હરનિશ અને હું.

સ્મર્ણાંજલિ – સ્નેહાંજલિ.

harnish jani

હરનિશ અને હું.

 

મારા એક મિત્રની વસમી વિદાય.

વાત છે રાજપીપળાના રાજકુમાર તરીકે ઓળખાતા, સિદ્ધહસ્ત સાહિત્યકાર. અને સરળ વક્તા હરનિશ જાનીની. વાતચીત કરવાના રંગઢંગમાં એક અનોખી વિશિષ્ટતા. એ કંઈ પણ વાત કરતા હોય, અની આસપાસ ટોળું ભેગું થઈ જાય. આ વાત કાંઈ આજકાલની નથી. હું તો એમને ૧૯૬૦ થી ઓળખું. અત્યારના હરનિશભાઈ તે તે સમયનો હરનિશ.અમારો ગમતો હેન્ડસમ જાની. પીટી સાયન્સ કોલેજ, સુરતના જુનીયર બીએસસી અને સિનિયર બીએસસીના વર્ષોમાં એક જ બેન્ચ પર મેં, હરનિશ, ઉપેન અને દિલીપે કેટલાઓ કલાક સાથે ગાળ્યા હતાં.

હાઈસ્કુલના વર્ષો અને કોલેજના બે વર્ષો દરમ્યાન મેં વાર્તાઓ લખી. પ્રગટ થઈ. અને પછી મેં લખવાનું બંધ કર્યું. એ જ સમય દરમ્યાન હરનિશ પણ સામયિકોમાં વાર્તા લખતા હતા. કેટલીક વાર્તાએ સ્પર્ધામાં ઈનામ મેળવ્યું.

મિત્ર ઉપેન વૈદ્ય અને હરનિશ બન્ને હોસ્ટેલમાં રહેતા એટલે એમની ગાંઠ વધારે પાકી. બીએસસી પુરું કર્યુ અને અમે ૧૯૬૨માં વિખરાયા.

૧૯૭૦ના અરસામાં ફરી અમે અમેરિકામાં ઉપેન વૈદ્યને ત્યાં ભેગા મળ્યા. બસ આવી મુલાકાતોનો સીલસીલો ઉપેનની વિદાય સુધી ચાલુ રહ્યો. ભેગા મળીયે ત્યારે સામાન્ય રીતે. સામાજિક વાતો થાય, કૌટુંબિક ઘરેલુ વાતો થાય. એમની પોતાની વાર્તા કે અન્ય સાહિત્યિક વાત કે એમના ટીવી શોની વાતો થાય અને છેલ્લે સંગીતના વિષયથી વાતોનું સમાપન થાય; જે મારો પ્રીય વિષય. અમે બધા સ્થળ-કાળના સમવયસ્ક પણ ઘણી વાતોમાં હું પૂરો “ઢ” એટલે મોટેભાગે એમનું કામ બોલતા રહેવાનું અને મારું કામ સાંભળતા રહેવનું. મને તો શું સૌ કોઈને એમની વાતો સંભળવાનું ગમે જ ગમે. એમના જીવનના જાતજાતના અવલોકનો, પુશ્કળ વાંચન, વાંચન પછીનું તારણ; સામાન્ય સ્તરના વાચક કરતાં ઘણું જ અનોખું અને વિશિષ્ટ.

હું ૨૦૦૯માં મારી નોકરીમાંથી નિવૃત્ત થયો અને નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે પૂરા પચાસ વર્ષના સાહિત્યિક સન્યાસ પછી મેં વાર્તાઓ લખવા માંડી. તે સમયે હરનિશભાઈનું નામ તો ગુજરાતી સાહિત્ય સમાજમાં ઊંચી કક્ષાના હાસ્યલેખક તરીકે સ્થાપિત થઈ ચૂક્યું હતું. અમેરિકામાં મારી પહેલી વાર્તા “સ્પેસ” ગુજરાત દર્પણમાં પ્રગટ થઈ. મેગેઝિન એમના હાથમાં આવ્યું અને તેજ સાંજે એમનો ફોન આવ્યો. એમને વાર્તા ઘણી જ ગમી. છેલ્લી પંચ લાઈનના વખાણ કર્યા. જેમણે એમની એવૉર્ડ વિનિંગ બુકસ “સુધન” અને “સુશીલા” વાંચી હશે એમને ખ્યાલ આવશે કે વાર્તાઓમાં એન્ડિગ પંચ લાઈન આખી વાર્તાનું હાર્દ હોય છે. મારી દરેક વાર્તા રસપુર્વક વાંચતા અને સૂચનો કરતાં. ક્યારેક વખાણ, ક્યારેક ટિકા તો ક્યારેક સૂચનો. સુજ્ઞ વાચકોને તો ખબર હશે જ કે હરનિશનુ પહેલું પુસ્તક “સુધન” કે જે પિતાશ્રી સુધન લાલના સ્મરણે લખાયું હતું તેને ગુજરાત્ સાહિત્ય અકાદમીનું પારિતોષક મળ્યું હતું. બીજા પુસ્ત્કનું નામ “સુશીલા”નું નામ માતાને અંજલિ અર્પણ કરવા માટે રાખ્યૂ હતું. અને એ પુસ્તક ‘સુશીલા’ને ‘જ્યોતિન્દ્ર દવે’ પારિતોષિક મળ્યું હતું. ૨૦૧૭માં એમનું ત્રીજું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા” પ્રસિદ્ધ થયું જે એમના પત્ની હંસા બહેનને અર્પણ કર્યું છે.

હરનિશભાઈ પોતાને માટે કહેતા કે મારું લખાણ એ જ મારો પરિચય છે. હુ લખું છું દિલથી અને બોલું છું પણ દિલથી. અને એજ દિલેર મિત્ર હરનિશે દિલથી મારી પહેલી નવલકથા શ્વેતાની પ્રસ્તવનામાં લખ્યું છે;

મિત્રને વધાઈ-

કોઈપણ પુસ્તકને બીજાકોઈ લેખકના પ્રાસ્તાવિકરૂપી પ્રમાણપત્રની જરૂર ખરી કે? મને નથી લાગતું કે પુસ્તકને અંગે બીજા લેખકના સહાનુભૂતિપૂર્ણ શબ્દો, વાચકોને તે પુસ્તક વાંચવા પ્રેરે! મારા આ પ્રાસ્તાવિકથી પ્રવીણભાઈ શાસ્ત્રીની કલમમાં કાંઈ ફેર નથી પડવાનો કે પુસ્તકના વેચાણ ઉપર કાંઈ અસર નથી થવાની. કહેવાય છે કે ‘ક્રુતિ પોતેજ સર્જકનો પરિચય છે’ પ્રવીણભાઈ એમ માને ચે કે પોતે નવા લેખક છે અને તેમને સિનિયર લેખ્કનો ટેકો મળે; તો લોકો તેમને વાંચતા થાય.

હું એમની એ વાત સાથે સંમત થતો નથી. એ નવા લેખક નથી. એમની કલમને કોઈના સહારાની જરૂર નથી. જો તમને મારી વાત ખોટી લાગતી હોય તો તેમે પુસ્તક વાંચી જોજો. પછી તમે જ નક્કી કરજો.

સિત્તેર વર્ષની ઉંમરે અને અમેરિકાના પચાસ વર્ષના લાંબા વસવાટ પછી જે લેખક સમજપૂર્વક કલમ ઉપાડતા હોય અને જેમની આવી કૌવતવાળી ભાષા-શૈલી હોય તેને ભલા નવોદિત લેખક કેમ કહેવાય! હું માનું કે તેઓ પચાસ વર્ષ અમેરિકામાં ‘કોમા’માં નહોતા. અમેરિકામાં જીવન જીવ્યા છે. પત્ની અને બાળકો સાથે અમેરિકી જીવન શૈલીમાં સમય વિતાવ્યો છે. એકરસ થયા છે. નોકરી-ધંધામાં, અમેરિકન જીવનનું ભાથું ભર્યું છે. આ બધી વાતો એક સારા નવલકથાકાર માટે કાચો મસાલો છે. સાથે જરૂરી છે સાહિત્યપ્રેમ. તો તે તો છે જ. આટલા વાનાં જેની પાસે હોય તે નવોદિત શાના?

તેમના હાઈસ્કુલ જીવનથી તેઓ ટૂંકી વાર્તાઓ લખવાના શોખીન જણાયા છે. અગાઉ મેં જણાવ્યું તેમ અમેરિકામાં તેઓ કંઈ બેભાન અવસ્થામાં નહોતા. તેમણે ઘણું અનુભવ્યું છે, ઘણું નિરીક્ષણ કર્યું છે, ને તે બધું તેમણે અહીં પોતાની વિશિષ્ટ શૈલી-લઢણથી નિરૂપ્યું છે. આ નવલકથા ભલે એમનું પ્રથમ પુસ્તક હોય; પણ આપણને એમના લખાણમાંથી આ વાતની સાબિતી મળે છે.

એમના પાત્રો સામાન્ય ગુજરાતી કુટુમ્બનાં પાત્રો છે. શ્વેતા આપણી જ બહેન-દીકરી લાગે. તેનો પતિ અક્ષય આમતો ભારતમાં વસે છે પણ અમેરિકામાં રહેતો ગ્રીન કાર્ડવાળો ગુજરાતી યુવક લાગે. અમેરિકામાં કેટકેટલા યુવાનો એ દેશમાં જઈને, ત્યાંથી પરણીને આવેલી કોડભરી કન્યાઓને, અહીંની અમેરિકન યુવતીઓના ચક્કરમાં રઝળાવી છે! પરંતુ સુંદરલાલ અને સુવર્ણાબહેન જેવાં શ્વેતાના સાસુ-સસરા તો કોઈ નસીબદારને જ મળે. લેખકે શ્વેતાને રણમાં મીઠી વીરડી સમા સાસુ-સસરા આપ્યાં છે. જેને કારણે તે સરળ વિનમ્ર ગૃહલક્ષ્મીમાંથી ઝાંસીની લક્ષ્મી બની જાય છે.

ફિલ્મવાળા કહે છે તેમ, વધુ માટે રૂપેરી પડદે જુઓ અથવા તો પુસ્તકનાં પાના ખોલો એમ કહી શકું.

એમાં નવાઈની વાત તો એ છે કે એમણે પચાસ વરસ (૪૦-૪૫ કરતાં ૫૦ નો આંકડો સારો લાગે) પછી કલમ ઉપાડી છે. વાર્તા સિદ્ધહસ્ત લેખકની જેમ વહેતી રહે છે. રસભંગ કે પ્રવાહભંગ થતો નથી. વળી આ નવલકથામાં વાચકને જકડી રાખવાનો બધો જ મસાલો  છે. પ્રેમ – લગ્ન – બિઝનેસ – પાર્ટી – ડ્રગસ – દગો – પોલિસ અને જેના વિના વાર્તામાં રસ જ ન પડે એ – સેક્સની વાતો, સ્વેતાને છોડીને શ્વેત છોકરીના રોમાન્સમાં લેખકે અજમાવી છે. એ બતાવે છે કે લેખક સાઠનો દાયકો છોડીને નવા મિલેનિયમમાં પ્રવેશી ચૂક્યા છે અને વર્તમાન ગુજરાતી સમાજને ચિતર્યો છે.

જો કે આ નવલકથામાં લેખકે વાપરેલા ભર્પૂર અંગ્રેજી શબ્દો થોડા નિવારી શકાયા હોત. નવલકથા વાંચીએ તો લાગે કે લેખકના પાત્રો અંગ્રેજી માધ્યમવાળી સ્કૂલમાં ભણ્યાં હશે અને ગુજરાતી બોલવા સભાન પ્રયાસ કરી રહ્યાં છે. અમેરિકાની અસર જ સમજો.

પ્રવીણભાઈને આવી સુંદર વાર્તા પીરસવા બદલ અભિનંદન. લેખક ભવિષ્યમાં નવા નવા વિષયો સાથે આપણી સમક્ષ આવે એવી અભ્યર્થના. પ્રવીણભાઈ ભૂલતા નહીં કે તમે મોડી શરૂઆત કરી છે અને લોકો સિત્તેર વરસનાને નવોદિત નથી ગણતા. લગે રહો પ્રવીણભાઈ.

હરનિશ જાની

(હાસ્ય લેખક)

Harnish Jani

4 Pleasant Drive,

YARDVILLE, NJ – 08620 –USA

E-Mail:-harnish5@yahoo.com

Phone  001-609-585-0861

June 1, 2011.

***

આ મારા મિત્ર એપ્રિલ ૫, ૧૯૪૧ (રામનવમી) ના દિવસે જન્મેલ હરનિશ; સ્વર્ગના દેવતાઓને મનોરંજન કરાવવા માટે ઓગસ્ટ ૨૦, ૨૦૧૮ ના રોજ  સ્વર્ગલોકમાં પ્રયાણ કરી ગયા. એમના “On Loving Memory of Harnish Jani પત્રીકામાં યોગ્ય રીતે જ દર્શાવાયું છે કે “THOSE WHO LIVE IN THE HEARTS OF OTHERS SHALL NEVER DIE”.

આજે સવારે નવ વાગ્યે ધાર્મિક વિધી અને પ્રાર્થનાઓ થઈ. પરિવારના સદસ્યો ઉપરાંત શ્રી મધુ રાય, બોબ મોર્ગન, રામ ગઢવી, રાહુલ શુક્લ જેવા મહાનુભાવોએ સ્મરણાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

સુક્ષ્મ હાસ્ય સભર લેખો, વાર્તાઓ કે  વક્તવ્ય દ્વારા સૌને હસતા રાખતા આ જીદાદિલ મિત્ર હરનિશનો પાર્થિવ દેહ આજે ૨૪ ઓગસ્ટ ૨૦૧૮ ને રોજ સવારે ૧૧ વાગ્યે પંચમહાભૂતમાં ભળી ગયો. ન્યુ જર્સીના ફ્રેન્કલીન મેમોરિયલ પાર્કની ક્રિમેટરી હોલમાં ખીચોખીચ માનવ મેદની શોક અનુભવતી હતી. હાજરી આપનાર દરેક વ્યક્તિ સાથે કંઈકના કંઈક અંગત માનસિક જોડાણો હતા. કંઈક વ્યક્તિગત સ્મૃતિઓ હતી. બધાને માટે હરનિશ અંગત હતા. સાંપ્રત ગુજરાતી સાહિત્ય વાંચનાર ભાગ્યે જ કોઈ એવી હસ્તી હશે જેમણે હરનિશ જાનીને વાંચ્યા ન હોય. એવા કોઈ સાહિત્યકાર ન હોય જેઓ ન્યુ જર્સીમાં આવ્યા હોય અને હરનિશભાઈ અને હંસાબહેનનું ભાવભીનું આતિથ્ય ન માણ્યું હોય.

એમના પત્ની હંસાબેન, પુત્રી આશિની અને શિવાની તથા પુત્ર સંદીપને હરનિશની વિદાયનું દુઃખ સહન કરવાની આંતરિક શક્તિ મળી શકે એ માટે પ્રભુપ્રાર્થના. આખરે તો સૌ સ્નેહીઓએ એક માત્ર આશ્વાસન સ્વિકારવું રહ્યું “जातस्य हि ध्रुवो मृत्यु’.

પ્રભુ એમના આત્માને પરમ શાંતિ બક્ષે.

#################################

એમના કેટલાક સરસ યાદગાર લેખો વાંચવા માટે મારા બ્લોગની કેટેગરી  હરનિશ જાનીની હાસ્ય પ્રસાદી પર ક્લિક કરી વાંચી શકો છો.

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની – લેડિઝ પાવર હરનિશ જાની.

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની      

૧૦મી જાન્યુ.૨૦૧૮

લેડિઝ પાવર

harnish jani 

સૌજન્ય

હરનિશ જાની.

 

            જગતમાં નારીશક્તિ જેવી બીજી શક્તિ નથી. પરુષ તો તેની આગળ નબળો જ પડે છે. પરુષને એમ થાય છે કે પોતે કોઈ પણ સ્ત્રીથી ચડિયાતો છે. તે પણ સ્ત્રીશક્તિનું એક રુપ છે. સ્ત્રી જ પુરુષને તેવું લાગવા દે છે. ભગવાન સ્ત્રીઓના જન્મ વખતે જ એમના મગજમાં પુરુષને કંટ્રોલ કરવાનો  પ્રોગ્રામ ગોઠવી આપે  છે.  બે ત્રણ વરસની દીકરી પણ દાદાને બનાવી શકે છે. અને ટિનએજ કિશોરી બાપુની પાસે ધાર્યું કામ કરાવી શકે છે. સદીઓથી દરેક દેશમાં,દરેક ધર્મમાં સ્ત્રીઓને સિસ્ટમેટિક રીતે  દબાવી દેવામાં આવી છે. શરૂઆત વસ્ત્રોથી કરી. સ્ત્રીઓએ જ માથું અને મોઢું  ઢાંકવાનું. સ્ત્રી પોતાના ધર્મમાં ઊંચો હોદ્દો ભોગવી ન શકે કોઈ હિન્દુ મઠની મહંત ન બની શકે. .સ્ત્રી કદી પોપ ન બની શકે. “ અવતાર પયગંબરકો દેતી હૈ, ફિર ભી શયતાનકી બેટી હૈ “ આમ સાહિર લુધિયાનવી ટોણો મારે છે. અથવા તો  એક સ્ત્રીની કુખે પેદા થનાર તુલસીદાસજી લખે કે પશુ અને નારી તાડનકે અધિકારી.”  હવે નવા જમાનામાં પુરુષોએ ધર્મના નામે ચડાવી દીધેલા પોતાને ફાવતા કાયદા ન ચાલે. આજકાલ તો “તીન તલાક “થી પણ મુશ્લીમ સ્ત્રીઓને સદીઓની સતામણી પછી મુક્તી મળી રહી છે.  વિસમી સદીના પાછલા ભાગ પછી અમુક દેશોના લિડર તરીકે સ્ત્રીઓ દેખાવા લાગી. ૧૭૭૬માં આઝાદ થયેલ  અમેરિકામાં લોકશાહીની વાતો પહેલે દિવસથી થઈ પણ સ્ત્રીઓને વોટીંગ હક્ક માટે વરસો લડત આપવી પડી હતી.અને ૧૯૨૦માં તે હક્ક મળ્યો. અને તે અધિકાર માટે સુઝન.બી.એન્થની જેવી સ્ત્રીએ વરસના  સો સો પ્રવચનો કર્યા હતા. આવી બીજી સ્ત્રીઓની જહેમતથી આજે સુઝન.બી.એન્થનીના નામનો સિલ્વર ડોલર પણ બહાર પડયો છે. બાળકને જન્મ આપવો એ ખૂબ જ મોટી વાત છે. અને તેનો અધિકાર ભગવાને સ્ત્રીને જ આપ્યો છે.

          ૧૮૭૦ પહેલાં ફ્રાંસમાં લગભગ પચાસ ટકા સ્ત્રીઓ ડિલીવરી દરમિયાન મરી જતી હતી. બાળકો પણ જન્મ વખતે મરી જતા હતા.આમાં સ્ત્રીજાતી પર અથવા તો કહીએ કે માનવજાત પર સૌથી મોટો ઉપકાર કર્યો હોય તો તે સાયન્ટિસ્ટ લુઈ પાસ્ટરે, મારી દ્રષ્ટિએ ૧૯મી સદીના એક મહાન સાયન્ટિસ્ટ હતા. જેમણે પોતાની લેબોરેટરીમાં પ્રયોગો દ્વારા શોધી કાઢ્યું કે આ મૃત્યુ માયક્રોબ–બેકટેરિયાથી થાય છે. તે જમાનામાં ડિલીવરી મિડવાઈફ( દાઈ, સુયાણી ) કરાવતી હતી. અને તે મિડવાઈફ ડિલીવરી પહેલાં હાથ નહોતી ધોતી. અને લુઈ  પાસ્ટર પેરીસના ડોક્ટરોને ડિલીવરી પહેલાં હાથ અને સાધનો ગરમ પાણીથી ધોવાનુ કહ્યું. જે વાત ડોક્ટરોની મેડિકલ સોસાયટીને ન ગમી કે એક કેમિસ્ટ ડોક્ટરોને કઈ હેસિયતથી સાલાહ આપે છે? નેપોલિયન ત્રીજાના કાન ભંભેરીને મી.પાસતરને પેરીસ છોડાવ્યું. તે જ વરસે ૧૮૭૦માં નેપોલિયન ત્રીજાએ પણ બીજી રાજકીય રમતોને કારણે ફ્રાસની ગાદી છોડવી પડી.લુઈ પાસ્તરે દુનિયાને માયક્રોબાયોલોજી અને બેકટેરીયોલોજી જેવા બે નવા વિષય આપ્યા. અને શોધી પણ કાઢ્યું કે સ્ટરીલાઈઝેશન– ૧૦૦  ડિગ્રી વરાળવાળા ઉકળતા પાણીમાં ડિલીવરીના સાધનો ધોવામાં આવે તો કોઈપણ જાતના બેક્ટેરિયા મરી જાય છે. તે વખતે ભારતમાં શોધાયું કે શિતળાના જંતુઓ મારવા શિતળા માતાને નારિયેલ ચઢાવવું. લુઈ પાસ્તરે  કોલેરાની રસી પણ શોધી અને બીજા રોગોના વેક્સીનેશન પણ શોધ્યા. તેમની શોધોને પાયો બનાવી બીજા નવા સાયન્ટિસ્ટ પેદા થયા. અને માયક્રોબાયોલોજીના ક્ષેત્રમાં અવનવી  શોધો કરી.  એમની થિયરી અને શોધખોળોએ ફ્રાંસની જ સ્ત્રીઓને ડિલીવરીમાં મરતી અટકાવી એટલું જ નહીં પણ જગતના દરેક દેશની સ્ત્રીઓને મરતી અટકાવી.  પેસ્ચ્યુરાઈઝડ મિલ્ક અને વાઈનની બનાવટ મી. લુઈ પાસ્તરને આભારી છે. વિસમી સદીની શરુઆતમાં ગુજરાતમાં દરેક ઘરમાં દસ દસ બાર બાર બાળકો જન્મતા. તેમાં પાંચ સાત પુખ્ત વયના થઈ શકતા. ૧૯૫૦ પછી બાળ મૃત્યુ ઘટ્યા.તેનો જશ માઈક્રોબાયોલોજી અને બેક્ટેરીયોલોજીના ક્ષેત્રના  વિકાસને કારણે છે. છેલ્લા ત્રીસ ચાલીસ વરસમાં મારી જાણ મુજબ મેં કોઈ પણ બાળ મૂત્યુ સાંભળ્યું નથી.આ વધારે બાળકોની પ્રથા દરેક દેશમાં હતી. તેમાં અમેરિકામાં આજકાલ નેચરલ ચાઈલ્ડ બર્થ પર ચર્ચાઓ ચાલે છે. ટાઈમ મેગેઝિને  ૯૧૩ સ્ત્રીઓનો એક સર્વે લીધો તેમાથી ૭૦ ટકા સ્ત્રીઓ નેચરલ બર્થમાં માનતી હતી. પણ જેવું ડિલીવરીનું લેબર ચાલું થયું કે મોટા ભાગની સ્ત્રીઓએ એનેસ્થેસીયાની માંગણી  કરી તેમાં ૪૩ ટકાને લેબરનું દર્દ સહન ન થતા. હોસ્પીટલમાં દાખલ કરવી પડી. અને બીજી ૨૦ ટકાને તો સિઝેરીયન કરવું પડ્યું હતું. આ સ્ત્રીઓનું કહેવું છે કે સદી પહેલાં આ  હોસ્પીટલો નહોતી. ત્યારે સ્ત્રીઓની ડિલીવરી ઘરમાં જ કરાતી. તો ડોક્ટરોની વાત સમજવા જેવી છે. તેમનું કહેવું છે કે ૧૯મી સદીમાં  ડિકીવરીમાં મૃત્યુનું પ્રમાણ પણ બહુ હતું. જે આજે નહીવત્ છે. તેમ છતાં કેથોલિક ધર્મમાં લખ્યા મુજબ પોપસાહેબ ગર્ભનિરોધક સાધનોની વિરુધ્ધ છે. તે સ્ત્રીની વ્યક્તિગત તંદુરસ્તી માટે તો ખરાબ છે જ. પરંતુ જગતની વસ્તીના વધારા માટે પણ ખતરનાક છે.

છેલ્લી વાત–

એક શેઠે,એક અસ્થિર મગજના (ગાંડા) લોકોની સંસ્થાને સ્વિમીંગ પૂલ બનાવવા મટે દાન કર્યું. એકાદ વરસ થયું અને તેમણે સંસ્થાના પ્રમુખને ફોન કર્યો.” પ્રમુખ શ્રી ,પછી પેલો સ્વિમીંગ પુલ તૈયાર થયો કે નહી?” પ્રમુખ શ્રી, બોલ્યા, “અરે હા, તૈયાર થઈ ગયો અને છ એક મહિના પર તેનું ઉદ્ઘાટન પણ થઈ ગયુ. અને દર્દીભાઈઓ તેનો આનંદથી લાભ લે

છે.” “કોઈ દર્દીભાઈ ડૂબી જશે એનો ભય નથી?” “ના ના, કોઈના ડૂબવાનો સવાલ જ નથી. સ્વિમીંગપુલમાં હજૂ પાણી જ ભર્યું નથી.‘

E mail-harnishjani5@gmail.com

કાળા પણ કામણગારા–અમેરિકન. – હરનિશ જાની.

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

ગુજરાતમિત્ર

૪–૨–૧૫.

 

કાળા પણ કામણગારા–અમેરિકન

harnish jani

હરનિશ જાની

martin-luther-king-jr-quotes-1008

 

                      અમેરિકાના કાળા લોકોની વાત કરું. સભ્ય સમાજમાં અને મિડીયામાં તેમણે સ્વીકારેલો શબ્દ છે. –આફ્રિકન અમેરિકન. એ લોકો અંદર અંદર એકમેકને બ્રધર કહે છે. પત્ની ચિડાય ત્યારે તેના કાળા હસબન્ડને નિગર કહે છે. હું તેમને બ્લેક કહું છું અને તે લોકોએ મને મારવા લીધો નથી. સૌ પહેલાં એ લોકોને નિકટથી જોવાનો મોકો મને ૧૯૭૨માં મળ્યો. હું બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સુપરવાઈઝર હતો. મારા હાથ નીચે ૨૨ વર્કર્સ હતા. તેમાં આઠ દસ બ્લેક હતા. દરેકને જાત જાતની ફરજો હતી. અને તેમ કરતાં જ્યારે ટાઈમ મળતો ત્યારે તે મારી પાસે આવતા અને વાતો કરતા.હું એમ કહેતો કે એ એમનું કામ પતાવીને ઊભા રહે છે ને? એ લોકોને એમની જવાબદારી ખબર હતી. અને હું “સ્લેવ ડ્રાયવર” નહોતો. ત્યાં બે જણ જોડે મારે સારું બનતું .હાર્વી વિલિયમ્સ અને બર્ની વિલ્સન. હાર્વી કલર વેયર હતો અને બર્ની કલર પુશર હતો. બન્ને હાઈસ્કુલ પાસ હતા. એક તો હું નોકરીમાં નવો નવો હતો.અને બ્લેક લોકોના  દેખાવ અને વર્તન શરુ શરુમાં મને ડરાવતા હતા.અને સિવીલ રાઈટસ–વોટીંગનો અધિકાર ૧૯૬૪માં મળ્યો હતો. એટલે બ્લેક લોકોનો મિજાજ થોડો જુદો હતો. કે બહુ વરસ ગુલામ રહ્યા. હવે અમે ગોરા લોકોની બરાબર છીએ. ઘણાં અમેરિકામાં  વસતા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ આ આફ્રિકન લોકો આપણને –એશિયનનોને હલકા ગણે છે. અને આપણે લોકો તેમને હલકા ગણીએ છીએ. ખરું પૂછો તો આપણા લોકો સૌથી વધારે રંગદ્વેષી છેં આપણે ચાર ગુજરાતીઓ ભેગા થઈએ ત્યારે અમેરિકનો માટે  કાળિયો અને ધોળીયો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આમાં સારી વાત એ છે કે અમારી નવી પેઢી અમેરિકન છે. એમને આવી વાતોમાં રસ નથી. એમને મન બધાં સરખા જ છે. અને મારા દિકરાએ આ વાત તરફ મારું ધ્યાન દોર્યું હતું.

              હાર્વી, બર્ની અને હું ઘણી બધી ખાવાની ચીજો વ્હેંચીને ખાતા. ખાસ કરીને “એપલ પાઈ.” હાર્વી વર્ક પર આવતાં રસ્તામાંથી એપલ પાઈ ખરીદી લેતો. અને બર્ની મને સદેશો આપતો કે પાઈ આવી ગઈ છે.  અને હું કલર રુમમાં જતો. અને અમે સાથે આનંદથી  હસાહસ અને ગાળાગાળી કરતા ખાતા. કાળા લોકો વાતો વાતોમાં કારણ વિના સુરતી બોલી નાખે છે.  બીજું કાંઈ પણ ખાવાનું ,હાર્વી કે બર્ની લાવતા તેની અમે જ્યાફત ઉડાવતા. આ બન્ને છ ફૂટથી ઊંચા હતા. હાર્વીની મોટી મોટી આંખો અને ફાટેલો અવાજ.અને કોલસા જેવો કાળો રંગ અને તેના પર જાત જાતના કલરના ડાઘા તે ભયંકર લાગતો.  પણ દિલ નાના છોકરા જેવું. એ એની વાઈફથી ડરતો. લગભગ પંદર વરસ પછી હાર્વી મને ન્યૂ યોર્કમાં મળી ગયો હતો. તેણે દૂરથી મને ઓળખી કાઢ્યો હતો.અને બૂમો પાડતો પાડતો મારી પાછળ આવતો હતો. ત્યારે મને થયું હતું કે આ માણસ મારી પાછળ કેમ દોડે છે? નજીક આવ્યો અને તેને નહીં ઓળખવા બદલ મારા પર ચિડાયો હતો. જ્યારે બર્ની પોતાને મુત્સદી સમજતો. અને મને પરદેશી ગણી અમેરિકાની જુદી જુદી વાતો કરતો. અને ગોરા લોકોએ તેમના પર કેટલો જુલમ ગુજાર્યો છે તે કહેતો. આ બન્ને મને મારા કામમાં મદદ કરતા.મને કોઈ બીજા વર્કર જોડે કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે બર્ની તેમને સીધા દોર કરતો. મને મારો અંબિકા મિલનો અનુભવ કામ લાગ્યો. ત્યાં મારે લાલ આંખોવાળા ભૈયાજીઓ  પાસે કામ લેવાનું હતું. આ બ્લેક લોકોનો મને જરાય અનુભવ નહોતો. પરંતુ  હાર્વી અને બર્નીએ મારો ડર દૂર કર્યો. બર્ની અને તેની વાઈફને અને બેબીને ,મારી પત્ની સાથે ઓળખાણ કરાવવા અમારે ઘેર બોલાવ્યા હતા. અને સ્પાઈશી ઈન્ડિયન ફુડ જમાડ્યું હતું. મેં જોયું કે લોકો– લોકો હોય છે. મતલબ કે બ્લેક લોકોમાં પણ સારા અને ખરાબ હોય છે. અમેરિકાની જેલોમાં સૌથી વધારે બ્લેક લોકો છે. સૌથી વધારે ગુન્હાઓ બ્લેક લોકો જ કરે છે. મારા ૪૫ વરસના અમેરિકામાં નોકરીના અનુભવમાં કેટલાય બ્લેક લોકો જોડે પરિચયમાં આવ્યો છું પાછલા સમયમાં મારે બ્લેક મેનેજર અને બ્લેક સાયન્ટીસ્ટો જોડે પણ કામ કરવાનું આવ્યું હતું. બીજા બે જણ સાથે મારે ખૂબ બનતું તે હતા, બિલ જોન્સ અને ગસ જોર્ડન, ૭૨માં આ બન્ને  જણ ૬૦ વટાવી ગયા હતા. એ બન્ને પાસે બ્લેક હિસ્ટ્રી હતો. અને મને હિસ્ટ્રી ગમે છે. મને જ્યારે પણ સ્હેજ ટાઈમ મળતો કે હું બિલ પાસે પહોંચી જતો. એ બન્ને જણે સેકન્ડ વર્લ્ડ વોરમાં ભાગ લીધો હતો. ૪૦ના દાયકામાં બ્લેક લોકોને કોઈ હક્ક નહોતા બસ અને રેસ્ટોરાંમાં જુદા બેસવાનું હતું  પરંતુ  તેમને મરવા માટે ગોરા લોકો આર્મીમાં ઘસડી ગયા હતા. ત્યાં ભેદભાવ નહોતો.

                 અમેરિકામાં, આજકાલ એટલે કે –ફેબ્રુઆરી મહિનો બ્લેક હિસ્ટરી મન્થ ગણાય છે. દર વરસે આખો મહિનો આફ્રિકન અમેરિકન (કાળા) હિસ્ટરી તરીકે ઉજવાય છે. આમાં સ્કુલ કોલેજમાં તો આફ્રિકન અમેરિકન (કાળા) લોકો વિષે જાત જાતનું સાહિત્ય શીખવવામાં આવે છે. દરેક ટીવી સ્ટેશન પણ  કાળા એકટરોની ફિલ્મો તથા આફ્રિકન કલચરલના  સ્પેશ્યલ પ્રોગ્રામ રજુ થાય છે. ટૂંકમાં આખા વરસમાં તો આ બધું ચાલતું જ હોય છે. પણ આ ફેબ્રઆરી મહિનામાં ખાસ. આજકાલ અમેરિકામાં “સેલમા” નામની ફિલ્મ ચાલે છે. (ચાન્સ મળે તો અચૂક જોજો) એકેડેમી એવોર્ડ માટે પણ નોમિનેટ થયું છે. હવે મને ખાતરી છે કે ગુજરાતમાં બહુ ઓછાને આ શહેર સેલમાની ખબર હશે. અમેરિકાના ઈતિહાસમાં શી અગત્યતા છે? અમેરિકાના કાળા લોકોના લિડર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને ગાંધીજી સાથે સરખાવામાં આવે છે. વાત એમ છે કે હું તેમને ગાંધીજીના સાચા શિષ્ય ગણું છું. કાળી પ્રજાને કુતરાં જેવા ગણવામાં આવતા હતા. અબ્રાહમ લિંકને એક કામ કર્યું કે તેમને ગુલામમાંથી માણસ બનાવ્યા. હજું તેમને નાગરિક ગણવામાં નહોતા આવ્યા. કોઈ હક્ક નહોતા. બસમાં અને હોટલોમાં જુદા એરિયામાં બેસવું પડતું. અલાબામા સ્ટેટના કેપિટલ મોન્ટગોમરીમાં એક કાળી યુવતી રોઝા પાર્કસ “બ્લેક ઓનલી”ના એરિયામાં બેસવાની ના પાડી અને પોતાની સીટ ગોરા પુરુષને આપવાની ન આપી. કોઈપણ ઈતિહાસમાં જોશો તો મોટી લડતની શરુઆત આવી નાની વાતોથી જ ચાલુ થઈ છે. ટ્રેનમાં પોતાની જગ્યા નહીં છોડવાની જીદે મોહનદાસને  મિ. ગાંધીમાંથી  મહાત્મા બનાવ્યા. રોઝા પાર્કસ્ , જેવી બ્લેક વુમને કાળા સમાજને હલાવી નાખ્યો અને લોકોને પોતાના અસ્તિત્વનું ભાન કરાવ્યું. અને બસમાં કાળા લોકોએ જુદા બેસવાની વાતના  વિરોધમાં ,રોઝા પાર્કસની આ લડતમાં ગાંધીજીના અસહકારના માર્ગ જેવું વલણ અપનાવ્યું અને બ્લેક લોકોએ મોન્ટગોમરી શહેરની બસ સર્વિસનો બહિષ્કાર કર્યો. ૧૯૫૫માં  આ બહિષ્કાર  ૩૮૨ દિવસ ચાલ્યો. તે સમય દરમિયાન એકે બ્લેક વ્યક્તીએ મોન્ટગોમરી બસ સર્વિસનો ઉપયોગ ન કર્યો. જેમની પાસે કાર હોય તે લોકો બીજાઓને  લિફટ આપતા. સરકારે એમની માંગ સામે ઝુકવું પડ્યું. અને બસોમાંથી બ્લેક ઓનલીના બોર્ડ દૂર થયા. આજે રોઝા પાર્કસ  “ફર્સ્ટ લેડી ઓફ સિવીલ રાઈટસ” ગણાય છે.

rosaparkss

               એક બીજી વાત, જેની ઓછાને ખબર હશે તે એ કે ૧૯૬૩માં ડો.માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે કાળા લોકોને વોટીંગ રાઈટસ અપાવવા અહિંસક સત્યાગ્રહ કર્યો હતો. હું તેમને ગાંધીજીના સાચા વારસદાર ગણું છું  તેમણે પણ ગાંધીજીની જેમ ગોળીઓ ખાવી પડી હતી. ગાંધીજીની દાંડી કૂચની જેમ ડો.કિંગે ત્રણ દિવસમાં સેલમાથી અલાબામા સ્ટેટના કેપિટલ મોન્ટગોમરી સુધીની એંસી કિલોમિટરની કૂચ કરી હતી. સાથે સેંકડો બ્લેક હતા.તેમા સુધારાવાદી ગોરા લોકો અને પત્રકારો પણ હતા. રાતે  ખેતરોમાં સૂઈ રહેતા.આ કૂચમાં  દાંડી કૂચના જેવા ભજનો નહોતા ગવાતા. પોલિસો ડંડા મારતા, ફાયર હોઝથી પાણી છાંટતા અને લોકો ઉપર શિકારી કૂતરાં છોડતા. તેથી કેટલા ય લોકો કૂચ મૂકીને જતા રહ્યા હતા. પરંતુ ડો.કિંગે તેમની કૂચ ચાલુ રાખી. ડો. કિંગ અને એમના સાથીદારોએ, લિન્ડન જ્હોન્સની ગવર્મેંટને બ્લેક લોકોને વોટિંગ રાઈટસ અપાવ્યા. જો આજના બ્લેક લોકો આ ઈતિહાસ યાદ રાખે કે એમના માબાપોએ કેટલી યાતના ભોગવીને આ ખરી આઝાદી અપાવી–તો એ લોકો આજકાલ ચાલતી ગુન્હાખોરી કરતા અટકે. ૧૯૬૪ના સિવીલ રાઈટસ કાયદાને કારણે ઈમિગ્રન્ટસને પણ અહીં આવવાનું મળ્યું. અને તેમને પણ વોટીંગ રાઈટસ મળ્યા. તેના પ્રતાપે ,મેં આજ સુધીમાં નવ વખત પ્રેસિડન્ટના ઈલેક્શનમાં ભાગ લીધો છે. છેલ્લા બન્ને વખતે ઓબામાજીને વોટ આપ્યા છે. તે માર્ટિન લ્યુથર કિંગ જુનીયરને કારણેજ. પછી મને એ ગમે, એમાં નવાઈ શી! જય ડો.માર્ટીન લ્યુથર કિંગ.

obama

Email- harnishjani5@gmail.com

સમય સમય બલવાન હૈ-હરનિશ જાની.

અમેરિકામાં વર્ષમાં બે વાર સમયની ફેરફૂદરડી થાય છે.

daylight-savingtime

આ વર્ષે એટલે કે ૨૦૧૬માં ડે લાઈટ સેવિંગ સમય, રવિવાર માર્ચની ૧૩ તારીખ બે વાગ્યે સવારે (અરે ભાઈ આપણે માટે તો આગલી રાતના બે વાગ્યા કહેવાય) શરૂ થયો હતો અને રવિવાર નવેમ્બર ૬ તારીખે સવારે બે વાગ્યે પૂરો થયો.

હરનિશ જાનીનો આ લેખ કોઈક પત્ર કે પુસ્તકમાં આ પહેલાં વાચ્યો હોય તો તો પણ ફરી વાંચવો ગમશે જ. તો વાંચો……

 સમય સમય બલવાન હૈ 

        harnish jani

        હરનિશ જાની.

તેરમી માર્ચે એક મિત્રનો અમદાવાદથી વહેલી સવારે ફોન આવ્યો.”સમય બદલ્યો કે નહીં?” મારે પૂછવું પડ્યું, “શાનો સમય?” તે બોલ્યા,“કેમ વળી ભૂલી ગયા.તમારે ત્યાં આજથી ડે લાઇટ સેવિંગ્સ ટાઇમ ચાલુ થશે ને !” તેમની વાત સાચી હતી-આજે તો મારે ટાઇમ બદલવાનો . ઘડિયાળ એક કલાક આગળ કરવાનાં .મેં કહ્યું “સારું થયું તમે યાદ કરાવ્યું.”પછી તે મારી ભૂલ પર હસવા લાગ્યા. એમણે મને વિચાર કરતો કરી મુક્યો. આપણાં લોકોને જેટલી અમેરિકાના સમયની ખબર છે. તેટલી તેમના ગામના સમયની ખબર નહીં હોય. અને મને આ નવા જમાના, નવી ટેકનોલોજી પર વિચાર આવ્યો. કોમ્પ્યુટર,મોબાઇલ ફોન અને અઢીસો ચેનલવાળા ટીવીના જમાનામાં અમેરિકા હવે ભારતીયો માટે ફોરેન રહ્યું નથી. ન્યુ જર્સીમાં ઠંડી પડે કે પુર આવે તેની ખબર ભરુચમાં સી.એન.એન. જોનારને પહેલી પડે!

                         મને એક ભૂંડો વિચાર આવ્યો. કે જો આ રીતે ઇન્ડિયામાં ડે લાઇટ સેવિંગ્ઝ ટાઇમ બદલાતો હોત તો?  જો કે આવો વિચાર જ વાહિયાત છે. મારા બાલુકાકા તો તુરત જ કહે,” જા સમય નથી બદલતો થાય તે કરી લે.” હકિકત એ છે કે બાલુકાકા ઘડિયાળ જ નથી રાખતા . સમયને અને એમને કાંઇ લેવાદેવા નહીં. હવે આવા બાલુકાકાઓ બસ સર્વિસમાં ડ્રાયવર હોય કે ટ્રેઇન ચલાવતા હોય તો?  પાંચની ટ્રેઇન પાંચ વાગે જ ઊપડે પછી ભલેને ઘડિયાળ એક કલાક વહેલી કરી હોય.અને કોઇ દોઢ ડાહ્યા ડ્રાયવરે સમય એક કલાક વહેલો કર્યો હોય અને ટ્રેઇન નવા ટાઇમ મુજબ પાંચ વાગે (જે જુના સમયના ચાર ગણાય) તમને આ વાત સમજાઇ? ન સમજાઇને? તો પેલા ડ્રાયવરોને ક્યાંથી સમજાય?) સમય બદલવાના દિવસે જ સેંકડો ટ્રેઇનો અથડાય-આપણે પ્લેઇનોની તો વાત કરતાં જ નથી. જે પ્રજા હજુ સુધી ટ્રાફિકમાં લાલ લાઇટ થાય તો ઊભા રહેવાનું કે પછી રેલ્વે ફાટક પર રસ્તાની બન્ને બાજુ ટ્રાફિકથી નહીં ભરી દેવાનું જાણતી નથી- શીખી નથી. તેને સમય બદલવાનું કેવી રીતે કહેવાય? વન વે નો કાયદો ટુ વ્હિલર્સને તો લાગુ પડતો જ નથી. એવી રીતે કેટલા ય લોકો કહે કે સમય બદલવાનું અમને નહીં કહેવાનું. અમારા ધંધામાં સમયની જરૂર નથી.

                        અમેરિકા,યુરોપ અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ જેવા દેશો સમય કેમ બદલે છે? કહેવાય છે કે જ્યારે બેન્જામિન ફ્રેન્કલિન પેરીસમાં હતા ત્યારે અઢારમી સદીમાં પ્રકાશ માટે મિણબત્તી વપરાતી.ફ્રેન્કલિન સાહેબે નોંધ્યું કે ઉનાળામાં સૂર્ય વહેલો ઉગે છે ત્યારે લોકો ઊંઘતા હોય છે.તેમણે વહેલા ઊઠીને તડકાનો લાભ લેવો જોઇએ અને જો વહેલા ઊઠે અને વહેલા સુએ તો રાતે મિણબત્તીનો વપરાશ ઘટે. એટલે લોકો છ વાગે ઊઠતા હોય અને સૂર્ય પાંચ વાગે ઊગતો હોય.તો સૂર્યને તો કાંઇ કહેવાય નહીં કે તું છ વાગે ઉગ એટલે લોકોને કહેવાનું કે તમે છ વાગે જ ઊઠો

. અને બીજા વિશ્વ યુધ્ધ પછી બધા યુરોપિયન દેશોએ એ વાત સ્વીકારી.માર્ચમાં ઘડિયાળ આગળ કરો અને નવેમ્બરમાં પાછળ કરી, જગતના સ્ટાન્ડર્ડ ટાઇમ સાથે આવી જાવ. પહેલાં મિણબત્તીઓ બચતી. હવે હજારો ગેલન ઓઇલ બચે છે.

                  આપણે ત્યાં પણ ઊનાળામાં દિવસ લાંબો થાય અને શિયાળામાં ટૂંકો થાય તેમ છતાં ભલૂ  થજો અંગ્રેજોનું કે બધી રીતે ગુંચવાયલા દેશને સમયની ઝંઝટમાં વધુ ન ગુંચવ્યો.કદાચ એ લોકો દેશના ભાગલા પાડવામાં બિઝી હશે.બાકી ધડિયાળ માર્ચમાં આગળ કરવાનું કે પાછળ તેની લોકોમાં ચર્ચાઓ થાય તે જુદી..અડધા ધડિયાળ આગળ કરીને બેઠા હોય અને અડધા લોકો પાછળ કરીને બેઠા હોય.

 જો આ સમય બદલવાનો કાયદો આવ્યો હોત તો? આપણાં જન્માક્ષરોનું શું થાત? કન્યાનું લગ્ન લેવાનું હોય તો વરરાજા સાથે જ્ન્માક્ષર મેળવવા પડે ત્યારે શું થાય? ”અમારી બેબી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કર્ક રાશીની છે.અને ડે લાઇટ સેવિંગ્સ ટાઇમ પ્રમાણે મકરની છે. તમારા છોકરાની કઇ રાશી છે?” “અમારો બાબો તો ડે લાઇટ સેવિંગ્સમાં જન્મયો છે તે વખતે એના ગ્રહો મજબૂત હતા એટલે ત્યારથી અમારું કુટુંબ તો ડે લાઇટ સેવિંગ્સ ટાઇમમાં જ માને છે.અને અમે ઘડિયાળ આગળ પાછળ કરતાં જ નથી.અમે તો ઘરના બધાંના જન્માક્ષર ડે લાઇટ સેવિંગ્સ ટાઇમ પ્રમાણે ફેરવી નાખ્યા છે.” જો આપણે ત્યાં સમય બદલાતો હોત તો દેશના ભાગલા જરૂર પડ્યા હોત.એક પક્ષ સ્ટાન્ડર્ડ ટાઇમવાળાનો જેમાં મારા બાલુકાકા નેતા બનત અને બીજો ડે લાઇટ સેવિંગ્સ ટાઇમવાળાનો. પછી સમયનું જે થવાનું હોત તે થાત. મઝા તો જોષીઓને પડી જાય.“યજમાન.તમારો બાબો જનમ્યો છે તો ખૂબ સરસ ગ્રહોની છાયામાં ડે લાઇટ સેવિંગ્સ ટાઇમમાં પરંતુ આમ જુઓ તો મૂળભૂત સમય પ્રમાણે ત્યારે મૂળ નક્ષત્ર ચાલતુ હતું. તો તેની અસર તો રહેવાની જ-એટલે મૂળ નક્ષત્રની વિધી કરાવો તો સારું.જેથી પાછળથી કાંઇ વહેમ ન રહે”  વહેમ હોય કે ન હોય પણ જ્યોતીષનો તો ધર્મ છે કે વહેમ ઊભા કરવા. એટલું ઓછું હોય તેમ લગ્ન સમારંભોના કે પછી બીજા જાહેર કાર્યક્રમોમાં બે ટાઇમ લખવા પડે.નવો અને જુનો.તેમાં દોઢ ડાહ્યા કહેશે કે “તમે જમણ જુના સમયે રાખ્યું હશે એમ સમજ્યા હતા અને તમે તો નવા એક કલાક પાછળનો સમય રાખ્યો. અને અમને કલાક બેસાડી રાખ્યા. “

                       હું અમેરિકા ૧૯૬૯,સપ્ટેમ્બરમાં ડે લાઇટ સેવિંગ્સ ટાઇમ ચાલતો હતો ત્યારે સ્ટુડન્ટ તરિકે આવ્યો હતો. હું અને મારા મિત્ર ગાંધી એક પ્રાઇવેટ હાઉસમાં ભાડે રહેતા હતા. અને ત્યારે ઓકટોબરમાં ટાઇમ બદલાતો. ગાંધી કોલેજમાંથી વાત લાવ્યા કે રવિવારે આપણે સમય બદલવાનો. કોલેજનો મેઇન ગેટ અમારા ઘરમાંથી દેખાતો હતો. તે રવિવારે અમે સમય તો બદલ્યો. પણ દૂરથી મેઇન ગેટમાં બધાં સ્ટુડન્ટસની અવર જવર દેખાતી હતી.અને અમને ન સમજાયું. આજે રવિવારે આટલા બધા સ્ટુડન્ટસ? એવામાં ગાંધીના મગજમાં વિચાર ઝબક્યો.”જાની, આ અમેરિકનો સમય જ નથી બદલતા પણ દિવસ પણ બદલે છે.નક્કી આજે સોમવાર થયો હશે.” અને અમે બન્ને જલ્દી જલ્દી તૈયાર થઇને સોમવારના ટાઇમ ટેબલ પ્રમાણેની બુક્સ લઇને ભાગ્યા કોલેજે. ત્યાં ગયા તો ખબર પડી કે તે દિવસે  વિયેટનામ વૉરની વિરુધ્ધમાં સ્ટુડન્ટસ રેલી હતી. અમને બન્નેને હાશ થઇ કે આખરે આ લોકોના મગજમાં સમયની સાથે સાથે દિવસ બદલવાની કુમતિ હજુ નથી ઘુસી.

                                  આપણે ત્યાં એક સત્તાપક્ષ સમય બદલવાનું નક્કી કરે. અને ચાર દિવસ પછી બીજો પક્ષ ,સત્તા પર આવે તો તે ગાંધીજીનું નામ લઇને ડે લાઇટ સેવિંગ્સ ટાઇમને ઘોળીને પી જાય. આમે ય આપણે કેટલી ઇલેક્ટ્રીસીટી વાપરીએ છીએ? જેથી કરીને ઓઇલ બચાવવાના છે ? આપણે ત્યાં લાઇટો ચાલુ હોવા કરતાં તો વધારે સમય તો ઊડી ગયેલી હોય છે ! એટલે સરકાર સમય બદલીને નહીં પણ આ રીતે ઓઈલ બચાવે છે!

ભાષાને શું વળગે ભૂર

ફીર ભી દીલ હૈ હિન્દુસ્તાની ૧૪–સપ્ટેમ્બર ૨૦૧૬
ભાષાને શું વળગે ભૂર

harnish jani

હરનિશ જાની.
તમને જાણીને નવાઈ લાગશે કે હવે અંગ્રેજી ભાષા લખવામાં નવા ઝગડા ઉભા થયા છે. અત્યાર સુધી આપણી ગુજરાતી ભાષામાં જાત જાતના મુદ્દા ઊભા થયા છે. થોડા થોડા દિવસે આ ફોન્ટ સાચા ને તે ફોન્ટ સાચા. આ જોડણી સાચી અને પેલી જોડણી સાચી. ગુહરાતી રહેશે કે નહીં રહે? તો આ બધી ચર્ચામાં અંગ્રેજી ભાષા સંડોવાણી છે. અથવા તો સુરતી ભાષામાં કહીએ તો હવે અગ્રેજી હંડોવાયેલી મલે. વાત એમ છે કે કોમ્પ્યુટરની ભાષામાં કોમ્પ્યુટર પર અગ્રેજી લખાય છે; એ જે રીતે લખાય છે તે અમુક જુનાજોગીઓને નથી ગમતું. તેઓ આપણે ત્યાંના સાર્થ જોડણીવાળા જોડે સરખાવી શકાય કારણ કે તે લોકોને કોમ્પ્યુટરના ફોન્ટ નથી ગમતા.તેઓ માને છે કે અગાઉ સ્કુલોમાં થર્ડ ગ્રેડમાં લખવાની અંગ્રેજી ભાષાને “કર્સીવ‘ ઢબે લખવાનું શીખવાડવામાં આવતું હતું. જે હવે નથી શીખવાડાતું. આ “કર્સીવ “એટલે અમારા વખતમાં ત્રીજી ચોથી એ. બી.સી.ડી. જેમાં શબ્દના બધા અક્ષર જોડવા પડે અને લેટર લખવામાં કે કોર્ટનું કોઈ ડોક્યુમેંટ લખવું હોય કે કોઈ ઓફિસમાં રીપોર્ટ લખવા હોય તો તે જોડાયલા અક્ષરોમાં લખવા પડે. જ્યારે કોમ્પ્યુટરમાં અને ફોનના ટેક્ષ મેસેજીસ છુટા અક્ષરોમાં લખાય છે. જેને “સ્ક્રીપ્ટ” કહેવાય છે. ભૂતકાળમાં બધું લખાણ કર્સીવ અને સ્ક્રીપ્ટમાં લખાતું હવે ૨૦૦૪ પછીના નવા જમાનાની પ્રજાને આ કર્સીવ લખતા જ નથી આવડતું.કોમ્પ્યુટર મહારાજની દયાથી તેમ થયું છે. તો ૨૦૦૪ પહેલાંના ભણેલા અમેરિકન સ્ટુડન્ટસ્ ને માથે પહાડ તુટી પડ્યો છે. આ નવી પેઢી અંગ્રેજીનું સત્યાનાશ વાળવા બેઠી છે. આપણા ઈતિહાસ કોણ વાંચશે ? જુની મેન્યુસ્ક્રીપ્ટ કોણ વાંચશે? એટલે પાણી પહેલાં પાળ બાંધવા પોલિટીશીયનો મેદાને પડ્યા છે. ન્યૂ જર્સીના સેનેટર મી. બ્રાયન સ્ટાક અને એસેમ્બલીમેન રોનાલ્ડ ડાન્સરે ન્યૂ જર્સી સ્ટેટની એસેમ્બ્લીમાં બિલ રજુ કર્યું છે કે બળકોને ત્રીજી ગ્રેડમાંથી અંગ્રેજી ભાષા કર્સીવ ફોન્ટમાં શીખવવી. કોમ્પ્યુટરની ભાષા જુદી અને વાંચવાની હાથે લખવાની ભાષા જુદી. બાળકોએ જુની અંગ્રેજી લખવાનું શીખવું પડશે. અમેરિકામાં લોકશાહી છે. અને લોકશાહીની ખાસિયત એ છે કે ત્યાં વિરોધ પક્ષ હોય જ હોય. અમેરિકામાં પણ આ જોડાયેલા અક્ષરવાળી જોડણીનો વિરોધ કરનારા છે. તેમનું કહેવું છે કે આ તો બેકવર્ડ પગલાં ગણાય. હવેની પ્રજા કોઈ દિવસ પેન પેન્સીલથી લખવાની નથી.અને એક રીતે જોઈએ તો નવી ટેકનોલોજીએ જમાનાની તાશીર બદલી નાખી છે. હું મારા કામ ઈ મેઈલથી પતાવું છું પોષ્ટ ઓફિસમાં તો કોઈ પારસલ મોકલવાનું હોય તો જ જવાનું મળે છે. અહીંના લોકો કહે છે કે બાળકોને કર્સીવ ઢબમાં લખવાનું શીખવાડવાનું એટલે જાણે નવી પ્રજાને રોટરી ફોન શીખવવાનું. અહીં આ જોડણીના પ્રશ્નોનો ઉકેલ લાવવો એટલે આપણે ત્યાંના જોડણીના પ્રશ્નો ઉકેલવા બરાબર ગણાય. મારા હિસાબે ગુજરાતી ભાષા કદાચ દુનિયાની સ્હેલામાં સ્હેલી ભાષા હશે. જો આપણે અંગ્રેજી ભાષા સાથે સરખાવીએ તો તેમ જરૂર લાગે . છતાં આપણે ત્યાં ગુજરાતી ભાષાને સુધારવાની ઝુંબેશ ચાલે છે. જેઓને ખબર ન હોય તેને જણાવું કે ગુજરાતી ભાષામાં ત્રણ “સ” છે. સ–શ– અને –ષ. પણ દુખની વાત એ છે કે મોટા ભાગના લોકોને તેમના ઉચ્ચારોની ખબર નથી. ગાંધી બાપુને આશ્રમની બકરીની સેવામાંથી સમય રહેતો હશે ત્યારે તેમણે ગુજરાતી ભાષાની જોડણી માટે જોડણીકોષ તૈયાર કર્યો. અને વટ હુકમ બહાર પાડ્યો કે હવેથી જેને જેમ ફાવે તેવી જોડણી નહીં કરવાની. અને તેમણે શુધ્ધ્ વ્યાકરણની હિમાયત ચાલુ કરી. તેમાં મારા જેવા ડોબાઓ જેઓને “ઈંય” અને “અન્ગ” જેવા અક્ષરનું શું કરવું તેની ખબર નથી. તેઓને આ વ્યાકરણ સાથે વાંધા પડવા લાગ્યા. ત્યારે કેટલાક ગુજરાતી વિદ્વાનોએ વિચાર્યું કે બોલીએ છીએ ત્યારે “ઇ” અને “ઈ” નો જુદો ઉચ્ચાર બહુ ઓછા લોકો કરે છે. અને “ઉ” અને “ઊ” લખતી વખતે બરાબર છે. પણ બોલતી વખતે તે બન્ને ઊ વચ્ચે બહુ ફેર નથી લાગતો. તો આ વિદ્વાનોનું કહેવું છે કે એક “ઈ‘ અને એક “ઊ” કરી દેવું જોઈએ.ઘણાં તો એક ડગલું આગળ વધીને કહે છે કે એક “સ” કરી દેવો જોઈએ. આમ બે પક્ષ થઈ ગયા છે. ગાંધીજીના જોડણીકોષને સાર્થ જોડણીકોષ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરે તો ગુજરાતીનો ઘાણ કાઢ્યપ છે.કોમ્પ્યુટર પર ગુજરાતી ટાઈપ કરવા માટે ગોપી, વિજ્યા,શ્રુતિ, મંગલ વિગેરે સોથી વધુ ફોન્ટ શોધાયા છે. આમાં ગોપી, ફોન્ટ રાધા જોડે ન ચાલે. અરે ગોપી તો કૃષ્ણ જોડે પણ ન ચાલે. આપણી ભારતિય સંસ્કૃતિની એક કમનસીબી એ છે કે આપણે પંડિત રવિશંકર કે પંડિત જસરાજજી પેદા કરી શકીએ છીએ પણ બધા સમુહમાં બેસી અને સંગીત રેલાવી શકે એવી ફિલહારમોનિક પેદા કરી શક્યા નથી. એટલે જુદા જુદા ફોન્ટની બલિહારી તે છે કે લેખકો કે છાપનારા ગમે તેટલી કાળજી રાખે પણ કોમ્પ્યુટર મહારાજ જુદી જ જોડણી છાપે.એટલે ન્યૂઝ પેપરમાં ખોટી જોડણી જુઓ તો લેખકને “અભણ”નો ખિતાબ નહીં આપવાનો. અંગ્રેજીમાં પણ બે પક્ષ દેખાય છે. પરંતુ મને પૂછોતો કહું કે અંગ્રેજી જેટલી અઘરી કોઈ ભાષા ન હય શકે. જ્યાં એચ.ઓ.એમ.ઈ.ને બોલવાનું “હોમ ‘ કહેવાનુ; અને સી.ઓ.એમ.ઈ.ને કોમ ન કહેતાં કમ કહેવાનુ. આવા તો આપણે સેંકડો શબ્દો ભેગા કરી શકીએ. આટલું ઓછું હોય તેમ હવે અંગ્રેજીમાં કોમ્પ્યુટરની અને ફોનની ટેક્ષીંગની ભાષા વપરાવા લાગી “બિચાર– એટલે “બિફોર” “ B4,-“before” LOL શબ્દ હસવા માટે વપરાય છે. એટલે અમુક વિદ્વાનો તે રીતના અંગ્રેજીનો પણ વિરોધ ચાલુ કરી દેશે. પરંતુ એમાં પણ દોષ નવી ટેકનોલોજીનો જ છે.
છેલ્લી વાત–
મારી બેને પોતાને ઘેરથી આખા કુટુંબને ફોન કરીને જણાવ્યું કે આવતી ગણેશ ચતુર્થીને દિવસે તે પોતાનું ડાયેટિંગ ચાલુ કરી દેશે. અમે તેને અભિનંદન આપી ડાયેટિંગ માટે શુભેચ્છા પાઠવી. ગણેશ ચતુર્થીને બીજે દિવસે મેં ડાયેટિંગ માટે ફોન કર્યો. તો તે બોલતી હતી તો મોંઢાંમાં કાંઈ હોય એવું લાગ્યું. મેં પૂછ્યું “મોંઢામાં શું છે?” તો કહે કે “લાડું ખાઉં છું” મેં કહ્યું કે પેલા ડાયેટિંગનું શું?‘ તો કહે કે “ આજે સવારે મારું વજન. ૭૯ અને ૧/૨ કિલો છે. એટલે જો વજન ૮૦ કિલો થાય તો વજન ઉતરે ત્યારે ગણતા ફાવે ને!
E mail- harnishjani@gmail.com

આઝાદી અમેરિકન સ્ટાઈલ. હરનિશ જાની

harnish jani

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ૮–૭– ૨૦૧૫

આઝાદી અમેરિકન સ્ટાઈલ.

***

અમેરિકામાં જેમણે હાઈસ્કુલ કરી હોય તેમને માટે આ લેખ નથી. ચોથી જુલાઈ આવી અને ગઈ. ૨૩૯ વરસ થયા,અંગ્રેજો પાસેથી આઝાદી મેળવે. આમ અંગ્રેજો પોતાને દેશ પાછા જાય તેવા નહોતા. પરંતુ તેઓને હરાવનારા પણ અંગ્રેજો જ હતા. તેમની નવી પેઢી હતી. જેમને પોતાના પૂર્વજોના દેશ સાથે કોઈ પ્રેમ નહોતો. અને તેમણે અમેરિકાને પોતાનો દેશ ગણી સ્વતંત્ર પણે જીવવું હતું. વાત પણ ખરી હતી. જે કિંગની અને ચર્ચની ચુંગાલમાંથી છુટી જઈ નવી ધરતી પર સ્થાયી થયા હતા. ત્યાં જૂના કાયદા અને ટેક્ષની જંજાળ ન જોઈએ. અંગ્રેજો એ તો ભારત અને આફ્રિકાના દેશોમાં પોતાની કોલોનીઓ બનાવી દીધી હતી. અને તે જ ટેવ મુજબ આ અમેરિકાની નવી ધરતીને કોલોની બનાવવા પ્રયત્ન કર્યો. જેની સામે થોમસ જેફરસન, બેન્જામીન ફ્રેન્ક્લીન અને જ્યોર્જ વોશિંગ્ટન જેવા સ્વતંત્ર વિચારકો અને દેશભક્તો ઊભા થયા. જેમને આ ગુલામી મંજુર નહોતી. અને અંગ્રેજ કિંગને આ હાથમાં આવેલી નવી ભૂમિ પોતાના હાથમાંથી છટકી જતી દેખાતી એટલે અમેરિકન પ્રજા સામે જંગે ચઢ્યા. આ લડત અમેરિકાના પૂર્વ કિનારે આવેલા ૧૩ સ્ટેટસ્ (કોલોની) અને ગ્રેટ બ્રિટન વચ્ચે થઈ. અમેરિકાના મધ્ય પૂર્વના રાજ્યોમાં ફ્રેન્ચ અને સ્પેન હતા. જેમને પણ આ કોળિયો હડપ કરવો

હતો. તેમણે અમેરિકનોને દરિયાઈ યુધ્ધોમાં મદદ કરી. અને સ્પેને , વોશિંગ્ટનના અમેરિકન રિવોલ્યુશનરી આર્મીને લશ્કર આપીને મદદ કરી હતી અમેરિકનોને તેમની મદદ પણ કામ લાગી. અને એકવાર બ્રિટીશરોને હરાવ્યા કે આઝાદીની જાહેરાત કરી. અમેરિકાની રિવોલ્યુશનરી કોંગ્રેસે ૪થી જુલાઈ ૧૭૭૬ના દિવસે ,આઝાદીનું જાહેરનામું (ડેકલેરેશન ઓફ ઈન્ડીપેન્ડન્ટ) બહાર પાડ્યું હતુ. તે દિવસ આઝાદ દિન તરીકે પસંદ કર્યો. પરંતુ ખરેખર ૧૮૭૦માં ગવર્નમેંટે એ તારીખ ઓફિસીયલી નક્કી કરી. પોલિટીક્સમાં યુરોપિયનોને કોઈ ન પહોંચે. જે ટેરીટરી સ્પેન પાસે હતી. તે ફ્રેન્ચ લોકોએ સંધિ કરીને સ્પેન પાસેથી પડાવી લીધી. અને ફ્રેન્ચના હાથમાં હતી. તે ૧૮૦૩માં ખરીદીને અમેરિકાએ તેના આઠ સ્ટેટ બનાવ્યા. જે ઈતિહાસમાં “લુઈઝીયાના પરચેઝ” ના નામથી ઓળખાય છે. ત્યારે ફ્રાંસ, નેપોલિયનના હાથમાં હતું અને નેપોલિયનને બ્રિટન સામે લઢવા પૈસા જોઈતા હતા. એટલે આ લુઈઝીયાના ટેરીટરી (જેમાંથી અમેરિકાએ આઠ રાજ્યો બનાવ્યા.) સસ્તામાં ત્યારના ૧૫ મિલીયન ડોલરમાં (આજના ૨૫૦ મિલીયન ડોલર) માં કાઢી નાખી.અમેરિકાને ૩ સેન્ટમાં એક એકરલેખે પડી.
અમેરિકાના આ પચાસ રાજ્યો કેવી રીતે બન્યા એનો આ જાતનો ટચૂકડો ઈતિહાસ છે.

*
જેઓને આઝાદીની ઉજવણી કરવી હોય તેને ઈતિહાસ બિતીહાસની શું પડી હોય ! દરેક વખતની જેમ આ આઝાદીને દિવસે દરેક શહેરોમાં ફાયર વર્કસ્ થયા. ન્યૂ યોર્ક, વોશિન્ગટન ડીસી, બોસ્ટન જેવા શહેરોમાં લોકો બાળકો સાથે ઉમટ્યા. આ શહેરોમાં ફિલહાર્મોનીક ઓરક્રેસ્ટ્રાના મ્યુઝિકની પણ રસમ છે. ન્યૂ યોર્ક અને ફિલાડેલ્ફીયામાં સઢવાળા વહાણોની પરેડ પણ હડસન રીવરમાં નિકળી.

*

૧૯૮૬માં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને સો વરસ થયા તેની ઉજવણી ૪થી જુલાઈએ રાખી હતી. હું મારું કુટુંબ લઈને લિબર્ટી આયલેન્ડ પર ફાયર વર્કસ્ જોવા ગયો હતો. તે આયલેન્ડ પર લાખોની ભીડમાં અમે ફસાઈ ગયા હતા. તે બીજે દિવસે સૂર્યોદયે નિકળ્યા. ત્યાર પછી ટી.વી. પર દારુખાનું ફૂટતાં જોતા થઈ ગયા. અને બહુ ધડાકા થાય તો ટીવીનું વોલ્યુમ નાનું કરી દેવાનું. દરેક નાના મોટા ગામમાં પાર્કમાં પાર્ટીઓ થઈ. મોડી રાત સુધી ધડાકા સંભળાયા કર્યા. આનંદની વાત એ હતી કે એ ધડાકા ફટાકડાના હતા. સાચી ગનની ગોળીઓના નહોતા. અમેરિકામાં બધું સારું છે. ત્યારે માણસે જ પેદા કરેલ આ ગોળીબારનો ભય અતિશય ખરાબ છે.

*
અમેરિકાનો આખો ઈતિહાસ ખૂનામરકીથી ભરેલો છે. આખો મુલક અજાણ્યો હતો. અહીંના મૂળ રહેવાસી રેડ ઈન્ડીયનોને મારી નાખી, તેમનો પ્રદેશ છિનવી લેવાયો હતો. તે ગન વિના ન થાય. આ યુરોપીય પ્રજાને પ્રેમ અને દયા જેવા શબ્દો નથી આવડતા. તો અમેરિકાનો ઈતિહાસ રેડ ઈન્ડિયનોને મૂળથી કાઢવામાં ગયો છે.
*
પછી રેડ ઈન્ડિયનો છુટા છવાયા હુમલા કરતા.તેનાથી બચવા સ્ત્રી પુરુષ અને બાળકો ગન રાખતા થયા.૧૯મી સદીમાં તો મારે તેનો કાયદો. તેમાં અટવાણો કાળો માણસ. કાળા ગુલામોને તો કાયદાનું રક્ષણ જ નહીં. કાળા ગુલામોને તો ગોરા લોકો પશુથી બદતર હાલતમાં રાખતા. આજે અમેરિકામાં કોઈને નોકરીમાંથી કાઢી મકે તો કહેવાય કે તેને “ફાયર” કર્યો. આ “ફાયર શબ્દ આવ્યો ક્યાંથી? જ્યારે કાળા ગુલામને સજા કરવી હોય ત્યારે ઝાડના થડ સાથે બાંધીને સળગાવી દેતાં તેને ગોરા લોકો કહેતા “આઈ ફાયર હીમ”.

*

આમ જુઓ તો દેશમાં સ્વતંત્રતા દેખાય છે.બધું સરસ સરસ લાગે છે. પરંતુ ગોરી પ્રજાના મૂળમાં રંગદ્વેષ છે જ. ૨૦૧૨માં વિસ્કોનસીન સ્ટેટમાં ગુરુદ્વારા પર હુમલો કરી શીખ ભક્તો પર એક ગોરા રંગદ્વેષીએ ગોળીઓ છોડી. પેન્સીલવેનીયામાં કોઈક ગોરાએ આમિસ(ડચ રિલીજીયન) લોકોની બે નાની છોકરીઓ પર ગોળી છોડી. આવો બનાવ ગયા મહિને ચાર્લ્સ્ટન સાઉથ કેરોલાયનાની ઐતિહાસીક ઈમેન્યુઅલ આફ્રિકન મેથોડિસ્ટ ચર્ચમાં એક ગોરા યુવાને નવ ભક્તો પર ગોળીઓ ચલાવી, તેમને મારી નાખ્યા– ફક્ત રંચદ્વેષથી પિડાઈને જ. એક આડ વાત. અમેરિકાના સાઉથના રાજ્યો ગુલામો રાખવા માંગતા હતા. જેની સામે ઉત્તરના રાજ્યો ગુલામોની મુક્તી માંગતા હતા. અને ઉત્તર–દક્ષિણ ૧૮૬૦ના દાયકામાં જંગે ચઢ્યા હતા. તે ઝનુન આજે પણ સાઉથના રાજ્યોમાં જોવામાં આવે છે. તેઓ આજે પણ તે સ્ટેટની વિધાન સભા પર આજ  સુધી સિવીલ વોર વખતનો તેમનો યુધ્ધનો ફ્લેગ રાખ્યો હતો. જેને ભારતિય મૂળના ગવર્નર નિક્કી હેલીએ વટ હુકમ બહાર પાડીને ઊતારાવી દીધો છે. પરંતુ ત્યાંના ગોરાઓના મનમા્ રંગદ્વેષ કાઢી શકશે ખરા? હું છેલ્લા ચાલીસ વરસથી સાંભળતો આવ્યો છું. મંદીરો, જ્યુઈશ ટેમ્પલએ ખુલ્લા ટારગેટ છે. ખરેખર તો મારો લેખ અમેરિકાના ગુજરાતીઓએ વાંચવો જરૂરી છે. આપણાં ગરબા થાય છે. ત્યારે પાંચ કે દસ હજાર સ્ત્રી પુરુષો માતાજીની આરતી ગાવા અને ગરબા કરવા ભેગા થાય છે. સ્ત્રીઓ સોનાના દાગીનાથી લદાયેલી હોય છે. કાયદેસર એક બે પોલિસ કાર રાખવી પડે છે. હજારો માણસો માટે તેટલા પુરતા નથી હોતા.તેમાં પાછા ગૌરવથી મેઈન રોડ પર શોભા યાત્રાઓ કાઢે છે. વચ્ચે ગુરુજી–મહારાજોને પાલખીમાં ઊંચકે છે. જાણે કોઈ ભયંકર બનાવની રાહ જોઈએ છીએ. આપણે ત્યાં લોકોના ખિસ્સામાં મોબાઈલ હોય છે. તેમ અહીં કેટલાય ની પાસે ગન હોય છે. બસ આ બ્રાઉન ચામડીવાળાઓને જોઈને એકાદ ગાંડાનું મગજ ઉછળવું જોઈએ. આપણા આવા ફંક્શનો તો એક જ રાતે પાંચ દસ હોય છે. નવા ખુલેલા રોબિન્સવિલ, ન્યૂ જર્સીના સ્વામીનારાયણ મંદીર સિવાય બીજા કોઈ મંદીર પાસે પોતાનો સિક્યુરીટી ફોર્સ હોય એ જાણવામાં નથી આવ્યું .સ્વામી નારાયણના આ મંદીરમાં તો ગેટ પર જ ચેક કર્યા પછી બધી કારને મંદીર પાસે જવા દેવામાં આવે છે. આવું દરેક મંદીરમાં થવું જોઈએ. મારા પિસ્તાલીસ વરસના રહેવાશ દરમિયાન મેં ગોરા અમેરિકનોમાં રંગદ્વેષ બહુ જોયો છે. “તમે ઈન્ડિયનો અહીં કેમ આવ્યા છો?” એ સવાલ તો મેં ઘણીવાર સાંભળ્યો છે. ન્યૂ યોર્ક શહેરની એક ટેક્ષટાઈલ મિલમાં હું ૪૧ વર્કર્સ નો સુપરવાઈઝર હતો ત્યારે મને કેટલા ય લોકોએ પૂછ્યું છે કે “તને આ નોકરી મળી કેવી રીતે? તું ઈન્ઠિયન અમને ઓર્ડરો આપી શકે જ કેવી રીતે? ” એક તો હું ટેકનીકલ ડિગ્રી સાથે બીજા ઉપરીઓને ફાવતો. અને બીજું મારી ૫–૧૦ની ઊંચાઈ કામ આવતી. જેને લીધે લેબરર ગ્રુપ સાથે કોન્ફીડન્સથી ઊભો રહી શકતો. આમાં કેટલા ય પાસે ગન હતી. તેમ છતાં મળતાવડા સ્વભાવ અને સેન્સ ઓફ હ્યુમરની સાથે સાત વરસ તે નોકરી કરી. તે ગાળામાં પ્લાસ્ટિક ટેલનોલોજીનું ભણીને પ્લાસ્ટિક કંપનીમાં રિસર્ચમાં નોકરી લઈ લીધી.

*
એક સર્વે મુજબ ૪૭ ટકા અમેરિકનો પાસે લાયસન્સ ગન છે. કહેવાય છે કે જે હિંસાથી જીવે છે તે હિંસાથી મરે છે. એ વાત અમેરિકામાં લાગુ પડતી નથી. અમેરિકામાં તો અહિંસાથી જીવનારા પણ ગોળીઓ ખાય છે. વરસોથી ગન રાખતા લોકોને ગન રાખવી છે. બધાંને ખબર નહીં હોય પણ અમેરિકામાં “એન.આર. એ.– નેશનલ રાયફલ એસોશીએશન “છે. જે ખૂબ પાવરફૂલ ગન લોબી છે. અમેરિકાના પ્રમુખની તાકાત નથી કે “નો ગન”નો કાયદો લાવે. કારણ કે એન.આર.એ. ના ખિસ્સામાં અમેરિકાની કોંગ્રેસના કેટલા ય રિપબ્લીકનો અને ડેમોક્રેટો છે. જેમને એન.આર.એ. ઈલેક્શન જીતવા પૈસા આપે છે. અને જો કોઈ બહાદુર કહે કે “મને જીતાડશો તો ગન પર બંધી લાવી દઈશ” તેને એન.આર.એ.ના લાખો મેમ્બર્સનો એક વોટ ન મળે. આ છે ગનની આઝાદી!!

છેલ્લી વાત–

Queen

બ્રિટનના રાણી ઈલિઝાબેથે અમેરિકાની મુલાકાત લીધી. ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ રોનલ્ડ રેગન હતા. જે પોતે સાહસી કાઉબોય પણ હતા. રાણીને પોતાના ફાર્મની વિઝીટે લઈ ગયા. રેગન સાહેબ ,રાણી સાહેબા સાથે દૂર ઘોડા પર બેસી ફાર્મ જોવા નિકળ્યા. ત્યારે રાણી સાહેબાના ઘોડાએ “હવા છોડી”.અને ધડાકો થયો. રાણી અને પ્રેસિડન્ટ બન્ને ચમક્યા. રાણી સમજી ગયા. તે બોલ્યા,”સોરી આઈ એમ એમબારેસ્ડ” પ્રેસિડન્ટ થોડા ગુચવાયા. પછી બોલ્યા, ” ઓહ એમ હતું. મને એમ કે તમારા ઘોડાએ ધડાકો કર્યો.”
Email- harnishjani5@gmail.com

જોડણી એક-અફસાને હજાર

જોડણી એક-અફસાને હજાર

harnish jani

હરનિશ જાની

ગુજરાતી ભાષા બહુ નસીબદાર છે. એને શુધ્ધ રાખવા ઘણાં સ્વયંસેવકો સમય સમય પર મળી રહે છે. પૂજય ગાંધીબાપુને આશ્રમની બકરીની ચિંતા ઓછી પડતી હોય તેમ તેમણે ગુજરાતી ભાષાની ચિંતાનો ટોપલો પણ માથે ચઢાવી દીધો. અને જોડણી સુધારક પણ બની ગયા.તેમણે તો શબ્દ કોશ બનાવીને લખી દીધું કે હવે પછી કોઈને પોતાની મરજી મુજબ જોડણી કરવાની છુટ નથી. પરંતુ તેમાં એક વાત ઉમેરવાની રહી ગઈ. કે કોઈને છુટ નથી સિવાય કે ચિમનલાલ શીરવી સાહેબના ચોથા ધોરણના છોકરાઓને. એક વખતે સાહેબને મેં પૂછયું સાહેબ, ‘વિશેષણ‘ કેવી રીતે લખાય ? તો કહે ‘તને આવડે તેવી રીતે લખ. મારે જ વાંચવાનું છે ને.‘ હવે આ સાહેબના હાથ નીચે ભણેલાઓ લેખક કેવી રીતે બને ? અને બને તો એમને શીરવીસાહેબ સિવાય કોણ વાંચે?

આપણે ત્યાં ગુજરાતી બચાવોની બુમરાણ કરવાની છોડી દઈને લોકો જોડણી પાછળ પડી ગયા. આપણે ત્યાં તો ગુજરાતી પણ ઈંગ્લીશમાં બોલાય છે. જોડણીની વાત કરીએ તો સાર્થ જોડણી તો હતી જ .તેમાં ઊંઝા જોડણી જોડાઈ હજુ તેનો પરિચય લોકોને થાય ત્યાં આ સમીકરણમાં કમ્પ્યુટરવાળા ઘુસી આવ્યા. હવે મામલો બિચક્યો. આમાં મારા જેવા નિરક્ષરો, ડોબાઓ અને આળસુઓ અટવાણાં. આ કોમ્પ્યુટરના ગુજરાતી ભાષા લખવા માટે ગુજરાતીના સો દોઢસો જેટલા ફૉન્ટ (જુદા જુદા મરોળ,જુદી જુદી પધ્ધતિથી મૂળાક્ષરો લખવાની ઢબ) સ્વયંસેવકોએ તૈયાર કર્યા. જેને જે આવડયા તે પ્રમાણે. પછી તેને નામ આપ્યા પોતાને ફાવે તેમ. આમાં કોઈએ નામ આપ્યું ગુરુ–તો કોઈએ નામ આપ્યું– શિષ્ય. કોઈએ નામ આપ્યું –ગોપી. તો કોઈએ નામ આપ્યું –કૄષ્ણ. ગોપી કૄષ્ણનું કાંઈ જામે તે પહેલાં –રાધા આવી અને તેમાં –મીરાં અટવાઈ. આવા કેટલાય ફૉન્ટ કોમ્પ્યુટરમાં ફરતા થઈ ગયા. અને જે કોઈ જે ફૉન્ટ વાપરતા હોય તે ફૉન્ટના વખાણ અને પ્રચારમાં તે લાગી ગયા. હવે ગમ્મત એ થઈ કે ગુરુ ફૉન્ટવાળાથી કલાપીમાં લખેલું ન વંચાય અને કૄષ્ણ ફૉન્ટવાળાને ગોપી , રાધા કે મીરાં ફૉન્ટમાં લખેલું ન વંચાય.

આપણાં દેશની, આપણી ભારતીય સંસ્કૄતિની કમ્બખ્તીએ છે કે આપણે વ્યક્તિગત રીતે સિધ્ધીઓ હાંસલ કરી શકીએ છીએ પણ સમુહમાં એક સરખી પ્રવૄત્તિ નથી કરી શકતા.આપણે સંગીતમાં પંડિત રવિશંકર કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા પેદા કરી શકીએ છીએ પણ ચાલીસ પચાસ સંગીતકારોની એક ફિલ્હારમોનિક બનાવી શકતા નથી. કારણકે હારમોનિ જેવો શબ્દ આપણે શીખ્યા જ નથી. આજે લંડન–વિયેના–ન્યુ યોર્ક ફિલ્હારમોનિકના સોએક જેટલા સંગીતવાદકો કંડક્ટરની એક નાની લાકડીને ધ્યાનમાં રાખીને એક સુરનું–એક રાગનું સંગીત પેદા કરી શકે છે. આપણે ત્યાં સમુહમાં સંગીત પેદા કરી શકાય ખરુ? બધાં સંગીતકારોને એક સ્ટેજ મળે તો સંગીત પેદા ન થાય– રાડા રાડી થાય. પંડિત અને ખાંસાહેબ એકબીજાની સાથે ન બેસે .તેમાં તબલચીને ઊંચી ગાદી જોઈએ.અને પીપુડીવાળો કયારે રીસાયને સ્ટેજ પરથી ઉતરી જાય તે કહેવાય નહીં.

આમાં ફાવી ગયા, ગુગલ મહારાજ કે તે યુનિકોડ લઈને આવ્યા. અને આ યુનિકોડના ફૉન્ટમાં લખેલું. બધાંના કમ્પ્યુટરમાં વાંચી શકાય છે. એટલે મારા જેવા નિરક્ષરોને નિરાંત થઈ. હવે મુશ્કેલી આવી ગુજરાતી જોડણીની .એમાં જુદી જુદી પધ્ધતિથી બારાખડી ટાઈપ કરવાની. આમાં કમ્પ્યુટર બનાવનારાઓએ ટાઈપરઈટર તો મૂળ ઈંગ્લીશ લિપીમાં રાખ્યું કારણકે કોઈ ગુજરાતીએ કમ્પ્યુટરની શોધ નથી કરી. નહીં તો તેની ટાઈપ કરવાની “કી” ગુજરાતીમાં હોત. હવે આ અંગ્રેજી કી બોર્ડમાં સાર્થ જોડણીવાળા– ઊંઝા જોડણીવાળા –અમદાવાદ જોડણીવાળા બધાં સપડાયા. વાત એમ છે કે તમને જોડણી તો આવડતી હોય પરંતુ તે કમ્પ્યુટરમાં ટાઈપ કેવી રીતે કરવી તે ન આવડતું હોય તો તમારી જોડણી રહી તમારી પાસે. હવે આમાં મારા જેવા નિરક્ષરોએ અને ડોબાઓએ હજુ સાચી જોડણી તો શીખી નથી. તેમાં ઉમેરાયું ગુજરાતી ટાઈપ કરવાનું. મારા જેવાને એક પાન ટાઈપ કરતાં દોઢ કલાક થાય છે.વચ્ચે વચ્ચે ફ્રેશ થવા ચ્હા પીવી પડે તે જુદી. હવે ગુજરાતી ટાઈપ કરતાં હોઈએ અને પ્રાધ્યાપક– કુરુક્ષેત્ર– આવૄત્તિ જેવા જોડાક્ષરો ટાઈપ કરવાના આવે ત્યાં હનુમાન ચાલિસા બોલતાં બોલતાં ગાઈડમાં શોધવું પડે કે ‘ વૄ‘ કેવી રીતે લખાય. બે મિત્રોને ફોન કરવા પડે. અને પ્રાધ્યાપકનું પાદ્યાપક થઈ જાય તો પાછા મર્યા. મારા જેવા કેટલાય કમ્પ્યુટર નિરક્ષરો ‘જ્ઞ‘ ની જગ્યાએ ‘ગ્ન‘થી કામ ચલાવે છે. આ પ્રમાણે અંગ્રેજીમાં ટાઈપિંગની સ્પીડ વધારવા કમ્પ્યુટરમાં નવી જોડણી ઘુસી ગઈ. You ની જગ્યાએ U. અને I am ની જગ્યાએ Im. અને B4 એટલે Before અને Gr8 એટલે Great.ઘણાં લોકોની અંગ્રેજી ઈ મેઈલમાં પણ આવી જ જોડણી જોવા મળે છે. ટેક્ષ મેસેજીંગની ભાષાની તો જુદી જ રમત છે. એવી જ રીતે જો કોઈ ગુજરાતી લખાણમાં ખોટી જોડણી જોવામાં આવે તો તે મેગેઝીનના સંપાદકને–તે લેખકને– કે ટાઈપ સેટરને વિશાળ દિલ રાખીને માફ કરી દેવાનું.કારણ કે તે ભાષાનું અપમાન નથી પણ તે લોકોમાં કમ્પ્યુટર નિરક્ષકતા છે. તેનો વાંક છે. હું જો સંપાદક હોઉં તો ટકે શેર ભાજીવાળા રાજાની જેમ પખાલીનો વાંક કાઢું અને કહું કે ભાઈ પેલા છાપવાવાળાનો વાંક. સાચી જોડણી એણે ખોટી છાપી. તમને ખબર છે ? આપણાં પ્રખર હાસ્ય લેખક બકુલ ત્રિપાઠીના અક્ષર તો ગાંધીજીના અક્ષરથી પણ ખરાબ હતા. બકુલભાઈને હું કહેતો કે ‘તમારું પોષ્ટ કાર્ડ તો મ્યુઝિયમમાં મુકવા જેવુ છે.‘ એમના લેખોનું ટાઈપ સેટીંગ કરનારા વીરલા ગણાય. તેમ છતાં એમણે અતિશય લખ્યું છે.અને બહાદુર ટાઈપ સેટરોએ સેટ કરી છાપ્યું છે.

મને પોતાને અંગ્રેજી જોડણી કે ગુજરાતી જોડણી–સાચી– નથી આવડી. અમેરિકામાં મને કાયમ સેક્રેટરીનું સુખ હતું. મારા હાથે લખેલા રિપોર્ટ હોય કે લેટર હોય તેને સેક્રેટરી ભૂલો સુધારી અને ટાઈપ કરી આપે.. અને મારા ગુજરાતી લેખો મારા સંપાદકો સુધારી આપે છે. મને કાયમ ‘ળ‘ અને ‘ડ‘ના લોચા થાય છે. સાડી–સાળી–હોડી–હોળી લખીને મારે “ ગજરાતીલેકઝીકોન” પર ચેક કરવુ પડે. ભલુ થજો શ્રી રતીલાલ ચંદરયાનું કે જેમણે ઘરના લાખો રૂપિયા અને જીવનના વીસેક વરસ ખર્ચી ગુજરાતી સ્પેલચેકર અને કમ્પ્યુટરની આ ડિજીટલ ડિક્ષનરી તૈયાર કરાવી. મારા જેવા નિરક્ષર ગુજરાતીઓ એમના ઋણી રહેશે.

છેલ્લા પાંચ વરસમાં કમ્પ્યુટરે દુનિયા બદલી નાખી છે. અને દિવસે દિવસે બદલી રહ્યું છે. છપાયેલા પુસ્તકો અદ્રશ્ય થવા માંડ્યા છે. સાત ઈંચની એક પાટીમાં લાખો પુસ્તકો પ્રાપ્ય છે. વાંચ્યા જ કરો. એન્સાયકલોપિડીયાના થોંથાં હવે મઠ્ઠીમાં. સોળમી સદીમાં રૉમમાં જે પોપ હતા તે હાથે લખેલા પુસ્તકોના આગ્રહી હતા. તેમને કોઈએ કહ્યું કે હવે પછી હાથે લખેલા પુસ્તકો અદ્રશ્ય થઈ જશે અને છપાયેલા પુસ્તકો આવશે. ત્યારે તેમણે હસી કાઢ્યું હતું. આજે તો કમ્પ્યુટરને કારણે દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે ગુજરાતી ભાષા કયાં જશે .અને કઈ જોડણીમાં હશે તે ભગવાન નહીં –પણ કમ્પ્યુટર જાણે
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXDate-15th Dec,2011. Harnish Jani 4 Pleasant Drive YARDVILLE NJ 08620.
E mail – harnish5@yahoo.com Phone-609-585-0861.

હરનિશ જાની

મુરબ્બી મિત્ર શ્રી દાવદા સાહેબને હરનિશ જાનીનો પરિચય એમની “મળવા જેવા માણસ” ની શ્રેણીમાં પ્રસિધ્ધ કરવા બદલ આદર પૂર્વકના અભિનંદન.

હરનિશ કહેવાની ટેવ ભૂલાઈ ગઈ અને ૧૯૭૦માં ફરી મળ્યા ત્યારે મારે માટે હરનિશભાઈ બની ગયા. એમનો મારી સાથેનો પરિચય ૧૯૫૯માં સુરત કોલેજમાં એક બેંચ પર બેસવાથી થયો હતો. અલબત્ત તે સમયે એઓ ધ્યાન આપીને એમના મગજમાં કેમેસ્ટ્રી ગુથતા હતા. અને હું તફડાવેલી ચોક સ્ટીકમાંથી કુતુબમિનાર અને તેની ઉપર ગૌતમબુધ્ધનું માથું હોતરીને શિલ્પી બનવાની કોશીશ કરતો હતો. અમને જોડનાર અમારા કોમન ફ્રેન્ડ અને સ્નેહી ઉપેનભાઈ વૈદ્યને અમે હમણાં ગુમાવ્યા.

હરનિશભાઈએ મને અનેકવાર મારા લખાણ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. એટલું જ નહીં પણ મારી નવલકથા “શ્વેતા”ની પ્રસ્તાવના પણ લખી આપી છે. અવાર નવાર એમની હાસ્ય પ્રસાદી મારા બ્લોગના વાચકો માટે મોકલતા રહે છે. જે મારા બ્લોગની હરનિશ જાનીની હાસ્ય પ્રસાદી કેટેગરીમાંથી વાંચી શકશો.
દાવડા સાહેબ સાચું જ કહે છે….”હરનિશભાઈની ખરી ઓળખાણ મેળવવી હોય તો તમારે એમના લખાણ વાંચવા પડશે.”

હરનિશભાઈને અભિનંદન અને દાવડા સાહેબને આભાર સહિત રજુ કરું છું….

મળવા જેવા માણસ-૪૩ (શ્રી હરનિશ જાની)

harnish jani

હરનિશભાઈનો જન્મ ૧૯૪૧ માં વડોદરા જીલ્લાના છોટાદેપુરમાં થયેલો. એમના દાદા વિશ્વનાથ જાની રાજપીપલાના રાજાના મંત્રી હતા અને એ હેસિયતે એમની પાસે સેંકડો એકર જમીન હતી. કુટુંબની જાહોજલાલી અનુસાર બાર ઓરડા વાળું ત્રણ માળનું ઘર અને ઘોડાઓવાળી બગી વગેરે પણ હતા એટલું જ નહિં ગામની બસ સર્વીસ પણ એમના નામે હતી. હરનિશભાઈના પિતા સુધનલાલ રાજપીપલાની ક્રીકેટ અને હોકી ટીમોમાં સામીલ હતા. આઝાદી પછી જમીનના કાયદા-કાનૂનમાં ફેરફાર થવાથી મોટાભાગની જમીન હાથથી જતી રહી, છતાં પણ સારી એવી જમીન એમના હાથમાં રહી અને એ જમીનમાં હરનિશભાઈના પિતા ખેતીનું કામકાજ સંભાળતા. હરનિશભાઈના માતા સુશીલાબહેન અતિશય ધાર્મિક મનોવૃતિવાળા ગૃહીણી હતા.

હરનિશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ રાજપીપલામાં જ થયેલું. નાનપણમાં રાજપીપલાના ડુંગરોમાં રખડવાનું અને ત્યાંની કરજણ નદીમાં ભુસ્કા મારવાનું એમને બહુ ગમતું. ચોથા ધોરણમાં એમના શિક્ષક શિરવી સાહેબે એમના જીવનના ઘડતરને એક દિશા આપી. હરનિશભાઈ કહે છે, “મારી હાઈસ્કુલનો ૧૯૫૧થી ૧૯૫૮ સુધીનો સમય મારો સુવર્ણ સમય હતો. રાજપીપલા હાઈસ્કુલના ભવ્ય મકાનમાં ભણવા મળ્યું, જ્યાં મારા બાપા– કાકા પણ ભણ્યા હતા. નવમા ધોરણથી જ ફોરેન જવાનો નાદ મનમાં ભરાયો. અને ઈંગ્લિશ બોલવા લખવાની ગુજરાતી સ્કુલમાં જ તૈયારી કરવા લાગ્યો.. ચાર પાંચ યુરોપીયન પેન ફ્રેંડઝ પણ બનાવ્યા.”

૧૯૫૮ માં ફર્સ્ટ કલાસમાં S.S.C. ની પરીક્ષા પાસ કરી વડોદરાની M.S.University માં દાખલ થયા. ત્યાં એક વર્ષ અભ્યાસ કરી, બીજા વર્ષથી ભરૂચની સાયન્સ કોલેજમા એડમીશન લીધું. અહીં ઈન્ટર સાયન્સમાં એંજીનીયરીંગ કોલેજમાં દાખલ થવા જેટલા માર્કસ ન મળતાં એમણે B.Sc. નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધૉ, પણ તે ભરૂચમાં રહીને નહિં; કારણ કે ભરૂચમાં માત્ર બે સિનેમા ઘર હતા. એમની પસંદગી દસ ટોકીઝ વાળા સુરત ઉપર ઉતરી. વળી સુરતથી મુંબઈ નજીક હતું, એટલે શનિ-રવીમાં મુંબઈ રખડવા જઈ શકાય. ૧૯૬૨ માં B.Sc. ની પરીક્ષા પાસ કરી યુ. કે. ની બેડફોર્ડ યુનિવર્સીટીમાં એડમીશન લીધું, પણ પૂરતું ફોરેન એક્ષચેંજ ન મળવાથી આખરે એમણે વડોદરાની એંજીનીયરીંગ કોલેજ માં D.T.C. (Diploma in Textile Chemistry) નો અભ્યાસ કર્યો. કરજણ નદીથી એમને લાગેલો તરવાનો શોખ અહીં વડોદરા યુનિવર્સીટીમા એમનો ઉપયોગી થયો. અહીં હરનિશભાઈ યુનિવર્સીટીની તરાકુ ટીમના સભ્ય હતા.

અભ્યાસ પૂરો કરી હરનિશભાઈએ વલસાડના અતુલ પ્રોડક્ટસમાં કલર કેમિસ્ટ તરીકે જોડાયા. નોકરી દરમ્યાન પણ એમણે અમેરિકાની કોલેજોમાં એડમીશન માટે એપ્લીકેશન્સ કરવાનું ચાલુ રાખ્યું. ૧૯૬૭ માં એમના હંસાબેન વ્યાસ સાથે લગ્ન થયા. હંસાબહેને ફર્સ્ટ કલાસમાં M.A. ની ડીગ્રી મેળવી હતી અને એ નવ ગુજરાત કોલેજમાં લેકચરર હતા. લગ્ન બાદ હરનિશભાઈએ નોકરી બદલી અને તેઓ અંબિકા મિલમાં જોડાયા.
હરનિશ૨

૧૯૬૯ માં એક મિત્રની મદદથી એમણે વર્જિનિયાની એક કોલેજમાં એડમીશન મળ્યું. એક વર્ષનો કોર્સ કરી, હરનિશભાઈ ૧૯૭૦ માં ન્યુયોર્કના એક ટેક્ષટાઈલ પ્લાંટમા કલર સુપરવાઈઝર બન્યા. ફરી પાછું N.J.I.T. માં પ્લાસ્ટિક ટેકનોલોજીનો કોર્ષ કરી વિલ્સન ફાયબરફીલ માં રીસર્ચ કેમિસ્ટની નોકરી લીધી. ત્યારબાદ અનેક કંપનીઓમાં નોકરી બદલી આખરે જર્મન કલર કંપનીમાં ટેકનિકલ ડાયરેક્ટરના પદે પહોંયા. એમની આ પ્રોફેશનલ જીવન યાત્રા દરમ્યાન એમને ઘણાં એવોર્ડસ મળ્યા જેમાં વાયર એન્ડ કેબલ એસોશિએશનન એવોર્ડસ મહત્વના છે. ૧૯૯૦ માં ટાટા-વોલ્ટાસના ગેસ્ટ તરીકે ભારતના અનેક શહેરોમાં દોઢ મહિનાની એમની લેકચર ટૂર એમની સર્વોચ્ચ પ્રોફેશનલ કામગીરી હતી.
હરનિશ ૩

એમના સંતાનોમાં બે દિકરીઓ, આશિની અને શિવાની, અને એક દીકરો સંદિપ છે. આશિની કોમપ્યુટર સાયન્ટીસ છે અને સરસ કવિતાઓ લખે છે જે ઘણાં સામયિકોમાં છપાય છે. શિવાની ન્યુયોર્કની એક કોસ્મેટિક કંપનીમાં માર્કેટીંગ ડાયરેકટર છે, અને તે પણ લખે છે. દીકરો સંદીપ ડોકટરેટ માટે વિદ્યાર્થી છે.
અમેરિકા આવ્યા પછી હરનિશભાઈનું ગુજરતીમાં લખવા વાંચવાનું છૂટી ગયેલું. ભારત સાથે સંપર્ક પણ બહુ ઓછો હતો. અંગ્રેજી પુસ્તકો વાંચવાનું અને અંગ્રેજી પ્લે જોવાનું બનતું. અગાઉ ભારતમાં હતા ત્યારે ૧૯૬૦ માં એમની એક વાર્તા ચાંદની સામયિકમાં છપાઈ હતી અને ૧૯૬૫ માં ચિત્રલેખાની વાર્તા હરિફાઈમાં એમને પાંચમું ઈનામ મળેલું. છેક ૧૯૯૧માં આદિલ મન્સુરી, રોહિત પંડ્યા અને ડો. આર. પી. શાહ જેવા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા અને ત્યારથી ફરી લખવાનું શરૂ થયું. ૧૯૯૧ થી ૧૯૯૪ સુધી ટી.વી. માં અર્ધા કલાકના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કર્યું, જેમા રાઈટર, ડાયરેકટર અને પ્રોડ્યુસર હરનિશભાઈ જ હતા. ૧૯૯૧ થી લાગલગાટ ૧૨ વર્ષ સુધી અલગ અલગ સ્થળૉએ ૫૦ જેટલા હાસ્ય કાર્યક્રમો આયોજ્યા.

એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજી નામ હતું) છપાયો અને એ વાંચી રધુવીર ચૌધરીએ એમને હાસ્યલેખકનું બીરૂદ આપ્યું. સુધન પુસ્તકને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમના બા ના નામ ઉપરથી “સુશીલા” નામે નિબંધ સંગ્રહ બહાર પાડ્યું, જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યા. હાલમાં જ ગાર્ડી ઈન્સટીટ્યુટે “હરનિશ જાનીનું હાસ્ય વિશ્વ” નામનો એમના ચૂંટેલા લેખોનો સંગ્રહ બહાર પાડ્યો છે.

હાલમાં સુરતના વર્તમાન પત્રમાં નિયમિત એમની કોલમ પ્રસિધ્ધ થાય છે.

હરનિશભાઈ કહે છે, “ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી! અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”

હરનિશભાઈની ખરી ઓળખાણ મેળવવી હોય તો તમારે એમના લખાણ વાંચવા પડશે.

P.K.Davda

-પી. કે. દાવડા

લૉ ગાર્ડન

લૉ ગાર્ડન
Law Garden. was published in Kumar’s 1000th story issue.

“મારા લૉ ગાર્ડનના મિત્રો તો મારા માટે થેરાપી સમાન છે. મારાં સુખદુ:ખની વાતો સાંભળવાનો તમને અમેરિકામાં સમય મળશે ?’’
આ છે વયસ્કોની મુંઝવણ. વયસ્કોને વાત સાંભળનારની જરૂર હોય છે. એમણે પોતાની યોગ્યતા અને પ્રારબ્ધ મુજબ પોતાની પચાસ-પંચાવન ઉમ્મરમાં બધુ જ ભૌતિક સુખ પ્રાપ્ત કરી લીધું હોય છે. હવે તેઓને પરદેશમાં વસેલા સંતાનોની છ્ત્રછાયા કે બંધિયાર ગુલામીને બદલે મિત્રો સાથેની સ્વતંત્રતા વધુ ગમે છે. એવી જ એક વાત હરનિશ જાની લાવ્યા છે. તો વાંચો આ સરસ વાર્તા……

લૉ ગાર્ડન

harnish jani

–હરનિશ જાની

દર્શને, પોતાના પિતા ગોપાલભાઈને કહ્યું, ‘‘બાપુજી, સાહેબને તમારો પાસપોર્ટ બતાવો.’’ બાપુજી કોટના ખિસ્સામાં ફાંફાં મારવા લાગ્યા. બાપુજીને પાસપોર્ટ હાથ લાગતો નહોતો. અને દર્શન ભારપૂર્વક બોલ્યો, ‘‘મેં તમને થોડા વખત પહેલાં તો આપ્યો હતો !” દર્શનનો ગુસ્સો સમજી શકાય તેમ હતો. લાઈનમાં તેમની પાછળના લોકો હવે ઊંચા– નીચા થતા હતા.

દર્શન અને તેના બાપુજી અમેરિકા જતા હતા. તેઓ અમદાવાદના એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઈનમાં ઊભા હતા. હવે વાત એમ હતી કે બેટા દર્શનને બાપુજી ગોપાલભાઈને અમેરિકા લઈ જવા હતા અને બાપુજીને જવું નહોતું. આમ જોઈએ તો આ મુશ્કેલી બે પેઢીઓ વચ્ચે આજકાલ બહુ દેખાય છે. માબાપ અને છોકરાંઓ વચ્ચેના પ્રેમમાં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા ટપકી પડે છે !

ગોપાલભાઈ જાતે અને ધન્ધે સોની હતા. મૂળ નાનકડા રાજપીપળા ગામમાં સોનીની દુકાન હતી. ગોપાલભાઈએ વરસોથી ચાલતો આવતો બાપદાદાનો ધન્ધો ચાલુ રાખ્યો હતો. તેઓ રજવાડાના પણ સોની હતા. એટલે વડવાઓની મિલકત પણ હતી. ગોપાલભાઈની આવક પણ સારી રહેતી. તેમણે પોતાના બે દીકરાઓને પણ વડોદરાની યુનિવર્સિટીમાં ભણાવ્યા હતા. મોટો દર્શન આર્કિટૅક્ટ થયો હતો અને નાનો આશિષ સિવિલ એંજિનિયર થયો હતો. ગોપાલભાઈ અને એમનાં પત્ની ભાનુબહેનની હમ્મેશાં એવી ઇચ્છા
રહેતી કે સોનીના ધન્ધામાં હવે કાંઈ રહ્યું નથી. અને છોકરાઓએ તો આ મજુરી કરવાની જ નથી. આમ જુઓ તો ગોપાલભાઈ મજૂરી નહોતા કરતા. ખરેખર તો એમના નકશીકામને કોઈ ન પહોંચી શકે. એ બહુ મોટા કારીગર હતા. તેમણે બન્ને દીકરાઓને પરણાવ્યા હતા, વહુઓ પણ ભણેલી ગણેલી, નાતની મળી હતી. દર્શનને અમદાવાદમાં આર્કિટૅક્ટની નોકરી મળી. ગુજરાત કૉલેજ પાસેના એક બિલ્ડિંગમાં એક ફ્લેટ ભાડે રાખી લીધો. એણે બા બાપુજીને અમદાવાદ બોલાવી લીધા.

બાપુજીને અમદાવાદ પણ આવવું નહોતું. એમનું અને ભાનુબાનું જીવન રાજપીપળામાં સુખેથી જતું હતું. ગોપાલભાઈ ખૂબ જ ધાર્મિક હતા. રોજ સવારે નહાઈને સૌ પહેલાં રાજ રાજેશ્વરના મંદિરમાં શંકરની પૂજા કરતા. પછી શરીર ઉપર બાંડિયું, ધોતિયું અને માથે બ્રાઉન કલરની ટોપી પહેરતા. જૂના જમાનાના ગોપાલભાઈ હમ્મેશાં એમની બ્રાઉન ટોપી જ પહેરતા. આ ગણવેશ તેમણે આખી જિન્દગી સાચવી રાખ્યો હતો. તેમણે દીકરા દર્શન સાથે ખૂબ દલીલો કરી. દર્શને અને આશિષે બાપને સવારથી સાંજ, નાની પાતળી છેડેથી વાળેલી તાંબાની ફૂંકણીથી, ગલોફા ફુલાવી ફુલાવીને ફૂંકતા જોયા હતા. ખોળામાં સમાય એટલી નાની ભઠ્ઠીમાં કોલસા ઊંચાનીચા કરતા જોયા હતા. બન્ને છોકરાઓને ડર હતો કે ભવિષ્યમાં બાપુને ફેફસાંનું કેંસર થાય તો ? બન્ને દીકરાઓના અતિશય આગ્રહ અને ભાનુબાના મનામણાં પછી, છેવટે ગોપાલભાઈ માની ગયા. અને અમદાવાદ આવી ગયા તેમને વતન વહાલું હતું. કોઈ દિવસ ઘર હોય અને પાછું આવવું હોય તો અવાય એમ સમજીને રાજપીપળાનું ઘર તો ન જ વેચવા દીધું.

અમદાવાદમાં ગોપાલભાઈ ઠરીઠામ થવા લાગ્યા. તે રહેતા હતા તે હાઈ રાઈઝ બિલ્ડિંગની આજુબાજુ બીજાં એવાં જ બિલ્ડિંગ હતાં. તેની વચ્ચે એક મઝાનું નાનકડું શંકરનું મંદિર હતું. શંકરજી તો નામના જ, બાકી કોઈ માતાજીના ભક્તોએ માતાજીને પણ ગોઠવ્યા હતાં. અને ઓટલા પર સાંઈબાબા અને હનુમાનજીને પણ બેસાડ્યા હતા. લોકોને જગ્યાની મારામારી હતી. તેની અસર ભગવાનો પર પણ પડતી હતી. તેમ છતાં ગોપાલદાદાને તેનો જરાય વાંધો ન હતો. પૂજાપાઠ પતે એટલે દાદા ગુજરાત કૉલેજ તરફથી સીધા લૉ ગાર્ડનમાં ચાલવા જતા. આ ગાર્ડન તેમને ફાવી ગયો હતો. ગાર્ડનનું એક ચક્કર માર્યા પછી તે એક ભાગમાં આવેલા સામસામા ગોઠવાયેલા છ-સાત બાંકડાઓ તરફ જતા અને ત્યાં બેસતા. આ જગા પર દસબાર રિટાયર્ડ કાકાઓ ગોઠવાતા. માનોને કે સિનિયર પુરુષોની ક્લબ જ તો ! આ મંડળમાં રિટાયર્ડ ઓફિસરો, પ્રૉફેસરો, બિઝનેસમૅનો વગેરે મળતા. સૌની પાસે પોતાના ફિલ્ડનું પુષ્કળ જ્ઞાન હતું. ગોપાલદાદા પાસે જીવનનો અનુભવ હતો. ઉપરાંત આજ સુધીમાં વાંચેલા ધર્મગ્રંથોનું જ્ઞાન હતું. લગભગ રોજ નવા નવા વિષય પર ચર્ચા થતી. આ ગ્રુપમાં એક બે રિટાયર્ડ એન.આર.આઈ પણ હતા. લૉ ગાર્ડન દરરોજ બારથી બે, છોડવાઓને અને ઘાસને પાણી પીવડાવવા બંધ રહેતો. ત્યારે બાર વાગ્યા સુધી આ સિનિયરો ગાર્ડનનો લાભ ઉઠાવતા હતા. ગોપાલભાઈને પોતાના જ બિલ્ડિંગમાં રહેતા, રતિભાઈ સાથે ફાવી ગયું હતું. રતિભાઈ રિટાયર્ડ ઇન્કમ ટૅક્સ ઓફિસર હતા. લૉ ગાર્ડનમાંથી, ગોપાલદાદા ઘરે જતા, જમતા, બપોરે આરામ કરતા અને પાંચ વાગે એક ઝવેરીની દુકાન પર ત્રણચાર કલાક કામ કરતા. આ કામ, એટલે ગોપાલભાઈએ બેઠાબેઠા સોનાના દાગીનાની ચકાસણી કરવાની અને માલિકને કયો નવો માલ ખરીદવા લાયક છે એની સલાહ આપવાની. એમને એ કામ ગમતું. એમાં મજુરી નહોતી. કોઈક વાર રાતે રતિભાઇ પણ બેસવા આવતા અને વાતો કરતા. ઘણીવાર ભાનુબહેન પણ જોડાતાં હતાં. રતિભાઈ, ગોપાલદાદાથી બે પાંચ વરસ નાના હતા. વિધુર હતા. બાળકો નહોતાં. હવે તો સારા મિત્રો બની ગયા હતા. આમ દિવસ આનંદથી વીતી જતો.

જીવનના દાગીના માંડ ગોઠવાયા હતા. તેમાં મોટો દર્શન અમેરિકા ગયો અને તેણે નાના દીકરા આશિષને પણ બોલાવી દીધો. બન્ને ભાઈઓ ન્યુ જર્સીમાં નજીક નજીક ગોઠવાયા હતા. મોટો દર્શન ન્યુ યૉર્કની એક આર્કિટૅક્ટ ફર્મમાં કામ કરતો. નાનો આશિષ ન્યુ જર્સી સ્ટેટમાં સિવિલ એંજિનિયરિંગ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો. વૃદ્ધ માબાપ અમદાવાદમાં રહેતાં. એમનો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલતો. તેઓ સુખી હતાં.

હવે, દીકરાઓને ગિલ્ટી ફિલિંગ(સ્વદોષ–ભાવના)થતી. તેમને થતું કે ઘરડાં માબાપને અમદાવાદમાં એકલાં છોડ્યાં અને પોતે અહીં આવી ગયા. મોટરોમાં ફરીએ, મોટાં ઘરોમાં રહીએ; પરંતુ જે માબાપે આપણને મોટા કર્યા તેને ઘડપણમાં છોડીએ ? માબાપને પણ મનમાં તો થોડો અજંપો રહે; પણ હમ્મેશાં કહે કે, ‘‘તમે ત્યાં નિરાંતે રહો. આ દેશમાં તમારે માટે મોટી–સારી નોકરીઓ નહોતી અને તમને પૈસાની તંગી રહેતી. તમે ત્યાં સુખથી રહો. અમે અહીં આનંદમાં છીએ. સાજે–સમે, મિત્રો-પાડોશીઓ મદદ કરે છે. સૌ અમારી સ્નેહથી સંભાળ રાખે છે.’’ તેમ છતાં દીકરાઓ દર વરસે અમદાવાદ એક મહિનો રહેવા આવતા. હવે તો તેમને બાળકો થયાં હતાં. મોટાને બે દીકરા, બે અને ચાર વરસના હતા અને નાનાને એક દીકરી હતી બે વરસની. ગોપાલભાઈને પોતાનાં પૌત્રો-પૌત્રી જોડે સમય વીતાવવાનો ગમતો; પરંતુ એ લોકો અમેરિકા પાછા ફરતાં ત્યારે બહુ દુખી થતાં.

ભાનુબહેન છોકરાંઓને કહેતાં કે, ‘‘ભાઈ, તમે હવે બહુ કમાયા. ઘરે આવી જાઓ.’’ ભાનુબહેનની વાત ખરી હતી. માનું હૃદય હતું. તેમને લાગતું કે જે છોકરાઓ માટે આખી જિન્દગી વૈતરું કર્યું, તે ઘડપણમાં કામ નથી લાગતા. બીજા લોકો ભલા છે. પણ આપણું પેટ એટલે આપણું જ પેટ ! પૈસા આપે છે; પણ નાનાં ભૂલકાંને અને તેમને પ્રેમ તો નથી અપાતો – નથી લેવાતો. ગોપાલદાદાની તબિયત તો સરસ હતી; પણ એમને પણ દિલમાં છોકરાંઓનો ઝુરાપો તો રહેતો. ઉપરાંત ભાનુબહેનને હાય બ્લડ પ્રેસરની પણ માંદગી રહેતી. એમને કયારે કંઈ થઈ જાય તે કહેવાય નહીં એમ એમને લાગતું. અને થયું પણ તેમ જ, ભાનુબહેનને હાર્ટ એટૅક આવ્યો. અને દીકરાઓ અમેરિકાથી દોડી આવ્યા; પરંતુ ભાનુ બહેનની લોહીની ધમની ફાટી જતાં તેમને બચાવી ન શકાયાં અને તેમનું અવસાન થયું. બાનાં ક્રિયાકર્મ પતી ગયાં પછી બન્ને દીકરાઓએ નક્કી કર્યું કે ગોપાલદાદાને અમેરિકા લઈ જવા. એમને માટે મોટા દીકરા દર્શને કાગળિયાં કરવાની તૈયારી આરંભી દીધી.

હવે આ બાજુ ગોપાલદાદાને અમેરિકા નહોતું જવું. તેમણે દીકરાઓને કહ્યું કે “મારું ઘર આ છે. આ મારો દેશ છે. આ ભુમિ મારી મા છે. તમારી જેમ મારી પાસે મારી માને ત્યજવાને માટે કોઈ કારણ પણ નથી. અહીં મારો દેવ છે. અહીં મારા મિત્રો છે.” દીકરાઓ કહેતા કે, “અહીં તમને કંઈ થઈ જાય તો ? ત્યાં તો અમે છીએ. સરસ મૅડિકલ સગવડ છે. વધુમાં તમારાં જ પૌત્ર-પૌત્રીને દાદા મળશે.’’ અને દાદા કહેતા કે, “જ્યાં આખું જીવન ગાળ્યું છે ત્યાં મરવું પણ ગમશે. તમારે ત્યાં સવારે ઊઠું ત્યારથી મારે શું કરવાનું ? તમારા ઘરમાં ટી.વી. જોવાનો. મારે છોકરાં સાચવવાનાં, ચોપડીઓ વાંચવાની. ઇન્ડિયન ચેનલ પર ફિલમ જોવાની. ત્યાં રતિલાલ જેવા મિત્રો ક્યાંથી લાવવા ? મારા લૉ ગાર્ડનના મિત્રો તો મારા માટે થેરાપી સમાન છે. મારાં સુખદુ:ખની વાતો સાંભળવાનો તમને અમેરિકામાં સમય મળશે ?’’

તેમ છતાં મોટો દર્શન છ મહિનામાં ગોપાલભાઈ માટે વિઝા-પાસપોર્ટ-ટિકિટ બધું તૈયાર કરીને તેમને અમેરિકા લઈ જવા હાજર થઈ ગયો. આ બાજુ ગોપાલદાદાને અમેરિકાના નામમાત્રથી ગુસ્સો આવતો. ઘર છોડવાના વિચારમાત્રથી રોવું આવતું. તેમને થતું કે, પૈસા ખાતર વતન છોડીને અમદાવાદ આવ્યા. હવે અમદાવાદમાં જેમતેમ ઠેકાણે પડ્યાં ત્યારે ઘર છોડવાનું ? દેશ છોડવાનો ?’ પછી રતિભાઈ તેમને સમજાવતા. તેમને કહેતા કે, ‘‘ગોપાલભાઈ, પાંચ છ મહિના રહી આવો ! ના ગમે તો પાછા ! ઘર ચાલુ રાખવાનું. વેચવાનું નહી.’’ અને એ જ વાત દર્શન કરવા લાગ્યો. છેવટે ગોપાલભાઈ માની ગયા અને જવા તૈયાર થઈ ગયા. તેઓ આટલા જલદી માની ગયા. જાણી રતિભાઈને પોતાને થોડી નવાઈ લાગી. પરંતુ આથી સંતોષ પણ થયો. ઘરની બધી કાળજી લેવાનું સ્વીકાર્યું. અને એમને વિદાય આપવા એરપોર્ટ પર પણ ગયા.

અમદાવાદના એરપોર્ટ ઉપર દર્શન અને ગોપાલભાઈને ભેટીને રતિભાઈએ ગેટ ઉપર વિદાય આપી. બાપ–બેટાએ સિક્યુરિટી ચૅક કરાવ્યું અને ઈમિગ્રેશનની લાઈનમાં ઊભા રહ્યા. ત્યાં આ પાસપોર્ટની ગરબડ થઈ. ગોપાલભાઈ પાસપોર્ટ શોધવા લાગ્યા.

દર્શને ગોપાલભાઈના કોટના ખિસ્સાં જાતે તપાસ્યાં; ખમીસનું ખિસ્સું પણ તપાસ્યું. હવે તે બેબાકળો થવા માંડ્યો. તે બન્ને લાઈનમાંથી નીકળી ગયા. ગોપાલભાઈ તેની શોધમાં સહકાર આપતા. હાથની બેગ આખી ફેંદી વળ્યા. દર્શનને કંઈ ન મળ્યું. દર્શન હાંફળોફાંફળો થતો સિક્યુરિટી ઓફિસરને પૂછવા લાગ્યો. તે એક જ વાત બોલતો કે, ‘‘હમણાં તો પાસપોર્ટ હાથમાં હતો !’’ હવે તે ગોપાલભાઈ પર ચિડાવા લાગ્યો. ‘‘બાપુજી, છેવટે તમે પાસપોર્ટ ખોઈને બેઠાને !’’ બીજી બાજુ અંદરથી બોર્ડિંગનો કૉલ આવ્યો. તેણે ના છુટકે, દૂર કાચની દિવાલની બહાર ઊભેલા રતિકાકાને હાથનો ઇશારો કરી સમજાવ્યું કે બાપુ બહાર આવે છે. તેણે ગોપાલદાદાને તેમની બેગ આપી દીધી. અને પોતે દોડ્યો ઇમિગ્રેશનની લાઈનમાં.

ગોપાલદાદાને એક બે ઓફિસરોએ ચૅક કર્યા અને પછી બહાર જવા દીધા. ગોપાલદાદા બહાર આવીને સીધા રતિભાઇને ભેટ્યા. રતિભાઈને કંઈ સમજાયું નહીં ! ‘‘તમે પાછા કેમ આવ્યા ?’’ ગોપાલભાઈ કહે, ‘‘મારો પાસપોર્ટ ખોવાઈ ગયો એટલે ન જવાયું.’’ રતિભાઈ કહે, ‘‘એ વાતમાં માલ નથી. હું ન માનું તમારી વાત. એમ બને જ કેમ ?’’ દાદા કહે, ‘‘હું તમને બધું પછી કહું છું.’’

હવે સવાર પડવા આવી હતી. ગોપાલભાઈ દૂર ઊગતા સૂરજને જોઈ રહ્યા. આજે આ સવાર બહુ રૂપાળી લાગતી હતી. તેમણે સૂર્યદેવને નમન કર્યા. રતિભાઈ તરફ જોઈને માથા પરની બ્રાઉન ટોપી ઊંચી કરી. તેમાંથી પોતાનો પાસપોર્ટ ખેંચી કાઢ્યો. અને રતિભાઈ સામે ફરકાવવા માંડ્યો. રતિભાઈને હવે ખબર પડી કે ગોપાલભાઈ અમેરિકા જવા પાછળથી કેમ આટલા ઝટ માની ગયા હતા. તે કાંઈ બોલે તે પહેલાં ગોપાલભાઇ બોલ્યા, ‘‘ચાલો ચાલો, રિક્સા પકડી ઘેર પહોંચી જઈએ. નહીં તો લૉ ગાર્ડનમાં મોડા પડીશું.’’

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
Harnish Jani
4 – Pleasant Drive, Yardville, NJ – 08620 – USA.
Phone-609-585-0861
Cell- 1-609-577-7102
Email : harnish5@yahoo.com

April- 2011