Category Archives: Gujarati Stories

ઉરોજધ્વંસ

ઉરોજધ્વંસ

salma hayek.jpg

‘મેમ, આપનો ફોન છે. લેતા કેમ નથી?’ હાઉસકિપર જાનકીએ બેડ પર બેઠેલી નીનુ નંદાને હળવેથી કહ્યું.

ફોન તો નીનુની પાસે જ બેડ પર પડ્યો હતો. રીંગ વાગતી રહી. એ ફોન સામે શૂન્યમનસ્ક થઈ જોઈ રહી હતી. બેડ પર અનેક મેગિઝિન વિખેરાયલા હતા. દરેકના કવર પેઇજ પર સેક્સ સિમ્બોલ અભિનેત્રી નીનુ નંદાના સેક્સી ફોટાઓ હતા. કોઈ પણ સંતપુરુષના હાર્મોન્સને ઉત્તેજીત કરી મુકે એવા બીચ બિકિની અને વિક્ટોરિયા સિક્રેટ લિગરીંમાંના ફોટાઓ જાણે નીનુને જ તાકીને જોઈ રહ્યા હતાં. કોઈપણ લાજ શરમ વગર એણે અનેક જાણીતા અભિનેતાઓ સાથે “બોલ્ડ” અભિનય આપ્યો હતો.

‘મેમ, ફોન ઈઝ સ્ટીલ રીંગીંગ, બંધ કરી દઉં? કહી દઉં કે મેમ આરામ કરે છે. પછી ફોન કરજો.’ જાનકીએ ફરી યાદ કરાવ્યું.

‘ના, હું વાત કરું છું.’ 

ફોન એના મેનેજર સુશાંતનો હતો.

‘બોલ સુશાંત, શું ખબર છે?’

‘નીનુ, આઈ ટ્રાઈડ માઈ બેસ્ટ. ખુબ માથાકૂટ કરી. હરામખોર બાલાનાથ હવે માનતો જ નથી. જે બાલાનાથ પગથીયા ઘસતો હતો તે નામુક્કર ગયો. કોનટ્રાક્ટ એણે કેન્સલ કર્યો અને હવે સાઈનિંગ એમાઉન્ટ પાછો માંગે છે. કહેતો હતો, સ્કિપ્ટ પ્રમાણે મેં જે નીનુ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો તે ઉભાર વાળી ઓરિજીનલ નીનુને લઈ આવ. સ્ક્રિપ્ટમાં ફ્લેટ નીનુ નહિ ચાલે. મારી પાસે ઘણી નીનુડી મીનુડીઓની લાઈન લાગી છે. આપણે આપણા લોયર સાથે વાત કરવી પડશે. આજે લોયર નહિ મળ્યો. વેકેશન પર છે. નીનુ ડિયર અત્યારે તું ચિંતા છોડ. પહેલાં એકદમ સારી થઈ જા. બોલીવૂડને બદલે ટેલીવુડમાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટી છે.’

‘નીનુ સાંભળે છે ને?’

‘ગુડનાઈટ’ કહીને નીનુએ ફોન મુકી દીધો.

‘જાનકી, એક ડ્રિન્ક બનાવ. નો આઈસ.’

‘મેમ, ડોક્ટરે ના કહી છે. મેડિસીન આપું છું તે લઈને સૂઈ જાવ.’

બેડ પર પડેલા મેગેઝિન ભેગા કરતાં જાનકીએ કહ્યું. જાનકીએ દવા સાથે સ્લિપ્પીંગ પિલ્સ પણ આપી. નીનુ દવા લઈને ઊંઘી ગઈ.

બીજી સવારે જાગી ત્યારે જાનકી એ બેડમાં જ બ્રેકફાસ્ટ અને મેડિસીન આપી. નીનુ બાથરૂમમાં ગઈ. રોબ ઉતાર્યો અને મિરર વોલમાં સપાટ છાતી પરના રેપએરાઉન્ડ બેન્ડેજને જોતી રહી. એક સમય હતો જ્યારે રોજ પોતાના હાથો પોતાના સ્તન પર ફરતા,  હવે તે ભરાઉ ઉરોજો છાતી પર ન હતાં. તેણે બન્ને હાથોથી છાતી ઢાંકી દીધી. આંખો વરસી પડી. ધૂસકે ધ્રૂસકે રડી પડી. બ્રેસ્ટ કેન્સર હતું. ટોટલ માસ્ટેક્ટોમીથી બન્ને બ્રેસ્ટ કાઢી નંખાયા હતા.

શરૂઆતમાં જાણ્યા છતાં શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે સમયસર જરૂરી સારવાર લેવાઈ ન હતી. જો લેવાઈ હોત તો સુડોળ સ્તન કદાચ બચી જાત. પણ ના છેલ્લી ફિલ્મ પૂરી કરવાની હતી. એ પૂરી થાય તે પહેલાં નવી ફિલ્મનું મુહુર્ત થઈ ચૂક્યું હતું. સુંદર પારેવડાઓતો એની જાયદાદ હતી.  દોઢ મહિના પહેલાં સર્જરી થઈ.  ઉરોજધ્વંસ થઈ ગયો. ઉપરથી ઈન્ફેકશન થતાં છાતી પર ફરી રેપએરાઉન્ડ બેન્ડેજ આવી ગયા. બધા શૂટિંગ બંધ થયા.

પ્રખ્યાત અભિનેત્રીની સારવાર સસ્તામાં તો ના થાય. બેંક બેલેન્સનું તળીયું દેખાવા માંડ્યું હતું. નીકળતા નાણા પણ, નિર્માતાઓ આપવાના અખાડા કરતા હતા. સ્તનસૌંદર્યે અપાવેલ સંપત્તિ સ્તન જતાં જ સરી ગઈ હતી. પણ એ દુઃખ કરતાં તો વધુ વેદના સ્ત્રીત્વ ગુમાવ્યાની હતી. “સુહાની રાતેં” ફિલ્મ પૂરી કર્યા પછી આબિદ સાથે નિકાહનામુ કરીને એના બાળકોની મા બનવાના સ્વપના જોતી હતી. પણ બાળકો માટે પયોધરો ક્યાં હતા? એ સ્ત્રી મટી ગઈ હતી. એનું સ્ત્રીત્વ લૂંટાઈ ગયું હતું.

માત્ર અગ્યાર વર્ષની ઉમ્મરે તે બાળકીમાંથી યુવતી બની ગઈ. ભગવાને રૂપ આપ્યું હતું. મમ્મી ગામડાની સ્કુલમાં શિક્ષિકા હતી, પપ્પા નજીકના શહેરમાં પોલિસ કોન્સ્ટેબલ હતા. ત્રણ વર્ષ નાનો  ભાઈ તો હજુ પ્રાથમિક શાળામાં હતો. સંતોષી કુટુંબ સુખી હતું. નીનુની તેર વર્ષની ઉમ્મરે મમ્મી કેન્સરમાં ગુજરી ગઈ. એના બેસણાંમાં આવેલા એક ઈન્સ્પેક્ટર સાહેબને ફોટોગ્રાફીનો શોખ હતો. એમને બેબી નીનુની મુખાકૃતિ ફોટોજેનિક લાગી. એમણે શોકગ્રસ્ત નીનુના ફોટા પાડ્યા. એ ફોટા, આર્ટ એન્ડ ફોટો મેગેઝીનમાં પ્રસિદ્ધ થયા. કિશોરી નીનુ ક્યારે ફેશન મોડેલ બની ગઈ તેનું પોતાને પણ ભાન ન રહ્યું. ઉમ્મર કરતાં વહેલી મોટી થઈ ગઈ. એક કોમર્શીયલ ફોટોગ્રાફર એને પપ્પા અને પપ્પાના ઈન્સ્પેકટર સાહેબની ઇચ્છા વિરૂધ્ધ સમજાવી પટાવી મુંબઈ લઈ ગયો. ભણવાનું છોડીને મુંબઈ પહોંચી ગઈ. અને બાપ અને નાનાભાઈ સાથેનો સંબંધ તૂટી ગયો.

એક સી ક્લાસના ફિલ્મ પ્રોડ્યુસરના ધ્યાનમાં આવતાં એ મોડેલમાંથી હિરોઈન બની ગઈ. અલબત્ત મોટાભાગની છોકરીઓને મને કમને ફિલ્મજગતમાં જે કિમત ચૂકવવી પડે છે તે એણે પણ ચૂકવી. નિર્માતાએ નીનુનું સૌંદર્ય માણ્યું, જાણ્યુ અને પડદા પર સારી રીતે પ્રસિદ્ધ પણ કર્યું.

એક સારા દિગ્દર્શકે એનું પોટેન્શીયલ જોયું અને એને સ્ટાર બનાવી દીધી. હવે એને કોઈની પથારી ગરમ કરવાની જરૂર ન હતી. સુપરસ્ટાર આબિદખાન સાથે ઉપરાચાપરી ત્રણ બ્લોગ બસ્ટર ફિલ્મ પછી આબિદખાન સાથે નીનુનું નામ જોડાઈ ગયું હતું. પરિણિત ત્રણ સંતાનનો બાપ આબિદખાન તલ્લાક લઈને નીનુ સાથે રહેવા જવા તૈયાર હતો એવા સમાચારો ફેલાઈ ચૂક્યા હતા. આબિદ સાથેની ચોથી અને મોસ્ટ ડેરિંગ બોલિવૂડ ફિલ્મ “સુહાની રાતેં” નું મુહુર્ત થઈ ગયું હતું. ફિલ્મ ટેબ્લોઈટ્સ આબિદ-નીનુની સાચી ખોટી અનેક ગોસીપ અને આગામી ફિલ્મ “સુહાની રાતેં” ની વાતોથી ભરાયલા રહેતા હતા. બાલાનાથ ખંધો પ્રોડ્યુસર હતો, મલ્ટિમિલિયોનેર હતો. અંડરવર્ડ સાથે પણ એનો સારો ઘરોબો હતો. મનમાં તો નીનુને માણવાની ઈચ્છા હતી. આજ સુધીમાં એની બધી જ અભિનેત્રીઓને ભોગવતો. કેટલીક મિડલઈસ્ટમાં જતી. નીનુ આ જાણતી જ હતી. સતર્ક હતી. એક પ્રયાસને નીનુએ નિષ્ફળ બનાવ્યો હતો. નીનુને આબિદખાનનો સાથ હતો. એ આબિદના પ્રેમમાં હતી. હવે એ માત્ર જાણે આબિદની જ હતી. આબિદને એ સર્વસ્વ ગણતી હતી. રેખા અને અમિતાભ કે ઐશ્વરિયા અને સલમાનની જેમ જ એમનો સંબંધ જાહેર ચર્ચાનો વિષય હતો.

નીનુ રોજ સવારે એક્સરસાઇઝ કરતી, યોગા કરતી અને બાથરૂમ મિરરમાં પોતાના દેહને જોતી. સ્તન પર બ્રેસ્ટ ફર્મિંગ ક્રિમથી મસાજ કરતી, રમાડતી. ચારેક મહિના પહેલાં એને લાગ્યું હતું કે ધીમે ધીમે એના સ્તન ભરાઉ અને ફર્મ થતા જાય છે. પહેલાં તો એને ગમ્યું જ હતું પણ પાછળથી એને ખ્યાલ આવ્યો કે આતો સોજા છે. અને બન્ને બાજુ, કંઇક ગઠ્ઠા અને લમ્પ્સ છે. એ ધૂજી ઉઠી હતી. મમ્મીને કેન્સર હતું. મને થાય તો?

ધીમે ધીમે સ્તન પર સંતરાની છાલ જેવા ડિમપ્લિંગ દેખાવા લાગ્યા. નીપલ્સ દુખવા લાગ્યા અને ઉપસવાને બદલે અંદર જતાં હોય એમ લાગવા માંડ્યું.

આબિદ સાથેનો શારીરિક સંબંધ દુખદ બનતો ગયો, પણ એ મુંગી રહી. ડોકટરને જણાવ્યા વગર દુઃખ સહન કરતી રહી. એને મોટા બજેટની ફિલ્મ પૂરી કરવી હતી. નવીનો મુહુર્ત શોટ એના પર જ લેવાયો હતો. એક  રાત્રે સમાગમ વેળા આબિદને કહેવું પડ્યું ‘પ્લિઝ ડોન્ટ ટચ માઈ બ્રેસ્ટ મુઝે બહોત પેઇન હો રહા હૈ’ આબિદને ધક્કો મારી પોતાનાથી અળગો કરી દીધો હતો.

‘નીનુબેબી, તેરે બ્રેસ્ટમેં કુછ ગરબડ હૈ.’ ડોક્ટરકો દિખાઓ. સામાન્ય રીતે રાત ગાળતો આબિદખાન એને કીસ કરીને ચાલતો થયો. ‘સી યુ ટુમોરો. અબ આરામ કરો.’

બીજી સવારે શૂટિંગ કેન્સલ કરીને નીનું ડોક્ટરને ત્યાં ગઈ. પછી તો એક પછી એક, અનેક ટેસ્ટસ, મેમોગ્રામ, બાયોપ્સી શરૂ થઈ ગઈ. જેની દહેશત હતી તે જ નિદાન થયું. અને તે પણ છેલ્લા ગેડનું. મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર. ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર. બેકાળજીને કારણે બ્રેસ્ટની બહાર બગલ તરફ પ્રસરવાની શરૂઆત થઈ ચૂકી હતી. દિવસો વિતતા ગયા. છૂટકો જ ન હતો. બસ ટોટલ માસ્ટેક્ટોમી થઈ ગઈ. સુંદર, સખ્ત સ્તનની જગ્યાએ સપાટ છાતી આવી ગઈ.

આબિદે સર્જરી પછી “ગેટવેલ સુન” નો કાર્ડ મોકલી આપ્યો. નીનુ વગર “સુહાની રાતેં”નું શૂટિંગ ચાલતું હતું એ સમાચારો એને મળતા હતા. સર્જરી પછી ફોન પણ નહિ અને વિઝિટ પણ નહિ. એક માત્ર સુશાંતને એના પ્રત્યે કંઈક લાગણી હતી. એ સજ્જન હતો. ઓળખાણની શરૂઆતમાં એ પાસે બેસીને મેનેજર તરીકે સલાહ આપતો હતો. એકવાર એનો હાથ એના સ્તન પાસે ગયો અને તરત પાછો ખેંચાઈ ગયો. ત્યારથી એણે જાતે જ બાજુમાં નહિ પણ સામે બેસીને જ વાત કરવાનો નિયમ રાખ્યો હતો. હવે નીનુને થતું કે સુશાંત એની પાસે બેસે, આલિંગન આપે. એને પુરુષના પ્રેમની અને શારીરિક આલિંગનની સ્વૈચ્છિક ઝંખના જાગતી હતી. એને એના સ્ત્રીત્વની સ્વીકૃતી જોઈતી હતી.

આ વાતને વધુ એક મહિનો વિતી ગયો. સુશાંતે બીજી અભિનેત્રીની મેનેજમેન્ટ સંભાળી લીધી. છતાં અવાર નવાર ફોન કરતો અને ખબર પૂછતો રહેતો હતો. જાનકીને ચાર મહિનાથી એનો પગાર અપાયો ન હતો. ‘મેમ, મારે મારા દીકરાની કોલેજની ફીઝ ભરવાની છે. મેં બીજે કામ શોધી લીધું છે. પણ મેમ વચ્ચે હું આવી જઈશ નાનું મોટુ કામ હોય તો કરી જઈશ. લક્ઝરી એપાર્ટમેન્ટના ભાડાં ચઢી ગયા હતાં. લિગલ નોટિસોના ઢગલાં થતા હતા. હવે આવતા તેઓ માત્ર પત્રકારો જ હતા. જાત જાતના ઈન્ટર્વ્યુ લઈને ચાલ્યા જતા. ઈન્ટર્વ્યુમાં ન કહેવાયલી કાલ્પનીક વાતો પણ ફેલાતી જતી હતી. કેટલાક તો જાણે એના મરણ પછીના લેખની તૈયારી કરતા હતા.

ડોક્ટર રમાએ જાતે જ સર્વાઈવલ રૅઇટનો ચાર્ટ સમજાવ્યો હતો અને હિમ્મત આપી હતી કે તું યંગ છે. કેરિયરની ચિંતા ન કર અત્યારે તારે સારા થવાનું છે. તું સારી કલાકાર છે. અત્યારે તો બ્રેસ્ટ રિકંસ્ટ્રકશનની શક્યતા નથી પણ આપણે એક પ્રયત્ન જરૂર કરીશું. સ્પેશીયલ પેડેડ માસ્ટેક્ટમી બ્રા પહેરશે પછી બીજાને તો શું પણ તને પણ ખબર નહિ પડે કે શું છે અને શું નથી. પણ એ જાણતી હતી કે હવે વધુમાં વધુ ત્રણ ચાર વર્ષ જ મળશે. કદાચ એટલા પણ ન મળે. એને જોઈતો હતો કોઈ એક પુરુષનો શેષ જીવનનો સ્નેહ સથવારો. જે આબિદ સાથે એનું નામ ગાજતું એ નીનુનો ફોન ઉઠાવતો ન હતો. એક વાર એની બીબીએ જ ફોન ઉઠાવ્યો. બીબી ફોન પર ઘણું હસી. “નીનુ યે તો ફિલ્મી દુનિયા હૈ. પગલી હો ક્યા? આબિદકી ફેમસ હિરોઈન ગંદી ગટરમેં મર ગઈ કીસીને જાના ભી નહિ. યે બાત તૂ જાનતી નહીં થી? આબિદ અપની પબ્લિસિટિ કે લીયે ચાહે કુછ બી કરે લેકિન મેરે ઘરમેં કોઈ સૌતન નહિ લાયેગા” પછી એ ભયંકર હસી હતી.

નીનુ ડિપ્રેશનમાં સરતી જતી હતી. એપાર્ટમેન્ટની બહાર નીકળતી ન હતી. હવે તો એપાર્ટમેન્ટ છોડવાનો સમય આવી ગયો છે. નાનાભાઈ પાસે જવા વિચારતી હતી પણ એનો પત્તો જ જ હતો.

એક દિવસ બાલાનાથનો ફોન આવ્યો.

‘નીનુબૅબ, કૈસી હો. જાવ મૈને સાઈનિંગ એમાઉન્ટ માફ કર દીયા, ફિક્ર મત કરના. નીનુબૅબ તૂ અભી ભી બહોત બ્યુટિફૂલ હો. અબ ભી તૂ બીક શકતી હો. કલ સામ, મેં તેરે લીયે લિમો ભેજુંગા, આ જાના બૅબ. સિર્ફ બ્રેસ્ટ નહિ હૈ તો ક્યા હૂવા, બાકીકે સબ સ્પેરર્પાર્ટ તો હૈ ના! શેખ સાહબકો તૂ બહોત પસંદ હૈ. મેરા નામ બાલાનાથ હૈ. અનાથ બાલાઓ કા નાથ હૂં મૈ.’

નીનુએ ફોન કટ કરી નાંખ્યો.

એના કાન પર હથોડા ઠોકાતા હતા. ‘નીનુ યે ફિલ્મી દુનિયા હૈ. યે દુનિયા જિસ્મકી દુનિયા હૈ.’ એને ભ્રમણાં થતી હતી કે એનો રૂમ અનેક બ્યુટિફુલ પરવીનબાબીઓથી ભરાઈ ગયો છે. ધીમે ધીમે એ પરવીનબાબીઓ જાડી અને બેડોળ થતી જાય છે એને એઓ જ જિસ્મકી ફિલ્મી દુનિયા હૈ એવા વિચિત્ર અવાજો કરે છે. એણે આંખો બંધ કરી. બંધ આંખોમાં એને જીયા ખાન, શીખા જોષી, સિલ્ક સ્મિથા, નહિષા જોસૅફ, કુલજીત રંધવાના ભૂતાવળા નૃત્ય કરતાં હતાં. ‘નીનુ અમારી પાસે પણ રૂપ હતું. સંપુર્ણ દેહ હતો. તારી પાસે તો તે પણ નથી. બધીએ પોતાના વક્ષસ્થળ ખૂલ્લા કર્યા. તારી પાસે તો આ પણ નથી.’

બધા અદૃષ્ય થઈ ગયા. કાનમાં માત્ર એમના અવાજો સંભળાતા હતા. અવાજો બંધ થયા. એક સફેદ સાડીમાં ઓગણીસ વીશ વર્ષની છોકરી આવી. ‘ચાલ હું તને નવી દુનિયાનો રસ્તો બતાઉં. નવી દુનિયામાં કોઈ વ્યથા નથી. કોઈ જ ચિંતા નથી અપાર શાંતિ છે. ચાલ હું તને ઉપરની દુનિયાના નિર્માતા-પ્રોડ્યુસર સાથે ઓળખાણ કરાઉં. ચાલ મારી સાથે.’

‘તું, તું, તું! કોણ દિવ્યા? દિવ્યાભારતી?’

‘હા નીનુ, હિમ્મત રાખ. હું તને લેવા આવી છું.’

નીનુને પોતાને સફેદ વાદળોમાં હોય એમ લાગ્યું.

તે મળશ્કે, નીનુ બાવીસમાં માળની બાલ્કનીમાંથી રોડ પર પડેલી લાશ બની ગઈ હતી.

[ગુજરાત દર્પણ જાન્યુઆરી ૨૦૧૯]

New photo 1.jpg

 

સ્પર્શ

New photo 1

પ્રવીણ શાસ્ત્રી

સ્પર્શ

સ્પર્શ વાર્તા

મધુ કારમાંથી ઉતરી, કૅઇન સ્વિંગ કરતી ધીમા પગલે બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધી. ગઈ રાત્રીએ અણધાર્યો સ્નો પડ્યો હતો. સ્નો તો સાફ થઈ ગયો હતો પણ કેટલાક ભાગમાં બરફ જામી ગયો હતો. બિચારી મધુનો પગ જરાક સર્યો. એ પડવાની જ હતી અને એની પાછળ આવતા જયેશે એને કમ્મરમાંથી પકડી લીધી. મધુ પડતાં બચી ગઈ. એને ખ્યાલ આવી ગયો કે કોઈ મજબુત હાથ એની મદદમાં આવી ગયો હતો.

‘થેન્કસ.’

‘ચાલો, હું આપને અંદર સુધી મુકી જાઉં.’ જયેશે સદ્ભાવના દર્શાવી.

‘ઓહ! આપ ગુજરાતી છો? અહિ નવા આવ્યા છો?’

‘ના હું અહિ નથી રહેતો. પાર્ક સામેના બિલ્ડિંગમાં રહું છું. અહિ મિત્રના કામ માટે આવ્યો હતો અને આપને પડતા જોયા.’ હજુ જયેશનો હાથ કમ્મરને જ અડેલો હતો. મધુએ ધીમેથી હાથ અળગો કર્યો.

‘મારો આ બિઝનેશ કાર્ડ આપની પાસે રાખજો. હું નજીક જ રહું છું. જરૂર પડ્યે હાજર થઈ જઈશ’

મધુએ કાર્ડ લીધો અને પર્સમાં મૂક્યો.

‘આપનો ઘણો આભાર.’ અને મધુ બિલ્ડિંગમાં પ્રવેશી. એલિવેટરમાં ચૌદમા માળે પહોંચી ગઈ. જયેશ એને જોતો રહ્યો.

આ હાઈરાઈઝર લકઝરી કોન્ડો બિલ્ડિંગમાં એનો નવો બનેલો મિત્ર માઈકલ રહેતો હતો. છ મહિના પહેલાં જ્યારે જયેશ હ્યુસ્ટનથી જર્સી સીટી આવ્યો ત્યારે પાર્ક સામેના બિલ્ડિંગમાં જયેશને માઈકલે સ્ટુડિયો કોન્ડો અપાવ્યો હતો. બે દિવસ વરસાદ હતો. એપાર્ટમેન્ટ સેટ કરવામાં સમય ગયો. પછીના રવિવારની ખુશનુમા સવારમાં એણે બાલ્કનીમાંથી આજુબાજુનું નિરિક્ષણ કરવા એનું બાઈનોક્યુલર ઘુમાવ્યું. નીચે પાર્ક હતો સામે થોડા હાઈરાઝર્સ હતા. જો સામેનું બિલ્ડિંગ ના હોત તો આખું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોઈ શકાત. ફરતા બાઈનોક્યુલરના વર્તુળમાં એ જ બિલ્ડિંગની બાલકનીમાં એક યુવતી આવી ગઈ. લેન્સ ઝૂમ થયો.

વાઉવ, શોર્ટ પેન્ટ અને ટાઈટ ટી શર્ટ, ડાર્ક ગ્લાસીસ સાથે બાલ્કનીમાં, તે યુવતી, રાઉન્ડ ટેબલ પર લેપટોપ પર કંઈ કામ કરતી હતી. એના પગ પાસે જર્મન શેફર્ડ બેઠો હતો. કાનમાં ઈયર ફોન હતા. જયેશના મોમાંથી ‘વાઉવ’ એક વાર નહિ બે ત્રણ વાર નીકળી ગયું. જેટલું ઝૂમ થાય એટલું કરીને એ જોતો જ રહ્યો. ત્યાર પછી એ બાલ્કનીમાં દેખાઈ ન હતી. ધીમે ધીમે બદલાતા હવામાનમાં બાલ્કનીમાં શોર્ટપેન્ટ પહેરીને બેસવાના દિવસો પુરા થયા હતાં. રૂમના આછા પડદામાંથી એની આકૃતિ જ દેખાતી. નવરાત્રીના દિવસો હતા અને ફરીવાર એ યુવતી સાડીમાં દેખાઈ.

ઓહ! આ તો ઈન્ડિયન છે. વાઉવ! મળવું પડશે. બ્યુટિફુલ પ્રોસ્પેક્ટિવ ક્યાયન્ટ.

પાંત્રીસ વર્ષીય જયેશ ફાઇનાન્સિયલ એડવાઈઝર હતો. અમેરિકામાં જૂદા જૂદા સ્ટેટમાં ફરતો રહેતો અને મની મેનેજ્મેન્ટનો બિઝનેશ મેળવતો હતો. સામેનું બિલ્ડિંગ, સુપર લક્ઝરી કોન્ડોમિનિયમ હતું. મોટાભાગના  મેન્હ્ટ્ટન ન્યુયોર્કમાં કામ કરતા પ્રોફેશનલ્સ રહેતાં હતાં. બાલ્કની વાળી યુવતીની આજુબાજુ કોઈ પુરુષ દેખાતો નહતો. એણે એના મિત્ર માઈકલને એક સાંજે બોલાવ્યો. સામેની બાલ્કની બતાવી પુછ્યું “માઈક,સામેના ફ્લેટમાં રહે છે તે કોણ છે.”

‘સી ઈઝ મધુ. બ્લાઇન્ડ છે. કોઈ કોલેજમાં પ્રોફેસર છે.’

બે દિવસ એણે માઈકના બિલ્ડિંગમાં માઈકને મળવાને બહાને આંટા માર્યા. એટલી ભાળ મળી કે મધુ શર્મા ૧૪૦૭ નંબરના લક્ઝરી ફ્લેટમાં રહેતી હતી.

ત્રીજે દિવસે મધુ કારમાંથી ઉતરી, એક હાથમાં બ્રીફકેસ અને બીજા હાથમાં વ્હાઇટ કેન. કોન્ફિડન્સથી ચાલતી મધુનો પગ અચાનક આઈસપેચ પર પડ્યો, સમતોલન ગુમાવ્યું પણ જયેશે એને સંભાળી લીધી. કમ્મર પરનો સ્પર્શ મધુને ધણી માહિતી આપી ગયો. જે કામ ચક્ષુ નથી કરી શકતા તે સ્પર્શેન્દ્રિય કરી શકતી હોય છે. હાથ પકડીને સહાયતા કરવા વાળા ઘણાને વિનયપૂર્વક નકાર્યા હતા.આજે આ હાથે અચાનક પડતા બચાવી. બિચારો જર્મન શેફરડ ગાઈડડોગ ‘બડી’ બે દિવસથી બિમાર હતો. એને ઘરમાં મુકીને આવી હતી એની ચિંતામાં એ આઈસપેચ ચૂકી ગઈ હતી.

થેન્ક્સ, કહીને એ બિલ્ડિંગમાં પ્રવેશી અને જયેશ એને જોતો જ રહી ગયો. એ પ્રોફેસનલ હતો. ડિવોર્સી હતો.  મધુ તો બ્લાઇન્ડ છે, એ જાણવા છતાં એનું સંપર્કનું પહેલું સોપાન હાથમાં બિઝનેશ કાર્ડ પધરાવવાનું જ હતું.

અને ખરેખર તે જ રાત્રે જયેશના ફોનની રિંગ વાગી.

‘હલ્લો!’

‘હાય જયેશજી આઈ એમ મધુ, માફ કરજો આપની સાથે હું વધુ વાત કરી શકી નહિ. મારો બડી બિમાર છે. ગઈ કાલે જ હોસ્પિટલમાંથી લઈ આવી. મારે એને મેડિસિન આપવાનો સમય થઈ ગયો હતો એટલે હું દોડી. મને પડતાં બચાવી. સારું થયું આપ આપનો બિઝનેશ કાર્ડ આપી ગયા હતા. આપનો આભાર.’

‘પણ મધુજી આપ અને મારો કાર્ડ તો………’

મધુ હસી “ આઈ ગેસ યુ મસ્ટ બી વંડરિંગ હાઉવ ડિડ આઈ રીડ યોર કાર્ડ. મારી સ્વીટ નેબર જુલિયા મારી રિડિંગ આસિસ્ટનટ છે બાર વર્ષની છે. મારી મેઈલ રિડર અને રાઈટર છે. છે તો બાર વર્ષની પણ મેચ્ચોરિટી બાવીશની. મજાની છોકરી છે. સ્કુલ સમયને બાદ કરતાં એનો ઘામો મારે ત્યાં જ હોય છે. મારા બડી સાથે સરસ દોસ્તી છે. બસ એણે વાંચીને તમારો નંબર કહ્યો. વેરી સિમ્પલ. રાઈટ?’

મધુએ ખુબ જ નિખાલસતાથી પોતાની ઓળખને બદલે જુલિયાની અને જર્મન શેફર્ડ ગાઈડ ડોગ બડીની વાત જણાવી દીધી.

‘મધુજી મારી પાસે બ્રેઇલ એન્ગ્રેવ્ડ કાર્ડ પણ છે. પણ મે આપને પ્લેઇન કાર્ડ આપી દીધો. સોરી. કાલે હું પહોંચાડી જઈશ.’

‘ના હવે તકલીફ લેવાની જરૂર નથી. આપનો પ્રોફેશનલ પરિચય તો મળી જ ગયો છે. આપ ફાયનાન્સિયલ પ્લાનર છો એ જાણી આનંદ થયો. હું કોઈકની શોધમાં જ છું. આપનો કાર્ડ મારી પાસે જ છે. આપના થોડા રેફરન્સ ચેક કર્યા પછી મુલાકાત ગોઠવીશું. ફરી એકવાર આપનો આભાર.’

અત્યાર સુધીની ફાઈનાન્સ કારકિર્દીમાં કોઈએ સામેથી કહ્યું ન હતું કે હું તમારો રેફરન્સ ચેક કરીને જણાવીશ. એ થોડો ધૂજી ગયો.

જયેશે પોતાના સર્ચ એન્જીન દ્વારા મધુનો બાયોડેટા, મેડિકલ રિપોર્ટ, શિક્ષણ અને ફાઈનાન્સિયલ માહિતી મેળવી લીધી.

મધુ ગરીબ માબાપની ચોથા નંબરની દીકરી હતી.માત્ર પાંચ મહિનામાં જ પ્રિમેચ્યોર જન્મ થયેલો. અંડર વેઈટ. ફેફસાને ઓક્સિજન ટ્રીટમેન્ટ અપાઈ. ફેફસા ટક્યા પણ ઓક્સિજનનું બેલેન્સ ન જળવાયું અને રેટિના ખલાસ થઈ ગયા. જન્મથી આંધળી હતી. દૂરના નિઃસંતાન કાકા-કાકી અમેરિકામાં લોયર હતા. ઈન્ડિયા આવ્યા. એમણે મધુને એડોપ્ટ કરી. મધુએ જીંદગીમાં દુઃખ જોયું નથી. બસ જલ્સા જ કર્યા છે. બ્લાઇન્ડને માટે જે જે સુવિધાઓ સંશોધાય છે તેનો લાભ એને મળતો રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અનેક ઉપકરણોએ એને દૃષ્ટિહિનતાનો અહેસાસ થવા દીધો ન હતો. કાકા અને કાકીએ એને લો પ્રેફેસર અને કંસલ્ટિંગ લોયર લોયર બનાવી. કાકા ડિસ્ટ્રિક એટરની હતા. કાકી કોર્પોરેટ લોયર હતા. બ્લાઇન્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની ચેરપરસન છે. કાકા મૃત્યુ બાદ મોટી જાયદાદ મધુના નામ પર કરતાં ગયા. દૂરના કાકાનો મલ્ટિમિલિયોનનો વારસો મળ્યો. અંધ હતી, ધનિક હતી, સુંદર હતી. એટલું જયેશને માટે પુરતું હતું,

દશ દિવસ પછી, જયેશને મેસેજ મળ્યો. શુક્રવારે ચાર વાગ્યે  કોલેજ લાઈબ્રેરીમાં મળીયે.

અને બન્ને મળ્યા.

સામાન્ય રીતે એક મિલિયન ડોલરના પોર્ટફોલિયો મેનેજ્મેન્ટના વર્ષના પાંચ છ હજાર ડોલર મળતા. મધુના ત્રીસ મિલિયનની વ્યવસ્થામાં વાર્ષિક સવા લાખ મળે. આ કંઈ નાની રકમ ન કહેવાય. પણ જો એ શ્રીમંત બ્યુટી પત્ની બને તો?

‘મધુજી આપ સાથે પોર્ટફોલિયોની ઘણી વાતો કરવી પડશે. હજુ મારી ઓફિસની ગોઠવણો થઈ નથી. જો આપને વાંધો ન હોય તો આપને ત્યાં નિરાંતે ચર્ચા કરી શકીયે.’

‘સ્યોર. મારે ત્યાં રવિવારે લંચ સાથે લઈશું અને પોર્ટફોલિયોની ચર્ચા કરીશુ.’

જયેશ મઘમઘતા ફૂલોનો એક મોટો ગુલદસ્તો લઈને પહોંચી ગયો.

મધુએ એને ફૂલદાનીમાં સરસ રીતે ગોઢવી દીધો. ‘બધાજ મારા મનગમતા પુષ્પો. આભાર.’  એની આંગળીઓનું સ્પર્શજ્ઞાન અને ઘ્રાણેન્દ્રિય થી બધા જ  ફૂલો એટલી સરસ રીતે વાઝમાં ગોઠવ્યા કે કોઈને ખ્યાલ ન આવે કે મધુ અંધ છે.

એને મધુમાં રસ પડી ગયો. ‘મધુજી અત્યારે, આપનું રિટર્ન માત્ર દશ ટકા જ છે, ધીમે ધીમે હું તમને બધો પ્લાન સમજાવતો જઈશ. આપણે સહેલાઈથી બાવીસ ટકા મેળવી શકીશું.’

મુલાકાતો રોજની. થઈ ગઈ. નાણાકીય વાત ઉપરાંત પ્રેમ મહોબતની દિશામાં જયેશ વાતોને વાળતો રહ્યો. એ વિષયમાં એની નિપુણતા હતી.

‘આપને ખબર છે કે આપ ખુબ જ સુંદર છો?’

‘જયેશજી આપ કહો તે હું ન માનું એવું બની શકે ખરું?’

‘જયેશજી નહિ, માત્ર જયેશ કહો. હવે, હું જો એમ કહું કે હું આપના પ્રેમમાં પડી ગયો છું. જો શક્ય હોય તો મારું જીવન આપની સાથે જ ગાળવા માંગું છું તો આપ માનશો?’

‘ઓહ! યુ મીન્સ લીવિંગ ટુ ઘેધર?’

‘નો. આઈ વોન્ટુ મેરી યુ. વિલ યુ મેરી મી?’

‘હું મારી જાતને નશીબદાર સમજીશ. હું અંધ છું છતાં પણ આપ મારા પ્રેમમાં પડ્યા? આટલા ઓછા અને ટૂંકા પરિચય પછી આટલા જલ્દી પ્રેમમાં કેવી રીતે પડાય? મારામાં એવું તે શું છે?

‘તે તો મને પણ ખબર નથી. પણ કદાચ પહેલી નજરનો પ્રેમ હશે’

‘તો એ એકમાર્ગીય પ્રેમ કહેવાય. મારી નજરનો તો સવાલ જ નથી. ચોક્કસપણે આપ હેન્ડસમ જ હશો. પણ ન હો તો પણ શું ફેર પડે? અત્યારે તો આપણી વચ્ચે માત્ર પ્રોફેશનલ રિલેશન છે. મારી આર્થિક વ્યવસ્થા માટેનો જ સંબંધ છે. પ્રેમમાં પડતાં પહેલાં મૈત્રી, ખાસ મૈત્રી, અને મૈત્રી અને ખાસ મૈત્રી વચ્ચે પરની સાચી ઓળખ હોવી જરૂરી છે. આપની દુનિયા નજરની છે. તમે તન જૂઓ છો. તનનો રંગ જુઓ છો. હું તો માનવીના તનના શ્વાસોછ્શ્વાસ અને તનની ધડકન સાંભળું છું. હું એક માત્ર સ્પર્શથી વ્યક્તિના રંગરૂપ જાણી શકું છું. તમે મને પ્રેમમાં પડી શકું એવી વ્યક્તિ ગણી એ મારા જેવી અંઘને માટે જેવી તેવી વાત નથી. મારા વિષે તો આપ બધું જ જાણી ચૂક્યા છો. તમારે માટે તો હું માત્ર એટલું જ જાણું છું કે આપ પ્રોફેશનલ ફાઈનાન્શિયલ પ્લાનર છો અને મને પ્રેમ કરો છો. તમારા કહ્યા મુજબ આજે તો હું સુંદર છું. યુવાન છું. અને ધનિક પણ છું. અને વધુમાં અંધ પણ છું. યુવાની વિતતાં સૌંદર્ય જાય અને કોઈક કારણસર ધન પણ ન રહે તો તમે મને જાળવશો?’ મધુએ ગળગળા થતાં સીધો જ પ્રશ્ન પૂછ્યો.

‘આઈ લવ યુ મધુ. આપણે બન્ને જ વૃદ્ધ તો થવાના જ. સમય જતાં શારીરિક સુંદરતા પણ જવાની જ. પણ આપણી વચ્ચે જે પ્રેમ અને આપણું ધન છે તે નહિ જાય. હું એનો રખવાળો બની રહીશ. મધુ તને વ્હાઈટ કૅનની જરૂર નહિ પડે. કેનને બદલે તારા હાથમાં સદાકાળ મારો હાથ હશે.’ જયેશે મધુને હાથથી ખેંચી હોઠ પર તસતસતું ચૂબન ચોંટાડી દીધું.

‘પ્લીઝ જયેશ, નોટ સો ફાસ્ટ.’ મધુએ એને હડસેલો માર્યો. ‘હજુ આપણે ગાઢ મૈત્રી સંબંધમાં પણ જોડાયા નથી. પ્રિમેચ્યોર ફિઝિકલ રિલેશનશીપ યોગ્ય નથી. ધિરજ રાખો. યોગ્ય સમયે બધા જ સંબંધો આપોઆપ બંધાતા જશે. આજે હું થાકેલી છું. આવતી કાલે મળીશું અને નિરાંતે વાતો કરીશું.’

બીજે દિવસે જ્યારે જયેશ મધુને ત્યાં ગયો. ત્યારે એનો આખો ફ્લેટ વિશિષ્ટ રીતે શણગારાયલો હતો. બેડની આજુબાજુ પ્રાઈવસી ડિવાઈડર આવી ગયા હતા. બેડ પર હાર્ટ આકારની વેલ્વેટ બેડસ્પ્રેડ હતી. નાના ડાઈનિંગ ટેબલ પર બે વ્યક્તિ માટેની ડિનર ડિશ ગોઠવાઈ ગઈ હતી. એની કમનીય કાયાના વળાંકો પ્રદર્શીત થાય એવા ગાઉનમાં મધુ એને ચીપકી ને બેસી ગઈ.

‘ડિયર, ગઈકાલે હું ખુબ જ થાકેલી હતી. ઘણી ઘણી વાતો કરવી હતી. તમે ક્યારે અને કેમ ડિવોર્સ લીધા એની વાત કરશો. આપણે થોડું અંગત અંગત જાણી લઈએ.’

‘અમારી વચ્ચે ઉમ્મરનો મોટો તફાવત હતો. ન ફાવ્યું. અને મળી સંપીને છૂટા થઈ ગયા.’

‘અને તે પહેલાં પણ તમે પરિણિત હતાને? આતો મારી ઇનીશીયલ સર્ચ રેકોર્ડમાં જાહેર વાત જણાઈ એટલે પૂછું છું.’

‘ઓહ! એ વાતને તો વર્ષો થઈ ગયા. અમારા પ્રેમ લગ્ન હતા. ત્રણ વર્ષના લગ્ન જીવન પછી ભગવાને’ બોલાવી લીધી.’

‘શું થયું હતું.’

‘અમે વેડિંગ એન્નિવરસરી માટે મેક્સિકો ગયા હતા. ઓસનમાં ડૂબી જવાથી એ ગુજરી ગઈ.’

‘જયુ, મધુએ આત્મીય સંબોધન કર્યું મારી માહિતી મુજબ તમારા પર હજુ એ અકસ્માત અંગે ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ચાલુ છે એ વાત સાચી છે?’

‘મધુ, આ બધી એવી ગાંડા ગપગોળા ક્યાંથી લઈ આવી. એમાં કોઈ પણ ઈન્વેસ્ટિગેશનનું કોઈ કારણ જ ન હતું. એક્સિડન્ટ હતો એક્સિડન્ટ’

‘જયુ,’ ‘જે દિવસે તમે મને પડતાં બચાવી તે દિવસનો તમારો સ્પર્શ મને કહી ગયો હતો કે મને તમારા હાથનો સહારો જીવનભર મળશે. આમ છતાં હું કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ કરવામાં માનતી નથી. બે દિવસ પહેલા જ મારા કોલેજ કલિગ્સ વાત કરતા હતા કે કોઈ ઈન્ડિયને મેક્સિકોમાં પાંચ વર્ષ પર એક ઈન્ડિયને એની અમેરિકન પત્નીને ડૂબાડી હતી તેનો કેસ ઉભર્યો છે. પ્લીઝ આ તમે તો નથી ને?  જે હોય તે, પહેલાં મન મૂકીને તમારી તકલીફની વાત કરો. હું લોયર છું. હું તમને બનતી બધી મદદ કરીશ પણ મારે સાચી વાત જાણવી છે. આપણા ભવિષ્યના સંબંધ માટે પણ સત્ય જાણવું જરૂરી છે. પ્લીઝ જો ખરેખર મને ચાહતા હો તો મને સાચી હકીકત જણાવો. તમે મને ખૂબ જ ગમો છો.’ મધુના હાથમાં રહેલો જયેશનો હાથ જુદા જ કંપનો અનુભવતો હતો. જેમ કુશળ વૈદ્ય નાડી પકડીને દરદીના રોગનું નિદાન કરી શ કે તેમ જ મધુ સ્પર્શ સ્પંદનથી માનવી માનસિક સ્પંદનો ઓળખી શકતી.

‘મધુ જીવનમાં પહેલી વાર જ મને તારા પ્રત્યે અંતરની લાગણી જન્મી છે. હું પણ ગરીબ માબાપનો છોકરો હતો. આમ છતાં ભગવાને મને સારું શરીર આપ્યું. ગેરકાયદે અમેરિકામાં આવ્યો. બારમાં જીગલો મેઈલ ડેન્સર તરીકે જોબ કરી. અમેરિકાની ધનિક વિધવાઓને પૈસા લઈને દેહ સુખ આપ્યું. એમાંની એકની સાથે લગ્ન કર્યા. પણ ત્રાસી ગયો હતો. મેક્સિકોમાં વેવસર્ફિંગ કરતાં ફ્લિપ થઈ ગઈ. ફેફસામાં પાણી ભરાયું અને ગુજરી ગઈ.’

‘મેક્સિકો ગાર્ડિયનમાં ફોટા સાથે સમાચાર હતા. ગઈ કાલે સવારે મારી રિડર ફ્રેન્ડ જુલિયાએ સ્પેનિશ પેપરમાં આવેલા સમાચાર વાંચી સંભળાવતાં કહયું કે આતો તારા ફાયનાન્સિયલ પ્લાનર ફ્રેન્ડનો ફોટો છે.  એમાંતો લખ્યું હતું કે જ્યારે એ મહિલા પાણીમાં ગબડી પડી ત્યારે એના પાર્ટનરે ગુંગળાવી હતી. અને પાર્ટનર દૂર ચાલ્યો ગયો હતો. અત્યાર સુધી એને અકસ્માત ગણવામાં આવ્યો હતો. પણ કોઈકે દૂરથી પાડેલો વિડિયો બહામાની પોલિસને મળ્યો છે.’

‘ક્યાં છે એ ન્યુઝ પેપર?’

‘એ તો ગાર્બેજમાં ગયું. સ્પેનિસ પેપર હતું. આપ સ્પેનિશ જાણો છો?’

‘ના. માત્ર ફોટો જ જોવો હતો.’

‘આટલા બધા ધ્રૂજો છો કેમ? પ્લીઝ મને સાચી વાત કરો. હું તમને મદદ કરીશ.’ અને મધુ એને લપેટાઈ ગઈ.

‘મધુ, પ્લીઝ હેલ્પ મી. મારે એ ડોસીથી છૂટવું હતું. એણે મને લાલચ આપી હતી કે મારી પાસે મલ્ટિમિનિયમ ડોલરની એસેસ્ટ છે. ખરેખર એની પાસે કશું જ ન હતું. એ મને પરણીને મને ચૂસતી હતી. મારે કરવું પડ્યું. હવે મારે સ્થિર જીવન જીવવું છે. ગરીબાઈ પણ જોઈ છે. અને પૈસો પણ માણ્યો છે. કંઈ પ્રોબ્લેમ થાય તો મને મદદ કરશે ને?’

અને……

અને બારણે ટકોરા પડ્યા. મધુએ બારણું ખોલ્યું. એના મિત્ર માઈકલ સાથે બે અમેરિકન પોલિસ ઓફિસર અને એક મેક્સિકન પોલિસ ઓફિસર દાખલ થયા.

‘થેન્ક્સ મિસ મધુ. એન્ડ મિસ્ટર જયેશ ગુપ્તા, યુ આર અન્ડર એરેસ્ટ ફોર મર્ડર ઓફ અમેરિકન સીટીઝન ઈન મેક્સિકો.’ ઓફિસરે પ્રોટોકોલ પ્રમાણે એના રાઈટ્સ સમજાવી દીધા.

‘મધુ. યુ…..યુ….યુ ટ્રીક મી. આઈ રિયલી લવ યુ. આ બધું ખોટું છે. આઈ એમ ઈનોસન્ટ’

મધુએ એના પારદર્શીય ગાઉન પર રોબ ચઢાનતાં કહ્યું, ‘મુહમ્દ તેં કદીયે કોઈને પ્રેમ કર્યો છે ખરો? તારું સાચું નામ તો મને તું રહેવા આવ્યો તે જ દિવસથી જ ખબર હતી કે તું જયેશ નથી મુહ્મ્દ છે. તને એપાર્ટમેન્ટ અપાવનાર તારો નવો ફ્રેન્ડ માઈકલ, સ્ટેટ એપોઈન્ટેડ ઇન્વેસ્ટિગેટર ડિટેકટિવ છે. તને સામેનો એપાર્ટમેન્ટ અપાવ્યો તે પણ મને ખબર હતી. તેં મને બાલ્કનીમાં જોઈ તે પણ હું જાણતી હતી.’

‘એ તો તેં જાતે જ કબુલ કર્યું છે કે તું ઈલલિગલ ઈમિગ્રાન્ટ છે. બારમાં મેઈલ ડેન્સર હતો તે પણ તેં જ કહ્યું હતું. તેં જે ડોસીને મારી નાંખી તે ડોરિસ એના જમાનાની અનુભવી સર્ફર હતી. જ્યારે પલ્ટિ ખાઈ ગઈ ત્યારે તું નજીક હતો. અને તેં જ એને પાણીમાં ગળચી દાબીને મારી નાંખી અને પછી પાણીમાં ડૂબાડી.’

મેક્સિકોના ઓફિસરે વધુ ખૂલાસો કરતાં કહ્યું કે ‘તે સમયે અક્સ્માત મૃત્યુ તરી કે વધુ તપાસ ન થઈ અને કેસ ક્લોઝ થઈ ગયો. એના નામનો મોટો ઈન્સ્યુરન્સ હતો. બેનિફિશીયરી તરીકે એના ભત્રીજાનું નામ હતું. ભત્રીજાએ એક રેર વિડિયો રજુ કરી અને અમારે અમેરિકન ક્રિમિનલ ઈન્વેસ્ટિગેટિંગ ટીમની મદદ લેવી પડી.’

માઈકલે કહ્યું, ‘તેં એક મહિના પહેલાં જ તારા નામ પર સ્પાઉસ તરીકે બદલાવ્યું હતું. ત્યાર પછી મળેલા પૈસામાંથી ફાઈનાન્સનો બિઝનેશ શરૂ કર્યો. ફ્લોરિડાથી ટેક્ષાસ ગયો. તારી ચાર્મિંગ વાતથી હેલન અંજાઈ ગઈ અને તારી સાથે લગ્ન કર્યા. તેં એની સાથેના જોઈન્ટ એકાઉન્ટમાંથી નાણા હડપ કરવા માંડ્યા. પણ હેલન સજાગ હતી. એને ખબર પડતાં તેં કબુલાત કરી ને બધા નાણાં પાછા આપી દીધા. હેલને પોલિસ કેસ કરવાની ધમકી આપી એટલે ડોરિસ પાસે મળેલી રકમમાંથી ડિવોર્સ સેટલમેન્ટમાં હંડ્રેડ થાઉસન્ડ આપી જ્યોર્જમાંથી જયેશ બનીને ન્યુ જર્સીમા આવ્યો.’

‘જે સમયે ડોરિસનું મૃત્યુ થયું  ત્યારે એક યુવાને દૂરથી સર્ફિંગ કરતી ડોરિસનો વિડિયો લીધો હતો. એ એના મિત્રો સાથે સોસિયલ મિત્રો સાથે વિડિયો શેર કરતો હતો. એના ભત્રીજાએ એ વિડિયો જોયો. “ઓહ આતો મારી આન્ટ ડોરિસ છે.” બસ કેસ પાછો ઉઘડ્યો.’

‘માઈકલે તારે માટે સ્ટિંગ ઓપરેશન સેટ કર્યું.’ મધુએ જણાવ્યું ‘તેં ધનિક સિંગલ મહિલાઓને ફસાવવાનું ચાલું રાખ્યું. ડિયર જયેશ કે મહમ્મદ તું જે હોય તેં સિંગલ ધનિક બ્લાઈન્ડ લેડી તરીકે તેં મને ટાર્ગેટ કરી, મેં થોડો સમય થવા દીધી. કોઈકને કોઈ દિવસે ગુનો તો પકડાય જ. કેટલિક વાર પોલિસે પણ ધિરજથી ગુનેગારને ફાલવા દેવો પડે છે. તું સારી રીતે ફૂલ્યો છે. તારા પર અનેક કેસ ઠલવાશે, તને કોઇ જ બચાવી ના શકે. અને બીજી વાત. મારા કાકાનો વારસો ચાળીસ મિલિયનનો નથી. માત્ર ચાર મિલિયનનો જ છે. અને તે તમામ મેં બ્લાઈન્ડ વેલ્ફેરના ટ્રસ્ટમાં રાખ્યા છે. હું મસ્તરામ થઈને જીવું છું. મારે તારા જેવાની મારા જીવનમાં જરાય જરૂર નથી. અને મારી ફરજ અમેરિકાના ન્યાય તંત્રને વફાદાર રહેવાની છે.’

‘ઓફિસર આજની બધી જ વાતો જ્યુડિશીયલ પરમીશનથી રેકોર્ડ થએલી છે, તે તમે ટેકનીશીયનને મોકલીને મંગાવી શકો છો.’

‘દુઃખ એ જ છે કે આમાં મારી માતૃભૂમીના એક કુપુત્રએ મારા દેશને બદનામ કર્યો.’ અંધ આંખોમાંથી બે ટીપાં પડ્યા અને નૂછાઈ ગયા.

_____________________________

પ્રગટ – ગુજરાત દર્પણ ડિસેમ્બર ૨૦૧૮

એક વિસર્જન ત્રણ સર્જન

Pravin@76

એક વિસર્જન ત્રણ સર્જન

(નોંધઃ  અનએડિટેડ-એઝ ઈઝ- માત્ર પુખ્ત વાચક મિત્રો માટે જ)

સ્ખલન

‘તમે સાભળ્યું? મારુતિનંદને આત્મહત્યા કરી?’

‘ના હોય. બને જ નહિ કોઈક અરે બે કલાક પહેલાં તો એમનું લેક્ચર સાંભળ્યુ. બીજાની જ ભળતી વાત હશે.’

‘ના ના. બીજાની નહિ. સુપ્રસિદ્ધ વક્તા મારુતિનંદન જ વાત છે. એમના રૂમમાં કડા નીચે લટકીને ફાંસો ખાધો છે. સાંભળ્યું છે કે એઓ તદ્દન નિર્વસ્ત્ર હતા..’

‘મારુતિનંદન નિર્વસ્ત્ર? કહેતા ભી દિવાના ઔર સુનતાભી દિવાના, ઈમ્પોસિબલ. આઈ હૉપ યુ આર રોંગ. તારી વાત ખોટી અફવા જ હોય. સાચું કહું તો હું એની ભક્તાણી નહિ પણ એની ફેન છું. પ્રસંસક છું. હી ઈઝ વેરી હેન્ડસમ મેન, સિક્સ પેક, રિયલ હી મેન. યુનિક પર્સનાલિટી. સ્કોલર. હું તો એને સાંભળવાને બદલે બાયનોક્યુલરથી બસ એને બસ જોયા જ કરું, જોયા જ કરું. એક વાર તો એને ટચ કરીયે તો એક લાઈફ ટાઈમની મેમરી થઈ જાય. આઈ હોપ એના અવસાનની રુમર ફેઇક હોય.’

મારુતિનંદનના મોતની વાત વાયુવેગે નહિ પણ પ્રકાશની ગતિથી પ્રસરી રહી હતી. સોસિયલ મિડિયા પર એક ક્લિકમાં હજારોને વાત પહોંચી ગઈ. અને થોડી જ મિનિટોમાં એ સિદ્ધ થઈ ગયું કે એ અફવા ન હતી. સત્ય હકીકત હતી. મારુતિનંદને આત્મહત્યા જ કરી હતી. વાત ચાહત વર્ગમાં અને ખાસ કરીને મહિલા વર્ગમાં પ્રસરતી હતી. એક વિદ્વાન અને યુવાન કથાકાર વક્તાએ લાખ્ખો લોકોના માનસ પર પોતાનો પ્રભાવ અંકિત કરી દીધો હતો.

કોણ હતા આ મારુતિનંદન?

મારુતિનંદનના મૂળ વિશે સાચી માહિતી તો કોઈને જ ન હતી. પોતાના જન્મ વિશેની વહેતી લોકવાયકાઓ પ્રસરતી જેનું ખંડન કરવા એમણે કદી કશું કહ્યું જ ન હતું. એને પોતાને પણ ક્યાં ખબર હતી કે એમના માબાપ કોણ છે. ગામડું પણ નહિ અને શહેર પણ નહિ એવા કસબાના હનુમાનજીના ઓટલે નવજાત બાળક તરીકે એ મળી આવ્યા હતા. હનુમાન મંદિરના પુજારી વેદાંતશાસ્ત્રી, પંડિતજીએ વહાલથી ઉપાડી કોઈક દૈવિક પ્રેરણાથી લાલ ગલગોટા જેવા ગાલવાળા બાળકને મારુતિનંદન નામ આપીને ઉછેર્યો. ચંચળ અને ચપળ બાળક મારુતિને, મંદિરના દર્શને આવતા ભક્ત લોકો હનુમાનજીના અવતાર તરીકે ઓળખવા માંડ્યાં. પંડિતજી હાલરડાને બદલે વેદગાનથી સૂવડાવતા અને શાસ્ત્રોક્ત શ્લોક્ના પ્રભાતિયાથી બાળક મારુતિને જગાડતા. ત્રણ વર્ષની ઉમ્મરથી એને વેદ અને પુરાણોના પાઠ ભણાવવા માંડ્યા. બાળક મારુતિનંદનના મનમાં પણ ઠસી ગયું હતું કે એ પોતે હનુમાનજીનો અંશ છે. યજ્ઞોપવિત સમયે પાલક પિતાએ એને બ્રહ્મચર્યની દિક્ષા આપી. બ્રહ્મચર્યનો મહિમા સમજાવ્યો.અને આજન્મ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવડાવી હતી. એમને નૈષ્ઠિક બ્રહ્મચર્યની સમજણ સમજાવી હતી. ગૃહસ્થાશ્રમ માંડ્યા વગર સમગ્ર જીવન બ્રહ્મચર્ય દશામાં ગાળનાર નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે.

માત્ર નવ વર્ષની ઉમ્મરે તો મારુતિનંદને જૂદા જૂદા પુરાણની કથા કરવા માંડી. શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને સાંભળતાં. એનો સમય અભ્યાસ અને વ્યાયામમાં જ વિતતો. મંદિરમાં આવતા એક ભક્ત પ્રોફેસર પાસે અંગ્રેજીનું ભાષાજ્ઞાન મેળવી એણે અંગ્રેજી સાહિત્ય પણ વાંચવા માડ્યું. અઢાર વર્ષની ઉમ્મરે પ્રોફેસરે એમની કોલેજના સેમિનારમાં ઉપનિષદ પર વ્યાખ્યાનની તક આપી. ડોક્ટરેટ કરેલા વિદ્વાનો પણ પ્રભાવીત થઈ ગયા. મારુતિનંદન વિદ્વાન વ્યાખ્યાતા તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. સંસ્કૃત અને અંગ્રેજી ભાષાજ્ઞાન સાથે અપાર વાંચન અને આધુનિક ઈલેક્ટ્રોનિક મિડિયા પરથી વહેતી માહિતીઓના અભ્યાસે એનું વક્તવ્ય ઉચ્ચ કક્ષાનું ગણાતું થયું.

હવે એણે વ્યાસપીઠ પર બેસી પોથી સામે રાખીને માત્ર પુરાણોની કથા કરવાને બદલે હાથમાં માઈક લઈને સ્ટેજ પર એક ખૂણેથી બીજા ખૂણે સતત ફરતાં સંસ્કૃત અંગ્રેજી સાહિત્ય અને વેદવિજ્ઞાન પર પ્રવચનો આપવા માંડ્યાં. ધોતી-અંગરખાને ને બદલે હમેશા બ્લેક પેન્ટ અને વ્હાઈટ ટીશર્ટ પહેરીને ભાષણ કરવા માંડ્યાં. મોડર્ન મારુતિનંદન માટે કોઈ પણ વિષય એવો ન હતો કે જેમાં એનું પ્રાવીણ્ય ન હોય. વ્યાયામથી કસાયલી કાયા, સુંદર ચહેરો, અને વિવેકપૂર્ણ વિદ્વત્તાનો પ્રભાવ યુવતીઓને પાગલ કરી દેતી. એને સમજે કે ન સમજે પણ યુવતીઓ માત્ર એને લેક્ચર કરતા નિહાળવા જ આવતી. કોઈક એને હેમ્ડસમ હનુમાનજી તો કોઈક એને માર્વેલસ મારુતિ કહેતી. કેટલીક તો માત્ર એને જોવા જ આવતી. એ મોડર્ન સ્વામી હતા. કોઈ તો વળી એને ‘મોસ્ટ સેક્સી સંત એલાઇવ ઓન થ અર્થ’ પણ કહેતી.

એ જ્યારે નાના હતા ત્યારે, એકવાર એણે પંડિતજી પુછ્યું હતું ‘બાબા મારા માતાજી કોણ છે? ક્યાં છે?’ ઉત્તરને બદલે પંડિતજીએ બાળકને એક બોધ આપી દીધો. ‘બેટા, બ્રહ્મચારી માટે વિશ્વની તમામ મહિલા માતા છે. જ્યાં સુધી મહિલાઓ પ્રત્યે વિકાર રહિત દૃષ્ટિ રાખશે અને જ્યાંસુધી બ્રહ્મચર્ય જાળવશે ત્યાં સુધી  જ તારી જ્ઞાનવૃદ્ધિ થતી રહેશે અને પ્રતિષ્ઠા જળવાશે.’

બસ ત્યારથીજ એમણે સ્ત્રી સ્પર્શને નિષેધક કરી દીધું. કોઈ સ્ત્રી એને સ્પર્શી કરી શકતી નહિ. એ મહિલાઓથી દશ ફૂટ દૂર રહેતા. અંગ્રેજીમાં જેને ‘આર્મ લેન્ગ્થ ડિસ્ટન્ટ’ કહેવાય એ પાળવાનું શરૂ કરી દીધું હતું. એ મહિલાઓના અનટચેબલ સ્વામી હતા. અને એ સ્વામી તો નાની મોટી તમામ મહિલાઓને દૂરથી નમસ્કાર કરીને માતાજીનું સંબોધન કરતા.

આજે બત્રીસીની યુવાન વયે પ્રસિદ્ધ વક્તા બાલબ્રહ્મચારી સ્વામીજીનો નગ્નદેહ સિલિંગફેન નીચે લટકતો હતો. કોઈ માનવા તૈયાર ન હતું. પણ એ હકીકત હતી.

થોડા કલાકો પહેલા જ “સંગ-રંગ” સંસ્થાના ઉપક્રમે ફાઈવ સ્ટાર હૉટેલના વિશાળ કોન્ફરન્સ હોલમાં, સાહિત્યમાં કામુકતાનો પરિસંવાદ યોજાયઓ હતો અને એમાં મુખ્ય વકતા હતા મારુતિનંદન. વિદ્વાન બ્રહ્મચારીને સાહિત્યમાં શૃગાર વિષે વક્ત્વ્ય આપવાનું હતું. પ્રવચનની શરૂઆતમાં એણે બ્રહ્મચર્ય, યોગ, તપ, ત્યાગ અને વૈરાગ્ય વિશે વાતો કરી. મેનકા-વિશ્વામિત્ર, ઉર્વશીનું અર્જુન પ્રત્યેનું આકર્ષણ, શિવજીનું વિષ્ણુના મોહિની પાછળનું દોડવું અને વિર્યસ્ખલન થવું વગેરે વાત પછી વાતનો વળાક ભર્તૃહરીના શૃંગાર શતક તરફ વળ્યો. નિર્વિકાર ભાવે ખુબજ સારા શબ્દોમાં શૃંગાર શતકના મુક્તકોની સમજ આપી. સેક્સની કામુકતા વૈજ્ઞાનિક વિવરણમાં વહી ગઈ.

સમાપનમાં. “સંગ-રંગ” સંસ્થાના સ્થાપક ધનંજયના ચાલીસ વર્ષિય, કોકિલકંઠી ધર્મપત્ની ડૉ.મૃણાલિની એ જ મુક્તકોની શાસ્ત્રીય રાગોમાં રજુઆત કરી. એઓ કોલેજમાં સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક હતા. પોતે સંગીતકાર હતા. એમણે પોડિયમ પરથી મધુર સ્વરે શૃંગાર મુક્તકો ગાવાનું શરૂ કર્યું

मालती शिरसि जृम्भणं मुखे  चन्दनं वपुषि कुडकुमाविलम् ।

वक्षसि प्रियतमा मदालसा  स्वर्ग एष: परिशिष्ट आगम: ॥२३॥ 

સ્વર્ગ શું છે? સ્વર્ગ ક્યાં છે? મ્ર્ણાલિનીએ પોતાનું અર્થધટન રજુકર્યું.

કેશકલાપમાં સુગંધીદાર માલતી પુષ્પોની વેણી હોય. મોં પર બગાસાં હોય, શરીર પર કેસર મિશ્રિત ચંદનનો લેપ હોય, અને ઉર પર પડેલી મદભર પ્રિયતમા હોય એ જ પુરુષ માટે સ્વર્ગ છે. બાકી બીજું બધું તો છેવાડે આવતું અર્થહીન પરિશિષ્ટ છે.

એમની નજર સ્ટેજના બીજે છેડે અદબવાળીને ઉભા રહેલા મારુતિનંદન પર સ્થિર હતી. મારુતિનંદનની નજર અકસ્માત જ મૃણાલિનીના ફાટફાટ થઈને કંચુકીની બહાર છલકાતા ઉરોજો પર પડી. દૃષ્ટિ ની હટાવવા નીચું જોઈને ઉભા હતા. પ્રોફેસર જાણે એને સંબોધીને જ ગાતાં હોય એમ મૃણાલિની એ બીજું મુક્તક ગાયું.

संसारे स्वपनसारे परिणतितरले द्वे गती पण्डितानां

तत्त्वज्ञानामृताम्भ: प्लवललितधियां यातु काल: कथंचित् ।

પોતાની રીતે સમજાવતા કહ્યું કે આ સંસાર સ્વપ્નવત અને ઉપર નીચે વહેતા તરંગ જેવો અસ્થિર છે. એમાં પંડિતોની બે ગતી છે; બે અવસ્થા છે. ક્યાં તો તેમનો સમય તત્વજ્ઞાનરૂપી અમૃતજળમાં તેમના સુંદર વિચારોને ડુબાડીને, માંજીને ચકચકીત રાખવામાં પસાર થાય છે.

આજે આપણે વિદ્વાન યુવા બ્રહ્મચારીજી મારુતિનંદનને સાંભળ્યા. એઓશ્રી આ પ્રકારના વંદનીય પંડિત  કહેવાય. હવે બીજા પ્રકારના પંડિત કેવા હોય છે? જેમની ગતી આ સંસારમાં રહીને સ્વર્ગીય સુખ માણવાની હોય છે. આજ મુક્તકનો બીજો ભાગ આ પ્રમાણે છે.ભર્તૄહરીએ ગાયું છે

नो चेत्मुग्धाङ्ग्नानां स्तनभरजघनाभोगसंभोगिनीनाम्‌

स्थूलोपस्थस्थलीषु स्थगितकरतलस्पर्शलीलोद्यमानाम् ॥३७॥

સ્તન અને વિશાળ જઘનોના ભોગ ભોગવવાની ઇચ્છાવાળી મુગ્ધ સુંદરીઓના સ્થૂ ગુહ્યસ્થાનોમાં પોતાની હથેળીઓથી સ્પર્શ કરવાની લીલાના ઉદ્ધમમાં તેનો કાળ વીતે છે.”

મૃણાલિનીએ કહ્યું કે શૃગારરસ માત્ર શબ્દોમાંજ, સાહિત્યમાં કે પુસ્તકમાં સાચવી રાખવાની વસ્તુ નથી, એ ચેતનવંતા જીવની આવશ્યક પ્રક્રિયા છે. જે પુખ્ત નરનારી વચે વિવેકપૂર્વક વહેતી રહેવી જોઈએ. એક શ્લોકમાં ભર્તૃહરીએ પુરુષને માટે બે માર્ગ ચીદ્યા છે.

અર્થ વગરના પ્રલાપો શીદ કરવા?  આ લોકમાં પુરુષોને બે જ વસ્તુઓ સેવન કરવા યોગ્ય છે. કયાંતો સુંદરીઓનું, નવીન મદભરી લીલાઓથી મલપતું અને સ્તનોના ભારથી ખિન્ન થયેલું યૌવન અથવા તો વન.”

ભર્તૃહરિ પ્રમાણે આ બે સિવાયનું અન્ય કશું પણ સેવનાર ’મહાપુરુષ’ કે અન્ય કશું પણ કહેવાય, પણ ’પુરુષ’ તો ન જ કહેવાય !!!

‘સૃષ્ટિના સર્જન માટે જ નર નારી વચ્ચે આકર્ષણ છે. બે દેહ વચ્ચે કામ છે. અને કામ સાહચર્ય જ નવા દેહનું સર્જન કરે છે. વન્સ્પતિ, જીવ જંતુ, પશુ પંખી, અને મનુસ્ય જીવ પોતાની આવૃત્તિ સર્જીને આ વિશ્વને ચેતનમય રાખે છે. નર કે નારી જો સમર્થ ના હોય તો અન્યના સહકારથી સર્જન પ્રક્રિયા ચાલુ રાખવી જીવ શાસ્ત્રનું આવશ્યક અંગ છે.’

‘મિત્રો, હવે પછીની બેઠકમાં સ્ત્રીઓ કેવા પુરુષની ઝખના કરે છે તેના સાહિત્યની વાતો કરીશું.’ સ્ટેજ પરથી બન્ને વક્તાઓએ પરસ્પર દૂરથી નમસ્કાર કર્યા. ડો.મૃણાલિની માદક નયનોમાં ઇજનનો સંકેત હતો. મારુતિનંદન અસ્વસ્થ હતા.

****

મધ્યાન વિરામનો સમય હતો. શ્રોતાઓ ભોજન શાળામાં ધસ્યા. મારુતિનંદન એમને આપેલા અલાયદા રૂમમાં ગયા. ભોજન વિશ્રામ દરમ્યાન મારુતિનંદનના બારમા માળ પરના રૂમના દરવાજે હળવા ટકોરા પડ્યા હતા.

શૃગાર અને કામશાસ્ત્ર વિષય તો અનેકવાર બ્રહ્મચર્યના અર્થમાં ચર્ચ્યો હતો. પણ આજે એજ વિષય કોઈ અપ્સરાએ એને ઉદ્દેશીને જ ગાયો હતો. જીવનમાં પહેલી જ વાર ચિત્ત ચંચળ થઈ ઉઠ્યું હતું. ઉદ્ભવેલી વૂત્તિના શમન માટે એમણે વિકારના પ્રાયશ્ચિતરૂપે લંગોટભેર “ઓમ હં હનુમતે નમ:” નો જપ સાથે દંડ વ્યાયામ કરવા માંડ્યો. મંત્ર સાથે વિદ્યુતવેગે દંડ પિલાતા હતા. વિકાર દહન થતું હતું. શરીરના પ્રસવેદના રેલાથી ફ્લોર પરની કારપેટ ભીની થતી હતી. હળવા ટકોરા એમના પ્રાયશ્ચિત વ્યાયામને અટકાવી ન શક્યા. ફરી વધુ ટકોરા પડ્યા.

‘આપ કોણ?’ વ્યાયામ અટકાવ્યા વગર જ પ્રશ્ન કર્યો.

‘હું ધનંજય.’

‘પધારો ધનંજયજી, દ્વાર ખુલ્લું જ છે.’

ધનંજયે બારણું ખોલ્યું. પણ ધનંજયને બદલે એમના પત્ની ડો.મૃલાણિની દાખલ થયા. બારણું બંધ થયું. અંદરથી બંધ થયું. બહારથી ધનંજય ડોર નોબ પર “ડુ નોટ ડિસ્ટર્બ”ની સાઈન લટકાવી અને પોતાના રૂમમાં વિદાય થયા.

“માતાજી, માતાજી, માતાજી, આપ….?” મારુતિનંદન જીવનમાં પહેલીવાર જ આંખો બંધ કરી, સંકોચ પૂર્વક ટુવાલ શોધતા થઈ ગયા.

‘મારુતિનંદન. બંધ ચક્ષુએ કામકાવ્ય વિચારવાને બદલે આપની સામે આપની માતાજી નહિ, પણ એક મહિલા ઉભી છે. આંખો ખોલો. નયનોને ત્રાસ ન આપો’

‘હૃષ્ટપુષ્ટ યુવાન, નિર્બળ બાળકની જેમ વિહ્વળ બનીને ટુવાલ શોધતો હતો. માતાજી કૃપા કરી મારા પર ટુવાલ કે કોઈપણ વસ્ત્ર ફેંકી આપ દૂર ખસો.’

‘એમના દેહ પર એક ટુવાલ ફેંકાયો.. અને મૃણાલિનીના દેહ પરનો એક માત્ર ગાઉન જમીન પર સર્યો. ‘હવે તો આંખો ખોલો. હું આપનાથી બાર ફૂટ દૂર છું.’

‘અપાયલા ટુવાલથી જાતને ઢાંકવાની કોશીશ કરતા મારુતિએ આંખ ખોલી. સામે વસ્ત્રાવરણ વગરની  પુખ્ત ચાળીસી યુવતી ડો.મૃણાલિની, ખજુરાહોની પ્રતિમા સમાન મુદ્રામાં ઊભી હતી. છૂટ્ટો કેશકલાપ, નયનોમાં આમંત્રણ, હોઠ પર મધુરુ સ્મિત, ઉંચી લાંબી ગ્રીવા, સુડોળ, પુષ્ટ નિતંબ, કઠણ અને ઉભરાતાં અમૃતકુંભો, આકર્ષક કટિપ્રદેશ મધ્યે, પુષ્પકળી સમાન નાભિ, અને પદ્મિની યોનીવાળી સુંદરીના માત્ર એક જ ક્ષણના દર્શનથી બ્રહ્મચારી મારુતિનંદન પુરુષ થઈ ગયો. કુંઠિત કામસ્રાવો અંગેઅંગમાં પ્રસરવા માંડ્યા.

‘યુવાન આપની ઈચ્છા મુજબ હજુ પણ, હું આપનાથી દૂર જ છું. આપ પોતે બ્રહ્મચારી હનુમાનજી છો એ આપની ભ્રમણા છે. સ્ત્રી સંગવગર આપ અપૂર્ણ પુરુષ છો. આપ દેવ તો નથી જ પણ કદાચ પુરુષ પણ નથી. જો આપ પુરષ હો તો જાતે આવીને મને તમારામાં સમાવી દો. તમને સ્પર્શ કરી હું તમારા અર્થહીન બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરી તમારા દેહને ના અભડાવું.’

‘હું મારા પતિ સાથે સુખી છું. હું મારા પતિને ખુબ જ ચાહું છું. મારા પતિ ધનંજય વૃદ્ધ છે. સશક્ત મૈથુન મારે માટે માત્ર કાલ્પનિક સ્વપ્ન જ રહ્યું છે. વાસ્તવમાં કોઈ જ અનુભુતિ નથી. મારું યૌવન વેડફાઈ રહ્યું છે. મારા પતિ સંતાન સર્જક બની શકે એમ નથી. અમને માત્ર એક બાળકની ઝંખના છે. મારા પતિએ સ્વેચ્છાથી દેહાનંદ માણવા અને વંશ સાતત્ય જાળવવા માટે નિયોગ દ્વારા બાળક પ્રાપ્ત કરવાની ધર્મયુક્ત સહમતી આપી છે. એમણે જ નિયોગી તરીકે આપને નિયુક્ત કર્યા છે. આપના જેવા ઉત્તમ નિયોગી બીજા કોણ હોઈ શકે? આ વ્યભિચાર નથી. એક ધર્મકાર્ય છે. એમાં મેં એક અપવાદ રાખ્યો છે. મેં કામશમન માટે મારા અંગો પર ધીનો લેપ નથી કર્યો. એક સુખદ સંતૃપ્તીની અનુભૂતિ માટે એક્ઝોટિક ઈમ્પોર્ટેડ પર્ફ્યુમ લગાવ્યું છે. અને એ પણ મારા પતિશ્રીના સૂચનથી જ. કમ ઓન યંગમેન, મને તમારામાં સમાવી દો. મારા સખ્ત ઉરોજો તમારા હસ્તમર્દનની રાહ જૂએ છે. આપની સર્વ શક્તિનું મારામાં સિંચન કરી દો.’

‘હું માત્ર ત્રીસ સેકન્ડ માટે તમારી રાહ જોઈશ. જો આલિંગન ન મળે તો વસ્ત્ર પહેરી તમને સ્પર્શ કર્યા વગર બહાર નીકળી જઈશ. મારુતિએ પણ મકરધ્વજનું સર્જન કર્યું હતું. આપ પણ એક સર્જક બનીને તમારા જ દેહાકારની પ્રતિમાનું સર્જન કરી દો. હું ગણવાનું શરૂ કરું છું. માત્ર ત્રીસ સેકંડ. ચોઈસ ઈઝ યોર્સ.’

વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ અને છઠ્ઠી ક્ષણે તો બે દેહ એકબીજામાં સમાઈ ગયા. જાણે એક સમુદ્ર ખલવાઈ ગયો. એક નહિ, બે નહિ મૃણાલિનીને ત્રણ ત્રણ તૃપ્તિનો અવિરત સંતોષ મળ્યો.

કામયજ્ઞની રતિક્રિયા બાદ મૃણાલિનીએ મારુતિનંદનના કપાળ પર વિકાર રહિત સ્નેહ ચુંબન કર્યું. વાળમાં હાથ ફેરવ્યો. “આભાર મારુતિ” કહીને વસ્ત્ર પરિધાન કરી પોતાના રૂમમાં પહોચી ગઈ.

શું એ ખરેખર ધર્મયુક્ત નિયોગ હતો? વૃદ્ધ ધનંજયની લાચારી હતી? મૄણાલિની પ્રબળ કામવાસના હતી? મારુતિનંદન પણ કામદેવથી પરાજીત થઈ ગયા હતા. એમને મળેલો આદેશ યાદ આવ્યો. ‘‘બેટા, બ્રહ્મચારી માટે વિશ્વની તમામ મહિલા માતા છે. જ્યાં સુધી મહિલાઓ પ્રત્યે વિકાર રહિત દૃષ્ટિ રાખશે અને જ્યાંસુધી બ્રહ્મચર્ય જાળવશે ત્યાં સુધી  જ તારી જ્ઞાનવૃદ્ધિ થતી રહેશે અને પ્રતિષ્ઠા જળવાશે.’ આજના પ્રવચન દરમ્યાન જ એમનું માનસિક સ્ખલન થઈ ચૂક્યું હતું. નિયોગયજ્ઞમાં બ્રહ્મચર્યની આહુતિ અપાઈ ચૂકી હતી. હવે જ્ઞાનવૃદ્ધિ નહિ થાય, હવે પ્રતિષ્ઠા નહિ જળવાય. આ જીવન યાત્રા અહિ જ સમાપ્ત થવી જોઈએ. હવે વસ્ત્રાવરણની શી જરૂર? જન્મ વખતે શું પહેરીને જનમ્યો હતો? બસ એમણે એક કાગળ પર ટૂંકી નોંધ લખી.

મધ્યાન વિશ્રામ પૂરો થતાં એક કાર્યકર્તા મારુતિનંદનને લેવા એમના રૂમમાં આવ્યો ત્યારે ડોર અનલોક હતું. મારુતિનંદનનો દેહ લટકતો હતો. એક કાગળ પર નોટ લખી હતી. “જીવની ફરજ જીવના સર્જનની છે. સર્જનયજ્ઞમાં સ્વૈચ્છિક આહુતિ અર્પી હવે હું મુક્તિ માર્ગે જઈ રહ્યો છું. મારા પાર્થિવ દેહનો અગ્નિદાહ શેઠશ્રી ઘનંજયજી પાસે કરાવજો.”

ત્રણવાર સંતૃપ્ત થયેલ મૃણાલિનીને તે સમયે ખબર ન હતી કે એના ઉરમાં ત્રણ ત્રણ બીજ ફલિત થઈ રહ્યા હતા. ત્રણ જીવનું આરોપણ થઈ ચૂક્યું હતું. ત્રણ જીવનું  સર્જન અને એક લટકેલા જીવનું વિસર્જન થઈ ગયું.

****

ભોજન વિરામ પછીની સભા શોક સભામાં  ફેરવાઈ ગઈ. ધીમા ગણગણાટ વચ્ચે સ્વેત સાદી સાડીમાં ડો. મૃણાલિની પતિ ધનંજય સાથે સભાખંડમાં દાખલ થયા. ભીની આંખે ડો.મૃણાલિનીએ ઓડિયન્સને હાથ જોડીને જાહેર કર્યું કે “મારુતિનંદનજી હવે આપણી સાથે નથી રહ્યા. એમને શું થયું હતું એની કોઈ માહિતી આપણી પાસે નથી. પ્લીઝ આપ સૌને હાર્દિક વિનંતી કે કોઈ પણ અફવા માનશો નહિ; અફવા ફેલાવશો નહિ. એ પોલિસનું કામ છે. આપણું કામ, આપણી ફરજ એમના આત્માની શાન્તિ માટે પ્રાથના કરવાની છે. આપણા હૈયામાં, એ હમેશા જીવંત રહેશે. મારુતિ  તો ચિરંજીવી જ હોય છે ને! આપણે બે મિનિટનું મૌન પાળી છુટાં પડીશું. પ્રભુ એમના અમર આત્માને શાંતી અર્પે..’

 

એડિટેડ ફોર ગુજરાત દર્પણ ઓક્ટોબર ૨૦૧૮

થ્રી ફ્રેન્ડ્સ.

Image

 

થ્રી ફ્રેન્ડ્સ.

‘હિના, વ્હોટ હેપન્ડ, વ્હાય આર યુ ક્રાયિંગ?’

તેર વર્ષની હિના, સ્કુલના લંચરૂમના ખૂણા પર બેસીને એકલી છાનીમાની રડતી હતી. એની ફ્રેન્ડ આર્યાએ એને દૂરથી જોઈ અને એની પાસે દોડી આવી. એણે રૂમાલથી આંખો નૂછી. ‘નથ્થીંગ, આઈએમ નોટ ક્રાયીંગ.’

આર્યા એના કરતાં બે ગ્રેડ આગળ હતી. હસતી રમતી કુદતી આર્યા સ્કુલમાં બધાની માનીતી ફ્રેન્ડ હતી. ઈન્ડિયન હોવાને નાતે હિના અને આર્યા એકબીજાને ઓળખતા હતા. બન્નેનો લંચ પિરિયડ સાથે જ હતો એટલે ઘણી વાર સાથે લંચ લેવાનું થતું. આજે હિના ખૂણા પરના ટેબલ પર બેસીને રડતી હતી.

‘હિના, ક્લાસમાં કંઈ થયું? કોઈએ કંઈ કનડગત  કરી?’

હિના આર્યાને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. આર્યાએ એને થોડી વાર રડવા દીધી.

‘ટેલ મી, વોટ્સ ધ પ્રોબ્લેમ.’

‘માય પેરન્ટસ આર ટેઇકિંગ ડિવોર્સ.’

‘ઓહ! હિના સ્ટોપ ક્રાયિંગ. અત્યારે ક્લાસમાં જા.વી વિલ ટૉક આફ્ટર સ્કુલ. આપણે સાંજે વાત કરીશું.’

આ વાત છે ત્રણ ટિનેજર બાળકીઓ અને એમના મા બાપના જીવનની.

વાત છે અમેરિકાના સાંપ્રત અને આગામી સમયના એંધાણની.

વાત છે બદલાતી સંસ્કૃતિના પ્રવાહની.

અને વાત છે ભાવી પેઢી અને આવતી કાલના સમાજની.

ચૌદ વર્ષના નિષ્ફળ લગ્નજીવન પછી હિનાના ડેડી મમ્મી, હિરેન અને મેઘા છૂટા પડવાના હતાં. હિરેન પેન્સિલવેનિયાના નાના ટાઉન્ની નાની બેન્કમાં બ્રાન્ચ મેનેજર હતો. વિધવા મા અને દીકરાની જીંદગી સાદી અને સીધી હતી. એક નાનું કેપકોડ મકાન પિતાજી છોડી ગયા હતા. હિરેન  અમેરિકામાં દશ વર્ષની ઉમ્મરે આવ્યો હતો. બાર વર્ષની ઉમ્મરે એણે પિતા ગુમાવ્યા. આર્થિક અને કૌટુંબિક જવાબદારીને કારણે હિરેન કોલેજમાં આગળ અભ્યાસ કરી શક્યો નહિ. બેંકમાં નોકરી મળી ગઈ.

ચોવીસ વર્ષની ઉમ્મરે એ લગ્ન કરવા એના મૂળ વતન વડોદરા ગયો. દૂરના લાગણીશીલ કાકાને મેઘાના પિતા સાથે ઓળખાણ હતી. મેઘાના પિતા ખમતા આસામી હતા. ઘરમાં કાર હતી, ચોવિસ કલાકનો ડ્રાઈવર કમ નોકર હતો. રાંધવા અને કામ કરવા સવાર સાંજ બાઈ આવતી હતી. મેધા બી.એ. થયેલી સામાન્ય દેખાવની યુવતી હતી. સુંદર દેખાવ અને અમેરિકન સીટીઝન વાળો સરળ સ્વભાવનો હિરેન કોઈને પણ ન ગમવાનો સવાલ જ ન હતો. માનો એકનો એક દીકરો હતો. બસ પાંચ સાત મિનિટના ઔપચારિક ઇન્ટર્વ્યુના નાટક પછી શરણાઈ વાગી. મંગળ ગીતો ગવાયા. હસ્તમેળાપ થઈ ગયો.  મેઘા અમેરિકા અને રૂપાળા વરને પરણી ગઈ. થોડા જ મહિનામાં મેઘા અમેરિકા આવી. સાસુજી એક ડોક્ટરની ઓફિસમાં પાર્ટ ટાઈમ કામ કરતાં હતાં. મેઘાની અમેરિકાની કલ્પના એટલે ઊંચા ભવ્ય આધુનિક મકાનો અને તેમાં અલ્ટ્રા મોડર્ન ફ્લેટ. એણે એક કાલ્પનિક સૃષ્ટિ સર્જી હતી. સાહ્યબી હશે. હિરેન તો બેન્કનો બ્રાન્ચ મેનેજર છે. ઘરમાં સર્વન્ટ હશે જ, કૂક પણ હશે જ. પાંચ દશ મિનિટના ઈન્ટરવ્યુમાં ખુલાસા વગરની માન્યતામાં કાલ્પનિક દુનિયા સર્જાઈ ગઈ હતી. આવીને જોયું તો નાનકડું મકાન. રાંધવા વાળું કોઈ જ નહિ. જાતે જ ડિસીસ કરવાની, વેક્યુમ કરવાનું. બરોડાની બેંકમાં કામ કરનાર મેનેજરને ત્યાં તો કામવાળા આવું કામ કરતા હોય છે. પટાવાળાના બૈરાઓ પણ વગર પૈસે કામ કરી જાય. એક મોટો કલ્ચરલ શોક લાગ્યો. અપેક્ષા કરતાં અમેરિકા જુદું જ નીવડ્યું. આતો ડૂંગરાળ પેન્સિલવેનિયાનું એક ગામડું. મેઘાને સતત લાગતું કે આ અમેરિકા મારા સ્વપ્નાનું નથી. ઘર સાસુના નામ પર હતું. સાસુ પણ પાર્ટ ટાઈમ જોબ કરતાં. એનો જીવ ગુંગળાતો. એને જીવન બંધીયાર લાગતું. વ્યથાને વાચા મળી. વાસણો ખખડવા માંડ્યાં. બા સમજુ હતાં.

‘દીકરા, મેઘા મોટા શહેરમાં ઉછરી છે તું ન્યુયોર્ક કે ન્યુ જર્સીમાં નોકરી શોધ. મેઘાને ઈન્ડિયન કોમ્યુનિટિમાં કદાચ વધુ ફાવશે. હિરેનને ન્યુ જર્સીની બીજી બેન્કમાં જોબ પણ મળી ગઈ. બા થી જૂદો થઈ એપાર્ટમેન્ટમાં રહેવા ગયો. ગુજરાતી વસ્તી, ઈન્ડિયન રેસ્ટોરાંટ, નાટક સિનેમા અને શરૂઆતમાં સારું લાગ્યું. એક વર્ષના લગ્નજીવન જીવનમાં હિનાનો જન્મ થયો. એને તો દીકરો જોઈતો હતો. ફરી અસંતોષ. મને ડિવોર્સ આપી દે. મેઘા ન તો પત્ની બની શકી, નતો પ્રેમાળ મા બની શકી. તું અને તારી દીકરી અમેરિકા રહો. નથી ગમતું. મારે ઈન્ડિયા જવું છે. એ બે ત્રણ વાર એકલી ઈન્ડિયા જઈ આવી. ચાર છ મહિના રહેતી . પેન્સિલવેનિયાથી બા આવતા અને દીકરાની અને પૌત્રીને સંભાળતા.  

છ મહિના પછી મા બાપ અને ભાઈ-ભાભી સમજાવીને પાછી મોકલતા. થોડો સમય સારું ચાલ્યું. ફરી પાછી એ જ રામાયણ. બસ રોજની જ જીદ અને તકરાર. આ અજંપા વચ્ચે બિચારી હિનાના માની ઉપેક્ષા વચ્ચે મોટી થતી ગઈ. હિરેન માટે તો હિના વહાલનો દરિયો હતી. છેવટે બન્ને એ છૂટા થવાનો નિર્ણય લીધો.  આખરી ડિવોર્સ નિગોસીયેશન ચાલતું હતું. હિરેન હિનાને અમેરિકામાં જ રાખવા માંગતો હતો. હિના અમેરિકન સિટિઝન હતી. જો મેઘા હિનાને ઈન્ડિયા લઈ જવા માંગે તો?

હિનાને એવો ખ્યાલ હતો કે છોકરાંઓએ તો માની પાસે જ રહેવું પડે અને ફાધર છોકરાંઓને મોટા કરવા માને પૈસા આપે. હિનાને તો ડૅડી સાથે જ રહેવું છે. એને ઈન્ડિયા નથી જવું. હિના ફફડતી હતી. હિનાનું ભવિષ્ય વકીલોની દલીલ અને કોર્ટના જજમેન્ટ પર લટકેલું હતું.

તેર વર્ષની બાળકીને કશું જ સમજાતું ન હતું. સ્કુલ છૂટ્યા પછી પાર્કની બેન્ચ પર બેસીને ત્રણ ફ્રેન્ડસ વાતો કરતી હતી. હિના, આર્યા અને ડોરિસ. હિના તેની બે બહેનપણીઓ આર્યા અને ડોરિસ સાથે રડતાં રડતાં વાત કરતી કરતી હતી, ‘આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ ઈન્ડિયા.’

‘આઈ એમ સ્યોર યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ ઈન્ડિયા.’ પંદર વર્ષની આર્યા એને સાંત્વન આપતી હતી. આર્યા એની ઉમર કરતાં વધુ પરિપક્વ હતી.

આર્યાની મૉમ બીના, સિંગલ મધર હતી. બાયોલોજીકલ પિતા અનુપને એ ડૅડી નહિ પણ અંકલ કહેતી.

અનુપ અને બીના બન્ને એક જ કોમર્સિયલ બિલ્ડિંગમાં જુદી જુદી ઓફિસમાં કામ કરતાં હતાં. બીના અને અનુપ અમેરિકામાં જનમ્યા હતાં. હાઈસ્કુલ પછી માબાપથી અલગ થઈ ડોર્મમાં રહીને ભણ્યા હતા. ઈન્ડિયન હતાં પણ ઘડતર અમેરિકન હતું. એક જ બિલ્ડિંગમાં એટલે ઓળખાણ થઈ. ફ્રેન્ડસ બની ગયા. સાથે લંચ લેવું. સાથે ડિનરમાં જવું. સાથે પાર્ટી, કોન્સર્ટ કે સ્પોર્ટસ ઇવાન્ટ્સમાં જવું. કે રાત સાથે ગાળવી. અને એ મૈત્રીમાં ને મૈત્રીમાં જ આર્યાનો જન્મ થયો. બીનાને આનંદ હતો. કોઈ ગિલ્ટ નહિ.

‘બીના, લેટ્સ ગેટ મેરી.’

‘વ્હાઈ? અનુપ, આપણે ફ્રેન્ડસ છીએ. અને ફ્રેન્ડસ જ રહીશું. તારે સ્વૈચ્છિક રીતે દીકરીના ઉછેરમાં જે ભાગ લેવો હોય એમાં હું ના નહિ પાડું. પણ આર્યાની જવાબદારી તો મારી છે. અને એ જવાબદારી નિભાવવા હું સક્ષમ છું. આર્યાને કારણે જ હું કોઈ લગ્નના ચોખઠાંમાં બંધાવા નથી માંગતી. વી આર ગુડ ફ્રેન્ડસ. આઈ લાઈક યોર કંપની. જો તારે દોસ્ત જોઈએ તો હું છું જ. જો વાઈફ જોઈએ તો તું લગ્ન કરી શકે છે. લગ્ન કર્યા પછી મારી સાથે તારે કેવો સંબંધ રાખવો એ નક્કી કરવા માટે તું સ્વતંત્ર છે.

પણ અનુપ અને બીનાએ લગ્ન નથી કર્યા. બન્ને હવે એક બિલ્ડિંગમાં કામ નથી કરતાં. બીનાની પ્રાઈવેટ પ્રેક્ટિસ છે. એઓ બન્ને ડોમેસ્ટિક પાર્ટનર પણ નથી. બન્નેનું અંગત જીવન તદ્દન સ્વતંત્ર છે. એમના પોતાના બીજા મિત્રો પણ છે. દેશી સમાજ ન સમજી શકે એવી સમજુતી છે.  અનુપે બીનાના બ્લ્ડિંગમાં જ સ્વતંત્ર કોન્ડો લઈ લીધો છે. આર્યા બે કોન્ડો વચ્ચે દોડાદોડી કરતી મોટી થાય છે કભી ઈધર કભી ઉધર. કોઈ રોકટોક નહિ, કોઈ અંકુશ નહિ. આર્યાનું અલગ વ્યક્તિત્વ ઘડાય છે. અનુપ નામ વગરના પિતા તરીકેની ફરજ બજાવે છે. પણ પિતા તરીકેનો હક્ક જમાવતો નથી. ટિનૅજ આર્યા પણ જાણે છે કે અનુપ એના ડૅડી  છે. એ વ્હાલથી હવે અનુપને અનુપ્પા કહે છે. રેકર્ડ પર બીના સિંગલ મધર છે. બીના અને અનુપ બન્ને આર્યાને પુશ્કળ પ્રેમ કરે છે. આર્યા ખુબ જ સ્માર્ટ છે. ત્રણ વર્ષ પછી પ્રિન્સ્ટોન યુનિવર્સિટિમાં જવાની છે.. આજે એ હિનાને પોતાની સમજ પ્રમાણે આશ્વાસન આપી રહી છે.

આર્યાની સાથે એની બીજી ફ્રેન્ડ ડોરીસ પણ છે. એની અને એના પેરન્ટ્સની વાત જૂદી છે.  એ બ્લેક છે. એની મા પંદર વર્ષની ટિનેજર હતી ત્યારે જ ડોરિસનો જન્મ થયો હતો. ડોરિસને એનો પિતા કોણ છે એ પણ ખબર નથી. કદાચ એની માને પણ ખબર ના હોય. એને જાણવાની જરૂર પણ નથી. ત્રણ વર્ષ મા-દીકરીએ સોસિયલ વેલ્ફેરવાળાએ કરી આપેલી વ્યવસ્થા પ્રમાણે ફોસ્ટર હોમમાં ગાળ્યા. ચર્ચ અને સોસિયલ સર્વિસિસ ડિપાર્ટમ્કેન્ટે નાનકડી નિર્દોષ ડોરિસનો હવાલો એની ગ્રાન્ડમધરને અપાવ્યો. આજે પંદર વર્ષની દીકરીની ત્રીસ વર્ષની મોમ નર્સિંગ કોલેજમાં ભણે છે. મા દીકરી બન્ને પરસ્પર “ગુડ ફ્રેન્ડ્સ” બની ગઈ છે. જે ભૂલ એણે કરી તે દીકરી ના કરે તેની તમામ સમજ ડોરિસને સ્પષ્ટ શબ્દોમાં આપી છે. આવતે વર્ષે ડોરિસની મોમ લગ્ન કરવાની છે. અને ડોરિસ મોમની બેસ્ટ ફ્રેન્ડ તરીકે, “મૅઇડ ઓફ ઓનર” બનવાની છે. મહિનામાં એકવાર મા-દીકરી ભેગા મળે છે. સાથે લંચ અને ડિનર લે છે. કોઈકવાર મૉમનૉ ફિયાન્સ બીલ પણ એમની સાથે જોડાય છે. ડોરિસ એને “મિસ્ટર મોર્ટન” તરીકે સંબોધે છે. ત્રણે ભેગા મળી મૉમના લગ્નનું પ્લાનિંગ કરે છે. ત્રીસ વર્ષની મા માટે પંદર વર્ષની દીકરી જ વેડિંગ ગાઉન પસંદ કરે છે.

સિંગલ પેરન્ટ્સના બાળકો ધારવા કરતાં ઘણી ઝડપથી મોટા થઈ જાય છે.

આર્યા હિનાના માથા પર હાથ ફેરવતાં ફેરવતા કહેતી હતી; ‘પેરન્ટસને તેમની લાઈક ડિસલાઈક હોય છે. એમની પોતાની પરસનલ  લાઈફ હોય છે. હવે આપણે બેબીઝ નથી રહ્યા. વેરી સુન યુ વીલ બી એઈટીન બીફોર યુ નો. યુ મે નોટ લાઈક સમથીંગ એબાઉટ ધેમ બટ લાઈક એન્ડ લવ ઈઝ ડિફરન્ટ. એઓ એકબીજાની સાથે હોય કે જૂદા. લવ ધેમ. ડોન્ટ વરી. મને ખાત્રી છે કે તારે અમેરિકા છોડીને ઈન્ડિયા જવું નહિ પડે. આઈ એમ યોર ફ્રેન્ડ, આઈ એમ યોર બીગ સિસ્ટર. હું તને મારાથી થાય એટલી હેલ્પ કરીશ. ચાલ સ્માઈલ કર.’

…..અને હિનાને સમવયસ્ક કાઉન્સલિંગ મળી ગયું. હળવી થઈ ગઈ.

“ગુજરાત દર્પણ” સપ્ટેમ્બર ૨૦૧૮

કામવાળી

Pravin91016

કામવાળી

 ‘મંજુબા, તમારી સાથે કિટ્ટા જ કરવાની હતી, પણ જીવ ન માન્યો એટલે તમને જોવા દોડી આવી.’

‘કેમ દીકરી કીટ્ટા કેમ?’

‘તો શું? તમે મને દીકરી દીકરી કરીને મોટી કરી અને અમેરિકા જવાનું થયું ત્યારે દીકરાને ત્યાં એકલા એકલા ઊડી ગયા. મેં તો તમને કેટલું યે કહ્યું હતું કે મને લઈ જાવ. તમારાથી મારા વગર એકલા નઈ રહેવાય. મને દીકરી તરીકે નઈ તો કામવાળી તરીકે તો લઈ જવી હતી ને! વીસાના સાહેબને કહેવું હતું ને મને મારી હાઉસ કિપર વગર તો ચાલે જ નહીં..  ત્યાં કામવાળાને હાઉસકિપર કેવાય એટલું ઇંગ્લીશ તો  તમે જ મને શીખવ્યું હતું.  હાઉસકિપર તરીકે લઈ જવી હતી. મારા વગર ન ગમ્યુ એટલે પાછા આવી ગયા ને!’

મંજુલાબેન ઓટલા પરના હિંચકે ઝૂલતાં ઝૂલટાં પાપડી સમારતાં હતાં. સોમીને ખબર પડતાં તે મંજુલાબેનને મળવા દોડતી આવી ચડી.

મંજુલા બહેને તો સોમીનું નામ અસ્મિતા પાડ્યું હતું પણ એના સગાવ્હાલાઓને એ નામ અઘરું લાગતું. બઘાએ અસ્મિતાને સોમી બનાવી દીધી. અસ્મિતા નામ માત્ર સ્કુલને ચોપડેજ રહ્યું. મંજુબા પણ વ્હાલમાં સોમી કહેતા થઈ ગયાં હતાં.

મંજુબાના હાથમાંથી શાકની નાની છાબડી લઈને ઓટલા પર પાપડી સામારતા સમારતા મંજુબા સાથે છણકો કરતી હતી. ‘જાવ તમારી સાથે કીટ્ટા.’

મંજુલાબેન હસ્યા. પણ એ હાસ્યની પાછળ કંઈક વેદનાનો અણસાર હતો. નીચું જોઈને પાપડી છોલતી સોમીને ખ્યાલ ન હતો કે મંજુબાએ સાડીના છેડાથી આંખ લૂછી નાંખી હતી. બે શબ્દો, કામવાળી અને હાઉસકિપર;  મંજુબેનના  ડાબા અને જમણા લમણા પર ખીલાની જેમ ઠોકાયા હતા.

કામવાળી….હાઉસકિપર…કામવાળી…હાઉસકિપર…..

ઉચ્ચ મધ્યમ વર્ગના મંજુબા, નિવૃત્ત પ્રાધ્યાપક હતા. યુવાનીમાં બે બાળકોની ભેટ ધરીને એના પ્રેમાળ પતિએ જીવન સંકેલી લીધું હતું. દીકરા દીકરીને મોટા કર્યા. હોસ્ટેલમાં રાખીને  ભણાવ્યા. દીકરી કૉલેજમાં પ્રોફેસર થઈ. સહકર્મીને પરણીને બેંગ્લોર ગઈ.  દીકરો સુમેરુ સોફ્ટવેર એન્જીનિયર થયો અને અમેરિકન સીટીઝન નીલા ને પરણીને અમેરિકા ગયો. સુમેરુને અમેરિકાની સીટીઝનશીપ મળતાં જ એણે નીલાના આગ્રહથી મંજુબા માટેની પેટિશન ફાઈલ કરી. મંજુબાને ઈમિગ્રેશન વિસા મળ્યા.

મંજુલાબેન જ્યારે અમેરિકા જવાની તૈયારી કરતા ત્યારે રોજ સોમી આવતી.  મદદ કરતી. મંજુબાને માટે સવારથી સાંજ સૂધી દોડાદોડી કરતી. એમના જવાની આગલી રાત્રે એ ખૂબ જ રડી હતી. બા મને તમારી સાથે લઈ જાવને?  ત્યાના સાહેબને કે’જોને કે સોમી તો મારી દીકરી છે. મેં મોટી કરી છે. મેં ભણાવી છે. ન માને તો પછી સાચુ કહી દેજો. મારી કામવાળી છે. મને એના સિવાય બીજા કામવાળા ન ફાવે.

બિચારી અબુધ સોમી….આજે કીટ્ટા કરીને રિસાઈ હતી.

સોમીની માં વરસોથી મંજુબાને ત્યાં કામ કરતી હતી. કપડા, વાસણ, પોતા, પાણી ભરવું શાક સમારી રાખવું. નાનું મોટું લગભગ બધું જ કામ કરતી. ભગવાને એને સારા દિવસો આપ્યા. એણે એક દીકરીને જન્મ આપ્યો. એ નાની ઢિંગલીને કેડમાં ઘાલીને કામ કરવા આવતી. મંજુબાએ માળીયા પરથી ઘોડિયુ ઉતરાવ્યું. માં કામ કરતી હોય ત્યારે કોઈકવાર રડતી દીકરીની ઝોળી પણ હલાવી દેતા. પુસ્તક કે પેપર જે વાંચતા હોય તે મુકીને એકાદ ફિલ્મી હાલરડું પણ એ કામવાળીની દીકરી માટે ગાઈને એને સુવડાવી દેતા.  મા કામ કરતી અને મંજુબા નાની સોમલીને હિંચકે બેસાડી બિસ્કિટ ખવડાવતા. અને હિંચકાને ઠેસ મારતા મારતા કવિતાઓ ગાતા.

વહેતા સમયે સોમલીને મંજુબાએ સ્કુલમાં દાખલ કરી. એ દસ વર્ષની થઈ અને એની માં બે ચાર દિવસની માંદગીમાં પ્રભુશરણ થઈ ગઈ. બાપ બિચારો આખો દિવસ મજુરી કરતો. સોમલી, સ્કુલને બાદ કરતા આખો દિવસ મંજુબા સાથે જ રહેતી. ભણતી. ખાતી પીતી. કામમાં મદદ કરતી અને મંજુબાએ આપેલા ડબ્બામાં બાપૂને માટે ખાવાનું લઈ જતી. બાપૂએ બીજા લગ્ન કર્યા. હવે સોમલી મોટેભાગે મંજુબાને ત્યાંજ રહેતી. કીટ્ટા કરવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. રિસાવાનો એને હક્ક હતો.

દીકરો દીકરી હોસ્ટેલમાં રહીને ભણ્યા હતા. દીકરી પરણી ત્યારે સોમલી આંઠ વર્ષની હતી. દીકરો સુમેરુ પરણ્યો ત્યારે સોમલી અગ્યાર વર્ષની હતી. દીકરા દીકરીના સાસરવાસ પછી સોમલી મંજુબાની અનઓફિસીયલ દીકરી અને ઓફિસીયલ હાઉસકિપર બની ગઈ હતી.

પણ એ તો પહેલાની વાત….

અત્યારે તો….

બા અમેરિકા ગયા ત્યારે તે અગિયારમા ધોરણમાં ભણતી હતી. હવે તે બારમાંમા હતી. સાવકી માએ એને સવાર સાંજના બબ્બે કામ બંધાવી આપ્યા કતા. હવે તે સ્કુલમાં ભ્ણતી પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ અને લગભગ ફુલ ટાઈમ કામવાળી હતી.

બે દિવસ પર અમેરિકાથી આવેલા મંજુબાને મળવા દોડી આવી હતી. બાને યાદ કરાવતી હતી ‘દીકરી તરીકે નહીં તો કામવાળી તરીકે તો લઈ જવી હતી?’

બાના લમણે કામવાળી શબ્દના ખીલા ઠોકાતા હતા. તન ભારતમાં હિંચકા પર હતું. સામે બોલબોલ કરતી સોમલી હતી. મંજુબા બહેરા ન હતા પણ તે સાંભળતા ન હતા. એમનું મન અમેરિકામાં હતું. હજારો માઈલથી એ શબ્દો તો વારંવાર સંભળાતા હતા.

વહુ કોઈની સાથે ફોન પર વાત કરતી હતી.

‘મારી સાસુતો કામવાળા કરતાં યે મોંઘી પડી છે.  એને અહીં બોલાવા કરતાં તો હાઉસકિપર રાખવાનું સસ્તુ પડત. તેં જ સલાહ આપી હતી કે સાસુને બોલાવી લે. મફતની કુક, મફતની બેબીસીટર, મફતની મેઇડ અને મફતની હાઉસકિપર. તારી સાસુતો ગામડિયણ છે. કામથી ટેવાયલી છે એટલે મુંગે મોઢે કર્યા કરે. તારી સલાહ અને તારા જલસા જોઈને મેં એને બોલાવી. પણ મારી સાસુ તો પ્રોફેસર હતી. ત્યાં કંઈ ઘરકામ કરેલું નહીં એટલે અહીં આવીને એક મહિનામાં જ માંદી પડી ગઈ. એનો ઈન્સ્યુરન્સ તો હતો નહીં. મારા દૂરના મામાનો દીકરો ડૉકટર છે. મફતમાં તપાસી આપ્યું. બ્લડ ટેસ્ટના પૈસા ગાંઢના કાઢવા પડ્યા. યુ નો?  બ્લડ રીપોર્ટ પ્રમાણે એને કિડની કેન્સર હોવાની શક્યતા છે…..’

‘કામવાળી તરીકે બોલાવેલા સાસુમાં દરદી તરીકે માથે જડાયા….. હવે જોબ સાથે મારે એની ઊઠવેઠ કરવાની.’

‘ના, ના, એને તો શું રોગ છે તેની ખબર જ પડવા દીધી નથી.’

‘શું?….’

‘હવે શું?….ધીમે રહીને પારસલ ઈન્ડિયા પરત કરવાનું. મારે તો આવ પ્હાણો પગ પર પડ જેવો ઘાટ થયો.’

ન સાંભળવા જેવી વાત આકસ્મિક રીતે મંજુબાના કાન પર પડી હતી. એ વહુ નીલાને કંઈક પૂછવા માટે એના બૅડરૂમમાં જતા હતા અને નીલાને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળી અને એમના પગ અટકી ગયા.

થોડી વાત સંભળાઈ ગઈ. પાછા વળી ગયા. સાંભળવાનો કોઈ ઈરાદો ન હતો. પ્રયાસ પણ ન હતો, છતાંયે એ વાત સંભળાઈ ગઈ.

ઓહ…મને માં તરીકે નહીં પણ એક કામવાળી તરીકે બોલાવી છે! પ્રેમ નહીં…સ્વાર્થ છે. ઘરનું કામ ગૃહિણી તરીકે થાય, પોતાના તરીકે થાય તેમાં, અને કામવાળા ગણાઈને કરવું પડે તેમાં તો બહુ ફેર છે.

સંતાનોએ અમેરિકા બોલાવેલી માતાઓની  સ્થિતી વિશે ઘણું વાંચ્યું હતું. ઘણું સાભળ્યું હતું. પણ માન્યુ ન હતું. હવે તેમને જાતઅનુભવ થઈ ગયો.  પ્રમાણ વધતું ઓછું હોય; પણ ઘણી વયસ્ક માતાઓ લાચારીઓને બંધ મુઠ્ઠીમાં જકડીને જીવી રહી છે એ હકિકત છે. એ સત્ય પણ મંજુબાને સમજાઈ ગયું.

મંજુલાબેન અભણ ન હતા.  સ્વમાની હતા. સદભાગ્યે આર્થિક લાચારી ન હતી.   નીલાના સ્વભાવને બાદ કરતા દીકરો-વહુ સુખી હતા. પોતાની શારીરિક અશક્ત્તિ અને માંદગી એમના સુખને ડહોળી નાંખવામાં નિમિત્ત ન બને એ શુભાષયથી એમણે નિર્ણય લઈ લીધો…

એક સાંજે ડિનર ટેબલ પર મંજુલા બહેને કહ્યું, ‘બેટા, એક બે વીકમાં મારો ઈન્ડિયા પાછા જવાનો વિચાર છે. તમારા બધાને મળવાનો જીવ થયા કરતો હતો. તેં અને નીલાએ મને પ્રેમથી અહીં બોલાવી. તમારો સુખી સંસાર જોયો. હવે મને કોઈ ચીંતા નથી.’

દીકરાને માંની તબીયતની ચિંતા હતી. મેડિકલ ઈન્સ્યુરન્સ વગર સારવાર પોસાય તેમ ન હતી. એને માટે એ કડવી વાસ્તવિકતા હતી. એણે આંખના પાણીને પ્રયત્ન પૂર્વક રોકી રાખ્યા. નીલાને હરખના આંસુ આવ્યા. હરખના શબ્દો નવા વસ્ત્રો પહેરીને હોઠમાંથી બહાર આવ્યા. ‘બા તમે હજુ તો હમણાં આવ્યા અને માયા લગાવીને ચાલ્યા જવાની વાત કરો છો?  તમારા કંઈ વિઝીટર વિસા નથી કે તમારે ચાલ્યા જવું પડે?  દીદી પણ દૂર બેંગલોરમાં છે. તમે ચોવીસ કલાકની કોઈ હાઉસકિપર કે કામવાળી રાખી લેજો.’

બસ…મંજુલાબેન પાછા ઈન્ડિયા આવી ગયા. નિર્ણય કરીને…જીવાય તેટલું જાતે જીવવું છે.  પણ કામવાળી વગર…. જીવનમાં સાહજીક રીતે વણાઈ ગયેલો શબ્દ કામવાળી હવે તેમને  વિંછીના ઝેરી ડંખ જેવો લાગતો હતો.

તેમણે એક બીજો મનસ્વી નિર્ણય કર્યો. અવ્યાવહારિક અને મક્કમ. જીવાય એટલું જીવવું છે પણ ડૉકટરની સારવાર વગર…ડાયાલિસીસ વગર…બે પેઢી પહેલા વૃદ્ધો કુદરતી રીતે જીવતા હતા અને કુદરતી રીતે જીવન સંકેલાઈ જતું તે રીતે જ શેષ જીવન જીવવાનો નિર્ણય કરી લીધો હતો. વડવાઓને તો ખબર પણ ન્હોતી પડતી કે તેમને કયો રોગ છે.

એને હાઉસ કિપર બનવું ન હતું. કોઈને કામવાળી બનાવવી ન હતી. જો અમેરિકામાં મારે પાંચ વ્યક્તિના પરિવાર માટે ઘર કામ કરવાનું હોય તો ભારતમાં મારા એકલા માટે મારું કામ જાતે ન કરી શકું?

‘…..લો આ તમારી પાપડી સમારાઈ ગઈ. હું આજે પાણી ભરી દઈશ. કાલે સવારે કામ પર આવી જઈશ.’

‘જો સોમી. હવે તારે અસ્મિતા બનવાનું છે. તારી માંને ચાર ઘરના કામના જે પૈસા મળતા હોય તે હું આપી દઈશ. તારે તો બારમાનું વર્ષ છે. મહેનત કરીને ભણવાનું છે. બાર પૂરા કરીને હું તને દીદી પાસે બેંગલોર મોકલી આપીશ. ત્યાં કૉલેજમાં ભણવાની વ્યવસ્થા કરી આપીશ. તારે કોઈની કામવાળી નથી બનવાનું.’

સોમી એને પલક પાડ્યા વગર જોઈ રહી…’એનો અર્થ એ કે તમે પાછા અમેરિકા જાવ ત્યારે પણ મને સાથે નહીં લઈ જાવ, એમ જ ને! જાવ તમારી સાથે કીટ્ટા.’

                                                                 **********

                         Published in Tiranga in 2013

અપેક્ષા-ઉપેક્ષા

અપેક્ષા-ઉપેક્ષા

Image

પ્રવીણ શાસ્ત્રી

અંકુર ડાબા હાથમાંના શેમ્પેઇન્જ ગ્લાસમાંથી ચૂસ્કી લેતો એના નવા ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા આમંત્રિતો સાથે હસ્તધૂનન કરતો અને અભિનંદન સ્વીકારતો ફરતો હતો. બધા મિત્રોથી ઘેરાયલલા અંકુરની પાછળ પાછળ બિચારા શંકરલાલ એની સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં ફરતા હતા; પણ અંકુર અન્ય મહેમાનોમાં વ્યસ્ત હતો. એની સાથે જ એની ફિયાન્સી ડોક્ટર નિઓમી પણ બધાનું અભિવાદન ઝીલતી; હસી ખુશીથી વાતો કરતી હતી.

શંકરલાલ હોટેલના કોવર્કર દિનેશની રાઈડ લઈને આ પાર્ટિમાં ડોક્ટર અંકુરને આશીર્વાદ આપવા આવ્યા હતા. સાથે આવેલો દિનેશ સમજતો હતો કે ઈન્વિટેશન શંકરકાકાને જ હતું એટલે, તે બહાર કારમાં જ થોભ્યો હતો.

****

અંકુર ફિલાડેલ્ફિયાથી એની ફિયાન્સી નિઓમી સાથે એના નવા ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે મિત્રોને આમંત્રણ આપવા અને કેટલીક ખરીદી માટે ન્યુયોર્ક આવ્યો હતો. બપોરના લંચ માટે તે એના ત્રણ ચાર મિત્રો સાથે મહારાજા રેસ્ટોરાન્ટમાં પ્રવેશ્યો. રસ અવરમાં થોડો સમય બહાર રોકાવું પડ્યું એટલે નિઓમી અકળાતી હતી. દશેક મિનિટમાં. ટેબલ મળી ગયું પણ ટેબલ બરાબર સાફ ન હતું. નિયોમીએ વૅઇટરને ઈશારતથી બોલાવ્યો અને હળવેથી પણ દાંત પીસીને કહ્યું. ‘પ્લીઝ ક્લીન ધીસ.”

‘યસ મેમ’ વૅઈટર તરીકે કામ કરતાં શંકરે એ સાફ પણ કરી નાંખ્યું. કાંઈ મોટી વાત ન હતી. અંકુરને લાગ્યું કે આ વૅઇટરનો ચહેરો જાણીતો છે, કશેક જોયો છે. પણ યાદ આવતું ન હતું. લંચ દરમ્યાન મિત્રો અને નિઓમી સાથે વાત કરતાં કરતાં એની નજર એ વૅઇટર તરફ જ જતી હતી. એણે બીલ ચૂક્વ્યું અને પાર્કિંગ લોટમાં આવ્યો. અને એકદમ એની સ્મૃતિ જાગૃત થઈ. ઓહ! આતો શંકરલાલ માસ્તર.

શંકરલાલ સાહેબ એના ગામની નિશાળના એના ત્રીજા ધોરણના શિક્ષક હતા. એ ચાર ધોરણ સૂધી ગામની નિશાળમાં જ ભણ્યો હતો. પછી શહેરમાં ઈંગ્લિશ મીડિયમમાં ભણ્યો હતો.

‘વેઈટ ડાર્લિંગ આઈ’લ બી બેક.’ એણે બ્રીફ કેઇસમાંથી એક ઈન્વિટેશન કાર્ડ કાઢ્યું. લઈને એ એ શંકરલાલ પાસે ગયો. બે હાથ જોડ્યા. સાહેબ હું અંકુર. આપના હાથ નીચે થર્ડ ગ્રેડમાં ભણ્યો હતો. આપને યાદ છે? શંકરલાલને ખાસ યાદ આવ્યું નહિ. વિદ્યાર્થીઓને શિક્ષકો યાદ રહે પણ દર વર્ષે બદલાતા વિદ્યાર્થીઓ ખાસ વિશિષ્ટતા વગર શિક્ષકોને યાદ રહેતા નથી.

‘ભાઈ, કંઈ યાદ આવતું નથી?’

‘હું રાયચંદ શાહનો દીકરો અંકુર.’

‘હાહા, યાદ આવ્યું, તું તો મારો માનીતો વિદ્યાર્થી. તને કેમ ભૂલાય? શેઠજી કુશળ છે ને?’ ગઈકાલના શિક્ષક શંકરલાલ અને આજના વૅઇટર શંકરે યાદ ન હોવા છતાં પ્રેમથી પરિચયની પુષ્ટિ કરી.

‘એ તો ચાર વર્ષ પહેલાં ગુજરી ગયા. હું ફિલાડેલ્ફિયામાં છું. સાહેબ હું ડોક્ટર થઈ ગયો. હમણાં જ મારી ઈન્ટર્નશીપ પૂરી થઈ. હવે મારું ક્લિનિક શરું કરું છું…..પણ સાહેબ તમે? અમેરિકામાં? અને આ જોબ?’

‘બસ આનંદમાં છું. દીકરી પરણીને અમેરિકા આવી. મારા પત્ની ગુજરી ગયા. મને એણે અમેરિકા બોલાવ્યો. હું પણ રિટાયર થયો હતો. ત્રણ વર્ષ પહેલાંજ દીકરી ગુજરી ગઈ. જમાઈએ બીજા લગ્ન કર્યા. જમાઈ તો ખૂબ સજ્જન માણસ. એમણે તો મને તેમની સાથે જ રહેવાનું કહ્યું પણ એની નવી પરણેતરને સ્વાભાવિક રીતે ન જ ગમે. બસ મને આ રેસ્ટોરાંટમાં નોકરી મળી ગઈ. આનંદમાં સમય જાય છે. હવે ઈન્ડિયામાં પણ મારું કોઈ જ નથી.  એકલો રહું છું. ખાવાપીવાની ચિંતા નથી. કોઈ કામ નાનું નથી. કામથી શરીર સારું રહે. આનંદમાં છું’

નિઓમિ પાર્કિંગ લોટમાંથી અંકુરને શોધતી પાછી રેસ્ટોરાંટમાં પ્રવેશી. તે પહેલેથી જ કોઈ કારણસર ગ્રાઉચી હતી. અંકુ, ‘વી આર વૅઇટિંગ ફોર યુ’

‘સાહેબ આપણે ઘણી વાતો કરીશું. અત્યારે હું ઉતાવળમાં છું. આ ઈન્વિટેશન કાર્ડ છે. પંદરમી તારીખે મારા ક્લિનિકનું ઉદ્ઘાટન છે. જરૂરથી પધારજો.’

***

‘દિનેશ મને ફિલાડેલ્ફિયા લઈ જશે? મારો સ્ટુડન્ટ અમેરિકામાં ડોક્ટર થયો છે. પ્રેમથી ઈન્વિટેશન આપી ગયો છે.’

‘દાદા, એક કલાકના ફંક્શન માટે સો માઈલ લાંબા થવાની જરૂર નથી.’ દિનેશની પાસે ખખડધજ કાર હતી. વૃદ્ધ કોવર્કર શંકરદાદાને જ્યાં જવું હોય ત્યાં એ લઈ જતો; પણ કોઈવાર કંટાળતો પણ ખરો. ફિલા જવાની ઈચ્છા ન હતી પણ છેવટે બિચારા દાદાનું કોણ? એમ સમજીને તૈયાર થયો.

શંકરલાલે માત્ર બે જોડી લેંઘા કફનીમાં આખી જીંદગી ચલાવ્યું હતું. અમેરિકા આવ્યા ત્યારે એક કાળો સૂટ સિવડાવી લાવ્યા હતા. માત્ર એક જ વાર પહેર્યો હતો. પછી સુટ પહેરવાનો પ્રસંગ જ આવ્યો ન હતો. હવે તો હોટલના યુનિફોર્મથી જ ચાલતું હતું. એમણે બેગમાંથી સૂટ કાઢ્યો. અસ્ત્રી કરી. હવે થોડું શરીર સોસાયું હતું. સૂટ ઢીલો અને સોગી થઈ ગયો હતો; પણ ચાલશે. ચઢાવી દીધો. દિનેશે આવડે એવી ટાઈ પણ બાંધી આપી. દિનેશને શું લેવા-દેવા? એ તો જિન્સ અને ટિ-શર્ટમાં જ નીકળી પડ્યો હતો. બન્ને સમયસર ક્લિનિક પર પહોંચી ગયા. કેટલાક સજીધજીને થ્રી પીસ સૂટમાં, તો કેટલાક સામેની હોસ્પિટલમાંથી સીધા જ વ્હાઈટકોટમાં સ્ટેથેસ્કોપ લટકાવીને આવ્યા હતા. એની બે નર્સ અને રિસેપ્શનિસ્ટ બધાનું સ્વાગત કરતી હતી. ક્લિનિકનો રિસેપ્શન એરિયા ડોક્ટર મિત્રોથી ઉભરાતો હતો.

શંકરલાલ હાથમાં એકાવન ડોલરનું કવર લઈને અંકુરની પાછળ પાછળ ફરતા હતા. મનમાં ધાર્યું હતું કે જરા મોકળાશ મળતાં અંકુર વાંકોવળી મને પગે લાગશે. એ બધા સાથે મારી ઓળખાણ કરાવશે. હું એને માટે બે શબ્દો બોલી એને આશીર્વાદ આપીશ. મનમાં શબ્દો ગોઢવતા ગોઢવતાં શંકરલાલ સાહેબ અંકુર પાછળ ફરતા હતા. પણ બિચારા અંકુરને ક્યાં સમય હતો? નિઓમીને મુઝવણ થતી હતી આ કોણ પાછળ પાછાળ ફરે છે. પછી ખ્યાલ આવ્યો કે આ તો ન્યુયોર્કની હોટલનો વૅઇટર છે.

“અંકુ, ડિડ યુ હાયર ધીસ ઓલ્ડ્મેન ફોર સમ હેલ્પ?”

“ઓહ! નો. એ અમારા ગામના છે. આઈ ઇન્વાઈટેડ હિમ”

શંકરલાલ તરફ ફરીને કહ્યું. ‘તમે હમણાં પેલી ખુરશી પર બેસો, આ બધા સાથે મળીને હું આવું છું. આવ્યા તે મને ગમ્યું. ફંકશન પતે એટલે બુફે રાખ્યું છે. જમ્યા વગર ચાલ્યા ના જતાં.’ અને અંકુર ડોક્ટરોની સેવામાં ગુંથાઈ ગયો.

શંકરલાલ ખૂણા પરની ખુરશી પર બેઠા. મેડિકલ કોલેજના એક ડોક્ટર પ્રોફેસરને હાથે અદ્યતન એક્ઝામિનેશન રૂમની સિમ્બોલિક રિબન કપાઈ. પ્રોફેસરે એના બ્રાઈટ સ્ટુડન્ટની યશગાથા ગાઈ. શંકરલાલ થોડું સમજ્યા. ઘણું ના સમજ્યા. ધીમે રહીને ટેબલ પર એકાવન ડોલરનું આશીર્વાદનું કવર મૂકીને બહાર નીકળી ગયા.  બહાર પાર્કિંગ લોટમાં અનેક લક્ઝરી કાર વચ્ચે ગોબાવાળી દશ વર્ષ જૂની ફોર્ડમાં દિનેશ નિરાંતે આંખો બંધ કરીને મ્યુઝિક સાંભળતો હતો.

‘ચાલ ભાઈ ટ્રાફિક નડશે તો જોબ પર મોડું થશે. માંડ છૂટ્ટી મળી છે; આપણે ત્રણ વાગ્યા પહેલાં તો પહોંચવું પડશે.’

‘દાદા, પાર્ટીમાં મજા આવીને?’

‘હા, બિચારો અંકુર તો મને જોઈને વળગી જ પડ્યો હતો. એની ફિયાન્સી મને વાંકી વળીને પગે લાગી. અંકુરે બધા ડોક્ટર અને પ્રોફેસરો સાથે મારી ઓળખાણ કરાવી. એણે ડોક્ટરોને કહ્યું કે ભલે હું અમેરિકામાં ભણીને ડોક્ટર થયો; પણ મારો પાયો તો આ અમારા ગુરુએ જ નાંખ્યો હતો. એમના પ્રતાપે જ હું ડોક્ટર બની શક્યો. ઓફિસની રિબન કાપવાનું પણ મને કહ્યું. પણ મેં જ એના પ્રોફેસરને ઉદ્ઘાટન વિધી કરવા કહ્યું.’

‘દાદા, તમે લંચ લીધું?’

‘હા હા. મારે માટે એની ફિયાન્સી ખાસ ડીશ બનાવી લાવી હતી. મને આગ્રહ કરીને કહ્યું છે કે તમારે અમારા લગ્નમાં આશીર્વાદ આપવા આવવાનું જ છે. પણ મેં બહાનું કાઢ્યું કે મારાથી  આવી શકાય એમ નથી. હું રોકાયલો છું મારે કેટલી વાર તને ફિલાડેલ્ફિયા સુધી દોડાવવો!’

‘દાદા આગળથી જ ના કહી તે સારું કર્યું. તમને પાર્ટીમાં લાવવા જવા માટે મારે નવી કાર લેવી પડે. અરે હાં દાદા, તમે તો ભરપેટ લંચ લઈને આવ્યા છો. મારા પેટમાં તો બિલાડા બોલે છે. ભલે તમે ધરાયલા હો પણ મને કંપની આપવા, મારી સાથે થોડું તો ખાવું જ પડશે. આપણે બર્ગરર્કિંગ પર થોભીને જરા નાસ્તો કરી લઈએ. બરાબર?’

‘હા દિનેશ તું આગ્રહ કરે છે એટલે તને કંપની આપીશ, બાકી તો પેટમાં જરાયે જગ્યા નથી.’

દિનેશે દાદાને કાંઈ કહ્યું નહિ, પણ ખરેખર તો, શેડ વગરની, ફ્લોર ટુ સિલિંગ ગ્લાસ વિન્ડોમાંથી તેણે ઓફિસની અંદરની પાર્ટીના બધા જ રંગો જોયા હતા. દિનેશે કાકાની થતી અવગણના અને ઉપેક્ષા નિહાળ્યા હતા. એણે કાકાના સ્વમાનને જાળવી લીધું. શંકરકાકા વેજીબર્ગર ખાઈને કારમાં ઉંઘતા હતાં. ઉંઘમાં બોલતા હતા, મેં અંકુરને ભદ્રસુક્તના શ્લોક “શતમિન્દુ શરદો અંતિ દેવા…”થી આશીર્વાદ આપ્યા હતા અને ડોક્ટરોએ તાળીથી મને વધાવી લીધો હતો.

પ્રગટઃ ગુજરાત દર્પણ જુલાઈ ૨૦૧૮.

વાત-વાસંતીબાની

વાત-વાસંતીબાની

વાસંતીબા

ચોવીસ વર્ષની ઉમ્મરે અંકિત પંડ્યા સાથે લગ્ન કરીને અમેરિકા આવેલી કોલેજની આસિસ્ટન પ્રોફેસર વાસંતી; આજે સાઠ વર્ષ પછી ચોર્યાસી વર્ષની ઉમ્મરે, બેડ પર ટુંટીયું વાળીને પડ્યા છે.

બેડ પાસે જ કમોડ છે. બેડ સાઈડ ટેબલ પર દવાઓની બોટલ્સના ઢગલાઓ છે. એક ડિશમાં કઈ ખાવાનું પડ્યું છે. કદાચ વાસંતીબા એ ન ખાધું હોય. ખૂણામાં વ્હિલચેર છે. જરૂર પડ્યે ઓક્સિજનનું મશીન પણ છે. દિવાલ પર એક ટીવી છે. ચોવીસ કલાક મ્યુટ ટીવી ચાલુ જ હોય છે.

આમ જૂઓતો હોસ્પિટલમાં મળતી બધી જ સુવિધાઓ છે. શું નથી? સવારે ચાર કલાક માટે નર્સિંગ એઇડ આવે છે. ડાયપર બદલે છે, સ્પંજ બાથ કરે છે. દર અઠવાડિયે એકવાર પ્રેક્ટિશનર નર્સ આવે છે. જો કે પાંચ દિવસથી નર્સિંગઍઇડ આવી નથી.

બા એના દીકરા શુભમને ત્યાં છે. ધરતો પોતાનું જ છે;… ના હતું. દીકરાને લગ્ન પછી આપી દીધું હતું. હવે એ ઘર દીકરાનું છે. સમાજમાં દીકરાના ગુણગાન ગવાય છે.દીકરા વહુ માની કાળજી રાખે છે. વહુની પણ ખૂબ જ પ્રસંશા થાય છે. વૃદ્ધ સાસુને નર્સિંગ હોમમાં ઢકેલવાને બદલે ઘરમાં જ એમની સેવા કરે છે. બા નસીબદાર છે.

નહિ…

બા નસીબદાર નથી. …..એક સમયે બા નસીબદાર હતાં.

અંકિત પંડ્યા, સિવિલ ઇન્જિનિયર તરીકે અમેરિકા આવ્યા હતા. શરૂઆતમાં નસીબે સાથ ન આપ્યો. એના ભણતર પ્રમાણેની નોકરી તો ન મળી, પણ એક કેમિકલ ફેકટરીમાં ઓપરેટરની નોકરી મળી.અને ધીમે ધીમે પોતાની ખંતથી જ આગળ વધ્યા અને ઓપરેટરમાંથી મિકેનિકલ ઇન્જિનિયર થયા. મેનેજર થયા અને કંપનીના વાઈસ પ્રેસિડન્ટ પણ થયા. વાસંતીબેનને પણ ઓફિસની નોકરી મળી. સુખી હતા. સંતાન સુખ ન હતું પણ મોડી અને મોટી ઉમ્મરે મેડિકલ મદદ અને અનેક માનતાઓ ફળતાં. સુંદર દેખાવના પુત્ર શુભમ નો જન્મ થયો. બન્નેની આવક  ધરખમ હતી પણ કરકસરીયો જીવ, દીકરા માટે અને પોતાના ઘડપણ માટે બચાવવા માંડ્યું. એક સરસ મકાન પણ બંધાવ્યું. ભગવાને એક આપ્યો છે. હવે બીજા સંતાનની શક્યતા નથી. બસ; વન ઈઝ ફન.

દીકરો શુભમ પણ માયાળુ હતો. લાડ પ્રેમ માં ઉછર્યો. ભણી ને એક ઈન્ટર્નેશનલ કંપનીમાં કન્સલ્ટનની જોબ પણ મળી. દીકરાને ભારત લઈ જઈ પરણાવ્યો. વાસંતીબેનના જીવનની પહેલી અને મોટી ભૂલ હતી. દીકરાને અમેરિકન ગર્લફ્રેન્ડ હતી. આ કલ્ચર અને ધર્મ મારા ઘરમાં ન ચાલે. એકનો એક દીકરો જૂદો થઈ જાય તે કેમ પોસાય? આજુબાજુના પરિવારમાં શું થઈ રહ્યું તે જાણવા જોયાં છતાં અમેરિકામાં જન્મેલા શુભમને ભારતીય સંસકૃતિના ઢાળમાં ઢાળવાનો આગ્રહ રાખ્યો. દીકરો છેવટે માની ગયો. દેશમાંથી મોટા વકીલ પરિવારની એક છોકરી સાથે માત્ર દશ મિનિટના ઈન્ટર્વ્યુમાં દીકરાએ એની એક્ષને પણ ટક્કર મારે એવી રૂપાળી નીલાને પસંદ કરી અને લગ્ન થઈ ગયા. વહુ આવી. ઓવારણાં આરતિ ઉતારાઈ. એક જ વર્ષમાં અંકિત અને વાસંતિ બેન રિટાયર થયા. ભૂરી આંખવાળી નીલાનું અમેરિકાનું સ્વપનું કંઈક જૂદું જ હતું. સાસુ વહુ વચ્ચે સ્વભાવનો મેળ ન બેઠો. સાસુ-વહુ વચ્ચે અપેક્ષાઓની વણબોલાયલું માનસિક શીત યુદ્ધ શરૂ થયું.

અંકિત મૂગે મોઢે જોતા રહ્યા. દીકરા સાથે થોડી આર્થિક-વ્યાહવારિક વાત કરી. બાપ દીકરા પરિસ્થિતિ સમજતા હતાં. વાસંતીબેનની બર્થડે પાર્ટિ પછી વાત કરી કે મેં ફ્લોરિડાની એડલ્ટ કોમ્યુનિટીમાં એક સરસ ફ્લેટ રાખ્યો છે. ખૂબ કચવાટ સાથે વાસંતીબેન ગયા. નીલાને જે જોઈતું હતું તે મળી ગયું.

થોડા બળાપા પછી વાસંતીબેને પણ મન મનાવી લીધું. કોઈ આર્થિક ચિંતા હતી નહીં, બન્ને સો વર્ષ જીવે ત્યાં સૂધી ચાલે એટલું રિટાયર ફંડમાં બચાવ્યું હતું. અંકિત વાસંતીનું નવું જીવન શરૂ થયું. પુત્રનો સંસાર પણ સુખી હતો.

 પુત્રવધૂ પ્રેગ્નન્ટ થઈ. હરખધેલા વાસંતી બહેને કહ્યું કે ચાલો આપણે શુભમ પાસે જઈએ. એને આપણી જરૂર છે. જીદ કરીને ત્યાં જવાનું વિચાર્યું પણ પછી ખબર પડી કે નીલાએતો એના નિવૃત્ત માબાપને બોલાવી લીધા છે. દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો. પૌત્રને રમાડીશું આપણે એની સાથે રમીશું. ક્યાં પારકું ઘર છે? આપણું જ છેને? પોતાને ધેર ગયાં. પણ આવ નહિ, આવકાર નહિ, આદર નહિ. વેવાઈ વેવણનું જ ચલણ. માત્ર પંદર દિવસમાં જ ફ્લોરિડા પાછા વળ્યા. મહાપરાણે મન વાળી લીધું.

દીકરો એના પ્રોફેશનમાં આગળ વધતો હતો. અવાર નવાર બિઝનેશ અંગે ફ્લોરિડા આવવાનું થતું. ડેડી મમ્મીને મળતો. કોઈકવાર રાત રોકાતો અને મમ્મીના હાથની ભાવતી રસોઈ જમી લેતો. અંકિતભાઈને નવા અમેરિકન મિત્રો મળી ગયા હતા. અઠવાડિયામાં બે દિવસ ગોલ્ફ રમવા જતા હતાં. શુક્ર શની સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં હાજરી આપતા. રવિવારની સાંજ કોઈક મંદીરમાં વિતતી. વાસંતી બહેને કોમ્પ્યુટર પર સોસિયલાઈઝેશન શરૂ કરી દીધું. ઘણાં બધા વર્ચ્યુલ ફ્રેન્ડ્સના સુખમાં નીલાવહુ પણ ભૂલાઈ ગઈ. ન જોયલા જાણેલા યુવાન યુવતીના માનિતા બા બની ગયા હતા. મૂળતો કોલેજના પ્રોફેસર. ઈલેક્ટ્રોનિક મિડિયા દ્વારા એક સાહિત્યકાર તરીકે છવાઈ ગયા. રાત્રે પતિ-પત્ની સાથે ટીવી જોતાં. જે સુખ યુવાનીમાં નહોતું ભોગવ્યું તે નિવૃત્તિના વર્ષોમાં માણવા મળ્યું. પ્રવાસો કર્યા. હરા-ફર્યા. પુત્રની વયના જ વર્ચ્યુઅલ મિત્રો પોતાના બાળકો સાથે ડિઝનીલેન્ડ આવતા એઓ બે ત્રણ રાત વાસંતીબાને ત્યાં જ રહેતાં પણ ખરા. અને વાસ્તવિક સ્નેહિઓ બની જતાં. જીંદગી પ્રત્યે કોઈ જ અસંતોષ ન હતો. માત્ર એક ખૂણો ખાલી ખાલી લાગતો. નીલા એના મા બાપ અને બાળકો સાથે ફ્લોરિડા આવતી પણ, મળવા માટે સમય ન હતો. અંકિતભાઈને તો કોઈ જ વસવસો ન હતો. પુખ્ત સંતાનનું પોતાનું કુટુંબજીવન હોય. પુત્ર શુભમ સાથે મિત્ર હોય એ રીતે જ પોતાની ગોલ્ફ અને સ્પોર્ટ્સની વાત થતી. વાસ્તવિકતા એટલી હદે સહજ થઈ ગઈ હતી કે કુટુંબની વાતમાં માત્ર એટલું પૂછતા, હાઉ ઇસ ધ ફેમિલી? બસ પતી ગયું. પુત્ર સુખી હતો એ જ પુરતું હતું. પણ વાસંતીબેન આખરે તો સ્ત્રી હતી. યુવાનીમાં જે પારિવારિક સુખના સ્વપ્ના જોયા હતા તે નહોતા ફળ્યા. કોઈકવાર બે ચાર આંસુ પડી જતાં. દીકરાને સમજાવી પટાવીને ઈન્ડિયામાંથી વહુ લઈ આવ્યા હતા. પણ જમાનો બદલાઈ ગયો હતો. એને વહુ સાથે પ્રેમાળ સંબંધ ન જળવાયો તેનું દુઃખ અને અજંપો સતાવતો રહ્યો હતો. બસ એકલા એકલા રડી લેતા. બાકી કોઈ જ દુઃખ ન હતું.

વર્ષો વિતતા ગયા. પતિ પત્ની દેહપર ઉમરની અસર વર્તાતી હતી. વાસંતીબાને એલ્ઝાઈમરની અસર થવા માંડી હતી. અંકિતભાઈ બને તેટલી કાળજી રાખતા. પણ ધીમે ધીમે રોગ વધતો જ ગયો. બધું જ બદલાઈ ગયું.

….એક દિવસ ગોલ્ફકોર્સ પર અંકિતભાઈને માસીવ એટેક આવ્યો અને એમણે એનું જીવન સંકેલી લીધું. શુભમ આવ્યો. ડેડીનું ડેડ બોડી અને મમ્મીને પોતાને ત્યાં લઈ આવ્યો. યોગ્ય રીતે ફ્યુનરલ અને ધાર્મિક વિધીઓ પણ થઈ. ફ્યુનરલ હોમમાં નીલા વાસંતી બાને વળગી વળગી ને ખૂબ જ રડી હતી.

વાસંતીબાનું શું?

શુભમ નીલા અને બાના સંબંધોની કેમેસ્ટ્રિ સમજતો હતો. ઘરની અને બાની હાલત બરાબર સમજતો હતો. એણે બાને નર્સિંગહોમમાં મૂકવાનો વિચાર કર્યો. નીલાની મમ્મી વકીલ પરિવારની હતી. એણે દીકરીને ખાનગીમાં આર્થિક ગણત્રીઓ સમજાવી. જો તારી સાસુ કાંઈ મેડિકેઇડ વેલ્ફેરની ડોસી નથી. સાસુસરાએ સારો ડલ્લો ભેગો કર્યો છે. જે બચશે તે બધું તમારું જ છે. નર્સિંગ હોમના વર્ષે એક લાખ થશે. તમે ધોવાઈ જશો. ડોસીને ઘરમાં જ રાખ. શુભમ ને કહી દે, બાને પાંજરાપોળમાં નથી મોકલવા. બાની સેવા હું કરીશ.

બાને માટે બેઝમેન્ટમાં એક રૂમ તૈયાર થઈ ગયો. મેડિકેરમાંથી જે જે સગવડ મળે તે મેળવી લેવાઈ ગઈ. બાની યાદ અને ઓળખ શક્તિ ક્ષીણ થતી ગઈ. ધીમે ધીમે પોતાના દીકરાને પણ ઓળખવાનું ભૂલી ગયા. શુભમ ઈન્ટરનેશનલ કન્સલ્ટન્ટ બની ગયો હતો. એક સાથે દશબાર દિવસ પરદેશ રહેવાનું થતું. જ્યારે જ્યારે ઘરમાં હોય ત્યારે બા સાથે બેસતો, અબુધ થયેલી માના માથાપર હાથ ફેરવતો. વહુ નીલાને ચાર પગથીયાં ઉતરીને બેઝમેન્ટ રૂમમાં જવાની ફૂરસદ ન હતી. પણ કોઈ મહેમાન ખબર કાઢવા આવતું તો નીલા પોતે બાની કેવી કેવી કાળજી રાખે છે એની આત્મ પ્રસંશાની વાતો કરતી.

સારવાર માટે આવતી નર્સિંગએઇડ. એક વીકના વેકેશન પર જવાની હતી. સબટિટ્યુડ રિપ્લેસમેન્ટની તકલિફ હતી. કદાચ એક બે દિવસ ફેમિલી મેમ્બરેજ સગવડ કરવી પડે એમ હતું. નીલાએ કહી દીધું કે ડોન્ટ વરી, વી વીલ મેનેજ. બે દિવસ તો કાળજી રખાઈ. શુભમ તો કંસલ્ટિંગ ટૂરમાં હતો. નિલાને બહેનપણીના દીકરાના લ્ગ્ન પ્રસંગમાં જવાનું હતું. તેમાં બા જેવું કોઈ પ્રાણી ઘરમાં છે એ તદ્દન ભૂલાઈ જ ગયું. ટેવ જ ન હતી ને. પાંચ દિવસ પછી શુભમ ટૂરમાંથી ઘેર આવ્યો. રાબેતા મુજબ બેઝ્મેન્ટમાં બાને મળવા ગયો. બા બેડ પર ટુંટીયું વાળીને પડ્યા છે.

‘મૉમ, હું આવી ગયો છું.” દીકરાએ બાના માથા પર હાથ મૂક્યો. ટૂંટીયુંવાળીને પડેલી માનો દેહ જક્કડ અને ઠંડોગાર હતો.

*****

શુભમને જીવનભર એક અફસોષ સતાવતો રહ્યો “મૉમ હોમ કેરને બદલે નર્સિંગહોમમાં હોત તો વધુ સુખ પામી હોત.

===================

ગુજરાત દર્પણ – જુન ૨૦૧૮

“યારાના”

“યારાના”

યારાના

      ‘ગ્રાન્ડમા વ્હાઈ ડોનચ્યુ મેરી દાદાઅંકલ.’ કાજલમમ્માના ખોળામાં ચડી બેઠેલી ગ્રેટગ્રાન્ડડોટર ટીનાએ ત્રણસો માણસની હાજરીમાં આ સવાલ એની ગ્રેટગ્રાન્ડમાને પૂછ્યો.

‘આઈ કાન્ટ મેરી હિમ. હી ઈઝ નોટ માઈ બોયફ્રેન્ડ. હી ઈઝ માય બેસ્ટફ્રેન્ડ.’

આજની છોકરીઓ પણ આ જ જવાબ આપતી હોય છે. પણ આ જવાબ કોઈ ટિનેજર છોકરીનો ન હતો. આ તો એંસી વર્ષના કાજલદાદીનો જવાબ હતો. પ્રસંગ હતો કાજલદાદી અને ગૌરાંગદાદાની એંસીમી બર્થડેની ઉજવણીનો.

એંસી વર્ષ પહેલા, ગૌરાંગબાબાનો જન્મ જૂનની પાંચમી તારીખે સવારે આઠ વાગ્યે અને કાજલબેબીનો જન્મ રાત્રે આઠ વાગ્યે. બનેની બાઓ ખાસ બહેનપણીઓ. એક જ સોસાયટીના, એક જ ડુપ્લેક્ષના પાડોસીઓ. બન્ને પરિવારે નક્કી કરેલું કે દર વર્ષે બાબા-બેબીની વર્ષગાંઠ સાથે જ ઉજવવી અને આખી સોસાયટીમાં બધાને આઈસ્ક્રિમ ખવડાવવું. બન્નેની બાઓએ તો ખાનગીમાં સમજૂતી પણ કરી મૂકેલી કે મોટા થાય પછી બન્નેને પરણાવી દેવા. પણ આ બે બાબા-બેબીની તો વાત જ ન્યારી હતી.

સવારે જન્મેલો એટલે ગોરો ગૌરાંગ શાંત અને રાત્રે જન્મેલ જરા ઘઉંવર્ણી કાજલ ભારે ઉત્પાતી. બધી જ વાતે જૂદા અને ઊંધા. પહેલી જ બર્થડેમાં બન્ને છોકરાંઓએ  જબરી મારામારી પણ કરેલી. ગૌરાંગ બિચારો શાંત અને ઢિમ્મર. કાજલ મારતી રહી અને બિચારો ગૌરાંગ માર ખાતો જ રહ્યો. જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ તોફાનના પ્રકારો બદલાતાં ગયાં. ગૌરાંગ જરા શરમાળ. અને કાજલ બિન્દાસ. બન્ને એક જ સ્કુલમાં અને એક જ ક્લાસમાં ભણે. ગૌરાંગ જરા ગણીતમાં કાચો. એક દિવસ હોમવર્ક ન કરવા બદલ એના ટિચરે શિક્ષા કરી. કાજલને ખરાબ લાગી આવ્યું. બીજા દિવસથી કાજલે ગૌરાંગને ઘરને ઓટલે બેસીને મોટે મોટેથી ગણીત શીખવવા માંડ્યું. અરે જ્યારે એને સમજ ન જ પડે ત્યારે એનું હોમવર્ક પણ કરી આપે. બન્ને પાસે કોલેજ જવા માટે સાયકલ પણ છેલ્લી ઘડીએ કાજલ ગૌરાંગની સાયકલ પાછળ ચઢી બેસે. બિચારાને એનો ભાર ખેંચવાની મજૂરી કરવી પડે. લડતા ઝગડતા બન્ને બીકોમ. થઈ ગયા.

મોટા થાય એટલે લગ્ન તો કરવા જ પડે. ફેમિલીએ જન્માક્ષર મેળવ્યા. ભલે દિવસ એક જ પણ નક્ષત્ર બદલાઈ ગયેલું. મિઢળને બદલે રક્ષા બાંધવાના દિવસો આવી ગયા. જો કે કાજલે રાખડી બાંધવાની ધરાર ના પાડી દીધી. એ મારો ભાઈ નથી. દુશ્મનની અવેજીનો મારો દોસ્ત છે. મારે એને પરણવું જ નથી. કહીને ગૌરાંગ અને કાજલના કુટુંબીઓની હાજરીમાં જ ગૌરાંગને વળગીને એનો ગાલ કરડી ખાધેલો. ગૌરાંગે પણ ચોખ્ખું કહેલું એ ચિબાવલીની સાથે મને નહિ ફાવે. આને કાંઈ લવ કહેવાય? કોઈક બીજા સાથે જોશીએ કાજલના ગ્રહો ગોઠવી આપ્યા. કાજલના લગ્ન થઈ ગયા. વિદાય સમયે કાજલ ગૌરાંગને વળગીને ખૂબ જ રડેલી પણ ખરી. કેટલીયે વાર એને હેરાન કરવા બદલ સોરી, સોરી, સોરી પણ કહેલું. બન્નેનું વ્હાલ જોઈને કાજલનો હસબંડ પણ રડેલો. બિચારો ભલો માણસ હતો. ચાર વર્ષના લગ્નમાં કાજલ બે પુત્રીની મા બની ગયેલી અને પાંચમે વર્ષે તો બિચારી કાજલ વિધવા થઈને બન્ને દીકરીને લઈને પિયરમાં આવી ગયેલી.

ગૌરાંગ હજુ કુંવારો જ હતો. એક વાર ખાનગીમાં કાજલને પૂછેલું પણ ખરું; ‘કાજલ જો તારી ઈચ્છા હોય તો આપણે પરણી જઈએ. હું તારી અને બન્ને દીકરીની કાળજી રાખીશ.’ કાજલે હાથમાં હાથ લઈને કહ્યું હતું, “દોસ્ત તું દોસ્ત જ રહેજે અને થાય એટલો સપોર્ટ કરતો રહેજે. મારે મારી દીકરીઓને મોટી કરવાની છે. તું કોઈ સારી છોકરી શોધીને પરણી જા. બને તો નોકરી શોધી આપ.’

ગૌરાંગ એક પ્રાઈવેટ કંપનીમાં આસિસ્ટન મેનેજર તરીકે નોકરી કરતો હતો. એ જમાનામાં લાગવગ વગર નોકરી મેળવવાની સહેલી ન હતી. ગૌરાંગે એના માલિકને વાત કરી. માલિકે સહાનુભૂતિ ભર્યો જવાબ આપ્યો; ‘અત્યારે તો જગ્યા નથી, પણ કોઈ નોકરી છોડીને જાય તો તેની જગ્યાએ એને જરૂર ગોઠવી દઈશું.’

ગૌરાંગે તરત જ કહ્યું ‘સાહેબ મારા લગ્ન એક ધનિક છોકરી સાથે થવાના છે એટલે મારે એની સાથે રહેવા બેંગલોર જવાનું છે. મારી જગ્યાએ જ કાજલને ગોઢવવાની વાત કરું છું. અમે બન્ને સાથે જ બી.કોમ. થયા છીએ. હું થર્ડ ક્લાસમાં અને કાજલ ફર્સ્ટ ક્લાસમાં. સાહેબ મારી જગ્યાએ એને રાખી લો.’ ગૌરાંગની આંખ ભીની હતી. બોસ પીગળી ગયા. કાજલને નોકરી મળી ગઈ.

ગૌરાંગે તો ગપ્પુ જ માર્યું હતું; પણ કાગનું બેસવું અને તાડનું પડવું. અમેરિકાથી  જ્ઞાતીની જ એક આંખે બાડી અને શરીરે જાડી છોકરી પરણવા આવી હતી. અમેરિકાના લોભે પણ કોઈ એની સાથે લગ્ન માટે તૈયાર થતું ન હતું. ગૌરાંગે પણ પહેલાં તો ના જ કહી દીધી હતી; પણ હવે દોસ્ત કાજલને સારી નોકરી મળી ગઈ એટલે એણે  સામેથી હા કહેવડાવી દીધી. વિચાર્યું હતું કે અમેરિકા જઈને ડિવૉર્સ લઈ લઈશ.

બાડી જાડી એન.આર.આઈ સાથે લગ્ન થઈ ગયા. અને ગૌરાંગ અમેરિકા આવી ગયો. સસરાજીનો રિયલ એસ્ટેટ બિઝનેસ મોટો હતો. માયાળુ હતા. ગૌરાંગ એની સાથે જ બિઝનેસમાં જોડાઈ ગયો. પત્ની પ્રિયા, ભલે જાડી અને બાડી હતી પણ ખરેખર ખૂબ પ્રેમાળ અને સુશિક્ષિત હતી. ગૌરાંગે ડિવૉર્સનો વિચાર માંડી વાળ્યો. પ્રિયા પોતાની શારીરિક મર્યાદા જાણતી હતી. એને તો પ્રેમ જ જોઈતો હતો. એકવાર તો ગૌરાંગને આડકતરી રીતે યૌવન સુખ “બહાર”થી માણી લેવાની” છૂટ આપી દીધી હતી…..પણ ગૌરાંગ સંસ્કારી હતો. એણે પ્રિયાને દેહ અને દિલથી ‘એઝ ઈઝ” અપનાવી લીધી હતી. ઈન્ડિયાથી ગૌરાંગના કુટુંબની જ એક દીકરી જ્યોતિને દત્તક લઈ લીધી હતી.

સમય અને સરનામાં બદલાતાં કાજલ ગૌરાંગનો સંપર્ક પણ તૂટ્યો. દત્તક લીધેલ દીકરી જ્યોતિ, મોટી થઈ, ભણી અને ડોક્ટર થઈ.  એક ડોક્ટર સાથે લગ્ન પણ થઈ ગયા. દીકરીના લગ્ન પછી એક જ વર્ષમાં ગોરાંગના સસરાજી અને પત્ની પ્રિયા પરલોક સિધાવ્યા. ગૌરાંગે ધંધો સમેટી લીધો. દીકરી જ્યોતિએ તો કહ્યું પણ ખરું “પપ્પા યુ આર યંગ, બીજા લગ્ન કરી લો. અગર અમારી સાથે આવીને રહો. પણ ગૌરાંગને દીકરીને ઘેર રહેવાનું ઉચિત ના લાગ્યું. એકલા રહેવાનું જ પસંદ કર્યું. વાર-તહેવારે દીકરીને ત્યાં જતા. થોડા દિવસ દીકરી અને ગ્રાન્ડ કીડસ સાથે ગાળતા. બધું જ હતું પણ કંઈક ખૂટતું હતું. પણ કંઈક શું એ સમજાતું ન હતું. સમય વહેતો ગયો.

એક દિવસ દીકરીનો ફોન આવ્યો. ‘ડેડી, અમે જોઈન્ટ મેડિકલ પ્રેક્ટિશનું નવું ગ્રુપ બનાવ્યું છે. આ સેટરડે મોર્નિંગમાં ઓપનિંગ સેરિમોની છે અને ઈવનિંગમાં બધા જ ડોક્ટરના ફેમિલી મેમ્બર સાથે ડિનરનો પ્રોગ્રામ રાખ્યો છે.. કીપ સેટરડે ઓપન. સેવ ધ ડેઇટ…’

અને શનિવારની સાંજે દશ ભારતીય મૂળના ડોકટરોના કુટુંબીઓ ડાઈનરમાં પરસ્પરની ઓળખાણ મેળવતાં હતાં.

‘ડેડી, આ ડોકટર નિરાલી અને એના હસબન્ડ ડોકટર પરાગ.  અને આ એની બહેન આરાધના અને પ્રથમેશ.  આ મારા ડેડી. જ્યોતિ ડેડીને બધાની ઓળખાણ કરાવતી હતી. ચાલો પેલા કોર્નર ટેબલ પર બેઠા છે એ એમના મોમ છે એમની સાથે ઓળખાણ કરાઉં. તમારે પણ એ જ ટેબલ પર બેસવાનું છે’. જ્યોતિ ગૌરાંગ ડેડીને નિરાલી અને આરાધનાની મમ્મી પાસે લઈ ગઈ.

સાનંદાશ્ચર્ય…. આતો કાજલ!

‘નમસ્તે કાજલજી’ ગૌરાંગે હાથ જોડ્યા.

અંકલ આપ અમારી મૉમને ઓળખો છો? નિરાલી અને આરાધનાને આશ્ચર્ય થયું.

‘હા, હું તો ઓળખું છું પણ એ મને ભૂલી ગયા લાગે છે. કાજલજી, હું ગૌરાંગ.’

કાજલ ઉભી થઈને ગૌરાંગને વળગી પડી. બધી દીકરીઓ અને જમાઈઓ જોતાં જ રહ્યા. બન્નેના અશ્રુભીના આલિંગન પછી જાણે ન છૂટકે લાંબા સમયે છૂટ્યાં

‘ગૌરાંગ તું….સોરી તમે. આ દાઢી, માથા પર હેટ અને ઉમ્મરની અસર. માનવામાં આવતું નથી કે તમે ગૌરાંગ છો.’

….બસ પછી તો કોર્નર ટેબલ પર બન્ને મિત્રોએ બેઠક જમાવી “તને સાંભરે રે, મને કેમ વિસરે રે” પાડોસનો અતિત વાગોળ્યો.

ગૌરાંગ તમારી વાત કરો. તમે તો પૂરા અમેરિકન થઈ ગયા.

‘કાજલ, હું ગૌરાંગ અને તું કાજલ. તમે-અમેનો દંભ છોડ. મારા જીવનની વાત તો તદ્દન સીધી સાદી છે. પ્રિયા સાથે હું ખૂબ જ સુખી હતો…..’ ગૌરાંગે ટૂંકમાં પોતાના અમેરિકન જીવનનો ઇતિહાસ કહ્યો. ‘હવે હું એકલો જ છું. કાજલ તું સુખી તો છે ને? તારા વર્ષો કેવા વિત્યા? કેટલા વર્ષે મળ્યા?’

‘દોસ્ત. મારી વાત જરા લાંબી છે. નિરાંતે વાતો કરીશું. અત્યારે તો પાર્ટી ટાઈમ છે લેટ્સ એન્જોય.’

‘ચાલ કાજલ, મારે ત્યાં; સાથે બેસીને ઘણી વાતો કરીશું. નાના હતા ત્યારે જેમ ઝગડતા તેમ ઝગડીશું.

અને બીજે જ દિવસે કાજલને એની દીકરી ગૌરાંગને ત્યાં મૂકી ગઈ.

અધુરી વાતનો દોર ચાલુ થયો.

‘ગૌરાંગ, મારે તો લગ્ન કરવા જ ન હતા. તેમાંયે તારી સાથે તો નહિ જ. મેં તને જ પ્રેમ કર્યો છે પણ કદીયે તને કહ્યું ન હતું. મને ખબર છે કે તું પણ મને પ્રેમ કરે છે.  મારે તો લગ્ન કરવા જ ન હતા. પણ કરવા પડ્યા. તેં, મારું જીવન સુધારવા તારી નોકરી મને અપાવી દીધી. જેને પરણવા માટે કોઈ પણ તૈયાર ન હતું તેની સાથે તેં લગ્ન કર્યા. તું અમેરિકા ચાલ્યો ગયો. મારે બે દીકરીને ઉછેરવાની હતી. પૈસાની જરૂર હતી. તારા ગયા પછી એક દિવસ કંપનીના માલિકે મને ઓફિસમાં બોલાવી કહ્યું કે આજથી તારો પગાર ડબલ કરી નાંખું છું. મને તો તારા બ્રેઇન અને બોડીની આવશ્યક્તા છે. જો મને બન્ને મળે તો આપણે ઘણી પ્રગતી કરી શકીયે એમ છીએ. હું તારા પર કોઈ જ દબાણ કરતો નથી. મારી લાગણી સમજી શકે એવી સુંવાળી સંગત ઝંખું છું. મેં બે દિવસ ખૂબ જ મનોમંથન કર્યું. બોસની વાઈફ કર્કશા હતી. એમનું સહજીવન અને સહશયન લગભગ અશક્ય થઈ ગયું હતું. મારી યુવાની પણ તડપતી હતી. બે દિવસ પછી મેં મારા બોસને મારી દીકરીઓની ગેરહાજરીમાં ડિનર માટે આમંત્ર્યા. ત્યાર પછી અવાર નવાર અમે બિઝનેશ અંગેની વાતો માટે મળતા રહ્યા. દેહ અને દિમાગથી એકબીજાની જરૂરિયાતો સંતોષનાર મિત્રો બની રહ્યા. જીવનને વહેતું રાખ્યું હતું. આજે પણ હું કોઈ ગિલ્ટી ફિલિંગ અનુભવતી નથી. બીઝનેશ વધ્યો અને મને પચાસ ટકાની પાર્ટનરશીપ પણ મળી. મારી બન્ને દીકરીઓ ડોક્ટર બની અને અમેરિકામાં સ્થાયી થઈ. બોસના ડિવૉર્સ થઈ ગયા. અમે લગ્ન કરવાના હતા; અને એમને એટેક આવ્યો, બોસ ગુજરી ગયા. બધું સમેટી અમેરિકા આવી.  આવી ત્યારથી તારી શોધ કર્યા કરતી હતી. પણ ભાળ મળતી ન હતી. બન્ને દીકરીઓને ત્યાં અવાર નવાર રહું છું પણ માનસિક રીતે એકલી પડી ગઈ છું. દીકરીઓનો પોતાના સંસાર છે. સર્વ સુખ છે પણ એકબીજા માટે સમય નથી. સદ્ભાગ્યે તું મળી ગયો’

…..અને બે દિવસ માટે ગૌરાંગને ત્યાં રહેવા ગયેલી સાંઠ વર્ષની કાજલ, એક બે દિવસ નહિ પણ પૂરા વીશ વર્ષ સાથે રહેતી થઈ ગઈ.

આતો અમેરિકા. બન્નેની દીકરીઓ ખૂબ જ સમજુ હતી. એઓ સિનિયરના સંગાથની જરૂરિયાતને સમજતી હતી. અવાર નવાર પોતાના દીકરા દીકરીઓને લઈને વડીલને મળવા આવતી. બધી દીકરીઓએ એમની જોઈન્ટ બર્થડે સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યુ.

આજે બન્નેની એંસીમી જન્મ જયંતિ હતી. ભવ્ય ઉજવણી હતી. વર્ષો વીતી ગયા હતા. મોટા ભાગના આમંત્રીતો તો એમ જ માનતા હતા કે દાદા દાદી તો મેરિડ જ છે. ઘરમાં થતી વાતો પરથી આ ટેણકી ટીના એટલું સમજી ગઈ કે ગ્રાન્ડ પેરન્ટ મેરિડ નથી. અને ખોળમા ચડી બેસીને કાજલ ગ્રાન્ડમાને પૂછી બેઠી

“ગ્રાન્ડમા વ્હાઈ ડોનચ્યુ મેરી દાદાઅંકલ.”

કાજલ ગ્રાન્ડમાએ હસતાં હસતાં જવાબ આપ્યો “ડિયર, આઈ કાન્ટ મેરી હિમ. હી ઈઝ નોટ માઈ બોયફ્રેન્ડ. હી ઈઝ જસ્ટ માય બેસ્ટફ્રેન્ડ.”

લગ્ન કરીશું તો પણ નવું શું મેળવવાના ઈએ.  અને ન કરીયે તો આપણે શું ગુમાવવાના છીએ? યાર આપણે તો સાથે જ જીવીયે છીએને.

એંસી વર્ષ પહેલાં જન્મેલ જૂનવાણી કાજલ જન્માક્ષરની માન્યતાને કારણે ગૌરાંગની સાથે લગ્ન કરવા નહોતી માંગતી. જોશીએ કહ્યું હતું કે જેની સાથે લગ્ન કરશે એ પુરુષ પાંચ વર્ષની અંદર ઉપડી જશે. કાજલ દાદીમા કોઈને પોતાની વહેમીલી માન્યતાની વાત કરતા ન હતા અને ગૌરાંગદાદા સાથે પ્રેમથી રહેતાં હતાં. દુન્યવી દૃષ્ટિએ ગ્રાન્ડમા ગ્રાન્ડપા ‘લિવિંગ ટુ ઘેધર’માં માનતા આધુનિક ડોસા-ડોસી હતા.

હોલમાં ગાજતું હતુ હેપી બર્થ ડે ટુ ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા; હેપ્પી બથડે ટુ યુ.

(પ્રગટ ગુજરાત દર્પણ મે ૨૦૧૮)

“સજા યે મૌત”

“સજા યે મૌત”

ઋચા

Photo Credit: Google Image

.

‘ઋચા, ગુડ ન્યુઝ. તારો પેરોલ ગ્રાન્ટ થઈ ગયો છે. આવતી કાલે સવારે તું તારે ઘેર જશે. જો બેટી દરેક જીંદગી પ્રભુએ આપી છે. ઉતાવળ અને ગુસ્સામાં આવીને કોઈનું જીવન સમાપ્ત કરવું એ યોગ્ય નથી. ભગવાને આપણને એ અધિકાર આપ્યો નથી. નાદાનિયતમાં તેં  બે જીવનનો અકાળે અંત આણ્યો અને તારી જિંદગીના કિમતી ત્રણ વર્ષો બરબાદ કરી દીધા. તું નશીબદાર છે કે આવતી કાલે તું ઘેર જઈ રહી છે.  તને તો ખબર છે કે સેસન્સકોર્ટમાં પ્રોસિક્યુટરે તો તને  ફાંસીએ લટકાવવાની વાત કરી હતી. એડલ્ટ તરીકે આજીવન કેદમાં ફેરવાઈ. ભગવાનનો પાડ માન કે તારો કેસ હાઈકોર્ટે જુવેનાઈલમાં ફેરવ્યો અને તું બચી ગઈ. કાલે તને સુચના મળી જશે કે તું ભલે ઘેર જઈ શકશે પણ સંપૂર્ણ પણે મુક્ત તો નથી જ. તારા રિસ્ટ્રીકશન્સના પેપર્સ તને અને તારા પેરન્ટ્સને મળી જશે. બી ગુડ યંગ લેડી. ગોડ બ્લેસ યુ.’

જેલ સુપ્રીન્ટેન્ડટે ઋચાના માથાપર  હાથ ફેરવતા કહ્યું. સાડા ત્રણ વર્ષ દરમ્યાન ઋચા આવા બોધપાઠ અનેક વખત સાંભળી ચૂકી હતી. એ સમજતી હતી, પણ એણે જે કર્યું હતું એને માટે કોઈ વસવસો કે રંજ ન હતો.

સાડા ત્રણ વર્ષ પહેલાં સત્તર વર્ષની ઋચાને સેસન્સ કોર્ટે ડબલ મર્ડર માટે એડલ્ટ તરીકે આજીવન કેદની સજા ફરમાવી હતી જે હાઈકોર્ટે કેન્સલ કરી સગીર ગણીને એની સજા ચાર વર્ષની જુવેનાઇલ રિહેબમાં ફેરવી હતી.

ઋચા એની જેલ સેલમાં ગઈ. બેડમાં પડી સિલિંગને તાકતી રહી. આજની રાત ચાર દિવાલની છેલ્લી રાત હતી. કાલે સવારે આઠ વાગ્યે પપ્પા મમ્મી અને દીદી મને લેવા આવશે. પપ્પા મમ્મીની હાજરીમાં ફરી એકવાર કાઉન્સિલર સાઈકોલોજીસ્ટ એકનું એક લેક્ચર આપશે. હિંસા ખોટી છે. કાયદો હાથમાં ન લેવો જોઈએ. કાયદો અને ન્યાય પર વિશ્વાસ રાખવો જ જોઈએ. વિગેરે વિગેરે. હાહાહા. જે સાડા ત્રણ વર્ષ પહેલાં કર્યું તે જ આજે કરવું પડે તો જરૂર કરીશ. પણ મેડમ આગળ તો નીચી મૂંડીએ પાઠ સ્વીકારવા જ રહ્યા.

………એ દિવસ પણ ભૂલ્યો ભૂલાય એવો ન હતો.

તે દિવસે દીદી કોલેજથી આવીને મમ્મી પાસે ખૂબ રડી હતી. ‘કાળીયો મારી પાછળ પડ્યો છે. રોજ કોલેજ આગળ આવીને મને હેરાન કરે છે. સાથેના ગુંડાઓ મને ભાભી તરીકે બુમ પાડે છે. આજે હું અમર સાથે અમારી કોલેજ કેન્ટિનમાં નાસ્તો કરતી હતી ત્યારે કાળીયા એ આવીને અમરને ખૂબ માર માર્યો અને મારી સાથે સંબંધ રાખશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.’

ઋચાની દીદી એટલે મિસ યુનિવર્સિટી ઉર્વશી કે ઉર્વી. રતનલાલ ઝવેરીના બે પુત્રી રત્નો. મોટી ઉર્વશી અને નાની ઋચા. સાક્ષાત અપ્સરાસમી સૌદર્ય સુંદરી ઉર્વશી, એ કોલેજનું ગૌરવ ગણાતી હતી. પિતાના ઝ્વેરાતની એડવર્ટાઈઝિમ્ગની મોડેલ  ઉપરાંત ઉર્વીને ગાર્મેન્ટ ઈન્ડ્સ્ટ્રીની મોડેલ તરીકે પણ કોન્ટ્રાક્ટ મળતા હતા. નાની ઋચા હાઈસ્કુલમાં ભણતી હતી.

અમર ઉર્વશીનો બાળપણનો અને સાથે જ ભણતો દોસ્ત હતો. સીધોસાદો, સામાન્ય ઘરનો અમર, મોટો થતાં કોલેજમાં ઉર્વીનો બોયફ્રેન્ડ બની ચૂક્યો હતો. મધ્યમ વર્ગનો હતો. પપ્પા રતનલાલને ખબર ન હતી કે ઉર્વી એક સામાન્ય કક્ષાના બાપના દીકરાના પ્રેમમાં પાગલ હતી. મમ્મીને દીકરીની પસંદ ખબર હતી. અમર સંસ્કારી યુવાન હતો. અવાર નવાર ઉર્વીને ત્યાં આવતો પણ હતો. મમ્મી સમજુ હતી. ભલે આર્થિક સમાનતા ન હોય પણ સંસ્કાર અને પ્રેમ હોવો જોઈએ. અમર અને ઉર્વીના સંબંધને મમ્મીના મૂક આશીર્વાદ મળી ચૂક્યા હતા. પપ્પા તો એની દીકરીઓને કોઈ સમૃદ્ધ અને વગદાર કુટુંબમાં પરણાવવાની વાતો કર્યા કરતા હતા. મમ્મીએ દીદીને સાંત્વન આપ્યું હતું કે પહેલાં તું ભણી લે સમય આવ્યે હું પપ્પાને સમજાવી દઈશ.

આ કાળીયો રોજ જ ઉર્વીને સતાવતો રહ્યો હતો. સ્ટુડન્ટથી ભરચક કેન્ટીનમાં કાળિયાએ અમરને માર્યો પણ કોઈ એનો બચાવ કરવા આગળ આવ્યું નહી. બે મહિના પછી દીદી અમર સાથે ડેઇટ પર ગઈ હતી. અમર દીદીને ઘરે મૂકી પોતાને ઘેર જતો હતો. રાતનો સમય હતો. કોઈ ટ્રક એની બાઈકને ટક્કર મારીને નાસી છૂટી હતી. અમર એક્સીડન્ટમાં મરી ગયો હતો. માત્ર દીદી જ નહી મમ્મી અને ઋચા પોતે પણ ખૂબ રડી હતી. દુનિયા માટે, ન્યુઝ પેપર માટે એક કોલમના એક્સિડન્ટના સમાચાર માત્ર હતા. હીટ અને રનમાં કોઈ પકડાયું ન હતું. દીદીને શંકા હતી કે આ કાળીયાનું જ કામ છે. પણ એ પુરાવા વગરની શંકાનો શો અર્થ?

કાળીયો એટલે ધારાસભ્ય અભયસિંહનો કુપુત્ર ચિરંજીવ. રંગમાં તદ્દન આફ્રિકન જેવો કાળો. યુવા જગતમાં ‘કાળીયો કાળ’ તરીકે જાણીતો હતો.  ગુંડાગીરીમાં “ભાઈલોગ” જેવો. અનેક છોકરીઓને સતાવતો. પછી રૂપસુંદરી ઉર્વશી પર નજર પડી. બસ એની પાછળ ભમવા લાગ્યો. કોલેજમાં ભણતો ન હતો પણ કોલેજ નજીક ભટક્યા કરતો હતો. છોકરાઓ પર એનો ધાક ઘણો હતો. એની ગુંડાગીરીથી કોલેજનાના સત્તાવાળા પણ ગભરાતા. ચૂટણી સમયે બાપની સામે ઉભેલાના ઉમેદવારના સપોર્ટરની મારપીટ કરતો.

અમરના મૃત્યુ પછી થોડા સમય સુધી ચિરંજીવ કોલેજ નજીક ફરક્યો ન હતો. ઉર્વશી ડિપ્રેશનમાં સરી ગઈ હતી. છેલ્લા વર્ષની પરીક્ષા પણ આપી શકી નહિ. આમ તો પપ્પાને તો એમ કે દીકરી બિમાર છે. ભલે પરીક્ષા ના આપે. આવતે વર્ષે આપશે. બિચારા પપ્પાને દીકરીઓ પાસે બેસીને વાતો કરવાનો સમયજ ન  હતો.

ધારાસભ્ય અભયસિંહ સાથે રતનલાલને વ્યાવહારિક સંબંધો હતા; બલ્કે બિઝનેશને કારણે રાખવા પડતા હતા. ભય વિના પ્રિતી નહિનો ઘાટ હતો. ઈલેક્શન સમયે ચૂંટણી ફંડમાં સારી જેવી રકમ આપવી પડતી હતી. બદલામાં રતનલાલનું સરકારી કામકાજ અભયસિંહની કૃપાથી સરળ થઈ જતું

ઝવેરાતના વેપારી રતનલાલ પર ઈન્કમટેક્ષની નવી તપાસ ચાલતી હતી. અભયસિંહે પતાવી આપવાની ખાસ વાતચીત કરવા ચાર અઠવાડિયા પહેલાં જ રતનલાલ ઝવેરીને મળવા બોલાવ્યા હતા. ઝવેરી ઈન્કમટેક્ષના સાચાખોટા સકંજામાં તો હતા જ. તેમાં અભયસિંહે ધડાકો કર્યો કે તમારા પર પચ્ચીસ કરોડની દાણચોરીના ઝવેરાતનો પણ કેસ થવાની શક્યતા છે. સીધા જ જેલમાં જવાય એવા આંધણ છે પણ ચિંતા નહિ. હું બેઠો છું ત્યાં સુધી આપને કશું નહિ થાય. આ વાત પછી બીજે જ દિવસે ઈન્કમટેક્ષની ફોજે એમને ત્યાં ધર અને શો રૂમપર રેડ પાડી હતી. આમ તેમ શોધ ખોળનો દેખાવ થયો અને ઈન્સ્પેક્ટરે કહ્યું ‘શેઠજી કશું ગભરાવા જેવું નથી. આપના પર અભયસિંહજીની કૃપા છે એટલે અમારે કશું કરવાનું રહેતું જ નથી. આજે રાત્રે મિસિસ સાથે સાહેબને મળવા જઈ આવજો.’

અભયસિંહને ત્યાં ઝવેરી દંપતિનો સારો જેવો આદર સત્કાર થયો હતો. છૂટાં પડતાં પહેલાં અભયસિંહે નમ્ર ભાષામાં જાણે ભીખ માંગતા હોય એમ કહ્યું ‘શેઠજી આપને ત્યાંનું એક રત્ન ઉર્વશીની હું મારા દીકરા માટે ભિક્ષા માંગું છું. મારો ચિરંજીવ અને આપની પુત્રી એકબીજાના પ્રેમમાં છે. દીકરી તો સંસ્કારી છે એ આપને કહી શકતી નથી પણ મને ખબર પડી છે. આપને આ સંબંધ બંધાય તેમાં વાંધો તો નથીને? આવતા ઈલેક્શનમાં ચિરંજીવને પણ ટિકિટ મળવાની છે.

રતનલાલ તો ખૂશ થઈ ગયા હતા પણ એમની પત્નીને તો ઉર્વી અને કાળીયાના પ્રેમની જુઠ્ઠી વાત સાંભળતા ચક્કર આવી ગયા. ઋચાની મમ્મીએ ઘેર આવી રતનલાલને કાળીયાની ગુંડાગીરી અને ઉર્વીના પ્રેમી અમરની વાત કરી આ સંબંધનો વિરોધ કર્યો. પણ બાપ વેપારી હતા. પોલિટિશીયન જમાઈ મળે તો ઘણાં ફાયદા થાય એવું સમજતા હતા. અને હવે ક્યાં અમર છે? જે થયું તે સારૂં જ થયું.

અમરના મૃત્યુ પછી ઋચાની દીદી ઉર્વી ડિપ્રેશનમાં શૂન્યમનસ્ક થઈ ગઈ હતી. એકવાર કોઈ ઝેરી દવા પીવાની કોશીશ પણ કરી હતી પણ ડોક્ટરોએ એને બચાવી લીધી હતી. ઉર્વીનું બોલવાનું બંધ થઈ ગયું.  મમ્મીએ પપ્પાને સમજાવવા ઘણી કોશીષ કરી પણ ઉગ્ર સ્વભાવના રતનલાલ સમજી શક્યા નહિ. એમણે તો માની લીધું કે દીકરી કાંઈ બોલતી નથી એટલે એની તો મંજુરી જ છે.

સગાઈ વિધી થઈ ગઈ. ચિરંજીવ દર બે દિવસે આવતો અને ઉર્વીની સાથે બેસતો. દીદી એની વાતો સાંભળતી કે સમજતી હતી કે કેમ તે શંકા હતી. એની છેડછાડ કરતો. એણે ચિરંજીવનો પ્રતિકાર પણ નહોતો કર્યો. બે વાર એને કારમાં ફરવા લઈ ગયો હતો. ઉર્વી ઘરે આવીને રડી હતી. કાળીયાએ લગ્ન પહેલાં જ એને લૂંટી લીધી હતી. દીદી તો હરતું ફરતું એક મડદું જ બની ગઈ હતી. એને જે કંઈ કહેવામાં આવે તે રોબોટની જેમ કર્યા કરતી. જાણે એને પોતાને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે.

નાની ઋચા સમજતી હતી. તેણે ઉર્વીને કહ્યું પણ હતું, ‘દીદી તું કશે ભાગી જા. આ લોકોતો રાક્ષસ છે. તને ચૂસી રહ્યા છે. પપ્પાને બ્લેક મેઇલ કરી રહ્યા છે. પપ્પાને બિઝનેશ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. તું ભાગ.’ પણ દીદીને કંઈ સમજાયું જ નહિ.

લગ્નના દિવસો પાસે આવતા ગયા. ચિરંજીવ રોજ આવવા માંડ્યો. પપ્પા મમ્મી સાથે એનો વ્યવહાર સુધર્યો હતો. એક સજ્જન તરીકેની છાપ ઉભી કરતો હતો. એકવાર મમ્મી ઘરે ન હતી. દીદીની હાજરીમાં જ એક વાર ઋચાનો હાથ પકડી એની પાસે બેસાડી. મારી આધી ઘરવાલી કહીને ઋચાના શરીર સાથે ચેડા કરવાની કોશીશ કરી. તે હાથ છોડાવી દૂર જઈને બેઠી. દીદીએ જોયું પણ એ કશું બોલી શકી નહિ.

ઋચા વિતેલા દિવસો અને ધટનાઓએ યાદ કરતી હતી. આવતી કાલે એને પણ મમ્મીના હાથનું ખાવાનું મળશે. હવે તો ધીમે ધીમે દીદી પણ સ્વસ્થ થઈ ગઈ હતી. દીદીએ ત્રણ વર્ષ સાઈકોથેરાપી લીધી હતી. ઋચા ખૂશ હતી. ફરી અતિતચક્ર ચાલુ થયું.

ઋચા મનોમન તે દિવસને યાદ કરી હસતી હતી. બે સફેદ બદમાશોને ગણત્રી પૂર્વક હજાર માણસોની જાજરીમાં ફૂંકી માર્યા હતા.

માત્ર શહેર કે રાજ્ય જ નહિ પણ આખો દેશ આ સમાચારથી સ્તબ્ધ થઈ ગયો હતો. ધારાસભ્ય અભયસિંહના પુત્ર ચિરંજીવના લગ્નમાં ચિરંજીવ અને એના પિતાની હજાર માનવોની હાજરી વચ્ચે હત્યા કરી હતી. પાંચ મિનિટ માટે તો રઘવાટમાં કોઈને કશી સમજ નહિ પડી ન હતી. એક ટીવીએ તો જાહેર પણ કરી દીધું હતું કે કાશ્મિરી જેહાદીઓનો આતંકવાદી હુમલો. લગ્નના પાર્ટિપ્લોટમાં રઘવાટ, ઘમાચકડી મચી ગઈ હતી. પણ પાંચ મિનિટ પછી સમાચાર બદલાયા. શહેરના પ્રતિષ્ઠીત રતનલાલ ઝવેરીની પુત્રી ઉર્વશીના લગ્ન સમારંભમાં, સત્તર વર્ષીય પુત્રી ઋચાએ બાપ દીકરાને ઊડાવી દીધા. બિચારી ઉર્વશી તો મ્હાયરામાં ધ્રૂજતી હતી. પિતા રતનલાલ ઝવેરી તો મહેમાનોની આગતા સ્વાગતામાં રોકાયલા હતા. એને સમજ જ ન પડી કે શું થઈ રહ્યું છે.

પાર્ટી પ્લોટ ખાલી થઈ ગયો હતો. બાપ દીકરાની લાશો ઑટોપ્સી માટે લઈ જવાઈ હતી.

એને ખાત્રી હતી કે એને કશું થવાનું નથી. કારણકે પોતે હજુ સગીર છે. એ પકડાય તો પણ એને ભારે સજા થવાની નથી. પણ એકદમ સામાજિક હવા બદલાઈ ગઈ. તાજેતરમાં સોળ વર્ષની ઉપરના દરેક ગુનેગારો માટે પુખ્ત ઉમરની જેમ જ કેસ ચલાવવાની માંગ હતી અને ઋચા પર એડલ્ટ તરીકે જ કેસ ચલાવાયો પણ હતો. ઋચા હારી ગઈ હતી.  એની ગણત્રી ખોટી પડી અને ડબલ મર્ડર માટે જન્મટીપની સજા પણ થઈ હતી. ખૂબ રડી. ધ્રૂજી ઉઠી. સદભાગ્યે પાછળથી સ્પેશીયલ જુવેનાઈલ પ્રોટેકશન અને ડિફેન્સ એટર્ની સરોજ શાહે હાઈકોર્ટમાં તે કેશને જુવેનાઈલ કોર્ટમાં ફેરવી ચાર વર્ષની રિહેબમાં ફેરવી હતી. રૂચાએ તો ગુનો કબુલી જ દીધો હતો; ક્રોસ એક્ઝામિનેશનમાં ઋચાના  જણાવ્યા મુજબ હકીકત આ પ્રમાણે હતી.

લગ્નના બે દિવસ પહેલાં રતનલાલને આંગણે સરકારી કાર આવીને ઉભી રહી. ડ્રાઈવરે કહ્યું કે ચિરંજીવ સાહેબે ઉર્વીને સાડીની પસંદગી કરવા માટે બોલાવી છે. ઉર્વી ડ્રાયવર સાથે સાસરે પહોંચી. બે કલાકમાં પાછી ફરી. લગ્નની સવારે ઉર્વીના મહેંદી વાળા હાથમાં ગન હતી. પોતાને લમણે તાકી અને ટ્રિગર દબાવવા જતી હતી ત્યાં ઋચાએ આવીને, થપ્પડ મારીને ગન પાડી નાંખી.

‘ઋચી મને મરવા દે.’

‘સારુ દીદી મરી જા, પણ કહેતી જા કેમ? પણ દીદી મને કહેતો ખરી શું થયું? અહિં મરવાને બદલે મ્હાયરામાં મરજે ફેમસ થઈ જશે ’

‘મને પરમ દિવસે કાળીયાએ બોલાવી હતી. હું ગઈ ત્યારે કાળીયો તો એની મા સાથે કોઈ કામે ગયો હતો. એ બન્નેની ગેરહાજરીમાં એના બાપે જ મને બોલાવી હતી. એણે મને પેટ ભરીને ચૂંથી નાંખી. હું લાચાર હતી. બસ જવે જીવવાની હામ નથી. પ્લીઝ આ વાત મારે કોઈને કહેવી નથી. મારે મરવું જ છે.’

‘જો મરવું હોય તો માહ્યરામાં બેસીને મરજે. હમણાં નહિ. હું તને મદદ કરીશ.’ ઋચા ગન લઈને બીજા રૂમમાં ચાલી ગઈ. વરઘોડો આવ્યો. માંડવે દુલ્હો પોંખાયો. અને કાળીયો માંહ્યરામાં ગોઠવાયો. પાર્ટિપ્લોટ પર મોટો શામિયાણો નામાંકિત માણસોથી ઉભરાતો હતો. ધારાસભ્યના પુત્રના લગ્ન. અને એ પણ નાની ઉમ્મરનો ભાવી ધારાસભ્ય, ઘણાં પ્રધાનો પણ આશીર્વાદ આપવા આવ્યાં હતાં. વિરોધ પક્ષના આગેવાનો પણ હાજર હતા. પુરોહિતો કન્યા પધરાવો સાવધાન ના મંત્રો ભણતા હતા. મામાઓ પાલખીમાં ઉર્વીને લઈ આવ્યા. નાની બહેન ઋચા પાલખીની સાથે જ હતી. ઉર્વી ખુરશી પર બેઠી. વરકન્યા વચ્ચે અંતર પટ હતું. મંગળાષ્ટકો ગવાતા હતાં. દુલ્હાની બાજુમાંન પિતા અભયસિંહ અને એની પત્ની ઉભા હતા. બસ એ જ સમયે ઋચાએ ખુબ જ સ્વસ્થતાથી  માહ્યરામાં બેઠેલા જીજાજી અને એના પિતા અભયસિંહની છાતીમાં બબ્બે બુલેટ ધરબી દીધી હતી. ખુબ જ સ્વસ્થતાથી પોતે સ્મિત સાથે હાથમાંની રિવોલ્વર, ધારાસભ્ય અભયસિંહની તહેનાતમાં ઉભેલા પોલિસ ઓફિસરને સોંફી દીધી હતી.

સત્તર વર્ષની ઋચાની ગણત્રી ચોક્કસ હતી. દીદીને આત્મહત્યા કરવા દેવી ન હતી. જો દીદી ખૂન કરે તો તેને ફાંસી કે જન્મટીપ ની સજા થઈ શકે. એ જાણતી હતી કે ગુનેગારો પણ હવે સગીર વયના છોકરાઓ પાસે ખૂન જેવા ગુનાઓ કરાવે છે અને તેઓ સહેલાઈથી છૂટી જાય છે. બસ મારે તો મારી બહેન માટે જ કરવાનું છે ને. આ કામ હું જ કરીશ. અને એણે એ જ કર્યું.

નીચલી કોર્ટમાં તો જન્મટીપની સજા થઈ પણ સગીર હિતના કાયદાએ એને બચાવી લીધી. સમાજને અભયસિંહ અને એના પુત્રના ખૂનનો કોઈ જ વસવસો ન હતો. ઘણાંએ રાહત અનુભવી રૂચાના છૂટકારા માટે બાધાઓ માની હતી. ઋચાએ પોતાના પરિવારના અને સમાજના બે નરાધમોને સજાયે મોતની ફરમાવી હતી. આજે લગભગ બાવીસ વર્ષની રૂચાને ગુનો કર્યાનો જરા પણ અફસોષ ન હતો.

કાલ સવારની રાહ જોતી ઋચા નિરાંતે ઊંઘી ગઈ.

એપ્રિલ ૨૦૧૮ “ગુજરાત દર્પણ”

“પાંચ મિનિટનો પ્રેમ”

પ્રવીણ શાસ્ત્રી

 “પાંચ મિનિટનો પ્રેમ”

kiss1.jpg

આજે આરતિ વાંઢા નંબર ત્રણને નાપાસ કરીને હોટલ પ્રિન્સેસમાંથી બહાર નીકળી. તે હોટલના પગથીયા ઉતરી અને વરસાદ પડવો શરૂ થઈ ગયો. વરસાદની કોઈ આગાહી ન હતી. પાસે છત્રી પણ ન હતી. કોઈ ખાલી રિક્ષા પણ આવતી ન હતી, એકાએક આગળ નીકળી ગયેલી એક રિક્ષાએ ડેન્જરસ યુ ટર્ન લીધો અને તેની પાસે આવીને ઊભી રહી.

‘મેમ, બૈઠ જાઓ. આપકો કહાં જાના હૈ.’

‘શિવમ નગર સોસાયટી, બંગલા નંબર સેવન.’

રિક્ષાને દોડવું શરૂ કર્યું અને નિર્ધારિત સ્થળે પેસેન્જરને ઉતારવા અટકી.

‘કેટલા આપું?’ આરતિએ પર્સ ખોલતાં પૂછ્યું.

‘નથ્થિંગ મેમ, હું શિવમ નગરની પાછળની સોસાયટીમાં જ રહું છું. ઘેરે જ જતો હતો અને મેડમ આપને જોયા એટલે રાઈડ આપી.’

અત્યાર સૂધી આરતિએ રિક્ષા ડ્રાઈવર સામે જોયું જ ન હતું. એ તો રિક્ષામાંયે એના ફોન પર બીઝી હતી. એ આવતી કાલના પ્લાનિંગનું વિચારતી હતી. ઘર આવતાં ઊતરીને ડ્રાયવર સામે જોયા વગર જ પર્સ ખોલીને પૂછ્યું હતું “કેટલા આપું?’

એણે નીચા નમીને રિક્ષા ડ્રાઈવરના મોં સામે જોયું.

‘તમે મને ઓળખો છો? યાદ નથી આવતું પણ મને એવું લાગે છે. મેં તમને કશેક જોયા છે.’

‘મેડમ, યાદશક્તિ માટે બદામનો શીરો ખાવો પડે. મેમ જલ્દી ઘરમાં જાવ. વરસાદમાં પલળી જશો.’

 આરતિ પલળતી, વિચારતી ત્યાં જ ઊભી રહી અને રિક્ષા નજર બહાર નીકળી ગઈ.

આજનો આખો દિવસ વિચિત્ર અનુભવોમાં પસાર થયો હતો.

પાછળની સોસાયટીમાં જ રહેતો રિક્ષાવાળો? આરતિ વિચારતી રહી. એ જ્યારે છ વર્ષ પહેલાં અમેરિકા ગઈ તે સમયે એમની શીવમ સોસાયટીની પાછળ કોઈ જ સોસાયટી ન હતી. પણ મોટાભાઈએ ફોન પર જણાવ્યું હતું કે પાછળ “ન્યુ હેવન સોસાયટી” ડેવલોપ થઈ રહી છે. લક્ઝરી બંગલાઓ બંધાય છે. લક્ઝરી બંગલામાં મને ઓળખતો સામાન્ય રિક્ષાવાળો? કંઈ ઘડ બેસતી ન હતી.

બારીમાંથી બાવીસી ભત્રીજી મોનાએ બુમ પાડી. ‘આન્ટી, ઘરમાં આવી જાવ, ઘરમાં ન્હાવા માટે ઘણું ગરમ પાણી છે.’  ચાંપલી મોનાની વાત સાચી જ હતી. શરદી ઉધરસ હમણાં જ મટ્યા હતા અને કમોસમી વરસાદ તબીયત બગાડે તો અમેરિકા પાછા જવામાં ગરબડ ઉભી થઈ જાય.

એ ઘરમાં ગઈ. ડિનર ટેબલ પર ગોઠવાઈ. માબાપની ફરજ બજાવતા આધેડ ભાઈભાભી અને ચાંપલી ભત્રીજી મોના સાથે વાતચીત માત્ર રાત્રીના ડિનર ટેબલ પર જ થતી.

‘ભદ્રેશ કેવો લાગ્યો. કંઈક મેળ બેસે એવો છે?’ ભાભીએ હળવેથી સવાલ પૂછ્યો.

‘ભદ્રેશ? ભીમકાય ભદ્દો?  જવાદો એની વાત. એને તો બે જ ઈન્ટરેસ્ટ. અમેરિકા અને ફૂડ. મારો અડધો દિવસ નકામો ગયો. વરસાદમાં પલળી તે જુદી.’

‘પલળ્યા તેમાં એમાં કોઈ ભદ્દાભદ્રેશ ફૂવાનો વાંક નહતો. વરસતા વરસાદમાં રિક્ષાવાળા સાથે કંઈ નિગોશીયેશન કરવામાં અને રિક્ષા ગયા પછી એના વિરહ ગીત ગાવામાં જ પલળી ગયા હતા. રિક્ષા વાળો હેન્ડસમ હતોને?’

‘ચાંપલાશ બંધ કર, નાને મોંએ મોટી વાત.’ જો કે ભત્રીજીની વાત સાચી હતી. એ રિક્ષાવાળાની ઓળખ મેળવવાના વિચારમાં જ પલળી હતી.

‘આન્ટી, હું એ રિક્ષાવાળાને ઓળખું છું. મારા બોય ફ્રેન્ડના મોટાભાઈ છે. નાનીસી ફીમાં ઓળખાણ કરાવી આપું?.’

‘ભાભી, સાંભળ્યું? આ ચાંપલીને અત્યારથી બોય ફ્રેન્ડ છે’

‘આરતિ, જમાનો બદલાઈ ગયો છે. જોને આને એક નહિ, અનેક છોકરાઓ ફ્રેન્ડસ છે. બધાને જ મારો બોયફ્રેન્ડ બોયફ્રેન્ડ કરે છે અને અમને ગુંચવે છે. કોઈ એકની સાથે ઠેકાણું પાડે તો અમારી જવાબદારી પૂરી થાય’

મોટાભાઈ ટેબલ પર આવ્યા અને વાત પર પડદો પડ્યો.

રાત્રે આરતિની ઊંઘ ઊડી ગઈ. કાલે સવારે ચાંપલી મોનાને પટાવીને રિક્ષાવાળાની ઓળખ તો મેળવવી જ પડશે. રિક્ષાવાળાએ કહ્યું હતું, ‘યાદશક્તિ માટે બદામનો શીરો ખાવો પડે’ આતો કોલેજ પ્રોફેસર દેસાઈ મેડમનું પેટન્ટ સેન્ટન્સ. શું રિક્ષાવાળો કોલેજનો ક્લાસમેટ હતો? અંધારામાં બરાબર ચહેરો બરાબર દેખાયો ન હતો. જરા થોભ્યો હોત તો! કોણ હશે એ? આરતિ આખી રાત પડખા ફેરવતી રહી. સવાર પડે તેની રાહ જોતી રહી.

‘એઈ મોનુડી, મારી એકની એક ભત્રીજી, મારી બેસ્ટ ફ્રેન્ડ, આજે મારે છેલ્લા પ્રોસ્પેક્ટને જોવા જવાનું છે. પેલા રિક્ષાવાળાને બોલાવને! તારા બોયફ્રેન્ડનો કોઈ ખાસ સગો છે ને? આ ઈન્ડિયામાં કાર વગર હેરાન થઈ જવાય, અને હોય તોયે શું? આ સેન્સલેશ ટ્રાફિકમાં હવે તો મારાથી ડ્રાઈવ પણ ના થાય.’

‘આન્ટી, આપને આજના પ્રોસ્પેક્ટમાં રસ છે કે રિક્ષાડ્રાઈવરમાં?’

‘રિક્ષામાં બેસીને પ્રોસ્પેક્ટને મળવા જવામાં. ચાંપલાશ છોડીને જલ્દી ફોન કર’

‘ઈન્ટરેસ્ટ હોય તો ઓળખાણ કરાઉં પણ મારી ઈનટ્રોડક્ષનફીસ ભારે છે.’

‘ઈન્ટરેસ્ટ નથી. રિક્ષા માટે ફોન કર’

‘લાયર. ચીકણી અમેરિકન આન્ટી! ઓકે. હું કોલ કરું છું.’

મોટો ઉપકાર કરતી હોય એમ મોનાએ ફોન કર્યો.

‘દશ મિનિટમાં રિક્ષા આવે છે.’

આરતિ બંગલાના ગેઇટ આગળ જઈને ઊભી અને તરત જ રિક્ષા આવી પહોંચી.

ઓહ નો. આતો કોઈ જુવાનીયો છોકરો છે. ગઈકાલે તો કોઈ શોર્ટટ્રીમ બિયર્ડવાળો હમઉમ્ર લાગતો મેચ્ચ્યોર રિક્ષાવાળો હતો.

‘મેમ ક્યાં જવું છે?’

‘એમ્બેસેડર પાર્ક હોટેલ,’

‘મેમ, એમ્બેસેડર પાર્કથી જરા ઓપોઝિટ ડિરેક્શનમાં જવું પડશે. મારા મોટાભાઈ મારી બાઈક લઈને રાજદૂત હોટલ પર કોઈને મળવા ગયા છે. હું આપને રાજદૂત હોટેલ પર ઉતારી, મારી બાઈક લઈને કોલેજ જઈશ અને મોટાભાઈ આ રિક્ષામાં તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જશે.’  અને રિક્ષા ધમધમાટ વાંકીચૂકી રસ્તો કાપતી રાજદૂત હોટલ પાસે આવીને ઊભી રહી.

‘તમે જરા બેસો, મોટાભાઈ આવે છે; એ તમને એમ્બેસેડર પર લઈ જશે. મને મોડું થાય છે. હું જઈશ. બાય કહીને એ છોકરો, પાસે પાર્ક કરેલી બાઈક લઈને ઉપડી ગયો. બે જ મિનિટમાં હોટલમાંથી મોટાભાઈ આવીને રિક્ષામાં ડ્રાઈવર સીટ પર ગોઠવાઈ ગયા. ‘ચાલો મેમ આપને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દઉં.’

‘વેઈટ, રિક્ષાવાળાભાઈ જરા ઓળખાણ તો કરવા દો. પ્લીઝ, જરા આપનું મુખાર્વિંદ મારા તરફ ફેરવોને?’ આરતિ કોલેજીયન ગર્લ બની ગઈ.

‘ખાસ જોવા જેવું નથી. છતાં મેમસાહેબ ઓર્ડર કર્યો છે તો જોઈલો’ રિક્ષાવાળાએ મોં ફેરવ્યું.

‘એઈ મેમના બચ્ચા, બદમાશ ભાવિન તું? ગઈકાલે વરસાદ અને અંધારામાં તું ઓળખાયો નહિ. મારે કશે નથી જવું’ પાછળ મારી સાથે આવી જા. જરા તારી કુંડળી કાઢવી છે’ ભાવિન આરતિની બાજુમાં આવીને બેઠો.

ભાવિન કોલેજના ચાર વર્ષ આરતિ સાથે જ હતો. શરુઆતમાં માત્ર નજરની જ ઓળખાણ. ભાવિન સરસ ગાતો હતો. મન્નાડે અને કિશોરકુમારના ગીતોનો ગાંડો હતો. એકવાર કોલેજ ગ્રુપમાં ગાતો હતો ત્યારે ગાતાં ગાતાં ગીતના શબ્દો એ ભૂલી ગયો અને માત્ર આઆ થી જ ચલાવ્વા માંડ્યું અને આરતિએ, દેસાઈ મેડમની કોમેન્ટ પણ મારી હતી ‘યાદ રાખવા માટે બદામનો શીરો ખાવો પડે’  ક્યારેક કોલેજ કેન્ટિનમાં એકબીજા સાથે ઠઠ્ઠા મશ્કરી ચાલતી. ભાવિન સીધો સાદો છોકરો હતો. કોલેજ જવા માટે સાઈકલ પણ ન હતી. ચાલતો કોલેજ જતો. એક વાર આરતિએ એને સ્કુટર પર રાઈડ આપવાની ઓફર પણ કરી હતી પણ શરમને કારણે એણે ‘નો થેન્ક્સ’ કહ્યું હતું. કોલેજના વર્ષો પૂરા થયા. મિત્રો વિખેરાઈ ગયા. ચહેરાઓ બદલાયા અને વિસરાયા. આજે ભૂતકાલીન બે ક્લાસમેટ રિક્ષામાં બેસીને ઓળખાણ તાજી કરતા હતા.

‘એઈ ભાવિન તું. તું રિક્ષા ચલાવે છે?’

‘હા. કેમ મારાથી ન ચલાવાય? પાકું લાઈસન્સ અને બેચ છે.’

‘બીજી કોઈ સારી જોબ, ઓફિસમાં નોકરી….?’

‘માત્ર બી.એ. થયેલા ગરીબ બ્રાહ્મણને લાગવગ વગર નોકરી કોણ આપે. એક વર્ષ બેકાર રહ્યો. એક રિક્ષા રાત્રે લઈને ચલાવવા માંડી. હું તો રિયલ લાઈફનો ઈન્ડિયન ફિલ્મી હિરો. બહેનને પરણાવવાની હતી. પહેલાં ભાડાની રિક્ષા ફેરવતો હતો. પછી પોતાની રિક્ષા લીધી. કરકસર અને થોડા વધારે કલાક રિક્ષા ફેરવી બીજી રિક્ષા લીધી અને ભાડે આપી. આજે મારી આ જૂની લકી રિક્ષા ઉપરાંત ભગવાનની દયાથી મારી બીજી પંદર રિક્ષા શહેરમાં ફરે છે.  બહેન પરણી ગઈ. ભાઈને ભણાવવાનો હતો. હજુ ભણે છે. એક વર્ષમાં એમ.બી.બી.એસ થઈ જશે. હું તો ભાડાના ઘરમાં જનમ્યો અને મોટો થયો. બાની ઈચ્છા હતી એક નાનું મકાન થાય. તો બાની એ ઈચ્છા પણ પૂરી કરી. તમારી પાછળની સોસાયટીમાં જ ઘર રાખ્યું છે. બા એમાં એક વર્ષ સંતોષથી રહ્યા. ગયે વર્ષે જ દેવલોક પામ્યા. બાના ગયા પછી રોજ બે ત્રણ કલાક વૃધ્ધોને ફરવા, દવાખાને લઈ જવાની મફત સેવા આપું છું.’

‘મારી કૌટુંબિક ફરજ પૂરી થઈ. જવા દો મારી દાસ્તાં. તમારી મોના મારા ભાઈની ગર્લફ્રેન્ડ છે. એણે તમારી વાત કરી હતી કે મારી ફોઈ અમેરિકાથી આવે છે. પણ મને ખબર ન હતી કે મોનાના ફોઈ આપ આરતિ બહેન છો. કેમ છે જીજાજી? એકલા જ આવ્યા છો? મૈને તો મેરી સુનાઈ, અબ આપ આપકી બંસી બજાઓ. અબ તો હમ આપકે નેબર હો ગયે. મોના ઔર મેરા ભાઈ પ્રતિક કી શાદીકે બાદ હમ સંધી ભી હો જાયેંગે.’ ભાવિને રિક્ષાવાળાની ભાષામાં કોલેજ પછીની જીવનકથા જણાવી.

‘એઈ, આ તમે, આપ અને બહેન, જીજાજી-બીજાજી છોડ. પહેલાં એ કહે; ભાભીનું નામ શું છે? કેટલા બાબા બેબીની લાઈન લગાવી છે છે?’

‘આ ગરીબ રિક્ષાવાળા, માત્ર બી.એ. થયેલા બામણને કોણ પોતાની દીકરી આપે? હવે કુંવારો નહિ પણ બે ત્રણ વર્ષમાં ધોળા વાળ વાળો વાંઢો કહેવાઈશ. ના આરતિજી, મેરેજ નથી કર્યા. દશ વર્ષ સંઘર્ષમાં જ વીતી ગયા. હવે તમારી વાત કરો.’

‘અહિ રિક્ષામાં નહિ, ચાલ હોટેલમાં જઈને નિરાંતે વાત કરીયે.’

‘પણ તમારે તો એમ્બેસેડર પર જવાનું છે ને. ચાલો મૂકી દઉં.’

‘સવારે બ્રેકફાસ્ટ વગર જ નીકળી પડી છું. ભૂખ લાગી છે. ખાતાં ખાતાં વાતો કરીએ. પેટપૂજા કરીને એમ્બેસેડર પર જઈશ’

આરતિએ રીતસરનો ભાવિનનો હાથ ખેંચી રાજદૂત હોટલના પગથીયા ચઢવા માંડ્યા….બન્ને ખૂણા પરના ટેબલ પર ગોઠવાયા.

‘ચાલો હવે તમારી નવાજૂની સંભળાવો આરતિ મેડમ.’

‘કોલેજ પૂરી કર્યા પછી બાની એક જૂની ફ્રેન્ડ વિશાખામાસીનો દીકરો જીતેશ અમેરિકા જવાનો હતો તેની ઓફર આવી. એની બહેને પેટિશન ફાઈલ કરી હતી. કોલેજનું માત્ર એક જ વર્ષ કર્યું હતું. મને એમ કે અમેરિકામાં તો મારું બી.એ. કે જીતેશનું કોલેજનું એક વર્ષ બધું જ સરખું. ચાલો અમેરિકા જવાનું તો મળશે ને. હું પણ તૈયાર થઈ ગઈ. લગ્ન થઈ ગયા અને અમેરિકા પહોંચી. મારા નણંદ નણદોઈ ભલા અને સજ્જન માણસ. એમણે મને એક ઓફિસમાં જોબ અપાવી. જીતેશને ફેકટરીની નાઈટ શિફ્ટની જોબ અપાવી.’

‘થોડા સમયમાં એ રવાડે ચઢી ગયો. એણે મારામાંથી રસ ગુમાવી દીધો. એને ગોરી ચામડીની સુંવાળાશ ગમવા લાગી. હું જોબ પર જાઉં ત્યારે  કોલગર્લને મારા એપાર્ટમેન્ટમાં લઈ આવતો. એક વાર રંગે હાથ પકડ્યો. નફ્ફટ તો કહે તારે જે કરવું હોય તે કરવાની છૂટ છે. ધીસ ઇઝ કોલ ઓપન મેરેજ. ધીસ ઈઝ અમેરિકા. પછી ખબર પડી કે ઈન્ડિયામાં પણ આવો જ હતો, અહી દેશી દારુ પીતો અને અમેરિકામાં બધી જાતના હાર્ડલિકર પીવા માંડ્યાં. એને બહેન બનેવીએ સમજાવ્યો. ઠપકાર્યો પણ સુધરવાને બદલે બગડતો જ ગયો.  છેવટે મારી નણંદે જ કહ્યું કે મારા નાલાયક ભાઈ સાથે તારી જીંદગી બરબાદ ન કર. ન છૂટકે દોઢ વર્ષમાં ડિવોર્સ લઈ લીધા. મારે તો હવે લગ્ન કરવા જ નથી. મોટાભાઈએ તો કહ્યું હતું કે તું ત્યાંથી જ કોઈ સારો યુવાન શોધી કાઢ. પણ મન માનતું નથી. હવે હું તો બત્રીસની થઈ. પાછી ડિવોર્સી. મગજમાં કોઈ ઉતરતું નથી. ભાભીનો આગ્રહ છે કે હું ફરી લગ્ન કરીને સેટલ થાઉં. છ વર્ષે પાછી આવી ત્યારે ભાભીએ પાંચ સાત નંગો મારે માટે ગોઠવી રાખ્યા હતા. બધાને અમેરિકામાં જ રસ છે. મારામાં કોઈને નથી. એકલવાયી જીંદગીથી ટેવાઈ ગઈ છું. હવે કદાચ મારાથી જ કોઈની સાથે ન રહેવાય. એમ્બેસેડર પર આ છેલ્લા નંગને ના કહેવા જ જવાની છું. ભાભીએ જ ગોઠવ્યું છે. એક કામ કર; તું મારી સાથે આવજે હું ભાભીએ ગોઠવેલા મુરતિયાને કહી દઈશ કે ગઈ કાલે જ મેં આમની પસંદગી કરી લીધી છે. સોરી એન્ડ થેક્સ ફોર યોર ટાઈમ. પેલાની સાથે લપ્પન છપ્પન કરવી મટે. કેન યુ બી માઈ ટેમ્પરરી ફિયાન્સ?’

‘ના ભઈ ના, એવું જૂઠું તો કેમ બોલાય. એ કેટલી આશા સાથે તમને મળવા આવ્યો હશે, અસત્ય બોલવાનું અને આપના છેલ્લા આશાસ્પદ નંગને દુઃખી કરવાનું પાપ, મારાથી કેમ કરીને થાય? છતાં મિત્રસેવા કાજે આપ કહેશો એમ કરીશ.’

‘જો ભાવિન, વી આર ફ્રેન્ડસ. આ મેમ, મેડમ, તમે અને આપ જેવા વર્ડ્ઝ મને અકળાવે છે.’

‘વેલ, અમે રિક્ષાવાળા બધી મહિલાને મેમ, મેડમ અને આપ જ કહીયે છીએ. આજના દિવસ માટે હું આપનો ટેમ્પરરી તું કહેનાર ફ્રેન્ડ, ટેમ્પરરી કહ્યાગરો ફિયાન્સ. લેટ્સ ગો.’

રિક્ષા એમ્બેસેડરની દિશામાં દોડતી થઈ.

ભાવિનના મગજમાં વિચાર દોડતા હતા, બા ગુજરી ગયા. બેન એના જીવનમાં સ્થિર થઈ ગઈ. ભાઈ ડોક્ટર થઈ ને એનું જીવન જીવતો થઈ જશે. બે પાંચ વર્ષ પછી હું તો એકલો જ ને? આરતિ સરળ યુવતી છે. લગ્ન કરવા જ આવી છે? મને પસંદ કરશે? એને પૂછી જોઉં? એને પ્રપોઝ કેવી રીતે થાય? પણ હિમ્મત નથી અને આવડત નથી. કેમ કરીને પૂછાય?

આ બાજુ આરતિ વિચારથી હતી; ભાવિન સિંગલ છે. ઈન્ટેલીજન, પ્રેકટીકલ અને હાર્ડવર્કિંગ પર્સન છે. જો તૈયાર થાય તો ભાવિન શું ખોટો? લેટમી ટ્રાય. એ તો સમજશે જ નહિ અને મેમ, મેડમ અને બહેન કહેતો રહેશે. વધુ સમય પણ નથી. પોસિબિલિટિ ચેક કરવા શું વાંધો? મારે જ હિમ્મત કરવી પડશે.

બન્ને એમ્બેસેડર હોટેલના ડાઈનિંગ હોલમાં પ્રવેશ્યા. પાંચ નંબરના ટેબલ પર છેલ્લો મુરતિયો રાહ જોવાનો હતો. પાંચ નંબરના ટેબલ પર કોઈ ન હતું. ટેબલ પર ફ્લાવર બુકે હતું. વેઈટર બોય એક ચિઠ્ઠી આપી ગયો. “આરતિદેવી, હું ટાઈમ મેનેજમેન્ટમાં માનું છું અને પંક્ચ્યુઆલીટી પ્રીફર કરું છું. મને એમ કે તમે અમેરિકન છો એટલે સમયની કિમ્મત તો સમજતા જ હશો. મારો સમય ન સાચવે એવી પત્નીની મને જરૂર નથી. ગુડલક. પ્રો.પાનવાલા.”

‘ભાવિન તારે લીધે પ્રો.પાનવાલા ને મેં ગુમાવ્યા. લગ્ન તો કરવા જ પડશે. ન કરું તો ભાઈ ભાભીને દુઃખ થાય અને ચિંતા રહે. આ પહેલી વખત કોઈએ મને ટાઈમસર ન હોવાને કારણે રિજેક્ટ કરી. ઓહ માય ગૉડ! હવે મને કોણ પરણશે? બેસ આ પાંચ નંબરના ટેબલ પર જ થોડી વાત કરીયે અને લંચ લઈએ’

‘જો દોસ્ત તું અહીં ટેમ્પરરી તરીકે આવ્યો છે પણ હું તને પરમેનન્ટ કરી દઉં તો તને ગમશે? હવે મારી પાસે બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. હવે મારી પાસે અહિ રહેવા માટે વધારે સમય પણ નથી. ત્રણ વીકમાં જોબ પર હાજર થવાનું છે’

‘અરે પણ આપણે તો માત્ર ફ્રેન્ડ જ છીએ. લગ્ન માટે પહેલા પ્રેમ થવો એ જરૂરી છે એવું નહિ?’ ભાવિન અકળાયો. એના મનની વાત તો આરતિએ જ કરી દીધી હતી.

‘તો ચાલ પાંચ મિનિટ પ્રેમ કરી કઈએ. પ્રો. પાનવાલા બુકે મૂકી ગયો છે એ મને આપી દે. સાડા ત્રણ મિટિટનું તારું મન્નાડેજીનું મારું ફેવરિટ સોંગ “એ મેરી જોહરાજબી” ગાઈ નાંખ અને પછી મને કિસ કરી દે. પ્રેમ થઈ ગયો. મને પ્રપોઝ કરી દે’

‘કીસ? આ ઈન્ડિયા છે. અહિ જાહેરમાં કિસ ના થાય.’

‘તું ન કરે તો હું કરીશ. હું અમેરિકન છું. મારાથી તો થાય. પોલિસ પકડે તો સો રૂપિયા આપી દઈશ.’

‘મેમ, સોના જમાના ગયા. કિસ કરો. પાંચસોમાં હું આંખ બંધ કરીશ.’ પાછળથી વાત સાંભળતો એક ‘ખાખી’ પોલિસ આંખ બંધ કરીને, હાથ ધરીને હસતો હસતો ઊભો રહી ગયો. પાંચ મિનિટનો પ્રેમ પ્રસંગ સચવાઈ ગયો. પોલિસ ભાવિનને ઓળખતો જ હતો

 ૦૦૦૦૦

કહેવાની જરૂર નથી કે માત્ર પાંચ મિનિટના પ્રેમ પછી આજે પચાસ વર્ષની ઉમ્મરે ભાવિન અમેરિકામાં મર્સિડિઝ બેન્ઝ ‘રે કેટિના’ની એજન્સી ધરાવતો બિઝનેશમેન છે. અને આરતિ બે ટિનેજર દીકરાની જવાબદારી સંભાળે છે. ચાંપલી ભત્રીજી મોના, ભાવિનના ભાઈ ડો.પ્રતિક સાથે અમેરિકામાં જલસા કરે છે.

(ગુજરાત દર્પણ-માર્ચ ૨૦૧૮)