Category Archives: Gujarati Stories

છઠ્ઠી બુલેટ

Suiside

છઠ્ઠી બુલેટ

આખો કોર્ટરૂમ ચિક્કાર હતો. કોર્ટની બહાર સેંકડો માણસોના ટોળાં ચુકાદાની રાહ જોતાં હતાં. બરાબર અગિયાર વાગ્યે ન્યાયાધીશે એનું સ્થાન ગ્રહણ કર્યું. હથોડીના એક જ ઠપકારમાં કોર્ટરૂમનો ગણગણાટ શાંત થઈ ગયો. સૌ ચુકાદો જાણવા આતુર હતા. કેસ, રેપ અને મર્ડરનો હતો. બળાત્કાર અને હત્યા. આરોપી સામાન્ય વ્યક્તિ ન હતી.  મુખ્યઆરોપી તરીકે વગદાર અને સિનિયર ધારાસભ્ય શ્રી જગન્નાથ હતા.

શ્રી જગન્નાથજીના ચારિત્ર્ય અંગે વર્ષોથી ટેબ્લોઈડ જર્નાલિઝમે ઓછાં માછલાં ન્હોતા ધોયા; પણ એક પણ મહિલાએ એમની વિરૂધ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. આ એક પહેલો જ કેસ એવો હતો કે જેમાં થોડા   સાંયોગિક પુરાવાની લિન્ક રજુ થઈ હતી અને તે ટેબ્લોઈડની રિપોર્ટરે જ ચગાવ્યો હતો.

ભારતિય સેનાના ફાઈવ પોઈન્ટ થ્રીસ્ટાર કેપ્ટન રવિન્દ્રસિંહની બ્રિટિશ પત્ની એલિઝાબેથ અને તેની બાર વર્ષની પુત્રી પર બળાત્કાર થયા પછી તેમની હત્યા કરાઈ હતી. બધી દિશાઓ તરફથી રેલો જગન્નાથજી તરફ જ જતો હતો.

એલિઝાબેથ ઈંગ્લેન્ડથી એક્ષ્ચેઇન્જ સ્ટુડન્ટ તરીકે ભારત આવી હતી. રવિન્દ્રસિંહ તે સમયે તે જ યુનિવર્સિટીમાં ટેકનોલોજીનો સ્ટુડન્ટ હતો. ટોલ, ડાર્ક અને હેન્ડસમ રવિન્દ્રસિંહની ઓળખાણ કોમન ફ્રેન્ડ વિદ્યુતિએ એલિઝાબેથને કરાવી. એકબીજાની મૈત્રી ધીમે ધીમે પ્રેમ અને પછી એ પ્રેમ પરિણયમાં પરિણમ્યો. એલિઝાબેથ રવિન્દ્રને લઈને ઈંગ્લેન્ડ જવા ઈચ્છતી હતી પણ રવિન્દ્રસિંહને ઈન્ડિયન આર્મિમાં સેવા આપવાની ધૂન હતી. અને એને કમિશન્ડ ઓફિસર તરીકે સારી તક પણ મળી ગઈ. પોસ્ટિંગ પણ મુંબઈમાં મળ્યું. એલિઝાબેથે ભારતનું નાગરિકત્વ સ્વીકારી લીધું. બન્નેના સુખદ સંસારમાં એક બાળકીનો પ્રવેશ થયો. એ પાંચ વર્ષની થઈ ત્યારે રવિન્દ્રસિંહનું પોસ્ટિંગ લડાખ એરિયામાં થયું અને ત્યાંથી જુદા જુદા કેમ્પમાં ફરતો રહ્યો. ફોન પર કુટુંબ સાથે વાતો થતી રહેતી. વર્ષમાં બે ત્રણ વાર રવિન્દ્રસિંહ મુંબઈ આવતો. આ ભારત સૈન્યના જવાનની પત્ની એલિઝાબેથ અને તેની બાર વર્ષની કુમળી પુત્રીના વસ્ત્રાવરણવિહીન મૃત દેહો હોટલની એક રૂમમાંથી મળી આવ્યા હતા. અને એના ખૂન માટે જગન્નાથ પર કેસ ચાલ્યો હતો.

એ નાની હોટલની પાછળ જ એક ફાઈવ સ્ટાર હોટલ “રાજઘરાના” છે જેમાં જગન્નાથજીનો એક સ્વિટ કાયમનો બુક કરેલો જ હોય છે. એક સાક્ષીની જુબાની પ્રમાણે જગન્નાથજી પાછળના રસ્તે એલિઝાબેથની હોટલરૂમમાં આવ્યા હતા અને બપોરે બે કલાક રોકાયા હતા. ત્યાર પછી એક ધોતીકુર્તાવાળો વયસ્ક અને એક જીન પહેરેલો જુવાન દાખલ થયા હતા પણ ક્યારે એ બન્ને બહાર નીકળ્યા તેની માહિતીનો રેકોર્ડ ન હતો. એલિઝાબેથનો હોટલરૂમ માત્ર એક દિવસ માટે જ  બુક કરાયો હતો. ચેકઆઉટ થવાના ત્રણ કલાક પછી એલિઝાબેથ તરફથી કોઈ સંકેત ન મળતાં બારણું ખટખટાવાયું હતું. અને એનો પ્રત્યુત્તર ન મળતાં એક મહિના પહેલાં જ નવા આવેલા મેનેજર દ્વારા પોલિસને ખબર અપાઈ હતી. નાની હોટલ બહાર ફળની રેંકડી વાળાએ એલિઝાબેથની રૂમની બારી પાસે જગન્નાથજીને જોયા હતા.

જગન્નાથજી દિલ્હીથી તે જ રાત્રે પટણા ગયા હતા. અને બીજી સવારે પટણાથી બિઝનેસ અંગે એક વીક માટે હોંગકોંગ ગયા હતા. ફળની લારીવાળા અને મેનેજરની જુબાનીના આધારે જગન્નાથ હોંગકોંગથી પાછા ફરતાં એની ધરપકડ કરવામા આવી હતી.

કેસ શરૂ થતાં પહેલા જ ફળની લારીવાળા વૃધ્ધનું અવસાન થયું હતું. નાનીહોટલના મેનેજરને બીજી સારી નોકરી મળતાં તે પણ ચાલ્યો ગયો હતો. ન્યુઝ મિડીયા જગન્નાથના જાત જાતની વાત અફવા પ્રસારમાં મંડી રહ્યા હતા. એલિઝાબેથ મર્ડર એક કેસ  સરકારી વકીલ દ્વારા કોર્ટમાં ચાલતો હતો. બીજો કેસ ન્યુઝ મિડિયા અને સોસિયલ મિડિયામાં ચાલતો હતો. એની અને એલિઝાબેથની ભૂતપૂર્વ કોલેજ મિત્ર વિદ્યુતી એક ટીવી ચેનલ માટે ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટર હતી. એણે સીધી આડકરી લિન્કથી તારણ કાઢી સંયોગિક પુરાવા તરીકે મિડિયા પર પ્રસાર કર્યું હતું.

જગન્નાથ મુંબઈમાં એના પરિવાર સાથે એક રિશેપ્શનમાં રવિન્દ્રસિંહ અને એલિઝાબેથને મળ્યા હતા. ઓળખાણ થઈ હતી. બીજી વાર એઓ એકલા મુંબઈ આવ્યા હતા. અને એલિઝાબેથના ફ્લેટ પર માત્ર હલ્લો કરવા ગયા હતા. તે સમયે એલિઝાબેથે જગન્નાથજીને એના પતિને મુંબાઈમાં પોસ્ટિંગ મળવાની શક્યતા અંગે સામાન્ય વાતો થઈ હતી. મુંબઈમાં જ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનું સ્પેશિયલ ડિવિઝન શરૂ થનાર હતું.  મોટી થતી દીકરીની સાથે કુટુંબ જીવન જીવવાની ઈચછા હતી. રવિન્દ્રએ પુરતો સમય બોર્ડર કેમ્પમાં  ગાળ્યો હતો. તે સમયે જગન્નાથજીએ સધ્ધ્યારો આપ્યો હતો કે એ પોતાની લાગવગનો ઉપયોગ કરી ટૂંક સમયમાં જ એની બદલી કરાવી આપશે.

આ વાત થયા પછી બે વાર જગન્નાથ મુંબઈ આવી ગયા હતા. જેટલી વાર આવ્યા તેટલી વાર એલિઝાબેથની સાથે એની પાડોસી મિત્ર નયના એના ક્લેટમાં હાજર હતી. એલિઝાબેથ ભોળી અને નિખાલસ સુંદરી હતી. નયના ખબરદાર હતી. એનો પતિ પણ આર્મી ઓફિસર હતો. નયનાએ એલિઝાબેથ પરની એની નજર ઓળખી હતી. એને જગન્નાથના ચારિત્ર્યની અફવાઓની પણ ખબર હતી. જ્યારે એલિઝાબેથે નયનાને કહ્યું કે જગન્નાથજીએ એને મળવા દિલ્હી બોલાવી છે ત્યારે એણે સલાહ પણ આપી હતી કે એકલી ન જતી. સાથે રવિન્દ્રને લઈને જજે. એલિઝાબેથ પોતાની દીકરીને લઈને જગન્નાથને મળવા મોટી અને ખોટી આશામાં એકલી દોડી ગઈ હતી. એણે રવિન્દ્રને ખબર પણ નહોતી આપી. એનો અને પુત્રીનો મૃતદેહ પિંખાયલી હાલતમાં દિલ્હીની હોટલમાં મળી આવ્યો હતો.

ફળની લારીવાળાની ઓળખ અને જુબાની પરથી જગન્નાથજીની ધરપકડ તો થઈ પણ બે દિવસમાં જ વૃધ્ધ ફળનીલારીવાળાનું મૃત્યુ થયું હતું અને ધારાસભ્યને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. મિડિયા પર વહેતી વાતોને ખૂદ પબ્લિક પ્રોસિક્યુટરે મહત્વ ન આપ્યું. એનો કેસ નબળો પડી ગયો હતો. પણ મિડિયાએ આ વાતને ખૂબ જ  ચગાવી હતી.

આજે જજ્મેન્ટ આવવાનું હતું. કોર્ટમાં ધારાસભ્ય જગન્નાથજી, બે હાઈપ્રોફાઈલ વકીલો સાથે બેઠા હતા. એક સમાજ સેવક જેવા ખાદીધારી સજ્જન અને મવાલી જેવો ગળે રૂમાલ બાંધેલો કરડી નજર વાળો બોડીગાર્ડ યુવાન પણ કોર્ટમાં હાજર હતો. આ જ યુવાન અને સમાજ સેવક જેવા દેખાતા સજ્જનને પોલિસ કસ્ટડીમાં બોલાવી પૂછપરછ કરીને જ જવા દેવામાં આવ્યા હતા.

કોર્ટ રૂમમાં કેપ્ટન રવિન્દ્રસિંહ, પાડોસી દંપતિ નયના અને એનો પતિ, રવિન્દ્રની મિત્ર વિદ્યુતી હાજર હતા. રવિન્દ્ર તદ્દન શાંત ચહેરે આંખો બંધ કરીને એના યુનિફોર્મમાં બેઠો હતો.

જજની સામે કોર્ટ ક્લાર્કે બે ત્રણ ફાઈલ મુકી. કોર્ટમાં જરા ગણગણાટ શરૂ થયો. અને જજની હથોડી થતાં શાંત થઈ ગયો. જજનો ચૂકાદો શરૂ થયો.

‘એલિઝાબેથ અને એની સગીરવયની પુત્રી પર થયેલા બળાત્કાર અને એમની હત્યા એ દુઃખદ ઘટના છે. બળાત્કાર અને હત્યાના આરોપી શ્રી જગન્નાથજી પર ભારતીય ક્રિમિનલ એક્ટ મુજબ મારી કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર તરફથી જે જે રજુઆત થઈ એની ઝીણવટથી નોંધ લીધા પછી હું શ્રી જગન્નાથને નિર્દોષ જાહેર કરું છું. માન પુર્વક એની સામે થયેલા તમામ આરોપોમાંથી એને મુક્ત કરું છું.’

જગન્નાથજીના મોં પર ખંધુ, નફ્ફટ વિજયી સ્મિત ફરકતું હતું.

ન્યાયાધિશે એમની ટીકા ચાલુ રાખી. ‘ગુનાનો કેસ લોકમાન્યતા પ્રમાણે શેરીઓમાં થાય અને કોર્ટના નિયમો અને કાયદા પ્રમાણે થાય એ બન્ને અલગ વાત છે. સક્ય છે કે લોક નજરે ગુનેગાર ગણાતી વ્યક્તિ કોર્ટમાં નિર્દોષ છૂટે છે અને નિર્દોષ ગુનેગાર સાબિત થાય છે. દુઃખદ વાત છે કે આ કેસમાં પ્રોસિક્યુશન ટીમ તરફથી જરૂરી ડોક્યુમેન્ટ અને સાક્ષીઓની જુબાની અને ઓળખ રજુ થઈ નથી એટલે પુરતા પુરાવાના આધારે, જગન્નાથજી પર કોઈ કાનુની આરોપ પુરવાર થતો નથી. સરકાર ઈચ્છે તો આગળ હાયર કોર્ટમાં અપીલ કરી શકે છે……..’

ન્યાયાધિશ આગળ બોલે તે પહેલાં રવિન્દ્રસિંહ એની ખુરશી પરથી ઉભો થયો. અને ત્રાડ નાંખી.

‘નાવ, આઇ વિલ બી ધ જજ ઈન ધીસ કોર્ટ. દેશ બહારના શત્રુને મારવા પહેલા દેશમાનો જ કચરો સાફ કરવાની મારી ફરજ બજાવવી જરૂરી છે. જય હિન્દ.’

એના ગજવામાંથી ગન નીકળી, આગળ બેઠેલા જગન્નાથની ખોપડીમાં માત્ર એક બુલેટની જ જરૂર હતી. બીજી બુલેટ એના ખાદીધારી મિત્રના વાંસામાથી હાર્ટમાં ગોઠવાઈ ગઈ લોહીના ફુવારાઓ ઊડ્યા. એક બુલેટે ધારાસભ્યના નાસી જતા બોડીગાર્ડના શરીરને ચેતનહીન બનાવી દીધું હતું. નાનો કોર્ટરૂમ ચિક્કાર હતો. રૂમની બહાર માનવ મેદની કિડિયારાની જેમ ઉભરાતી હતી. કોઈથી કોઈ દિશામાં નાસી છૂટાય એમ નહતું. એણે ગર્જના કરી. નાવ ઓન્લી ટુ. એની ગન જડ્જ તરફ વળી. જડ્જ થરથરતા હતા અને એકાએક એક એક બુલેટે ડિફેન્સ એટર્ની અને સરકારી વકીલને ઢાળી દીધા. પાંચ બુલેટે માત્ર પંદર સેકંડમાં પાંચ લાશના લોહીથી ન્યાયાલયને લાલ લાલ બનાવી દીધું.

રવિન્દ્ર ભયથી ધૄજતા જડ્જ પાસે પહોંચ્યો. ગન ન્યાયાધિશના લમણા પર ગોઠવાયલી હતી. ‘અત્યારે હું જજ છું.’

‘આઈ વીલ કોલ માઈ વિટનેશ વિદ્યુતિ.’

‘વિદ્યુતિ તારી ઓળખ આપ. હુ યુ આર?’

‘મારું નામ વિદ્યુતિ સિંહા. હું રવિન્દ્રસિંહ અને એલિઝાબેથની કોલેજ સમયથી મિત્ર છું. અને “સચ્ચી બાત” ટેબ્લોઈડની ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર છું.’

‘મારી પત્ની અને પુત્રીના હત્યારા કોણ હતા?’

‘હત્યાને માટે ધારાસભ્ય જગન્નાથ, જીલ્લા પક્ષીય મંત્રી દ્વારકાદાસ અને જગન્નાથનો બોડીગાર્ડ બાબુ ત્રણે જવાબદાર છે. જગન્નાથજીએ ફોન કરીને રવિન્દ્રની પોસ્ટિંગના ખાસ સમાચાર આપવા માટે એલિઝાબેથને મે ની પચ્ચીસમી તારીખે દિલ્હી ઓલાવી હતી. એક દિવસ માટે એલિઝાબેથના નામે ફાઈવસ્ટાર હોટલના પાછળના ભાગની નાની હોટલમાં રૂમ બુક કરાયો હતો.  દિલ્હી ખાતેના રોકાણો માટે “રાજઘરાના” હોટલમાં જગન્નાથનો એક મોટો રૂમ આખા વર્ષ માટે બુક કરેલો જ હોય છે. બધી મિટિંગો અને ખાસ કરીને મહિલાઓ સાથેની મિટિંગો ત્યાં જ ગોઠવાતી હતી. રવિન્દ્રની ગેરહાજરીમાં બોમ્બેમાં એલિઝાબેથને ફસાવવાનો ઈરાદો પાડોસી નયનાની હાજરીને લીધે બર આવ્યો ન હતો. એટલે એને દિલ્હી બોલાવવામાં આવી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યે જગન્નાથ અને દ્વારકાદાસ એલિઝાબેથની રૂમમાં દાખલ થયા હતા. હોટલમાં સાફસૂફી કરતા છોકરા સામુને કપલના રૂમમાં છાનામાના જોવાની એટલેકે પીપીંગની ટેવ હતી. એને ધમકાવીને પૂછતાં જણાવ્યું હતું કે જગન્નાથે  ઈંગ્લિસ લેડી સાથે છેડછાડ શરૂ કરી હતી. એલિઝાબેથે પોલિસને બોલાવવા ફોન કરવાની કોશીશ કરી. પણ જગન્નાથે ફોન ઝૂટવી લીધો. અને મેડમની માફી માંગી. પછી રૂમમાં ધોતીયા અને જીન વાળા બે માણસો દાખલ થયા. ધોતિયાવાળાએ છોકરીને પકડી રાખી એને જગ્ન્નાથ અને પેલા બીજા માણસે મેડમ પર બળાત્ય્કાર ગુજાર્યો હતો. બેમાંથી કોણે ગળચી દાબી તે સ્પષ્ટ દેખાયું ન હતું પણ મેડમના તડફડતા પગો બંધ થઈ ગયા હતા. એ બન્ને ચાલ્યા ગયા પછી પેલા ગુંડા જેવા દેખાતા માણસે છોકરીના કપડા ખેંચવાની શરૂઆત કરી હતી અને મારા મેનેજર સાહેબે બુમ પાડી એટલે મારે જતાં રહેવું પડ્યું હતું. બીજે દિવસે હું જ્યારે તે છોકરા સોમુની જુબાની સાક્ષીની હાજરીમાં રેકોર્ડ કરવા અને મેનેજર પાસે વધુ માહિતી મેળવવા ગઈ ત્યારે સ્ટેટમેન્ટના દિવસે જ મેનેજર રાજીનામુ આપીને ચાલ્યો ગયો હતો અને એ છોકરો પણ ગાયબ થઈ ગયો હતો. છોકરાએ જે ઈલેક્ટ્રિક વાયરિંગમાંથીના કાણામાંથી દૃષ્ય જોયું હતું તે હોલ પુરાઈ ગયેલો હતો. જે ફળની લારીવાળા ડોસાએ જગાન્નાથજીને ઓળખ્યા હતા તેનું બે દિવસમાં જ મૃત્યુ થયું હતું.’

‘પોલિસે અને પ્રોસિક્યુટરે મારી તપાસને કાલ્પનિક વાત ઘણીકાઢી હતી. આ બધીવાતોની સાંકળ મારા ન્યુઝ ટેબ્લોઈડ માટે સાચવી છે.’

“ઈટસ ઈનફ. થેન્કસ વિદ્યુતિ. પ્લીઝ પબ્લીશ ધીસ નેશનવાઈડ.’

‘જજસાહેબ, બસ આ જ સત્ય છે. પણ આખા દેશને કરપ્સનની ઉધઈ લાગી ગઈ છે. મારે જ કાયદો હાથમાં લેવો પડ્યો. હવે એ જ કાયદો મારા પર કેસ ચલાવશે મહિનાઓ સૂધી કેસ ચાલશે. સરકારી તિજોરીઓ વકીલો લૂટશે અને આખરે મને ફાંસી કે જન્મટીપની સજા થશે. મારે સેલમાં સબડીને લટકવું નથી. આખી જીંદગી જેલમાં સબડવું નથી. હું સૈનિક છું. દરેક ક્ષણ અમારે માટે મરવા મારવાની જ હોય છે.  મારે માટે હવે આ દુનિયામાં છે પણ કોણ? જય હિન્દ, સત્યમેવ જયતે’

…..અને એક મોટો ધમાકો….બાકીની છઠ્ઠી બુલેટ રવિન્દ્રસિંહે પોતાના લમણાંમાં ધરબી દીધી.

(ગુજરાત દર્પણ – ફેબ્રુઆરી ૨૦૧૮)

ડો.જીતેશની બા

પ્રવીણ શાસ્ત્રી

ડો.જીતેશની બા

     ‘બા તમને અહિ ફાવશે ને? જૂઓ મેં બધી જ સગવડ કરી છે મેનેજર આપણો ગુજરાતી જ છે. તમે ઝીરો ડાયલ કરશો એટલે રમણભાઈ જ ફોન લેશે. અને આ સેલ ફોનપર વન ડાયલ કરશો એટલે સીધો ફોન મને મળશે. કંઈ પણ મુઝાવા જેવું નથી માત્ર બે જ દિવસનો સવાલ છે. હું આવીને લઈ જઈશ.’

    ‘દીકરા તું મારી ખોટી ચિંતા કરે છે. મારે બે દિવસ તો શું બે મહિના પણ રહેવું હોય તો રહેવાય એવી સરસ સગવડ કરી છે. તું તારે મને તારી સગવડે ફોન કરતો રહેજે. હું તને ખોટા ટાઈમે ફોન નહિ કરું.’

     ‘રમણ, ટૅઇક  કૅર ઓફ માય મૉમ.’ કહીને ડો. જીતેશ વિદાય થયો.

     બીજી સવારે હોટેલ મેનેજરને બાએ ફોન કર્યો. ‘રમણભાઈ મારો જીતુ ક્યારે મને લેવા આવશે?’

     ‘બા, ડોક્ટર સાહેબનો હમણાં જ ફોન હતો. થોડા રોકાયલા છે. કદાચ કાલે કે પરમ દિવસે લેવા આવશે, કંઈ પણ કામ હોય તો મને કહેજો. મેં તમારે માટે સવાર સાંજના ટિફિનની વ્યવસ્થા કરી છે.’

     ‘રમણભાઈ ઈંડિયાની ટિકિટનો શું ખર્ચો આવે?’ બાએ હળવેથી અચકાતાં અચકાતાં પુછ્યું.

     ‘બા, એતો સિઝન અને એરલાઈન પર આધાર રાખે. કેમ એ પુછવું પડ્યું?

     ‘ના આ તો અમસ્તું જ.’

     બિચારો મારો જીતેશ. મારી હાજરી એની કર્કશા પત્નીને અને તેની મમ્મીને ગમતી નથી. હું આવી ત્યારથી જોતી આવી છું. બન્ને વચ્ચે કંઈક  ખૂટે છે. મારે અહિથી ચાલ્યા જવું જોઈએ. હું ક્યાં એની સાચી મા છું!

     અને રોકી રાખેલ અશ્રૂધોધથી બાનો પાલવ ભીનો ભીનો થઈ ગયો.

     હું કોણ માથા પર મેલાના ટોપલા ઉપાડનારનું લોહી. હું કેવી રીતે ડોક્ટર જીતેશની મા બની એની સાથે રહી શકું? ખબર પડ્યા પછી મારાથી એના ઘરને કેમ અભડાવાય? મને ક્યાં ખબર હતી કે મારા માબાપ કોણ છે? આશ્રમવાળાએ મને કદીયે ન કહ્યું કે હું કોણ છું?

     બાને આંસુના પડળમાંથી પણ વર્ષો પહેલાના ચિત્રો સ્પષ્ટ દેખાવા લાગ્યા. હું કદાચ પાંચ છ વર્ષની હોઈશ. મને કહેવામાં આવ્યું હતું. બેટી તું અહિ સલામત છે. હું અનાથાશ્રમમાં હતી. જરા મોટી થતાં સમજ પડી કે મારા પર બેત્રણ વાર બળાત્કાર થયો હતો. બેભાન અવસ્થામાં પોલિસે હોસ્પિટલ પહોંચાડી હતી અને ત્યાર પછી ત્યાંથી અનાથાશ્રમમાં જીવન શરું થયું. ત્યાં સહારો અને પ્રેમ મળ્યો. દશ ધોરણ સૂધી ભણી પણ ખરી અને ગીરધારીલાલ શેઠ આવ્યા જીતેશના બાપુ કાંતિલાલને ત્યાં કામ કરવા લઈ ગયા. આમ પણ હું સોળ વર્ષની થઈ ગઈ હતી. અનાથાશ્રમમાં રહેવાની મારી ઉમ્મર ન હતી.

     બા આયનામાં પોતાના પ્રતિબિંબ સામે જોઈને પોતાની વાત પોતાને જ કરતાં હતા.

     દીકરા જીતુ તને કદાચ ખબર નથી પણ તારી સાસુએ તને કહ્યું હતું તે મેં સાંભળ્યું હતું.

     ‘હવે આ લપને કોઈ રીતે કાઢને, ક્યાં સૂધી અમારે એને વેઠવાની છે. જીતુ તું બા બા કર્યા કરે છે. એ ક્યાં તારી સાચી બા છે? એ જશે તો જ આપણે સાથે રહીશું નહિતો ડિવોર્સ. ગીરધારીલાલ કાકાએ અમને ભેરવી દીધા. તારા કરતાંતો હિતેશ હેન્ડસમ હતો. બીલકુલ અમેરિકન ક્વોલિટી. વેદિયા ડોક્ટર કરતાં તો વધારે સ્માર્ટ લાગતો હતો.’

     દીકરા જીતેશે હળવેથી કહ્યું હતું ‘નીના બા તને શું નડે છે. આખા ઘરનો ઘસરડો તો બા કરે છે. હવે બાનું ઈન્ડિયામાં છે પણ કોણ? એ બિચારા ક્યાં અને કોની સાથે રહેશે. છતાં જો તને ના જ ફાવે તો બાને માટે એમને અનુકૂળ વ્યવસ્થા કરીશું’

     આ વાત તો બે મહિના પહેલાંની હતી; પણ ગઈ કાલે તો નીનાએ બાની હાજરીમાં જ નોટિસ ફટકારી હતી! તારી બાને આજે ને આજે ઘર બહાર કાઢ. મારા ઘરમાં માથે મેલાના ટોપલા ઉચકવા વાળી ના જોઈએ. જીતેશે જવાબ આપ્યો ઠીક છે. હું વ્યવસ્થા કરીશ. જીતેશ એની બાને મિત્રની હોટેલમાં મૂકી ગયો.

     કુસુમબા ખુરશી પર બેસી દિવાલ પરના મોટા આયનામાં પોતાની જાતને જોતાં, પોતાના જ પ્રતિબિંબ સાથે વાતો કરતાં હતાં. જાણે મિરરમાંથી મોટો અવાજ આવ્યો; ‘એ ક્યાં તારી સાચી બા છે?’

     જાણે સાંભળવા ના માંગતા હોય એમ એમણે કાન પર હાથ દાબી દીધા. છતાં અવાજ આવતો જ રહ્યો. વાત સાચી જ હતી. ‘કુસુમ તેં ક્યાં એને પેટમાં રાખ્યો હતો? તેં ક્યાં એને ધવડાવ્યો હતો?

     અશ્રુબંધ તૂટી ગયા હતા.  વણથંભ્યો પ્રવાહ વહેતો રહ્યો. સફેદ સાડલો ભીનો ભીનો થઈ ગયો. બા પણ સાચી અને ખોટી હોઈ શકે?

     આંખ પર ઝામેલા અશ્રુપટલમાંથી એને કાંતિલાલ દેખાયા. ‘અરે કુસુમ તું જ મારા જીતેશની બા છે.

     કાંતિલાલ પોતાની વણિક જ્ઞાતિના જ કાપડના વેપારી ગીરધારીલાલને ત્યાં ગુમાસ્તા તરીકે નોકરી કરતા હતા. આર્થિક રીતે મધ્યમવર્ગના કાંતિલાલનું એમના સમાજમાં આદરણીય નામ હતું. પ્રમાણિક અને સરળ કાંતિલાલ, ગીરધારી શેઠના વિશ્વાસુ માણસ હતા.  માત્ર એક જ દુઃખ હતું. પત્નીની ત્રણ ત્રણ કસુવાવડ પછી બાળકની આશા છૂટી ગઈ હતી. ડોક્ટરે પણ જણાવ્યું હતું કે પછીની પ્રેગ્નન્સી માતા માટે જીવલેણ નીવડે એવી શક્યતા છે. ધ્યાન રાખજો.

     જન્મ મરણ તો કુદરતના હાથની વાત છે. બન્યું પણ એવું જ. ધ્યાન રાખવા છતાં મોનાપોઝના સમયે જ,  લાંબા સમય પછી મોટી ઉમ્મરે કાંતિલાલના પત્ની પ્રેગ્નન્ટ થયા. બિમાર રહેતાં. પૂરતી કાળજી લેતાં ગર્ભ તો આઠ મહિના ટકી ગયો પણ એકાએક એમણે દેહ છોડી દીધો. મૃતમાતાના શરીરમાંથી સર્જરી કરીને પ્રિમેચ્ચોર બાળકને બચાવી લેવાયું. કાંતિલાલ પર આભ તૂટ્યું.

     શેઠજીએ પોતાના ગામથી એક નિરાધાર છોકરીને આખા દિવસની કામવાળી તરીકે બોલાવી લીધી. ખાવું પીવું, ઘરકામ કરવું, બાળ જીતેશની કાળજી લેવી, ઘરના માણસ જેટલું સુખ ભોગવવું, મહિને સો રૂપિયા પગાર. વર્ષમાં ત્રણ નવા ફ્રોક અને બે ચણીયા ચોળી. કાંતિલાલ તો ભગવાનના માણસ એમણે તો એના લાલને અને ઘરના કબાટની ચાવી એ છોકરીને સોંફી દીધી. એમનું ગુમાસ્તા જીવન વહેતું થઈ ગયું. કુસુમ ઘરમાં ગોઠવાઈ ગઈ. જીતેશ કુસુમના ખોળામાં ગોઠવાઈ ગયો.  કુસુમ ઓટલે બેસીને પાડોસી છોકરીઓ સાથે જીતેશને રમાડતી હતી ત્યારે ખોળામાં બેઠેલા જીતેશનો પહેલો શબ્દ હતો બા. બસ ત્યારથી એ કામવાળી કુસુમનું નામ મહોલ્લાની છોકરીઓ અને મહિલાઓ માટે ‘જીતેશની બા’ નામ થઈ ગયું. અને તે દિવસથી એ જીતેશની મા બની ગઈ.

     એક બે મહિલાઓએ કાંતિલાલને સૂચન પણ કર્યું કે કુસુમે કબાટમાંથી તમારી પત્નીના સાડલા પહેરવા માંડ્યા છે તો એની સાથે પરણી જાવને! કાંતિલાલે જવાબ આપ્યો, મિસકેરેજમાં જીતેશ પહેલાના છેલ્લા સંતાન કરતાં પણ ઘણી નાની છે. સાડી લુઘડાં વાપરે તો દીકરી છે ભલે પહેરે. એ પણ મારી તો દીકરી જ કહેવાય. મારો જીતેશ જરા મોટો થાય એટલે કુસુમને ગમતા છોકરા સાથે પરણાવીશ. અનાથ કુસુમ કાંતિલાલને માટે દીકરી બની અને જીતેશને માટે બા જ બની ગઈ. હેત વહેતું રહ્યું.  જીતેશ મોટો થતો ગયો. સમજણો થતો ગયો. કુસુમને માટે તો નાનો જીતલો જ રહ્યો. એને પોતાના લગ્નનો કે શરીર સુખનો વિચાર પણ ન આવ્યો.  મોટો થતાં જીતેશને ખ્યાલ આવતો ગયો કે કુસુમ મારી મા નથી. એનો આદર ઘટ્યો નહિ પણ ઉલટો વધ્યો. કુસુમ પોતે પણ પોતાનું નામ ભુલી ગઈ. લોહીના સગપણ વગર માત્ર “બા” નામ રહી ગયું. અરે કાંતિલાલ પણ હવે નોકરાણી કુસુમને “બા” જ કહેતા.

     બાને જીતેશની ઉપર વહાલ હતું તેમ કડપ પણ ભારે હતો. પોતે તો અભણ હતી. પણ એટલું સમજતી કે આજ કાલ બધા માબાપ પોતાના છોકરાઓને ડાક્ટર, વકીલ કે ઈજનેર જ બનાવે છે. બસ એણે જ નક્કી કરી લીધું કે મારે મારા જીતેશને મોટો ડાક્ટર બનાવવો છે.

     જીતેશ ભણવામાં હોશિયાર હતો. સ્કોલરશીપ અને ઉદાર શેઠની આર્થિક મદદથી ડોક્ટર થયો. ભગવાને બુદ્ધિશક્તિ આપી પણ રંગ શ્યામ આપ્યો હતો. બરાબર કુસુમનો જ રંગ. શેઠજીના એક મિત્રની વિધવા, પોતાની દીકરી નીનાના લગ્નને માટે આવી હતી. શેઠજીએ મિત્રદાવે જિતેશ સાથે મેળ પાડી આપ્યો. બધું જ શુભમ શુભમ પાર પડ્યું. જીતેશ લગ્ન પછી અમેરિકા આવ્યો. પિતાને આગ્રહ કરતો, પપ્પા અમેરિકા આવી જાવ. પણ પપ્પા માનતા ન હતા. પપ્પા માંદા પડ્યા. કેન્સરનું નિદાન થયું. કુસુમે ખૂબ સેવા કરી. ડોક્ટરોએ આશા છોડી દીધી. સમાચાર મળતાં જીતેશ ઈન્ડિયા દોડ્યો. કાંતિલાલે મરતાં પહેલાં જીતેશ ને કહ્યું બેટા કુસુમે ભલે તને જન્મ નથી આપ્યો પણ માત્ર સો રૂપિયાના પગારે એ આજ્ન્મ તારી મા બની રહી છે. એણે એનો પગાર પણ પોતાને માટે વાપર્યો નથી. વર્ષો સૂધી બચાવેલા પગારના પૈસામાંથી વહુનીના માટે ઘરેણાં કરાવ્યા હતા. જન્મ પછી તને જીવતો રાખવા જે કાળજી લીધી છે તે ન લેવાઈ હોત તો આજે તારું અસ્તિત્વ ના હોત. તું બા કહે છે તો બાને બા જ માનજે. એની કાળજી લેજે દીકરા. આ કાંતિલાલના આખરી શબ્દો હતા.

     કાંતિલાલની અંતિમ ક્રિયા થઈ ગઈ. જીતેશે જે કાંઈ પૈસા વેરવા પડે તે વેરીને કુસુમનું નામ પોતાની માતા તરીકે કોર્ટમાં દાખલ કરાવી, જરૂરી સર્ટીફિકેટ મેળવી લીધા. વિઝા પણ મળી ગયા અને પોતાની સાથે જ બાને લઈને અમેરિકા આવી પહોંચ્યો. સાથે રહેતા વિધવા મરજાદી સાસુમાને કુસુમબાનું આગમન ના રુચ્યું. રોજ મા દીકરીના જાત જાતના મહેણાં ટહોણાં શરુ થઈ જતાં. જીતેશ ધનિક વિધવાનો ઘરજમાઈ હતો. પહેલાં જેતેશની ગેરહાજરીમાં બોલાતું. પછી કુસુમબાની હાજરીમાં બોલાતું થયું અને છેલ્લે બોલાતું કે આ લગ્ન જ એક મોટી ભૂલ છે. જીતેશ ઘણીવાર ખમી ખાતો અને કેટલીકવાર પ્રેમથી સમજાવવાની કોશીશ કરતો.

     જીતેશને કે કાંતિલાલને કોઈપણ દિવસ બા નું મૂળ જાણવાની ઈચ્છા જ નહોતી થઈ. જરૂર પણ  નહતી; પણ સાસુમાએ એ શોધી કાઢ્યું કે બનાવી દીધું. કાંતિલાલ અને બાળકને માટે ઘરમાં એક સ્ત્રીની જરૂર હતી. કાંતિલાલની કામ પરની ગેરહાજરી ગીરધારીલાલના ધંધાને અસ્ત્વ્યસ્ત કરી મૂકે એમ હતું. એમણે અનાથાશ્રમમાંથી કુસુમને મેળવી આપી.  એના પર બે વાર બળાત્કાર થઈ ચૂક્યો હતો. અનાથાશ્રમે આશ્રય આપ્યો હતો. અનાથાશ્રમના રેકર્ડ મુજબ  કુસુમના માબાપ અછૂત હરિજન હતા.સર્વોદય સંસ્થાએ એને દશ ધોરણ સૂધી ભણાવી હતી. આ માહિતી મુજબ સાસુમાની નજરમાં આ વણિક જમાઈ જીતેશ હવે ભારતમાં કાયદેસર ન બોલાય એવા શબ્દોવાળો અછૂત બની ગયો હતો.

     કુસુમબાને વેવાણે અને વધૂએ અછૂત તરીકે અપમાનિત કરી અને જીતેશને પણ હલકી વરણનો ઘણી કાઢ્યો. મારી હાજરીની જરૂર નથી. જીતેશ હવે બાળક નથી. મારે જીતેશનું લગ્ન જીવન અને ડોક્ટર તરીકેનું ભવિષ્ય બગાડવું નથી. હું તો ઈન્ડિયા જ જઈશ. મારે મારા દીકરાના જીવનમાંથી નીકળી જ જવું જોઈએ. હું ક્યાં એની મા છું? હું તો એક કામવાળી. ફરી અનાથાશ્રમમાં જઈશ. ત્યાંના અનાથ બાળકોની સેવા કરીશ. હું ઈન્ડિયા પાછી જઈશ.

     વિચારતાંવિચારતાં એમની આંખ ઢળી ગઈ.

     ૦૦૦૦

     ‘બા હું આવી ગયો છું.’ બાએ જાગીને જોયું તો જીતેશ એની સામે બેઠો હતો.

     ‘ઓહ! જીતેશભાઈ, ક્યારે આવ્યા? હવેથી હું તમારી બા નથી. મને કુસુમ જ કહેજો. જીતેશભાઈ મારા બાકીના પગારમાંથી મને ઈન્ડિયાની ટિકિટ કઢાવી આપો. હવે મારે તમારી નોકરીમાંથી છૂટા થવું છે.’

     ‘બા એકદમ શું થયું? આવું કેમ બોલો છો? આગળ એક પણ શબ્દ બોલશો તો મને મરેલો જોશો     . મારી વાત ધ્યાનથી સાંભળો. મને ફ્લોરિડાની હોસ્પિટલમાં જોબ મળી છે. બીજું બે દિવસ લોયર અને નીના સાથે ઘણાં કલાકો ગાળ્યા. ડિવોર્સ માટેનું સેટલમેન્ટ થઈ ગયું છે. અમને બન્નેને ખાત્રી થઈ ખ્યાલ આવી ગયો છે કે અમે બન્ને એકબીજા માટે અનુકૂળ નથી. એને હિતેશ સાથે લગ્ન ન થયા તેનો વસવસો છે. એને માટે હું કાળો છું. બા તમે અને નીનાના મમ્મી માત્ર નિમિત્ત જ બન્યા છો. જીવનમાં ઘણીવાર ન ધારેલા પ્રવાહમાં ઘસડાઈ જઈએ. આખી જીંદગીની રિબામણીને બદલે જાગ્યા ત્યાંથી સવાર કરવામાં  કશું જ ખોટું નથી. જ્યાં સૂધી તમે મારે માટે ગરમ ગરમ રોટલી કરવાવાળી શોધો નહિ ત્યાં સૂધી તો તમે મહિને સો રૂપિયા પગારના મારા બા જ રહેવાના. ત્યાર પછી નવી વહુના એકસો અને એક રૂપિયાના સાસુમા તરીકે પ્રમોશન મળશે. આવતી કાલે થોડા કાગળો પર સહિ કરવાની બાકી છે તે કરીને આપણે પરમ દિવસે બપોરની ફ્લાઈટમાં ફ્લોરિડા જવા નીકળી જઈશું. ચાલો ફેસ થઈ જાવ. આજે તો મારા દોસ્ત રમણને ત્યાં જ જમવાનું છે. નાનપણનો દોસ્ત છે. એની સાળી માટે મુરતીયો શોધે છે. એ તમારી સાથે વાત કરવા માંગે છે. જઈશું ને?’

     ‘ચાલ, ચાલ દીકરા ચાલ. હું તો ક્યારની તૈયાર છું.’

     જીતેશની બાના ચહેરાના રંગો બદલાઈ ગયા.

 

ગુજરાત દર્પણ જાન્યુઆરી ૨૦૧૮.

વચલો રસ્તો –આશા વીરેન્દ્ર

UttamGajjar

સૌજન્યઃ શ્રી ઉત્તમ ગજ્જર – ‘સન્ડે ઈ.મહેફીલ’ 

વચલો રસ્તો

–આશા વીરેન્દ્ર

(માલતી જોશીની હીન્દી વાર્તાને આધારે)

        લીના ઘરની મોટી દીકરી અને સંજુ એનાથી નાનો. બન્ને નાનપણથી જોતાં આવેલાં કે એમના પીતા કદાચ પોતાનાં સન્તાનોથી પણ વધુ પ્રેમ કાકા–કાકીને એટલે કે તેમનાથી નાના ભાઈ અને તેની પત્નીને કરતા. માને પણ પોતાનાં દીયર–દેરાણી પ્રત્યે એવો જ વાત્સલ્યભાવ હતો. ઘરમાં ખાવા–પીવાની કોઈ વસ્તુ આવે કે પછી પહેરવા–ઓઢવાની, પીતાજી કાકા–કાકીને પહેલાં યાદ કરતા અને મા પણ એમાં પુરો સાથ આપતી. કદાચ બાપુને નાની ઉમ્મરમાં માતા–પીતાની ઓથ ગુમાવી હતી એ પણ એનું કારણ હોઈ શકે. માતા–પીતાના આવા પક્ષપાતને કારણે લીના–સંજયને ક્યારેક ઓછું પણ આવી જતું.

        વર્ષો વીત્યાં તોયે ની:સન્તાન રહી ગયેલાં કાકા–કાકીએ મોટા ભાઈ–ભાભીનાં દીકરા–દીકરીને પ્રમથી એવાં તો ભીંજવ્યાં કે એમને કશી ફરીયાદ તો ન જ રહી; પણ ઉપરથી ચારચાર માબાપનાં લાડ–પ્યાર મેળવવા બદલ પોતાની જાતને નસીબદાર માનવા લાગ્યાં.

        પછી તો લીના પરણીને આ શહેરમાં આવી અને સંજુને પણ અહીં જ નોકરી મળી એટલે એ પણ સપત્ની અહીં જ વસી ગયો. એ જ કમ્પાઉન્ડમાં બાજુ બાજુમાં બંધાવેલા બંગલાઓમાં કાકા અને બાપુ રહેતા. પાછલી અવસ્થામાં બન્ને ભાઈઓ અને બન્નેની પત્નીઓ અહીં જ સાથે મળીને વીતાવીશું એવું એમણે વીચારી રાખેલું. બાપુ રીટાયર્ડ થયા ત્યારે સંજુએ જીદ પકડી ‘અહીં એકલા શા માટે રહેવું છે? સાજા–માંદા થયા તો કોણ તમારી દેખભાળ કરશે? આ ઘર વેચીને શહેરમાં મોટો ફ્લેટ લઈ લઈએ. બધા સાથે જ રહીશું.’ લીનાએ પણ સંજુની વાતમાં સુર પુરાવ્યો.

        ‘હા બાપુ, હું પણ ત્યાં જ છું. બે–ચાર દીવસે તમને મળવા આવ્યા કરીશ. વળી સંજુનાં અને મારાં છોકરાંઓને દાદા–દાદી અને નાના–નાનીનો સહવાસ મળશે તે નફામાં!’

        થોડીઘણી હા–ના અને ખેંચતાણ પછી બે બેડરુમ, હૉલ–કીચનનો ફ્લેટ લેવાઈ ગયો. જો કે સંજુ–સીમાના બન્ને દીકરાઓ મોટા થશે એમ આ ફ્લેટ નાનો પડશે એ તો ખ્યાલ હતો જ; પણ હાલ પુરતી તો બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. પરન્તુ ગામનું ઘર વેચ્યું એમાં લીનાએ પોતાનો ભાગ ન માંગ્યો એ એના પતી યોગેશને જરાયે ન ગમ્યું.

        ‘કેમ, બાપની મીલકતમાં દીકરીનો ભાગ ન હોય ?’

        ‘હોય, એ લોકો પણ જાણે છે અને હું પણ જાણું છું; પણ એ ઘર વેચીને માંડ આ ફ્લેટ લેવાનો મેળ પડ્યો છે. સંજુએ પણ બૅન્કની લોન લીધી છે, એમાં હું ક્યાં ભાગ માંગવા જાઉં? ને અન્તે તો મા–બાપુ જ શાન્તીથી રહેશે ને ?’

        ‘હા, તું તો મોટી દાનેશ્વરી છે એ મને ખબર છે. તારો ભાગ માંગી લીધો હોત તો છોકરાંઓને સારામાં સારી સ્કુલમાં ભણાવી શકાત. પણ તારે તો ડાહી દીકરી બનીને રહેવું છે ને?’

        ઘણી વખત સીમા નોકરી પરથી સીધી લીનાને મળવા આવી પહોંચતી. મળવાનું તો ખાલી બહાનું જ હતું. આવે એટલે એનો ફરીયાદનો પટારો ખુલી જતો. ‘છ–છ જણાનાં કામને હું એકલી કેવી રીતે પહોંચી વળું? ઘર સાચવવાનું, રસોઈ કરવાની અને નોકરી પણ કરવાની. હું તો થાકીને ઠુંસ થઈ જાઉં છું.’ બેસે તેટલી વાર તેનો કકળાટ ચાલતો.

        માને જ્યારે ખબર પડે ત્યારે તે કહેતી : ‘સાવ ખોટાબોલી છે. બે ટાણાંની રસોઈ હું કરું છું. છોકરાંઓ સ્કુલેથી આવે ત્યારે બેઉને ગરમ નાસ્તો કરીને હું ખવડાવું છું. વળી, કામવાળી ન આવે ત્યારે કામવાળી પણ હું જ બની જાઉં છું.’

આ બધી રામાયણ ચાલતી જ રહેતી એમાં વળી, અચાનક જ કાકીનું અવસાન થયું. આટલા મોટા બંગલામાં કાકાને એકલા છોડતાં જીવ ન ચાલ્યો એટલે કાકીના તેરમા સુધી રોકાયેલાં મા–બાપુ આવ્યાં ત્યારે પોતાની સાથે કાકાનેય લેતાં આવ્યાં. હવે સંજુ–સીમાની ચણભણ વધી ગઈ :

       ‘અમને વાત પણ ન કરી ને કાકાને લઈ આવ્યાં, બોલો દીદી? ઘરમાં બીજે ક્યાંય જગ્યા તો છે નહીં. કાકાને બહાર દીવાન પર સુવડાવવા પડે છે. અમારે રાત પડ્યે ટીવી જોવું હોય ને કાકાને તો વહેલાં સુઈ જવું હોય ! શું કરવું? કંઈક રસ્તો સાથે મળીને વીચારવો પડશે.’

        લીના બીજું તો શું કરી શકે? એણે કાકાને પોતે ત્યાં લઈ જવાની તૈયારી બતાવી.

        ‘ના, કાકાને નહીં. તમારે લઈ જવા હોય તો મા–બાપુને થોડો વખત લઈ જાઓ. હજુ તો કાકા હમણાં આવ્યા ને તમારે ત્યાં મોકલી દઈએ એ સારું ન લાગે.’ સીમાએ કહ્યું.

        લીનાએ યોગેશને વાત કરી ત્યારે એણે લુચ્ચું હસતાં કહ્યું, ‘તારી ભાભી પાસેથી થોડી હોશીયારી શીખતી જા. એની આગળ તું તો બહુ ભોળી પડે!’

        ‘કેમ?’

        ‘કેમ શું? સંજુ ને સીમા બરાબર સમજે છે કે બુઢ્ઢાકાકાને રાજી કરીને, એને સાચવી લઈને એને ખંખેરી લેવાશે. કાકાને આગળ–પાછળ કોઈ છે નહીં. પાછલા દીવસોમાં જે એની સેવા કરશે એને જ દલ્લો આપીને જશે ! તું જરા ઉસ્તાદ બનતાં શીખ.’

        ‘મને આવી બધી ગણતરીમાં જરાયે રસ નથી. ભગવાનનું દીધું ઘણું છે આપણી પાસે. સંજુ–સીમાને ભલે જે કરવું હોય તે કરે.’

        ‘તને રસ હોય કે નહીં; પણ મને પુરો રસ છે. કાલે સવારે જ જઈને કાકાને તું લઈ આવજે. કહેજે કે તમારા જમાઈએ ખાસ કહ્યું છે.’ લીના લાચાર નજરે પતી સામે જોઈ રહી.

        બીજે દીવસે લીના ઘરમાંથી નીકળે તે પહેલાં કાકા જ આવી પહોંચ્યા.

        ‘બેટા, અમે ત્રણેએ વચલો રસ્તો વીચાર્યો છે. આ ઉમ્મરે અમારે ત્રણેએ ફુટબોલની માફક અહીંથી તહીં ઉછળવું તેના કરતાં હું ગામનું મારું ઘર વેચી કાઢીશ. અહીં તમારી નજીકમાં જ એક ફ્લેટ લઈ, મારા ભાઈ–ભાભી અને હું અમે ત્રણે જણાં ભેગાં રહીને જલસા કરીશું. કેમ બરાબર છે ને?

લીનાએ ‘હા’ કહેવા ડોકું હલાવ્યું ત્યારે તેની આંખોમાં ભલે આંસુ હોય; પણ હોઠ પર સ્મીત હતું.

–આશા વીરેન્દ્ર

(માલતી જોશીની હીન્દી વાર્તાને આધારે)

સર્જક–સમ્પર્ક :

–આશા વીરેન્દ્ર

બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ફોન : 02632-251 719 મોબાઈલ : 94285 41137 ઈ–મેઈલ : avs_50@yahoo.com

♦●♦

‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 390 –December 24, 2017

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

 

@@@@@@@@@

 

નેત્ર પ્રદાન

નેત્ર પ્રદાન

Eye Donetion

આજે સવારે જ દેવેદ્રસિંહજીનો  મુખ્યમંત્રી તરીકેનો સોગન વિધિ સમારંભ પુરો થયો હતો. સળંગ ચાર વાર મુખ્યમંત્રી બનવાનો એમનો રેકોર્ડ હતો. પંચ્યાસી વર્ષની ઉમ્મરે એઓ પાંચમી વાર મુખ્ય પ્રધાન બનતા હતા. દેવેન્દ્રસિંહ નાનપણથી જ જીવનમાં કદીય હાર્યા ન હતા. યેન કેન પ્રકારે એમણે એમનું ધારેલું મેળવી લીધું હતું. એમના તનમાં સોરઠી રજવાડાનું લોહી ફરતું હતું. ભલે રજવાડા ગયાને દાયકાઓ વીતી ગયા હતાં પણ એમણે તો રજવાડાને બદલે આખું રાજ્ય હસ્તગત કરી દીધું હતું. યુવાવસ્થાએ રાજકારણમાં જોડાયા હતા. શહેરના મેયરપદેથી સીધા દિલ્હી પાર્લામેન્ટમાં પ્રવેશ્યા હતા. જેમ જેમ જૂદી જૂદી પાર્ટીઓનું વર્ચસ્વ બદલાતું ગયું તેમ તેમ તેમના પણ પક્ષપલટા થતા રહ્યા. છેલ્લા ત્રણ દાયકાથી એમણે કેંદ્રને બદલે  પોતાના રાજ્યમાં જ સત્તાપર રહેવાનો નિર્ણય કર્યો હતો. એઓ જીતતા આવ્યા હતા. એઓ કુશળ રાજ્યકર્તા સાબીત થયા હતા. રાજ્યની પ્રજાને પણ એકંદરે સંતોષ હતો. એની ચાણક્ય નજર એના મિત્ર પર નહિ પણ દુશ્મન, વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર રહેતી. થોડા જ સમયમાં દુશ્મનો અદૃષ્ય થઈ જતાં કે મિત્ર બની જતાં. સામ, દામ, દંડ અને ભેદની કૂટ રીતિ નીતિથી તેઓએ હંમેશા વિજય મેળવ્યો હતો. આ વખતનો ચૂટણી જંગ સરળ ન હતો. એની સામે એમના જ એક ભૂતપૂર્વ સાથીદાર અને મિત્ર ઉભા હતા; જેમનું ચૂંટણીના માત્ર એક અઠવાડીયા પહેલાં જ હાર્ટ એટેકથી અવસાન થયું; અને એમની પ્રાર્થનાસભામાં જ એમના પત્નીએ જણાવ્યું હતું કે દેવેન્દ્રસિંહજી અમારા સ્નેહી જ છે અને મારા પતિના જે જે વિરોધી મુદ્દાઓ હતા તેની સાથે સમજુતી થઈ ગઈ છે. એમણે મતદારોને દેવેન્દ્રજીને મત આપવાનો અનુરોધ કર્યો હતો. દેવેન્દ્રજીએ પ્રતિસ્પર્ધી અને સદ્ગત મિત્રના યુવાન પત્નીને પ્રધાન મંડ્ળમાં સમાવેશ કરવા વચન આપ્યું હતું. દેખીતી રીતે જ દેવેન્દ્રજીનો જ્વલંત વિજય થયો હતો.

આજે સવારે રાજ્યપાલજીએ સોગનવિધિ કરાવી હતી. પંચ્યાસી વયના દેવેન્દ્રસિંહજીએ પાંચમી વાર મુખ્યમંત્રી તરીકે અને ત્રેતાળીસ વર્ષના મિત્રપત્ની કેતકીએ પહેલી જ વાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ટેબ્લોઈડ અને ગોસીપ મિડિયાએ દેવેન્દ્રજી અને કેતકીના સંબંધો અંગે કાદવ ઉછાળવા પ્રયાસ કર્યો અને મિડિયા થોડા જ દિવસોમાં ચૂપ પણ થઈ ગયું હતું. દેવેન્દ્રસિંહના રંગીન જીવન અંગે વર્ષોથી એનેક વાતો પ્રસારતી. આમ છતાં આજ સુધીમાં કોઈપણ મહિલાએ એમના વિરૂધ્ધ કોઈપણ ફરિયાદ કરી ન હતી.

આજે સવારની સોગનવિધિ પછી સાંજે વિશાળ બેન્ક્વેટ હોલમાં દેશના અનેક મહાનુભાવોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીનો અભિનંદન સમારંભ યોજાયો હતો. દેવેન્દ્રજીનો પુત્ર અમેરિકામાં ડોક્ટર હતો અને વર્ષોથી પરિવાર સાથે ત્યાં સ્થાયી થયો હતો. એને રાજકારણમાં રસ ન હતો. એની પુત્રી વિશાખા એક આઈ સર્જનને પરણી હતી અને બેંગલોરમાં રહેતી હતી. આજે તે પિતાના ના અભિનંદન-સત્કાર સમારંભમાં ભક્તિ સંગીતના જાણીતા પ્રજ્ઞાચક્ષુ સ્વામિજીને લઈને આવી હતી. સૌ પ્રથમ સ્વામિજીએ સંગીતમય ભદ્રસૂક્તનું વેદ ગાન કરીને દેવેન્દ્રસિંહજીને આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા. એમની કાર્ય નિષ્ઠાના વખાણ કરી અનેક સફળતા મળતી રહે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. દેવેન્દ્રસિંહમાટે સ્વામિજીની હાજરી એક ન કળાય એવી સરપ્રાઈઝ વાત હતી. આજના સમારંભનું સંચાલન જાણીતી અભિનેત્રી સાજલે કર્યું હતું. અનેક વક્તાઓએ વિજેતાના પ્રશસ્તિગાન ગાયા. પણ આજે દેવેન્દ્રસિહ કંઈક અસ્વસ્થ લાગતા હતા.

આગલી હરોળમાં ચોર્યાસી વર્ષના દેવેન્દ્રસિંહના પત્ની અનંતાદેવી, પ્રજ્ઞાચક્ષુ સ્વામિજી મહારાજ પાસે જ બેઠા હતા. લોક વાયકા પ્રમાણે સ્વામિજી લોયર થયા હતા. એમના પહેલા કેસમાં જ કોઈ ગુંડા વિરોધીએ એમની આંખો પર એસિડ છાંટ્યો  અને એમણે આંખ ગુમાવી હતી. પરિણામે એમને સંસારના અને કાયદાના કાવાદાવા પર વૈરાગ્ય આવ્યો અને એઓએ આધ્યાત્મિક અને ભક્તિસંગીતમાં જીવન વિતાવવા માંડ્યું હતું. બેંગલોર પાસેના નાના ગામમાં રહેતા હતા. એઓ સ્વામિજી કહેવાતા પણ એમનો કોઈ સંપ્રદાય ન હતો કે ન હતો કોઈ આશ્રમ. પરિવાર વગરનું એકાકી જીવન ગાળતા હતા. કવિ હતા. સંગીતકાર હતા. એમનું ભક્તિસંગીત પ્રસિધ્ધ હતું. એમની શબ્દ અને સંગીત રચનામાં પ્રેમ લક્ષણા ભક્તિ, વિરહની વેદના અને અંત અનંતની વાતો આવતી. એમનું રેકોર્ડિંગ ઉચ્ચતર વર્ગમાં પ્રસરતું રહ્યું. વિશાખા અને એના ડોક્ટર પતિને સ્વામિજીનું સંગીત ગમતું અને એ મમ્મીને પહોંચાડતી હતી. અનંતાદેવી પણ એમના પ્રશંસક બની ગયા હતા. એકવાર વિશાખાએ સ્વામિજી સાથે મમ્મીની મુલાકાત કરાવી; પછી તો વર્ષમાં બે-ત્રણ વાર દીકરી વિશાખા સાથે એમની મુલાકાતે જવાનો એક નિયમ જ બનાવી દીધો હતો.

આજે દેવેન્દ્રસિંહજીના સન્માન સમારંભમાં હાજર રહેવા અનંતાદેવીએ એમને અંગત આમંત્રણ આપ્યું હતું. પગની પાની સૂધીનો ખાદીનો સફેદ લાંબો ઝબ્બો, લાંબી સફેદ દાઢી, પાછળ બાંધેલા સફેદ વાળ અને આંખ પર કાળા ચશ્મામાં સ્વામિજી એક વંદનીય પુરુષ લાગતા હતા.

ભાગ્યે જ અનંતાદેવી પતિની સભાઓમાં જતાં; પણ આવી મોટી સભા હોય ત્યારે એને જવું પડતું હતું. આજે એમણે જ પતિ દેવેન્દ્રસિંહજીને સંગીતમય શુભેચ્છા પાઠવવા આમંત્રણ આપ્યું હતું. લગભગ સભાની પૂર્ણાહૂતીના સમયે વયસ્ક અનંતાદેવી ધીમે રહીને સ્ટેજ પર ગયા. અને સાજલના હાથમાંથી માઈક લીધું.

સભાજનો માટે આ નવું હતું. અનંતાદેવી જાહેર સભામાં કંઈપણ બોલ્યા હોય એ નોંધાયું ન હતું. તાળીઓના ગડગડાટ સાથે અનંતાદેવીને વધાવી લેવાયા.

‘સજ્જનો અને સન્નારીઓ, મારા અને દેવેન્દ્રજીના વફાદાર અને મિત્રો’

‘દર વખતની જેમ જ આ વખતે પણ દેવેન્દ્રસિંહજીને વિજયમાળા પહેરાવવા માટે આપનો ખુબ આભાર. આપના સાથ અને કેતકીજીના આત્મીય સહકાર વગર આજનો આ સુખદ અવસર શક્ય ન હતો. મારા પતિશ્રીની પહેલી અગત્યની નીતિ મહિલા સશક્તિકરણની છે. સમાજમાં અડધો અડધ મહિલાઓ છે.  નારી કલ્યાણના મુદ્દે મારા પતિશ્રીએ જીવન સમર્પિત કર્યું છે.’ મારામાં મારા પતિની જેમ અનેકની સેવા કરવાનું સામથ્ર્ય નથી. મારે માટે એક જ વ્યક્તિ બસ છે. મારા લગ્નજીવનના અડસઠ વર્ષ મેં મારા પતિ અને આપના આદરણીય નેતાશ્રીના ચરણોમાં સમર્પણ કર્યા છે. જાહેર જીવનમાં પડેલા સમાજ સેવકોની પત્નીઓએ અનેક ભોગ આપવા જ પડે છે. એનેક પ્રોટોકોલ નિભાવવા પડે છે. મેં એ નિષ્ઠા પુર્વક નિભાવ્યા છે. બાહ્યજીવન અનેકવિધ પ્રવૃત્તિમાં વિતતું હોય છે જ્યારે આંતરિક જીવન એકાકી અને સથવારા વગરનું પણ હોય છે. દેવેન્દ્રજી અનેકવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. હું એકલી છું. સ્વામિજીનું આધ્યાત્મિક સંગીત મારા હૈયામાં ગુંજે છે. મને ગમે છે.  માનવસેવાની મને એક નવી દિશા સાંપડી છે. મારું શેષ જીવન સ્વામિજીના સાનિધ્યમાં વિતાવવા માંગું છું. સેવા અને ત્યાગ એ અમારા પરિવારનો ધર્મ છે. મને આશા છે કે મારા પતિ પણ મારા વિચારોને અનુમતિ આપશે અને રાજકારણમાંથી સમય ફાળવીને અવાર નવાર સ્વામિજીના સત્સંગનો પણ લાભ લેશે.

મારા જમાઈ બેંગ્લોરમાં આંખના મોટા સર્જન છે. એમના અભિપ્રાય પ્રમાણે જો સ્વામિજીની આંખને અનુકૂળ  કોર્નિયા મળે તો એમને ફરીથી દૃષ્ટિ પ્રાપ્ત થાય એમ છે. પણ લાંબા સમયથી મેચિંગ કોર્નિયા મળતા ન હતા. મારા કોર્નિયા એમને અનુકૂળ આવે એવા છે. સામાન્ય રીતે મૃત ડોનરની નેત્રદાન લેવાય. પણ અપવાદ રૂપે, અનેક સલાહો પછી મેં મારી હયાતી દરમ્યાન જ સ્વામિજીને એક નેત્ર અર્પણ કરવા નિર્ધાર કર્યો છે. હું એક આંખ ગુમાવીશ છતાં હું એક આંખે જોઈ શકીશ. સ્વામિજીને પણ જીવન જરૂરિયાત પ્રમાણેની એક નેત્રની આંશિક દૃષ્ટિ મળશે.

બેન્લ્વેટ હૉલમાં સન્નાટો છવાઈ ગયો. અનંતાદેવીએ પતિ દેવેન્દ્રસિંહજી અને સભાજનોને નમસ્કાર કર્યા અને ધીમે ધીમે સ્ટેજ પરથી નીચે ઉતર્યા. આગલી હરોળમાં બેઠેલા સ્વામિજી પાસે ગયા. દેવેન્દ્રસિહજી મૂઢ અને અવાચક હતા. અનંતાદેવીએ સ્વામિજીનો હાથ પકડ્યો અને બન્ને વયસ્કો હોલ બહાર ઉભેલી કારમાં નીકળી ગયા. એમની પાછળ પાછળ પુત્રી વિશાખા પણ ચાલી નીકળી.

***

કોણ હતા એ સ્વામિજી અને શું હતી એમની વાત!

સ્વામિજી તરીકે જાણીતા થયેલા ભક્તકવિનું યુવાવસ્થાનું નામ હતું ગૌરાંગ.  ગૌરાંગ દેવેન્દ્રસિંહનો બાળપણનો મિત્ર હતો. દેવેન્દ્રસિંહના પિતા બ્રિટિશરાજ હતું ત્યાં સુધી બ્રિટિશ સરકારને વફાદાર રહ્યા હતા અને આઝાદી મળતાં કોંગ્રેસમાં જોડાયા હતા. દેવેન્દ્રજી અમદાવાદ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા. ગૌરાંગ એનો રૂમ પાર્ટનર હતો. ગૌરાંગ તેજ્સ્વી વિદ્યાર્થી હતો. નામ પ્રમાણે જ રૂપાળો હતો. નીલી આંખો અને ગાલમાં ખંજન. તે સોહામણો હતો. શરમાળ હતો. સંગીતનો શોખ હતો.

દેવેન્દ્રને અભ્યાસમાં ખાસ રસ ન હતો. એ વિદ્યાર્થીસંઘનો નેતા હતો. બાળપણથી જ રાજકારણના વાતાવરણમાં ઉછર્યો હતો. હંમેશા મહિલામિત્રોથી ઘેરાયલો રહેતો હતો.

ગૌરાંગના પિતા, દેવેન્દ્રસિંહના પિતા સુરેન્દ્રસિંહજીની ઓફિસના એક કર્મચારી હતા. દેવેન્દ્રસિંહને અભ્યાસમાં મદદરૂપ થાય એ ગણત્રીએ બાપુ ગૌરાંગનો અભ્યાસ ખર્ચ ઉપાડી બન્ને મિત્રોને સાથે રાખ્યા હતા. દેવેન્દ્ર પણ ગૌરાંગને મિત્રદાવે ઘણી આર્થિક મદદ કરતો હતો.

બન્ને મિત્રો જ્યારે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે ગૌરાંગના વિવાહ રૂપસુંદરી અનંતા સાથે થયા હતા. અનંતા આકર્ષક આંખોવાળી રૂપકન્યા હતી. તે જમાનામાં વિવાહ લગ્નની વાતમાં ગૌરાંગના સમાજમાં છોકરા છોકરીને પુછવા કે સહમતિ લેવાનો રિવાજ જ ન હતો. વડીલો જ બધું નક્કી કરી લેતા.

વેવીશાળ પછી પહેલી જ વાર ગૌરાંગે અનંતાને એક કુટુંબીના લગ્નમાં જોઈ હતી. પણ વાતો કરવાનો મોકો જ મળ્યો ન હતો. તે સમયે વડીલો અને સમાજની આમન્યાની કેટલીક મર્યાદાઓને કારણે એણે પોતાની ઊર્મીઓને દબાવી રાખી હતી. પણ ચાર વિશિષ્ટ આંખોએ ઘણી વાત કરી લીધી હતી. અનંતા, લાવણ્યમય લજામણું કોમળ પુષ્પ હતું, ગૌરાંગથી વાત ન થઈ, એટલે મિત્ર દેવેન્દ્રસિંહને વાગ્દત્તા અનંતાને એક પ્રેમપત્ર પહોંચાડવાનું કામ સોંફ્યું. તે જમાનામાં પ્રારંભિક સંપર્ક સમવયસ્ક મિત્ર કે ભાઈ બહેનોની મધ્યસ્થિ દ્વારા જ સધાતો. આ કામ એણે મિત્ર દેવેન્દ્રસિંહને સોંફ્યું. દેવેન્દ્રએ હર્ષભેર એ જવાબદારી સ્વીકારી. ગૌરાંગને કહ્યું ‘બે દિવસમાં અનંતા જવાબ આપશે.’ સુંદર ભાવીપત્ની સાથેની ભાવી જીંદગીની કલ્પનામાં રાચતો ગૌરાંગ અનંતાના પ્રત્યુત્તરની રાહ એક મહિના સુધી જોતો રહ્યો.

એક મહિના પછી ગૌરાંગના પિતાનો પત્ર મળ્યો. બેટા અનંતાના પિતાએ વેવિશાળ તોડી તારા જ મિત્ર દેવેન્દ્રસિંહજી સાથે કર્યા છે. એઓ મોટા માણસ છે. આપણા પર એમના અનેક ઉપકાર પણ છે. તું હવે એને ભૂલી જજે. એમાં જ આપણા સૌનું કલ્યાણ છે.

ગૌરાંગ દેવેન્દ્રસિંહનો મિત્ર હતો. એનો ઋણી હતો. બસ અનંતાને એ ભૂલવા નિરર્થક પ્રયાસો કરતો રહ્યો.  “દીકરી અને ગાય દોરે ત્યાં જાય” એ સ્વીકારીને અનંતા પણ શરણાઈના સૂર સાથે માહ્યરામાં ગોઠવાઈ ગઈ. હતી. લગ્નમાં ગૌરાંગે હાજરી આપી હતી. મિત્રને આલિંગન આપીને અભિનંદન પણ આપ્યા હતા. પણ ભૂતપૂર્વ વાગ્દતા સામેથી એની નજર હઠતી ન હતી. મલમલી ધૂંઘટમાં એ નિઃસહાય અનંતાની લાચારી જોઈ રહ્યો હતો.

બાપુ સુરેન્દ્રસિંહજીના સેક્રેટરીએ ગૌરાંગને અને એના પિતાને એક ખૂણામાં બોલાવીને નમ્રતાથી કહ્યું હતું કે હવે આપનો નિવૃત્ત થવાનો સમય થયો છે. ગૌરાંગને મુંબઈની કોલેજમાં ભણવાની વ્યવસ્થા કરી છે. ખર્ચાની ચિંતા કરશો નહિ. આપને આપના પગાર કરતાં પણ વધુ પેન્શન મળી રહેશે. દેવેન્દ્ર અને ગૌરાંગની જીવન દિશા બદલાઈ ગઈ. સંપર્ક તૂટી ગયો.

દેવેન્દ્રસિંહના પિતા સુરેન્દ્રસિંહજીનું અવસાનના સમાચાર મળતાં ગૌરાંગ દેવેન્દ્રને આશ્વાસન આપવા  શોક સભામાં ગયો હતો. ભૂતપૂર્વ વાગ્દત્તા અનંતા અને ગૌરાંગની વચ્ચે દૃષ્ટિસંવાદ થયો હતો જે દેવેન્દ્રના ધ્યાન બહાર નહતું. બીજે દિવસે ટ્રેઇનમાં મુંબઈ જતી વેળાએ કોઈક ગુંડાએ ગૌરાંગના ચહેરા પર એસિડ છાંટ્યો અને ટ્રેઇનમાંથી કૂદી પડ્યો. તાત્કાલિક સારવાર ન મળતાં ગૌરાંગે દૃષ્ટિ ગુમાવી દીધી.

ગૌરાંગનો એક મિત્ર એને બેંગ્લોર લઈ ગયો. પાસેના ગામમાંના ઘરમાં રહેવાની સગવડ કરી આપી હતી. ગુજરાતી સમાજથી દૂર એનું નવું જીવન શરું થયું. વર્ષો વિતતા ગયા. પૂર્વજીવન વિસરાઈ ગયું રવિન્દ્રનાથ ટાગોર જેવા જ દેખાતા ધવલ ગૌરાંગનું મૂળ નામ પણ ભૂલાઈ ગયું અને તે માત્ર સ્વામિજી તરીકે જ ઓળખાવા લાગ્યા. આંખના ડોક્ટર રેડ્ડી અને એમની પત્ની વિશાખા સ્વામિજીના પ્રસંશક હતા. એકવાર વિશાખા એની મમ્મી અનંતાદેવીને એમના ભજન સાંભળવા લઈ આવ્યા. સ્વામિજી તો અનંતાને ઓળખી ન શક્યા પણ અનંતાદેવીની વર્ષો પછી પણ સ્વામિજીને ઓળખી ગયા. પહેલી મુલાકાતે જ બન્ને વયસ્કોની એક નવી દુનિયા સર્જાઈ ગઈ.

વિશાખાની ગેરહાજરીમાં સ્વામિજી અને અનંતાદેવીએ અતિતને સજીવન કર્યો. અનેક ખુલાસાઓ થયા. દેવેન્દ્રએ ગૌરાંગનો પ્રથમ પ્રેમપત્ર પહોંચાડ્યો જ ન હતો. એ પત્ર અનંતાને એક જુના પુસ્તકમાંથી મળ્યો હતો. સસરાની શોક સભામાં આવેલા ગૌરાંગ સાથે નજરોથી લાચારી વ્યક્ત થઈ હતી. બસ ત્યાર પછી ગૌરાંગ નામની વ્યક્તિ અદૃષ્ય થઈ ગઈ હતી.

અનંતા એક પુત્ર અને એક પુત્રીની માતા બની ગઈ હતી. દેવેન્દ્રસિંહ સમૃદ્ધ નેતા બની ગયા હતા. સુંદર મહિલાઓના માનીતા હતા. રજપૂત હતા અનેક પત્ની કરી શકે એમ હતા; પણ કાયદા અને સમાજને માન આપીને બહુપત્નીત્વ સ્વીકાર્યું ન હતું. પતંગિયા સ્વભાવના દેવેન્દ્રને અનેક સ્વૈછિક પુષ્પોની ખોટ જ ન હતી.

વર્ષો બાદ અનંતાદેવીને આકસ્મિક રીતે પુત્રી વિશાખા દ્વારા ગૌરાંગસ્વામિ મળ્યા. પુત્રી વિશાખાને એમના અતિતની જાણ ન હતી પણ પિતાશ્રીના ચારિત્ર્યની જાણ તો હતી જ. વિશાખાએ શરૂઆતમાં તો મમ્મીના જીવતે જીવત નેત્રદાનનો વિરોધ કર્યો, પણ મમ્મીના મહાન ત્યાગને બિરદાવી નેત્રદાનની અનુમતી આપી. એક મહાન નેત્રદાન થઈ ગયું.

***

આજે પણ અનંતાદેવી દેવેન્દ્રસિંહજીના કાયદેસરના પત્ની જ છે. તેઓ પુત્રી વિશાખા સાથે બેંગલોરમાં રહે છે. વાસ્તવમાં એક નેત્રીય સ્વામિજી અને એક નેત્રીય અનંતાદેવી, દિવસના મોટાભાગનો સમય એક સાથે જ વ્યતિત કરે છે. વયોવૃધ્ધ દેવેન્દ્રસિંહજી હવે મુખ્યમંત્રી નથી પણ રાજકીય સમાચારોમાં ચમકતા રહે છે. ત્રણ જીવન પોતપોતાની રીતે વહ્યું જાય છે.

(ગુજરાત દર્પણ  ડિસે.૨૦૧૭)

જેહાદીની અમ્મા.

જેહાદીની અમ્મા.

NY Terroris

ન્યુ યોર્ક ટેરરિસ્ટ (ઓક્ટો. ૩૧, ૨૦૧૭)

બુરખાનશીન મહિલા રિક્ષામાંથી ઉતરી અને દોડતી હાંફતી પોલિસ સ્ટેશનમાં દાખલ થઈ. ડેસ્ક પરની મહિલા કોન્સ્ટેબલ અટકાવે તે પહેલાંતો તે સાહેબની ઓફિસમાં ઘૂસી ગઈ. ઈન્સ્પેક્ટર મિસ્ટર ઠાકુર કોમ્પ્યુટર પર કોઈક માહિતી મેળવી રહ્યા હતા. એકદમ ધસી આવેલી મહિલાએ ચીસ પાડતાં કહ્યું ‘સાહેબ મારા દીકરાને બચાવી લો. પ્લીઝ સેવ માય સન.’

ઠાકુર સાહેબ ગર્જ્યા, ‘બૈઠ જાઓ ઔર બુરખા ખોલો.’

મહિલાએ વેઇલ ખોલી. આધેડવયની સુંદર મહિલાએ અંગ્રેજીમાં કહ્યું એટલે તે શિક્ષિત હતી એ તો ચોક્કસ જ હતું. ઠાકુર સાહેબે હિન્દીમાં જ સામે સવાલ કર્યો ‘કૌન હો તુમ? ક્યા હૂઆ તેરે લડકે કો?’.

બે સબઈન્સ્પેક્ટર આવી ગયા અને ત્રણ કોન્ટેબલ મહિલાની આજુબાજુ ગોઠવાઈ ગયા. મહિલા ફફડતી અને ધ્રૂજતી હતી.

‘સાહેબ મારો દીકરો ઘણાને મારી નાંખશે અને જાતે મરી જશે. એ માત્ર પંદર વર્ષનો છે. મારો એકનો એક દીકરો છે.’

‘નામ ક્યા હૈ? કહાં હૈ તુમ્હારા લડકા?’ જરા પણ નરમાશ બતાવ્યા વગર ઠાકુર પૂછતા રહ્યા. મહિલા ગુજરાતીમાં જવાબ આપતી રહી. વાતનું વિડિયો રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. બે મિનિટમાં જ હાજર ઓફિસરોને  મહિલાની ટૂંકી વાતની ગંભીરતાનો અણસાર આવી ગયો. “ઘણાને મારી નાંખશે અને જાતે મરી જશે” એટલું વાક્ય જ કુશળ ઓફિસરો માટે પુરતું હતું. મહિલાએ અંગ્રેજીમાં દીકરાને બચાવવાની વાત કરી હતી. એટલે ઠાકુર સાહેબે ફરી પૂછ્યું ‘વેર ઈઝ યોર સન. વ્હોટ હેપન્ડ ટુ હીમ. વ્હેર ઈઝ હી?’ ઓફિસ બહાર ચાર પોલિસ જીપમાં સશત્ર પોલિસો ખડકાતાં હતાં. ઓર્ડરની રાહ જોવાતી હતી.

‘સાહેબ મારો દીકરો હમિદ અબદુલ્લાહ રામમંદિરના મેદાનમાં બાપુની કથા ચાલે છે તે એરિયામાં કશેક મોટી ટ્રક લઈને ઉભો છે. આઈ ડોન્ટ નો ધ એક્ચ્યુઅલ લોકેશન. કથા પુરી થશે એટલે એ મેદાનમાંથી નીકળતાં માણસો પર ટ્રક ચલાવી દેશે. લંડન પેરિસમાં બન્યું હતું એવું જ કશું થશે.’

‘ટ્રકનો નંબર? મોડેલ?’

‘એ કશું ખબર નથી પણ ટ્રકના બેક ડોર પર ચોકથી લખ્યું છે “અલ્લાહ ગવાહ”. ભાઈજાનની ટ્રક છે. મારા હસબન્ડનો એમની સાથે પાર્ટનરશીપમાં સિઝનલ બિઝનેશ છે અને અત્યારથી દિવાળીના ફટાકડાની ખરીદી ચાલે છે.’

‘ઈટસ ઈનફ ફોર નાવ. થેન્ક્સ. વોટ્સ યોર નેઈમ?’

‘શીલા.’

‘શીલા? સાહેબે પૂછ્યું તો ખરું પણ જવાબની રાહ નહિ જોઈ. ટોન બદલ્યો. આપ યહાં ઈન્તજાર કરો. આપ બુરખા નિકાલ દો, ઔર આરામ સે બૈઠો. જબ તક આપકે બેટેકો હમ યહાં નહિ લાયે તબ તક આપ કહીં ભી નહિ જા શકતે. આપકી ભી તલાસી લેની પડેગી. આપકે પાસ જો કુછ હૈ, ફોન ઓર પર્સ, સબ કુછ ટેબલ પર રખ દો. જબ આપ ઘર જાઓગી આપકો સબ મીલ જાયેગા.’ તુમ ને બદલે સાહેબ આપ શબ્દ વાપર્યો.

વાત ચાલતી હતી તે દરમ્યાન ઓપરેશન એલર્ટના સિગ્નલ્સ સીટી કમિશનર, ડી.એસ.પી, એન્ટી ટેરોરિસમ સ્ક્વૉડને અપાઈ ગયા. સમગ્ર તંત્ર સાબદું થઈ ગયું.

સાહેબે કોન્સ્ટેબલને કહીને શીલા માટે પાણીની બોટલ મંગાવી. સાહેબ સમય ગુમાવાને બદલે બહાર નીકળી ગયા. અનેક મોટર બાઈક પર સિવિલ ફોર્સ મંદિરની આજુબાજુના વિસ્તારમાં ટ્રકની શોધમાં લાગી ગયા. માત્ર દશ મિનિટમાં જ “અલ્લાહ ગવાહ” ટ્રક નો પત્તો મળી ગયો. કથાકારબાપુને સંદેશો મોકલાઈ ગયો. બાપુ કથા ચાલુ જ રાખજો. મેદાનના પ્રવેશદ્વાર સામે રાયફલ સ્વોડ ખડી થઈ ગઈ. કોઈ પણ વાહન ઘૂસવાની કોશીશ કરે તો પહેલાં ચારે ટાયર અને જરૂર પડે તો વાહન ડ્રાઈવરને સૂટ કરવાની સૂચના અપાઈ ગઈ. બે માઈલ દૂર હમિદની ટ્રકનું સ્થાન કન્ફર્મ થઈ ગયું. ટ્રકથી દૂર પાંચમાળના મકાનના ધાબા પરથી એક શંકાસ્પદ માણસ બાયનોક્યુલર સાથે ફરતો દેખાયો.

કમાન્ડો નરેન્દ્રસિંહની ટીમ પાછલા દાદર પરથી ટેરેસ પર પહોંચ્યા, ટેરેસ પર બે માણસો હતાં. એકના હાથમાં બાઈનોક્યુલર હતું અને બીજાના હાથમાં હેન્ડગન હતી. એણે માણસો આવતાં જોયા એટલે બાઈનોક્યુલર વાળો જે વાંકો વળીને જોતો હતો તેને ઉંચકીને નીચે ફેંકી દીધો અને આડેધડ ગોળીઓ છોડવા માંડી પણ સ્ક્વોર્ડ ટીમ ટેવાયલી હતી. સામસામેના ગોળીબારમાં ટેરરિસ્ટ ઘવાયો અને એરેસ્ટ કરાયો. ધાબા પરથી ફેંકાઈ ગયેલો તો પડતાં જ મરી ગયો. ઘવાયલા ટેરરિસ્ટને નાકા પર તૈયાર રખાયલી એમ્બ્યુલન્સમાં રવાના કરાયો. મરેલા ટેરરિસ્ટના ફોટા લેવાયા અને લાશને તરત જ વાનમાં પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવાઈ. આજુબાજુના એરિયામાં કમાન્ડો અને એન્ટી બોમ્બસ્ક્વોર્ડ તૈયાર હતી.

ઈન્સ્પેકટર ઠાકુર ધીમે રહીને ટ્રક પાસે પહોંચ્યા; અને પોર્ન મેગેઝીનના ફોટા જોવામાં મસ્ત હમીદને ટ્રકમાંથી બહાર ખેંચી જમીન પર પછાડી દીધો. તરત જ બાકીનું કામ બીજા ઓફિસરે પતાવી દીધું. હમીદ બેડીઓમાં જકડાઈ પોલિસ વાનમાં ફેંકાઈ ગયો.

બાપુના રામભકતોની રક્ષા જાનહાની વગર થઈ ગઈ. આજુબાજુના વિસ્તાર વાળાને ખબર પણ ના પડી કે એક મોટો હત્યાકાંડ થતો રહી ગયો. સમગ્ર મામલો માત્ર વીશ મિનિટમાં મિડિયાની જાણ બહાર સમેટાઈ ગયો. લોકલ પોલિસ ડિપાર્ટમેન્ટના ઠાકુર સાહેબની કુશળતાથી ટેરરિસ્ટ હમિદને જીવતો પકડી લેવાયો.

શીલા પોલિસ સ્ટેશનના એક રૂમમાં દીકરાના સમાચારની રાહ જોતી હતી.

પૂરા બે કલાક પછી શીલાને ઠાકુર સાહેબે બોલાવી. ઓફિસમાં ડીએસપી, સીટી કમિશનર, સરકારી વકીલ અને બીજા બેત્રણ ઓફિસર હાજર હતાં.

‘શીલા, યોર સન ઈઝ એલાઈવ એન્ડ ઈન અવર કસ્ટડી. થેન્ક્સ. યોર ટાઇમ્લી ઇન્ફોર્મેશન સેવ્ડ ધી લાઈફ ઓફ યોર સન એન્ડ હન્ડ્રેડ ઓફ ઇનોસન્ટ પીપલ. યુ આર બ્રેવ મધર. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ભારત સરકાર અને સૌ ભારતીય તારા આભારી રહેશે.’

‘મારે મારા દીકરાને મળવું છે.’

‘સોરી, એને બીજી ખાસ હવાલાતમાં લઈ જવાયો છે. એને તમે મળી શકશો નહિ. એને ઘણી પૂછપરછ કરવાની છે. તમારે માટે એ જ સંતોષની વાત છે કે તમારો દીકરો જીવંત છે.’

‘મારા દીકરાનું  શું થશે?’

‘હું નથી જાણતો. એ સરકાર અને જસ્ટીસ ડિપાર્ટમેન્ટના હાથની વાત છે. અત્યારે તો તમારે જે કાંઈ જાણતા હો તે અમને શાંતિથી ગભરાયા વગર અમને જણાવો. તમારે કાંઈ ખાવું છે. લાંબા સમયથી કશું જ ખાધું પીધું નહિ હોય.’

‘ના મારે મારા દીકરાને જોયા વગર ખાવું નથી’

‘એ લાંબા સમય સુધી શક્ય નથી. શીલા બી રિયલ. આફ્ટર અવર ટોક, વી એરેન્જ ફોર યોર મીલ. હવે સૌથી પહેલાં તમારી વાત કરો. જન્મથી શરૂ કરી જે યાદ હોય તે વિસ્તારથી કહેવા માંડો. તમે જે કહેશો તે રેકોર્ડ થતું રહેશે એ જાણ માટે.’

‘મારું નામ શીલા. હું કરાંચીના ગુજરાતી લોહાણા કુટુંબની દીકરી. હું કોલેજમાં એમ.એ.નું ભણતી હતી ત્યારે  મેં મારી સાથે જ ભણતા મારા દોસ્ત અહમદખાન સાથે મારા પેરન્ટ્સની મનાઈ છતાં પ્રેમલગ્ન કરેલા. કુટુંબ સાથેનો નાતો તૂટી ગયેલો. લગ્ન પહેલાં તો અહમદે મને મારો ધર્મ પાળવાની છૂટ આપેલી પણ લગ્ન પછી એણે મારી પાસે ઈસ્લામ ધર્મ પાળવા ફરજ પાડી. હું છાનીમાની ભગવાનની પ્રાર્થનાઓ કરી લેતી. હું પ્રેગનન્ટ હતી ત્યારે અમે ફેક વિઝા મેળવીને શ્રીનગર ફરવા ગયા. ત્યાંથી અમે દિલ્હી ગયા. દિલ્હીમાં હતી ત્યારે હમિદનો જન્મ થયો. હમિદને સારી જીંદગી મળે એ ઈરાદે અમે ઈન્ડિયામાં જ રહી પડ્યા. ત્યાર પછી તો અમે ગુજરાતમાં આવ્યા. મને અહિ હાઈસ્કુલમાં નોકરી પણ મળી. મારા હસ્બન્ડ મદ્રેસા સ્કુલમાં પાર્ટટાઈમ ઈસ્લામિક કલ્ચર શીખવતા હતા. મારો દીકરો હમિદ ઇંગ્લીશ મિડિયમ મદ્રેસા હાઇસ્કુલમાં દશમા ધોરણમાં ભણે છે. ત્રણ વર્ષ પહેલાં મારા હસબંડનો કઝીન પાકિસ્તાનથી બાંગલા દેશ થઈને બાંગલાદેશી રેફ્યુજી તરીકે આવી ગયો. તેની સાથે મારા હસબન્ડે પાર્ટનરશીપમાં સિઝનલ ધંધો કરવા માંડ્યો. ચાર વર્ષ પહેલાં બ્રેસ્ટ કેન્સરમાં ટોટલ માસ્ટેક્ટોમી પછી મારામાં એણે ઈન્ટરેસ્ટ ગુમાવી દીધો હતો. એક વાર ભાઈજાને મારી હાજરીમાં જ કહ્યું હતું કે આ કાફિરકી બચ્ચી અબ તેરે કામકી હી નહિ. દૂસરી શાદી કરકે બચ્ચે બનાના શરૂ કર દે. સહેબ એ ખરાબ માણસ છે. મારે મારા હસ્બન્ડને એની સોબતમાંથી છોડાવવો છે.’

પાણીના બે ધૂંટ પીને શીલાએ પોતાની વાત ચાલુ રાખી.

‘અહામદે કઝીન સાથે ધંધામાં વધારે સમય ગાળવા માંડ્યો. હું કાંઈ પૂછતી તો મારપીટ કરતો. પણ પછી માફી માંગી લેતો. ભાઈજાને મારા હમિદને કુરાન અને ઉપરાંત હેદિથ, મહમદ પૈગંબર સાહેબની આજ્ઞાઓનું પાલન કરવાની વાતો શીખવવા માંડી. મારા દીકરાને બધા ટીનેજરની જેમ નાની ઉમ્મરથી જ ડ્રાઈવિંગ કરવાનું મન થતું હતું. ચૌદ વર્ષની ઉમ્મરે જ ભાઈજાને એની ટ્રક ચલાવતા શીખવી દીધું હતું, નાની ઉમ્મરે ગેરકાયદેસર લાઇસન્સ વગર ડ્રાઈવિંગ કરવા સામે મારો વિરોધ હતો. પણ મારું સાંભળે પણ કોણ?’

‘છ મહિનાથી મને ઉંઘવા માટે સ્લીપીંગ પીલ્સ લેવી પડે છે. ગઈ કાલે રાત્રે અચાનક મારી ઉંઘ ઉડી ગઈ.  મારા હસબંડ અને કઝિન ભાઈજાનને, મારા દીકરા સાથે બંધ બારણે વાત કરતાં સાંભળ્યા. મેં છાનામાના વાત સાંભળવા માંડી.’

‘તને બ્યુટિફુલ ગર્લ્સ ગમે છેને? છોકરીઓ મેળવવાનો સહેલો રસ્તો કાફિરોને મારતાં મારતાં જન્નત નશીન થવું. બી એ સ્યુસાઈડ બોમ્બર. જેઓ અલ્લાહને માટે કાફિરો સામે લડી રહ્યા છે, ઇસ્લામ વિરોધીઓને મારતા પોતે મરી જાય છે. એ સ્યુસાઈડ નથી શહિદી છે. કુરાનમાંતો સ્યુસાઈડની ના ફરમાવી છે. પણ કુરાદવી જેવા ઘણાં ઇસ્લામિક એક્ષપર્સ્ટો એ કહ્યું છે કે ઈસ્લામ માટે મરવું એ આત્મહત્યા નથી. અગર તૂ શહીદ હો જાયેગા તો તેરે લીયે જન્નતમેં સેવન્ટી ટુ મોસ્ટ બ્યુટિફુલ વર્જીન ગર્લ્સ વીલબી વેઈટિંગ ફોર યુ. તૈયાર હૈ? ઐશ્વર્યાસે  જ્યાદા બ્યુટિફુલ હૂર મીલેગી. મેં બારણાંની ફાટમાંથી જોયું તો એના હાથમાં પોર્ન મેગેઝીન હતું. એમાંનું નેકેડ સેન્ટર ફોલ્ડ જોતો હતો. કાલે તારે બાપુની કથા પૂરી થાય ત્યારે ફટાકડા પર લાઈટર સળગાવીને ફેંકી દેવાનું અને અલ્લાહ ગવાહ ટ્રક કથામાંથી આવતા ટોળા પર ચઢાવી દેવાની. અગર તેરે સામને મૈ, તેરે અપને પેરેન્ટ્સ ભી હો, યુ ડોન્ટ કેર. જો અલ્લાહ કે લીયે કરના હૈ વો કરના હી હૈ. અગર તૂ શહિદ હો ગયા તો જન્નતકી સેવન્ટી ટુ હૂર મિલેગી ઇટ્સ ગેરંટી. અગર ઈન્ડિયામેં જીન્દા રહેગા તો અગ્લી ગર્લ હી મિલેગી. યહાં સે કલ શામકો છે બજે તૂ નીકલેગા. શાયદ સાત બજે તું સેવન્ટી ટુ હૂરકે બીચમે એન્જોય કરતા હોગા.’

‘હું ઉંઘી શકી નહિ. દાવત માટે ઘણી રસોઈ કરવાની હતી. બધા ઘરમાં જ હતાં. ઘરની બહાર નીકળી શકી નહિ. એઓ જેવા ઘર બહાર નીકળ્યા કે તરત જ હું રીક્ષામાં અહિ આવી પહોંચી. અત્યારે મારા હસબંડ અને ભાઈજાન ક્યાં છે તે ખબર નથી.’

ઠાકુર સાહેબે પોતાના ફોન પર જેને ગીરફ્તાર કર્યો હતો તેનો ફોટો બતાવ્યો. ‘આ કોણ છે?’

‘ઓહ આતો મારા હસબંડના કઝીન ભાઈજાન છે? ક્યાં છે?’

‘એ અમારી કસ્ટડીમાં છે. શીલા તમારા હસબન્ડ અત્યારે ક્યાં છે?’

‘મને ખબર નથી. એ મારા ઘરમાંથી તો ભાઈજાન સાથે જ નીકળ્યા હતા.’

‘શીલા, આ ફોટો ધ્યાનથી જૂઓ. આ કોઈ તમારા હસબન્ડનો મિત્ર કે તમારો જાણીતો માણસ છે?’

‘ઓહ, ઓહ આતો મારા હસબંડ અહમદખાન છે. એને શું થયું?’

‘તમારા ભાઈજાને એને અગાસીમાંથી ઉંચકીને નીચે ફેંકી દીધા અને ખુદાના પ્યારા થઈ ગયા. આઈ એમ સોરી ફોર યોર લોસ.’

શીલા સાથે ઠાકુરને આથી વધુ ખુલાસાઓ કરવાની જરૂર ના લાગી. શીલા ભાંગી પડી. શીલા રડતી રહી. થોડો સમય એને રડવા દીધી. કમિશનર સાહેબે પાસે જઈને માથા પર હાથ ફેરવ્યો. અને કહ્યું ‘પ્લીઝ કામ ડાઉન એન્ડ લીસન કેરફુલ્લી’

‘શીલા, હવે તમે તમારે ઘેર જઈ નહિ શકો. તમારા માટે એ સલામત નથી. તમારા ઘરની તલાસી લેવાની છે. હજુ અમારે તમને ઘણાં સવાલો પૂછવાના છે. તમને ગવર્નમેન્ટ પ્રોટેક્શન હેઠળ આજે અજ્ઞાત હોટેલમાં લઈ જવાશે અને કાલે બીજા સ્થળે લઈ જવાશે. તમે સતત પોલિસની નજર હેઠળ રહેશો. તમને કાંઈ પણ તકલીફ નહિ પડે તેની કાળજી લેવાશે. ખરેખર તો તમે ગેરકાયદે ભારતમાં દાખલ થયા અને તમારું ફેમિલીએ ટેરરિસ્ટને સપોર્ટ કર્યો છે. હજુ ઘણી લિન્ક શોધવાની બાકી છે. આશા છે કે જ્યારે જરૂર પડે ત્યારે તમારો સહકાર મળી રહેશે. અત્યારે તો તમારા ખૂદા કે ભગવાનનો એ જ પાડ માનવાનો કે તમારો દીકરો અને તમે હયાત છો. અત્યારે તમને સિવિલ ડ્રેસમાં બે મહિલા પોલિસ ઓફિસર યોગ્ય જગ્યાએ લઈ જશે જ્યાં તમે સતત પોલિસ નિગરાની હેઠળ રહેશો. થેન્ક્યુ શીલા.’

જેહાદીની અમ્માને અજાણી જગ્યાએ લઈ જવાઈ.

(નોંધઃ આ કાલ્પનિક  વાર્તા “ગુજરાત દર્પણ” ના નવે. ૨૦૧૭ના અંક માટે બે મહિના પહેલાં લખાઈ હતી. અને નવે.નો અંક ૪ નવે. શનિવારે પ્રગટ થાય તે પહેલાં જ ૩૧ ઓક્ટોબરના રોજ ન્યુયોર્કમાં ઉઝબેકિસ્તાની ટ્રક ડ્રાઈવરે અગ્યાર નિર્દોષ માનવીઓને કચડી નાંખ્યા. આ માત્ર કાલ્પનિક નવલિકા છે.)

ડો.મંજરીના પાંચ હસ્બન્ડ

ડો.મંજરીના પાંચ હસ્બન્ડ

‘એઈ શાસ્ત્રી, અહિ આવ.’

એક લગ્ન રિશેપ્શન પાર્ટિમાં મને જોઈને ચંપાકાકીએ મોટેથી બુમ પાડીને મને બોલાવ્યો.

હું એમની પાસે ગયો.

એમણે મોટા અવાજે કહ્યું ‘મારી જમણી બાજુ બેસ. મને ખબર છે. તારો ડાબો કાન જ થોડો ઘણો કામ કરે છે.’

અમારા ચંપાકાકીએ લગભગ આજુબાજુના બે ડઝન માણસો સાંભળે એ રીતે મોટેથી બુમ પાડી મારું સ્વાગત કરી એમની જમણી બાજુ બેસાડ્યો. કાકીને વાતો કરવાનો જબરો શોખ. પંચ્યાસીની ઉમ્મર પણ સ્વભાવ પાંત્રીસીનો. એમની ગોસીપ કે ગપ્પા એવી ગંભિરતાથી રજુ કરે કે ખોટી વાત છે તે સમજાય તો પણ સાભળવી ગમે. ક્યારે સિરીયસ છે અને ક્યારે જોક કરે છે એ સમજવું અધરું.

અમારા ચંપકકાકા પણ મારી જેમ બહેરા. કાકાના બન્ને કાન આઉટ ઓફ ઓર્ડર. કાકીને કાકા સાથે મોટેથી બોલવાની ટેવ એટલે એમને કોઈ પ્રાઈવસી એક્ટ લાગુ પડે જ નહિ. ગામ સાંભળે એટલા મોટા અવાજે વાત કરે.

એક જમાનામાં કાકી નાટકો લખતા અને ભજવતા. અમેરિકામાં આવ્યા પછી નાટકો છૂટી ગયા. એમણે સોસિયલ ગ્રુપમાં ગપ્પાબાજી શરૂ કરી. પંચ્યાસીની ઉમ્મરે બેત્રણ વોટ્સપ ગ્રુપ, ટ્વિટર એકાઉન્ટ અને એક ઓરિજીનલ અને બે ત્રણ ફેક આઈડી વાળા ફેસબુક એકાઉન્ટ રાખ્યા. એ મારી દરેક વાર્તા વાંચે અને દરેકમાં કાંઈ ને કાંઈ વાંધો કાઢે.

‘હમણાં તારું લખવાનું કેમ ચાલે છે? બંધ કરી દીધું?’

મને મોટેથી પૂછાયલો આ સવાલ સારો લાગ્યો. એટલિસ્ટ આજુબાજુના લોકો જાણે તો ખરા કે હું લેખક છું.

‘કાકી હમણાં હું સારો પ્લોટ કે કથાબીજની શોધમાં છું.’ 

‘જો, પેલા ખૂણામાં; મરૂન ટુ સ્પિલ્ટ ગાઉનમાં તારો બ્યુટિફૂલ પ્લોટ ઉભો છે..’

‘કોની વાત કરો છો? ડો.મંજરીની?’

‘હા, એની વાત તને ખબર છે?’

‘ના.’

હું ડો. મંજરીને ઓળખતો હતો. પણ એના પ્રોફેશન પૂરતો જ. એની પર્સનલ લાઈફ વીશે કશું જ જાણતો ન હતો. એકવાર ઈન્ડિયન ટીવી પર સાઈકોલોજીના વાર્તાલાપમાં મેં એમને સાંભળ્યા હતા. યંગ, ઈમ્પ્રેસીવ એન્ડ બ્યુટીફુલ ગર્લ. એક ફ્રેન્ડને ફેમિલી પ્રોબ્લેમ હતો મેં એમને ડો.મંજરીનું નામ રિફર કર્યું હતું એટલે નામ નજરની ઓળખાણ. કાકી શું વાત કરવાં માંગતાં હતાં તે મને ખબર ન હતી એટલે મેં ના  કહી.

‘તને ખબર છે આ મંજરી ચાર ડિવૉર્સ પછી પાંચમાં ને પરણી છે.’

‘વ્હોટ? મંજરી પરણેલી છે?’

‘એકવાર નહિ અનેક વાર. તું જાણતો નથી એણે ભલે એના પેશન્ટસને સાજા કર્યા હશે; પણ એના બધા વરોને તો ગાંડા કરી જ મૂક્યા છે.’

‘અરે કાકી યુ મિન્સ હસ્બન્ડસ? ના હોય. મને તો એમ કે ડો.મંજરી સિંગલ છે.’

‘અરે શાની સિંગલ. કાયમની લગ્ને લગ્ને કુંવારી. નથી મિસ લખતી, નથી મિસિસ લખતી. ઓન્લી એક એમ અને એક એસ. ઓન્લી મિઝ. કંઈ કારણ વગર? એને પોતાને જ ખબર નથી કે પોતે પરણેલી છે કે કુંવારી છે.’

‘જો સંભળ,’ એમણે એમના હોઠ લગભગ મારા કાનમાં ઘૂસાડતા હોય એ રીતે મંજરીનું પતિપુરાણ કહેવા માંડ્યું.

‘મંજરી કોલેજમાં ભણતી હતી ત્યારે એણે એના ક્લિનિકલ સાઈકોલોજીના પ્રોફેસરને પ્રેમમાં લપેટેલા અને લગ્ન કરેલા. સબ્જેક્ટમાં વગર મહેનતે પાસ થવા માટે જ તો. અને લગ્ન પછી કોર્સ પુરો થયો અને છ વીકમાં જ પ્રોફેસર પતિને ગાંડો કરી દીધેલો અને ડિવોર્સ થઈ ગયેલા. આ પતિ નંબર વન. આ વાત ખબર હતી?

‘ના. ના હોય’

‘હું યે પહેલાં ન્હોતી માનતી. એ તો પછી રિલાયેબલ સોર્સ દ્વારા ખબર પડેલી. ત્યાર પછી મંજરી પાસે કોસ્મેટિકના પૈસા ખૂટી ગયા. એક ફિલિપિનોને વીઝા અપાવવા પેપર પર પરણેલી અને છૂટી પડેલી, એ પતિ નંબર ટુ.’ 

‘એના ત્રણ નંબરનો હસબન્ડ કાઠિવાડી દોસ્ત હતો. લગ્નના બીજા દિવસે દોસ્તોની હાજરીમાં બાપુ મંજરી સાથે “પતિગીરી” કરવા ગયો તો એણે એના દોસ્તોની હાજરીમાં જ એવો ઝપેટ્યો, એવો ઝપેટ્યો કે બિચારાએ બે હાથ જોડી દયાની ભીખમાં તલ્લાક માંગ્યા હતા.’

‘ના હોય કાકી, મંજરી બહેન તો બહુ સૌમ્ય અને મીઠ્ઠા સ્વભાવના છે. એ એવું કરે જ નહિ.’

‘અરે! ભઈલા એ તો બહારથી જ મીઠડી છે બાકી ઘરમાં શું ચાલે તે તને શું ખબર? હું તો એને અંદર બહાર, ઉપર નીચે. આગળ પાછળ. બધે થી પાક્કી ઓળખું. આ વાત તો મને એના દોસ્તે જ કરેલી.’

‘શાસ્ત્રી, તારી કાકીને આખા ગામના ઘરોમાં શું થાય તે બધી જ ખબર.’ કાકાએ મને કહ્યું

‘હું કોઈની પણ સાથે વાત કરતી હોઉં ત્યારે તમને વચમાં ડખો કરવાની ટેવ પડી ગઈ છે. પ્લીઝ તમે મારે માટે અને શાસ્ત્રીને માટે આઈસ્ક્રિમ લઈ આવો. તમારે નથી ખાવાનું. હમણાં તમારી સુગર કંટ્રોલમાં નથી. અને સાચવીને લાવજો. તમારા સૂટ પર ગયા વખતની જેમ આઈસ્ક્રિમ ના પાડતા.’

‘કાકી હું લઈ આવું. કાકાએ તકલીફ લેવાની ના હોય.’

‘ના ના તારે જવાની જરૂર નથી. જો તું તો લાઈનમાં ઉભો રહેશે અડધો કલાકમાં યે તારો પત્તો નહિ લાગે. કાકા તો લાઈનમાં ઉભા રહ્યા વગર જ લઈ આવશે.’ એમણે મંજરીની વાત ચાલુ રાખી

ચોથો હસબંડ પણ ઈન્ડિયન ડોક્ટર જ હતો. ગાયનેક હતો. મંજરીએ એને ફિઝિકલ એકઝામની ધરાર ના પાડી દીધેલી.  બિચારાને દાંપત્યજીવન અસાર લાગ્યું. એ પણ ગાંડો થઈ ગયો. એ પ્રેક્ટિસ છોડીને  સ્વામિનારાયણના સંતોની સેવામાં જોડાઈ ગયો. એણે માત્ર મંજરીનો જ નહિ પણ દુનિયાની તમામ મહિલાનો ત્યાગ કર્યો.

 હું ચારની વાતમાં જ ધરાઈ ગયો. મેં એમની પાસેથી છૂટવાની તૈયારી કરી. ‘ચાલો કાકી હું જરા કપલને વીશ કરી આવું.’

‘અરે! કાકા આઈસ્ક્રિમ લેવા ગયા છે હમણાં આવશે આ પાંચમાની ની વાત તો જાણવા જેવી છે.’

‘કાકી, તમે બધી અનરિયાલિસ્ટિક વાતો કરો છો.’

‘તો બધી તારી વાર્તા રિયાલિસ્ટિક છે? બધી કવિતા નવલકથા રિયલ છે? બધા પુરાણો રિયલ છે? ફિલ્મોની વાતો રિયલ છે? કાકીનું છટક્યું. રિયાલિસ્ટિક વાતમાં કહેવાનું પણ શું હોય. જાણીતી વાતો જાણવા જણાવમાં નવીનતા પણ શું? હું તને પ્લોટ આપું છું, સમજ્યોને?

‘હું વીશ વર્ષની ઉમ્મરે તારા કાકા સાથે પરણી. છ મહિના પહેલાં પાંસઠમી લગ્ન જયંતિ ઉજવી. હું ચંપાચમેલીમાંથી ચંપાબા અને ચંપાદાદી બની ગઈ ફિલમ પૂરી. એબ્સોલ્યુટ રિયલ સ્ટોરી. વારતા પૂરી. કોઈને રસ ના હોય.’

‘મંજરી દર વર્ષે હસબન્ડ બદલે એ વાત ભલે અનરિયાલિસ્ટિક લાગે, હાઈલી અનયુઝવલ બટ વેરી ઈન્ટરેસ્ટીંગ. જો વાંચનાર સંભળનાર ઓહ નો, ઈમ્પોસિબલ, નાવ વોટ, હાઉકમ; ન કરે તો ફરાળી વારતાની મજા પણ શું. મંજરીની વાતમાં રસ ના પડતો હોય તો હું તને મારી કેડના દુખાવાની વાત કરું?’

‘ના કાકી, તમારી વાત ચાલુ રાખો એમ મારે કહેવું પડ્યું. કાકી મેં સામેથી પૂછ્યું, તો પાંચમા હસબંડની શું વાત છે?

‘તને રસ નથી પછી ખોટી લમણાંઝિકનો અર્થ પણ શું?’ કાકી ખોટું ખોટું રિસાયા

‘આતો કાકી તમે……..’

‘લે જો કાકા આઈસક્રિમ લઈને આવી ગયા.’

જોયું તો ખરેખર કાકા આવતા હતા. કાકાના હાથમાં અડધું ખાધેલું આઈસક્રિમ. હતું. એમના સૂટ પર આઈસ્ક્રિમ રેલાતું હતું. સાથે ડો.મંજરી, અને એક બીજો ટોલ, ડાર્ક અને હેન્ડસમ યુવાન બન્ને હાથમાં આઈસ્ક્રિમ લઈને આવી પહોંચ્યા.

‘નમસ્તે ચંપાદાદી, નમસ્તે શાસ્ત્રી અંકલ.’ ડો. મંજરીએ વિવેક દર્શાવ્યો.

‘શાસ્ત્રી અંકલ, કાકાએ વાત કરી, દાદી તમને મારા હસ્બન્ડ પુરાણની વાત કહેતા હતા ખરું ને? કેટલા નંબર સૂધી આવ્યા.’ ડોક્ટર મંજરીએ પ્રીએમ્ટિવ સર્જીકલ સ્ટ્રાઈક જેવો સીધો જ સવાલ મને કર્યો. હું તો સડક જ થઈ ગયો.

કાકીએ ગંભીરતાથી પેલા હેન્ડસમ યુવક સામે જોઈને કહ્યું ‘આ તારા પાંચમા નંબરના હસબન્ડની ગાથા બાકી છે.’

‘ઓહ! અંકલ! દાદીને ના કહી હતી તોયે એમનાના પેટમાં ખીર ટકી નહિ, મારી વાત આખા ગામમાં કહેતા ફરે છે. એકલા દાદીની વાત નથી. કેટલાયે લોકોની ગોસીપિંગ કરવાની કુટેવ હોય છે. મૂળ વાત કંઈ હોય તેમાં અનેક કલ્પનાઓ ઉમેરાય, ગપ્પાબાજી વહેતી થાય, વાતનું વતેસર થાય. આપણા દાદીની એમાં એક્ષપર્ટીસ છે.’

‘એઇ ચાંપલી, મેં આ શાસ્ત્રી અંકલને તો તું ઓળખે છે. લેખક છે. પણ પ્લોટ વગરના છે. એમને પ્લોટ આપું છું. એમના સિવાય તારી સિવાય કોઈને કહી નથી. બાકી મારે શું? તારે ડઝન ડિવૉર્સ ડઝન વેડિંગના માંડવા બાંધવા હોય તો બાંધજે ને! પણ હવે આ તારા મગુભાઈની  બાકીની વાત તું જ પૂરી કર.’

‘શાસ્ત્રી અંકલ આ મારા છેલ્લા હસબંડ મંગુભાઈ છે. અત્યારે તો સાત જન્મના સાથીદાર છે એમ કહેતી ફરું છું. કાલની ખબર નથી.’

હું છક્ક જ થઈ ગયો. એકદમ સ્પીચલેશ. જે વાતને હું કાકીનું ગપ્પુ સમજ તો હતો તે વાત ‘સ્ટ્રૅઇટ ફ્રોમ ધ હોર્સ માઉથ’ જેવી સાચી સાબિત થઈ.

‘મંજરીબહેન સીરીયસલી વાત કરો. માનું છું કે કદાચ આ આપના પહેલા હસબંડ હશે. કાકીને મશ્કરી કરવાની ટેવ છે.’ મારાથી કહેવાઈ ગયું.

‘અંકલ વાત એમ છે કે મારાથી હસબંડ વગર જીવાતું નથી અને પતિદેવ સાથે ફાવતું નથી. અમારા સાઈકોલોજીસ્ટનો આ જ મોટો પ્રોબ્લેમ છે. આ મારા હનીને ઈન્ડિયાથી લઈ આવી છું. અંકલ મને આશીર્વાદ આપો કે આ પતિદેવ જીવનભર ટકી રહે’

મંજરી જાણે ઈન્ડિયાના શાક બજારમાંથી ટામેટા લઈ આવી હોય એમ વાત કરતી હતી.

‘ક્વોલિફાય હસબંડ લેવા હું ઈન્ડિયા ગઈ હતી. તમારા સુરતના એક હિરાઘસુના ફેમસ ડોક્ટર દીકરા સાથે મારો ઈન્ટર્વ્યુ ગોઠવાયો હતો. હું બોમ્બેમાં હતી. એનો ડ્રાઈવર મંગુ, મને કાર લઈને લેવા આવ્યો હતો. સુરતમાં એના ભવ્ય બંગલામાં ઈન્ટર્વ્યુની શરૂઆત થઈ. ડોક્ટર દેખાવમાં બીલકુલ ગબલો લાગ્યો. જાડા ચશ્મા અને માથે ટાલ.’

મેં એને પૂછ્યું ‘રસોઈ કરતાં આવડે છે?’

‘બસ મોં પહોળું…. નો એન્સર.’

‘લોન્ડ્રીમશીનમાં કયો વોશીંગ પાવડર નાંખો છો?  જવાબમાં હેં?’

‘ખમણ ઢોકળા અને ખમણના લોચામાં શું ફેર? ટાલમાંથી વાળ શોધતો હોય એમ એનો હાથ માથા પર ફરતો હતો.’

‘ઈન્ટર્વ્યુ પૂરો. એનો ડ્રાઈવર મંગુ મને બોમ્બે મૂકવા આવ્યો. રસ્તામાં એણે મને પૂછ્યું મેડમ તમને હસબન્ડ જોઈએ છે કે હાઉસકિપર?’

‘મેં કહ્યું, ટુ ઈન વન.’

‘ડ્રાઈવરે કહ્યું હું બન્નેમાં ચાલુ એવો છું. અને હું આ મંગુને લઈ આવી. નાવ હી ઈઝ ધ ડ્રાઈવર ઓફ માય લાઈફ.’

ચાર જણા હસતાં હતાં હું બાઘાં મારતો હતો.

મંજરીના પાંચ પતિની વાત કોની સાથે સરખાવવી? શ્રીમતિ  દ્રૌપદી? એલિઝાબેથ ટેલર કે ઝાઝા ગેબોર સાથે? નાઇન લાઈવ્ઝ ઓફ કેટ કે સાતખૂન માફ સાથે? હું મારૂં મો પહોળું કરીને માંજરી આંખ વાળી ડોકટર મંજરી સામે જોતો જ રહ્યો. ના ના એ બને જ નહિ.

મંગુને મારી સ્થિતિની દયા આવી. એણે ફોડ પાડ્યો.

‘અંકલ, આઈ એમ ડો.મનિષ મરચન્ટ. અમારા સાઈકોલોજીકલ એસોસિએશન કન્વેન્સનમાં એક વર્કશોપ “ગોસીપ” અને રુમર્સ એટલે કે અફવા  ઉપર છે. અને બીજો વિષય સાઈકોલોજીસ્ટની ફેમિલી લાઈફ વીશેનો છે. દાદીજીએ એક કોમેડી વિડિયો ડ્રામા “ડિવોર્સીસ એન્ડ ફાઇવ હસ્બન્ડસ ઓફ ડો.સુનિતા”  તૈયાર કરી આપ્યું છે. ડો.સુનિતા તરીકે ડો.મંજરી અને એના પાંચેય હસબન્ડ તરીકે મેં અભિનય આપ્યો છે. અમે એ વિડિયો કન્વેન્શનમાં રજુ કરવાના છીએ. ગોસીપીગની મજા માણનાર કે રુમર્સ ફેલાવનારની મનોદશા અને વ્યક્તિ અને સમાજ પર થતી એની અસર વિગેરે પર ઘણા વાર્તાલાપો થશે હું આપને કોમ્પ્લીમેન્ટરી ઈન્વિટેશન કાર્ડ મોકલીશ. જરૂરથી પધારજો.’

હું બોલ્યો નહિ પણ મનમાં વિચારતો હતો કે માનસશાસ્ત્રીઓ ભલે આખા ગામને

ગાંડામાંથી ડાહ્યા કરતા હશે પણ એની સાથે કાયમ રહેનાર બૈરા છોકરાંઓને તો ગાન્ડા કરીને જ જંપતા હશે. સાઈકોલોજીસ્ટસનું મનોવિશ્વ કદાચ નોર્મલ કરતાં જૂદું હોતું હશે. જે હોય તે પણ એટલિસ્ટ મને મારી આજની વાર્તાનો પ્લોટ મળી ગયો.

પબ્લિસ્ડઃ ગુજરાત દર્પણ ઓક્ટો. ૨૦૧૭

“શાપિત શુભાશિષ.”

“શાપિત શુભાશિષ.”

जीवेत शरदः शतम् शतम्

अखंड सैभाग्यवती भव

**********

 

          ભીની આંખે શાંતિલાલને નર્સિંગ હોમમાંની એમની રૂમમાં એમના બેડપર બેસાડ્યા. વાંસા પર હાથ ફેરવ્યો,  વ્હિલચેરમાં બેઠેલા સરલાબાનો હાથ શાંતિલાલ પાપાના માથા પર ફરતો રહ્યો. શાંતિલાલ કશું સમજતા હતા કે નહિ; તે તો માત્ર ભગવાન જ જાણે, પણ બન્ને હાથે તમણે એમની “સરુ” એટલે કે સરલાબા નો એક હાથ પક્ડી રાખ્યો હતો. શાંતિલાલના દૃષ્ટિહીન નેત્રો માત્ર એમની સરુનો આભાસ જોતા અને કાન અવાજ ઓળખતા. એલ્ઝાઇમરને કારણે એમણે જગતની જાણકારી અને અન્યોની ઓળખ ગુમાવી દીધી હતી. ધીમે રહીને હાથ છોડાવ્યો.

      ‘લેટ્સ ગો બા, ડોન્ટ વરી, હી વીલ બી હેપ્પી હિયર. એવ્રી વીક હી વીલ વિઝિટ યુ.’ નર્સિંગહોમની નર્સે સધ્યારો આપતાં કહ્યું; અને કૃશકાય સરલામાની વ્હિલચેર ફરી એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ. એમ્બ્યુલન્સ સ્ટ્રેચર પર બાને હળવે રહીને સૂવડાવી દીધા. એમ્બ્યુલન્સ સરલાબાને લઈ “ટેન્ડર કેર હોસ્પીસ હોમ” ને રસ્તે દોડવા માંડી.

          સરલાબાને છેલ્લા સ્ટેજનું લિવર કેન્સર હતું. એમની નેવું વર્ષની ઉપરની ઉમ્મરને લીધે કોઈ ઉપાય કારગત નીવડે એમ ન હતા. એમને માટે ત્રણ ચાર મહિના, ત્રણ ચાર અઠવાડિયા કે ત્રણ ચાર દિવસ કરતાં વધુ સમય ન હતો. દેહ તૂટતો જતો હતો. પણ કોઈ અગમ્ય કારણસર એમની ચેતના સજાગ હતી. સરલાબા પોતે પણ પોતાનો અંત જાણતા જ હતા. પંચોતેર વર્ષના દીર્ઘ લગ્નજીવન બાદ જીવતા જીવત પતિથી છૂટા પડવાની વેદનાએ શારીરિક વેદના ભૂલાવી દીધી. હવેનું ભવિષ્ય ટૂંકુ હતું અતિત લાંબો હતો. બંધ આંખે એઓ હોસ્પીસને પંથે જતાં જતાં પોતાના ભૂતકાળને જોતા હતા.

          સોળ વર્ષની ઉમ્મરે હાથમાં મહેંદી મુકાઈ હતી, શરણાઈના સૂરો વાગ્યા હતા. એને અખંડ સૌભાગ્યવતી ભવ અને શાંતિલાલને દીઘાયુષ્યના અનેક આશીર્વાદ મળ્યા. કેટલાકેતો હળવાશથી સો છોકરાંની માં થજે એવી શુભેછા પણ પાઠવી હતી. શાંતિલાલે હળવાશથી કહ્યું હતું. મારાથી તો સરુ વગર ના જીવાય. મને સૌભાગ્યવતો ભવ ના આશિષ આપો અને સરુને દીર્ઘાયુષ્યના આશિષ આપો.

          એ જમાનામાં કોઈ, વડીલ બહેનો કે કાકી, મામી, માસી, ફોઈ કે દાદી સાથે આવી વાત નહોતું કરતું. પણ શાંતિલાલે કરી હતી. બધી મહિલાઓએ “બૈરી ઘેલો શાંતિ” કહીને મજાક પણ ઊડાવી હતી.

         શાંતિલાલ કેમિકલ એન્જીનીયર થયા હતા. એઓ ચાર મોટી બહેનોના એક માત્ર નાના ભાઈ હતા.  હરખઘેલી નણંદો ભાભીનો ક્યારે ખોળો ભરાય અને કૂળદિપકનું નામ પાડવા જઈએ તે દિવસની રાહ જોતી હતી. લગ્ન થયાને બાર બાર વર્ષ વિતી ગયા. એ દિવસ ન આવ્યો. બહેનો અને માબાપ તરફથી સીધા આડકતરા બીજા લગ્ન માટેના સૂચનો થવા માંડ્યા. તે જમાનામાં અને તે સમાજમાં એની નવાઈ પણ ન હતી. પણ શાંતિલાલ સંસ્કારી અને પ્રેમાળ હતા. સરલાને ખૂબ જ પ્રેમ કરતા હતા. સરલાએ પોતે પણ બીજા લગ્ન કરવા વિનવ્યા હતા. પણ શાંતિલાલ મક્કમ હતા. એમણે સ્વીકારી લીધું હતુ કે એમના ભાગ્યમાં સંતાન સુખ ન હતું. એણે બીજા લગ્નની ના કહી. એક બહેને તો હદ બહારની ટીકા કરતાં સરોજને વાંઝણી પણ કહી દીધી. સરલા ખૂબ જ રડી હતી. સરલાના બચાવમાં શાંતિલાલે કહી દીધું કે “મેં ડોકટરી તપાસ કરાવી છે. સરોજમાં વાંધો નથી; વાંધો તો મારામાં છે.” બસ થઈ રહ્યું.

          કુટુંબ છોડીને શાંતિલાલ વિઝા મળતાં અમેરિકા આવી ગયા. શાંતિલાલની નોકરી સારી હતી. સરલા   ને જોબ કરવાની જરૂર ન હતી. ત્રણ દિવસ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે સેવા આપતી. બન્નેનો સંસાર સૂખી હતો. બન્ને વચ્ચે અપાર પ્રેમ હતો. એમણે અમેરિકામાં પચ્ચીસ અને પચાસમી લગ્ન જયંતિ મિત્રોની હાજરીમાં ભવ્ય રીતે ઉજવી હતી.

          શાંતિલાલ નિવૃત્ત થયા હતા. આનંદ અને સંતોષ પૂર્વક જીવન વહેતું હતું. પણ કહેવાય છે સુખ દુઃખ સદા ટકતા નથી.

          શાંતિલાલને એક રાત્રે સ્ટ્રોક આવ્યો. બચી ગયા પણ અડધા અંગની ચેતના ગુમાવી દીધી. ત્યાર પછી ડિમેન્ટીયા અને ઍલ્ઝાઈમરની પણ અસર થઈ. શંતિલાલ લાચાર થઈ ગયા. યુવાનીનો તરવરાટ અદૃષ્ય થઈ ગયો. શાંતિલાલની આંખોનું તેજ પણ ગયું. તેઓ સરલાનો માત્ર આભાસ જ ઓળખતા, મેડિકલ ઈન્સ્યુરન્સે હોમ નર્સિંગએઈડની સગવડ કરી આપી હતી પણ, મદદનીશ એમને મદદ કરવા જતી તો બાળકની જેમ રડવા માંડતા. એ સમજતા કે આ એમની સરુ નથી. નર્સ ખવડાવવાની કોશીશ કરતી તો આંખો બંધ કરી દેતા. મોં બંધ કરી દેતા. ખાતા જ નહિ. યુવાન સરુ હવે વૃધ્ધ સુરુમા થઈ ગયા હતા.એને જ એમને ખવડાવવું, નવડાવવું પડતું. ઝાડો પેશાબ સાફ કરતાં. સંસ્કારી દંપતિએ એક પ્રથા જાળવી હતી. રોજ રાત્રે બેડમાં સૂતા સૂતા શાંતિપાઠ બોલતા અને બેત્રણ ભજન ગાઈને જ સૂતા. સરુબા હવે બાળકને સૂવડાવતાં હોય એમ શાંતિલાલના માથાપર હાથ ફેરવતા, શાતિપાઠ બોલતા અને ભજન ગાતા. શાંતિલાલ બાળકની  જેમ ઊંઘી જતા.

          ધીમે ધીમે ખબર કાઢવા આવતા મિત્રોની આવન જાવન ઘટવા માંડી. સગાઓનો સંસાર તો હતો જ નહિ. સ્નેહી મિત્રો વૃધ્ધ અને પરવશ થઈ ચૂક્યા હતા. કેટલાક લાગણીશીલ મિત્રોએ તો એમના પહેલાં જ વિદાય લઈ લીધી હતી. દીર્ઘ વૃધ્ધાવસ્થાએ એમને એકલા પાડી દીધા હતા. સંબંધ રહ્યો હતો માત્ર પ્રોફેશનલ ડોક્ટર, નર્સ અને મદદનીશ એઈડ સાથેનો જ. એક વાર તો ઘરના ભગવાન સામે બેસીને સરુમા ખૂબ જ રડ્યા. હે ભગવાન મને જો એકાદ સંતાન આપ્યું હોત તો મારા શાંતિની સેવા કરનાર કોઈક તો હોત! અરે! શાંતિએ બીજા લગ્ન કર્યા હોત તો એનો પણ ભર્યોભાદરો સંસાર હોત. એની કાળજી રાખનારું કોઈક તો હોત.

          અમેરિકા આવ્યા પછી, ઘડપણના સહારા માટે સરલાએ એકવાર શાંતિલાલને કહ્યું હતું કે “ચાલો આપણે એકાદ બાળકને દત્તક લઈએ.” ત્યારે શાંતિલાલ હસતા હસતા એના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયા. સરુ,  મને જ દત્તક લઈ લે. તારા ઘડપણમાં હું તારા દીકરાની જેમ જ સેવા કરીશ. પછી અનેક દાખલાઓ બતાવ્યા હતા કે જેમાં પુખ્ત સંતાનોએ માંબાપને ચૂસી લીધા પછી નકામા ઢોરની જેમ પાંજરાપોળ જેવા સસ્તા ઘરડાઘરમાં ધકેલી દીધા હોય. શાંતિલાલે પૂરતી  આર્થિક વ્યવસ્થા તો કરી જ હતી.

          એકલી આર્થિક વ્યવસ્થા જ પૂરતી ના કહેવાય. વૃધ્ધાવસ્થાની બિમારીના સમયની હૂંફની વ્યવસ્થા કરવાનો એમની પાસે કોઈ જ માર્ગ ન હતો.

          સરુમા રડતાં. એના ડૂસકાનો અવાજ શાંતિલાલ સાંભળતા હતા. એને સમજાતું ન હતું. એના પડછાયા સમાન આભાસને એની નિસ્તેજ આંખ ટાંસી રહી હતી. ડોક્ટરની અનેક સલાહ હોવા છતાં શાંતિલાલને નર્સિંગહોમમાં મૂકવાનો જીવ ચાલતો ન હતો. વર્ષો વહેતા રહ્યા. એ મેડિકલ સલાહને અવગણતા રહ્યા. હવે એનાથી નિભાતું ન હતું. હવે સરુમા નો ખોરાક લગભગ બંધ થઈ ગયો. શરીર હાડપિંજર જેવું થઈ જવા માંડ્યું હતું.

          રોજ સર્વિસ માટે આવતી નર્સેને એની લગ્નની તારિખ ખબર હતી. એ કેક લઈ આવી, એના ડોક્ટર અને નર્સને ઘેર બોલાવ્યા અને પંચોતેરની લગ્નજયંતિની ઉજવણી કરી. શાંતિલાલને શું થાય છે તેની ખબર ન હતી.

          બીજે દિવસે ડોક્ટર જાતે આવ્યા. સાથે ગુજરાતી નર્સિંગહોમના પ્રતિનિધિ એવા ગુજરાતી સોસિયલ વર્કર બહેન પણ હતા. એક ઈન્ડિયન વકીલ પણ હતો. ડોક્ટરે ધીમે રહીને સમજાવ્યું. ‘આપને છેલ્લા સ્ટેજનું લિવર કેન્સર છે. તમે આત્મબળથી ખૂબ જ ખેંચ્યું. તમારે માટે હવે સારવારનો કોઈ માર્ગ બચ્યો નથી. મોંમ તમે શાંતિથી હોસ્પીસ કેરમાં બે ત્રણ મહિના પ્રભુ સ્મરણ કરતાં સમય પસાર કરો. અને પાપાને નર્સિંગહોમમાં સારવાર લેવા દો. હવે બીજો કોઈ જ માર્ગ નથી.’

          સરોજમા હોસ્પિટલમાં સેવા આપી ચૂક્યા હતા. કેન્સર અને હોસ્પીસ શબ્દ એમને માટે નવા ન હતા.

          ‘પણ મારા શાંતિનું શું?’

         ‘મૉમ, ગ્રાન્ડપાને નર્સિંગ હોમમાં જ મોકલવા પડશે. ત્યાં એને તમામ સેવા સગવડ મળશે. તમે તો એમની આખી જીંદગી ખૂબ સેવા કરી છે. હવે અમને ગ્રાન્ડપાની સેવા કરવાની તક આપો. તમારે હવે પ્રભુસ્મરણ કરવાનો સમય છે.’ નર્સિંગ હોમની સમજણ આપવા સાથે આવેલા ગુજરાતી બહેને ખૂબ જ સધ્યારો આપતા જણાવ્યું. ગુજરાતી ડોક્ટર, નર્સ, સ્વાદિષ્ટ ગુજરાતી તાજું ભોજન, મંદિર અને મનોરંજનની સુવિધાઓના ગીતો પણ ગાયા.

          ‘દીકરી, હું પણ બધું જ જાણું છું. પણ પાપાને હવે એ બધાની કશી જ જરૂર નથી. એને તો મારી જ જરૂર છે. નર્સિંગ હોમમાં અપંગ ઓલ્ડ પર્સનની હાલત વિશે હું છેક અજાણ નથી. દરેકને માટે વિધાતાએ સુખદુખ નિર્માણ કરી જ રાખ્યા છે. હરિ ઈચ્છા બલીયસી. ત્યાં તમે તો મશીન મેન્ટેઇનન્સની જેમ કાળજી રાખશો જ પણ એ મારા હાથનું જ ખાય છે. મોં જ ન ખોલે તો શું? એની આંખો મને જ ખોળતી હશે તો એનું શું? ત્યાંની ગમે એટલી સારી વ્યવસ્થા હશે તો પણ એ અબુધ બાળકની જેમ રિબાશે. એની કલ્પનાજ નથી કરી શકતી. હે પ્રભુ મારા “અખંડ સૌભાગ્યના” શ્રાપને પાછા લઈ લો. મારી નજર સામે મારા શાંતિને તમારા ખોળામાં લઈ લો.’  આટલું બોલતાં તો સરુમાને શ્વાસ ચડ્યો. હાફી ગયા.

         ‘અમે દર અઠવાડિએ એમને તમારી પાસે લઈ આવીશું. અરે હું જ એમની સાથે આવીશ. અમે એમની આંખને માટે પ્લાન કર્યો છે. એઓ અત્યારે જૂએ છે એના કરતાં કંઈક વધારે તો જૉઈ શકશે. નવી નવી રિસર્ચ. એમને રોજ મસાજની પણ જોગવાઈ કરીશું.’

          ‘ભલે’

          અને અશક્ત હાથે, સાથે આવેલા વકીલે જ્યાં જ્યાં બતાવ્યું ત્યાં ત્યાં ગ્રાન્ડમાંએ  ભીની આંખે લીટી જેવા હસ્તાક્ષર કરી આપ્યા. શાંતિલાલ સમજતા હોય કે ના હોય પણ એની આંખો આવતી કાલની વિખુટા પડવાના કદાચ એંધાણ સમજતી હોય એવી નિરાધાર લાગતી હતી.

          તે રાત્રે રોજની જેમ સરુબાએ શાંતિપાઠ કર્યો. શાંતિલાલને આખા શરીરે હાથ ફેરવ્યો. એ એમના દેહનો કદાચ આખરી સ્પર્શ હતો. શાંતિલાલની ટગર ટગર જોતી આંખો બંધ થઈ. એક બાળકની જેમ ઊંઘી ગયા. મારા વગર શાંતિ રિબાઈ રિબાઈને મરશે. હું એમની રિબામણી સહન ના કરી શકું. ભલે મને વૈધવ્ય મળે. હે પ્રભુ તું હવે મારા પહેલાં એમને મુક્ત કર. તું એમને રિબાયા વગર ઉપાડી લે.

          સરોજબાએ એક હાથમાં ઓસિકું લીધું. એ ઓશીકું શાંતિલાલના ચહેરા પર નાંખ્યું. દબાવવા માટે હાથ મૂક્યો પણ એ હાથમાં શક્તિ જ ન હતી. હાથ ધ્રૂજ્યા. આંખો રડી. ઓશિકું ખસેડી કાઢ્યું માથાપર હાથ ફેર્વ્યો. શાંતિલાલ ઊંધતા જ રહ્યા. સરુબા આખી રાત જાગતા રહ્યા.

        જેમણે જીંદગીના પંચોતેર વર્ષ એકસાથે ગાળ્યા હોય એમને જીવતે જીવત છૂટા પડવાની કલ્પના જ કેવી ત્રાસદાયક અને ધ્રૂજાવનારી હોય છે.

         પંચોતેર વર્ષ પહેલાં, સહજીવન માટે શણગારેલી બગીમાં નવદંપતિએ ગૃહપ્રવેશ માટે પ્રવાસ કર્યો હતો. આજે સવારે એક એમ્બ્યુલન્સમાં સરુબા અને શાંતિલાલે છેલ્લો સહપ્રવાસ છૂટા પડવા માટે કરતા હતા. શાંતિલાલને કઠણ કાળજે નર્સિંગ હોમમાં મૂકીને સરલાબા હોસ્પિસને રસ્તે જઈ રહ્યા હતા. હવે એમ્બ્યુલન્સમાં એમની સાથે માત્ર એક પેરામેડિક આસિસ્ટન્ટ જ હતી.

        હોસ્પિસ સરનામે પહોંચવા દોડતી એમ્બ્યુલન્સ માંડ અડધે રસ્તે પહોંચી હશે અને આસિસ્ટન પર ફોન ટેક્સ્ટ આવ્યો. “મિસ્ટર શાંતિલાલ પાસ અવે. મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટ”. એમ્બ્યુલન્સે યુ ટર્ન લીધો.

       સાથે આવેલી આસિસ્ટંટે સરલા બાને જણાવ્યું; ‘મોમ વી આર ગોઈંગ બેક ટુ નર્સિંગ હોમ. અનફોરચ્યુનેટલી પાપા ઈઝ નો મોર વીથ અસ નાવ. આઈ એમ સોરી. યુ હેવ ટુ સાઈન સમ પેપર્સ.’

          સૂતેલા હાડપિંજર સમા સરલાબાના ચહેરાપર સ્મિત રેલાયું. ‘હે ભગવાન તેં સારું જ કર્યું. મારું સૌભાગ્ય છીનવીને તેં અમારા બન્ને પર કૃપા જ કરી છે. મારા વગર એ રિબાતા બચી ગયા.’

         નીકળતા પહેલાં ઈન્ડિયન મદદનીશે કરી આપેલો લાલ ચાંલ્લો, ભૂંસાઈને કપાળ લાલ થયું. એણે હાથ જોડ્યા. અને આંખો બંધ કરી.

         એમ્બ્યુલન્સ નર્સિંગહોમના દરવાજે પહોંચી, બે સહાયકો એમને ખુરશીમાં બેસાડવા જગાડવા ગયા ત્યારે સરલાબાનો દેહ નિઃચેતન અને ઠંડોગાર હતો.

 

૦૦૦૦

“ગુજરાત દર્પણ” સપ્ટેમ્બર ૨૦૧૭

દેસાઈગીરી

દેસાઈગીરી

Dowery

‘અરે ઊર્વિઈઈઈ… ઓ ઊર્વિ,  સાંભળે છે?  ક્યાં મરી ગઈ?  પેલો તારો હગલો બોયફ્રેન્ડ ક્યારનો હોર્ન મારતો નીચે ઉભો છે.’

‘ગ્રાન્ડમા,  હું અહી બાથરૂમમા મરવા પડી છું.  નાહ્યને, પવિત્ર થઈને, બહાર આવું એટલે મારે માટે ગંગાજળ અને તુળસી પાન તૈયાર રાખજો.  દિવો પણ કરી રાખજો. અંડરટેકરને પણ ફોન કરી દેજો.’

‘અરે ભૂંડી, મરેને તારા દુશ્મન. જરાતો બોલવાનું ભાન રાખ.’  રંજનબા બોલ્યા.

ઊર્વિ ટુવાલ વીંટાળી બાથરૂમની બહાર નીકળી. સેલ ફોન કરી નીચે રાહ જોઈને ઉભેલા રોજરને અપાર્ટમેન્ટમા બોલાવ્યો. એ ઉપર આવ્યો. આખલા જેવો રોજર.  સફેદ દાંત સિવાય બધી રીતે કાળો હતો. અરે, જિન અને ટીશર્ટ પણ કાળા. ગોગલ્સ પણ કાળા.

આવતાની સાથે એણે  ઊર્વિને હગ કરી.  ઊર્વિ  હજુતો  ટુવાલમાં જ  હતી.

‘અરે ભગવાન, આ છોકરી કેવા કેવા દાડા દેખાડશે!  એનો બાપ જો આ જુએ તો એને જીવતી સળગાવી મુકે.’

એક દિવસ ઊર્વિએ  કહ્યું હતું,  “ગ્રાન્ડમા, મને મારો બોયફ્રેન્ડ મળી ગયો છે.  હી ઇસ ડાર્ક, ટોલ એન્ડ વેરી, વેરી, વેરી  હેન્ડ્સમ.”

“એ કોણ છે? …. ઈન્ડિયન તો છેને?… એનું નામ, ઠામ?  ફોટો?” ગ્રાન્ડમાના મોઢામાંથી પ્રશ્નોનું પૂર છૂટ્યું.

“અત્યારે કશું જ નહીં.  ઈન્ટરનેટ પર સર્ફિંગ…નહિ, નહિ….ફિશિંગ કરતી હતી. માછલી હૂકમાં આવી છે. જોઈએ શું થાય છે.  હમણા ડૅડી મમ્મીને પણ વાત કરવાની નથી.”

‘પણ બેટી, એ છે કોણ..?’

“મેં કહ્યુંને! …ડાર્ક, ટોલ એન્ડ હેન્ડસમ…. નથ્થીગ મોર ધેન ધેટ.”

રંજનબા મુઝાતા.  પણ એ વાતને પણ આજે સવા વર્ષ થઈ ગયું. કેટલીયેવાર પૂછ્યું’તું. પણ બિંદાસ અને લાડકી દીકરી હસવા  હસવામાં વાત ઉડાવી દેતી.

આજે સવારે જ તેણે રંજનબાને કહ્યું હતું   “મારો હેન્ડસમ એન્ગેજમેન્ટ રીંગ લાવવા દુબાઈ ગયો છે. આજે આવશે. આવતી કાલે એના પેરન્ટસને લઈને અહીં આવશે. પ્રપોઝ કરવાનો છે. ડેડી મામ્મીને હું રાત્રે ફોન કરીને બોલાવી લઈશ. અને ગ્રાન્ડમા આ તમારા સુપુત્ર મીન્સ મારા પરમ પૂજ્ય પિતાશ્રી, તમારા કરતાંયે જુનવાણી છે. પ્લીઝ એને જરા સમજાવી  પટાવી સંભાળી લેજોને!”

પણ આ કાળો, ઊંચો અને કદરૂપો તો આજે આવી પહોંચ્યો! રંજનબા વિચારતા હતા. અકળાતા હતા. આજે જ જો આ કાળીયા સાથે ઊર્વિ નાસી જશે તો એના બાપને હું શું જવાબ આપીશ!

રોજરે બે હાથ જોડી ‘નમસ્ટે’ કહ્યું.

રંજનબાએ નમસ્ટેનો પ્રત્યુત્તર નમસ્તેથી આપ્યો. એ કિચનમા ચાલ્યા ગયા.

ઊર્વિ તૈયાર થઈ બહાર આવી.

ફાટેલું જીન કે જે તેણે એંસી ડોલરમા ગઈ કાલે જ ખરીદ્યું હતું.  અને ઉભરાતા યૌવન પર, “ટ્રાય મી “  લખેલું  કાબર ચિતર્યું ટીશર્ટ  પહેર્યું હતું.

રંજનબાએ ઊર્વિને કિચનમા બોલાવીને ધીમે અવાજે પૂછ્યું.  “આ તારો બોય ફ્રેન્ડ છે? તું આની જ વાત કરતી હતી?”

ઊર્વિ હસી. “કેમ ગ્રાન્ડમા! જમાઈ તરીકે ચાલે એવો છેને?  ડાર્ક, ટોલ એન્ડ હેન્ડ્સમ.”

“સીધી વાત કર, આ તારો બોયફ્રેન્ડ છે?”  રંજનબાની ધિરજ ખૂટતી હતી.

“ગ્રાન્ડમા લેટ મી આસ્ક હીમ.” ઊર્વિ થંડે કલેજે વ્હાલી ગ્રાન્ડમાને સતાવતી હતી. રંજનબાએ અકળાઈને ઊર્વિના ગાલ પર મોટો ચિમટો ખણ્યો. સીધી વાત કરવી છે કે હું જાતે કાળીયાને ઘક્કો મારી બહાર કાઢું?”

“ઓઈ મા…મારો ગાલ છોડો. આજે તો તમે મને બે વાર મારી નાંખી. હું કહું છું.”

“એ બોય છે અને ફ્રેન્ડ પણ છે.  પણ મારો બોયફ્રેન્ડ નથી.  મારો પ્રોડ્યુસર છે. મારો બોસ છે. પરણેલો છે ને ચાર છોકરાનો બાપ છે. સરસ ધોળીને પરણેલો છે. હવે શાંતિને?”

“હાસ. મારોતો જીવ ઊચો ચઢી ગયો તો.   ઉકાળો બનાઉ?”  રંજનબા બ્લેક કૉફીને ઉકાળો કહેતા.

ઊર્વિએ કહ્યું ” તો હો જાય “

રોજર અને ઊર્વિએ બ્લેક કૉફી અને ડોનટને ન્યાય આપ્યો. રંજનબાએ એકલા દૂધમા ચાર ચમચી ખાંડવાળી કૉફી લીધી.

“આજે મારી કાર સર્વિસમા આપી છે એટલે રોજરની રાઈડ લીધી છે. આવતા મોડું થાય તો ચિંતા ના કરશો. હું ફોન કરીશ. કાલને માટે ડેડી મમ્મીને પણ ફોન હું જ કરીશ.

ઊર્વિ રાબેતા મુજબ કિચનમા રાખેલા દેવસ્થાનમાં પ્રણામ કરી, ગ્રાન્ડમાને હગ અને કીસ કરી, રોજર સાથે નીકળી પડી. ગ્રાન્ડ્માએ લોબીમાંથી નીચે જોયું તો રોજરની સ્પોર્ટ કન્વરટેબલ ઊર્વિને લઈને  જાણે ઉડતી હતી.

ઊર્વિના પિતા અને રંજનબાના પુત્ર વિરલ દેસાઈ હાર્ટફોર્ડમા ડેન્ટિસ્ટ છે. જુનવાણી રંજનબા પૌત્રી સાથે રહીને ઉદારમત વાળા થતા ગયા. ડૉ.વિરલ દેસાઈમાં આધેડ વયે દેસાઈગીરી જાગૃત થતી ગઈ. ઊર્વિના મમ્મી સુરુચિ હાઈસ્કુલમા ટિચર છે. વિધવા રંજનબા મનના મીઠા અને મોંના આકરા જાજરમાન દેસણ છે. ઊર્વિને જ્યારે પ્રિન્સ્ટોનમા એડમિસન મળ્યું ત્યારે સુરુચિ વહુએ  સાપ મરે અને લાકડી ભાંગે નહીં એવો રસ્તો કાઢ્યો.

“બા આપણે ઊર્વિને ડોર્મમાં રાખવાને બદલે કોલેજ પાસે બે બેડરૂમનો એપાર્ટમેન્ટ રાખીયે અને બા તમે ત્યાં રહી એમા પર નજર રાખો તો કેમ?  મગને પગ આવવા માંડ્યા છે. આડું અવળું કરશે તો અનાવલામા ઠેકાણું પાડવું અઘરું પડશે”

સુરુચિમમ્મીની વાત કંઈ ખોટી પણ ન્હોતી. ઊર્વિ એટલે બિંદાસ્ત છોકરી. રસ્તે ચાલતા સાથે દોસ્તી કરે. એ છોકરાઓને રમાડે કે છોકરાઓ એને રમાડે એ કળવું મુશ્કેલ. અકળાયા વગર વડિલોની કોન્ઝરવેટિવ સલાહોને રમુજમા હસતા હસતા ઉડાવી દે. ઊર્વિ અને ગ્રાન્ડમાના વિચારો ઉત્તર દક્ષિણ અને હાર્દિક કેમેસ્ટ્રી એક સરખી. બન્નેને પ્રિન્સ્ટોનના એપાર્ટમેન્ટમાં ફાવી ગયું.

ઊર્વિ ગ્રેજ્યુએટ થયા પછી ટીવી એન્કર બની ગઈ. ભલભલાના ઈન્ટરવ્યુ લેતી થઈ ગઈ. બીજાની વાત કઢાવે પણ પોતાની વાત મોમાંથી કાઢે નહીં.

એક વારતો ઊર્વિએ પૂછ્યું હતું ” ગ્રાન્ડમા તમે મેરેજ પહેલા ગ્રાન્ડપા કે બીજા કોઈ સાથે સેક્સ માણેલોકે?”

‘હાય…, હાયમાં…. વડિલને આવું તે પૂછાતું હશે. શું કળિયુગ આવ્યો છે? ક્યાં મારી પેઢી અને ક્યાં આ નફ્ફટ છોકરાંઓ.’

એક વાર ગમે તેને પરણીને ઠેકાણે પડે એટલે ગંગા નાહ્યા.

આજે રવીવાર હતો…. ગંગાસ્નાનનો દિવસ આવી પહોંચ્યો હતો.

ડેન્ટિસ્ટ ડૉ.વિરલ દેસાઈ અને સુરુચિબેન અને રંજનબા; ઊર્વિ પર ધૂંધવાતા બેસી રહ્યાતા. દિકરી ત્રેવીસ વર્ષની હતી. આતો અમેરિકા. સ્વત્ંત્રતા સ્વછ્ંદતા બની નાચતી હતી. દિકરીએ એની દેસાઈગીરી પર કાદવ ઉછાળ્યો હતો. પણ એક વાર એને જોઈ લેવો હતો. ઊર્વિ એને એરપૉર્ટપર લેવા ગઈ હતી. સુરુચિબેન વિચારતા હતા. જો કોઈ વ્હાઈટ હોયતો ચલાવી લઈશું. હવેતો આપણાંમા પણ  આવા ઘણા કેઇસ બને છે. પણ કોઈ બ્લેક હોયતો?…અરે કોઈ મુસ્લીમ હોયતો?…પચાવવાનુ ખરેખર અઘરું છે…

અને ઊર્વિ એક યુવાન સાથે દાખલ થઈ. તે ડાર્ક ન્હોતો. ઉજળો હતો. ઊંચો, પ્રભાવશાળી અને ખરેખર હેન્ડસમ હતો. એ બ્લેક નહતો પણ કદાચ આરબ હોયતો?

રંજનબાએ આવકાર આપ્યો “વેલકમ યંગમેન”

વિરલભાઈએ ઠંડા અવાજે પૂછ્યું ” વેર ઈઝ યોર પૅરન્ટ્સ?”

“એઓ રેન્ટલ કારમા આવે છે એટલે કદાચ વાર લાગી હશે. હમણાં આવી પહોંચશે.”

અરે, આતો ગુજરાતી બોલે છે! સુરુચિ બેનનો અગ્નિ શાંત થઈ ગયો.,,, હાસ!

ફરી ડોર બેલ…

ઊર્વિએ ડોર ઉઘાડ્યું.

આધેડ કપલ દાખલ થયું.

વિરલભાઈ ઉભા થઈ ગયા. આ કોણ? કોણ સુમન વશી? અલ્પના? તમેતો આફ્રિકા હતાને?

વિરલભાઈ મહેમાનને બાઝી પડ્યા.

“બા આ સુમનને ઓળખ્યો કે નહીં? અમદાવાદ હોસ્ટેલનો મારો રૂમ પાર્ટનર. અને આ અલ્પના અમારી સાથે જ ભણતી હતી. એ મૅડિકલમા ગયો અને હું ડેન્ટીસ્ટ્રીમા ગયો.”

“અરે સુમન આ છોકરો તારો છે?”

“મારા એકલાનો નહિ, મારો અને અલ્પનાનો.”

‘તને છોકરાંઓના લફડાની ખબર હતી?’

“હા મને ખબર હતી. જ્યારે મેં જાણ્યુંકે ઊર્વિ તારી દિકરી છે તો તને જરા સતાવવાનું મન થયું.”

“તો અમારા જમાઈની ઓળખાણ કરાવ.”

“હા આ મારો દિકરો ઉજ્જવલ કોન્ટીનેન્ટલ એરલાઈન્સમા ફર્સ્ટ ઓફિસર છે. મેં અલ્પના સાથે પ્રેમ લગ્ન કર્યા ત્યારે ફાંકામા ને ફાંકામા વાંકડો લેવાનો રહી ગયેલો. ઘણાં વર્ષે તક મળી છે. બોલ આપણા જુના રિવાજ પ્રમાણે કેટલો વાંકડો આપશે?”

“અરે, વાંકડો? તું તો ગળામા પાટિયા ભેરવીને બધાના માંડવામા બરાડા પાડતો હતો કે વાંકડાપ્રથા બંધ કરો. હવે અમેરિકામા વાંકડો માગે છે?”

“હું આપીશ…. લે આ કોરો ચેક…… જેટલા લખવા હોય તે લખ.”

સુમનરાયે ચેકમા એક ડોલર અને પચીસ સેન્ટનો આંકડો પાડ્યો.

“મેડિકલ વેસ્ટ”

       

મેડિકલ વેસ્ટ

                                                                gangrape

MedicalWaste

    શહેરમાં હાહાકાર મચી ગયો. મેડિકલ કોલૅજની એનેટોમિકલ લેબના બેકયાર્ડમા ત્રણ મોટા બોક્ષ પડેલા હતા. બોક્ષની બહાર લોહિયાળ કુચડાથી  લખાયલું હતું “મૅડિકલ વેસ્ટ” વહેલી સવારે સેનિટેશન કામદારે ડમ્પસ્ટર નજીક ગંધાતા બોક્ષ જોયા. એણે એના સુપરવાઈઝરને ફોન કર્યો. સુપરવાઈઈઝરે આવીને જોયું. ફોનકોલની હારમાળા સર્જાઈ. પ્રિન્સિપાલ, પોલિસ, ન્યુઝ મિડિયાથી મેડિકલ કોલેજનું પ્રાંગણ સવારે સાડા પાંચ વાગ્યે ધમધમી ઉઠ્યું.

    બોક્ષમાં મોટી પ્લાસ્ટિક બેગોના પોટલાં હતા. એ પોટલામાં માનવ શરીરના અવયવો હતા. બોક્ષની વધેલી જગ્યામાં દુર્ગંધ મારતો કચરો ભરેલો હતો. વર્તમાન પત્રો પ્રસિધ્ધ કરે તે પહેલા રેડિયો, ટીવી અને નેટવર્કમાં નિર્દય અને કાતિલ હત્યાના અર્ધસત્ય અને અનુમાન્સિક સમાચારો વહેતા થયા. કપાયલા ત્રણ માથાઓ અને છ હાથ છ પગ અને લોહી નિગળતા ત્રણ નગ્ન દેહો નીકળ્યા હતા.

    એ કોના શરીરના ભાગો હતા?  કોણ હતા એ નિર્દોષ માનવો જેને પાશવી વરૂઓએ ફાડી ખાધા હોય! બેગમાંથી ત્રણ માથાં નીક્ળ્યા. ઓળખ કરવાનું મુશ્કેલ ન હતું. માત્ર વીસ મિનિટમાં જ માહિતી વહેતી થઈ. મૃતકો કોણ હતા એ વાત બહાર આવી.  એ કપાયલા શરીરના ટુકડાઓ એ જ મેડિકલ કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓના હતા. એક માથું હતું રાજ્યકક્ષાના પ્રધાન રાજેન્દ્ર તિવારીના પુત્ર મુકુન્દ તિવારીનું. બીજું હતું ઈન્કમટેક્ષ કમિશ્નર શરદ કુંબલેના પુત્ર મનોજ કુંબલેનું અને ત્રીજું માથું દાનાચંદ ઝવેરીના પુત્ર નયન ઝવેરીનું હતું.

    ત્રણે, ધનવાન અને વગદાર માંબાપના સંતાનો હતા. અભ્યાસમાં તેજસ્વી નહીં છતાં કોઈક ન સમજાય એવી રીતે પાસ થતા અને મેડિકલના ત્રીજા વર્ષ સૂધી પહોંચેલા વિદ્યાર્થીઓ હતા. શું પૈસા માટે અરેરાટી જન્માવે એવી હત્યા થઈ હતી? કોલેજના એનેટોમી ડિપાર્ટમેન્ટ માટે આ કંઈ સ્વૈછિક દેહદાન ન હતું. કરપીણ હત્યા હતી. શ્રીમંત માંબાપના  વછેરાઓ વધેરાઈ ગયા હતા. મિડિયા માટે ટીઆરપી વધારવાનો ખજાનો ખૂલ્યો હતો. અનેક એજન્સીઓ સંશોધનમાં લાગી ગઈ હતી. વધુ માહિતી બહાર આવી. પોસ્ટ મોર્ટમ કર્યા સિવાય પણ સમજાય એવી વાત હતી. બધા અંગો વ્યવસ્થીત રીતે લાકડા કાપવાની સર્ક્યુલર સૉ થી કપાયલા હતા. આંખોમાં ઢગલા બંધ મરચાની ભૂકી હતી.  ઠંડે કલેજે, નિર્દયતાથી કરાયલી હત્યા હતી.

    એક નહીં ત્રણ ખૂન થયા હતા.

    ઈન્ટરનેટ પર વાત વહેતી થઈ. ત્રણેનું અપહરણ થયું હતું. કરોડોની માંગણી થઈ હતી અને ડેડ લાઈન ન સચવાતા ત્રણે યુવાનોને ક્રુરતાપૂર્વક રહેંસી નંખાયા હતા.

    એ સમાચારને તરત જ રદિયો અપાયો. કોઈ પણ માં બાપને અપહરણના સમાચાર મળ્યા ન હતા. ત્રણે યુવાનો હૉસ્ટેલમાં રહેતા હતા. પૈસાની કોઈ માંગણી થઈ ન હતી. પોલિસમાં કોઈ ફરિયાદ નોંધાયલી ન હતી.

    મુકુંદનો બાપ રાજેદ્ર તિવારી કાંઈ દૂધે ધોયલો સંનિષ્ટ ભણેલો ગણેલો રાજકીય નેતા ન હતો. સફેદ ડગલા વાળો ગુંડો હતો. એના અનેક દુશ્મનો હતા. છતાં દરેક ચૂંટણીમાં ચૂંટાઈ આવતો હતો. એક સમયે ચાલીની લોબીમાં સૂવા વાળો કરોડોમાં આળોટતો હતો.

    મનોજના પિતા ઈન્કમટેક્ષ કમિશ્નર, શરદ કુંબલે ને ધનિકોની સાથે ખૂબ સાથ ગાંઠ હતી. નેતા અને અભિનેતાઓના મદદગાર હતા. કેટલીક અભિનેત્રીઓને થોડા સહકાર બદલ ટેક્ષમાં મોટી રાહત કરી આપી હતી. એને સહકાર ન આપનાર નેતા અભિનેતા અને અમીરોના ઘર બંગલા આઈ ટી રૅડમાં છિન્નભીન્ન થઈ જતા. એના પણ ઘણા દુશ્મનો હતા.

    નયન ઝવેરીનો બાપ દાનાચંદ સાત પેઢીનો શ્રીમંત હતો. દાન ધરમ પણ કરતો. મોટા મોટા બિલ બૉર્ડ અને ફેશન મેગેઝિનમાં એની જાહેરાતો આવતી. એના કોઈ દુશ્મનો હોય એવું માનવા કોઈ કારણ ન હતું. હા, એને માટે કહેવાતું કે કે મોડૅલોને એ ફોટા વિડિયા સમયે સાચા અલંકારો પહેરાવતો અને સાચા વસ્ત્રો ઉતારતો. દાનાચંદ એને માત્ર પરસ્પરની ધંધાકીય લેવડ-દેવડ જ માનતો.

    ઈન્ટર્નેટ સમાચારની મોટાભાગની વાતો અને કોમેન્ટસ જ એક સમાચાર બની જતા. લોકમતાનુસાર યુ  વાનોના માંબાપ માટે ખાસ સહાનુભૂતી ન હતી, પણ નિર્દોષ ભાવી ડોક્ટરોની કરપીણ હત્યાનું કારણ જાણવાની ઇન્તેજારી હતી. પોલિસ, પ્રાઈવેટ અને ગવર્નમેન્ટ ડિટેક્ટીવ, સંશોધન પત્રકારો પોતપોતાની આગવી રીતે શોધખોળમાં લાગી ગયા.

    પણ વિસ્મયજનક રીતે માત્ર દસ દિવસમાં જ એ વિષયની વાતો અને બુલેટિનો શાંત અને શીથીલ થઈ ગ    યા.  વાતો પર ટોપલા ઢંકાઈ ગયા. ઝડપથી બનતા અનેક બનાવો ને કવર કરવા મિડિયાએ પણ પોતાની દિશા બદલી. લોકરૂચી હંમેશા માધ્યમોની નૌકાઓમાં સફર કરે છે. સુકાની પવન પ્રમાણે સુકાન બદલે છે. સરકારી તંત્ર મંદ ગતીથી તપાસ કરતું અને ખૂબ ઝડપથી મળેલી માહિતી ફાઈલોમાં સરકાવી દેતું.

    સન્સનાટીવાળું સત્ય તો બહાર આવ્યું જ નહીં.

    ત્રણે દેહના ટૂકડાઓમાંથી ગુપ્તાંગો નાબુદ કરાયા હતા. ગુપ્તાંગો બોક્ષમાં ન હતા. લોકોને એ પણ ખબર પડી ન હતી કે સાત દિવસ પછી ત્રણે માંબાપના ઘરના દરવાજા પાસે સરસ ગિફ્ટ બોક્ષમાં કશી જ નોંધ વગર તેમના સુપુત્રનું ગુપ્તાંગ મોકલાયું હતું. નોંધની જરૂર જ ન હતી.

    ત્રણે કપાયલા મસ્તકોમાં બબ્બે બુલેટ ધરબાઈ ગઈ હતી. ધીમે ધીમે સ્પષ્ટ થતું ગયું કે મરનાર યુવાનો નિર્દોષ સસલાઓ ન હતા.  બળાત્કારીઓ હોવા જોઈએ. કદાચ ગેંગ રૅપિસ્ટો હોવા જોઈએ. કદાચ આ છોકરાઓ કોઈ બળાત્કારની ઘટનામાં સંડોવાયલા હોય અને કોઈકે એની શિક્ષા તરીકે એમની હત્યા કરી હોય. એક નહીં  ત્રણ યુવાનો મર્યા હતા. સામાન્ય બુધ્ધિનાને પણ સમજાય એવી વાત.  એ કદાચ ગેંગ રેપનો કિસ્સો પણ હોય. સામાન્ય હત્યામાં ગુપ્તાંગ કાપવાનો કોઈ હેતુ નહીં હોય. બસ એ નક્કી થઈ ગયું કે આ ત્રણે યુવાનો બળાત્કારીઓ હતા. પણ કોના પર બળાત્કાર થયો હતો? એક વ્યક્તિ તો ત્રણ નો સામનો કરી એમને મારીને લાશના ટૂકડા કરી કોલૅજ સૂધી પહોંચાડે એ શક્ય ન હતું. કોના પર બળાત્કાર થયો હતો?

     મૃતકોના પિતાઓને એમની પ્રતિષ્ઠાનો સવાલ હતો. પુત્રો સાથે પોતાના કચરાનું પણ જાહેરમાં પૃથ્થકરણ થાય તે ઈચ્છતા ન હતા.  માતાઓએ એ વેદના બંધ બારણે સહી લીધી. લોહીના આંસુ પી લીધા.  જિવીત હોત તો પણ વહેલા મોડા બદનામી, વ્યથા સહિત દોરડે તો લટકવાનું જ હતું. સૌએ મૌન પાળ્યું.

    મિડિયાને બીજા વિષયો મળ્યા. વાત જૂની થઈ ગઈ. ઢંકાઈ ગઈ. માત્ર જ્યોતિ મુકરજી, સ્થાનિક પત્રની  રિપોરટર એ કેસની પાછળ લાગી રહી.

    એ વાતને એક વર્ષ વીતી ગયું.

                                                        *************

    ફાર્મ હાઉસના પાછળની ઓસરીમાં નાના ગોળ ટેબલની ફરતે નેતરની ચાર ખૂરશી પર ત્રણ છોકરીઓ અને સાથે જ્યોતિ મુકરજી બેઠી હતી.  માર્ગી, મેઘના અને જુબેદા.

    માર્ગીની આંખો બંધ હતી. ડોકી ખૂરસી પર ટેકવાયલી હતી. એ બોલતી હતી. રિપોર્ટર જ્યોતિ મુકરજી ધ્યાનથી સાંભળતી હતી.

“એ ફ્રેટર્નિટી મિટીંગ પછીની રાત હતી. અમે  દસ છોકરીઓ જ. મજાક મશ્કરીમાં અમે એક બીજાની બ્રેસ્ટ એક્ઝામ શરુ કરી. બ્રેસ્ટ કેન્સરનો વિષય હતો. અમે બધી હૉસ્ટેલમાં રહેતી મેડિકલ સ્ટુડન્ટ. નગ્ન શરીર અમારે માટે ઉત્તેજનાનો વિષય ન હતો. ગંભીર ચર્ચાઓ પણ થતી ગઈ. પ્રભુએ મને સારી સખ્ત તંદુરસ્તી બક્ષી છે. બહેનપણીની નિર્દોષ કોમેન્ટ અને છેડછાડ મજાક મશ્કરી જ હતી. તે સમયે  અમને ખબર નહતી કે તિવારી કોઈક રીતે ગર્લ્સ હૉસ્ટેલમાં ભરાયો હતો અને રૂમમાં થતી અમારી વાતો બારણા બહાર ઉભો રહી સાંભળતો હતો.  મેડિકલ સ્ટુડન્ટને એક બીજાની રૂમમાં જવા આવવા પર કોઈ પ્રતિબંધ ન્હોતો. છોકરા છોકરીઓ ઘણી વખત સાથે પ્રોજેક્ટ માટે એકમેકની રૂમ પર જતા.”

“કોલેજના મોટાભાગના સ્ટુડન્ટ એકબીજાને ઓળખતા હોય છે. તિવારી અજાણ્યો ન હતો. બીજે દિવસે એણે મને કહ્યું માર્ગી   મને તારી ડો. શીંદેની નોટ્સ મારી રૂમ પર આપી જશે? મારે ક્વિઝમાં પણ તારી હેલ્પ જોઈએ છે.”

“મેં કહ્યું સ્યોર. આ બધું સાહજિક હતું.”

“હું મારી નોટ્સ સાથે તિવારીની રૂમ પર ગઈ. રૂમમાં કુંબલે અને ઝવેરી પણ હતા. કુંબલે એ શરૂઆત કરી. તિવારી કહેતો હતો કે યુ હેવ ધી બેસ્ટ બ્રેસ્ટ ઇન અવર કોલેજ. ઝવેરી કહે જરા અમને તો દર્શન કરી પાવન થવા દે.  હું વધારે સમજું તે પહેલા તો મારા મોં પર ડૂચા મરાઈ ગયા. હું પીંખાતી રહી. રક્તસ્રાવના દિવસો હતા. પ્રતિકાર કરવાથી વધુ શારીરિક નુકસાન થાય એમ હતું. શીથીલ થઈને પડી રહી. પીડા ભોગવી લીધી. એ સમ્મતિમાં ગણાઈ ગઈ.”

“મેં કહ્યું મજા માણી લીધી હોય તો પ્લીઝ મને કોઈક મારી રૂમ પર મૂકી જાવ. તિવારી મને રૂમ પર મૂકી ગયો. જતાં જતાં કહ્યું. માર્ગી  આઈ એમ સોરી.”

“મારી રૂમ પાર્ટનર,  ઝૂબેદા મારી હાલત જોઈ છળી ઉઠી.”

માર્ગી  અટકી. થમ્સ અપનો ઘૂંટડો ભર્યો.  કપાળ પર પરસેવો વળતો હતો. વર્ષ પહેલાનો બનાવ અત્યારે અનુભવાતો હોય એમ માર્ગી હાંફતી હતી.

ઝૂબેદાએ વાત શરૂ કરી. “માર્ગીએ શું બન્યું હતું તે મને કહ્યું.”

“મેં સામે રહેતી અમારી કોમન ફ્રેન્ડ મેઘનાને બોલાવી. મેં કહ્યું આપણે પોલિસને બોલાવીએ. મેઘનાએ બરાડો પાડ્યો. નો પોલિસ. વી વીલ હેન્ડલ બાય અવર વે. મેઘના એટલે તેજાબનો વરસાદ. બ્લેક બેલ્ટ ચેમ્પિયન. રક્ત પ્યાસી દુર્ગા. એની મોટી બહેન વૃન્દા પણ ડૉક્ટર. એનું ક્લિનિક દસ માઈલ દૂર. લેસ્ટ ગો ટુ. દીદીઝ ક્લિનિક.”

“અમે રિક્ષામાં દીદીને ત્યાં પહોંચ્યા. માળ પર રહેવાનું. નીચે ક્લિનિક. દીદીએ પણ કહ્યું આપણે પોલિસને બોલાવીએ. કાયદેસર કામ કરીયે. હું અહીં ના પોલિસ સબ ઈન્સપેક્ટર મી. ભાર્ગવને ઓળખું છું.”

“મેઘનાએ ટેબલ પર મુક્કી નો ઘા કર્યો. ” દીદી, હૅલ વીથ યોર લૉ એન્ડ પોલિસ ઓફિસર. ફર્સ્ટ ટ્રીટ હર.  ઈટ્સ અવર ક્લાસ ફોર ધ ડે. બાકીનું હું મારી જાતે સંભાળીશ. દીદી, રમામાસીની વાત ભૂલી ગઈ?  જો યાદ ન હોય તો ફરીથી યાદ કરાઉં.”

‘વાત એમ હતી કે એકવાર માસાના ચાર મિત્રો એને ઘેર ભેગા થયા હતા. ખાણી પીણી પછી રમામાસી સાથે માસાના મિત્રોએ શારીરિક અટકચાળા શરુ કર્યા. ગરીબની વહુ સૌની ભાભી. વાત આગળ વધી. શારીરિક રીતે નબળા માસા કશું જ કરી શક્યા નહીં. નરાધમો માસીને ચૂંથીને ચાલ્યા ગયા. માસા, માસી ને લઈને પોલિસ ચોકી પર ગયા. પેલા ચારે પોલિસ ચોકી પર ઈન્સ્પેકટર સાથે નાસ્તા ઉડાવતા હતા. પોલિસે, મને જરા જોવા દો કહીને માસીના અંગો પર હાથ ફેરવવા માંડ્યાં. ફરિયાદ ન લેવાઈ. માસીને ‘બજારુ ઓરત’ ગણી કાઢી. બીજે દિવસે માસી માસાએ ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી લીધી. દીદી, મારે માર્ગીને માસીના  માર્ગે નથી ઢકેલવી.’

“મેઘનાની આંખોમાંથી લાવા નીકળતો હતો. મેઘના ક્રોધી છે એ તો અમે સૌ જાણતા હતા પણ આવું રૌદ્ર સ્વરૂપ તે દિવસે જ જોયું.”

ઝૂબેદા વાત કરતા અટકી.

“યસ, ઝૂબેદા ઇઝ રાઈટ.આઈ વોઝ એન્ગ્રી.”

મેઘનાએ વાત શરૂ કરી.  “દીદીએ માર્ગીને ક્લીન કરીને જરૂરી ટ્રીટમેન્ટ આપી. માર્ગીને બે દિવસ બેડ રેસ્ટ આપ્યો. મેં પ્લાન ઘડી કાઢ્યો. માર્ગીને સમજાવી દીધું કે જાણે કશું જ બન્યું નથી એજ રીતે ક્લાસ ભરવાના. એ ત્રણે નાલાયકો સાથે પણ રાબેતા મુજબનું જ વર્તન રાખવાનું.

મેં લખુદાદાનો સંપર્ક સાધ્યો. લખુદાદા એટલે પાંસઠ વર્ષના મારા માસાના કાકા. એમને પોતાનું સંતાન નહીં. મારા માસાને એમણે જ ઉછેરેલા. માસા-માસીની આત્મહત્યા પછી ચાર મહિનામાં જ માસીના બળાત્કારીઓ ગામમાંથી વારા ફરતી અદૃષ્ય થઈ ગયેલા. લખુદાદા આ જ ફાર્મ હાઉસની રખેવાળી કરે. આખું મોટું ઝાડ ખભા પર નાંખીને ચાર માઈલ ચાલે એવી કસરતી કાયા. વાત સાંભળી એમનો ક્રોધાગ્નિ ભડક્યો. એમની સલાહ મુજબ એ ત્રણેને આ ફાર્મમાં લઈ આવવાની યોજના ઘડી.”

“માર્ગી પ્લાન મુજબ તેં શું કર્યું તે જ્યોતી બહેન ને કહે.”

માર્ગીએ વાતનું અનુસંધાન સાધ્યું.

“તિવારી એકલો કાફેટરીયામાં બેઠો હતો. હું તેની પાસે બેસી ગઈ. એનો હાથ હાથ મારા હાથમાં લીધો. માય ફ્રેન્ડ તે દિવસે તેં ખોટું કર્યું. જો તમે ત્રણને બદલે તું એકલો જ હોત તો મેં પૂરતી મજા માણી હોત. વી આર એડલ્ટસ્. ફનમાં ફોર્સ ન હોવો જોઈએ. જો બીજી વાર ઈચ્છા હોય તો મારી રૂમપાર્ટનર ઝૂબેદા અને બીજી એક ફ્રેન્ડને પણ કહીશ. આનંદથી મોકળા મને રિપ્રોડક્ટિવ એનેટોમી તાજી કરી લઈશું. ઝવેરી અને કુંબલેને લેતો આવજે. જસ્ટ સીક્સ ઓફ અસ. ફોન કરી જો. જો એ બન્ને તૈયાર હોય તો, હો જાય પાર્ટી ટુ નાઈટ. તમને ફાવે તે ડ્રિંક્સ લેતા આવજો. અમે ત્રણ બસ સ્ટેન્ડ પર ઉભા રહીશું. તારા ફાધરની ટીંટેડ ગ્લાસવાળી વાન લઈ આવજે. જો આજે તમને ફાવે એવું ન હોય તો બીજા ફ્રેન્ડ્સ ને ઈનવાઈટ કરીશું.”

“અને અમારી યોજના મુજબ અમારું ધારેલું થઈ ગયું.”

“અમે છ જણા વાનમાં આ ફાર્મહાઉસમાં આવ્યા. પહેલા ખાધું પીધું. સૌએ અંડરવેર સિવાયના વસ્ત્રો ઉતાર્યા. કિમતી લીકર પીવાયું. એકબીજાના દેહ પર લીકર ઢોળ્યું. કુતરાઓએ અમારા શરીર ચાટ્યા. અમે ચાટવા દીધા. લાઈટ ધીમે ધીમે ડિમ થતી ગઈ. એક સાથે ત્રણ ખૂલ્લી બોટલમાં ભરી રાખેલા પ્રવાહીથી અમે ત્રણેની આંખો છલકાવી દીધી. એમાં એસીડમાં આથેલી મરચાની પેસ્ટ હતી. વધુ તડફડિયા થાય તે પહેલા રિવોલ્વરની  બબ્બે બુલેટ એમની ખોપરીમાં જડાઈ ગઈ. જ્યોતિ બહેન તમારે એ જાણવાની જરૂર નથી કે કોણે કોને માર્યો.”

“ત્રણેના ગુપ્તાંગોની સર્જરીનું લેશન જાતે જ લઈ લીધું. બાકીનું કામ લખુદાદા અને એના મિત્ર અભેસિંગે પતાવ્યું.”

“જરા પેલા ઝાડ નીચે નજર નાંખો. લખુદાદા ખાટલા પર બેઠા મેઠા ગીતા વાંચે છે.”

મેઘનાએ દાદાને બુમ પાડી. “દાદાજીઈઈઈ જરા અહીં આવોને આ જ્યોતિબેન ને થોડી વાતો જાણવી છે.”

લખુદાદા આવ્યા. મેઘનાએ જ્યોતિબેનની ઓળખાણ કરાવી. આ જ્યોતિબેન રિપોર્ટર છે. આપણી વાત જાહેર ન કરવાની શરતે નવલકથા લખવા માટે વાત જાણવા માંગે છે. નવલકથાને બહાને અમારા નામ ઓળખ સાથેની વાત એના છાપામાં ન લખે એવી શરત થઈ ગઈ છે. પેલા ત્રણ કુતરાઓની સ્મશાન યાત્રા બાબતની વિગત આપો ને!”

દાદાએ સીધો સવાલ કર્યો. “જ્યોતિ દીકરી તારે કંઈ છૈયા છોકરાં છે ખરા?”

“હા મુરબ્બી, એક પંદર વર્ષની દીકરી છે. હું લેખિકા છું અને રિપોર્ટર તરીકે નોકરી કરું છું.”

“ભલે. આ ડોસાની એક વિનંતી સાંભળી લે. તારું કોઈ પણ કામ કે લખાણ આ મારી દીકરીઓને નુકસાન પહોંચાડનારું ન નિવડવું જોઈએ.  મસાલા જર્નાલિસ્ટનો હું કોઈ જ સગો નથી.” દાદાની વાતમાં વિનંતીનો સૂર ન હતો એમાં કઠોર આજ્ઞા હતી.

દાદાએ કહ્યું. “વાત કંઈ મોટી નથી. શરીર ટુકડા થયા. બોક્ષ ભરાયા. દીકરીઓએ ઓપરેશન કરેલા નાના અવયવો ગિફ્ટ બોક્ષમાં મુકાયા.  અભેસિગે કાળી વાનમાં દીકરીઓને કોલેજ ભેગી કરી. મેડિકલ કચરો મેઘા દીકરીની સલાહ પ્રમાણે કોલેજ પાછળ ઠલવાયો. વાન તિવારીના બંગલાના બારણામાં મુકાઈ ગઈ. અભેસિંગ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત માટે જાત્રા કરવા નિકળી ગયો.”

“જો દીકરી જ્યોતિ. અમને હવે કાયદા કે સરકાર પર ભરોસો નથી. જાણવા ખાતર ભલે જાણી લીધું પણ નવલકથા કે રિપોર્ટની વાત મગજમાંથી કાઢી જ નાંખજે. તું પણ જુવાન છે. તારી દીકરી પણ મોટી થાય છે. હું ઈચ્છું છું કે તને અમારા જેવા દાદાની જરૂર ન પડે. પણ કોઈ એવા સંજોગો ઉભા થાય તો લખુ દાદા પાસે આવી જજે.”

જ્યોતિએ શર્ટમાં  સંતાડી રાખેલું પેનરેકોર્ડર લખુદાદાના ચરણોમાં મૂંકી દીઘું.

Published In

“Tiranga” 2013

If you like this story ask your friends to read and response. college going girls. Fight back the way suit best.

“મનીયાની ડાયસ્પોરિક કિસ”

“મનીયાની ડાયસ્પોરિક કિસ”

મનિયાની કિસ

સૌથી પહેલાં કહી દઉં કે આ ઈન્ડિયાની વાત નથી. અમેરિકાના દેશી વિસ્તારમાં રહેલા, અમારી કોઈપણ જાતના બંધારણ વગરની ડાયસ્પોરા ક્લબના દેશીઓની વાત છે. “હુરત”ની આજુબાજુના તાપીથી વાપી વચ્ચેના ગામોના અમે બધા દોસ્તારો એક જ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં રહીએ. દર ફ્રાયડે રાતના કોઈકને ત્યાં અમારી મહેફિલ જામે. કોઈને કાંઈ તકલીફ હોય, અમે બધા ભેગા થઈને રસ્તો કાઢીયે. એક જાતનું સપોર્ટગ્રુપ.

અમે બધા ચાલીસ પિસ્તાળીસના. એમાં બધા કરતાં નાનામાં નાનો છવ્વીસ વરહનો મરોલીનો મનિયો અને અમારા ગ્રુપમાં સૌથી મોટા પંચાવનના વલહાડ(વલસાડ) ના વડીલ વસંતરાય દેહાઈ (દેસાઈ).

એકદમ સીધો સાદો, ભલો ભોળો, મનીયો એટલે કે મનુ, અમારી વાઈફોને માટે લાડકા મનુભાઈ. અમે હુરતીઓ ‘વાઇવ્ઝ’ બોલવું જોઈએ એવો આગ્રહ નથી રાખતા. અમે જેને પ્રેમથી મનીયો કહીએ તે એના સાસરિયાઓ માટે મનહરલાલ. હન્ડ્રેડ પર્સન્ટ નિર્દોષ “માણહ”. અમારા મિત્રમંડળમાં બસ ગોળની ગાંગડીની જેમ ગળાઈ ગયેલો. આમ તો મનુભાઈ માત્ર બારમા ધોરણ સૂધી જ ભણેલા પણ, સાસરીયાઓએ જ “નૌહારી”ની(નવસારીની) બેન્કમાં લગાવેલા. બેન્કે દેવાળું કાઢેલું એટલે નોકરી વગરના મનહરલાલને લાગણીવાળા સાસરીઆઓએ જ આમતેમ દહ પંદર લાખ વેરી, આટાપાટા કરીને પોતાની દીકરીના સુખ ખાતર અમેરિકામાં ધકેલી દીધેલા.  બે વરાહ પે’લ્લા જ એ મનીયો ફૂટડી મેનકા હાથે અમેરિકા આવેલો અને અમારા ગ્રુપમાં દાખલ પડી ગઈલો.

અમારી એડલ્ટ ટોળકીમાં ઈન્ડિયા અમેરિકાનું રાજકારણ, અમારી જોબ, વર્ડઈકોનોમી, અમારી બાઓ અમારા બાબાઓની મોમ કરતા રસોઈકળામાં કેટલી એક્ષપર્ટ હતી એવી મરચાં લાગે તેવી વાતો, દેશી અને અમેરિકન ભીંડાના ભાવો, વેજી અને નોનવેજી જોક્સ બધું જ ચાલે. જો નોનવેજ જોક ચાલતો હોય તો મનીયાની મેનકા રસોડામાં ભરાઈ જાય અને મનીઓ પણ એટલો શરમાળ કે અમારી મર્યાદા રાખતો હોય એમ નીચું જ જોઈ રહે. બસ નિર્બંધ આનંદ. અડધી રાતના ભાભીઓ વ્હાલી વ્હાલી ગાળ પ્રદાન કરીને પણ અમારી ફરમાઈસ પર ફરસાણ માટે પેણી પણ ચડાવે.

મેનકી એટલે બધી ભાભીઓની નાનામાં નાની દેરાણી મીઠડી મેનકા. સામાન્ય રીતે અમે રાત્રે નવ વાગ્યા પછી નિરાંતે ભેગા થઈએ પણ આજે બધાને ત્યાં એકાએક સાજે છ વાગ્યામાં જ મેનકાનો ફોન આવ્યો. “જલ્દી મારે ઘેર આવો, હું તો બરબાદ થઈ ગઈ. મને હું ખબર કે અમેરિકા આવીને તમારો નાલ્લો નિર્દોષ મનુ, ગોરકીની હાથે બાઝમ્બાઝી કરવાનો છે. માંડ માંડ વાસંતીભાભીએ ઠેકાણે પાડ્યો ત્યાં ભવાડા કરીને જોબ હૌ ગુમાવી. જોબ ગઈ. ઈજ્જત ગઈ. તમે જલ્દી આવો.” બસ મેન્કીની રાડે અમે બધા ખાધા પીધા વગર એના એપાર્ટમેન્ટમાં ધસ્યા. ‘એકદમ શું થયું?’

મનીયો સોફા પર ટૂંટિયું વાળીને, ઘૂંટણ પર માથું ટેકવીને બેઠો હતો. અમારા વાસંતીભાભી એના પપીને ‘સીટ’ કહે અને એ ડાહ્યું થઈને સોફા પર બેસી જાય એમજ સ્તો.

મનિયાએ જોબ પરની મારિયાને કિસ કરી. અને વાસંતીભાભી એ જ એને ફાયર કર્યો. એકદમ સિરિયસ સીચ્યુએશન. અમારા વડીલમિત્ર વસંતરાયના વાઈફ, દેહણ, વાસંતીબેન એક પ્રાઈવેટ કંપનીમાં હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટમાં સીનિયર ક્લાર્ક. મીઠડી મેનકાએ વાસંતીભાભીને મસ્કા મારેલા. ‘તમારા ભાઈને જોબ અપાવી દોને, તમે તો બહુ મોટા મેનેજર છો. તમારી ઓફિસમાં તમારું આટલું યે ના ચાલે?’  વાસંતીભાભીએ વટને ખાતર એની મહાકાલિકા હેડંબા બોસને મસ્કા મારી મનાવી લીધી. બસ વાસંતીભાભીનું ચાલી ગયું. એણે અમારા મનીયા, મનુભાઈને  કંપનીના વેર હાઉસમાં જોબ અપાવી દીધી.

જે મનીયો જોબ પર બધાને જ સર, મેડમ કરીને વાત કરતો જાય, બધાનું દોડી દોડીને કામ પણ કરે. અરે બીજા વર્કરના ભાગનું પણ કામ ઉત્સાહથી કરી દે તે અમારો મનીયો જોબ ગુમાવીને, મોં લટકાવી ને બેઠો હતો. આજે બેકાર થઈ ગયો હતો. અમારા મનીયાને જોબમાંથી ફાયર કર્યો. પાણીચું મળી ગયું. જોબ અપાવનાર પણ વાસંતીભાભી અને પીંક સ્લીપ આપનાર પણ વાસંતીભાભી.

અને કારણ?  મનિયા મારીયાની સેક્સી કિસ.

સીસી ટિવી પર મનુભૈ અને મારિયા કિસ કરતા ઝડપાયા. સિક્યોરિટિ ઓફિસ, મેઈન ઓફિસમાં બધાએ એ નિહાળ્યા. અરે ખૂદ વાસંતી દેસાઈએ પણ રિવાઈન્ડ કરેલા સિક્યોરિટી મોનિટર પર, મનીયા અને મારિયાને વળગીને કિસ કરતા જોયા. કાળી હેડંબા મેનેજરે રીપીટ કરીને બતાવ્યા. વેર હાઉસના બાર પંદર વર્કરો પણ તાળી પાડીને ચીયર્સ કરતાં દેખાયાં હતાં એવું ભાભીજી કહેતા હતાં. પિંક સ્લીપ આપ્યા વગર છૂટકો ન હતો. કારણકે એ સેક્રેટરી તરીકેની દુઃખદ ફરજ હતી.

અમે માનવા તૈયાર ન હતા. અમારા મતે મનીયો કોઈ પણ દિવસ એવું કરે જ નહિ. વડીલ વસંતરાયના મતે તો કરે તો એ કંઈ મોટી વાત જ નથી. અમેરિકામાં કાંઈ નવાઈની વાત નથી. અમારા ‘હુરતી’ હસમુખની વાત હોય તો તરત માની લઈએ પણ મનીયો? અમારી વાઈફોનો મનુભૈ? બને જ નહી. વાત જો ‘હાચી’ હોય તો અમે તો ચોક્કસ એને શાબાશી જ આપીએ. પણ બિચારો મનીયો કોઈ મોટી જબ્બર જસ્ત મિસઅંડરસ્ટેન્ડીંગનો વિક્ટિમ હોય એવું લાગેલું. અમે બધા એને પ્રેમથી પૂછીયે કે અલ્યા શું થયું તો પણ એ મોં ખોલે જ નહિ.

વાસંતીભાભીએ મનુ માટે કંઈ નહિ કર્યું એટલે વસંતરાયે ટોણાં પર ટોણાં માર્યા. ‘દમ વગરની દેહણ.’

એમાં મેન્કીનું રડારોડ વાળું સતત ઈનટ્રોગેશન. વાસંતીભાભીએ તો કહી દીધું, ‘મેં પણ મનુભાઈને મારિયા સાથે બાઝીને કિસ કરતા ટીવી પર જોયા હતા, અને મારે તો બોસ કહે તે પ્રમાણે કરવું પડે. મનુભાઈ તો ઓફિસમાં રડ્યા પણ કશું જ બચાવમાં બોલ્યા નહિ, હું શું કરુ? મારિયા તો થેન્કસ કહીને ચાલી ગઈ. એટલું જ નહિ પણ જતાં જતાં મનુભાઈને હેડંબાના દેખતાં મનુભાઈને હગ કરીને કહેતી ગઈ કે “હની, ડોન્ટ વરી. સી યુ ઓન મનડે” મારાથી વેરહાઉસમાં જઈને પૂછાય પણ નહિ કે હકિકત શું છે?’

‘પણ મનુભાઈ હવે તો બોલો શું થયું? મન્ડે ફરી કાળીમાતાને સમજાવી જોઉં’

અમે એને હિમ્મત આપી ‘એક વીકમાં તને બીજી સારી જોબ અપાવી દઈશું. ચિતા છોડ પણ શું થયું તે તો કહે? અલ્યા તું તો છૂપો રૂસ્તમ નીકળ્યો!’ અમને એની જોબ ગઈ તેની ચિંતા ન હતી. એ તો બધાની જાય અને બીજી પહેલાં કરતાં સારી પણ મળે. અમને તો અમારા મનીયાની રોમાન્ટિક ડાયસ્પોરા કિસમાં ઈન્ટરેસ્ટ હતો.

‘મારામાં હું વાંધો પઈડો કે ગોરકીની હોડમાં ભરાયા? રોજે રોજ તો તમને જોઇતું તમારી રીતે આપતી ઉતી તો હો? મારા બાપે પંદર લાખ ખરચીને મારા આ સુખને હારુ અમેરિકા મોકલ્યા હતા? મારા બાપે જમાઈને ગોરકીના થુંક ચાટવા મલે એટલા હારુ વીસ લાખનો જગન કર્યો હતો? મારા માબાપે પચ્ચીસ લાખ, મારી શોક લાવવા કૂવામાં લાખ્યા હતા.’

 મીઠડી મેનકી રડતાં રડતાં દર પાંચ સેકંડે સીધા પાંચ લાખ ઉમેરતી જતી હતી.

છેવટે મનહરલાલે મોં ખોલ્યું. અમને બધી વાત પુરેપુરી કરી દીધી. વાત સમજાઈ. હવે જ્યારે બે જણા કિસ કરતા હોય ત્યારે કોણ કોને કિસ કરે એ નક્કી કરવાનું અઘરું તો ખરું જ. હવે અમે અમારા મનિયાનો જરા પણ દોષ કે વાંક કાઢતાં નથી. એનો દોષ જ નહિ. એતો નિર્દોષ એટલે નિર્દોષ જ. દોષ હોય તો મારિયાનો જ. દુઃખ એ વાતનું જરૂર હતું કે અમને મારિયા જેવી સહકર્મી મળી ન હતી.

જૂઓ તમને માંડીને વાત કરું. પછી તમે જ જજ્મેન્ટ આપજો, બિચારા મનિયાનો શો દોષ?

અમે સમજીએ છીએ કે અમેરિકન ફેકટરી જગતનું આપને તો ખાસ જ્ઞાન ન હોય એ સ્વાભાવિક છે. પણ જેંમણે અહિ જાત જાતના નોકરા ફાડ્યા હોય તેઓ તો જાણે જ કે નાની કંપનીની ઓફિસોમાં છોકરીઓ વધારે હોય અને પ્લાન્ટ, મશીન વર્કશોપ, વેરહાઉસમાં ભાયડાઓ વધારે. કાયદાઓ તો બધ્ધા જ પણ પાલનને નામે ઝીરો.

પ્લાન્ટમાં ખૂણા પર એક ક્યુબિકલ ઓફિસ હોય, તેમાં ભંગાર ટેબલ ખૂરસીઓ હોય, દિવાલ પર પ્લેબોય મેગેઝિનના સેન્ટરફોલ્ડ ફોટાઓ હોય. નો સ્મોકિંગની સાઈન નીચે જ માથાભારે ફોરમેન ધુમાડા પણ કાઢતો હોય. ડસ્ટબીન્સ અને ગાર્બેજ ખાલી બિયરકેનથી ઉભરાતા હોય, રેડિયો પર ક્યાં તો મ્યુઝિક કે સ્પોર્ટસ બ્લાસ્ટ થતું હોય અને કાળા ગોરા વર્કરો ના હાથ અને ખુલ્લી છાતી ટેટ્ટુથી ભરેલા હોય સામાન્ય વાતમાં પણ બધાના મોંમાંથી ફ..ફ…ફ ચાલ્યા કરતું હોય. બસ એવા વર્કિંગ એનવાય્રોમેન્ટમાં અમારો મનિયો નીચું જોઈને કામ કર્યા કરતો હતો.

એક વાર એણે જ કહ્યું હતું કે અમારા વેરહાઉસમાં તો એવા એવા ગંદા ફોટા હોય ને બધા એવી એવી વાત કરે કે મને તો બૌ શરમ આવે. ભાભીએ તો કોઈપ્ણ વાર વેરહાઉસમાં આવવા જેવું જ નહિ. હવે આવો સીધો સરળ મનિયો મારિયાને કીસ કરે ખરો?

પણ હા, બે વચ્ચે કિસ તો થયેલી જ.

ફરી પાછો મૂળ વાત પર આવું.

મનિયાની વાત અને વાસંતીભાભીની માહિતી પ્રમાણે મારીયા એક બિન્દાસ, બ્યુટિફુલ, બીગ બ્રેસ્ટેડ, બે વાર પરણીને ડિવૉર્સ લીધેલ મેક્ષિકન હોટ યુવતી. એ પેકેજીંગ સુપરવાઈઝર. કંપનીના ઓનર પ્રેસીડન્ટના એના પર ચાર હાથ. કેમ ચાર હાથ એની ચર્ચા જ નકામી. એને કામને માટે વેરહાઉસમાં વારંવાર જવું પડે. ફોરમેન સાથે બેસીને ગપ્પા મારે, સીગરેટ ફૂકે. ડોનાલ્ટ ટ્રંપની ‘લોકરરૂમ બોય્ઝ ટોક’ જેવી વાતોમાં પણ જોડાય. તોયે પાછી ખબરદાર. એને જેની સાથે જે છેડછાડ કરવી હોય તે કરે, પણ બીજાથી એને અડપલાં ના થાય. ક્યાં અટકવું એ સારી રીતે જાણે.

અમને જેમ મનીયો વ્હાલો તેમજ મારિયાને પણ એ ગમતો. મારિયા આપણા મનિયાને કાયમ “હાય હેન્ડસમ” કહીને ટિઝિંગ કરે. મનિયો બિચારો શરમાય. મનિયા માટે સૌ કોઈની જેમ એને પણ ભલી લાગણી. એને  કાયમ ચીઢવે અને શરમાવે.

આજે સવારે મારિયા વેરઉસમાં આવેલી. બધા મરદો સાથે ઠઠ્ઠા મશ્કરી ચાલતી હતી. ઈન્ડિયામાં જાહેરમાં કિસ ના થાય, હસબન્ડ વાઈફની સેક્સ સ્ટાઈલની વાત ચાલતી હતી. મનિયો બિચારો ઈન્ડિયન કલ્ચરના સ્પેસિમેન જેવો ડાહ્યો ડમરો થઈને ખૂણા પર ઉભો હતો. મારિયાએ એને બોલાવ્યો.

“હાય હેન્ડસમ, શો મી હાવ ડુ યુ કીસ યોર વાઈફ ઇન ઈન્ડિયા?”

બિચારા મનિયાનો બ્રાઉન ચહેરો લાલ તો નહી પણ જાંબુડીયા રંગનો થઈ ગયો. બિચારો શું બોલે? બધાએ એને ચડાવ્યો. મારિયા કહે કે મને કીસ કરી બતાવ તું તારી વાઈફને કીસ કેવી રીતે કરે છે?

“ના ના. અમે લોકો કીસ કરીયે જ નહિ. વી ડોન્ટ કિસ” મનિયાએ ભચડ્યું. ભચડાઈ ગયું.

ઓહ માય ગોડ. બિચારાએ એવું કહ્યું કે ટોળાને તો મજા જ પડી ગઈ. મારિયાએ એને ખેંચીને પડખામાં લીધો. “શો મી, હાવ ડુ યુ કિસ. ગો ઓન હેન્ડસમ. કીસમી.”

“નો નો નો નો આઈ કાન્ટ, આઈ કાન્ટ”

બીજી બાજુ, કીસ, કીસ કીસ કીસ. ક્લેપિંગ શરૂ થયું. મનીયાએ ગભરાતા શરમાતા ના છૂટકે મારિયાના ગાલ પર હળવી બકી કરી.

પાછી બુમો પડી…. નો, નો, નો, નો. હેન્ડસમ નોટ ધીસ વે.

પછી મારિયાએ, ‘ધીસ વે’ કહીને, આપણા ભોળા મનીયાના હોઠ પર એના હોઠ જોરથી ચીપકાવી દીધા. તે જરા વાર માટે નહી ખાસ્સા લાંબા સમય માટે. ઈટ વોઝ જ્સ્ટ ઈનોસન્ટ ફન ટાઈમ.

પણ આ ફન ટાઈમ એટલે મનિયાની જોબનો મહાવિનાશ.

આનંદના અવાજો અને સીસી ટીવી પર નો વેરહાઉસનો સેક્સી સીન જોઈને “મહાકાલિકા હેડંબા – પરસનલ મેનેજર” વેરહાઉસમાં દોડી આવી.  એણે જોયું તો બિચારો મનુ મારિયાને ચીપકેલો હતો. મનુ મારિયાથી છૂટા થવા મારીયાનો ખભા ઢકેલતો હતો પણ બિચારાને ભાન કે ધ્યાન ન હતું કે એનો હાથ ખભા કરતાં નીચો હતો. ખભો નહિ પણ કંઈ જૂદું જ ઢકેલતો હતો. આ તો ન જ ચાલેને!

મારિયા અને પરસ્નેલ મેનેજર મહાકાલિકા વચ્ચે કાયમ યુધ્ધ ચાલતું રહેતું. બન્નેની સિનિયોરીટી સરખી. મહાકાલિકાને વાઈસપ્રેસિડન્ટનો સપોર્ટ. એને મારિયા સાથે હિસાબ ચૂકવવાનો હતો એટલે એને તક મળી ગઈ. બન્નેને વાઈસ પ્રેસિડન્ટ પાસે ખેંચી ગઈ. ઈન્ડિસન્ટ એક્પોઝર જેવું કંઈક ગણીને બન્નેને પિન્ક સ્લિપ આપવાનું કામ વાસંતીભાભી ને જ સોંફાયું. ભાભીને તો પૂરી વાતની ખબર પણ નહી. એને તો એની બોસનો ઓર્ડર એટલે કરવું પડે. બિચારો મનુ નામનો બકરો વધેરાઈ ગયો. બધી પૂરી વાતની તો હમણાં ખબર પડી. મજાની સજા થઈ. બિચારો મનીયો ઘેર આવ્યો. મેનકીના ‘મારા તો ભાગ્ય ફૂટી ગયા’ના છાજીયા નોન સ્ટોપ ચાલુ રહ્યા. શું બોલવું તે સમજાતું ન હતું.

 થોડીવાર માટે, જાણે મનિયાના બાપા ઉપર ગયા હોય એવો શોકનો માહોલ હતો. અમે બધા ભૂખ્યા તરસ્યા દોડી આવ્યા હતાં. પાડોસીને ત્યાં મરણ થયું હોય એમ બાજુમાં જ રહેતી અમલસાડી અંજુ અમારે માટે ચા લઈ આવી.

ભાભીને આપણા નિર્દોષ મનિયાને પિન્ક સ્લિપ આપતા જરા પણ વિચાર ન આવ્યો? અમે બધા મનિયાને ક્યાં ઠેકાણે પાડવો તે વિચારતા હતા. હમણાં સાલુ જોબ માર્કેટ પણ ડાઉન છે. બધે લે ઓફ ચાલે છે. મોટેલિયો મંગુ ઈન્ડિયા ગયો છે બાકી એ એને ઠેકાણે પાડી દેત. હુરતનો હરિયો જોબ પર એના બાપનું જ રાજ ચાલ્તું હોય એમ ડંફાસ મારતો પણ એ હૌ પાણીમાં બેસી ગયો.

જાણે મારિયા મનિઆનું વસ્ત્રાહરણ કરી ગઈ હોય અને મનિયા માટે અમે કાંઈ ન કરી શકતા હોય એવી ફિલિંગ સાથે પાંડવોની જેમ લાચારીથી નતમસ્તકે વિચારતા રહ્યા.

એટલામાં વાસંતીભાભીના શેલ ફોન પર ગાયત્રી મંત્રનો રીંગ ટોન વાગ્યો. એમણે નાક પર આંગળી કરી. અમે ચૂપ થઈ ધીમે ધીમે થતી વાત સાંભળતા હતાં.

‘યસ,’

‘વ્હોટ?’

‘હં.’

‘હં,’

‘હં.’

‘આઈ ડોન્ટ બીલીવ ઈટ.’

‘આઈ હોપ યુ આર નોટ કિડિંગ.’

‘વાઉવ. યુ નૉટી ગર્લ. આઈ નો, માય મનુ ઈઝ ગુડ બોય. નો…. હી ઈઝ રીયલ જેન્ટલમેન.’

‘હં.’

‘થેન્ક્યુ. ગ્રેઇટ રીલિફ. ઈસ ઈટ ઓફિસિયલ ઓર કોન્ફિડેન્શિયલ?’

‘હં’

‘કેન આઈ ટેલ હીમ?’

‘યુ આર ગ્રેટ.’

ભાભીએ ફોન મૂકી દીધો. અમારી સામે જોઈ રહ્યા. ઘડીકમાં મનિયા સામે, ઘડીકમાં મેન્કી સામે.

એ કંઈક ધડાકો કરવાના હોય એમ અમે વાસંતીભાભી સામે જોઈ રહ્યા. એ બધાની વાઈફો(કોઈએ અમારું ઈંગ્લિશ સુધારવાની જરર નથી.) કરતાં ઉમરમાં મોટા અને પાવરફૂલ દેહણ. એની નજર ફરતી હોય ત્યારે અમે  એની સામે યે ન જોઈએ. છેવટે એણે એના દેહાઈ પર નજર સ્થિર કરી.

“જે કંઈ ભસવાના હોય તેમ ભસો ને. આમ ડાગીયાની જેમ મારી સામે શું ઘુરક્યા કરો છો? મને તો તમારા રાજમાં કોઈને કીસ કરવાની તક નથી મળી. હં હં કરીને બે કલાક કોની સાથે મનીયાની વાત કરતા ઉતા?” વસંતરાય દેહાઈ ઉવાચ.

એક ત્રાડ પડી ‘આ જનમમાં બીજીની હાથે કીસ કરવાની તક મલવાની હૌ નથી દેહાઈ, આઈ એમ હંગ્રી. ઓર્ડર પીઝા ફોર એવ્રીબડી. હાહરિનાઓ બૈરા બનાવે તેની રાહ જોઈને બેઠા છો. મનુભાઈની જોબ જરા વાર ગઈ તેનું હું બેસણું માડ્યું છે?’

‘સોમવારથી મનુભાઈની જોબ ચાલુ જ છે.’

‘વ્હોટ?’ એક સાથે અમારા બધાના ગળામાંથી પ્રશ્ન છૂટ્યો.

‘યસ.’

‘કેમ? શું થયું? કોનો ફોન હતો?’

‘પહેલા પિઝા; પછી બધી વાત.’

‘ના ના પહેલા વાત, પછી પિઝા.’

‘ઓકે ઓકે હું જ ઓર્ડર કરું છું. ભાભી પ્લીઝ સાચી વાત કરોને શું વાત છે? મેન્કીએ  વાસંતીભાભીનો હાથ પકડી લીધો.’

‘હમણાં મારીયાનો ફોન હતો. પિન્ક સ્લિપ લઈને એ સીધી અમારી કંપનીના ઓનર-પ્રેસિડન્ટને ત્યાં પહોચી ગઈ હતી. એણે એની ખાસ રીતે પ્રેસિડન્ટને સમજાવી દીધા. ટર્મિનેશન ઓર્ડર કેન્સલ કરાવી બન્નેની જોબ ચાલુ રખાવી. એટલું જ નહિ પણ એણે મનુભાઈને વેરહાઉસમાંથી એની જ ઓફિસમાં એને ટ્રાનસ્ફર પણ કરાવી દીધા. કલાકના ત્રણ ડોલરના રેઇઝ સાથેનું પ્રમોશન છે.’

‘ચાલો, દોસ્તો માત્ર પિઝા જ નહિ સાથે કેક પણ ખરી.’ અમે બધા હરખ માણતા હતા. ત્યાં મેન્કીયે બોમ્બ ફોડ્યો. ‘ભાભી, મારે એમને તમારી કંપનીમાં જોબ પર નથી જવા દેવા.’

‘કેમ?’ અમારા મોં પહોળા થઈ ગયા.

“કેમ શું? જે મારિયાએ વેરહાઉસમાં જઈને બધાના દેખતાં એમની છેડતી કરી તે મારિયા એમની સાથેને સાથે એક ઓફિસમાં હોય તો ખાનગીમાં તમારા ભોળાભાઈનું શું નું શું કરી નાંખે? મારા બાપના પચ્ચીસ લાખ તો પાણીમાં જ જાયને? નથી જોઈતી એવી જોબ.”

“જો મનિયાને જોબ ના કરવી હોય તો આપણે મારિયાના હાથ નીચે ઓછા પગારે પણ કામ કરવા તૈયાર છીએ. હની પ્લિઝ તારી લાગવગ લગાવ.” વલહાડી વસંતરાય દેસાઈ ઉવાચ. અને રસિક દેહાઈજી પર ધીર ગંભીર ભાભીએએ સોફા પરના પિલોનો છૂટ્ટો ઘા કર્યો.

ધીમે રહીને મેન્કીએ કહ્યું ‘ભાભી મારા વતી મારિયાને થેન્ક્યુ કહેજો. મને તમારા ભાઈ પર વિશ્વાસ છે.’

અમારા હુરતી હસમુખને સળી કરવાની કુટેવ. એણે કહ્યું. ‘મનિયા તેં મારિયા જેવી કિસ કરેલી તેવી કિસ તારી મેનકાને કરી બતાવ.’  બસ બધી ભાભીજીઓ એ જ કીસ કીસ કીસ કીસ શરૂ કરી દીધું.

મેનકી દોડીને બેડરૂમમાં ભરાઈ ગઈ.  મનિયો બાઘા મારતો ઊભો હતો. સદાયે ગંભીર રહેતા વાસંતી દેહણે મનિયાનો હાથ ખેંચી બેડરૂમમાં ધકેલી દીધો.

પછી શું થયું તે કહેવું જરૂરી નથી. અમને યે શું ખબર? અમે માત્ર અભદ્ર કલ્પના કરતાં રહ્યાં. જરૂર કરતાં રૂમમાં મનીયો મેનકી લાંબો સમય રોકાયાં હતાં એટલું જ. બસ અમે તો મનિયો પાછો ઠેકાણે પડ્યો એના આનંદમાં પીઝા અને ચીઝ કેઇક ઝાપટતા રહ્યા.

(ગુજરાત દર્પણ – ઓગસ્ટ ૨૦૧૭)