
પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો
Gujarati Stories
Category Archives: Gujarati Stories
“ડિગ્નિટી”
“ડિગ્નિટી”
પ્રવીણ શાસ્ત્રી
‘ખોડા, હવે હોસ્પિટલ સામેથી તારી પકોડા લારી બીજે લઈ જા. મારી મા તારી સાથે બેસીને ચા પકોડાનો ધંધો કરે એ મને શોભતું નથી. અને ગમતું પણ નથી’
‘દીકરા, હવે તું નાદાન નથી. બાપા સાથે વિવેકથી વાત કરતાં શીખ. નાનો હતો ત્યારે ભલે લાડથી ખોડા કહેતો હતો. પણ મોટા થયા પછી તો બાપા કહેતાં શીખ. વડીલ છે. પંચ્યાસી વર્ષના છે. ઉમ્મરને તો માન આપ.’ રમાએ એના ડોક્ટર દીકરાને હળવેથી શીખામણ આપી.
‘હા હવે હું નાદાન નથી. કોણ બાપા અને કોણ કાકા. હવે તું ડોક્ટરની મા છે. જે હોસ્પિટલમાં હું ડોક્ટર હોઉં ત્યાં તું ચા પકોડા વેચે એ મને શોભે નહીં. ચાલ હવે ડોસલાને ખોડો નહિ કહું. મારા પૂજ્ય બાપાશ્રી હવે તમે પોટલાં બાંધીને તમારા ગામ સિધાવો. હું મારી માને હવે મારો ફ્લેટ મળે એટલે ત્યાં લઈ જવાનો છું. મારી મા પકોડા તળે એ મારાથી હવે નથી જોવાતું. હવે આ સહન નથી થતું. મારે એટલું જ જોઈએ છે કે હોસ્પિટલ સામેથી તારી લારી ખસેડ.‘
અડતાલીસ વર્ષની રમા બીજા દિવસ માટે મરચા વાટતી હતી. ઉભી થઈ અને મરચાવાળા હાથે જ દીકરા કુંદનના ગાલ પર બે તમાચા ઠોકી દીધા. “નાલાયક બાપા સાથે આવી વાત કરે છે? ગેટઆઉટ”
અને ડો. કુંદન પગ પછાડતો એની ગર્લફ્રેંડને ત્યાં ચાલ્યો ગયો. મરચા વાળી થપ્પડથી ગાલા ચચરતા હતા. પણ એના કરતાં તો દશ વર્ષની ઉમરે, એક બપોરે જોયલી ઘટના એના મનમાં વર્ષોથી ચચરતી હતી. નિશાળેથી ઘરે આવ્યો ત્યારે મમ્મી અને ખોડો એક ખાટલામાં ઊંઘતા હતાં. કહેવાતો બાપો ડોસો હતો, અને મારી વિધવા મા સાથે? જાતનો તો દુબળો, ખોડો મારી મમ્મી સાથે? મનમાં તો ઘણું કહેવાનું હતું પણ બોલ્યા વગર ચાલ્યો ગયો.
તે દિવસે બુધાને પુષ્કળ તાવ હતો. રમા એના કપાળ પર મીઠાના પાણીના પોતાં મૂકતી હતી. ધીમે ધીમે તાવ ઉતરતો હતો. બુધો ઊંઘી ગયો. પોતાં મૂકતાં મૂકતાં રમાની આંખ પણ વિંચાઈ ગઈ. એ ટૂંટીયું વાળીને ખાટલામાં ઊંઘી ગઈ. રમાને ખ્યાલ પણ ન હતો કે દીકરા કુંદને આ જોયું અને એના માનસપટપર કાયમની ગેરસમજ અંકિત થઈ ગઈ.
બુધીયો કોથમીર સમારતો હતો.
ધ્રૂજતા સ્વરે એણે ધીમે થી કહ્યું, ‘રમા જુવાન દીકરા પર હાથ ન ઉપાડાય. છ મહિનામાં લોન પૂરી થાય એટલે લારી બંધ કરી દઈશ. તું કુંદા સાથે રહેવા ચાલી જજે. હું જાત્રાએ જઈશ.’
‘દીકરો તો ગમે તેમ કહે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તો સાથે જ રહીશ અને થાય તેવી તમારી સેવા કરીશ.’
બુધાની આંખમાં પાણી હતાં પણ રેલો ના નીકળ્યો. કોથમીર હાથમાં જ રહી ગઈ. એ ત્રીસ વર્ષ પહેલાના અતીતમાં સરી ગયો. એ ત્યારે પંચાવન વર્ષનો હતો. ચાર દિવસ પછી નિવૃત્ત થઈને જાત્રાએ જવાનો હતો.
**
‘ડોક્ટર સાહેબ, મારે રિટાયર નથી થવું.’
‘સોરી, બુધા મેં તો પહેલાં જ કહ્યું હતું કે તારે રિટાયર થવાની જરૂર નથી. ત્રણ વર્ષનું એક્સ્ટેનશન મળતું હતું. પણ રિટાયર થવાને તો તું જ કુદતો હતો. કહેતો હતો કે જાત્રા જવું છે. સોરી હવે એ શક્ય નથી બધા પેપર્સ એપ્રુવ થઈને આવી ગયા છે. તારી જગ્યાએ બીજાને એપોઇન્ટ પણ કરી દીધો છે. ટુ લેઈટ બુધા. પણ કેમ તારો વિચાર બદલાયો?’
‘સાહેબ, મારી જાત્રા તો અહિ જ શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે આપણે ત્યાં દાખલ કરેલી તે રમાને હું મારે ઘેર લઈ જવાનો છું. હવે એનું કોઈ નથી. ફરી પાછું કંઈ આડું અવળું કરી બેસે. સાહેબ, મારા પેન્સનમાંથી એની ડિલીવરી અને બાળકનો ખર્ચો કેવી રીતે નીકળે? નોકરી તો કરવી જ પડશે.’ નવા આવેલા યુવાન ચીફ મેડિકલ ઓફિસર ડો. દેસાઈને બુધા માટે કૂણી લાગણી હતી.
બે દિવસ પહેલાં રમા નામની અઢાર વર્ષની પ્રેગનન્ટ યુવતીએ નદીમાં પડીને આત્મહત્યાની કોશીશ કરી હતી. પણ કોઈકે એને બચાવી લીધી અને સરકારી હોસ્પિટલમાં મુકી ગયો હતો.
બુધો એ હોસ્પિટલનો પટાવાળો કમ વોર્ડબોય હતો. ચોપડે ચઢેલું મૂળ નામ તો બુધીયો કેશવ. પણ બધા એને બુધો કે ખોડો જ કહેતાં. પગની ખોડ. ખોડું ચાલે. માત્ર પાંચ ચોપડી ભણેલો. ગામડીયો. સરકારી હોસ્પિટલમાં વોર્ડબોયની નોકરી તો મળી ગયેલી પણ કોઈ છોકરી ન મળી. ખુબ ભલો માણસ. ડોક્ટર અને નર્સોનું દોડી દોડીને કામ કરે. પેશન્ટના ઝાડા પેશાબ પણ સાફ કરે. અરે ડોક્ટર અને નર્સને ઘરે જઈને પણ નાના મોટા કામ કરી આવે. એ હોસ્પિટલની સામેની ચાલીમાં જ એક નાની ઓરડીને જ મહેલ માનીને રહેતો હતો.
એ ભલા માણ્સે રમાને ઓળખી કાઢી. પોતાના ગામના પરષોત્તમ માસ્તરની દીકરી. કાકાને ત્યાં ઉછરેલી. પરષોત્તમ માસ્તર પાસે જ એ ત્રણ ચોપડી ભણેલો. એની મા માસ્તરને ત્યાં કામ કરવા જતી. કોઈવાર મા સાથે એ પણ માસ્તરને ત્યાં જતો. માસ્તર એને સ્લેટ પેન પણ આપતા. પણ મા મરી ગઈ. પાંચ ધોરણ ભણીને શહેરમાં ગયો. હોટલમાં નોકરી કરી. પછી સરકારી હોસ્પિટલમાં લાગી ગયો. અવાર નવાર ગામ જતો. માસ્તરના પત્ની નાની બાળકી મૂકીને અવસાન પામી. થોડા મહિના પછી માસ્તર પણ વિદાય થયા. બુધીયો ગામમાં જતો અને બધાને સલામ મારી આવતો. એ રમાને ઓળખતો હતો. રમા કાકાકાકી સાથે રહેતી હતી.
‘દીકરી રમા, બેન શું થયું?’
‘કોણ ખોડો? તું આ હોસ્પિટલમાં છે? મને કોણે બચાવી? કેમ બચાવી? ડોક્ટરને કહો કે મને મરવાની દવા આપે. મારે જીવવું નથી. આ કલંક સાથે મારાથી નહિ જીવાય. કાકીએ મને કાઢી મુકી છે. ગામમાં બધા મને વેશ્યા કહે છે. શું મોઢું લઈને જીવુ? હું ક્યાં જાઉં? મારે મરવું છે.’
બ્રાહ્મણની દીકરી રમાને ગામના વાણીયા શેઠના દીકરા વસંત સાથે સારી દોસ્તી હતી. છાની છપની મુલાકાતો પણ થતી હતી. બન્ને બાજુના શહેરની કોલેજમાં પહેલા વર્ષમાં સાથે ભણતા. રમા બસમાં જતી. શેઠનો દીકરો વસંત કારમાં જતો. કોઈક વાર એ રમાને પણ કારમાં લઈ જતો. એક દિવસ રમા બસમાં બેસવા જતી હતી વસંતે કહ્યં ચાલ મારી સાથે. બસ તારે ઘેર સાંજે સાત વાગ્યે પહોંચાડશે. હું તને તે સમયે પહોંચાડી દઈશ. વચ્ચે દોસ્તો સાથે ખાવા પીવાની મજા કરી લઈએ. રમા દોસ્ત હતી. એને પણ વસંત ગમતો હતો. એ અજાણ્યો ન હતો. એ એની કારમાં બેસી ગઈ.
વચ્ચે એક બંગલીમાં રોકાયા. ચાર પાંચ બીજા અજાણ્યા છોકરાંઓ પણ હતા. ધિંગામસ્તીમાં ન થવા જેવું થઈ ગયું. રમાને ચાર પાંચ છોકરાઓએ ચૂંથી નાંખી.
માબાપ વગરની રમાને કાકાકાકીએ ઉછેરી હતી. કાકીનો સ્વભાવ તામસી હતો. એ ખામોશ રહી. પણ અઢી મહિના પછી એનું પેટ ખામોશ નહિ રહ્યું. વસંત નામુકર ગયો એટલું જ નહિ પણ મિત્રો સાથે અફવા વહેતી કરી કે એ કોલેજમાં આવતી અને છોકરાઓ સાથે “ઘંધો” કરતી.
કાકીએ રમાને ઘરની બહાર કાઢી મુકી. એણે ગામ અને શહેરની વચ્ચે આવતી નદીમાં ઝંપલાવ્યું. પણ કોઈ માછીએ એને જોઈ. બચાવી લીધી અને સરકારી હોસ્પિટલમાં મુકી આવ્યો. બસ ગામની છોડી એટલે બહેન દીકરી. બુધો એને સમજાવી પટાવીને પોતાની નાની રૂમમાં લઈ આવ્યો.
‘દીકરી. માનવ દેહ કુદરતની દયાથી જ સર્જાય છે. એનો નાશ કરીયે પાપમાં પડાય. હું તારો બાપ બનીશ. આવનાર બાળકનો કોઈ જ દોષ નથી. મારાથી થાય એટલું કરીશ. અભણ બુધાએ બહુ મોટી વાત કરી દીધી. ‘મોટા દાક્તર બહુ ભલા છે. આપણને મદદ કરશે. નર્સ શાંતાબેન પણ મને ભાઈ જ માને છે. એને કહીશ. એતો ગરીબોના છાપરામાં જઈને પણ ડિલીવરી કરાવે છે. તારી પણ એ જ કરાવશે. જરા પણ ચિન્તા નહિ. તુ બામણની દીકરી છે. મારા હાથનું ન ખવાય તો તું ધીમે ધીમે તારી રસોઈ કરી દેજે’
રમાની પાસે કોઈ જ શબ્દો ન હતા. એના વહેતાં આંસુઓએ આભાર કહી દીધો. વાંકી વળીને ખોડાના પગ પર લાગેલી ધૂળ માથે ચડાવી. બુધો એનો બાપ બની ગયો.’
સમય પહેલાં જ રમાએ બાળકને જન્મ આપ્યો. નર્સ શાંતા બહેને ઘરમાં જ ડિલિવરી કરાવી હતી. પણ મા દીકરાની તબિયત નાજુક હતી. પણ બન્ને જીવી ગયાં. ઉછેર માટે તો પૈસા જોઈએ જ ને. મોટા ડોક્ટર દેસાઈ સાહેબે સલાહ આપી; “બુધા, નોકરી તો નથી પણ તું ધંધો શરૂ કર.”
“સાહેબ ધંધો. મને શું આવડે”
“અહિ તું અમારે માટે સરસ ચા બનાવતો હતો. બસ હોસ્પિટલ સામે ચા પકોડાની લારી શરૂ કર. અમે બધા તારી ચા પીશું. અને પકોડા ખાઈશું.” પંચાવન વર્ષના ખોડાનો નવો ધંધો શરૂ થયો. બે વર્ષ પછી રમાની તબિયત સારી થઈ.
“બાપા, હું તમને મદદ કરું”
“ના તું તારા દીકરાને સંભાળ. આપણે એને ખુબ ભણાવશું એને દાક્તર બનાવીશું. તું ભણેલી છે. તુંજ એને રોજ ટ્યૂશન આપજે” ભુધાએ જાણે અજાણ્યે રમાને જીવવા માટે એમા માનસમાં એક સ્વપ્ન રોપી દીધું. દીકરાએ નિશાળે જવા માંડ્યું અને રમા દીકરાને ભણાવતી અને બુધાને મદદ કરતી.
મોટા થતા દીકરાને કહેવામાં આવ્યું કે તારા પપ્પા તારો જન્મ થયો તે પહેલાં જ મરી ગયા હતા. નાના બાળકને એવો ખ્યાલ હતો કે ખોડો એની મમ્મીના ગામનો નોકર છે. અને મમ્મીના પૈસે ચા પકોડાનો ધંધો કરે છે. બાળકને શું સમજાવવાનું! મોટો થશે અને સમજશે.
ખોડો બુધો એને ડોક્ટર બનાવવા જાત ઘસી નાંખતો હતો. ભણવામાં અનેક ટ્યૂશનની ફીઝ માટે પકોડાના પેણાં પર પરસેવાના રેલા ઉતારતો હતો. બારમા ધોરણમાં સારા પરસન્ટેજ આવ્યા છતાં પણ મેડિકલ કોલેજમાં દાખલ થવા ડોનેશનની જરૂર પડી. ખોડાએ મોટા દાક્તર પાસે ખાનગી લોન લીધી. હોસ્પીટલના મોટા ડોકટર એને સારી મદદ કરતા. એને વગર વ્યાજની લોન આપી. કુંદનને ખબર જ ન હતી કે પૈસા ક્યાંથી આવે છે. એ તો એમ જ સમજતો કે આ બિઝનેશ એની મમ્મીનો છે અને કહેવાતો બાપો એમનો નોકર છે. એ મનમાં સમજતો રહ્યો, મા દીકરા વચ્ચે કદીયે સ્પષ્ટતા થઈ નહિ.
ખોડો સમજતો રહ્યો. મેં બે જીવ બચાવ્યા. જેમને જીવાડ્યા એમને પાળવું પોષવું એ ફરજ અને ધરમ જ છે. રમા સમજતી હતી દીકરો ડોક્ટર થશે અને અમે મા દીકરો બન્ને બાપ સમાન ખોડાની સેવા કરીશું.
દીકરો તો હોસ્ટેલમાં રહીને ભણ્યો. મગજમાં એ જ તુમાર હતો. હું મારી હોશિયારી, સ્કોલરશીપ અને સ્માર્ટનેશથી જ ડોક્ટર બન્યો છું. એને અસલ મૂળ વાત તો ખબર જ ન હતી કે ભણવાના પૈસા પકોડાની લારીમાંથી જ આવતા હતા. ખોડાની વિનંતીઓથી હોસ્પિટલના મોટા ડોક્ટરની ભલામણ લાગવગથી જ એ ડોક્ટર બની શક્યો હતો. ઈંટર્નશીપ પણ મોટા ડોક્ટરના પ્રયાસે જ ચાલી સામેની હોસ્પિટલમાં મળી હતી.
અને હવે એર્ને પકોડાની લારીની શરમ આવતી હતી. પંચ્યાસી વર્ષનો બુધીયો લારી પર ચા બનાવતો. રમા સરસ પકોડા બનાવતી. સવારે છ વાગ્યાથી ચા ગોટા શરૂ થઈ જતા. પછી સમોસા, પકોડા ચા આખો દિવસ ચાલુ રહેતા. સાંજે સમોસા-રગડા અને પાંઉની ભરેલી લારી ખાલી થઈને રાત્રે ચાલી પાસે ઉભી રહેતી. હોસ્પિટલ સ્ટાફને ચા પકોડાનું વ્યસન થઈ ગયું હતું. દરદીઓના સગાઓ અને મુલાકાતીઓ પણ ચા પકોડા વગર પાછા જતાં ન હતાં. દર શનીવારે કંદ પૂરી ખાવા એની લારી પર લાંબી લાઈન લાગતી. બસ સરસ રીતે ધંધો ચાલતો હતો. સ્વચ્છ, સસ્તું અને સ્વાદિષ્ટ ખાવાનું કોને ના ફાવે?
પણ ડોક્ટર કુંદન ને એ કઠતું હતું. આવતી કાલથી એ હોસ્પિટલમાં નોકરી શરૂ કરવાનો હતો. રમા કેટલીક વાર જાતે હોસ્પિટલમાં જઈને ડોક્ટરોની ઓફિસમાં કે લંચ રૂમમાં ચા પકોડા પહોંચાડતી. કુંદનની ઈજ્જત જતી હોય એવું એને લાગ્યું. એ બુધાનું અપમાન કરીને ચાલ્યો ગયો.
બીજી સવારે છ વાગ્યે હોસ્પિટલ સામે બુધાની ચા ગોટાની લારી ન દેખાઈી. રોજની આદતવાળા ડોક્ટર નર્સ અકળાતાં હતાં. એક નર્સ તો દોડીને બુધાની રૂમ પર તપાસ કરવા ગઈ. પણ એની ઓરડી પર તાળું હતું.
ડોક્ટર કુંદનનો આજે પહેલો દિવસ હતો. એણે સિવિલ સર્જન ડો. દેસાઈને સવારે સાત વાગ્યે રિપોર્ટ કરવાનો હતો. એ જ મોટા ડોક્ટર જેણે કુંદનને ખાનગી રાહે મેડિકલમાં એડમિશન અપાવ્યું હતું. એ જ ડોક્ટર જેને તદ્દન નીચલી કક્ષાના બુધા ખોડા માટે લાગણી અને આદર હતો, એ જ ડોક્ટર જેણે કુંદનના એડમિશન ડોનેશનમાટે ચાર લાખ જેવી રકમ વગર વ્યાજે બુધાને આપી હતી; એ ડોક્ટર એની કેબીનમાં ચા ગોટા વગર આંટા મારતા હતા.
“વેર ઈસ માઈ ટી?” એની સામે જ હોસ્પિટલની કેન્ટિનની ચાનું આખું મગ પડેલું હતું પણ તેને તેઓ અડક્યા પણ ન હતા,
‘મે આઈ કમ ઈન સર.’
‘ડોક્ટર કુંદન, કમ ઈન માય બોય. આઈ વોઝ વેઇટિન્ગ ફોર યુ. યોર મધર એન્ડ બુધો ઈઝ મિસીંગ. આઈ વોન્ટ ટી એન્ડ ગોટા. રન એન્ડ ગેટ ઈટ. ગેટ આઉટ.’
કુંદનને તો બિચારાને ખ્યાલ જ ન હતો કે ચીફ સર્જન એને ચા લેવા મોકલશે. હોસ્પિટલનો સ્ટાફ તો ડોક્ટર દેસાઈના મિજાજ અને સ્વભાવથી ટેવાયલા હતા. બિચારો દોડ્યો. મોટા થયા પછી વેકેશનમાં પણ એ મમ્મીની રૂમમાં રહેવાનું ટાળતો. હોસ્ટેલમાં પડી રહેતો કે ગર્લફ્રેન્ડને ત્યાં રહેતો. બિચારાને દોડવું પડ્યું. ઓરડીને તાળું હતું.
પાડોસીને પુછ્યું “મારી મમ્મી ક્યાં છે?”
‘એ તો બુધાબાપા સાથે લારી લઈને સ્ટેશન પાસે ગઈ છે. હવે એ ત્યાં ઉભા રહેવાના છે. હવે હોસ્પિટલ સામે ધંધો નથી કરવાના.’ પાડોસીએ જવાબ આપ્યો.
કુંદન વીલે મોઢે પાછો ડોક્ટર દેસાઈ પાસે પહોંચ્યો. ‘સર, બુધો તો લારી લઈને સ્ટેશન પર ગયો છે.’
‘વ્હોટ? યુ સ્ટુપિડ ઈડિયટ. મારી સામે શું જૂએ છે? મેં તને ચા લેવા મોક્લ્યો હતો. દોડ અને એ લારી અહિં ખેંચી લાવ. રન, એટ નાઈન ઓ’ક્લોક આઈહેવ ઓપન હાર્ટ સ્કેડ્યુલ. રન, બાઘાની જેમ મારી સામુ ના જો.’
બિચારો કુંદન ટાઈ સાથે જ દોડ્યો. સ્ટેશન દશ મિનિટ જેટલું જ દૂર હતું.
‘મમ્મી જલ્દી ચાલો. મોટા ડોક્ટર અને હોસ્પિટલનો બધો સ્ટાફ તમારી રાહ જૂએ છે.’
‘ના બેટા અમારે ત્યાં નથી આવવું. ધીમે ધીમે અહિ પણ ઘરાકી બંધાઈ જશે. ત્યાં તારી આબરૂનો સવાલ આવે એવું નથી કરવું.’
‘પ્લીઝ મમ્મી અત્યારે એ વાતનો સમય નથી. મોટા ડોક્ટર ગુસ્સે થશે તો મારી ઈંટ્યર્નશીપ કેન્સલ થઈ જશે. તમે રિક્ષામાં હોસ્પિટલ પાસે પહોંચો. હું લારી લઈને આઉં છું.’
એણે પાસે ઉભેલી રિક્ષામાં રમા અને બુધાને ધકેલી દીધા. રિક્ષા રવાના થઈ. કુંદને લારી પરના બે સ્ટોવ બંધ કર્યા. હળવેથી તેલનો પેણો નીચે ઉતાર્યો અને સૂટ ટાઈ સાથે લારી લઈને દોડ્યો. હાંફતો હાંફતો હોસ્પિટલ પહોંચ્યો. ઘણાં લોકો એને જોતા હતા. પણ એને પડી ન હતી. એને ખબર હતી કે ડિગ્રી મેળવવી સહેલી છે પણ અઘરામાં અઘરું ડોક્ટરના હાથ નીચે ઈંટર્ન તરીકેનો સમય પસાર કરવાનું અને શીખવાનું છે. ઈંડિયાના કેટલાક ડોક્ટર ગુરુકુળના ગુરુ જેવા જ હોય છે. ઈંટર્ન્સને ખખડાવે પણ અને કામ પણ કરાવે.
બે સ્ટોવ ધમધમતા થયા. ચા અને ગોટા તળાયા. ડોક્ટર કુંદન. એક નાની કિટલીમાં ચા અને તાજા ગરમ ગોટા લઈને દેસાઈ સાહેબની ઓફિસમાં દોડ્યો. સાહેબના બન્ને ગલોફામાં ગોટા હતા. સબડકા સાથે ચા પીવાઈ ગઈ.
‘થેક્સ માઈ બોય. હવે આ કપ લઈ જા અને તારી મમ્મી અને બુધિયાબાપાનેને પગે લાગીને એના બ્લેસિંગ લઈને આવ. આજે તારો પહેલો દિવસ છે. પછી સ્ક્રબ પહેરી ઓપરેશન થિયેટરમાં આવ. મને ખબર છે કે ડોક્ટર થતાં પહેલા જ તારા મગજમાં કંઈ ધૂમાડો ભરાયો છે. હું તારી મમ્મીને તારો હેવાલ પુછતો રહેતો હતો. મારા ફાધર પણ સરકારી પટાવાળા હતા. રિમેંબર, ઓલ વર્ક હેઝ ઈટ્સ ઔન ડિગ્નિટી. ધીસ ઈઝ યોર ફર્સ્ટ લેશન.’
[ગુજરાત દર્પણ સપ્ટેમ્બર ૨૦૧૯.]
દીક્ષા
પ્રવીણ શાસ્ત્રી
દીક્ષા
હિરાચંદ શેઠની સંપત્તિ રસ્તા પર ઉછળતી અને વેરાતી હતી. પુત્રી યશસ્વીની આજે દીક્ષા પૂર્વેની વરસીદાન રથયાત્રા હતી. આવતી કાલ પછી સ્કુટર પર ઉડતી કે ફરારીમાં ફરતી દીકરી, હાઈહિલના સેન્ડલ વગર ઉઘાડા પગે ચાલશે. બાપનું કાળજું કોતરાતું હતું. તો બીજી બાજુ કાકામાણેકચંદ હરખ ઉત્સાહથી રસ્તા પર નાણા ઉછાળ્યે જતા હતા. કાકી વૈશાલીનો હરખ સમાતો ન હતો. મા વગરની યશસ્વીને કાકીએ જ ઉછેરી હતી. ભત્રીજી યશસ્વીનું ગઈકાલે જ બારમાં ધોરણ નું પરિણામ આવ્યું હતું. દર વર્ષે પંચાણુ ટકા કરતાં વધુ માર્ક લાવનાર યશસ્વી નાપાસ થઈ હતી. કાકી સાથે એક પ્રખર મુનિના પ્રવચન સાંભળવા ગઈ હતી અને પરીક્ષા આપવાનું માંડી વાળ્યું હતું. એ વૈશાલી કાકીને વ્હાલથી આન્ટીમૉમ કહેતી.
આન્ટીમૉમે જ કહ્યું હતું “બેટી, આ તો નિરર્થક સાંસારિક શિક્ષણ છે. એની તને શું જરૂર. તું તો મોક્ષના માર્ગનું અધ્યયન કરી રહી છે. દીકરી તેં તો કલ્પસૂત્ર જેવા મહાગ્રંથનો અભ્યાસ કર્યો છે. તારો હવે પછીનો અભ્યાસ તો નિર્વાણની દિશા તરફનો જ હશે. તારો જન્મ આ સંસારને માટે થયો નથી. તું એક વિશિષ્ઠ વ્યક્તિ છે. બેટી હવે દુન્યવી ભણતરનું શું કામ?”
કાકા કાકીએ જ યશસ્વીને ઘર્મ પરાયણ બનાવી હતી. પોતાનો પુત્ર મિતેશ તો દેરાસરમાં પગ પણ મુકતો ન હતો. ધર્મ પ્રતિબંધીત બધા જ શોખ માણતો હતો. આવતી કાલે યશસ્વી દીક્ષા લઈ સંસારના સર્વ ભૌતિક સુખ અને વળગણો ત્યાગીને સાધ્વી થવાની હતી. હિરાચંદની દુનિયા લુંટાઈ રહી હતી. તેઓ આજે સગાવ્હાલાની ભીડમાં ફંગોળાતા અભાનપણે બેટીના રથની સાથે આગળ વધતા હતા.
ભવ્ય રથયાત્રા જોવા અને ઉછળતા નાણાં વણવા હજારો માણસો ભેગાં થયાં હતાં. પ્રખ્યાત બેન્ડના બોલિવૂડી સંગીતની ધૂન પર રચાયલા ભજનો પર યુવક યુવતીઓ મન મૂકીને નાચતાં હતાં. યશસ્વીનો રથ સાત શણગારેલા અશ્વો ખેંચતા હતા. આગળ એક ગજરાજ હતો. યશસ્વી રાજકુંવરીના ભવ્ય શણગારોથી શોભતી હતી. આગળ પ્રભુજીના બે રથ પાંચ પાંચ અશ્વો ખેંચતા હતા. બીજા અગ્યાર ઘોડા અને પાંચ બગી વરઘોડાની ભવ્યતાની બાંગ પોકારતી હતી. શંખવાદકો શંખ નાદ કરતાં હતા, કાઠિયાવાડી રાસમંડળી, નગારા મંડળીઓ તેમની કલાથી મનોરંજન પૂરું પાડતી હતી. આવી ભવ્ય શોભાયાત્રા આ શહેરમાં પહેલી જ હતી. ષોડસી રૂપસુંદરી દુલ્હનની જેમ શણગારાઈ હતી. આ એનો છેલ્લો શણગાર હતો. કાલથી એના દેહ પર માત્ર બે જ શ્વેત વસ્ત્રો વિંટળાયલા હશે. થોડે થોડે સમયે યશસ્વી મુઠી ભરીને ટોળાઓ ઉપર સોના ચાંદીના સિક્કાઓનો વરસાદ વરસાવતી હતી. એના ઊછાળેલા સિક્કા જેના હાથમાં સીધા ઝીલાતાં તેઓ પોતાને ભાગ્યશાળી માનતા. પણ પિતા હિરાચંદ શેઠની ભાગ્યરેખા આજે પૂર્ણ થતી હતી.
રથમાં બેઠેલી યશસ્વીને એક અપવિત્ર વિચાર આવી ગયો. જાણે તેજસ એની બાજુમાં જ બેઠો છે અને એ પરણીને સાસરે જઈ રહી છે. પણ ના આવતી કાલથી એને ઉપાશ્રયમાં રહેવાની ગોઠવણ થઈ ચૂકી હતી. એના લાંબા રેશમી વાળના સેંથામાં સિંધુર નથી પુરાવાનું. એ જાણતી હતી કે માથા પરના વાળ એક પછી એક તણાશે. મૂળીયામાંથી ઉખડશે. ઓહ! એને યાદ આવી ગયું. જ્યારે પહેલી વાર આઈબ્રો ઠ્રેડિંગ કરાવ્યું હતું ત્યારે કેટલું ખેંચાયું હતું અને હવે? કમકમા આવી ગયા.
પુસ્તકમાંના અનેક કઠોર નિયમો વાંચ્યા અને સમજ્યા હતા. બધા જ કરે છે હું પણ કરીશ. બસ બે દિવસ પહેલાં એ નવજીવન માટે તૈયાર હતી. રથમાં બેસીને ઝાકમઝોળ માહોલમાં અંદરથી તે ધ્રૂજતી હતી. આવતી કાલની કલ્પનાથી મનોબળ ભાંગતું જતું હતું. રથમાંથી ઉતરીને નાસી જવાનો અપવિત્ર વિચાર આવી ગયો. અબજપતિ રૂવાબદાર હિરાચંદ બાપ આંસુ સાથે રથની બાજુમાં ચાલતો હતો. ઘસડાતો હતો.
યશસ્વીનો દીક્ષાનો ઉમંગ ગઈકાલે જ ઓસરી ગયો હતો. વહેલી સવારે એ કાકાકાકીને બંગલાની બાલ્કનીમાં ખાનગી વાત કરતાં સાંભળી ગઈ હતી. એક ભયંકર આંચકો લાગી ગયો. એ તૂટી ગઈ. હત્તપ્રદ થઈ ગઈ. શું આ કારણે મારે દિક્ષા લેવાની છે. શું આ કારણે મારે સંસારસુખ ત્યાગીને સાધ્વી થવાનું છે?
પપ્પાએ દીક્ષા ન લેવા માટે કેટલી સમજાવી હતી. પણ એને તો આ સંસારમાંથી મુક્તિની ધુન લાગી હતી. હાઈસ્કુલ મિત્ર તેજસે કેટલીયે વાર કહ્યું હતું “યશ્વી આઈ લવ યુ. બસ તું અને હું. જીવનના સુખદુખ સાથે માણીશું. એ આઠમા ધોરણમાં હતી ત્યારે તેજસે એને પહેલી કીસ કરી હતી તે યાદ આવી ગયું. ચાર વર્ષ પહેલાંનો એ સ્પર્શ અત્યારે પણ રોમાંચની ધ્રૂજારી જગાવી ગયો. એણે જો પપ્પા અને તેજસની વાત માની હોત તો આ દિવસ ના આવતે. આજે ખોટું ખોટું હસતી હતી અને સિક્કા અને વરસાવતી હતી. એના પર પણ પુષ્પોનો વરસાદ થતો હતો. એની જય બોલાતી હતી. એનું મન ક્યાંક બી જે જ હતું.
વરઘોડો આગળ વધતો હતો. જ્યાં એને અટકવાનું હતું તે દેરાસર નજીક આવતું હતું. એની વિહ્વળ નજર કોઈકને શોધતી હતી. શું એને મારો મેસેજ મળ્યો ન હોય! એ કેમ આવ્યો નહિ. એના પગ પર ઠંડા રેલા ઉતરી રહ્યા હતા.
એવામાં યશસ્વીના રથની બાજુમાં નૃત્યની મસ્તી માણતા ટોળામાં વૈશાલીકાકીને કોઈનો ઘક્કો લાગ્યો. કાકી પડી ગયા, માથામાં વાગ્યું. લોહી લુહાણ થઈ ગયા, કાકી માનવ મેદનીમાં ઘેરાઈ ગયા. તરત જ એક એમ્બ્યુલન્સ આવી ટોળાએ માર્ગ કરી આપ્યો,
પણ આ શું? એમ્બ્યુલન્સનો દરવાજો ખૂલ્યો. બે યુવાને યશસ્વીને ઉંચકીને એમ્બ્યુલન્સમાં નાંખી અને પળ વારમાં જ એમ્બ્યુલન્સ સાયરન સાથે ભીડ ચીરતી દોડવા લાગી. બધા બુમ પાડતા જ રહી ગયા. ટોળુ એમ્બ્યુલન્સ પાછળ દોડતું હતું. અરે! અરે! યશસ્વીજીને નહિ, વૈશાલી બહેનને ઈજા થઈ છે. પણ એ બુમરાણનો કોઈ અર્થ ન હતો. ક્ષણમાં એમ્બ્યુલન્સ નજર બહાર નીકળી ગઈ.
એમ્બ્યુલન્સવાળાની ભુલ હતી? ત્યાં તો કોઈકે બુમ પાડી યશસ્વીનું અપહરણ થયું છે, અબજોપતિની દીકરી છે. છોડાવવા કરોડોની માંગણી થશે. શ્રાવક દીક્ષાની શોભાયાત્રાના ઈતિહાસમાં આવું કદીએ બન્યું નથી. બની શકે જ નહીં. પણ આજે જે બન્યું એ હકીકત છે. એક બાજુ કાકી વૈશાલી ઘાયલ થયાં હતાં બીજી બાજુ યશસ્વીને એમ્બ્યુલન્સ ઉપાડી ગઈ હતી. ક્ષણવારમાં સાધ્વી થનાર યુવતીના અપહરણના સમાચાર સોસિયલ મિડિયામાં વાઈરલ થઈને દેશ દેશાંતરમાં ફરતા થઈ ગયા.
કાકા પત્નીની ચિંતા અને અપહરણની વાતથી રઘવાયા થઈ ગયા હતા. શું કરવું તે સમજાતું ન હતું. હિરાચંદને લોકોએ એક કારમાં બેસાડી દીધા. હિરાચંદ શેઠ કારમાં બેસીને નવકાર મંત્રની માળા જપતાં હતાં.
દશ મિનિટમાં પોલીસ હેડક્વાર્ટરમાંથી હિરાચંદ શેઠ પર ડિ.એસ.પી. સાહેબનો ફોન આવ્યો. “શેઠજી આપની દીકરી સલામત છે. અત્યારે અમારી પૂછપરછ ચાલુ છે. એ પૂરી થયે આપને જણાવીશું કે આપ એને ક્યાં અને ક્યારે મળી શકો છો. અડધા કલાક પછી બીજો ફોન આવ્યો. આપ પરિવાર સહિત પોલીસ સ્ટેશન પર આવો.
સમાચાર અને અટળકો ફેલાતી રહી. હજારો માણસોના ટોળાં શહેરના પોલીસ સ્ટેશનની આજુબાજુ જમા થવા લાગ્યાં. મિડિયા કેમેરા અને રિપોર્ટરો પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યા. ટોળાંએતો યશસ્વીને આજે જ સાધ્વી જાહેર કરી દીધી. ‘સાધ્વીજી કહાં હૈ?’ ‘હમેં સાધ્વીજીકા દર્શન ચાહીયે.’ ‘કિડનેપરકો ફાંસી દો.’ ‘કિડનેપરકો હમેં શોંફ દો. હમ ઉસ્કા ન્યાય કરેંગે.’
બીજો કલાક નીકળી ગયો. ટેન્શન વધતું હતું. આજુબાજુ પોલીસ કોર્ડન વિસ્તરી. માઈક ગોઠવાયા. પોલીસ સ્ટેશનની આજુબાજુના ઉંચા મકાનોની બારી અને બાલ્કનીમાં ગોઠવાયલા કેમેરા પોલિસ સ્ટેશનના ઓટલા પર ઝૂમ થયા.
સૌથી પહેલાં હિરાચંદ શેઠ બહાર આવ્યા. પછી ડીએસપી સાહેબ અને કલેક્ટર સાહેબ બહાર આવ્યા. બુમો પડી ‘હમેં તો સાધ્વીજી કા દર્શન ચાહીયે. સાધ્વીજી અમર રહો.’
અને એક મહા આશ્ચર્ય!
ટીનેજર યશસ્વી તેના મિત્ર તેજસનો હાથ પકડી જીન અને ટીશર્ટમાં હાજર થઈ. કલેક્ટર સાહેબ માઈક પાસે આવ્યા. ‘આ બનાવ અંગેનો જાહેર ખુલાસો મીસ.યશસ્વી પોતે જ આપશે. અત્યારે એ કોઈ પ્રશ્નનો ઉત્તર આપશે નહિ.
વ્હાલા પપ્પાજી અને પ્રેમાળ જનતા જનાર્દન. આપ સૌને જય જીનેન્દ્ર. સાદર નમસ્કાર. આપના પ્રેમ અને લાગણી બદલ હું ખુબ જ આભારી છું. આજે જે કાંઈ બન્યું તેને માટે સૌ સ્નેહીઓ અને સમાજની ક્ષમા માંગું છું.
મારા જન્મ પછી મારી માતાનું અવસાન થયું હતું. મેં મારી માતાનું મોં પણ જોયું નથી. મારી બે વર્ષની ઉમ્મર પછી મારા સાવકા કાકાશ્રી માણેકચંદ અને વૈશાલી કાકી અમારા ઘરમાં રહેવા આવ્યા. મારા પપ્પાજીને નાનપણમાં જ સાવકી માએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. મારા પપ્પાજીએ સખત પરિશ્રમ દ્વારા કુશળતાથી આજની સંપત્તિ ભેગી કરી છે. સાવકા કાકાએ શેરબજારના સટ્ટા અને મોજશોખમાં બધું જ ગુમાવી દીધું હતું. જેમની સાથે બોલવા મોં જોવાનો સંબંધ ન હતો એ ભાઈને મારા પપ્પાએ આશરો આપ્યો.
મારો ધાર્મિક ઉછેર અને સંસ્કાર મારા કાકીને આભારી છે. એમને હું આન્ટીમૉમ કહું છું. મને મારા પપ્પાજીનો ખુબજ પ્રેમ મળ્યો છે. મને આઠ વર્ષની ઉમ્મરથી જ જૈન ફિલોસોફી અહિંસા અને ત્યાગની વાતો સમજાવવામાં આવતી રહી છે. એમાં કશું ખોટું પા નથી. ધીમે ધીમે જૈન શાસ્ત્રના પુસ્તકો વાંચતી થઈ. પ્રવચનોમાં રસ પડવા માંડ્યો.
બીજી બાજુ મારા મિત્ર તેજસે મને એની તરફ ખેંચવા માંડી. તેજસ મારો જીગરજાન દોસ્ત છે. કાકીએ તેજસને મળવા પર પ્રતિબંધ મુકી દીધો. અમે મળતા નહિ પણ કાયમ ટેક્સ્ટ દ્વારા કોન્ટેક્ટમાં રહેતા.
આન્ટીંમૉમ મને દેરાસર, અપાસરાના મુનિઓ અને ઉપદેશ આપતા આચાર્યો તરફ વાળતા રહ્યા. જ્યારે ધર્મપુસ્તકો કે પ્રવચનો સાંભળતી ત્યારે થતું કે આ સંસાર નકામો છે તો બીજી બાજુ ભૌતિક સુખની ભૂખ આંતરમનમાં મરી પરવારી ન હતી. જીવંત હતી. હું, બાર- ચૌદ વર્ષની ઉમરમાં જાગતા હાર્મોન્સને દબાવવાની કોશીષ કરતી રહી હતી. જે ઈચ્છાઓ જાગતી તેને આદેશ પુસ્તકો દ્વારા દફનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતી રહેતી. મારા કરતાં નાની ઉમ્મરના બાળકો જ્યારે દીક્ષા લઈને મોક્ષને માર્ગે જાય છે તો હું કેમ નહિ. કાકા કાકી દીક્ષા માટે પ્રોત્સાહન આપતા રહ્યા.
પપ્પાજી તો આખો દિવસ તો બિઝનેશમાં વ્યસ્ત હોય પણ રોજ રાત્રે અડધો પોણો કલાક મારી રૂમમાં આવીને બેસતા અને વાતો કરતાં. મને ડોક્ટર થવાનું દબાણ કરતાં. હું લાગણીઓના જાળામાં ગુંચવાયલી અને ફસાયલી રહી
આખરે એક દિવસે નિર્ણય લેવાઈ ગયો. બસ એક દિવસ રાજકુંવરીનો દબદબો માણીલેવો છે પછી સાધ્વી જીવન જીવી લઈશ. પણ પપ્પાના આશિષ ના મળ્યા. તેજસે પોતે ઝેર ખાવાની ધમકી પણ આપી હતી. એને પણ મેં ના ગણકાર્યા. મેં જાહેર કરી દીધું કે હવે મેં સૌ સગપણનો ત્યાગ કરી દીધો છે. તેજસે તો મેસેજ કર્યો પણ કે તારી દીક્ષા અહિંસક નથી. હિંસક છે. તું તારા પિતાને ઘીમે ઘીમે મૃત્યુ તરફ ઘકેલી રહી છે. એમની લાગણીનો ધ્વંસ કરી રહી છે. વિગેરે વિગેરે ઘણાં સંદેશા મોકલ્યા. મેં એ જોવાનું બંધ કર્યું. આખરે એ દિવસ આવી ગયો.
બે દિવસ પહેલાં બંગલાની બાલ્કનીમાં કાકા કાકી વાત કરતાં હતાં. ‘હાશ વૈશાલી. આખરે તેં તારું ધારેલું અહિંસક રીતે પાર પાડ્યું. યશસ્વી દીક્ષા લઈ લે એટલે બેડો પાર. દીકરીના આઘાતમાં ડોસો મરી ગયો એ જાહેર કરવાનું તો રમતની વાત છે. પછી બધું આપણું અને આપણા દીકરાનું જ. આપણે જ ડોસાની જાયદાદના સીધા વારસદાર. હું અબજપતિ માણેકચંદ.’
મારા પગ ઠંડા થઈ ગયા. આ મારી આ દીક્ષા, કાકાની ધન લાલસા માટે? આઈ હેડ કોલ્ડ ફીટ.
ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલતી હતી. અંદરથી અવાજ આવતો હતો. મારે દીક્ષા નથી લેવી. પણ એ અવાજ બહાર નીકળી ન શક્યો. હવે પાછા વળવાની હિમ્મત ન હતી. મેં છેલ્લો ટેક્સ્ટ તેજસને કર્યો. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી નન. આઈ એમ નોટ રેડી ટુ બી સાધ્વી. પ્લીઝ હેલ્પ.
હું રથ યાત્રાની છેલ્લી ઘડી સુધી તેજસની મદદની રાહ જોતી રહી. હું અંદરથી ધ્રૂજતી રહી. સાધ્વી જીવન વિશે અનેકવાર વાંચ્યું જાણ્યું હતું. દીક્ષિત બાળકોનું કઠોર જીવન જોયું હતું. પણ રથમાં બેઠા પછી બધું શેતાની શિક્ષા જેવું ભયાનક લાગવા માંડ્યું. મારા સ્કુલના મિત્રએ જ કાકીને ધક્કો મારી ગબડાવ્યા હતા. તેજસે એમ્બ્યુલન્સની ચોરી કરી નજીકમાં જ પાર્ક કરી રાખી હતી. તક મળતાં બે મિત્રોની મદદથી મને ઉઠાવી સીધા પોલીસ સ્ટેશન પર જ લઈ આવ્યા હતા. એમણે મને કિડનેપ નથી કરી.
મેં મારી વાત ડી.એસ.પી. સાહેબ અને કલેક્ટર સાહેબને સમજાવી છે. હવે મારે સાધ્વી નથી થવું. હું ડોક્ટર થઈશ. પૈસા માટે નહિ પણ સેવા માટે. પપ્પાને કહીશ પપ્પા તમે હોસ્પિટલો બાંધો. તમારા પૈસાનું જરૂરિયાત વાળા માટે દાન કરતા રહો. પપાજીને વિનંતિ કરું છું કે કાકા અને આન્ટીમૉમને માફ કરી એઓ ચેનથી જીવન જીવે એટલું ધન આપો. ભલે એમણે મને એમના અંગત સ્વાર્થના કારણે દીક્ષા તરફ વાળવાનો પ્રયાસ કર્યો પણ મને તો ધર્મજ્ઞાનની પ્રાપ્તિ જ થઈ છે.
હું માનું છું કે સિસ્ટમેટિકરીતે મારું બ્રેઇનવોશિંગ કરવામાં આવ્યું હતું. આન્ટીમોમે મને ઉછેરી છે એ ઋણ કેમ ભુલાય? ડિએસપી સાહેબને વિનંતી કરું છું કે તેજસ સામે એમ્બ્યુલન્સ ચોરવાનો અને લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરવાનો ગુનો દાખલ કરાયો છે તે પાછો ખેંચાય. હજારોની સંખ્યામાં હાજર છે એ જનતા જનાર્દનની હું ફરી ક્ષમા માંગું છું. સાધ્વી થયા વગર પણ હું ઘર્મને માર્ગે જ ચાલીશ. સંપત્તિનો ત્યાગ નહિ કરું. એનો આદર કરી સદમાર્ગે વાપરીશ. હું મુનીજી અને વિદ્વાન આચાર્યોને વિનંતિ કરીશ કે દીક્ષા માત્ર પુખ્ત વયના સ્ત્રી પુરુષોને જ આપવી જોઈએ બાળ દીક્ષા બંધ થવી જોઈએ.
આશાછે કે મારો આ ખુલાસો મારા ધર્મની અજૂગતી ટીકા તરીકે ન લેવાય. હું શ્રાવક છું અને શ્રાવક જ રહીશ. ચાલો આપણે હવે સામુહિક નવકાર મંત્ર સાથે છૂટા પડીયે.
માત્ર જૈન જ નહિ પણ સર્વ ધર્મના હજારો લોકો સમજીને કે સમજ્યા વગર સોળ વર્ષની યશસ્વી બોલાવે તેમ બોલતા હતાં.
“નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવ પ્પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં.”
માનવ મેદની ધીમે ધીમે વિખેરાઈ ગઈ. યશસ્વીના કાકાકાકીને વધુ પુછપરછ માટે પોલીસે રોકી રાખ્યા હતા.
“ગુજરાત દર્પણ” ઓગસ્ટ ૨૦૧૯
“હિરે મઢ્યું બ્રહ્મચર્ય” વાર્તા
“હિરે મઢ્યું બ્રહ્મચર્ય”
પ્રવીણ શાસ્ત્રી
છત્રીસીમાં પ્રવેશેલી ડોક્ટર શ્વેતાંગી પ્રસિદ્ધિના શિખરે હતી. એના પ્રવચનો સાંભળવા પ્રતિષ્ઠીત માણસો આવતા. શ્વેતાંગી એક અનોખા પ્રકારની સાધવી હતી. એણે માનસશાસ્ત્રમાં પી.એચ.ડી કર્યું હતું, એ બોલતી અને શ્રોતાઓ મંત્ર મુગ્ધ થઈને સાંભળતા. એની વાક્છટામાં એક ખાસ પ્રકારનું માસ મેસ્મેરિઝમ હતું. વિષય ગમે તે હોય, વાત ગમે તેવી સીધી, સાદી અને સામાન્ય હોય પણ જ્યારે એના મોંમાંથી એ બહાર નીકળે ત્યારે એ જીવનની મહત્વની વાત બની જતી અને શ્રોતાઓ ભાવુક થઈને સાંભળતા સાંભળતા. સંમોહિત થઈ જતા. યુવાન, સુંદરીને કેટલાક ભક્તો કે ફેન શ્વેતાંગીમા કહેતાં. શ્વેતાંગી હમેશાં સફેદ સાડી પહેરતી. માથાના કેશ કદીએ બંધાયા ન હતાં. છૂટ્ટા કાળા ભમ્મર લાંબા કેશમાં હમેશા સફેદ મોગરાનો ગજરો લટકતો.
નારી શક્તિ અભિયાનની મોટી સમર્થક હતી. એણે એક મિશન શરૂં કર્યું હતું. “બ્રહ્મચારી ભારત”. એ પ્રચારતી કે આખા ભારતમાં દશ વર્ષ સુધી એક પણ વધારાના બાળકની જરૂર નથી. જો વસ્તી નિયંત્રણ ન થાય તો ઉભરાતી વસ્તી તમામ વિકાસને ભરખી જશે. મહિલાઓએ જ બ્રહ્મચર્ય અપનાવવાની જરૂર છે.
શ્વેતાંગી એની માતાનું તેરમું બાળક હતી. એનો જન્મ આપી એની મા ગુજરી ગઈ હતી. એણે એની માતાનું મોં પણ જોયું નહતું. પિતાએ પંદર દિવસમાં જ બીજા લગ્ન કર્યા હતા. એની એક પરણેલી બહેન, તાજી જ જન્મેલી શ્વેતાંગીને પોતાને ઘ્રેર લઈ ગઈ હતી. પ્રેમથી નાની બહેનને દીકરીની જેમ ઉછેરી. શ્વેતાંગીનીની દશ વર્ષની ઉમરમાં એના પંચાવન વર્ષના બાપ સમાન બનેવીએ બળાત્કારની કોશીશ કરી. એની બહેનને ખબર પડી. બીજી સવારે આડોસ પાડોસના લોકોએ એટલું જ જાણ્યું કે ભગવાનદાસ શેઠનું રાત્રે હાર્ટએટેકથી અવસાન થયું છે. માત્ર ભગવાન જ જાણતા હતા કે હાર્ટ એટેક ન હતો; બન્ને બહેનોએ જ ઉંઘતા શેઠના મોં પર ઓશિકું દબાવ્યું હતું અને શેઠજી થોડા તડફડિયાં પછી કાયમને માટે શાંત થઈ ગયા હતાં. આમ પણ ભગવાનદાસ હૃદયરોગના દરદી તો હતા જ. વિમાના અધળક નાણાં મળ્યા. મોટી બહેને શ્વેતાંગીને ભણાવી. સુંદર હતી. વક્તૃત્વ શક્તિ કુદરતે બક્ષી હતી. પુરુષોને વાસનાના કીડા માનતી થઈ ગઈ હતી. આમ છતાં એના ઓડિયન્સમાં મહિલાઓ કરતાં પુરુષો જ વધારે જણાતા. કારણ હતું ભડકે બળતું એનું પુખ્ત યૌવન. શ્વેતાંગીની ભલે સાધ્વી કે કે બ્રહ્મચારિણી હતી પણ એનું રૂપ અને દેહલતા “સેક્સી” જ હતી.
એ હાથમાં માઈક લઈને સ્ટેજના એક ખૂણા પરથી બીજા ખૂણા પર ફરતી રહીને પ્રવચન કરતી. એનું વાયરલેશ માઈક પણ સફેદ હતું. એના જીવનનો સપ્તરંગી પ્રકાશ એકમેક સાથે વિંટળાઈને શ્વેત થઈ ગયો હતો. એણે એની આજુબાજુ સેવિકાઓનું મજબુત કવચ રચી દીધું હતું. એની મેનેજર મીરાંજ બધા પ્રોગ્રામનું આયોજન કરતી. એ પોતે અને એની બધી જ સેવિકા સખીઓ બ્રહ્મચારિણીઓ હતી એમ કહેવાતું અને મનાતું હતું. કહેવાતું હતું કે બાર વર્ષની ઉમ્મર પછી શ્વેતાંગીએ કોઈ પણ પુરુષનો સ્પર્શ કર્યો ન હતો. પોતાના સગા ત્રણ ભાઈઓને રાખડી પણ બાંધી ન હતી. પુરૂષ માત્ર અસ્પૃશ્ય હતા.
એ શ્વેતાંગી આજે એકદમ વિહ્વળ થઈને એના રૂમમાં આંટા મારતી હતી. એ કાળીયા બદમાશની એ હિમ્મત? સ્ટેજ પર આવીને પાંચસો માણસોની હાજરી વચ્ચે એના હોઠ પર તસતસતું ચુંબન ચોંટાડી જાય. પાછો કાનમાં કહેતો જાય કે “આઈ’લ સી યુ. ઈન યોર રૂમ ટુ નાઈટ હું તને મારી રીતે શણગારીશ.”
એની સભા સફેદ સભામાં કહેવાતી. એક વણ લખ્યો, નહિ કહેવાયલો નિયમ થઈ ગયો હતો. સભામાં આવતા દરેક શ્રોતાજનો સફેદ વસ્ત્રો પહેરીને જ આવતાં. કોઈ રંગીન કપડાં પહેરીને આવતું તો એમને છેક પાછળ બેસવુ પડતું. પણ આ એક નંગ એવો હતો કે કાયમ કાળો પેન્ટ અને કાળું ટી શર્ટ પહેરીને આવતો. દરેક સભામાં એ વીઆઈપીની પહેલી હરોળમાં જ બસતો. અમદવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય કે સુરત હોય. ભાગ્યેજ એ ગુજરાતની એક પણ સભા ચૂક્યો હશે. છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી ચાલીસ પિસ્તાળીસ સભામાં હાજરી આપી હશે. વક્તવ્ય શરૂ થાય એટલે એ આવતો, બસતો. કોઈક વાર એ એની ખુરસી છોડી સ્ટેજ ના એક ખૂણા પાસે આવી ઉભો રહેતો.
શ્વેતાંગી ભલે એને કાળીયો કહે પણ કે કાળો તો ન જ હતો. માત્ર કાળો પેન્ટ અને કાળું ટીશર્ટ પહેરીને આવતો એટલે જ એ સફેદ ઑડિયન્સમાં કાળો અને અલગ તરી આવતો. એ હેન્ડસમ હતો. શ્વેતાંગીને એનું નામ ખબર ન હતું. મનમાં એ કોણ છે એ જાણવાની ઈચ્છાતો થતી પણ અહમ આડે આવતો. ચોક્કસપણે એ એના પ્રવચનો માટે નહોતો આવતો. એ સ્પષ્ટ હતું કે એ શ્વેતાંગીને જોવા જ આવતો હોવો જોઈએ. એક પ્રવચનમાં એ દેખાયો નહિ. પ્રોગ્રામને અંતે એનાથી મીરાંને કહેવાઈ ગયું “આજે બ્લેક મેન કેમ ન દેખાયો?”
બસ થઈ રહ્યું. મીરાંએ સહેલીઓને બોલાવીને સુચના આપી કે આપણી લીડર પોતાની જાત પરનો કાબુ ગુમાવી રહી છે. આપણી આયર્ન લેડી પ્રેમમાં પડશે, લગ્ન કરશે, બ્રહ્મચર્ય ભંગ થશે પછી રબડી દેવીની જેમ એક ડઝન બચ્ચા પેદા કરશે. ભારતની વસ્તી વધશે. મીરાં અને બધી સેવિકા સહેલીઓએ શ્વેતાંગીની ખુબ મજાક ઉડાવી હતી. અને તે સમયે મનમાં સળવળતા કીડાને કચડી નાંખીને તેણે કહ્યું હતું કે એ કાળીયો માય ફૂટ. હું કોઈની રાહ જોતી નથી. એ જુઠ્ઠું બોલી હતી.
અને આજે એ બ્લેક ડ્રેસમેન અચાનક સ્ટેજ પર આવીને હોઠ ચૂમી ગયો. રાત્રે રૂમ પર આવવાનો છે. શ્વેતાંગી જ્યારે પ્રવચન પ્રવાસમાં હોય ત્યારે એને માટે સ્પોંસર શહેરની સારામાં સારી હોટેલમાં લક્ઝરી રૂમ બુક કરાવતાં. એ એના લક્ઝરી હોટલ રૂમમાં આંટા મારતી હતી. ક્યારે આવશે કેવી રીતે આવશે એની ખબર ન હતી. કાંઈ અજુગતું ન બને એ ખાતર એણે મીરાંને બોલાવી હતી. હોટેલ મેનેજરને સૂચના આપી હતી કે કોઈ પણ વ્યક્તિને મારા રુમમાં આવવા દેવી નહિ.
‘રાત્રે બરાબર દશ વાગ્યે મેનેજરનો ફોન આવ્યો. મેડમ બધું બરાબર છે ને?’
‘હા અત્યાર સુધી તો બધું બરાબર છે.’
‘અમારા બોસ સત્યમ શેઠ, હોટલના માલિક આપને મળવા માંગે છે. કેટલીક બિઝનેશ અંગેની વાતો કરવા માંગે છે. તમને એ મળી શકે?’
‘બિઝનેશ અંગેની બધી વાતો મીરાં મેડમ સાથે કાલે સવારે કરી શકશો.’
‘મેમ, આ વાત આ હોટેલના માલિક સત્યમજી તમારી સાથે જ કરવા માંગે છે’
‘શ્વેતાંગી, એને આવવા દે. એક પુરૂષની હાજરી હશે તો તારો રોમિયો આવતાં વિચારશે.’ શિવાંગીએ સલાહ આપી.
‘ઓકે. ભલે સત્યમજી આવી શકે છે.
અને ડોર બેલ રણક્યો.
સામે હોટલ મેનેજર એક નવયુવાનની સાથે ઊભો હતો. જે હમેશા કાળા પેન્ટ શર્ટમાં આવતો તે જ આજે સફેદ સૂટમાં હતો. એના હાથમાં ફ્લાવર બુકે હતો અને બીજા હાથમાં એક બ્રીફકેશ હતી.મેનેજરના બન્ને હાથમાં બે મોટી બુક કેસ હતી.
મેનેજર બન્ને બ્રીફકેશ મુકીને ચાલતો થયો.
‘તું તું,…તું લબાડ આ હોટલનો માલિક છે?…બદમાશ..’ અને સત્યમના ગાલ પર બે જોરદાર થપ્પડ પડી ગઈ. ’બાર વર્ષની ઉમ્મર પછી આજે મેં પહેલી વાર કોઈ પુરૂષને સ્પર્ષ કર્યો છે.’
‘હા શ્વેતુ હું આ હોટેલનો માલિક છું. માત્ર આ જ નહિ પણ દરેક મોટા શહેરની આ ગ્રુપની હોટલનો માલિક છું. મારા પિતાનો સુરતમાં ડાયમંડનો બિઝનેશ છે. એ સત્ય છે. મારું નામ સત્યમ છે. ડિયર શ્વેતાંગી માત્ર એક ગાલને જ કેમ? મારા બીજા ગાલને પણ તારા કુમળા હસ્તનો લાભ આપને?’
અને બીજા ગાલ પર પણ તમાચાઓનો વરસાદ પડ્યો. એ હસતો હતો. ગાલ પર લોહીની ટસર દેખાતી હતી. શ્વેતાંગીની થાકી.
‘શ્વેતાંગી મને રૂપસુંદરીઓની નવાઈ નથી. પિતાશ્રીની અઢળક સંપત્તિનો હું એક માત્ર વારસ છું. હું કોઈ પણ મહિલાને ખરીદી શકું છું. જ્વેલરીની જાહેરાત માટે આવતી અનેક મોડેલને મેં માણી છે. કદાચ હું બે પાંચ સંતાનનો બાપ પણ હોઈશ. પણ જ્યારથી તને જોઈ છે ત્યારથી મેં બધું જ છોડી દીધું છે. બસ તારા સિવાય બીજું કોઈ જ નહિ. હવે મારે માત્ર તને જ માણવી છે. માત્ર એક જ વાર. આ બ્રિફકેશમાં તારું આખું શરીર ઢંકાઈ જાય એટલા હિરાના અલંકાર છે. આ બીજી બ્રીફકેશમાં બે કરોડ રૂપીયા છે. આ તારા બ્રહ્મચર્ય ભંગની કિમત છે. હવે તું જાતે તારા વસ્ત્રાવરણ ઉતાર. તારા દેહને આ હિરાઓથી ઢાંકી દે. આ દેશમાં અમિરોના અનેક સંતાનો શેરીઓમાં રખડતાં હશે. અનેક ગરીબો ફૂટપાથ પર ઢગલા બંધ બાળકો પેદા કરતા હશે. તારું મીશન કદીએ સફળ નહિ થાય. એ ઘેલછા છોડી દે. એકવાર તું પણ તારી યુવાની બાળવાને બદલે માણી લે.’
સત્યમે જેકેટ અને શર્ટ ઉતાર્યુ. રેફ્રિજરેટરના ખૂણામાં સંતાઈને બેઠેલી શ્વેતાંગીની મેનેજર મીરાં પાસે જઈને સત્યમે કહ્યું. ‘ડિયર મીરાં, મને ખબર છે કે તું અહિં છે. જા તું પાસેના બીજા રૂમમાં જા. હવે પછી કોઈકવાર તારો વારો. તું પણ એક નશીલી સુંદરી છે. આમાંની આ નાની બ્રીફકેશ તારું મોં બંધ કરવા માટે પુરતી છે. સમજી લે કે તું આ રૂમમાં, કે આ હોટલમાં આવી જ નથી.‘ એ નફ્ફટની જેમ બોલતો હતો.
શ્વેતાંગીને કશું સમજાતું ન હતું કે શું કરવું. એ સત્યમની વિશાળ છાતીને તાકી રહી હતી. શું મેળવવું. શું ગુમાવવું એ સમજાતું નહતું. અઢળક હિરા. ખુલ્લી બીફકેશમાં રૂપિયાના બંડલો, વિશાળ બાહુઓ…..એ ખોવાઈ ગઈ. એ શું કરતી હતી એનું એને ભાન ન હતું. વિદ્વત્તા અને સંકલ્પો વિલિન થઈ ગયા હતા. એ સત્યમ સમક્ષ પરવશ થઈ રહી.
શ્વેતાંગી વસ્ત્રોનો ભાર ઉતારી દે…. જણે સત્યમના એજ અવાજનો પડઘો, શ્વેતાંગીના દેહમાં ગુંજી ઉઠ્યો. “ “શ્વેતાંગી, બ્રહ્મચર્યની ભ્રમણાંનો ભાર ઉતાર. જીવનને એક વાર માણી લે. કોઈને કશું ખબર નહિ પડે. તું અક્ષતયોની જ કહેવાશે” પ્રવચનોથી હજારો શ્રોતાઓને મેસ્મરાઈઝ કરતી શ્વેતાંગી ને સમજ નહોતી કે એ શું કરતી હતી. એ ભાન ભૂલી ગઈ. સત્તાવાહી અવાજને અનુસરતી ગઈ.
યંત્રવત સફેદ સાડીનો પાલવ સર્યો. ધીમે ધીમે દેહાવરણો ઉતરતા ગયા. ધવલ કબુતરાં બહાર આવી ગયાં. આવરણ વિહિન સુંદર દેહ શૈયામાં સર્યો. સત્યમની રત્ન રમત શરૂ થઈ. વસ્ત્રને બદલે અલંકારથી સત્યમે સુંદરીના દેહને સજાવા માંડ્યો. હિરાના શણગારથી દેહ ઢંકાઈ ગયો. શ્વેતાંગી તું મારી સર્વ શ્રેષ્ઠ મોડેલ છે. એણે ફોટાઓ પાડ્યા. તારા આ ફોટા અનેક બીલબોર્ડ શોભાવશે.
ફોટા પડી ગયા. આભુષણો ઉતરી ગયા. અને સુંદરીનું કામ ઘેન પણ ઉતરી ગયું. શું મારૂ શરીર તારા બાપના ઝવેરાતના વેપાર માટે? પણ મોડું થઈ ગયું હતું. એનો દેહ ચુંથાઈ રહ્યો હતો. થોડી મિનિટો પહેલાંનો હિરા જડિત દેહ ખરડાઈ ગયો હતો. એ બ્રહ્મચારિણીનું બ્રહ્મચર્ય સત્યમના કામાગ્નિની જ્વાળામાં ભસ્મ થઈ ગયું. ધીમે ધીમે અગ્નિ ઠરી ગયો. સત્યમ ઊંઘી ગયો.
બીજી સવારે હોટલનો રૂમ લોહિના રેલાઓથી ખરડાયલો હતો. સત્યમની છાતી પર એક ઓશિકું હતું. ઓશિકાની આરપાર ત્રણ બુલેટ સત્યમની છાતીમાં ધરબાઈ ગઈ હતી. પાસેની ખુરશી પર શ્વેત સાડીમાં સજ્જ શ્વેતાંગીનીની લાશ ઢળેલી હતી. એના લમણામાં બુલેટ હતી અને હાથમાં ગન જકડાયલી હતી. લોહી ભીના કાગળ પર. શ્વેતાંગીના હસ્તાક્ષરમાં લખ્યું હતું…એક બ્રહ્મચારિણીના બ્ર્હ્મચર્યની કિંમત. કાગળ સત્યમના કપાળ પર હતો.
પોલીસ રિપોર્ટમાં સ્યુસાઈડ મર્ડર નોધાયું હતું. પોલીસ રિપોર્ટમાં કેમેરો, નાણાંની બેગ કે ઝવેરાતનો કોઈ જ ઉલ્લેખ ન હતો. છ મહિના પછી હોટેલ મેનેજર અને મીરાં સ્વીટઝરલેંડમાં હનીમુન માણતાં હતા,
ગુજરાત દર્પણ જુલાઈ ૨૦૧૯
બંગલી નંબર ૧૩ [વાર્તા પ્રવીણ શાસ્ત્રી]
પ્રવીણ શાસ્ત્રી
બંગલી નંબર ૧૩
અમારી આખી સોસાયટીની મહિલાઓ તેર નંબરની “મારુતી” બંગલીની આગળ આંટા ફેરા કરતી થઈ ગઈ. આ સલ્લુભાઈ ના ઘરમાં ગોરકીનો પ્રવેશ? અને ઘરમાં ત્રણ બાળકોની દોડધામ? કોઈને સમજાતું ન હતું કે સલ્લુભાઈએ કોને ઘરમાં ઘાલી? મહેમાન હોય તો કલાક બે કલાકમાં પાછી જાય પણ આ તો ગઈકાલે બપોરની આવી હતી. રાત પણ એને ત્યાં જ રહી હતી.
તમે મને ચોક્કસ પુછવાના જ કે મામલો શું છે.
વાત એમ છે કે બાર નંબરના બંગલામાં હું રહું, તેર નંબરની ત્રણ રૂમની નાની બંગલીમાં અમારો સોમલો ઉર્ફે સલ્લુભાઈ રહે અને ચૌદ નંબરના બંગલામાં ચોર્યાસી વર્ષના ચંપાબા રહે. સોસાયટી બંધાયલી ત્યારથી ચંપાબા સોસાયટીમાં જ રહેલા. તેર નંબરનો પ્લોટ કોઈ પણ લેવા તૈયાર નહિ. છેવટે હિરાલાલ બિલ્ડરે એ પ્લોટ એના ગોર ગૌરીશંકરને દક્ષિણામાં આપેલો અને ત્રણ રૂમની બંગલી બાંધી આપેલી. ગૌરીશંકર અને ગંગાબાને આગળ પાછળ કોઈ જ નહિ. ગૌરીશંકર, સોસાયટીના પચ્ચીસ ત્રીસ ઘરોમાં પૂજા પાઠ કરાવે અને જીવવા પુરતું સીધુ સામાન મળી રહે.
એક નંબરમાં રહેતા બિલ્ડર હિરાલાલ શેઠ ખમતા આસામી અને ઉદાર દિલના માણસ એટલે બે પાંચ પૈસાની જરૂર હોય તો ગૌરીશંકરની જ્રરૂરીયાત સંતોષાઈ જતી. ગોર બંગલીમાં રહેવા આવ્યા અને માત્ર તેર મહિનામાં જ ગંગાગોરાણીએ સ્વર્ગાગમન કર્યું. ગૌરીશંકરે એના ગામની એક યુવાન રૂપાળી વિધવા સાથે પુનર્લગ્ન કર્યા. સધવા બનેલી વિધવા ગોરાણીને એક દશ વર્ષનો રૂપાળો દીકરો પણ હતો. તેર મહિનામાં રૂપાળી ગોરાણી પોતાના સગા દીકરા સોમલાને મૂકીને સોસાયટીમાં શાક વેચવા આવતા ફેરિયા સાથે નાસી ગઈ. આ નાનપણનો સોમલો મારો મિત્ર અને પાડોસી તે આજનો સલમાન, સલ્લુ , ભાઈજાન કે હનુમાન.
મા નાસી ગઈ એટલે ગૌરીશંકરે દયા ભાવથી પારકા છોકરા સોમલાને પોતાનો કરી ઉછેર્યો. સોમલાએ પણ દાદાની ઉમ્મરના સાવકા બાપની ખુબ સેવા કરી હતી. ડોસા મર્યા ત્યારે હિરાલાલ શેઠને સોમલાની સંભાળ રાખવાનું કહી ગયા હતા. સોમલો હિરાલાલ શેઠને દાદા કહેતો હતો.
સોમલો હેન્ડસમ હતો. સોસાયટીની ભાભીઓ, કાકીઓ, માસીઓ, દાદીઓનો વ્હાલો હતો. બધાનું દોડીને કામ કરતો. એ સ્કુલમાં તો ગયો જ ન હતો. સોસાયટીના બધા મોટાભાઈઓ, કાકાઓ દાદાઓની સેવા મસ્કામાં એનો દિવસ પસાર થતો. સવારે વહેલા ઉઠતો. ઘરમાં જ હનુમાનજીનો મોટો ફોટો હતો. એના પર આંકડાના ફૂલનો હાર ચઢાવતો. દીવો કરતો અને બંગલીને ઓટલે જ શર્ટ વગર દંડ બેઠક કરતો. મગદળ ફેરવતો વિગેરે દેશી કસરત કરી પરસેવો રેલાવતો. એને જોઈને યુવાન છોકરીઓના મોંમાંથી સિસકારા સાથે “વાઉવ”, “ઓહ માય ગોડ” વગેરે આહ સરી જતી. પણ બસ એટલું જ. આજકાલની છોકરીઓ સમજદાર હોય છે. એકલું રૂપ અને સિક્સ પેક ના જોવાય, ભણતર અને પૈસો પણ ઈંપોર્ટન્ટ હોય છે. સોમલાકા ગુજારા તો હિરાલાલ શેઠ ઔર સોસાયટી વાલેકી મહેરબાની સે હી ચલતા થા. બિચારો પચ્ચીસ વર્ષે પણ કુંવારો હતો. અને નોકરી ધંધા વગરનો હતો.
એક દિવસ હિરાલાલને ત્યાં શ્રાદ્ધને દિવસે સોમલો બ્રહ્મભોજન માટે ગયો હતો. શેઠજીએ એને પ્રેમથી પાસે બેસાડ્યો. સો રૂપિયા દક્ષિણા આપી. હળવેથી કહ્યું; ‘દીકરા સોમલા, તુ બામણનો દીકરો છે. પણ ગરીબ બામણની જેમ ભિક્ષા માંગી પેટ ના ભરાય. તને એક પણ મંત્ર આવડતો નથી. તુ કહે તો હું તને સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરાવી આપું. યજમાનવૃત્તિનુંકામ શીખી જા. એમાથી પણ આજે તો બ્રાહ્મણો ઘણું કમાય છે. કમા અને પરણ અને સંસાર માંડ.’
‘પણ દાદા, એમાંતો સંસ્કૃત આવડવું જોઈએ. બાપાએ શીખવવાની શરૂઆત કરેલી. મને અઘરા અઘરા મંત્રો ગોખાવેલા પણ યાદ જ નહોતા રહેતા. મને નથી આવડતું. અને મને એમાં રસ નથી.’ સોમલાએ વિવેક પુર્વક સ્પષ્ટ ખુલાસો કર્યો.
‘જો એ ન કરવું હોય તો પાડા જેવું શરીર બનાવ્યું છે તો મજુરી કર.’ શેઠજી જરા અકળાયા અને અવાજ ઊચો થયો. ગુસ્સે થઈને કહ્યું ‘જેકરવું હોય તે કર, કાલથી તારું સીધું બંધ.’
‘પણ દાદા નોકરી પણ મળતી નથી. મેં શોધવા પ્રયત્ન કર્યો જ હતો.’
સોમલો જૂઠું નહોતો બોલતો. બિચારાએ ટ્રાય તો કરી જ હતી. મેં પણ મારી ઓફિસમાં પીયુન તરીકે નોકરી માટે મેનેજરને વાત કરી હતી; પણ આઠ ધોરણ મિનિમમ ક્વોલિફિકેશન તો જોઈએ જ. અને બી.એ. એમ.એ થયેલા મળતાં હોય ત્યાં સોમલાનું શું ગજુ?
‘બોલો દાદા, શું કરું?’ શેઠજી કંટાળ્યા. ‘જા હજામત કર’ શેઠના મોંમાંથી નીકળી ગયું. સોમલાને ખરેખર લાગી આવ્યું. મારી અને સોમલાની ઉમ્મરનો જ અમારી ક્રિકેટ ટીમનો નાનપણનો ખેલાડી દાઉદની હેર કટિંગ સેલુન હતી. એ સોમલાના વાળ મફતમાં કાપી આપતો. સોમલો સીધો પહોંચ્યો દાઉદ પાસે. ‘દાઉદ દોસ્ત મને વાળ કાપતા શીખવ’
‘પગલા હૈ ક્યા? બમ્મનકા બેટા બાલ કાટેગા? ચલ ભાગ યહાંસે’
પણ સોમલો સિરિયસ હતો. એણે તો દાઉદને ત્યાં બાકડા પર પલાઠી લગાવી. આખો દિવસ દાઉદને વાળ કાપતા જોયા કર્યું. બીજે દિવસે સવારે દાઉદના સલુન પર પહોંચી ગયો. દાઉદને ઉંચકીને ખુરસી પર બેસાડી દીધો.
‘એઇ સોમલા, એ તુ ક્યા કર રહા હૈ’
‘મૈં તેરા બાલ કાટુંગા. અગર તુઝે ઠીક ન લગે ઓર બીગડ જાય તો તૂઝે ટકલું બનાઉંગા’
દાઉદ બિચારો થરથર ધ્ર્જતો તો બેસી રહ્યો. વાળ કાપવામાં શું ધાડ મારવાની છે. કોઈના માનવામાં ન આવે પણ, એણે પહેલી જ ટ્રાયલે દાઉદની સરસ હજામત કરી. જાણે પ્રોફેશનલ વાળંદે વાળ કાપ્યા હોય એવા જ વાળ કાપ્યા. ઓફ કોર્સ સાઈડ બર્ન પર અસ્ત્રો લગાવ્યો અને અને દાઉદને લોહી લુહાણ કર્યો હતો એ અલગ વાત છે. એકાદ મહિનામાં તો એ પોતાની સૂઝબુઝથી છોકરાઓથી માંડી યુવાનો અને બુઢ્ઢાઓના વાળ કાપતો થઈ ગયો. દાઉદને ત્યાં મફત ઈંટર્નશીપ કરી એમ કહીયે તો ચાલે.
એક મહિના પછી એને “લેડિઝ હેર એન્ડ બ્યુટિ પાર્લર”માં નોકરી મળી. નોકરીમાં એનો પ્લસ પોઈંટ એનો સલમાન ખાન જેવો દેખાવ. સિક્સપેક બોડી, ખુલ્લા બટનવાળુ શર્ટ અને લેડિઝ સાથેની હળવાશ. મેગેઝિનમાંના ફોટા જોઈ જોઈને સુંદરીઓના વાળકાપી હેર સ્ટાઈલ કરતો થઈ ગયો. કાંઈ લોચો પડે તો એ નવી સ્ટાઈલમાં ખપી જતું માત્ર હેરસ્ટાઇલ જ નહિ પણ ફેઈસ મસાજમાં પણ એક્ષપર્ટ થઈ ગયો. પાર્લર સોમલાને કારણે ફેમસ થઈ ગયું. સોમલો ઓફિસિયલી સલ્લુ કે સલમાન નામે ઓળખાતો થઈ ગયો. પૂજા પાઠનું સંસ્કૃત એને અઘરૂ લાગ્યું હતુ, પણ બોલતાં સંભળતાં અંગ્રેજીમાં ઠોકાઠોક કરતો થઈ ગયો હતો.
પચ્ચીસ પછી ત્રીસ, ત્રીસ પછી ચાલીસ, અને પછી પચાસ પુરા કર્યા પણ સલ્લુ કુંવારો હતો. પરણવાનું નામ જ નહિ લેતો. કોઈ લગ્નની વાત કરે તો કહેતો “જય બજરંગબલી”
બસ આજે આ જ “મારુતી”બંગલી નંબર થરટીનમાં સોમલો એટલે કે હવે પચાસ વર્ષના સલ્લુને ત્યાં, વર્ષો પછી કોઈ રૂપાળું પરદેશી બૈરું ફરતું હતું. તમને બધાને નવાઈ લાગે જ. એક સમયે સોસાયટીની બધી જ કુંવારી પ્રોસ્પેક્ટિવ લેડિઝે, સોસાયટીના પાંત્રીસ વર્ષના, મોસ્ટ એલીજીબલ સલમાનખાનના હમસકલ, સોમલા પર દાણાં નાખેલા અને લાળ પાડેલી પણ એ સલમાન હનુમાન કહે કે મારે આ બંગલીમાં જ જીવવું મરવું છે. આ બંગલીમાં કોઈ પણ સ્ત્રી તેર મહિનાથી વધારે જીવતી નથી. મારે મારી નજર સામે કોઈ કન્યાને મરતી જોવી નથી. જય બજરંગબલી. બસ પતી ગયું. એક વાર તો બોલીવૂડમાંથી પણ સલમાનના ડૂપ્લિકેટ તરીકે કામ કરવાની ઓફર આવેલી પણ આપણા સોમલાએ વટથી એ ઓફર નકારી કાઢેલી.
ઘણી લેડિઝ કસ્ટમર્સ એની ગર્લફ્રેંડ બની હતી. થોડે થોડે સમયેએ સૌ મહિલા મિત્રો પરણી જતી અને એની જગ્યાએ નવી આવતી, એની સાથે હરતો ફરતો, ખાતો પીતો પણ આજ સુધીમાં કોઈએ અમારા સુપર હેરસ્ટાર સોમલા સામે “મી ટૂ” ની ફરિયાદ નોંધાવી નથી. એ બ્રહ્મચારી રહ્યો હતો કે કેમ એવી અંદરની વાત તો આ હનુમાનના રામ જ જાણે પણ “ચારિત્ર્યનો ચોખ્ખો” બામણ એવી છાપ જળવાઈ રહેલી.
ચૌદનંબરના એના પાડોસી ચંપાદાદીએ ખાનગી અને જાહેર રીતે સોમલાને કહેલું કે ‘ગમે તેને એકને ઘરમાં ઘાલ અને છોકરા છૈયા વાળો થઈ જા. આ બધા પસાને શું ચાટવાનો છે?’ તને આ બંગલીનો વ્હેમ છે તો બીજે રહેવા જા પણ મૂઆ પરણી જા.’ સોમલાએ ચંપા ડોસીની સલાહ પ્રમાણે સેટેલાઈટ એરિયામાં એક લક્ઝરી ફ્લેટ વેચાતો લઈ લીધો પણ રહેવાનું તો એ બંગલીમાં જ રાખેલું. મિત્રોને ભેગા કરી જલસા કરાવતો. પણ એ પોતે ખાવાપીવામાં પણ ચોખ્ખો ભુદેવ રહેલો.. સરસ કન્વર્ટેબલ કાર પણ લઈ .રાખેલી. સોસાયટીની છોકરીઓને મફતમાં કે ડિસ્કાઉન્ટમાં હેરસેટ કરી આપતો. વીશ પચ્ચીસ વર્ષની સોસાયટીની દીકરીઓ પણ હવેતો એને સલ્લુ અંકલ કહેતી થઈ ગયેલી.
હવે એ જ સલ્લુની બંગલીમાં કાલે કોઈ યુરોપીયન ગોરી રૂપાળી લલના આવીને રાત પણ રહી હતી. ત્રણ જોડિયા (ટ્રિપલેટ) બાળકો દોડતા હતા અને સલ્લુ ભાઈજાનને ખભે ચઢતાં હતાં. સોસાયટીના બૈરા તો શું માટિડાઓને પણ આશ્ચર્ય થતું હતું અને તેરનંબરની બંગલીની આજુબાજુ આંટા મારતા હતા.
બીજે દિવસે બપોરે મારા પર હિરાલાલ શેઠનો ફોન આવ્યો. આજે સાંજે છ વાગ્યે સોમલાનો વિદાય સમારંભ રાખ્યો છે. સોસાયટીના કારોબારી સમીતીનીના સભ્યો અને ખાસ મેંમ્બરસને આમંત્રણ આપ્યું છે.
હું શેઠને ત્યાં ગયો ત્યારે, શેઠનું દિવાનખાનું ચિક્કાર હતું, ઘણી લેડિઝ ઓટલા પર હતી એને બારીમાંથી ડોકીયાં કરતી હતી. ચૌદનંબરના ચંપાબા એક રિક્લાઈનર પર પ્રમુખ તરીકે બેઠા હતા. સોમલો સલ્લુ પેલી ગોરી ગોરી આધેડ મહિલા પાસેની ખુરશી પર બેઠો હતો. અને મેડમના ત્રણ બાળકો ડાહ્યા થઈને એક સોફા પર બેઠા હતા. બધાના ચહેરા એક સરખા અને સોમલાને જ મળતા આવતા હતા.
‘અબે ભાઈજાન મામલા ક્યા હૈ? કોનસા પ્રોબ્લેમ હૈ.’ મેં સોમલાને બમ્બઈ હિંન્દીમાં પુછ્યું. સોમલો મારો નેક્સ્ટ ડોર નેબર અને મારે એની સાથે બાળપણની દોસ્તી એટલે આ જ રીતે અમે વાતો કરતા. પણ ચંપાબાએ નાક પર આંગળી મૂકી અટકાવી દીધો. એ ઊભા થયા અને એમણે ભાષણ કરતાં હોય એમ કહેવા માંડ્યું.
‘ભાઈઓ અને બહેનો, “મારુતી” બંગલીના શ્રી સોમેશ્વર ચતુર્વેદી થોડા વર્ષ માટે પરદેશ જઈ રહ્યા છે આજે આપણે એમને શુભેચ્છા પાઠવી વિદાય આપવાની છે. પણ તે પહેલાં હું સોમેશ્વરજીને નમ્ર વિનંતી કરું છું કે એઓ કેમ અને ક્યાં જઈ રહ્યા છે એ આપણને ટુંકમાં જણાવે. આપણે બધા એને મીસ કરીશું જ. મારે માટે તો એ દીકરા સમાન છે.
લો; આજે અમારો પડોસી સોમલો, સલ્લુ, સલમાન, હનુમાન એકદમ માનવંતો સોમેશ્વર ચતુર્વેદી થઈ ગયો, જેને વેદનો એકેય મંત્ર આવડતો ન હતો. આજના ચંપાડોસી એની યુવાનીમાં હાઈસ્કુલના પ્રિન્સિપાલ હતાં.
સોમલો ઉભો થયો.
‘મિત્રો અને સોસાયટીના વડીલો,
મને મિસ ડાયેન તરફથી એના પોતાના સ્ટુડિયોમાં હેર આર્ટ શીખવા અને શીખવવા માટે સ્પોંસરશીપ મળી છે એટલે હું થોડા વર્ષો માટે પેરિસ જઈ રહ્યો છું. આપની શુભેચ્છા અને આશીર્વાદ મળે એ જ ઈચ્છું છું.’ એને ભાષણબાજી આવડતી ન હતી. એ બેસી ગયો. હિરાલાલ શેઠે એને અને પેલી યુરોપિયન લેડીને હાર પહેરાવ્યો. બાળકોને પણ બુકે આપ્યા.
મેં ફરી પાછો એ જ સવાલ પુછ્યો. મામલા ક્યા હૈ. યે તીન ફોરેનબંદર તો બીલકુલ તેરે જૈસે હી દિખતે હૈ, ક્યા લફડા કીયેલા હૈ?
બંગલી પર ચાલ. ત્યાં વાત કરીશું. હું એની સાથે એને ત્યાં ગયો. વાત ચાલુ થઈ.
‘અરે દોસ્ત, આ ડાયેન (Diane) ગળે પડી છે. મારે એની સાથે ફ્રાંસ જવું પડશે. માનતી જ નથી. મારો સીટીલાઈટનો ફ્લેટ વેચી આપવાની જવાબદારી હવે તારી. મારી બંગલી વેચવાની નથી. પાછો આવીશ ત્યારે જોઈશેને? મારે માટે શુકનીયાળ છે.’
‘આ લે વેચની વાત છોડ અને સીધું ભસ. ડાયેનકે સાથ લફરા ચક્કર ક્યા હૈ? આ બાલબ્રહ્મચારી મારુતીનંદનને એક સાથે ત્રણ ત્રણ મકરધ્વજો?’ બોલ આ તારા જ છોકરાંઓ છેને?’
સોમલાએ ડોકું હલાવી કન્ફેશન કર્યું. ‘લાગે છે તો એવું જ કે મારા છે.’
‘પેલી સફેદ ભૂતડી કઈ રાતે ભોળા બામણને ભોળવી ગઈ?’
‘ભાઈ આતો ધરમ કરતાં ધાડ પડેલી છે. આ દંડ પીલીને બનાવેલો દેહ શા કામનો? મને આ બંગલીએ સહારો આપ્યો. સોસાયટીના સ્વજનોએ પ્રેમ આપ્યો અને મુજ નિરાધારને પાળ્યો પોષ્યો. એક વાત મને સમજાઈ કે આ બંગલીમાં કોઈ સ્ત્રી વધુ ટકતી નથી. બસ એટલે જ ઈચ્છાઓ હોવા છતાં પરણવાનું માંડી વાળ્યું હતું.‘
‘ભગવાને આ પાડા જેવું શરીર આપ્યું છે એનો ઉપયોગ શું? મર્યા પછી દેહદાનનું તો વીલમાં લખી જ દીધું છે. દર શનીવારે બ્લડ બેંકમાં જઈને નિયમિત બ્લડ આપતો હતો. એક વાર બ્લડ લેતી હતી, એ નર્સે મને કહ્યું માત્ર બ્લડ જ નહિ, શરીરના ઘણાં અંગો જીવતા હોય ત્યારે પણ આપી શકાય છે. ભગવાને જે જે પાર્ટસ બબ્બે આપ્યા છે તેમાનો એક આપી શકાય, દાખલા તરીકે એક કિડની, એકાદ ફેફસાનો થોડો ભાગ, લિવરનો થોડો ભાગ, પેનક્રિયાસ કે આંતરડાનો ભાગ પણ આપી શકાય. બોનમેરો પણ અપાય જ છે. પછી કહે…..
નર્સે નારી છાતી પર હાથ ફેરવતા સમજાવ્યું કે વિર્યનું પણ દાન કરાય છે. ભવિષ્યમાં તમારી પત્નીને કે બીજા કોઈને પણ તંદુરસ્ત શુક્રાણુ બાળક પેદા કરવામાં કામ લાગે. એ પણ સેવાનું કામ કહેવાય. એણે મને થોડી મેડીસીન બોટલ આપી. મહિનામાં બે વાર આ ભરીને સ્પર્મ ડોનેશન લેબમાં આપી જજો. સાથે બધી સૂચનાઓ હતી.
એના કહ્યા પ્રમાણે વિર્યદાન કરી આવ્યો. એણે બધી બોટલના લેબલ પર “સુરતી સલમાન” લખ્યું. એક વર્ષ પછી એજ નર્સ એના હસબંડ અને બે બાબા લઈને સલુન પર થેંક્યુ કહેવા આવી હતી. અને હવે આ ડાએન! મને શું ખબર કે મારા દેહના પ્રવાહી ક્યાં ક્યાં પહોંચે છે?’
‘ડાએન છેલ્લા બે વર્ષથી સુરતી સલમાનને સોધતી હતી. એના મનથી એમ કે એના બાબાઓ બોલીવૂડના સલમાન ખાનના દીકરાઓ છે. પણ લેબરેકર્ડમાં ભાઈજાનનું નામ નહિ પણ મારું નામ નીકળ્યું. મેં નકાર કર્યો તો ડીએનએ મારી સાથે મળતા આવ્યા. મારી બોચી પરનો તલ પણ આ છોકરાઓ પર છે. બોલ હવે હું શું કરું?’
‘આ ડાયેન ખૂબ પૈસાદારની દીકરી છે. બિચારી નાની હતી ત્યારે બે ત્રણ પીધેલાએ એના પર બળાત્કાર કર્યો હતો. એ પુરૂષોથી ડરી ગઈ હતી. અને થોડા સમય માટે ચર્ચમાં નન બની ગઈ હતી. પછી એને બાળકોની ઈચ્છા થઈ. પણ શારીરિક સહયોગ વગર. એણે ઈંડિયાથી બોલિવૂડના સલમાનખાનનાના સ્પર્મનો ઓર્ડર કર્યો હતો પણ લેબોરેટરીએ ગરબડ કરી નાંખી. સુપર સ્ટાર સલમાન ખાનને બદલે મારી બોટલ મોકલી આપી અને મને એક સાથે ત્રણ ફ્રેંચ ગલુડિયાનો બાપ બનાવી દીધો. હવે ડાએન કહે કે છોકરાંઓને પાપા જોઈ છે. એ છોકરાઓ માટે મને પેરિસ લઈ જવા માંગે છે. મારે એની સાથે છોકરાંઓ વીશ વર્ષના થાય ત્યાં સુધી રહેવાનું છે. એ મને પેરિસમાં હેર સ્ટુડિયો ખોલી આપશે. ઉપરાંત એની સાથે રહેવાના મહિને એક લાખ ફ્રેંક એટલે કે મહિને બાર લાખ રૂપિયા મારા ઈંડિયાની બેંકમાં જમા કરશે. હું મારા હેર સ્ટુડિયોમાં જે કાંઈ કમાઉં તે તો મારું જ. છોકરાંઓ પ્પાપા પાપા કરે છે. શું થાય? જવું પડશે. આ ફ્રેંચ લોકો બહુ જીદ્દી. ધારેલું જ કરે અને કરાવે.
‘દોસ્ત તું ફાવ્યો. હવે હનુમાન મટી રોમેંટિક સલમાન બની ગયો.’
‘ના ના. એવું નથી. એની એક ખાસ શરત છે. એની સાથે રહેવાનું પણ એને છેડવાની નહિ. મારું બ્રહ્મચર્ય પણ જળવાઈ રહેશે. આવી તક મને ક્યાંથી મળે? મારા જેવા બજરંગ માટેની ઉત્તમ વાત છે. મારે તમને બધાને છોડીને જવું પડશે. આ છોકરાંઓ વીશ વર્ષના થાય એટલે હું છૂટ્ટો. આ બંગલીમાં આવી જઈશ. મારે માટે તો તેર નંબરની બંગલી ખરેખર ખુબ જ શુકનવંતી છે.’
એ મને ગળે વળગ્યો. મેં વિદાય લીધી.
સાલો અમારો નશીબદાર સોમલો સલમાન. હું વિચારતો હતો ‘શું એ ફ્રેંચ રૂપાળી સાથે આખી જીંદગી હનુમાન બનીને રહેશે? પાછો આવશે ત્યારે પુછીશ. પણ એ પાછો બંગલી નંબર તેરમાં આવશે ખરો?’ તમે શું માનો છો?
ગુજરાત દર્પણ. જુન ૨૦૧૯ માટે.
કોન્ટેક્ટ લેન્સ (સત્ય ઘટના)
પ્રવીણ શાસ્ત્રી
કોન્ટેક્ટ લેન્સ
911…. અમેરિકાનો તાત્કાલિક મદદ માટેનો ઈમર્જન્સી નંબર ડિસ્પેચરના બોર્ડ પર ગાજી ઉઠ્યો. એપ્રિલ ૨૬, ૨૦૦૫ની રાતના દશ વાગ્યાનો સમય હતો.
‘હલ્લો હાઉ કેન આઈ હેલ્પ યુ.’ ડિસ્પેચરે કીબોર્ડપર નોંધ કરતાં પુછ્યું.
સામે છેડેથી ધ્રૂજતો અવાજ સંભળાયો,
“તેને કોઈકે સૂટ કરી છે. કોઈએ મારી નાંખી છે. બધે લોહી લોહી ફેલાઈ ગયું છે. સી ઈઝ નોટ બ્રિધિંગ, તે મરી ગઈ છે”
અને પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ. આ ઘટના બની હતી અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના એક નાના પરા દુરહામમાં.
એક સ્ત્રીની લાશ લોહીના ખાબોચીયામાં પડી હતી.
‘વ્હોટ હેપન્ડ?,’ શું થયું? ઓફિસરે ફોન કરનાર રૉવેનને પૂછ્યું.
‘ઓફિસર, હું સોકર (ફૂટબોલ) રમીને રાત્રે ઘેર આવ્યો અને મારા ઘરના ઉપરના બેડરૂમમાં મેં ભયાનક દૃષ્ય જોયું. મારી પચ્ચીસ વર્ષની પત્ની જેનેટ લોહીના ખાબોચિયામાં પડી હતી. કોઈએ એને સૂટ કરી છે.’ સમવય્સ્ક પતિ રાવૅને જણાવ્યું. ‘હું જ્યારે સાંજે આઠવાગ્યે સોકર માટે ગયો ત્યારે જેનૅટ માળપરના બેડરૂમમાં સૂતી હતી. તૈયારી કરતી હતી. કદાચ ઊંઘતી હતી.’
તાત્કાલિક તપાસમાં જણાયું કે ઘરમાંથી કશું જ ચોરાયું ન હતું કે કશી જ ભાંગફોડ પણ થઈ ન હતી. એમનો છ મહિનાનો પુત્ર કૅઇડન સહિસલામત હતો.
સ્વાભાવિક રીતે જ પહેલી નજરે પત્નીની હત્યા થાય ત્યારે પતિ પર જ શંકા જાય. પોલિસની પુછપરછ અને તપાસમાં રાવૅન અંગે કશા જ નક્કર પુરાવા જણાયા નહિ અને કોઈ બીજી વ્યક્તિએ કર્યું હોય એ પણ પકડાયું નહિ. ખૂન કેસ નિર્ણય વગરનો લાંબા સમય માટે પડી રહ્યો.
મોરમોન કુટુંબમાં જન્મેલી જેનૅટ, દશ ભાઈબહેનોમાંની સાતમી પુત્રી હતી. મોર્મોન જાતી ખ્રીસ્તી ધર્મ પાળે છે અને બહુપત્નીત્વમાં માને છે. ૧૯૯૮માં બ્યુટિફુલ જેનૅટ સધર્ન વર્જીનીયા યુનિવર્સિટીમાં સોકરની સારી ખેલાડી હતી. સોકર ફિલ્ડ પર એનો પરિચય રાવૅન સાથે થયો. રાવૅન પણ સોકર પ્લેયર હતો. દોસ્તી અને સહવાસ, સોકર સ્પોર્ટ્સનો એક સરખો રસ, બન્નેને પ્રેમ પંથે દોરી ગયો. રાવૅને જ એક ટીવી ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે ‘જેનૅટ એટલી તો સુંદર અને આકર્ષક હતી કે મને લાગ્યું કે હું એના વગર રહી નહિ શકું. બે વર્ષના પ્રેમાળ સહવાસ પછી અમે ૨૦૦૦ના વર્ષમાં પરણી ગયા.’
(સૌજન્યઃ ગુગલ ઈમેજ)
લગ્ન પછી બન્નેને નોર્થ કેરોલિના, દુરહામમાં સ્પોર્ટિંગ ગુડ્સ કંપનીમાં નોકરી મળી અને તેઓ વર્જીનીઆમાંથી નોર્થ કેરોલિનામાં સ્થાયી થયા. બન્નેનું દાંપત્ય જીવન શરૂઆતમાં તો સરસ રીતે ચાલતું હતું…..
પંણ….
વાસ્તવમાં બધું સારું ન હતું. જેનૅટની એક બહેનના કહેવા મુજબ બહારથી ‘પીળું દેખાતું બધું જ સોનું ન હતું. ધીમે ધીમે બન્ને વચ્ચે તકરાર અને તડા પડવા માંડ્યા હતા. રાવૅને બીજી યુવતીઓ સાથે રંગરેલિયા માણવા માંડ્યા હતા. રાવૅને તો જેનૅટને એક વાર નફ્ફટાઈથી કહી પણ ધીધું કે મારે એક નહિ પણ અનેક છોકરીઓ સાથે સંબંધ છે.’ દાંપત્ય જીવન વણસ્યું. એઓ છૂટા પડવાના જ હતાં અને તે જ સમયે ખબર પડી કે જેનૅટ પ્રેગનન્ટ છે. રાવૅન બાપ બનવાનો હતો. સંજોગોએ રાવૅનનો સ્વભાવ બદલ્યો. એણે જેનૅટની માફી માંગી. વ્યભિચાર-ચિટિંગ ન કરવાની ખાત્રી અને સોગંદપણ આપ્યા. જેનૅટ પણ એકલે હાથે બાળક ઉછેરવા તૈયાર ન હતી. અને ફરી બન્નેનો સમાધાની સંસાર શરૂ થયો. ઓક્ટોબર ૧૭, ૨૦૦૪માં પુત્ર કેઇડનનો જન્મ થયો.
બે મહિના પછી રાવૅન જ્યાં નોકરી કરતો હતો ત્યાં ચોરી કરતાં પકડાયો. કોર્ટમાં રાવૅને ગુનો કબુલ કર્યો અને કોઈક રીતે જેલની સજામાંથી બચી ગયો. બન્ને એક સાથે એકજ કંપનીમાં કામ કરતાં હતાં. જેનૅટે આ શરમજનક બનાવને કારણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. રાવૅનનો તામસી સ્વભાવ વધુ ઉગ્ર બન્યો. તકરારો વધી.
ચાર માસ પછી જેનૅટની કારમી હત્યા થઈ. કોઈ ગુનેગાર પકડાયો નહિ અને ખુન કેસ ઉકલ્યો જ નહિ. પોલિસને રાવૅન પર શંકા હતી પણ કોઈ પુરાવા ન હતા.
થોડા સમય બાદ રાવૅન એના દીકરાને લઈને નોર્થ કેરોલીનામાંથી સોલ્ટલેઇક સીટી ગયો. પોતાના પુત્ર કેઇડનને તેણે એક ડે કેર સેન્ટરમાં મુક્યો. ત્યાં એની મુલાકાત વેનિસા પોન્ડ નામની સુંદર યુવતી સાથે થઈ. વેનિસા સિંગલ મધર હતી અને તેની નાની પુત્રી પણ તે જ ડે કેરમાં જતી હતી.
રાવૅનના જીવનનું બીજું પ્રેમ પ્રકરણ શરૂ થયું. બન્ને યુવાન હતા. બન્નેને સાથીદારની જરૂર હતી. બન્નેનું ડૅટિંગ શરૂ થયું. રાવૅલે નિખાલસતાથી વેનિસાને જણાવી દીધું હતું કે ‘મારી પહેલી પત્ની જેનૅટનું ખૂન થયું હતું. કોઈ ગુનેગાર પકડાયો નથી. પોલિસને મારા પર પણ શંકા ગઈ હતી. પોલિસ અને સરકારી એટર્નીઓએ મને સવાલો પુછી પુછીને ખુબ જ હેરાન કર્યો છે. તેમની પાસે કોઈ પુરાવા નથી. હું નિર્દોષ છું. વેનિસાએ ઈન્ટરનૅટ પર શક્ય એટલી શોધખોળ કરી. રાવૅન વિરૂધ્ધ એના જણાવ્યા કરતાં વધુ કાંઇ જ મળ્યું નહિ. રાવૅન પ્રમાણિક લાગ્યો. એને રાવૅન ઉપર ખરેખર દયા ઉપજી. જેનેટના મૃત્યુ પછી ત્રણ વર્ષે રાવૅન અને વેનિસાના લગ્ન થયા.
પોલિસને શંકા હતી કે રાવૅને જ જેનૅટની હત્યા કરી છે પણ કોઈ પુરાવા ન હતા. જેનૅટની બહેનો ખાત્રી હતી કે રાવૅન જ તેમની બહેનનો ખુની છે. પણ પુરાવા ન હતા. બધી બહેનો રાવેનના ક્રોધી અને અસમતોલ સ્વભાવ અને વર્તણુકથી પરિચિત હતી. એઓ વેનિસા માટે ચિંતિત હતી કે કદાચ રાવૅન એને પણ કંઈ કરી બેસે. એક બહેને વેનૅસાનો સંપર્ક કરી ચેતવા માટે સમજાવી પણ વેનિસા માનવા તૈયાર ન હતી.
લગ્નના એકાદ મહિના પછી રોવૅનની વેનેસા પ્રતિ વર્તણુક બદલાતી ગઈ, ઘડીકમાં તે અપ્સેટ થઈ જતો, તો થોડીવાર પછી માફી પણ માંગી લેતો. સોકર ફિલ્ડ પર સાથી ખેલાડીઓ સાથે લડતો અને એમની સાથેનો ગુસ્સો ઘરમાં વેનિસા ઉપર ઉતારતો. એણે ભયાનક વાતો કરવા માંડી. હાથ ઉપાડતો થઈ ગયો. વેનિસાને પોતાની અને પોતાની દીકરીની સલામતી અંગે ભય લાગ્યો. છેવટે વકીલની સલાહ લઈને એ છૂટી થઈ ગઈ. કાયદાકીય ભાષામાં એ રીતે છૂટા થઈ જવાને એન્યુલ્લ્ડ મેરેજ (annulled marriage) કહેવામાં આવે છે. ડિવૉર્સની જરૂર જ નહિ. જાણે લગ્ન થયા જ નથી.
૨૦૦૯માં વેનિસાએ પણ કહેવા માંડ્યું કે ચોક્કસ પણે રોવૅને જ એની પહેલી પત્ની જેનૅટને મારી નાંખી હોવી જોઈએ. દુરહામ પોલિસ ડિપાર્ટમેન્ટે એ કેસ નવા ડિટેક્ટિવ ચાર્લ સોલ ને સોંફ્યો. સોલે નવેસરથી તપાસ આદરી. પોલિસ તપાસ દરમ્યાન રાવૅલે કરેલા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટની ઝીણવટથી નોંધ લીધી. સાંયોગિક પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ક્રાઈમ સીનના ફોટાઓનો અભ્યાસ કર્યો.
કેટલાક સંયોગિક પુરાવાના આધારે ૨૦૧૦માં ફેબ્રુઆરીની પહેલી તારિખે રાવૅનની ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર્જ હેઠળ ધરપકડ થઈ.
ચાર્લ સોલેને ફોટાઓ તપાસ્યા હતા. ફોટામાં કોન્ટેક્ટ લેન્સનું ખાલી બોક્ષ હતું. એણે એની બહેનોના સ્ટેટમેન્ટ લીધા. જેનૅટ નિયમિત રીતે સૂતા પહેલાં કોન્ટેક્ટ લેન્સ કાઢીને બોક્ષમાં મુકતી. એ કદીયે કોન્ટેક્ટ લેન્સ સાથે સૂતી હોય અને ઊંઘી હોય એવું બન્યું નથી. એને કોન્ટેક્ટ લેન્સ સાથે આંખ બંધ કરીને સૂવાનું ફાવતું જ ન હતું. એનો અર્થ એ કે એ જાગૃત હતી ત્યારે જ એની હત્યા થઈ હોવી જોઈએ.
કોર્ટની મંજુરીથી જુલાઈ ૨૦૧૦માં જેનેટનું કાસ્કેટ ખોદીને બહાર કઢાયું. લાશની ફરી મેડિકલ તપાસ થઈ અને એ સાબિત થયું કે જેનૅટને જ્યારે દફનાવવામાં આવી ત્યારે તેણે કોન્ટેક્ટ લેન્સ પહેરેલા હતા. એનો અર્થ એ કે રાવૅનના સ્ટેટમેન્ટ મુજબ જ્યારે એ સોકર રમવા ગયો ત્યારે જેનૅટ બેડમાં સૂતેલી ન હતી. ક્રાઈમ સીનના લેવાયલા ફોટાઓ ફરી તપાસતા જણાયું જે બન્ને વચ્ચે થોડી ઝપાઝપી પણ થઈ હતી. કોરોનરના રિપોર્ટ પ્રમાણે હત્યા રાતે આઠ વાગ્યા પહેલાં થઈ હતી.
લગભગ સાડાચાર પાંચ વર્ષ દરમ્યાન લાશ ગળાતી જાય. ફ્યુનરલ પહેલાં આંખને આઈ કેપથી સીલ કરવામાં આવે છે. કાળજી થી એ આઈ કેપ દુર કરાઈ. આંખ અને કોન્ટેક્ટ લેન્સ પણ ગળાય અને ચિમળાય. આવી ચિમળાયલી ત્વચા કોન્ટેક્ટ લેન્સ જ છે એ પુરવાર કરવાનું પણ સહેલું ન હતું. એને ખાસ સોલ્યુસનથી ધોવામાં આવી. એનો કોન્કેવ શેઈપ ઉભરી આવ્યો. અને એની બ્રાન્ડ નેઇમનો નંબર પણ વંચાયો. ડિટેક્ટિવ ચાર્લ સોલે ડુક્કરની આંખમાં કોન્ટેક્ટ લેન્સ મૂકીને ત્રણ લાકડાની પેટી પોતાના બેકયાર્ડમાં દાટી. એટલા જ સમય દરમ્યાન કોન્ટેક્ટ લેન્સ કઈ રીતે આંખમાં બદલાય તે પણ સરખાવ્યું. કોર્ટમાં કેસ શરૂ થયો. સાંયોગિક પુરાવાઓ રાવેનની વિરૂધ્ધ પુરવાર થયા. આ કેસમાં રાવેનની બીજી પત્ની વેનિસા પોન્ડે પણ જુબાની આપી. એણે જણાવ્યું કે રાવૅન કંટ્રોલીંગ હસબન્ડ હતો. ક્રોધી હતો. સોકર ફિલ્ડનો ગુસ્સો ઘરમાં પત્ની પર ઉતારતો હતો. એણે એને પણ કંઈ કરી બેસવાની ધમકી આપી હતી. એણે વેનિસાને કહ્યું હતું તું મને જરા પણ ગમતી નથી. આઈ હૅઇટ યુ. તું મરી જાય તો પણ મને પડી નથી. બધી જુબાની અને સાંયોગિક પુરાવાઓ રાવેનને ગુનેગાર ઠેરવતા હતા. આમ છતાં પણ એકવાતમાં તે મક્કમ રહ્યો હતો કે એણે ખુન નથી કર્યું. આઈ એમ નોટ ગિલ્ટી ઓફ માય વાઈફ’સ મર્ડર.
કોર્ટમાં રજુ થયેલા બધા જ સાંયોગિક પુરાવા પરથી સૌને ખાત્રી હતી કે રાવૅન ગિલ્ટી છે પણ બાર જણાની જ્યુરીમાંથી અગ્યાર જ્યુરરે ફર્સ્ટ ડિગ્રી મર્ડરમાં ગુનેગાર ઠેરવ્યો અને એક જ્યુરરે નોટ ગિલ્ટિ જાહેર કર્યો. કેપિટલ પનિશ્મેન્ટ માટે સર્વાનુમતિ હોવી જરૂરી છે. એને હંગ જ્યુરી કહેવાય. જજે આ કેસ મિસટ્રાયલ જાહેર કર્યો.
માર્ચ ૨૦૧૪માં ફરી કેસ શરૂ થવાનો હતો. પ્રોસિક્યુટરે આ વખતે વધારે તૈયારી કરી હતી. જો બીજી ટ્રાયલમાં તે ગિક્ટી ઠરે તો આજન્મ કેદ કે કદાચ ડેથ સેન્ટન્સ પણ મળી શકે. જીવ બચાવવા કે આજ્ન્મ કેદની સજામાંથી બચવા રાવૅને ફર્સ્ટ ડિગ્રી મેનસ્લોટરનો ગુનો કબુલી દીધો. એને એમ કે થોડી જ સજા થશે અને જીવ બચશે. પણ જજે એને દશ વર્ષની સજા કરી, અને એમાંથી એણે ટ્રાયલ દરમ્યાન જેલમાં ગાળેલા ચાર વર્ષ બાદ મળ્યા.
રાવૅને કોર્ટમાં જુબાની નહોતી આપી પણ ટ્રાયલને અંતે કહ્યું હતું કે મને પહેલી વાર પણ યોગ્ય ન્યાય ન મળ્યો અને બીજી વાર પણ યોગ્ય ન્યાય મળવાની શક્યતા ન હતી એટલે જીવ બચાવવા જ મેં જે ગુનો નથી કર્યો તે સ્વિકાર્યો છે. મેં મારી વાઈફ જેનૅટનું ખૂન નથી કર્યું. હું નિર્દોષ છું.
જેનેટના કોન્ટેક્ટ લેન્સે એને દશ વર્ષની જેલની સજા અપાવી.
સજા ભોગવ્યા બાદ એને ૨૦૧૭માં ૨૫મી ડિસેમ્બરના દિવસે છોડવામાં આવ્યો. અત્યારે તે યુથા સ્ટેટમાં રહે છે. સોસિયલ મિડિયામાં એની બીજી પત્ની વેનિસા પોન્ડ, યુવતીઓને રાવેલથી દૂર રહેવા ચેતવતી રહે છે. આ વાર્તા નથી; આ વાત છે. આ કોન્ટેક્ટ લેન્સે અપાવેલી સજાની સત્ય હકિકત છે.
પ્રગટઃ ગુજરાત દર્પણ મે ૨૦૧૯
“વ્હાઈટ કોલર ક્રાઈમ” પ્રવીણ શાસ્ત્રી
પ્રવીણ શાસ્ત્રી
“વ્હાઈટ કોલર ક્રાઈમ”
ગુરુદ્વારાના વિશાળ મેદાનમાં આસરે અઢી હજાર કેસરી પાઘડીઓનો માનવ મહેરામણ ઉભરાતો હતો. અલગ ખાલિસ્તાનનો ભડકો ઓપરેશન “બ્લ્યુ સ્ટાર” પછી ભારતમાં ભલે શમી ગયો હતો પણ એ વિદેશોમાં સંપુર્ણપણે ઠર્યો ન હતો. કેનેડાની સરકાર સીધી આડકતરી રીતે ખાલિસ્તાન ત્રાસવાદીઓને ખાનગી બળ પુરું પાડતી હોવાનો અણસારો પ્રજા સમજતી હતી.
આજે અમેરિકાના એક ટાઉનમાં આવેલા ગુરુદ્વારાના પ્રાંગણમાં મોટી સભા હતી. કેનેડાથી અને કેટલીક ઇંગ્લેન્ડથી વક્તાઓ અને સમર્થકો આવ્યા હતા. ઉશ્કેરાટ ભર્યા ભાષણો અને નારાબાજીનો માહોલ હતો. ખાલિસ્તાન ઝિન્દાબાદ. ના હિન્દી, ના હિન્દુ, ના હિન્દુસ્તાન, લૈકે રહેંગે ખાલિસ્તાન. મંચ પર ઓપરેશન બ્લુસ્ટારમાં શહિદ સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેનો બિલબોર્ડ સાઈઝનો મોટો ફોટો હતો. ખાલિસ્તાન લિબરેશન ફોર્સના નાના મોટા ત્રાસવાદી ગણાય એવા નેતાની પણ હાજરી દેખાતી હતી.
મંચના એક ખૂણા પર ડો. પ્રેમલજીતસિંઘ અદબ વાળીને ઉભા હતા. પહેલીજ વાર એઓ ખાલિસ્તાન ચળવળની આવી સભામાં આવ્યા હતા. એમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ જેમ જેમ વક્તાઓના ઉશ્કેરાટ ભર્યા ભાષણો સાંભળતા ગયા તેમ તેમ એમનું લોહી ગરમ થવા માંડ્યું. માનસિક રીતે તો ખાલિસ્તાન લિબરેશન ફોર્સમાં ભરતી થઈ જ ગયા.
ખાલિસ્તાન રૅલી પત્યા પછી; ગુરુદ્વારામાં ખાસ મિટિંગ યોજાઈ હતી.
‘આપણું ફંડ યુકે, કેનેડા, મલયેશિયા અને સ્પેનથી આવે છે. અમેરિકાના શીખનો ફાળો નહિવત અને શરમ જનક છે. ડોક્ટર પ્રેમલજીતસિંઘ અમે તમારી પાસે દરમહિને એક લાખ ડોલરની આશા રાખીયે છીએ.’
એક નેતાએ સીધી માંગણી કરી.
‘એક લાખ, દર મહિને? એટલી તો મારી પ્રેક્ટિશ પણ નથી.’
‘પાજી, નહિ હોય તો કરવા માંડો. તમારે માટે, ખાલિસ્તાન માટે. ફોર્સના કેટલાયે જવાન શહિદ થાય છે. તમારે તમારી જાતની નહિ પણ તમારી દોલતની શહિદી કરવાની છે.’ ડોક્ટર પ્રેમલજીતસિંઘ પર દબાણ વધતું હતું.
ડોક્ટર પ્રેમલજીતસિંઘ અને એની બ્યુટિફુલ પત્ની ડો. સૌમ્યાકૌર અમેરિકાના એક ટાઉનમાં પોતાનું પૅઇન ક્લિનિક ચલાવતા હતા. વાર્ષિક ચાર લાખ કમાતા હતા. અને ખાલિસ્તાન બોસ મહિને એક લાખ માંગતા હતા. પહેલા છ સાત મહિના તો પોતાની બચતમાંથી એઓ ફાળો આપતા ગયા. એમના દિલ દિમાગ પર ખાલિસ્તાન ભક્તિ છવાઈ ગઈ હતી. આવક વધારવી જ પડશે. એનેસ્થેસિઓલોજીસ્ટ તરીકે એમની નામના સારી હતી. સ્વભાવ પણ માયાળુ હતો. પ્રેકટિશ સારી હતી છતાં પેશન્ટની સંખ્યાની મર્યાદામાં ખાસ વધારો ન હતો.
ડો.સૌમ્યાકૌરને આવક વધારવાનો એક માર્ગ દેખાયો. ધીમે ધીમે એમની આવક વધવા માંડી અને મોકળા મને ખાલિસ્તાન માટે ફાળો નોંધાતો રહ્યો. વહેતા સમય સાથે ડોક્ટર દંપતિ ખાલિસ્તાનના જાણીતા સમર્થક બની ગયા. ભારત સરકારે વિદેશમાં સ્થાયી થયેલા ત્રણસો જેટલા ત્રાસવાદને પોષતા શીખોને બ્લેક લિસ્ટમાં મૂકી દીધા એમાં ડોક્ટર પ્રેમલજીતસિંઘનું નામ આગળ પડતું હતું. બ્લેકલિસ્ટમાં મુકાયલાઓને માટે ભારતમાં પ્રવેશવાની બંધી હતી.
***
આજે ડોક્ટરના વૈભવી મકાનમાં પચાસ જેટલા શીખ ક્રાન્તિકારી આગેવાનો ભેગા થયા હતા. ભારતની પ્રવેશબંધી કઈ રીતે હટાવી શકાય તેની ચર્ચા થવાની હતી. પ્રેમલજીત સારા ગાયક હતા. એમની કેટલીક સીડી પ્રસિદ્ધ થઈ હતી. સૌએ ઉભા થઈને ખાલિસ્તાન માટે બનાવાયલું રાષ્ટ્રગીત ગાયું. આનંદમિશ્રીત ઉશ્કેરાટ હતો. પ્રેમલજી આવેલા મહેમાનોને આવકાર પ્રવચન આપવા ઉભા થયા અને ડોરબેલ વાગ્યો.
બારણું ઉઘડ્યું. સામે પાંચ વ્યક્તિ ઉભી હતી. બે એફબીઆઈ ઓફિસર, બે લોકલ પોલીસ ઓફિસર અને એક ડિસ્ટ્રિક એટર્ની ઓફિસની લોયર.
ડોક્ટર પ્રેમલ્જીતસિંઘ અને ડોક્ટર સૌમ્યાકૌર, યુ આર અંડર એરેસ્ટ ફોર ફ્રોડ અગેન્સ્ટ યુએસ ગવર્ન્મેન્ટ. યુ હેવ રાઈટ્સ ટુ રિમેઇન સાઈલન્ટ. જે કંઈ પણ કહેશો તેનો કોર્ટમાં તમારી વિરૂધ્ધ ઉપયોગ થશે. તમને એટર્ની રાખવાનો હક છે. અને જો તમને ના પોસાય તો કોર્ટ તમારા બચાવ માટે એટર્ની નિયુક્ત કરશે.
એફબીઆઈ ઓફિસરે પ્રોટોકોલ મુજબ ડોક્ટર દંપતિને મિરેન્ડા રાઈટ્સ જણાવી દીધા. ડોક્ટરની આજુબાજુ શીખ સરદારોનું કવચ થઈ ગયું. ‘ડોક્ટરકો એરેસ્ટ નહિ હોને દેંગે. ફ્રીડમ ઓફ સ્પીચ. ઈટ ઈઝ અવર રાઈટસ.’ સરદારજીઓ સમજ્યા વગર બરાડા પાડતા રહ્યા. સૌમ્યાકૌરે પોલિસ ઓફિસરને ધક્કો માર્યો.
ક્ષણનો વિલંબ કર્યા વગર હાથકડી પહેરાવાઈ ગઈ અને તેમને લઈને પોલિસકાર ઉપડી ગઈ. બારણા આગળ બની ગયેલો બનાવ હાજર રહેલા ઘણાં સરદારજીઓ સમજી શક્યા નહિ. અધુરી સમજમાં માની લીધું કે અમેરિકન સરકારે ખાલિસ્તાન માટેની પ્રવૃત્તિ દબાવી દેવા પ્રસિદ્ધ ડોક્ટરની ઘરપકડ કરી છે. ઘરમાં “ખાલિસ્તાન ઝિન્દાબાદ, મારેંગે, મરેંગે લેકિન ખાલિસ્તાન લેકે રહેંગે” નારાઓ ચાલ્યા પણ આ નારા સંભળવા માટે ન તો ડોક્ટર હાજર હતા કે નતો અમેરિકન ઓફિસર.
***
આજે કોર્ટરૂમ કેસરી પાઘડીઓથી ભરેલો હતો. ડોક્ટર દંપતિ એમના એટર્ની સાથે બેઠા હતાં.
કોર્ટની કાર્યવાહી શરૂ થઈ.
‘ડિફેન્ડન્ટ, પ્લીઝ આઈડેન્ટીફાય યોર્સેલ્ફ વિથ યોર નેઇમ વિથ એક્ઝેટ સ્પેલિંગ.’ જજે પુછ્યું.
બન્ને જણાએ પોતાના નામ સરનામા જણાવ્યા.
એમની સામે ચાર્જ શીટ રજુ થઈ.
‘અમેરિકન ફેડરલ હેલ્થ બેનિફિટ પ્રોગ્રામ, મેડિકેર અને મેડિકેઇડ ને ખોટા બીલ મોકલીને સરકાર સાથે તમે છેતરપીડી કરી છે.’
ડોક્ટરોએ કહ્યું ‘નોટ ગિલ્ટી’
આ કંઇ ખાલિસ્તાન અંગેનો કોઈ કેઇસ ન હતો. માત્ર એક બે પાઘડી સિવાય ધીમે ધીમે કેસરી ફેંટા અદૃષ્ય થઈ ગયા. દિવસો વિતતા ગયા. મુકદ્દમો ચાલતો રહ્યો.
‘ડોક્ટર તમારા એજ્યુકેશનની માહિતી આપશો?’ ગવર્નમેન્ટ પ્રોસિક્યુટરે સવાલો શરૂ કર્યા.
‘હું ગવર્ન્મેન્ટ મેડિકલ સ્કુલ ઓફ અમ્રિતસર, ઈન્ડિયાનો મેડિકલ ગ્રેજ્યુએટ છું અને મેં યુનિવર્સિટિ ઓફ ટેક્ષાસ, સાન એન્ટોનિઓમાં એનેસ્થેસિયોલોજી અને પૅઇન મેનેજમેન્ટમાં રેસીડન્સી કરી છે. હું બોર્ડ સર્ટિફાઈડ ડોક્ટર છું’
‘પ્રોફેશનલ પ્રેક્ટિશની વિગત આપશો.’
‘મેં મારું પોતાનું પૅઇન મેનેજ્મેન્ટ સેન્ટર સ્થાપ્યું છે. હું તેનો ઓનર અને ડાયરેકટર છું. મેં ટેક્ષાસ યુનિવર્સિટિમાં એનેસ્થેસિયોલોજી ઉપરાંત એની સાથે સંકળાયલી બીજી શાખાઓ જેવીકે ફિઝિકલ મેડિસીન, રિહેબિલિયેશન, સાઈકિયાટ્રિક, સાઈકોલોજી, ન્યુરોલોજી અને ઓર્થોપેડિક સર્જરીનો પણ અભ્યાસ કર્યો છે. અને એની જ પ્રેકટિશ મારા ક્લિનિકમાં કરી પેશન્ટની સેવા કરું છું.’ ડોક્ટરે સ્વસ્થતાથી પોતાની એકાડેમિક અને પ્રોફેશનલ સિદ્ધિ ગૌરવ પૂર્વક જણાવી.
‘ડોક્ટર, રિયલી વેરી ઈમ્પ્રેસીવ.’
‘મેડમ ડોકટર સૌમ્યાકૌર, આપ આપના બેકગ્રાઉન્ડ વિશે જણાવશો.’ પ્રાથમિક સવાલો પછી ડો. સૌમ્યાકૌરને પણ એવા જ સવાલો પૂછવામાં આવ્યા.
‘હું ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ઓફ પતિયાલા ઈન્ડિયાની મેડિકલ ગ્રેજ્યુએટ છું. મેં અહિ અમેરિકામાં ટેક્ષાસ યુનિવર્સિટિમાં અને આલ્બર્ટ આઈનસ્ટાઈન મૉન્ટેફિઓરે મેડિકલ સેન્ટરમાં સાઈકિયાટ્રિકમાં રેસિડન્સી કરી છે. ડિપ્રેસિવ ડિસઓર્ડર, ડિપ્રેશન, સ્લીપ ડિસઓર્ડર, એટેન્શન ડેફિસિટ, હાઈપર એક્ટિવિટી, બાઈપોલાર ડિસઓર્ડર, ઈન્સોમ્નિયા, પૅઇન મેનેજમેન્ટમાં મારી એક્ષપર્ટિઝ છે. હું પણ બોર્ડ સર્ટિફાઈડ ફિઝિશિયન છું. હું મારા પતિ સાથે પ્રેક્ટિશ કરું છું.’
‘વાહ ડોક્ટર. આઈએમ ઈમ્પ્રેશ્ડ. જો હું તમારા ટાઉનમાં હોત તો મારા બેકપૅઇન માટે તમારી પાસે જ આવ્યો હોત.’ પ્રોસિક્યુટરે જરા હળવા ટૉનમાં કહ્યું.
ડિફેન્સ એટર્નીએ ચાર પાંચ પેશન્ટને ડોક્ટર દંપતિના પ્રોફેશનલ રિવ્યુ રજુ કર્યા. દરેકના અભિપ્રાય પ્રમાણે બન્ને ડોક્ટર તેમના પ્રોફેશનમાં નિષ્ણાત છે. ખુબ જ ધ્યાનથી પેશન્ટના પૅઇનની વાતો સાંભળે છે, કાળજીપૂર્વક દરેક પેશન્ટનની સારવાર કરે છે. મૃદુભાષી છે. દરેક પેશન્ટને પુરતો સમય આપે છે. એમનો રિવ્યુ સ્ટાર પાંચમાંથી પાંચ છે. ડોક્ટર અમારી કોમ્યુનિટીનું ગૌરવ છે.
બન્નેની મેડિકલ પ્રેક્ટિશ અંગે કોઈપણ પેશન્ટને કોઈ ફરિયાદ ન હતી.
‘મેડમ ડોક્ટર, આપના એકાઉન્ટ અને બિલિંગ કોણ સંભાળે છે?’ પ્રોસિક્યુટરના સવાલો ચાલુ રહ્યા.
‘બિલિંગ સેક્રેટરી અને એકાઉનટન્ટ આ બધું સંભાળે છે. બિલિંગ ચાર્જ, ટ્રિટમેન્ટ કોડિંગ પ્રમાણે થાય છે. પેશન્ટના કો-પેમેન્ટ વિઝિટ સમયે જ વસુલ થાય છે અને બાકીનો ચાર્જ ઈન્સ્યુરન્સ કંપની કે મેડિકેર અગર મેડિકેઇડની પાસે વસુલ થાય છે.’
‘ ખરેખર આ બધી માથાકૂટ વાળી સિસ્ટિમ છે ખરું ને?’
‘ડોક્ટર પ્રેમલજીતસિંઘ, કમ્મર, ઘૂંટણ, ખભા કે બોચીમાં અસહ્ય દુખાવો રહેતો હોય તો એને માટેની ટ્રિટમેન્ટ શું હોય છે?’
‘જો ઓરલ મેડિસિન કામ ન કરે તો બ્રેઈનને પૅઇન સિગ્નલ પહોંચાડતી નર્વને નમ કરી નાંખવામાં આવે. આ પ્રોસિજરને “નર્વ બ્લોકિંગ” કહેવાય. આ જ નર્વ બ્લોકિંગ સર્જરી દરમ્યાન પણ કરવામાં આવે છે. આમ તો એ તદ્દન સરળ પ્રોસિજર છે. બસ દુખતી નર્વમાં ઇન્જક્શન દ્વારા મેડિસિન આપવામાં આવે છે. આમાં મારી એક્ષ્પર્ટીઝ છે. નર્વ બ્લોક કર્યા પછી પેશન્ટને પૅઇન થયું નથી.’
‘હું માનું છું કે પૅઇન તો થતું હશે પણ મગજ પર એની અનુભૂતી ન થતી હોય.’
‘હા એમ પણ કહી શકો.’
‘હાશ! મારે પણ કદાચ મારી લોઅર બેકપૅઇન માટે નર્વ બ્લોકિંગ જ કરાવવું પડશે. પણ મને નિડલની બીક લાગે છે. બીજુ કે જો ડોક્ટર જો નર્વ ચૂકી જાય તો શું? પેઈન વધી જ જાયને એટલે હિમ્મત થતી નથી. મારી તો વૅઇન પણ ઘણી પાતળી અને નાજુક છે. બ્લડ સેમ્પલ કે આઈવી મુકવાની હોય તો નર્સને વૅઇન શોધવાની પણ ઘણી તકલીફ રહે છે. તમને આવી વૅઇન શોધવાની મુશ્કેલી નડે છે ખરી?’
‘ના મને એવી મુશ્કેલી નથી નડતી. મને વર્ષોનો અનુભવ છે. હું સહેલાઈથી નર્વ બ્લોકિંગ પ્રોસિજર માટેની ખરી નર્વ પકડી શકું છું.’
‘તમને તો સારો અનુભવ છે; પણ જેમને અનુભવ ન હોય અને તેમને નર્વ શોધવાની તકલીફ હોય તો તેઓ શું કરે?’
‘એ કાંઈ મોટી વાત નથી. એને માટે ઈમેજીન ગાઈડન્સ મશીન આવે છે. એના ઉપયોગથી ડોક્ટર સહેલાઈથી નર્વ શોધી કાઢે છે અને એ મશીન આપોઆપ નિડલને ગાઈડ કરે છે.’
‘ડોક્ટર તમે ઈમેજીન ગાઈડન્સનો ઉપયોગ કરો છો ખરા?’
‘હેં, વ્હોટ? યસ નો નો, યસ.’
‘યસ ઓર નો?’ પ્રોસિક્યુટરે મુક્કો પછાડીને પૂછ્યું.
‘આ મારી પાસે એક મેડિકેર ઈન્સ્યુરન્સને મોકલેલું બીલ છે એમાં તમે ઈમેજીન ગાઈડન્સ મશીન ટેકનિકનો ચાર્જ કર્યો છે. તમે આ પ્રોસિજરમાં મશીનનો ઉપયોગ કર્યો હતો કે નહિ. ડીડ યુ યુઝ ઈમેજીન ગાઈડન્સ મશીન ફોર ધ પ્રોસિજર ઓન ધીસ પેશન્ટ? યસ ઓર નો? પ્રોસિક્યુટરે મોટો બરાડો પાડ્યો.
‘નો નો……યસ યસ, યસ આઈ યુઝ ધ મશીન.’
‘રોંગ, ડોક્ટર રોંગ. યુ આર લાયર. યુ નેવર એવર યુઝ્ડ ઈમેજીન ગાઈડન્સ મશીન ફોર ધ પ્રોસિજર. યુ નેવર યુઝ્ડ મશીન, બિકોઝ યુ નેવર હેડ ધેટ મશીન ઈન યોર ક્લિનિક. મશીન વગરની પ્રોસિજરનો ચાર્જ ઓછો હોય છે. મશીન સાથેની પ્રોસિજરનો ચાર્જ વધારે થાય અને તમે અને તમારી પત્નીએ ઈરાદા પૂર્વક ખોટા કોડિંગથી વધારે પેમેન્ટ મેળવીને ઈન્સ્યુરન્સ કંપનીઓને અને મેડિકેર મેડિકેઈડને છેતરી છે. યુ આર થીફ. યુ આર ચિટર. આ એક બે હજાર ડોલરનો કેસ નથી. યુ સ્ટોલ મિલિયન્સ ઓફ ડોલર ફ્રોમ ધ ગવર્નમેન્ટ એન્ડ ઈન્સ્યુરન્સ કંપની. યુ એબ્યુઝ થે હેલ્થકેર સિસ્ટિમ. ધીસ ઈઝ ધ કોમ્પ્યુટર રેકોર્ડ ઓફ ધ બીલીંગ.’ બિલિંગ રેકોર્ડ્સની પ્રિન્ટ્સનો મોટો ઢગલો જજના ડેસ્ક પર ખડકાઈ ગયો.
ડોક્ટર ત્યાં જ ફસડાઈ પડ્યા. સૌમ્યાકૌર બેભાન થઈ ગયા.
કેસ આગળ વધતો ગયો. બસ પછી તો એક પછી એક ચિટિંગ અને ફ્રોડના આરોપો મુકાતા ગયા અને પુરવાર થતા ગયા.
છેવટે ચુકાદાનો સમય આવી ગયો………….ચૂકાદો અપાઈ ગયો.
અને ન્યુઝ મિડિયા પર સમાચાર વહેતા થયા.
“…… આજ રોજ યુનાઈટેડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ભારતીય મૂળના ૬૦ વર્ષના ડોક્ટર પ્રેમલજીતસિંહ અને એની ૫૭ વર્ષની પત્ની ડોક્ટર સૌમ્યાકૌરને ૧૧૧ મહિનાની જેલની સજા ફરમાવવામાં આવી છે. સજાને અંતે છેતરપિંડી માટે ત્રણ વર્ષ સુપરવિઝન હેઠળ રહેવું પડશે. હેલ્થકેર અંગે ખોટા સ્ટેટમેન્ટ માટે બે કાઉન્ટ, એક કાઉન્ટ ઓબસ્ટ્રેકશન ઓફ જસ્ટિસ, ચાર કાઉન્ટ વાયર ફ્રોડ અને એક કાઉન્ટ આઈડેન્ટિટી થેફ્ટ હેઠળ આ સજા ફરમાવાઈ હતી. આ ઉપરાંત ડોક્ટરે $૩,૧૦૩,૮૭૪ (૩૧ લાખ ડોલર) સરકારને પાછા ભરપાઈ રહેશે. એઓ બન્ને પેઇન ક્લિનિક ચલાવતા હતા. બન્ને ડોક્ટર ખાલિસ્તાન ચળવળના સમર્થક હતા. એઓ ન તો માતૃભૂમિને વફાદાર રહ્યા કે ન તો કર્મભૂમિને.”
*** નોંધઃ સજાની શરૂઆત થાય તે પહેલાં ડોક્ટર પત્નીનું અવસાન થયું હતું. અને એની સામેનો કેસ બંધ કરાયો હતો.
(સત્ય ઘટના પર આધારિત નવા નામકરણ સહિતની, રૂપાંતરીત વાર્તા. પ્રવીણ શાસ્ત્રી)
ગુજરાત દર્પણ એપ્રિલ ૨૦૧૯”
“કુછ તો લોગ કહેંગે” – માર્ચ માસની મારી વાર્તા.
“કુછ તો લોગ કહેંગે”
પ્રવીણ શાસ્ત્રી
મેડમ અનુરાધાજીની રિટાયર્મેન્ટ પાર્ટી હતી. ફાઈવ સ્ટાર હોટેલનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, કંપનીના ટોચના ઓફિસરો, આમંત્રિત મહાનુભાવો, મિડિયાના પત્રકારો અને કેમેરામેનોથી ખીચોખચ ભરેલો હતો. હરણફાળે વિકાસ પામતી ‘મેથ્યુ ઈન્ટરનેશનલ સ્પોર્ટિંગ ગુડ્સ કોર્પોરેશનના સીઈઓ’ મેડમ અનુરાધાએ માત્ર પાંસઠ વર્ષની ઉમ્મરે નિવૃત્ત થવાનો એકાએક નિર્ણય કેમ લીધો હતો તે જાણવાની સૌને જીજ્ઞાસા હતી. પ્રતિસ્પર્ધી કંપનીઓએ સીધી આડકતરી અફવાઓ ઉડાવવામાં કંઈ પણ બાકી રાખ્યું ન હતું. અનુરાધાને કેન્સર છે. અનુરાધા એના શેર કેસ કરીને દીકરા સાથે અમેરિકા ચાલ્યા જવાના છે. અરે! એના તો વાઈસપ્રેસિડન્ટ સાથે વર્ષોથી લફરાં છે. હવે એ બેનરજીનું ઘર માંડવાના છે. ના દિક્ષા લઈને સાધ્વી થવાના છે.
ખરેખર તો મેડમ અનુરાધા નારી શક્તિનું જીવતું જાગતું ઉદાહરણ હતું. શહેરની એક નાની દુકાનમાંથી દેશભરમાં સાતસો જેટલા સ્ટોરની ફ્રેન્ચાઈસ ઉભી કરનાર અનુરાધાજીનું નામ ભારતના સ્પોર્ટ્સવર્લ્ડમાં આદરથી લેવાતું હતું. છેલ્લા પંદર વર્ષમાં એની કંપનીએ દેશભરમાં થતાં નાના મોટા સ્પોર્ટ્સ ઈવાન્ટ સ્પોન્સર કર્યા હતા. અંગતરીતે અનેક નાના નાના ગામડાઓની શાળાઓને અને છોકરાંઓની ટીમને સ્પોર્ટિંગ ગુડ્સ ડોનેટ કરીને ગરીબ પછાત વર્ગના બાળકોને રમતા કર્યા હતા. પાંચ વર્ષ પહેલાં જ એમને માનવતાના કામ અંગે કરેલા ચેરિટીને ધ્યાનમાં લઈને સરકારે પદ્મશ્રીનો એવોર્ડ પણ આપ્યો હતો.
અનુરાધા ધનિક કુટુંબની દીકરી હતી. નાનપણથી જ ભણવામાં અને દરેક સ્પોર્ટ્સમાં હોંશિયાર હતી. કોલેજના પહેલા જ વર્ષમાં એની મૈત્રી અનુપમ સાથે થઈ. અનુપમ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો, પછાત વર્ગનો પણ સ્કોલર વિદ્યાર્થી હતો. અનુરાધાએ અનુપમ સાથે ટેનિસ ડબલમાં કોલેજને ઈન્ટર યુનિવર્સિટી ટ્રોફી અપાવી. અનુપમ સાથેની દોસ્તી પ્રેમમાં પરિવર્તન પામી. લગ્ન પહેલાં જ એ અનુપમની પુત્રીની મા બની ગઈ.
બન્ને પ્રેમીઓએ કોર્ટમાં લગ્ન કરી લીધા. ઉચ્ચ ધનિક વૈષ્ણવ પિયરીયાઓએ અનુરાધા સાથેનો સંબંધ તોડી નાંખ્યો. એમને માટે પુત્રી મરી ચૂકી હતી. અનુપમે આગળ ભણવાને બદલે જે મળે તે નોકરી સ્વીકારી લીધી. દીકરી માંડ દોઢ વર્ષની થઈ અને અનુરાધાએ પુત્રને પણ જન્મ આપ્યો. ઓગણીસની ઉમ્મરમાં તે બે બાળકોની માતા થઈ ગઈ. અનુપમ ઈચ્છતો હતો કે અનુરાધાના માબાપ સાથેના સંબંધો સુધરે; આગળ અભ્યાસ કરે. એ અનુરાધાના માબાપ અને ભાઈઓને લાંબા થઈને અનેકવાર પગે લાગી ચૂક્યો હતો. સમજાવી ચૂક્યો હતો. એને માત્ર અપમાન અને ધિક્કાર જ મળ્યા. અનુરાધાનું જીવન બગાડવા બદલ પોતાને ગુનેગાર ગણતો અનુપમ ડિપ્રેશનમાં સરી ગયો અને એક રાત્રે પંખા સાથે લટકીને તેણે આત્મહત્યા કરી લીધી. અનુરાધા બે બાળકો સાથે અનાથ બની ગઈ. તો પણ પિયરમાં કોઈનો સાથ કે સ્નેહ ન મળ્યો. કારણકે એ અછૂત બાળકોની માતા હતી. પુત્રી વૈષ્ણવ મટી ગઈ હતી.
આ કપરા સમયમાં કોલેજના ટેનિસકૉચ મિસ્ટર મેથ્યુએ એને મદદ કરી. મિસ્ટર મેથ્યુ કોલેજની નોકરી સાથે રમતગમતના સાધનોનો એક નાનો સ્ટોર ચલાવતા હતા. આગળ દુકાન અને પાછળ નાના બે રહેવાય તેવા રૂમ હતા. ‘અનુ, તું અહિ બાળકો સાથે રહે અને મારો સ્ટોર સંભાળ. અનુપમ મારો વ્હાલો ખેલાડી હતો.’ મેથ્યુ નિઃસંતાન વિધુર હતા. કોઈ કહેતું કે મેથ્યુ સાથે અનુરાધાને બાપ દીકરી જેવો સંબંધ હતો તો કોઈ કહેતું કે પતિ પત્ની તરીકે તેઓ સાથે રહેતાં હતા. અનુરાધાને લોકો શું કહે અને શું માને તેની પરવા ન હતી. એને તો દીકરી દીકરાને મોટા કરવાના હતા. ભણાવવાના હતા અને પોતાને આગળ વધવાનું હતું.
મિસ્ટર મેથ્યુની આર્થિક કૃપા એને આશીર્વાદ સમી નીવડી. એને મેથ્યુસર પાસે અનેક સ્પોર્ટસ અને એના સાધનો વિશે ઘણું શીખવા મળ્યું. છેલ્લા દિવસોમાં એણે મેથ્યુસરની ખૂબ સેવા કરી. ફલસ્તુતિમાં મેથ્યુ ગુજરી ગયા ત્યારે દુકાન અને નાની મૂડી અનુરાધાના નામપર કરતાં ગયા. દિવસમાં અઢારથી વીસ કલાક સખત પરિશ્રમ અને કુનેહથી બાળકોને ઉછેર્યા, અને એક પછી એક શહેરોમાં દુકાનો ખોલી. ક્યારે અને કેવી રીતે સ્પોર્ટ જગતમાં એનું નામ ગાજતું થઈ ગયું એનો એને પોતાને પણ ભાન ખ્યાલ ન હતો. ત્રીસ વર્ષને અંતે એ કોર્પોરેશનની એકાવન ટકાની માલિકી સાથે એ સીઈઓ અને ચેરમેન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બની ગયા હતા.
પાંસઠ વર્ષની વયે જ્યારે એ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિના શિખર પર હતાં ત્યારે એણે એકાએક જ નિવૃત્ત થવાનો નિર્ણય લીધો. બિઝનેશ વર્લ્ડમાં પાંસઠની ઉમ્મર તો યુવાન ગણાય. એ કાંઈ નિવૃત્ત થવાની ઉમ્મર ન હતી. એનો નિર્ણય બધાને માટે આશ્ચર્ય હતું. અનુરાધાજી તો પાંસઠની ઉમ્મરે પણ પિસ્તાળીસી યુવતીઓ કરતાં પણ વધુ તરવળાટ વાળા અને સ્વસ્થ મહિલા હતા. દીકરી નિલમ દિલ્હીની કોલેજમાં પ્રોફેસર હતી. અને કોઈ પોલિટિશીયનને પરણી હતી. એ પણ બે દીકરાની મા હતી. હવે એ સીઈઓ બની ને કોર્પોરેશન સંભાળવાની હતી. દીકરો તુષાર ડોક્ટર થયો હતો અને અમેરિકન ડોક્ટરને પરણીને કેલિફોર્નિયામાં સ્થાયી થયો હતો. આજે દીકરો અમેરિકાથી એની અમેરિકન પત્ની સાથે આ ફંકશનમાં ખાસ હાજરી આપવા આવ્યો હતો. દીકરી એના પરિવાર સાથે દિલ્હીથી આવી હતી.
એક અઠવાડિયા પહેલાં જ્યારે મેડમ અનુરાધાએ નિવૃત્તિની જાહેરાત કરી ત્યારથી કંપનીના સ્ટોક અનેક અફવાઓથી ઉપર નીચે જતા હતા. અનેક પત્રકારો અને ટીવી રિપોરટરના કેમેરાઓ પાર્ટીહોલમાં ખૂણે ખંણે ગોઠવાયલા હતા. કોર્પોરેશન પરિવર્તન થવાનું હતું. મેડમનું જીવન પણ બદલવાનું હતું. આજે કદાચ એકાએક નિવૃત્ત થવાના કારણનો પણ ઘટસ્પોટ થવાનો હતો.
સ્ટેજ પર મધ્યમાં મેડમ અનુરાધાજી હતા આજુબાજુની ખુરસીઓ પર કોર્પોરેશનના હોદ્દેદારો, પુત્રી નિલમ અને પુત્ર તુષાર હતો. એઓ પણ મેજર શેર હોલ્ડર હતા. વક્તાઓના વક્તવ્ય શરૂ થયા. સૌએ અનુરાધાજીની કાર્યદક્ષતાની પ્રસંશાના પુષ્પો વેર્યા. લીડરશીપને બીરદાવી.
સિનિયર વાઈસપ્રેસિડંટે ટૂંકમાં જણાવ્યું કે સતત સંઘર્ષ, અખંડ સક્રિયતા, વ્યાપાર જગતની આત્મસૂઝથી એકલે હાથે મેથ્યુ સરની એક નાનકડી દુકાનમાંથી દેશભરમાં સાતસો થી આઠસો જેટલી નાની મોટી દુકાનોનો કરી. એ ઓછી સિદ્ધિ નથી. નારીશક્તિને સો સો સલામ. એક આનંદના સમાચાર છે કે હવે અનુરાધાજીનું સ્થાન અને બધી જવાબદારીઓ એની પુત્રી નિલમ સંભાળશે. હોલ તાળીઓથી ગાજી ઉઢ્યો.
સીએફઓ- ચિફ ફાઈનાન્સિંગ ઓફિસરે જણાવ્યું કે ફોર્થ ક્વાર્ટરનું સેવન્ટિન પર્સેન્ટ ડિવિડન્ડ જાહેર કરતાં ગૌરવ અનુભવીએ છીએ. પુત્ર તુષારે કહ્યું કે મમ્મીએ અમને અને આ કોર્પોરેશન ઉછેરવામાં પોતાના અંગત સુખનું બલિદાન આપી દીધું છે. હાઈસ્કુલના વર્ષો દરમ્યાન રોજ રાત્રે સાત થી દશ અમારા અભ્યાસ પર ધ્યાન રાખીને માર્ગદર્શન કરાવતા રહ્યા. અમને નાનપણથી જ પોતાનું કામ પોતે કરતાં શીખવી દીધું હતું. એમના સંજોગોએ એક સાથે ચાર પાંચ કામ સાથે કરવાની કુનેહ શીખવી દીધી હતી. આ જ એમની સફળતાની ચાવી છે. અમારી અઢારમી બર્થ ડેને દિવસે અમને જવાબદારીનું છેલ્લું લેશન આપીને કહ્યું હતું. જ્યાં જરૂર પડશે ત્યાં તમારી મદદ માટે મમ્મી તમારી સાથે જ હશે. પણ શું ભણવું, કેવી રીતે આગળ વધવું એ બધાજ નિર્ણયો જાતે જ લેવાના છે. બી રિસ્પોન્સિબલ ફોર યોર ઓન લાઈફ.
પુત્રી નિલમે કહ્યું કે, જીંદગીની દોડમાં ક્યારેકતો ધીમા પડવું જોઈએ, ક્યારેક તો દિશા બદલવી જોઈએ. મમ્મીએ નિવૃત્તિનો નિર્ણય લીધો તે યોગ્ય છે. હવે એમણે એમની જીંદગી પોતાને માટે જ જીવવાની છે. એમને માટેના નિર્ણયો એઓ જાતે જ લેવાને ટેવાયલા છે.
છેલ્લે અનુરાધા મેડમે મોદીજીના સૂત્ર “સબકા સાથ સબકા વિકાસ” દ્વારા કોર્પોરેશન સાથે સંકળાયલી તમામ વ્યક્તિનો આભાર માન્યો. ‘મારે ખાસ આભાર શ્રી બેનરજીનો માનવાનો છે. એમની મદદ અને આ માર્ગદર્શન વગર આ કોર્પોરેશનનો વિકાસ શક્ય જ ન હતો. મારા માતા પિતા અને ભાઈઓએ મને જાકારો આપ્યો હતો. શ્રી બેનરજીએ મારી પાસે રક્ષા બંધાવી મને બેન બનાવી, હંમેશાં મને ઘંઘાકીય માર્ગદર્શન આપતા રહ્યા છે. મને ખાત્રી છે કે એઓ મારી દીકરીને પણ સલાહ આપતા રહેશે. કંપનીના હોદ્દેદારોને કંપનીના ભવિષ્યની ચિંતા હતી. શેરહોલ્ડરને એમના રોકાણની ચિંતા હતી. એમ્પ્લોયિઝને એમની નોકરીની ચિંતા હતી. પણ બધું શુભમ શુભમ હતું. મોટાભાગની અફવા માત્ર અફવા જ સાબિત થઈ હતી. મિડિયાના પત્રકારોને આવી પ્રસસ્તિ પ્રવચનોમાં રસ ન હતો. એમને તો જોઈતા હતા કોઈ ઘમાકેદાર સમાચાર. કોઈ ચટાકેદાર વાત. પાર્ટિહોલમાંથી કોઈકે બૂમ પાડી. ‘પ્લીઝ, મેડમ અનુરાધાજી ડોન્ટ રિટાયર. વી નીડ યુ. ઐસી કૌન સી વજહ હૈ કી આપને ઈતની જલ્દી કંપનીસે અલગ હોના જરૂરી સમજા.’
અનુરાધાએ કહ્યું મારા આ નિર્ણય માટે મારી દીકરીએ થોડા વર્ષો પહેલાં આપેલી સલાહ જવાબદાર છે. મારા બે નહિ ત્રણ સંતાનો છે. મેં મારા દીકરા દીકરીને જન્મ આપ્યો, એ જ રીતે મેથ્યુ કોરપોરેશનને પણ જન્મ આપ્યો છે. દીકરા દીકરીને અઢાર વર્ષ પછી એમને પોતાને પોતાની રીતે વિકસવા દીધા છે.
મારી દીકરીએ મને એક દિવસ કહ્યું હતું, ‘મૉમ, આપણી કોર્પોરેશન તો પિસ્તાળીસ વર્ષની થઈ ગઈ છે. ક્યાં સુધી એને બેબી કર્યા કરશો? ક્યાં સુધી એની આંગળી પકડી રાખશો? તમારી કંપની એટલી સક્ષમ છે કે તે અમારી ત્રણ પેઢીને સપોર્ટ કરી શકે એમ છે. ક્યારે તમે કોઈક મનગમતા સાથીદાર સાથે વેકેશન લેશો? ક્યારે કોઈની સાથે ટેનિસ રમશો? ક્યારે તમારા સજાવેલા ગાર્ડનના ઝૂલા પર કોઈની સાથે ઝૂલશો? અને ક્યારે કપડા વગર બીચ પર દોડશો? ક્યારે કોઈની સાથે તમારા દેહને દરિયાના તરંગમાં ફંગોળવાની મજા માણશો?’
‘શું સાથીદાર સાથે વસ્ત્ર વગર, સુમુદ્રના મોજા પર સવાર થવું એ પણ જીવનનો ભાગ છે? આ મને બીજા કોઈએ નહિ પણ મારી દીકરીએ પુછ્યું હતું. જીવનમાં મેં મેળવવા જેવું ઘણું મેળવ્યું ન હતું. શું માનવ જીવનમાં આવું પણ હોય છે? હું અવઢવમાં હતી. આ વાતને પણ થોડા વર્ષો વીતી ગયા.
‘એકવાર મારી અમેરિકન પુત્રવધૂએ પણ કહ્યું હતું કે એવરી વુમન શૂડ હેવ મેન ઈન હર લાઈફ. એટલિસ્ટ ફોર ફન. આપકા મેન કૌન હૈ?’
‘મારી આજુબાજુ સેંકડો હતા પણ મારું કોઈ જ ના હતું. ક્યારેક સ્ત્રી સહજ જાગેલા માનસિક સળવળાટ દબાઈ ગયા હતા. ના દાબી દીધા હતા. કોઈ મનગમતો સાથીદાર ન હતો. આજે ત્રણ વર્ષ પછી દીકરી વહુએ ચિંધેલા માર્ગે જવા માટે નિવૃત્ત થઈ રહી છું. આજે એક સહગામી મળ્યો છે. આખા હોલમાં ગણગણાટ શરુ થઈ ગયો. કોણ છે? કોણ છે એનો સાથીદાર?
પુત્રી નિલમે ફરી માઈક હાથમાં લીધું. ‘મોમ, વી વિશ યુ ધ બેસ્ટ ટાઈમ એહેડ. બીફોર વી કનક્લુડ ધીસ લાઈફ ટર્નિગ સેરિમોની, વન યંગમેન વોન્ટસ ટુ સે સમથીંગ ટુ યુ. આઈ રિક્વેસ્ટ મિસ્ટર અનુરાગ ટુ કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ.’
…અને ધીમે પણ મક્કમ પગલે ટેનિસ આઉટફિટમાં એક હેન્ડસમ સિક્સપેક યુવાન, હાથમાં ફ્લાવર બુકે લઈને બેન્ક્વેટ હોલમાં દાખલ થયો અને સ્ટેજ પર આવ્યો. એણે તુષાર અને નિલમને આલિંગન આપ્યું, અન્યો સાથે હાથ મેળવ્યા અને અનુરાધા મેડમ પાસે જઈને ઉભો રહ્યો.
‘મેમ હેપ્પી રિટાયર્મેન્ટ. નિવૃત્તિની વધાઈ.’ એણે મેડમ અનુરાધાજીને ફ્લાવર બુકે આપ્યો. અને આલિંગન આપ્યું.
‘મિત્રો મારું નામ અનુરાગ. છેલ્લા ત્રણ વર્ષથી હું મેડમનો પર્સનલ સેક્રેટરી છું અને એમની હોમ ઓફિસમાંથી એમના અંગત કામો સંભાળું છું. ત્રણ વર્ષ પહેલાં એ અમારી કોલેજમાં ઈન્ટરયુનિવર્સિટી ટેનિસ ટુરનામેન્ટમાં મહેમાન તરીકે આવ્યા હતા. હું ટેનિસ સિંગલમાં વિજેતા થયો હતો અને એમના હાથે મને ટ્રોફી મળી હતી. એ મારું કોલેજનું છેલ્લું વર્ષ હતું. મને નોકરીની જરૂર હતી. મેડમે મને નોકરી આપી. એઓ મારા કરતાં મોટા છે. બધી જ વાતે ઘણાં, ઘણાં મોટા છે. મારા બોસ છે. એઓ બોસ ઉપરાંત મારા અંગત મિત્ર બની ગયા છે. બોસ અને મિત્ર જ નહિ પણ મારા જીવનની એક વિશિષ્ટ વ્યક્તિ બની ગયા છે. ત્રણ વર્ષની એમની સેવા બાદ, દશ દિવસ પહેલાં એમણે મને એમના નિવૃત્ત જીવનના સાથીદાર બનવા આમંત્રણ આપ્યું છે, એને હું મારું અહોભાગ્ય સમજું છું. એમના વગરના મારા જીવનની તો હું કલ્પના જ કરી શકતો નથી. મારે આજે એક ખાસ ગુસ્તાખી કરવાની હિમ્મત કરવી છે.’
એ યુવાન એના એક પગના ઘૂંટણે બેસી ગયો. “મેમ, આઈ લવ યુ, આઈ કાન્ટ લીવ વિધાઉટ યું. વીલ યુ, મેરી મી?”
હોલમાં સન્નાટો છવાઈ ગયો. એક પચ્ચીસ વર્ષનો યુવાન પાંસઠ વર્ષની વયસ્ક મહિલાને પ્રપોઝ કરી રહ્યો હતો. એક સામાન્ય કર્મચારી માલિકને લગ્નની વિનંતિ કરી રહ્યો હતો. બધા જ જવાબની રાહ જોઈ રહ્યા હતા.
અને જવાબ મળ્યો…..”નો”… ‘શું હું હજુ પણ તારી મેમ છું? મેમનો જવાબ ના છે. ટ્રાય અગેઇન’
એ ઉભો થઈ ગયો. એનો ડાબો હાથ મેડમના ગાલપર હતો, જમણો હાથ કમર પર વિંટળયલો હતો. એકબીજાનું પ્રતિબિંબ એમની આંખોમાં સ્થિર થયું હતું
‘રાધા, તું મારી જીવનસાથી બનશે?’
અને જવાબ મળ્યો …”યસ અનુ, … મારા શેષ જીવનના સાથીદાર “અનુ” ને મારો જવાબ હા છે.’ અનુરાગ અને અનુરાધાના ચાર હોઠ એક થઈ ગયા. અનુરાધા પાંસઠનાં નહિ પણ પચ્ચીસીનાં લાગતાં હતાં. ઉમ્મરના આંકડા ઓગળી ગયા હતા. દીર્ઘઆલિંગન અનેક કેમેરાઓમાં ઝડપાઈ ગયું અને મિનિટોમાં વહેતું થયું.
અનુ અને રાધાના ઐક્યને સૌ પ્રથમ એના દીકરા દીકરીના પરિવારને તાળીઓથી વધાવી લીધો. હોલના મહેમાનો માટે વિદાય સમારંભનો વળાંક અકલ્પનીય હતો. “વાઉવ”ના આશ્ચર્ય સહિત હોલ તાળીઓથી લાંબો સમય ગુંજતો રહ્યો.
માત્ર બે જ મિનિટમાં ન્યુઝ અને સોસિયલ મિડિયામાં આ બનાવ જૂદી જૂદી રીતે વહેવા માંડ્યો અને ચર્ચાવા માંડ્યો.
કોઈકે વિવેક ચૂકીને વહેતું કર્યું…”ઘરડી ઘોડી ઔર લાલ લગામ, કૈસી યે જોડી મીલાયી મોરે રામ;” તો કેટલાકે અનુરાધા જેવી પ્રભાવશાળી મહિલાને ક્રેડલ રોબર તરીકે ચીતરી. પાંસઠની લાડીને પચ્ચીસનો વર. ગોસિપ ટેબ્લેટોમાં છપાયું “મની કેન બાય એની થીંગ. બિઝનેશ લેડીએ મનોરંજન માટે બાબાને ખરીદ્યો.”
તો કોઈકે સહાનુભૂતિ દર્શાવી. મોટી ઉમ્મરની જાણીતી મહિલાઓએ પોતાના કરતાં નાની ઉમ્મરના પ્રેમી સાથેના સહજીવનના દાખલા ટાંક્યા. કોઈકે કહ્યું, આપણી હલકી સોચ વધુ દુર્ભાગ્ય પૂર્ણ છે. ક્યાં સુધી આપણે પ્રેમને પાપ સમજીશું? આપણને આપણી ઇર્ષા પાપ છે તે દેખાતું નથી પણ પુખ્ત વયના, એક પુરુષ એક સ્ત્રીને, કે એક સ્ત્રી એક પુરુષને પ્રેમ કરે અને લગ્ન કરે, કે સહજીવન ગુજારે તેમાં પાપ દેખાય છે.
અનુરાધાના સંતાન માટે લોકો શું માને કે શું કહે એ જરા પણ મહત્વનું ન હતું.
બે દિવસ પછી મા દીકરી એકાંતમાં વાતો કરતાં હતાં.
‘મોમ, તમે જે નિર્ણય લીધો છે એ આપણા બિઝનેશ કે કોઈના જીવનને સ્પર્શતો નથી. એ તમારી અને અનુરાગની અંગત વાત છે. લોકો ભલે ગમે તે કહે. તમે તમારું જીવન માણો એ જ અમારે માટે અગત્યનું છે. અમે છેલ્લા ત્રણ વર્ષમાં અનુભવ્યું છે કે આપ અનુરાગને ખુબ ચાહો છો. અમે ક્યારેયે નથી પુછ્યું કે અનુરાગ અને આપની વચ્ચે આ ખાસ લાગણી ક્યારે અને કેમ ઉદ્ભવી.‘ નિલમે મમ્મીનો હાથ હાથમાં લેતા કહ્યું. બીજું કોઈ નહિ અને અનુરાગને કેમ પસંદગી આપી? પૂછવું તો ન જોઈએ પણ પુછું છું કે આપની આજુબાજુ અનેક પ્રતિષ્ઠિત અને પ્રતિભાશાળી પુરુષો આજુબાજુ છે. એમાંથી કોઈ નહિ અને અમારા કરતાં પણ ઘણો નાનો અનુરાગ કેમ?’ ઉત્તર આપવો જ એ જરુરી નથી.’ જસ્ટ આસ્કિંગ.
‘કેમ તે તો હું પ્ણ જાણતી નથી. હું દર વર્ષે ઈન્ટરયુનિવર્સિટી ટેનિસ ટુર્નામેન્ટ એટેઇન કરું છું. મારા હાથે ટ્રોફી અપાય છે. ત્રણ વર્ષ પહેલાં મેં એને રમતો જોયો. મેં અનુરાગમાં તારા પપ્પાને જોયા. એ અનુપમનો હમશકલ માત્ર દેખાવમાં જ નહિ, એની વાત, એનો અવાજ, એની ચાલ, એની અદા બધું જ મારા અનુપમ જેવું જ. હું પુર્વજન્મ કે પુનર્જન્મમાં માનતી નથી. હું એમ નથી માનતી કે અનુરાગ અનુપમનો પુનર્જન્મ છે. પણ મારું આત્મીય ખેંચાણ જે તારા પપ્પા પ્રત્યે તે જ ખેંચાણ મને અનુપમ પ્રત્યે અનુભવ્યું. એને નોકરીની જરૂર હતી. આપણાં કોર્પોરેશનમાં રાખવાને બદલે મેં એને મારો પ્રાઈવેટ સેક્રેટરી બનાવી દીધો. મેં એને આપણા બંગલામાં જ રાખ્યો. હું અનુભવતી હતી કે હું મારા અનુપમ સાથે હતી. હું ઈચ્છતી હતી કે એકવાર એ મને કચડી નાંખતું આલિંગન આપે. પણ ના એણે કોઈપણ દિવસ એવી ચેષ્ટા કરી ન હતી. મને થતું કે હું એની છાતીમાં સમાઈ જાઉં. પણ અમારી વચ્ચે હમેશાં એક હાથનું અંતર રહ્યું.
એક મહિના પહેલાં હું એના રૂમમાં ગઈ. એ ઊંઘમાં બબડતો હતો. ‘રાધા તું મારી સામે છે પણ હું કહી શકતો નથી કે મારું હૃદય તને જ પુકારે છે. આપણી વચ્ચે કેમ આટલું બધું અંતર છે? તું કેમ આટલી મોટી થઈ ગઈ. મારી રાધા. હું નદી કિનારે બેસી પાણી માટે તરસું છું.’
‘એણે જાગૃત અવસ્થામાં મને કદીયે રાધા કહી નથી. મારા સિવાય કોઈને ખબર નથી કે અનુપમ મને રાધા કહેતો હતો. અને એ પણ માત્ર સહશયન વેળા જ. મેં ખુબ મંથન બાદ તે રાત્રે આત્મસમર્પણ કરી દીધું. એણે મને એની રાધા બનાવી દીધી. મને તારી વાત યાદ આવી. મેં જીવનને માણવાનો નિર્ધાર કર્યો. અમે અમારી લાગણીઓની વાત કરી. એણે મને કોઈપણ અપેક્ષા વગર જીવનભરના સાથનું વચન આપ્યું. મને મારો સાથીદાર મળી ગયો. લાગણીઓને કચડવાને કે છૂપાવવાને બદલે મુક્ત કરી દીધી. કશું જ છાનું છપનું નહિ. દીકરી, સૌથી વધુ આભાર તો મારે તારો અને તુષારનો માનવાનો છે કે તમો બન્ને મને સમજો છો અને તમારો સાથ છે.’
‘તો મોમ, આપે એની લગ્નની પ્રપોઝલને કેમ ના કહી.’
‘આઈ વોન્ટ માય કમ્પેનિયન. ભાવનાની આડ એવી ન હોવી જોઈએ કે વાસ્તવિકતા ભૂલાઈ જાય. અનુરાગ યુવાન છે. હું જાણું છું કે અનુરાગ એ અનુરાગ છે. એ અનુપમ નથી જ, પણ મેં એને અનુરાગમાં સ્થાપિત કર્યો છે. આજનો નિર્ણય આવતી આવતીકાલે ભાવનાની ભ્રમણાં પણ સાબિત થાય. લગ્નના માળખામાં બાંધીને એની સ્વતંત્રતા છીનવી લેવાને બદલે એની સાથે ડોમેસ્ટિક પાર્ટનર તરીકે જીવવાનું પસંદ કરું છું. એ હવે પછીની મારી હર પળનો એસ્કોર્ટ છે. શક્ય છે કે કોઈ સમયે હું એની જરૂરીયાત ન સંતોષી શકું. એ મને કોઈપણ સમયે છોડી જઈ શકે એ માટે મેં એના દ્વાર ખૂલ્લા રાખ્યા છે.’
‘મૉમ વી આર પ્રાઉડ ઓફ યુ. યુ આર ગ્રેઇટ. મિડિયા ભલે લવારા કરે. કુછ તો લોગ કહેંગે. લોગોંકા કામ હૈ કહેના. આપ આપની રીતે મુક્ત રીતે જીવો. મળેલી ક્ષણ માણી લો.’
સમાપ્ત
પ્રકાશીતઃ મધુ રાય સંપાદિત “મમતા” અને “ગુજરાત દર્પણ”
“વેધર બદલાશે?” વાર્તા-પ્રવીણ શાસ્ત્રી
“વેધર બદલાશે?”
આરામધામના બાર નંબરના એક બેડરૂમના ફ્લેટમાં આજે બર્થડે પાર્ટીનો માહોલ હતો. સાંજનો સમય હતો. વૃન્દા બની ઠનીને બેઠી હતી. સવારે પાર્લરમાં જઈને ફૅસીયલ, હેરસેટ, મેનીક્યોર, પેડિકોર કરાવી આવી હતી. સિત્ત્રેરની વૃન્દા પચાસની લાગતી હતી. આમ પણ વૃન્દા આરામધામમાં રહેતા વયસ્કો કરતાં વધારે યુવાન અને તંદુરસ્ત હતી.
આરામધામ ને વૃદ્ધાશ્રમતો ના જ કહેવાય. અમેરિકાની ઍડલ્ટ કોમ્યુનિટી જેવી સોસાયટીમાં કોઈ લાચાર, તરછોડાયલા વૃદ્ધ માબાપ કૅ ડોસલાઓ ન હતા. મોટાભાગના આર્થિક રીતે મધ્યમ વર્ગના પણ સક્ષમ વયસ્કો, સંતાનોના પરિવાર સાથે રહેવાને બદલે આરામધામમાં આવીને રહેતાં હતાં. લગભગ આઠ વર્ષ પહેલાં વૃન્દા પણ અમેરિકાથી અહિ આવીને રહેતી હતી. આજે વૃન્દાની સિત્તેરમી બર્થ ડે હતી.
વર્ષમાં વહુદીકરાના ચાર-પાંચ વાર ફોન આવતા. બેસતું વર્ષ, ડૅની એટલેકે એના દીકરાની બર્થડે, જૈમી,એટલે એની સ્વીટ દીકરી-ઈન-લોની બર્થડે, અને પોતાની બર્થડે વખતે અભિનંદનના ફોન આવતા. દીકરો મોટે ભાગે તબીયતના સમાચાર પૂછતો અને પૈસાની જરૂરીયાત અંગે પૂછતો. અને કહેતો કે મૉમ એક વાર તો આવીને મળી જા. વૃન્દા મમ્મી કહેતી જરા વેધર બદલાય એની રાહ જોઉં છું. દીકરી-ઈન-લો સાથે ગામગપાટા થતા. હસાઠઠ્ઠી થતી.
આજે વૃન્દાના જન્મદિનની ઉજવણીમાં આરામધામના વયસ્કો ભેગા થયા હતા. દીકરા-વહુનો ફોન વૉટ્સ એપ વિડિયો ફોન આવે તેની રાહ જોવાતી હતી. ફોન આવે ત્યારે કેઇક કાપવાની હતી. બરાબર સાત વાગ્યે ફોન આવ્યો.
હાય મૉમ, હેપ્પી બર્થ ડે ટુ ધ બેસ્ટ મૉમ એવર! ઇવન ઇફ યુ ગેટ ઓલ્ડર એવ્રી યર, યુ ગેટ યંગર એન્ડ યંગર એટ યોર હાર્ટ. વી લવ યુ મોમ. આઈ મીસ યુ મૉમ. હેપ્પી બર્થડે મૉમ. દીકરાની આંખ જરા ભીની થઈ. મૉમ મારા પ્રણામ. દીકરો અમેરિકામાં જ જન્મ્યો હતો. ગુજરાતી બોલતાં જીભ લડખડાતી હતી. મોમ ગમતું નથી. પાછી આવી જા.
દીકરી-ઈન-લૉ અને દીકરો અમેરિકાના ઘરના કિચન ટેબલ સામે બેઠા હતા. ટેબલ પર વચ્ચે કેક મુકેલી હતી. બાજુમાં સરસ બુકે હતો. બે ગ્લાસમાં શેમ્પેઈન હતો. બસ આવું જ ભારતના આરામધામના વૃન્દાના રૂમમાં પણ હતું. ફેર માત્ર એટલો કે અમેરિકામાં માત્ર બે જણા હતા. ડેની અને જીમી. અને આરામધામનો રૂમ ખીચોખીચ ભરેલો હતો. એક જ સમયે બે કૅઇક કપાઈ. આરામધામના બધા વયસ્કોએ ૭૦ વર્ષની યુવાન વૃન્દાને હેપ્પી બર્થડેના વહાલથી ગુંગળાવી કાઢી.
વૉટ્સ એપ વિડિયો ચાલુ જ હતો. જીમી ઉભી થઈ, ડેની એના પૂરા વિકસીત પેટ પર હાથ ફેરવતો હતો. ‘મૉમ, બેબી ઈઝ ડ્યુ ટુ ડે એટ એની ટાઈમ.’
‘અમે કેક કપાઈ જાય સુધી હિમ્મત રાખી. હવે અત્યારેને અત્યારે જ હોસ્પિટલ દોડવું પડશે. બ્લેસિંગ્સ આપો. અને જરૂર પડશે તો ફોન કરીશું. તરત જ અમેરિકા આવી પહોંચશો. અમે હોસ્પિટલ જઈએ છીએ.’ એઓ દોડ્યા અને સેલફોનમાં દેખાતાં બંધ થઈ ગયા.આરામધામમાં પાર્ટી ચાલુ રહી.
વૃન્દા પણ ઉત્સાહિત હતી. એને ખબર હતી કે જીમી પ્રેગનન્ટ છે. એની વર્ષગાંઠની તારીખે જ ડ્યુ ડેઇટ આપી છે. એણે બધા જ આમંત્રીતોને સમાચાર આપ્યા હતા કે એ દાદી બનવાની હતી. બધાને કહેતી કે જો વેધર બદલાય તો એને જવાની ઈચ્છા હતી. પણ આઠ વર્ષમાં વેધર બદલાયું જ ન હતું.
ખાણી પીણી પુરી ચાલતી રહી. એણે બધા મહેમાનોને હોસ્પિટલથી સમાચાર આવે ત્યાં સૂધી રોકી રાખ્યાં. અમેરિકાની વાતો થતી હતી. એક ડોસીએ તો કહ્યું પણ ખરું. પહેલી વાર દાદી બનવાની છે. કોની રાહ જૂએ છે? તું તો અમેરિકન સિટીઝન છે. ઉપડી જાને? અહિંથી કંઈ કેટલી મા અને સાસુ દીકરી કે વહુની સુવાવડ કરવા અમેરિકા દોડે છે.
એને પણ એકવાર એને પણ ઈચ્છાતો થઈ જ હતી. ‘જીમી જો જરૂર હોય તો આવું?’
‘માય ડિયર મમ્મી ઇન લૉ, તમે તો મારા સસરાજી વગર એકલે હાથે ડેનને જન્મ આપ્યો અને ઉછેર્યો છે. અમે બે તો સાથે છીએ. પછી તમારે દોડાદોડી કરવાની શી જરૂર છે?’
‘ના માસી, વેધર સુધરશે ત્યારે જઈશ.’ એણે માસીના સવાલનો જવાબ આપ્યો.
વૃન્દાને માટે ક્યારેયે વેધર સુધરવાનું નથી. વૃન્દા કદાચ હવે અમેરિકામાં પગ પણ નહિ મૂકે.
‘આ વેધર, વેધર કઈ બલા છે?’ માસી એ પુછ્યું પણ ખરું.
વૃંદાએ જવાબ તો ન આપ્યો. પણ અતિતનું એક ટ્રેઇલર પસાર થઈ ગયું
વૃન્દા પતિ સાથે અમેરિકા આવી. પતિ-પત્ની સામાન્ય નોકરી કરીને શાંતિથી જીવતાં હતાં. એક બાળકની ખોટ હતી પણ એ ખોટનો વસવસો ન હતો. પતિની કંપનીને તાળા લાગી ગયા. એક બે મહિના નહિ પણ ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા. પતિની નોકરીનો પત્તો ન લાગ્યો. પતિ-પત્નીની ધાર્મિક આસ્થા વધી. હરેકૃષ્ણ સંપ્રદાયનું મંદિર નજીક જ હતું. વૃન્દા નોકરીએ જતી અને પતિ મંદિરમાં સેવા આપતો.
એક દિવસ મુંડન કરાવીને ભગવા પહેરીને પતિ વૃન્દા સામે આવીને ઉભો રહ્યો. સાથે કોઈ ગોરી “ગોપી” હતી. વૃન્દા હું હવે ભક્તિ માર્ગે જાઉંછું. મને શોધીશ નહિ. વૃન્દા કંઈ બોલે પૂછે તે પહેલાં પતિ ગોપી દાસી સાથે નીકળી ગયો. આજે રાત્રે જ તો એને સમાચાર આપવાની હતી કે હવે સારા દિવસોની એંધાણ છે. એ મા બનવાની હતી. રડતી આંખે એ મંદિરે-મંદિરે ભટકી; પોલિસે પણ તપાસ કરી. એ ન દેખાયો. પતિ અમેરિકામાં ઓગળી ગયો. આખરે એ મિસીંગ પરસન જાહેર થયો. ફાઈલ બંધ થઈ ગઈ.
દીકરા દિનેશ એટલે ડેનીનો જન્મ થયો. વૃન્દા સધવા ન હતી વિધવા ન હતી. ઓફિસમાં નોકરી કરી. મેનેજર બની. સિંગલ મધર તરીકે ડેની ને મોટો કર્યો ભણાવ્યો અને દીકરો પોતાનો ધંધો કરતો થયો.
ઈંડિયાથી આવેલી એક સુંદર, MBA થયેલી સ્વીટ છોકરી દીકરા ડેનિસની પ્રાઈવેટ સેક્રેટરી બની ગઈ. કોઈક વાર ઘરે આવતી, કે રાત ગાળતી. ધંધાર્થે સાથે બહાર જવાનું થતું. વાર્ષિક વેકેશન પણ સાથે ગાળતાં થયા. વૃન્દા એ દીકરાને પુછ્યું ‘બેટા જો તને જીમી ગમતી હોય તો એને પરણી જા. હું બાંસઠની થઈ. આખી જીંદગી નોકરી કરી. ઘરમાં વહુ આવે તો હું હવે નિવૃત્ત થઈને આરામ કરું.’
‘મૉમ, જીમી લવ્સ મી, મેં બે વાર પ્રપોઝ કર્યું પણ ના જ કહે છે. અને ના કહેવાનું રિઝન જણાવતી નથી’
‘બેટા તું અમેરિકામાં જનમ્યો છે. માબાપ છોકરાંઓના જીવનમાં માથુ નથી મારતા. પણ જીમી ઈન્ડિયામાં મોટી થયેલી છોકરી છે. લેટ મી ટૉક ટુ હર’.
અને વૃન્દાએ જીમી સાથે વાત કરી.
‘દીકરી જીમી, તું મારા ડેનીને પ્રેમ કરે છે?’
‘અઢળક. ડેની મારું જીવન છે. ડેની સિવાય આ દેશમાં મારું છે પણ કોણ?’
‘તો એની પ્રપોઝલ કેમ સ્વિકારતી નથી? બેટી શી મુંઝવણ છે?’
થોડો સમય જવાબ વગરનો રહ્યો. જીમીની આંખ વહેવા માંડી.
‘બેટી, શું વાત છે?’
‘હું ડિવૉર્સી છું. એક સારા ગણાતા કુટુંબમાં પરણી હતી. ઘરમાં સાસુજી હતા, એનો એકનો એક પુત્ર મારો પતિ હતો. મારો પતિ એની માનો સારો દીકરો હતો, સાસુમાએ એને મોટો થવા જ દીધો ન હતો. કુટુંબથી છૂટો થઈને એ માવડિયો, મારો પ્રેમાળ પતિ બની ન શક્યો. સાસુજી સાથે મારો મનોવિગ્રહ ચાલતો રહ્યો. એક રસોડામાં બે મહિલા એટલે તકલીફ જ. માત્ર ત્રણ મહિનામાં જ ડિવૉર્સ થયા. હું પ્રેમની બાબતમાં સ્વાર્થી જ છું. પ્રેમમાં કોઈની ભાગીદારી સહન નથી કરી શકતી. બસ છૂટી થઈ ગઈ. અમેરિકા આવી. ડેની સાથે કામ કરવાની તક મળી. પ્રેમ થઈ ગયો. ઈચ્છું છું કે જીંદગીભર સાથે કામ કરતા રહીયે.’
‘તો પછી મારા દીકરાની વાત માની જા. મારા કુટુંબમાં સમાઈ જા’
‘બસ આ જ મારો વાંધો છે. મારે કોઈના કુટુંબમાં સમાઈ નથી જવું. મારે મારું પોતાનું કુટુંબ જોઈએ છે. જેમાં મારા સિવાય બીજી કોઈ મહિલા ના હોય. ઈન્ડિયાની છોકરીઓ પુછે છે કે માળીયામાં કેટલો કાટમાલ છે. ઘરમાં કેટલાં ગાર્બેઇજ છે. મેં પહેલા મેરેજમાં પણ નહોતું પુછ્યું. મને એમ હતું કે હું ઍડજસ્ટ થઈ શકીશ. પણ એકનો એક દીકરો હંમેશા માના પાલવમાં બંધાયલો જ રહે છે. ડેન પણ બંધાયલો જ છે. હું જાણું છું કે આપે એને એકલે હાથે ઉછેર્યો છે. હું એમ નથી માનતી કે તમારી પાસેથી હું ડેનને છીનવી લઉં. પણ મને મારા પ્રેમમાં કોઈ ભાગીદાર ના ખપે. એક લગ્નથી દાઝી ગઈ છું. મને મારી મમ્મી સાથે રહેતી ત્યારે ઘણાં વિચાર ભેદ હતા. મને કદાચ વુમન ફોબીયા છે. હું જ્યાં સુધી ડેનને ગમશે ત્યાં સુધી એની મિત્ર તરીકે રહીશ. અમે બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરીયે છીએ. પણ મારી માનસિકતાને કારણે એની પ્રપોઝલ સ્વીકારી શકતી નથી.પછી તો જેવું મારું ભાગ્ય’ જીમી રડી પડી.
‘બસ આટલી જ વાત છે? તું એકલી નથી. મને પણ આવો જ ફોબિયા છે. મારાથી પણ કોઈ સ્રી સાથે નહિ જીવાય. અરે ગાંડી, હું તો કેટલા વર્ષોથી કોઈ એક એવી છોકરીની રાહ જોઉં છું કે કોઈ મારા ડેનની કાળજી લે. વર્ષોથી વિચારતી હતી કે મારો ડેન લગ્ન કરી લે તો હું બીજે જ દિવસે ઈન્ડિયા ચાલી જાઉં. તું મને આ માયાજાળમાંથી છૂટકારો આપશે? મારી તબિયતને આ હવામાન ફાવતું નથી. અહિનું વેધર ફાવતું નથી. એરકન્ડિશન ફાવતું નથી, હિટિંગ પણ નથી ફાવતું અને વિન્ટરનો સ્નો પણ નથી ફાવતો. મારા દીકરાની વાત છોડ. વીલ યુ બી માય દીકરી ઈન લો?’
જવાબ મળ્યો યસ માય ડિયર મમ્મી-ઈન-લૉ. બન્ને હસતાં હસતાં એકબીજાને વળગી પડ્યા. પછીતો….. સાદા લગ્ન સમારંભમાં શરણાઈ વાગી. ડેન અને જીમીના લગ્ન થયા. દીકરો વહુ હનીમૂન પર ગયા. એ દરમ્યાન વૃંદાએ ગુગલ પરથી ઈન્ડિયામાં મનગમતી જગ્યા શોધી કાઢી. ‘આરામધામ સોસાયટીમાં અમેરિકાની એડલ્ટ કોમ્યુનીટી જેવા જ કોન્ડોમિનિયમ હતા. એમાંજ જીમ હતું, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર માટે ડાયનિંગ હોલ હતો. ચોવિસ કલાકની નર્સની સગવડ સાથેની ક્લિનિક હતી. નજીકમાં એક મંદિર હતું. નાની હોસ્પિટલ હતી એક નાની સુપરમાર્કેટ હતી. માર્કેટ પાસે જ રિક્ષા સ્ટેન્ડ હતું. બસ બીજું શું જોઈએ? અમેરિકામાં બેઠા બેઠા એક બેડરૂમનો કોન્ડો બુક કરાવી લીધો.
પરિવાર સાથે વોટ્સ એપ દ્વારા સંબંધ જાળવી રાખીને અમેરિકાની ધરતી સાથેનો સંબંધ છોડ્યો. સોસિયલ સિક્યોરિટી અને પેન્સનની સારી જેવી રકમ આવતી હતી અને સાંઠ પાંસઠથી રૂપિયામાં ગુણાકાર થતો હતો. આર્થિક ચિંતા ન હતી. હસમુખો સ્વભાવ અને જીમની કસરતે એને સિત્તેર વર્ષે પણ યુવાન રાખી હતી. દર દોઢ બે વર્ષે દીકરો વહુ આવીને મળી જતા હતાં. વૃન્દાને જીવન પ્રત્યે કોઈ જ અણગમો નહતો. છતાં બહારથી બેફિકર દેખાતી વૃંદાનું અંદરથી તો હૈયું કોતરાઈ જતું હતું. આજે સિત્તેરમી વર્ષગાંઠને મોં હસતું હતું. હૈયું રડતું હતું. એ સધવા છે કે વિધવા તે એને ખબર ન હતી. પુત્ર હતો પણ પાસે ન હતો. મીઠડી દેખાતી પુત્રવધુ ને સાસુની એલર્જી હતી.
પાર્ટી ચાલતી રહી. વૃન્દા રડીને મન હલ્કું કરવા બાથરૂમમાં ગઈ; અને વોટસએપ વિડિયો કોલ આવ્યો.
‘મમ્મી ઇન લો, યુ આર ગ્રાન્ડ મધર ઓફ માઈ બેબી સન’ જીમીએ બાળકને બતાવ્યું. લેબરરૂમમાં જીમીની છાતી પર કપડે વિંટાળેલું તંદુરસ્ત બાળક હતું. ‘મમ્મી, હું મારા એક કલાકના દીકરાને છાતી પરથી અળગી નથી કરી શકતી તો તમે કેવી રીતે તમારા દીકરાને છોડી શકો? જેમ બને તેમ જલ્દી અમેરિકા આવો. વી નીડ યુ’
વૃન્દા બાથરૂમમાંથી બહાર આવી. એણે રીતસરનો બરાડો પાડ્યો. ‘ઈટ્સ આ બોય.’ કોઈ ડોસલાએ સીટી વગાડી, તો કોઈએ કાચના ગ્લાસ પર ચમચીઓ ઠોકી. એક ડોશીએ થાળી વગાડી.
વડીલ મિત્રો, કાકાઓ, માસીઓ, અમેરિકાનું વેધર બદલાયું છે. હવામાન સરસ છે. હું એક બે દિવસમાં અમેરિકા જઈશ. ક્યારે પાછી આવીશ તે ખબર નથી પણ વેધર ફાવશે ત્યાં સુધી અમેરિકા રહીશ અને બદલાશે તો પાછી આવીશ.
વૃન્દાને માટે વેધર બદલાયું હતું. પેલા માસીને હજુ પણ અમેરિકાના વેધરની બલા સમજાઈ ન હતી. વૃન્દા સમજાવે પણ કેવી રીતે?
[ગુજરાત દર્પણ – ફેબ્રુ-૨૦૧૯]
“સ્પેસ”
“સ્પેસ”
બોર્ડવૉકની બેન્ચ પર બેસીને સુલુબહેન શીંગ ખાતા, થોડું પારેવડાઓને ખવડાવતાં વિચારમગ્ન થઈ ગયા. સેંકડો માનવીની હાજરી અને અવરજવર એમને સ્પર્શતી નહોતી. આવતીકાલે શ્રીકાંત અને શ્રધ્ધા આવશે ત્યારે શું નિર્ણય જણાવીશ…
વિચારધારાએ ભૂતકાળમાં ઊંડી ડુબકી મારી.
સુકુબહેન એટલે સુલોચના શાહ. એક જાજરમાન વ્યક્તિત્વ. લગભગ ત્રણ વર્ષ પહેલા જ છાંસઠ વર્ષની ઉંમરે જા ણીતી ‘લૉ ફાર્મ’માંથી રિટાયર્ડ થયા હતાં.
સુલુબહેન ત્રેવીસ વર્ષની ઉંમરે લગ્ન કરીને અમેરિકા આવ્યા હતાં. પ્રેમાળ પતિ શૈલેષકુમાર ફાર્માસ્યુટીકલ કંપનીમાં કેમિકલ એન્જીનિયર હતા. સુંદર નાના એપાર્ટમેન્ટમાં દાંપત્ય જીવનનો સુવર્ણકાળ હિંડોળા લેતો હતો. સુખદ દાંપત્યજીવનના પરિપાકરૂપે કાલાઘેલા શ્રીકાંતનો જન્મ થયો. સુલુબહેને પ્રભુનો પાડ માન્યો. ‘હે પ્રભુ ! હું ખૂબ જ સુખી છું; હવે મને આનાથી વધુ કંઈ જ અપેક્ષા નથી. મારા પરિવારનું કલ્યાણ કરો’.
પણ…
એક રાત્રે, બર્ફિલા હાઈવૅ પર, મલ્ટીકાર ઍક્સિડન્ટમાં શૈલેષે જીવન સંકેલી લીધું. સુકુબહેનનું સૌભાગ્ય સિંદૂર ભુંસાઈ ગયું. આંગળીને વેઢે ગણાય એટલા મિત્રો સિવાય અમેરિકામાં બીજું કોઈ જ હતું નહીં. મિત્રો હૂફ, હિંમત અને હવે “શું” ની સલાહ આપતા. જુદા જુદા વિકલ્પો વહેતા થયા.
‘ભાભી, ઈન્ડિયા પાછા જાવ’
‘બહેન, કોઈ યોગ્ય પાત્ર મળે તો પુનર્લગ્ન માટે વિચારો. આ યુવાન ઉંમરે એકલાં રહેવું સારું નથી.’
પણ સુકુબહેનને એક પણ સલાહ માન્ય ન હતી.
શેલેષનો એક મિત્ર લોયર હતો.એની સલાહથી લાઈફ ઈન્સ્યુરન્સની આવેલી રકમનું મન્થલી ઈન્કમ પ્લાનમાં રોકાણ કર્યું. રાજીવે એના અમેરિકન મિત્રની લો ફર્મમાં ફાઈલ ક્લાર્ક તરીકે નોકરી પણ અપાવી દીધી. આત્મવિશ્વાસ અને માનોબળથી જીવન પ્રવાહ વહેતો રાખ્યો. શ્રીકાંતનો ઉછેર, ભવિષ્ય, એ જ સુલુબહેનનું ધ્યેય હતું.
સમય સરકતો ગયો. શ્રીકાંત મોટો થતો ગયો.સુલુબહેન મા અને બાપની બેવડી જવાબદારી નિભાવતા ગયા. શ્રીકાંત અભ્યાસમાં તેજસ્વી અને સ્વભાવે પ્રેમાળ તથા લાગણીશીલ હતો. મમ્મીને દુઃખ થાય એવું કશું કરતો નહીં. ઘરમાંથી બહાર જતાં કે ઘરમાં આવતાં મમ્મીના ચરણસ્પર્શ અચુક કરતો. ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ સાંજનું ડિનર મા-દીકરા સાથે જ લેતા.
સુલુબહેને મોકળાશ મળતાં પૅરાલીગલ કોર્સ કર્યો. લૉ ફર્મમાં પણ પ્રમોશન મળ્યું.કુશળ વકીલો પણ માન આપતા અને જરૂર પડ્યે સલાહ માંગતા પણ અચકાતા નહિ. શાંત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવાં છતાં એ સલાહ નહિ પણ અભિપ્રાય વ્યક્ત કરતાં.
હવે સુલુબહેનને આર્થિક ચિંતા ન હતી. શ્રીકાંત પણ કોમપ્યુટર એન્જીનિયરથઈ ગયો. જાણીતી આઈ.ટી. કંપનીમાં સારા પગારની જોબ પણ મળી ગઈ. નાનું ઘર પણ લઈ લીધું હતું. એક રવિવારે શ્રીકાંત એની મિત્ર શ્રદ્ધાને લઈ આવ્યો.એનો પરિચય આપ્યો.
‘મમ્મી, આ શ્રદ્ધા, અમદાવાદની છે. વૈષ્ણવ છે.એચ-૧ વીઝા પર મારી કંપનીમાં જ કામ કરે છે.
શ્રદ્ધાએ વાંકાવળી સુલુબહેનના ચરણસ્પર્શ કર્યા.બધાએ સાથે ડિનર લીધું. શ્રદ્ધાએ જાતે જ બધી ડીશ પણ સાફ કરી નાંખી. સુલુબહેનનું વ્હાલ વહેતું થયું. શ્રદ્ધાનું ઘરમાં આવવાનું વધવા લાગ્યું. સુલુબહેનને પણ એ ગમતું હતું. શ્રીકાંત અને શ્રદ્ધાનું સાનિધ્ય વધતું ગયું.
એક દિવસ,
મમ્મી આજે સાંજે શ્રદ્ધા સાથે બહાર ડિનર માટે જવું છે, તમો આવશો?
સુલુબહેને મનોભાવ વાંચ્યા. પુછ્યું હતું આવશો. ચાલો કહ્યું હોત તો જરૂર જાત. આ માત્ર ઔપચારિક પ્રશ્ન જ હતો. સુલુબહેને જવાબ વાળ્યો; તમે બન્ને આનંદથી જાવ, મારી ઈચ્છા નથી. આજે સુલુબહેને એકલા જ વાળુ પતાવ્યું. જરા અવળું તો લાગ્યું જ.
અવારનવાર આવું બનતા, ધીમે ધીમે ટેવાઈ ગયા.
થોડા દિવસ પછી એક દિવસ….
શ્રીકાંતે વાત છેડી.’મમ્મી હવેથી શ્રદ્ધા તમને આન્ટીને બદલે મમ્મી કહેશે. વી આર એન્ગેજ્ડ.’સુલુબહેનનું મન-હૃદય ખળભળી ઊઠ્યું. એને ગમતી જ વાત હતી, પણ જે રીતે બની તે સ્વીકારવું અસહ્ય બન્યું. એમને પણ શ્રદ્ધા ગમતી હતી. એઓ પણ ઈચ્છતાહતાં કે શ્રદ્ધા ઘરની વહુ થઈને આવે.
એમના મનમાં ઉમંગ હતો કે સારો દિવસ જોઈને, પૂજાવિધી અને નાની પાર્ટી સાથે વિવાહનો પ્રસંગ ઉજવાય. એ હરખ મનમાં અને મનમાં જ રહ્યો. ભારે હૈયે આશીર્વાદ આપ્યા. લગ્ન પ્રસંગ પણ શ્રદ્ધાની મરજી મુજબ જ પાર પડ્યો.
થોડા જ સમયમાં સુજનનો જન્મથયો. સુલુબહેને ઘરની અને સુજનની જવાબદારી સ્વીકારી લીધી. સુજન હસતો રમતો અને દોડતો થયો. સ્કુલે જતો થયો.દેખીતી રીતે બધું જ સુખ હતું. છતાંયે કંઈક ખૂટતું હતું. કંઈકની વ્યાખ્યા મળતી નહોતી. ઘરમાં ચાર વ્યક્તિ હોવા છતાં અસહ્ય શાંતિ લાગતી હતી. બધા આખો દિવસ બહાર પ્રવૃત્તિશીલ હતા. સાંજના ત્રણચાર કલાક હસતાં રમતાં ગાળવાની ઈચ્છા રહેતી; પણ કોઈ અગમ્ય કારણથી એ શક્ય થઈ શક્યું નહિ. ન લડાઈ ન ઝગડો, ન વાદવિવાદ, કશું જ નહિ. પરસ્પરનો ખૂબ જ, જરૂર પડતો જ વાણીવિનિમય.
અનાયાસે જ એક રાત્રે સુકુબહેનને કંઈક સંભળાયું ‘શ્રીકાંત, મને હવે ગુંગળામણ થાય છે. તારી માતૃભક્તિ હદ બહારની છે. બધે જ સાથે જવાનું? આ તો હદ થઈ ગઈ. લેટ્સ કેન્સલ અવર ક્રૂઝ વેકેશન. આઈ વૉન્ટ એન્જોય’
‘પણ શ્રદ્ધા, સુજનને બા વગર ચાલતું નથી. એટલે જ તો મમ્મીને સાથે લઈ જઈએ છીએ.’
‘નો, આઈ એમ સોરી; આઈ કાન્ટ ગો. મમ્મીને કારણે જ સુજન આપણી સાથે રહી શકતો નથી. આઈ નીડ સમ સ્પેસ, આઈ નીડ સમ પ્રાઈવસી.’
થોડીક શાંતિ પછી, ડુસકાઓનો અવાજ અને ફરી શાંતિ.
સુલુબહેન આખી રાત પડખાં ફેરવતા રહ્યાં. પ્રેમ અને લાગણી પણ એક બંધન બની જાય છે.પરણીને આવેલી છોકરીને મુક્ત લગ્ન જીવન માણવાની મોકળાશ જોઈએ છે. વણબોલાયલી અવ્યક્ત અપેક્ષાઓ અજંપો ઉભો કરે છે.
તેજીને ટકોરો; શ્રદ્ધા તો મને પણ વ્હાલી છે. એની માનસિક જરૂરિયાતો હું સમજી શકું છું. દીકરાના સુખ માટે મોકળાશ કરી આપવાની જરૂર છે. નિર્ણય લેવાઈ ગયો.
વહેલી સવારે બ્રેકફાસ્ટ વખતે સુલુબહેને કહ્યું, ‘આજે ડિનર માટે મારી રાહ ન જોતા, મને આવતાં મોડું થશે.’
શ્રદ્ધાએ કહ્યું,’કાલનું થોડું વધ્યું છે. જો ન ફાવે તો તમારે માટે કંઈક બીજું બનાવી દઉં; અમે આજે બહાર ડિનર લેવાના છીએ.’
‘ના, જે હશે તે ચાલશે.’
ઓફિસ છૂટ્યા પછી સુલુબહેન નજીક આવેલા કોન્ડોમિનિયમમાં તપાસ કરવા ગયા. એક સગવડવાળો સ્ટુડિયો એપારટમેન્ટ ખાલી હતો.સુલુબહેને ડિપોઝિટ આપી દીધી. ઘેર આવી ઘરના દેવમંદિરેદીવો પ્રગટાવી, લીધેલા નિર્ણયથી દીકરાના પરિવારની સુખશાંતિ માટે પ્રાર્થના કરી.
બીજી સવારે, રવિવારના દિવસે બ્રેકફાસ્ટ વખતે, સુલુબહેને વાત કરી, ‘હમણાં ઓફિસમાં ખૂબ જ કામ રહે છે. રોજનું ૪૦-૫૦ માઈલનું ડ્રાઈવિંગ પણ અઘરું પડે છે. વિન્ટરમાં તો તારા પપ્પાનો વિચાર આવતા ડ્રાઈવિંગ કોન્ફિડન્સ પણ ઓછો થઈ જાય છે. મારી ઈચ્છા ઑફિસ નજીકના કોન્ડોમાં એપાર્ટમેન્ટ રાખવાની છે. વૉકિંગ ડિસ્ટન્સ જેટલો જ સમય લાગશે. ગેસ બચશે અને થોડી કસરત પણ થશે. આપણે વીકેન્ડમાં મળતા રહીશું.’
શ્રીકાંત કંઈ પણ બોલે તે પહેલા શ્ર્દ્ધાએ કહ્યું, ‘મમ્મી, તમારા વગર અમને નહિ ગમે…પણ તમારી વાત સાચી છે. આવા ટ્રાફિકમાં ડ્રાઈવ કરવાનું સલામત તો નથી જ. તમે જે કંઈ કરશો તે વ્યાજબી અને પ્રેક્ટિકલ જ હશે.’
બસ. એપ્રુવલનો સિક્કો મરાઈ ગયો.
……અને સુલુબહેને ભારે હૈયે, છતાંયે હસતે ચહેરે એકના એક દીકરાથી જુદા થયા.
વસ્તી વગરનો એપાર્ટમેન્ટ સૂનો સૂનો લાગતોહતો. બા બા કરીને વળગતો સુજન દૂર હતો. ઘેર આવી એકલા ડિનર લેવાનું ઘણું કઠતું હતું ક્યારેક મનમાં થતું, શ્રીકાંત આવીને કહેશે, ‘મમ્મી, તમારા વગર ગમતું નથી. જોબ છોડી દો. ઘેર પાછા આવી જાવ’. પણ ના. હકિકતમાં એ ન બન્યું. છેવટે દુઃખનું ઓસડ દહાડા. ટેવાઈ જવાયું. શૈલેષના નિધન પછી જે પરિસ્થિતિ હતી તેના કરતાં તો આજે ઘણું સારું છે. દીકરાના સુખ માટે જ ઘર છોડયું છે ને! ક્યાં કોઈ ક્લેશ-કંકાશ કે ઝઘડો થયો છે? બધાજ નિર્ણયો પોતાના જ છે. હજુ પણ વગર બોલાવ્યે પોતે જાતે ઘર જઈ શકાય એમ હતું. પણ ના…
ધીમે ધીમે માનસિક વેદનામાંથી બહાર નીકળતા ગયા. ઘર બહારની પ્રવૃત્તિઓ વધવા માંડી. નજીકના મંદિરમાં સેવા આપવા માંડી. સંગીતનો શોખ ભજન દ્વારા પોષાતો ગયો. પોતાના પ્રોફેશનલ જ્ઞાનનો લાભ વાર્તાલાપ દ્વારા સમાજને આપવા માંડ્યો. લોકોના માન અને પ્રેમ મળતા રહ્યા. સિનિયર પ્રવૃત્તિ પણ વધતી રહી. દુઃખ્દ ગાંભિર્યનું આવરણ ઉતરતું ગયું. સામાજિક સહકાર અને સદ્ભાવના મળતાં જીવન ફરી પાછું હર્યું ભર્યું થઈ ગયું. કોઈક વાર શ્ર્દ્ધા-શ્રીકાંત, આવતા, ડિનર લેતાં અને છૂટા પડતાં. ન તો કોઈ પૂર્વગ્રહ ન તો કોઈ અજંપો.
રિટાયર્ડ થયા પછી ટેનિસ રમવાનું શરું કર્યું. ઈન્ડિયામાં કોલેજમાં હતા ત્યારે રમતા હતા. અત્યાર સુધી અવકાશ ન હતો. હવે અવકાશનો પ્રશ્ન ન્હોતો. અવાર નવાર સિનિયર્સ સાથે એટલાન્ટિક સીટી આવતા. કેસિનો ગેમબ્લિંગમાં રસ ન હતો. પણ બોર્ડવૉક પર ચાલતા અને ખુલ્લી હવાનો આસ્વાદ માણતા. બસ આમ જ, જાણે ઉંમરમાંથી દશ વર્ષની બાદબાકી થઈ ગઈ. પ્રવૃત્તિની ભરમારને કારણે દિવસના ચોવીસ કલાક ઓછા લાગવા માંડ્યા.
ત્યાં તો કૃપા વરસી. ..વર્ષો પહેલાંની ઈચ્છા અચાનક ફળી. શ્રીકાંત અને શ્રદ્ધા બે દિવસ પહેલાં આવ્યા ત્યારે શ્રીકાંતે કહ્યું ‘મમ્મી હવે ઘેર પાછા આવી રહો. સુજન પણ હવે ડોર્માઅં ગયો છે. ઘર સુનુંસુનું લાગે છે. ગમતું જ નથી.’
શ્રદ્ધાએ કહ્યું ‘’પહેલાં તો જોબનું કારણ હતું. હવે રિટાયર્ડ થયા પછી આ ઉંમરે એકલા રહો તેથી અમારી ટીકા થાય છે.’
સુલુબહેને કહ્યું, ‘બેટા અહીં મારો મોટો પથારો છે. ઘણું જ વિચારવું પડશે. આવતા મહિને સિનિયર્સ સાથે ક્રુઝનો પ્રોગ્રામ છે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની ટૂર બૂક કરાવી છે. અહિંના લોકલ કમિટમેન્ટ પણ છે જ. આવતા રવિવારે તમેઅહીં આવશો ત્યારે આપણ્ણે ફરી વાતો કરી વિચારીશું.’
આજે શનિવારે સુલુબહેન બસમાં એટલાંટિક સીટી આવ્યા હતા. બેન્ચ પર બેસી વિચારતાં વિચારતાં ૪૦-૪૫ મિનિટમાં એટલા જ વર્ષોનો અતિત માનસ પટ પરથી સરી ગયો.
વધુ વિચારે તે પહેલા સેલફોન રણક્યો. ‘સુલુમાસી ક્યાં છો? બસ ઉપડવાનો સમય થઈ ગયો છે. તમારી જ રાહ જોવાય છે. જલ્દી આવો.’ સુલુમાસી યંત્રવત બસમાં બેઠા. તેઓ શાંત હતા. આંખ બંધ કરીને બેઠા હતા. ભારે મનોમંથન ચાલતું હતું. દીકરા વહુ બન્ને લેવા આવ્યા હતાં; પણ બન્નેની ભાવના અલગ હતી. એકને મા વગર એકલવાતું લાગતું હતું અને બીજાને સામાજિક પ્રતિષ્ઠા સાચવવામાં જ રસ હતો.શું કરવું?
રવિવારે સવારે ઉઠ્યા. રાત દરમ્યાન નિર્ણય લેવાઈ ગયો. હૈયું હલકું થઈ ગયું. રસોઈની તૈયારી કરવા માંડી. ખાસ તો શ્રદ્ધાને ભાવતી પૂરણપોળી, લીલા કોપરાની પેટિસ, જીરા રાઈસ અને પંજાબી કઢી. બધું જ શ્ર્દ્ધાને ભાવતું તૈયાર થઈ ગયું.
મનનો ખળભળાટ શમી ગયો હતો. મન-હૃદય આત્મ વિશ્વાસથી પ્રફુલ્લિત થઈ ગયું હતું.
શ્રદ્ધા અને શ્રીકાંત સાંજે આવ્યા. આડીતેડી વાતો કરી. સાથે ડિનર લીધું. સુલુમમ્મીએ, ખૂબ જ આગ્રહથી શ્રદ્ધાને ભાવતી વાનગી પીરસી.
‘મમ્મી ક્યારે ઘર આવવું છે? સામાન ખસેડવા મુવરની વ્યવસ્થા કરવી પડશે ને! શ્રીકાંતે પૂછ્યું.
થોડીક ક્ષણો નિઃશબ્દ પસાર થઈ.
ધીમે રહીને સુલુબહેને વાત શરુ કરી.
‘જો બેટા તું તો ખૂબ જ સમજુ અને ઘડાયલો છે. એક માં તરીકે મને તારે માટે ખૂબ જ ગૌરવ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને કોઈ દીકરી નથી. શ્રદ્ધા જ મારી દીકરી છે. આપણે બધા એક હોવા છતાં આપણી જરૂરિયાતો જુદી જુદી છે. જો બેટા, રિટાયર્ડ થયા પછી મેં મને અનુકૂળ આવતી પ્રવૃત્તિમાં સમય પસાર કરવા માંડ્યો છે. ખૂબ મજા આવે છે. અને હવે મને પણ સ્પેસની જરૂર છે.”
વાતાવરણને ગંભીર થતાં અટકાવવાનો પ્રયાસ કરતાં બોલ્યા…
“અરે હાં, એક વાત કરવાની તો રહી જ ગઈ. અવતા વીકથી સ્વિમિંગ ક્લબમાં જવાની છું. સારી કસરત મળી રહેશે. હું આ ઉંમરે સ્વિમ કોસ્ચ્યુમ પહેરું તો વાંધો નથી ને?”
પણ હળવા પ્રશ્ન અનઉત્તર જ રહ્યો.
શ્રદ્ધાએ ધીમે રહીને કહ્યું, ‘તમો વડીલ છો. તમારો નિર્ણય અમને હમેંશા શિરોમાન્ય જ હોય છે. તમે આવશો તો શ્રીકાંતને ઘણું ગમશે; પણ જેવી તમારીઈચ્છા.’ શ્રીકાન્ત મૌન હતો.
કોન્ડોમાંથી બહાર નીકળ્યા પછી, હોલ વેમાં શ્રદ્ધા દબાયલા સાદે બોલતી સંભળાઈ, ‘થેન્ક્યુ શ્રીકાંત, લાગણીવેડામાં વધુ આગ્રહ ન કર્યો તે જ સારું કર્યું.અમે બે સ્ત્રીઓ સાથે ન રહીએ એમાં જ તારું કલ્યાણ છે.
…….
પ્રગટ ઈન “ગુજરાત દર્પણ’ ૨૦૦૯
૧૯૫૯ સુધી વાર્તાઓ લખતો હતો. ઇન્ટરસાયન્સમાં નાપાસ થતાં લખવાનું બંધ કર્યું. કઈ વાંચ્યું પણ નહિ. બરાબર પચાસ વર્ષ પછી ૨૦૦૯ ઓક્ટોબરમાં શ્રી સુભાષ શાહના આગ્રહથી અમેરિકામાં આ પહેલી કૌટુંબિક વાર્તા “સ્પેસ” લખી.
પ્રવીણ શાસ્ત્રી
Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021