રિત થઈ. શેઠજીએ આમંત્રિતોને વંદન કરતા સ્ટેજ પર સૌની મધ્યમાં સ્થાન લીધું. ઓર્કેસ્ટ્રાએ હી ઈઝ જોલી ગુડ ફેલો ની ધુન જમાવી. બધાએ તાળિઓના અને ફુટસ્ટ્રોકના તાલથી શામિયાણો ગજાવી મુક્યો.
               ઓર્કેસ્ટ્રા શાંત થઈ ગયું.ઝબુકતી રોશનીએ થાકીને વિરામ લીધો.
મધ્યમાં એક સ્ટેજ ઉપસી આવ્યું. પાંચ શણગારેલા ઊંટ પર બેઠેલા સાજીંદાઓ શહનાઈ પર મંગલ સૂરો છોડતા હતા.
           છેક પાછળથી એક ચાર ઘોડાની બગી દાખલ થઈ. એમાં શ્વેતા અને આદિત્ય હતા. ધીમે ધીમે લાલ ફ્લડલાઈટના વર્તુળ સાથે બગી સ્ટેજ તરફ સરતી હતી. એમાં શ્વેતા અને ઊભેલા હતા. ઊભા થયેલા સૌ તરફ હાથ હલાવતા એને વૃદ્ધ આમંત્રિતો પ્રત્યે નમસ્કાર કરતા હતા.
          ડાબી બાજુ પરથી એવીજ બગી ભૂરી ફ્લડ લાઈટમા સ્ટેજ તરફ આગળ વધતી હતી. એમાં રાજુ અને નિકીતાની વચ્ચે પ્રાચી બધાને વૅવ કરતી હતી.
         જમણી બાજુપરથી લીલી ફ્લડલાઈટમાં આવતી ત્રીજી બગીમાં મોના અને મોહિત હતા. મોના બધાને સ્મિત સાથે ફ્લાઈંગ કિસ આપતી હતી.
         ત્રણે વરરાજાએ ગ્રે ટક્ષિડો પહેર્યો હતો. નવ પરિણીતાઓએ વેસ્ટર્ન લોંગ વેડિંગ ગાઊન પહેર્યા હતા.
         માત્ર અગાઉથી નક્કી કરેલા મર્યાદિત આમંત્રિતોએજ સ્ટેજ પર જઈ નવપરિણીત દંપતિ સાથે હસ્ત ધૂનન કરવાનું હતું.
        ગ્રીટિંગ્સ પુરા થયે સૌથી પહેલા ફ્લોર પર આવી ત્રણ દંપતિએ સ્લો ડાન્સ કર્યો. ત્યાર પછી સ્ટેજના સેકંડ ટયરમાં બેઠેલા વડિલોએ વિવેક પુરતો ડાન્સ્ કર્યો. સુંદરલાલને ડાન્સના માધ્યમ દ્વારા હજારોની હાજરીમાં સોનલીના સ્પર્શસુખનો લાભ મળ્યો. પાર્વતિને બદલે શિવાનંદે પૌત્રી પ્રાચી સાથે ડાન્સ કર્યો. શિવાનંદ બેસી ગયા. એમની જગ્યા સૌરભે લઈ લીધી. નિલીમાએ જોયું કે લાલાજી હતાશ ચહેરે ખૂણા પર અદબ વાળીને ઊભા હતા. ‘ક્યા હુવા લાલાજી? ડેન્સ નહિ કરના?’ ઊંડો શ્વાસ મુકતા લાલાજીએ કહ્યું ‘કોઈ પાર્ટ્નરભીતો ચાહીયેના!’
        ‘આપ મેરે સાથ ડેન્સ કરોગે?’ લાલાજીને માટે જીવનની એ અણમોલ ઘડી હતી. સામાન્ય લાલાજી એક પ્રસિધ્ધ અભિનેત્રી સાથે ડેન્સ કરી રહ્યા હતા. શ્વેતા મેડમની રિશેપ્સન પાર્ટિ જીવન ભરનું સુખદ નજરાણું આપી ગઈ.
         અને પછીતો બધુંજ યુવાન થનગંતુ લોહી બે કલાક નાચતું રહ્યું. દરેક ઉત્સાહને થાક તો હોયજ. બધા થાક્યા. ડિનર શરું થયું.
           ……ભવ્ય રિશેપ્સન પછી ત્રણ લિમોઝિન ત્રણ દંપતીને તાજના હનીમુન સ્વિટ પર લઈ ગઈ. બીજી સાંજે કુટુંબીજનો તાજમા આવી પહોંચ્યા. સાથે ડિનર લેવાયું.
          શ્વેતા અને આદિત્ય હનીમુન માટે હવાઈ ઊપડ્યા. રાજુ અને નિકીતા ન્યુઝિલેન્ડ ગયા. મોહિત અને મોનાએ હનીમુન અમેરિકામાં પોતાના એપાર્ટમેન્ટમાંજ ઉજવવાનું નક્કી કર્યું હતું. એક વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું રિસર્ચવર્ક પુરું કરવાનું હતું. તેઓએ મુંબઈ, ઉદવાડા, નવસારી અને સુરતના આતસબહેરામની મુલાકાત લઈ ચંદન કાષ્ટ અર્પણ કર્યા. ત્યાંથી વડનાગરના હાટ્કેશ્વર મહાદેવમાં રૂદ્રાભિષેક કર્યો. અંબાજીમા અંબામાતા દર્શન કરી બે દિવસ માઉન્ટ આબુ પર હનીમુન માણ્યું બે દિવસ અમદાવાદમાં વડિલો સાથે ગાળી મોના અને મોહિત અમેરિકા પહોંચ્યા.

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૮]

 

sweta title image final
વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૮]

          તે રાત્રે શેઠજી અને મોનાએ મોનાના પિતા અને સુંદરલાલની અમદાવાદ બ્રાંચ ઓફિસના મેનેજર કુન્દનલાલ મહેતા સાથે ખુબ લાંબી વાતો થઈ.
       બધો તખ્તો સરસ ગોઠવાઈ ગયો. કાલથીજ નિકિતાની ટ્રેઈનિંગ શરુ થઈ જવાની હતી. કેટલીક પોસ્ટ સર્જિકલ ટ્રિટમેન્ટ ત્રણ મહિના પહેલા પુરી થાય એમ ન હતી. હારમોન થેરેપી, વોઈસ ટ્રેનિંગ વગેરે બાકી હતું. એ ઉપરાંત સોનાલીમાસી, શ્વેતા અને મોના પાસે નિકિતાએ ગુજરાતી રસોઈ શીખવાની હતી.
        મોના નિકિતાને રૂદ્રાભિષેકના થોડા વેદોક્ત ષ્લોક,  મહિમ્ન સ્તોત્ર, ષોડસોપચારી પૂજા શીખવવાની હતી. સોનાલીમાસી થોડા ભજન શીખવાના હતા. નિકિતાને સંપૂર્ણ, ગુજરાતી બ્રહ્મ કન્યામાં ફેરવવાની હતી. ‘રાજુભાઈ અને નિકિતાની વાત પૂરી થાય પછી મને પણ કંઈ બોલવાની તક આપશો?’ આદિત્યે હાથ ઊંચો કરી પૂછ્યું.
          મોનાએ એકાક્ષરી જજ્મેન્ટ આપી દીધું.’ના’
          ચાંપલી, મેં તને નથી પૂછ્યું.
       સોનાલીએ કહ્યું ‘તમે બન્ને ક્યારેયે સુધરવાના નહિ. નાનપણથી કુતરા બિલાડાની જેમ આખી જીંદગી લડ્યા કરવું છે? હવે તો મોટા થયા. વડીલોની આમન્યા રાખતા શીખો.
          હું પણ માસી એને એજ સમજાવવા માંગુ છુ. બુદ્ધિનો બળદિયો સમજતોજ નથી. તમે જ એને છાપરે ચડાવ્યો છે.
          મોના હું એકલા આદિત્યને નહિ પણ તને પણ હવે ડાહી થવાનું કહું છું. તમે ગમે તેમ વાતો કરો તે શ્વેતાને ન ગમે એટલોતો વિચાર કરો! શ્વેતા બન્ને તરફ જોઈને મંદ મંદ હસતી રહી.
          મોનાએ પોતાના બન્ને કાન પકડ્યા. ‘ભાઈ સાહેબ તમારે જે પ્રસ્તુત કરવું હોય તે નિઃસંકોચ રજુ કરો.
          થેક્યુ મહાકાલી, મહાદુર્ગા…. મમ્મી કાલે સવારની ફ્લાઈટમા એલ.એ. જવાનું છે. પ્રીસર્જરીના ચાર કન્સલ્ટેશન છે. જો તમને વાંધો ન હોયતો શ્વેતાને લઈ જાઉં. શ્વેતાએ મોટાભાઈ બાપુજી અને સોનાલી મમ્મી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. શેઠજી પ્રશ્ન સમજ્યા. હા બેટા ખુશીથી જાવ. મોના શરારતી નજરે આદિત્ય તરફ જોઈને આંગળી હલાવતી હતી.
          આદિત્યે સવારની ફ્લાઈટ માટે શ્વેતાનું રિઝર્વેશન કરાવી દીધું.
          ‘બાપુજી, મેં શ્વેતા સાથે નક્કી કર્યું છે કે લગ્ન પછી અમે બોમ્બેજ સ્થાયી થઈશું. મમ્મીની પણ એજ ઈચ્છા છે. હું દર મહિને એક વીક માટે વિઝીટીંગ સર્જન તરીકે કન્સલ્ટિંગ માટે અમેરિકા આવીશ. મારા ક્લાયન્ટ સર્જરી માટે ઈન્ડિયા આવશે. અહિના ઘણા પેશન્ટ સર્જરી માટે આર્થિક કારણોસર બીજા દેશમાં જાય જ છે. મને અમેરિકા, યુરોપ અને મિડલઈસ્ટના ધનિક ક્લાયન્ટ પણ મળી રહેશે. મુશ્કેલી માત્ર રેસીડન્સ અને સર્જરી સેન્ટર માટે લોકેશન શોધવાનું છે.’
        ‘જો બેટા એ ચિંતા કરવાની જરૂર નથી. પારલામાં એક મોટી ફાઈવ સ્ટાર હોટેલનું અમેરિકન કંપની સાથે ડીલ થઈ ગયું છે. એના અઠ્ઠાવીસમાં માળે આપણે મેડિકલ સર્જીકલ સેન્ટર બનાવીશું. એમાં તારું સર્જીકલ સેન્ટર, રાજુનું કેન્સર રિસર્ચ સેન્ટર, અને મોના મોહિતની હૉસ્પિટલનો સમાવેશ પણ કરીશું.’
          ના શેઠજીકાકા અમે તો અમદાવાદમાં સેટલ થઈશું. અમારા બન્નેના ફેમિલી ત્યાંજ છે. ફાધર ઈન લૉએ બધું પ્લાનિંગ કરીજ રાખ્યું છે. શ્વેતાએ પણ ડિલીવરી માટે અમદાવાદજ આવવું પડશે.
      સમય આવ્યે તમેજ નક્કી કરજો. કેટલીક બાબતોમાં સોનાલીજી અને હેમાલીભાભીના અભિપ્રાયની અવગણના પણ નહિ થઈ શકે. અને જ્યાં સુધી મુંબઈના રેસિડન્સનો પ્રશ્ન છે તે પ્રશ્નજ નથી. સુવર્ણા વિલા તમારું જ છે.’
           પણ બાપુજી, ઘરજમાઈ થઈને રહેવાનું કેટલું યોગ્ય છે?
શેઠજીની આંખભીની થઈ.
         સોનાલી શેઠજીની મુઝવણ સમજી ગયા. એણે કહ્યું બેટા. તારે માત્ર જમાઈ તરીકે નહિ પણ એના પુત્રની જેમ પણ ફરજ બજાવવાની છે. તારે એની સેવા કરવા માટે પણ ત્યાં રહેવાનું છે. શેઠજીને વાંધો ન હોયતો હું પણ ત્યાં જ રહીશ.
          ‘આપણો એક આખો પરિવાર સાથે રહે એનાથી રૂડું શું?’ શેઠજીએ ગળગળા થતાં કહ્યું. ‘શ્વેતા, આદિત્યને અને સોનાલીમમ્મીને આપણા ઘરનો ખ્યાલ નથી. તને તો છે. મારો માસ્ટર બેડરૂમ તમે વાપરજો. બાજુનો તારો મોટોરૂમ મમ્મી વાપરશે. તારી ઓફિસને મ્યુઝિક રૂમ બનાવીશું. એને સાઉન્ડ પ્રુફ રેકૉર્ડિંગ સ્ટુડિયો બનાવીશું. નીચેનો કોન્ફરન્સ રૂમ, હું ગણપતકાકા સાથે વાપરીશ. બરાબર છેને?’
          ‘બાપુજી તમારી સગવડ અને ઈચ્છા પ્રમાણે કરીશું.’
          ‘આપણે લગ્ન ક્યારે રાખવા છે?’ સોનાલીએ પુછ્યું
       મારે કુંદનલાલ સાથે વાત થઈ ગઈ છે. નિકિતાની ટ્રિટમેન્ટ પુરી થાય પછી તરત જ મેળ પાડીશું. વસંત પંચમીને હજુ ત્રણ સાડાત્રણ મહિનાની વાર છે એટલામાંતો નિકિતા બધી રીતે તૈયાર થઈ જશે. મોનાના લગ્ન પણ સાથે જ કરવા વિચાર છે. આમાં યોગેશભાઈ, હેમાલી અને ડૉકટર ફિરોઝના અભિપ્રાય પણ લેવા પડશે.
      ‘શેઠજી, હું શ્વેતાનો ભાઈ છું પણ આજે અમારા વડિલ તરીકે અમારા પિતાના સ્થાનેતો આપ જ છોને! તમે અને સોનાલીજી જે નિર્ણય કરશો તે મને અને હેમાલીને માન્યજ હશે.’
          મોહિત, મોના, શેઠજી, સોનાલી, કુંદનલાલ અને ડૉ.ફિરોઝ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા વાત થઈ ગઈ. વસંત પંચમીની સવારે ટૂંકી વૈદિક વિધીથી મુંબઈમાં જ લગ્ન કરવાનું. નક્કી થઈ ગયુ. રાજુ આદિત્યના કાનમાં ગણગણ્યો. ‘અરે છોટેમિયાં! તેરા હુઆ, અબ મેરા ક્યા?’
          નિકિતાએ આ સાંભળ્યું. તેનો ચહેરો શરમથી લાલચોળ થઈ ગયો. આદિત્યને મૅડિકલ સક્સેસનો સંતોષ થયો. હારમોન્સ ટ્રિટમેન્ટે નિકુળના સ્ત્રીત્વ બહાર લાવી તેને નિકિતા બની દીધી હતી. હજુ એ ટ્રિટમેન્ટ ચાલુ રાખવાની હતી.
          વહેલી સવારે શ્વેતા પ્લેનમાં, વચ્ચેનો હેન્ડરેસ્ટ ઉંચો કરીને આદિત્યની સોડમાં ભરાઈને લૉસએન્જલેસ તરફ ઉડી રહી હતી. શેઠજી, યોગેશભાઈ અને રાજુ પોતાનો સામાન પેક કરીને નૉવાર્ક એરપોર્ટ પર જઈ રહ્યા હતા.
                                                         **********
          એ વાતને આજે અઢી મહિના થઈ ગયા. દરમ્યાન રાજુ ત્રણવાર અમેરિકા જઈ આવ્યો. શિવાનંદને કુતુહલ તો થતું પણ ગંભીર રાજુની ગંભીરતા ઓગળતી જોઈ ખુશ હતા. રાજુ પ્રાચીની સાથે પ્રેમથી રમતો થઈ ગયો હતો. પાર્વતિબાના પેટમાં તેલ રેડાતું. એને ખાત્રી થઈ ગઈ કે વહેલો મોડો કોઈ ધૉળી ચૂડેલને બ્રાહ્મણના ઘરમાં ઘાલવાનો છે. એણે ન્યાતીના સગાવહાલાઓમાં વાત વહેતી મુકી કે દીકરાને પરણાવવો છે.
              ઘણી છોકરીઓની લાઈન લાગી પણ રાજુ બધીને રિજેક્ટ કરતો રહ્યો.
         શ્વેતા પણ બોમ્બે આવી ગઈ હતી. ખરેખરતો શેઠજી, શ્વેતા, યોગેશ્ભાઈ,     હેમાલીભાભી અને રાજુએ ભવ્ય લગ્નનું આયોજન કરવા માંડ્યું હતું.
           આજે સુંદરલાલ, શ્વેતા, ગણપતકાકા, શિવાનંદ, પાર્વતિબા, રાજુ અને પ્રાચી સુંદરલાલ શેઠના સેન્ટ્રલહૉલ દિવાનખાનામા મહેમાનની રાહ જોતા બેઠા હતા.
         બધુ સુંદરલાલેજ ગોઠવ્યુ હતું. અમદાવાદની બ્રાન્ચ ઓફિસના મેનેજર શ્રી કુંદનલાલ છોકરીને લઈને આવવાના હતા. લાલાજી શેરખાન એમને એરપૉર્ટ પર લેવા ગયો હતો.
          બરાબર ચાર વાગ્યે કાર પૉર્ચમાં આવી ઉભી રહી. શેઠજી જાતે એમને લેવા ગયા. કુંદનલાલ એક ઉંચી સૌંદર્યવાન યુવતિ સાથે સુવર્ણાવિલામાં દાખલ થયા. એ સ્વરૂપવાન સુંદરી ફોયરમાં સ્થાપિત ગણપતિ પરિવારની મુર્તિઓએ બે મિનીટ પ્રણામ કરીને ઉભી રહી. પાર્વતિબા એને જોઈજ રહ્યા.
          કુંદનલાલ શેઠજીના બંગલામાં પહેલી વાર આવતા હતા. આખરેતો શેઠજી એના બોસ હતા. એઓએ ઘણા ઉપકાર કર્યા હતા. શેઠજી એમનો હાથ પકડી પ્રેમથી ઘરમાં લઈ આવ્યા. શિવાનંદ પણ એમને ઓળખતા હતા. શેઠજીએ પરિચય કરાવ્યો. ‘કુંદનલાલ, આ મારા બાળપણના જિગરજાન મિત્ર શિવાનંદને તો તમે ઓળખોજ છો.’
‘આ એમના ધર્મપત્ની પાર્વતિબહેન છે. અત્યંત ધર્મનિષ્ઠ છે. આ એમનો પુત્ર રાજેન્દ્ર છે જેને અમે બધા રાજુ કહીએ છીએ. એઓએ અમેરિકામાંથી ઓન્કોલોજીમાં સ્પેશિયાલીટી મેળવી છે. દશ વર્ષ પહેલા એમના પહેલા પત્ની નિરાલીબહેન આ દીકરી પ્રાચીના જન્મ પછી દેવલોક પામ્યા હતા. નિરાલીબહેનના ભાઈ નિકુળભાઈ પ્રાચીની સંભાળ રાખતા હતા. તેઓ હવે લગ્ન કરીને લંડનમાં સ્થાયી થયા છે. પરિવારને લાગે છે કે પ્રાચીને ખાતર પણ રાજુએ પુનર્લગ્ન કરવા જરૂરી છે. પ્રાચીએ એની નિરાલી મમ્મીને તો જોઈજ નથી. એને પણ, પ્રેમથી મમ્મી કહી શકે એવી વ્યક્તિની હુંફની જરુર છે.’
          ‘કુંદનભાઈ હવે તમે તમારી ભત્રીજીનો પરિચય કરાવો.’
         કુંદનલાલ બોલવાનું શરૂ કરે તે પહેલા નિકિતા ઉભી થઈ અને માથે સાડી ઓઢી વડિલોને પગે લાગી. એ પ્રાચીની પાસે બેસી ગઈ. પ્રાચીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. પ્રાચી એની પોતાની લાગણીઓને સમજી શકે એટલી પુખ્ત ન હતી પણ એને પરિચિત સ્પર્શનો અહેસાસ થયો.
        કુંદનલાલે શરૂ કર્યુ. ‘અમે વડનગરી નાગર બ્રાહ્મણ. અમારા કુળદેવતા હાટકેશ્વર મહાદેવ. ઘરના સંસ્કાર શિવપુજાના. મારા પિતાનો ઘંધો એકાઉન્ટિંગનો એટલે અટક મહેતા થઈ ગયેલી. મને એક ભાઈ હતા. કેદારનાથ. મારા કરતા પાંચ વર્ષ મોટા. અઢાર વર્ષની ઉંમરે એ ઈંગ્લેન્ડમાં હાટકેશ્વર મહાદેવના મંદિરમાં પુજારી તરીકે ચાલ્યા ગયેલા. ત્યાર પછી આ નિકિતાના જન્મ પછી એકજ વાર અમદાવાદ આવેલા. ખુબજ ધાર્મીક જીવ. આ નિકીતાને ઉચ્ચ શિક્ષણ આપ્યું પણ એને બ્રાહ્મણ સંસ્કારમાં જુનવાણી રીતેજ ઉછેરી. ગયે વર્ષે એ અને મારા ભાભી કાર એક્સિડન્ટમાં ઘાયલ થયા. ભાભી તો સૌભગ્ય સાથે તે સ્થળે જ દેવલોક પામ્યા. પણ મોટાભાઈના પ્રારબ્ધમાં એક અઠવાડિયું વધારે લખાયલું હશે. એમણે ફોન પર નિકિતાની સોંફણ નોંધણ મને કરી. કોઈક બ્રાહ્મણ સાથે પરણાવવાની જવાબદારી મને સોંફી છેલ્લો શ્વાસ મુક્યો.’ કુંદનલાલની આંખો ભરાઈ આવી.
          એનો અંતર આત્મા જાણતો હતો કે નિકિતા સિવાયની બધીજ વાત સાચી હતી. એમની સાચી ભત્રીજી દેવાંગીએ ગયે વર્ષે જ લંડનમાં બ્રાહ્મણ એન્જીનીયર સાથે લગ્ન કર્યા હતા. પોતે તો જઈ ન્હોતા શક્યા પણ અમેરિકાથી મોનાએ લગ્નમાં હાજરી આપી હતી. જમાઈના પિતા મૂળ પોરબંદરના હતા. જ્ઞાતિ મિત્ર હતા. લંડનમા જ સેટ થયેલા હતા.
          સમગ્ર જૂઠાણાની કોરિયોગ્રાફી શેઠજીએ મોના સાથે ગોઠવી હતી.
          સુંદરલાલ લગ્ન પછી જ શિવાનંદને સાચી વાત જણાવવાના હતા.
       ‘અમારી નિકિતા પણ લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સની ગ્રેજ્યુએટ છે. આપણા બિઝનેશ અંગે પણ સારું એવું વાચ્યું છે.’ કુંદનલાલે નિકિતાના વખાણ કરવા માંડ્યા. એ મોટાભાઈ પાસે વેદોક્ત મંત્રો પણ શીખી છે. તમારે એને કંઈ પણ પુછવું હોય તો પુછી શકો છો.’
         ‘બેટી, મારે પુછવાનું તો કશું જ નથી. માત્ર કહેવાનું જ છે. સુંદરકાકાએજ મને આ ધંધામા પલોટ્યો છે. નહિતો હું તો કોઈ કારકુની કરી ખાત અને થોડી યજમાન વૃત્તિ કરી લેત. તું ભણેલી છે. હવેતો બે કંપનીનું મર્જીંગ પણ પુરું થઈ જશે. તું બિઝનેશમાં મદ્દદ કરશે?‘
       ‘એ તો મારી ફરજ છે કે વડિલોની ઈચ્છાને આજ્ઞા માનીને સમજ અને શક્તિ પ્રમાણે કામ કરવું. આઈ વીલ ટ્રાઈ માય લેવલ બેસ્ટ. અલ્ટીમેટલી ઈટ ડિપેન્ડ ઓન યોર સનસ્ વીશ.’
         ‘બેટી એક બીજી વાત. મારી પ્રાચીને સગી માનું વહાલ મળે એટલી જ ઈચ્છા છે.’ શિવાનંદનો અવાજ ગળગળો થઈ ગયો.
         પાર્વતિબાએ કહ્યું ‘નિકિતા માત્ર પ્રાચીની જ મા નહિ. પણ મારા બે-ત્રણ પૌત્રની મા પણ બની રહે એ આશા છે.’
         સૌ સ્તબ્ધ થઈ ગયા. તેઓ જાણતા હતા કે નિકિતા ગર્ભવતી થઈ શકે એમ નથી. અત્યાર સુધી ચૂપ બેઠેલા રાજુએ બાજી સંભાળી લીધી.
        ‘મારે એક વાત કહેવી છે. પ્રાચીના ઉછેરમાં વાંધો ન આવે એટલે એના જન્મ પછી મેં ઓપરેશન કરાવી નાખ્યું છે. હવે મને સંતાન થઈ શકે એમ નથી. બીજા સંતાનની ઈચ્છા પણ નથી. કાકાશ્રી અને નિકિતાને એ મંજુર નહિ હોય તો આ સંબંધમા આગળ વધવાની જરૂર નથી.’ રાજુ ઊભો થઈ ગયો.
         પાર્વતિબાના માથા પર પહાડ તૂટી પડ્યો. શું મારો વંશ અહિથી જ અટકી જશે?. ખરેખરતો બહારથી સારો દેખાડો કરતા દીકરાએ સ્વચ્છ્ંદી જીવન જીવવા માટે જ ઓપરેશન કરાવી નાંખ્યું હશે. દીકરાએ પુછવાની વાત તો બાજુએ પણ આજ સુધી કહ્યું પણ નહિ! બધાની હાજરીમાં પાર્વતિ બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ‘મારે નિર્દોષ નિકિતાનું જીવન બગાડવું નથી.’
          કુંદનલાલ ઘડાયલા હતા. સ્કિપ્ટ વગરનો ડ્રામા ચાલુ રહ્યો. એ ઊભા થયા. ‘બેટા નિકિતા, આપણે જઈશું? ‘
           ‘કાકાજી જો આપના આશિર્વાદ હોય તો મારે એમની સાથે જ રહીને વડિલોની સેવા કરવી છે. આજના સમયમા સંસ્કારી હોય અને પ્રેમાળ પણ હોય એવા વડિલો મળવા મુશ્કેલ છે. હું એને નિરાલીબહેન કે એના નિકુળમામાની ખોટ સાલવા નહીં દઉં. હું પ્રાચીને મારા લોહીની દીકરી છે એમ ઉછેરીશ. થોડા વર્ષોમાં એ મોટી થશે. એના બાળકો બાના ખોળામાં રમશે. ‘
          ‘મેમ, મે આઈ કોલ યુ મમ્મી?’ પ્રાચી નાની હતી પણ છેક નાદાન ન હતી.
         ‘યેસ ડિયર આઈ એમ યોર મમ્મી. પ્લિઝ કોલ મી મમ્મી ઓર મામ વોટએવર યુ લાઈક.’
          ‘ઓહ નાઈસ…… આઈ’લ કોલ યુ મામ.’
          બધા મા દીકરીનો સંવાદ સાંભળી ભાવવિભોર થઈ ગયા.
          ‘મામ, ડુ યુ નો ડેન્સ?’
          ‘યેસ, ….આઈ નો કથ્થક.’
          ‘રિયલી?’
          ‘યસ. …’
          નિકુળ નાનો હતો ત્યારે કથ્થક શિખ્યો હતો અને નિરાલી ભારત નાટ્યમ શીખી હતી.
         ‘મને કરી બતાવોને.’
          બેટી કોઈ વાર કરી બતાવીશ.
          ‘નો મામ. આઈ વોન્ટ ટુ સી નાવ.’
       નિકિતાએ પાર્વતિબા સામે જોયું. પાર્વતિબાએ પણ આગ્રહ કર્યો. બે લાઈન બતાવી દેને! જીદ્દી છોકરી છે.
        નિકિતાએ રાવણ રચિત તાંડવ સ્તોત્રની બે લાઈનના બોલ બોલી મુદ્રા કરી બતાવી. સૌએ તાળી પાડી. પ્રાચી નિકિતાને વળગી પડી. પાર્વતિબાએ ઉઠીને બન્નેને બાથમાં લઈ લીધા.

          ‘આપ સૌને મારે એક બીજી સ્પષ્ટતા કરવાની છે. મારી પોતાની દીકરી મોનાના વસંતપંચમીના લગ્ન છે. શેઠજીની કૃપાથી તે અમેરિકા ગઈ. ત્યાં એક પારસી ડૉક્ટરના પ્રેમમાં પડી. મારી મરજી વિરૂધ્ધના આ આંતરજાતીય સંબંધ છે. હું એ લગ્નમા હાજરી પણ આપવાનો નથી. હું એકલી નિકિતાનું જ કન્યાદાન કરીશ.’ કુંદનલાલ હાથ જોડી ઊભા રહ્યા.
          ‘ના કાકાજી, અમે બન્ને બહેનો એક જ માંડવામા સાથે જ લગ્ન કરીશું. અને તમારે જ કન્યાદાન કરવું પડશે. નહિતો હું લગ્ન કરવાનું માંડી વાળી લંડન ચાલી જઈશ. કાકાજી તમેતો શાસ્ત્ર ભણ્યા છો. તમે આધૂનિક વિચારના છો. મોના તો મારા કરતાએ વધુ ભણેલી છે. વેદ પુરાણમા પણ આપણા કરતા વધુ જાણકાર છે. મને એણે જ સમજાવેલું કે જેમણે અઢાર પુરાણ અને ચાર વેદોનું સંપાદન કર્યું છે એ ભગવાન વેદ વ્યાસજીના પિતા પરાશર બ્રાહ્મણ અને માતા માછીમારની પુત્રી મત્સ્યગંધા હતી. આપણે બ્રાહ્મણો ક્ષત્રીયો કરતાં ઊચા હોવા છતાં રામ અને કૃષ્ણને પુજીએ જ છીએને. ઈન્દીરા ગાંધી બ્રાહ્મણ હતા અને એ પણ પારસીને પરણેલા જ ને! મેં પરદેશમાં અને અહિ ભારતમાં પણ વંઠેલ બ્રાહ્મણ પુત્રોને દારૂ પીતા, માંસાહાર કરતા અને હલકી કક્ષાની છોકરીઓ સાથે નાચતા જોયા છે. એના કરતાતો મોનાએ પસંદ કરેલો પારસી પુત્ર ખુબજ સંસ્કારી છે. કાકાજી પાર્વતિબાને જ પુછી જુઓ. એ તમારા જેવા જુનવાણી તો ન જ હોય. કેમ બા હું સાચી છુંને?’
        પાર્વતિબાની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ. એમને કહેવું પડ્યું ‘કુંદનભાઈ આપણે બન્ને દીકરીઓના લગ્ન સાથેજ કરીશું અને બન્ને દીકરીઓના કન્યાદાન પણ મનમોટું રાખી તમારે જ કરવાના.’
           …અને પુજારી વલ્લભે ગૃહમંદિરમા દિવો કર્યો. વલ્લભની સાથે કુંદનલાલ અને નિકિતાએ સ્પષ્ટ ઉચ્ચારો સાથે પ્રભુ પ્રાર્થના કરી. વાતાવરણ મંગલમય બની ગયું. કુંદનલાલે રાજુને તિલક કરી શુકનના સવાસો રૂપિયા અને શ્રીફળ આપ્યું. પાર્વતિબાએ નિકિતાને ચાંલ્લો કરી આશિર્વાદ આપ્યા. એઓ આ માટે તૈયાર ન હતા પણ રાજુ તૈયાર હતો. એણે ગજવામાંથી હીરાની વીંટી કાઢી નિકિતાને પહેરાવી.
           તે સાંજે કિશનમહારાજે શુકનના કંસાર સાથે ત્રણ મિષ્ઠાન અને ચાર ફરસાણનું ભોજન કરાવ્યું. શેઠજીએ અને શ્વેતાએ બધાને રાત્રે સુવર્ણા વિલામાં જ આગ્રહ કરીને રોકી પાડ્યા. આવતી કાલે સોનાલી, આદિત્ય, મોના અને મોહિત આવવાના હતા. મોહિતના માતા પિતાને ફોન કરી કાલે બોમ્બે બોલાવ્યા હતા. લગ્નનું ફાયનલ આયોજન કરવાનું હતું.
          બીજી સવારે શ્વેતા બધાને લેવા એરપોર્ટ પર પહોંચી ગઈ. શ્વેતાનો તલસાટ જોઈને શેઠજીએ સોનાલી અને આદિત્યને લેવા જવાનો ઉમળકો અંકુશમાં રાખ્યો.
બધા આવી ગયા.
        ડૉમેસ્ટિક એરપોર્ટ પર, મોનાના મમ્મી અને સાસુ સસરાને લેવા લાલાજી શેરખાન ગયા હતા.
         લાલાજીની કારમાંથી ત્રણ મહેમાનને બદલે પાંચ મહેમાન ઉતર્યા. સૌએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું.

 

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૭

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૭

 

 

        રવીવારે મળશ્કે સુવર્ણ વિલામાં આનંદનો માહોલ હતો. ઘરના સેન્ટ્રલ હોલમાં બીગ સ્ક્રિન પર અમેરિકાથી એન્ગેજમેન્ટ પાર્ટીનું જીવંત પ્રસારણ થવાનું હતું. હેમાલીભાભી, સૌરભ, ગણપતકાકા, લાલાજી શેરખાન, કિશન મહારાજ, કાંતામાસી, વલ્લભ અને વિમળા, પાંડુરંગ અને સાવિત્રી, જગદીશ અને જ્યોતિ બધાએ પોતપોતાની જગ્યા લઈ લીધી હતી. પાંડુરંગે વેબ કેમેરો ભગવાનના સ્થાન પર ફોકસ કરી રાખ્યો હતો.
        કિશન મહારાજે ચ્હા, કોફિ, ચોકલેટ ડ્રિંકસ, ઈડલી, ચટણી, ફાફડા, ગોટા, જલેબી અને ગાજરનો ગરમ હલ્વો રાતભર જાગીને તૈયાર કરી બુફે ટેબલ પર ગોઠવી દીધા હતા.

        હિંચકા પર શિવાનંદ અને પાર્વતિબાની વચ્ચે પ્રાચી બેઠી હતી. પાર્વતિબાનેતો રંડાયલી સ્ત્રીને એનો સસરો પરણાવે તેજ સ્વીકાર્ય નહતું. એઓ માનતા કે સાતે સાત જન્મમાં એકજ પતિનું પડખું સેવાય. પહેલા ધણીને મર્યાને હજુ માંડ વરસ થવા આવ્યું અને હાથે મહેંદી મુકાવાની. શિવાનંદ, પાર્વતિના જુનવાણી વિચારોને દલીલ વગર સહી લેતા અને ધારેલું પોતાનું જ કરતા. પાર્વતિબાને તો ન્હોતું આવવું પણ પ્રાચીની હટ સામે ન છૂટકે આવવું પડ્યું.
        પાંડુરંગ સેલ ફોન પર અમેરિકાના વિડિયોગ્રાફર સાથે કોન્ટેક્ટમાં હતો. ….અને બેકગ્રાઉન્ડમા શહનાઈના સૂર સાથે સ્ક્રિન પર આદિત્ય, શ્વેતા, સુંદરલાલ, યોગેશભાઈ અને સોનાલી હતા. બધા શેઠજીના ઘરના દેવસ્થાનના દર્શન કરતા હતા. શેઠજીએ સૌ પ્રથમ બધાને આદિત્યની ઓળખાણ કરાવી. પછી એમણે સોનાલીની ઓળખાણ નામ વગર આદિત્યના મમ્મી તરીકે કરાવી.
        પાંડુરંગે મળેલી સૂચના મુજબ વેબકેમ ગણપતકાકા પર ફોકસ કર્યો. સૌએ ગણપતકાકાના આશિર્વાદ લીધા. ગણપતકાકા સોનાલીને ઓળખી ચૂક્યા હતા પણ મૌન રહી મનમાંને મનમાં તાળો મેળવતા રહ્યા. ત્યાર પછી કેમેરો હેમાલી અને સૌરભ પર સેટ થયો. સોનાલી અને આદિત્ય સાથે વિડિયો પરિચય થયો. શિવાનંદ અને પાર્વતિબાના આશિષ મેળવાયા.
       હિલ્ટનમાંનો વેબ કેમેરો હવે પાર્ટી હોલમાં ફરતો હતો. થોડી મિનિટોમાં મહેમાનોથી હોલ ભરાઈ ગયો. સુંદરલાલ અને આદિત્યના મમ્મી પ્રવેશદ્વાર પર આમંત્રિતોનું સ્વાગત કરતા હતા. આદિત્ય અને શ્વેતા સ્ટેજની નીચે ઉભા રહી નાના ગ્રુપ સાથે વાતો કરતા હતા. મોના અને મોહિત મહેમાનો સાથે વાતો કરવામા અને આજુબાજુની વ્યવસ્થામાં વ્યસ્ત હતા. બે ત્રણ ભારતીય કુટુંબોને બાદ કરતા. મોટેભાગે ડોક્ટરો અને ફાઈનાન્સ પ્રોફેશનલ કુટુંબોજ હતા.
        એક બુફે ટેબલ પર વેજીટેરિયન એપેટાઈઝર ગોઠવાયલું હતું. આછા પીળા રંગની સાડીમા બોમ્બે પેલેસનો સ્ટાફ મહેમાનોની રૂચી પ્રમાણે સેવા આપતો હતો. બીજા લાંબા ટેબલ પર અમેરિકન અને પંજાબી નોનવેજ વાનગીઓ ખડકાયલી હતી. અમેરિકન યુવતીઓ નોનવેજ સર્વ કરતી હતી.
          પ્રાચીએ એકદમ બુમ પાડી. લુક ડેડી ઇઝ ધેર.
        બધાનું ધ્યાન રાજુ પર ગયું. રાજુ અને કોઈ બોયકટ હેર વાળી ઉંચી ગોરી યુવતી નોનવેજ ટેબલ પાસે ઉભા હતા. રાજુના હાથમાંની ડિસમાં કંઈ ચિકન જેવું દેખાતું હતું. યુવતીના હાથમાં વાઈનનો ગ્લાસ હતો. બન્ને એકજ ડિસમાંથી ખાતા હતા અને એકજ ગ્લાસમાંથી પીતા હતા. ખરેખરતો એકબીજાને ખવડાવતા પીવડાવતા હતા.
        પાર્વતિબા એ જોઈને અકળાઈ ઉઠ્યા. સુંદરભાઈની સલાહથી શિવાનંદે રાજુને અમેરિકા ભણવા મોકલ્યો અને દિકરો કોઈ અજાણી કહેવાતી બ્રાહ્મણ નિરાલીને ઉપાડી લાવ્યો. એતો ભગવાનને ત્યાં પહોચી ગઈ પણ પ્રાચીને બહાને એના ભાઈને ઘરમાં ઘાલતી ગઈ.
      સુંદરલાલે વહુને પરણાવવાનો જલશો માંડ્યો અને દિકરો કહ્યા મુક્યા વગર અમેરિકા પહોંચ્યો. સાત જન્મમા એકજ પતિને પામવાને બદલે એકજ જન્મમાં સાત પતિ કરવાનો જમાનો આવી ગયો. દિકરો માસાહારી થઈ ગયો. કોઈ ગોરીના હાથે દારૂ પીતો થઈ ગયો. હે ભગવાન મારા એકના એક રાજુને સદબુદ્ધિ આપો. પાર્વતિબા મનોમન સંતાપ કરતા રહ્યા
       શિવાનંદ રાજુને અજાણી સ્ત્રી સાથે જોઈને કંઈ સંતોષ અનુભવતા હતા. પોતાનો યુવાન પુત્ર સંસાર પ્રત્યે વૈરાગ્ય અનુભવે તે પિતા માટે અસહ્ય હતું. દુનિયાની કોઈ પણ સ્ત્રી સાથે જો દિકરો સુખી જીવન ગાળી શકતો હોય, આનંદમા રહી શકતો હોય તો એનો આત્મા આશિષ આપવા તૈયાર હતો. રાજુએ મુંબઈ છોડી ઉધનામાં ગુરુજી સાથે કેન્સર રિસર્ચ કરવાનું પસંદ કર્યું તેનુ કારણ પાર્વતિબા સાથે એનો જીવ ગુંગળાતો હતો; અને માતાનો અનાદર પણ કરી શકતો ન હતો. શિવાનંદ રાજુને જોઈને ખુશ હતા.
        ગણપતકાકા અંધેરીની ચાલીના દિવસોને સોનાલી અને આદિત્યને સાંકળતા હતા. શેઠજીના યુવાનીના ચહેરાને આદિત્યના ચહેરા સાથે સરખાવતા હતા. સમયાનુસાર સોનાલીને દૂર રહેવાની સલાહ આપીને એમણે સુવર્ણાનો સંસાર સાચવ્યો હતો. આજે એજ સોનાલીએ શેઠજીને સાચો વારસદાર આપ્યો હતો. ઘડાયલા ગણપતકાકાને બદલાયલા સમય અને પરીસ્થિતિને સ્વીકારવામાં કોઈ વાંધો ન હતો. અંતરથી શેઠ કુટુંબનું શ્રેય ઈચ્છતા હતા.
        હેમાલીભાભી, દિકરી સમાન નણંદ શ્વેતા વૈધવ્યમાં બહાર આવી તેનો આનંદ માણતા હતા.
       લાલાજી શેરખાનનું ધ્યાન નોનવેજ પિરસતી ગોરી લલનાઓ અને ખાસતો વાનગીઓ પર ઠરેલું હતું. કિશન મહારાજને કહ્યું પણ ખરુ ‘કિશનજી ખાના તો ઈસે કહતે હૈ. સૌ પ્રસંગને પોતપોતાની રીતે મુલવતા હતા માણતા હતા. સોસિયલ અવર પુરો થયો.
      રાજુએ સ્ટેજ પર આવીને શ્વેતાની ગિરિમાનો પરિચય આપ્યો. આદિત્યએ મેળવેલી સિદ્ધિઓને બિરદાવી. બન્નેને અભિનંદન અને શુભેચ્છા પાઠવી. મોનાએ રમતિયાળ અને તોફાની ભાષામા બન્નેને અભિનંદન આપ્યા. શ્વેતાની સો પ્રેગનન્સીની કાળજી રાખવાનું વચન આપ્યું. ત્યાર પછી વારાફરતી મોહિત, લિસા, ડો.દેસાઈ અને ડો.મારથા, અને માઈકલએ બન્નેને બિરદાવ્યા. આદિત્યએ ફરીવાર પોતે ખરીદેલી ડાયમન્ડ રીંગ પહેરાવી. સોનાલીએ કિમતી હિરાનો હાર પહેરાવ્યો. યોગેશભાઈએ કાન માટે ડાયમ્ન્ડના લટકતા ઝૂમખા આપ્યા. શેઠજીએ ખૂબ પહોળા હિરાના ચાર બ્રેસલેટ આપ્યા. કેક કપાઈ. બોલરૂમ સ્લો ડાન્સ શરૂ થયો.
        ફરીવાર રાજુ પેલી યુવતી સાથે ડેન્સ કરતો દેખાયો. જ્યારે જ્યારે કેમેરો એમના પર ફરતો ત્યારે રાજુનો ચહેરો અને યુવતીની પીઠજ દેખાતી. શિવાનંદને એ યુવતી કોણ હતી એની પરવા ન હતી. રાજુને લાંબા સમય પછી મુક્ત રીતે આનંદ માણતો જોયો હતો. તે ખુશ હતા. પાર્વતિબા અકળાતા હતા.
        વેસ્ટર્ન ડાન્સ પછી રંગ બદલાયો. ભાંગડા શરૂ થયા. અમેરિકન મહેમાનોએ પણ બિટ્સ માણ્યા અને ગુડ એક્ષરસાઈઝ તરીકે મન મુકીને ભાગ લીધો. સુવર્ણાવિલામાં પણ લાલાજી, પાંડુરંગ અને સાવિત્રી, જગદિશ અને જ્યોતિ, વલ્લભ અને વિમળા, સૌરભ અને પ્રાચીએ વહેલી સવારે ભાંગડાથી ઘર ગજવ્યું.
        છેલ્લે સીટડાઉન ડિનર શરૂ થયું. ડિનરને અંતે આભાર વિધીથી પાર્ટીનું સમાપન થયું. શિવાનંદના મનમા ઘોળાતો પ્રશ્ન પ્રાચીએ પૂછ્યો. ‘દાદાજી, નિકુળમામા પાર્ટીમાં કેમ નથી ગયા?’
     મહેમાનોએ વિદાય લીધી. પાર્ટીહોલ ખાલી થયો. ફરીવાર બન્ને વેબકેમ સુંદરલાલના કુટુંબ પર અને સુવર્ણાવિલાના સ્વજનો પર મંડાયા. બધાએ દાદાજીના આશિષ લીધા. દાદાજીએ આંખો બંધ કરી ભગવાનને પાર્થના કરતા હોય એમ શેઠ કુટુંબ સંતાન, સમૃદ્ધિ અને સંસ્કાર વિસ્તરતું રહે એવા આશિષ આપ્યા. માત્ર સુંદરલાલ અને સોનાલી એનો મર્મ સમજ્યા.
        શિવાનંદથી રહેવાયું નહિ. ‘સુંદર! નિકુળ કેમ દેખાયો નહિ?’
        ‘નિકુળ લંડન રોકાઈ ગયો છે. હું તને ફોન પર બધી વાત સમજાવીશ.’
        પાર્વતિબાએ પુછ્યું ‘સુંદરલાલ, મારો રાજુ કેમ દેખાતો નથી?
       ‘મને ખબર નથી. કદાચ એની ફ્રેન્ડ સાથે ફ્રેન્ડને ત્યાં ગયો હશે.’બન્ને કેમેરા બંધ થયા.
        ગણપતકાકાએ સુંદરલાલ અને હેમાલીને લંચ લીધા પછીજ ઘરે જવાનું કહ્યુ.
પાર્વતિબાએ કહ્યું ‘જગદિશ મને તું ઘરે મુકી જા. મારે સેવા પુજા બાકી છે.’
        શિવાનંદ રોકાઈ ગયા. પાર્વતિબા મલબાર હિલ પહોંચી ગયા.
       પાર્ટી પછી શ્વેતા આદિત્ય સાથે સાસરે ગઈ. મોના મોહિત સાથે એના રૂમ પર ગઈ. યોગેશભાઈ, નિકિતા અને રાજુ સુંદરલાલની સાથે હિલ્ટનમાં જ રોકાઈ ગયા. બધાએ લંચ માટે સોનાલીને ત્યાં મળવાનું નક્કી કર્યું.
       ‘સુંદરકાકા, જો તમને ઊંઘ ન આવતી હોયતો મારે તમને થોડી વાત કરવી છે. સલાહ જોઈએ છે.’
        ‘બોલ બેટા રાજુ, શું મુંઝવણ છે?’
        કાકા, મરતા પહેલા નિરાલીએ મને નિકુળની જાતિયસમસ્યાની વાત કરી હતી. નિકુળને સંભાળવાની જવાબદારી મને સોંફતી ગઈ હતી. સેક્સ ચેઈન્જ પછી બા એને ઘરમાં નહિ અપનાવે એની મને સો ટકા ખાત્રી છે. પપ્પાના વિચાર આધૂનિક છે પણ એણે આખી જીંદગી બાને દુઃખ ન થાય એ માટે હંમેશા નમતું જોખ્યું છે. શું કરવું તે સમજાતું નથી. પણ બાના રૂઢિચુસ્ત વિચારોથી હું અસંતુલિત થઈ થઈ જાઉં છું. બોમ્બેમાં તકો સારી હોવા છતાં ઉધનામાં ગુરુજી સાથે પડી રહ્યો છું. નિકુળમાંથી નિકિતા બનેલો નિકુળ સંપૂર્ણ સ્ત્રી બની ગયો છે. આદિત્ય સાથે ઘણી ચર્ચાઓ થઈ છે. એક માત્ર તે ગર્ભાધાન નહી કરી શકે. હું એને પત્નિ તરીકે અપનાવવા માંગુ છું. પણ બા… બા એ કદી ન સ્વીકારે. નિરાલી અને નિકુળ યુપી ના હતા. શરૂઆતમાંતો બાપૂજીની સમજાવટથી સમાજની દૃષ્ટીએ અમારા લગ્ન કમને પણ સ્વીકારી લીધા; પણ નિરાલીથી સરખું ગુજરાતી બોલી શકાતું નહીં એટલે પૂર્વગ્રહ વધતો ગયો. નિરાલીના નિધન પછી થોડો સમય સારું ચાલ્યું. નિકુળ પ્રત્યે પણ અણગમો વધતો ચાલ્યો. બાને પહેલેથીજ નિરાલી માટે પુર્વગ્રહ હતો.
        સુંદરલાલ આંખો બંધ કરી વિચારતા રહ્યા.
        રાજુ, તું નિકુળ સાથે, સોરી! નિકિતા સાથે લગ્ન કર.
        હું પણ એજ વિચારતો હતો. પણ શક્યતા નહિવત છે.
       બેટા તારા આ સુંદરકાકા એ શક્ય બનાવશે. મારા પર છોડી દે. નિરાંતે ઉંઘી જા. તારા પપ્પા મને ઘણીવાર કહે છે બનિયા તુ ઝૂઠેકા સરતાજ હૈ. તો હવે થોડા બહોત ઓર ઝૂઠ તેરે લીયે.
      બીજી દિવસે લંચ પછી બધા આનંદથી આગલા દિવસના પ્રસંગની વાતો વાગોળતા હતા.
         શેઠજીએ કહ્યું બેટા મોના, આપણે જરા બેકયાર્ડ ગ્રીન હાઉસમા બેસીને થોડી વાતો કરીયે. ચાલ રાજુ તું પણ ચાલ. ત્રણે ગંભીરતાથી વાતો કરતા રહ્યા. રાત્રે ફોન કરીશું એવું નક્કી કરી અંગત મંત્રણા પુરી કરી.
           બધાને એમની વાતો જાણવાનું કુતુહલ હતું પણ પુછવાનું યોગ્ય ન લાગ્યું.
         મોનાએ પુછ્યું ‘રાજુભાઈ તમે ગઈ કાલે પાર્ટીમાં નોન્વેજ બુફે ટેબલ પરથી શું લઈને ખાતા હતા?’
         તું શું માને છે?
        મને તો ફ્રાઈ ચિકન જેવું લાગતું હતું
       થેન્ક્યુ. મારે પણ એ જ લગાડવું હતું. પપ્પા અને બાને પણ એવુંજ લાગ્યું હશે. મેં વિડિયો અને વેબકેમ ટેકનિશીયન ને પણ કહી દીધું હતું કે મારી ડિસપર એ રીતેજ કેમેરો ફોકસ કરે. નિકિનો ફેઇસ ન આવે એ પણ ધ્યાનમાં રાખવાની સૂચના આપી હતી.
      કેમ એમ?
     બાને જરા શૉકટ્રિટ્મેન્ટની જરૂર છે. એઓ એમના પુત્રના બદલાયલા લક્ષણો જુએ એ જરૂરી લાગતં હતું, પણ રાજુભાઈ તમે ખરેખર ચિકન ખાતા હતા?
      ના તમે બધાએ આખા મરચાના ભજીયા ખાધા તેજ હું ને નિકિ ખાતા હતા. અને હાથમાં વર્જીન મૉકટૅલ હતું. અભી ભી મૈં, બમ્મનકા બેટા હિ હું. બધા હસી પડ્યા.
     મરચાના ભજીયાનું નામ સાંભળી આદિત્યની જીભ સળવળી. ‘થોડા વધેલા હોય તો ગરમ કરોને. ચ્હા સાથે જરા મજા આવી જાય.’
      ‘જનાબ થોડા વાસી ભજીયા છે તો ખરા પણ આપ નામદારને માટે નથી. એ માત્ર રાજુભાઈ અને નિકિતા માટેજ છે. યસ્ટર ડે આપ એક દિનકા સુલતાન થે. આજ આપકી કોઈ વેલ્યુ નહીં હૈ.’ મોનાએ થંબ્સ ડાઉન નો સિગ્નલ આપીને જીભડો કાઢ્યો.
      સોનાલીએ શ્વેતા પ્રત્યે સ્મિત સાથે ઈશારો કર્યો. શ્વેતાએ ફ્રિઝમાંથી ભજીયા કાઢી માઈક્રોવેવમાં ગરમ કર્યા. ‘બસ માસી, આ ઘરમાં મારા બોલવાની કાંઈ ગણત્રી જ રહી નથી. પહેલા નંબર પરથી મને છેલ્લા નંબર પર ધકેલી દિધીને! હું હવે કાંઈ બોલવાનીજ નથી.’ મોનાએ છણકો કર્યો.
        આદિત્યએ આંખમિંચીને કહ્યું ઓઉમ શાંતિઃ, શાંતિઃ, શાંતિઃ.
       શ્વેતાએ બધાને માટે ચ્હા કૉફિ બનાવ્યા. યોગેશભાઈને બહેનના નવજીવન અંગે સંતોષ હતો. શ્વેતા, પોતાના પુત્ર આદિત્ય સાથે એકાકાર થતી હતી એ જોઈને શેઠજી માનસિક સુખ અને આનંદ અનુભવતા હતા. બધા વાતો કરતા હતા. આનંદમાં હતા અને શેઠજીનો ફોન રણક્યો. બધા શાંત થઈ ગયા.
        ‘હલ્લો. કોણ શિવુ. અત્યારે તો ત્યાં રાત પડી છે. ઊંધ નથી આવતી?’
       ‘અરે સુંદર જવા દેને! પાર્વતિ ઊંઘતી નથી અને ઊંઘવા દેતી નથી. એને રાજુ સાથે વાત કરવી છે પણ એનો ફોન બંધ છે. રાજુ ક્યાં છે?’
        શેઠજીએ નાક પર આંગળી મુકી બધાને ચૂપ રહેવા ઈશારો કર્યો.
       ‘શિવુ, એ ગઈ રાતથી એની અમેરિકન ફ્રેન્ડને ત્યાં ગયો છે.’
        પાર્વતિબાએ શિવાનંદ પાસેથી ફોન લઈ લીધો.
     ‘સુંદરભાઈ, રાજુ મારા બ્રાહ્મણ કુળનું સત્યાનાશ કરવા બેઠો છે. મારા ડાહ્યા દિકરાને કોણ ધોળીયણ વળગી છે.? મહેરબાની કરીને એને જલ્દી દેશમાં મોકલી આપો. મેં તો કેટલી બાધા માની છે! એ આવે એટલે એની નજર ઉતરાવવાની છે અને પ્રાયસ્ચિત કરાવાવાનું છે. પ્રાચી કહેતી હતી કે પપ્પા ચિકન ખાતા હતા અને દારુ પીતા હતા. મારે એને તમારા અક્ષય જેવો નથી બનાવવો.’
       સુંદરલાલ જરા હચમચી ગયા. આખરેતો અક્ષયને પુત્ર તરીકે પાળ્યો અને બાળ્યો હતો. પાર્વતિ પણ પોતાની ભૂલ સમજ્યા. બોલતા બોલાઈ ગયું. વાત વાળી લીધી. સુંદરભાઈ ‘અક્ષયતો મને પણ વહાલો હતો પણ આપણે એને ગુમાવવો પડ્યો. રાજુ તમારું કહેલું બધુંજ માને છે. કંઈક કરો. તમારા ભાઈબંધનું નામ શિવાનંદ છે પણ એને ત્રીજી આંખ જ નથી. બ્રહ્માજીની જેમ દુનિયાદારી પ્રત્યે આંખો બંધ કરીને બેસી રહે છે. આ છોકરો બગડી ચાલ્યો અને મને કહે એ મોટો છે. ભણેલો છે. સમજુ છે. એને એના સુખને ખાતર જે કરવું હોય તે કરવા દે.
       સુંદરભાઈ! કેટલા કોટી અવતાર પછી મનુષ્ય અવતાર મળે અને તેમાંયે ખુબ પૂણ્ય કર્યા હોય તો બ્રાહ્મણનો અવતાર મળે. એને દારુ માંસના નરકમાં વહાવી દેવાય? ‘સુંદરભાઈ પાર્વતિની સ્વભાવગત અકળામણ સમજતા હતા અને મલકાતા હતા.
        ‘પાર્વતિ, હવે એકજ રસ્તો છે. એને ઉધનાથી બોલાવી લ્યો. કોઈ સારી બ્રાહ્મણની છોકરી સાથે પરણાવી દો. જુવાન મન ગમે ત્યારે, ગમે ત્યાં ભટકી જાય. હવે પ્રાચીને સાચવવા માટે પણ એણે પરણીને તમારી સાથે મુંબઈમાં રહેવું જોઈએ. હવે તો નિકુળ પણ નથી.’
        હું તો કહી કહીને થાકી, પણ સાંભળતોજ નથીને. અરે! પણ નિકુળને શું થયું?’
     નિકુળે કોઈ અંગ્રેજ છોકરી સાથે લંડનમાં લગ્ન કરી લીધા. હવે એ ઈન્ડિયા આવવાનો નથી. ખરેખર ખોટ તો મને ગઈ. તમે યોગેશભાઈ ને લઈ લીધા અને નિકુળ લંડન ચાલ્યો ગયો. શ્વેતા પરણીને સાસરે જશે. મારા ધંધાનું શું થશે? મારે બધું સમેટીને તમારા ગુરુજીના આશ્રમમાં ભરતી થઈ જવું પડશે.
      ‘સુંદરભાઈ એમાંજ તમારું કલ્યાણ હશે. પણ કોઈ સારા માણસને શોધી કાઢીને ધંધો ચાલુ રાખજો.’
       ‘ચાલો હું તમને રાજુની બાબતમાં મદદ કરીશ તમે મને બિઝનેશમાં મદદ કરજો.’ શેઠજીએ પ્રપોઝલ મુકી.
        મને તો ઘર કામમાંથીજ ફુરસદ નથી મળતી બાકી હું પણ આઠ ધોરણ સુધી ભણેલી છું. પાર્વતિબાએ ખુબજ ભોળાભાવે ગંભીરતાથી કહ્યું.
        શિવાનંદે ફોન લીધો. સુંદર મને મારા દિકરાના સંસ્કાર પર ભરોસો છે. એ જે કાંઈ કરશે તે સમજ પૂર્વકનું જ હશે. મને એની ચિંતા નથી. ચિંતા છે બિચારા નિકુળની. એ બ્રિટીશ છોકરી એને સાચવે તો સારું. મારી પ્રાચી એના વગર હિજરાશે. હું શું એટલો પારકો થઈ ગયો કે લગ્નની વાત પણ ન કરી!
        ફોન બંધ થયો.
        બધાને શેઠજીએ કરેલી વાતનો સંપૂણ અણસાર આવી ગયો હતો.
       શેઠજીએ સિલીંગ તરફ જોઈને હહ્યું હે પરમાત્મા આ અસત્ય બદલ મને માફ કરજો.

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૬]

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ [૨૬]

      નિકુળ એની રૂમમાં સફેદ ગાઊન પહેરીને રિક્લાઈનર પર બેઠો હતો. ટીવી હોતો હતો. લિસા બેઠી બેઠી કોસ્મોપોલીટિનના પાના ઉથલાવતી હતી. શેઠજી સાથે બધા આવી પહોંચ્યા.
     કેમ છે દિકરા? રાજુએ મને તારી સર્જરીની વાત કરી હતી. કંઈ તકલીફતો નથીને?
     નિકુળ ઊભો થયો. શેઠજી અને સોનાલીને પગે લાગ્યો. કંઈ કહેવા જતો હતો પણ બોલતા પહેલા ડૂસકું મુકાઈ ગયું. રીતસર રડી પડ્યો. શ્વેતા સંકોચ રાખ્યા વગર એને વળગી પડી. માથે હાથ ફેરવતી રહી.
‘બડી, બી બ્રેવ. વી હેવ ટુ ડેવલપ મોર કરેજ ધેન ઓર્ડિનરી મેન. વી ઓલ આર વીથ યુ. શ્વેતાએ નિકુળના આંસુ નુછ્યા. અને બધાની હાજરીમાં જ એના ગાલ પર પોતાનો ગાલ લગાવી વહાલનો બુચકારો બોલાવ્યો. લિસાએ નિકુળને પાણી આપ્યું. આદિત્યનું પોતાનું સર્જીકલ સેંટર હતું. ફેમિલી માટે કોઈ રિસ્ટ્રિકશન ન હતુ. રૂમ મોટો હતો. બે સોફા અને ચાર પાંચ ચેર હતી. હૉસ્પિટલના સ્પેશિયલ રૂમ કરતાંય વઘુ સગવડ હતી.
    શ્વેતાએ ટિફીન કાઢ્યું. પ્લેટમાં પિરસ્યું. આદિત્યએ નિકુળની પ્લેટમાંથી એક બટાકું વડું લઈ પોતાના મોમાં મુક્યું. મોનાએ એના હાથ પર ટપલી મારી. ‘ક્યારે સુધરશે આ ખાઉધર.’
      મારા પેશન્ટ સાત્વિક ખોરાક લે છે કેમ તે જોવાની મારી ફરજ છે. ચોકસાઈ કરવા જ ચાખ્યુ હતું. હવેતો મને તમારી ટેવનો ખ્યાલ આવી ગયો છે. હું આ બીજા બોક્ષમાં ઘણાં બટાકા વડા લાવી છું. એણે બધાને માટે પેપર પ્લેટમાં બટાકા વડા અને ચટની કાઢ્યા.
      ‘અરે વાહ ક્યા બાત હૈ. માસી હવે તમારા સુપુત્રની સુધરવાની આશા છોડી દેજો. પાંચ વર્ષમાં આદિત્યને બદલે માંટલું ગબડતું હશે એવું લાગશે.’
       ‘તને ક્યાં ખબર નથી કે એ કેટલી એક્સર્સાઈઝ કરી કેલરી બાળે છે.’ માતાએ બચાવ કર્યો.
       શેઠજી નાનેરાંઓની મસ્તી ભરી લાગણી જોઈ રહ્યા હતા.
      લિસાએ યુટીલિટી રૂમમાં જઈ, બધા માટે કોફિ બનાવી.
   શેઠજીએ પોતાની ખુરસી નિકુળ પાસે ખેંચી. બેટા આપણી ફાઈનાન્સિયલ બિઝનેશમા હંમેશા તારું સ્થાન રહેશેજ. તું જરા પણ ચિંતા કરીશ નહિ. અમે બધા તારી સાથેજ છીએ. ઈન્ડિયામાં તારી સર્જરીની વાત કોઈને ખબર નથી. રાજુએ શીવુને, પાર્વતિને કે પ્રાચીને પણ કહ્યું નથી. તારે માટે સરસ પ્લાન ગોઠવીશું. મુંઝાવાની જરૂર નથી.
બીજી વાત. પારલામાં એક ફાઈવ સ્ટાર હોટેલનું ડીલ કર્યું છે એ પણ તારે અને શ્વેતાએ સંભાળવાનું છે.
      ‘અને ત્રીજી સૌથી અગત્યની વાત…’ મોનાએ વચ્ચે ઝંપલાવ્યું. ‘આ બળદને નાથવા શ્વેતા તૈયાર થઈ છે. વડિલોએ પરમિશન ગ્રાન્ટ કરી છે. ‘નિકુળ અને લિસા એક સાથે બોલી ઉઠ્યા ‘કોંગ્રેચ્યુલૅશન’.
     લિસાએ કહ્યું ‘મોના, લૅસ્ટ એરેન્જ એન્ગેઇજમેન્ટ પાર્ટી ફોર્ મોસ્ટ ડિઝર્વિંગ કપલ.’
      મોનાએ કહ્યું વેરીગુડ આઈડિયા. બટ વ્હેર એન્ડ વ્હેન?
લિસાએ કહ્યું જો બધાને પરમ દિવસે શનીવારે ફાવતું હોયતો રાખીયે. મિ. શેઠ અને મામને ફાવશે?
      બન્નેની સંમતિ મળી ગઈ. હવે ક્યાં? શેઠજીએ આગ્રહભર્યું સૂચન કર્યું. ’હિલ્ટનમાં.’ કૅટરિંગનું તમે યોગ્ય જગ્યાએ નક્કી કરજો. ગેસ્ટ લિસ્ટ?
આદિત્ય અકળાયો. એને માટે આખી રાત બાકી છે. અહિજ બધી વાતો કરીશું તો ખાઈશું ક્યારે?

     આદિત્યએ લેબકોટ ચઢાવ્યો. જતાં પહેલા નિકીનું ડ્રેસિંગ રિમુવ કરવાનું છે. કાલે સવારે એને રિલિઝ કરીશું. મોના, મોહિત તમે પણ જરા ચેક કરી જુઓ.

      લિસાએ બે નવા લેબ કોટ એ બન્નેને આપ્યા. ત્રણે ડૉકટરોએ ગ્લોઝ અને માસ્ક ચઢાવી દીધા. ડ્રેપ બંધ થયો. મોહિતનો એ વિષય ન હતો. એ માત્ર ઓબ્ઝરવર હતો. મોના અને આદિત્ય મેડિકલ વાતો કરતા હતા. બહાર બધાને સંભળાતું હતું પણ કોઈને સમજાતું ન હતું. સમજવાની જરૂર પણ ન હતી. સુંદરલાલ પુત્ર આદિત્યને માટે ગૌરવ અનુભવતા હતા.
      ડ્રેઇપ ખુલ્યો. ‘બધું ખુબ સરસ છે. હવે બીજી કોઈ સર્જરીની જરૂર નથી. હાર્મોન્સ ટ્રિટમેન્ટથી બરાબર થઈ જશે. રાજુભાઈએ નવું નામ સૂચવ્યું છે. આજથી જ એનું નામ નિકિતા બોલવાનું શરૂ કરીશું.
      આદિત્ય, મોના, મોહિત અને લિસાએ બાય નિકિતા કહ્યું. શ્વેતાએ કહ્યું યુ વીલબી માય બડી ફોર એવર. બાય બડી. સી યુ ટુમોરો. સોનાલી અને શેઠજીએ માથે હાથ ફેરવી કહ્યું ‘આપણે કાલે મળીશું’
      ડિનર લેતાં લેતાં બધો પ્લાન ઘડાઈ ગયો. લિસાએ નિકિતાની જવાબદારી લઈ લીધી. સવારે સોનાલી અને આદિત્યએ ગેસ્ટને ફોન કે ઈ-મેઇલથી આમંત્રણ આપવાનું. શેઠજીએ હિલ્ટનમાંનો બેન્ક્વેટ હોલ બુક કરાવવાનું. મોનાએ અને મોહિતે કેટરિંગની વ્ય્વસ્થા કરવાનું માથે લઈ લીધું.
      સુંદરલાલે ગજવામાંથી સેલફોન કાઢયો.
     બાબુલાલ, બોમ્બે નોવાર્ક બોમ્બેની ફર્સ્ટક્લાસની ત્રણ ટિકીટ બુક કરાવીને સવારે યોગેશભાઈને પહોંચતી કરો. એઓ શનીવારે બપોર સુધીમાં આવી રહે એમ ગોઠવો.
      શેઠજી, સૌકુશળતો છેને? એકદમ શી ઈમરજન્સી આવી પડી? ચિંતા થાય છે.
      બાબુલાલ, શુભ સમાચાર છે. આપણી શ્વેતાના વેવિશાળ નક્કી કર્યા છે.
      શેઠજી, યોગેશભાઈનું તો થઈ જશે. એ ચાર વર્ષ પહેલા તમારી સાથે અમેરિકા ગયેલા એટલે એમના દશ વર્ષના વિઝા વેલીડ છે. પણ એમના મિસિસ અને સનના વિઝા માટે આશા નથી. ત્રણેક કલાકમાં અમેરિકન વિઝા ન મળે. ખોટી આશા આપતો નથી.
      બાબુલાલ, પ્રયત્ન કરો. મની ટોક્સ.
      સુંદરલાલે યોગેશભાઈને ફોન જોડ્યો.
     જયશ્રી કૃષ્ણ યોગેશભાઈ, મેં બાબુલાલને તમારી અમેરિકાની ટિકિટ બુક કરવાનું કહી દીધું છે. આપણી દિકરીનું વેવિશાળ એને મનગમતા યુવાન સાથે નક્કી કર્યું છે. શનીવારે સાંજે પાર્ટી છે. તમારા આશિર્વાદ વગર આગળ ન વધાય. હું શ્વેતાને ફોન આપું છું એ તમને બધી વાત કરશે.
      ફોન પર શ્વેતાએ વિગતવાર ભાઈભાભીને વાત જણાવી. આદિત્ય, સોનાલીબેન અને મોનાનો પરિચય કરાવ્યો.
     જ્યારે બધા યોગેશભાઈ સાથે વાત કરતા હતા ત્યારે આદિત્યના ફોન પર શેઠજી એ હિલ્ટનનો બેન્ક્વેટ હોલ બુક કરાવી દીધો.
     શ્વેતાની યોગેશભાઈ સાથેની વાત પુરી થઈ. ડિનર પછી આઈસ્ક્રિમ અને કૉફિ લેવાતી હતી. સુંદરલાલના ફોન સંપર્ક ચાલુ હતા. એમણે ગણપતકાકાને શુભસમાચાર આપી એમના આશિર્વાદ લીધા. પછી એણે રાજુને ફોન કર્યો. સામાન્યરીતે ગંભીર રહેતો રાજુ જાણે આનંદથી ઝુમી રહ્યો. કાકા હું પણ આવું છું. આજે ઘરનો શુભ પ્રસંગ છે. અને તે પણ મારા નાના ભાઈ જેવા આદિત્ય સાથે. જાણે સોનામાં સુગંધ ભળી. મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે. તમારી સલાહની જરૂર છે. નિકુળ, સોરી નિકુળ નહિ, નિકિતાને જોવી છે. બનશે તો યોગેશભાઈ સાથે જ આવીશ.
      બેટા હું માઈકને જણાવીશ. એ તમને એરપોર્ટ પર લેવા આવશે.
     જમ્યા પછી મોનાએ સૂચન કર્યું માસી ‘આજે સંગીતનો જલસો થઈ જાય.’
     સોનાલીએ આદિત્યને પૂછ્યુ, ‘સાથ આપશે?’
    તમે તૈયારી કરો હું મારી સ્વિમ એક્સરસાઈઝ કરીને આવી પહોંચું છું.
     ‘કાલે વહેલી સવારે મારે હોપકિન્સમાં પહોંચવાનું છે એટલે હું રજા લઈશ.’ મોહિતે રજા લીધી. ડિનર પછીની સાફસુફી મોના અને શ્વેતાએ પતાવી દીઘી. આદિત્યએ ઝડપી પ્રવાહની વિરૂધ્ધમાં સ્વિમ કરી ત્રણ કલાકની કસરતથી બળતી કેલરી ચાળીસ મિનીટમાં બાળી બેઝમૅન્ટમાં પહોંચી ગયો.

     સોનાલીએ સૂર મળેવ્યા. સુંદરલાલ અને શ્વેતાના આશ્ચર્ય વચ્ચે આદિત્યયે તબલાના તાલ મેળવ્યા. સુંદરલાલ અને સુવર્ણાએ આપેલી સિતાર સોનાલીના હૈયા સાથે વળગીને રાગ કેદાર ખરજનો આલાપ ઘૂંટતી હતી. કદાચ આ રાગ પછી જ આદિત્યનું જીવા રોપણ થયું હશે. સુંદરલાલ માતા પુત્રને જોઈ રહ્યા હતા. દિકરો સફળ ડૉકટર છે. સંસ્કારી છે. મારી જેમ ખાવાનો શોખીન છે. સંગીતનો શોખીન છે.
      તબલા પર થાપ પડી આદિત્યના આંગળા રમતા થયા. ગત અને દરશન દો ઘનશ્યામ નાથ ભજનની ઘૂન શરુ થઈ. સુંદરલાલ ન્યુજર્સી અમેરિકામાં ન હતા. તેઓ મુંબઈની એક ચાલીમાં હતા. આ એમનું પ્રિય ભજન હતું. કેદારરાગ સોનાલીનો પ્રથમ પ્રેમ હતો.
      શ્વેતાએ કલ્પ્યું ન હતું કે આદિત્યને સંગીતનું પણ જ્ઞાન છે.
મોનાએ સૂચવ્યું, ‘શ્વેતા આ ઘરમાં રહેવું હોય તો અડધી રાત્રેયે, ગમે કે ન ગમે સંગીત સાંભળવવાની તૈયારી રાખવી પડશે.’
      શેઠજીને યાદ આવ્યું. એમણે કહ્યું શ્વેતા નાની હતી ત્યારે મેં એને સ્કુલ ફંકસનમાં ગાતી સાંભળી છે. ખુબ સરસ કંઠ છે.
      ઓકે…ઍ. શ્વેતા મેડમ કંઈક સંભળાવો. મોનાએ કહ્યું.
       મેં તો ઘણા વર્ષોથી ગાયું નથી. હવે નહિ ગવાય.
     જો શ્વેતા તું નહિ ગાય તો મારે ગાવું પડશે. તબલાના અવાજમાં અને મારા અવાજમાં ખાસ ફેર નથી. આદ્દિત્યે કહ્યું.
      બેટી, શરમા નહિ. હું અને આદિત્ય તને સાથ આપીશું.
    ભલે મમ્મી, હું પ્રયત્ન કરીશ….ફિલ્મ ગુડ્ડીનું મિયાકી મલ્હારમાં ગવાયલું વાણી જયરામનું આ ગીત છે. એણે ખુબજ નમણાશથી ગીત ઉપાડ્યું…બોલે રે પપિહરા..સોનાલી અને આદિત્યએ સંગત આપી. સૂર, તાલ અને શબ્દનો સમન્વય થયો.
      શેઠજી સિવાય કોઈને ખ્યાલ ન હતો કે શ્વેતા આવું સરસ ગાઈ શક્તી હશે. સોનાલી બહેને કહ્યું ‘રિયાઝ વગર પણ આટલું સરસ ગાઈ શકે છે તો તું મારી સાથે થોડો સમય ગાળતી રહેજે. હું તને શીખવીશ.’
      શ્વેતા આપણા વડિલો અહિ હાજર ન હોત તો મેં તને ખભા પર ઊચકી લીધી હોત. આદિત્યએ ઉમળકો વ્યક્ત કર્યો.
     માસી આ તમારો નમુનો બેશરમ અને નફ્ફ્ટ થતો જાય. ચાલો આપણે બધા ઉપર જઈએ. મેના પોપટે જે કરવુ હોય તે કર્યા કરશે.
     સુંદરલાલનો સેલ ફોન જાગૃત થયો અને મોનાનું માઉથ પીસ બંધ થયું.
      ‘જેશ્રી ક્રિશ્ન દાદાજી, હું સૌરભ બોલું છું.’
      ‘બોલ બેટા, તું અમેરિકા આવે છેને?’
     ‘ના દાદાજી મારો પાસપોર્ટ જ નથી અને હોયતો પણ આ વીકમાં મારી એક્ઝામ છે. એકલા પપ્પાજ આવશે. પપ્પા કહેતા હતા કે એની સાથે રાજુ અંકલ પણ અમેરિકા આવે છે.’
      ‘હા બેટા, મને ખબર છે.’
      ‘દાદાજી મારી એક રિક્વેસ્ટ છે.’
      ‘બોલ બેટા.’
    ‘ફોઈના એન્ગૅજમેન્ટ ઈવાન્ટને વેબ કેમથી ટ્રાન્સ્મિટ કરો તો અમે બધા અહીથી પાર્ટી જોઈશું.’
      ‘એક્સલન્ટ આઈડિયા. તારા ડેડીને ફોન આપ.’
      ‘હલ્લો યોગેશભાઈ, દિકરાએ ખુબ સરસ સજેશન કર્યું છે. પાંડુરંગને કહેજો કે આપણા ઘરના સેન્ટ્રલ હોલમા બીગ સ્ક્રિન સાથે કોમ્પુટર સેટ કરે. ગણપતકાકા અને ઘરનો સ્ટાફ પણ શુભ પ્રસંગ માણી શકે. શિવુ અને પાર્વતિને પણ રાત્રે સુવર્ણા વિલા પર બોલાવી લેજો. મળસ્કે લગભગ ચાર વાગે પ્રોગ્રામ શરૂ થશે. પાંડુરંગને કહેજો કે એ રીતનું સેટિંગ કરે કે અમે હોલ પર જવા નિકળીયે તે પહેલા આપણા ઘરના પંચદેવતાના દર્શન કરીયે અને ગણપત કાકાના આશિર્વાદ લઈએ. તમને અને રાજુને લેવા નોવાર્ક એરપોર્ટ પર માઈકલ આવશે. અહિનો એરાઈવલ ટાઈમ શું છે?’
     ‘શનીવારે સવારે સવાસાત વાગ્યાની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવીશું.’
     શુક્રવારની વહેલી સવારથીજ આદિત્ય અને સુંદરલાલ ફોન પર પાર્ટી ઈન્વિટેશન આપવા લાગી ગયા. અદ્દિત્યના સ્ટાફ, ડૉકટર મિત્રો, સુંદરલાલ શેઠના વોલ સ્ટ્રીટના મિત્રો બેત્રણ ગુજરાતી કુટુંબો મળી લગભગ સવાસો ગેસ્ટ કન્ફર્મ થઈ ગયા. મોહિતે બોમ્બે પેલેસ પર વેજ, નોનવેજનો કેટરિંગ ઓર્ડર અને ડીજેની વ્યવસ્થા કરી દીધી. નિકુળ ઉર્ફે નિકિતા આદિત્યને ત્યાં આવી પહોચી. સોનાલી, મોના, શ્વેતા અને નિકિતા ખરીદી માટે લિટલ ઈન્ડિયા ગયા. સુંદરલાલને શોપીંગ માટે સાથે જવું જરૂરી ન લાગ્યું. એઓ પાછા હિલ્ટન એમના સ્યૂટમાં આવી ગયા.
      શનીવારે સવારે માઈકે યોગેશભાઈ અને રાજુને આદિત્યને ત્યાં પહોંચાડી દીધા. સુંદરલાલ પણ આદિત્યને ત્યાં આવી પહોંચ્યા.
    ‘માસી, પાર્ટી પહેલા જો ગણપતિ પૂજન થાય તો વધુ યોગ્ય કહેવાય.’
      ‘તારી વાત સાચી છે પણ દિકરી, આપણા એરિયામાં છેલ્લી ઘડીયે બ્રાહ્મણ મળવા મુશ્કેલ છે’
      ‘અરે હું છું ને! મને આવડે છે.’
     મોનાએ આદિત્ય અને શ્વેતાને સાથે બેસાડી ષોડસોપચારી ગણેશ પૂજન કરાવ્યું. રાજુ વિચાર કરતો હતો કે હું પણ બ્રાહ્મણ છું. પુરુષ છું. ડોકટર છું. પણ મને આ બધું આવડતું નથી. મોના પણ બ્રાહ્મણ છે, ડૉકટર છે. પારસીને પરણનાર છોકરી છે પણ એણે બ્રાહ્મણના સંસ્કાર જાળવી રાખ્યા છે.
     પૂજાને અંતે આદિત્ય અને શ્વેતા સૌ વડિલોને પગે લાગ્યા અને આશિર્વાદ લીધા.
       મોનાને ટિખળ સુજ્યું. ‘દિકરા આદિત્ય તું સામાન્ય વિવેક ચૂકી ગયો છે’
       ‘બોલો માતાજી.’
      ‘આજે હું બ્રાહ્મણના સ્થાને છું. મને પ્રણામ કરવાનું ભાન રહ્યું હોય એવું લાગતું નથી. હું દુર્વાસા પણ થઈ શકું છું. બીજું તું બ્રહ્મદક્ષિણા આપવા ટેવાયલો નથી પણ હવે તું સંસારી થયો છે. બચ્ચા થોડું થોડું શિખવા માંડ.’
      આદિત્યે બે હાથ ઠોકીને દૂરથી નમસ્કાર કર્યા. શ્વેતાએ વાંકાવળી ભાવ પૂર્વક નણંદબાને પ્રણામ કર્યા.
      યોગેશભાઈએ ગજવામાંથી સવાસો ડોલર કાઢીને મોનાના હાથમાં મુક્યા.
       ‘આજે આ ફરજ મારી છે મોનાબેન.’
       મોના પોતાના વ્યંગ બદલ જરા છોભિલી પડી ગઈ. મોટાભાઈ હું તો મશ્કરી કરતી હતી. મને મોનાબેન કહી શરમાવશો નહિ. માત્ર મોના જ કહેવાનું. એણે એ જ દક્ષિણા શ્વેતાના હાથમાં પકડાવી દીધી.

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૫

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૫

Image
      સુંદરલાલ અને સોનાલીને ઘણી ઘણી વાતો કરવી હતી. બન્ને વર્તમાન ભુલીને ભૂતકાળમાં ભ્રમણ કરતા હતા. શેઠજીના મગજમાં વર્ષાભીનું ચુસ્ત યૌવન અને થોડી રાત્રીઓનો સહવાસ સળવળતો હતો. સોનાલીના માનસપટ પર માતૃત્વના અંકુર ફૂટ્યા તેની સ્મૃતિ જાગૃત થતી હતી. સુંદરલાલને આનંદના સમાચાર આપવાની વેળાએ જ ગણપતકાકાએ કુટુંબ અને સામાજીક વાસ્તવિકતાનો પાઠ ભણાવી દીધો હતો. સોનાલી છેલ્લી ઘડી સુધી સુંદરલાલને તેમના પિતૃત્વનો  પર્દાફાસ કરવો કે નહિ તેની દ્વિધામાં હતા. ….
છેવટે સોનાલીએ જ શરૂઆત કરી.

      ‘શેઠજી આપની શ્વેતા ખુબજ સુંદર છે. સુંદરલાલની દીકરી સુંદર જ હોય.’
      સુંદરલાલ સમજી ગયા કે હજુ ડિપ્લોમૅટિક સ્ટેઇજ પરજ વાત થાય છે.
      એમણે પણ એવો જ જવાબ આપ્યો. ‘તમારો આદિત્ય પણ ઓછો હેન્ડસમ નથી. અમારી શ્વેતા બિઝનેશમાં ઘડાયલી છે અને આદિત્ય   એના ક્ષેત્રમાં પારંગત છે.’
      ‘ એતો બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા. બરાબર તમારા પર જ પડ્યો છેને!……..
      સુંદરલાલનું મોં અને આંખ પહોળા થઈ ગયા. થોડી ક્ષણો માટે જાણે પૃથ્વીએ એનું પરિભ્રમણ અટકાવી દીધું. એકદમ ચેરમાંથી ઊભા થઈ તેઓ સોફા પર સોનાલીની બાજુમાં બેસી ગયા. સોનાલીનો હાથ તેમના હાથમાં લઈ લીધો. તુંકારાની આત્મીયતા આવી ગઈ.
      ‘મને લાગે છે કે મારા કાન અને બુદ્ધિએ કામ કરવાનું બંધ કરી દીધું છે. સોનાલી, પ્લીઝ મને ફરી સંભળાવ અને સમજાવ કે તેં શું કહ્યું.’
      સોનાલીનો ચહેરો સ્વસ્થ સ્મિત રેલાવતો હતો. ‘હું જો એમ કહું કે આદિત્યનું હૃદય, તમારું જ રક્ત એના એના શરીરમાં પરિભ્રમણ કરાવે છે તો તમે શું સમજશો?’
      ‘સોનાલી…શું આદિત્ય મારો દીકરો છે?….. આટલા વર્ષ હું મારા સંતાન વગર તડપતો રહ્યો. તેં એકલે હાથે મારા દીકરાને ઉછેર્યો. તું એકાએક મુંબઈ છોડીને ક્યાં ચાલી ગઈ. બે વખત બિઝનેશને બહાને ચંડિગઢ આવી ગયો, પણ તારો પત્તો ન લાગ્યો.’
      ‘હું ગણપતકાકાની સલાહ અનુસાર તમારા સુખી સંસારને સાચવવા મુંબઈ છોડી અમદાવાદમાં સ્થાયી થઈ હતી.’
‘બધી વાતો પછી.’
      ‘શ્વેતાએ મને કહ્યું હતું કે એને એક મોટો ભાઈ પણ છે અને તમારી સાથે બિઝનેશમાં જ છે. સુવર્ણા ખરેખર નશીબદાર હતી કે એના ખોળામાં એક છોકરો અને એક છોકરી રમાડ્યા.’
      ‘પુત્ર પુત્રી બન્નેએ ધંધામાં કુશળતા મેળવી. શ્વેતા જો આદિત્યની બહેન ન હોત તો શ્વેતાને અપનાવીને અમે ધન્ય થઈ ગયા હોત. આજ સુધીમાં મેં આદિત્યને એણે જે જે માંગ્યું તે બધું જ આપ્યું છે. ભાઈ બેન કેવી રીતે લગ્ન કરી શકે?’
      ‘સોનાલી,..મને લાગે છે કે તું સત્યથી અજાણ છે. સુવર્ણાની ગોદ પોતાના બાળક વિહોણી જ રહી હતી.’
      ‘ ‘પણ સુવર્ણા તો ડિલીવરી માટે પિયર ગઈ હતી.’
      ‘હા એ ગઈ હતી. તે એક બાળકને લઈને આવી હતી. તે બાળક પોતાનું નહિ પણ એના મામાની છોકરીનું હતું. છોકરી પર બળાત્કાર થયો હતો. નાની બહેનની અને મોસાળની આબરૂ સચવાય અને પોતાનો ખોળો ભરાય એટલે એણે પોતાની પ્રેગનન્સીની વાત વહેતી મુકી હતી. ખરેખરતો સુવર્ણાને બાળક થવાની શક્યતા ન હતી. અમે એ બાળકને અપનાવી લીધો. એનુ નામ અક્ષય રાખ્યું. અક્ષયના મગજમાં અમારા પુત્ર હોવા અંગે શંકાના બી વવાયા. અભ્યાસમાં પાછળ પડતો ગયો. મારી અપેક્ષાઓ વધતી ગઈ. એજ અરસામાં નાનકડી, સુંદર અને તેજસ્વી શ્વેતા પર મારું મન ઠર્યું. મેં મનોમન શ્વેતામાં મારી પુત્રવધૂ નિહાળી. એને મેં મારી રીતે ઘડવા માંડી.’
‘શ્વેતા અમારે ત્યાં કામ કરતા યોગેશભાઈની નાની બહેન. યોગેશભાઈ ખુબજ સજ્જન અને સંસ્કારી વૈષ્ણવ. મે શ્વેતાના લગ્ન અક્ષય સાથે કરાવ્યા. અક્ષયે શ્વેતાને અક્ષતયોની રાખીને આત્મહત્યા કરી. અક્ષયના આઘાતથી તરતજ સુવર્ણાનું જીવન સંકેલાઈ ગયુ. શ્વેતા મારી પુત્રી નથી, એ મારી પુત્રી સમાન પુત્રવધૂ છે. આદિત્ય અને શ્વેતા ભાઈ બહેન નથી. બાકીની વાત અક્ષયનો આ પત્ર કહેશે.’
      સુંદરલાલે ધ્રુજતા હાથે અક્ષયે લખેલા પત્રની કોપી સોનાલીને આપી.
સોનાલીએ રડતી આંખે પત્ર વાંચ્યો. હવે કંઈ પૂછવા જેવું રહેતું ન હતું. એણે કહ્યું, ‘શેઠજી આપણે શ્વેતાને એની મરજી પુર્વકનું સૌભાગ્ય આપીશું. એ આપણી પુત્રવધૂ જ રહેશે.’
      ‘હવે આપણા સંબંધ અંગે હું થોડી સ્પષ્ટતા કરવા કરવા માંગું છું. આપણો પહેલી વારનો દૈહિક સંબંધ તદ્દન આકસ્મિક હતો. ત્યાર પછી જે થયું તેમાં સુવર્ણાની ગેરહાજરીમા તમારી વાસના યુક્ત શારીરિક ભૂખ હતી. હું પ્રતિકાર કરી શકતે પણ મારી સંતાનની ભૂખ જાગૃત થઈ હતી. મારા સહકાર બદલ મેં કદીયે અપરાધ અનુભવ્યો નથી. તમારું નામ આપ્યા વગર આદિત્યને એની ચૌદ વર્ષની ઉમરે એના જન્મની વાત સમજાવી દીધી હતી. એને એના સર્જક પિતા પ્રત્યે જરાપણ અનાદર નથી; તેમ એના પિતા કોણ એ જાણવાનુ પણ એને જરૂરી નથી લાગ્યું. એ રોજ પ્રાથના કરે છે કે મારા જન્મદાતા સુખી અને તંદુરસ્ત રહે.’
      ‘સમગ્ર સમાજ જાણે છે કે શ્વેતા તમારી વિધવા પુત્રવધૂ છે અને હવે જાણશે કે તમે એને દીકરીની જેમ આદિત્ય અડવાણી નામના ડૉકટર સાથે પરણાવી છે. સમાજની નજરે તમે પિતાતુલ્ય રહેશો. પિતા નહિ. અને બીજી ખાસવાત. આજે તમે મારી પાસે બેઠા છૉ પણ હવેથી જાહેરમાં કે ખાનગીમાં આપણી વચ્ચે એક હાથનું અંતર રહેશે. લાગણીની વ્યક્તતાને અંકુશમાં રાખવી પડશે. શું તમારાથી આટલું થઈ શકશે?’
      સુંદરલાલ સોફા પરથી ઊભા થઈ ગયા. બે હાથ જોડી કહ્યું. ‘અત્યારથીજ તમને સોનાલીને બદલે મારી દિકરીના સાસુ અને મારા માનવંતા વેવાણનું સ્થાન આપું છુ. ઘણા લોકો જમાઈને દિકરા તરીકે જાળવે છે. હું મારા દીકરાને, દીકરા તરીકેનો વણબોલ્યો પ્રેમ આપીશ અને સમાજમાં જમાઈ તરીકેનો માન મરતબો જાળવીશ. તમને સમજાવવા મારી પાસે શબ્દો નથી. હું શબ્દોનો નહિ પણ આંકડાનો કરોળિયો છું. એટલું કહીશ કે આજે, પહેલા કદીયે ન અનુભવેલા સુખની ચરમ સિમા પર છું. છોકરાંઓને જ્યાં રહેવુ હોય ત્યાં રહેશે. મારા વંશવેલાના નામની ચિંતા નથી. આપણે અને આપણો ભગવાન જાણે જ છે કે અડવાણી નામ હેઠળ પણ સુંદરનું લોહીજ ફેલાશે. આપણે બધા સાથે રહીએ તે મને ગમશે પણ એમાયે મારો દુરાગ્રહ નથી. સુંદરલાલ ગળગળા થઈ ગયા.
      સોનાલીના સેલફોને ગાયત્રીમત્રનો વેદોચ્ચાર કર્યો.
આદિત્યનો ફોન હતો. ‘મમ્મી, મોના અને મોહિત પણ આવી ગયા છે. તમારી મહામંત્રણામા ખલેલ ન પડે એટલે નીચે લોન્જમા બાંધી રાખ્યા છે. તમારી આજ્ઞા થશે ત્યારે ઉપર આવીશું.’
      ‘હવે ચાંપલાસ કર્યા વગર સીધો બધાને લઈને ઉપર આવી જા’
      …અને આદિત્ય, શ્વેતા, મોના અને મોહિત સુંદરલાલના સ્યૂટમા આવી પહોંચ્યા.
યુ શેઇપમાં ત્રણ સોફા હતા. એક સોફા પર સુંદરલાલ ગંભીર ચહેરે બેઠા હતા. સામેના સોફા પર સોનાલી એવીજ ગંભીર મુદ્રામાં બેઠા હતા. શ્વેતા સુંદરલાલની બાજુમાં બેઠી. આદિત્ય મમ્મીની બાજુમાં ગોઠવાયો. મોના અને મોહિતે વચ્ચેના સોફા પર સ્થાન લીધું. બન્ને વડિલો શાંત અને મૌન હતા. ચારે જુવાનીયાઓ ફફડતા હૈયે વડિલો કંઈક કહે એની રાહ જોતા હતા.
      દીકરા આદિત્ય! માંની સાથે ગોળગોળ વાત કરવાનું ક્યાંથી શીખ્યો? શ્વેતા શ્રી સુંદરલાલ શેઠની દીકરી છે તો અક્ષય શ્વેતાનો શું સંબંધી હતો? મને જરા સમજ પાડને બેટા.’ ચારે જણા સ્તબ્ધ થઈ ગયા. કોઈ પણ દિવસ મમ્મીએ આદિત્ય સાથે આવી રીતે વાત કરી ન્હોતી. આદિ! કેટલાક સત્યો છુપાવવાનો શું હેતુ હતો? શું તું એમ માનતો હતો કે શ્વેતાને એના વૈધ્વ્યને કારણે હું નહિ સ્વીકારીશ?
કવીશ્રી નાનાલાલે વર્ષો પહેલા ગાયું હતું-
      દેહલગ્નની વિધવાને, પુનર્લગ્ન સમી મુક્તિ નથી;
      સ્નેહલગ્નની વિધવાને, પુનર્લગ્ન સમું પાપ નથી.
      શું હું એટલી જુનવાણી છું? જો જુનવાણી હોત તો તારો જન્મ જ થયો ન હોત. મેં તને મારી બધી જ વાત કરી છે. માત્ર તારા પિતાની ઓળખ મેં તેમના સુખી ગૃહજીવનને સલામત રાખવા માટે જ ન્હોતી કરી. સમય આવશે ત્યારે એ પણ જણાવીશ્. બેટા! મારા હાથમાંની આ વીંટી લે. અમારી હાજરીમાં શ્વેતાને પ્રપોઝ કર. શ્રી.સુંદરલાલ શેઠ આજે માત્ર શ્વેતાના જ નહિ પણ તારા પણ પિતાતુલ્ય છે. તમે બન્ને એમના આશીર્વાદ મેળવો.
      સુંદરલાલ સોનાલીના પ્રભાવશાળી માતૃત્વને મનોમન વંદી રહ્યા હતા. હંમેશનો વાચાળ આદિત્ય બધાની હાજરીમાં પ્રપોઝ કરતી વખતે ગાંગાગૂંગી કરતો થઈ ગયો. માંડમાંડ ચાર શબ્દો બોલી શક્યો ‘વિલ યુ મેરી મી?’
      શ્વેતા જાણે બાપુજીની મંજુરી માંગતી હોય તેવી નજરે સુંદરલાલ સામે જોયું. સુંદરલાલે આંખોથી આશિર્વાદ આપ્યા. એણે હળવેથી જવાબ આપ્યો ‘સોનાલીમમ્મીની પુત્રવધૂ બનતા ગૌરવ અનુભવીશ.’
      શ્વેતા અને આદિત્ય સુંદરલાલને અને સોનાલીને પગે લાગ્યા. શ્વેતા સુંદરલાલને વળગીને રડી પડી. સુંદરલાલે એને ધીમેથી સોનાલી પાસે બસાડી અને આદિત્યને ગાઢ આલિંગન આપ્યું.
      મોના એકદમ સોફા પર ચઢી નાના છોકરાની જેમ કુદતા કુદતા તાળી પાડતી હતી. કોન્ગ્રેચ્યુલેશન આદિત્ય. કોન્ગ્રેચ્યુલેશન શ્વેતા. મોહિતે આદિત્ય સાથે હાથ મેળવ્યા અને શ્વેતાને નમસ્કાર કરી અભિનંદન આપ્યા. મોનાનો ઉમળકો થોડો અંકુશમાં આવ્યો. એણે સુંદરલાલની ચરણરજ માથે ચડાવી વંદન કર્યા. શેઠજી આપે મને ઓળખી નહિ. હું મોના મહેતા.
      ‘દીકરી મને લાગે છે કે મેં તને ક્યાંક જોઈ છે પણ મને યાદ નથી આવતું.’
      ‘હું આપના અમદાવાદના બ્રાન્ચ મેનેજર કુંદનલાલ મહેતાની દિકરી.’
      ઓ..હો..હો. હવે યાદ આવ્યુ. આપણે ચારેક વર્ષ પહેલા મળેલા. તારો અભ્યાસ કેમ ચાલે છે બેટી? ‘આપની કૃપાથી સરસ ચાલે છે. હજુ દોઢ વર્ષ બાકી છે.’
      મોનાએ સૌને શેઠજી સાથેનો પોતાનો પરિચય જણાવ્યો. મારા ફાધર લગભગ ચાર વર્ષ પહેલાજ શેઠજીની ફાઈનાન્સ કંપનીમાં જોડાયા હતા. મને MBBS કરવામાં એમની બધી બચત સાફ થઈ ગઈ હતી. મને અમેરિકા આવવાની તક મળતી હતી પણ એમાં સાંઠહજાર ખૂટતા હતા. ખૂબ ખંચકાટ સાથે મને લઈને શેઠજી પાસે લોન માંગવા ગયા. ફાધરની નવી નવી નોકરી હતી. કદાચ લોન ન પણ મળે. પણ શેઠજીએ તો સાંઠહજારનો ચેક લખી આપ્યો. મને કહ્યું કે દીકરી આ લોન નથી. આ મારી તને સ્કોલરશિપ છે. ખુબ ભણજે. વધારે જરૂર હોયતો મને જણાવજે.
      શેઠજીની આર્થિક સહાયને કારણે જ હું આજે અમેરિકામાં અભ્યાસ કરી રહી છું. અમદાવાદમા આદિત્ય અને આન્ટી અમારી અમારી સામે જ રહેતા હતા. આદિત્ય મારા ભાઈ જેવો છે. મને ખબર ન્હોતી કે શ્વેતામેડમ આપના ફેમિલી મેમ્બર છે. ઉમર અને આદિત્યની સાથેની નિકટતાને કારણે મારાથી એમની સાથે તુકારાથી વાત થઈ ગઈ છે. આઈ એપોલોઝાઈસ. સોરી આઈ વોઝ ઈગ્નોરન્ટ.
સુંદરલાલ મલકતા હતા. મારે માટે તો તું પણ દીકરી જેવી જ છે. તારી ભાભીને જ પુછ, એને શું પસંદ છે.
મોનાએ શ્વેતા સામે જોયું.
      શ્વેતાએ કહ્યું મોટા નણંદબાના અધિકાર પ્રમાણે મને માત્ર શ્વેતા જ કહેવાનું રાખજો. મારે તો તમને વંદન કરવાના છે. ખરેખર શ્વેતા પગે લાગવા માટે વાંકી વળવા જતી હતી પણ મોના તેને ભેટી પડી.
      શ્વેતા, આ માતાજીને બહુ વળગવા જેવું નથી. એનેતો દુરથી જ નમસ્કાર સારા. આદિત્યએ ટિખળ કરી. મોનાએ વડિલોની હાજરીની પરવા કર્યા વગર આદિત્યનો કાન આમળ્યો.
      બસ હવે માતાજી નહિ કહું. હે રૌદ્રરૂપા દેવીજી કૃપા કરી મારો કાન છોડો. મોનાએ જરા વધારે અમળાવીને કાન છોડ્યો. આદિત્યએ હાથ જોડી કહ્યું. ‘ક્ષમ્યતામ્ પરમેશ્વરી’. મોહિત જોઈ લેજે અને યાદ રાખજે તારી હાલત પણ આવીજ થવાની છે. બધા હસી પડ્યા.
      ચાલો હવે મનેતો કકડીને ભુખ લાગી છે. ક્યાં જઈશું? રોયલ પેલેસમાં કે કોઈ બીજી જગ્યાએ.
      ત્યાર પછી નિકુળને જોવા જવાનું છે. આદિત્યએ કહ્યું.
      તને ખાવા સિવાય બીજો કાંઈ વિચાર આવે છે ખરો? મોનાએ આદિત્યને ટપોર્યો.
આન્ટી આજે બહારનો પ્રોગ્રામ બંધ. જો તમને વાંધો ન હોયતો આપણે પહેલા ઘેર જઈએ. દીવો કરી આ બન્નેને આપણા ભગવાનને પગે લગાડીયે. પછી બધા, શેઠ સર સાથે નિકુળને મળી આવે. તે દરમ્યાન આપણે બન્ને ફટાફટ રસોઈ બનાવી દઈએ. અમારા ઘરમાં જ્યારે જ્યારે શુભ સમાચાર કે શુભ પ્રસ્ંગ હોય ત્યારે કંસાર રંધાય છે. આજે આપણે કંસાર, પુરી, બટાકાવડા, દાળ, ભાત શાક અને રાયતુ બનાવી દઈશું.
      મોના તે સારુ યાદ કરાવ્યુ. સોનાલી બોલ્યા. એમણે શેઠજી તરફ નજર નાંખી પુછ્યું આપને ફાવશેને? મોનાને વ્યાવકારીક વાત પુછોને? મારાથી દીકરીને સાસરે જમી શકાય?
       શેઠજી સર, હવેતો અમારા નાગર બ્રાહ્મણો પણ રૂઢીચુસ્ત નથી રહ્યા. ખાસતો આદિત્યએ આપને
      ફાધર-ઈન-લૉ ને બદલે ફાધર તરીકે જ ગણ્યા છેને? પુત્રને ત્યાં પિતાને જમવામાં શું બાધ હોઈ શકે?
      બેટી તું માત્ર મૅડિસીનમાંજ નહિ પણ આપણી સામાજીક બાબતોમાં પણ ખુબ ઘડાયલી લાગે છે. મારે તને એક વાત કહેવાની છે અને એક વાત પૂછવાની છે.
      આપને શું કહેવું પૂછવું છે?
      પહેલી વાત. મને શેઠજી સર કહેવાને બદલે માત્ર અંકલ કે કાકા જ કહેજે. નાવ વી આર ફેમિલી.
      બીજું, વાત પરથી નામ તો જાણ્યુ, પણ તમે કોઈએ મોહિતભાઈની ઓળખાણ ન કરાવી.
     ડૉકટર મોહિત મહેતા અમદાવાદના જ છે. એ પિડિયાટ્રિકમાં પોસ્ટ ડોકટરેટ કરે છે. એમના ફાધર ડૉ.ફિરોઝશા મહેતા અમદાવાદના જાણીતા જાણીતા સર્જન છે. મમ્મી બહારબાનુ મૅડિકલ કોલેજમાં મારા પ્રોફેસર હતા. અમે વેવિશાળ કરવાનું નક્કી કર્યું છે. અમારા બન્નેના પેરન્ટ્સે આશીર્વાદ આપ્યા છે. સામાન્ય રીતે પારસીમાં બાહ્ય લગ્ન થતાં નથી. પણ અમારી બાબતમાં અમે નસીબદાર છીએ. અમારા કુટુંબો સંકુચિત વિચાર વાળા નથી. અમે અમારી જન્મગત સંસ્કૃતિ જાળવીને પરસ્પર સાંસ્કારીક સમભાવ પુર્વક જીવીશું. અમે અગ્નિની સાક્ષીએ જોડાવાનું નક્કી કર્યું છે.
      મોહિત ઊભો થયો. ‘અંકલ અમને આશિષ આપો.’ મોહિત શેઠજીને પગે લાગ્યો.
      શેઠજીએ ઊભા થઈને મોહિતને પ્રેમભર્યું આલિંગન આપ્યું. માથે હાથ ફેરવતા કહ્યું ‘બેટા ગોડ બ્લેસ યુ એન્ડ મોના, એન્ડ કીપ યુ બોથ હેપી એન્ડ હેલ્થધી ફોર એવર.
      આદિત્ય, શ્વેતા, સુંદરલાલ અને સોનાલી એક કારમાં અને મોહિત અને મોના બીજી કારમાં આદિત્યના ઘેર પહોંચ્યા. સોનાલીએ દેવસ્થાન પાસે દિવો કર્યો. ઘૂપસળી સળગાવી. ફ્રિઝમાંથી મિઠાઈ કાઢી પ્રસાદ ધરાવ્યો. મોનાએ સ્પષ્ટ અને શુધ્ધ ઉચ્ચારથી વેદોક્ત ભદ્રસુક્ત ભણવા માંડ્યું. સુંદરલાલ અચંબાથી મોનાને જોતા રહ્યા. આ બ્રાહ્મણની છોકરી ડૉકટર થયેલી છે. બ્રાહ્મણના સંસ્કાર સાચવીને પારસીને પરણવાની છે. ધન્ય છે એના માંબાપને. કુંદનલાલ આવી પુત્રી પામવા નસીબદાર છે. સુંદરલાલ મોના અને મોહિતથી ખરેખર પ્રભાવિત થયા હતા.
      આદિત્ય અને શ્વેતાએ લાંબા થઈ ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. સુંદરલાલ અને સોનાલીને વંદન કર્યા. બન્નેની આંખો સજળ હતી. દુન્યવી દૃષ્ટિએ સુંદરલાલ, માનેલી પુત્રી શ્વેતા અને જમાઈ આદિત્યને આશિષ આપતા હતા. અંતરથી પોતાના પીંડના પુત્ર અને પુત્રવધૂને આશિર્વાદ વરસાવતા હતા. સોનાલીને હૃદયમાં કયા સ્થાને બેસાડવી તે નક્કી કરવું તેમને માટે મુશ્કેલ હતું.
મોનાએ કહ્યું. ‘હવે તમે બધા સર્જરી સેન્ટર પર જઈ નિકુળને મળી આવો.’
      ‘મોનાબેન…’
      શ્વેતા કંઈ કહેવા જતી હતી પણ મોનાએ એને અધવચ્ચે જ અટકાવી.
      ‘મોના બેન નહિ. માત્ર મોના. યાદ રહેશેને? માત્ર મોના… બોલ શું કહેવું છે?
      ‘હું એમ કહેતી હતી કે ભલે થોડુ મોડુ થાય પંણ આપણે બધા સાથેજ જઈએ. હું પણ રસોઈમાં હેલ્પ કરું અને નિકુળ માટે પણ ડિનર લઈ જઈયે. મારા ઘરમાં તમે કામ કરો અને હું બહાર ફરતી રહું એ યોગ્ય ન કહેવાય.’
      મોનાએ બન્ને હાથ કમ્મર પર મુક્યા…. ‘મારું ઘર!…. શોખ છેને?….. કાલથી ભાભી સાહેબ, તારે કુકીંગ, ક્લિનીંગ, ડિસીસ, લોન્ડ્રી, ગાર્બેજ, શોપિંગ, બઘું જ કરવાનું. તારી સાસુ અને નણંદ હવેથી હિંચકે ઝુલશે.’
      આદિત્યએ શ્વેતાના બચાવમાં ઝ્ંપલાવ્યું. શ્વેતા ગભરાતી નહિ. એક નહિ ત્રણ હાઉસકિપર રાખીશું બધાજ હિંચકે ઝુલજો. પણ જલ્દી આજની રસોઈ તો કરો. મારા પેટમાંતો બિલાડા બોલે છે.
      બધી રસોઈ થઈ ગઈ. બધા સાથે નિકુળને મળવા નીકળ્યા.

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૪

 

Image

“શું છે એ બુઢ્ઢીનું નામ.?”
“એની મમ્મીનું નામ મિઝ. સોનાલીબેન અડવાણી.”
સુંદરલાલ બૅડમાં સૂતા સૂતા વાત કરતા હતા. નામ સાંભળી એકદમ બેઠા થઈ ગયા.
“શ્વેતા! તેં શું નામ કહ્યું? મેં બરાબર સાંભળ્યું નહિ.”
“સોનાલી અડવાણી”
બેઠા થયેલા સુમ્દરલાલ ઊભા થઈ ગયા. “બેટી હું થોડી વાર પછી તને કોલ કરું છું”
શ્વેતા બોલે કે વિચારે તે પહેલા ફોન કટ થઈ ગયો.

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૪

લગભગ વીસ મિનિટ પછી સેલફોન જાગ્યો.

“શ્વેતા, બેટી ધ્યાનથી સાંભળ. મેં નૉવાર્કની ફ્લાઈટ બુક કરાવી છે. પરમ દિવસે હું અમેરિકા આવી પહોંચીશ. આ દરમ્યાન એક કલાક પછી મારા એક ફ્રેન્ડ માઈકલ અને એની વાઈફ સુઝન, ડોકટરને ત્યાં તને લેવા આવશે. માઈક આપણો અમેરિકા ખાતેનો એજન્ટ છે. હસબન્ડ વાઈફ બન્ને આનંદી સ્વભાવના છે. નવા બિઝનેશ કોન્ટ્રાક્ટ અંગે મિટિંગ માટે બે દિવસ જવું પડે એમ છે એમ ડોકટરને ત્યાં જણાવીને એમને ત્યાંથી નીકળી જજે. વધારે ખુલાસો કરવાની જરૂર નથી. ત્યાં ઈસલિન પાસે વુડ એવેન્યુ પર હિલ્ટનમાં મેં રૂમ બુક કરાવવાનું કહ્યું છે. નજીકમાં જ ઈન્ડિયન બજાર છે. તને ફરવાની મજા આવશે.”

 

બે દિવસ સુઝન તને કંપની આપશે. પછી તો હું આવી રહીશ.

શ્વેતાને એના બાપુજીના શીઘ્રનિર્ણય શક્તિનો પરિચય હતો. એને સમજાયું નહિ કે એમણે એને ડોકટરના ઘરમાંથી નીકળી જવાનું કેમ કહ્યું! એ જાતે પણ પહેલી ફ્લાઈટથી અહિ આવી રહ્યા છે. એણે પુછ્યું “..પણ બાપુજી તમે એકદમ કેમ દોડાદોડી કરો છો. હું જ ત્યાં આવું છું.”

“ના બેટી, મારે એ સોનાલીબેનને મળવું છે. પછી આપણે સાથે ઈન્ડિયા પાછા આવીશું. યુ ટૅઇક કેર. આઈ વિલ સી યુ સુન.”

શ્વેતાએ પોતાની વસ્તુઓ સંકેલવા માંડી. બેગ તૈયાર થઈ ગઈ. આદિત્યને ફોન કર્યો પણ તેનો સેલફોન સ્વિચ્ડ ઓફ હતો. તે નીચે બેઝમૅન્ટમાં સોનાલીબેનના રૂમમાં ગઈ. સોનાલી બેન સિતાર પર કેદારની ધુન પર જાણીતું ભજન ‘દરશન દો ઘનશ્યામ’ વગાડતા હતા. આંખોમાંથી ગંગા જમના વહેતી હતી હતી. શ્વેતા એની સામે પલાંઠી વાળી બેસી ગઈ. એ સંગીતના સૂરોમાં ખોવાઈ ગઈ. શ્વેતાને માટે એ હૃદયસ્પર્શી સંગીત હતું. સોનાલીબેન માટે એ જાગૃત થયેલો ભૂતકાળ હતો. ભૂતકાળ ભસ્મિભૂત ન્હોતો થયો. માત્ર દફનાવાયો હતો. એ દફનાવેલો ભૂતકાળ શ્વેતાએ સજીવ કર્યો હતો. સિતાર દ્વારા એ ભૂતકાળના સુંદરલાલ સાથેના સમાગમની સ્મૃતિઓ’ કેદાર રૂપ ધરીને વહેતી હતી. કેદારનો આલાપ અને આ ભજનની ગતના, સુંદરલાલ ચાહક હતા. વારંવાર એકનું એક ભજન સાંભળતા. સુંદરલાલ અને સુવર્ણાબેને આપેલી ભેટ તેની બાહોંમાં હતી. હૈયા સાથે ચંપાયલી હતી. સામે મંત્રમુગ્ધ થઈને સુંદરલાલની દીકરી શ્વેતા, સોનાલીબેનની સામે બેઠી હતી. સોનાલી, શ્વેતાના ચહેરામાં સુવર્ણા અને સુંદરલાલને શોધવાનો નિષ્ફળ પ્રયાસ કરતા હતા. એમણે હળવેથી વાદ્ય નીચે મુક્યું.

‘માસી!…. બાપુજીનો ફોન હતો. મારે અમારા એજન્ટ અંકલ માઈક સાથે એક કોન્ટ્રાક્ટ માટે કદાચ આજે રાત્રે શિકાગો જવાનું થશે. હમણાંજ થોડીવારમાં માઈક અંકલ આવી પહોંચશે. મેં આદિત્યને ફોન કર્યો હતો પણ એનો ફોન સ્વિચ ઓફ હતો.’
‘બેટી! આદિત્યને કહ્યા વગર તો કેમ જવાય? તું અમારાથી અજાણી વ્યક્તિ સાથે જાય તો અમને ચિંતા રહે. તું અને નિકુળ તો રાજુભાઈએ અમને સોંફેલી અમાનત કહેવાય.’

‘માસી, તમારો પ્રેમ આ ચિંતા કરાવે છે. પણ ચિંતાનું કારણ નથી. માઈક અમારા એજંટ છે. બાપુજી એમને વર્ષોથી ઓળખે છે. જરા પણ ચિંતા કરવા જેવું નથી. ખરેખરતો મારી ઈચ્છા નિકુળની સર્જરી વખતે હાજર રહેવાની હતી પણ બાપુજીનો ફોન આવ્યો એટલે જવું જ પડશે. હું ફોન કરતી રહીશ.’

શ્વેતાને વધુ કહેવું ન પડ્યું. માઈક અંકલનો ફોન આવ્યો. ‘વી આર ફાઈવ મિનિટ અવે ફ્રોમ ડૉકટર આદિત્યસ રેસિડન્સ. પ્લીઝ ગેટ રેડી.
અને બેઝમેન્ટમાંથી ઉપર આવે તે પહેલાતો ડોરબઝર ગાજ્યું.

માઈકલે બે હાથ જોડી સોનાલીને નમસ્કાર કરી એની ઓળખાણ આપી. “આઈ એમ માઈકલ, એન્ડ ધીસ ઈઝ માઈ વાઈફ સુ. આઈ એમ ફ્રેન્ડ એન્ડ એજંટ ઓફ મિ. શેઠ ફોર મેની યર્સ. વી હેવ ઇમ્પોરટન્ટ્ મિટિંગ ટુ એટેઇન. સુંદર શેઠ ઓર્ડર્ડ મી ટુ પીક અપ શ્વેતા મૅડમ. આઈ એપોલોઝાઈસ ફોર શોર્ટ નૉટિસ.”

શ્વેતાએ માઈકલને પહેલી વખત જ જોયા હતા પણ સરળતાથી વર્ષોથી ઓળખતી હોય એવું વર્તન રાખ્યું.
સોનાલીબેનને પણ અંદાજ આવ્યો કે સુંદરલાલ હવે શેરબ્રોકરના નોકરિયાત નથી રહ્યા.

શ્વેતા, માઈક અને સુઝન સાથે હિલ્ટન પર આવી પહોંચી. એડજોઈનિંગ બે રૂમ હતા. એક રૂમ શ્વેતાને માટે અને એક રૂમ શેઠજીને માટે બુક કરાવ્યો હતો. શેઠજીના રૂમમાં શેઠજી આવે ત્યાં સુધી માઈક અને સુ રોકાવાના હતા. માઈકે શ્વેતાને કહ્યું. તારો ફોન શેઠજી આવે ત્યાં સુધી સ્વિચ ઓફ કરી દે. એણે શ્વેતાને બીજો ફોન આપ્યો. જરૂર પડે આ ફોન વાપરજે. શ્વેતાએ માઈકના કહેવા પ્રમાણે ફોન બંધ કર્યો.

બાપુજી કેમ દોડીને આવે છે. જેમણે આટલી કાળજી રાખી તે કુટુંબને અંધારામાં રાખીને ચાલ્યા આવવાનું એને યોગ્ય ન લાગ્યું. ન રૂચ્યું. શું બાપુજી, આદિત્યના મમ્મીને ઓળખતા હશે?.. બે વચ્ચે કોઈ અદાવત હશે? નામ સાંભળ્યા પછી જ સોનાલીબેનનું વર્તન બદલાયું હતું. બાપુજીએ પણ આદિત્યને બદલે એનાથી ચડિયાતા સો ડૉકટરની લાઈન લગાવવાનું કહ્યું હતું. શ્વેતાએ મન મનાવ્યુ. હશે, વચમાં માત્ર એક જ દિવસ છેને? બાપુજી આવશે એટલે ખબર પડશે.

હિલટનમાં સેટ થયા પછી માઈક અને સુ સાથે કારમાં ઓક ટ્રી સ્ટ્રીટ પર ચક્કર લગાવ્યું. શ્વેતાને નાનું ઈન્ડિયા ગમ્યું.

‘મેડમ, યુ મસ્ટ બી હંગ્રી. વુડ યુ લાઈક ટુ ગો સમવેર ફોર ડિનર?’

‘સ્યોર. આઈ વુડ લવ ટુ. વન મોર રિક્વેસ્ટ. પ્લીઝ કોલમી ઓન્લી શ્વેતા. નો મોર મેડમ. એન્ડ ઈફ યુ ડોન્ટ માઈન્ડ આઈ વી કોલ યુ માઈકઅંકલ.. આઈ નો, હિયર યુ સે, અંકલમાઈક. વોટ યુ પ્રિફર?

‘ઓહ માય ચાઈલ્ડ! યુ આર સો સ્વિટ…કોલ મી એનીથીંગ. શેઠજી ઈઝ લકી ટુ હેવ યુ ઈન હીઝ ફેમિલી.’

ચાલો અંકલ હવે ફુડની વાત કરીયે. મને ક્યાં લઈ જશો?

આ ઓક ટ્રી રોડ પર ઘણી ફાસ્ટફુડ રેસ્ટોરાન્ટસ છે. હું ઈન્ડિયામાં ઘણું રખડ્યો છું. અહિ સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે પણ મારી દૃષ્ટિએ અહિ એક પણ જગ્યા એવી નથી કે જેને ફાઈન ડાઈનર કહી શકાય. એનવાયરમેન્ટ, હાઈજીન્સ અને સર્વિસ કોઈ તમારા ગામડાના રેલ્વે સ્ટેશન પરની ચાલુ રેસ્ટોરાન્ટ કરતા ચઢે એમ નથી. આમ છતાં શેઠજી આવે છે ત્યારે ટેસ્ટ્થી ખાય છે. આતો મારો અંગત અભિપ્રાય છે. અહિ એક સરસ હોટલ છે. રોયલ આલબર્ટ પેલેસ. ફુડની ક્વોલિટી તો તુંજ સમજી શકે પણ ફાઈન કુઝિનનુ વાતાવરણ અને સર્વિસ સારી છે એમ કહી શકું….. જવું છે?

અંકલ હું તો ઈન્ડિયામાં જન્મી અને ત્યાંજ મોટી થઈ. બધીજ વાતે ટેવાયલી છું. તમને અનુકૂળ આવે ત્યાં જઈશું.

તેમણે આલ્બર્ટ પેલેસમાં ડિનર લીધું. ડિનર પછી પોતપોતાના રૂમમાં જતાં પહેલા હિલ્ટનની લોન્જમાં બેસીને વાતો કરતાં કરતાં શ્વેતાએ માઈક અંકલના બિઝનેશ અનુભવનો સારો જેવો લાભ લીધો.

બીજે દિવસે સવારે નિકુળની સર્જરી હતી. એણે આદિત્યને ફોન કરવાનો વિચાર કર્યો પણ બાપુજીએ કોઈ ખાસ હેતુથી કોઈનો પણ સંપર્ક સાધવાની ના કહી હતી. આખો દિવસ એણે માઈકઅંકલ અને સુ આન્ટી સાથે વોલ સ્ટ્રીટમાં જુદા જુદા બ્રોકરોને મળવામાં ગાળ્યો. એને ઘણું શિખવા મળ્યું.

બીજી સવારે નૉવાર્ક એરપોર્ટ પર શેઠજીનું પ્લેન લેન્ડ થયું ત્યારે એમને રિસિવ કરવા શ્વેતા, માઈકલ અને સુઝન હાજર હતા. શેઠજીને જોતાંજ શ્વેતા એમને નાની બાળકીની જેમ વળગી પડી. શેઠજીના હૃદય સાથે ચંપાયલી રહી. માઈક અને સુ એ ભાવભર્યા મિલનને સાનંદાશ્ચર્યથી નિહાળતા રહ્યા. સસરા અને પુત્રવધૂની આવી લાગણી અને હેત એમના સમાજમાં દુર્લભ હતા.

બધા હિલ્ટન પર પહૉચ્યા. મેનેજરની નજર શેઠજી પર પડી. દોડીને સીધો એમની પાસે આવ્યો. હલ્લો મિ.શેઠ. આઈ ડિડ નોટ નો ધેટ યુ આર કમીંગ ટુ ડે. આઈ વોઝ ઓન વૅકેશન. લેટ મી સી વિચ રૂમ યુ આર બુક્ડ ઈન.

દોડતા જઈને કોમ્પ્યુટરમા એમનું બુકિંગ જોયું. ‘ઓહ નો.’ એણે થોડો ફેર કર્યો. મિ.શેઠ, મેં તમને તમારા કાયમના જુનિયર સ્યૂટમાં મુક્યા છે.

મેનેજર ગેરસમજ કરે તે પહેલા જ શેઠજીએ ખુલાસો કર્યો. મીટ માય ડોટર શ્વેતા. સી ઈઝ વન ઓફ ધ ડિરેકટર ઓફ અવર કોર્પોરેશન.
સર વી હેવ વન, ટુ બેડરૂમ સ્યુટ. યુ વીલ હેવ કન્વીનીયન્સ ફોર સીક્સ પરસન્સ કોન્ફરન્સ ટેબલ. આઈ એમ સ્યોર ઈટ વીલ બી મોર કન્વીનિયન્ટ ફોર યુ.

ધેટ્સ ફાઈન.

એમની બધી બેગ લકઝરી સ્યુટમાં મુકાઈ ગઈ.

શેઠજી હવે અમે રજા લઈશું. અમારા બે ડોગને મારી ડોટરને ત્યાં બેબીસિટીંગમાં મુકી આવ્યા છીએ. અમારે જવું પડશે. કામકાજ હોયતો મને જણાવજો. હું હાજર થઈશ. હું સમજુ છું કે આ તમારી સોસિયલ અને પરસનલ મિટિંગ છે.
માઈકલ અને સુઝને વિદાય લીધી.

શેઠજીએ રિલેક્ષીંગ બાથ લીધો. ફોન કરી રેન્ટલ કાર મંગાવી લીધી. ઓક ટ્રી રોડ પર લંચ લઈ પાછા હોટલ રૂમ પર આવ્યા.
શ્વેતા હવે તારા ડૉકટર ફ્રેન્ડને ફોન કર. પહેલા નિકુળની ખબર પુછજે. તેં એમના ઘરેથી આવ્યા પછી એમનો કોન્ટેક્ટ કર્યો નથી એટલે એજ તને જણાવશે કે એની માને શું વાંધો છે. તારે ખાસ આતુરતા બતાવવાની જરુર નથી. પછી એને કહેજે કે બાપુજી આવ્યા છે. તમને બધાને મળવાની ઈચ્છા છે.

શ્વેતાએ આદિત્યને ફોન કર્યો.

‘હાય આદિત્ય’
‘ઓહ શ્વેતા મને જણાવ્યા વગર તું ક્યાં ચાલી ગઈ?’
‘મારે અમારા બિઝનેશ અંગે શિકાગો જવું પડ્યુ. એક્ચ્યુઅલી આઈ ટ્રાઈડ ટુ કોલ યુ, બટ યોર ફોન વોઝ સ્વિચ્ડ ઓફ્.’
‘આદિત્ય! નિકુળને કેમ છે? મારે એની સાથે વાત કરવી છે.’
‘નિકુળ ઈઝ ફાઈન. પણ તું અત્યારે ક્યાં છે? ઘરે કેમ ન આવી? મમ્મી પણ ખુબ રાહ જુએ છે અને ચિંતા કરે છે. તું અને નિકુળ મારી જવાબદારી છે. મને કહે કે તું ક્યાં છે? હું હમણાજ આવીને તને લઈ જાઉં. યુ હેવ નો આઈડિયા વોટ આઈ એમ ગોઈંગ થ્રુ! મને તારી બધી જ કંડિશન મંજુર છે. યુ આર માઈ ફર્સ્ટ એન્ડ લાસ્ટ લવ. ‘પ્લીઝ ટેલ મી વ્હેર આર યુ?

”આદિત્ય!….. ડિયર કામ ડાઉન…. હું અહિ વુડબ્રીજ હિલટનમાં મારા બાપુજી સાથે છું. બાપુજી પણ શિકાગો આવ્યા હતા. ત્યાંથી આજે સવારે જ અમે ન્યુજર્સી આવ્યા. થોડું ન્યુયોર્કમાં કામ છે તે પતાવીને અમે બે-ત્રણ દિવસમાં બોમ્બે પહોંચી જઈશુ.’
હું મમ્મીને લઈને હિલ્ટન પર આવું છું.’

‘આદિત્ય!… એક બીજી વાત સમજી લે. મમ્મીને મનદુખ થાય એવા તારા કોઈપણ નિર્ણયમાં મારા સાથની આશા ન રાખતો. મારે લીધે મમ્મીએ આપેલા ત્યાગ અને ભોગનું અવમુલ્યાંકન થાય એવું હું ઈચ્છતી નથી. તમે અહિ આવશો તે બાપુજીને પણ ગમશે. ઈવનિંગ ડિનર ઈઝ ઓન અસ. જો શક્ય હોય તો મોના અને મોહિતને પણ લઈ આવજે. શું નિકુળ આવી શકશે?

‘ના, નિકુળ હમણા રિકવરીમાં છે. સ્પેસિયલ કેરમાં છે. આપણે મળીયે પછી તમને એની પાસે લઈ જઈશ. મારે બાપુજીના ચરણ સ્પર્શ કરી તેમના આશિષ લેવા છે. રાજુભાઈએ એમની ઘણી વાતો કરી છે. મને ખાત્રી છે કે એમના આશિર્વાદથી આપણી મનોકામના પૂર્ણ થશે. હુ હમણા જ મમ્મીને અને નિકુળને જાણ કરું છું. નિકુળની સાથે એના સેલ પર વાત કરવામાં વાંધો નથી. લિસા એની સાથે જ છે.

ફોન બંધ થયો. આદિત્ય ઉત્તેજીત થઈને મોટેથી બોલતો હતો અને શ્વેતાના સેલફોનનુ વોલ્યુમ હાઈ હતું. પાસે બેઠેલા સુંદરલાલ બધી વાતો સાંભળતા હતા. એ આદિત્યની ઉત્કટ પ્રેમની લાગણી સમજી શક્યા. એમણે શ્વેતાને કહ્યું ‘બેટી, સુખી લગ્ન જીવન માટે તું તેને ચાહે તેના કરતાં તે તને ચાહે એ વધારે અગત્યનું છે.’

બાપુજી આદિત્યના પ્રેમને સમજી શકું છું. બાની હયાતીબાદ તમો તમારું જીવન નોકર ચાકરને હવાલે કરો તે મને મંજુર નથી. બીજું તમે મને વહુ કે દીકરી તરીકે મને શેઠની અટક અને ઓળખ આપી છે તે જાળવવાની મારી નૈતિક ફરજ છે. મારા ભાવી સંતાનોમાં ભલે શેઠ પરિવારનું લોહી નહિ હોય પણ તેઓ સંસ્કાર અને શેઠ અટક પેઢી દર પેઢી ચાલુ રાખે એટલું તો હું જરૂર ઈચ્છું છું. એક ક્ષણે મને બાંધછોડ કરવાનો વિચાર આવ્યો હતો. પણ તમારા આવ્યા પછી મન મક્કમ થઈ ગયું છે. આદિત્યની અટક પણ તેના મમ્મીની જ છેને!

બેટી, જીવનમાં આપણું ધારેલું બધું થવું જ જોઈએ એ વ્યવહારમાં બનતું નથી. હું પોતે માનતો હતો કે સુંદરલાલ શેઠને માટે કશું અશ્ક્ય નથી. પણ કુદરતે મને એક ક્ષણમાં સમજાવી દીધું કે સુંદરલાલ તું જે છે, તું જે પામ્યો છે એ તારા ભાગ્યમાં હતું એટલે પામ્યો છે. તારા પ્રારબ્ધે જ તને પુરુષાર્થ તરફ દોર્યો છે. સંતાન સુખ કદાચ મારા ભાગ્યમાં જ નહોય.

અક્ષયને પોતાનો કર્યો. એને માટે મેં તારું બલિદાન લઈ લીધું. સુવર્ણાને ગુમાવી. વંશવેલો વધારવા તારુ બીજી વારનું બલિદાન નથી લેવું. બેટી! દીકરીએ તો પતિ અને સાસરામાં જ એકાકાર થવું પડે. હું દીકરીના બાપ તરીકે સોનાલીબેનને પગે લાગીને તારા સ્વીકાર માટે ભીખ માંગીશ.

ના બાપુજી ના. તમારે એવું કશુંજ કરવાનું નથી. મારા સમ છે તમને. તમારે આદિત્યના મમ્મીને વિનંતી કરવાની જરૂર નથી. તમે રસ્તા પર ચાલતા સામાન્ય માનવી નથી. તમે સુંદરલાલ શેઠ છો. તમે તો ઘણાના ભાગ્ય ઘડ્યા છે. કેટલાય માટે તમે પ્રેરણા મુર્તી બન્યા છો.
સુંદરલાલ મનમાં વિચારતા હતા કે એજ સોનાલી આદિત્ય હોય તો કશું જ કરવું ન પડે. એ કેમ અને ક્યાં અચાનક અદૃશ્ય થઈ ગઈ. જાણવા માટેતો અમેરિકા સુધી દોડ્યો છું. ગમે તે સોનાલી હોય. મારી શ્વેતાને સુખી કરવા જે કરવું પડે તે કરી છૂટીશ. એણે વિષય બદલ્યો.

આ બધી વાતમાં એક કોન્ટ્રાક્ટની વાત કરવાની રહી ગઈ. વેસ્ટ પારલામાં અમેરિકન કંપની સાથે એક ફાઈવ સ્ટાર હોટેલ નું ડિલ કર્યું છે. આપણા ચાલીસ એમના સાંઠ. તું નિકુળને ફોન કર. શિકાગોમાં ડિલ કર્યું એમ જણાવીશું.

શ્વેતાએ નિકુળને ફોન જોડ્યો.
‘હાય બડી. કેમ છે?
‘બહુ લાંબા સમયે મારી યાદ આવી. જ્યારે મને હુંફ અને માનસિક સહારાની જરૂર હતી ત્યારે જ જણાવવાની કરટસી યે દાખવ્યા વગર ગુમ થઈ ગઈ. દુનિયાના કોઈ પણ ખુણા પરથીયે ફોન કરી શકાત. પણ હવે હું ક્યાં નિકુળ છું? હવે આ દુનિયામાં મારું કોણ? એક સજાતિય મિત્ર લિસા કાળજી રાખે છે. એ પણ કદાચ એની જોબની ફરજ તરીકેજ હશે. આદિત્યની સામે હું હતો પણ તેનું રટણ તો તારા નામનું જ હતું.’

શ્વેતા એની આક્રોશ વેદના સાંભળતી હતી. આંશિક સત્યતો હતું જ.

માય ફ્રેન્ડ આઈ હેડ ટુ ગો. ઈવન બાપુજી કેઇમ ફ્રોમ બોમ્બે. નાવ વી આર ઇન ન્યુ જર્સી. આજે સાંજે બાપુજી સાથે તને મળવા આવીશું.
શેઠજી પણ છે?
હા.
આઈ કાન્ટ ફેઇસ હીમ.
શેઠજીએ ફોન લીધો.
દીકરા કેમ છે હવે?
સારું છે. આપ ક્યારે આવ્યા?

હું તો એક હોટેલના ડિલ માટે શિકાગો આવ્યો હતો. પછી થયું કે નિકુળને જોતો જાઉં. શ્વેતા સાથે અહિ આવી ગયો. હું સાંજે તને મળવા આવીશ ત્યારે હોટલના ડિલની વાત કરીશ.

અંકલ હવે મારું ભવિષ્ય શું?

દીકરા, હું બેઠો છું ને! તું પહેલા ઓલરાઈટ તો થઈ જા. હું આવીશ ત્યારે આપણે ઘણી વાતો કરીશું હમણા તું આરામ કર.
બરાબર ચારને ટકોરે આદિત્ય અને સોનાલી શેઠજીની રૂમ પર આવી પહોંચ્યા. શ્વેતાએજ ડોર ખોલ્યું. સુંદરલાલને હગ કરવાનો ઉમળકો થઈ આવ્યો, પણ સોનાલીએ બે હાથ જોડી નમસ્કાર કર્યા.

હા એજ સુંદરલાલ હતા અને એજ સોનાલી હતા. પણ સોનાલી તદ્દન અજાણ્યા હોય એમ વર્તતા હતા. સુંદરલાલે જ શરૂઆત કરી.
સોનાલીજી મને એવું લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે.

હા શેઠજી. મને બરાબર યાદ છે કે તમે તમારા પત્ની સાથે ડોકટર જમશેદજીને ત્યાં આવતા હતા. મેં થોડો સમય એમની સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. આ મારો દીકરો આદિત્ય છે. આદિત્યએ વાંકા વળી સુંદરલાલના ચરણ સ્પર્શ કર્યા. સોનાલીની આંખના ખૂણા પર બે હિરાકણી ચળકી અને નેપકિન વડે નૂછાઈ ગઈ.

શેઠજી મારે આપની સાથે થોડી અંગત વાતો કરવી છે. જો આપને વાંધો ન હોયતો શ્વેતા અને આદિત્ય જરા બહાર ફરી આવશે.
સુંદરલાલે કહ્યું મને પણ જરૂરી લાગે છે કે છોકરાંઓના ભવિષ્યમાટે વડીલો વાત કરી લે એ અગત્યનું છે.

આદિત્યે શ્વેતાને કહ્યું ‘ચાલો શ્વેતાજી આપણે ઓક ટ્રી પર જઈ આવીએ. મને તો ખુબ ભુખ લાગી છે. શ્વેતાને બદલે શ્વેતાજીનું સંબોધન, શ્વેતાને ખૂચ્યું. બન્ને બહાર નીકળી ગયા

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૩

POST 167

Image
વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૩

     “બેટી બેસ આપણે થોડી વાતો કરીએ. મારે કંઈક કહેવું છે. કઈક જાણવું છે.”
    

નિકુળ અને આદિત્ય મેડિકલ સર્જીકલ સેન્ટર પર સવારથી ગયા હતા. આવતી કાલે નિકુળની સર્જરી હતી. નિકુળ આજે રાતથીજ એડમિટ થઈ જવાનો હતો. મોના પણ કોઈ રિસર્ચ લેબમાં ગઈ હતી. આદિત્યના મમ્મી અને શ્વેતા ઘરમાં એકલાં જ હતાં. શ્વેતાને પણ મન મુકીને વાતો કરવી હતી.

     “પહેલાતો હું મારી વાત કરું. આજે તો મારી ઓળખ મામ, મમ્મી, આન્ટી, માસી, બહેન કે મિઝ.અડવાણી તરીકે જ થાય છે. કોઈવાર મારું સાચુ નામ પણ ભુલાઈ જાય છે. મારું નામ સોનાલી. સોનાલી અડવાણી. અમે કરાચીના હિન્દુ સિંધી. હિદુસ્તાન પાકિસ્તાનની આઝાદી સમયે ભાગલા થયા ત્યારે મારી ઊમ્મર માત્ર બે મહિનાની હતી. તોફાન, ખુનામર્કી, લૂંટ, અને આગમાં કરાચીના હજારો લોકો હોમાઈ ગયાં. મારા માંબાપની કરપીણ હત્યા થઈ. હું ઘોડિયામાં રહી ગઈ.

     બીજે દિવસે અમારા પાડોસી લાલાચંદ કે જેઓ સંતાઈ ગયા હતા તે અમારા ઘરમાં તપાસ કરવા આવ્યા. મને ઘોડિયામાં રડતી જોઈ. મને એમને ઘેર લઈ ગયા. હિજરત શરુ થઈ. અમે અમદાવાદ આવ્યા. પાલક વૃદ્ધ બાપુએ અને બાએ મને દિકરીની જેમ ઉછેરી. મેટ્રીક સુધી ભણાવી. સંગીતની પરીક્ષાઓ આપી. તે જ અરસામાં મારા પાલક માતાપિતા દેવલોક પામ્યા.

     મારા દુરના કાકા ચંડિગઢમાં રહેતા હતા. એમને ખબર પડતા એઓ મને ચંડિગઢ લઈ ગયા. નર્સિગનો કોર્સ શરૂ કર્યો. પુરો થાય તે પહેલા બોમ્બે આવવાનું થયું. બોમ્બેમાં એક ડૉકટરને ત્યાં સેક્રેટરીની નોકરી મળી. આ ઉપરાંત સંગીતે પણ મને થોડો આર્થિક સહારો આપ્યો. શંકર જયકિશનના ઓર્કેસ્ટ્રામાં બેત્રણ વાર સિતારવાદક તરીકે પણ તક મળી, પણ ઝાઝો અવકાશ ન હતો. મારી જીંદગી એકલવાઈ હતી. એક સારો મિત્ર મળી ગયો. એણે મને નવી સિતાર અને આદિત્યની ભેટ આપી. હું અમદાવાદમાં સ્થાયી થઈ. સંગીત શિક્ષીકા તરીકે નોકરી કરી. આદિત્ય એના પિતાની જેમ હોંશિયાર નિવડ્યો. સ્કોલરશીપ, જાત મહેનત અને રાજુભાઈ જેવા મિત્રની મદદથી ભણ્યો અને સફળ ડોકટર બન્યો.

     આદિએ મને તારી કેટલીક શરતોની વાત કરી. હવે મારે તારી થોડી વાત સમજવી છે.

     સોનાલીબેન ફ્રિઝમાંથી બે ગ્લાસમાં પાઈનેપલ જ્યુસ લઈ આવ્યા. એક ગ્લાસ શ્વેતાને આપતા પુછ્યું “દિકરી તારા બાપુજીનો શું વ્યવસાય છે?”
     “બાપુજી રાજુભાઈના પિતાશ્રી સાથે ફાઈનાન્સ બિઝનેસમાં જોડાયલા છે?”
     “તારા વડિલનું નામ શું, બેટી?”
     “સુંદરલાલ શેઠ.”
     મમ્મીની આંખ અને મોં આશ્ચર્યાઘાતથી અનાયાસે પહોળા થઈ ગયા. આઘાતમાંથી બહાર આવી શ્વેતાને પુછ્યું “તેં શું નામ કહ્યું બેટી?    

     …મને બરાબર સમજાયું નહિ.”
     “મારા બાપુજીનું નામ સુંદરલાલ શેઠ.”
     મમ્મીએ સ્વસ્થતા કેળવી સધન તપાસ શરુ કરી. “અને બેટી તારા બાનું નામ?”
     “સુવર્ણાબેન.”
     “એમનું સરસ નામ છે. તારા બીજા કોઈ ભાઈ બહેન?
     “હા મને એક મોટાભાઈ છે. એમનું નામ યોગેશભાઈ છે. એઓ પણ બાપુજી સાથે જ બિઝનેસમાં છે. હું પણ એમા પાર્ટનર છું. મોટી જવાબદારી છે. બા થોડા સમય પહેલાજ દેવલોક પામ્યા. ભાઈ ભાભી એમના સંસારમાં સુખી છે. બાપુજી એકલા પડી ન જાય એટલા માટે જ મેં મારી કેટલીક ઈચ્છાઓ આદિત્ય સમક્ષ વ્યક્ત કરી છે. મને આપના આશિષ મળશે એમ હું માનું છું”

     મમ્મીના પ્રશ્નોથી અકળાયલી શ્વેતાએ અસત્ય બોલ્યા વગર પોતાની રીતે હકીકતની રજુઆત કરી.

     મમ્મી આંખ વીંચીને શાંતીથી સાંભળતા રહ્યાં.

     થોડા સમય માટે મૌન પથરાઈ ગયું. શ્વેતાની નજર નીચી હતી. તેના ધ્યાનમાં ન આવ્યું કે સોનાલીમમ્મીની બંધ આંખોના ખૂણામાં   હિરાકણી જેવા અશ્રુબિંદુ ચળકતાં હતાં. એણે શ્વેતાને પોતાની બાથમાં લઈ લીધી.

     “મારા આશિષ જીવનભર તારી સાથે જ રહેશે. બેટી હું તારે માટે મારા આદિત્ય કરતાં પણ વધારે સારો છોકરો મેળવી આપીશ. મને     લાગે છે કે આદિ પણ અમેરિકા છોડવા માટે તૈયાર ન હોય. સુવર્ણાબેન નથી તો હું તારુ કન્યાદાન કરીશ.”

     વ્યાપાર જગતમાં ઘડાયલી શ્વેતાને વિવેક પૂર્વકનો નકાર સમજાયો. આ ડિપ્લોમેટિક નેગેટિવ એન્સર હતો.

     સોનાલી મમ્મી અને શ્વેતાએ સાથે લંચ લીધું. મમ્મી અસ્વસ્થ હતાં. શ્વેતાને ગળે ડૂચા બાજતા હતાં. લંચ પછી સોનાલી એના બેઝમેન્ટમાના મ્યુઝિક રૂમમાં ગયા. શ્વેતા એને ફાળવેલા બેડરૂમમાં ગઈ.

     સોનાલી વિચારતા હતાં. બંધ રહેલા માનસ પુસ્તકના એક એક પૃષ્ઠ ધીમે ધીમે ખુલતાં હતાં. સુસુપ્ત ભુતકાળ જાગૃત થતો હતો.

     સોનાલી બહેન અંધેરીની એક ચાલીમાં રહેતા હતા. એના પાડોસી સુંદરલાલ અને સુવર્ણાબેન હતા. ખુબ પ્રેમાળ દંપતિ હતું. સુંદરલાલ કદાચ સોનાલી કરતાં નાના હશે. એકવાર સુવર્ણાબેનને ખુબ તાવ આવ્યો. સોનાલી એને પોતે નોકરી કરતા હતા તે ડૉકટર જમશેદજી પાસે લઈ ગયા. યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી. જમશેદજી એમના ફેમિલી ડૉકટર થઈ ગયા. સુવર્ણાબેનનો રોગ ગયો અને એને સરસ બેનપણી મળ્યા. એમની સાથે સુંદરલાલ પણ સ્નેહિ બની ગયા. રોજ રાત્રે સોનાલી જુદા જુદા રાગો વગાડતા. સુંદરલાલ અને સુવર્ણાબેન શ્રોતા બનતા.

     એકવાર સિતાર લઈ ચોથે માળેથી ઉતરતા સોનાલીનો પગ સરક્યો. સિતાર નીચે પડી. સમારી ન શકાય એ રીતે તૂટી ગઈ. સુવર્ણાબેને જ સુંદરલાલને કહીને સોનાલીને નવી સિતાર ભેટ આપી.

     એણે સાંભળ્યું કે સુવર્ણાબેન પિયર ગયા છે. પછી સમાચાર મળ્યા કે સુવર્ણાબેન પ્રેગનન્ટ છે. ડિલીવરી પછી જ મુંબઈ આવશે. સોનાલીએ વહેલા ઊઠી સુંદરલાલ અને ગણપતકાકા માટે પણ ટિફીન કરવા માંડ્યું. સામાન્ય રીતે સુવર્ણાબેનની ગેરહાજરીમાં ગણપતકાકા રસોઈ બનાવતા. સોનાલીબેને પોતાના માથા પર એ જવાબદારી લઈ લીધી. ડોકટરની ઓફિસ અને સુંદરલાલના બોસની ઓફિસ નજીકમાં જ હતી. કોઈ કોઈવાર જવાનું કે આવવાનું સાથે થઈ જતું.

     એવો જ એક દિવસ હતો. એકદમ વરસાદ તૂટી પડ્યો. સુંદરલાલ એક દુકાનના શેડ નીચે ઊભા રહી ગયા. એમની પાસે છત્રી ન હતી. એટલામાં સોનાલી નાની લેડિસ છત્રી લઈને પસાર થયા. એમણે સુંદરલાલને પલળતા જોયા. “ચાલો છ્ત્રીમાં આવી જાવ.” સુંદરલાલ ગયા તો ખરા પણ નાની લેડિસ છત્રી. બન્ને પુરા પલળતા ઘેર આવ્યા. સુંદરલાલ સીધા સોનાલીના રૂમમાં જ ગયા. સોનાલીના ભીના ચુસ્ત યૌવને લક્ષમણ રેખા ઓળંગી. સોનાલીએ કોઈ પ્રતિકાર ન કર્યો. સોનાલીની કુદરત સહજ શારીરિક ભુખ સંતાન ભુખમાં પરિવર્તન થઈ. બન્ને શરીર એક થતા રહ્યા. એક નાનાબીજે સોનાલીના ગર્ભમાં આકાર ધારણ કરવા માડ્યો. સોનાલી ખુશ હતી.

     સુંદરલાલને આનંદના સમાચાર આપવાની હતી. એને કોઈ ફરિયાદ ન્હોતી. સુંદરલાલ પાસે કોઈ અપેક્ષા નહતી. એની બદનામી થાય એ રીતની જાહેરાત કરવાનો હેતુ પણ્ ન હતો માત્ર એને આનંદના સમાચાર જ આપવા હતા. પણ એજ દિવસે ગણપતકાકાએ કહ્યું   “બેન, તમે બન્ને યુવાન છો. વધુ પડતું સાનિધ્ય શેઠજીના સુખી સંસારમાં હોળી પ્રગટાવશે. ચાલીમાં પણ ચડભડ ચાલે છે. આજથી અમારે માટે હુ જ રસોઈ બનાવી દઈશ. બેન તું જે ન જોઈ શકે તે હું જોઈ રહ્યો છું.”

     તેજીને ટકોરો. બીજે દિવસે નિર્ણય લેવાઈ ગયો. નોકરીમાંથી રાજીનામું આપ્યું. સુંદરલાલની ગેરહાજરીમાં ગણપતકાકાને વાત કરી.   “કાકા મારે અચાનક ચંડિગઢ જવાનું થયુ છે. પાછી આવીશ કે કેમ તે ખબર નથી.” સુંદરલાલને અને સુવર્ણાને મારા વ્હાલ કહેજો. બસ સોનાલી ચંડિગઢને બદલે અમદાવાદ આવી ગઈ. આદિત્યને એકલે હાથે ઉચેર્યો.

જો શ્વેતા સુંદરલાલ અને સુવર્ણાબેનની પુત્રી હોય તો ભાઈ બહેનના લગ્ન શી રીતે થવા દેવાય? મોટો અનર્થ થઈ જાય…. ના એ ન થવા દઉં.

      શ્વેતાનું હૈયું વલોવાતું હતું . ઓસિકું તરબોળ થઈ ચુક્યું હતું. અશ્રુ ખૂટી પડ્યા હતા. ભાગ્યમાં સુખદ લગ્નયોગ નહોતો? બીજા સર્વ સુખ સાંપડ્યા હતા. માતા પિતાની ખોટ ભાઈભાભીએ પુરી હતી. શેઠજીએ વિદ્યાદાન આપ્યું એટલું જ નહિ પણ કરોડોની વારસદાર બનાવી હતી. જેની સાથે તન મન અને હૃદય એકાકાર કરી શકાય એવા જીવનસાથીની ખોટ હતી. આદિત્યને જોતા પહેલી નજરે જ હાર્દિક સંવેદન જાગ્યા હતા. આદિત્યે પણ એજ અનુભવ્યું હતું. મોનાએ કેટલા ભાવથી આદિત્યની લાગણીની રજુઆત કરી હતી! પોતે મુકેલી શરતોમાં બાંધછોડતો થઈ શકતે પણ એની મમ્મીએ તો સભ્યભાષામાં નકાર કરી દીધો.

     હવે અહિ રહેવાનો પણ શું અર્થ!

     અરે! લગ્નની પણ શું જરૂરીયાત? લગ્નવગર પણ લગ્ના સુખ કયાં નથી માણી શકાતા. નજર સામેજ દાખલો છેને? સોનાલીએ લગ્ન વગર શરીરસુખ ભોગવ્યું. એકલે હાથે ગૌરવવંતુ માતૃત્વ નિભાવ્યું હતું. આતો નવો જમાનો છે. મારી સ્વતંત્ર જીંદગી તો જીવી શકીશ. હવે અહિ રહેવાનો અર્થ નથી.

     એ વિચારોની સામે બીજા વાસ્તવિક અને વ્યાવહારિક વિચારોએ પડકાર કર્યો. શ્વેતા! સોનાલી તો એકલા હતા. એને આગળ પાછળનો કોઈ પરિવાર ન હતો. એને કોઈ સામાજીક બંધન ન હતું. શ્વેતા! તું સોનાલી નથી. તું પ્રતિષ્ઠિત કુટુંબની વહુ દિકરી છે. લોકોએ તને શેઠ કુટુંબની વિધવા તરીકેની ઓળખ આપી દીધી છે. નાણાક્ષેત્રમાં તારૂં નામ બોલાય છે. વ્યાપાર જગત તારી દરેક હિલચાલ પર નજર રાખે છે. સમાજ લગ્ન સ્વિકારશે. લગ્ન વગરના સંબંઘ નહિ સ્વીકારે. યાદ રાખ તું સોનાલી નથી. તું શ્વેતા શેઠ છે.

     બાપુજીને ફોન કરીને હકિકત જણાવી દઈશ. એણે ફોન જોડ્યો.
     “બાપુજી! જયશ્રી ક્રિશ્ન. જાગો છો કે મેં ઊઘમાંથી ઊઠાડ્યા?”
     “ના બેટી જાગુંજ છું. અહિ એકલો પડી ગયો છું. ઊઘ ઓછી થઈ ગઈ છે. બોલ ત્યાંની શું નવાજુની છે? નિકુળની સર્જરી થઈ ગઈ?”
     “ના આવતી કાલે એની સર્જરી છે. હું એકાદ વીક ફાયડાલિટીમાંથી થોડી માહિતી મેળવીને મુંબઈ આવી રહીશ્.”
     “કેમ આટલી જલ્દી? રાજુતો કહેતો હતો કે નિકુળની રિકવરી થાય ત્યાં સુધી તું અમેરિકા જ રોકાશે. આવશે ત્યારે ડૉકટરને લઈનેજ આવશે.”
     શ્વેતા ચુપ રહી. “શ્વેતા!…. શ્વેતા!…. આર યુ ઓન લાઈન?…. બેટી, કેન યુ હિયર મી?”
     શ્વેતાને સ્વસ્થ થતાં થોડી વાર લાગી.
     “હા, બાપુજી હું અહિ જ છું.”
     “તને ડૉકટર ગંમે છે ને?”
     “ન ગમવાનો પ્રશ્ન જ નથી.”
     “તું એને પસંદ છે?”
     “એણે જ પ્રપોઝ કર્યું હતું.”

     “તો તો બહુજ સરસ. આપણે ધામધુમથી લગ્ન ઉજવીશું. આખું મુંબઈ સુવર્ણા ફાઈનાન્સની ડાયરેક્ટરના ભવ્ય લગ્ન જોઈને છક થઈ જશે.”
     “બાપુજી એ મારા નસીબમાં નથી”
     “કેમ દિકરી શું થયું?…. શું પ્રોબલેમ છે?….. તું કેમ નિરાશાજનક વાત કરે છે?
     “એની મમ્મીને આ સંબધ પસંદ નથી. હવે મારી ઈચ્છા પણ મરી પરવારી છે. આદિત્ય બાપ વગરનો અને માનો એકનો એક દિકરો છે. એ એની મમ્મીની મરજી વિરૂધ્ધ કાંઈ જ ન કરે.”
     “દિકરી શ્વેતા એમ નિરાશ થઈને જીંદગી ન જીવાય. હવે તું સુંદરલાલની દિકરી છે. તને ખબર છે કે તારા બાપુજી હંમેશા અશક્યને શક્ય બનાવવાની ચેલેંજ ઉપાડતા આવ્યા છે. જો એ ન માને તો તારે માટે એક એકથી ચડિયાતા સો ડૉકટરની લાઈન લગાવી દઈશ.”
     “શું છે એ બુઢ્ઢીનું નામ.?”
     “એની મમ્મીનું નામ મિઝ. સોનાલીબેન અડવાણી.”

     સુંદરલાલ બૅડમાં સૂતા સૂતા વાત કરતા હતા. નામ સાંભળી એકદમ બેઠા થઈ ગયા.
     “શ્વેતા! તેં શું નામ કહ્યું? મેં બરાબર સાંભળ્યું નહિ.”
     “સોનાલી અડવાણી”

     બેઠા થયેલા સુમ્દરલાલ ઊભા થઈ ગયા. “બેટી હું થોડી વાર પછી તને કોલ કરું છું”
     શ્વેતા બોલે કે વિચારે તે પહેલા ફોન કટ થઈ ગયો.

 

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૨

POST 160

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૨૨

જાણે મહેમાનોની રાહ જ જોતા હોય એમ આદિત્યના મમ્મીએ આવકાર આપ્યો. આવ બેટી શ્વેતા. આવ નિકુળ. “આદિએ તમને બહુ રખડાવ્યા નથીને?”

“ના માસી, એની સાથે ન્યુયોર્કમા ફરવાની મજા આવી.” શ્વેતાએ પ્રભાવશાળી માતાની ચરણરજ માથે ચડાવતા જવાબ આપ્યો. શ્વેતાને ખ્યાલ આવી ગયો કે નિકુળ, શ્વેતા અને તેમના કાર્યક્રમ અંગે ઘરમાં વાત થઈ જ ગઈ હશે. કોઈને ઔપચારિક પરિચયની જરૂરિયાત ન વર્તાઈ. ….પણ એટલામાં એક મીઠો મધુરો અવાજ સંભળાયો. “હાય નિકુળ, હાય શ્વેતા”. બાવીસ ચોવીસ વર્ષની લાગતી એક યુવતિ, બ્લેક વન પીસ સ્કરટેડ સ્વિમસ્યુટમાં ફેમિલીરૂમમાં દાખલ થઈ. ભીના શરીર પર મોટો ટેરી ટોવેલ વિંટાળ્યો હતો. આ નવી વ્યક્તિ નિકુળ અને શ્વેતાને માટે કલ્પના બહારની હતી. નિકુળ અને શ્વેતાનો ‘હાય’ પ્રતિભાવ સંકોચ યુક્ત હતો.

“મને લાગે છે કે ભાઈસાહેબે મારો પરિચય આપ્યો લાગતો નથી.”
“ઓ..હ. આઈ એમ સોરી. શ્વેતા, નિકુળ,… આ છે મણીબેન મહેતા. અમદાવાદથી કોઈ રૂપાળો અમેરિકન બકરો શોધવા આવી છે.”
“આન્ટી, આ તમારો લબાડ સુધરે એવા કોઓઓઈ ચાન્સ દેખાતા નથી.”

“તમે બન્ને ક્યારે સમજણા થશો? શ્વેતા આ મોના દિકરી અમદાવાદમાં અમારી પોળમાંજ રહેતી હતી. ત્યાં MBBS કર્યા પછી અહીં OB/GNમાં MD પુરું કરી હવે પોસ્ટ ડોકટરેટ કરે છે. અહીં અમારી સાથે જ રહે છે. નાનપણથી જ આદિ અને મોના તોફાન મસ્તી કરતાં રહ્યા છે. એકબીજાને જોતાં જ ઠરેલતા અદૃશ્ય થઈ જાય છે.” આન્ટીએ હસતા હરતા હળવો બળાપો વ્યક્ત કર્યો.

“આન્ટી હવે એકજ રસ્તો છે. ખોટો માલ જલદી કોઈને પધરાવી દેવા જેવો છે. કોઈ મિલીટરી માઈન્ડની છોકરીજ એને ઠેકાણે લાવી શકે. બોલ શ્વેતા, સોદો કરવો છે. સસ્તામાં પતાવી આપીશ.” કોઈ પણ સંકોચ વગર બિન્દાસ્ત મોનાએ આત્મીયતા સ્થાપી દીધી.

શ્વેતાને હવે ખ્યાલ આવ્યો કે આ હસતા રમતા કુટુંબમા પ્રોફેશનાલિઝમ સાથે હ્યુમર પણ સહજ રીતે વણાયલી છે.

લિસાને માટે આ નવું ન હતું. એણે ગંભીરતાથી કહ્યું “ડાક, નિકુલ્સ સર્જરી ઈઝ સ્કેડ્યુઅલ ઓન ફ્રાયડે મોર્નિંગ. આઈ’લ સી યુ ઓન ફ્રાયડે. બાય એવરીબડી. બાય મામ.”
લિસાએ વિદાય લીધી.

“બેટા આદિ! ડૉ. દેસાઈનો ફોન હતો. કહેતા હતા કે ઘણાં સમયથી તું એમને મળ્યો નથી. રાજુભાઈએ નિકુળની વાત કરી હશે. કહેતા હતા કે એને પણ લઈ આવજે. બે દિવસ પછી એલ.એ. જવાના છે. આવતી કાલે શક્ય હોયતો મળી આવો.” આદિત્યના મમ્મીએ સંદેશો આપ્યો.
“હા કાલે જ જઈ આવીશું. ત્યાર પછી બે મહિના સુધી ખુબજ રોકાયલો છું. મણીબેન તમે પણ અમારી સાથે આવશોને? કે નહિ આવવાની કૃપા કર્શો?” આદિત્યે મોનાને પુછ્યું.

“ભક્તને ઈચ્છીત સુખ પ્રાપ્ત થાય એ હેતુ થી મોનાદેવી, કૃપાદૃષ્ટિથી બફેલો આવવાનું ટાળશે.”

મોનાએ આંખ બંધ કરી આશિર્વાદ આપવાની અદાથી કહ્યું.

આદિત્યે નિકુળ અને શ્વેતાનો સામાન બે જુદા જુદા રૂમમાં પહોચાડ્યો અને પોતાના રૂમમાં ફોન અને કોમ્પ્યુટર પર કામે લાગી ગયો. મમ્મીએ ડૉ.દેસાઈનો પરિચય આપ્યો.

ડૉ.દેસાઈ કોલેજમાં ડિન હતા. હમણાંજ પંચોતેર વર્ષની ઊમ્મરે રિટાયર્ડ થયા છે. નિરાલી એની ફેવરિટ સ્ટુડન્ટ હતી. પોતે અમેરિકન ડૉ.મારથાને પરણ્યા હતા. નિરાલી રાજુભાઈને પ્રેમ કરતી હતી. રાજુભાઈ પાર્વતિબાના સંકુચિત માનસને કારણે અચકાતા હતા પણ ડો.દેસાઈએ ખુબ હિંમત આપી અને કોર્ટમાં સિવિલ મેરેજ કરાવી આપ્યા હતા. લગ્ન પછી એમણે રૂમ માંડ્યો ત્યારે આદિત્ય બે વર્ષ એમની સાથેજ રહ્યો હતો. અરે રાજુભાઈ અને નિરાલીએ એની ફી પણ ભરી હતી. જ્યારે નિરાલીના દેવલોક પામ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે મારો આદિ બે વિક સુધી ખૂબ ડિપ્રેશનમાં રહ્યો હતો. આદિત્ય રાજુભાઈને મોટાભાઈ માને છે.

મમ્મી નિકુળ અને શ્વેતા સાથે વાત કરતા હતા તે દરમ્યાન મોનાએ બધા માટે કૉફિ બનાવી. બધાએ સાથે બેસી કૉફિ અને સોફ્ટ કુકી લીધા. આદિત્યે થેપલા અને લસ્સી લીધી. નિકુળ અને શ્વેતા પોત પોતાના રૂમમાં ગયા.

આદિત્ય એક્સરસાઈઝ કરવા ગયો. મકાનની પાછળ પેટિયો પર ગ્લાસ વોલનો એક મોટો ફોર સિઝન રૂમ હતો. એમાં એક તરફ નાનો સ્વિમિંગ પુલ હતો. એમાં પ્રવાહની વિરૂધ્ધ તરી શકાતું હતું. પ્રવાહની ઝડપ, તરંગમોજાઓ વધતા ઓછા કરી શકાતા હતા. પુલમાં ઘણી જાતની વોટર એક્ષરસાઈઝ કરી શકાતી હતી. મમ્મી પણ નિયમિત કસરત કરતા હતા. પાસે કસરતના બીજા સાધનો પણ હતા. પુલની બાજુમાં નાનો ઇનડોર ગાર્ડન હતો. તેમાં ગાર્ડન ફર્નિચર અને સરસ હિંચકો હતો. આદિત્ય વિકમાં ચાર દિવસ, એક એક કલાક કસરત પાછળ ગાળતો.

એક કલાકની કસરત પછી બધાએ ડિનર લીધું.

નિકુળ આદિત્યની સાથે સર્જરી અંગેની વાતો સમજતો હતો.

શ્વેતાના રૂમમાં મોના અને શ્વેતા બેઠા બેઠા વાતો કરતા હતા. પરસ્પર પરિચય ગાઢો કરતા હતા.
“આદિત્યને બહેન નથી, મને કોઈ ભાઈ નથી. નાનપણથી જ અમારી જોડી જામી ગઈ. એની પાછળ પાછળ હું પણ મેડિકલ લાઈનમાં પ્રવેશી. આદિત્યને પહેલેથીજ ઘણી સ્કોલરશીપ મળતી. પોતાની મેરિટ પર તે અમેરિકા આવ્યો. રાજુભાઈનો પણ ખુબ સપોર્ટ મળ્યો. હું એના જેટલી સ્માર્ટ તો નથી. પણ મારા ફાધરના બૉસે ત્રણ વર્ષ પહેલા એડમિશન અપાવ્યું અને આર્થીક મદદ પણ કરી.”

“હું અને આન્ટી સાથેજ અમેરિકા આવેલા. એમણે મને ડોર્મમાં જવા ન દીધી. હવે આ મારું જ કુટુંબ છે.”

“શ્વેતા એક વાત કહેવી છે. મારો ભઈલો ખુબ ભોળીયો અને સાફ દીલનો છે. એને પ્રેમ પ્રદશિત કરવાની આવડત નથી. તને પહેલે દિવસે જોઈને જ મોહી પડ્યો. પહેલા એણે મને ફોન કર્યો. પછી તમારા સ્નેહિ અને એના મિત્ર રાજુભાઈ સાથે વાત કરી. ઘેર આવી આન્ટીને નાના છોકરાની જેમ વળગીને કહે, ‘મને વહુ અપાવી દે.’ આવું ગાંડપણ અમે કોઈ વખત જોયું નથી. એના પર લટ્ટુ થનારી ઘણી લેડી ડૉકટરો છે. નાની ઊમ્મરમાં ઘણી સફળતા મેળવી છે. અમે બન્ને મેડિકલના એવા ક્ષેત્રમાં છીએ કે સ્ત્રી પ્રુરુષોના નગ્ન શરીરની અમને નવાઈ નથી. આદિત્યે તો બ્રહ્માની ભુલોને સુધારી માનવીને નવજીવન બક્ષ્યું છે.”

“તારામાં શું વિશેષતા જોઈ એતો એજ જાણે, પણ તને જોયા પછી મને લાગે છે કે એની પસંદગી ઉત્તમ છે. કદાચ હું તારા કરતા બે ત્રણ વર્ષ મોટી પણ હોઈશ; છતાં હાથ જોડીને વિનંતી કરું છું કે જો મારી ભાભી બની શકવાની શક્યતા ન હોયતો પ્લીઝ મારો ભઈલો વધુ બહેકે તે પહેલા એની સાથે સ્પષ્ટતા કરી દેજે. એ આન્ટીનો, બાપ વગરનો એકનો એક દિકરો છે. જે દિકરાને ગમશે તે માને ગમશે જ.”

તોફાની લાગતી વ્હાલી બહેન, શ્વેતા પાસે યાચના કરતી હોય એમ વાત કરતી હતી.

એટલામાં શ્વેતાનો સેલફોન રણક્યો.

“હલ્લો, બાપુજી! જયશ્રી ક્રિષ્ણ”
“જયશ્રી ક્રિષ્ણ બેટા. જાગે છેને?”
પ્રાયવસી જળવાય એ હેતુથી ધીમેથી ગુડ નાઈટ કહી મોના ઊઠીને એના રૂમમાં ગઈ.

“હા બાપુજી. જાગું છું. આજે નિકુળની સાથે ડૉ.આદિત્યના મહેમાન બન્યા છીએ.”

“મને ખબર છે. રાજુનો ફોન હતો. એણે નિકુળની સર્જરીની વાત કરી. મેં નિકુળ સાથે તારા જીવનના સ્વપનાઓ જોયા હતા…. ખેર! ઈશ્વરેચ્છા બલીયસી. રાજુએ આદિત્યની વાત કરી. જ્યારે રાજુની ભલામણ હોય ત્યારે એમાં વિચારવાનું હોય જ નહિ. જો તને એ ગમતો હોય તો મારા અંતઃકરણ પુર્વકના આશિર્વાદ છે. હું યોગેશભાઈને પણ વાત કરીશ. એક જ વાત ડંખે છે. તું મને છોડીને અમેરિકા સ્થાયી થાય તો મારું કોણ?…. પણ હવેતો તું મારી દિકરી છે. દિકરી તો પારકી થાપણ કહેવાય. હું તને હસતે મોઢે વિદાય કરીશ.”

હસતા મોંની વાત કરતા શેઠજી લાગણીવશ થઈ રડી પડ્યા.

“ બેટી, તને ગમતા માણિગરને કહેજે કે તારી સાથે તે પણ નવસો કરોડનો માલિક થશે. ધારશો તો ભારતમાંજ અમેરિકા ઊભું થશે.”
શેઠજીને શું ખબર કે શ્વેતા પણ વગર અવાજે આંસુ સારતી હતી. શ્વેતાની આત્મશ્ર્દ્ધાનો દિપક બુઝાઈ ગયો હતો. જે જે વ્યક્તિ પર મન ઢળતું તે તે વ્યક્તિ એના જીવનમાં ડોકિયું કરીને સરી ગઈ હતી. એ શેઠજી સાથે વધુ વાત કરી ન શકી. વળી એ પણ સંકોચ હતો કે કોઈ અંગત વાત સાંભળતું હોયતો? એણે કહ્યું

‘બાપુજી આપણે ઈ-મૅઇલ અને કોમ્પુટર પર વાતો કરીશું. જયશ્રી ક્રિશ્ન બાપુજી. ‘

શ્વેતા બેડમાં સૂતી અને વિચાર ચકડોળે ચઢી. આદિત્યને જોઈને પહેલી નજરેજ આકર્ષાઈ હતી. ગોરો લાલ ચટ્ટક ચહેરો. લીલાશ પડતી આંખો. તંદુરસ્ત સ્નાયુબદ્ધ શરીર અને મનની લાગણીને બાહ્ય રંગરોગાન કર્યા વગર સીધી વ્યક્ત કરવાની આવડત. કઈ યુવતીને ન ગમે! પોતાની બાહોશીથી આગળ વધેલો અને સફળ થયેલો ડૉકટર. વધુ શું જોઈએ!…પણ બાપુજી? મારે જીવનભર એમને સાચવવા છે. ક્યાંતો આદિત્ય ઈન્ડિયામાં સ્થાયી થાય અગર બાપુજી અમેરિકા આવે તો જ મનની મુરાદો બર આવે. બન્નેની શક્યતા કેટલી?

ક્યાંકથી સિતારના મધુર સ્વરો આવતા હતા. વિચાર અને સંગિતના સૂરના તર્ંગોમાં એ ક્યારે ઊંઘી ગઈ તે ખબર ન પડી.

સવારે જાગી ત્યારે નાના દેવસ્થાનમાં આદિત્યના મમ્મી અને મોના પૂજા પ્રાર્થના કરતા હતા. બન્નેના કંઠમાંથી વહેતા સંસ્કૃત શ્લોક પવિત્ર વાતાવરણ ઊભું કરતા હતા. પૂજા પુરી થતાં મોના કિચનમાં દોડી. જોત જોતામાં ગરમ ગોટા તૈયાર થઈ ગયા. સાથે જલેબી પણ હતી. મમ્મીને માટે અંજીરવાળુ દૂધ, આદિત્ય માટે હર્બલ ટી અને બધાને માટે કૉફિ તૈયાર હતી.

“સવારે સાત વાગવા આવ્યા તો પણ એદી સાહેબ ઊઠ્યા નથી. આજે એને ઊઠાડવો જ નથી. આપણે બધા બેકફાસ્ટ કરીને બધા ગોટા સંતાડી દેવાની છું.” મોનાનો ફફડાટો ચલતો હતો.

આદિત્ય ગાઉન પહેરીને બહાર આવ્યો. “મણીબેન મહેરબાની કરીને તમારા રેડિયાનું વોલ્યુમ જરા લો રાખોને. કાલથી તો સવારે પાંચ વાગ્યે ઊઠવાનું જ છે. કેવું સરસ સ્વપ્નું જોતો હતો! બધી મજા બગાડી..” “આન્ટી આ મુરખનો સરદાર ક્યારે સમજશે. બિચારી સ્વપ્ન સુંદરી અહિ પ્રત્યક્ષ એની રાહ જોતી ઊભી છે અને ભાઈ સાહેબ આંખવીંચીને હવામાં ફાંફાં મારે છે.” આદિત્યના મમ્મી માત્ર સ્મિત રેલાવતા રહ્યા.

શ્વેતાને એ સમજાતું નહતું કે આ બધા કેવી રીતે માની લે છે કે એમનો ધારેલો સંબંધ શક્ય બનશે જ. આઈ હોપ ધીસ ઈઝ નોટ સિસ્ટમેટિક બ્રેઈન વોશિંગ. કંઈક સ્પષ્ટતા કરવીજ પડશે.

મોના બ્રેકફાસ્ટ કરી પ્રિન્સ્ટોનના યુનિવર્સીટી મેડિકલ સેન્ટર પર જવા નીકળી ગઈ. જતા જતા કહેતી ગઈ કે રાત્રે કદાચ મોહિતના રૂમ પર પણ સૂઈ રહું. હું ફોન કરીશ.

આદિત્ય, શ્વેતા અને નિકુળ કારમાં નિકળ્યા. નિકુળે પુછ્યું “ડૉ.દેસાઈને મળવા આપણે ક્યાં જવાનું છે?”
“બફેલો.”
“બફેલો? અપ સ્ટેટ ન્યુયોર્કમાં નાયગરા પાસે? ક્યારે પહોંચાશે? ક્યારે પાછા અવાશે? શું આપણે રાત ત્યાં ગાળવાની છે?”

આદિત્ય હસ્યો. “ડોન્ટ વરી માય ફ્રેન્ડ સીટ બેક, એન્ડ રિલેક્ષ. વી વીલ બી બેક બાય ફાઈવ ઓ ક્લોક.” એણે સ્પીડ વધારી. કાર લિંડન એરપોર્ટ પર અટકી. ત્યાં એને માટે ચાર સીટનું સીગલ એન્જીન લાઈટ એરોપ્લેન તૈયાર હતું. આદિત્ય પરામસ ફ્લાઈંગ ક્લબનો પ્લેટિનમ મેમ્બર હતો. પાઈલોટ લાયસન્સ હતું અને ક્લબની સાથે પ્લેનનો કો-ઓનર હતો.

થોડી મિનિટોમાં તેઓ હવામાં ઉડતા હતા. આદિત્ય પ્લેનની ટેકનિકલ ડિટેઈલ સમજાવતો હતો અને જીપીએસ દ્વારા નીચે સરતા સ્થળોની માહિતી આપતો હતો. શ્વેતા પ્રભાવિત હતી. બફેલો પર લેન્ડિંગ થયું ત્યારે ડૉ.માર્થા કાર સાથે મહેમાનની રાહ જોતા હતા.

દશ મિનિટમાં તો બધા ડૉકટરની લાયબ્રેરીમાં હતા. ત્રણ ડોકટરોની વાતો એમના વિષયની જ હતી. માર્થાને સમજાયું કે નિકુળ અને શ્વેતા બોર થતા હતા. વિષય બદલાયો. નિરાલી અને રાજની કોલેજની પ્રવૃત્તિઓ અને પ્રેમ પ્રકરણની વાતો રસપ્રદ રહી.
ગુજરાતી હાઉસકિપર રમાબેને, રસપુરી ઉંધીયાની સાદી પણ સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી. લંચ પછી ડોકટરે નિકુળની સર્જરીની વાત કાઢી.

“ડૉકટર, હું જરા શ્વેતાને તમારો બોટાનિકલ ગાર્ડ બતાવુ. ચાલ શ્વેતા બહુ સરસ જોવા જેવો ગાર્ડન છે.” આદિત્ય શ્વેતાને લગભગ ખેંચી જ ગયો. ચારે બાજુ ઘેરાયલા વૃક્ષોની છાયામાં એક બેંચ પર શ્વેતાને બેસાડી તેની બાજુમાં બેસી ગયો.

“શ્વેતા, મને પ્રેમ કરવાનો અનુભવ નથી. શી રીતે મારી લાગણી વ્યક્ત કરવી એ મારી કોઈ પણ મેડિકલ બુકમાં લખ્યું નથી. મને ખાત્રી છે કે તેં પણ વ્યાપારનો અભ્યાસ કર્યો છે. તું પ્રેમની કવિતાઓ શીખી નથી. તું સુંદર છે. મેં સુંદર હાડકા ચામડા ઘણાં જોયા છે પણ મેં તારી આંખોમાં મારે માટે એક અનોખી તરસ જોઈ છે. બસ એવી જ તરસ મારા હૈયામાં જાગી છે. એની ભાષા ઉકેલી જો. તને સ્પષ્ટ સમજાશે કે વી મેઇડ ફોર ઈચ અધર. આપણે પુરા ત્રણ દિવસ સાથે ગાળ્યા નથી પણ હું અનુભવું છું કે આપણે સાત જનમથી સાથે છીએ. આઈ લવ યુ.”

“આદિત્ય, કાલ્પનિક દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવો. હું કબુલ કરું છું કે હું તમારાથી આકર્ષાઈ છું. છતાં એ કદાચ માત્ર ભૌતિક કે દૈહિક આકર્ષણ જ હોય. અને કદાચ એ આત્મીય હોય તો પણ કેટલું વ્યાવહારિક છે તે પણ વિચારવું પડે. મારી કેટલીક મુંજવણ છે. કેટલીક જવાબદારી છે. શરતો છે.”

“હું મારા બાપુજી અને ભારત છોડવા માંગતી નથી. મારા પુનર્લગ્ન થાય તો પણ હું મારી શેઠ અટક બદલવા માંગતી નથી. તમને તો ખબર છે કે શેઠ અટક મારી નથી. એમારા સદગત પતિની છે. માત્ર એટલુંજ નહિ પણ મારા બાળકોની અટક પણ શેઠજ રહેશે. મારે મારા બાપુજીનો વંશ એ રીતે આગળ વધારવો છે. તમે એ પચાવી શકશો? કદાચ તમે એ સ્વીકારો પણ તમારા મમ્મી એ સહી શકશે? એકના એક પુત્રના સંતાનો અડવાણી ને બદલે શેઠ કહેવાય એ માનસિક રીતે સહન કરવાનું સહેલું નથી.”

આદિત્ય સ્તબ્ધ બની શ્વેતાને સાંભળતો રહ્યો. મને મંજુર છે પણ મમ્મી….?

OOOOOO XXXXXXXX OOOOOOOO