POST 131
વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૧૪

સાંજ સુધીમા શ્વેતાએ અક્ષયની ખબર કાઢવા સુવર્ણાબેનને ચાર વખત ફોન કર્યા. સુવર્ણાબેને કહ્યું પણ ખરું ‘બેટા ઓફિસનું કામ કરવા વાળાતો ઘણા છે. તું ઘરે આવી રહે. બે ચાર કલાકની ઉંઘ કાઢી લે, નહિતો તારી તબિયત બગડશે.’
…..શ્વેતા સાંજે ઘરે વહેલી પહોંચી. અક્ષય બેડપર બેઠો બેઠો ન્યુઝ પેપર ઉથલાવતો હતો. શ્વેતાએ એના કપાળ પર હાથ મુક્યો. તાવ ન હતો. એ પોતાના રૂમમા કપડા બદલવા જતી હતી. અક્ષયે તેનો હાથ પકડી રોકી. “શ્વેતા, તારો રૂમ આ છે. તું ગેસ્ટ રૂમમાં કેમ સુવે છે?”
“ના આ રૂમ તમારો છે. મારો રૂમ સામે છે. એ ગેસ્ટરૂમ નથી. એ મારો પર્સનલ રૂમ છે.”
“શ્વેતા પ્લીઝ કમ બેક ટુ અવર રૂમ. મને માફ કરી દે. હવેથી હું તારો છું. માત્ર તારોજ. તને ખબર છે? કેથીને પોલિસ પકડી ગઈ છે. પેપરમાં છે.”
“હશે. હુ કેરસ.” શ્વેતાએ બેફિકરાઈથી કહ્યું. એણે વિષય બદલ્યો. “તમે કાંઈ ખાધું?”
“ના, ભુખ છે પણ ખવાતું નથી. બપોરે બોર્નવિટા પીધું હતું.”
“ઓકે, તમે બેસો. હું ચેન્જ કરી લઉ. થોડો નાસ્તો લઈ આવું. આપણે બન્ને સાથે નાસ્તો કરીશું. બી ગુડ બોય્.” અક્ષય શ્વેતાને જતી જોઈ રહ્યો.
સાજે સાત વાગ્યે રાજુ આવી પહોંચ્યો. સફેદ લેંઘો અને કેશરી ઝભ્ભો. ગળામાં ક્રિસ્ટલની માળા અને કપાળ પર શંકુ આકારનું લાંબુ તિલક. પુરો સાડા છ ફુટ ઉંચો રાજુ, ડોકટર કરતાં પ્રભાવશાળી સંન્યાસી વધારે લાગતો હતો. હાથમા નાની મેડિકલ બૅગ હતી. આવતાની સાથે સુંદરલાલ, સુવર્ણાબેન અને પાસે ઉભેલા ગણપતકાકાને વાંકો વળી પગે લાગ્યો. એને ઔપચારિક ઓળખાણની જરૂર ન પડી. સામે ઉભેલી શ્વેતાને નમસ્કાર કહ્યા. એણે કહ્યું “લેસ્ટ ગો ટુ યોર રૂમ શ્વેતા. લેટમી સી અક્ષય.” ઘરથી જાણીતો રાજુ બધાની રાહ જોયા વગર બબ્બે પગથીયા ચડતો અક્ષયની રૂમમાં પહોંચી ગયો. બધા એની પાછળ આવી પહોંચ્યા.
“એઇ અક્ષય! વોટ હેપન? લગ્ન પછી જાડા થવાય અને લાલ થવાય. તુંતો પાતળો અને પીળો થઈ ગયો.” હસતા હસતા અક્ષયને તપાસ્યો. “ચાલ હવે આરામ કર. ”
બધા નીચે આવ્યા. થોડીવારમાં જ ડૉ.જમશેદજી આવી પહોંચ્યા. આવતાની સાથેજ કહ્યું “હું ટો ભુખથી મરવા પડિયો છું. આપને પેલ્લા ખાઈ લઈયે પછી બધ્ધી વાત. સુવરના, તારા કુકે મારા માતે શુ બનાઈવુ છે?”
જમશેદજી જ્યારે જ્યારે સુવણાબેનને ‘સુવરના’ કહેતા ત્યારે શેઠજી ત્રાંસી નજરે એની સામે જોઈને હસતા. સુવર્ણાબેન મીઠો છણકો કરતા.
“બાવાજી તમને ભાવતી પુરણપોળી અને કંદપુરી બનાવી છે. ફાવશેને?”
“બઉ સરસ, બઉ સરસ. તને મારો ટેસ્ટ બરોબ્બર ખબર છે. વેરી ગુડ. રાજુ ડિકરા, આ લોકો ખવરાવવાની તૈયારી કરે એતલામા આપને બન્ને પાંચ મિનીટ રિઝલ્ટ ડિસકસ કરી લઈએ.” બન્ને ફેમિલી હોલની બાજુના ફેમિલી કોન્ફરન્સ રૂમમા ગયા. પાંચ મિનીટને બદલે પોણા કલાકે વાતો કરી બહાર નિકળ્યા. આડીઅવળી વાતો કરતા બધાએ ડિનર પતાવ્યું.
શ્વેતા અક્ષયની ડિશ એના રૂમમાં લઈ ગઈ. પણ અક્ષયને ઉબકા આવતા હતા. ખાસ ખાધું નહિ.
ડિનર પછી ડૉ.જમશેદજીએ કહ્યું. “સુંડર, ચાલ આપને જરા વાત કરી લઈએ. શ્વેટા, તું પન ચાલ. સુવરના તું અક્ષય પાસે જઈને બેસ,”
“દાકતર બાવા, હું મારા દિકરાની મા છું. મને કેમ બહાર કાઢો છો?”
” ટુ મા છે એતલેજ તો તને બા’ર કાઢી છે.”
“ડૉકટર એમને પણ આવવા દો.” રાજુએ કહ્યું.
“ગણપતકાકા તમે પણ આવો” શેઠજીએ કહ્યું. સૌ જાણતા હતા કે ગણપત કાકા નોકર હોવા છતાં ઘરના વડિલ જેવું માન અને પ્રેમ પામતા.
બંધ બારણે વાત શરૂ થઈ. રાજુએ જ વાત માંડી.
“અનુભવી વડિલ ડોકટરે ખુબ સરસ કામ કર્યું છે. સવારે જરૂરી સેમ્પલ લેબમા મોકલ્યા એટલે ઘણો સમય બચી ગયો. હવે રિઝલ્ટ્સ આવી ગયા.” રાજુએ ફરી રિઝલ્ટ પેપર્સ ઉથલાવ્યા. સૌની નજર રાજુ પર મંડાયલી હતી. ઉંડો શ્વાસ લઈને બોલ્યો “બધાજ લિવર ફંકશન ટેસ્ટ્સ એબનોર્મલ છે. એક્સેસિવ હાર્ડલિકર કારણભૂત હોઈ શકે. ઘણું નુકશાન થઈ ચુક્યું છે. બીજી એના કરતાં મોટી મુશ્કેલી છે. હી ઈઝ એચ.આઈ.વી પોઝીટિવ. ઈમ્યુન સિસ્ટીમ વિલ બી ટુ વીક ટુ રિસપોન્સ લિવર ટ્રીટમેન્ટ. કોઈ પણ પરિણામને માટે કાળજુ કઠણ રાખીને ટ્રીટમેન્ટ આપવાની છે અને ઈશ્વરપ્રાર્થના કરતા રહેવાની છે. નિરાશાવાદી થવાની જરાયે જરૂર નથી. મારી વાત પરથી એવું માનવાની ભૂલ ન કરતા કે આપણે અક્ષયને ગુમાવી ચૂક્યા છે. મેં મારા હારી ચૂકેલા કેન્સરના દરદીઓને સારા થઈને આનંદથી ઘેરે જતા કર્યા છે. અક્ષયને જરૂર છે યોગ્ય સારવારની. સારવાર કરનારને જરૂર છે અક્ષયના સહકારની. જરૂર છે, અક્ષયના પોતાના આત્મવિશ્વાસની. મને ખાત્રી છે કે અક્ષય સારો થઈજ જશે.
હું અને ડૉકટર બાવાજી આવતી કાલે સવારે સાત વાગ્યે ‘લીલાવતી’ પર પહોંચી જઈશું. ત્યાં થોડા ટેસ્ટ કરાવવા છે. ડોકટર શાહ, અમેરિકામાં એક વર્ષ મારા રૂમ પાર્ટનર હતા. એમની સાથે પણ કંસલ્ટિંગ કરી લઈશું. શ્વેતા તુ સાત વાગ્યા પહેલા લીલાવતીના વેઈટિંગ લોન્જમા અમારી રાહ જોજે. જો જરૂર લાગશે તો શરદ પુર્ણિમા પછી હું એને ઉધના મારા ક્લિનિકમા લઈ જઈશ. નો ઈફ, નો બટ્સ.”
“હું પણ સવારે હોસ્પિટલ આવીશ.” સુવર્ણાબેને કહ્યું
“ના કાકી. ટોળામા ડોકટરોથી કામ ન થાય. માફ કરજો તમારાથી નહિ અવાય. હું જતાં જતાં અક્ષયને જરૂરી વાતો સમજાવતો જઈશ.”
“ડૉકટર સાહેબ તમારે શ્વેતાને કંઈ કહેવું છે?” રાજુએ બાવાજી તરફ સુચક દૃષ્ટિએ જોયું.
“જો ડિકરી, હું ટારા સસરાના બાપ જેતલો બુઢ્ઢો છું. હું જે કંઉ તે ધિયાનથી સમજી લે. ટું પન્દર દારા પે’લાજ પન્ની છે, એઇડ તો સમજે છેને? અઘરુ છે પન ‘નો મોર ફિઝિકલ કોન્તેક્ટ. અન્ડરસ્ટેન્ડ? ‘તારું પન બ્લડ ચેક કરવું પરસે.” શ્વેતા નીચું જોઈને સાંભળી રહી.
સવારે આઠ વાગ્યે શેઠ્જીએ નિકુળને ફોન કર્યો. ‘નિકુળ! શ્વેતા અક્ષયને લઈને લીલાવતી હોસ્પિટલ પહોંચી છે. હું અને શ્વેતા આજે ઓફિસ નહિ આવીયે. તું અને ગુપ્તાજી બધું સંભાળી લેજો. દીના બહેનને કહેજે કે માથુર સાથેની આપણી આજની મિટીંગ કેન્સલ કરે. બીજી એક ખાસ વાત… અક્ષયની માંદગીની વાત ઓફિસમાં કોઈને કહેતો નહિ. ખાસતો યોગેશભાઈને પણ હમણા ખબર નથી આપી. એ બિચારા ચિંતામા પડી જાય. ખાસ જરૂર હોય તોજ મને મારા સેલફોન પર ફોન કરજે.’
શ્વેતા જાતેજ ડ્રાઈવ કરીને ગઈ હતી. હોસ્પિટલમાં સેલફોન વાપરવાની મનાઈ હતી. અત્યારે બે વાગ્યા સુધી કાંઈ સમાચાર ન હતા. શેઠજી, સુવર્ણાબેન અને ગણપતકાકાએ સવારથી કશું ખાધું ન હતું. ગૃહમંદિરમા પૂજા કરતા વલ્લભે મહામૃત્યુંજયના જાપ શરૂ કરી દીધા હતા. શેઠજી બંગલાના મેઈન ગેઇટ પાસે આતુરતાથી અક્ષય-શ્વેતાની રાહ જોતા આંટા મારતા હતા.
છેક અઢી વાગ્યે શ્વેતાની કાર આવી. ગુરખો સલામ મારીને કારનું બારણું ઉઘાડે તે પહેલા તો શેઠજીએજ અક્ષય તરફનું બારણું ઉઘાડ્યું.
સુંદરલાલે એનો હાથ પકડી લીધો. અક્ષયે ઘણાં વર્ષો પછી ચિંતાયુક્ત વહાલ માણ્યું. “પપ્પા આજે ઓફિસે ન ગયા?”
“બેટા, બાપ છું ને! ચિંતા હોય ત્યારે કામમાં જીવ ન લાગે.”
“અરે પપ્પા! હું તો ધોડા જેવો છું. જરા તાવ આવ્યો તેમાંતો નકામા દોડાદોડી કરી મુકી. રાજુભાઈએ તમને ખોટા ગભરાવી માર્યા છે. આઈ એમ ક્વાઈટ
ઓલરાઈટ. સવારથી અત્યાર સુધી જાતજાતના બીન જરૂરી ટેસ્ટ કરીને થકવી માર્યો.”
“ચાલ બેટા આપણે બધા લંચ લઈ લઈયે. અમૅ કોઈએ ખાધું નથી” સુવર્ણાબેને કહ્યું.
“મમ્મી મને તો બે વાર જ્યુસ અને ક્રેકર્સ આપ્યા હતા પણ બિચારી શ્વેતાએ તો કશુંજ ખાધું પીધું નથી. પોર્ટર હોવા છતાં મારી વ્હિલચેર ઘસડીને દોડતી રહી. આપણે બધા જમી લઈએ, પછી બધી વાત.”
સુંદરલાલે કેથી જતાં પોતાનો પુત્ર પાછો મળ્યો હોય એવું અનુભવ્યું. જાણે સુવર્ણાબેનનો કુપુત્ર હવે સુંદરલાલનો સુપુત્ર થઈ ગયો હતો.
જમતાં જમતાં અક્ષયે બ્લડ ટેસ્ટ, એક્ષરે, અલ્ટ્રાસાઉન્ડ, એમ.આર.આઈ વિગેરેની દોડધામ, ડૉ. જમશેદજીની ડને બદલે દ અને દને બદલે ડ બોલવાની ટેવ અને રાજુભાઈના ગંભીર ડાચાની વાત બેફિકરાઈથી કરતો રહ્યો. એ તદ્દન સ્વસ્થ લાગતો હતો.
“મમ્મી તમે એક વાત ભુલી ગયાને”
“કઈ વાત બેટા?”
“આવતી કાલે શરદપૂર્ણિમા છે. શ્વેતાની તો પહેલી ઉજવણી કહેવાય.”
“ના, બેટા ભુલીતો નથી પણ તું સ્વિટ્ઝરલેન્ડ હતો અને ટૂંકા સમયમાં તૈયારી થાય એમ પણ ન હતું એટલે આ વર્ષે માંડી વાળીશું.”
“પપ્પા, આપણો સ્ટાફ મોટો છે બધું ચાર કલાકમાં થઈ જશે. ધીસ ઈસ ફોર અવર શ્વેતાઝ સેઈક.”
“વ્હાઈ નોટ. હો જાય જલસા.” શેઠજી આનંદમાં આવી ગયા. સુવર્ણાબેનનું અક્ષય પ્રત્યેનું વહાલ અશ્રુબિંદુ રૂપે ગાલપર હિરાકણીની જેમ ચળકતું હતું. ગઈ કાલનો માંદો દિકરો હોસ્પિટલમાંથી અમૃત સંજીવની પીને આવ્યો હતો.
ગણપતકાકાએ લાલાજી શેરખાન, રસોઈયા કિશન મહારાજ, પુજારી વલ્લભ, પાંડુરંગ અને એની પત્ની સાવિત્રી, કિચન હેલ્પર કાંતામાસી અને વિમળાબેન, જગદીશ અને જ્યોતિને બોલાવ્યા.
શેઠજીએ એકશન પ્લાન સમજાવ્યો.
“જગદીશ, તું સુરત ફોન કરીને ઘારી, સરસિયા ખાજા, અને ફરસાણનો ઓર્ડર આપી દે. તને તો ખબર છે કે આપણે શરદપૂર્ણિમાની રાત્રેજ ચંદની પડવો પણ ઉજવીએ છીએ. કાલે મોડામાં મોડું બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ડિલીવરી મળી જવી જોઈએ. તું અને જ્યોતિ સોડા, બિયરનો પણ ઓર્ડર આપી દો.”
“પાંડુરંગ, ટેરેસ પર ફાઉન્ટન્સ લાઈટ અને સાઉન્ડ સિસ્ટિમ સેટ કરી દે. સાવિત્રી, ડેકોરેશન સેન્સ તારા જેવી કોઈની નથી.”
“કિશનજી હવે તમારો વારો. બોલો, તમે શું બનાવશો?”
“સૌથી પહેલા પૂજાના પ્રસાદ તરીકે ચાંદનીમા ઠારેલા દૂધ પૌઆ અને સાથે કોપરાની ગરમ ગરમ પેટિશ. એપેટાઈઝરમાં જુદાજુદા ટેબલપર પાવભાજી અને પંઝાબી આઈટમ, ચાટ અને પાણી પુરી, પાસ્ટા અને પિત્ઝા.”
“ડિનરમાં ઘારી, દૂઘપાક, વગેરેતો કાયમની આઈટેમજ છે. આ સિવાય શ્વેતા મેડમ કંઈ સૂચવે તો તે પણ બનાવીશું.”
અત્યાર સુધી મુંગી રહેલી શ્વેતા ધીમે અવાજે બોલી “કિશનજી, ડૉકટરે અક્ષયને હાલ પુરતું સોલ્ટ, ફેટ અને સ્પાઈસી ફુડ ખાવાની ના કહી છે. એમને માટે રવા ઈડલી, તદ્દન ઓછા મીઠાની થૉડી ચટની બનાવજો. હું પણ એજ ખાઈશ.”
“બાપુજી, બધાને માટે સોડા ભલે મંગાવો પણ બિયર કે વાઈનનો પ્રોગ્રામ કેન્સલ કરજો. અક્ષયના પેટમાં હવેથી કોઈપણ પ્રકારના આલ્કોહોલનું એક પણ ટીપું જશે નહિ. એણે રોજ બે થી ત્રણ ગ્લાસ નાળિયેર-તરોપાનું પાણી પીવાનું છે. આજે સાંજથીજ શરુ કરવાનું છે.”
“ના શ્વેતા કાલનો દિવસ તો હું બધુંજ ખાઈશ. બિયર પણ લઈશ, માત્ર કાલનો દિવસજ.”
“ના. જો એવોજ આગ્રહ હોયતો પાર્ટી કેન્સલ.”
થોડીવારતો શ્વેતા મેડમની મક્કમતાથી સૌ સ્તબ્ધ થઈ ગયા. શેઠજીને ગમ્યું. પારકી જણીજ કાન વિંધે.
સુવર્ણા બેને વલ્લભને પુછ્યું “આ વર્ષે શું કરવાનું છે?”
વલ્લભને ટચાક સૂઝી. “આ વર્ષે કિશન મહારાજ અને લાલાજીએ ઊપ્વાસ કરવાનો છે.”
લાલાજી એ મુક્કો ઉછાળતા બરાડો પાડ્યો “એઈ બમ્મન બચ્ચા, અગર જ્યાદા બકવાસ કિયા તો….” બધાએ હસતા હસતા લાલાજીનું સ્ટાન્ડર્ડ વાક્ય રાગ કાઢીને પુરુ કર્યું “કટકા કરકે કૂત્તેકો ખીલા દુંગા”
બધાજ ખડખ્ડ હસી પડ્યા.
વલ્લભે ગંભીરતાથી કહેવા માંડ્યુ. “કહેવાય છે કે શરદપૂણિમાની ચાંદની રાત્રે લક્ષ્મીમાતા આકાશ માર્ગે ફરવા નીકળે છે. લોકોને પૂછતા રહે છે ‘જાગો છો કે?’ જેઓ જાગતા હોય તેમના પર લક્ષ્મીજીની કૃપા ઉતરે છે. હવે આપણા નવા ગૃહલક્ષ્મી શ્વેતા મેડમ અને નાના શેઠ પાસે લક્ષ્મીપુજન કરાવીશું. જો સાવિત્રીબહેન નાનો પૂજામંડપ બનાવતા હોય તો લક્ષ્મીપૂજન પણ ટેરેસમાંજ કરીશું. પુજાને અંતે આપણે અને સૌ આમંત્રીતો ગૃહલક્ષ્મી પર લાલગુલાબની પુષ્પપાંદડીની વર્ષા કરીશું”
“દક્ષિણભારતમાં છોકરીઓ શરદપૂર્ણિમાનુ વ્રત કરે છે. શરદપૂર્ણિમા શિવજીના પુત્ર શ્રીકાર્તિકસ્વામીનો જન્મ દિવસ છે. વ્રત કરનારને સુંદર અને શૌર્યવાન પતિ મળે છે.” વલ્લભની સૂચક દૃષ્ટિ વિમળા સામે હતી. વિમળા નીચૂં જોઈ શરમાઈ ગઈ. લાલાજી ગણગણ્યા ‘લડકા હુશિયાર હૈ ઔર છુપા રૂસ્તમભી હૈ.’
દાદાજીએ કહ્યું ચાલો બધા કામે લાગી જાવ અને નાના શેઠને આરામ કરવા દો. સૌ પોતપોતાને કામે લાગ્યા.
OOOOOOOOO XXXXX OOOOOOOOOOO