Category Archives: Gujarati Stories

પ્રવીણ શાસ્ત્રીની વાર્તા “ઉત્તરાગમન”

ઉત્તરાગમન

“ડેડ, મોમ પ્લીઝ સ્ટીલ ઈટ’સ નોટ ટૂ લેઈટ. પ્લીઝ, ચેઇન્જ યોર માઈન્ડ. જસ્ટ ફોર મી.”

“ડિયર, પ્રતિક જો વિચાર બદલીશું તો સૌથી પહેલા તને જ જણાવીશું.” મમ્મી પૌરવીએ પ્રતિકના કપાળ પર વિદાય ચુંબન કરતા કહ્યું.

“બેટા મારાથી જે કાંઈ થઈ શકે એવું હોય તે જણાવજે. મારાથી બનતું બધું જ કરીશ.” રમણભાઈએ પ્રતિકના માથે હાથ ફેરવતા કહ્યું.

“પ્રતિક, ઈફ યુ નીડ મોર મની લેટ મી નો.”

“થેન્ક્સ મોમ. પણ હું નથી માનતો કે મને જરૂર પડે. યુ ગેવ મી મોર ધેન આઈ નીડ”  અઢાર વર્ષીય પ્રતિક ડેડી મમીને હગ કરીને, ભીની આંખે, એરપોર્ટ પર સિક્યોરીટી ચેક માટેની લાઈનમાં ઉભો રહી ગયો.

“રમુ, મારે પણ હ્યુસ્ટનની ફ્લાઈટ પકડવાની છે.આપણે છૂટા પડીશું. ટેઇક કેર.”

“પારુ, તારી ફ્લાઈટ લેઈટ છે. જો તને વાંધો ન હોય તો એકવાર છેલ્લી કોફી માણી લઈએ.”

“ઓકે. લેટ્સ ગો.”

રમણલાલ અને પૌરવી, બન્ને એક ખૂણા પરના ટેબલ પર બેઠા. કાફેની વેઈટ્રેસ છોકરી કોફિપોટ અને બ્રેડ બાસ્કેટ મૂકી ગઈ. રમણભાઈએ બન્ને માટે કોફી બનાવી. પૌરવી માટે ટોસ્ટ પર બટર લગાવ્યું. પતિપત્ની વચ્ચે શબ્દવિહિન આંતરિક વ્યથીત વાર્તાલાપ ચાલતો હતો.

પૌરવી મનમાંને મનમાં પોતાના ના નિર્ણયને જસ્ટીફાઈ કરવા પ્રયાસ કરતી રહી હતી. રમુની દયાતો આવે છે. પણ વન લાઈફ ટુ લીવ. એની સાથે જરૂર કરતાં પણ વધુ જીવી. શેષ જીંદગીતો મોકળાશથી પોતાની ઇચ્છા પ્રમાણે જીવી લેવી જોઈએ. ના, મેં જે કર્યું છે તે વ્યાજબી જ કર્યું છે. નિષ્ફળ અને પુરુષત્વ વગરના  ડિપ્રેસ્ડ માનવી સાથે શા માટે આખી જીંદગી વેડફી નાંખવી.

રમણભાઈ એટલે કે ડો.આર. વિચારતા હતા…. ભલે એ એની રીતે સુખી થતી. મન મારીને પણ બાર વર્ષ મારી સાથે ગાળ્યા એ ઓછું છે? એની જગ્યાએ હું હોઉં તો?

“રમુ, વિચાર કરી કરીને ભૂતમાં નહિ વર્તમાનમાં જીવવાનું રાખ. જે છે તે સ્વીકારીને જીવવું રહ્યું. મારો સમય થઈ ગયો છું. હવે મળીશું કે નહિ તે જાણતી નથી, વિચારવું પણ નથી. બાય. ટેઇક કૅર.”

ટેબલ પર પૌરવીએ બીલના પૈસા મૂક્યા. અને ડાબા હાથની આંગળી પરની વીંટી કાઢી રમણભાઈના શર્ટના ગજવામાં સરકાવી દીધી. “રમુ, ભલે આપણે અલગ થઈશું; પણ જો કાંઈ આર્થિક જરુર હોય તો પ્રતિક મારફત જણાવજે. સગવડ થઈ જશે. મૂંઝાતો નહિ”

રમણભાઈ પોતાને શૂન્યાવકાશમાં છોડીને કાયમને માટે જતી પૌરવીની પીઠને તાકતા રહ્યા.

પૌરવી…

રમણભાઈની જિવન કિતાબનું માત્ર એક પ્રકરણ જ નહિ પણ સમગ્ર કિતાબના પાના ફાટીને કચરા પેટીમાં ઠલવાઈ ગયા. કશું જ બાકી રહ્યું ના હતું.

શું હતું એ રમણભાઈ નામની કિતાબમાં?

ચાલો વણી લઈએ ફરી પાછા એ પાનાઓ….. કંઈક જાણવાનું મળશે.

 લો આ એક-બે પાના…

છવ્વીસ વર્ષના ડો.રમણભાઈ ગામડામાં નવી ખૂલેલી કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. અમેરિકામાં એમના હરિકાકાના ડંકીન ડોનટના બે ત્રણ સ્ટોર હતા. ખટપટ કરીને કાકાએ સ્પોનસર કરી અમેરિકાના વિઝા અપાવી દીધા. તે જ વખતે કોલેજમાં ક્લાર્ક તરીકે કામ કરતી દેખાવડી, બોલકણી, પૌરવી સાથે લગ્ન પણ થયા. બન્ને અમેરિકા આવી ગયા. રમણભાઈને માટે એમના જીવન કિતાબના સુવર્ણ પાના હતા. નવવધૂ પૌરવી સાથે દેહાનંદ રમણે ચઢ્યો હતો. રમણભાઈ કાકાના સ્ટોર પર કામ કરતા અને સાથે સાથે જોબ માટે રેઝ્યુમે મોકલતા. રમણભાઈનું ભદ્રમભદ્રીય દેશી એક્સનમાં, ચીપી ચીપીને બોલાતું બિટિશ ઈંગ્લીશ હરિકાકાના સ્ટોરમાં મેનેજર બનેલા અભણ સાળાને હાસ્યાસ્પદ લાગતું. ઇન્ટરવ્યુ તો મળ્યા પણ નોકરી માટે સફળતા ન મળી.

પૌરવીનું બોલિવૂડી સ્ટ્રીટ ઈંગ્લિશ જીતી ગયું. પૌરવીને એડમિનિસ્ટ્રેટીવ વર્કનો થોડો અનુભવ હતો, રમણભાઈ પહેલાં પૌરવીને એક ઓફિસમાં નોકરી મળી ગઈ. રમણભાઈએ આનંદ વ્યક્ત કર્યો, પણ કંઈક કઠ્યું. અહમ ઘવાયો.

 અને આ….જીવન કિતાબનું એક ફાટેલું બીજું પાનું

કાકાના ડંકિન ડોનટ સ્ટોરના મેનેજર, કાકાના સાળાને કોલેજના સંસ્કૃત સાહિત્યના યુવા વિદ્વાન પ્રોફેસર સ્ટોરના કામ માટે પણ નક્કામો લાગતો હતો. મેણાં ટોણાંથી માનહાની અનુભવતા રમણભાઈ એક દિવસ પૌરવી પાસે રડી પડ્યા. “પારુ, ચાલ પાછા ઈન્ડિયા ચાલ્યા જઈએ. મને કોઈ નોકરી મળે એમ નથી. છોકરાં ભણાવવા સિવાય મારામાં બીજી કોઈ આવડત નથી”

“હું છું ને રમું. જો મારામાં પણ ક્યાં આવડત છે? મને જોબ મળી ગઈને! વહેલી મોડી તને પણ જોબ મળશે. ચાલ નાનો એપાર્ટમેન્ટ લઈને કાકાના આશીર્વાદ લઈને છૂટા થઈ જઈએ. કાકાની લાગણી અને કાકીની લાગણીમાં ઘણો ફેર છે. જોબ પરથી આવ્યા પછી કાકીની અપેક્ષા પ્રમાણે હાઉસમેઈડ જેવું ઘરકામ કરતાં હું તો તૂટી જાઉં છુ.”

અને આ પણ એક પાનું …..

આજે પ્રતિકની પહેલી બર્થડે પાર્ટી હતી. ખૂબ જ આનંદ હતો. રમણભાઈ પણ એક ફેક્ટરીમાં કામ કરતા હતા. મહેનતથી ટેવાયલ ન હતા; પણ થાય તેટલું કરતા. ગઈ કાલે જ પૌરવીને પ્રમોશન મળ્યું હતું. એનો બોસ ગેરી પણ પાર્ટીમાં આવ્યો હતો. એણે પ્રતિકને ખૂબ રમાડ્યો. એક્ષ્પેન્સિવ ગિફ્ટ પણ લાવ્યો હતો. ખૂબ મોટો માણસ, પણ ડાઉન ટુ અર્થ. માનશો નહિ પણ આવા મોટા બોસે, પાર્ટી પૂરી થયે પૌરવીને સાફસૂફી કરવામાં પણ મદદ કરી.

આ છે ત્રણ વર્ષ પછીનું પાનુ.

રમણભાઈની જોબ છૂટી ગઈ હતી. માનસિક હતાશાએ જીવનને ઊધઈની જેમ ફોલી ખાધું હતું. પૌરવીને શારીરિક સુખ આપવામાં પણ નિષ્ફળતા મળતી હતી. સંસ્કૃત સાહિત્યનો શૃંગાર રસ અમેરિકાના જીવનમાં હાર ખાઈને કરૂણરસ બની ગયો હતો. પૌરવી રમણભાઈના માથે સાંત્વનનો હાથ ફેરવતી, આંખમાં બે ખારા ટીપાં સાથે પડખું ફેરવી સૂઈ જતી. વાયાગ્રા કે સિયાલસ જેવી દવા પણ મદદ કરતી ન હતી. પૌરવી બે વારા જૂદા જૂદા ડોક્ટર પાસે લઈ ગઈ હતી. દવા અને થેરેપી માનસિક ડિપ્રેશનને ઓછું ન કરી શકી. માનસિક હતાશામાં સેક્સ તદ્દન સૂકાઈ ગયો.  રમણભાઈ પોતાની જાત પર રડતા જ રહ્યા.

પ્રતિક છ વર્ષનો થયો. વચગાળામાં રમણભાઈને બે જોબ મળી હતી. બન્ને સારી જોબ હતી. પગાર વધારે ન હતો પણ ઓફિસમાં એટલિસ્ટ ટાઈ શર્ટ પહેરીને જવાનું હતું. ડિપ્રેશન જરા ઘટ્યું. આત્મવિશ્વાસ જાગૃત થતો લાગ્યો પણ એક કંપની બંધ થઈ ગઈ અને કંપનીની નાની બ્રાન્ચ બીજી બીજા સ્ટેટમાં પહોંચી ગઈ. ફરી પાછા બેકાર બન્યા. બીજી જોબ ના મળી. રમણભાઈનું ડિપ્રેશન વકર્યું. પૌરવીએ એની કંપનીમાં પ્રયત્ન કરી જોયો હતો પરંતુ પૌરવીની કંપનીંમાં કાયદો હતો કે એક જ ફેમિલીના મેમ્બર કંપનીમાં કામ ન કરી શકે. પૌરવી, રમણભાઈને પોતાની કંપનીમાં ગોઠવી ન શકી. અને ખરેખર તો એ ઈચ્છતી પણ ન હતી કે રમણભાઈ એની કંપનીમાં પોતાના કરતાં ઉતરતી કક્ષાએ કામ કરે. એઓ બેકાર હતા. પણ સારી વાત એ હતી કે પૌરવીના બોસ ગેરીની પૌરવી પર કૃપાદૃષ્ટિ હતી. એણે પૌરવીની કાર્યદક્ષતા ઓળખીને કંપની માટે મઠારી હતી. પૌરવી સુંદર તો હતી જ. મીઠડી પણ હતી. પૌરવી ભલે ગામડાની કોલેજની ક્લાર્ક હતી પણ અમેરિકામાં એ સફળ એડમિનિસ્ટ્રેટર પુરવાર થઈ. એને માટે અમેરિકા લેન્ડ ઓફ ઓપોર્ટ્યુનિટી પુરવાર થયું. ત્રણ મહિના માટે એ ગેરી સાથે પેરિસમાં કંપનીની નવી બ્રાન્ચ શરૂ કરવા પણ જઈ આવી.

અને આ બીજું ડો.આરની જિવનકિતાબનું ચીમળાયલું, ફાટેલું પૃષ્ટ.

“રમુ, એક વાત કરવી છે. શાંતીથી સાંભળજે. ફ્રાન્સમાં કકડીને ભૂખ લાગી હતી. ઉપવાસી હતીને! સામે જે હતું તે માંગીને ખાઈ લીધું હતું. હું પ્રેગનન્ટ છું. અને આવતી કાલે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવા જવાની છું. તારાથી કશું છૂપાવવું નથી. આખરે તો હું સ્ત્રી છું. બાકીનું સમજાવવું શું જરૂરી છે…?”

“ના હું અબુધ નથી,” પુરૂષાતન વગરના પતિએ પૌરવીના ગાલપર એક થપ્પડ મારી. અને પછી દિવાલ સાથે પોતાનું માથું અફાળ્યું. રંમણલાલ કલાકો સૂધી રડતા રહ્યા. પૌરવી પાસે જઈને કહ્યું “આઈ એમ સોરી, તારો દોષ નથી. એબોર્શન કરવાની જરૂર નથી. જે જીવ હશે તેને પાળીશું. ભલે મારું નહિ હોય, તારું એટલે આપણું જ ને!”

પૌરવીએ કશો જવાબ ન આપ્યો. બીજે દિવશે એબોર્શન થઈ ગયું.

બે દિવસ પછી.

રમુ, આપણું સહજીવન તૂટી રહ્યું છે. કશું જ થઈ શકે એમ નથી. તમે હવે ઈન્ડિયાની કોલેજના સંસ્કૃતના પ્રોફેસર ડો.રમણભાઈ અને હું ત્રીજા દરજ્જાની ક્લાર્ક પૌરવી રહ્યા નથી. આ ધરતી બદલાઈ, હવા બદલાઈ, પાણી બદલાયા અને આપણે પણ બદલાઈ ગયા. વી લોસ્ટ અવર ઓરિજિનલ આડેન્ટીટી. જો જૂદા છીએ એ ન સ્વીકારીએ તો રિબાઈ રિબાઈને રોજ રોજ મરતા રહીશું. મારે એમ મરવું નથી. હાલ આપણે એક ઘરમાં અલગ થઈને રહીશું. તને જોબ મળે તો ઠીક છે. ન મળે તો ચિંતા નહિ. હું મેનેજ કરી લઈશ. પ્રતિકની અઢારમી બર્થ ડે પછી આપણે કાયમ માટે છૂટા થઈ જઈશું.

ત્યાર પછીના પાના વાંચ્યા તો યે શું અને ન વાંચ્યા તો યે શું?

એમાં હતું…

કાકા સમજુ હતા. ઘડાયલા હતા. પરિસ્થિતિ સમજતા હતા. એમણે કહ્યું “બેટા રમણ બધું ભગવાનની ઈચ્છા મુજબ જ થાય, સ્ટોર પર આવી જા. જોબ ના થાય તો કાંઈ નહિ. થાય તેવું કામ કરજે. ના થાય તોયે વાંધો નથી. તું મારા દીકરા જેવો જ છે. ન કમાશે તો પણ ચાલશે. ઈન્ડિયા જવું હોય તો ઈન્ડિયા જા. ફરી કોલેજ કે સ્કુલમાં નોકરી મળી જશે. અત્યારે જ પૌરવીથી છૂટો થઈ જા. સમજી લે બેટા કે લેણા દેણી પૂરી થઈ.”

પણ રમણભાઈ પ્રતિકને કારણે વળગી રહ્યા. છૂટા ન થયા. રમણભાઈ દિવસમાં જેટલો સમય પ્રતિક ઘરમાં હોય તેટલો સમય ઘરમાં રહી પ્રતિકની કાળજી રાખતા. બાકીનો સમય કાકાના ડંકિન ડોનટ સ્ટોરમાં સાંજથી બીજી સવાર સૂધી કામ કર્યા કરતા. કાકાના સાળા દ્વારા થતા હ્યુમિલિયેશનની વાત પણ કાકાને ના કરી. એમની વિચાર અને વાકશક્તિ લગભગ હણાઈ ગઈ હતી. પ્રતિક જરૂર કરતાં વધુ ઝડપથી મોટો થઈ ગયો. સમજૂતી પ્રમાણે છૂટા પડવાનો સમય આવી ગયો.

બે દિવસ પહેલા ડિવૉર્સ પેપર આવી ગયા હતા. જે હતું તે બધું જ પૌરવીની કમાણીનું હતું. લક્ઝરી કોન્ડો રેન્ટલ હતો. ખાલી થઈ ગયો. એક મોટી રકમનું જોઈન્ટ એકાઉન્ટ દીકરા પ્રતિક અને પૌરવીનું ઓપન થઈ ગયું હતું. કાકાની હાજરીમાં સદ્ભાવના તરીકે પૌરવીએ પચ્ચીસ હજારનો ચેક, આંખમાં આંસુ સાથે રમણભાઈને આપ્યો.

ગઈ કાલે પ્રતિકની અઢારમી બર્થ ડે હતી. પૌરવીએ બેન્ક્વેટ હોલમાં જન્મદિનની ઉજવણી ઉજવી હતી. આજે પ્રતિક અભ્યાસ માટે કેલિફોર્નિયા, પશ્ચિમની દિશામાં ઊડી ગયો. પૌરવી ગઈ ટેક્ષાસ, દક્ષિણમાં; મુક્ત જીવન માટે. સહજીવન શક્ય ન હતું. પોતાને માટે બે દિશા ખૂલ્લી હતી પૂર્વમાં ઈંડિયા અને ઉત્તર. ના હવે પૂર્વમાં ઈન્ડિયા તો જવાય જ નહિ. ત્યાંયે હવે કઈ કોલેજ નોકરી પણ આપે?. સંસ્કૃત તો ભૂલાઈ જ ગયું હતું. કાકાને માથે ખોટો ભાર.

૦૦૦૦૦૦૦

બીજી સવારે કાકાના ઘરના સ્વિમિંગ પૂલની પાસે મોટો ગનશૉટનો અવાજ સંભળાયો. ઘરના અને પાડોશના માણસો દોડી આવ્યા. ડો. રમણભાઈ Ph,D નો નિશ્ચેતનદેહ પડ્યો હતો. માથું ઉત્તર દિશામાં હતું. લમણામાંથી લોહીનો રેલો, પૂલમાં જઈને પૂલને રક્તરંગી બનાવી રહ્યો હતો. કાકાની રિવોલ્વર રંમણભાઈના હાથમાં હતી. નજીકમાં પૌરવીએ આપેલા પચ્ચીસ હજારના ચેકના ટૂકડા પડ્યા હતા. એક ચિઠ્ઠી હતી. કાકા હું સ્વેચ્છાએ મારે માટે બાકી રહેલી એક માત્ર દિશા ઉત્તરપ્રતિ પ્રયાણ કરી રહ્યો છું.

‘ઓ મારા રંમણ દીકરા, હૈયા દાઝે તારા ઉત્કર્ષ માટે તને અમેરિકા બોલાવ્યો હતો…ઉત્તરાગમન માટે નહિ.’ વૃધ્ધ કાકા વિલાપ કરતા, ઢગલો થઈ બેસી ગયા.

#

પબ્લિશ્ડ “ગુજરાત દર્પણ” જુલાઈ ૨૦૧૭

“આંસુ ભરી હૈ, યે જીવનકી રાહે…”

“આંસુ ભરી હૈ, યે જીવનકી રાહે…”

madhu

ડો. રેડ્ડી એરપોર્ટ પર ફર્સ્ટક્લાસ લોન્જમાં આંટા મારતા હતા. નાની દોઢ વર્ષની દીકરી દોડાદોડી કરીને થાકી અને સોફા પર સૂઈ ગઈ હતી. પ્લેઈન હવામાનને કારણે અનિશ્ચિત સમય માટે લેઇટ હતું. બોમ્બેથી હૈદ્રાબાદનું કનેક્શન ચૂકી જવાય તો બીજો અડધો દિવસ નકામો જાય તેની ચિંતા હતી. મોં પર પર પરસેવો થતો અને લૂછાઈ જતો હતો. રેડ્ડી, પોતાની મૃતપત્ની મધુના અસ્થી લઈને ભારત જતા હતા. ઘણી દોડાદોડી હતી તેમાં એની સાળી કૃતિ, આજે સવારે જ બે એફ.બી.આઈ. ઓફિસર સાથે ઘરે ટપકી પડી હતી. થોડા ફોટા પાડ્યા. ઈશા સાથે રમી. અને બધા ચાલ્યા ગયા. બધાએ સેફ જર્નીની શુભેચ્છા પણ પાઠવી.

પંદર દિવસ પહેલા ડો. રેડ્ડી આગલા દિવસની સોળ કલાકની ડ્યૂટી કરીને હોસ્પિટલમાંથી આવ્યા ત્યારે એમણે દાદરના પગથીયા પાસે મધુને પડેલી જોઈ. ઉપર દોઢ વર્ષની દીકરી ઈશા જોર શોરથી રડતી હતી. બેબાકળા થઈને ડોક્ટરે  ૯૧૧ ને ફોન કરીને પોલિસ અને એમ્બ્યુલન્સને બોલાવી હતી. પેરામેડિક સ્ટાફ અને ડોક્ટરને જણાયું કે બ્રેઈન હેમરેજ થતાં તરત જ મૃત્યુ થયું હતું. પેરામેડિક સ્ટાફ અને આવેલા પોલિસ ઓફિસર પેટ્રિક પણ ઓળખીતા જ હતા. થોડીક ઔપચારિક વિધિ વીત્યા પછી પ્રોટોકોલ પ્રમાણે બોડીને હોસ્પિટલ લઈ જવાયું. બે મહિના પહેલાં એને વર્ટીગો એટલે કે ચક્કર આવતાં હોસ્પિટલમાં જ પડી ગઈ હતી. એજ વાતનું પુનરાવર્તન એક અઠવાડિયા પહેલાં મિત્રની લગ્ન પાર્ટિમાં પણ થયું હતું. વળી એને કોઈક વાર ઊંઘમાં ચાલવાનો પણ રોગ હતો. ઉપરના બેડરૂમમાંથી નીચે ઉતરતાં ચક્કર આવ્યા હશે કે ઊંઘમાં ચાલતા એ સત્તર પગથીયા પરથી નીચે પડી હશે. નીચે પછડાતાં બ્રેઈન હેમરેજ થતાં મૃત્યુ પામી હતી.

જ્યારે પોલિસ ઓફિસર પેટ્રિકે પોસ્ટમોર્ટમ નો ઓર્ડર કર્યો ત્યારે ડોક્ટરે મિત્ર એવા પેટ્રિકને કહ્યું પણ હતું કે ‘આ તો  પડી જવાથી બ્રેઈન હેમરેજ થયું છે. ઓટોપ્સીની શી જરૂર છે?’

‘ડોન્ટ વરી માય ફ્રેન્ડ. ઈટ્સ જસ્ટ ફોર્માલિટી. યુ નો. પ્રોટોકોલ પ્રમાણે કરવું પડે જેમ બને તેમ જલ્દી બોડી મળી જશે. આઈ એમ સોરી’.

ડોક્ટર રેડ્ડી કાયદો સમજતા હતા. ‘ભલે.’

અને ડો. રેડ્ડીને પોસ્ટમોર્ટમ પછી બે દિવસમાં જ મધુનું બોડી મળી પણ ગયું. પછી ચોથે દિવસે મધુનું ધાર્મિક વિધિ પૂર્વક ક્રિમેશન થયું હતું. અહિની ગુજરાતી અને તેલુગુ મરણોત્તર ધાર્મિક વિધિ પછી ડો. રેડ્ડી મધુના અસ્થિ લઈને આજે ઈન્ડિયા જતા હતા.

કૃતિ મધુની નાની બહેન હતી. કોલેજમાં ભણતી હતી અને ગર્લફ્રેન્ડ સાથે એપાર્ટમેન્ટ રહેતી હતી.  પોલિસ ઓફિસરની સાથે કૃતિ આજે ઇન્ડિયા જવાની સવારે જ આવી હતી તે રેડ્ડીને અકળાવતું હતું. એને ઘણાં કામો પતાવવાના હતાં. ઈશાને માસી સાથે જ રહેવું હતું અને એની સાથે જ જવા માંગતી હતી. કૃતિએ એને રમાડીને સૂવડાવી દીધી હતી. જીજાજીને હગ કરીને ‘બૉન વોએઝ્જ’ પણ વીશ કર્યું હતું.

ડોક્ટર પ્લેન લેઇટ થવા બદલ અકળાતા હતા. આખરે બોર્ડિંગની જાહેરાત થઈ. અને તરત જ એ ઈશાને લઈને સૌથી પહેલાં પહોંચી ગયા. બરાબર અડધો કલાક પછી ગેઈટ બંધ થયો અને પ્લેન ગૅઇટ પરથી નીકળીને રન વે પર ટેઇક ઓફ માટે ગોઠવાયું. ડોક્ટરે ફરી પરસેવો સાફ કર્યો અને ઊંડો શ્વાસ લીધા પછી અવાજ વગરના હોઠે ‘થેન્સ ગોડ’ કહ્યું. એની નજર બાજુની સીટપર અર્ધ જાગૃત ઈશા પર જતી હતી. સ્વીટ દીકરી. વિચારતા હતા; બરાબર મધુનો જ ચહેરો, મધુનું જ નાક, મધુની જ આંખો. મધુના જ હોઠ. જાણે એકલી મધુની જ દીકરી.

ટેઇક ઓફ માટે ઉભેલા પ્લેઇનનો ગેઇટ અચાનક ખૂલ્યો. લેડર ગોઠવાઈ અને બે મેઇલ એફબીઆઈ ઓફિસર અને એક ફિમેઇલ ઓફિસર પ્લેઈનમાં દાખલ થયા. એમણે ડોક્ટરના હાથમાં એરેસ્ટ વોરંટ પકડાવી દીધું. મિરેન્ડા વોર્નિંગ અપાઈ ગઈ. ‘યુ હેવ રાઈટ ટુ રિમેઇન સાઇલન્ટ. એનીથીગ યુ સે, કેન એન્ડ વીલ બી યુઝ્ડ અગેન્ન્સ્ટ યુ, ઇન ધ કોર્ટ ઓફ લો’; વિગેરે વિગેરે કહેવાઈ ગયું. ડોક્ટરના હાથમાં હાથકડી પહેરાવાઈ ગઈ ફિમેઇલ ઓફિસરે ઈશાને ઊંચકી લીધી. માત્ર ચાર મિનિટમાં એમની પાછળ ગેઇટ બંધ થયો અને પ્લેઈન રન વે પર ટેઇકઓફ માટે ડોક્ટર રેડ્ડી વગર દોડતું થઈ ગયું. એરપોર્ટ પર મધુની નાની બહેન કૃતી હાજર હતી. નાની ઈશા કૃતિને સોંફાઈ ગઈ.

પિસ્તાળીશ વર્ષના ડિવોર્સી ડોક્ટર રેડ્ડીની રેડિયોલોજી ટેકનિશીયન મધુ દલાલ સાથેની સામાન્ય ફ્રેન્ડશીપ હોસ્પિટલ સ્ટાફમાં ગોસીપનો વિષય બની ગયો હતો. આખરે ત્રેવીસ વર્ષની ગુજરાતી છોકરી મધુ બાવીશ વર્ષ મોટા સાઉથ ઈન્ડિયન ડોકટર રેડ્ડીને પરણી ગઈ.

લગ્ન પછી એને ખબર પડી કે ડોક્ટરને Erectile dysfunction  ઇરેક્ટાઇલ ડિફ્ન્ક્શનની સમસ્યા છે. આ પહેલાં પણ જાતજાતની દવાઓ અને સારવાર સાધનોના ઉપાયો કરી ચૂક્યા હતા. કશો ફેર પડ્યો ન હતો. આગલી પત્નીએ લીધેલા ડિવોર્સનું કારણ પણ એ જ હતું. પહેલી પત્ની લોયર હતી. ડિવોર્સ સેટલ્મેન્ટમાં અડધો અડધ મિલ્કત પડાવી ગઈ હતી.

મધુનું રેડ્ડી સાથે અર્ધસફળ અને નિષ્ફળ રાત્રીઓ વાળું સંતોષ વગરનું દાંપત્ય જીવન વહેતું હતું.

મધુ યુવાન હતી. એને અરમાનો હતા. એ પણ ડિવોર્સનો વિચાર કર્યા કરતી હતી. પણ એને એક દિવસ સારા એંધાણ મળ્યા. એ પ્રેગનન્ટ હતી. એને આનંદ હતો. ડિવોર્સનો વિચાર માંડી વાળ્યો. એને પોતાને પણ ખબર ન હતી કે આવનાર બાળકનો પિતા કોણ છે.

એક નવરાત્રીની રાત હતી. ડોક્ટર મેડિકલ કોન્સફરન્સમાં ગયા હતા. મધુ હોસ્પિટલના ગુજરાતી મિત્રો સાથે ગરબામાં ગઈ હતી. એક અઢારેક વર્ષના ટીનેજર સાથે રાસ ગરબામાં એની જોડી ઝામી ગઈ. નાની બહેન કૃતિની કોલેજમાં જ  પહેલા વર્ષમાં ભણતો હતો. સામાન્ય ઓળખાણ હતી. મધુએ કૃતિ અને એ ટિનેજરને લાંબુ ડ્રાઈવ કરીને ડોર્મેટરીમાં જવાને બદલે પોતાને ત્યાંજ રાત રહી જવાનું સૂચવ્યું હતું.

સતત ત્રણ દિવસ રાસ ગરબામાં એમની જોડી રાસની રમઝટ બોલાવતી રહી. હોસ્પિટલનો ગુજરાતી સ્ટાફ મધુ અને તે છોકરાની જાત જાતની ગરબાની કાબેલિયતની વાત અને વખાણ કરતા હતા. ડોક્ટર મધુ અને ગરબાની વાત સાંભળતા રહ્યા. નાની સાળી અને તેનો ગુજરાતી મિત્ર તેને ત્યાં રાત રોકાયો હતો તે પણ મધુએ એને કહ્યું જ હતું.

ત્યાર પછી મધુને ખબર પડી હતી કે તે પ્રેગનન્ટ છે. મધુને પોતાને પણ ખબર ન હતી અને યાદ ન હતું કે નવરાત્રીના દિવસોમાં ક્યારે, કેટલું અને શું થયું હતું. હા અમર્યાદ છેડછાડ અને તોફાન જરૂર થયાં હતાં. બીજે જ દિવસે કોન્ફરન્સ પછી ડોક્ટર સાથે પણ તે સમય ગાળામાં  સફળ નિષ્ફળ સહશયન તો થયું જ હતું.

આ વર્ષે પણ કંઈક એવું જ બન્યુ હતું. નાની ઈશાને ડોક્ટર પાસે મૂકીને મધુ ગરબામાં ગઈ હતી. ત્રણે દિવસ મોડી રાતે તે ધેર પાછી ફરી હતી. બે મહિના પછી ખબર પડી હતી કે તે પ્રેગનન્ટ છે.

ડોક્ટર શક્યતાના દિવસોનું ગણિત ગણતા રહ્યા. શંકા શાબ્દિક અને શારીરિક સંગ્રામમાં પરિવર્તન પરિણમી; અને ચાર દિવસ પછી પ્રેગનન્ટ મધુ દાદર પરથી પડી ગઈ અને બ્રેઈન હેમરેજ થતાં મૃત્યુ પામી. એને ઊંધમાં બોલવા ચાલવા નો રોગ હતો.

બરાબર પંદર દિવસ પછી ઈશાને અને મધુના અસ્થીને લઈને ઈન્ડિયા ઊડી જતાં ડોક્ટરને એફ.બી.આઈએ એરેસ્ટ કરીને ઈન્ટરોગેશનની ખૂરશી પર બેસાડી દીધા.

સાથે ડિસ્ટ્રીક એટર્ની અને રેડ્ડીના મિત્ર એટર્ની નૈયર પણ હાજર હતા.

‘ડોક્ટર રેડ્ડી, વ્હાઈ ડી યુ કિલ યોર પ્રેગ્નન્ટ વાઈફ મધુ.’

‘આઈ ડીડ નોટ કીલ હર. એ તો ઊંઘમાં ચાલતી હશે અને દાદર પરથી પડી ગઈ. હું સવારે આવ્યો અને પડેલી જોઈને તરત જ પોલીસને ફોન કર્યો હતો.’

‘ડાક માય ક્વેશ્વન ઈઝ વ્હ્યાઈ ડીડ યુ કીલ હર’

‘નો આઈ ડીડ નોટ કીલ હર’

ઓફિસરે થથરાવી નાંખે એવી ત્રાડ નાંખી. વી હેવ ઓલ એવીડન્સ. મધુને કેમ મારી નાંખી?

હોસ્પિટલમાંથી ડ્યૂટિ દરમ્યાન તું કાયમ હોસ્પિટલ બહાર સિગરેટ પીવા પાર્કિંગ લોટમાં જતો હતો. તે દિવસે પણ તું પાર્કિગ લોટમાં સિગરેટ પીવાને બહાને હોસ્પિટલમાંથી નીકળીને કાર લઈને તારે ઘેર જઈને મધુને દાદર પરથી નીચે ફેંકી હતી. ઝપાઝપીમાં તારા લેબ કોટનું બટન તૂટીને ગાઉનમાં ભેરવાયું હતું. એ નીચે પડી હતી પણ મરી ન હતી. ખુરશીનું કુશન નાક અને મોં પર દબાવીને શ્વાસ રૂંધીને તેં જ મારી નાંખી હતી. પછી ઘસડીને ફરી વાર પગથીયા પર ફરી વાર માથું અફાળ્યું હતું. ડાક યુ આર નોનપ્રોફેશનલ સ્ટુપિડ કિલર. મારી નાંખ્યા પછી જાણે સ્મોકિંગ કર્યા પછી કશું જ બન્યુ ના હોય એમ હોસ્પિટલમાં આવી ગયો. બે ત્રણ કોવર્કરની સાથે ગપ્પા મારી ઍલિબાઇ ક્રિએટ કરવાની ટ્રાઈ કરી હતી. પણ આર.એન. એલિસાએ જ્યારે પૂછ્યું કે ‘આજે તો હોલ પેક ફિનિશ કર્યું હોય એટલો ટાઈમ બહાર થંડીમાં મોજ માણીને!’ તેના જવાબમાં તેં કહ્યું હતું કે ‘ના, થંડી હતી એટલે કારમાં બેઠો હતો અને જરા વાર ઊંઘ આવી ગઈ હતી.’

‘અમારી પાસે પુરતા પુરાવા છે કે ડો. રેડ્ડી તેં જ અને તેં જ તારી પત્ની ને માંરી નાંખી છે. તેં એને મારી નાંખવાનો અક્કલ વગરનો, સ્ટૂપિડ પ્લાન કર્યો હતો ‘

રેડ્ડી ભાંગી પડ્યો. હા તે પ્રોફેશનલ કિલર ન હતો.

‘યસ આઈ કીલ્ડ હર, આઈ કીલ્ડ હર, યસ આઈ કીલ્ડ હર…’

એટર્ની ફ્રેન્ડ નૈયરે કહ્યં. ‘સ્ટોપ રેડ્ડી, યુ ડોન્ટ હેવ ટુ એન્સર એની ક્વેશ્ચન.’

‘નો લેટમી સે, સી વોઝ ચીટર. સી કેન સ્લીપ વીથ એનીવન એન્ડ એવ્રીવન. થ્રી વીક્સ એગો આઈ ડીડ ઈશાઝ પેરન્ટશીયલ ડી.એન.એ, ટેસ્ટ. યુ નો, આઈ એમ નોટ હર ફાધર. મારે એના ગેરકાનુની ચિલ્ડ્રનને પાળવા પોષવા નથી.

‘અમને ખબર છે કે એટોપ્સી પછી તને કોઈ શોક થયો ન હતો. ત્યાંની લેબડિરેક્ટરને પણ ખાનગી સૂચના આપી હતી કે ફિટસનો ડી.એન.એ અને પેટર્નિટી ટેસ્ટ કરવી. અમે એને સસ્પેન્ડ કરાવીને રિઝલ્ટ બ્લોક કરાવ્યા હતા. ડુ યુ વોન્ટ ટુ નો ધ રિઝલ્ટ?’

‘નો આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ. મસ્ટ બી એની ગુજ્જુ ગુન્ડા’.

‘નો ડાક. ફાધર ઓફ ધ બેબી બોય ઇઝ નોબડી બટ યુ. જ્યારે તને ઈશાના ડી.એન.એ ની ખબર પડી તે જ દિવસે પ્લાન કરી, તારી અને ઈશાની ઈન્ડિયા માટેની ટિકિટ બુક કરાવી હતી. એ પણ તારી મોટી ભૂલ હતી. પણ એકલા જવાને બદલે તેં ઈશાને કેમ લઈ જવા વિચાર્યું હતું.’

‘મારે ઈશાનું લટકણીયું જોઈતું ન હતું. બસ એને કોઈને દત્તક તરીકે વેચી દઈને પચાસ પંચોતેર લાખ કમાઈ લેવા હતા.’

રેડ્ડી માથું ઢાળી રડતો રહ્યો. ‘ ઓહ માય ગોડ. આઈ કિલ માય અન્બોર્ન બેબી, આઈ કિલ માય બેબી બોય. યેસ, યેસ આઇ એમ કિલર ફ્… કિલર’

ઓફિસર્સ અને બન્ને એટર્ની ડોક્ટરને મૂકીને સેલની બહાર નીકળી ગયા. કસ્ટડીનું ડોર એમની પાછળ સ્લેમ થઈ ગયું. ડોક્ટર રેડ્ડીને એના કાયમના સ્થાન અગર ડેથ પેન્લ્ટીના એંધાણ આપતું ગયુ. એમની પાછળ કન્ફેશન વાતચીતનો વિડિયો રેકોર્ડ થઈ ગયો હતો.

જે શ્રી કૃષ્ણ!­­­­­­­­­­ – કૌશિક દીક્ષિત

kaushik-dixita

કૌશિક દીક્ષિત

***

જે શ્રી કૃષ્ણ!

જયંતીલાલ અને દિવાળીબેનના લગ્ન-જીવનની પાર્ટનરશીપને ગયા મહીને પચાસ વર્ષ થયાં. જયંતીલાલ હજુ તો ગયા અઠવાડિયા સુધી પેઢી ઉપર જતા. ગયા અઠવાડિયે તેમને પક્ષાઘાતનો હુમલો થયો. બોલાતું બંધ થયું. ઈશારો કરવા આંગળી પણ હલાવી શકતા નહીં. આખો દિવસ તેમની આંખો ચકળ-વકળ થયા કરતી. સૌને ખ્યાલ તો આવતો કે જયંતીલાલ નક્કી કાંઇક શોધે છે, તેમને કાંઇક જોઈએ છે અને કદાચ તે સિવાય તે સહેલાઈથી દેહ છોડી નહીં શકે.

આ પહેલાં જયંતીલાલ માંદા પડ્યા હોય અને બિછાને પડી રહ્યા હોય તેવું દિવાળીબેન ને યાદ નથી. કેટલું નિયમિત જીવન! સવારે પાંચ-સાડાપાંચ વાગે ઉઠવું-નાહી-ધોઈ ને છ વાગે ઠાકોર જી ની પૂજા કરી એકા’દ ભજન હળવે કંઠે ગાવું, પછી અડધા કલાક જેવું હિંચકે બેસવું, ચા-નાસ્તો કરવો, પેપર વાંચી, વંચાઈ જાય પછી તેના  સળ મેળવી, ગાડી કરીને તેઓ હિંચકે, પોતાની પડખે મુકે. પછી દિવાળીબેન તેમનું પહેરણ, બંડી,ટોપી અને લાકડી લાવીને હિંચકે મુકે, અને સામે ભોંય પર બેસી ને જયંતીલાલ માટે પાન બનાવે. પ્રેમ થી, જાણે  ભગવાન ને તુળસી ચડાવતા હોય તેવા ભાવ થી. હળવેથી પાન લઇ તેની નસો કાઢે. ચૂનો લગાવે, પ્રમાણસર કાથો છાંટે, કપૂર અને ઈઝમીટ મિશ્રિત કાથો વાતાવરણ ને મઘમઘાટથી ભરી દે. સેવર્ધન સોપારી કાતરી ને તેનો ઝીણો ભૂકો પાનમાં નાખી તેનું બીડું બનાવે, તેના  ઉપર લવિંગ ખોસે અને પોતાના  હાથે જયંતીલાલના મોમાં મૂકે. આજે, ૬૫મા  વર્ષે પણ, આ ક્ષણે, જયંતીલાલ અને દિવાળીબેન પરસ્પર શરમાઈ લેતાં!…અને જયંતીલાલ બહાર જવા  તૈયાર!

પછી દિવાળીબેનની આંખમાં આંખ પરોવી, સ્હેજ માથું નમાવી, હાથ જોડી “ લ્યો ત્યારે, જે શ્રી કૃષ્ણ” કહે. દિવાળીબેન પણ હાથ જોડી વળતા “જે શ્રી કૃષ્ણ” કહે.  અને જયંતીલાલની મોજડીની ચરડ સંભળાય ત્યાં સુધી દિવાળીબેન તેમની પીઠને તાકી રહે. પછી જ ડેલી વસાય. જયંતીલાલ જ્યારે જ્યારે બહાર નીકળે ત્યારે ત્યારે દિવાળીબેને બનાવેલા પાનના બીડા થી મઘમઘી ઉઠે જયંતીલાલ. “લો ત્યારે જે શ્રી કૃષ્ણ” એ એક વાક્યમાં જયંતીલાલ અને દિવાળીબેન અનેક સંદેશાની આપ-લે કરી લેતાં.

બાલુની વહુના આવ્યા પછી પણ આ કાર્યક્રમ માં કોઈ ફેરફાર દિવાળીબેને કર્યો ન હતો.

…. જયંતીલાલનું હરવું- ફરવું- બોલવું આમ અચાનક બંધ થઇ જશે તેવી તો કલ્પના  પણ શી રીતે હોય? જયંતીલાલની ચકળ-વકળ થતી આંખો શું કહેવા માંગતી હતી- તેની મૂંઝવણ સૌને અને ખાસ તો દિવાળીબેન ને મૂંઝવી રહી. આંખો કૈક કહેવા માંગતી હતી તે નક્કી, પણ એ બહાવરી આંખોનો સંદેશો પામવો કેમ- એ પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો. જયંતીલાલ ને ચાહનારા સૌ ઈચ્છી રહ્યાં કે, હવે જયંતીલાલની આંખ મીંચાય તો સારું.

આજે તો ખુદ દિવાળીબેન ઠાકોરજીની છબી પાસે ખોળો પાથરીને બેઠાં…“ હવે ઈમનું અ-સુખ નથી જોવાતું પરભુ! હવે, ઈમને તમારા શરણમાં લઇ લો ઠાકોર જી!  ઈવડો ઈ પવિત્તર જીવ અમારી માયામાં વધુ કષ્ટાય નહીં તેવું કરો, મારા બાપ….”

…અને એકાએક તેમને શું સુઝ્યું કે ટ્રંક ઉઘાડી તેમાંથી જયંતીલાલનું નવું નક્કોર ધોતિયું, નવું નક્કોર પહેરણ, બંડી, ટોપી કાઢીને જયંતીલાલના ખાટલાની પાંગતે લાવીને મૂક્યાં, લાકડી પણ મુકી.

“ બા આ શું કરતી હશે? બાપુની માંદગીમાં તેનુંય તે ફટકી ગયું લાગે છે..” બાલુ વિચારી રહ્યો. પણ કશું બોલ્યો નહીં. જયંતીલાલની આંખો વધુ ઝડપથી ચકળ-વકળ થવા માંડી- તે આસ-પાસ ઉભેલા સૌ એ નોંધ્યું. પગમાં સ્હેજ ચેતન વરતાયું હોય તેમ પગ સ્હેજ ઊંચા-નીચા થયા. દિવાળીબેને તેમાં મોજડી પહેરાવી.  રોજની જગ્યાએ બેસી ને રોજની જેમ જ મઘમઘતું પાન બનાવ્યું. ડબડબતી આંખો અને હાથમાં બીડું લઇ ને જયંતીલાલની પાસે હળવે થી આવ્યાં, જયંતીલાલના અધખૂલા મોમાં પાનનું બીડું મુક્યું, માથે ટોપી પહેરાવી, બે હાથ જોડી જયંતીલાલની બહાવરી આંખોમાં આંખ પરોવી.

“ લો ત્યારે બાલુના બાપુ, જે શ્રી કૃષ્ણ” દિવાળીબેન, સ્પષ્ટ બોલાય એટલે પ્રયત્ન પૂર્વક રોવું રોકી ને બોલ્યાં.

જયંતીલાલના હોઠ ફફડ્યા. ચકળ-વકળ થતી જયંતીલાલની આંખો દિવાળીબેનની ડબડબતી આંખોમાં સ્થીર થઇ- અને પછી મીંચાઈ ગઈ, કાયમ માટે.

શું જયંતીલાલ “જે શ્રી કૃષ્ણ” બોલ્યા હશે?

હા, હું તો એમ માનું છું.

%e0%aa%9c%e0%aa%af%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%ab%83%e0%aa%b6%e0%ab%8d%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be

વિધુર વ્યથા

વિધુર વ્યથા.

એક એઈટી પ્લસ વયસ્ક વડીલે મને નામથી બોલાવ્યો અને મારી સામે આવીને બેઠા. હું એમને ઓળખી ન શક્યો. મારે એમને કહેવું પડ્યું “સોરી, સાહેબ જરા ઓળખાણ ન પડી. હમણાં હમણાં જરા ભૂલી જવાય છે.”

‘સાહેબ સાહેબ શું કરો છો. હું સુરેશ ચોકસી, તમારો સુરીયો. આપણે એપાર્ટમેન્ટમાં બાજુ બાજુમાં આટલો સમય રહ્યાં, સાથે ખાધું પીધું તે બધું જ પાણીમાં?’

‘ઓહ! સુરેશભાઈ તમે?  તમે તમારો ચકલો આટલો બધો બદલી નાંખ્યો તે ન જ ઓળખાવને? મારે તો તમારા ચરણસ્પર્શ કરવા પડે એવા થઈ ગયા છો. કેટલા વર્ષે મળ્યા!’

મારા કરતા પણ સુરેશ ચાર વર્ષ નાનો. સેવન્ટીઝમાં અમેરિકામાં અમારી જીંદગી એક સાથે એપાર્ટમેન્ટમાં શરૂ થઈ હતી. થોડો સમય એક જ લેબમાં કામ પણ કર્યું હતું. એમને બે નાના છોકરા અને એક દીકરી,  તક મળતાં સ્માર્ટ અને ઉત્સાહી સુરેશ, કંપની અને સ્ટેટ બદલતો, આગળ વધતો જ ગયો. અમારો સંપર્ક સદંતર જ તૂટી ગયો હતો. સાંભળવા મળ્યું હતું કે પેન્સિલવેનિયામાં સ્થાયી થયો છે. ત્યાર પછી મળવાનું પણ થયું જ ન હતું. અમારું જીવન વહેતું રહ્યું હતું.

ઓક ટ્રી પરની એક રેસ્ટ્રોરાંટમાં હું બેઠો હતો. મારી સામે આવીને સુરેશ બેઠો. એના દેખાવ જ એવો હતો કે હું એને સૂરીયો તો શું પણ સુરેશનો તુંકારો પણ ન ખરી શક્યો. લગભગ ચાળીસ વર્ષ પછી મેં એને જોયો.

“સરલા ક્યાં છે? એને એકલા મૂકીને ક્યાં રખડવા માંડ્યું છે?”

‘સરલા જ મને રખડતો મૂકીને ઉપર ચાલી ગઈ.’

‘ઓહ, આઈ એમ સોરી? શું થયું હતું?’

‘કેન્સર, લિવર ટ્યુમર.’

સરલા. મીઠો સ્નેહાળ સ્વભાવ. હું ટિખળ કરું તો યે મને મોટા તરીકે આદર આપે. હસતી જ રહે.  બાળકો માટે પ્રાઉડ મધર. પતિ માટે પ્રેમાળ પત્ની.

‘કેટલો સમય થયો?’

‘ચાર વર્ષ થયા. હું તો સાવ એકલો પડી ગયો છું.’

‘નરેશ, મનિષ, પ્રિયંકા.’ મેં એના બાળકો વિશે પૂછ્યું.

‘નરેશ કાર્ડિયોલોજીસ્ટ છે, કેલિફોર્નિયામાં સેટલ થયો છે. અમેરિકન નર્સને પરણ્યો છે. બે દીકરી છે. મનિષ અને પ્રિયંકા ઈન્ડિયન ને જ પરણ્યા છે. મનિષનો બિઝનેસ છે. ફ્લોરિડામાં સેટ થયો છે. બધા પોત પોતાની રીતે સુખી છે. પ્રિયંકા શિકાગોમાં છે. સારી જોબ છે. જમાઈ પણ સારો છે.’

‘તમારું કેમનું છે?’

‘હું તો છું ત્યાનો ત્યાં જ છું. ન્યુ જર્સી જ દ્વારકા અને પઢરપૂર. દીકરાની સાથે જ રહું છું.’

‘સુરેશભાઈ, દીકરા દીકરીનો સુખી સંસાર તો છે, પછી એકલા શાના? શું કાઈ પ્રોબ્લેમ છે? છોકરાઓ રાખતા નથી?’

‘એવું તો કેમ કહેવાય? સરલા ગઈ પછી મોટાએ તો કહ્યું હતું થોડો સમય રહેવાય એમ આવજો.’

‘હા, કહ્યું હતું “થોડો સમય.’

‘હું થોડો સમય રહ્યો પણ ખરો. ઘરમાં બધા જ એમના કામમાં. હોય, આપણે માટે એ કાંઈ નવી વાત થોડી છે કે કોઈએ સમજાવવી પડે? પણ દીકરાની જીવનશૈલી મારાથી તદ્દન જૂદી. અમેરિકન નેની રાંધે તે ખાવાનું. ગુજરાતી ખાવાનું તો ભૂલાઈ જ ગયું. મેં તો જોબ હતી ત્યારે બધું જ ખાધું પીધું છે.  પણ રિટાયર્ડ થયા પછી ઘરમાં તો દાળ ભાત રોટલી શાક ખાવાની ટેવ પડી ગયેલી. સરલા રોજ ગરમ ગરમ રોટલી બનાવતી. એક પણ દિવસ રૂચી મુજબ ખાવા જ ન મળે. ડોટર ઈન લો હોસ્પિટલમાં નર્સ. બિચારી થાકીને આવે. હોસ્પિટલના દર્દીને જેમ હલ્લો હાય કરે તેમજ મને પણ કરે. બસ એટલું જ. દીકરીઓ સાથે બીઝીને બીઝી રહે. આપણે યુવાન હતાં ત્યારે આપણી હાલત પણ એવી જ હતીને? એની બિચારી પાસે આનાથી વધુ  આશા  પણ શી રખાય?’

‘દીકરો ઘરે આવે. હું એની રાહ જોઈને બેઠો હોઉં કે બેઘડી એની સાથે બેસીને વાત કરું પણ બિચારાને સમય જ નથી. આવીને સીધો એના ડોગ સાથે રમવા માંડે. મારા પહેલાં એનો ડોગ. એને વૉક કરવા લઈ જાય. સાથે દોડે. બન્નેને એક્સરસાઈઝ તો જોઈએ જ ને! મેં અને તમે અમેરિકામાં નોકરી કરી છે. આપણે બધું જ જાણીયે સમજીએ છીએ પણ હવે એ પચતું નથી. એકલતા સહન થતી નથી અને ટોળામાં ભળાતું નથી. સરલા વગર જીવાતું નથી. અમેરિકામાં નવા આવેલાં આપણે પરાવલંબી ડોસાઓ નથી. આપણે આ દેશમાં નવા નથી. આ કલ્ચર આઘાત જનક ના હોવું જોઈએ પણ પોતાના જ લોહી સાથે પરાયાપણું લાગે એ સહન થતું નથી. બીજું કોઈપણ દુઃખ નહી પણ પોતાપણાની ઉષ્માનો અભાવ સાલે છે.’

‘એવું જ મનિષને ત્યાં. એની સાસુ એની સાથે રહે. ઘરમાં એનું જ વર્ચસ્વ. હું પોતાને ઘેર નહિ પણ દીકરાની સાસુને ઘેર અણગમતો મહેમાન હોઉં એવું જ લાગ્યા કરે છે. એને ત્યાં મને ન ફાવે. બાકી મનિષ ક્યાં ના પાડે છે? બધી જ રીતે સુખ છે પણ એ સુખનો મને સ્પર્શ જ નથી થતો.’

‘અને દીકરીને ત્યાં પણ કેટલો સમય રહેવાય?’

‘બસ એકલો છું. પાસે પૈસા છે. જરૂર કરતાં વધારે છે. દીકરાઓને પણ મારા પૈસાની જરૂર નથી. કહે ડેડી અમારે માટે સાચવવા કે બચાવવાની જરૂર નથી. મોજથી ફરો હરો, વાપરો. એક રાંધવાવાળી બાઈ રાખી લો. સરસ જગ્યાનું ટિફિન બાંધી લો. નરેશની વાઈફ અમેરિકન છે. તે તો કહેતી હતી કે “ડેડી યુ આર યંગ. યુ સૂડ રિમેરી.”  પણ કોઈ એમ કહેતું નથી ડેડી બસ અમને તમારા વગર નથી ગમતું. તમે બધું છોડી અમારી સાથે જ રહેવા આવી જાવ.’

‘હું મારી જાતને સમજી શક્યો નથી કે હું શું ઈચ્છું છું. પૈસા છે એટલે મિત્રો જાત જાતની સલાહ આપે છે. આમ કરો તેમ કરો પણ હું કન્ફ્રુઝ છું. દંપતિમિત્રો લાગણી પૂર્વક બોલાવે છે. તેઓ મારા પ્રત્યે સહાનુભૂતી દાખવે છે પણ એ સહાનુભૂતી પણ કઠે છે. એમની સહાનુભૂતિજ મને તેમનાથી ટોળામાંથી જૂદો તારવે છે. જ્યારે સુખી કુટુંબને જોઉં છું ત્યારે એક બળતરા થાય છે. હું એકલો છું. મારી સરલા હયાત હોત તો હું પણ મિત્રો જે આનંદ કરે છે તે હસી માણી શક્યો હોત. દર એક મહિને એક વર્ષ જેટલો ઘરડો થતો જાઉં છું.’

‘લોકો મને સલાહ આપે છે. તમે મારા વડીલ છો પણ આજે હું તમને સલાહ આપું છું. અત્યારની તમારી લાઈફ કેવી છે તે નથી જાણતો; પણ દીકરા સાથે છો તો સુખે દુખે દીકરા સાથે જ રહેજો. એક વાર છૂટા થયા પછી ફરી સાથે રહેવાનું મુશ્કેલ બની જશે. બેમાંથી એક થશો ત્યારે મારા જેવી મનોયાતના ના ભોગવવી પડે.’

‘મારે તો મારા આખરી દિવસમાં મારું કુટુંબ જોઈએ છે. જો હું પહેલાં મર્યો હોત તો સરલાતો સુખે દુખે પણ એક દીકરા સાથે ગોઠવાઈ ગઈ હોત. મારાથી નથી થવાતું. મહિલાના વૈધવ્ય કરતાં પુરુષની વિધુરતા જૂદી જ હોય છે. શા માટે બધાએ સરલાને “સૌભાગ્યવતી ભવ” ના આશીર્વાદ આપ્યા હતા?’

સજળ આંખે સુરેશે કહ્યું ‘મારા મનના દુઃખ માટે હું જ જવાબદાર છું. આવતા સનડે શિકાગો જવાનો છું. થોડા દિવસ દીકરી સાથે રહીશ. પછી મોટાને ત્યાં જઈશ. એ તો બોલાવે છે પણ મને જ ગોઠતું નથી.’

હું  સુરેશને કોઈ આશ્વાસન આપી ન શક્યો. માત્ર એના માથા પર હાથ ફેરવ્યા કર્યો. એ જેમની સાથે આવ્યો હતો એઓ આવી પહોંચ્યા. ફિક્કું હસીને આંખ નૂછીને એ ચાલી નીકળ્યો.

શું આ હાલત માત્ર સુરેશની જ છે? શું આ માત્ર અમેરિકાના ગુજરાતી વિધુરની જ વાત છે? શું દરેક સંતાન એમના બાપને હડધૂત કરે છે? આ પરિસ્થિતિમાં ક્યાં, કોનો અને કેટલો વાંક કાઢી શકાય એમ છે? આ કોઈ શારીરિક કે આર્થિક રીતે રીતે નિઃસહાય વિધુર-વિધવાની વાત નથી. આધેડવયની સીમા પર પહોંચેલ દરેક વ્યક્તિએ પોતાના ભાવીજીવનનો ચિતાર અત્યારે જ કલ્પીને માનસિક તૈયારી રાખવાની જરૂર છે.

પ્રસાદ – શ્રી કૌશિક દિક્ષીત

એક સરસ ટૂંકી વાર્તા

પ્રસાદ

kaushik-dixita

કલેકટર રવી પાટણકર છેલ્લા  અઠવાડીયાથી ખુબ મૂંઝવણમાં હોય  તેમ  જણાતું  હતું. “ અમે  બે અને  અમારા બે” સૂત્રને અનુરૂપ કુટુંબ, ઉંચા હોદ્દાની સરકારી નોકરી,મોટું સગવડ ધરાવતું મકાન, ટેલીફોન, સરકારી વાહન…પણ પંદર વરસની નોકરીને અંતે શું?…સરવૈયું મુકતાં  પાટણકર હતાશ થઇ ગયા.

“પંદર વર્ષ આવા ઉંચા હોદ્દા ઉપર અતિ પ્રામાણિકતાથી  રહેવાનો  સરપાવ  શું મળ્યો? વખતો વખતની બદલી જ સ્તો! મારી પ્રમાણિકતા ડગલે ને પગલે  કોઈકને ને કોઈકને નડી છે, અને મારે ભાગે સહન  કરવાનું જ આવ્યું  છે. હા.. દરેકને  પ્રેક્ટીકલ માણસ જોઈએ! મને  કોણ  સંઘરે?”

મનોમંથન પીછો છોડતું ન હતું- “વખતો–વખતની  બદલીઓમાં છોકરાંઓનો અભ્યાસ સાવ ઠેકાણે પડી ગયો છે. મેધાનું  બારમાનું  રીઝલ્ટ  સહેજ માટે ઓછું  આવ્યું. મેરીટ  ઉપર  એડમીશન માટે  ત્રણ  માર્ક  ખૂટે  છે, અને ધંધાદારી કોલેજોમાં દસ લાખ ડોનેશન માંગે  છે. આખી  જીંદગી  પ્રામાણિક રહેવાનો   પસ્તાવો  આજે મને રહી રહીને થાય  છે.  નોકરીમાં પંદર વર્ષ પછી માણસ  અપ્રામાણિકતા ઈચ્છે તે તો કેવી વિડમ્બના! છઠ્ઠા  ધોરણમાં  ભણતી ચિંતના પણ આમ તો હોશિયાર છે. જો  હજુ  હું  પ્રેક્ટીકલ નહિ  થાઉં  તો તેની પરિસ્થિતિ પણ મેધા  જેવી  જ નહિ થાય?”

વિચારો પાટણકરને વધુ બેચેન  કરી  રહ્યા ..” આજે  મને  સુખીરામનું કહેવું  એક રીતે સાચું  લાગે છે. મારી  પ્રામાણિક રહેવાની જીદ્દને કારણે, બદલીઓ ભોગવીને કુટુંબને હેરાન કરવાનો અને અત્યંત મેધાવી પુત્રીનું ભવિષ્ય રોળી નાખવાનો મને  શું  અધિકાર? મારી  મહેચ્છાઓની પૂર્તિ પણ મારે  મેધા મારફત જ કરવાની છે ને? ચિંતના મોટી થશે ત્યારે ભગવાન જાણે  હું  અને જ્યોતિ જીવતાં હોઈશું કે કેમ? મેધાને મેડીસીનમાં  દાખલ કરવાના  દસ લાખ જોઈએ..પાંચેક  લાખ  જી.પી. ફંડમાંથી ઉપાડી  લઉં તો પણ  બાકીના  પાંચ લાખ  ની જોગવાઈ….” પાટણકર ને  આંખે  અંધારા આવતા હોય  તેવું  લાગ્યું.

ગયા  અઠવાડિયે પોતાની કેબીનમાં  સુખીરામ સાથે થએલી વાત  યાદ આવી. ”સાહેબ જી, બચ્ચીના  ભવિષ્ય  સામે  જુવો એક વાર!  એસ્ટેટ એજન્સી  વાળા ઓછામાં  ઓછા દસ-બાર પેટી(લાખ) તો દેશે જ”. પાટણકર આંગળ  કશું પણ  સાંભળ્યા વગર  હા પાડી દેવા ઉત્સુક બની  ગયા હતા  પણ પંદર વર્ષના  સંયમે  તેમને આછકલા  થતા રોક્યા. સુખીરામે  સમય ઓળખીને, ગરમ  લોઢા ઉપર  ઘા  કરતા હોય  તે રીતે  કહ્યું- “અને બીજું શું છે સાહેબ, કે કામ  બિલકુલ  સલામત છે. પાર્ટી એકદમ વિશ્વાસુ છે. આપે  કોઈ ખોટી જવાબદારી લેવાની નથી. પોલીસ ડીપાર્ટમેંટ, જીલ્લા વિકાસ અધિકારી, ફોરેસ્ટ વિભાગ તરફથી જે રીપોર્ટ અને  ભલામણ  આવે  તે  માનનીય મંત્રીશ્રી ને, આપની ભલામણ સાથે મોકલી  આપવાની. કેસમાં  બિન જરૂરી ઊંડા  ઉતરવાનું  નહિ, બસ  એટલું જ એ લોકો માંગે છે. વિચારી  જો જો. લક્ષ્મી આવી છે ચાંલ્લો કરવા- કપાળ ધરો  એટલી જ વાર…” અને સુખીરામ ખંધુ હસ્યા હતા. પાટણકરને, આખી વાતમાં, પોતે  ભજવવાના  રોલ વિષે માહિતી મળી કે,-પોતાના પ્રામાણિક આત્માના અવાજને સંયમની લગામ પહેરાવી દેવાની અને કોઈ નવી તપાસ નહી ઉભી કરવાની! બસ. એટલું  જ?!

“કોઈ જવાબદારી  વગર  મેધાનું મેડિકલનું ડોનેશન કે પ્રામાણિકતા” એ બે  અતિઓની વચ્ચે પાટણકર અટવાયા કર્યા. ચીરુટના ઊંડા કશ લેતા તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા. નૈતિકતા અને વહેવારૂપણા વચ્ચે તેમનો નિર્ણય આંદોલિત થયા કરતો હતો. હાથ  આવેલી  તક ગુમાવવી  ન જોઈએ તેવું  તાઈ નું પણ માનવું  હતું. તાઈએ કહેલા શબ્દો હજુ પાટણકરના કાનમાં પડઘાતા હતા-“રવી, પ્રામાણિકતા અને અપ્રામાણિકતા એ બધા મનના ફીતુર છે. તારી નૈતિકતા  જો આખા કુટુંબ માટે ઘાતક હોય  તો, તને  એવી નૈતિકતાનો કોઈ અધિકાર નથી.”

…અને કોઈ એક  નિર્ણય ઉપર  આવ્યા હોય તેમ પાટણકરે સુખીરામને  ફોન જોડ્યો,

-“ હેલ્લો, સુખીરામ, પાટણકર હિયર! લાસ્ટ વિક મારી  કેબીનમાં પેલી  વાત થઇ  હતી તે …..સમજ્યા ને ? હા, તો ક્યારે મળો છો? ફાઈલ  કાલે  ક્લીયર  થઇ  જશે.”

“ બહુત અચ્છા સાહેબ, બઢિયા! અભિનંદન! કાલે  સવારે  જ બેંક ખુલતા આપને ઘરે મળીએ  છીએ. પછી ગાડીમાં  અપને  ઓફિસે  ડ્રોપ કરી  જઈશ. મેધા બેટી..” સામે છેડે વાતનો  દોર  લંબાવી રહેલા સુખીરામનો ફોન પાટણકરે ડીસકનેક્ટ કરી દીધો. આનંદ અને ઉદાસીની મિશ્ર લાગણી પાટણકરે અનુભવી.

ત્યાં ચિંતના આવી. તે કશું સંતાડી  રહી હોય  તેમ લાગ્યું.

“ડેડી, આંખ બંધ કરો”

આંખ બંધ થઇ.

“જમણો  હાથ લાંબો કરો”

હાથ લાંબો થયો.

સમારેલા કેળાં, દાડમના  દાણા, કોપરૂ અને રવાના  શીરાનું સોડમદાર,

તુળસી સમેતનું મિશ્રણ પાટણકરના લંબાએલી  હથેળીમાં મૂકતાં ચિંતના બોલી,

”સત્યનારાયણનો પ્રસાદ છે  ડેડી!”       

સવ્વા રૂપિયો

 

kaushik-dixita

મિત્ર શ્રી કૌશિક દીક્ષિતની વાર્તા પ્રસાદી

સવ્વા રૂપિયો

*

nocurruption

“ શાયેબ, હું  દેવાનું સે ઈ કયો તો  ખરા!” મારી  સામે  હાથ જોડીને  ઉભેલો  મેલો-ઘેલો અરજદાર  બોલ્યો.

ત્રણ  દિવસથી તે મારી  પાછળ  પડ્યો હતો. તેને  નાનકડી  હાટડીમાં ચોકલેટ, પીપરમીટ, ખાટીમીઠી ગોળીઓ, છૂટા  બિસ્કીટ વેચવાનું લાયસન્સ  જોઈતું  હતું. તેણે અરજી  કરી હતી, ફી  ભરી  હતી,તપાસણી પણ  થઇ  ગઈ  હતી. બધું  બરાબર  હતું  તેથી મેં  લાયસન્સ  પણ  આપી દીધું  હતું. લાયસન્સ  મળ્યા પછી કોઈ વ્યક્તિ  “ભેટ-સોગાદ” આપવા  આટલું  કરગરે  તે  મારી સમજમાં આવતું  નથી. મને  ચીડ પણ ચડી.  લોકો પ્રમાણિક અધિકારીને  પ્રમાણિક  રહેવા દેતા   નથી અને પછી  લાંચ રૂશ્વતની ફરિયાદ  કરે  છે! મારું  ચાલે  તો….

“ શાયેબ. આપ  કેવા સો ?” મેલો ઘેલો  મારી  વિચાર શ્રુંખલાને તોડતો   બોલ્યો.

“કેવા  એટલે?”  મને  પ્રશ્ન  ગમ્યો  નહિ. એટલે  એ  અણગમાને  અનુરૂપ તોછડાઈ   સાથે  મેં  પ્રશ્નનો   વળતો  ઘા કર્યો.

“ ન્યાતે ! ભરામણ, વાણીયા, પટેલ  કે  ઈતર  કોમ?” તેણે પ્રશ્ન સ્પષ્ટ કર્યો.

“બ્રાહ્મણ, ઔદીચ્ય.” મેં  ક-મને  સ્પષ્ટ   કર્યું.

“તો.. તો.. મારે  આપને કાં’ક  દેવું  જ  જોયે. હું રયો દરબાર. છત્રી(ક્ષત્રિ). ગો-ભરામણ પ્રતિપાળ. એટલે  ભૂ-દેવને તો અમથું ય  દેવું જોયે..પૂન( પૂણ્ય) થાય…”

…અને  એ વાકય સાથે  હું વતનની  પ્રાથમિક  શાળાના મેદાનમાં જઈ પહોંચ્યો. ઉમેદસિંહે મારી પેન્સિલ  લઇ  લીધી  હતી. મારી ને. તેની  દાદાગીરીનો  કોઈ હિસાબ ન હતો. વર્ગના બીજા વિદ્યાર્થીઓ  પણ  તેની અડફટે ચડવાની  હિંમત  કરતા  નહિ. પેન્સિલ  ખોઈ   આવવા બદ્દલ   બા વઢશે તે  ચિંતામાં હું  પિપળા નીચે ઉભો  ઉભો  રડતો  હતો. અને  ત્યાં  મારે  માથે મમતા ભર્યો કોઈ  હાથ  મુકાયો.

“ચ્યમ રડશ ‘લ્યા સો’ડા?” તેણે પૂછ્યું.

ઉમેદસિહે મારી  પેન્સિલ લઇ  લીધી” મેં  ફરિયાદ  કરી. મને  શું  ખબર  કે  એ  ઉમેદસિહની બા  હતી!

“ ..’લ્યા તું  જટાશંકરનો ભનીયો તો નૈ?” ગરીબ  બ્રાહ્મણના દીકરા  ભાનુશંકર ને લોકો એ ‘ભનીયો’ બનાવી દીધો  હતો!

મેં  હકાર સૂચક માથું  ધૂણાવ્યું અને ડૂસકું  મૂક્યું.

અને ઉમેદસિંહની બાએ ઉમેદસિહને બોલાવી ધીબી નાખ્યો. “ અલ્યા, આ ભરામણ ના  સોકરા પાંહેથી લેતા લાજતો નથી?! તું તો છત્રી સે કે કુણ સે? તારો  બાપ આખા  મલકમાં પંડને ગો-ભરામણ પ્રતિપાળ કેવરાવ‘શ ને તું  મારા  રોયા, ભરામણ ને લૂટ ‘શ?”

તે દિવસથી  ઉમેદસિહ માં  જબરું  પરિવર્તન આવ્યું. મને ‘ભૂ-દેવ‘ કહી ને  બોલાવવા  માંડ્યો, મજાકમાં નહિ, માનથી. વાર-તહેવારે મારા માટે લાડુ-મમરા, વઘારેલા  પૌવા, સુખડી ભરેલો નાસ્તાનો  અલાયદો  ડબ્બો લાવતો. અમારી  પરિસ્થિતિ  સારી  નહિ  તેથી  બા મને બપોરના  નાસ્તાનો  ડબ્બો  આપતી  નહી. કો’ક વાર તે  ડબ્બામાંથી નાસ્તા ઉપરાંત સવા રૂપિયો –એક  રૂપિયો  રોકડો  અને પાવલી નીકળતી. શરુ-શરુમાં તો  હું  એ  પૈસા પાછા વાળવાનું કરતો. પણ  ઉમેદસિહ કહેતો  કે “આજે  બાને  અગ્યારશ હતી હતી  તેથી બાએ ડબ્બામાં  મેલ્યા  હશે. બા  કે ’શ કે આપણે છૈ દરબાર –ગો-ભરામણ પ્રતિપાળ. તેથી  ભરામણને  તો  દેવું  જોએ!” ઉમેદસિહની બાની ‘ગો-ભરામણ પ્રતિપાળ’ વાળી  થીયરી હું ઉમેદસિહના  મોઢે ઘણી વાર સાંભળી ચૂક્યો  હતો. પછીતો સવા રૂપિયો ડબ્બામાંથી દર  પૂનમે, અમાસે  અને સોમવારે પણ  નીકળવા  લાગ્યો. તહેવારને  દિવસે ડબ્બામાં પેંડો અને સવા પાંચ રૂપિયા નીકળતા.પૈસા તો   જો  કે  હું  મારી  બા ને  આપી  દેતો.

“શાયેબ-…!” મેલા-ઘેલા અરજદારનું સંબોધન સાંભળી હું વિચારોમાંથી બહાર  આવ્યો. અરજદારના  ચહેરામાં હું  ઉમેદસિહની રેખાઓ  શોધતો   હતો. પાસેના  ઢગલામાં પડેલી  તેની  ફાઈલ કાઢીને જોયું. અરજદાર  તરીકે “ઉમેદસિહ ઉત્તમસિહ ચૌહાણ” લખ્યું હતું. દુકાનનું નામ ‘ વિદ્યા જનરલ સ્ટોર’ હતું. પોતાની બા ની  યાદગીરીમાં-વિદ્યા બાની સ્મૃતિમાં ઉમેદસિહે અ  સ્ટોર  શરુ  કર્યો  હશે  તે  હું  જોઈ  શક્યો.

“શુકલ શાયેબ! આજે  વળી અગ્યારશ હવ  સે, ને  હું  કઈ દીધા વગર  જાઉં  તો બાનો ગુનેગાર  બનું,” એટલું  બોલીને  તેણે તેની  મેલી  ઘેલી  બંડીના ગજવામાંથી પૈસા  ભરેલી પ્લાસ્ટીકની  કોથળી  કાઢી. સો-સો ની નોટોથી  ફાટ-ફાટ થતી  કોથળી! ….મારે  તો  માત્ર  આંકડો   જ પાડવાનો  હતો.

“મારા  કપડા હામે ના  જોશો, શાયેબ!, આપ  જે કયો ઈ  દેવાનું સે! બા કાયમ  કે ‘તી કે અમે છીએ ગો-ભરામણ પ્રતિપાળ!” ઉમેદસિહે ધ્રુવ પંક્તિ ઉચ્ચારી.

“બાનો  આતમા… “ ઉમેદસિહને  ગળે  ડૂમો  બાઝ્યો, તે વાક્ય પૂરું  કરે  કઈ  રીતે?!

સવ્વા રૂપિયો!” બોલી ને મેં  હાથ લાંબો  કર્યો. અને મેં ધરાર  લાંચ  લીધી. બોલો, વાંધો  છે, કોઈ ને ?

સરોદ છેડે સેક્સી સૂર.

સરોદ છેડે સેક્સી સૂર.

નાટ્યાત્મક રહસ્ય વાર્તા

sarod

વિશ્વ વિખ્યાત સરોદવાદક પંડિત અલૌકિક શર્મા અમેરિકાથી એક અઠવાડિયા પહેલા જ અમેરિકાની કોન્સર્ટ ટૂરમાંથી પાછા ફર્યા હતા. ન્યુયોર્કથી બોમ્બે આવવાને બદલે દિલ્હી પહોંચી ત્રણ દિવસ મિત્ર જાગૃતિ મિશ્રાને ત્યાં રોકાયા હતા. એમની સાથેનું સહાયક ગ્રૂપ તો ન્યુયોર્કથી સીધું બોમ્બે પહોંચી સ્વસ્થાને વિખેરાઈ ગયું હતું.

સોમવારની સવારની ફ્લાઈટમાં પંડિતજી દિલ્હીથી બોમ્બે ઉતર્યા હતા. અને તે રાત્રે એમની લીવ ઈન પાર્ટનર શ્રુતિકાએ પોલિસને ફોન કરીને જણાવ્યું હતું કે પંડિતજી કાર ગરાજમાં કચડાયા છે. જ્યારે પોલિસ ત્યાં પહોંચી ત્યારે શર્માજીનો લોહીથી તરબોળ થયેલો દેહ વાનના આગળના બમ્પર અને ગરાજની કોંક્રેટ દિવાલની વચ્ચે દબાયલો હતો. કારનું એન્જિન ચાલુ હતું અને ડ્રાઇવિંગ સીટ પર એમનો ડ્રાયવર મનોજ હતો. તરત એમના યુવાન છવ્વીસી ડ્રાઈવર મનોજની ધરપકડ થઈ હતી. પંડિત શર્માજી દેશ-વિદેશમા પ્રસિધ્ધ સંગીતકાર હતા એટલે પહેલેથી જ એમનો કેસ રસપ્રદ બન્યો હતો. ટેલિવિઝન પર એ કેસ ના સમાચાર રોજનું કુતૂહલ બની ગયું હતું.

ડ્રાઈવર મનોજને બચાવ માટે સરકાર તરફથી મળેલ વકીલ શાહને કેસની વચ્ચે કોઈક જાતનું કેન્સર નીકળ્યું. એ કેસ મિસ જોગળેકરને સોંફાયો હતો.

પહેલાં પ્રોસિક્યુટરની રજુઆત પ્રમાણે મનોજ અઢી વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. શર્માજીની યુવાન પાર્ટનર શ્રુતિકાની સાથે મનોજના શારીરિક સંબંધોની કબુલાત પણ થઈ ગઈ હતી. એ બન્નેનો શર્માજીની ગેરહાજરીમાં શરીર સમાગમ થતો હતો. આગળની જુબાની માં એણે કબૂલ કર્યું હતું કે શર્માજીએ પરદેશ જતાં પહેલાં બન્નેને એમના બેડમાં પકડ્યા હતા અને મનોજને માર માર્યો હતો. ત્યારે મનોજે એને ઘમકી આપી હતી કે જો બીજીવાર હાથ ઉપાડશો તો તમારા હાથના હાડકાં તોડીશ અને સરોદ બરોદ તો ઠીક પણ ખાથે ખાવાના પણ ફાંફાં પડશે.

જેનો ચૂકાદો હાથ વેંતમાં હતો. તે કેસની બ્રીફ અધુરી લાગતાં ફરી જોગળેકરે વધુ સમયની માગણી કરી.  ફરી સાક્ષીઓની જુબાની શરુ થઈ.

શું તેં ખરેખર આવી ધમકી આપી હતી?’

હા, તે સમયે ગુસ્સામાં મારાથી એવું બોલાઈ ગયું હતું.’

શું તારો ખરેખર આવો ઈરાદો હતો?’

ના.

પોલિસ મેડિકલ રિપોર્ટ પ્રમાણે શર્માજીનું મૃત્યુ સાંજે થી ના સમયે થયું હતું તો એ સમયે તું ક્યાં હતો? એ સમયે ઘરમાં કોણ હતું?’

હું બંગલા પાછળની ઓરડીમાં ઊંધી ગયો હતો. શ્રુતિકાદીદી સાંજે ચાર વાગ્યે નિર્માતા દત્તાજીને મળવા જવાના હતા અને શર્માજીને કોઈ મળવા આવવાનું હતું. મને ખબર નથી કે દીદી ઘરમાં હતાં કે નહીં, કોઈ મળવા આવ્યું હતું કે નહીં. મને કશી ખબર નથી કે એ સમયે ઘરમાં કોણ હતું અને કોણ ન હતું. રાતે સવા આઠ વાગ્યે દીદીએ મારી ઓરડીની સાંકળ ખખડાવી જગાડ્યો અને જણાવ્યું કે શર્માજી  કચડાઈ ગયા છે. હું શર્માજીને બહાર કાઢવા કાર રિવર્સમાં લેવા જતો હતો ત્યારે પોલિસ આવી અને મને પકડી લીધો હતો.

ધેટ્સ ઓલ યોર ઓનર નાવ આઈ કોલ  શ્રુતિકા.’

આખો કોર્ટરૂમ ચિક્કાર હતો. ન્યુઝ રિપોર્ટરો આંખે દેખ્યો હેવાલ ટેલીવિઝન પર પ્રસારીત કરતા હતા.

શ્રુતિકાએ કોર્ટ જુબાનીમાં જણાવ્યું હતું કે એ સોળ વર્ષની હતી ત્યારે ઘરકામની નોકરી માટે આવી હતી. શર્માજીના પત્ની મધુરાદેવીએ ઘરકામ માટે મને રાખી હતી. અને મને પગાર નહીં પણ રહેવા, ખાવા અને ભણવાની ફી આપવાનું નક્કી કર્યું હતું. તમે જોઈ શકો છો કે હું બ્યુટિફુલ છું. શર્માજીની કેટલીક શારીરિક ઈચ્છાઓ પૂરી પાડવાનો મારે કમને સ્વીકાર કરવો પડતો હતો. એના બદલામાં મને  હાથ ખર્ચી માટે થોડા પૈસા ખાનગીમાં મળ્યા કરતા હતા. એક દિવસ મધુરાદેવીને અમારા સંબંધની ખબર પડતાં શર્માજી સાથે મોટો ઝગડો થયો હતો. શર્માજીનો સ્વભાવ ક્રોધી હતો. એમણે મધુરાદેવીની મારપીટ કરી હતી અને એમના દેખતાં મને તેમની સાથે સૂવા ફરજ પાડી હતી. તેજ સમયે મધુરાદેવી ઘર છોડી ગયા હતાં. ત્યાર પછી જાણવા મળ્યું હતું કે તેઓ ઋષિકેશના કોઈ આશ્રમમાં રહે છે.

શ્રુતિકાએ વધુ પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું હતું કે મધુરાદેવીના ચાલ્યા ગયા પછી શર્માજીના ઘર સંસારનો બોજો મારા પર આવી ગયો હતો. મેં ફરજ બજાવતાં બજાવતાં મારો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. મેં એમના એમની આર્થિક મદદથી ઈકોનોમિક્સમાં માસ્ટર કર્યું હતું. પત્ની તરીકેના તમામ  અધિકાર ભોગવવા છતાં હું પત્ની ન હતી.  સાથીદાર હતી. એમની પાસે ઘણાં સ્ટુડન્ટ સંગીત શીખવા આવતાં હતાં. એમની બાહોંમા ક્યાંતો સરોદ કે ક્યાં તો કોઈ સુંદરી હોય એ મેં સ્વીકારી લીધું હતું.  રિયાઝ પૂરો થયા પછી તાનપૂરા પર સાથ આપતી સ્ટુડન્ટ છોકરી સાથે કોઈક વાર સૂઈ જતા.

મેં સંગીત શીખવામાં રસ લીધો નથી. મારે તો ભણવું હતું. કોઈક વાર મારે પણ વિદ્યાર્થીનીની સાથે સહશયનમાં કંપની આપવી પડતી. જે મારે માટે અસહ્ય હતું. જરા સાથ આપીને ઝટકી જતી.

શ્રુતિકાએ એની હાલની ઉમ્મર સાડત્રીસની જણાવી હતી. 

આ તે કઈ જાતની સોસાયટી છે?’ જોગળેકરના સવાલ ના જવાબમાં શ્રુતિકાએ જણાવ્યું હતું  ‘મેડમ, આખા વિશ્વમાં હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં આવું ચાલતું   હોય છે.  ક્યાંતો ઈનફાયડાલિટી ઓપન હોય કે ક્લોઝેટમાં ક્લોઝ હોય. બટ ઈટ એક્સીસ્ટ એવ્રીવેર. આ હકીકત છે. શર્માજીને આમાં કશો છોછ પણ ન હતો. ઘણાં ટેબ્લોઇટસ એ બાબતમાં જાત જાતની ગોસીપ લખતા રહ્યા છે.

શ્રુતિકાએ જણાવ્યું હતું  ‘એક ઈવાન્ટ મેનેજરથી માંડી હાઉસકીપર કે હાઉસવાઈફ તરીકે બધી ફરજો બજાવી હતી. એમની આર્થિક વ્યવસ્થા પણ હું સંભાળતી હતી.

શર્માજીની સ્થાવર જંગમ મિલ્કતોની વેલ્યુ કેટલી?’

આશરે ત્રીસ કરોડ.

એક શાસ્ત્રીય સંગીતકાર આટલા બધા ધનિક? આટલી સમૃદ્ધિ તો ફિલ્મોના મ્યુઝિક ડાયરેક્ટરની પણ હોતી નથી.

ના મેમ, આ કંઈ આજના સમયના મુંબઈ માટે વધારે નથી. આજે તો એક નાના ફ્લેટની કિંમત કરોડોની થાય છે એ જાણીતી હકીકત છે. હું એમના કોન્સર્ટનું માર્કેટિંગ કરતી. આયોજન  કરતી. એમની આવકનું મેં કાળજી પુર્વક રિયલ એસ્ટેટ અને સ્ટોકમાં રોકાણ કર્યું હતું અને સંપત્તિ વધી હતી. અમેરિકાથી આવ્યા પછી કાયદેસરના લગ્ન કરવા વિચાર કરીશું એમ પણ નક્કી થયું હતું.’

જોગળેકરે કોર્ટમાં ધડાકો કર્યો કે જો શર્માજી વિચાર બદલે તો શ્રુતિકા અટવાઈ જાય. બેન્કમાંથી મેળવેલી માહિતી મુજબ શ્રુતિકાના એકલાને નામે ત્રેવીસ કરોડ જમા છે તેમાંના અગીયાર કરોડતો છેલ્લા મહિનામાં શર્માજીના એકાઉન્ટમાંથી શ્રુતિકાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. તમામ સંપત્તિની લાલચમાં શ્રુતિકા તેં અને તેં   અને તેં શર્માજીને પતાવી દીધા છે.

એમના સિવાય મારો કોઈ પરિવાર નથી. હું શું કરવા એમનું મૃત્યુ ઈચ્છું. હી ઇઝ ઓન્લી કંપેનિયન આઈ હેવકહેતાં કોર્ટમાં શ્રુતિકા બેભાન થઈને ઢળી પડી હતી. સુનાવણી એક અઠવાડિયા માટે મુલ્તવી રહી હતી.

શું શ્રુતિકાએ ખૂન કર્યું હતું?

 ***

આગળના કોન્સલથી એમની કથળતી તબિયતના કારણે આ કેઇસમાં પુરતું રિસર્ચવર્ક થઈ શક્યું નથી. નામદાર કોર્ટને વિનંતી કરું છું કે મને ત્રણ અઠવાડિયાનો સમય મળે.

આઈ ઓબ્જેટ. આ સીધા કેસમાં કોર્ટનો ઘણો સમય વેડફાઈ ચૂક્યો છે. કોઈ સંશોધન બાકી નથી રહ્યું. પોલિસ પ્રોસીક્યુટરે દલીલ કરી હતી

ઓબ્જેક્શન ઓવર્રૂલ. મોશન ઈઝ ગ્રાન્ટેડ.’

***

દિનેશસિંહજી આ જાગૃતિ મિશ્રા કોણ છે? શર્માજી એને ત્યાં ત્રણ દિવસ રોકાયા હતા. કોઈ જાતનું કનેક્શન?’  જોગળેકરે લો ફર્મના પ્રાઈવેટ ડિટેક્ટિવ દિનેશસિંહ જાડેજાને પૂછ્યું.

જાગૃતિ એના તબલાવાદક મિત્ર શંકર મિશ્રાની વિધવા છે. જાગૃતિને એઓ નિયમિત નાણાંકીય મદદ કરતા હતા. શર્માજીએ શંકર મિશ્રાના મૃત્યુ પછી પણ મૈત્રી સંબંધ જાળવી રાખ્યા હતા. જ્યારે દિલ્હીમાં રોકાવાનું થાય ત્યારે એઓ એને ત્યાં રોકાતા.’

એઓ ત્રણ દિવસ દિલ્હી કેમ રોકાયા હતા?’

ખરેખર તો શર્માજી શુક્રવારે બપોરે એરપોર્ટ પરથી ઉતરી જાગૃતીને ત્યાં ગયા હતા. શનિવારે જાગૃતિને લઈને ઋષિકેશ એમની પત્ની મધુરાદેવીને મળવા ગયા હતા.

બ્રીફ પ્રમાણે મધુરાદેવી અને જાગૃતિની જુબાની બન્ને પક્ષે લેવાઈ નથી. મધુરા અને જાગૃતિને સાક્ષી તરીકે બોલાવવી પડશે.’

***

મધુરાદેવી આપનું મૂળ નામ?’

મને મધુરાદેવી તરીકે બધા ઓળખે છે.

આપ સોગંદ પર કોર્ટમાં જુબાની આપી રહ્યા છો. લોકો તમને કયા નામે ઓળખે છે એ મેં નથી પૂછ્યું. મેં આપનું મૂળ નામ પુછ્યું છે.

મારું બાળપણનું નામ મુમતાઝબાનુ હતું.’

તો આપના લગ્ન બ્રાહ્મણ સંગીતકાર સાથે કેવી રીતે થયા?’

શર્માજી મારે ત્યાં રહી મારા અબ્બાજાન પાસે સંગીત શીખતા હતા. હું ચૌદ વર્ષની હતી ત્યારે દાઝી જવાથી મારો ચહેરો કદરૂપો થઈ ગયો હતો. એકવાર શર્માજીએ મારા પર બળાત્કાર કર્યો અને હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. મારા વાલિદે શર્માજીને ખૂબ માર્યા હતા અને ઇસ્લામ અપનાવીને નિકાહ માટે દબાણ કર્યું. છેવટે મને હિન્દુ બનાવી લગ્ન કરવા તૈયાર થયા હતા. મને મૃત બાળક જન્મ્યું હતું. મારા અબ્બાજાન જન્નત નશીન થયા પછી એમણે મને મારપીટ કરવાનું શરૂ કર્યું હતું અને અમારી કામવાળી શ્રુતિકા સાથે વ્યભિચારી જીવન જીવવા માડ્યું હતું. એમના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી હું એમના મિત્ર મિશ્રાજી પાસે મદદ માંગવા ગઈ હતી તેમણે મને એક સ્વામીજીના આશ્ર્મમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. હવે હું એકાકી જીવન જીવું છું.

તમે સંસાર છોડ્યો હતો તો શર્માજી સાથે  ડિવોર્સ કેમ નહોતા લીધા?’

મને એ જરૂરી નહોતું લાગ્યું.

તમને એ ખબર છે ને કે જો ડિવોર્સ વગર શર્માજીનું મૃત્યુ થાય તો પત્ની તરીકે એમની તમામ જાયદાદ તમને મળે?’

મને ખબર નથી.

ના મુમતાજ બાનુ તમને એ વાતની પૂરી ખબર  હતી અને છે કે એમની તમામ જાયદાદ તમને મળે. આ બાબતમાં બે વર્ષ પહેલા તમે દિલ્હીના સોલિસ્ટર ગુપ્તાની સલાહો લીધી હતી. તમને એ પણ ખબર હતી કે શ્રુતિકા ધીમે ધીમે વ્યવસ્થીત રીતે બેન્ક બેલેન્સ એના નામ પર કરતી જતી હતી. શર્માજી સાથેના તમારા લગ્ન પ્રેમભર્યા ન હતા પણ જોરજૂલ્મથી કરાયલા હતા. પણ પાછળથી કરોડોની મિલ્કતની લાલચ ઉમેરાઈ હતી. શ્રુતિકાના હાથમાં નાંણાંકીય વ્યવસ્થા હતી. જો ડિવોર્સ થાય કે શર્માજીની હાજરીમાં બધું શ્રુતિકા પચાવી પાડે તો મુમતાજ ને કશું ના મળે એટલે શર્માજીને જલ્દી પતાવી દેવામાં તમારો રસ હતો ખરું ને?’

યોર ઓનર, ખરેખર તો શર્માજી મધુરાને ડિવોર્સ માટે સમજાવવા ગયા હતા. શર્માજીના મોતને માટે કોઈક રીતે મુમતાજ જવાબદાર છે.

શું મુમતાજે શર્માજીને મોતને ઘાટ ઉતાર્યા? ના તે તો તે દિવસે હરદ્વારમાં હાજર હતી.

***

ત્યાર પછી  દિલ્હીની જાગૃતીની જુબાની લેવાઈ હતી.

જાગ્રુતિજી આપ કેટલા સમયથી શર્માજીને ઓળખતા હતા?’

એ મારા પતિના મિત્ર હતા. મારા પતિ સંગીતકાર અને તબલા વાદક હતા. મેં પણ સંગીતનું શિક્ષણ લીધું છે. અમે ત્રણ એક સાથે રિયાઝ કરતા હતા. હું તાનપુરા પર સાથ આપતી.’

તમારા પતિનું અવસાન કયા કારણે થયું હતું?’

મારા પતિનું મૃત્યુ અલ્હાબાદમાં ગંગામાં ડૂબી જવાથી થયું હતું.’

એ એકલા ન્હાવા ગયા હતા?’

ના સાથે શર્માજી પણ હતા. 

પતિના મૃત્યુ પછી તમારા સંબંધ કેવા હતા?’

મૈત્રીપૂર્ણ.’

મૈત્રીથી વિશેષ?’

મેં કહ્યુ ને કે મૈત્રીપૂર્ણ. હું પતિના મૃત્યુ પછી બે વાર એમની સાથે યુરોપ કોન્સર્ટમાં ગઈ હતી. પછી જવાનું બંધ થયું હતું.’

યોર ઓનર આ મારી પાસે જૂનો રેકોર્ડ છે તે પ્રમાણે જર્મની અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન શર્માજી અને જાગૃતીએ હોટલનો એક રૂમમાં પ્રેમી તરીકે રહ્યા હતા. શ્રુતિકાએ શર્માજી સાથે વિદેશ જવા માંડ્યુ ત્યારથી જાગૃતિનું પત્તુ કપાઈ ગયું હતું. તબલા વાદક મિશ્રાજીના મોત બદલ પણ સગીત ક્ષેત્રમાં ચડભડ પણ ચાલી હતી કે એને માટે શર્માજી અને જાગૃતીનું પ્રેમ પ્રકરણ જવાબદાર હતું. આ ઉપરાંત જાણવા મળ્યું હતું કે જાગૃતી અનેક વખત શર્માજી ને વિનંતી કરતી હતી કે શ્રુતિકાને કાઢી મૂકો. શ્રુતિકાની જગ્યા લેવા માંગતી હતી. અને મુંબઈમાં એમની સાથે રહેવા માંગતી હતી પણ શર્માજીએ જાગૃતિમા રસ ગુમાવી દીધો હતો.

જાગૃતી અમારી માહિતી પ્રમાણે તમે તરત શર્માજીની પાછળની ફ્લાઈટમાં મુંબઈ આવ્યા હતા અને તે રાત્રે તમે પાછા ટ્રેઈન દ્વારા ખૂન કરી દિલ્હી ચાલ્યા ગયા હતા ખરું ને?’

ના ના ના ના. મેં ખૂન કર્યું નથી. હું શર્માજીની સાથે મુંબઈ આવવાની હતી પણ મને તેમની ફ્લાઈટમાં બુકિંગ ના મળ્યું એટલે મારે એમની પાછળની ફ્લાઈટમાં આવવું પડ્યું. અમે મુંબઈમાં મારી કાયમી રહેવાની ગોઠવણ અંગે વધુ ચર્ચા કરવાનાં તાં. હું આશરા હોટલમાં રોકાઈ હતી. હું એમને પાછી મળુ, તે પહેલા ટીવી પર સમાચાર સાંભળ્યા કે શર્માજી મૃત્યુ પામ્યા છે. હવે મુંબઈમાં રોકાવાનો કોઈ અર્થ ન હતો એટલે ટ્રેઇન મારફતે દિલ્હી ચાલી ગઈ હતી.

બચાવ પક્ષના વકીલ મીસ જોગળેકરે તેની દલીલમાં જણાવ્યું હતું આ ત્રણે મહિલાઓ એક કે બીજા કારણસર શર્માજીનું મોત ઈચ્છતી હોવાની સંભાવના છે. જે મોટિવ માલિક નોકરના ઝગડા કરતાં વધુ મજબુત છે.  આ કેસમાં માત્ર અત્યાર સૂધી સ્ટીયરિંગ પર આરોપી મનોજના ફિંગર પ્રીન્ટ અને અને મહિનાઓ પહેલાના ઝગડાને કલ્પીત અદાવતને મોટિવ ઘણીને મનોજને આરોપી ઠરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમારી ડિટેક્ટિવ ટીમ પાસે કેટલીક નવી વિગતો આવી છે. મારે સમાપન માટે માત્ર બે દિવસનો સમય જોઈએ છે.

કોન્સોલ, અત્યાર સૂધીમાં આરોપીની નિર્દોષતા પૂરવાર કરવાને બદલે થર્ડ પાર્ટીના મોટિવને લક્ષીને દલીલો થઈ છે. કાલના પૂરતો સમય આપું છું અને પ્રોસીક્યુટરની ફાયનલ ક્લોઝિંગ શરૂ થશે. કોર્ટ એડજર્ન ફોર ધ ડે.’

ત્યાર પછીના કલાકોમાં; ટીવી, રેડિયો, ઈન્ટર્નેટ અને ન્યુઝ પેપર શર્માજીની જાત જાતની સેક્સ લાઈફની મસાલેદાર ગોસીપોમાં વ્યસ્ત હતું. શર્માજી વિશ્વભરમાં જાણીતા સંગીતકાર હતા. એમની આંગળીઓના સ્પર્શ માત્રથી સરોદના એક તારથી આખા ઑડિટોરિયમનો શ્વાસ થંભી જતો. જ્યારે એમને સ્ત્રીસંગના પ્રશ્ન પૂછવામાં આવતા ત્યારે માત્ર સ્મિત વેરતા અને કહેતા હું શું નવું કરું છું જે વિશ્વના દરેક સ્ત્રી પુરુષો નથી કરતાં. શૃંગાર અને સેક્સ એ પણ જીવનનો એક રાગ છે.તમે એ રાગ  પત્નીરૂપી એકતારા પર આખી જિંદગી વગાડો છો. મારા જીવનમાં બહુતારી સરોદ છે. વિવિધ રાગો છે. જ્યારે શ્રુતિકા વિશે પુછવામાં આવતું ત્યારે એમનો એક્નો એક જવાબ મળતો. શ્રુતિકા મારા જીવનસરોદની એક સહાયક અને અગત્યની ડ્રોન સ્ટ્રિંગ છે. એ તો સદા મારી સાથે વાગતી રહેશે.’

કેસ અંગે જેમ જેમ રસપ્રદ માહિતી આવતી તેમ તેમ અટળકો પણ વધતી હતી. કોણ ખૂની હશે?  કેસ તો મનોજ પર ચાલે છે પણ જોગળેકર તો ત્રણ ત્રણ સ્ત્રીઓને શર્માજી સાથે સેક્સ અને સંપત્તિ સાથે સાંકળી રહી છે કોણ હશે ત્રણમાંની ગમેતે એક કે બીજું કોઈ? જૂદા જૂદા નામો પર સટ્ટો રમાતો હતો. કેસના દિવસે કોર્ટરૂમ ચિક્કાર હતો. શર્માજીના મિત્રો અને સાજીંદાઓથી કોર્ટરૂમ ભરાઈ ગયો હતો. એમાં દેશી વિદેશી પ્રસંસકો પણ હતા.

કોર્ટમાં સુનાવણી પહેલાં જોગળેકરે થોડા કાગળો જજને આપ્યા. જજ અને પ્રોસીક્યુટર સાથે કંઈક લાંબી મંત્રણા થઈ. કોર્ટ ક્લાર્કે જાહેર કર્યું કે આજની સુનાવણી દરમ્યાન કોઈ પણ વ્યક્તિ ઉઠીને બહાર જઈ શકશે નહીં અને કોઈપણ નવી વ્યક્તિ આ રૂમમાં આવી શકશે નહી. જેને બહાર જવું હોય તે અત્યારે બહાર નીકળી જઈ શકે છે. કોર્ટમાં જરા ગણગણાટ થયો પણ કોઈ પણ બહાર ગયું નહિ.  કોર્ટ માર્શલે કોર્ટરૂમના દરવાજા બંધ કર્યા અને કાર્યવાહી શરુ થઈ.

ઈન્સ્પેકટર રામચંદ્રને બોલાવવામાં આવ્યા. જોગળેકરે રજુ થયેલા પોલિસ પુરાવાઓમાંથી એક હાથમાંનું મોજું બતાવી પૂછ્યું.

ઈનસ્પેક્ટર, આપને કારના આગળ બમ્પર પાસેથી માત્ર આ એક હેન્ડ ગ્લોવ્ઝ મળ્યું હતું?’

યસ મેમ. એક હતું.’

આ હાથમોજું મેનનું છે કે લેડિઝનું છે?’

લેડિઝનું છે.

ક્યાંની બનાવટ છે?’

એના પર કોઈ કન્ટ્રી લેબલ નથી એટલે ખરેખર કહી શકાય એમ નથી પણ મહિલા ઓફિસરના અંગત અભિપ્રાય પ્રમાણે એ અમેરિકન બ્રાન્ડ છે.

ત્યાર પછી કોર્ટ દર્ક્ષક તરીકે આવેલા તિવારીને બોલાવવામાં આવ્યા.

તિવારીજી માફ કરજો અગાઉથી સમન્સ વગર આપને સાક્ષી તરીકે બોલાવવા પડ્યા છે. આપ કેટલા સમયથી શર્માજી સાથે તબલા પર સંગત કરી રહ્યા છો?’

મિશ્રાજીના દેવલોક પામ્યા પછી મેં શર્માજીને હંમેશ માટે સાથ આપવા માંડ્યો હતો.  

એનો અર્થ એ કે આપ એમને વર્ષોથી ઓળખતા હતા. અમારી પાસે શર્માજીના ડાબા હાથના પંજાના પહેલાના ફોટોગ્રાફસ છે. અને શર્માજી ના કચડાયેલા શરીર અને ઉંચા થયેલા હાથના પંજાના છેલ્લા ફોટામાં શું ફેર છે તે કહી શકશો?’

કંઈ સમજાતું નથી.

બરાબર ધ્યાનથી જૂઓ.’

હા હા, બરાબર છે. એના મૃત શરીરના હાથના પંજાની વચલી આંગળીની વીંટી નથી. એઓ ડાબા હાથમાં એક વીંટી અને જમણાં હાથની ચારે આંગળીમાં વીંટી પહેરતાં. ડાબા હાથની વચલી આંગળીની વીંટી અમેરિકાના એક ઈન્ડિયન ઝવેરીએ એને ઘેર પ્રાઈવેટ સંગીત પાર્ટી રાખી હતી ત્યારે એ ગિફ્ટમાં આપી હતી. એની કિમત તે વખતે આશરે પાંત્રીસ હજાર ડોલરની થતી હતી.

આજે કોર્ટની સુનાવણીમાં આપના કેટલા સાથીદાર હાજર છે? જરા આંગળી ચીંધીને બતાવી શકશો?’

એક તો હું. બીજા શ્રીવાસ્તવજી જેઓ હંમેશાં હાર્મોનિયમસૂરનો સાથ આપે છે. એઓ પ્રજ્ઞાચક્ષુ છે. આસમાની રંગની સાડીમાં બેઠેલા ભારતીબેન યાદવ અમેરિકાના છે અને એઓ અમારા ગ્રુપની સાથે જોડયા છે. શર્માજી પાસે કંઠસંગીત શીખવાની શરૂઆત કરી છે. છેક પાછલી હરોળમાં બેઠેલા અમેરિકન બેન જેનેટ સિમ્પસન, આમ તો સિમ્ફોની ઓર્કેસ્ટ્રામાં વાયોલિન વગાડે છે પણ અમેરિકાના છેલ્લા ત્રણ પ્રવાસથી અમારી સાથે રહે છે. શર્માજી પાસે સરોદ શીખે છે. અમારા બધા કોન્સર્ટમાં તાનપૂરા પર સાથ આપે છે.

તિવારીજી, હાજર રહેલા તમામ સાથી મિત્રનો પરિચય આપવા બદલ આપનો ઘણો આભાર.

હું શ્રુતિકાને વીટનેશ સ્ટેન્ડમાં ફરી હાજર થવા વિનંતી કરું છું.’

શ્રુતિકા આ હાથમોજું તમારું છે?’

ના આ મારું નથી, હું મોજા પહેરતી નથી.

જરા આ પહેરી જૂઓને આ ફીટ થાય છે?’

ના ફીટ નથી થતું. આ મારા હાથ માટે મોટું છે.

જાગૃતિ, આપ આ પહેરી જોશો?’

જાગૃતિએ બધાની હસાહસ વચ્ચે કહ્યું. ચોક્કસ; મને આવશે તો વેચાતું લઈ લઈશ.’

પ્લીઝ આ ગંભીર વાત છે. પહેરી બતાવો.’

ના મેમ, આ મને આવતું નથી.

ભલે. હવે મધુરાદેવી આપ પહેરી જૂઓ.’

ના હું ઋષિકેશની ઠંડીમાંયે કોઈ જાતના મોજા પહેરતી નથી અને કોઈના પહેરેલા વસ્ત્રો સન્યસ્ત ધારણ કર્યા પછી મેં પહેર્યા નથી. જજ સાહેબને વિનંતી કરું છું કે મને ફોર્સ કરવામાં ન આવે.

ના, વકીલ કહે તેમ તમારે પહેરવું પડશે.’

મધુરાએ ધ્રૂજતા હાથે પહેરવાની કોશિશ કરી પણ આંગળા ગયા નહીં.

નાવ આઈ રિક્વેસ્ટ મિઝ જેનેટ સિમ્પસન ટુ કમ ઈન ધ વીટનેશ સ્ટેન્ડ એન્ડ ટ્રાય ધીસ ગ્લોઝ.’

નો. આઈ એમ અમેરિકન સીટીઝન એન્ડ યુ કેન નોટ ફોર્સ મી ટુ ટેસ્ટીફાય ઈન ધ કોર્ટ વિધાઉટ માય એટર્ની.

મેમ, એઝ પર ઈન્ડિયન સિવિલ એન્ડ ક્રિમીનલ કોડ એની વીટનેસ મે બી કમ્પેલ્ડ, ઓલધો ઈફ વીટનેસ ઇસ વીલિંગ ટુ ગો ટુ જૈલ, ઈફ હી ઓર સી મે રિફ્યુઝ. વી હેવ ઓલરેડી ઈન્ફોર્મ અમેરિકન કોન્સ્યુલેટ એબાઉટ ધીસ પ્રોસીડિંગ એન્ડ ધે વીલ હેલ્પ યુ ઈન ફ્યુચર ઇફ યુ નીડ એની. વી હેવ એરેન્જ ઓફિસીયલ ઈન્ટરપ્રીટર ફોર યુ. નાવ પ્લીઝ ટ્રાય ધીસ ગ્લોવ.’

નો ઈટ વોન્ટ ફીટ.

પ્લીઝ ટ્રાય.’

અને જેનેટે એ હાથ મોજું પહેર્યું. પર્ફેક્ટ ફીટ થઈ ગયું.

મીઝ જેનેટ, જ્યારે શ્રુતિકા મ્યુઝિક ડાયરેક્ટરને મળવા ગઈ હતી અને મનોજ એની રૂમ પર સૂતો હતો ત્યારે તમે શર્માજીની મુલાકાત લીધી હતી. તમે સારી ક્વોલિટીનું સરોદ શર્માજીની સલાહથી ખરીદવા ઈન્ડિયા આવ્યાં હતાં. તમને ખબર ન હતી પણ શર્માજીએસૂરબહારસાથે તમારે માટે એપોઈન્ટમેન્ટ નક્કી કરી હતી અને સવા વાગ્યે સરોદ જોવા જવાના હતા. મનોજને જગાડવા તમે ના કહી અને તમે ડ્રાઈવ કરવા સ્વીકાર્યું. તમે ડ્રાઈવર સીટ પર બેઠા. શર્માજી આગળથી પેસેન્જર સીટ પર બેસવા ગયા, તેજ સમયે તમે કાર ડ્રાઈવમાં મૂકીને શર્માજીને કચડી નાંખ્યા. એમના ઊંચા હાથમાંની હીરાની વીંટી પર તમારી દાનત બગડી. એટલે ગ્લોવ કાઢીને વીંટી એમના હાથ્માંથી કાઢી લીધી. વીંટીને લીધે હાથમાં ગ્લોવ પહેરાયું એટલે વિચાર્યા વગર ફેંકીને ત્યાંથી ચાલતી પકડી. બોલો એ વીંટી ક્યાં છે? બોલો એ વીંટી ક્યાં છે? વ્હેર ઈઝ ધ રિંગ. યુ કીલ શર્માજી, યોર લવર શર્માજી, યોર ટિચર શર્માજી. વ્હાઈ?’

આ બધી કલ્પિત વાતો છે ભલે આ ગ્લોવ મને ફીટ થતું હોય તો પણ મારું નથી. મેં શર્માને કચડ્યા નથી મારી પાસે કોઈ રીંગ નથી.

બરાબર છે એ રીંગ તમારી પાસે નથી. તમે એ રીંગ ચાર દિવસ પહેલાં શૃંગાર જ્વેલર્સને ત્યાં વેચી અને આજે સાંજે પચ્ચીસ હજાર ડોલરનો ડ્રાફટ લેવા જવાના છો. સ્ટોરના સીસીટીવી પર આપની મુલાકાતની વિડિયો અમારી પાસે હાજર છે. શૃંગાર જ્વેલર્સના માલિક સુરેશ શાહ રીંગ અને તમારી સહી સાથેના ડોક્યુમેન્ટ સાથે પેલી ખુરસી પર વિરાજમાન છે. બસ હવે મહેરબાની કરીને બાકીની વાત તમે પૂરી કરો. કે જેથી એક નિર્દોષ ગરીબ ડ્રાયવરનો છૂટકારો થાય.

કોર્ટમાં સંપૂર્ણ સન્નાટો હતો. જેનેટ ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. એની આજુબાજુ મહિલા ઓફિસર ગોઠવાઈ ગઈ હતી. એણે શરું કર્યું.

હા મેં નરાધમને કચડ્યો છે. હું એની પાસે સરોદ શીખતી હતી. એની પાસે શીખવાની શારીરિક કિંમત પણ મેં ચૂકવી છે. મને તેનો પણ અફસોસ નથી. ન્યુ ઓર્લિન્સમાં હોટલમાં રહેવાને બદલે એ મારે ત્યાં રહ્યા હતા. હું બહાર ગઈ હતી. આવીને જોયું તો એ મારી દીકરી સાથે સૂતો હતો. હું ક્રોધથી સળગી ઉઠી હતી. સરોદ ખરીદવાને બહાને હું ઈન્ડિયા આવી હતી. અને એને ઠેકાણે પાડવા તક શોધતી હતી. એ તક મળી પણ હું પ્રોફેશનલ મર્ડરર નથી કે એવો ચોક્કસ પ્લાન કર્યો ન હતો. વીંટીનો લોભ ના કર્યો હોત તો હું આજે ન્યુ ઓરલિન્સમાં હોત.

સમાપ્ત.

પૂર્વ પ્રકાશીતઃ મધુ રાય સંપાદિત “મમતા” માસિક

દાદાજીના ડિવૉર્સ

દાદાજીના ડિવૉર્સ

Divors

‘અલી, સાભળ્યું? કનુ દાદાના ડિવૉર્સ થઈ ગયા.’

‘હાયમાં, ના હોય!’

‘ના શું? થઈ ગયા? ખેલ ખત્તમ.’

‘કોર્ટમાં?’

‘ના હવે, બીલકુલ પાકિસ્તાની સ્ટાઈલે. દાદાએ ક્યાં કોર્ટમાં લગ્ન કરેલ કે કોર્ટમાં ડિવૉર્સ લેવા પડે. એમ તો લગ્ન નોંધાવેલાં પણ ક્યાં? આજે તો દાદાજીના લગ્નના કોઈ સાક્ષી પણ જીવતા નથી. કનુ દાદાએ તો ભર બપોરે. સોસાયટીના લોકોની હાજરી વચ્ચે ઓટલા પર ઉભા રહીને બરાડા પાડી પાડીને મિયાંજીની જેમ કેટલીયે વાર કહી દીધું; ડિવૉર્સ, તલ્લાક, ડિવૉર્સ, તલ્લાક, ડિવૉર્સ, તલ્લાક ડિવૉર્સ. જાવ આજથી હું છૂટ્ટો, તમે પણ છૂટ્ટા. જાવ પરણો તમારી કવિતાને, સંસાર માંડો તમારા ફેસબુકીયા નવરા સગલાઓ સાથે.’

‘પછી શું થયું કાજલદાદી ઘરની બહાર નીકળી ગયા? બીચારાની દયા આવે છે.’

‘ના રે, કાજલદાદીના તો પેટનું પાણીએ ન હાલે. એ તો દિવાનખાનાને હિંચકે ઝૂલતાં ઝૂલતાં ફોન પર આંગળા જ ઠોક્યા કરતાં હતાં.’

‘દાદાજીની ઘાંટાઘાંટ અને બુમાબુમ કરવાની ટેવથી આપણે ક્યાં અજાણ્યા છીએ! એમનો ગ્રેટગ્રાન્ડ સન પિન્ટુ પણ કનુદાદાજીને હજાર વાર સમજાવતો હતો. દાદીમા સાથે પ્રેમથી વાત કરો. ઘાંટાઘાટ ના કરાય. પણ દાદા સુધરે તો ને?’

‘બળ્યું જો મારો વર આવો હોય તો, હું જ સામેથી તલ્લાક તલ્લાક કહી દઉં. પણ પછી થયું શું?’

‘દાદીમાં તો કંઈ જ ના બોલે. દાદાજી બરાડા પાડીને થાક્યા. એમણે કહ્યું હું જ ઘરમાંથી ચાલ્યો જાઉં. બંગલો તમારો, પૈસા તમારા, છોકરાં છૈયા તમારા, સંસાર તમારો. હું તો બાવો થઈ જઈશ. ઘરડે ઘડપણ મને મારી ડોસી જોઈએ અને ડોસીને કવિતડા વખાણવા વાળા ચમચા જોઈએ. પછી તો દાદાજી એવું એવું બોલ્યા…, કહેતા પણ શરમ આવે. બોલીને થાક્યા એટલે પાસેથી એક રિક્ષા જતી હતી. પંચીયું અને જનોઈભેર જ બેસી ગયા. રિક્ષા પાછી વળી. બારણા પાસે રિક્ષા ઉભી રહી. દાદા પગથીયા ચડે તે પહેલા દાદીમાએ એક કપડાની થેલી, ઉપરનું પહેરણ અને શર્ટ, અને સો સોની એક થોકડી દાદાના હાથમાં હસતે મોઢે પધરાવી દીધી; અને આવજો, જે શ્રી ક્રશ્ન પણ કહી દીધું આ તો સગ્ગી આંખે જોયું છે.’

‘દુનિયામાં કેટલાએ ડોસલાઓ જોયા પણ આવા તો કોઈ દિવસ જોયા નથી. રીયલી યુનિક. બીલકુલ ઓડ કપલ.’

વાત તો સાચી જ. ખરેખર ઓડ કપલ. આ વાત આખી સોસાયટીમાં ચર્ચાનો રસિક વિષય બની ગયો.

અસામાન્ય વાત જ ચર્ચાનો કે વાર્તાનો વિષય બને ને?

ક્રિષ્ણારામ ત્રણ વર્ષના અને કાજલબેન તેમના પાડોસીની આઠ વર્ષની છોકરી. કાજલ ક્રિષ્ણાને કેડમાં લઈને રમાડે. વહાલ કરે. બન્ને કુટુંબ એક જ જ્ઞાતિના બ્રાહ્મણ. જ્ઞાતિના કોઈ ફંક્શનમાં  છ વર્ષનો ક્રિષ્ણારામ અને અગિયાર  વર્ષની કાજલ, બન્ને રાધા-કૃષ્ણ પણ બનેલા. ત્યારથીજ એમણે માની લીધેલું કે કજલી તો મારી જ. એની સાથે જ લગન થાય. ક્રિષ્ણારામ ઊજળા અને કાજલબેન જરા શ્યામરંગી. પણ એને તો ગમી એટલે ગમી. એમને કલર બલરનો કોઈ વાંધો નહિ. જોત જોતામાં ક્રિષ્ણારામે જબરું કાઠું કાઢ્યું. ફળિયામાં અને જ્ઞાતિમાં વટ જમાવી દીધેલો. સ્કુલ, ફળિયું અને જ્ઞાતીમાં પણ ‘બુલી’ બધે જ દાદાગીરી. દશ ધોરણ પછી સ્કુલને રામરામ કરી એના મામા ભોળાશંકર વૈદ્યને ત્યાં વૈદુ શિખવા માંડ્યું. એક બે મહિનામાં જ દવા પણ આપવા માંડી. દર્દીઓ પણ પણ સારા થવા માંડ્યા. એક જ દુર્ગુણ. સામાન્ય વાત કરે તો પણ ચોથા ઘર સૂધી સંભળાય. આખા પાડોસમાં બધાને જ એમની કંપ્લિટ બાયોગ્રાફી ખબર.

કાજલ મેટ્રિક પાસ થઈ ગઈ. ક્રિશ્નાની તો સીધી જ દાદાગીરી. બસ કાજલીને જ પણવાનો. બીલકુલ બુલી. પાછો કાજલ કરતાં ઉજળો પણ ખરો. ઉમ્મરનો કાંઈ બાધ નહી. માબાપે કકલાટ ટળે એમ સમજીને બન્નેને પરણાવી દીધા.

મામા ભોળાશંકર વૈદ્ય મરી ગયા. દાદાજીએ કોઈ રીતે આર.એમ.પી જેવું ફરફરીયું પણ મેળવી લીધું. મામાના એ જ દવાખાના પર બોર્ડ લગાવી દીધું ડો. ક્રિશ્નારામ ભટ્ટ. આર.એમ.પી.

પછી તો ચાલ્યું તે ચાલ્યું જ. નસીબના બળીયા. MBBS કે MD માખી મારતા હોય અને ભટ્ટ દાકતરને ત્યાં દરદીઓની લાઈન લાગતી હોય. નાડી જોતાં આવડતી હતી. કોઈ દિવસ સ્ટેથેસ્કોપ કોઈ દરદીની છાતી પર મૂક્યું ન હતું પણ એમના ગળામાં ડોક્ટરના સિમ્બોલ તરીકે કાયમ લટકતું રહેતું. મેડિકલ રિપ્રેસ્ન્ટટેટિવ આવે અને સમજાવી જાય તેમ એલોપથી દવાયે આપે અને પેનીસિલિનના ઈન્જેકશન પણ ઠોકે.

કાજલબેન પણ ચાલીસ વર્ષની ઉમ્મરમાં તો છ દીકરાની મમ્મી બનીને પાંસઠ વર્ષે સંસારની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા. દીકરાઓ ભણવામાં હોશિયાર. બે ઇન્જિનિયર, અને ચાર ડોક્ટર. તેમાનો એક તો મોટી પ્રખ્યાત હોસ્પિટલનો વડો સર્જન. દાદા એટલે સંપૂર્ણ દાદાગીરી વાળા દાદા. નાની નાની વાતમાં દાદાજીનું છટકી જાય.. છોકરાંઓને દાદા સાથે ના ફાવે, દાદાને તો ભણેલા છોકરાંઓ પણ અક્કલ વગરના જ લાગે.  બધ્ધા પોતાના પરિવાર વાળા હતા. સ્વતંત્ર હતા અને પપ્પાજીથી સો માઈલ દૂર રહેવામાં માનતા હતા.

દાદીમાએ કાના વગર છૂટકો જ નથી એ સ્વીકારી લીધેલું. દાદાની સગવડ સાચવે. એના બુમ બરાડાથી જરા પણ અકળાયા વગર કે ધ્યાનમાં લીધા વગર ઠંડે કલેજે જે કરવા ઘટે તે પોતાની રીતે પોતાનું ધાર્યું કર્યા કરતા.

પ્રોબ્લેમ તો ત્યારે ઉભા થયા જ્યારે છોકરાં મોટા કરીને પરવારેલા દાદીમાએ કવિતાઓમાં રસ લેવા માંડ્યો.  બેચાર જણાએ સાચાખોટા વખાણ કર્યા અને બેચાર વખત કવિસંમેલનમાં કવિતાઓ બોલી આવ્યા એમાં દાદી પણ બદલાયા. પછી તો દાદીમાની વાતમાં કવિતા, દાદીમાની ચાલમાં કવિતા, દાદીમાના શ્વાસમાં કવિતા. બસ કવિતા જ એમનું જીવન. કવિતા એક મનભાવન સથવારો. કંઇ વાત કરતાં હોય અને તરત ડાયરીમાં ટપકાવે. સ્માર્ટ ફોનની આંટીગુંટીમાં પણ એક્ષપર્ટ. ફોટા પાડે, વિડીયો લે.  જ્યાં જાય ત્યાં પણ વાત કરવાને બદલે ફોનમાં ને ટેબ્લેટમાં કવિતા લખવા માંડે. આટલું ઓછું હોય એમ ફેસબુક ટ્વિટર જેવા સોસિયલ મિડિયાના છંદે ચડી ગયા. કવિતાનું દારુ જેવું વ્યસન; અને ફેસબુક એટલે છાપરે ચડવાની નીસરણી.  દાદાજીના મતે કજલીડોસીનું અનક્યોરેબલ એડિક્શન. જાણે વાંદરાયે (ખરેખર તો ઘરડી વાંદરી ડોસીએ જોની વૉકર ઢીંચ્યો) દારૂ પીધો.

દાદાજી પર લક્ષ્મીદેવીની કૃપા. ઘરમાં ફૂલ ટાઈમ કામવાળી, રાંધવા વાળી. ઘરમાં કાર. દાદાજીએ એકવાર બકરીને છૂંદી કાઢેલી ત્યારથી ડ્રાઈવ કરતાં ગભરાય. દાદીમાં ટ્રાફિકમાંયે ધમધમાટ કાર ચલાવે. મહોલ્લાને નાકે જ રિક્ષાસ્ટેન્ડ. દાદાજી મોબીલ લગાવે અને રિક્ષા હાજર. કાર પણ દાદીમાની જ કહેવાય. દાદીમા તો ઉમ્મરમાં સિનીયર. આઈ ડોન્ટ કેર મેન્ટાલિટી.

દીકરાઓ ડોક્ટર. એને બાપુજી જે રીતે ક્વોલિફિકેશન વગર આડેધડ એલોપેથી પ્રેકટિશ કરતા તે ડોક્ટર દીકરાઓને નહોતું ગમતું. એક દિવસ આખા પરિવારે ભેગા મળી, સમજાવી પટાવીને, નવા કાયદાઓની બીક બતાવીને દવાખાનું બંધ કરાવી દીધું.

અત્યાર સૂધી તો બધું ઠીક હતું. પણ ડોક્ટરી બંધ થઈ અટલે કામગરા ડોક્ટર ક્રિશ્નારામ ભટ્ટ એકીયાસી વર્ષની ઉમ્મરે તદ્દન નવરા થઈ ગયા. એને કવિતા બવિતામાં જરાયે રસ નહિ. જરાયે સમજ નહિ. છ્યાંસી વર્ષના કાજલદાદીમા “કૃતિ” તખલ્લુસથી પ્રેમ શૄંગારની કવિતાઓ લખતા.

દવાખાનું બંધ થયા પછી, નિવૃત્ત દાદાજીની સેવા સગવડમાં ફેર પડવા માંડ્યો. એમની અપેક્ષાઓ પણ વધી. સમયસર સેવા મળે નહિ એટલે ઘાંટા ધાંટ, અને બુમાબુમ. અને જોવાજેવી તો ત્યારે થાય કે જ્યારે ‘કૂલ’ દાદીમા રિસ્પોન્સ આપ્યા વગર ફેસબુકી ફ્રેન્ડસને કાવ્યો ફટકારતા હોય. ફોન પર આંગળા ઠોકી કંઈનું કંઈ લખ્યા જ કરતા હોય કે કવિતા ગણગણતા હોય કે ફેસબુકના ફેઈક ફેનને કોમેન્ટનો જવાબ આપતા હોય. એમને દાદાજીનો ક્રોધિત અવાજ ના સંભળાય. દાદાજી તલ્લાક આપે તેમાં નવાઈ શું? દાદાજી માટે સહાનુભૂતિ ધરાવનારા આવું પણ માનતા હતાં.

વાત એમ હતી કે ગઈ કાલે દાદાજીની એક્યાસીમી બર્થ ડે ની ઉજવણી દાદીમાએ જ ગોઠવી હતી. ફેમિલી, અને સ્વજનો મળીને નાના હોલમાં આશરે સો સવાસો માણસો હતાં. કેક કાપવાના સમયે દાદીમા પર કોઈ પ્રોફેસર કવિનો ફોન આવી પડ્યો. દાદીમા કેક ટેબલ છોડીને ખૂણાંમાં જઈને ફોન પર લપેટવા માંડ્યાં. બે ત્રણ વાર છોકરાંઓ બોલાવવા ગયા. વન મિનિટ, હમણાં આવું છું. કરતાં કરતાં પૂરો પોણો કલાક થઈ ગયો. હેપ્પી બર્થ ડે ગવાયા વગર દાદાએ કેક કાપવાને બદલે હાથમાં કેકનો લોચો લઈને ગુસ્સો ગળી જઈને હસતાં હસતાં દાદીમાના ફેઇસ પર ચોપડ્યો.

બસ દાદાની એક્યાસી કમાન છટકી. ઘરે ઘમાઘમ. બધા કવિઓની અને કવિતાઓની અભદ્ર શાબ્દીક ધોલાઈ. કોઈએ રિસ્પોન્સ ના આપ્યો. દીકરાઓ ગુપચુપ વિખરાઈ ગયા. બીજે દિવસે શરૂ થઈ ગયુ. કવિતા સાથે ડિવોર્સ, કવિઓ સાથે ડિવૉર્સ, કવિયત્રી સાથે ડિવૉર્સ, કજલી સાથે ડિવૉર્સ. કૃતિ સાથે ડિવૉર્સ. દાદાના લવારા ભલે ચાલ્યા કરે, પણ દાદીમા તો ઘરની બહાર ન નીકળ્યા. ન તો ગુસ્સે થયા. શાંતીથી હિંચકે ઝૂલતાં કવિતા કરતાં રહ્યા.  દાદાજી બુંમ બરાડા સાથે, પહેરેલ પંચીયા સાથે જ રિક્ષામાં બેઠા અને પાછા આવ્યા. દાદીએ ખલતો, પહેરણ અને થોડા પૈસા આપી હસતે મોંએ વદા કર્યા. અને લખવા બેસી ગયા.

મિયાંકી દૌડ મસ્જીદ તક. આવું કંઈ થાય ત્યારે એ શહેરમાં જ રહેતા એક પૌત્રને ત્યાં પહોંચી જતા. આવું કંઈ થાય ત્યારે દાદાજી આવે; બે દિવસ ધમાધમી ચાલે; દાદીમા ફોન કરે, ગુસ્સો ઉતર્યો હોય તો હવે સીધા સીધા કજલીને ત્યાં આવી જાવ. કજલીને ગમતું નથી. પથારી ખાલી ખાલી લાગે છે.  અને પૌત્રવધુ પિન્કી સમજાવી પટાવીને દાદાને પાછા ઘેર પહોંચાડી દે. દાદીમાને ચિંતા જ નહિ. એનો જુવાન કાનો પાછો આવી જાય. બે અઠવાડિયા રોમેન્ટિક જાય અને પાછું એનું એ.

પણ આ વખતે તદ્દન જૂદું. દાદીમાનો ફોન આવ્યો જ નહિ. બે દિવસ, ત્રણ દિવસ, એક અઠવાડિયું. દાદાજી ધૂધવાયા. આજ સૂધી જાતે કજલીને કોઈ દિવસ ફોન ન્હોતો કર્યો. નાક નીચું ના પડાય.

કહી દીધું ક્યાં તો બીજી જુવાનને પરણું; ક્યાંતો સાધુ થઈ જાઉં.

એમણે તો લોકલ ન્યુઝ પેપરમાં જાહેરાત પણ આપી દીધી.

‘જોઇએ છે ૪૫ થી ૫૦ વર્ષની કન્યા કે જેને કોમપ્યુટર કે કવિતામાં રસ ન હોય.  કરોડપતી ડોક્ટર ક્રિશ્નારામ ભટ્ટ સાથે માત્ર રોમાન્સ.’

હદ થઈ ગઈને! લાઈન લાગી ગઈ. પૌત્રવધુ પિન્કીએ મોટી આકાંક્ષાવાળી ઉમેદવારોને દાદાજી પાસે પહોંચે તે પહેલાં બધીને સમજાવીને રવાના કરી. દાદાજીને કહ્યું તમારે માટે કોઈ નવરુ નથી. દાદાજી નિરાશ થયા.

બીજે દિવસે દાદાજીએ બીજી જાહેરાત આપી. જોઈએ છે ચેલાઓ. કરોડપતી સન્યાસીના મઠને માટે. બાવાઓ એ લાઈન લગાવી દીધી. પૌત્ર પિન્ટુએ સમજાવી પટાવીને બાબાઓને રવાના કર્યા. બિચારા દાદાજી રિસ્પોન્સ માટે તડપતા રહ્યા.  દર પંદર મિનિટૅ પૌત્રવધુને હળવેથી પૂછતા તારી દાદીનો ફોન આવ્યો.

‘દાદાજી, હવે દાદીમા તમને યાદ પણ નથી કરતાં. તમે તો એને ડિવૉર્સ આપી દીધા. હવે શું થાય. તમે છૂટ્ટા અને દાદીમાં પણ કંપ્લીટલી ફ્રી. હવે તો તમારા કરતાંયે જુવાન લાગે છે હોં. ફેસિયલ કરાવ્યા પછી તો ઘણાં ઉજળા લાગે છે. એની લાડકી પૌત્રવધૂ પિન્કીએ મીઠ્ઠા અવાજે ચચરે એવો જવાબ આપ્યો. દાદાજી દાદીમાની રોમેન્ટિક કવિતાઓ પર તો કેટલાયે જુવાનીયાઓ ફિદા છે. કોલેજના પીએચડી થયેલા પ્રોફેસરો પણ એમની વાઈફને તમારી જેમ જ ડિવૉર્સ આપીને દાદીની સેવા કરવા તૈયાર છે. દાદાજી તમે પેપરમાં જાહેરાત આપી પણ એક પણ લેડિઝે રિસ્પોન્સ ન જ આપ્યોને? દાદાજી તમને બરાડા પાડવાની ટેવ. અને સાહિત્યશત્રુ  તરીકે પંકાયલા. થોડી કવિતાની લાઈન મારતાં શીખી જાવ તો જુવાન છોકરીઓ પણ તમને લાઈન મારતી થઈ જશે.’

‘ચાંપલાશ છોડ. મને બીજી કોઈ જોઈતી નથી. મને મારી કજલી જ જોઈએ છે.’

‘તો દાદીમાની કવિતામાં રસ લેતા થઈ જાવ. એમની કવિતાઓ વાંચો, સમજો અને વખાણ કરો કદાચ તમારૂં કન્નુ પાછું સંધાઈ જાય.’

‘મને કોમપ્યુટર શીખવી દે અને કવિતડીની કવિતા કેમ વાંચવી તે સમજાવી દે. બધા નવરીઓના ધંધા આ ઉમ્મરે શીખવાના?’ દાદાજી બરાડાના અવાજને પરાણે કન્ટ્રોલમાં રાખી હળવેથી કહ્યું. પિન્કીએ હસતા હસતા દાદાજીને કોમપ્યુટર પાસે બેસાડી દીધા. દાદીમામો બ્લોગ ખોલી આપ્યો. દાદાજી ને ભાવતી ચા અને ભાવનગરી ગાંઠીયા ટેબલ પર મુકી દીધા. દાદાજી કામે લાગી ગયા.

પૌત્રવધુ સમજાવે ‘દાદાજી સંધી કરીને દાદીમાને શરણે જાવ.’

દાદાજીએ ખુબ જીણા અવાજે કહ્યું ‘ડોસી જો  મને ફોન કરે તો તરત જ એને માફ કરું. તરત ઘેર જાઉં ભલે એ કવિતાઓ કર્યા કરે. એના વગર તો ના જીવાય.’

“દાદાજી માફી તો તમારે માંગવાની છે. તમે આખી સોસાયટીમાં બધાની વચ્ચે  ડિવૉર્સ, તલ્લાક, ડિવૉર્સ, તલ્લાક, ડિવૉર્સ, તલ્લાક ડિવૉર્સ. જા આજથી હું છૂટ્ટો, એમ કહી ભવાડો ન્હોતો કર્યો? તમે પણ છૂટ્ટા. જાવ પરણો તમારી કવિતાને, સંસાર માંડો તમારા ફેસબુકીયા નવરા સગલાઓ સાથે એવું નહોતું કહ્યું? દાદાજી કવિઓ જાતે બનાતું નથી. કવિઓ તો જન્મે છે. કવિઓના હૃદયમાંથી શબ્દો સરે અને આપોઆપ કાવ્યસર્જન થાય. દાદીમા તો કોલેજ ગયા નથી તો પણ એમનું કાવ્ય સર્જન ઉત્તમ કક્ષાનું છે. દાદાજી તમને ના સમજાય!”

પણ હવે દાદાજીને ધીમે ધીમે કાવ્યો સમજાવા લાગ્યા. સમજાય એટલે ગમવા લાગ્યા. દાદીમાના વખાણોના ઢગલા થાય. વાહ વાહ થાય. આ બધા ખોટા થોડા હોય?

અને આ રવિવારે પિન્કી સાડી પહેરીને તૈયાર થતી હતી. પિન્કીને લગ્નના માહ્યરામાં જ સાડીવાળી જોઈ હતી બાકી કાયમ ફાટેલા જિન્સ કે દાદાજીએ આંખ નીચી કરીને વાત કરવી પડે એવા ટૂંકા લેન્ઘામાં જ જોઈ હતી. “સાડી પહેરીને કયા મંદિરે જવાની છે?”

“દાદાજી તમને ખબર નથી? તમે કહ્યું હતું તેમ દાદીમાના આજે કવિતા સાથે લગ્ન છે”

“અરે પણ જરા સમજાય એવુંતો બોલ.”

આજે દાદીમાના કાવ્ય સંગ્રહનું લોકાર્પણ છે. તમને ખાસ બોલાવ્યા છે પણ તમને તો દાદીમાના કવિતડામાં રસ નથી. અને ત્યાં જઈને તમે પાછા ઘાંટાઘાટ કરવા માંડો તો? પપ્પા અને બધાજ અંકલે કહ્યું છે ભલે બા આમંત્રણ આપે પણ બાપાને કહેતી નહિ. ત્યાં આવીને પ્રસંગ બગાડશે.

અને દાદાજી બરાડ્યા. ‘તારો પપ્પો અને તારા અંકલો તો આ જન્મ મુરખાઓ છે. મારામાં અક્કલ છે. તમારી ડોશીએ સંધી કરવા જ મને બોલાવ્યો છે અને મારાથી વાત છુપાવો છો? હું પણ આવું છું.’

‘દાદાજી બહાર પિન્ટુ હોર્ન મારે છે. પણ જો આવવું હોય અને છાનામાના ચૂપચાપ બેસવાના હોય તો ચાલો કારમાં બેસી જાવ.’…. અને ડો. ક્રિશ્નારામ પિન્ટુની કારમાં બેસી ગયા. પિન્કી દોડીને લાલ સાલ લઈ આવી અને ઓઢાડી દીધી. રસ્તામાં દાદાજી બબડતા રહ્યા. ‘મારી જ ભૂલ હતી. ભલેને કવિતા બનાવ્યા કરે. ખરેખર તો મારા કરતાં વધારે ભણેલી. બિચારીએ બધાને ભણાવ્યા. છોકરાં ભણાવતાં ભણાવતા એણે પણ વગર કોલેજે ડિગ્રી જેટલું જ્ઞાન મેળવ્યું. મારું નોલેજ કેટલું? સેલ્સમેન સમજાવે તે દવા આપ્યા કરી. પણ હું કાઈ મિયો છું કે તલાક હહું એટલે માની લેવાનું? આટલા વર્ષ પછી તે કોઈ બીજી ડોસી થોડી કવાય? ના,ના એ બને જ નહિ. હું એને સોરી કહીશ અને ….અને  બસ આખે રસ્તે દાદાજીના લવારા ચાલુ જ રહ્યા.

‘પિન્ટુ દીકરા, ફ્લોરિસ્ટની દુકાન પાસે કાર ઉભી રાખજે મારે એક જયમાલા અને એક મોટો બુકે-કલગો કજલીને આપવો છે.’

દાદજી બેન્ક્વેટ હોલમાં પ્રવેશ્યા. દ્વાર પર દાદીમા બધાનું સ્વાગત કરતા હતાં. દાદાજીને જોયા. દાદાજીનો હાથ પકડી લીધો. દાદાજીની આંખના ખૂણામાં અશ્રૂબિંદુઓ ઝળકતા હતાં. દબાયલા અવાજે બોલ્યા. “કજલી, આઈ એમ સોરી.”

પિન્કીએ ખુલાસો કર્યો. ‘દાદાજી દાદીમા દિવસમાં ત્રણ વાર તમારી કાળજી માટે મને ફોન કરતા હતા. આતો કાવ્યસંગ્રહનું કામ ચાલતું હતું અને તમે બુમાબુમથી એમને ડિસ્ટર્બ ના કરો એટલા માટે અમે બધાએ તમને ડિવૉર્સને બહાને મારે ત્યાં રોકી રાખ્યા હતા.’

દાદીમા દાદાજીને હાથ પકડીને સ્ટેજ પર લઈ ગયા. દાદાજીએ દાદીમાને લાવેલી જયમાલા પહેરાવી, મોટો બુકે આપ્યો.

ના દાદીમાના લગ્ન ન હતા. એમના કાવ્ય સંગ્રહનું લોકાર્પણ હતું. કાવ્ય સંગ્રહ “મારા કાનાને” અર્પણ થયો હતો. તલાક, ડિવૉર્સ પ્રેમાશ્રુમાં વહી ગયા.

ગુરુદક્ષિણા

ગુરુદક્ષિણા

KidneyDonationx

‘ડોક્ટર, મારી કિડની બરાબર છેને? કોઈ પ્રોબ્લેમ તો નથીને?’

‘બેન, હું તો તમારો સ્ટુડન્ટ.  મને ડોક્ટર ના કહેવાનું. માત્ર અંકિત પૂરતું છે. અત્યારે હું જે છું તે આપના શિક્ષણ અને શુભાશિષને આભારી છે.’

‘ના ડોક્ટર. તમે અત્યારે જે હાંસલ કર્યું તેમાં ગુરુ સ્થાને રહેલા તમારા માબાપથી માંડીને અનેક શિક્ષકો  અને પ્રોફેસરોનો ફાળો છે. હું તો માધ્યમિક શાળાની એક શિક્ષિકા . મારું પ્રદાન તો ઘણું જ અલ્પ. તમારી સફળતાની યશનો કલગો તો તમારી બુદ્ધિમતા અને મહેનતનો કહેવાય. ભાઈ અંકિત. હવે તમે વિદ્યાર્થી નથી રહ્યા. ડોક્ટર છો. હું તમારી શિક્ષીકા નથી રહી. નિવૃત્ત ગૃહિણી જ છું. અત્યારે તો તમારી પૅશન્ટ છું.’

સરોજ બેન નામાંકિત કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત પટેલ સાથે પોસ્ટ કન્સલ્ટિંગ વાતો કરતાં હતાં.

વાત સાચી જ. સરોજબેનના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓ ભણી ચૂક્યાં હતાં. કેટલાક વિદ્યાર્થીઓ આવતા, પોતાની ઓળખ આપતા; સ્મૃતિના દ્વાર ખોલતા. પણ ટુંકા પાટલૂન ફ્રોકમાં જોયલા અને  હવે બદલાયલા પોષાક અને પુખ્ત ચહેરાઓનો માનસ પટપર મેળ બેસાડવો અઘરો પડતો. સરોજબેન ભૂતકાળના વિદ્યાર્થીઓ તરફનું સૌજન્ય ચૂકતા નહીં.

આવું જ બન્યું  હતું. જ્યારે સરોજબેન પોતાની કિડની સ્વાસ્થ અંગે સલાહ લેવા ડો.અંકિત પટેલ પાસે આવ્યા હતાં. સરોજબેનને તો ખ્યાલ પણ ન હતો કે ડોક્ટર અંકિત પટેલ કોઈક વખતે એનો. સ્ટુડન્ટ હતો. એમને એક્ઝામિનિંગ રૂમમાં જોતાં વાંકો વળી પગે લાગ્યો હતો ત્યારે જ ખબર પડી કે અંકિત એનો વિદ્યાર્થી હતો. થોડો ભૂતકાળ વાગોળાયો. સરોજબેનના  બ્લ્ડ, એક્ષરે, સોનોગ્રામ એમ.આર.આઈ. વગેરે લેવાયા હતાં

આજે રિપોર્ટની વાત કરવા આવ્યા હતા.

‘ડોક્ટર, મારી કિડની બરાબર છેને? કોઈ પ્રોબ્લેમ તો નથીને?’

‘તમારી હેલ્થ અને કિડની બીલકુલ સ્વસ્થ અને નોરમલ છે. કશી જ ચિંતાનુ કારણ નથી. શું કોઈ ડોક્ટરે તમને ગભરાવ્યા હતા. કોઈએ રિફર કર્યા હોય એવું પણ તમે જણાવ્યું નથી.’

‘ડોક્ટર મારાથી કોઈને એકાદ કિડની આપવી હોય તો આપી શકાય એટલી સ્વસ્થ તો છે ને?’

સરોજબેન સાથે આજના દિવસની આ છેલ્લી એપોઈન્ટમેન્ટ હતી. હાઈબેક ચેરમાં આરામથી અઢેલીને બેઠેલા ડોક્ટર અંકિત એકદમ ડેસ્ક પર હાથ પ્રસારી આગળ આવી ગયા.

‘બહેન કોને આપવાવાની છે? શા માટે આ ઉમ્મરે આવું જોખમ, કોને માટે લઈ રહ્યા છો.’

‘છે એક સ્વજન. મારી ગુરુ. એ મારી ગુરુ. હું એની ગુરુ. મારે એને ગુરુ દક્ષિણા આપવાની છે.’

‘બેન, સમજાય એવી સ્પષ્ટ વાત કરોને?’

‘ભાઈ  તમને ખબર ન હોય. મારા ઘરમાં માળ પર મેથ્યુ પરમાર આજે પચ્ચીસ વર્ષથી ભાડે રહે છે. લગ્ન કરીને મારી નજર સામે સંસાર માંડ્યો હતો. એક સરસ દીકરીનો જન્મ થયો. દીકરી મારું રમકડું બની ગઈ. મેં એને બાળાખડી શીખવી. શબ્દો શીખવ્યા, વાંચતા લખતાં મારી પાસે જ શીખી. મોટી થઈ. સમજતી થઈ. નાનું મોટું કઈ પણ જાણતી હોય તો પણ, વાત કરવા, શીખવાનું બહાનું બતાવીને મારી પાસે આવી અડિંગા નાંખે.’

હું કહેતી  ‘હું તો ટીચર છું તારા દરેક પ્રશ્નના ઉત્તર દીઠ ગુરુ દક્ષિણા આપવી પડશે. એ મને વળગી પડતી. ફ્રોકના ગજવામાંથી એક ચોકલેટ કાઢી મારા મોમાં મુકી દેતી. “લો આ તમારી આ ગુરુદક્ષિણા.” એ બાર વર્ષની ઉમ્મર સૂધી હું એની પ્રેમ દક્ષિણા લેતી રહી.’

‘હું નિવૃત થઈ. સમય પસાર કરવા કોમ્પ્યુટર વસાવ્યું. પણ કાંઈ સમજ પડે નહીં. બાર વર્ષની લાડલી ઉપરથી દોડતી આવે અને ફટ ફટ સમજાવીને દોડી જાય. હું અકળાઉં. પ્લીઝ જરા બરાબર સમજાવી જાને દીકરી.’

‘આઈ એમ નોટ દીકરી. આઈ એમ ટિચર, યોર ગુરુ. વન ટાઈમ ટ્યુશન ફ્રી. હવે એવરી ટાઈમ તમારે ગુરુદક્ષિણા આપવી પડશે.’

‘બસ આઈસ્ક્રિમ, ચોકલેટ ઉડાવતી  થઈ ગઈ. ઘરના બહારના ફરસાણ અને જંકફૂડ ભાવતી ગમતી વસ્તુઓ પણ મને પટાવીને ગુરુદક્ષિણા તરીકે ઉઘરાવતી થઈ ગઈ. મારા લગ્નના પહેલા જ વર્ષે લગ્ન વિચ્છેદ થયો હતો. બસ આખી જીંદગી બાળકો સાથે ગાળી. અને નિવૃત્તિની એકલવાયી જીંદગીમાં પ્રભુએ મેરીને મોકલી.’

‘અચાનક વર્ષ પહેલાં મેરી માંદી પડી. છ મહિના પહેલા ખબર પડી કે કિડની ફેલ થઈ રહી છે. ભાઈ અંકિત એ તમારી જ પેશન્ટ છે.  અમને તો ખબર પણ ન હતી કે તમે મારા વિદ્યાર્થી છો. મેરી પરમાર એનું નામ છે. મારી કિડની એની સાથે મેચ થશે ને?  ડોક્ટર સાહેબ વધુ મોડું થાય તે પહેલાં મારી એક કિડની ટ્રાન્સ્પ્લાન્ટ કરી દો ને.! છેલ્લી ઘડી સૂધી રાહ જોવાની શી જરૂર!’

સરોજબેનની આંખો વહેતી હતી. ડોક્ટર અંકિતે પણ સ્વસ્થતા પૂર્વક આંખના ભીના ખૂણા સાફ કરી લીધા. સામેના કોમપ્યુટરના મોનિટર સ્કીન પર આંગળા ફર્યા. એક ચહેરો નામ સાથે ઉપસી આવ્યો.

‘બેન આ જ મેરી પરમારની વાત કરો છો?’

મારી વ્હાલી કોમપ્યુટર ટિચર. બચી જશે ને? ઘણી બધી ગુરુદક્ષિણાનું દેવું મારા માથા પર ચડી ગયું છે.’

સરોજબેન ભાવાવેગમાં બોલતા જ રહ્યા. એમને ખ્યાલ પણ ન રહ્યો કે ડો.અંકિત એની વાત સાંભળવાને બદલે  કોમપ્યુટર સ્ક્રિન પર આંગળા  ફેવ્યા કરતાં હતા. અનેક ચિત્રો ઉપસતાં હતાં. આંકડાઓ ઉપસતાં હતાં અને બદલાતાં હતા. છેવટે-

ડોક્ટરે સરોજબેન તરફ નજર માંડી.

‘હંમ; તો બહેન તમે શું કહેતાં હતાં? શું પૂછતાં હતાં? સોરી મારું ધ્યાન ચૂક્યો હતો. એક વાર તમારા ક્લાસમાંયે ધ્યાન ચૂક્યો હતો અને તમે પ્રેમથી મને ઠપકાર્યો હતો.’

‘સોરી, ભાઈ તમે તો કંઈ અગત્યના રિપોર્ટમાં વ્યસ્ત હતા અને હું બોલબોલ જ કર્યા કરતી હતી. હું પૂછતી હતી કે મારી કિડની કામ લાગશેને? કેટલો ખર્ચો થશે? જે થાય તે. પરમારને કહેતા નહીં. બિચારાને ના પોષાય. હું જ આપી દઈશ.. કિડની મેચ થાય છે ને?’

‘હા.’

‘ઓપરેશન ક્યારે કરવું પડશે?’

‘પરમ દિવસે.’

‘મેરીને ક્યારે હોસ્પિટલમાં દાખલ કરવી પડશે?’

‘આવતી કાલે.’

‘મને પણ કાલે જ દાખલ કરશો?’

‘ના.’

‘તો ક્યારે પરમ દિવસે જ મારે દાખલ થવું પડશે?’

‘ના.’

‘તો ક્યારે, આજે જ?’

‘ના. તમારે હોસ્પિટલ આવવાની જરૂર જ નથી. મેરીને તમારી કિડનીની જરૂર નથી. એને કોઈની કિડનીની જરૂર નથી. મેં એને કહ્યું જ નથી કે એને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. તમે બીજાની વાતોથી ગભરાયા છો. એની એક કિડનીમાં ઈન્ફેક્શન છે. એ થોડું પ્રસ્રર્યું પણ છે. લેપરોસ્કોપીથી એનો ઇન્ફેક્ટેડ પોરશન કાઢી નાંખીશું. સી વિલ બી ઓલ્રાઈટ.’

‘થેન્સ ગોડ.  ડો.અંકિત, ભાઈ; અંકિત, દીકરા અંકિત પ્રભુ તારું કલ્યાણ કરે.

ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે?’

અંકિતે કી બોર્ડ પર આંગળા ઠોક્યા. કોમપ્યુટર મોનિટર સરોજબેન તરફ ફેરવ્યું. આટલો ખર્ચો.

મેરી પરમાર

ટોટલ ફીઝ એન્ડ બેલેન્સ …..રૂ. ૦.૦૦

કોણે કોને ગુરુ દક્ષિણા આપી?

GuruPurnima

**************

પ્રતિભાવમાં પ્રજ્ઞાબેન જુ. વ્યાસ સરસ વાત જણાવે છે

 

ખરી ગુરુદક્ષિણા
બાકી કીડની વેચાય અને તેની આંતરરાષ્ટ્રિય ધોરણે ચોરી થાય
પ્રચારમા મદદ કરવા વિનંતિ કીડની -1
‘સાંભળો શરીર શું કહે છે?’ – શરીર પહેલા તો આપ સૌને નવા વર્ષની શુભકામના પાઠવે છે! આપ શરીરની વાતો સાંભળી, અમલ કરી, સારી તંદુરસ્તી પામો એ જ પ્રાર્થના!
ફેન્ટાસ્ટીક વોયેજ જેવી માનસિક સબમરીન આપણે બનાવી. એ ફિલ્મમાં સબમરીન થોડો સમય જ ટચુકડી રહી શકતી અને એટલા સમયમાં કામ પૂરું કરવું પડતું. આપણે પણ એવી સમય મર્યાદામાં રહી લોહીની નદીઓમાં ફરી રહ્યા છીએ અને લોહીના બધા કણ સાથે વાત કરી. હવે આપણે સફરની મજા લઈએ. જે લોકોએ રોલર કોસ્ટર ની મજા માણી હશે એ જાણતા હશે કે ઉપર જતી વખતે રાઈડ થોડી ધીમી હોય છે – ખાસ કરીને અંત ભાગમાં. છાતી તરફ પહોંચતા લોહીનું પણ એવું જ થાય છે। પણ પછી શ્વાસ અંદર લેતા પહેલા જે શૂન્યાવકાશ સર્જાય છે તેથી લોહી હૃદયમાં ઝડપથી પાછું ફરે છે. હૃદયને તો આપણે મળી લીધું છે. એટલે હવે લોહી બીજે ક્યાં લઇ જાય છે તે જોઈએ. ડાબા હૃદયમાંથી એકદમ ધસમસતી સફર શરુ થઇ – જાણે રોલર કોસ્ટર નો છેલ્લો મોટો કૂદકો! છાતીમાં ગોળ ફરીને અમે પેટમાં પહોચી ગયા – પેટના પાછળના ભાગમાં મુઠ્ઠી જેટલા 2 અવયવો શરીરના સફાઈ કામદાર છે. ચાલો, આજે આપણે કીડની સાથે વાત કરીએ.
2હું: આવો કીડનીજી – અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે.તમારા વિષે પ્રાથમિક માહિતી આપો.
કી: તમે કહ્યું એમ અમે પેટના પાછળના ભાગમાં આવેલા મુઠ્ઠીભર બે અવયવો છીએ. અમારો આકાર ખાવામાં વપરાતા લાલ બિન જેવો કે વાલ જેવો છે. લીવરની નીચે હોવાને લીધે મારું જમણું અંગ થોડું નીચું છે. અમારા વાઈટલ સ્ટેટસ છે – 12*6*4 સે.મી. અને વજન લગભગ 150 ગ્રામ. રીનલ આર્ટરી અમને લોહી પૂરું પાડે – હૃદયના ધબકારા માંથી 20% લોહી દર વખતે અમને મળે છે – અને લોહીમાંથી અમે બનાવેલો પેશાબ યુંરેટર દ્વારા યુરીનરી બ્લેડર માં પહોંચે.
અમારા શરીરના કાર્યક્ષમ અંગને નેફરોન કહેવાય છે. દરેક કિડનીમાં લગભગ 10 લાખ નેફરોન છે. દરેક નેફરોનના બે મુખ્ય ભાગ છે – ગ્લોમેરુલસ જે ચારણી નું કામ કરે છે જેથી લોહીનું પ્રવાહી એમાં વહે અને ટ્યુબ્યુલ જેમાં પ્રવાહી/ક્ષાર પાછા એબસોર્બ કરવામાં આવે. રોજ લગભગ 200 લીટર પ્રવાહી અમારી ચારણી માંથી પસાર થાય અને મોટાભાગનું પ્રવાહી અને જરૂરી ક્ષાર અમે પાછા લઇ લઈએ – ફક્ત દોઢ થી બે લીટર જેટલું પેશાબ તરીકે બહાર ફેંકાય.
હું: એટલે આ નેફરોન પરથી તમારી ઘણી બીમારીઓના નામ પડ્યા છે – જેમકે નેફ્રાઈટીસ અને નેફ્રોટીક સિન્ડ્રોમ.
કી: હા, અમારું ગ્રીક નામ છે નેફ્રોસ અને એટલે અમારી સારવાર કરનાર તબીબને તમે નેફ્રોલોજીસ્ટ કહો છો। આપણી ભાષામાં અમને મૂત્રપિંડ અથવા ગુર્દા પણ કહેવાય છે. અમારું લેટીન નામ છે રીનીસ જેના પરથી આવ્યું રીનલ. રીનીસ નો અર્થ થાય છે લગામ. આદિકાળ માં પશ્ચિમી સંસ્કૃતિમાં અમને વૃત્તિઓ પરની લગામ ગણવામાં આવતી!
હું: વાહ, વાહ! તો હવે તમારા કાર્યો વિષે જણાવો.
કી: આમ તો અમારા ઘણા કાર્યો છે – પણ બધા એટલા જાણીતા નથી.
1. અમારું અગત્યનું કામ છે શરીરમાંથી કચરો સાફ કરવાનું જે વિષે લગભગ બધાને ખબર હોય છે. ખોરાકમાંથી મળેલા કે શરીરમાં બનેલા નકામાં કે ઝેરી પદાર્થો શરીરને નુકસાન પહોચાડી શકે એટલે અમે એવી વસ્તુઓને પેશાબ વાટે બહાર ફેંકી દઇયે .
2. પાણી અને ક્ષાર ના સમતોલનની જાળવણી – અમે અમારા શરીરની જરૂરીયાત પ્રમાણે પાણી અને ક્ષારને સાચવીએ અથવા બહાર કાઢીએ. ઘણા લોકો અમુક દિવસે બહુ મીઠુ ખાય અને પછી ઉપવાસના દિવસે બિલકુલ બંધ કરી દે કે પ્રવાહીની માત્રા માં બહુ ફેરફાર હોય પણ અમે સામાન્ય રીતે એ બધાને પહોચી વળીયે. પાણી ની સાથે સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેનું સમતોલન અમે જાળવીએ જેથી લોહીની ઘનતા એક પ્રમાણમાં જળવાઈ રહે.
તે ઉપરાંત શરીર જયારે આરામ કરતુ હોય ત્યારે અમે વધારે તીવ્ર – ઓછા પાણી વાળો પેશાબ બનાવીએ જેથી પેશાબની માત્ર ઓછી રહે અને વારે વારે ઊંઘમાં ખલેલ ના પડે.
3. એસીડ-બેઈસ બેલેન્સ નું સમતોલન – શરીરના બધા અંગો બરાબર કામ કરી શકે એ માટે લોહીનું એસીડ-બેઈસ બેલેન્સ બરાબર સમતોલ રહે એ બહુ જરૂરી છે. એ અમે ફેફસા સાથે ભેગા મળીને કરીએ.
4. બ્લડ પ્રેશરનું નિયંત્રણ – અમે પાણી અને સોડીયમ કેટલું છોડવું એ નક્કી કરીને પ્રેશરનું નિયંત્રણ કરીએ. તે ઉપરાંત અમે રેનિન નામનું હોર્મોન બનાવીએ જે બ્લડ પ્રેશરના કંટ્રોલ માં અગત્યનો ભાગ ભજવે.
5. લાલકણ ના ઉત્પાદન પર પ્રભાવ – અમે શરીરને ઓક્સીજન ઓછો પડે તો એરીથ્રોપોયેટીન નામનું હોર્મોન બનાવીએ – જેને કારણે બોન મેરો લાલકણ બનાવે.
6. હાડકા અને શરીરના અનેક અવયવો માટે જરૂરી એવા વિટામીન ડી નું અમે એક્ટીવ રૂપ બનાવીએ.
7. શરીરમાં ખાંડ નું પ્રમાણ ઘટે તો અમે પણ લીવર ની જેમ ગ્લુકોઝ બનાવીએ.
હું: તમારા કાર્યો તો ખરેખર અટપટા અને વિવિધ છે.ઘણી વખત તમે અટકી જાઓ ત્યારે જ ખ્યાલ આવે કે તમે આટલા બધા કામ કરતા હતા!
કી: એ તો છે જ. ઘણા અવયવોની કાર્યશક્તિ વિષે બધાને ખ્યાલ નથી હોતો. પણ કુદરતે અમને ભરપુર અને જરૂરતથી ખૂબ વધારે ક્ષમતા આપી છે. એનો ફાયદો એ છે કે થોડો ઘણો બગાડ હોય તો પણ અમે અમારું પૂરું કામ કરી શકીએ. નુકસાન એ છે કે 70% થી વધુ બગાડ ન થાય ત્યાં સુધી કોઈને કઈ ખબર પડતી નથી. ઘણા લોકોને તો અમારું કામ 90% થી ઓછું થઇ જાય ત્યારે જ ખ્યાલ આવે છે કે અમારો પણ ખ્યાલ રાખવો જોઈએ અને કમનસીબે ત્યારે બહુ મોડું થઇ જાય છે!
હું: તો હવે એ કહો, કે તમારી તકલીફોના મુખ્ય લક્ષણો કયા છે?
કી: લક્ષણો કયા છે એ અમારો રોગ કયો અને કેટલી ઝડપથી આગળ વધે છે એના પર નિર્ભર છે. તે ઉપરાંત અમને અસર કરતા પરિબળ લોહીમાં હોઈ શકે, અમારા શરીરમાં હોઈ શકે કે અમારી બાદ યુરેટર કે પેશાબ ની કોથળીમાં હોઈ શકે.
પણ અમારું મુખ્ય કામ યુરીન/પેશાબ બનાવવાનું છે એટલે મોટા ભાગના લક્ષણો એની સાથે જોડાયેલા છે.
જયારે અમને ઓચિંતી બહુ તકલીફ પડે તો અમારું કામ ખોરવાઈ જાય અને એને કારણે પેશાબ એકદમ ઓછો થઇ જાય કે તદ્દન બંધ થઇ જાય. આવા કેસમાં રોજના દોઢ-બે લીટરની જગ્યાએ અમે 300 એમ એલ થી ઓછો પેશાબ બનાવી શકીએ. આને એક્યુટ રીનલ ફેઈલ્યર કહેવાય અને તે વખતે અમારી અને શરીરની ખૂબ કાળજી રાખવી પડે. એનાથી વિપરીત અમારી ક્રોનિક તકલીફોમાં અમારી તીવ્રતા વધારવાની શક્તિ પર અસર થાય છે જેને લીધે કોઈ વાર વધુ પડતો પેશાબ થાય છે – ખાસ કરીને રાતના.
પથરી જેવી તકલીફોમાં અસહ્ય પેટનો દુખાવો થઇ શકે. આ દુખાવો શરીરને બેવડ વાળી નાખે એવો હોય છે. અમારી અંદર રહેલી પથરી ઘણી વાર શાંત બેસી રહે છે પણ તે જો યુરેટર માં અટકે તો બહુ દુખાવો કરે છે. અમારી સીસ્ટમમાં ઇન્ફેકશન લાગે તો તાવ, ઉલટી વગેરે સાથે પેશાબમાં બળતરા થઇ શકે અને પેશાબમાં લોહી પણ જઈ શકે.
બ્લડ પ્રેશર સાથે અમારો સંબંધ કારણ-અસર (કોઝ-ઈફેક્ટ)નો છે. અમારા રોગમાં પ્રેશર વધે છે અને વધારે પ્રેશર અમને નુકસાન પહોચાડે છે. એટલે એ પછી એક વિષચક્ર બની જાય છે.
હું: તમારી તકલીફ વિષે જાણવા માટે કઈ તપાસ કરી શકાય?
કી: મુખ્ય છે લોહી, પેશાબ ની તપાસ અને ઇમેજિંગ.
લોહીમાં ક્રિયેટીનીન અને યુરિયાની તપાસ અમારી તકલીફ છે કે નહિ એનો ખ્યાલ આપે છે. પણ અમે આગળ જણાવ્યું તેમ, રોગ આગળ વધે પછી જ તે વધે છે. અમારા ક્રોનિક રોગમાં હિમોગ્લોબીન ઘટે છે અને ઇન્ફેકશનમાં શ્વેતકણ વધે છે. તે ઉપરાંત અમારો રોગ ખબર હોય તે પછી બીજી તકલીફ નિવારવા માટે લોહીમાં બીજી ઘણી તપાસ કરી શકાય જેમ કે સોડીયમ, પોટેશિયમ કેલ્શિયમ જેવા ક્ષાર, યુરિક એસીડ, પ્રોટીન વગેરે.
પેશાબની તપાસ ઘણી માહિતી આપી શકે છે. સાદી તપાસ ઉપરાંત ડાયાબીટીસ માં અમારી તકલીફ વહેલી પકડવા માટે માઈક્રાલ ટેસ્ટ કરી શકાય છે.
ઇમેજિંગ માં મુખ્ય છે સોનોગ્રાફી – એનાથી ઘણી માહિતી મળે છે. તે ઉપરાંત પેટના સાદા એક્ષ-રે, ખાસ ડાઈ ના ઇન્જેક્શન આપીને એક્ષ-રે કે સીટી સ્કેન કરવાથી પણ અમારા વિષે વધુ જાણવા મળે છે.
હું: આભાર કીડનીજી – તમારા વિષે પ્રાથમિક માહિતી આપવા બદલ.

બે થપ્પડ બે ચુમ્મા

બે થપ્પડ બે ચુમ્મા.

બે થપ્પડ ભેંસslepa

 

બાવીસ વર્ષ પહેલાની વાત છે.

નયનભાઈને બાવીશ વર્ષ પહેલા  જાન્યુઆરીની પહેલી તારીખે એટલે કે રાત્રે બારકલાક અને પાંચ મિનિટે એમના ઘરવાળા મહાકાયા કોકિલાબેને સવાસો મહેમાનોની પાર્ટીમાં એક જોરદાર થપ્પડ ચમકાવી દીધી હતી.

કારણ?

એક્ત્રીસ ડિસેમ્બરની રાતે બાર વાગ્યે  ન્યુ યર ઈવની પાર્ટીના નાચ ગાન થંભી ગયા. બેન્ક્વેટ હોલની લાઈટ બંધ થઈ ગઈ. અને બધા યુગલો એકબીજાને બકી કરવા ચોંટી પડ્યા. હવે તે સમયે કોકિલાબેન બાથરૂમમાં કોઈ  નયનભાઈની બહેનપણી સાથે નયનભાઈના રમુજી રોમેન્ટિક સ્વભાવની વાતમાં પડ્યા હતા. એમને સમયનો ખ્યાલ રહ્યો નહીં. લાઈટ ગઈ અને હેપ્પી ન્યુયર ના નારા સાથે પાછી આવી. અને નયનભાઈના યે બાર વાગી ગયા.

કોકિલાબેને આવીને જોયું તો નયનભાઈના હોઠ સાન્ડ્રાના હોઠ સાથે ચોંટેલા હતા. નયનભાઈ અને સાન્ડ્રાની આંખો બંધ હતી. નયનભાઈનો એક હાથ સાન્ડ્રાના નિતંબ પર અને બીજો હાથ,…..જવા દોને….ખાનગીમાં કહું તો બ્રેસ્ટ પર હતો. સાન્ડ્રા એના બોયફ્રેન્ડ સાથે આવી હતી. પણ એના બોયફ્રેન્ડને કોઈ સારી સબ્ટિટ્યુટ મળી ગઈ હશે કે કેમ પણ, એ ગાયબ થઈ ગયો હતો. અંધારું થયું ત્યારે નયનભાઈને તો એમ કે આતો મારી કોકિલા જ છે. પણ કોકિલાની જ સાઈઝ શેઈપમાં મોલ્ડથયેલી કો-વર્કર સાન્ડ્રાને વળગી પડ્યા હતા. ચુમ્માલીસી નયનભાઈને કંઈક સારું લાગ્યું હશે તે જાણ્યે અજાણ્યે સાન્ડ્રા વળગણને વળગી જ  રહ્યા.

દર વર્ષે તો એમને કોઈ ને કોઈ સિંગલ ફ્રેન્ડ હેપ્પી ન્યુ યરની બકી કરવા વાળી મળી જતી. પણ આ વખતે તો વાત જ જૂદી જ હતી. પહેલી જ વાર નયનભાઈ કોકિલાબેન  સાથે પધાર્યા હતા. ત્યારે આવું થાય?

કોકિલાબેન આવ્યા, નયનભાઈને જોયા, હાથ પકડીને ખેંચ્યા અને છૂટા પાડી ગાલ પર એક થપ્પડ જડી દીધી. હાથ પકડીને કારમાં ખેંચી ગયા. ઘરમાં એક રૂમમાં નયનભાઈ ફેંકાઈ ગયા. બિચારા જાણતા હતા કે બચાવ કરવાનો કશો જ અર્થ નથી. બસ મૂંગા રહ્યા.

નાના છોકરાને કોઈ ગુના માટે “યુ આર ગ્રાઉન્ડેડ” ફરમાવીને એક રૂમમાં બેસાડી દેવાય તેમ જ નયનકુમારને રૂમમાં મૂંગા મૂંગા બેસી રહેવું પડતું.  કોકિલાજીની જીભમાં, કોકિલના કંઠની મિઠાશની આશા થોડી રખાય? વાતવાતમાં નયનભાઈને દબડાવે.  બિચારા ગરીબડા નયનભાઈ હસી કાઢે. કોકિલાબેન દુર્ગા સ્વરૂપના થાય. જ્યારે આવું થાય ત્યારે તેઓ મજાકમાં કહેતા; “ડાર્લિંગ કુકુ, તમારો કલર, ચામડી અને સાઈઝ મહેસાણાની ભેંસ જેવો છે. પણ ભેંસની સ્થિતપ્રજ્ઞતા કેમ નથી તે જ સમજાતું નથી?”

આ કોમેન્ટ પછી. બારણા ઠોકાતાં, વાસણો અફળાતાં, ડિશોના ટૂકડા થતાં. આઠ દશ દિવસ અબોલા રહેતાં. નયનભાઈ ફરી મસ્કા મારી મારીને સલાહ કરતાં. દેવીજી બોલતાં થતાં

નયનભાઈ અને કોકિલાબેન કોઈ લગ્નમેળામાં મળ્યા હશે. પ્રેમ બ્રેમ જેવું કશું નહીં. જન્માક્ષર કે કુંડળી પ્રમાણે નયનભાઈને મંગળ અને કોકિલાબેનને શની. અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શની હંમેશા દબાવે. નયનભાઈનું મુખાર્વિંદ કોઢના કારણે ઊજળું ઊજળું. વળી એ સામે જોતા હોય પણ એમનો ડોળો ગલીમાં હોય. ખબર જ ન પડે કે એ કઈ સુંદરી સામે જૂએ છે અને કઈ બ્યુટીને હૈયામાં સમાવે છે. નયનભાઈ પાછા રંગીલા સ્વભાવના. બધી છોકરીઓના વ્હાલા. છોકરીઓના ટોળામાં બેસીને મજાની વાતો કરે. પોતાની જાત પર અને આંખ પર હસતાં હસાવતાં રહે. પણ માણસ ભલે મજાનો હોય ઉજળો અને એન્જીનીયર થયેલો હોય એનો અર્થ એવો થોડો કે એને હસબન્ડનું લેબલ મારી શકાય! સિલેક્શન ઇલેક્શનમાં થોડા વર્ષો વેડફાઈ ગયેલા.

કોકિલાદેવીનું પણ એવું જ. રંગ રૂપ બરાબર કોકિલા જેવો જ. અવાજ નહીં. કોઈ કાળી હોય તેને કાગડી થોડી કહેવાય? જરા શરીર વધેલું હોય તેને ભેંસ થોડી કહેવાય. એમતો કોકિલાબેન પણ નર્સિંગનું ભણેલા. પણ “ભાઈને કોઈ દે નહીં અને બાઈને કોઈ લે નહીં” એવો ઘાટ હતો.

લગ્નમેળા આયોજકોએ બન્નેને સમજાવીને જોડી દીધા.

ગમા અણગમા, લડતાં લવ કરતાં સંસારનો ખટારો ચાલતો હતો. નયનભાઈ સહનશીલ અને મોટા દિલના માણસ.

પણ આ વખતે નયનભાઈને ખૂબજ લાગી આવ્યું. લાગે જ ને! એની જગ્યાએ તમે કે હું હોઈએ તો આપણને પણ લાગી આવે.  એઓ કાયમ કોવર્કર સાથે ભારતીય સંસ્કૃતિની બડાશ મારતા.  એમણે  કોકિલાબેન નું આજ્ઞાંકિત પ્રેમાળ પત્ની તરીકે સરસ ચિત્ર ઉપસાવ્યું હતું. સહકાર્યકર્તાઓએ ખાસ આગ્રહ કરીને કહ્યું હતું, નયન, ડોન્ટ કમ એલોન. બ્રીંગ યોર વાઈફ વીથ યુ. નયનભાઈને કોકિલાબેનના સાઈઝ, શેઈપ અને કલર સંકોચ હતો તેના કરતાં એના બોસી સ્વભાવની ચિંતા હતી; બાકી સાન્ડ્રા જેવી તો બે ત્રણ મહાકાયદેવીઓ કંપનીમાં હતી જ. એમને સંકોચ સાથે કંપનીની પાર્ટીમા લઈ ગયા હતા. અને એક થપ્પડ ખાધી. તમારા ઈન્ડિયામાં આવું ન બને, અમેરિકામાં તો ન બને તો નવાઈ.

વાંધો તો ગાલ પરની થપ્પડ નહીં પણ અહમ પર પડેલી લપડાકનો હતો.

 નિર્ણય થઈ ગયો. બસ મારે જ મૂંગા રહેવું છે. સદાકાળ માટેનું ધર્મપત્ની કોકિલાદેવી સાથે મૌનવ્રત.  જાણે  નયનભાઈને ભગવાને જીભ જ નથી આપી. પગારનો ચેક કિચન ટેબલ પર મૂકી દેવો. દેવીજી જે કાંઈ કહે તે સાંભળવું, જે આજ્ઞા થાય તે પાળવી. અને કોઈ કોઈ વાર ગૃહસ્થી તરીકે સહશયન સિવાયનો પતિધર્મ પણ બજાવવો, પણ બધું મૂંગે મોઢે. જોબ પરથી આવીને કિચનમાં જે કાઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લેવું. રોજ બે ત્રણ પેગ ચડાવી “પીધેલ” નામે આવડે તેવી કવિતાઓની ફેસબુક પર ઠોકાઠોક કર્યા કરવી.

નયનભાઈ ગોગલ્સ. ચડાવીને પ્રોફાઈલ ફોટા બદલ્યા કરે. બે લાઈન મારે કે કવિતાની બાર લાઈન. લાઈકના તો ઢગલા થાય. આ સિવાય એમની પ્રોફાઈલમાંથી બીજું કાઈ ન મળે.

એ “પીધેલ” ફેમસ થઈ ગયા. એમને પેગના નશા કરતાં “પીધેલ”ની પ્રસંશાનો નશો જબરો ચડ્યો.

એતો બસ ભૂલી જ ગયા કે ઘરમાં કોઈ કોકિલા નામની પત્ની છે.  હઠીલી, બીગ હેડ બીબી પણ સમજૂતી કરવા તૈયાર ન હતી. સાથે પણ સ્વતંત્ર જીવન વહેતું હતું. છૂટા થવાનો પણ સવાલ જ ન હતો.

એક વીક, એક મન્થ, અરે એક યર. એક બે વર્ષ નહીં પણ પૂરા બાવીસ વર્ષ આવી રીતે કોઈ પણ જાતના શારીરિક સ્નેહાવશ કે શાબ્દિક યુધ્ધ વગર વહી ગયા. જાણે બે જૂદા રૂમમાં જીવતાં સર્કસના ને જુદા જ એનિમલ હોય એવા થઈ ગયા. કોકિલાદેવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભેરવાઈ પડ્યા.

પાંસઠ વર્ષની ઉમ્મરે. નયનભાઈ નોકરીમાં નિવૃત્ત થયા. સહકર્મી જાડી, પાતળી, લાંબી, ટૂંકી, કાળી ધોળી, સૌ મહિલાઓએ આલિંગન આપી, બકીઓ કરી ભાવભીની વિદાય આપી. અને તેના પોસ્ટર સાઈઝના ફોટાઓથી એમના રૂમની દિવાલ શોભી ઊઠી.

કોમ્પ્યુટર પર લખવા વાંચવા પ્રેરણામૂર્તી માટે કંઈક જરૂરી હતું તે એક ગુગલ ઈમેજના મજબુત ભેંસના ફોટાથી પુરું કરી દીધું,

કોકિલા સ્વામિનારાયણ સત્સંગના પ્રભાવે સ્થિતપ્રજ્ઞ થઈ ગયા હતા. એમણે પણ “આઈ ડોન્ટ કેર”  ની નીતિ અપનાવી દીધી હતી. એક વાર પતિદેવ નયનજી બહુ ખાંસતા હતા. એમણે જરૂરી દવાઓ અને સૂચના ટેબલ પર મૂકી દીધી હતી. ઉધરસ મટી ગઈ. નયનભાઈએ થેન્ક્યુ કાર્ડ કિચન ટેબલ પર મૂકી દીધો હતો. એમ તો, મેરેજ એન્નીવર્સરી અને નયનભાઈની બર્થ ડે પર પણ કિચન ટેબલ પર મિષ્ટાન્ન-ફરસાણ ગોઠવાઈ જતાં, અને મૂંગા મૂંગા ભોજન લેવાઈ જતું.

એક દિવસ કોકિલાજીનો એક ફતવા જેવો નયનભાઈ માટે લેખીત ઓર્ડર કિચન ટેબલ પર મૂકી દીધો.  “હું ઘરની બહાર હોઈશ. થોડા સંતો અને ભક્તોને સામૈયા માટે આમંત્ર્યા છે. એમનો સત્કાર કરજો.”

આજ્ઞાપાલક પતિદેવ નયનભાઈએ પોતાનાથી બનતું બધું જ કર્યું.

સંતોની નજર એમના રૂમ પર પડી. આટલી બધી મહિલાઓ સાથેના એમના ફોટા, હારબંધ ગોઠવાયલી દારૂની બાટલીઓ જોઈને સંતો ભડક્યા. વ્યભિચારી, મદ્યપાનના વ્યસની પુરુષને આપવા જેવી અનેક શિખામણનો ઉપદેશ અપાયો. શિક્ષાપત્રી અને સંપ્રદાયની પુસ્તિકાઓ અપાઈ.

માનશો નહીં પણ નયનભાઈ પણ બદલાઈ ગયા. સત્સંગનો પ્રભાવ સરસ હતો. પર્ફેક્ટ બ્રેઈન વોશિંગ થઈ ગયું. બે દિવસમાં દિવાલ પરથી બધા પોસ્ટર નીકળી ગયા. ભેંસને બદલે ગાય માતાના ફોટા આવી ગયા.

સ્વામિનારાયણ મંદિરમાં વધુને વધુ સમય ગાળવા માંડ્યો. ફેસબુકપર પણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરવા માંડ્યું. લાઈક નંબર ઝીરોની નજીક પહોંચી ગયો.

**

આજે ગુરુપુર્ણિમાને દિવસે બાળકો અને યુવકોનો દિક્ષા સમારંભ હતો. જેમાં માત્ર પુરુષોની જ હાજરી હોય. કોણ કોણ દિક્ષા લેવાના હતા તેમના નામો પણ જાહેર થયા હતાં. ઘણાં સફેદ વસ્ત્રો ભગવા થવાના હતાં. આનંદનો અવસર હતો.

કોકિલાબેનનો ફોન રણક્યો.

અરે કોકિલાબેન નયનભાઈની દિક્ષા છે અને તમે આજે મંદિર સેવામાં આવ્યા નથી? તબિયત તો સારી છેને?

શું? વ્હોટ? નયન દિક્ષા?

હા હા નયનભાઈ સભામાં બેઠા છે. દૂરથી દર્શન કરીશું.

નયન દિક્ષા?

હા તમારી સાથે વાત નથી થઈ. અરે પત્રિકામાં નામ નથી વાંચ્યું?

ઓહ માય ગોડ?

…અને  કોકિલાબનની વોક્સ વેગન નેવુ માઈલની ઝડપે મંદિરના પાર્કિંગ લોટમાં પહોંચી….દોડ્યા…અરે! બેન આગળ ના જવાય, ના જવાય. સંતો બેઠા છે. મહિલાઓ માટે પ્રતિબંધીત એરિયા છે.  ના જવાય… પણ એ તો અનેક હાથો હડસેલી તોફાની સુનામીની જેમ ઘર્મસભામાં પહોંચી ગયા.  નયનભાઈ હાથ જોડી આંખો બંધ કરી બેઠા હતા.

આજે બાવીશ વર્ષ પછી છાંસઠ વર્ષના નયનભાઈને ધાર્મિક સ્થળે  બીજી  થપ્પડ પડી. હાથ પકડી, નયનભાઈને સેંકડો ભક્તોની હાજરીમાં ઘસડીને કારમાં નાંખ્યા.

નયનભાઈ અરે અરે કરતાં રહ્યા. મહાકાય કોકિલાબેને નયનભાઈને બેડમાં પછાડ્યા. અને એમની ઉપર બ્લાઉઝના બટન  ખોલી એમની કાયાથી નયનભાઈના વર્ષોના બ્રહ્મચારી દેહને અભડાવ્યો. કચડી નાંખ્યો.

નયનભાઈનું મૌન વ્રત તૂટ્યું. માંડ માંડ અવાજ નિકળ્યો. અરે કુકુ…આ ઉમ્મરે?

ચૂપ મરો. અને કોકિલાબેનના બે હોઠ નયનભાઈના હોઠોને કચડી રહ્યા હતા.

(હા હા તમે તો આ વાત ન જ માનો…કહેશો કે ઈમ્પોશિબલ. જો તમે કોકિલાબેનને મળ્યા હો તો તરત જ કહી દો કે એવ્રીથીંગ ઈઝ પોસિબલ.)