સૌજન્યઃ ફેસબુક મિત્ર

ફક્ત ભૂખ્યા રહેવાને રોજા નથી કહેતા.

साल भर भूख छुपाता रहा जो लोगों से…

आज वो फ़ख्र से बोला मेरा रोज़ा है…

રમજાનનો પવિત્ર માસ લગભગ અર્ધો થઈ ગયો છે. ચારેબાજુ અસહ્ય ગરમી અને લાંબા દિવસના હાયવરાપ સંભળાય છે. પણ પોતાની સહુલિયત માટે,પોતાના કમ્ફર્ટ માટે જ રાખવામાં આવે તેને રોજો નથી કહેતા. દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં 21કલાકનો દિવસ હોય છે. જ્યાં 55° તાપમાન સામાન્ય હોય છે. તેઓ ફરિયાદ વગર બંદગી કરી શકે છે તો આપણે કેમ નહીં? માત્ર 45°તાપમાનમાં રોજો રાખીને કોઇના પર અહેસાન કરતા હોય તે રીતનો વ્યવહાર વ્યાજબી ન જ ગણાય. તમે રોજો રાખો છો કેમ કે એ ફર્જ છે. તમે તમારી જાત પર અહેસાન કરો છો લોકો પર નહીં.. કે સાંજ પડતામાં ખોટો ગુસ્સો કરવો, ચીઢ કરવી એ જાયજ વાત નથી. ઉર્દુમાં એક શબ્દ છે “ફાકા” મતલબ ભૂખ્યા મરવું. ફાકા અને રોજામાં ફર્ક છે. પરિસ્થિતિના કારણે ભુખ્યા રહેવું તેને ફાકો કહેવાય.જેમાં અનિચ્છાએ ભૂખ્યા રહેવું પડે છે. અને સ્વેચ્છાએ ભૂખ્યા રહીને ઇબાદતમાં લીન થવું તેને રોજો કહેવાય છે. રોજા એ ઇસ્લામની પાંચ મૂળભૂત ફરજોમાંથી એક છે. દરેક તંદુરસ્ત ,અક્લમંદ સગીરવય વટાવી ચૂકેલા વ્યક્તિ માટે એ ફર્જ ( કમ્પલસરી) છે. રોજો એટલે માત્ર અન્ન-જળનો ત્યાગ કરવો એવુ નથી. રોજો એટલે શરીરના દરેક આઝા(અવયવ) દરેક ઇન્દ્રિયને કાબુમાં રાખવી. જો વ્યકિત રોજો રાખીને ગાળ બોલી શકતો હોય, જૂઠ બોલી શકતો હોય, પરસ્ત્રી પર ખોટી નજર નાંખતો હોય તો તેના રોજાનો કોઇ મતલબ નથી. એ માત્ર ભુખે મરે છે એવુ કહેવાશે. અમુક લોકો માટે રમઝાન એટલે ખાઇ પીને લીલા લહેર કરવાનો મહિનો. રોજ સોળ કલાક ખોરાક પાણીથી અલિપ્ત રહે તો એક મહિનાને અંતે લોકોનુ વજન ઘટવુ જોઇએ. પણ અમેઝીંગલી બટ નોટ સરપ્રાઇઝીંગલી..લોકોનું વજન વધી જતુ હોય છે. કેમ ? કારણ સાફ છે. બેફામ ખાવાનું. સુર્યાસ્ત થતામાં જ શૈતાન જાણે કેદમાંથી છૂટ્યો હોય તેમ દરેક વસ્તુમાં અતિશ્યોક્તિ.(અને દરેક અતિશ્યોક્તિ ઝેર બની જાય છે)

.
નોટ ફેયર.. રમઝાન એટલે ત્યાગ, બલિદાન, સેક્રીફાઇસ, કુરબાની. સાયન્ટીફીકલી પણ આખો દિવસ ભૂખ્યા રહીને તમારુ શરીર તમારુ સ્ટમક તમારી હોજરી એટલા હેવ્વી અને બેમાપ ખાવાને હજમ કરવા સક્ષમ હોતી જ નથી . સુકીભટ માટીમાં પાણી કે કંઈપણ રેડો તો શોષાઈ જ જાય તે સાદો નિયમ હોજરીને પણ લાગું પડે છે. જે ખાઓ છો તે બધું અનવોન્ટેડ કેલરીમાં રૂપાંતરિત થઈ જાય છે. શરીરને પાણીની જરૂર હોય છે ત્યાં બિનજરૂરી કોલેસ્ટેરોલનું ગોડાઉન બની જાય છે. ખરેખર રોજો રાખો છો તો નીતનવા વ્યંજનોની વાતો આવે જ ના. ઇસ્લામ તો સાદગીનો પર્યાય છે. ચાલો માન્યુ કે વ્યંજનો બનાવવા જોઈએ પણ અનાજનો બેફામ બગાડ કરવો કેટલી હદે યોગ્ય છે? એક અનઓફિશિયલ આંકડા મૂજબ ફકત ગુજરાતમાં એક માસમાં અનાજનો એટલો બગાડ થાય છે કે એટલા અનાજમાં ત્રણ આફ્રિકન દેશો એક મહિના સુધી ખાઈ શકે છે. જે ઇસ્લામમાં તમે જે ખાઓ છો એ જ પડોશીને ખવડાવવાનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવેલ છે. મહોલ્લામાં,ગામમાં કોઈ ભૂખ્યા ન ઉંઘે તેની કાળજી લેવાની વાત કહેવામાં આવી છે. તે જ ધર્મનાં અનુયાયીઓનો આ રીતનો અન્ન બગાડ એ આપણા માટે શરમજનક વાત છે. આજુબાજુના સિવિલ હોસ્પિટલમાં નજર કરો, પ્લેટફોર્મ પર નજર કરો, સ્ટેશનો પર નજર નાંખો.સેંકડો લોકો ભૂખ્યા જોવાં મળશે. બિનજરૂરી પકવાનો પોતાના પેટમાં ઠાંસવા કરતા પોતાના શરીરની જરૂરિયાત મુજબનુ ખાઈને ગરીબોની ભૂખ ભાંગવી એ પણ એક ઇબાદત જ છે. રમજાનમાં મુસ્લિમ ઘરોમાં બજેટ વધી જતા હોય છે. તેમાં થોડોક , સાવ નહીવત 200રૂપિયાનો કાપ મુકો તો 40 પેકેટ બિસ્કીટના આવી શકે છે. જે દવાખાનાઓમાં ટટળતા 40લોકોને કેટલી શાંતિ આપી શકે છે. થોડુ ફ્રુટ તેમની સેહતને કેટલો મોટો સહારો કરી શકે છે એ કોઇ મોટી કલ્પનાની વાત નથી. અને બીજી વાત કે બસ્સો રૂપટ્ટીના વડાપાઉં ગરીબોને વહેચીને તેમનાં ફોટા સોશિયલ મિડિયામાં મુકી હલકી પબ્લિસિટી મેળવવાની ભદ્દી મજાક કદી ન કરતા. ગુરબતને, ગરીબીને ક્ષોભજનક સ્થિતિમાં હરગીજ ન મૂકતા . દેખાડો કરવા માટે મદદ કરો છો તો એ મદદ મટીને ગરીબીની મજાક બની જાય છે . યાદ રાખો અઢી ટકા જકાત કાઢીને તમે જવાબદારી મુક્ત નથી થઈ શકતા. એ માત્ર ફર્જ અદા કરો છો. અગર તમારી પાસે દૌલત છે તો કોઈપણ માનવના ઇલાજ માટે કોઇપણ મનુષ્યના ભણતર માટે ખર્ચ કરો જેને સદકા કહે છે. અને એ જ રમઝાનનો ખરો મહિમા છે.

.
અમુક ગામડીયાઓને લુંગીના બંધ બાંધવાના ઠેકાણા ન હોય. પણ ચાર પૈસા શું જોઇ લીધા,નવાબી માથે ચઢતી હોય છે. નવાબને શેહરીમાં તાજુ અને ગરમ ખાવાનું જ જોઇએ. તમે વહેલા ચાર વાગ્યે ઉઠો અને તમારી ઔરત બે વાગ્યાની ઉઠીને રસોડાના ઢસરડામાં લાગી જાય. તમે તો ખાઈ પીને ડકારીને સુઇ જાવ છો.અને એ બિચારી કપડા-વાસણમાં અને છોકરાવને સ્કૂલ મોકલવાની તૈયારીમાં લાગી જાય છે. તમારા પકવાનો બનાવવા બપોરની રસોડામાં બફાવવાનુ ચાલુ કરી દે છે. થોડો તો ખુદાનો ખૌફ રાખો યારો. તમારી ઔરત છે. ગુલામડી કે મશીન નથી. એનુ શરીર નહીં થાકતું હોય? એને આરામ નહીં જોઇતો હોય? આખો મહિનો માત્ર બે-ત્રણ કલાકની ઉંઘ? સવારે પેટ ઠોકીને શહેરી અને સાંજે કોથળા ભરીને ઇફતારી.. આ તે કેવો રોજો કરો છો ? નબી(સ.અ.વ.) માત્ર એકાદ ખજુર વડે શેહરી કરી લેતા. અને તમે?? રમજાન ઇબાદત માટે છે. અલ્લાહનુ જીકર કરવા માટે છે. આમ જલસા કરવા માટે છે જ નહીં.

.
આ તો ખાવાની વાત થઈ. પણ જેમ રાત માથે ચઢે તેમ અમુક યૂવાનોને શુરાતન ચઢે છે જાગવાનુ. જાગો ભાઇ,નમાઝ પઢો,કુરાન પઢો પણ બાઇક લઇને જોકરવેડા કરીને જાગવાનો કોઇ મતલબ નથી. એ તમારા રોજા પર પાણી ફેરવી દે છે. કોઇને પણ તકલીફ પહોચાંડવી એ ઇસ્લામમાં હરામ છે. ઇનફેક્ટ રસ્તે ચાલતા જતા હોય તો રસ્તામાંથી પત્થર, કાંટા હટાવો કે જેથી કોઈ વટેમાર્ગુને તકલીફ ન પડે. અરે કુતરુ સુતેલુ હોય તો તેની ઉંઘમાં ખલેલ ન પડે તેની તાકીદ કરવામાં આવી છે. અને તમે આમ બાઇક લઇને મોડીરાત સુધી વાનરવેડા કરો એ ઇસ્લામના વિરુદ્ધ વાત છે. મુસ્લિમ હોય કે બિનમુસ્લિમ કોઇને પણ તકલીફ પહોંચાડવાની ઇજાજત ઇસ્લામમાં નથી.

.
ન જાગી શકતા હોય તો ઉંઘી જવુ પણ એક ઇબાદત જ છે. ઇસ્લામ એક ઘર્મ માત્ર નથી. ઇસ્લામ ડીસીપ્લીન છે. ઇસ્લામ મેનર્સ છે. મુસ્લિમ તેના દેખાવ કે પહેરવેશથી ઓળખાવવાના બદલે તેના અખલાક, તેના મેનર્સથી ઓળખાવવો જોઈએ.

.
માત્ર ભુખ્યા રહીને “મે રોજો રાખ્યો છે”ની બડાંગો હાંકવાથી રોજો નથી થઈ જવાનો. એ તો ગરીબોને બારેમાસ થતા હોય છે.

.
થોડુ વિચારીએ, એકસાથે નહીં પણ થોડો થોડો બદલાવ લાવીએ .. અને ખરા રોજેદાર બનીયે…

-ઇરફાન સાથિયા

( from the pocket of पुरानी जींस #2016)