જિપ્સીની ડાયરી ૧૯૬૨ : બીજું પગલું

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Friday, April 23, 2021

૧૯૬૨ : બીજું પગલું

 અત્યાર સુધી ઘરમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય કે કંઇ મહત્વનું કામ કરવાનું હોય તો 

સૌ પ્રથમ અમે બાની રજા લેતા. ગુજરાતીમાં માતાને બા કે મા કહીને બોલાવાય, તેમ 

મરાઠીમાં બા માટે શબ્દ છે ‘આઈ’. અમુક પરિવારોમાં જ્યાં ઔપચારિકતા વધુ પાળવામાં 

આવતી હોય ત્યાં ‘આઇ સાહેબ’ અથવા ‘બાઈ સાહેબ’ કે સરળ એવો ‘બાઇ’ શબ્દ વપરાતો. 

મારા મોટા ભાઈ-બહેનો તેમને ‘બાઈ’ કહેતા, તેથી અમે પણ બાને બાઈ કહીને બોલાવતાં.  

આ વખતે પહેલી વાર મેં બાઇને મિલિટરીમાં જોડાવા અંગેના મારા વિચારની વાત કરી 

નહોતી. આ વિષય એટલો સંવેદનશીલ હતો કે તેની પ્રસ્તાવના બાઈ

પાસે કેવી રીતે કરવી તેની મને મુંઝવણ હતી. આપણા સમાજમાં મિલિટરીમાં જોડાવું એટલે 

હાથમાં માથું મૂકીને જવું એવી માન્યતા હતી. આપણા લોકસાહિત્યમાં આવી વાતો સઘળે લખાઇ છે. લોકશાયર ઝવેરચંદ મેઘાણીની ‘રસધાર’ વિ. જેવી શ્રેણીઓમાં આવો 

ઉલ્લેખ ઠેર ઠેર જોવા મળૈ છે.

બાઇ અનન્ય વિભૂતિ સમાન હતા. વિશ્વની દરેક માતા જેવાં. મારા પર તેમનો પોતાના 

પ્રાણથી પણ વધુ સ્નેહ હતો. મને સામાન્ય માંદગી આવે કે સાધારણ તકલીફ થાય તો બાઇ મને 

સારૂં થાય તે માટે સતત જાપ કરતાં. કેટલીયે વાર તેમણે મારા આરોગ્ય માટે શ્રી રંગ અવધૂતની 

‘દત્ત બાવની’ એક દિવસમાં બાવન વાર નકોરડા ઉપવાસ સાથે જપી હતી. મિલિટરીમાં જવાનો 

મારો વિચાર તેમને કેવી રીતે કહેવો તેની મને ચિંતા હતી.

બાઇને તેમનાં અંગત સ્વાસ્થ્ય અંગે પણ અનેક તકલીફનો સામનો કરવો પડતો હતો. એક તો 

તેમને સાવ ઓછું દેખાતું. તેમનો ચશ્માનો નંબર માઈનસ ૧૪ જેટલો ભારે હતો. આ જાણે 

ઓછું હોય, તેમ સાંભળવાની પણ તેમને જબરી તકલીફ હતી. તેમને સાવ ઓછું સંભળાતું. 

બુદ્ધિમાન હતાં તેથી lip reading અને અનુમાનથી બધું સમજી શકતાં. હું સવારે કામ પર  

વહેલો જતો અને આખો દિવસ બહાર રહેવું પડતું તેથી મારી સાથે તેમને વાત કરવાનો 

સમય રહેતો નહોતો. આથી રોજ સાંજે કામ પરથી આવ્યા બાદ હું તેમની પાસે અર્ધો – પોણો 

કલાક તેમના કાનની નજીક બેસી તેમને સંભળાય તે રીતે દિવસ દરમિયાન કોઈ રસપ્રદ 

અનુભવ આવ્યો હોય કે દિવસ કેવો ગયો તેનું વર્ણન કરતો. આવા જ એક દિવસે મેં 

બાને કહ્યું, ”બા, તમે તો જાણો છો કે ચીને ભારત પર હુમલો કર્યા બાદ દેશને મિલિટરી માટે સૈનિકો 

અને અફસરોની ખાસ જરૂર છે. મને મિલિટરીમાં ઓફિસરની જગ્યા મળે તેમ છે. તે માટેનો 

મોટો ઇંટરવ્યૂ આવવાનો છે. તમે રજા આપો તો જઉં.”

બાઇ પ્રાથમિક શાળાના કેવળ ચોથા ધોરણ સુધી જ ભણ્યાં હતાં, પણ લાઇબ્રેરીમાંથી હું 

લાવતો તે પુસ્તકો તથા અખબાર વાંચીને તેમનું જ્ઞાન અને રાજકારણ વિશેની જાગરૂકતા 

વિશેષ કક્ષાની હતી. ચીન સાથેના યુદ્ધની બાબતમાં તેઓ મારી સાથે ઘણી વાર વાત કરતાં. 

આ સમાચાર હજી પણ તાજા હતા, તેથી મારી વાત સાંભળી તેઓ એક ક્ષણ શાંત રહ્યાં. 

તેમની આંખ ભીંજાઈ આવી. મારા ખભા પર હાથ મૂકી તેમણે ગદ્ગદ્ સ્વરે કહ્યું, “ભાઈ, તારા વિચાર સાથે હું સંમત છું. સેનામાં જોડાવાની તારાશહેરમાં ફેલાયેલી  અંતરની ઇચ્છા હોય તો હું આડે નહીં આવું. મારો તો તું આધાર છે, તેમ છતાં દેશની 

સેવા કરવા માટે તું મોરચા પર જઈશ તો વીરપુત્રની માતા તરીકે મને ગૈારવની જ લાગણી 

થશે. તું ખુશીથી જા.”

મારા માટે આ ખરેખર પ્રેરણાદાયી શબ્દો હતા. જેના મસ્તક પર માના આશીર્વાદ હોય તેને 

બીજી કોઈ વાતની ચિંતા કરવાની જરૂર હોય ખરી?

હું હવે ‘મોટા’ ઇન્ટરવ્યૂના પત્રની રાહ જોવા લાગ્યો.

પ્રાથમિક ઇન્ટરવ્યૂ પછીના ત્રણ મહિના મારા માટે ખરી કસોટી સમાન નીવડ્યા. 

આ સમય દરમિયાન શહેરમાં ફેલાયેલી કેટલીક અફવાઓના આધારે ટલાક મિત્રોએ 

સાંભળેલી અફવાઓના આધારકેટલાક મિત્રોએ  મને મિલિટરીમાં ન જવા વિશે સલાહ આપી. 

રિલીફ રોડ પર આવેલ એક સિનેમા થિયેટરના મૅનેજરને ઇમર્જન્સી કમિશન માટે સિલેક્ટ 

કરવામાં આવ્યા હતા. તેઓ દહેરાદૂન ટ્રેનિંગ માટે ગયા હતા, પણ તેઓ સખત ટ્રેનિંગ જીરવી 

શક્યા નહીં. એક અઠવાડિયામાં જ તેઓ ઘેર પાછા આવી ગયા હતા. આવા જ સમાચાર મેં 

ગુજરાતમાંથી અફસરની ભરતી માટે ગયેલા અન્ય યુવાનો વિશે સાંભળ્યા. ઓફિસના કેટલાક 

લોકો તો એવું કહેવા લાગ્યા, ‘ભાઈ, આપણા લોકોનું આ કામ નહીં. મોટા ઉપાડે ઓફિસર 

બનવા જાવ તો છો, પણ પેલા 

સિનેમા મૅનેજરની જેમ અડધેથી પાછા આવશો તો કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહો! 

આવી વાતો ચાલતી હતી તેવામાં આર્મી હેડક્વાર્ટર્સનો પત્ર આવ્યો. 

મને જબલપુરના સર્વિસીઝ સિલેક્શન બોર્ડમાં અંતિમ સિલેક્શન માટે બોલાવવામાં આવ્યો હતો. 

પત્રની સાથે ઉપલા વર્ગનો રેલવે પાસ હતો.

અર્ધો જંગ જીત્યા જેવો અનુભવ થયો!

ઘર અને નોકરીમાં આરામદાયક સ્થિતિ હોય તો તે છોડીને અજાણ્યા ક્ષેત્રમાં ઝંપલાવવા માટે 

બહુ ઓછા લોકો તૈયાર થતા હોય છે. જે તૈયાર થાય છે, તેમને હતોત્સાહ કરી તેમના માર્ગમાં 

અડચણો ઊભી કરનારા લોકોની સમાજમાં કમી હોતી નથી. અણ્ણાસાહેબ જેવા નિ:સ્વાર્થ 

સજ્જન વિરલા જ હોય છે. તેમણે ફરી એક વાર મને હિંમતપૂર્વક આગળ વધવા પ્રેરણા આપી. 

બાઇના આશીર્વાદ મારી સાથે હતા. હવે મારો નિશ્ચય અડગ થયો. જબલપુર જવાનો હુકમ 

મળવાથી મારો ઉત્સાહ વધી ગયો.Posted by Capt. Narendra at 12:53 PM

જિપ્સીની ડાયરી ૧૯૬૨નું યુદ્ધ (૨) : પહેલું પગલું.

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, April 22, 2021

૧૯૬૨નું યુદ્ધ (૨) : પહેલું પગલું.

     ચીન સાથેના યુદ્ધનો આઘાત દેશે મહા મુશ્કેલીથી સહ્યો. તેની કળ વળતાં ઘણો

સમય નીકળી ગયો. અમારી દૃષ્ટિએ દેશ માટે આ સમય કપરો હતો. અમે મિલિટરીમાં

જોડાવાનું નક્કી કર્યું. મારી અંગત વાત કરૂં તો જીવનના આજ સુધીના પ્રવાસનું

વિહંગાવલોકન કરવાનો આ સમય હતો.

    જુના જમાનામાં આપણે ત્યાં સર્વ સામાન્ય માન્યતાઓની પાછળ તથ્ય શું છે તે 

જાણવાની ઉત્સુકતા ઓછી  હતી. અમારા જેવા સામાન્ય માણસોએ ‘આગે સે ચલી 

આ રહી હૈ’ના ન્યાયે જે કહેવા કે સાંભળવામાં આવતું, તેથી આગળ વધીને જાણવાનો 

પ્રયત્ન કરવામાં આવ્યો નહીં. આવું જ કંઈક મિલિટરીની બાબતમાં હતું.

     તે સમયે મિલિટરી એટલે વિશ્વયુદ્ધ માટે તૈયાર કરાયેલી સેના, અથવા દેશમાં ચાલતા 

તોફાન ડામવા માટે ‘માર્શલ લૉ’ લાગુ કરવા માટેનો ઉપાય. આ અમારી છેલ્લા વીસ 

વર્ષના અનુભવની વાત હતી. અમદાવાદમાં જ્યારે પણ કોમી હુલ્લડ થતા અને 

મિલિટરીને બોલાવવામાં આવતી ત્યારે શહેરના કોટ વિસ્તારમાં આવેલા સૌથી વધુ 

ખૂનખાર ગણાતા વિસ્તારમાં પણ ચકલુંયે બહાર ફરકી શકતું નહિ.  મિલિટરી એટલે 

ઘેરા લીલા રંગના યુનિફૉર્મ, માથા પર લોખંડના ટોપ, શરીરની આગળ પાછળ ફિટ 

કરેલી ‘કિટ બૅગ’  તે સમયે ‘કિટ બૅગ’ અને કમરપટા પર ફિટ કરેલા ‘pouches’ અને 

પીઠ પરના haversack વચ્ચેનો ફરક અમે જાણતા નહોતા) લગાડી, હાથમાં રાઈફલ, 

કમર પર બૅયોનેટ લગાડીને ‘જુઓ ત્યાં ઠાર કરો’ એવા ખુંખાર જવાનો – એવી સેનાની ધાક હતી. 

સાચું કહીએ તો અમારા મંડળમાંથી કોઈએ એન.સી.સી.ની ટ્રેનિંગ નહોતી મેળવી તેથી 

મિલિટરીમાં શું કરવાનું હોય છે તે વિષયમાં અમારા અજ્ઞાનનો ભંડાર વિશાળ હતો. 

અમે એ પણ નહોતા જાણતા કે મિલિટરીમાં ઇન્ફન્ટ્રી (પાયદળ), આર્ટિલરી (તોપખાનું), 

આર્મર્ડ કોર (ટૅંક), રેજિમેન્ટ ઑફ સિગ્નલ્સ, એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર જેવા જુદા 

જુદા વિભાગ હોય છે, અને દરેકનું કાર્યક્ષેત્ર, જવાબદારી અને પ્રશિક્ષણ જુદા જુદા હોય છે.  

‘સોલ્જર’ એટલે યુનિફૉર્મ પહેરી, હાથમાં રાઇફલ લઇ રણક્ષેત્રમાં જઇ દુશ્મનનો પ્રતિકાર 

કરનાર સૈનિક. તેમાં પણ હાથોહાથની લડાઇ કરીને વીરગતિ પ્રાપ્ત થતી હોય તો 

તેના જેવું મરણ કાશીનું પણ નહિ, 

એવો અમારો ખ્યાલ હતો. 

મિલિટરીના કૅમ્પમાં સિવિલિયનોને પેસવા નથી દેતા, અને કોઇ જાય તો તેની ખેર 

નથી રહેતી, આવા સેના વિશેના ખ્યાલ હોવાથી કોઇની કૅમ્પમાં જવા માટે હિંમત 

ચાલતી નહોતી. તેથી સૈન્યમાં ભરતી થવા અંગેની માહિતી મેળવવાનું મેં સ્વીકાર્યું. 

સદભાગ્યે તે સમયે મારાં મોટાં બહેન ભાનુબહેનનાં પતિ મધુકર કોરડે – જેમને અમે માનથી અણ્ણાસાહેબ કહેતાં, અમદાવાદમાં મિલિટરી એન્જિનિયરીંગ 

સર્વિસીઝમાં કાર્યરત હતા. એક દિવસ કૅમ્પમાં જઇ હું તેમને મળ્યો અને સેનામાં 

સિપાહીની ભરતી કેવી રીતે થાય છે તે પૂછ્યું. જ્યારે તેમને ખબર પડી કે મારા 

મિત્રોને અને મને સેનામાં ‘સોલ્જર’ તરીકે જોડાવું છે, ત્યારે તેમણે કહ્યું, “અરે, તમે બધા ગ્રૅજ્યુએટ છો તો ઑફિસરના પદ માટે શા માટે અરજી નથી 

કરતા? ટ્રેનિંગ તો સિપાહી અને અફસર બન્ને માટે સખત હોય છે. એક સરખી 

મહેનત કરવાથી તમે અફસર બની શકશો. ચીન સામેના યુદ્ધ બાદ સરકારે સૈન્યમાં 

વધારો કરવાની શરૂઆત કરી છે. તેમાં અફસરોની ખાસ જરૂર છે. તે માટે તેમણે 

એમર્જન્સી કમીશન્ડ આફિસર્સની ભરતી શરૂ કરી છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ આ 

પ્રકારની ભરતી પહેલી વાર થાય છે તો તમે આ તક ચૂકશો મા. આ માટેનું ફૉર્મ 

ભરો. સરકારે વય મયર્યાદા પણ ૩૦ વર્ષની કરી છે તેનો લાભ તમારે જરૂર લેવો 

જોઇએ. એટલું જરૂર કહીશ કે મિલિટરીમાં અફસરોનું સિલેક્શન ઘણું કડક અને 

અઘરું હોય છે, પણ તમને વાંધો નહિ આવે.”

અણ્ણાસાહેબની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. થોડા સમય પહેલાં અમારા 

મકાનની સામે એક મેજર સાહેબ રહેવા આવ્યા હતા. તેમનું ભવ્ય વ્યક્તિત્વ, 

કડક ઇસ્ત્રીનો યુનિફૉર્મ, ચળકતા પૉલિશ કરેલા બૂટ, યુનિફૉર્મના શર્ટના ડાબા ખિસ્સાની ઉપર રંગબેરંગી મેડલ – રિબન અને તેમનો દબદબો 

જોઇ અમારો આખો લત્તો અંજાઇ જતો. આ જાણે ઓછું હોય, સવારે તેમને લેવા 

જીપ આવતી, અને જેવા મેજર સાહેબ ઘરની બહાર નીકળતા, જીપનો ડ્રાઈવર 

અને તેમને લેવા આવેલ સિપાહી એક લયમાં પગ પટકી શિસ્તબદ્ધ સલામ કરતા 

તે જોઇ અમને થતું, મિલિટરીના અફસર કોઇ જુદી જ દુનિયાના માનવી હોય છે. 

આ મેજર સાહેબ જેવા પ્રભાવશાળી અને ભવ્ય વ્યક્તિત્વ વગર આપણને કોઇ 

અફસર તરીકે સિલેક્ટ કરશે? એટલું જ નહીં, આ સિલેક્શનનો વિધિ શું હોય છે 

તે વિશે પણ અમે સાવ અનભિજ્ઞ હતા. જો કે જનક રાવળ, વિરેન્દ્ર અને સિડની 

કસાયેલા શરીરના, જ્યારે હું એકવડિયા શરીરનો.  તેથી ઉંચાઇ, વજન અંગેની 

મિલિટરીની જરુરિયાતમાં ‘ફિટ’ થઇશું કે નહિ એવી દ્વિધામાં હું પડી ગયો હતો.

    મારી પોતાની વાત કરૂં તો મને એક વધારાની ચિંતા હતી. મારાથી નાની ત્રણ 

બહેનોમાંની બે બહેનોનાં લગ્ન ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનો મારો વિચાર નહોતો. 

મારી ઉમર અઠ્યાવીસ વર્ષનો થઇ હતી, પણ આ કારણવશાત્ મેં લગ્ન કર્યાં નહોતા. 

એક તરફ મારી ઉમર વધતી જતી હતી. એક રાષ્ટ્રીયકૃત નિગમમાં હું આસિસ્ટન્ટના 

પદ પર હું pen pushing કરતો હતો જેમાં હું સંતુષ્ટ નહોતો. મારે ગાડરિયા પ્રવાહમાંથી બહાર 

નીકળવું હતું. મહત્વપૂર્ણ જવાબદારીના કોઇ પણ ક્ષેત્રમાં મને પ્રવેશ મળે તો મારા 

પોતાના અને મારી આસપાસના લોકોના જીવનમાં થોડી ઉન્નતિ લાવી શકીશ એવો 

ગુરૂજનોના આશીર્વાદથી આત્મવિશ્વાસ કેળવ્યો હતો.

મારી અંગત રુચિ અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે હતી. અમારા સ્વર્ગસ્થ 

પિતાશ્રી અંગ્રેજી સાહિત્યના વિદ્વાન હતા. મેં સાંભળ્યું હતું કે હૅમ્લેટના સ્વગત 

passages અને મરચન્ટ ઑફ વેનિસની પોર્શિયાના કોર્ટમાં રજુ થયેલા સંવાદ 

બાપુજીને વૃદ્ધાવસ્થામાં પણ યાદ હતા અને છટાદાર રીતે તે બોલી સંભળાવતા. 

મારા ત્રણે મોટા ભાઈ અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી. આથી આ પારિવારિક વારસો મને પણ મળ્યો હતો. શક્ય હોત તો મારે અંગ્રેજી સાહિત્ય 

સાથે એમ.એ. કરવો હતો. જીવનમાં કરેલી અનેક ભૂલોમાંની એક તે આર્ટ્સને 

બદલે મેં કૉમર્સ પસંદ કર્યું હતું!  

ગુજરાતીમાં લખવા પ્રેરણા આપી હોય તો મોટાભાઈ રવીંદ્રએ. તેમણે માતૃભાષામાં 

લખવા પ્રેર્યો, કેમ કે તેમાં ભાવનાની અભિવ્યક્તિ સરળ હોય છે. તે પ્રમાણે મેં કેટલાક લેખ લખ્યા અને ‘નવચેતન’ના માલિક/સંપાદક સ્વ. ચાંપશીકાકા ઉદ્દેશીને મોકલ્યા. તેમને મારૂં લેખન ગમ્યું હતું અને તેમણે 

તે પ્રસિદ્ધ કર્યાં હતા,  ત્યાર પછી અમારા યુનિયનના મુખપત્રમાં કેટલાક અંગ્રેજી 

લેખ પણ પ્રકાશિત થયા હતા. સંજોગોને કારણે લેખન પ્રવૃત્તિ આગળ વધારી શક્યો નહીં. 

જીવનમાં નોંધપાત્ર કામ કરી છૂટવા માટે બીજા પર્યાય હોય છે એવી મને શ્રદ્ધા હતી, 

અને પ્રયત્ન ચાલુ હતા, તેવામાં ત્રીસીને આરે આવીને મારા જીવનનું વિહંગાવલોકન 

કર્યું તો મને સ્પષ્ટ જણાયું કે મારી કારકિર્દીને કોઇ દિશા નહોતી. મારા મનની ભાવનાત્મક 

સ્થિતિ અત્યંત દ્વિધા ઉપજાવનારી હતી. દેશ પ્રેમ, રાજકીય વિચારો અને આદર્શ મને 

મિલિટરીમાં ભરતી થવા માટે પ્રવૃત્ત કરતા હતા. અણ્ણાસાહેબે સહજતાથી કહ્યું કે હું 

અફસર બની શકીશ, તેથી મારા મનમાં આશા જાગી. ભાગ્ય સાથ આપે અને હું 

સેનામાં અફસર તરીકે સિલેક્ટ થઉં તો મારી મહેચ્છા તથા આદર્શ એક સાથે 

ફળીભૂત થઇ શકે તેવું હતું.

અણ્ણાસહેબે બીજા વિશ્વ યુદ્ધમાં ઈરાકના યુદ્ધક્ષેત્રમાં સેવા બજાવી હતી. તેમના 

અનુભવનો લાભ લેવા ફરી એક વાર તેમને મળવા કૅમ્પમાં ગયો. તે દિવસે તેમના 

મિત્ર સુબેદાર કુંજન તેમને મળવા આવ્યા

હતા. બન્નેએ મને ઘણી હિંમત આપી ને કહ્યું,  “નરેન, અત્યારે સેનામાં અફસરોની 

ભારે કમી છે. અફસરોના સીલેક્શન માટે શારીરિક સ્વસ્થતા અને પરિશ્રમ કરવાની 

ક્ષમતાની સાથે જે ચીજ પર ભાર આપવામાં આવે છે તે ‘Officer-like Quality’- OLQ- હોય છે. OLQમાં ઉમેદવારનું સામાન્ય જ્ઞાન, તેનું શિક્ષણ, સંસ્કાર, તેના પરિવારની સૈનિક પરંપરા, વર્તન, પ્રામાણિકતા 

અને વફાદારીની ભાવનાની સાથે સાથે નેતૃત્વશક્તિનો સમાવેશ થાય છે. તમારી 

પાસે OLQ છે કે નહિ તે ઇન્ટરવ્યૂ અને સર્વિસીઝ સીલેક્શન બોર્ડની બધી પરીક્ષાઓમાં 

વરતાઇ આવશે. અમે તો ખાતરીપૂર્વક કહીશું કે તને આ બાબતમાં વાંધો નહિ આવે. 

બાકી શારીરિક ‘ફિટનેસ’ માટે અત્યારથી વહેલી સવારે દોડવાનું અને કસરત કરવાનું શરુ કરો.”

મેં આ વાત મારા મિત્રોને કરી. અમે સૌએ ફૉર્મ ભર્યા અને ઇન્ટરવ્યૂની રાહ જોવા લાગ્યા

જિપ્સીની ડાયરી

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી ૧૯૬૨નું:યુદ્ધ (૧)

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Sunday, April 18, 2021

૧૯૬૨નું:યુદ્ધ (૧)

રાજકીય ક્ષેત્રે બદલાયેલી સ્થિતિ જોતાં ભારતના તે સમયના ચીફ ઑફ આર્મી 

સ્ટાફ જનરલ થિમય્યાએ NEFA – અરૂણાચલ પ્રદેશ તથા તેની આસપાસના 

રાજ્યો તે સમયે North East Frontier Agency નામે ઓળખાતા હતા, ત્યાંની 

સરહદ પર મજબૂત લડવૈયાઓની સેના – The Red Eagles  – 4 Infantry Divisionને 

મોકલવાનું નક્કી કર્યું. દુર્ગમ પહાડોમાં તેને મોકલવામાં આવનાર હતી તેથી તેનું નવું

નામાભિધાન થયું : 4 Mountain Division.

વર્ષોથી પંજાબની સરહદ પરના રણક્ષેત્રમાં યુદ્ધ કરવાનું પ્રશિક્ષણ પામેલી આ પંદર હજાર સૈનિકોની ડિવિઝનને પૂર્વી ભારતના હિમાલયના ક્ષેત્રમાં રવાના કરવામાં 

આવી. નિયમ પ્રમાણે બેઝ કૅમ્પમાં જતાં પહેલાં આ સેનાને ત્રણ તબક્કે ૧૫૦૦૦

ફિટની ઉંચાઈએ આવેલ રક્ષાપંક્તિમાં જવું જોઈએ. તેમાંનો પહેલો તબક્કો :

સૈનિકોને હિમાલયની સખત ટાઢમાં યુદ્ધ કરી શકાય તેવા હથિયાર આપી તેના

વપરાશ અને મેન્ટેનન્સની સઘન ટ્રેનિંગ ઉપરાંત દરેક સૈનિકને તેના અંગત હથિયાર

(રાઈફલ, સ્ટેન ગન, લાઈટ મશિનગન, મિડિયમ મશિન ગન, મૉર્ટર તોપ વિ.થી

ફાયરિંગમાં પાવરધા બને તેવા ગોળીબાર કરવાની પ્રૅક્ટિસ (જેને Range Firing

કહેવામાં આવે છે) આપવામાં આવે.

 આ એ જ ડિવિઝન હતી જેના અંબાલા ખાતેના વાસ્તવ્ય દરમિયાન તેના કમાંડર 

મેજર જનરલ બી. એમ. કૌલ હતા અને વડા પ્રધાનને ખુશ કરવા તેમણે આ સૈનિકો

પાસેથી યુદ્ધાભ્યાસને બદલે મજુરી કરાવી હતી.  આ યોદ્ધાઓના કમભાગ્યે તેઓ

શિલૉંગ પહોંચ્યા ત્યારે પંડિત નહેરૂએ કૌલને લેફ્ટેનન્ટ જનરલનું Out of turn પ્રમોશન

આપી તેમને પૂર્વ ભારતના પર્વતીય ક્ષેત્રની સેના IV Corpsના સેનાપતિ તરીકે કરી. નહેરૂની કદમબોસી કરનાર આ જનરલને અંબાલાના 

‘ઑપરેશન અમર’ના “સફળ” અભિયાન માટે સેનામાં નવું દાખલ ઉચ્ચતમ સેવા માટેનું સન્માન ‘પરમ વિશિષ્ટ સેવા મેડલ’ના પ્રથમ વિજેતા તરીકે અર્પણ કરવામાં 

આવ્યું હતું! ‘લાલ ગરૂડ’ સેનાના સૈનિકોને ભારતની પર્વતમાળાના રક્ષણ માટે

અગાઉ જણાવેલ ક્રમબદ્ધ induction (યુદ્ધ ક્ષેત્રમાં સૈનિકોની રક્ષા પંક્તિમાં

ગોઠવવાની પ્રક્રિયા)ને બદલે શિલૉંગમાં ફરી એક વાર મજુરી કરાવી. નીચેના

ચિત્રમાં જનરલ કૌલ અને વડા પ્રધાન જોવામાં આવશે. પાર્શ્વભૂમિમાં શિલૉંગથી

પર્વત તરફ રવાના કરવામાં આવનારી આપણી સેનાનો કાફલો છે.

“સામાન્ય” લાગતી આ વાતોથી અમે – ભારતના યુવાનો અજાણ હતા.અમે તો ફક્ત તે સમયે લોકસભામાં ચર્ચાનારા ચીનને લગતા પ્રશ્નો તરફ ધ્યાન રાખીને બેઠા હતા. 

૧૯૫૦માં ચીને ભારતના અક્સાઈ ચીન – જેનો ૩૮૦૦૦ ચોરસ કિલોમિટરનો વિસ્તાર જે સ્વિત્ઝલલૅન્ડ કરતાં સહેજ નાનો છે, તેના પર કબજો કર્યો 

તેની ચર્ચા વાંચી રહ્યા હતા. તે સમયે નહેરૂજીની ચીનના તુષ્ટિકરણની નીતિનો લોકસભામાં કૉંગ્રેસના કેટલાક અને અન્ય વિરોધી પક્ષના સભ્યોએ તેનો 

તીવ્ર વિરોધ કર્યો હતો. તેમણે માગણી કરી હતી કે આ બાબતમાં ભારતે સખત 

પગલાં લેવા જોઈએ. નહેરૂએ જાહેર કર્યું, “આ એવો પ્રદેશ છે જ્યાં ઘાસનું એક 

તણખલું પણ ઉગતું નથી. તે માટે આટલો હોબાળો કરવાની જરૂર નથી.” જવાબમાં 

મહાવીર ત્યાગીએ તેમના સફાચટ મસ્તક પરની ટાલ બતાવતાં કહ્યું, “અહીં પણ વાળનું એકે’ય તણખલું નથી ઉગતું, તો તમે શું મારી ગરદન 

કાપીને મારૂં મસ્તક મારા દુશ્મનને આપી દેશો?” જો કે આખી વાત 

હસાહસમાં ઉડાવી દેવામાં આવી હતી.

ત્યાર બાદ ચીને અક્સાઈ ચીનમાં લશ્કરી થાણાં બનાવ્યાં. ૧૯૬૨ સુધીમાં 

તેમના શિનચિયાંગ પ્રાંતને જોડતી સડક બાંધી. ભારત ‘મોટાભાાઈ’ ચીનને 

ખુશ કરવામાં એટલું મગ્ન થયું હતું કે તેમના માટે સઘળું કરી છુટવા તૈયાર હતા. 

એટલે સુધી કે યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી 

સ્થાન આપી વિટો આપવાના અધિકારનો પ્રસ્તાવ આવ્યો ત્યારે નહેરૂએ એક 

આદર્શવાદીની ઉદારતા બતાવી જાહેર કર્યું કે આ સ્થાન માટે ભારત કરતાં ચીન

વધુ લાયક છે તેથી તે સ્થાન અને વિટોનો અધિકાર ચીનને મળવો જોઇએ કહી

આ સ્થાન લેવાનો ઇન્કાર કર્યો. આનું નુકસાન આપણે હજી ભોગવી રહ્યા છીએ. વાચક જાણે છે કે 

પાકિસ્તાનમાં વસેલા આતંકવાદીઓની ફોજ તૈયાર કરી કાશ્મિરમાં મોકલનાર 

હાફિઝ સઈદને ત્રાસવાદી જાહેર કરવાના ભારતના સિક્યોરિટી કાઉન્સિલમાં મૂકાયેલા 

પ્રસ્તાવનો ચીને તેનો વિટો વાપરી તેને રદબાતલ કરાવ્યો હતો. પાકિસ્તાન તરફથી 

કાશ્મિરમાં થતા ત્રાસવાદી હુમલાઓની વિરુદ્ધમાં જ્યારે જ્યારે ભારતે સિક્યોરિટી 

કાઉન્સિલમાં પ્રસ્તાવ મૂક્યા, ફ્રાંસ જેવો દેશોએ તેનું સમર્થન કર્યું, જ્યારે ચીને વિટો 

વાપરી સઘળા પ્રસ્તાવ ફેંકાવ્યા હતા. 

આ જાણે ઓછું હોય, ચીને આખા અરૂણાચલ પ્રદેશ પર દાવો કર્યો. તેમણે 

મહિનાઓ આ પ્રદેશમાં યુદ્ધ માટે તૈયાર કરેલી સેનાને ભારતની સીમા પર આવેલ 

ઉંચાઈવાળા વિસ્તારોમાં દારૂગોળાનો અને બળતણનો ભંડાર ખડક્યો અને 

લદાખમાં ભારે પ્રમાણમાં સેના મોકલી. સૈન્યની ભાષામાં કહેવાય તેમ ભારતના 

વિસ્તારોમાં ચીને તેમની aggressive reconnaissance patrol (ભારતીય સેનાની રક્ષાપંક્તિ ક્યાં અને કેવી રીતે ગોઠવાયેલી છે તેની તપાસ કરનાર

 હથિયારબંધ ટુકડી) મોકલવાની શરૂઆત કરી. 

૨૦મી ઑક્ટોબર ૧૯૬૨.

દેશભરના અખબારોના પહેલા પાના પર મોટા અક્ષરોમાં સમાચાર આવ્યા.

 “ચીને બન્ને મોરચા પર કરેલો હુમલો. NEFA અને લદાખની અગ્રિમ 

ચોકીઓનું પતન.”

દેશ ચોંકી ગયો. ત્યાર બાદ એક પછી એક ચોકી પડતી ગઈ. પૂર્વ ક્ષેત્રમાં એક હજારથી વધુ ભારતીય  સિપાહીઓ અને અફસરો લડતાં લડતાં ખપી ગયા. બ્રિગેડિયર 

જૉન દળવી, તેમની ત્રણ બટાલિયનો – રાજપુત રેજિમેન્ટ, પંજાબ રેજિમેન્ટ અને 

ગોરખા બટાલિયનના કમાંડિંગ ઑફિસર્સ કર્નલ રતનસિંહ, કર્નલ બલવાન સિંહ 

આહલુવાલિઆ, કર્નલ રિખ અને ડિવિઝનના સિગ્નલ્સ કમાંડર કર્નલ તિવારી તેમના 

હથિયારમાંની છેલ્લી ગોળી સુધી લડ્યા અને યુદ્ધબંદી થયા. 

(સંદર્ભ: http://www.indiandefencereview.com/the-battle-of-tawang/)

લદાખમાં ૧૮૦૦૦ ફિટની ઉંચાઈએ આવેલ રેઝાંગલામાં મેજર શૈતાનસિંહના 

૧૨૦ જવાનો પર ૩૦૦૦ ચીનની ફોજે હુમલો કર્યો. છેલ્લી ગોળી છેલ્લા સૈનિક 

સાથે લડતાં લડતાં મેજર શૈતાનસિંહ અને તેમના ૧૧૪ આહિર જવાનોએ 

વીરગતિ પ્રાપ્ત કરી. પાંચ મૃત:પ્રાય થયેલા જવાન કેદ કરવામાં આવ્યા. એક જવાનને 

મરેલો સમજી ખાઈમાં જ છોડવામાં આવ્યો હતો તે કેમે કરી બટાલિયન હેડક્વાર્ટર્સમાં 

પહોંચ્યો અને તેણે રેઝાંગલાના યુદ્ધ વિશે વાત કહી, જે માનવા કોઈ તૈયાર નહોતું!

 ચુશુલની હવાઈ પટ્ટીને ચીને ત્રણ બાજુથી ઘેરી લીધી હતી અને તેના પતનની ઘડીઓ 

ગણાઈ રહી હતી, પણ ભારતની ટૅંક્સ, આર્ટિલરી અને કુમાયૂઁ રેજિમેન્ટના સૈનિકોએ 

ચુશુલને તેમના હાથમાં જતાં બચાવી લીધું હતું.

પૂર્વમાં તવાંગ શહેર પર ચીને કબજો કર્યો. ત્યાંથી તેઝપુર નજીક હતું. તેઝપુર એટલે 

આસામમાં પ્રવેશ કરવાનો રાજમાર્ગ. ત્યાં ચીનની સેના પહોંચે તો આખો આસામનો 

પ્રદેશ ચીનાઓના હાથમાં પડે. આમ ભારતની સેનાની કારમી હાર થઈ હતી. જખમ 

પર મીઠું ભભરાવાય તેમ ચીને ૨૦મી નવેમ્બર ૧૯૬૨ના રોજ એક તરફી શાંતિ જાહેર કરી 

અને તેમની ગણત્રી મુજબ જે LAC (લાઈન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ) હતી ત્યાં પાછા ગયા.

ભારતભરમાં હાહાકાર મચી ગયો. જનરલ થાપરે ‘ખરાબ તબિયત’ના કારણે રાજીનામું 

આપ્યું. લોકસભામાં કૃષ્ણ મેનનનું રાજીનામું માગવામાં આવ્યું. નહેરૂએ ઇન્કાર કર્યો, 

અને તેમને સંરક્ષણ ખાતામાંથી બદલીને ડિફેન્સ પ્રૉડક્શનના કૅબિનેટ મંત્રીના સ્થાન 

પર નીમ્યા. જનતા માની નહીં. લોકસભાના સભ્યોએ આનો તીવ્ર વિરોધ કર્યો. અંતે 

કૃષ્ણ મેનનને રાજીનામું આપવું પડ્યું.

જનરલ કૌલનું શું થયું?

આ એક જાદુગરની કોથળી જેવી વાત છે. તેમાંથી વસ્તુઓ બહાર ન નીકળે ત્યાં સુધી 

કોઈને ખબર ન પડે કે તેમાં શું છે. લાંબા સમય સુધી લોકો એટલું જ જાણી શક્યા કે તેઓ 

હારેલા સેનાપતિ હતા. નહેરૂના પ્રિયપાત્ર હોવાથી તેમણે તેમને બચાવવા તેમની બદલી

કરી જાલંધર ખાતે આવેલ XV Corpsના પકમાંડર તરીકે કરી. ચીનના ખપ્પરમાં હજાર જેટલા સૈનિકોનો હોમ કરનારા જનરલ કૌલે પંજાબમાં રહેલી સેનાનો અને તેમના 

કમાંડરોનો અણગમો અનુભવ્યો. અંતે તેમણે પણ રાજીનામું આપ્યું. જ્યારે તેમણે 

કરેલી ‘ભવાઇ’ની વાતો બહાર આવવા લાગી ત્યારે તેઓ ગભરાઈ ગયા અને 

પોતાની કેફિયત લખી : The Untold Story.  તેમાં તેમણે ખુદને બચાવી બાકીના 

બધા કમાંડરો પર દોષનો ટોપલો ઢોળ્યો.

બ્રિગેડિયર દળવી અને તેમના સાથી અફસરો ચીનના બંદીગૃહમાંથી પાછા આવ્યા 

ત્યારે તેમની સાથે જે જાતનો વ્યવહાર કરવામાં આવ્યો તેઓ ચોંકી ગયા. જનરલ 

કૌલની ‘ચોપડી’ વાંચી તેમને અત્યંત દુ:ખ થયું. ભારતના વીર સૈનિકોએ કરેલ હિંમતભર્યો 

સામનો અને તેમણે કરેલા બલિદાનનું આવું વિકૃત સ્વરૂપ જોઈ તેમને લાગ્યું સાચી 

વાત બહાર આવવી જ જોઈએ. તેમણે પુસ્તક લખ્યું. ‘Himalayan Blunder’. આવો જ અનુભવ કર્નલ તિવારીને થયો. કર્નલ સાત્ત્વિકવૃત્તિના અફસર હતા. 

તેમણે લખેલી તેમની આત્મકથા ‘A Soldier’s Voyage of Self Discovery’માં 

૧૯૬૨ના યુદ્ધની વિગતો આપેલી છે.

આ સમગ્ર વાત આગળ જતાં કહીશું. અત્યારે તો કેવળ ભારતના એક સામાન્ય 

નાગરિક તરીકે અમારી ભાવનાઓ અને દેશની હાકલના જવાબમાં શું કર્યું તે જણાવીશું. 

દેશ ભરમાં સૈન્યના આધુનિકરણની માગ ઊઠી. વડા પ્રધાને ‘રક્ષા કોષ’ માટે જનતા પાસે દાન 

માગ્યું. નોકરિયાતોએ એક દિવસનો પગાર દાનમાં આપ્યો. ગુજરાતની જનતા આવી 

વાતમાં હંમેશા અગ્રેસર રહે છે. શ્રીમંતોએ તેમના ધનની કોથળીઓ રક્ષા કોષમાં ઠાલવી

નાખી. નોકિરયાતો અને મજુરોએ એક દિવસની આવક સરકારને ભેટ ધરી. ગુજરાતની મહિલાઓએ પોતાનાં ઘરેણાં ઉતારી આપ્યાં. ગુજરાતની જનતાએ 

રક્ષા કોષ છલકાવી દીધો.

અમારી ઑફિસના ચાર યુવાનો સહેજ જુદા મતના હતા. 

આ હતા ખાડિયાના વિરેન્દ્ર લાખિયા અને જનાર્દન રાવળ, રાયખડના માર્ટિન ચિટનીસ 

અને સિડની ફ્રાન્સિસ અને ભદ્રનો આ ‘જિપ્સી’. 

અમારા મતે ચીને આપણા દેશ પર કરેલ આક્રમણ અને વિજયનો ઉદ્દેશ કેવળ 

ભારતની ભૂમિ પર કબજો કરવા માટે નહોતો. તેમને સામ્યવાદની શ્રેષ્ઠતા પૂરવાર 

કરવી હતી. એક Totalitarian વિચારધારા ધરાવતી સત્તા ભારતની લોકશાહી 

પરંપરા કરતાં ઉત્તમ છે; રાજકીય શક્તિ બંદૂકની નળીમાંથી જન્મે છે એવી માઓની 

ઘોષણા કેટલી સાચી છે તે ભારતની જનતાના માનસ પર ઠોકી બેસાડવું હતું. તેમને

“ભારતની લોકશાહીની નિષ્ફળતા” જાહેર કરી આપણી જન્મભૂમિ પર સામ્યવાદનો

લાલ ઝંડો લહેરાવવો હતો. 

અમે આને વિચારધારાઓનું યુદ્ધ ઠેરવ્યું. લોકશાહી બચાવવા આપણા સૈનિકોએ

લોહીની નદીઓ વહાવી હતી. અમારો વિરોધ ચીનની સામ્યવાદી, વિસ્તારવાદી 

અને પક્ષની એકહત્થુ સત્તાની અજમાયેશ સામે હતો. અમે અમારો એક દિવસનો 

પગાર તો આપ્યો, પણ સાથે સાથે એ પણ નક્કી કર્યું કે દેશની રક્ષા કરવી હોય તો 

અમારા જેવા યુવાનોએ સીમા પર જઈ લડવું જોઈએ. આ માટે એક જ રસ્તો હતો.

મિલિટરીમાં જોડાવું.
Posted by Capt. Narendra at 11:22 AM

જિપ્સીની ડાયરી

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી સમરાંગણે – રાજકીય અને વૈચારિક નેપથ્યમાં ડોકિયું (૨)

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

***

Monday, April 12, 2021

સમરાંગણે – રાજકીય અને વૈચારિક નેપથ્યમાં ડોકિયું (૨)

ચીનની રાજરમત વિશે વાત કરીએ તે પહેલાં દેશમાં ૧૯૫૪ થી ૧૯૬૧ના સાત 

વર્ષના ગાળામાં જે બન્યું તેનું ટૂંકું વિહંગમ દૃશ્ય જોવું આવશ્યક છે.

૧૯૫૪ના એપ્રિલ માસમાં ભારતે ચીન સાથે ચિર શાંતિનો – પંચશીલનો કરાર કર્યો. 

મે ૧૯૫૪માં પાકિસ્તાને અમેરિકાના South-East Asia Treaty Organisation (SEATO)ના લશ્કરી કરારમાં જોડાવાનો કરાર કર્યો. ભારતે નિ:શસ્ત્ર થવાની દિશામાં 

મજબૂત પગલું ભર્યું. ૧૯૪૮માં ભારતની સેના સામે થયેલી કારમી હારનો બદલો લેવા 

પાકિસ્તાને આતિ આધુનિક હથિયાર, લશ્કરી વિમાન, નૌકાદળ મેળવવા ઉપરાંત 

અખૂટ ધનરાશિ મેળવવાનું શરૂ કર્યું.

ભારત સાથે ચીનનો શાંતિ કરાર થતાં ચીને ભારતમાં પ્રચંડ પ્રચાર અભિયાન શરૂ કર્યું.

તે અરસામાં ચીને સમગ્ર ભારતમાં પ્રચંડ અભિયાન ચલાવ્યું હતું. સામ્રાજ્યવાદ નીચે 

રિબાતા ચીન જેવા વિશાળ વસ્તીવાળા ગરીબ દેશે માઓ-ત્સે તુંગ (આજકાલ 

તેમના નામનો ઉચ્ચાર માઓ-ઝેડોંગ કરવામાં આવે છે) અને ચાઉ-એન લાઈના નેતૃત્વ નીચે કેવી અદ્ભૂત પ્રગતિ કરી છે તેનો સચિત્ર પ્રચાર શરૂ કર્યો 

‘ચાઈના ટુ ડે’ નામના અઠવાડિકની લાખો નકલો ભારતભરમાં મફત વહેંચાવા લાગી. 

ભારતના બુદ્ધિજીવીઓ, લેખકો, કલાકારો, લોક નેતાઓ – સૌને ચીન સરકારના ખર્ચે 

ચીનના પ્રેક્ષણીય સ્થળોની મુલાકાતે લઈ જવામાં આવ્યા. એક જમાનામાં જ્યાં 

ઉજ્જડ મેદાનો અને રણ હતા, ત્યાં ફળફળાદિ, શાકભાજી અને અનાજનું વિપુલ 

ઉત્પાદન થવા લાગ્યું છે તે બતાવવામાં આવ્યું. પોલાદના રાષ્ટ્રીયકૃત પ્લાંટ, ખેતી-યંત્રોના ઉત્પાદનની મોહક તસ્વિરો બતાવવામાં આવી. ચીનના પ્રવાસે જઈ આવેલા 

બુદ્ધિજીવીઓ અને લેખકોએ લખેલા પ્રવાસવર્ણનો અમે હોંશેં હોંશે વાંચવા લાગ્યા 

હતા. અમારા જેવા યુવાનો પણ આ પ્રચારમાં ભોળવાઈ ગયા અમે ચીનને આદર્શ 

માનવા લાગ્યા હતા. હિંદી-ચીની ભાઈ-ભાઈના ઉચ્ચારણમાં સૌ જોડાવા લાગ્યા.

જિપ્સીના જીવનમાં આ સમય જુદી રીતે મહત્વનો હતો. તેણે કૉલેજનું ભણતર પૂરૂં 

કર્યું અને ભાવનગર છોડી અમદાવાદ ગયો. ત્યાં નોકરી મળતાં બા અને બહેનોને 

અમદાવાદ લાવ્યાં અને જીવન આનંદમય બન્યું. નોકરીની સાથે સાથે ક્રિકેટની મૅચો 

રમવા ઉપરાંત વાચન પણ ચાલુ જ હતું. ઝવેરચંદ મેઘાણી, વિ.સ. ખાંડેકર, ક.મા. મુન્શી, 

ગુણવંતરાય આચાર્ય, શરદ ચંદ્ર ચટ્ટોપાધ્યાય, કવિગુરૂ રવીંદ્રનાથ ટાગોર, બન ફૂલ, 

મુન્શી પ્રેમ ચંદ ઉપરાંત ‘ક્લાસિકલ’ પાશ્ચાત્ય લેખકો (ચાર્લ્સ ડિકન્સ, જેન ઑસ્ટેન, 

બ્રૉન્ટે બહેનો, વિક્ટર હ્યુગો, ઍલેક્ઝાંડર ડ્યુમા, મોપાસાઁ, રૉબર્ટ લુઈ સ્ટિવન્સન, 

રડયાર્ડ કિપ્લિંગ) ઉપરાંત બર્નર્ડ શૉ, ઑસ્કર વાઈલ્ડ, સમરસેટ મૉમ જેવા લેખકો 

વાંચ્યા. મોટા ભાઈ મધુકર, જેઓ આગળ જતાં લૉ કૉલેજમાં પ્રાધ્યાપક અને ત્યાર 

બાદ સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ થયા તેમણે મુખ્ય રાજકીય વિચારધારાઓ વિશે 

વાંચવા પુસ્તકો આપ્યા. મધુભાઈ, સૌથી મોટા રાઘવેન્દ્ર અને વચેટ રવિભાઈ 

એમ.એન.રૉયના New Humanismના અનુયાયી હતા. રૉયીસ્ટ પંથ સામ્યવાદી 

પક્ષના વિરોધમાં હતો – એટલા માટે નહીં કે તે અમેરિકન મૂડીવાદ કે ‘આર્મચૅર 

સોશિયાલિસ્ટ’ વિચારધારામાં માનતા હતા. તેમનો સિદ્ધાંત એક નવા વૈશ્વિક 

સમાજની સ્થાપનામાં માનતો હતો જેમાં વ્યક્તિ કેન્દ્રસ્થાને રહે છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યનો પાયો માનવની આંતરિક નૈતિકતા અને તર્કસંગત વિચાર કરવાની 

શક્તિ પર બંધાયેલો છે.  આ શક્તિ વધતે-ઓછે અંશે સઘળા સમાજમાં છે અને 

જેઓ વધુ જાગરુક છે તેમણે પ્રયત્ન કરી માનવ સમાજમાં જનતાના વ્યક્તિત્વમાં 

વિકાસ આણી એક એવી ક્રાન્તિ લાવવી જેમાં કોઈ સામ્યવાદ જેવો કોઇ પક્ષ 

એકહત્થુ સત્તા કબજે ન કરે. સામ્યવાદનો ઉદ્દેશ દેશના સંસાધન, ભૂમિ, 

ઉત્પાદનના સાધન (means of production) અને સંપત્તિ પર સમાજની માલિકી લાવવાનો હોય છે. 

સામ્યવાદના આ સિદ્ધાંતના આકર્ષક પડદા પાછળ દેશની દરેક પ્રવૃત્તિ પર સામ્યવાદી 

પક્ષનું નિયંત્રણ હોય છે. તેમાં રૈયત, જેને માર્ક્સવાદમાં proletariat કહેવાય છે, 

તેને દેશના ‘અસલી માલિક’ કહી ભોળવવામાં આવ્યા, તેઓ સામ્યવાદી પક્ષની 

નજરે means of productionનો અંશ હતા. આમ દેશની સંપૂર્ણ સંપત્તિ, દરેક 

પ્રવૃત્તિ, દરેક વ્યક્તિ, દેશનો વહિવટ, વ્યાપાર વાણિજ્ય – એકંદરે આખા દેશ પર 

સામ્યવાદી પક્ષની સંપૂર્ણ માલિકી હોય છે. ચીન આવું Totalitarian રાજ્ય હતું 

જેના પર કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાનો અંકૂશ હતો. ચીનની સેના સુદ્ધાં 

ચીનના સામ્યવાદી પક્ષને આધિન હતી. પક્ષના સેક્રેટરી જનરલ સર્વેસર્વા હતા. 

મોટાભાઈ જ્યારે આ ચર્ચા કરતા, જિપ્સી સાંભળતો રહેતો. પરિણામે ચીનના 

‘જનતાના આદર્શ સમાજવાદી પ્રજાસત્તાક રાજ્ય’ના પ્રચાર પાછળના આ 

સત્યથી વાકેફ હતો. જો કે મનમાં ઉંડે ઉંડે આશા હતી કે રશિયાના સામ્યવાદ 

જેવી કટ્ટરતા ‘આપણા પાડોશી એશિયન દેશ’, ભારતના ભાઈ ચીનમાં નહીં આવે. 

તેવામાં કેટલાક ચોંકાવનારા પ્રસંગો થઈ ગયા. 

વર્ષ  ૧૯૫૯.

આ વર્ષમાં ચીનના વડા પ્રધાન ચાઉ એન-લાઈએ ૧૯૧૪માં ભારત અને તિબેટ 

વચ્ચે સિમલા ખાતે થયેલ મિટિંગમાં બન્ને દેશો વચ્ચેની સીમા રેખા મેકમૅહન 

લાઈન મંજુર કરવામાં આવી હતી, તેને નામંજુર કરી. આ ચીન અને ભારતની 

અધિકૃત સીમા નથી એવું જાહેર કરી, ચાઉ એનલાઈએ તેને LAC – લાઈન ઑફ 

ઍક્ચુઅલ કન્ટ્રોલ જાહેર કરી. 

ભગવાન બુદ્ધના શાંતિ, અહિંસાના સંદેશને જીવન પદ્ધતિ તરીકે અપનાવી 

શાંતિમય જીવન વ્યતિત કરી રહેલ તિબેટ પર ચીને સશસ્ત્ર આક્રમણ કર્યું. 

લ્હાસાના પોટાલા પૅલેસ નામના દલાઈ લામાના મુખ્ય મઠ પર હુમલો કરી 

સેંકડો બૌદ્ધ સાધુ – સાધ્વિઓની નિર્ઘૃણ હત્યા કરી અચાનક રાજધાની પર 

કબજો કર્યો હતો. બૌદ્ધ સાધુ – સાધ્વિઓના હાથમાં કોઈ ‘શસ્ત્ર’ હોય તો તે 

પ્રાર્થના ચક્ર હતું. મુખેથી કોઈ શબ્દો નીકળતા હોય તો તે હતા ‘ઓમ મણિ 

પદ્મે હૂમ્’. દલાઈ લામા તેમના ૮૦,૦૦૦ અનુયાયીઓ સાથે તિબેટ છોડી ભારત 

આવ્યા. કોણ જાણે કયા કારણસર, કે કોના પ્રભાવ નીચે આવીને નહેરૂએ દલાઈ 

લામાને રાજકીય આશ્રય આપ્યો તે મહત્વનું નથી. ભારતે દલાઈ લામા તથા તેમના 

હજારો અનુયાયીઓનું ભારતમાં સ્વાગત કર્યું તે મહત્વનું છે. જો કે  આ માટે ચાઉ-એન લાઈએ ભારતને ધમકાવી કાઢ્યું હતું અને કડક વિરોધ નોંધાવ્યો હતો. ભારત 

માટે હિંદી – ચીની ભાઈ ભાઈ હતા. મોટો ભાઈ ધમકાવે તો તે કરવાનો તેને અધિકાર છે!

આખા તિબેટ પર કબજો કર્યા બાદ ચીને ભારતના લદાખની સીમા પર પગપેસારો 

શરૂ કર્યો. વિદેશ ખાતું સંભાળી રહેલા નહેરૂજીને આના સમાચાર મળતા હતા. 

ભારતના કમનસીબે આપણા ચીન ખાતેના એલચી સરદાર કે. એમ.પણીક્કર 

અંદરખાનેથી રીઢા સામ્યવાદી હતા. તેઓ નહેરૂને હૈયાધારણ આપતા રહ્યા કે તિબેટ 

ચીનનો આંતરિક મામલો છે. ચીને ભારત સાથે પંચશીલનો કરાર કર્યો છે તેથી આપણે 

ચીન તરફ ભય કે શંકાની નજરે જોવાની જરૂર નથી. આ જાણે ઓછું હોય, ભારતના 

સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનન હતા – જે અંદરખાનેથી સામ્યવાદને પૂર્ણ રીતે વરી ચૂક્યા 

હતા. તેમણે પણ સમાજવાદની હવાઈ વાતોથી નહેરૂનો પૂરો વિશ્વાસ સંપાદન કરી 

લીધો હતો. તેમણે નહેરૂને શાંત પાડ્યા કે ચીન આપણી દોસ્તી અને ભાઈચારો 

નિભાવશે. અમને – એટલે ભારતની સામાન્ય જનતાને આ વિગતો તે સમયે જાણવા ન મળી. 

ચીનનો તિબેટ પરનો હુમલો, સાધુ – સાધ્વિઓનો સંહાર અને ભગવાન બુદ્ધના સત્ય, 

અહિંસાઅને અષ્ટાંગ માર્ગનું અવલંબન કરનારા દેશ પર થયેલા હિચકારો હુમલો અમારા 

જેવા યુવાનો માટે આ ક્રુર સ્વપ્નભંગ સમાન હતો. અમે ચીનના રાજદૂતને આ ઘૃણાસ્પદ 

કૃત્ય માટે વિરોધ નોંધાવતા પત્રો લખ્યા. આથી વધુ કશું કરવાની ભારતના નાગરિકોની 

કે ભારતના રાજકર્તાઓની હેસિયત નહોતી અને ચીનને તેની પરવા નહોતી.

***

રાજકીય ક્ષેત્રે બદલાયેલી સ્થિતિ જોતાં ભારતના તે સમયના ચીફ ઑફ આર્મી 

સ્ટાફ જનરલ થિમય્યાએ NEFA (અરૂણાચલ પ્રદેશ તથા તેની આસપાસના 

રાજ્યો તે સમયે North East Frontier Agency નામે ઓળખાતા હતા, ત્યાં)ની 

સરહદ પર મજબૂત લડવૈયાઓની સેના – The Red Eagles  – 4 Infantry Divisionને મોકલવાનું નક્કી કર્યું. હરિયાણાના મેદાનોમાં રહેવા ટેવાયેલી અને 

પંજાબની સરહદના રણક્ષેત્રમાં યુદ્ધ કરવાનું પ્રશિક્ષણ પામેલી આ ૧૫૦૦૦ 

સૈનિકોની ડિવિઝનને પૂર્વી ભારતના હિમાલયના ક્ષેત્રમાં મોકલવામાં આવી. 

આ એ જ ડિવિઝન હતી જેના કમાંડર મેજર જનરલ બી. એમ. કૌલે તેમની 

પાસેથી યુદ્ધાભ્યાસને બદલે મકાન બાંધનાર મજુરોનું કામ કરાવ્યું હતું. 

આ યોદ્ધાઓના કમભાગ્યે પંડિત નહેરૂએ કૌલને લેફ્ટેનન્ટ જનરલના હોદ્દા પર 

પ્રમોશન આપી, તેમને પૂર્વ ક્ષેત્રની સેના, 4 Corpsના સેનાપતિ તરીકે કરી. 

નહેરૂની કદમબોસી કરનાર આ જનરલને અંબાલાના ‘ઑપરેશન અમર’ના 

“સફળ” અભિયાન માટે સેનામાં નવું દાખલ કરાયેલ સન્માન ‘પરમ વિશિષ્ટ 

સેવા મેડલ’ના પ્રથમ વિજેતા તરીકે અર્પણ કરવામાં આવ્યું હતું!

ભારત માટે હવે બદનસીબની હારમાળા શરૂ થઈ હતી. 

‘લાલ ગરૂડ’ સેનાને પૂર્વમાં મોકલ્યા બાદ જનરલ થિમય્યા નિવૃત્ત થયા હતા, 

તેમની જગ્યાએ આવ્યા હતા નરમ સ્વભાવના, ‘રાબેતા મુજબ’ના જનરલ પી. એન. થાપર. ‘રાબેતા મુજબ’ના એટલા માટે કે તેમની આખી કારકિર્દી રાબેતા મુજબની 

હતી. યુદ્ધમાં કોઈ શૌર્યનું કામ નહીં, કે ના કોઈ એવી સૈનિકની નોંધપાત્ર સિદ્ધી. 

તેમના બધા પ્રમોશન મેજરથી માંડી જનરલ શુધીની પદોન્નતિ રાબેતા મુજબ થઇ 

હતી. તેમણે જોયું કે કૌલના વડા પ્રધાન સાથેના સંબંધ એટલા ઘનીષ્ટ હતા કે તેમને 

કશું કહી દુભાવવા એટલે નહેરૂનો ખોફ ઝીલવો. 

આપણી “રક્તવર્ણી ગરૂડ’ સેના શિલોંગ પહોંચતાં

જનરલ કૌલે આ યોદ્ધાઓને ફરી એક વાર શિલોંગમાં લશ્કરી આવાસ 

બાંધવાનું કામ સોંપ્યું. જનરલ કૌલની આ પદ પર ફરજ હતી કે પૂર્વ ભારતના 

અતિમહત્વના ક્ષેત્ર – ચીનની સીમા પર  ગોઠવવામાં આવનારી સેના માટે 

યોગ્ય વ્યૂહરચના ઘડે. આ માટે ત્રણ વસ્તુઓની મૂળભૂત આવશ્યકતા હતી :

૧. હાલ જેને અરૂણાચલ કહીએ છીએ તેની ચીન સાથેની સીમા હિમાલયના અતિ 

દુર્ગમ પ્રદેશમાં છે. અહીં હેમાળામાં હાડ ગળે એવી ઠંડી અને બરફમાં અતિ વેગે 

ચાલતા પવન blizzardsમાં ચોકી અને પેટ્રોલિંગ કરવા સૈનિકોને બહાર જવું પડે છે. 

પંજાબના ગરમ પ્રદેશમાંથી અરૂણાચલમાં જનારી સેનાને સૌથી પહેલાં આ 

વિસ્તારના વાતાવરણમાં રહેવાની ટેવ પડે તે માટે એક પ્રક્રિયા હોય છે, જેને 

acclimatisation કહેવામાં આવે છે. તેનું પ્રશિક્ષણ લગભગ ત્રણેક મહિના 

જેટલું હોવું જોઈએ. સૈનિકોને જે જગ્યાએ ફરજ બજાવવા જવાનું હોય છે ત્યાં 

રહેવાની અને કામ કરવાની ટેવ પાડવાનો ક્રમબદ્ધ કાર્યક્રમ હોય છે. આ ત્રણ 

મહિનાના સમયમાં જનરલ કૌલે જવાનોને આ પ્રશિક્ષણ આપવાને બદલે ફરી 

એક વાર મકાન બાંધવાનું કામ કરાવ્યું. આ કામ માટે Military Engineering Services નામનું ખાતું હોય છે. તેમને CPWDની જેમ ઇજનેરી સ્ટાફ અને પૂરું 

બજેટ આપવામાં આવે છે. તેઓ કૉન્ટ્રેક્ટરો પાસેથી આ કામ કરાવતા હોય છે. 

કૌલે મજુરીના પૈસા બચાવવા સૈનિકોનો ઉપયોગ કર્યો, પણ ક્યા ભોગે, તેની 

તેમને પરવા નહોતી. 

૨. હવે સૌથી મહત્વની જરૂરિયાત હતી યોગ્ય હથિયારની. ભારતની જાસુસી 

સંસ્થાએ ખબર આપી હતી કે આ ક્ષેત્રમાં આવેલી PLA (ચીનની સેના) પાસે સેમિઑટોમૅટિક રાઈફલ હતી જે એક મિનિટમાં ૨૦ ગોળીઓ 

છોડી શકે. તેમનો મુકાબલો કરવા ભારતીય સેનાના ઇન્ફન્ટ્રી સૈનિકો પાસે બીજા 

વિશ્વયુદ્ધની એક મિનિટમાં પાંચથી દસ ગોળીઓ છોડી શકે તેવી રાઈફલ હતી! 

આમ ચીન પાસે સૈનિકોની સંખ્યા બમણી હોવા ઉપરાંત તેમની મારક શક્તિ 

ભારતની સેના કરતાં બમણી હતી. 

ચીનની વિષમ આબોહવાવાળી જગ્યાએ સૈન્ય સહેલાઈથી અભિયાન કરી શકે 

તે માટે નિશ્ચિત સ્થાન અને આબોહવાને અનુરૂપ રૂની ગાદી જેવા પર્કા કોટ, 

સ્નો બૂટ, સ્નો ગૉગલ્સ, ગરમ યુનિફૉર્મ, સેમિ ઑટોમેટિક શસ્ત્રો અને સાધનો 

આપ્યા. આવા પ્રદેશની સખત આબોહવાને પહોંચી વળાય તે માટે આપણી 

સેનાને આવશ્યક સંસાધનો – જેમ કે parka, ગરમ યુનિફૉર્મ, બરફથી પગમાં 

frostbite ન થાય તેવા સ્નો-બુટ તથા બરફમાં સૂર્યપ્રકાશના પરાવર્તનથી થતા 

અંધાપામાંથી બચાવી શકે તેવા snow goggles હોવા જ જોઈએ, જેની જનરલ 

કૌલે વ્યવસ્થા કરી નહીં. આશ્ચર્યની વાત એ હતી કે  પૂર્વની સેનાના કમાંડર થતાં 

પહેલાં તેઓ આર્મી હેડક્વાર્ટરમાં ‘ક્વાર્ટરમાસ્ટર જનરલ’ હતા, જેમાં તેમની 

જવાબદારી ભારતની પૂરી સેના માટે જોઈતી શસ્ત્ર સામગ્રી, યુનિફૉર્મ, 

ઇક્વિપમેન્ટ – આ બધી આવશ્યક વસ્તુઓનો પૂરવઠો કરવાની હતી. આ 

અનુભવનો ઉપયોગ તેમણે 4 Infantry Divisionને તૈયાર કરવા માટે ઉપયોગ ન કર્યો. 

મકાનોનું બાંધકામ પૂરું થતાં તેમણે ‘માલિક’ નહેરૂને તેનું ઉદ્ઘાટન કરવા 

બોલાવ્યા અને તેમણે તે કર્યું પણ ખરૂં. નહેરૂજીનું છટાદાર ભાષણ તે સમયે 

પણ વખણાયું હતું. સૈનિક આવાસનું ઉદ્ઘાટન પૂરું થતાં તેમણે આપણા સૈનિકોને 

હિમાલયના દુર્ગમ પહાડોમાં મોકલ્યા અને ખુદ શિલોંગ છોડી નવી દિલ્હી 

વડા પ્રધાનની ખિદમત કરવા પહોંચી ગયા.

જિપ્સીની ડાયરી. કેપ્ટન નરેંદ્ર ફણસે. સમરાંગણે – રાજકીય અને વૈચારિક નેપથ્યમાં એક ડોકિયું (૧)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

Saturday, April 10, 2021

સમરાંગણે – રાજકીય અને વૈચારિક નેપથ્યમાં એક ડોકિયું (૧)

૧૯૪૮ – ૧૯૫૮ના દશકનો સમય ભારતના યુવાનો માટે વિચારપ્રદ અને 

વિમાસણયુક્ત હતો. સૌ પ્રથમ વાત કરીશું રાજકીય વાતાવરણ વિશે.

કાશ્મિરનો પ્રશ્ન એક વાર UNને સોંપ્યા બાદ આ વિવાદ જાહેર જનતા માટે 

ઠંડો પડી ગયો હતો, પરંતુ તેની ઝાળ આપણી સેનાને ભોગવવી પડતી હતી. 

જો કે ‘મિલિટરીના અભિયાનની વાતો સંવેદનશીલ હોવાથી તે ગુપ્ત રાખવામાં 

આવે છે’ જેવા ખુલાસાથી રાજકારણીઓ છુટી જતા હતા. સમાચાર પત્રોમાં નાની 

સરખી એકા’દ – બે ઇંચના કોલમમાં વાત આવતી કે સામસામા ગોળીબાર થયા 

છે અને UNના અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય 

અખબારોના પહેલા પાને જે સમાચાર ઝળકતા હતા તે હતા વડાપ્રધાનના 

બિનજોડાણ અને પંચશીલના જાહેરનામાના. ભગવાન બુદ્ધના માનવજાતિના 

ભલા માટેના શીલ (ચારિત્ર્ય)ના પાંચ ઉપદેશ પર આધારિત પંડિત નહેરૂએ  

રાજનીતિના પાંચ પાયાની જાહેરાત ‘પંચશીલ’ના નામે કરી હતી. ટૂંકમાં કહીએ તો તે હતી :

 ૧. એકબીજાની સીમા, સ્વાયત્તતા અને ક્ષેત્રીય સાર્વભૌમત્વનું સન્માન.

 ૨. બિન-આક્રમણ :કોઈ પણ હાલતમાં એકબીજા પર આક્રમણ ન કરવું..

 ૩. એકબીજાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવો/.

 ૪. રાષ્ટ્રો વચ્ચે સમાનતાનો વ્યવહાર અને એકબીજાને કલ્યાણરૂપ થવું.

 ૫. શાંતિપૂર્ણ સહઅસ્તીત્વ.

 નવા નવા આઝાદ થયેલા દેશો પંચશીલના જાહેરનામામાં જોડાયા – ખાસ 

કરીને શ્રી લંકા, ઇંડોનેશિયા, ઇજિપ્ત અને સૌના આશ્ચર્ય વચ્ચે, ચીન અને 

રશિયા પણ! નવાઈની વાત એટલા માટે કે રશિયા પોતે એક મહાસત્તાધારી 

દેશ હતો અને અમેરિકાનું ‘શીત યુદ્ધ’ રશિયા સામે હતું. આમ એક રીતે ભારત 

‘બિનજોડાણ’ની જાહેરાત કરતું હતું પણ રશિયા સાથે નિકટના સંબંધો બાંધી 

રહ્યું હતું. અમારા માટે નહેરૂ વિશ્વ નેતા બની ચૂક્યા હતા. જ્યારે ચીન અને 

રશિયા જેવા દેશો તેમનું સમર્થન કરે ત્યારે તેમનો માર્ગ યોગ્ય જ હોવો જોઈએ 

એવું માની દેશ તેમની પાછળ ખડો હતો.

‘પંચશીલ’ અમેરિકા અને તેના મિત્ર રાજ્યો માટે ચિંતાજનક વિષય હતો. તેમનું 

રશિયા અને પૂર્વ યુરોપના રશિયાના એસ્ટોનિયા, લૅટવિયા, લિથુઆનિયા જેવા ખંડિયા સાથીઓ વચ્ચે શીત યુદ્ધ ચરમ સીમાએ પહોંચ્યું હતું. રશિયાની વગ 

દક્ષિણ એશિયામાં વધતી જતી હતી. ભારત સમેત બ્રહ્મદેશ અને મલેશિયાથી 

માંડી વિએતનામ અને ફિલિપીન્સ સુધી સામ્યવાદ ફેલાય તો બાકીનું વિશ્વ  

તેની અસર નીચે દબાઇ જાય. આને રોકવા અમેરિકા દુનિયાભરના દેશો સાથે

 ધડાધડ શસ્ર્તસંધિઓ કરવા મંડી પડ્યું હતું. તેમણે આખા પશ્ચિમ યુરોપને 

NATOમાં આવરી લીધું. દક્ષિણ એશિયા માટે તેમણે SEATOની લશ્કરી 

જોડાણનો ક્લબ બનાવ્યો. તેમાં જોડાયેલા દેશોને અઢળક આર્થિક મદદ 

ઉપરાંત મફતમાં આધુનિક-તમ હથિયારો, ટૅંક્સ, યુદ્ધ પોત તથા લશ્કરી 

વિમાનો આપવાનું શરૂ કર્યું.

નહેરૂજી અત્યંત ભાવનાશાળી અને આદર્શવાદી પુરુષ હતા. તેમની અંગત મહત્વાકાંક્ષા વિશ્વ નેતા બનવાની હતી. રાજકારણ તેમને 

વારસામાં મળ્યું હતું જેને લીધે ભારતના પહેલા વડા પ્રધાન થવાની ઇચ્છા 

જાગી હતી અને તે મેળવી. આમ જોઈએ તો તેમની આંતરિક વૃત્તિ, 

આકલન અને તબિયત laid back – આરામપ્રિય સાહિત્યકારનાં હતાં. 

રાજપુરુષ તરીકે તેમનું આદર્શ સ્વપ્ન હતું ભારતને – અને ત્યાર બાદ 

જગતને નિ:શસ્ત્ર, શાંતિપૂર્ણ અને અહિંસક બનાવવાનું.  આ કારણસર 

તેમણે SEATOનો પ્રસ્તાવ નકારી કાઢ્યો અને ૨૮મી એપ્રિલ ૧૯૫૪ના રોજ ચીન 

સાથે ‘પંચશીલના કરાર’ પર સહી કરી, ભારત અને ચીને તેમના જાહેર વક્તવ્યોમાં બન્ને દેશો વચ્ચે ‘ચિરશાંતિ અને આજન્મ ભાઈચારા’નો સંદેશ જગતને આપ્યો. આનો 

સીધો લાભ  પાકિસ્તાનને મળ્યો. ભારતના નિર્ણયના થોડા દિવસોમાં જ – એટલે મે 

૧૯૫૪માં પાકિસ્તાન SEATOમાં જોડાઈ ગયું. ૧૯૪૮માં કાશ્મિરમાં મળેલી 

નિષ્ફળતાનો બદલો લેવા તેમને ધન અને હથિયાર જોઈતાં હતાં તે આ લશ્કરી 

જોડાણ બાદ મળવાના શરૂ થઈ ગયા. પાકિસ્તાનની સેનાનું આધુનિકરણ શરૂ 

થઈ ગયું, જ્યારે ભારતમાં બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી અને દુનિયાએ જેને 

કચરાના ડબ્બામાં નાખી હતી તે ધોકા જેવી લી એન્ફિલ્ડ રાઈફલ સેનામાં ચાલુ રહી.  

નહેરૂ માનતા હતા કે અહિંસાના પુજારી એવા શાંતિપ્રિય ભારતને સેનાની 

જરૂર નથી. ૧૯૪૮ના યુદ્ધે આ માન્યતા ખોટી સાબિત કરી, પણ ઊઁડે ઊઁડે 

તેમને લાગતું હતું કે યુદ્ધનો સમય છોડીએ તો બાકીનો સમય સેના નિષ્ક્રીય 

અજગર સમાન છે.  તેને ‘કામે લગાડવી’ જોઈએ. આપણા આદર્શવાદી નેતાને 

જરા જેટલો ખ્યાલ નહોતો કે જેમ શસ્ત્રની ધાર કરવાનું બંધ કરવાથી તેમાં કાટ 

ચઢી જાય છે અને અંતે તે બૂઠું, નકામું થઈ જાય છે, તેમ સેનાને પણ  યુદ્ધનો 

અભ્યાસ કરવા માટેની કસરત તથા યુદ્ધના અભિયાનની સાતત્યતાપૂર્વક જમીન 

પર પ્રૅક્ટિસ જરૂરી હોય છે.  આ અભિયાનમાં સંરક્ષણ, આક્રમણ, ઘાત (ambush) 

અને આપણાં કરતાં વધુ શક્તિશાળી દુશ્મનને સીધા આક્રમણમાં હરાવી ન શકાય 

તો એવી જગ્યા સુધી પીછેહઠ કરવી જ્યાં દુશ્મન આપણો પીછો કરતું આવે, અને 

ત્યાં પહોંચતાં તેમનું નિકંદન કાઢી શકાય. આનો દાખલો : બીજા વિશ્વયુદ્ધમાં 

સિંગાપોરમાં થયેલી હાર અને તેના પતન પછી મિત્ર રાજ્યોની સેનાઓએ 

મલાયા અને બ્રહ્મદેશમાંથી પિછેહઠ કરી હતી. આ સેનાઓ બ્રહ્મદેશના પ્રતિકૂળ 

જંગલમાંથી સેંકડો માઈલની પીછેહઠ કરીને મણીપુરના ઈમ્ફાલના રણક્ષેત્રમાં 

આવી પહોંચી. ત્યાં આવીને આપણી સેનાએ એવી યોજના ઘડી કે આપણો 

પીછો કરીને આવી રહેલી જાપાનની સેના આપણે નક્કી કરેલા ‘killing zone’માં આવે અને ફસાઈ જાય. ઇમ્ફાલમાં જાપાનની સેનાનો સંપૂર્ણ નાશ થયો. 

તેમના હજારો સૈનિકો માર્યા ગયા. હાર પામેલી જાપાની સેનાને પિછેહઠ કરવાની 

ફરજ પડી તે એટલે સુધી કે આપણે તેમને સિંગાપોરની પેલે પાર હાંકી કાઢ્યા. 

આની પૂરી વિગત બ્રિટિશ ઇંડિયન આર્મીના ફિલ્ડ માર્શલ વાઇકાઉન્ટ સ્લિમ,

જેમની નીમણૂંક મિત્રરાજ્યોની સેનાના સેનાધિપતિ તરીકે થઈ હતી, તેમના

પુસ્તક “Defeat into Victory’ માં વાંચવા મળશે.

ભારતીય સેના આ સઘળા અભિયાનોનો સઘન યુદ્ધાભ્યાસ આખું વર્ષ કરતી રહે છે. 

નહેરૂજીના મનમાં તો ફક્ત ‘સેનાને constructive કામમાં લગાડો’ની ધૂન ચઢી હતી. 

આ ધૂનમાં તાલ કરતાલ વગાડવાનું કામ કર્યું એક કાશ્મિરી પંડિત અફસર – 

મેજર જનરલ બી.એમ.કૌલે. તેમણે નહેરૂના વિચારને એક વધારાના પગલામાં 

બદલ્યો.  સેનાને Constructive કામને બદલે તેમણે construction કામમાં 

લગાડી! અંબાલા કેન્ટોનમેન્ટમાં છાવણી નાખી રહેલી જગપ્રસિદ્ધ ‘લાલ ગરૂડ’ના 

નામે પ્રખ્યાત થયેલી 4 Infantry Division ને ‘રચનાત્મક બાંધકામ’માં લગાડી. 

જ્યારે આ ૧૫૦૦૦ સૈનિકોની સેનાએ યુદ્ધની તૈયારી માટેનું પ્રશિક્ષણ કરવા 

નિયત ક્ષેત્રમાં જઈ ત્રણ મહિનાનો યુદ્ધાભ્યાસ કરવો જોઈતો હતો, જનરલ કૌલે  

તેમની પાસેથી ‘ઑપરેશન અમર’નામ હેઠળ અંબાલામાં જ સૈનિક આવાસોનું 

બાંધકામ કરવા માટે કડિયાકામ કરાવ્યું અને ઈંટ, પત્થર, સિમેન્ટ વિ.ના તગારાં

ઉપાડવાનું unskilled મજુરીનું કામ કરાવ્યું. આનો પ્રચંડ ફટકો આપણી સેનાને 

૧૯૬૨ના યુદ્ધમાં સહન કરવો પડ્યો.

આ બધી વાતોથી અમે ગુજરાતના યુવાનો સાવ અણજાણ હતા. અમારા 

સૌરાષ્ટ્રનું એક બ્રહ્મવાક્ય છે, “જે આપણી લાઈન નહીં તે જાણવાની માથાકૂટ 

કરવી નહીં.” અમારે ક્યાં મિલિટરી સાથે લેવા દેવા હતી તે આ બધી વાતો 

જાણવાની ભાંજગડમાં પડીએ? વળી આ વાતની વાચ્યતા જરા પણ નહોતી થતી.

અહીં ચીન ભારત સામે બેવડો ખેલ ખેલી રહ્યું હતું. 

www.captnarendra.blogspot.com

જિપ્સીની ડાયરી. કેપ્ટન નરેંદ્ર ફણસે. સમરાંગણની પૂર્વભૂમિકા (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેદ્ર ફણસે

Tuesday, April 6, 2021

સમરાંગણની પૂર્વભૂમિકા (૨)

 ૧૯૪૮નું વર્ષ ભારતને એક નવી દિશામાં લઈ ગયું.  આ વર્ષમાં ત્રણ એવા

 પ્રસંગો બની ગયા જેમણે ભારતનું ભવિષ્ય બદલી નાખ્યું. 

સૌ પ્રથમ તો ગાંધીજીની હત્યા થઈ. આખો દેશ દુ:ખમાં ગરકાવ થઈ ગયો. 

માન્યામાં ન આવે એવી આ વાત હતી. ત્યાર પછી બનેલી બીજી ઘટનાએ 

ભારતના ભવિષ્યને કાયમ માટે બદલી નાખ્યું. પ્રસંગ હતો કાશ્મિરના ભારતમાં 

વિલિનીકરણનો. અહીં જે વાત કહીશું તેની માહિતી દશકો બાદ બહાર આવી.

૧૯૪૮ થી ૧૯૫૮ના દાયકામાં જે ઈતિહાસ ઘડાયો તેની પ્રક્રિયા ખાસ 

રાજદ્વારી વર્તૂળો પૂરતી મર્યાદિત રહી હતી. દેશના સામાન્ય નાગરિકો – 

ખાસ કરીને અમારા જેવા કિશોરો અને યુવાનો તેનાથી સાવ અનભિજ્ઞ રહ્યા. 

આ સઘળા પ્રસંગોની ઘટમાળના કેન્દ્રસ્થાને હતા દેશના લોકલાડિલા વડાપ્રધાન 

જવાહરલાલ નહેરૂ.

આજના યુગમાં પંડિત નહેરૂ વિશે લોકોમાં જે કોઈ અભિપ્રાય હોય તે જે તે 

વ્યક્તિની અંગત માન્યતા પર આધાર રાખે છે. જિપ્સીના પંડિત નહેરૂ વિશેના 

વિચારો પણ તેના અંગત છે. ‘જિપ્સીની નજરે’

– આ શિર્ષક હેઠળ કિશનસિંહ ચાવડાએ ઘણા સુંદર, તેમના લખાણના પ્રેમમાં 

પડી જવાય તેવા લેખ લખ્યા છે. 

આ ભટકતા જિપ્સીની નજરે પંડિત નહેરૂ એક Statesman – રાજપુરુષ કરતાં વધુ આદર્શવાદી સ્વપ્નદૃષ્ટા અને સાહિત્યકાર હતા. 

તેઓ ભારતને વિશ્વમાં આદર્શ શાંતિવાદી, અહિંસાના પ્રતિક અને 

બિનજોડાણવાળા સ્વિત્ઝરર્લૅંડ સમાન નિ:શસ્ત્ર અને neutral દેશ બનાવવા 

માગતા હતા. યુદ્ધના નામમાત્રથી તેઓ ગુસ્સે થઈ જતા. તેમની વાત પણ સાચી 

હતી. યુદ્ધ પોતે એક સમસ્યા છે, અને જે ખુદ સમસ્યા હોય તે તેનો ઉકેલ 

કેવી રીતે લાવી શકે?. તેઓ દૃઢતાપૂર્વક માનતા હતા કે ભારત જેવા અહિંસા 

અને શાંતિને પૂરી રીતે વરી ચૂકેલા દેશને સૈન્યની  આવશ્યકતા નથી. સૈન્યને 

બરખાસ્ત કરી તેની જગ્યાએ દેશમાં અમન અને સુખશાંતિ સ્થાપવા પોલીસને 

વધુ સક્ષમ કરવી જોઈએ એવા નિર્ણય પર તેઓ આવ્યા હતા. આ અંગેનો 

પ્રથમ કિસ્સો ૧૯૪૮માં જ થયો. અહીં થોડી વિસ્તારથી વાત કરવી આવશ્યક છે.

ભારતના ભાગલા થયા બાદ ભારતની સેના – જે ત્યાં સુધી ‘બ્રિટિશ ઇંડિયન 

આર્મી’ હતી, તેની વહેંચણી ચાલતી હતી. અફસરો અને સૈનિકોને પસંદગી

કરવાની તક આપવામાં આવી હતી કે તેમને ક્યા દેશની સેનામાં જવું છે. 

સંયુક્ત ભારતના કમાંડર-ઇન-ચીફ (C-in-C) ફિલ્ડ માર્શલ સર ક્લૉડ ઑકિલનેક 

નિવૃત્ત થયા હતા. તેમની વિદાય બાદ ભારત અને પાકિસ્તાનના C-in-C અંગ્રેજ જનરલ્સ હતા (અનુક્રમે જનરલ સર રૉય બૂચર અને જનરલ સર ડગલસ ગ્રેસી).

પાકિસ્તાનની સ્થાપના થતાં જ અફઘાનિસ્તાનના બાદશાય ઝહુરશાહે 

યોજના ઘડી : હાલ જે પાકિસ્તાનનાે પખ્તુનખ્વા પ્રાંત કહેવાય છે, તેના 

પશ્તુન બહુમતીવાળા  વિસ્તારો પર અફઘાનિસ્તાનનો કબજો કરવો. 

આ માટે તેમણે સીમા પરના મહેસુદ અને આફ્રિદી કબાઈલીઓના દસે’ક 

હજાર જેટલા ‘લશ્કર’ (હથિયારધારી નાગરિકો – militia-ની ટુકડીઓ)ને 

મોકલી તેના પર કબજો કરવાનો આદેશ આપ્યો. બધા કબાઈલીઓ

સરહદ પર એકઠા કર્યા. 

અહીં પાકિસ્તાન કાશ્મિર પર કબજો કરવાની તજવીજ કરી રહ્યું હતું. 

ભારતના ભાગલા કરવા અંગે બ્રિટનની પાર્લમેન્ટે પસાર કરેલા ૧૯૪૭ના

 Indian Independence Act મુજબ દેશી રાજાઓને અધિકાર આપાવામાં 

આવ્યો હતો કે ભારત કે પાકિસ્તાન, બેમાંથી જે દેશ સાથે તેમને જોડાવું 

હોય તો તે તેમની મુનસફીની વાત હતી. ભારત-પાકિસ્તાન સ્વતંત્ર થતાં સુધીમાં 

જો તેઓ નક્કી ન કરી શકે કે તેમને ક્યા દેશ સાથે જોડાવું છે, તો તેમને 

અધિકાર હતો કે તેઓ બન્ને દેશ સાથે ‘Standstill Agreement’ કરે, જેમાં સંબંધિત દેશી રાજા અને બન્ને દેશોના ગવર્નર જનરલ 

સહી કરીને મંજુર કરે કે જ્યાં સુધી રાજા નક્કી ન કરે કે ક્યા દેશ સાથે જોડાવું છે, 

તેમના પર કશું દબાણ ન લાવવું. સૌ જાણે છે કે કાશ્મિરના મહારાજા હરીસિંહને 

સ્વતંત્ર રહેવું હતું. તેમણે Standstill Agreement જીન્નાહ અને નહેરૂ પાસે મોકલ્યું. 

જીન્નાહે તેને મંજુરી આપી અને સહી કરીને આ દસ્તાવેજ હરીસિંહ પાસે મોકલી 

આપ્યો, નહેરૂએ હરીસિંહના પ્રસ્તાવ પર ધ્યાન ન આપ્યું. 

અંખડ ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હતું કે કાશ્મિરમાં પ્રવેશ કરવા માટે તે સમયે એકમાત્ર સડક હતી : પાકિસ્તાનના મરી અને મુઝફ્ફરાબાદ થઈને 

શ્રીનગર અને જમ્મુ તરફ. ભારતમાંથી ત્યાં જવા  સીધી કોઈ સડક નહોતી.

અહીં પાકિસ્તાનને જેવા સમાચાર મળ્યા કે અફઘાન ટોળકીઓ અટક અને 

ખૈબર વિસ્તારમાં પાકિસ્તાન પર હુમલો કરવા એકઠી થઈ રહી છે, તેમણે 

તેમના પશ્તુનભાષી અફસરોને આ જીરગાહ (ટોળીના વડેરાઓ) પાસે મોકલ્યા 

અને સમજાવ્યા કે પાકિસ્તાનને બદલે તેઓ કાશ્મિરમાં જાય તો તેમને 

અનેકગણો ફાયદો થશે. એક તો કાશ્મિર જવા પાકિસ્તાનની સરકાર તેમને 

વાહનો અને હથિયાર આપશે. કાશ્મિરમાં ‘વિધર્મી’ લોકોનું રાજ્ય હોવાથી 

જુના અરબ કાયદા ‘માલ-એ-હરબ’ પ્રમાણે હારેલી જનતાની મિલકત, 

ધનસંપત્તિ અને સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવવાની તેમને છૂટ આપવામાં આવશે. (આ વિશેના અહેવાલો મોજુદ છે અને સંદર્ભ આપી શકાશે). અફઘાન 

ટોળીઓએ પાકિસ્તાનના અફસરોની રાહબરી નીચે કાશ્મિર પર હુમલો 

કરવાનું નક્કી કર્યું.

ભારતની Military Intelligenceને જેવા આ સમાચાર મળ્યા, તે વખતના 

ભારતના ઍક્ટિંગ C-in-C જનરલ લૉકહાર્ટે આ હુમલાને પહોંચી વળવા 

સંરક્ષણ યોજનાની વ્યૂહરચના (Defence Strategy)નો દસ્તાવેજ તૈયાર કર્યો 

અને વડા પ્રધાન નહેરુ પાસે ગયા. 

આ દસ્તાવેજ જોઈ નહેરૂનો ક્રોધ સાતમા આસમાન પર પહોંચી ગયો. 

આ દસ્તાવેજ જનરલ લૉકહાર્ટ પર ફેંકી તેમણે બૂમ પાડી “Rubbish! ભારત 

અહિંસાવાદી અને શાંતિપ્રિય દેશ છે. અમને સૈન્યની જરૂર નથી. આવા અર્થહિન પ્રસ્તાવ મારી પાસે લાવશો મા. અમે પોલીસ પાસેથી શાંતિ 

સ્થાપના કરાવી લેશું. તમે જનરલ ગ્રેસી સાથે મળીને શા કાવાદાવા કરી

રહ્યા છો, તેનો મને અંદાજ છે!”

ક્ષોભિત થયેલા જનરલ લૉકહાર્ટે રાજીનામું આપ્યું. આ સમગ્ર સંભાષણ 

જનરલ લૉકહાર્ટના મિલિટરી સેક્રેટરી મેજર જનરલ એ.એ. રૂદ્રના જીવન ચરિત્ર – 

જે જનરલ પાલિતે લખ્યું તેમાં સવિસ્તર વર્ણવેલ છે.

પાકિસ્તાન તરફથી હુમલો થવાનો છે તેવી માહિતી મળી હોવા છતાં ભારત 

સરકાર તરફથી આ દિશામાં કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નહીં. 

અફઘાન કબાઈલીઓ કાશ્મિરમાં ઘુસી આવ્યા અને બારામુલ્લા શહેર પર કબજો કર્યો. આ એક વ્યાપારી કેન્દ્ર હોવાથી બારામુલ્લામાં અફઘાન લૂંટારાઓ માલ-એ-હરબ એકઠો કરવામાં અને સ્ત્રીઓ પરના અત્યાચારોની સઘળી સીમાઓ 

પાર કરવામાં રોકાઈ ગયા. કેટલીક ટોળીઓ શ્રીનગરની હવાઈ પટ્ટીથી કેવળ 

દસ માઈલ દૂર રહી ગયા હતા ત્યારે પંડિત નહેરૂ ચોંકી ગયા. સરદાર પટેલે 

તેમના સચિવ વી.પી. મેનને અને કર્નલ  સૅમ માણેકશૉ – જેઓ તે સમયે 

મિલિટરી સેક્રેટરી હતા, તેમને જુના ખખડધજ ડૅકોટા વિમાનમાં શ્રીનગર 

મોકલ્યા. હરીસિંહ પાસેથી Instrument of Accession મેળવ્યું અને ભારતીય 

સેનાને વિમાન દ્વારા કાશ્મિર મોકલી. આ કેવી રીતે થયું તેનો પૂરો અહેવાલ

વિખ્યાત પત્રકાર પ્રેમ શંકર ઝાએ ફિલ્ડ માર્શલ માઝેકશૉના ઇન્ટરવ્યૂમાં પ્રકાશિત કરેલ છે.

આપણી સેનાથી અનેકગણી સંખ્યામાં આવેલા કબાઈલીઓના લશ્કર સામે લડતાં 

લડતાં ભારતની પૅરેશૂટ બ્રિગેડના કમાંડર બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન પૂંચ 

વિસ્તારમાં અને શીખ રેજીમેન્ટના કર્નલ દિવાન રણજીત રાય બારામુલ્લા 

ખાતે વીરગતી પામ્યા. શ્રીનગરની હવાઈપટ્ટીનું રક્ષણ કરી રહેલ કુમાયૂઁ 

રેજિમેન્ટના મેજર સોમનાથ શર્મા વીર થયા. તેમની સાથેના સેંકડો બહાદુર 

સૈનિકોએ ભારતની જમીનના એક તસુભર હિસ્સા પર દુશ્મનનો કબજો 

રહેવા દીધો નહીં. પૂંચના ઝંઘડ વિસ્તારમાં ઘૂસેલા દુશ્મનોને મહાર રેજીમેન્ટે 

અનેક સૈનિકોના બલિદાનના અંતે મારી ભગાડ્યા.

 બ્રિગેડિયર ઉસ્માન અને કર્નલ રાયને પરણોપરાંત મહાવીર ચક્ર અને મેજર 

શર્માને પરમવીર ચક્ર (મરણોપરાંત) એનાયત થયા. 

૧૯૪૮ના આ યુદ્ધ અને બલિદાને ભારતમાં કેટલાક મહત્વના ફેરફાર આણ્યા.

સૌથી મહત્વની વાત : ભારતીય સેના બરખાસ્ત થતાં થતાં રહી ગઈ. ભારતમાં

સેના ન રહી હોત અને તેના સ્થાને પોલીસ હોત તો અત્યારે ભારતની શી સ્થિતિ

હોત તેનો વિચાર કરતાં કમકમા ઉપજે.

આ યુદ્ધને પરિણામે નાગરિકોના મનમાં ભારતીય સેના વિશે દહેશત અને ભયની લાગણી 

હતી તે દૂર થઈ. તેની જગ્યાએ ગૌરવ અને અભિમાનની ભાવના જન્મી.

ત્રીજો પ્રસંગ ભારતના ઇતિહાસ પર, અને ખાસ કરીને નહેરૂજીની પરદેશ 

નીતિ પરના ડાઘ સમાન ગણાયો. હાલનું જે આઝાદ કાશ્મિર છે, તેમાંથી 

દુશ્મનનોને હરાવી, ત્યાંથી તેમને ભગાવવાની સ્થિતિમાં બારતના સૈન્યો હતા 

ત્યારે નહેરૂજીએ કાશ્મિરમાં તત્કાળ યુદ્ધશાંતિની ઘોષણા કરી અને આ 

હુમલાનું નિરાકરણ કરવા માટે યુનાઇટેડ નેશન્સને વિનંતી કરી. નહેરૂજી 

પૂરવાર કરવા માગતા હતા કે તેઓ જીતવાની અણી પર હતા છતાં અહિંસા 

અને શાંતિના પુજારી હોવાથી કાશ્મિરની ‘સમસ્યા’નો હલ વિશ્વ શાંતિના 

મંદિર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા લાવવા માગતા હતા. 

Capt. Narendra
www.captnarendra.blogspot.com

જિપ્સીની ડાયરી. સમરાંગણની પૂર્વ ભૂમિકા (૧)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

સમરાંગણની પૂર્વ ભૂમિકા (૧)

વિદ્યાર્થી જીવન દરમિયાન મોટા ભાગના ગુજરાતના કિશોર તથા યુવક વર્ગમાં સૈન્ય 

કારકિર્દી હોઈ શકે એવો વિચાર બહુતાંશે કોઈના મનને સ્પર્શ્યો નહોતો. તે સમયે 

પણ વ્યાવસાયીક ક્ષેત્રમાં કામ કરનાર સજ્જનો તેમના વ્યવસાયના ઉત્તરાધિકારી 

તેમનાં બાળકો બને એવો પ્રયત્ન કરતા. એ જ રીતે રેલ્વે કે સરકારી નોકરી કરનાર 

વડિલોનો પ્રયત્ન એવો રહેતાો કે તેમના બાળકો ‘પેન્શનેબલ અને સુરક્ષિત’ એવી સરકારી નોકરીમાં જાય. આથી બાળકોના ભણતરની દિશા નક્કી કરવાની

 આવે તો ડૉક્ટર – ઇન્જિનિયર પિતા તેમના બાળકોને તે રીતે તૈયાર કરતા. બાકીના વિદ્યાર્થીઓને તેમનાં માતા પિતા તેમની આર્થિક પરિસ્થિતિ 

મુજબ આર્ટ્સ, સાયન્સ કે કૉમર્સ streamમાં મોકલે. તેમાં પણ સમીકરણ હતા. 

આર્થિક સંકડામણ અનુભવતા પરિવારોના બાળક માધ્યમિક શાળાનું શિક્ષણ 

પૂરૂં કરીને તરત નોકરી શોધે. સાધારણ આવકવાળા વાલીઓ તેમનાં બાળકોની 

રુચિ પ્રમાણે આર્ટસ્ કે સાયન્સ કૉલેજમાં મોકલતા, કારણ કે તે સમયે એસએસસી

કરતાં ગ્રૅજ્યુએટ ઉમેદવારોને નોકરીમાં પ્રાથમિકતા અપાતી! અતિ તેજસ્વી 

વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ મળતી તેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા જતા. આ સામાન્ય પરિસ્થિતિ ૧૯૪૦ થી ૧૯૬૦ના દાયકામાં પ્રવર્તતી હતી. 

ખાનગી ક્ષેત્રમાં નોકરીની સુરક્ષિતતાની કોઈ ગૅરન્ટી નહીં તેથી ત્યાં જવાની

કોઈની હિંમત ચાલતી નહીં. બૅંક અને વિમા કંપનીઓમાં લાગવગ અથવા

અમાનત તરીકે મોટી રકમ મૂકવી પડતી તેથી સામાન્ય ઉમેદવારોનું ત્યાં જવાનું ગજું નહીં. 

મિલિટરીની વાત કરીએ તો અમારા બાળપણના દિવસોમાં મિલિટરી વિશે 

જનતાના મનમાં ડરની લાગણી એટલી હદ સુધી હતી કે હથિયાર સાથે 

તેમના આગમનની વાત થતાં જ લોકોમાં ભાગંભાગ થઈ જતી. ૧૯૪૪ થી ૪૭ના 

ગાળામાં દેશમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. ગુજરાતના શહેરોની વાત 

કરીએ તો ૧૪૪મી કલમ જાહેર થઈ હોવા છતાં શેરીના છેડે કે ચૌટામાં લોકો 

હુલ્લડ વિશે ફેલાતી અફવાઓ સાંભળવા ભેગા થઈ જતા. દૂરથી પોલીસના 

ખટારા આવતા દેખાય તો પણ લોકોમાં ખાસ કોઈ પ્રતિક્રિયા નહીં. ખટારામાંથી 

પોલીસ નીચે ઉતરવા લાગે ત્યારે જ લોકો નાસીને ઘરમાં પેસી જતા. બે-ચાર જણા પકડાય તો પોલીસ તેમને ધબેડી ને છોડી દે. દલીલબાજોને ધોલ મારવા 

ઉપરાંત પકડીને લઈ જવાતા. આથી વિપરીત, માર્શલ લૉ જાહેર થયો છે અને મિલિટરી આવી છે’ એવા સમાચાર પ્રગટ થતાં 

જ શેરીઓ ખાલી થઈ જતી. લોકો ઘરમાં પેસી જતા. બારી બારણાં બંધ કરી 

સહુ ઘરમાં બેસી રહેતા. બહાર નીકળવાની કોઈ હિંમત ન કરે કેમ કે માર્શલ લૉમાં 

‘દેખો ત્યાં ઠાર કરો’ની ખુલ્લી સત્તા આપવામાં આવે અને મિલિટરીમૅનનું કામ 

હતું તેમને મળેલા હુકમનું શબ્દશ: પાલન.

આ જાણે ઓછું હોય, મિલિટરીના સૈનિકો ભલે ભારતીય હોય, પણ તેમના વિશે 

ગુજરાતમાં જાણકારી સાવ નહિવત્ હતી. સૈનિકોને શહેરની હદથી ઘણે દૂર, 

કૅન્ટોનમેન્ટમાં એવી જગ્યાએ રાખવામાં આવતા કે તેઓ ક્યાં અને કેવી રીતે 

રહે છે તેનો જનતાને જરા જેટલો ખ્યાલ નહીં. ભારતમાં મિલિટરી સામાન્ય 

જનતાથી અળગી જ રહી. સિવિલિયનો પ્રત્યે તેમની ‘બેરૂખી’નું આ પ્રદર્શન 

શા માટે હતું એ સત્તાધીશો જ જાણે !

આઝાદી પહેલાં ‘તાજ’ના હથિયાબંધ દુશ્મન, ભલે તે દેશી કે વિદેશી હોય, તેમને 

નેસ્તનાબૂદ કરવા માટેનું સરકારનું સૌથી કારગર શસ્ત્ર હતું ‘બ્રિટિશ 

ઇંડિયન આર્મી.’ ખાસ કરીને જલિયાઁવાલા બાગના કત્લેઆમ પછી જનતાના 

મનમાં આ અંગ્રેજ અફસરો અને તેમની કમાન નીચેના ભારતીય સૈનિકોની 

છબિ અંકાઈ ગઈ હતી. 

અહીં ખાસ કહેવું જરૂરી છે કે ભારતીય સેનાએ પહેલા અને બીજા 

વિશ્વયુદ્ધમાં અતુલ્ય પરાક્રમ બતાવ્યું હતું. તેમ છતાં આપણા અફસરો 

અને જવાનોની વીરતા અને વિજયની વાતોને અંગ્રેજ સરકારે વિશેષ 

પ્રસિદ્ધી આપી નહોતી. 

આના ફક્ત બે જ દાખલા આપીશું.

૧. પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને તેના મિત્ર રાજ્યોની લડાઈ જર્મની, ઑસ્ટ્રિયા અને તુર્કસ્તાનના ઑટોમન સામ્રાજ્યની સંયુક્ત સેનાઓની વિરૂદ્ધમાં હતી.  હાલના ઇઝ્રાએલ, પૅલેસ્ટાઈન અને જોર્ડન તુર્કસ્તાનના ઑટોમન સામ્રાજ્યનો હિસ્સો હતા. રણ જેવા આ પ્રદેશમાં તુર્કસ્તાનની વિશાળ સેનાનો સામનો કરવા અંગ્રેજ સરકારે ભારતની દેશી રિયાસતોના રિસાલાઓની સંયુક્ત સેના – Imperial Lancers Brigade તૈયાર કરી સમુદ્રમાર્ગે ઈજિપ્ત મોકલી, અને ત્યાંથી નેગેવ (Negev)ના રૂક્ષ રણમાં. ની ઇમ્પિરિયલ લાન્સર્સમાં ભાવનગર અને ઇડરના રિસાલાઓએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. ભાવનગરના કર્નલ જોરાવરસિંહજી (જોરૂભા) અને તેમના સેકન્ડ-ઇન કમાંડ રિસાલદાર મહોબતસિંહજીએ ‘ચાર્જ ઓફ ધી લાઇટ બ્રિગેડ’ની જેમ પોતાના તલવારધારી રિસાલા (Cavalry)થી હુમલો કર્યો અને ઑટોમન – તુર્કી સેનાના રિસાલાને પરાસ્ત કરી હાઈફા બંદર પર અને પૅલેસ્ટાઈનના અન્ય પ્રદેશો પર કબજો કર્યો હતો. આજે પણ ઇઝરાએલ Haifa Day’ તરીકે જાણીતા ભારતીય અશ્વદળના વિજયને ઉજવે છે. ભાવનગર રિસાલાના આ બન્ને અફસરોને વીરતાના મેડલ અર્પણ થયા હતા. આમાંના રિસાલદાર મહોબતસિંહજીના પ્રપૌત્રી હાલ શિકાગોમાં રહે છે.

૨. આ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના રાજપરિવારના મેજર

રાજેન્દ્રસિંહજીએ તેમની 2 Lancer Regimentની ટુકડીનું નેતૃત્વ લઈ લિબિયાના રણમાં અજેય ગણાતા જર્મન સેનાપતિ ફિલ્ડ માર્શલ રોમેલની સેનાનો ઘેરો તોડી, જર્મન સૈનિકોને બંદી બનાવ્યા હતા. શૌર્યના આ કામ માટે તેમને Distinguished Service Order એનાયત થયો હતો. રાજેન્દ્રસિંહજી આગળ જતાં ફિલ્ડ માર્શલ કરીઆપ્પા બાદ ભારતીય સેનાના કમાંડર-ઇન-ચીફ થયા. સુરતના વ્યાપારી પરિવારના તેજસ્વી યુવાન કૅપ્ટન નલીનકુમાર ધીરજલાલ નાણાવટીએ બીજા વિશ્વયુદ્ધમાં ઇટાલીના પહાડોમાં આવેલ જર્મન સેનાનો અભેદ્ય કિલ્લો મૉન્ટે કૅસિનો પર તેમના કમાન હેઠળની મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની ટુકડીને લઈ હુમલો કર્યો હતો. પોતે ઘાયલ થયા હોવા છતાં તેમણે અંગત નેતૃત્વ કરી હાથોહાથની લડાઈ બાદ અંગ્રેજ સેનાનો કત્લેઆમ કરતી જર્મન મશીનગન્સ પર હુમલો કરી જર્મન સેનાની આ કિલ્લેબંધી સર કરી હતી. કૅપ્ટન નાણાવટીના

 શૌર્યની કદર કરવા સરકારે તેમને  Military Cross અર્પણ કર્યો હતો. બ્રિટિશ સૈન્યના બહાદુરી માટેના સર્વોચ્ચ ગણાતા વિક્ટોરિઆ ક્રૉસ બાદ મિલિટરી ક્રૉસ ગણાય છે, કૅપ્ટન નાણાવટી આઝાદી બાદ આગળ જતાં કાશ્મિરમાં ૧૫૦૦૦ સૈનિકોના સેનાપતિ તરીકે મેજર જનરલના પદ પર પહોંચ્યા હતા. એક હૅલિકૉપ્ટર અકસ્માતમાં તેમનું અવસાન થયું.  

આ યોદ્ધાઓ વિશે ગુજરાતમાં બહુ ઓછા લોકો જાણે છે. મારી પોતાની વાત કરૂં તો જનરલ રાજેન્દ્રસિંહજી સિવાય ભારતની સેનામાં ગુજરાતીઓ હતા કે કેમ, તે પણ હું નહોતો જાણતો! 

આમ મિલિટરી પ્રત્યે અનેક  પ્રકારની ગેરસમજ, ભયની લાગણી અને નાખુશીની હોવા છતાં અમારા મનમાં આઝાદી બાદ મિલિટરી વિશેની છાપ સાવ બદલાઈ ગઈ. આ વિશે આવતા અંકમાં વાત કરીશું.

Posted by Capt. Narendra at 12:18 AM

જિપ્સીની ડાયરી – નવેસરથી : નિવેદન

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી – નવેસરથી : નિવેદન

જિપ્સીએ ૨૦૦૮ની સાલમાં બ્લૉગજગતમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો ત્યારે તેને કેવા સ્વરૂપમાં રજુ કરવો તેની કોઈ યોજના નહોતી ઘડી. નામ સુઝ્યું ‘જિપ્સીની ડાયરી’. પહેલો અંક બહાર પડ્યા બાદ થયું કે સૈન્યજીવનના છુટાછવાયા પ્રસંગોને બદલે તેની કડીબદ્ધ શ્રેણી બનાવીએ તો વાચકોને ખ્યાલ આવે કે ગુજરાતી યુવાન સૈન્યમાં શા માટે જોડાય છે. 

ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. આપણે ત્યાં વ્યવસાયની ઉણપ કદાપિ ભાસી નથી. રાજ્યમાં નહીં તો દેશમાં અન્યત્ર, અને ત્યાંથી આગળ વધવાની તક મળે તો પરદેશમાં આપણા સાહસિકો ગયા છે. તેમ છતાં ઘણા યુવાનો સૈન્યમાં ક્યા કારણસર જાય છે એવી વિમાસણ જનતામાં થાય તે સ્વાભાવિક છે. આ જાણે ઓછું હોય, તેમ આ વિશે ગેરસમજ પણ પ્રવર્તતી હતી. એક વાર જિપ્સીનાં પત્ની – અનુરાધા – બસમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. તેમની બાજુમાં બેઠેલાં એક બહેને વાતવાતમાં પૂછ્યું, “તમારા પતિ શું કરે છે?”

“એ મિલિટરીમાં છે. અત્યારે બોર્ડર પર.”

“બહેન, તમે આમ તો સારા, સુખવસ્તુ પરિવારનાં લાગો છો, તો તમારા પતિ મિલિટરીમાં શા માટે ગયા? જે માણસની આગળ પાછળ કોઈ ન હોય એવા લોકો જ મિલિટરીમાં જતા હોય છે.”

‘ડાયરી’ને મૂર્ત સ્વરૂપ આપવાનું નક્કી થયું ત્યારે આ ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એવું લાગ્યું. 

ગુજરાતને ભારતના અન્ય નાગરિકો ભલે ‘બિઝનેસ-માઇન્ડેડ’ કહે, પણ આપણો પ્રદેશ બુદ્ધિપ્રધાન છે. રાજકીય વિચારોમાં અગ્રેસર. આથી જ તો ગુજરાતના બે યુગપુરુષોએ ભારતનું ભવિષ્ય ઘડ્યું અને આજે તે વિશ્વના ફલક પર અગ્રેસર છે : મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ ઉપરાંત ઓછા જાણીતા પણ યોગદાનની દૃષ્ટિએ ઉચ્ચ કોટિના રાજપુરૂષો થઈ ગયા. જેમ કે લોકસભાના સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર, દેશના સફળ નાણાંપ્રધાન મનુભાઈ શાહ, લોકસભાના સભ્ય ઇન્દુભાઈ યાજ્ઞિક, જયસુખલાલ હાથી. સિવિલ સર્વિસમાં અમૂલ્ય ફાળો આપનારા વિચક્ષણ અફસરો અને ભારતીય સેનાના ઉચ્ચ કક્ષાના પ્રખ્યાત  અફસરો (પણ ગુજરાતમાં અજાણ્યા રહી ગયા) ગયા જેમના વિશે ભવિષ્યમાં વાત કરવાનો પ્રયત્ન કરીશ. શરૂઆતમાં જિપ્સીની વાત.

અહીં એક વાત કહેવા જેવી છે. જિપ્સીએ તેના જીવનકાળમાં કોઈ ડાયરી કે રોજનીશી લખી નહીં. તેના જીવનમાં જે જે થતું ગયું, તેની સ્મૃતિની છીપમાં કંડારાતું ગયું. જે મહાપુરુષોએ તેમની કૃપાપ્રસાદી તેને આપી તેને યાદગિરીના પુસ્તકમાં અણમોલ પુષ્પની જેમ સંઘરી. માતા પિતા-પૂર્વજોએ સિંચેલા સંસ્કારો, અરૂણકાંત દિવેટિયાસાહેબ જેવા શિક્ષકોએ બતાવેલી નવદિશા અને માર્ગદર્શન, નિ:સ્વાર્થ મિત્રો અને સહયાત્રીઓએ કરાવેલ માનવતાનું દર્શન, નિસર્ગે કરાવેલ તેની વિશાળતા અને અપરિમિત સૌંદર્યની અનુભૂતિ તથા કાર્ય-કારણની પેલે પારના અનુભવોની ઘટમાળ – આ સૌની આભારવંદના કરવાનો જે પ્રયત્ન થયો તેમાં ઉદ્ભવી ‘જિપ્સીની ડાયરી’. અહીં એક નિવેદન કરીશ: જિપ્સીએ તેના જીવનમાં જે જોયું, અનુભવ્યું અને યાદ આવતાં ફરી તાદૃશ્ય થયું તે લખ્યું. તેમાં નથી કોઈ અતિશયોક્તિ, નથી મિથ્યાવચન કે નથી કલ્પનાના ઘોડા પર બેસીને દોડાવેલી કોઈ તરંગકથા. અહીં વર્ણવેલા કાર્ય-કારણની પેલે પાર જેવા લાગતા પ્રસંગો તે વખતે સત્ય હતા અને આજે પણ એટલા જ સાક્ષાત અને સાતત્યપૂર્ણ છે. જિપ્સીના જીવનના તે મહત્વના અંશ છે. તે સ્વીકારવા કે નહીં તે આપની મરજીની વાત છે. આપના જીવનમાં પણ એવા પ્રસંગો આવ્યા હશે જેનું કારણ કે પરિણામ સમજી શકાયું ન હોય.

બ્લૉગની શરૂઆતથી જ જિપ્સીને અમૂલ્ય મિત્રો મળ્યા. અમદાવાદના ટાઈમ્સ ઑફ ઇંડીઆ અને ઇકોનૉમિક ટાઈમ્સના ગ્રુપ સંપાદક સ્વ. તુષારભાઈ ભટ્ટ, આપણા લોકપ્રિય સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા, હરનીશભાઈ જાની અને જુગલકિશોરભાઈ વ્યાસ, સુરેશભાઈ જાની અને ચિરાગ પટેલ જેવા બ્લૉગર તથા વિદુષી પ્રજ્ઞાબહેન વ્યાસ જેવા સમીક્ષકનું માર્ગદર્શન અને પ્રોત્સાહનને કારણે ‘જિપ્સીની ડાયરી’ એક વિશેષ વાચક વર્ગમાં સ્થાન મેળવી શકી. મારા કૉલેજ કાળના મિત્ર અને મુંબઈના ખ્યાતનામ કૉર્પોરેટ ઍટર્ની ગિરીશભાઈ દવેએ ખાસ આગ્રહ કર્યો કે આને પુસ્તકરૂપે બહાર પાડવી. ભાવનગરની શામળદાસ કૉલેજના પ્રાચાર્ય ડૉ. ગંભીરસિંહજી ગોહિલે હસ્તપ્રતનું સંપાદન કર્યું, બોપલના પુસ્તકશિલ્પી અપૂર્વભાઈ આશરે તેને એક પ્રતિમાની જેમ ઘડી. ગુર્જર સાહિત્ય મંદિરે પ્રકાશિત કરી..જિપ્સીની ડાયરી
ગુજરતના સાહિત્યરસિકોએ આ પુસ્તકને સ્વીકાર્યું તેનું કારણ એ નહોતું કે કૅપ્ટન નરેન્દ્રનું એક ‘લેખક’ તરીકે કોઈ અસ્તીત્વ હતું. કદાચ એકાદ પુસ્તકના અનુવાદક તરીકે?  હા! આની પાછળ નાનો સરખો ઇતિહાસ છે.વર્ષો પહેલાં લંડનમાં સ્થાયી થયેલા આ ભૂતપૂર્વ સૈનિકને પાકા પાનાંની નોટબુકમાં મરાઠીમાં લખેલી એક હસ્તપ્રત મળી : નામ હતું “माझी जीवनकथा” લેખિકા હતાં વિમલાબાઈ.  ફક્ત ‘ચોથી ચોપડી’ સુધી ભણેલાં આ મહિલાની ભાષા અત્યંત સરળ અને હૃદયસ્પર્શી હતી. વળી એવી મૃદુ શૈલીમાં તે લખાઈ હતી કે તે વાંચીને આ સૈનિક ભાવવિભોર થઈ ગયો. એક એવી ઉત્કટ ભાવનાત્મક લહેરમાં તે ખેંચાઈ ગયો કે ક્યારે તેનું “બાઈ”ના શિર્ષકથી ગુજરાતીમાં ભાષાંતર કરવા લીધું અને ક્યારે તે પૂરૂં થયું, તેનું તેને ભાન પણ ન રહ્યું.  સ્વાતિ પ્રકાશનના શ્રી. શિવજીભાઈ આશર – જેમણે તેમના કલકત્તાના નિવાસ દરમિયાન ત્યાંના ‘નવોદિત’ ગુજરાતી લેખકો ચંદ્રકાંત બક્ષી અને શિવકુમાર જોશીને પહેલો ‘બ્રેક’ આપ્યો હતો, તેમણે વાંચ્યું અને સુપ્રસિદ્ધ લેખિકા વર્ષાબહેન અડાલજા પાસે મોકલ્યું. બહેને “હિંચકે બેઠાં’..ના શિર્ષક નીચે પ્રસ્તાવના લખી. સ્વ. ભોળાભાઈ પટેલ, સ્વ. વિનોદ ભટ્ટ જેવા વરીષ્ઠ વિવેચકોએ તેને વધાવી લીધું. જન્મભૂમિ-પ્રવાસીએ તેને તે વર્ષના “દસ સર્વશ્રેષ્ઠ પુસ્તકો જે સૌએ વસાવી લેવા જોઈએ”માં સ્થાન આપ્યું. બસ, “બાઇ”ના અનુવાદક-સંપાદક તરીકે એક ખૂણામાં લખાયેલ આ નામ વાચકોની યાદદાસ્તમાં રહી ગયું હશે. તેથી જ કે કેમ લોકોએ ‘જિપ્સીની ડાયરી’ કુતૂહલથી વાંચી. ગુજરાત સાહિત્ય અકાદમીને ૨૦૧૨ના વર્ષ માટે આ પુસ્તક નોંધપાત્ર લાગ્યું. ‘ગુજરાત મિત્ર’ના કટાર લેખક સ્વ. ડૉ. શશિકાંતભાઈ શાહે ડાયરીને સંક્ષિપ્તરૂપે નાનકડી પુસ્તિકાના અવતારમાં પ્રકાશિત કરી. સુરતના વિખ્યાત હીરાના નિકાસકાર શ્રી. સવજીભાઈ ધોળકીઆએ તેની દસ હજાર નકલ છપાવી વિનામૂલ્યે વહેંચી હતી. જામનગરના જાણીતાં લેખિકા વૈશાલીબહેન રાડિયાએ ‘ડાયરી’ના આધારે “રાવિ જ્યારે રક્તરંજિત થઈ’ના શિર્ષકથી લઘુથાની સ્પર્ધામાં ભાગ લીધો અને તેમને પ્રથમ પારિતોષિક મળ્યું. આ સૌનું શ્રેય ભારતના સૈનિકોના શૌર્યને જાય છે. જિપ્સીએ માત્ર કથાકારનું કામ કર્યું હતું.આ છે ‘ડાયરી’ની પૂર્વકથા.

“જીસ કી બીવી મોટી…..”

પ્રવીણ શાસ્ત્રી

“જીસ કી બીવી મોટી…..”

Jiski biwi moti uska bhi bada naam hai, Aisa Bhi Hota Hai, 11 August 2015  Samaa Tv - YouTube

એક મોટો ધમાકો. ભમ્મ્મ્મ. એક મોટી ચીસ. બિચારો મનિષ ઓફિસ રૂમમાંથી બેડરૂમ  તરફ દોડ્યો અને દૃશ્ય જોઈ બારણાં પાસે થંભી ગયો.

‘ઓય મા મૈ તો મર ગઈ. મેરે મન્નુને હી મુઝે માર ડાલા. સુરેખા પર બોલીવુડી હિન્દી ભાષાની અસર મોટી હતી.  અરે મને સુખ્ખેથી મરવા પણ ના દીધી, મઈ તો મર ગઈ.’ સુરેખાનું કલ્પાંત ચાલુ જ હતું. ‘મેરે બાપને તેરે સાથ શાદીકી પરમિશન દી, ઇસ પાપ સે આજ મુઝે લટકના પડા. મેરા વેલેંટાઈન બીગડ ગયા.’

સુરેખાનું કલ્પાંત હિન્દી ગુજરાતી ભાષામાં ચાલુ હતું. છેલ્લા વીશ વર્ષથી એની ધમકી ચાલુ જ હતી કે ‘મનિયા, તું કોઈ બી પટાકડી સાથે લફરામાં પડશે તો હું પંખે લટકી જઈશ. પણ દરેક ગરબડ વખતે મનિષે એને સમજાવી પટાવી દીધેલી. કોઈ મોટી ગરબડ નહીં પણ હસી મજાક અને જરા તરા ટચી ટચી. હેંડસમ હસબંડ પ્રેમથી સોરી કહી સમજાવતો અને સુરેખા સમજી પણ ગયેલી, અત્યાર સુધી સુરેખા અને પંખો સલામત હતો. પણ આજની વાત જૂદી હતી. આજે પંખો તૂટ્યો પત્ની લટકી નહિ અને બિચારી બેડ પર જ પડી ગઈ. એને ખબર હતી કે એકાદ દિવસ તો આવું થવાનું જ છે. અને તે આજે થયું. મનિષ હસતો હતો.

મનિષ બારસાખનો ટેકો લઈને હસતો હતો. સુરેખા આંખો બંધ કરીને બરાડતી હતી.

સુરેખા એટલે ખરેખર સુરેખા. એના ખભાથી પગની પાની સુધી એક પણ વળાંક  દેખાય નહીં. જાણે તદ્દન સીધી લાઈનનું એક મોટું ડ્રમ. એ મહાકાય ૧૨૦ કિલો એટલે કે લગભગ ૨૬૦ પાઉંડની સુરેખાની દેહલતા બેડપર ચત્તીપાટ પડી હતી.. એના શરીર ઉપર સીલીંગ ફેન પડ્યો હતો. અને નફ્ફટ મનિષ એને મદદ કરવાને બદલે બારણે ઊભો રહીને હસતો હતો.

સુરેખાએ આંખો ખોલી. મનિષને હસતો જોઈને એણે બરાડો પાડ્યો ‘બેશરમ, આ ફેન હટાવ અને મને બેઠી કર. હું મરવા પડી છું અને તને હસવાનું સૂઝે છે?’

‘વીશ વરસ પહેલાં હું પડ્યો તો ત્યારે કેટલા બધા હસ્યા હતા એ યાદ છે? આજે મને હસવા દે. મને એક ફોટો લેવા દે પછી તને હેલ્પ કરું. સુરેખાને એ ભૂતકાળનો પ્રસંગ યાદ આવી ગયો. બિચારી દુખમાં યે હસી પડી.

એકવીશ વર્ષ પહેલાં મનિષ કુમળો હસમુખો હેન્ડસમ કોલેજીઅન હતો. એના પિતાજી,  દાનાચંદ ઝવેરીને ત્યાં સામાન્ય સ્થિતિના મુનિમજી હતા અને સુરેખા મનિષની કોલેજમાં જ ભણતી, દાનાચંદ ઝવેરીની એકની એક દીકરી હતી. દાનાચંદ આમતો કંજૂસ પણ એના મુનિમજીના દિકરાને કોલેજમાં ભણવાનો ખર્ચો આપતો. આમ સુરેખા મનિષના બાપના શેઠની દિકરી હતી.મનિષ ભણવામાં હોંશિયાર હતો. એની આજુબાજુ રૂપાળી છોકરીઓ વિંટળાયલી રહેતી. સુરેખા પણ એમાંની એક. બધીને મનિષ ગમે તો સુરેખાને કેમ ના ગમે! સુરેખા ભલે જાડી હતી પણ રૂપાળી તો હતી જ.

             એકવાર કોલેજ ફંકશનમાં સ્ટેજ પર મનિષે લાવારિસ મુવીનું, અમિતાભ બચ્ચનનું, ‘મેરે અંગનેમે તુમ્હારા ક્યા કામ હૈ’ ગીત ગાયું. જીસકી બીબી મોટી ઉસકાબી બડા નામ હૈ લાઈન પર સુરેખા સ્ટેજ પર પહોંચી ગઈ. સ્ટેજ પર મનીષનો હાથ પકડી ડેન્સ કરવા માંડ્યો અને નાચતા કુદતાં ભારે શરીરની સુરેખા પડી ગઈ. એણે મનિષનો હાથ પકડ્યો હતો એટલે તે પણ એના પર પડ્યો. 
             ઓડિયન્સમાંથી બધાએ એકની એક લાઈન ગાવાની ચાલુ રાખી. જિસકી બીવી મોટી ઉસકા ભી બડા નામ હૈ બિસ્તર પે લિટા દો ગદ્દે કા ક્યા કામ હૈ. કોલેજનું ઑડિટોરિયમ હાસ્ય અને તાળીઓથી લાંબો સમય ગાજતું રહ્યું. એના ફોટા લોકલ ન્યૂઝ પેપરમાં પણ આવ્યા. છોકરીઓથી ઘેરાયલા મનિષની ઘણાં અદેખાઈ કરતાં. એમને મનિષને ટ્રોલ કરવા માંડ્યો. એને  કે સુરેખાને જુએ એટલે બધા ગાવા લાગતાં. જિસકી બીવી મોટી….
             બસ થઈ રહ્યું. સુરેખાએ જીદ પકડી. પરણીશ તો મનિષને જ. મનિષ નહિ પરણે તો હું પંખે લટકી જઈશ. મા વગરની એકની એક દીકરી જીદ કરે એ બાપથી કેમ સહન થાય. “યે હાથ હમકો દે દે ઠાકુર”ની અદાથી દાનાચંદે મુનિમજીને કહ્યુ “મુનિમજી તહારો છોરો મન્હે આપી દે”  ધમકી કામ ન કરી એટલે દાનાચંદ લાંબો થઈને બાપ દીકરાને પગે પણ પડ્યો. મનિષ અને એના બાપા દાનાચંદના ઉપકાર હેઠળ દબાયલા હતા. એમનાથી બાપદીકરીનું દુઃખ ના જોવાયું. કંકોતરીઓ વહેંચાઈ ગઈ. શરણાઈ વાગી. મંગળ ગીતો ગવાયા અને સુરેખાએ પંખે લટકવાનું માંડી વાળ્યું.

સુરેખા કાંઈ સાસરે જાય? મનિષે જ સાસરવાસ કરવાનો હતો. પ્રથમ રાત્રીએ મહેફીલ પુરી થતાં માળ પરના શયન ખંડમાં જવાનું હતું. સુરેખાએ જીદ પકડી. મન્નુ મને ઉંચકીને ઉપરના બેડરૂમમાં લઈ જા, ‘પ્લીઝ, કેરી મી. મનિષ આમ તો દેખાવડો અને તંદુરસ્ત. એણે સુરેખાને બધાના દેખતાં ઉંચકી પણ ખરી, બે પગથીયા ચઢ્યો પણ ખરો; પણ…..સુરેખાનું મહાકાય તનબદન અને સિલ્કી સુંવાળું પાનેતર. પગ સર્યો. મનિષ પડ્યો અને એની ઉપર પડી સુરેખા. બધા ખૂબ હસ્યા. પરાણે મનિષ પણ હસ્યો. બસ આખી જીંદગી પરાણે હસતો જ રહ્યો. આજે સુરેખાને બેડ પર ચત્તી પડેલી સુરેખાને જોઈને ભૂતકાળની વાત યાદ આવી અને બિચારાથી હસાઈ ગયું.

સુરેખા મેદસ્વી હતી એ જ મોટી ખોડ. ભારે શરીરવાળી બધી જ વ્યક્તિઓ મોટે ભાગે પ્રેમાળ અને આનંદી જ હોય છે. કોલેજના છોકરાઓ મનિષની મશ્કરી કરતા. મનિષ અને સુરેખાના કાર્ટૂનો દિવાલ પર ચોંટાડતા. છોકરીઓ ‘હાય મેરે જાનુ’ કરીને નિસાષા નાંખતી. અને પરિણીત મનિષની મૈત્રી શોધતી. હવે એમાં મનિષનો શો વાંક.

સુરેખાએ પિતાશ્રીને કહી દીધું. અમારાથી ઈન્ડિયામાં ન જ રહેવાય. અમારે અમેરિકા જવું છે. પિતાશ્રીએ ખટપટ કરીને પૈસા વેરીને કોઈ કોલેજમાં મનિષ અને સુરેખાને એડમિશન અપાવી દીધું. સુરેખાથી તો ન ભણાયું પણ મનિષ ભણ્યો, ચાર્ટર એકાઉંટન્ટ થયો અને પોતાની એકાઉંટિંગ ફર્મ શરૂ કરી. અમેરિકન કોલેજમાં સાથે ભણતી અમેરિકન સુંદરીઓને પોતાની ઓફિસમાં નોકરીએ રાખી. સુરેખા અને મનિષનો સંસાર સારો ચાલતો હતો.

સરસ મજાનું મોટું ઘર લીધું. ઘરના જ એક ભાગમાં મોટો ઓફિસરૂમ પણ બનાવ્યો.

“મન્નુ બધ્ધા રૂમમાં સિલીંગ ફેન લગાવી દે”

“ડાર્લિંગ, વી હેવ ફોર ઝોન સેન્ટ્રલ એરકંડીશન.  વી ડોન્ટ નીડ સિલીંગ ફેન”

“ ડિયર તું જો લફરાબાજી કરે તો મારે લટકી જવા ફેન તો જોઈએ એટલે જોઈએ જ” આપણો મનિષ જન્મથી જ રસિક સ્વભાવનો. એને મહિલાઓ ગમે અને સનારીઓને પણ એની વાતો ગમે. જાણે ગોપીઓની વચ્ચેનો કનૈયો. એવા વરને સાચવવા સુરેખાએ જાત જાતના પ્રલોભનોની સાથે જાત જાતની ધમકી આપવી પડે.

મનિષની ઓફિસમાં સુંદર છોકરીઓ કામ કરે. બધીને જ હેંડસમ બોસની વ્હાલી થવાનું ગમે. વગર પૈસે ઓવરટાઈમ કરવા પણ તૈયાર. આવી લપસણી ઓફિસમાં મન્નુનો પગ સરે અને મન્નુ લપસે એ શક્યતા સવાસો ટકાની. મન્નુ લપસે તો સુરેખા ફેનપર લટકે એ વાત પણ દોઢસો ટકાની; એમાં જરાયે શંકા નહિ. બિચારો મન્નુ. મિઠાઈની દુકાન સામે ભૂખ્યા ઉભેલા બાળક જેવો. આજે  મનિષ પૂરો પિસ્તાળીશનો હતો. જાણે મિઠાઈ સામે બેઠેલો ડાયાબેટીક પેશન્ટ. મન્નુ સુરેખાને  હૃદયથી ચાહતો પણ મનડું તો હજુ રંગીન જ રહ્યું હતું. ઓફિસ ગર્લના ફોન નંબર યાદ રહેતા પણ નામ યાદ નહોતા રહેતા. દરેક છોકરીઓને તે “હાય હની”, “હાય સ્વીટી’ વિગેરેથી બોલાવતો. વીશ વર્ષમાં કોઈ એ પણ “મી ટૂ” ની ફરિયાદ કરી ન હતી.

મનિષ શોધી શોધીને સ્માર્ટ, મહેનતુ, ઈંટેલિજન્ટ અમેરિકન સુંદરીને પરસનલ આસિસ્ટન્ટ તરીકે  હાયર કરતો અને થોડા જ સમયમાં સુરેખા એ રૂપાળીઓને ફાયર કરાવતી. છેલ્લે કંટાળીને એણે એક પરિણીત ગુજરાતણને પરસનલ આસિસ્ટનન્ટ તરીકે હાયર કરી. લાંબી પાતળી ઝિરો ફિગરવાળી મધુનો પતિ જાડીયો અને ટાલીયો હતો. બિચારી મધુ પોતાના કરતાં તેના બોસની વધુ દયા ખાતી. બન્ને અનેક રીતે સમદુખીયા હતા. એક દિવસ મધુ મનિયા માટે મેથીના મુઠીયા લઈ આવી. મુઠીયામાં તો વાંધો ન હતો પણ મધુએ મનિયાના મોંમાં જાતે મુઠીયું મુક્યું અને ચાર હોઠ વચ્ચેનું મેથીનું મુઠીયું અદ્ર્ષ્ય થઈ ગયું. સુરેખા એ જોઈ ગઈ.

ખલ્લાસ. બે દિવસ “હવે તો પંખે લટકી જ જઈશ” ની સતત નોટિસના ત્રાસને કારણે મધુને છૂટી કરી.

એક વર્ષ પહેલાં જ આધેડ ઉમ્મરની એક બ્લેક જમૈકન મહિલા એલિઝાબેથને પરસનલ આસિસ્ટન્ટ તરીકે હાયર કરી. એની ઉમ્મર લગભગ પંચાવન વર્ષની. કામ સાથે કામ. બોસની સાથે બીજા કોઈ નખરા નહિ. ઓફિસ મેનેજર તરીકે બાહોશ. બધાની કામની વહેંચણી એવી કરી દીધી કે બધી છોકરીઓને દોડી દોડીને બોસ પાસે જવાની જરૂર જ ન પડે. સુરેખાને એલિઝાબેથ બહેન ગમી ગયા. એને શાંતિ થઈ ગઈ.

પછી તો કોવિડની મહામારી શરૂ થઈ. બધાએ ઘરેથી જ કામ કરવા માંડ્યું. બાર પંદર છોકરીઓથી ગુંજતી ઓફિસમાં હવે મનિષ એકલો જ કામ કરતો થયો. જરુર પડે તેને બે ચાર કલાક માટે ઓફિસમાં બોલાવી લેતો. જ્યારે કોઈ એંપ્લોયી કામ કરવા આવે ત્યારે સુરેખા ઓફિસમાં આંટો મારતી જ હોય. ખાત્રી કરી લે કે માસ્ક પહેરેલો છે કે નહિ. મનિષને તો ડબલ માસ્ક પહેરાવે. અને દશ ફૂટનું ડિસ્ટંસ રખાવે.

એલિઝાબેથ આવે ત્યારે એને જરા પણ ચિંતા નહિ. એ તો હાથમાં ગ્લોવ્ઝ પહેરે. મોં પર માસ્ક અને ફેસ શિલ્ડ પણ પહેરે. એ આવવાની હોય ત્યારે સોરેખાને ખુબ શાંતિ.

આજે વેલેંટાઈન ડે હતો. દર વેલેંટાઈન ડે પર મનિષ સુરેખાને સ્પેશીયલ બુકે આપતો. વચ્ચે લાલ તુલિપ્સ અને આજુબાજુ ચાર રંગના ગુલાબો.  ભારતના વરરાજાના હાથમાં હોય એવો મોટો કલગો. અને મસમોટું હાર્ટશેઇપ ચોકલેટ બોક્ષ. આજે પણ બિચારો મનિષ સવારે વહેલો ઉઠીને ફ્લોરિસ્ટને ત્યાં જઈને ફ્રેસ બુકે લઈ આવ્યો હતો. સુરેખાની સવાર દશ વાગ્યે થાય.

સવારે આઠ વાગ્યે અચાનક જ એલિઝાબેથ થોડા પેપર પર સહિ કરાવવા આવી પહોંચી. આંખનું કાજળ કાળા ગાલ પર પ્રસર્યું હતું. કપડાં પણ અવ્યવસ્થિત હતા. ઊંઘમાંથી ઊઠીને જ સીધી આવી પહોચી હોય એમ લાગતું હતું. સુરેખા હજુ ઉંઘતી હતી.

‘વ્હોટ હેપન ડીયર બેટ્સી?’ એલિઝાબેથને કોઈ લીઝ કહે ને કોઈ બેથ કે બેટ્સી પણ કહે.

‘નથ્થીંગ’

‘પ્લીઝ ટેલ મી. સમથીગ બેડ હેસ હેપન્ડ ટુ યુ. કંઈક તો ખોટું થયું છે. મનિષથી કોઈ પણ મહિલાનું દુઃખ સહન ન થાય.

‘માય બોય ફ્રેંડ બ્રોકઅપ વીથ મી લાસ્ટ નાઈટ. વી વેર ઈન રિલેશનશીપ ફોર લાસ્ટ ફિફટીન યર્સ. આઈ ડિડ નોટ સ્લીપ લાસ્ટ નાઈટ.’

આ હાયમાં બિચારી બેટ્સી અને મનિષના માસ્ક ભુલાઈ ગયા હતા. ખૂણામાં મૂકેલો કસ્ટમાઈઝ બુકે જોઈને એ ચોધાર આંસુએ રડી પડી. ‘વ્હાઈ હી હેસ ટુ લીવ મી એલોન ઓન વેલેંટાઈન ડે. નો ફ્લાવર્સ, નો ડાર્ક ચોકલેટ, નો ગિફ્ટ્સ, વ્હાઈ મી.’

મનિષ ભાન ભૂલ્યો. સુરેખા ઉઠે તે પહેલાં બીજો બુકે અને ચોકલેટ લઈ આવીશ એમ વિચારી, દયા ભાવથી સુરેખા માટે લાવેલ બુકે અને ચોકલેટ પેકેટ એલિઝાબેથને આપી દીધું. એને હગ કરી. ગાલ પર ગાલ ઘસાયા. અને જરા હોઠ પણ અડ્યા. શક્ય છે કે હગ કરતી વખતે મનિષના હાથ આમ તેમ ફર્યા પણ હોય. બસ એટલું જ.

‘હેપ્પી વેલેંટાઈન ડે બેટ્સી.’

બેટસીનો વેલેંટાઈન ડે સુધરી ગયો. બેટસી નું ઓફિસ કામ પતી ગયું. બન્ને છૂટા પડ્યા. અને મનિષ બેટ્સી પાછળ બીજો બુકે લાવવા બહાર નીકળવાની તૈયારી કરતો હતો અને મોટો ધમાકો અને સુરેખાની રાડ સંભળાઈ.

રાડનું કારણ….?

આજે રોજ કરતાં સુરેખા વહેલી ઉઠી. મનિષનું બેટ્સી સાથેનું દયાભાવનું આલિંગન સુરેખાએ જોયુ. મનિષને પોતાને પણ ખબર બ હતી પણ સાહજિક રીતે જ બિચારાનો હાથ ખોટી જગ્યાએ પહોંચી ગયો હતો. અને તે સુરેખાબેનના ધ્યાનમાં આવી ગયું હતું. પંખે લટકવાનું પુરતું કારણ હતું. એના બેડ ઉપર જ ફેન હતો. એ બેડ પર ઉભી થઈ તો માથે પંખો નડ્યો. અરે ભગવાન, લટકી જવાય એટલી ઉંચાઈ પણ નથી. એણે બન્ને હાથથી પંખાની બ્લેડ પકડી અને પંખો એના પર તૂટી પડ્યો. સુરેખા ચત્તીપાટ અને એના પર પંખો.

‘આઈ એમ ગોઇંગ ટુ ગેટ નાઈસ બુકે ફોર યુ. બસ આમ જ આરામ કર.’

‘અરે મન્નુ બળવા દે તારો બુકે પહેલાં મને બેઠી કર, આ તે કેવો પંખો? સરખું મરાય પણ નહિ. મારી તો કમ્મર તુટી ગઈ. ધોળી પાસેથી છોડાવ્યો; દેશીને દૂર કરી તો કાળી આભડી ગઈ. મારા તો નશીબ જ બળેલા છે.’

પત્નીની રેકર્ડ ચાલતી હતી. ભાન ભૂલેલા ભરથારને મોડે મોડે ભાન થયું કે એના હાથ જે રીતે વ્હાલી પત્નીના દેહને સ્પર્શતા તે જ રીતે બેટસીના દેહની ભૂગોળ પર પણ ફર્યા હતા.  એના હાથે શું કર્યું તે એને ખબર જ ન હતી. બધું જ અનાયાસે નિર્દોષ રીતે બની ગયું હતું. અને જીંદગીમાં પહેલી વાર સુરેખાએ પંખે લટકવાનો પ્રયાસ કર્યો હતો.

મનિષે હસવાનું બંધ કર્યું. સુરેખાના શરીર પર પડેલો પંખો દૂર કર્યો.

‘હની, કંઈ વાગ્યું તો નથી ને?’

‘આ શરીરને તો કાંઈ ગોદો વાગે એમ નથી પણ મારું દિલ તૂટી ગયું. તને ખબર છે તેં શું કર્યું?’

‘મેં શું કર્યું? હા ભૂલમાં તારા માટે લાવેલો તે બુકે મેં બેટ્સીને આપી દીધો.  હું હમણાં જ ફ્લોરિસ્ટને ત્યાં જઈ એના કરતાં સારો બુકે અને ડાર્ક ચોકલેટ લઈ આવું.’

‘બળવા દે બુકે. અત્યારે મને તારો હાથ આપ. મને બેઠી કર.’

મનિષે હાથ આપી સુરેખાને ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ સુરેખાએ એનો હાથ ખેંચીને એના કાનમાં ગાયું; “જીસકી બીવી મોટી……”

……..થોડી વાર પછી …… વેલેંટાઈન ડે ઉઅજવાઈ ગયો. આઈ લવ યુ, આઈ લવ યુ ટૂ પણ થઈ ગયું.

‘હની શું થયું તે મને ખબર નથી. પણ જે કંઈ થયું હોય તે માટે આઈ એમ વેરી સોરી. આઈ લવ યું હની. યુ આર ધ ઓન્લી વન ફોર મી.’ મનિષે માફી માંગી.

‘ઈટ્સ ઓકે. આઈ નો, યુ વોઝ હંગ્રી ફોર મેની ડેઝ. પણ જો બીજીવાર કોઈ ચાળે ચઢ્યો તો હવે ….હું પંખાના ભરોસે નહિ રહું…..ઝેર ખાઈશ…ગન લાવી તારી હગલીને ભડાકે દઈ દઈશ. ડિયર, આ પંખો કેમ તૂટી ગયો? એજ મને સમજાતું નથી.’

‘આઈ ડોન્ટ નો. મને પણ સમજાતું નથી. પંખો ભલે તૂટ્યો પણ મારી ગાદી તો સલામત છે.’ મનિષે એને  આખા શરીર પર ચુંબનોથી ભીંજવી દીધી.

મનિષ મનમાં બોલ્યો. મારાથી ભૂલમાં કોઈ લફરૂં થઈ જાય તો પણ તને મરવા થોડી દેવાય? જ્યારે બધા ફેન નંખાવ્યા ત્યારે જ મેં ઈલેક્ટ્રીશીયનને કહ્યું હતું કે ફેન વપરાવાના જ નથી. લાઈટ વેઇટ શોભાના ફેન ચાર સ્ક્રૂને બદલે માત્ર બે ઢીલા સ્કૄ પર લટકાવી રાખ. સર્કીટબ્રેકર પણ બંધ રાખી હતી. જરા પણ પ્રયાસ કરે તો એ નીચે તૂટી જ પડે. કદાચ જરા તરા વાગે પણ કોઈપણ મરે તો નહિ જ.

આજે એ જ બન્યું. જેવી હોય તેવી; ઝીરો ફિગર હોય કે ટ્વેન્ટીટુ ફિગર હોય, મનિષ સુરેખાને ચાહતો હતો. વફાદાર હતો. અને સુરેખા તે જાણતી હતી.

Pravin Shastri

March 27, 2021

જિપ્સીની ડાયરી – નવેસરથી

વાહ્લા મિત્રો,
ઘણાં જ લાંબા સમય પછી આપની સાથે વાત કરી રહ્યો છું. આંખ અને આંગળાની મુશ્કેલીને કારણે વાર્તાઓ લખવાનું લગભગ બંધ થઈ ગયું હતું. અ ન્ય બ્લોગ મિત્રો સાથે પણ સંબંધ કપાઈ ગયો હતો. દરમ્યાન એક વર્ષના ટૂંકા ગાળામાં પ્રેમાળ અને હિતેચ્છુ બ્લોગમિત્રો પણ વિદાય થયા.
આજથી બરાબર નવ વર્ષ પહેલાં પહેલી એપ્રિલે મેં મારો બ્લોગ શરૂ કર્યો હતો. એના સશક્તિકરણની શરૂઆત પરમ અને વડીલમિત્ર શ્રી. કેપ્ટન નરેંદ્ર ફણસીજીની “જિપ્સીની ડાયરી નવેસરથી” દ્વારા કરું છું. એમની લિન્ક પર ક્લિક કરવાથી એમની વાતો વાંચી શકાશે. આપના પ્રતિભાવોની અપેક્ષા.

Captnarendra's Weblog

પ્રસ્તાવના

૨૦૦૮ની સાલમાં શરૂ થયેલ જિપ્સીનો પ્રવાસ અચાનક થંભી ગયો હતો. સિગરામના અશ્વ થાકી ગયા હતા. છેલ્લો પડાવ નાખવાનો સમય આવી ગયો હતો. યોગ્ય સ્થાનની તલાશ હતી અને સ્થાન મળી પણ ગયું. મારા અશ્વ ‘મેઘ’ અને ‘સુગ્રીવ’ને હવે આરામ આપ્યો છે. નજીકમાં ચરી રહ્યા છે. અહીં છે જિપ્સીનો સિગરામ, અંતરમાં રહી છે જુની યાદો અને એક હાકના અંતર પર રહે છે તેના પ્રિયજનો અને મિત્રો. તેમાંના એક મિત્ર – શ્રી. પ્રવીણકાંત શાસ્ત્રીએ આગ્રહ કર્યો. ‘ડાયરી’ને ફરી સજીવન કરો. તમારી વાતો ભલે જુની રહી, પણ તેનો સંદર્ભ, તેની છાયા આજના યુગના પરિપેક્ષમાં એટલી જ અસરકારક છે, તે સમયે જે ઘટનાઓ થઈ તેનું ઊંડાણ અને દૂરગામી પરિણામોનું વિવરણ તે સમયે કરી શકાયું નહોતું. સમાજમાં તે સમયે “શા માટે થયું” તેના કરતાં  “શું થયું” જાણવાની ઈચ્છા વધુ હતી. હવે નવા વાચક જુના પ્રસંગોને ઊંડાણથી જાણવા માગે છે, કેમ કે તેમની અસર, તેની ઝાળ હજી પણ વર્તાય છે – કેટલીક તો વધુ ઉગ્રતાથી. જે વાતો…

View original post 237 more words