મંદીર તારું વિશ્વ રુપાળુ. હરનિશ જાની.
મિત્રો,
માત્ર મોટા ભાગના મારા મિત્રો જ નહીં હું પોતે પણ મને સમજી શકતો નથી કે મારી આસ્થા શું છે. મારા સ્વજનો માને છે કે હું બગડેલો નાસ્તિક બ્રાહ્મણ છું. મારા રેશનાલિસ્ટ મિત્રો મક્કમ પણે માને છે કે હું એક ધાર્મિક ઘેટું છું.
ન્યુ જર્સી રોબિન્સવિલ્લમાં સ્વામિનારાયણનું વિશ્વવિખ્યાત મંદિર બંધાઈ રહ્યું છે તેની મેં મુલાકાત લીધી અને તેની હળવી વાત ફેસબુક પર આ પ્રમાણે રજુ કરી હવે વાંચો મારી પોસ્ટ અને તેના થોડા પતિભાવો…….
આ ઉપરાંત મારા હાસ્યલેખક મિત્ર હરનિશ જાનીનો ઓપિનિયનમાં પ્રગટ થયેલો લેખ એમણે મને આપ સૌના વાંચન માટે મોકલ્યો છે જે ઓપિનિયન અને જાનીના આભાર સહ રજુ કરું છું.
પ્રવીણ શાસ્ત્રી
POSTED ON FACE BOOK ON SUNDAY December 21st, 2014.
Pravinkant Shastri.
પ્લીઝ સ્ટોપ. જો આપ રેશનાલિસ્ટ મિત્રો હો તો આગળ વાંચશો જ નહીં. જો આપ સંડાસ પ્રેમી હો અને મંદિરની વાત આવતાં જ ભૂરાયા થઈ જતાં હો તો પણ વાંચશો નહીં.
જય સ્વામિનારાયણ.
આજે સાંજે આ ઘેટાને (એટલે કે મને) મંદિરના મહાપ્રસાદનો મફતનો ચારો ચરવાનું મન થયું. મારા ઘરથી રોબિન્સવિલનો ૩૪ મિનિટનો રસ્તો છે. આરતી પછી સામાન્ય રીતે પ્રસાદ હોય છે. હજુ તો ભવ્ય મંદિરનું ઘણું કામ બાકી છે. પણ ખરેખર યુરોપના મેં જોયલા ચર્ચ-કે બીજા ભવ્ય ધાર્મિક સ્થળો કરતાં પણ ચડે એવું સ્થાપત્ય બનશે એ સ્વીકારવું રહ્યું. સમરમાં પાછો મુલાકાત લઈશ. પાંચ મિનિટમાં સ્થાપીત પ્રતીમાઓ દર્શન કર્યા, વંદન કર્યા. એક કલાક ભટકી ભટકીને નાસ્તાની વાનગીઓનું શોપીંગ કર્યું. સભાખંડમા કોઈ સંતનું પ્રવચન ચાલતું હતું. એમાં કાંઈ આ ઘેટાને સમજ ના પડે. અને સમજ ના પડે એટલે રસ પણ ન પડે. આરતી પ્રસાદ સૂધી રોકાવાની હિમ્મત ના થઈ. કોઈ બીજી વાર સમરમાં…બસ ‘પિઝા હટ’ નો પ્રસાદ લઈ ઘર ભેગો થયો. માનો કે ન માનો પણ રેશનાલિસ્ટોએ પણ મંદિર જોવા જેવું તો ખરું જ. હું જૈન નથી તો પણ દેલવાડાના દેરાસરોનો ભક્ત તો ખરો જ. મને કયો અંબાણી કે બચ્ચન કે ખાન એની ભવ્યતા ઝૂપડીઓમાં જમવા બોલાવવાનો છે? બસ આવા ભવ્ય મંદિરની મુલાકાતો આનંદ તો આપે જ છે. ભલે મારા મિત્રો મને ઘેટું કહે. મારી વાર્તા “રિવર્સલ” ના પાત્રો મંગળામાસીને અન્યાય ન થાય એટલા માટે પણ મારે તો જોવું જાણવું પડે. મારા ભાવિક મિત્રોને જય સ્વામિનારાયણ.
Pravinbhai- I just read your piece about Robinsville Swaminarayan Mandir in NJ. Check out my column and compare the similarity-We both think on same line.You also notice anout stolls and sculptures.
Thanks,
Harnish.
I m also sharing with friends
હરનિશ જાની.

મંદીર તારું વિશ્વ રુપાળુ.
આ વરસના ઓગસ્ટના છેલ્લા દિવસોમાં ન્યૂ જર્સીના રોબિન્સવિલમા સ્વામી નારાયણ સંસ્થાના(બોચાસણ) મંદીરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સ્વયં પ્રમુખ સ્વામીજી પધાર્યા હતા. અને તે પ્રસંગે અમેરિકાના જુદા જુદા સ્ટેટમાંથી ભક્તોના ટોળાં ઉમટ્યાં. અમેરિકા તો અમેરિકા આખા જગતમાંથી ભક્તોના ધાડાં રોબિન્સવિલ (ન્યૂ જર્સી) પર ઉતરી આવ્યાં. આ મંદીર અમારા ઘરથી પાંચ કીલોમિટર દૂર છે. અમેરિકામાં તો દસ માણસનું પણ મોટું ટોળું ગણાય. તો આ તો વીસ હજાર જેવા હરિભક્તો પધાર્યા હતા. નવાઈની વાત એ હતી કે કોઈને જમ્યા સિવાય નહોતા જવા દેવાયા. જમવાનો મહિમા બીજા કોઈપણ મંદીર કરતાં આ પંથના મંદીરોમાં સૌથી વધુ છે. ભૂખે ભજન ન હોય ગોપાલા– એ સિધ્ધાંતને લીધે મારા જેવા અભક્તો પણ ભગવાન માટે નહીં પણ રસરંજનના થાળના દર્શન માટે ઘુસી જાય છે. મારા જેવા અભક્તને જ્યારે જ્યારે ઈન્ડિયન ફુડની ઈચ્છા થાય છે ત્યારે ત્યારે આ મંદીરની વિઝીટ મારી આવે છે. આ જ એક મંદીર છે કે જ્યાં અમ બન્ને પતિ પત્નીની જરુરિયાત પુરી થાય છે. એ ભજનગૃહમાં જાય છે. અને હું ભોજનગૃહમાં.પણ તેથી વધુ આનંદ એ વાતનો છે કે મારે એની સાથે નથી બેસવું પડતું. કહેવાય છે કે આ પંથના સાધુ સંતો સ્ત્રીઓથી અને તેમના દર્શનથી દૂર રહે છે. વિધીની વક્રતા એ છે કે સ્ત્રીઓ જ એ મંદીર તરફ વધુ દોડે છે.
કદાચ ભગવાનને સ્ત્રી દર્શનનો વાંધો ન હોય. પંદર કરોડ ડોલરના ખર્ચે બંધાયેલા આ મંદીરમાં મારા જેવા મફતિયાનો આનંદ લૂંટાઈ ગયો છે. હવે અહીં રવિવારના મફતના જમવાના પૈસા પડશે. આ મંદીરના પરિસરમાં જાત જાતના બીજા સ્ટોલ્સ છે. અને અંદર મોલ જેવું લાગે. આપણને થાય કે આ બધો માલ વેચવા જ મંદીર બનાવ્યું છે. ભગવાનનું તો બ્હાનું છે.
ત્રીસ ચાલિસ વરસ પહેલાં મંદીર માટેનો આવો વીસ હજાર હરિભક્તોનો ધસારો કોઈની કલ્પનામાં પણ ન આવ્યો હોત!
સ્વામી નારાયણનું પહેલું મંદીર અમેરિકામાં ક્વિન્સમાં બાઉની સ્ટ્રીટ પર એક સામાન્ય ઘરમાં હતું ત્યાં મારે ભારતથી આવેલા મિત્રને લઈ જવાના હતા. હું અને મારા પત્ની હંસા એ ભાઈને લઈ ગયા હતા. સાલ હશે ૧૯૭૪–૭૫.શ્રી પ્રમુખ સ્વામીની પધરામણી થઈ હતી. બસો હરિભક્તો અને અમે હાજર હતા. એ દિવસે એ સૌને એક કલાકમાં જમાડ્યા હતા. ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું હતું અને ત્યારથી સ્વામી નારાયણ સંસ્થાના સ્વયંસેવકો માટે બહુ માન છે. જે નિષ્ઠાથી તેઓ કામ કરે છે એવી કર્તવ્યપરાયણતા મિલીટરીમાં જ જોવા મળે. ત્યારે અમેરિકામાં એ એક જ સ્વામી નારાયણ મંદીર હતું. આજે હજાર કરતાં વધુ મંદીરો શ્રી પ્રમુખ સ્વામીની આગેવાની હેઠળ આખા જગતમાં થયા છે. અમેરિકાની લોકશાહીના તો કેટલા વખાણ થાય? અમે લોકો આવા મંદીરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અમેરિકન સેનેટર, કોંગ્રેસમેનને પકડી લાવીએ છીએ. અને એ લોકો
અમારા વોટ લેવા આવા પ્રસંગોએ આવી જાય છે. મને આ પોલિટીશયનોના અને વેશ્યાના ધંધામાં કાંઈ ફેર નથી લાગતો. સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર થાય. આવા મંદીરોમાં એકે ગોરો કે કાળો અમેરિકન દેખાતો નથી. કરોડોના ખર્ચે અમેરિકાની ધરતી પર મંદીરો બાંધીએ છીએ પણ અમેરિકન પ્રજા માટે કેટલા પૈસા ખર્ચાતા હશે? યાદ આવે છે. હોલિવુડની ફિલ્મ ” ધ સિક્સથ સેન્સ ” બનાવનાર ઈન્ડિયન યુવાન ડાયરેક્ટર એમ.નાઈટ શ્યામલને ફિલ્મના નફામાંથી પંદર મિલીયન ડોલર, ફિલાડેલ્ફીયાના કાળા અમેરિકનોના સ્લમમાં ઘરો બંધાવવામાં ખર્ચ્યા. વાત એમ હતી કે એ ફિલ્મનું શુટિંગ ફિલાડેલ્ફીયાના એ સ્લમમાં થતું હતું .તેમની ગરિબાઈ જોઈને આ યંગ ઈન્ડિયનને પોતાના પૈસા અમેરિકા માટે ખર્ચ્યા. આવા વિચારો આવે તો આ ભૂમિ આપણને સ્વીકારે. આખો વખત દેશ પાસેથી લે લે કરીએ અને દેશ માટે ન ખર્ચીએ તો પરીણામ આફ્રિકા જેવું આવે. એક સર્વે મુજબ અમેરિકામાં ૪૭ ટકા ઘરોમાં ગન છે.
મને યાદ છે કે ૧૯૭૦માં, ન્યૂ યોર્કમાં જો ખોટ હતી તો તે મંદીરની અને બીજી ઈન્ડિયન ગ્રોસારી સ્ટોર્સની જો ભૂખનો પ્રશ્ન ઉકલે તો ભગવાનના પ્રશ્નનું કાંઈ ઠેકાણું પડે. તેમાં ન્યૂ યોર્કના મેનહટન વિસ્તારમાં લેક્ઝિંગ્ટન એવન્યુ પર એક આર્મેનિયનનો ગ્રોસરી સ્ટોર્સ હતો. અને મંદીર માટે એક “હરે રામા હરે ક્રષ્ણા”વાળાઓનું સેકન્ડ એવન્યુ પર ખાનગી ઘરમાં મંદીર હતું.
રસ્તા પરથી જ દાદર પર ચઢી ઉપર જવાનું હતું. એક વાર અમે ચાર પાંચ મિત્રો, મંદીર છે તો જોઈએ. એ ભાવથી ગયા હતા. ત્યાં ઉપર મોટા ગાદી તકિયા પર શ્રીલા પ્રભૂપાદ આડા પડયા હતા અને અમેરિકન યુવાન યુવતીઓ તેમના પગ પાસે બેઠા હતા.ગોરી છોકરીઓ સાડીમાં ખૂબ શોભતી હતી. અમે ત્યાં મહા પ્રસાદમ આરોગ્યો. કારણકે અમે બધાં “સિંગલ” હતા અને રુમ પર રેડી મેડ ફુડના ડબ્બા ખોલી ખોલીને ચણા,વટાણા, દાળ ગરમ કરીને પાંઉ રોટી સાથે ખાઈ લેતા. એટલે ભગવાનનો પ્રસાદ આરોગીને ભગવાનના આશિર્વાદ મેળવાય અને પેટ ભરાય. આમ બહાર મંદીરોમાં જમવાનો ચસ્કો મને વસોથી લાગ્યો છે. પછીથી એ મંદીર, બ્રુકલિનમાં હેનરી સ્ટ્રીટ પર ગયું. ઈન્ડિયાથી આવતા વિઝીટર્સને અને નવા સ્ટુડન્ટસ્ ને એ મંદીર જોવા લઈ જતા. આખા ન્યૂ યોર્કમાં એક માત્ર હિન્દુ મંદીર અને તે પણ અમેરિકનો ચલાવે એ વિચારે જ હિન્દુઓએ મરવું પડે.અને હિન્દુઓ હવે તો સારું કમાતા હતા. તેમાં ખાસ કરીને ગુજરાતીઓને ગરબા માટે કોઈ જગ્યા જોઈતી હતી. હવે ન્યૂ યોર્કમાં દેશીઓની, અમે અમેરિકાના ગુજરાતીઓ કોઈ પણ ઈન્ડિયનને માટે “દેશી” શબ્દ વાપરીયે છીએ, સંખ્યા વધવા માંડી હતી.(મારા પત્ની પણ ઈન્ડિયાથી મારી મોટી દીકરી આશિનીને લઈને આવી ગયાં હતાં. અને અમે અમારો નવો સંસાર ન્યૂ યોર્કમાં ચાલુ કર્યો. મને બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરી મળી ગઈ હતી.એટલે પૈસાની સગવડ થઈ ગઈ હતી. એટલે મનમાં શાંતી હતી.)
૧૯૭૮ની આસપાસ ન્યૂ યોર્કના કરોના એરિયામાં ગીતા મંદીરની સ્થાપના થઈ. ભગવાનનું બહુ મહત્વ નહોતું. પરંતુ ગરબા માટે જગ્યા મળી ગઈ. જ્યાં ત્રીસ ચાલિસ જણથી ગરબા ગવાતા હતા. બે વરસ પછી તે જગ્યા પણ નાની પડવા લાગી. એટલે મોટી જગ્યામાં કરોનામાં જ નવું મંદીર બન્યું .મંદીર બનાવનારા લોકો સ્માર્ટ હતા. તેમણે તે મંદીરમાં બધા ભગવાનો ગોઠવી દીધા.ગાયત્રીમાતા, હનુમાનજી,શંકર પાર્વતી,દુર્ગામાતા,રામ–સીતા, રાધા–કૃષ્ણ જાણે ભગવાનોની પરિષદ ભરાઈ હોય તેમ. આપણા લોકોના સંસ્કાર જ એવા છે કે મંદીર વિના આપણું જીવન સુનું સુનું લાગે.
સેકન્ડ વર્લ્ડ વોર પછી યુરોપના મોટા શહેરો અને ટાઉનમા સૌથી પહેલાં બન્યા હોય તો તે ટાઉન હોલ.યુરોપના બધા દેશમાં જોઈશું તો ટાઉન મોટું હોય કે નાનું હોય પરંતુ તેમાં ટાઉન સ્ક્વેર (ગામનો ચોક) અને એક ટાઉન હોલ જોવા મળશે. આ ટાઉન હોલમાં ગામની બધી જ સામુહિક પ્રવૃત્તિ થતી હોય છે. તેમાં નાટકો, સંગીતના સંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય. અને સામાજીક મિટીંગો પણ થાય. હા, તેઓ પણ ચર્ચ બનાવે છે. પરંતુ તેની પહેલી જરુરિઆત નથી ગણાતી.
૧૯૮૦ પછી તો ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં બીજા બે રામ મદીર થયા. કોઈ માને ના પણ એક પટેલે અને એક બામણે મળીને એક ચર્ચનું જુનું બિલ્ડીંગ ન્યૂ જર્સીમાં ખરીદી લીધું અને પહેલું ખાનગી મંદીર ચાલુ કર્યું. ફક્ત કમાણીના સાધન માટે જ. લોકો ગ્રોસરીની કે દૂધની દુકાન કાઢે તેમ આ લોકોએ ખાનગી મંદીર કાઢ્યું “ઓનલી ઈન અમેરિકા” આવું ફક્ત અમેરિકામાં જ બને અને તે પણ ગુજરાતી જ કરે. અને એ લોકોએ એ મંદીર સામાજીક પ્રસંગોએ લોકોને ભાડે આપવા માંડ્યું.અને મંદીરનો બિઝનેસ ચાલુ કર્યો. આવા તો ઘણાં મંદીરો ચાલુ થયા. આજે ન્યૂ યોર્ક ,ન્યૂ જર્સીમાં બધાં ભગવાનો અને માતાઓ વસ્યા છે.
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
Date Aug 30th 2014 E mail- harnishjani5@gmail.com
Harnish Jani, 4 Pleasant Drive Yardville NJ 08620
મારી પોસ્ટના કેટલાક પ્રતિભાવો.
Harnish Jani હું મારા ગેસ્ટને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સાથે સાથે રોબિન્સવીલના મંદીરની પણ વિઝીટ લેવડાવું છું
• Manish Desai ચારો ચરવા સુધી બરાબર છે. બાકી પરમાત્મા સાથેનાં સંવાદો માટે કોઇ મંદીર નામના લોકેસન પર ક્લીયર મોબાઇલ નેટવર્ક મળતું હોય તો જણાવવું.. :
Pravinkant Shastri Manish Desai સાહેબ આ તો મને ગાંડો કરવાની વાત કરી. ભાઈ એ નેટવર્ક તો મારી, તમારી, ખોપડીમાં ઓલરેડી ઈમ્પ્લાન્ટ થયેલી જ છે. તમારા રિસેપ્ટરને એકટિવેટ કરોને! પરમાત્મા સાથે સીધું જ કોમ્યુનિકેશન ચાલુ થઈ જશે. નેટવર્ક માટે મંદિર ગુરુ જેવાને બાયપાસ કરી શકાશે. મૂળ વાત તો મંદિરની મુલાકાતની છે. શક્ય છે કે તમારા ઘરમાં આવું એનો અર્થ એ નથી કે તમને મળવા જ કે વાતો કરવા આવું છું. બસ ઘણાં એવું જ કરે છે. મંદિરમાં બધા ભક્તિ કરવા જ જાય એવું થોડું છે. તમે તો મારા ભાઈ મારા જેવા ડોબાને બહુ ગહન અને ગંભીર સવાલ પૂછી કાઢ્યો. જય સ્વામિનારાયણ.
Deepak Solanki pravinkant shastriji તમે તમારા ડોપાપણુ દર્શાવીને ઘણી ડાહપણની વાત કરી છે…
Himatbhai Mehta ખુબ સરસ કામ કરેલ છે
Himatbhai Mehta હું ઘણી વખત ISKON ના મંદિર જતો ને ત્યાના સંતો મારા ઘણા સારા મિત્રો પણ છે બધા દંભી નથી હોતા હું ઘણી વખત જતો ને હળવો થઇ ને આવતો.. મને ઘેટા કહેનાર માં મને હળવો કરવાની શક્તિ નથી જયારે આવા મંદિરો માં સ્થાપત્ય જોઈ ને મજા આવે છે
Pankaj Shah Sometimes, the most meaningful things are found through silence.I LIKE SILENCE…..bcause., …everything is hidden in its meaning.
Vimal Trivedi Temple church mosque etc are part of human life…
Jayendra Ashara …
અમે તો પરસાદીયા-ભગત …સ્થાપત્ય નાં પ્રશંશક …એમાં રેશનાલીઝમ નાં નડે… રેશનાલીઝમ ધર્મ ઝનુન નથી … રેશનાલીઝમ એટલે વાસ્તવ-વાદ … જે છે-એ-છે અને જે નથી-એ-નથી… ભગવાન છે એવી ધારણાઓ નાં કરવાની હોય … પરંતુ પ્રસાદ તે આરોગવાની ચીજ છે તો આરોગવામાં શું વાંધો?.. …
Himatbhai Mehta શ્રધા અને અંધશ્રધા ને બાજુમાં રાખી કોઈ ખોટો દંભ કર્યા વગર જયા મન ને આરામ મળે અને કોઈ ને નડીએ નહિ ..તેમ કરવામાં વાંધો નથી… પછી તે કોઈ પણ જગ્યા હોય પણ તેની ખોટી અસર ના થાય તે પણ ધ્યાન રાખવું
Pankaj Bhatt વાંક (Mistake) અને ભગવાન નું સરખું છે. માનો તો દેખાય , ના માનો તો ના દેખાય. પણ પ્રસાદ તો દેખાય છે……. એની સુગંધ અને સ્વાદ મન ને તરબતર કરી દે છે…. જલ્સા કરોને ભાઈ. રેશનાલીઝમ અને આસ્તિકતા બન્ને નો અતિરેક ઝનુન પેદા કરે
અને સમાજ ને હાનિ થાય.
Mukesh Raval સારુ થયુ.. ઘેટુ સહી સલામત પાછુ આવ્યુ… નહીંતર અમુક ઘેટા તો “ઉન” ઉતરાવીને આવે છે…
Sanatkumar Dave dearest PKSji loko bhale Swaminarayn Dharma ne Guruone GHETA sathe sarkhave (!!??) tena jevi BENMUN SISTA ne STHAPTYA no JOTO Nathi !!!!?? dadu..
Kartik Zaveri મોટા ભાગે તો ઘેટા ટોળામાં જ હોય…
એટલે તમે……
ઘેટા નથી એવું આ લખીને પ્રસ્થાપિત કર્યું……. Pravinkant Shastriji.
આપની વિદ્વતાને પડકારતો નથી, પરંતુ દરેક પોતાની મરજી મુજબ જીવે તે જ ખરું છે……
Amrut Hazari આ ઘેંટુ કલા સ્થપત્યની વાતો કરે છે કે રેશનાલીસ્ટોની ? કલા સ્થાપત્ય અને પૂજા…ઘરમ…..મહાપ્રસાદ…..( મફતીયો)…..બે વસ્તઓ જુદી છે….સંડાસ અને મંદિરની સરખામણી ક્યા મગજની પેદાશ છે ભાઇ,,,???????????
Pravinkant Shastri Amrut Hazari સાહેબ મને ખાત્રી હતી કે તમે મને ક્રોસ એક્ક્ષામમાં ગુંચવશો જ. એટલે તો તમને ના લખી હતી કે તમે આ વાંચશો જ નહીં. ભલે. આ ઘેટાએ ડ્રોઈગની બે પરીક્ષા પાસ કર્યા પછી એવું માનતું થઈ ગયેલું કે એને આર્ટમાં રસ છે. અમારા સી.એમ. દેસાઈ સાહેબ કેમેસ્ટ્રી ભણાવતા ત્યારે આ ધેટું સાબુની ગોટીમાંથી સસલું અને ચોકસ્ટીકમાંથી કુતુબ મિનાર બનાવતું. એટલે એને મંદિરના કલામય ગુંબજમાં રસ પડી ગયેલો. ડોકી દુખી જાય ત્યાંસૂધી જોયા કર્યુ. આ તો કેટલાક લોકો મંદિર વર્સીસ સંડાસની જ ‘ફાડ્યા’ કરે છે તેમને કોન્સ્ટીપેશન માટે વાત કરી હતી. અને પ્રસાદની વાત…ગાંઠના ખર્ચે પિઝા ખાઈ ને ઘર ભેગો થયો. દોસ્ત એકાદ મુલાકાત તો લેવા જેવી છે.
• Bhupendrasinh Raol @Amrut Hazari આ કન્ફ્યુઝ્ડ ઘેટું છે અને બીજાઓને પણ કન્ફ્યુઝ્ડ કરે છે. તબલા નહિ ઢોલક છે બે બાજુ વગાડે છે .. હહાહાહાહાહાહહાહાહાહા રેશનલીસ્ટને ગાળો દેવી હોય એટલે આવી પોસ્ટો મુકે છે…. બે બાજુ લાડવા ખાવા જાય તેવા પરસાદીયા ભગત છે.. હહાહાહાહાહાહા મજા આવે પણ તેમની પોસ્ટ વાંચી…
Pravinkant Shastri Bhupendrasinh Raol લાડવાની ઈચ્છા તો છે પણ સાલુ બધી તરફથી લાત ખાવા મળે છે. આખું વાંચ્યું નહીં? પિઝા હટ્ટ્નો પ્રસાદ લઈને ઘેર ગયોતો! આ બધ્ધી વાતો મેં બ્લોગમાં પણ મૂકી છે. અને ખાસતો હરનિશ જાનીનો મજાનો લેખ પણ મૂકું છું. ટાઈમ કાઢીને બ્લોગ પાવન કરજો બાપુ…
અને મિત્રો આટલું લાંબુ વાંચ્યું છે તો આપ પણ આપનો મુક્ત અભિપ્રાય ઉપર ડાબીબાજુના ખૂણા પર કોમેન્ટ પર ક્લિક કરો અને દર્શાવો.