Category Archives: Gujarati Novel

“ઍસ્કોર્ટ ”

ઍસ્કોર્ટ

Escort RitiDesaiI

Image Credit -Google Images

મિથુન સાત નંબરનાં ટેબલ પાછળ અદબ વાળીને ઊભો હતો; પણ એની નજર તો ખૂણા પરના બાર નંબરનાં ટેબલ પર હતી. મિથુનની આ નવી નવી નોકરી હતી.

H1 વિઝા પર આવેલા મિથુનને સ્પોન્સર કરનાર કંપની બંધ થઈ ગઈ. મિથુન કૉમ્પ્યુટર એન્જિનિયર હતો. બે વર્ષની બેકારી પછી શિકાગોથી ન્યૂયોર્ક આવ્યો હતો. માંડમાંડ મેનહટ્ટ્નની એક મોટી હોટેલમાં બુસ્સરની જોબ મળી હતી. એનું કામ ટેબલ સેટ કરવાનું, ગ્રાહકો માટે ખુરસી ખસેડી બેસાડવાનું, પાણી બ્રેડ જેવી પ્રારંભિક વાનગી પીરસવાનું તેમજ ખાલી થયેલી ડિશ  સાફ કરવા લઈ જવાનું હતું. કોઈવાર તે હોટેલના દરવાજા બહાર ઊભો રહેતો. કાર, ટેક્ષી કે લિમોઝિનના ડોર ખોલી ગ્રાહકોનું સ્વાગત કરતો.

આજે ખરેખર તો અગિયારથી વીસ નંબરના ટેબલ્સ મિથુને જ સંભાળવાના હતા પણ તેણે રતિને કોઈ  વૃધ્ધ અમેરિકન સાથે આવીને બાર નંબરના ટેબલ પર બેસતા જોઈ એટલે એણે ટોનીને કહ્યું ‘પ્લીઝ આજે હું તારા ટેબલ સંભાળીશ, તું મારા સંભાળ.’ પહેલાતો એના માનવામાં ન આવ્યું પણ કાન નીચે બોચી  પરના મોટા લાલ તલે ખાત્રી કરાવી દીધી કે તે રતિ જ છે. કેટલા લાંબા સમયે તેને જોઈ હતી!

એ ઈચ્છતો ન હતો કે રતિ એને આવી હલકી નોકરી કરતો જોય. એક સમયે રતિ એની કોલેજકાળની ખાસ મિત્ર હતી.. મિથુન મધ્યમ વર્ગનો પણ તેજસ્વી વિદ્યાર્થી હતો. સ્કોલરશિપ મેળવીને ભણતો હતો. ઉપરાંત એ સારો ગાયક પણ હતો.  મ્યુઝિકલ ગ્રુપ ઝંકાર ચલાવતો હતો. નાની મોટી પાર્ટીઓમાં ફિલ્મી સંગીતની ધૂમ મચાવતો. આ કમાણી તેને તેના અભ્યાસમાં ખુબ મદદરૂપ થઈ રહેતી.

કોલેજમાં તે ‘મુમકિમ’ કહેવાતો. ‘મુમકિમ’ નામ પણ રતિ એજ આપ્યું હતું.  એ જ્યારે ગાતો ત્યારે,  મુકેશ,મહમદ રફી,  કિશોરકુમાર અને મન્નાડે મિથુનના ગળામાં આવીને બેસી જતા. એટલે જ એ ચારે ગાયકોના નામના  પ્રથમ અક્ષરના સંયોજન સ્વરૂપે ‘મુમકિમ’ તરીકે ઓળખાતો હતો.

રતિને ડાન્સનો પણ શોખ હતો. કોલેજમાં જ્યારે મિથુન ગાતો ત્યારે એ સ્ટેજ પર ચઢી જતી અને ગીતને અનુરૂપ ડેન્સ કરવા લાગી જતી. છોકરાઓ સીટી અને છોકરીઓ તાળીઓથી તેને વધાવી લેતી. ધીમે ધીમે રતિ, મિથુનના પ્રોગ્રામોનું અવિભાજ્ય અંગ બની ગઈ. રતિ ઝંકાર ગ્રુપમાં જોડાઈ ગઈ.

મૈત્રી અને સાહચર્ય વધતું ગયું….

એક અજવાળી રાતે રતિના ફ્લેટના ધાબા પર બન્ને ચોરી ચોરી ના ગીત ‘યે રાત ભીગી ભીગી યે મસ્ત ફિઝાયે, યે ચાંદ પ્યારા પ્યારા…’અને  ‘આજા સનમ્ મઘુર ચાંદનીમેં હમ તુમ મીલે તો વિરાનેમેં ભી આજાયકી બહાર….’ ની પ્રેકટિસ કરતા હતા.’ 

પ્રકૃતિ,  શરદ ઋતુની માદક હવા અને ફ્લેટમાં રતિના વડીલોની ગેરહાજરીમાં સંગીતની સાથે સાથે રતિના શરીર પરના વસ્ત્રોના આવરણ ઉતરતા ગયા. એ મુક્ત મને નાચતી રહી. મદહોશ હતી. ક્યારે કંઠગાન બંધ થયું. ક્યારે દેહ ગાન શરૂં થયું. તન તર્ંગો વહેતા થયા. ક્યારે બે દેહ એક થઈ ગયા. મિથુનને ખબર નહતી.  મિથુન સમજે વિચારે તે પહેલા તે પ્રકૃત્તિના પ્રવાહમાં ફંગોળાયો હતો. નિરંકુશ વહેવા માંડ્યો હતો.

બીજે દિવસે કોલેજ કાફેટેરિયામાં મિથુન અને રતિ બેઠાં હતાં.

“રતિ,  આઈ એમ સોરી! જે થયું તે ન થવું જોઈતું હતું. આવતે વર્ષે કોલેજ પતે એટલે આપણે લગ્ન કરી લઈશું. આઇ લવ યુ. “

” વ્હોટ?   મેરેજ?   ઓહ નો!  ડોન્ટ બી સીલી! લવ?  વ્હોટ લવ? વી આર જસ્ટ ફ્રેન્ડ્સ.  આઈ એન્જોઈડ ધ ટાઈમ વીથ યુ.  યુ વોઝ ધ બેસ્ટ વન. થેન્ક્સ મુમકિમ. ઈટ મે બી ધ ફર્સ્ટ ટાઈમ ફોર યુ, બટ નોટ ફોર મી. ઈટ વોન્ટ બી ધ લાસ્ટ ટાઈમ ઈધર.”

રતિના ન કલ્પેલા સ્વરૂપથી મિથુન ડઘાઈ ગયો. છેલ્લા ગાયલા, ચોરી ચોરીના ગીત પછી બન્ને રાજ નરગિસની જેમ જુદા પડ્યા. અલ્બત્ત મિથુન રાજ ન હતો. રતિ  નરગિસ ન હતી.  રાજ નરગિસ ના પાશ્ચાત જીવન સાથે મિથુન રતિના જીવનનું કોઈ સામ્ય ન હતું. મિથુનનું સંગીત વિલાઈ ગયું.  તેના જીવનમાંથી રતિ અને સંગીતે વિદાય લીધી.  રતિ  મિથુનનો ભૂલાયલો ભૂતકાળ બની ગઈ હતી. એ  પ્રોગ્રામો કેન્સલ કરી છેલ્લા વર્ષના અભ્યાસની તૈયારીમાં લાગી ગયો. 

એક દિવસ એને ખબર મળ્યા કે રતિ પંજાબી મ્યુઝિકલ ગ્રુપ સાથે કેનેડા ગઈ પણ ત્યાંથી ગ્રુપ સાથે પાછી ફરી નથી.  બટ હુ કેર્સ?

આજે તે જ રતિ અહીં હોટેલ રેસ્ટોરાન્ટમાં કોઈ અમેરિકન સાથે બેઠી હતી. મિથુનને મનમાં તો થયું કે ગઈ ગુજરી ભૂલીને એની પાસે દોડી જાઉં. પણ  ના! ના,  મને ન ઓળખે તે જ સારું છે. બન્નેનો જીવન પ્રવાહ તદ્દન જુદી દિશામાં જ વહેતો હતો. ઓળખાણ તાજી કરવાનો હવે કંઈ અર્થ નથી.

પણ એવું ન બન્યું.

રતિએ મિથુનને એક જ નજરમાં ઓળખી કાઢ્યો હતો. એક વાર જોયા પછી મિથુન સામે બીજીવાર જોયું પણ ન હતું. ડિનર પછી એ ઘરડા અમેરિકન સાથે પાંચમા માળે આવેલા ૫૨૫ નંબરના રૂમ પર પહોંચી ગઈ હતી. એ ક્યારે બહાર ગઈ તે મિથુનને ખબર ન હતી.

શિફ્ટ પુરી થતાં ટોનીએ તેને એક ચીઠ્ઠી આપી. જતાં જતાં  મિથુન માટે રતિ ગુજરાતીમાં લખેલી એક નાની નોટ્સ ટોનીને આપી ગઈ હતી.

“મુમકિમ, હું કાલે સવારે દસ વાગ્યે તને લેવા આવીશ. તૈયાર રહેજે.  -રતિ.”

ટોનીએ મિથુનને પુછ્યું પણ ખરું. ‘તું મેડમ ‘આર’ ને ઓળખે છે?   જાણે છે કે  મેડમ ‘આર’ એસ્કોર્ટ સર્વિસ ચલાવે છે. તને ખબર છે એ હાઈપ્રાઈસ, હાઈપ્રોફાઈલ હુકર છે? હાવ ડુ યુ નૉ હર?’

મિથુન પ્રશ્નનો ઉત્તર વાળ્યા વગર એક લાઈનની ચિઠ્ઠી સામે તાકી રહ્યો.

રતિ,  એક સમયની મિત્ર! જેની સાથે એક રાત્રીનો સંગ માણ્યો હતો અને લગ્ન કરવા તૈયાર થઈ ગયો હતો તે રતિ! જેણે લગ્નનો પ્રસ્તાવ હસી કાઢ્યો હતો એ રતિ આજે એસ્કોર્ટ? હાઈપ્રોફાઈલ હુકર? કોલ ગર્લ? એક્સપેનસિવ પ્રોસ્ટિટ્યુટ?

મિથુન વિચારતો હતો. રતિ એને એકજ નજરમાં ઓળખી ગઈ હતી. આવતી કાલે લેવા, મળવા આવવાની હતી. ઓળખાણ તાજી કરવી કે ન કરવી?  એને મળવું કે ન મળવું?

કોલેજ સમયથી જ એના પ્રત્યે આકર્ષાયો હતો. એ સુંદર હતી. એની રેશમી કાયામાં અને માદક આંખોમાં તેણે હંમેશા કંઈક અનોખું આમંત્રણ જોયું હતું. તે  મનોમન પ્રેમ કરતો હતો. વ્યક્ત કરી શક્યો ન હતો. જ્યારે દૈહિક સંબંધ પછી પ્રેમ અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે રતિએ તેને હસી કાઢ્યો હતો. વાસ્તવિકતા સમજી ગયો હતો. રતિ ઇઝ નોટ મેરેજ મટિરીયલ. છતાંએ હૃદયના કોઈક ખૂણાંમાંથી એને ઝંખતો હતો.

પણ કેમ?  એની પ્રેમિકા તો હતી જ નહીં. એક સમયે મિત્ર હતી. હવે તે કોલ ગર્લ હતી. પરિચયના ઓઠા હેઠળ એની સાથે ફરીવાર દેહભોગની તો ઝંખના ન્હોતીને?  હવે તે કૉલેજમાં સ્ટુડન ન હતો. તે અમેરિકામાં હતો. ના…ના…ના…..ના.

કદાચ એ એના જુના આદર્શોને છોડવા તૈયાર થાય તો પણ દેશી આદર્શો એને છોડવા તૈયાર ન હતા. જળોની જેમ વળગ્યા હતા.  તે આખી રાત પડખાં ફેરવતો રહ્યો.

સવારે ટાઈ સ્યૂટ પહેરીને હોટેલ પર પહોંચી ગયો. નોકરી છૂટ્યા પછી પહેલી વાર સ્યૂટ પહેર્યો હતો. એની ડ્યુટી સાંજે ચાર વાગ્યે શરુ થતી હતી. તે નવ વાગે હોટેલમાં આવી રતિની રાહ જોતો હતો. રતિએ એને મિથુનમાંથી ફરી મુમકિમ બનાવ્યો. રતિએ એના સુષુપ્ત સંગીતને જાગૃત કર્યું.  

મિથુન વિચારતો હતો કે જો રતિ હાલના માર્ગેથી પાછી ફરે તો ફરીથી ‘ઝંકાર’ને અમેરિકામાં જીવિત કરી શકાય. આજના પોપ કલ્ચરના નગારા, ઘોંઘાટિયા અને અર્થ હિન બરાડાઓને બદલે સુજ્ઞ શ્રોતાઓને પચાસ અને સાંઠના દાયકાનું મધુર સુરીલું સંગીત આપી શકાય. હૉટેલની જોબ સાથે બીજી આવક ઉભી કરી શકાય. જો રતિ સાથ આપે તો!

….અને રતિ આવી. બ્લેક ડિઝાઈનર પેન્ટ અને ટાઈટ ટી-શર્ટ. આંખો ડાર્ક ગોગલ્સથી ઢંકાયેલી હતી. એ રતિ જ હતી. પણ બોમ્બેની કોલેજની નહીં પણ ન્યૂયોર્કની રતિ હતી.

આવતા જ તે મિથુનને વળગી પડી.

ગઈ કાલે મિથુન અદબ વાળીને ખૂણામાંથી  રતિને જોતો હતો.

આજે ટોની અદબ વાળીને તે જ  ખૂણા પરથી મિથુન અને મેડમ ‘આર’ ના આલિંગનને જોતો હતો.

‘લેટ્સ ગો મુમકિમ. બહાર ટેક્ષી વેઈટ થાય છે.’

….અને ત્રીસ મિનીટમાં મિથુન અને રતિ ટેક્ષીમાંથી અપર ઈસ્ટ સાઈડના લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પાસે ઉતર્યા. રતિ મિથુનને લઈને એના ભવ્ય વૈભવી એપાર્ટમેન્ટમાં દાખલ થઈ.

‘મુમકિમ તું અમેરિકા ક્યારે આવ્યો?’

‘મને આવ્યાને અઢી વર્ષ થઈ ગયા. છ મહિના શિકાગોમાં નોકરી કરી. કંપની બંધ થઈ ગઈ. બે વર્ષથી બેકાર છું. શિકાગોથી બે વીક પહેલા જ ન્યૂ યોર્ક આવ્યો. હોટેલમાં બસબોયની નોકરી મળી. થોડા પૈસા ભેગા થાય એટલે ઈન્ડિયા ચાલ્યા જવું છે. પણ તું મને તારી વાત કર. સાંભળ્યું હતું કે તું તો કોઈ મ્યુઝિકલ ગ્રુપ સાથે કેનેડા ગઈ હતીને! અહીં અમેરિકામાં ક્યાંથી?’ 

મિથુને ટોની પાસે સાંભળેલી વાતનો ઉલ્લેખ ટાળ્યો પણ પુછ્યું,  

‘તેં લગ્ન કરી લીધા?  ગઈ કાલે તારી સાથે જે અમેરિકન હતા તે  તારા હસબન્ડ છે??’

રતિ કોઈ નાદાન છોકરાની ગાંડીઘેલી વાત સાંભળતી હોય તેમ હસતી રહી. ડોકું ધુણાવ્યું

‘મુમકિમ, તું હજુ પણ એવો ને એવો જ રહ્યો. યુ સિલી દેશી બોય!

ના, એ ડોસો મારો હસબંડ ન હતો. મારો ક્લાયંટ હતો. કસ્ટમર હતો. તું સમજી શકે તે ભાષામાં કહું તો તે મારો ઘરાક હતો. સમજાયું?

હસબંડ? મી એન્ડ મેરેજ?  નો, આઈ એમ નોટ મેરિડ.  જો મેરેજની જરૂર હોત તો તું ક્યાં ન્હોતો. મને ખબર હતી કે તું મને પ્રેમ કરતો હતો. પણ હું જાણતી હતી કે હું તારે લાયક ન હતી. આજે પણ નથી. તારા જુનવાણી આદર્શો અને મારા કાલ્પનિક જગત વચ્ચે આભ જમીનનું અંતર હતું. હું બિન્દાસ્ત હતી અને અત્યાર સૂધી બિન્દાસ્ત રહી છું. હું વૈભવ ઈચ્છતી હતી અને મેં મારી રીતે વૈભવ મેળવ્યો છે અને માણ્યો પણ છે.

કેનેડા આવવા માટે મેં એક પંજાબી મ્યુઝિકલ ગ્રુપને સાડા પાંચ લાખ આપ્યા હતા. કેનેડાથી અમેરિકા ઘૂસી આવવાનો રસ્તો મળ્યો. થોડો સમય એક ક્લબમાં વસ્ત્રો વગર ડેન્સ કર્યો. પછી એક એસ્કોર્ટ એજન્સીમાં કામ કર્યું. હવે એજન્સીમાં મારી પાર્ટનરશીપ છે. મુમકિમ તને મારા પ્રોફેશનની વાતો ન સમજાય.’

‘ખરેખર મને કશુંજ સમજાતું નથી.   અને જે મને થોડું થોડું સમજાય છે,  તે રૂચતું નથી.  માનું છું કે તું સુખી છે.’   

‘સુખી?’  

‘આ એપાર્ટમેન્ટમા નજર નાંખ ચારે બાજુ સુખ છલકાય છેને?’

હું કોલેજમાં હતી ત્યારે જે જે વૈભવ વિલાસની કલ્પના કરી હતી તે બધું જ મેળવી લીધું છે. એને માટેની જરૂરી કિંમત મેં કોઈપણ જાતના અફસોસ વગર સ્વેચ્છાએ ચુકવી છે. મજુરો પોતાનો પરસેવો વેચે છે. બુદ્ધિજન માનવીઓ પોતાનું કૌશલ્ય વેચે છે. તારા જેવા કલાકારો ભણવાના પૈસા માટે સસ્તામાં સંગીત વેચતા હતા. વ્યાપારીઓ અને રાજકારીણીઓ પોતાનો ઈમાન વેચે છે. મેં મારું શરીર વેચ્યું છે. મેં જે માર્ગ અપનાવ્યો તે કોઈ લાચારીથી કે કોઈની બળ જબરીથી નથી અપનાવ્યો. ભલે એ ખોટો હોય. આજે પણ એનો પસ્તાવો નથી.  ઘણું ગુમાવ્યું છે, ધણું મેળવ્યું છે. હવે હું ધરાઈ ગઈ છું. સંતૃપ્ત છું. હવે સંતોષ છે..

છેલ્લા છ માસથી સુખને બીજી દિશામાં વાળવાની મનોવાંછના ઊઠતી અને પાછી ધરબાઈ જતી. તને જોયા પછી એ ફરી જાગૃત થઈ છે.

આમાં વિતાવેલા જીવનનો પ્રશ્ચાતાપ નથી; માત્ર ફેન્ટસી ઓફ ડિફરન્ટ્ ડિરેક્શન, ડિફરન્ટ લાઈફ. જો તારો સાથ મળે તો જીવનને બીજો વળાંક આપવો છે. રખે માનતો કે એમાં કોઈ પસ્તાવો છે. .

” એક સીધો સવાલ. શું  મારી સાથે લગ્નની ઈચ્છા જાગૃત થઈ છે?”

લગ્ન?  પાછો ગાંડો થયો? 

 હું મનોવાંછિત સુખ ભોગવવામાં માનું છું. હું મારા સુખની વ્યાખ્યા બદલતી રહી છું

લગ્ન એ પરસ્પરનું બંધન છે. મારે તને બાંધવો નથી. તને બાંધવા માટેની તમામ લાયકાત મેં ગુમાવી દીધી છે. મારે પણ બંધાવું નથી. હું ઈચ્છું છું તારી સાથે ની સમજ પૂર્વકની નિખાલસ મૈત્રી. મારે એક ખભો જોઈએ છે….કોઈક વાર રડવું પડે તો રડવા માટે… અને પસ્તાવો?  

પહેલા ન હતો…. હવે થોડી અનુભૂતિ નો સંકેત મળે છે.  ….. તને મળ્યા પછી.

“એક વાત કહું?”..  રતિએ સ્કોચનો એક પેગ લીધો. કપાળ પરનો આછો પરસેવો લૂંછાઈ ગયો.

‘તારે માટે એ કદાચ દુઃખદ્ પણ હોય. માનું છું કે સત્ય સહન કરવાની પરિપક્વતા તારામાં આવી ગઈ હોય. સાંભળ…’

 મેં એક બાળક ગુમાવ્યું હતું…બાળક… માત્ર મારું જ નહીં…તારું પણ…આપણું બાળક…એબોર્શન કરાવ્યું હતું… તે સમયે સ્વચ્છંદી કે સ્વતંત્ર જીવન માટે….   બાળકનો   નિકાલ કર્યો હતો…તે સમયે કોઈ પણ અફસોસ વગર… આજે થાય છે….થોડો થોડો.. મારે માટે નહીં……. તને જોયા પછી તારે માટે..

હું તારી ગુનેગાર છું. હવે તારી સાથે લગ્ન કરી તને અભડાવવા નથી માંગતી. આપણે મિત્ર બની રહીશું. પાડોશી બની રહીશું. બાજુનો ઍપાર્ટમૅન્ટ ખાલી જ છે. મારો જ છે.  હું તને આર્થિક મદદ કરતી રહીશ. તને જે યોગ્ય લાગે તે નોકરી કે ધંધો કરજે. મન ગમતી છોકરી સાથે લગ્ન કરી લેજે. તારા લગ્નમાં હું નાચીશ. મન મુંકીને નાચીશ. ઑફ કૉર્સ વીથ ફુલ્લી ડ્રેસ. તું તારી રીતનું સુખી જીવન માંણજે. તું ગાતો રહેજે. પાડોશમાંથી દિવાલે કાન માંડી ને હું સાંભળતી રહીશ. મેં તો ઇન્ડિયાથી નીકળતા પહેલાજ હિસ્ટરોક્ટમી કરાવી લીધી હતી. હું તારા બાળકોને રમાડીશ અને ઉછેરીશ. આપણે માત્ર મિત્ર બની રહીશું.

બસ એક ઈચ્છા છે. એક રવિવારે  તું મારી સાથે મંદિરે આવશે? પાંચ મિનિટ માટે તારો ખભો રડવા માટે મળશે?  ભૌતિક સુખ મન મુકીને માણ્યું છે. હવે નવી દિશાનું સુખ માણવું છે. 

મિથુન પોતાના બાળકના ઍબોર્શનની વાતથી હચમચી ગયો. મિથુનને રતિ સમજાતી ન હતી. એ કન્ફ્યુઝ હતો.

શું રતિનો માનસિક અહંમથી નકારાતો પશ્ચાતાપ બહાર નીકળવા છીડા શોધતો હતો?

હવે સ્વસ્થ રહેવાની નિષ્ફળ કોશીશ કરતી રતિની આંખોમાં સમુદ્ર છલકાતો હતો.

‘પ્લીઝ ફરગીવ મી. આઈ નીડ યુ ફોર માય ન્યુ લાઈફ.’

વીલ યુ બી માઈ એસ્કોર્ટ?

આજે રવિવાર જ હતો.   

મિથુને જોબ પરથી ડે ઓફ લઈ લીધો.

તે સાંજે મિથુન રતિનો ઍસ્કૉર્ટ હતો.

તે સાંજે સરદારજીની ટેક્ષી મિથુન અને રતિને લઈને મંદિર તરફ સરકતી હતી. રતિએ લાલ સાડી પહેરી હતી. કપાળ પર કુમકુમનો ચાંદલો હસતો હતો. રતિનું  માથું મિથુનના ખભા પર ઢળેલું હતું. સરદારજીની ટેક્ષીના સીડી પ્લેયરમાંથી ગીત વહેતું હતું…..

એક પ્યારકા નગ્મા હૈ,         મૌજોકી રવાની હૈ,

જિંદગી ઔર કુછ ભી નહિ, તેરી મેરી કહાની હૈ.

કુછ પાકર ખોના હૈ,            કુછ ખોકર પાના હૈ

જીવનકા મતલબ હૈ,        આના ઔર જાના હૈ

દો પલકે જીવન સે,         એક ઉમ્ર ગુજરતી હૈ……….. પબ્લિશ્ડઃ “મમતા ”  ઓક્ટોબર ૨૦૧૨

આપને સપ્રેમ ભેટ-શ્વેતાની ઈ આવૃત્તિ

મારા વાચક મિત્રો, મારી નવલકથાની ઈ આવૃત્તિ આપ નીચે ક્લિક કરી ડાઉન્લોડ કરી શકો છો. આશા છે કે સળંગ વાંચન માટે આપને અનુકૂળતા રહેશે.

શ્વેતા ઈ આવૃત્તિ (2)

 

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૭

POST 108

Image

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૭

સુવર્ણાબેનના ચહેરા પર એક અનેરા સંતોષની સુરખી દેખાઈ. એમણે લાગણી પુર્વક શ્વેતાનો હાથ પોતાના હાથમા લઈ જાણે વિનંતિ કરતાં હોય એમ કહ્યું મારા એકના એક દિકરાને માત્ર વોલેટમાં જ નહીં પણ હૈયામાં પણ સાચવજે.

શેઠ પરિવારથી છૂટા થઈ જવું કે પરિવારમાં સમાઈ જવુ એ નિર્ણયમા લોલકની જેમ ઝોલા ખાતી શ્વેતા હજુ પણ સાસુજીની અપેક્ષા સંતોષી શકશે કે કેમ એ અંગે શંકાશીલ હતી.

જ્યારે સુવર્ણા બહેન નવવધૂ શ્વેતાને દીકરાને હૈયામાં સમાવવા વિનવતા હતા, બરાબર તે જ સમયે  અક્ષય સ્વિટ્ઝરલેન્ડની ટ્રેઈનના ફર્સ્ટ ક્લાસ પ્રાઈવેટ કંપાર્ટમેન્ટમાં કેથી સાથે ઇન્ટરલૅકન જઈ રહ્યો હતો. ઈન્ટરલૅકન આલ્પ્સના પહાડી સૌંદર્ય માટે વિશ્વ વિખ્યાત છે. વિન્ટર અને સમર સ્પોર્ટસ માટે આખા યુરોપમાંથી સહેલાણીઓ ત્યાં ઉતરી આવે છે. એ વિસ્તારમાં બોલિવુડની અનેક ફિલ્મો ઉતરી ચૂકી હતી. અક્ષય અને કેથીને સ્પોર્ટસ સાથે કાંઈ સ્નાન સૂતક ન્હોતું. એઓ તો માત્ર મોજમજા માટે જ જઈ રહ્યા હતા.

આછા ભૂરા કાચની બારીમાંથી દેખાતી લીલીછમ વનરાજી વાળા નયન રમ્ય પહાડો પાછળ સરતા જતા હતા. ટ્રેઈન આગળ વધતી હતી. કુદરતી સૌંદર્ય રમણીય હતું. પણ અક્ષય તો બીજું જ કુદરતી(?) સૌંદર્ય માણતો હતો. પડખે ભરાયલી કેથીના બ્રા લેસ ટીશર્ટમાં હાથ નાંખી એના મોટા સખત સ્તનોને રમાડતો હતો. કૃત્રિમ ઉત્તેજનાના ખોટા અવાજો કાઢતી કેથી ખરેખર તો વિચારતી હતી કે કેવી રીતે કરોડોની મિલકતની માલકણ બનવું.

બિચારા અક્ષયને ખબર ન હતી કે ખરેખર તો એ સંવેદના વગરના સિલીકોનના ગોળાઓ રમાડી ને ખુશ થતો હતો.  કશું જ કુદરતી ન હતું.

અક્ષય તો મુરખ હતો. બાપે કહ્યું કે દીકરા ચિંતા કર્યા વગર મજા કર. બસ જરાયે શ્વેતડી વીશે વિચારતો નથી પણ કેથી તો ખરેખર વિચારતી હતી એ ક્યાં અદૃશ્ય થઈ ગઈ હશે. શું આત્મહત્યા કરી હશે કે કોઈ કિડનેપ કરી ગયું હશે. મારી જાણ બહાર અક્ષયે શ્વેતાને પતાવી દેવાનો કોઈની સાથે પ્લાન કર્યો હશે?   એમાં મને ફસાવવાનો તો પ્લાન ન હોય? અનેક વિચારોમા અટવાયલી કેથી ટેવ મુજબ  કૃત્રિમ સેક્સી અવાજ કરી અક્ષયને ઉત્તેજતી રહી. અક્ષયનો  એક હાથ ટીશર્ટમામ અને બીજો હાથ ટૂંકા સ્કર્ટમાંહતો.

કંપાર્ટેમેન્ટનું ડોર નૉક થયું. કેથી એ પુછ્યું ,  “હુ ઈઝ ધેર્?”

“ઘીસ ઈઝ યોર ફોટોગ્રાફર જીમ. આઈ હેવ કોમ્પ્લીમેન્ટરી ડ્રીંકસ ફોર યુ, મેડમ.”

“ઈટ્સ ઓપન. કમોન ઇન.” જીમ ટ્રેમાં બ્લેક લેબલ, આઈસ બકેટ અને ચીલ્ડ ગ્લાસીસ સાથે કંપાર્ટમેન્ટમા દાખલ થયો. એના ગળામાં કેમેરો કટકતો હતો.

“મે આઈ ટેઈક કપલ ઓફ પિકચર પ્લીઝ?”

“ગો એહેડ”  કેથી એ જવાબ આપ્યો. અર્ધ નશામાં રાચતા અક્ષયે હાથ ખસેડવાની પણ દરકાર કરી નહીં.

‘યોર અન ફરગેટેબલ મેમરિઝ્’ પ્રોગ્રામ હેઠળ પાર્ક હોટેલ મેનેજરે એમને એક ફોટોગ્રાફર આપ્યો હતો. એ આ બન્નેની આજુબાજુ ઘુમતો રહેતો. અનેક ફોટા પડતા રહ્યા. છેલ્લે દિવસે એમને હાર્ડ કવર ગોલ્ડન આલ્બમ મળવાનું હતું. કેથી નિઃસંકોચ ફોટા પડાવ્યે રાખતી હતી. કેથીનો ઉદ્દેશ જુદો હતો. જો કોઈ રીતે  અક્ષય છટકી જાય તો એને બ્લેક મેઈલ કરવામા આ ફોટાઓ ઉપયોગી થાય. વિકૃત ફોટાઓનો ઉપયોગ કરી ખોટી પ્રેગનન્સીનો દેખાવ પણ કરી શકાય. બધાની જુદી જુદી ગણત્રીઓ હતી.

શેઠજીને રોજના અનેક ફોટાઓ પર્સનલ ઈ-મેઇલ એડ્રેસપર મળતા રહેતા હતા.

શ્વેતા સાચી હતી અને અક્ષય કેટલો જુટ્ઠો અને લબાડ પુરવાર થયો હતો. દરેક ફોટા પર ટાઈમ અને ડેઇટ હતા. ફોટાની નીચે સ્થળ પણ પ્રિન્ટ થતું હતું. બધી રીતે સફળ થયેલા સુંદરલાલ શેઠ અક્ષયને ઘડવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા હતા.

    XXXXXX

  સુવર્ણવિલામાં બંઘ બારણે ડિનર લેવાતું હતું. આખા દિવસની પ્રવૃતિની વાતો થતી હતી. સામાન્ય રીતે જ્યારે ડાઈનિંગ રૂમ ના આગળ પાછળના દરવાજા બંધ હોય ત્યારે ગણપત કાકા જ હાજર હોય. એ સાથે બેસીને ડિનર પણ લે અને સર્વ પણ કરે. આજે ગણપતકાકા હતા, પણ સર્વ કરવાની જવાબદારી શ્વેતા સંભાળતી હતી.

શેઠજીની નજરે નોંધ્યું હતું કે શ્વેતાએ આજે સફેદ ડ્રેસને બદલે આછા લીલા રંગની સાડી અને લીલી બંગડી પહેરી હતી. નાનકડો લીલો ચાંદલો કપાળ પર ચમકતો હતો. શેઠજીને પરિવર્તન ગમ્યું પણ ભાવ પ્રદર્શન અંકુશમા રાખ્યું.

“મેં શ્વેતાને મોકળાશ રહે એટલા માટે બન્ને રૂમ વચ્ચે મોટા ડબલ ડોર મુકીને સ્લીપીંગ અને સીટિંગ એરિયા જુદા કરી નાખવા કહી દીધું છે.”  સુવર્ણાબેને વાત શરૂ કરી

“હા તમારી વાત બરાબર જ  છે.  શ્વેતા કંઈ ટેમ્પરરી ગેસ્ટ નથી. આટલી નાની જગ્યામાં બિચારી ગુંગળાઈ જાય. મને એમ થાય છે કે આ જગ્યા પણ સાંકડી પડે તો આપણે આપણો રૂમ શ્વેતાને આપીશું.”

“ના બાપૂજી, મારે માટે તો અત્યારનો રૂમ પણ ઘણો મોટો છે. ખરેખરતો છે તેમનું તેમજ રાખીયે. કશી ભાંગફોડ કરવાની જરૂર નથી.”

“અરે દીકરી થોડા સમય પછી તું જ કહેશે કે હવે તો આ બંગલો પણ નાનો પડે છે. અમે ચાલીની રૂમમાં રહેતા હતા ત્યારે સુવર્ણાદેવી પણ તારી જેમ જ કહેતા હતા.”

“હવે મારી વાત.”

“આજે ઓફિસમાં જાહેર કરી દીધું છે કે સોમવારથી યોગેશભાઈ શિવરાજમાં જવાના છે. આવતી કાલે સાંજે ક્રિશ્ના પેલસમા એમનો વિદાય સમારંભ રાખ્યો છે. શ્વેતા અંગે થોડી જુદી રજુઆત કરી છે. બધાને જણાવ્યું છે કે યોગેશભાઈના વિદાય સમારંભ મા હાજર રહેવા માટે શ્વેતા સ્વિટઝરલેન્ડથી બે દિવસ વહેલી આવી છે.” 

“હેમાલી ભાભી અને સૌરભ પણ આવશે. શિવુ,, પાર્વતી બેન અને ગ્રાન્ડડોટર, રાજુની દિકરી પ્રાચી પણ આવશે. ચાર વાગ્યા પછી બધા ટ્રાન્સિકસન, પ્રોગ્રામ ટ્રેડિંગ પર મુકી દઈશું. તમો જગદીશની સાથે આવી રહેજો. સાથે ગણપત કાકાને પણ લેતા આવજો. બરાબર ચાર વાગ્યે આવી રહેવાય એ રીતે નીકળજો. પરમ દિવસે એટલે કે શનિવારે સ્વર્ણા અને શીવરાજની જોઈંટ ઈન્ટ્રોડકટરી મિટિંગ ઓબેરોયમાં રાખી છે. શિવરાજના ઓફિસર્સ અને આપણી અમદાવાદ, દિલ્હી અને ચિન્નાઈના બ્રાન્ચ મેનેજરસ અને ફાઈનાન્સિયલ વર્લ્ડના દસ મોટા માથાઓ આવશે. શિવુ યોગેશને ઇન્ટ્રો કરશે અને હું શ્વેતાને કરીશ. સોમવારથી શ્વેતા એનું કામ શરૂ કરશે.”

“અને બીજું, સુવર્ણા ફાઈનાન્સ તરફથી આજ સુધી આપેલી સેવા બદલ વેવાઈને બે લાખનો ગિફ્ટ ચેક આપવાનો વિચાર રાખ્યો છે. કેમ બરાબરને?”

સુવર્ણાબેને શેઠ સામુ જોયા જ કર્યું.

“કેમ બોલતા નથી?”

“બરાબર નથી.”

“શું બરાબર નથી?”

“ચેકની રકમ.”

“કેમ વધારે છે?”

“ના ઓછી છે. શીવુ ભાઈ તમને શું કહે છે, ખબર છેને?   ‘ચિંગુશ બનિયા’.   યોગેશભાઈએ નીચું મો રાખીને શરમમાં અને શરમમાં વધારો માંગ્યો નહીં. વગર માંગ્યે તમે કઈ આપ્યું નહીં. અરે તમને ખબર છે કે આજકાલના કોમપ્યુટરવાળા છોકરાઓ એંસી નેવું હજાર મહિને કમાય છે એમની ગિફ્ટ પાંચની કરો. બીજું, મિટિંગમા વેવાઈ વેવાઈ ન કરતા. વેવાઈ કહેશો તો છોકરીના ઘરનું એમને કશું ખપશે નહીં. આ ગિફ્ટ નથી. આ તો બિઝનેસ એપ્રીશીયેશન છે. રકમ જાહેર કરવાની જરૂર નથી. એક વધારાનું સૂચન. આ છોકરીનો પગાર પણ ડબલ કરી દો. અમેરિકન કંપનીમાં એના લેવલના ડાયરેકટરને કેટલો પગાર મળે છે એ જાણો છો? ભલે હું તમારા જેટલું ભણી નથી તો યે ઈન્ટર પાસ તો છું જ.”

સુવર્ણાબેન સાડીનો છેડો સરખો કરતાં ઉંચી ગરદન રાખી બોલતા હતા.

શેઠજી મરક મરક હસતાં તેમની સામે જોતા હતા.

એમણે સલામ મારીને હસતા હસતા કહ્યું ” યસ બોસ ઇટ વીલ બી ડન એઝ પર યોર ઓર્ડર.”

“એની થીંગ એલ્સ, બોસ.”

“હા, આવતી કાલે હું અને શ્વેતા, સવારે જગદીશને લઈને રૂપમ ડ્રેસિસમાં શ્વેતા માટે શોપીંગ કરવા જવાના છીએ. અને શ્વેતા દીકરી કાલે સવારે તું સ્વિટઝર્લેન્ડથી આવી હોય તેમ હેમાલી ભાભીને ફોન કરી દેજે. સ્વિસ કોનસ્યુલેટ પાસે એક સ્વિસ સ્ટોર  છે. ત્યાં સ્વિસ ચોકલેટ, ચિઝ, અને ગિફ્ટ આઈટમ મળે છે. ત્યાંથી થોડી વસ્તુઓ હેમાલી અને સૌરભ માટે લઈ લઈશું.”

આજે સવારથી શ્વેતા સુવર્ણાબેનનું  વિવિધરંગી વ્યક્તિત્વ અનુભવતી હતી. ડિનર પછી પહેલી વાર સુવર્ણાબેનને શેઠજી માટે પાન બનાવતાં જોયા. એ વિચારતી હતી ‘વન પર્સન, મલ્ટિપલ પર્સનાલિટી

.’શું આ ઘરમાં મારે પણ મલ્ટિકલર પર્સન બનવું પડશે?

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૫

 

 

 

Image

વહેતી વાર્તા “શ્વેતા” પ્રકરણ ૫

સ્ટાફ ભેગો કરવાની એક અનોખી રસમ હતી. સામાન્ય રીતે કોઈ પણ ઘરનો નોકર વર્ગ માલિકની સામે સોફા પર બેસે નહીં. પણ અહીં જરા જુદું હતું. જ્યારે શેઠ તરફથી સેન્ટ્રલ હોલમાં મિટીંગ બોલાવાય ત્યારે બઘાએ સારા કપડા પહેરીને, આવીને સોફાપર બેસવાનું.  શેઠ શેઠાણી આવીને બઘા નાના મોટા નોકરોને નમસ્તે કહેતા.  કંઈ નવી વાત કે સુચના અપાતી. પછી હોલમા બુફે સ્ટાઈલની ખાણીપીણી ચાલતી. નોકરો, નોકરો મટી જતા અને એક ઉમદા પરિવારના સભ્ય બની જતા.

બરાબર નવ વાગ્યે બધા ભેગા થઈ  ગયા.  સુંદરલાલ, સુવર્ણાબેન અને શ્વેતા હોલમા દાખલ થયા. બઘાએ ઉભા થઈ માલિકનું અભિવાદન કર્યું. શેઠજીએ બઘાને નમસ્કાર કરી બેસી જવા હસતે મોઢે ઈસારો કર્યો. પોતે સ્ટાફની ઓળખવિધિની શરૂઆત ગણપતકાકાથી કરી.

“સ્ટાફમા તો બધાને ગણપતકાકાની બધીજ વાત ખબર છે. શ્વેતા મેડમને જણાવવા ફરીથી કહીશ.”

 “તારા પિતાજી,  હું અને ગણપતકાકા એકજ ગામના. હું નાનો હતો ત્યારથી એને મારી સંભાળ રાખવા રાખેલા. એમના હાથ નીચે હું મોટો થયો. એની સીધી સાદી વાતો અને પ્રેમાળ પ્રમાણિક વર્તન દ્વારા એણે મને સંસ્કાર આપ્યા.”

“એકવાર મારા પિતાજી ટ્રેઈનમા ચડવા ગયા ત્યારે પગ લપસ્યો. સાથે ગણપતકાકા હતા. એમણે પિતાજીનેતો પ્લેટફોર્મ અને ટ્રેઈન વચ્ચેથી ખેંચી લીધા પણ એમનું ધોતિયુ. ભેરવાયું. એમનો એક પગ ટ્રેઈનના ફૂટબોર્ડ સાથે ગસડાયો. પગ તુટ્યો. કાપી નાંખવો પડ્યો. વર્ષો સુધી ઘોડી લઈને ચાલ્યા. હું નોકરી માટે મુંબઈ આવ્યો  ત્યારે મારી સંભાળ રાખવા હઠ કરીને એ મારી સાથે આવ્યા. તે વખતે શરૂઆતમા અમે ચાલીના એક રૂમમા રહેતા હતા. કાકા લોબીમા સૂઈ રહેતા. મારા પગાર ની છ મહિનાની બચતમાંથી સુવર્ણાએ એમને માટે લાકડાનો પગ કરાવ્યો.  એ અમારા નોકર નથી પણ એક માત્ર હયાત વડિલ છે.”

“કાકા આપણી શ્વેતાને આપના આશીર્વાદ આપો.”

શ્વેતાનું હૈયું ભરાઈ આવ્યુ. એ કેટલા ઉમદા અને ઉચ્ચ સંસ્કારી માણસોની વચ્ચે હતી. આ લોકોની સંગતમા રહેવા છતાં અક્ષય કેમ ગંધાતી ગટરમાં પડી ગયો એ સમજાતું ન હતું.

શ્વેતા આપોઆપ ગણપતકાકા પાસે પહોંચી ગઈ.  માથા પર ઓઢણીનો છેડો નાંખ્યો અને ચરણ સ્પર્શ કર્યા.  સાચા અને લાકડાના બન્ને પગો અશ્રુબીંદુથી ભીના થયા.

પોતાને  હંમેશા શેઠ કુટુંબના સેવક માનતા વૃદ્ધ ગણપતકાકા ભાવવિભોર થઈને રડી પડ્યા.

“બેટી સુખી રહે અને શેઠ કુટુંબની વૃદ્ધિ કર.”

શ્વેતાથી મનમાં ચક્રવાત જાગ્યો. પણ બીજી જ પળે શુદ્ધ ભાવનાથી અપાયલા આશીર્વાદને ઈશ્વરેચ્છા માનીને માથે ચડાવ્યા.

બઘા પ્રતિ હાથ જોડી કહ્યું   “આજથી હું એમને ગણપતકાકા નહિ કહું.    હું તો વડિલને દાદાજી જ કહીશ.   હું તો ઈચ્છું છું કે આપણે બધા જ એમને દાદાજી કહીએ.”

શેરખાને બુલંદ અવાજે કહ્યું   “મેડમ સાહિબાને ઠીક બાત હી બતાઈ હૈ. આજસે હમ સબ અપને બુઝુર્ગકો દાદાજી કહકર હી બુલાયેંગે.  અગર કીસીને ઓર કુછ બોલા તો ઉસે કટકા કરકે કૂત્તેકો ખીલા દુંગા.”

  લાલાજી શેરખાનના સ્વભાવથી સૌ કોઈ પરિચિત હતા.  આ એનું પેટન્ટ વાક્ય હતું.   બઘા રાગ કાઢીને હસતા હસતા એક સાથે બોલ્યા ” હમ સબ દાદાજી હી કહેંગે.”   હાસ્યનું મોજું ફરી વળ્યુ.

“એક ઔર બિનતી લાલાજી, આપ સબકો બોલ દો કી મુઝે મેડમ કે બજાય સિર્ફ શ્વેતા હી કહે.”

લાલાજીએ જમણો હાથ ઊચો કરી આંખ મીંચી. આ એમની વિરોધ કરવાની રીત હતી. એમણે જાહેર કર્યું 

“મેડમ યે નહીં હો શકતા. દાદાજી ઔર કાંતામૌસી કે સિવા હમ સબ આપકો મેડમ હી કહેંગે. અગર કીસીને….”

બધાએ ફરીથી રાગ કાઢીને ગાયું…”ઓર કુછ બોલા તો કટકા કરકે કૂત્તેકો ખીલા દુંગા.”

શેઠજી એ ખડખડાટ હસતા કહ્યું  “ઓકે, ધેટ્સ ફાયનલ.”

શ્વેતાએ પહેલી વાર શેઠજીને ખડખડાટ હસતા જોયા. અને તે પણ ઘરના નોકરો સાથે.

દાદાજીએ બધાની ઓળખાણ કરાવવા માંડી.

“આ આપણા લાલાજી, શેઠ સાહેબના બોડીગાર્ડ અને ડ્રાઈવર છે. એ હંમેશા ઓફિસમાં અને આખા બંગલામાં નજર રાખી ફરતા રહે છે.   લાલાજી પાસે લાયસન્સવાળી ગન છે.  અમારા સૌની સલામતીનું એઓ ધ્યાન રાખે છે. શ્રીફળ જેવો સ્વભાવ છે. ઉપરથી સખત અને અંદરથી નરમ.”

ત્યાર પછી કિશન મહારાજ તરફ આંગળી ચિંધતા કહ્યું “આ આપણા કિશન મહારાજ જાત જાતની રસોઈ બનાવવામા એક્કા છે. એમના હાથની સુરતી, કાઠિયાવાડી, પંજાબી, બંગાળી, મદ્રાસી વાનગીઓ એક વાર ખાધી હોય તો બીજાની વાનગીઓ સ્વાદ વગરની જ લાગે. હવે તો એ ઈટાલિયન ચાઈનીસ અને મેક્સિકન શાકાહારી વાનગીઓ પણ બનાવતા થઈ ગયા છે.”

પછી વલ્લભની ઓળખાણ કરાવી. “વલ્લભ આપણા ગામનો જ છે. જેઠા ગોરનો દીકરો. બઘામાં નાનો. શેઠજી અને શેઠાણીબા એને બાબો જ કહે છે. એ આપણા પંચદેવની પૂજા, પાઠ અને અભિષેક કરે છે. ઉંમર નાની છે પણ સરસ સંસ્કૃત જાણે છે. રોજ બપોરે સુવર્ણાબાને ધાર્મિક પાઠ વાંચી સંભળાવે છે. દર અગીયારસે સત્યનારાયણની કથા કરે છે. સરસ ભજન ગાય છે”.

“લાલાજી, કિશન મહારાજ અને વલ્લભ ચોથા નંબરની રૂમમાં ભેગા રહે છે.”

“ત્રીજા રૂમમા પાંડુરંગ અને એની પત્ની સાવિત્રી રહે છે. પાંડુભાઈ સબ બંદર કા વ્યાપારી છે. ઈલેક્ટ્રીકલ મિકેનીકલ કામ હોય કે કાર રિપેર કરવાની હોય, સિક્યોરિટી કેમેરા કે ધરના ટીવી સંભાળવાના હોય. બાગકામ હોય કે સ્વિમીંગ પૂલ હોય; શોધી શોધીને હંમેશા કંઈ કર્યા જ કરતા હોય. સાવિત્રી ધરની સફાઈ અને ગોઠવણીનું કામકાજ કરે છે.”

“બીજા નંબરની રૂમમા કાંતામાસી અને વિમળાબહેન રહે છે. એ બન્ને રસોડામા કિશનમહારાજને મદદ કરે છે.”

“એક નંબરની રૂમમાં જગદીશ અને જ્યોતિ રહે છે. બન્ને ગ્રેજ્યુએટ થયેલા છે. બન્ને સરસ અંગ્રેજી બોલે છે. જગદીશ શેઠજીને ઘરના ઓફિસ કામમાં મદદ કરે છે. અમે એને હોમ મિનીસ્ટર કહીયે છીએ. જ્યોતિ સુવર્ણાબાની પ્રાઈવેટ સેક્રેટરીની જવાબદારી નિભાવે છે. એ ડ્રાઈવ પણ કરે છે. સુવર્ણાબાને જ્યાં જવું હોય ત્યાં જ્યોતિ જ લઈ જાય છે.”

“નાકા પરનો પાંચ નંબરનો રૂમ આપણા ગેસ્ટ રૂમ જેવોજ છે.  સ્ટાફ મેમ્બરના જે કોઈ મહેમાન બહારગામથી આવે તેમને એ રૂમમાં ઉતારો આપવામાં આવે છે.”

“શેઠજીએ અમારા જીવનમાં કોઈ અધુરપ રાખી નથી. અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીયે.” દાદાજીએ ઓળખવિધિનું સમાપન કર્યું.

બધા ઉભા થયા. વલ્લભે બુલંદ અવાજે શાંતી મંત્ર ભણ્યો.

મંત્ર પછી કાંતામાસીએ, કિશન મહારાજે તૈયાર કરેલી પાંઊભાજી અને ગુલાબજાંબુની ત્રણ ડીસ તૈયાર કરી શેઠજી, શેઠાનીબા અને શ્વેતાને આપી.

બધા પોતપોતાની રીતે વાનગી માણવા લાગ્યા. સંપૂર્ણ મુક્ત વાતાવરણ હતું.

સૌને વધારે મોકળાશ મળે એ હેતુથી સુંદરલાલ અને સુવર્ણાબેન પોતાના બેડરૂમમા ચાલ્યા ગયા.

એમને પગલે શ્વેતા પણ પોતાના નવા રૂમમાં ગઈ.

પસંદ કરેલો રૂમ આશ્ચર્યજનક  રીતે  ડિનર દરમ્યાન તૈયાર થઈ ગયો હતો.

મારબલ ફ્લોરની ઉપર જુની કરપેટને બદલે એક ઈચ જાડો સુંદર અફઘાન રગ આવી ગયો હતો. બાલ્કની ડોર પાસે નવા ડ્રેઈપ્સ લાગી ગયા હતા. રેફ્રિઝરેટરમા દૂઘ આઈસ્ક્રિમ વગેરે મુંકાઈ ગયું હતું. બાલ્કનીમા નેતરની ચેર લટકતી હતી. બાલ્કનીમા કાચનું નાનું ટેબલ અને બે ચેર મુકાઈ ગઈ હતી. રૂમના ટેબલ પર તાજા રાતરાણીના ફૂલોનો ગુલદસ્તો મઘમઘતો હતો. અક્ષયના રૂમમાંથી એની બે સ્યુટકેઇસ પોતાના ક્લોઝેટમાં આવી ગઈ હતી. આ વ્યવસ્થા માટે દાદાજીએ બધાને કામે લગાવી દીધા હતા. સ્ટાફમા બધાને જણાવી દીધું હતું કે નાના શેઠને એકદમ બિઝનેસ અંગે પેરિસ જવાનું થયું અને શ્વેતા મેડમ પાસે વિસા ન હોવાથી એ મુંબઈ પાછા આવી રહ્યા. દાદાજીની દરેક વાત સૌ શંકા વગર સ્વીકારી લેતા.

શ્વેતા વિચારતી હતી; એના સસરા ન પામી શકાય એટલી ઊંચાઈએ ઊભા હતા. બધુંજ સરસ હતું. પણ અક્ષય?    પોતાના  લગ્નજીવન નું શું?     પોતે વરને પરણી હતી કે ઘરને?

શ્વેતાને શુભાશિષ

 

શ્વેતાને શુભાશિષ

Unsolicited review of Shri Harish Naik (Gujarat Samachar)

૧૬મી જાન્યુઆરીથી શરુ થનાર વહેતી વાર્તા “શ્વેતા” માટે બાળ સાહિત્યના જાણીતા માનીતા સર્જક અને ગુજરાત સમાચાર ઝગમગના લેખક સંપાદક પૂજ્યશ્રી હરીશ(દાદા) નાયક ના પ્રેરણા દાયક શબ્દો…

                                                                                                                                

ભાઈશ્રી,

અત્યાર સુધી ક્યાં છૂપાયા હતા તમે?

આવી સુદર રહસ્ય રોમાંચ-ભરી નવલકથા લખવામાં આટલું મોડું થાય?   ભલે થયું, હવે ચાલુ જ રાખશો. આશા રાખું, બીજી નવલ શરુ જ કરી દીધી હશે. હવે નોન-સ્ટોપ ચાલવા દો.

થોમસ હાર્ડી મોટી ઉમ્મરે લેખક થયો હતો. બાવન વર્ષે તેની લેખન-પ્રક્રિયા શરૂ થઈ, પછી તો આ જુઓ—–

Two on A Tower,  Tess of the D’Urbervilles, The madding world. A Pair of t he blue eyes, Far from  the Meddling Crowd.   Woodlanders.   અમે કોલૅજમાં ભણેલા અને અમારા પ્રોફેસર એસ.આર. ભટ્ટ તો થોમસ હાર્ડીના વખાણ કરતા થાકે નહિ.    કહે, Story must move. If story does not move you move.

મિત્ર! આને લઘુ-નવલ ના કહેશો.  સંપૂર્ણ નવલકથા છે.    એ – ત્રિઅંકી નાટક, કોઈ પ્રવેશ ચૂક્યો નથી. ચિત્રપટની પટકથાની જેમ ઝાટકાથી શરૂ થઈ છે. રચના, દરેક પ્રકરણ, નવો વળાંક, પાટા બદલાય, પણ ગાડી એજ, પ્રવાસીઓ એજ, (જૂના) વાસી થાય નહિ; નવા પોતપોતાની આઈડેન્ટીટી સાથે ઉમેરાતા રહે. દરેકનું સંધાણ, કોઈ એલફેલ કે અમસ્તુ નહિ. ફ્લેશ-બેક તો એવા કે ધપ્પા અને ધપ્પા મારીને પાછી ગતીને વેગમાં લાવી દે!

તા. ૨૦ ઓક્ટોબરથી ૨૮ ઓક્ટોબર હું હોસ્પિટલ હતો. ૨૮મીએ ૮૫ પૂરા કર્યા. માથું ઊંચું રાખી, દીવો ચોપડી પર ખેંચી વાંચવા માંડ્યું. એક મિનિટના એક લેખે પાના વંચાતા ગયા. દરેક પ્રકરણે થાક ખાવા શ્વા લેવા રોકાતો અને ફરી શરૂ. ૨૨૦ મિનિટમાં ચોપડી પૂરી. એક્કી બેઠકે કહે છે તે યથાર્થ.

નવીનતા ભરપૂર છે, સાથે દરેક પ્રકરણે વાર્તા ફંટાઈ શકે;  નાયિકા જો વિચારવંત ન હોય તો ફેંકાઈ જાય. અમેરિકામાં  એવી ફેંકાયલી-નગવાયલી પાત્રિકાઓ ઘણી.

પહેલા મુખ્ય-પાત્રના મૃત્યુ-આપઘાત-થી તો રહસ્યકથા જ શરૂ થઈ શકે. અગાથા ક્રિસ્ટી તો ત્યાંથી જ શરૂ કરે. તમે ય કરી શકત. પણ તમારે તો અમારી ગુર્જરી ભારતીય સામાજિક કથા લખવી હતી. રહસ્યનો લોભ જતો કરી મૃત્યુનું રહસ્ય ટૂંકાણમાં જ પતાવી દીધું  કે વાર્તા ચાલી આગળ.

શ્વેતાને જો આદિત્ય ન મેળવી આપ્યો હોત તો દુઃખ થતે. કેટલી સહનશીલ, સાહસિક, વિચારશીલ. ઘોડેસવારી વખતે મજા આવી ગઈ પણ તમે તેની વ્યાયાત્મક કારકીર્દીનો પાયો ચણી એ ઘટનાને વાસ્તવિક બનાવી દીધી. નહિ તો ફેન્ટસી બની જાત.

વયસ્ક પાત્રોને પણ આપે ચેતનવંતા બનાવ્યા છે. ના, તેમની જુવાની કંઈ ઓછી તિકડમ વાળી ન હતી!

શુધ્ધ ભારતીય લગ્ન સંસ્કારો સાથે આધુનિક રીત રસમોને જોડીને સમોસાને ચિકન યા ચિકનને સમોસાનો અણસાર આપી શેડો-પ્લેની કરામત ગમી.

૬૦ વર્ષથી સંપાદક-લેખક રહ્યો છું. ધણું લખી શકું. પણ  મોટ્ટા અક્ષરે લખાયેલા ‘ધન્યવાદ‘ માં બધું સમાવી લેશો.

આટલી સ્ફૂર્તિદાયક કથા મન્થલી મેગેઝિનમાં ન લખાય. હવેથી આખી હસ્તપ્રત એક્કી વખતેજ લખી નાંખશો. પછી ભલે તે હપ્તાવાર છપાયા કરે.

શાસ્ત્રીને શીશ,

વીણાની ઝણકે વીણ,

પ્ર હેલ સામે છે ટહેલ,

લખતા રહો, લખતા રહો, લખતા રહો.

હરીશ નાયક.

Harish Naik

  C/O Meeta Joshi28 W.3rd Steet. Apt 1209

  South Orange. NJ 07079

  973-763-3687

  Nov. 1st, 2011

 

હરીશ દાદાનો એક માણવા જેવો વિડીયો.

 

http://www.youtube.com/watch?v=JvlKpP2N-4k

 

“શ્વેતા”

Image

 

૧૬ જાન્યુઆરી ૨૦૧૪ થી શરૂ થતી મારી નવલકથા “શ્વેતા”નું મારા બ્લોગર મિત્ર શ્રી નવીનભાઈ બેન્કરનું અવલોકન.

SWETA NAVIN BANKER.

શ્વેતા ‘  ( પ્રવિણ શાસ્ત્રી લિખિત નવલકથાનું મારું અવલોકન )

 પ્રિય મિત્ર પ્રવિણભાઇ,

આપે પ્રેમપુર્વક મોકલાવેલ નવલકથા શ્વેતામળી. વાંચી ગયો. આજકાલ મને સ્વ.પ્રિયકાંત પરીખ અને કાજલ ઓઝા-વૈદ્યની નવલકથાઓ વધુ ગમે છે. એક જમાનામાં, મને મુન્શી,  મેઘાણી,  ર.વ. દેસાઇ, અશ્વીની ભટ્ટ , હરકિસન મહેતા જેવા લેખકોની કૃતિઓ ખુબ ગમતી. શ્વેતામાં મને પ્રિયકાંત પરીખ દેખાયા.

 હાસ્યલેખક હરનિશ જાની, ડો. હરેકૃષ્ણ જોષી, માધવી દવે જેવાના અભિપ્રાયો આપની આ નવલકથા અંગે વાંચ્યા પછી મારા જેવાએ  કહેવાનું શું બાકી હોય ?

 છતાં, મને આ નવલકથા વાંચતાં જે લાગ્યું એ નિખાલસતાપુર્વક જણાવું છું.

 કથાનું ભાષાકર્મ મને ગમ્યું. નવલકથામાં વપરાયેલા અંગ્રેજી શબ્દો પણ મને ખુબ સાહજિક લાગ્યા. અરે ! એટલે જ તો પાત્રો પરાયા નથી લાગતા.સંવાદોની નાટ્યાત્મકતા પણ ધ્યાન ખેંચે છે. કથનમાં પણ પ્રવાહિતા છે. શૈલિ સરળ અને અર્થવાહક છે.  એમાં સ્વસ્થતા અને પ્રસન્ન્તા વર્તાઇ આવે છે. કથાતત્વ મનોહર છે. હર્ષ, શોક,ભય, હતાશા,આનંદ, વિષાદ, કરુણા..બધા જ રંગોને આપે શ્વેતામાં ચિત્રિત કર્યા છે.તેમાં પ્રકૃતિની ચાહત પણ છે અને જિન્દગીની સચ્ચાઇ પણ. સાંપ્રત સમાજના રંગઢંગ પણ એક નવા જ સ્વરુપે જોઇ શકાય છે.

 શ્વેતામાં માનવસંવેદનાઓના સૂક્ષ્મ પડળોનું નિરુપણ આપ સફળતાપૂર્વક કરી શક્યા છો. સમગ્ર પાત્રસૃષ્ટિ માનવીય છે. પાત્રોના વાણીવર્તનમાં કશું ય પરાયુ નથી લાગતું.વિષય, નિરુપણ, માવજત દરેક દ્રષ્ટીએ આ એક સુંદર નવલકથા બની શકી છે.

 મને એક વાત હજી સમજાતી નથી.  કૃતિને લઘુનવલ કેમ કહેવાય ? આટલા બધા પાત્રોને લઈને, ભારત અને અમેરિકાના વિશાળ ફલક પર વિસ્તરતી ૨૩૦ પાનાની કથા, સંપુર્ણ નવલકથા જ છે. મારા મત પ્રમાણે આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં, ક્રાઉન સોળની સાઇઝમાં, ૯૬ પાનાની એટલે કે છ ફર્માની જે પોકેટબુકો છપાતી હતી એ બધી લઘુનવલકથાઓ હતી. આ તો સંપુર્ણ નવલકથા જ છે.

 આપ ઉત્તરોત્તર વધુ ને વધુ આવી નવલકથાઓ લખતા રહો એવી મારી શુભેચ્છાઓ.

નવીન  બેન્કર

૨૨ જુલાઇ ૨૦૧૩.

Philosopher writer Mr. Bharat Mehta.

 

 

 

 

Image

SWETA is a fictional story.

Aristotle had said that fiction is greater then history, because in fiction, writer is free to show as man ought to be and might be, where as history writer has to show man as appear in society. A man—nature’s wonder creation, has to conceive in artist’s free mind and not in society’s no mind!!!

SWETA is a fictional character, presented in novel as a stronger and larger then life. She is not a traditional woman, who marries to a man and got her husband from just marriage, but has to resists lot of block, a drug addict husband, and what and what not ? She proved super woman by using her super brain! She is not a woman, as presented in this story, who go to temple and pray, but sit silent, give thought and consideration, and make choice and act with confidence and get all what is best to come to her life.

What is most noticeable is about drug culture. The lust for money, lust for short way, and destruction came on every step…all detail relevant and nicely described.

Fiction—as is said by Ayn Rand—is soul of philosophy. And, Sweta is lovely story—alive and enlightening !

Please read it and kept it in heart !

Philosopher writer Mr. Bharat Mehta. Surat. 

“શ્વેતા” ના સર્જનની વાત…

Image

“શ્વેતા” ના સર્જનની વાત…

Post 88

૧૬ જાન્યુઆરી ૨૦૧૪ ગુરુવારથી શરૂ થતી નવલકથા “શ્વેતા” ના સર્જનની વાત…

એક સવારે માધવીનો ફોન આવ્યો.

મીઠ્ઠી, મમતાળુ માધવી મને મામા કહે.

મામા, હું તમને એક વાર્તાબીજ આપું. મારી ફ્રેન્ડની ફ્રેન્ડની આ સત્ય ઘટના છે. લગ્નની પહેલીજ રાત્રે નવપરિણિતાને તેના પતિએ કહ્યું, ‘હું અન્યના પ્રેમમાં છું. તારે માટે હું મરેલો છું. તું આજથી જ વિધવા છે.’

યુવકના માતાપિતા જાણતા હતા કે પુત્ર બીજી ગોવાનીસ છોકરીને પ્રેમ કરતો હતો. લગ્ન પછી સુધરી જશે એ આશાએ સમજાવી પટાવી લગ્ન કરાવ્યા હતા. પ્રેમિકા બીજા ધનિકને પરણી ગઈ.

પ્રેમિકા બીજે પરણી જતાં પરિણિતાનો પતિ છેવટે પત્નીને અપનાવે છે. પત્નીનો પ્રેમ સમજે છે. પણ ટુંક સમયમાં જ બોમ્બેથી પૂના જતાં માર્ગમાં અક્સ્માતમાં મૃત્યુ પામે છે. પત્ની બીજું વૈધવ્ય ભોગવે છે.

સત્ય વાત. કઠોર અને કરૂણ વાસ્તવિકતા. છતાં વાર્તા માટે તો ચવાઈ ગયેલી વાત જ કહેવાય. . દુખદ વાત એ, કે આવી વાતો માટે લોકમાનસે સંવેદનશીલતા સદંતર ગુમાવી દીધી છે.

આમ છતાં આ વિષય પર વાર્તા લખવી-નલખવીની દ્વિધામાં જ કથાબીજ પરથી નાયીકા શ્વેતાના પાત્રનું સર્જન થઈ ગયું. એક વાર્તા “અખંડ વૈધવ્ય”નો શબ્દ દેહ ઘડાવા માંડ્યો. ટૂંકી નવલિકાને બદલે એ વાર્તાએ લઘુ-નવલનું રૂપ ધારણ કરી લીધું. શ્વેતા, ખૂબ ઝડપથી મોટી થઈ ગઈ. નાનું બાળક નજર સામે મોટું થાય એમજ સ્તો.

મારી “શ્વેતા” લાચાર, ગરીબડી, અસહાય વિધવા નારી ન હતી. એ નારી શક્તિ “શ્વેતા” સુંદર અને શિક્ષિત હતી.

માંબાપ બાળકને જન્મ આપે. બાળક નાનું હોય ત્યાં સૂધી પોતાની ગમતી રીતે ઉછેરવાની કોશીશ કરે, પણ મોટું થતાં એ પોતાની સૂઝથી પોતાની દિશામાં આગળ વધે. વડીલોએ પણ યુવાન થયેલા સંતાનને અનુસરવું પડે. બસ એજ રીતે મારે મારા જ સર્જેલા પાત્રોના પ્રવાહો સાથે વહેવું પડ્યું. પાત્રોનો સ્વયંભૂ વિકાશ થયો. અંકૂશ બહાર પોતાની રીતે જ વિકસ્યા. મુળ સત્ય ઘટનાને વફાદાર રહ્યા વગર એ વહેતી વાર્તા આઘુનિક નવલકથા બની ગઈ.

એ વહેતી વાર્તા કેવા વળંકો લેશે, ક્યાં ભટકશે, ક્યાં અટકશે એ કશું જ નક્કી ન હતું. પાત્ર અને પાત્ર સર્જક તરીકે હું પોતે પણ અજાણ હતો. વાર્તા આપોઆપ વહેતી ગઈ. વાર્તાના પ્રવાહમાં હું નવોસવો લેખક ઘસડાયો. સાથે મેં ઘસડ્યા મારા “ગુજરાત દર્પણના” વાચક સમુદાયને. ન્યુ જર્સીમાંથી પ્રગટ થતા માસિક “ગુજરાત દર્પંણમાં” શ્રી સુભાષ શાહે “ન જાણું હું જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે” ના લાંબા શિર્ષક હેઠળ એ વાર્તા પ્રગટ કરવા માંડી. “શ્વેતા” નામકરણથી પુસ્તક રૂપે પ્રગટ થઈ. મિત્રો અને સ્નેહીઓમાં એ પુસ્તક વહેંચાયું. જ્યાં એ નથી પહોંચી શક્યું ત્યાં બ્લોગ દ્વારા આપ સૂધી પહોંચાડવાનો આ નમ્ર પયાસ છે. આ ચીલાચાલુ રોતલ વિધવા નારીના રોદણાંની વાત નથી. આ વાત છે શ્વેતાની. દર ગુરુવારે આપને સાદર થતી રહેશે એક અનોખી નવલકથા “શ્વેતા”

                                                                      *****

“શ્વેતા” મારી પહેલી જ નવલકથા છે. હું મારી જાતને લેખનક્ષેત્રમાં નવો નિશાળીયો ગણું છું. તો એ સંદર્ભમાં મારા સાહિત્યકાર હાસ્યલેખક મિત્ર શ્રી હરનિશ જાની એમની પ્રસ્તાવનામાં લખે છે….

‘સિત્તેર વરસની ઉંમરે અને અમેરિકાના પચાસ વર્ષના લાંબા વસવાટ પછી જે લેખક સમજપૂર્વક કલમ ઊપાડતા હોય અને જેમની આવી કૌવતવાળી ભાષાશૈલી હોય તેને ભલા નવોદિત કેમ કહેવાય!

“શ્વેતા” ની પ્રસ્તાવના “મિત્રને વધાઈ-” માં તેમણે જણાવ્યું કે….

‘એમાં નવાઈની વાત એ છે કે એમણે પચાસ વરસ (૪૦-૫૦ કરતાં ૫૦નો આંકડો સારો લાગે) પચી કલમ ઊપાડી છે. વાર્તા સિદ્ધહસ્ત લેખકની જેમ વહેતી રહે છે. રસભંગ કે પ્રવાહભંગ થતો નથી. વળી આ નવલકથામાં વાચકને જકડી રાખવાનો બધો મસાલો છે. પ્રેમ-લગ્ન-બિકઝનેસ-પાર્ટી-ડ્રગ્સ-દગો-પોલિસ અને જેના વિના વાર્તામાં રસ જ ન પડે એ – સેક્સ – એ બધું જ છે. મારા જેવા વાચકને ખુશ કરવા સેક્સની વાતો, શ્વેતાને છોડીને શ્વેત છોકરીના રોમાન્સમાં લેખકે અજમાવી છે. એ બતાવે છે કે લેખક સાઠનો દાયકો છોડીને નવા મિલેનિયમમાં પ્રવેશી ચૂક્યા છે અને વર્તમાન ગુજરાતી સમાજ ને ચિતર્યો છે.’

                                                                             *******

વી.ટી.સી. સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, સુરતના નિવૃત્ત આચાર્ય અને મારા ગુરુવર્ય પૂજ્યશ્રી ડો. હરિકૃષ્ણ જોષી સાહેબ લખે છે….

ભાઈ પ્રવીણ શાસ્ત્રીની લઘુ-નવલ “શ્વેતા” વાંચી અને માણી.

પાત્રો, પ્રસંગો અને ઘટનાઓના મનભાવન મેળામાં મહાલતાં આનંદ તો થયો જ અને સાથે સાથે મનમાં આકાર લેતી અનુભૂતિઓમાં ખોવાતો પણ ગયો. ઘટના-પ્રધાન એવી આ લઘુ-નવલનાં પ્રસંગો, પાત્રો અને મનોભાવો વાચકને વાર્તા પ્રવાહમાં સફળતાપૂર્વક ખોવાયલો રાખે છે. સ્થળ-પસંદગી કે પ્રસંગ વર્ણન પણ ઔચિત્યસભર રહ્યાં છે.

વાંચન-રસિકો અને જિવનના અવકાશને આનંદમય બનાવવા ઈચ્છતા સૌને આ નવલ ગમશે, એટલું જ નહીં પણ એવી જ અન્ય વાર્તાઓની અપેક્ષા રાખતા પણ કરશે.

તો મિત્રો આપને “શ્વેતા” ન મળી હોય તો આપને જરૂર મળશે ૧૬ જાન્યુઆરી ૨૦૧૪ ને રોજ; આ જ સરનામે

https://pravinshastri.wordpress.com