જિપ્સીની ડાયરી-સંહારનો ઉપસંહાર (૧)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Monday, August 30, 2021

સંહારનો ઉપસંહાર (૧)

    અમદાવાદમાં પ્રલયકાંડની સમાપ્તિ બાદ શરૂ થઇ ગયું રાજકારણ. આપણો દેશ

સ્વતંત્ર થયા બાદ આવું હંમેશા થતું આવ્યું છે. ખાસ કરીને લોકસભામાં જેમ જેમ

વિરોધ પક્ષોનો ઉગમ થતો ગયો, તેમ તેમ રાજકારણમાં કૂટનીતિનો પ્રારંભ થતો

ગયો. અગાઉના એક અંકમાં ‘History repeats itself’નો ઉલ્લેખ કર્યો હતો.

આપને આશ્ચર્ય થશે કે જે વાત ઇંગ્લૅંડમાં સન ૧૭૨૫માં બની ગઇ તે ભારતમાં

૧૯૪૭માં બની. ઇંગ્ડના ધનાઢ્ય જમીનદાર ઘરાણામાં જન્મેલ રૉબર્ટ વૉલપોલ

Whig Partyના બ્રિટનના પહેલા પ્રાઇમ મિનિસ્ટર થયા હતા અને તેઓ આ પદ

પર સત્તર વર્ષ (૧૭૨૫થી ૧૭૪૨) સુધી રહ્યા. વ્હિગ પાર્ટીનું આટલા લાંબા સમયનું

અબાધિત રાજ્ય  ઇતિહાસમાં ‘Whig Oligarchy’ નામથી ઓળખાયું. ભારતના

પ્રથમ વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરૂને સર રૉબર્ટ વૉલપોલ સાથે સરખાવી

ન શકાય, કારણ કે સર રૉબર્ટ ભ્રષ્ટ રાજપુરુષ હતા અને ભ્રષ્ટાચાર માટે તેમને છ

મહિના કેદમાં જવું પડ્યું હતું. નહેરૂની ખ્યાતિ પ્રામાણિક વડા પ્રધાન તરીકેની

હતી. ઇતિહાસનું પુનરાવર્તન બ્રિટનની વ્હિગ અને ભારતના કૉગ્રેસ પક્ષના

લાંબા, અબાધિત રાજ્ય અંગેની છે, જે બન્ને દેશના પહેલા વડા પ્રધાનના

સમયમાં થઇ. વ્હિગ પાર્ટીની સત્તા કેવળ ૧૭ વર્ષ ચાલી જ્યારે કૉંગ્રેસ પાર્ટીની

સત્તા તેથી પણ વધુ. કહેવાનું તાત્પર્ય એક જ છે : કોઇ પણ પક્ષની સરકાર સામે

કોઇ સમજદાર, સક્ષમ વિપક્ષ ન હોય ત્યાં કુરાજ્ય ચાલવાનું. સર રૉબર્ટ વોલપોલ

જેવા ભ્રષ્ટ રાજકારણીઓ દેશ પર રાજ્ય કરતા રહેવાના.

    અહીં એક રસપ્રદ વાત કહેવા જેવી છે : ‘Every man has his price’ની

રાજકારણમાં પ્રખ્યાત થયેલી ઉક્તિ આ જ સર રૉબર્ટ વૉલપોલની છે. આપે નક્કી

કરવાનું છે ભારત માટે આજના યુગમાં તે કેટલી બંધ બેસતી લાગે છે, અને તે

ક્યારથી થતી આવી છે!

*** 

    ભારતને આઝાદી મળ્યા બાદ આપણા શરૂઆતના સ્વાતંત્ર્યવીરોમાં નિ:સ્વાર્થ

દેશસેવાની ભાવના હતી. ધીમે ધીમે તે લોપ પામી. દેશમાં પ્રજાતંત્ર આવ્યું. ‘નેતા’ઓ

તેમને મળેલી અપૂર્વ લોકપ્રિયતાને કારણે પ્રચંડ બહુમતથી ચૂંટાતા આવ્યા. તેમના

હાથમાં અબાધિત સત્તા આવી. તેમાં તેમને મળતા અમર્યાદિત લાભ તેમના માટે

જાણે વાઘ પહેલી વાર મનુષ્ય રક્ત ચાખે અને ત્યાર બાદ તેની લત લાગે, તેવું થયું.

સત્તા, સમૃદ્ધિ અને ઐહિક સુખોના ઉપભોગની લાલસાને કારણે પોતાનું પદ કાયમ

રહે અને વંશપરંપરાગત બની રહે તે માટે રાજકારણીઓ જે તક મળે તેનો ઉપયોગ

કરવા લાગ્યા. તેમના માટે મોટામાં મોટી તક હતી બહુમતની મહત્તા (majoritarian

powerbase). તેનું મહત્વ જોવામાં આપણા નેતાઓને બહુ સમય લાગ્યો નહીં.

તેમાંથી જન્મ્યું વોટ બૅંકનું રાજકારણ. તુષ્ટીકરણની કુનીતિ. અંગ્રેજોની divide and

ruleની કપટનીતિથી આપણા નેતાઓ વાકેફ હતા. તેમાં ઉમેરાયા કાવાદાવા અને

તેનો ભોગ બની જનતા તથા રાષ્ટ્રવાદ. ગાંધીજીના કેટલાક સૂત્રો : જનતાના પૈસાની

એક એક પાઇનો હિસાબ જનતાને આપવો જોઇએ, અને રાષ્ટ્ર હિત સર્વોપરી છે – તેવા

સાદા, સરળ નીતિ સૂત્રો તેમની વિદાય બાદ  ભુલાઇ ગયા.

    ‘નેતા’ઓએ પોતાનું વ્યક્તિગત સામ્રાજ્ય અને સત્તાનો પાયો મજબૂત કરવા

રાજરમતનો ચોપાટ રચ્યો અને પોતે બની ગયા તેના સૂત્રધાર – શકુનિ. પરિણામે

મહાભારતની જેમ કોઇનો સર્વનાશ થયો  હોય તો તેમના પર વિશ્વાસ રાખી

તેમને મત આપનાર મતદાતા,  તથા કાયદા-કાનુનના ચોકઠામાં રહી જીવન નિર્વાહ

કરવા મથતા સામાન્ય પ્રજાજનો – જેમાં હિંદુ, મુસલમાન, દલીત, સવર્ણ, ગરીબ, અમીર

– બધા આવી ગયા. મિથ્યા પ્રચાર – સમાચાર (misinformation) તથા સચ્ચાઇ

બતાવતી માહિતીને પ્રકટ થતી અટકાવવા  disinformationનો છૂટથી થતા ઉપયોગમાં

રાજકારણીઓના સહભાગી બન્યા કેટલાક સ્વાર્થી  પત્રકારો અને ઊદ્યોગપતિઓના

નિયંત્રણ હેઠળના સમાચારપત્રો. દેશમાં જુદા જુદા ધર્મના અનુયાયીઓ વચ્ચે હિંસા,

સામ્યવાદ વિરુદ્ધ મૂડીવાદ જેવી રાજકીય માન્યતા અને જાતીઓ વચ્ચેના ભેદ તેમણે

વધુ તીવ્ર કર્યા. તેમાં પીસાતી જનતાના તારણહાર તેઓ જ છે, અને પ્રતિપક્ષ પ્રજાના

શત્રુ એવી મિથ્યા માન્યતા જનતામાં ફેલાવી અને વોટ બૅંક તૈયાર કરી. હિંદુ – મુસલમાન

વચ્ચે મતભેદની જ્વાળા પર હવા ફૂંકી. જ્યાં જ્યાં દલીત વિરૂદ્ધ સવર્ણ, સામ્યવાદ

વિરૂદ્ધ બાકીના બધા – એવા જમાનાથી ચાલી રહેલા વિખવાદને જીવતો રાખી

તે દ્વારા સ્વાર્થ સાધતા રહ્યા. 

    દેશમાં ધર્મ આધારિત મનદુ:ખને કારણે જે હિંસા થતી અવી તેની સૌથી સખત

અગનઝાળ લાગી હોય તો તે ગુજરાતને. દરેક ગુજરાતી આ જાણે છે. પણ તેનો ઉકેલ

કોણ લાવે? ભૂતકાળમાં આપણા પ્રદેશમાં અન્ય સમસ્યાઓની પરાકાષ્ઠા થઇ ત્યારે 

આપણે તેનો વિરોધ કરી સત્તા પલટો પણ આણ્યો. મહાગુજરાત, નવનિર્માણ,

મોંઘવારી વિરોધ જેવા આંદોલનોએ ચીમનભાઇ પટેલ જેવી સરકારને હઠાવી ;

મોરારજી દેસાઇ જેવા મોટા ગજાના નેતાને પણ ગુજરાતની પ્રજાએ પાઠ શીખવ્યો

અને તેમને નમાવ્યા. પણ પ્રજા પણ કેટલું લડે? સમસ્ત પરિવારનો ભાર જેમના

પર છે તેવા કામદાર, ઑફિસમાં કામ કરનાર વ્યક્તિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ –

આ બધા રાજકારણીઓની જેમ full time આંદોલનકારી નથી હોતા. આ privilege

વિદેશથી મળતી આજીવિકા પર નભતા સામ્યવાદી અને તેમના દ્વારા પોષાતા

ખાઇબદેલા આંદોલનજીવીઓ પાસે જ છે.  અંતે જનતા વિરોધ કરવાનું ભુલી ગઇ.

કોમી તોફાન, મોંઘવારી, બેરોજગારી રોજીંદી સમસ્યાઓનો ઉકેલ શોધવા મથતી

ગૃહિણીઓ – સૌએ નસીબ પર વાત છોડી. જે આવે તેનો સ્વીકાર કરી, સહનશીલતા

કેળવી, પોતપોતાના કામમાં ગૂંથાવામાં સૌ વ્યસ્ત થઇ ગયા. પ્રશ્નો વણ ઉકેલાયા રહ્યા

અને સમય સમય પર તેનો વિસ્ફોટ થતો રહ્યો. 

    ૧૯૬૯ના કોમી માનવ સંહારની શરૂઆત ધર્મના રાજકરાણથી થઇ અને તેના અંત

બાદ પણ રાજકારણ ચાલુ જ રહ્યું. હુલ્લડ શરૂ થતાં પહેલાં કેટલાક બનાવ બની ગયા

તે વિશે અગાઉ સંક્ષિપ્ત વાત કરી છે. તોફાનો શમી ગયા બાદ આક્ષેપ – પ્રત્યાક્ષેપની ઝડી

શરૂ થઇ ગઇ અને સરકાર તરફથી બહાનાં. એક વાત, જે સઘળા ‘Political Analysts’,

અખબારોના તંત્રીઓ તથા કહેવાતા નિષ્પક્ષ પરદેશી અને વામપંથી વિશ્લેષકોએ

સ્વીકારી તે હતી હિતેન્દ્ર દેસાઇ સરકારની નબળાઇ, અક્ષમતા અને કૌશલ્ય-હીન

વહીવટ. વામપંથી, ‘ઉદારમતવાદી’ લિબરલ અને હાલ પ્રખ્યાત થયેલા (અને તે વખતે

પણ સક્રિય હતા તે) સેક્યુલર અને વિદેશી ‘નિષ્ણાત’ તો એટલી હદ સુધી કહી ગયા કે

૧૯૬૯ના કોમી તોફાનો પૂર્વનિયોજિત હતા ! 

    સવાલ ઉઠે છે, એવું હોય તો તેમને આ વાતની જાણ ક્યારે અને કેવી રીતે થઇ, અને

તેની માહિતી તેમણે સરકારને શા માટે આપી નહીં? બીજી વાત : શું સરકારનું ગુપ્તચર

ખાતું સંપૂર્ણ રીતે નિષ્ક્રિય હતું કે તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ થયું હતું?  ત્રીજી

વાત : એપ્રિલમાં પોલીસ સુપ્રિન્ટન્ડન્ટ શ્રી. દેસાઇ પર કહેવાતો કુરાને શરીફ જમીન

પર ફેંકવાનો આક્ષેપ પણ સુનિયોજીત હતો? અને મુસ્લિમ અફસર દ્વારા (કહેવાતો)

રામાયણને લાત મારવાનો પ્રસંગ, જમાલપુરમાં પીર બુખારીસાહેબની મઝાર પર

ગાયોનું ધણ ચલાવવાનો, કોમી શાંતીમાં દખલ પહોંચાડવાનો, સાધુઓ પર જીવલેણ

હુમલો કરવાનો ઇરાદો – તે પણ પૂર્વનિયોજિત હતા? એક વધારાનું કારણ બહાર પડ્યું

તે હતું હુલ્લડ શરૂ થવાના કેટલાક મહિના અગાઉ લગભગ એક લાખ મિલ કામદારોને

કામ પરથી છૂટા કરવામાં આવ્યા હતા. તેમાંના મોટા ભાગના કામદાર ઉત્તર પ્રદેશના

હતા. તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે તેમણે મોટા પાયા પર હિંસા આદરી

હતી. આ પણ મિલ માલિકો દ્વારા લેવાયેલું પૂર્વનિયોજિત પગલું હતું? કે પછી જગતના

અર્થકારણે નક્કી કર્યું હતું કે ઉદ્યોગોમાં મંદી ૧૯૬૯માં લાવવી જેથી ભવિષ્યમાં

ગુજરાતના શહેર અમદાવાદમાં રામાયણનો પ્રસંગ બનશે તેથી કોમી રમખાણ

શરૂ કરવા એક લાખ બેકાર મિલ મજુરોની ફોજ તૈયાર રહે?

    હુલ્લડ બાદ કૅમ્પમાં પાછા ગયા બાદ પણ એક ગુજરાતી તરીકે જિપ્સીના મનમાં

અનેક વિચારોનું તુમુલ્લ યુદ્ધ ચાલતું રહ્યું. અનેક પ્રશ્નો ઉઠ્યા. ૧૯૬૯માં થયેલું હુલ્લડ

શહેરમાં કોમી વિખવાદનો પહેલો વહેલો પ્રસંગ નહોતો. અમદાવાદમાં કોમી દંગલ

છેક અઢારમી સદીથી થતા આવ્યા છે અને અનેક વાર થયા છે. સદીઓથી સમાજમાં

એવા ક્યા પરિબળો કે વિચારસરણી જીવિત છે જેણે કોમી વૈમનસ્યની બુઝાયેલી

રાખમાંના તણખા સચેત રાખ્યા હતા? બન્ને ધર્મોના શિક્ષિત અને પ્રબુદ્ધ નાગરિકો,

જેમાં દેશમાં પ્રખ્યાત થયેલા ન્યાયાધીશ, વકીલ, પ્રોફેસર, ધનાઢ્ય વ્યાપારીઓ અને

વિચારકો ન કેવળ અમદાવાદમાં, પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ રહેતા હતા

અને પોતપોતાના વ્યવસાયમાં નામાંકિત થયા હતા. શું તેઓ  સમાજમાં કોમી

એખલાસનો સંદેશ  પહોંચાડવા માટે સક્ષમ નહોતા? કે પછી કોમમાં કામ કરી

રહેલા કટ્ટર ધર્મગુરુઓથી ડરીને પ્રજા ચૂપ રહેતી હતી? આપણે ભલે માન્ય કરીએ

કે આપણા અગ્રણીઓ આ જાતના સામાજિક કાર્યમાં પડવા માગતા નહોતા, તો

પણ સામાન્ય પ્રજા શા કારણથી ધ્યાનમાં નથી લેતી કે કોમી વૈમનસ્યથી અસંખ્ય

લોકોની જીવ હત્યા થાય છે; અનેક પરિવારો બેઘર, છત્રવિહોણા થઇ જાય છે ;

લોકોનાં જીવન બરબાદ થઇ જાય છે? આપણી પોતાની સારાસાર વિવેકબુદ્ધિને

શું થઇ જતું હતું?

    આવા તોફાનો અનેક વાર થયા છે. તેમાં માનવતાનો દીપક પ્રકાશિત રાખતા

ઘણા બનાવ બન્યા છે. મુસ્લિમ ભાઇ-બહેનો અને બાળકોને હિંદુ પરિવારોએ

અને મુસ્લિમ પરિવારોએ હિંદુ ભાઈ-બહેનોને પોતાના ઘરમાં છુપાવી તેમના જીવ

બચાવ્યા છે. કુદરતી આફતના સમયે  કોઇએ ધર્મ, જાત, પંથની પરવા કર્યા વગર

એક બીજાને મદદ કરી છે. માનવતાનાં નીર અને ક્ષીર વહેતા રહે છે. તે આવા

સમયે ક્યાં લુપ્ત થઇ જાય છે?

    જિપ્સી પાસે તે વખતે જવાબ નહોતો અને હજી પણ તેના પ્રશ્નો અનુત્તરિત રહ્યા છે.


Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૩)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, August 26, 2021

૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૩)

    ગુજરાતમાં થયેલા કોમી હુલ્લડ તથા તેમાં થયેલી માનવહત્યાનો ઇતિહાસ

લાંબો છે. ગયા અંકમાં જણાવ્યા મુજબ સૌથી પહેલું રમખાણ સન ૧૭૧૪માં થયું.

(આ વિશેના લેખની લિંક પર ક્લિક કરશો) ત્યારથી બન્ને કોમો વચ્ચે જાણે 

battle lines બંધાઇ ગઇ હોય તેવી પરિસ્થિતિ થઇ. ૧૭૧૪ થી ૧૭૧૬ સુધી સતત ત્રણ વર્ષ

હોળી કે ઇદના પ્રસંગે  કોમી હુલ્લડની જાણે નવી પરંપરા બની ગઇ. ત્યાર બાદ કોઇ એક

ધર્મની નાની સરખી બાબતમાં અપમાન થયાની અફવા ફેલાય, તેની સત્યતા જાણ્યા વગર,

તેનો સુલેહ શાંતિથી ઉકેલ લાવવાને બદલે હિંસાત્મક પ્રત્યાઘાત  થવા લાગ્યો. ધર્મનું પાલન

કાયદાના ચોકઠામાં થવું જોઇએ કે કાયદાનું પાલન ધર્મના, અથવા ધર્મગુરુઓના આદેશોના

ફ્રેમવર્કમાં, તેની બૌદ્ધિક કે આધ્યાત્મિક ચર્ચા કદી થઇ નહીં. ન થઇ વાત રાજકારણીઓ,

ધર્મગુરુઓ, સમાજશાસ્ત્રીઓ, નાગરિકો વચ્ચે.

    હવે આપણે કોમી દંગલના મૂળ જોઇએ અને વિચાર કરીએ કે ૧૭૧૪માં થયેલા પહેલા

પ્રસંગ અને તેના ૨૫૦ વર્ષ બાદ થયેલી વ્યાપક હિંસાના પ્રસંગ વચ્ચે શો ફેર હતો.

    સપ્ટેમ્બર ૧૯૬૯માં એક પછી એક ત્રણ બનાવ થયા. તે સમયે ગુગલ નહોતું. હાલમાં

“આધારભૂત” માહિતી આપતું વિકિપીડિયા પણ નહોતું. જિપ્સી પાસે બે માહિતી સ્રોત

હતા. એક તો પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી અને સ્થાનિક સમાચાર પત્રો.

આ જ માહિતી હવે ગુગલ સર્ચમાં ઉપલબ્ધ છે : ફેર માત્ર એટલો છે કે તેમાંનું ‘વિકિપીડીયા’

એક ongoing editing થતું માહિતીપત્ર છે, અને તેમાં એક વાર પ્રકાશિત થયેલા લેખમાં

સતત સંશોધન, સુધારા અને ઉમેરા થતા રહે છે. 

    વીસમી સદીમાં અમદાવાદમાં મોટા ભાગના કોમી તોફાનોનું focal point જમાલપુર

વિસ્તાર રહ્યું છે. ૧૯૬૯માં થયેલા અને નીચે વર્ણવેલા ત્રણ પ્રસંગોની chronology તથા

વિગતો બદલાતી રહી છે, તેથી તેની આજ બાવન વર્ષ બાદ ૨૦૨૧ના વર્ષમાં તેની 

accuracyની બાહેંધરી કોઇ નહીં આપી શકે. જો કે કન્ટ્રોલરૂમમાં અમને જે માહિતી

મળી તે આ પ્રમાણે હતી.

  ૧૯૬૯ના માર્ચ મહિનામાં અમદાવાદમાં એક એવી અફવા ફેલાવવામાં આવી હતી કે 

શ્રી. દેસાઇ નામના પોલિસ અધિકારીએ પવિત્ર કુરાનનું અપમાન કર્યું હતું. હકીકત એ 

હતી કે ગેરકાયદે રેંકડીઓ ચલાવતા ફેરિયાઓ સામે મ્યુનિસિપલ કૉર્પોરેશને અભિયાન 

ચલાવ્યું હતું જેમાં પોલીસની મદદ લેવામાં આવી હતી. એક તપાસ દરમિયાન શ્રી.દેસાઇએ શાક-બકાલાની લારી ચલાવતા મુસ્લિમ ફેરિયાએ લારીમાં રાખેલ પવિત્ર કુરાનની નકલ જમીન 

પર ફેંકી હતી. જોત જોતામાં આ વાત ચારે તરફ ફેલાઇ ગઇ અને મુસ્લિમ સમાજમાં ક્રોધ 

ફેલાઇ ગયો. લોકલાગણીને માન આપી સરકારે શ્રી. દેસાઇને સસ્પેન્ડ કર્યા, પણ આ વર્ગની 

જનતાનો ક્રોધ શમ્યો નહીં. મહિનાઓ સુધી મુસ્લીમ સમાજમાં સંતાપ  ફેલાવતી રહી.  હતી.

આનું  પરિણામ સપ્ટેમ્બર મહિનામાં આવ્યું. 

    બીજા બનાવની વિગત એવી છે કે જમાલપુરમાં  જગન્નાથજીનું  મંદિર આવ્યું   છે.. રોજ સાંજે  મંદીરની ગૌશાળાની ગાયો મંદિરમાં પાછી આવે. તે દિવસે મંદિરની નજીક આવેલ 

પીરની મઝાર પર ઉર્સ ચાલતો હતો. મંદિરની કેટલીક ગાયો ભીડમાં ગભરાઇ ગઇ અને 

તેની અડફેટમાં ઉર્સમાં ભાગ રહેલી બહેનોને ઇજા થઇ. ગાયોના સાધુ-ગોવાળ  અને  ઉર્સમાં  ભાગ  લેનાર  લોકો  વચ્ચે  બોલાચાલી  થઇ અને  કોઇએ સાધુઓ પર હાથ ઉપાડ્યો. તે જ રાતે આ જગ્યાની નજીક રામાયણની કથા ચાલતી હતી જેને એક 

લઘુમતિ કોમના પોલિસ અધિકારીએ વેરવિખેર કરી. આખા શહેરમાં અફવા ફેલાઇ કે 

લઘુમતી કોમના કેટલાક લોકોએ જગન્નાથ મંદિરના પૂજનીય ગણાતા વયોવૃદ્ધ મહંત 

પર હાથ ઉપાડ્યો હતો, અને માર્ચ મહિનામાં પવિત્ર કુરાનના કહેવાતા અપ-માનનો બદલો લેવા જમાલપુરના એક ચકલામાં ચાલતી રામયણની કથાને વીખેરવાના 

બહાને લઘુમતી કોમના આ પોલિસ અધિકારીએ રામાયણના ગ્રંથને લાત મારી હતી.

    બન્ને અફવાઓ આખા શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. આગનું દાવાનળમાં પરિવર્તન

થયું. જે વાત ઉપર દર્શાવી છે તે અમદાવાદના તોફાનોની તપાસ કરવા માટે નીમાયેલા 

રેડ્ડી કમિશનના રિપોર્ટમાં આ ત્રણે વાતોની પુષ્ટી કરવામાં આવી છે. અમદાવાદમાં થયેલા

આ પ્રલયસમા તોફાનોનો તર્કશુદ્ધ નિષ્કર્ષ એક જ છે. સદીઓથી  ધૂંધવાતા કોમી વૈમનસ્યનો

વણબુઝાયેલો તણખો અને વારંવાર તેમાં રેડવામાં આવતો ઉગ્રવાદી નેતાઓએ પોતાના

એજન્ડા સાધ્ય કરવા ફેલાવેલી અફઓનો ઑક્સીજન.

આ ૬ દિવસમાં ૫૦૦૦થી વધુ નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. હજારો લોકો 

ઘરબાર વગરના થઇ ગયા હતા

            અજબ સંજોગની વાત છે કે જ્યારે કોમી દાવાનળની આગમાં અમદાવાદ 

સળગી રહ્યું હતું, મારા મિત્ર અને પત્ર-કાર શ્રી. તુષારભાઇ ભટ્ટ જેઓ આગળ જતાં

અમદાવાદથી પ્રસિદ્ધ થતા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને ઇકોનૉમિક ટાઇમ્સના ચીફ

એડિટર થયા)  તે સમયે અમદાવાદમાં પત્રકાર તરીકે અમદાવાદમાં જ આ તોફાનોને

cover કરી રહ્યા હતા. મારી સાથે આ વિષયમાં વાત કરતાં તેમણે કહ્યું, “તોફાનોના

અગ્નિની તીવ્રતા એટલી ઉગ્ર હતી કે તેના આઘાતમાં કહો કે shock, હિતેનદ્દ્રભાઇ

દેસાઇ તથા તેમનું સમસ્ત પ્રધાન મંડળ સ્તબ્ધ મતિ અને ગતિશૂન્ય થઇ ગયું હતું. 

તેમણે અને તેમના પ્રધાનોએ તેમનું આખું જીવન રાજકારણમાં ગાળ્યું હોવા છતાં

તેમની પાસે આ હિંસક કટોકટીનો સામનો કરવાનું સામર્થ્ય રહ્યું નહોતું. ઇતિહાસ

સાક્ષી છે કે તોફાનના દિવસો દરમિયાન રાજ્ય સરકારના મુખ્ય મંત્રી સમેત કોઇ

પણ પ્રધાને પોતાના સરકારી આવાસમાંથી બહાર નીકળીને શાંતિ સ્થાપવાની તો વાત

જવા દો, પરિસ્થિતિનો કયાસ કાઢવા હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાની હિંમત

દાખવી નહીં. હિંસામાં પિતા-પતિ-ભાઇ-પુત્ર ગુમાવી બેસેલ કોઇ પણ મહિલાના આંસુ

લૂછવા આપણા ગાંધીવાદી પ્રધાનો પાસે હિંમત નહોતી કે સમય નહોતો.

    અહીં શાબાશી આપવી જોઇએ ગુજરાત રાજ્યના અનુભવી IAS તથા IPS અફસરોને.

તેમના પ્રધાનો આઘાતમાં જડ થઇ ગયા હતા, પરંતુ તેમના અફસરો ગતિશીલ રહ્યા.

તેમણે રાબેતા મુજબના તાત્કાલિક પગલાં લીધા, જેથી ભારત સરકારના સશસ્ત્ર

સૈન્યો તાબડતોબ શહેરમાં અને રાજ્યમાં પહોંચી ગયા.  

    જિપ્સી સાથ થયેલી વાતચીતમાં સ્વ. તુષારભાઇએ કહ્યું :

      “અમદાવાદમાં પત્રકાર તરીકે બજાવેલી કામગિરીમાં મેં અનામત વિરોધી તોફાનો 

અને અન્ય ઉગ્ર ગણાય તેવા તોફાનો જોયા અને તેના અહેવાલ લખ્યા, પણ ૧૯૬૯ જેવું 

ભયાનક તાંડવ મેં કદી જોયું નથી. આ વખતે કેવળ પ્રજાજનો નહીં, સરકાર પણ ભયગ્રસ્ત

થઇ ગઇ હતી. મારા મતે ૧૯૬૯ના કોમી તોફાનોએ એવો ચીલો પાડ્યો  જેના પગલે બાકીના 

(ત્યાર બાદ થયેલા) કોમી રમખાણ એટલી જ ક્રુરતાપૂર્વક થયા…”

આ વાત ૨૦૦૨ના કોમી તોફાનોમાં સાચી નીકળી.

Posted by Capt. Narendra at 12:19 PM

જિપ્સીની ડાયરી-૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Tuesday, August 24, 2021

જિપ્સીની ડાયરી ૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૨)

    ગુજરાતમાં પુરાતન કાળથી જુદા જુદા ક્ષત્રીય વંશોએ રાજ્ય કર્યું છે : મૌર્ય, ગુપ્ત,

ચાવડા, ચાલુક્ય (સોલંકી), વાઘેલા વિગેરે. તેમાં સૌથી છેલ્લા રાજપુત રાજા કર્ણદેવ વાઘેલા

(કરણ ઘેલો) હતા. સન ૧૨૯૯ અને ૧૩૦૪ એવી બે ચડાઇઓ બાદ ભારતના સૌથી

સમૃદ્ધ રાજ્ય ગુજરાત પર દિલ્હીના અફઘાન-તુર્કી સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીએ

અફઘાન સત્તા સ્થાપી. ત્યારથી ગુજરાતમાં અફઘાન અને ત્યાર બાદ મોગલોનું રાજ્ય

છેક ૧૮મી સદી સુધી રહ્યું. 

    ગુજરાતના લગભગ ચારસો વર્ષના અફઘાન – મોગલ શાસન દરમિયાન રાજ્યમાં

તાલુકદાર, સુબા, સેનાપતિ કે વફાદાર અફસરોને ઇનામમાં મળેલી વિશાળ જમીનના

માલિક, વહીવટકર્તા, સૈન્યના અધિકારી, કોટવાળ અને દારોગા, ન્યાયાધીશ (કાઝી) વિ.

જેવા મહત્વના સ્થાન પર રાજકર્તાઓના સગાં-સંબંધીઓનું આધિપત્ય રહ્યું હતું. આ

ઉપરાંત ગુજરાતમાં અનેક લોકોએ ઇસ્લામની ઉપાસના પદ્ધતિ અપનાવી. સમાજ

બે ભાગમાં વહેંચાઇ ગયો : રાજકર્તા તથા વહીવટી અધિકારીઓ (Ruling Class)

અને રૈયત, સામાન્ય જનતા, જેમાં આવી ગયા ખેતી, વ્યાપાર, ઊદ્યોગ તથા વહીવટી

ક્ષેત્રમાં કનીષ્ઠ પદ પર કામ કરી રહેલા બહુસંખ્યક સમાજની પ્રજા. તેમ છતાં બન્ને

કોમો વચ્ચે સૌખ્ય અને સમભાવની ભાવના રહી, અને લાંબા સમય સુધી ગુજરાતમાં

શાંતિ પ્રવર્તી. આનું મુખ્ય કારણ હતું સૌનાં મૂળ ગુજરાતનાં હતા. બન્ને કોમોની

ઉપાસના પદ્ધતિ ભલે જુદી રહી, પણ સૌ આ ધરતીના સંતાનો હતાં અને આપણી 

પરંપરા હતી શાંતિપ્રિયતા અને સહિષ્ણુતાની. જનતાની પ્રવૃત્તિ ખેતી, વ્યાપાર,

વહાણવટાની હોવાથી અફઘાન/મોગલ રાજકર્તાઓને તેમના પર શાસન ચલાવવામાં

કોઇ મુશ્કેલી નડી નહીં. શ્રેષ્ઠીઓની શાલિનતાને કારણે શાસક વર્ગના લોકોમાં તેમના

પ્રત્યે આદરની ભાવના હતી. પ્રજા કાયદાને આધિન રહી કામ કરતી હતી.

    અહીં એક ચોખવટ કરવી જરૂરી છે : ઉપર જણાવેલી રાજાશાહી અને સામંતશાહી

(Monarchy and Feudalism) એક કોઇ ધર્મ-વિશેષની પદ્ધતિ નથી.  રાજકર્તા અને

રૈયત એવા સમાજમાં પડેલા બે વિભાગ પુરાતન કાળથી ચાલી આવેલી પદ્ધતિના

પરિણામ છે. આ પદ્ધતિ ભારતમાં ક્ષત્રીય રાજકર્તાઓના સમયમાં હતી અને વિદેશમાં

પણ. યુરોપના મધ્ય યુગમાં તેમજ ઑટોમન સામ્રાજ્યમાં તે જોવા મળે છે. ભારતમાં

વિદેશી સત્તાઓનું આધિપત્ય આવ્યા બાદ તે ચાલુ જ રહી. આમ ગુજરાતમાં અફઘાન

અને મોગલ સામ્રાજ્ય આવ્યા પછીની જે પદ્ધતિ ઉપરના ફકરાઓમાં વર્ણવી છે, તે ટીકા

તરીકે નહીં, ઐતિહાસિક હકીકતનું કથન છે. સમાજશાસ્ત્રના અભ્યાસુઓને તેની જાણ

હશે જ.  આ વિષય બ્લૉગની સીમા બહારના હોવાથી તેની વિસ્તારથી ચર્ચા કરી નથી.

અહીં કેવળ તેનું વર્ણન છે, મીમાંસા નહીં.  

    ગુજરાતના આ મખમલસમા સમાજમાં ચીરો ત્યારે પડ્યો જ્યારે કેટલાક કટ્ટર અને

સંકુચિત મનોવૃત્તિના ધર્મગુરુઓને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને સામાજીક

ઉત્સવોમાં તેમના સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થતો દેખાયો. સામુહિક પ્રાર્થનાઓમાં

તેની વિરુદ્ધ પ્રચાર થવા લાગ્યો. સમાજમાં તીરાડ પડવા લાગી. આની પ્રત્યક્ષતા (

manifestation) સન ૧૭૧૪માં પહેલી વાર જોવા મળી  

   શ્યામ પરીખના ટાઇમ્સના લેખ પ્રમાણે તે વર્ષની હોળીના દિવસે અમદાવાદના એક

આગેવાન વણિક શરાફના હરિરામ નામના મુનિમે એક મુસ્લિમ પર ગુલાલ છાંટ્યો.

આ દ્વેષભાવથી કરવામાં આવ્યું હતું કે ઉત્સવના હર્ષના આવેગમાં, અને હરિરામ આ

પીડિત સજ્જનને ઓળખતો હતો કે કેમ, તે ટાીમ્સના લેખમાં જણાવવામાં આવ્યું નથી.

જેમના પર ગુલાલ છંટાયો હતો તે સજ્જનને પોતાના ધર્મનું અપમાન થયેલું લાગ્યું. તેમણે

અમદાવાદના મુખ્ય કાજી ખૈરઉલ્લાહખાન પાસે ફરિયાદ કરી કે હરિરામે તેમના ધર્મનું

અપમાન કર્યું હતું અને તે માટે તેને સજા કરવામાં આવે. 

    તે સમયે ગુજરાતના હાકેમ દાઉદખાન નામના ઉમરાવ હતા. તેમને શહેરના હિંદુઓ

સાથે સારા સંબંધ હતા તેથી કાજીને લાગ્યું તેઓ હરિરામ સામે કોઇ પગલાં નહીં લે. તેથી

ન તો તેણે દાઉદખાનને જાણ કરી, કે ન કોઇ પગલાં હરિરામ સામે લીધા. સુબા દાઉદખાનને

છેક સુધી ખબર નહોતી કે આવો કોઇ પ્રસંગ બન્યો છે. બીજી તરફ ફરિયાદ કરવા છતાં

હરિરામ સામે કોઇ કાર્યવાહી થઇ નહી તેથી તે પીડિત ગૃહસ્થ મુસ્લિમોનું એક મોટું ટોળું 

લઇ હરિરામના ઘેર પહોંચી ગયો. તેમણે હરિરામનું ઘર લૂંટ્યું અને તેમાં આગ લગાડી.

Mob એટલે મતિહિન પ્રાણી. ઉન્માદમાં આવી તેમણે આડોશ પાડોશમાં રહેતા હિંદુઓના

ઘર લૂંટ્યા અને તેમાં આગ લગાડી. તોફાન આખા મહોલ્લામાં ફેલાય નહીં તે માટે તે ત્યાંના

એક અગ્રણી વ્યાપારી કપુરચંદ ભણસાલીએ તેમના હથિયારબંધ રક્ષકો મોકલી ટોળાને

ત્યાંથી તગેડી મૂક્યું. આનું પરિણામ વધુ ખરાબ આવ્યું : કોમી તોફાનો આખા શહેરમાં

વ્યાપી ગયા. અમદાવાદના મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ દિલ્હી દરબારમાં પહોંચી

ગયા અને મોગલ શહેનશાહ પાસે ફરિયાદ કરી કે તેમના ધર્મ પર હુમલો થયો છે તેથી

ગુજરાતના ગવર્નર અને રહેવાસીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. શહેનશાહ

ફર્રૂખશિયરે વાઇસરૉય દાઉદખાનને બરતરફ કર્યા અને તેમની જગ્યાએ મહારાજ

અજીતસિંહ, જેઓ સુલ્તાનના સસરા હતા તેમને મોકલ્યા. આનાથી સમાજમાં તંગદિલી

વધુ ફેલાઇ. અને સતત બે વર્ષ  સન (૧૭૧૫ અને ૧૭૧૬) અમદાવાદમાં મોટા પાયા

પર હુલ્લડ થયા. 

    એક પરંપરાગત સામાજિક કહો કે ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં એક મૂર્ખ વ્યક્તિએ

કરેલી નાની ભૂલનું જે પરિણામ આવ્યું તે બન્ને સમાજ માટે ચિંતાજનક હતું. કમનસીબે

તે સમયના ધર્મગુરુઓએ આ વાત ગંભીર સ્વરુપ ધારણ ન કરે તે માટે સમાધાનના

પગલાં લેવાને બદલે તેને ધાર્મિક પ્રતિષ્ઠાની બાબત બનાવી અને તે અસાધ્ય રોગની જેમ

અમદાવાદ અને ગુજરાતને વળગ્યો. વિચાર કરવા જેવી વાત તો એ છે કે અઢારમી સદીની

શરૂઆતમાં બનેલ એક બાલીશ પ્રસંગ છેક એકવીસમી સદી કૅન્સરની જેમ ફેલાતો રહ્યો.

ન કોઇ વ્યક્તિએ, કોઇ સમાજે કે સમાજના આગેવાનોએ ઇતિહાસ પાસેથી કશું શીખ્યું

અને તે અંગેના પ્રતિબંધાત્મક (preventive) પગલાં લીધા. વર્ષમાં એક વાર સરકારની

પરવાનગીથી નીકળતી રથયાત્રા એવો landmark પ્રસંગ બની ગઇ કે લગભગ દર વર્ષે

તેની ઉજવણી વખતે કોમી હુલ્લડ લાંબા સમય સુધી થતા આવ્યા છે. સરઘસ કાઢનાર

પ્રયોજકોને સજા કરવાનો અધિકાર વ્યથિત જનતાનો છે, કાયદાને નહીં,  એવું માની,

તે સમયથી નાની – મોટી વાત પરથી અમદાવદમાં કોમી દંગા થતા આવ્યા છે. ૧૭૧૪ની

ક્ષુલ્લક ઘટના બરફના નાના સરખા કણ સમાન હતી : તેનું રૂપાંતર પ્રચંડ હિમપ્રપાત

(avalanche)માં થયું. બસો- અઢીસો વર્ષ જુના પ્રસંગનો સૂક્ષ્મ તણખાે ૧૯૬૯માં અગ્નિ

તાંડવ બની વીસ લાખની વસ્તીવાળા શહેરને ભસ્મીભૂત કરી ગયો. અમદાવાદના

ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખૂનામરકી કદી થઇ નહોતી. સન ૨૦૦૨માં પણ નહીં.

***

    જિપ્સીની ડાયરી સંબંધિત ૧૯૬૯ના દાવાનળના મૂળ પર આવીએ તો જણાશે કે

તેની શરૂઆત એક નાનકડી ચિનગારીથી થઇ હતી. તેને હવા આપતા બે પ્રસંગ

બીજા દિવસે  થયા હતા. જોતજોતામાં આખું શહેર લાક્ષાગૃહમાં બદલાઇ ગયું અને

ભડકે બળ્યું. તેમાંથી બચીને નાસી જનાર પાંડવો નહોતા. (વધુ આવતા અંકમાં)

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૧)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Monday, August 23, 2021

૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૧)

    એક પ્રખ્યાત કહેવત સૌએ સાંભળી છે : History repeats itself. ઇતિહાસનું

પુનરાવર્તન થતું રહે છે. ઇતિહાસમાં બની ગયેલા બનાવો, જેના પરિણામ સ્વરૂપે

અસંખ્ય માનવોની હત્યા થઇ છે અને અસહાય પ્રજા પર અત્યાચાર થયા છે, તે ભવિષ્યમાં

ફરી સર્જાતા હોય છે. આપણે ઘણી વાર જોયું છે કે સમાન ધર્મ, સમાન સંસ્કૃતિ ધરાવતા

દેશો વચ્ચે ભયાનક યુદ્ધ જેવા પ્રસંગો ફરી ફરી વાર થયા છે. વિશ્વ યુદ્ધ, જેમાં અનેક

દેશોના લાખો સૈનિકો અને અસંખ્ય નાગરિકોએ પ્રાણની આહૂતિ આપી; ભવિષ્યમાં

આવું ભયાનક યુદ્ધ ન સર્જાય તે માટે લિગ ઑફ નેશન્સની સ્થાપના થઇ તેમ છતાં

૧૯૩૯માં ફરી એક વાર આવું જ યુદ્ધ થયું. ભારતનો ઇતિહાસ જોઇએ તો આવું

હંમેશા થતું આવ્યું છે. વાસ્તવિકતાનો અસ્વીકાર, મિથ્યા માન – અપમાનની

માન્યતા કે તે વિશેની ગેરસમજ, અભિમાન અને રાજ ધર્મ અને રાજ કર્તવ્યની

ઉપેક્ષાને કારણે મહાયુદ્ધ ફાટી નીકળ્યાના અનેક દાખલા ઇતિહાસે આપણને આપ્યા છે. 

    ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો જે દિલ્હીમાં જયચંદ – પૃથ્વિરાજની

કથામાં થયું અને પરદેશી લૂંટારાઓનું રાજ્ય આણ્યું, તેવું જ ગુજરાતમાં પણ થયું

હતું. પાટણ શહેરના શ્રેષ્ઠી કાકુ શેઠને ગુજરાતના રાજા કરણસિંહ વાઘેલા સાથે

અંગત કલહ થયો. ક્રોધમાં આવી જઇ કાકુ શેઠ રાજાને સજા કરાવવા દિલ્હી ગયો

અને અલ્લાઉદ્દીન ખિલજીને વિશાળ સેના સાથે લઇ આવ્યો. તે સમયે કાકુશૈઠને

પૃથ્વિરાજ – જયચંદના કલહની વાત યાદ આવી નહીં. અંગત વેરની વસૂલાત કરવા

ગુજરાતમાં અફઘાન – મોગલ સત્તા આવી. સત્તાના લોભમાં બંગાળમાં મીર જાફર

વિદેશી આક્રમણકારીઓને જઇ મળ્યો. આખો દેશ હજારો માઇલ દૂરથી આવેલા

વ્યાપારીઓના હાથમાં ગયો. સદીઓ સુધી આ વેપારીઓએ ચલાવેલી લૂંટમાં સમસ્ત

ભારત દેશ ગુલામ થયો. એક વ્યક્તિએ અંગત લોભને કારણે પરદેશીઓને પોતાના

રાજાની હત્યા કરવા બોલાવ્યા અને સદીઓ સુધી દેશને દૈન્ય સ્થિતિમાં લાવી મૂક્યો. 

    આ ઇતિહાસ છે; રાજકારણ નથી. 

    વિદ્વાનો કહે છે, ઇતિહાસની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનું પુનરાવર્તન ત્યારે જ થાય છે,

જ્યારે દેશની પ્રજા ઇતિહાસ પાસેથી કશું શીખતી નથી અને ભૂતકાળમાં બની ગયેલા

દુ:ખદ પ્રસંગોને ટાળવા કોઇ પગલાં લેતી નથી. તેથી જ આવા કરૂણ બનાવોની

ઘટમાળ સર્જાય છે.

    અમદાવાદ – અને ગુજરાતમાં કોમી હિંસાનો ઇતિહાસ ત્રણસોથી વધુ વર્ષ જુનો

છે. સન ૧૭૧૪માં અમદાવાદ શહેરમાં હિંદુ મુસલમાનો વચ્ચે થયેલી હિંસા, ખૂનામરકી

અને લૂંટફાટનો  પ્રથમ બનાવ બન્યો તેમાંથી પ્રજા કશું શીખી હોત તો ગુજરાતમાં

ફરી કદી હિંસક હુલ્લડ સર્જાયા ન હોત. તે સમયે શીખવા જેવી બે વાતો હતી.

સહિષ્ણુતા અને ક્ષમા. ગુજરાતની તે સમયની રાજસત્તા-પ્રભાવિત કોમના આગેવાનોએ

ગુજરાતના પરંપરાગત મૂલ્યો ભૂલી જે કાર્ય કર્યું, તે ૧૯૬૯ના તેમજ ત્યાર બાદના

એકવીસમી સદીના બનાવોના પરિપેક્ષમાં તપાસવા જોઇએ. આ માટે અમદાવાદમાં

બનેલો કોમી હિંસાની પહેલી ઘટના. 

    ટાઇમ્સ ઑફ ઇંડિયાના ૩ એપ્રિલ ૨૦૦૨ના અંકમાં શ્રી. શ્યામ પરીખના લેખમાં

અમદાવાદમાં થયેલા સઘળા કોમી દંગાઓનો ઇતિહાસ આપવામાં આવ્યો છે, તેમાંથી

લીધી છે. Google કરવાથી આ લેખ નેટ પર મળી જશે. 

    જિપ્સીના માનવા પ્રમાણે આ વિષયમાં આપણે ગુજરાતના ઇતિહાસ પર એક

દૃષ્ટિપાત કરવો જોઇશે. (વધુ આવતા અંકમાં.)

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૬૯ – દાવાનળ (૩)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Saturday, August 21, 2021

૧૯૬૯ – દાવાનળ (૩)

    આખું શહેર ભડકે બળી રહ્યું હતું. મિલિટરી, CRPF તથા BSFની ટુકડીઓ

અગ્નિશામકનું કામ કરી રહી હતી. ઘણી વાર અમદાવાદ પોલીસના DIG મિરચંદાણી

જેવા વરીષ્ઠ અધિકારીઓ બનાવના સ્થળનું નિરિક્ષણ કરવા જતા અને સાંજે JOCમાં

આવી અમારી સાથે વાત કરતા. 

    એક સાંજે શ્રી. મિરચંદાણી મિલ વિસ્તારમાં આવેલી ચાલીમાં આગ ચાંપવાના

પ્રસંગનું નિરિક્ષણ કરીને આવ્યા. તેમનો વ્યથિત, શોકગ્રસ્ત ચહેરો જોઇ લાગ્યું કે

તેઓ કોઇ ભયંકર દૃશ્ય જોઇ આવ્યા હતા.

    “આ જગ્યાએ હુલ્લડખોરોનું ટોળું એકઠું થઇ આગ લગાડવાનો પ્રયત્ન કરે છે 

તેના સમાચાર મળતાં મિલિટરી (આ શબ્દમાં ત્રણેે – મિલિટરી, BSF અને CRPF

આવી જાય) પહોંચી. ચાલી ભડકે બળતી હતી. તેને ચારે તરફથી ઘેરી, હિંસક ટોળું ‘

મારો, કાટો’ની બૂમો પાડી રહ્યું હતું. મિલિટરીએ ત્યાં પહોંચતા વેંત આગ લગાડનારા

ટોળા પર ગોળીબાર કર્યો. તેમાં ઘાયલ થયેલા શખ્શોને લઇ હુલ્લડખોરો નાસી ગયા

હતા. ગોળીબારમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને તેઓ ત્યાં જ છોડી ગયા હતા.  મિલિટરીના

જવાનોએ આગ ઠારવાનો પ્રયત્ન કર્યો ત્યાં ફાયર બ્રિગેડ પણ પહોંચી ગઇ અને

આગને કાબુમાં આણી.

    “મારા એસ્કૉર્ટ સાથે અમે ત્યાં પહોંચ્યા અને જોયું  તો ચાલીની બહાર બે લાશ જોઇ.

તેમની નજીક બૂઝાયેલી મશાલો પડી હતી. આ બન્ને જણા સશસ્ત્ર સેનાના ગોળીબારથી

મૃત્યુ પામેલા જણાયા. લગભગ ત્રીસે’ક ઓરડાવાળી આ ચાલ બળીને ભસ્મિભૂત થઇ હતી.

નજીક જઇને જોયું તો કોળસા જેવા કાળા પડી ગયેલા બારણાંઓની સાંકળો આગ

લગાડનારાઓએ બહારથી બંધ કરી હતી. ચાલીના ઓરડાઓમાંથી પચાસ જેટલા

શબ બહાર કાઢ્યા અને તેમની જે હાલત જોઇ…Oh my God! હુંં તે દૃશ્ય જીવનભર

ભૂલી નહીં શકું.” 

    મૃતકોનું તેમણે જે વર્ણન કર્યું તે સાંભળી અમરું હૃદય પણ હચમચી ગયું.  અમદાવાદમાં

થયેલ આવો એક માત્ર પ્રસંગ નહોતો.

    શ્રી. મિરચંદાણી એક સજ્જન પુરુષ હતા. તેમનો વ્યથિત, કુંઠિત ચહેરો

કદી ભુલાયો નથી. 

    બીજો એક પ્રસંગ અમદાવાદમાંના મારા મૂળ રહેઠાણના વિસ્તારમાં થયો.

અમદાવાદમાં ત્રણ વિસ્તાર એવા હતા જ્યાં કોમી તોફાની તત્વોએ કદી પ્રવેશ ન

કર્યો કેમ કે તેમને રોકવા ત્યાંના યુવાનો તૈયાર રહેતા. અહીંના યુવાનોએ બહાર જઇ

કોઇ વિસ્તારમાં કોમી તોફાન નથી કર્યા, પણ સ્વરક્ષણ માટે હંમેશા તૈયાર હતા.

જ્યાંથી તોફાની ટોળાંઓ આવવાની શક્યતા હોય, ત્યાં ચોકી કરવા સ્થાનિક યુવાનો

હાજર રહેતા અને નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનને ખબર કરી મદદ મંગાવી શકતા. 

    ૧૯૬૯માં અમારા મહોલ્લામાં સ્થાનિક સ્વયંસેવકોને સમાચાર મળ્યા કે જમાલપુરથી

નદીના પટના રસ્તે તેમના મહોલ્લા પર હુમલો કરવા કેટલાક હુલ્લડખોરો આવી રહ્યા છે. 

આ સાંભળી કેટલાક યુવાનો ત્યાંના પ્રવેશ દ્વાર જેવી ગલીના નાકે પહેરો ભરવા લાગ્યા.

તેમના કમભાગ્યે તે સમયે તેમની નજીકથી મિલિટરીની રાબેતા મુજબની પેટ્રોલ પાર્ટી

પસાર થઇ રહી હતી. તેમણે તો કેવળ એકઠા થયેલા યુવાનો જોયા અને તેમને ચૅલેન્જ

કર્યા.  મિલિટરીને જોતાં જ યુવાનો ત્યાંથી નાસવા લાગ્યા. ત્યાંથી બહાર નીકળવાનો

એક જ રસ્તો હતો : મિલિટરીની ગસ્ત પાર્ટીની નજીકની ગલી. મિલિટરીને આ યુવાનો

જાણે તેમના પર હુમલો કરવા આવી રહ્યા હતા તેવું લાગ્યું અને તેમને થોભી જવાની

ચેતવણી આપી. હથિયારબંધ મિલિટરીના જવાનોને જોઇ, ગભરાયેલા યુવાનોએ

રોકાવાને બદલે ભાગવાનો પ્રયત્ન કર્યો અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો.

તેમાં એક ૧૭ વર્ષના યુવાનને રાઇફલની ગોળી વાગી અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો.

આ યુવાન અમારા પરિવારના દૂરનાં સગાં, એક વિધવા માતાનો પુત્ર હતો. અમે તેમને

માસી કહેતા અને અમારે ઘેર તેમનું આવવા-જવાનું થતું. તેમને બે દિકરા અને બે

દિકરીઓ. મોટા પુત્રને બાળ લકવાને કારણે અપંગતા હતી.  નાનો દિકરો સશક્ત,

બુદ્ધિમાન અને પરિવારને ગરીબીમાંથી બહાર લાવી શકે તેવો હોંશિયાર હતો. 

તે જ ગોળીબારનો ભોગ બન્યો હતો.

    JOCમાં અમને આ પ્રસંગનો કેવળ Situation Report (જેને સૈન્યમાં sitrep

કહેવાય છે) મળ્યો હતો. તેમાં કેવળ એટલું જણાવવામાં આવ્યું હતું કે રાયખડ વિસ્તારમાં

મિલિટરીને તેમના routine patrolling દરમિયાન તોફાની ટોળું જોવામાં આવતાં તેમને

ચૅલેન્જ કરવામાં આવ્યા. આ સાંભળતાં તોફાની ટોળું શરણે આવવાને બદલે પેટ્રોલિંગ

પાર્ટી તરફ આવવા લાગ્યું જેથી તેમના પર ફાયરિંગ કરવું પડ્યું હતું. એક વ્યક્તિ

મૃત્યુ પામી જેના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. 

    આ sitrep વાંચીને મારા મનમાં દુ:ખ અને ચિંતા થઇ હતી અને મનોમન સ્વાર્થી

પ્રાર્થના કરી, હે ભગવાન, આ અમારા મહોલ્લામાં આ ન થયું હોય તો સારૂં. 

    આ પ્રસંગની પૂરી વિગત મને લાંબા સમય બાદ મળી. મારી નાની બહેન લગ્ન બાદ

આ જ વિસ્તારમાં તેના પતિ – પરિવાર સાથે રહેતી હતી. ઉપર જણાવેલા બનાવની ‘

પૂરી માહિતી મળ્યા બાદ મેં તેને પત્ર લખી આ પરિવાર વિશે પૂછપરછ કરી હતી અને

પૂછ્યું હતું કે તેમને આર્થિક કે અન્ય કોઇ રીતે મદદરૂપ થઇ શકું તે તેમને મળીને

મને જણાવે. 

    બહેનનો જવાબ આવ્યો,  “ભાઇ,  શ્રુંગારપુરે માસીનું આ પ્રસંગના થોડા દિવસો

બાદ અવસાન થયું. તેઓ આઘાત જીરવી શક્યા નહીં.”

***

    દશકો વિતી ગયા. આ પ્રસંગમાં જિપ્સીએ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે અંગત હેસિયતથી

ભાગ નહોતો લીધો. તેમ છતાં અમદાવાદમાં શાંતિ સ્થાપવા ગયેલ ગણવેશધારી

સિપાહીઓમાંના એક સૈનિક તરીકે અમારી સામુહિક જવાબદારીમાં મારા હૃદયમાં

આ દોષ-ભાવના જાગી. તેની આંચનો ડાઘ હજી પણ ભૂંસાયો નથી. અમારા માટે આ

એક  Occupational Hazard છે જે ટાળી શકાતું નથી, અને તેના વિશે જનતાને

જાણ હોતી નથી. 

    જનતાને કદાચ લાગી શકે છે કે મિલિટરીના જવાનો અને અફસરો ભાવવિહિન,

impersonal હોય છે. હકીકત જુદી છે. ફરજ બજાવતી વખતે કેવળ કર્તવ્ય તરફ

લક્ષ્ય હોય છે, એટલું જ. ‘ઉત્તર રામચરિતમ્’ માં એક સુભાષિત છે, તે અંશત:

અહીં લાગુ પડે છે : 

    वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।                          

 लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥ 

***    

    ૧૯૬૯માં અમદાવાદમાં થયેલા કોમી દંગામાં ઘણી વાતો જાણવા જેવી, અને અમારા

માટે શીખવા જેવી હતી. એક સામાન્ય વિચારશક્તિ ધરાવતા સૈનિક તરીકે જિપ્સીએ

જાણેલી, શીખેલી અને વિચારેલી વાતો અહીં કહેવાનો તે પ્રયત્ન કરશે.

    સૌ પ્રથમ કહેવાની વાત એ છે કે ભારતના સશસ્ત્ર દળોએ લીધેલા નિષ્પક્ષ, 

minimum use of force અને બદલાની ભાવના વગર લીધેલા કર્તવ્યદક્ષ પ્રયાસોને

કારણે અમદાવાદ – અને ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ, હિંસાની પરમસીમા-સમા

હુલ્લડ કેવળ છ દિવસમાં  કાબુમાં આવ્યા હતા. પણ આ છ દિવસના તોફાનોમાં 

અનધિકૃત આંકડા મુજબ ૫૦૦૦ – હા, પાંચ હજારથી વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા 

હતા. તેમનાથી ત્રણ-ચાર ગણા લોકો ઘાયલ થયા હતા અને દસ ગણી વ્યક્તિઓ

ઘરબાર વિહોણી થઇ ગઇ હતી. 

   આ માટે કોણ જવાબદાર હતું? 

    વ્યક્તિ? 

    સમાજ? 

    કોઇ રાજકીય પક્ષ? 

    કોઇ વિચારધારા? 

    જાતિય, વાંશિક કે ધાર્મિક શ્રેષ્ઠતા પૂરવાર કરવાનો હિંસક પ્રયાસ?

    કોઇ અતિરેક, મદાંધ કે અભણ વ્યક્તિનું અવિચારી પગલું જેનું આ

પરિણામ આવ્યું?

    શું ભૂતકાળમાં આવાં પગલાંને કારણે આવી જ પરિસ્થિતિ અમદાવાદની

પ્રજાને ભોગવવી પડી હતી? 

    કે પછી કોઇ બુદ્ધીજીવીની દલીલ કે આ તો કેવળ ઈતિહાસની પુનરાવૃત્તિ છે?       

કોઇ કહેશે, આની પાછળ સમાજશાસ્ત્રને લગતી સમસ્યા  – sociological issues છે.

આ સમસ્યા એવી છે જેમાં કોઇ વ્યક્તિ વિશેષ, રાજકીય પક્ષ અથવા સામ્પ્રદાયીક

જૂથનો દાવો હોય છે કે અમે વંશપરંપરાગત રાજકર્તા હતા તેથી, અથવા અમારી માન્યતા

કે વિચારધારા સર્વશ્રેષ્ઠ છે અને તેથી અમારૂં આધિપત્ય સરકારે તથા આમ જનતાએ

સ્વીકારવું જોઇએ, અને તેઓ આ નથી કરતા તેનું આવું પરિણામ લાવીશું, તે જાહેર

કરવાનો આ માર્ગ છે.    

    એક યુનિફૉર્મધારી સૈનિકના મનમાં આ પ્રશ્નો ઉઠી શકતા હોય, તો દેશ

તથા રાજ્યના લાખો વિચાવંત નાગરિકોએ આ ઘેરી સમસ્યા પર ઊંડો વિચાર

શા માટે કર્યો નથી? અને જો આધુનિક અને વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં

ઉચ્ચતમ શિક્ષણ મેળવી આવેલા સમાજશાસ્ત્રના નિષ્ણાતોએ આનો વિચાર કર્યો

હોય તો તેનો ઉકેલ શા માટે શોધી શક્યા નથી?  શું તેઓ પણ કોઇ મૂડીવાદ – સામ્યવાદ

સરખી વિચારધારામાં રંગાઇને આવ્યા છે અને તે મુજબ તેમનો પોતાનો પણ કોઇ

અંગત એજન્ડા છે?

***

    જિપ્સીની સમજમાં એક વાત આવી નથી : ગુજરાતમાં કોઇ પરિવાર એવો

નથી જેના કોઇ સગાં-સંબંધી, મિત્ર, કેવળ એક બીજાને જોઇ, સહેજ હસીને

દુઆ – સલામ કરનાર પરિચિત ચહેરાને આ અગનની આંચ દઝાડી નથી ગઇ.

તેમ છતાં, આટલી ઘેરી, વેદનામય લાગણીને સહેલાઇથી ભુલી, તેનો કેવળ રાષ્ટ્રને

જ નહીં, વિશ્વના હૃદયને હચમચાવી નાખે એવા પ્રલયને ફરીથી શરૂ કરવા માટે

ચિનગારી પેટવનાર તત્વોને આવાં કૃત્ય કરતાં રોકવાને બદલે કોણ પોષતું આવ્યું છે?

શા માટે? શું પૂરવાર કરવા માગે છે આ લોકો? 

    અને ફરી પાછા પ્રશ્નોની ઘટમાળ શરૂ થઇ જાય : 

    આ માટે કોણ જવાબદાર છે? 

    વ્યક્તિ? સમાજ? વિગેરે વિગેરે.

    આ વિષયની બૌદ્ધિક ચર્ચા આ બ્લૉગમાં અસ્થાને ગણાશે. અહીં તો કેવળ

આ પ્રસંગોના નિરપેક્ષ સાક્ષી તરીકે જિપ્સીએ જે જોયું, જાણ્યું અને યાદ રહ્યું તે

અતિશયોક્તિ વગર રજુ કરવાનો પ્રયત્ન કરશે. 

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૬૯ : દાવાનળ (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, August 19, 2021

૧૯૬૯ : દાવાનળ (૨)

     આગલા દિવસે જ્યારે હું ડ્યુટી પર ગયો ત્યારે પહેરેલે કપડે ગયો હતો. રાતભરની

ડ્યુટી બાદ મને અમારા COએ ગુજરાત BSFના મુખ્ય મથકમાં જઇ અમારા સેક્ટરના

ઑપરેશન્સ અને ઍડમિનિસ્ટ્રેશનના ઇન-ચાર્જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર (A.D.)ને રિપોર્ટ

કરવા મોકલ્યો. ત્યાં પહોંચતાં મને કહેવામાં આવ્યું કે અમદાવાદ શહેરમાં ફાટી નીકળેલા

તોફાનો પર કાબુ લાવવા જામનગરથી આવેલી બ્રિગેડને જૉઇન્ટ ઑપરેશનલ કન્ટ્રોલ

સેન્ટર (JOC) સ્થાપવામાં આવ્યું છે. તેના ઇન ચાર્જ  Major K.A. Taylor છે. નામ અને

તેના સ્પેલિંગ પરથી આ ઍંગ્લો-ઇન્ડિયન લાગે છે. તેની નિગરાણી હેઠળ મારે કામ કરવાનું છે. 

    મેં ADને કહ્યું કે મારે ઘેર જઇ ટૂથબ્રશ, દાઢીનો સામાન, બદલવાના કપડાં વિગેરે લાવવા 

જવું પડશે, કેમ કે હું આગલે દિવસે કેવળ પહેરેલે કપડે જ ડ્યુટી પર હાજર થયો હતો.

     “તું હાલ JOC પહોંચી જા. બીજી વાત બપોર પછી કરીશું.” 

    શાહીબાગમાં આવેલી પોલીસ કમિશ્નરની ઑફિસમાં JOC હતું. ત્યાં પહોચતાં

બે મિનિટનું briefing – પરિસ્થિતિની અને મારી ડ્યુટીની મને માહિતી આપવામાં

આવી અને હું એક એવા ચક્રવાકી વંટોળીયામાં અટવાઇ ગયો તેનું ભાન મને બાર

કલાક પછી આવ્યું. કેમ, તે આગળ જતાં જાણવા મળશે. સૌ પ્રથમ JOC વિશે થોડી માહિતી.

    શહેરમાં તોફાનોએ માઝા મૂકી હતી. તેના પર નિયંત્રણ લાવવા BSFની ત્રણ,

જામનગરથી મિલિટરીની બે તથા CRPFની બે બટાલિયનો આવી હતી.  ક્ષેત્રીય

વિભાગમાં ફરજ સોંપવામાં આવી હતી. શહેરના કોટ વિસ્તારની જવાબદારી

BSFની બે બટાલિયનોને અને કાંકરિયા, મણીનગર, કાગડાપીઠ, બાપુનગર, સાબરમતી

અને એલિસબ્રિજને બે વિસ્તારમાં વહેંચી તેની જવાબદારી સૈન્યની  બટાલિયનોને

સોંપવામાં આવી હતી. આ ઉપરાંત વટવા, સરખેજનો ચોથો વિભાગ CRPFની

જવાબદારી હેઠળ મુકરર કરવામાં આવ્યો હતો.

   મેજર ટેલર બાહોશ અફસર હતા. ભારતીય સેનાના અફસરો માટે અત્યંત મુશ્કેલ

ગણાતી પરીક્ષાઓ બાદ તેથી પણ વધુ મુશ્કેલ એવા વેલિંગ્ટનની સ્ટાફ કૉલેજનો

કોર્સ તેમણે સફળતાપૂર્વક પસાર કર્યો હતો.  આ પ્રશિક્ષણ એવું હોય છે, જેમાં

સૈન્યના સઘળા અભિયાન અને કોઇ પણ પરિસ્થિતિનું management કરવા માટે

ચીફ ઑપરેશન્સ ઑફિસર, Human Resources Manager અને જનરલ મૅનેજર

એવા three-in-one CEOનું કામ કરવાની ટ્રેનિંગ અપાય છે. અલબત્ તેમાં સફળતાપૂર્વક

ઉત્તીર્ણ થવા માટે અફસરમાં ઉચ્ચ કક્ષાની બૌદ્ધિક ક્ષમતા, દીર્ઘ દૃષ્ટિ (vision), સમયસૂચકતા

અને સામાન્ય જ્ઞાન હોવું એટલું જ આવશ્યક હોય છે. આ પ્રશિક્ષણ સફળતાપૂર્વક પૂરૂં કર્યા

વગર કોઇ અફસર જનરલના પદ પર પહોંચી ન શકે.

    JOCની કાર્ય પદ્ધતિ આ પ્રમાણે હતી :

    મેજર ટેલરે કન્ટ્રોલરૂમમાં One inch-to- a-mileની સ્કેલના નકશાઓ જોડી આખા

શહેરનો નકશો બનાવ્યો હતો, જે તેમની બાજુની ભીંત પર પૂરી રીતે છવાઇ ગયો હતો.

તેના પર પ્લાસ્ટિકનું કવર ચઢાવી, રંગીન પેન્સિલથી દરેક સેક્ટરની સીમા દોરી હતી.

તેમાં કઇ જગ્યાએ દરેક બટાલિયનનું સંચાર કેન્દ્ર છે, તે તથા દરેક બટાલિયનની

જવાબદારીનું ક્ષેત્ર રંગિન પેન્સિલથી ચિન્હીત કર્યું હતું.  શહેરમાં ત્રણ વિભિન્ન દળો –

ભારતીય સેના, BSF તથા CRPF – હોવાથી દરેક દળમાંથી એક Liaison Officer

(LO) ને JOCમાં રહીને કામ કરવાનું હતું.

    JOCની કાર્યપદ્ધતિ મેજર ટેલરે કૂશળતાપૂર્વક ઘડી હતી. તેમણે શાંતિના સમયની

પોલીસ પદ્ધતિને JOCના ઑપરેશન્સમાં સમ્મિલિત કરી લીધી હતી. 

શહેરમાં કોઇ પણ ગુનો થાય તો તેનો પ્રાથમિક રિપોર્ટ (FIR) સ્થાનિક પોલીસ ચોકી

કે પોલીસ સ્ટેશનમાં થતાં કોઇ પણ કાર્યવાહીની શરૂઆત કરતાં પહેલાં તેનો રિપોર્ટ

પોલીસ કમિશ્નરની ઑફિસમાં આવેલ કન્ટ્રોલ રૂમમાં પહોંચાડવામાં આવે અને ત્યાર

પછી સ્થાનિક કાર્યવાહી શરૂ થતી. હવે પરિસ્થિતિ બદલાઇ હતી, કેમ કે કાયદા-કાનૂનની

વ્યવસ્થા મિલિટરીને સોંપવામાં આવી હતી. હવે શહેરના કોઇ પણ વિસ્તારમાં હિંસક

બનાવ બને તેની માહિતી સંબંધિત પોલીસ ચોકી દ્વારા બે-ત્રણ મિનીટમાં પોલીસ

કંટ્રોલરૂમમાં પહોંચી જતી. ત્યાંથી તરત ‘incident report’ની બે નકલ મેજર ટેલર

પાસે આવે. ક્યા સેક્ટરમાં આ બનાવ બન્યો છે તે નકશામાં જોઇ તેઓ JOCમાં કાર્યરત

સંબંધિત સેક્ટરના  – એટલે BSF કે CRPF ના LOને તેની એક નકલ આપતા. જો

મિલિટરીની જવાબદારીનું સેક્ટર હોય તો તેઓ પોતે સેક્ટર કમાંડરને ટેલીફોન પર બનાવની

જાણ કરે અથવા તેમના જુનિયર સ્ટાફ ઑફિસર દ્વારા આ કાર્ય કરાવે. BSFના ક્ષેત્રનો

બનાવ હોય તો આ Incident Report મને આપતા.

    સંદેશ સંચારની વ્યવસ્થા એવી કરવામાં આવી હતી કે વિભાગના કમાંડરનો સંપર્ક

સાધી શકાય તે માટે દરેક LOની સેક્ટર કમાન્ડર સાથે સીધી ટેલીફોન લાઇન હતી. 

JOCમાં જે સેક્ટર કમાંડરના નામનો ફોન હતો તે ઉપાડતાં જ તે બીજા છેડે આવેલા

કમાંડરના ટેલીફોનની ઘંટડી વાગે. ઘંટડી વાગતાં વેંત ત્યાંનો ડ્યુટી અફસર ફોન ઉપાડે

અને તેને આપવામાં આવેલ માહિતી પર તે તરત કાર્યવાહી કરે. 

    BSF દરેક બટાલિયનમાં છ કંપનીઓ હતી. દરેક કંપનીમાં ત્રણ પ્લૅટૂન. અમે તેની

વહેંચણી એ રીતે કરી હતી કે દરેક પોલીસ સ્ટેશનમાં કંપની કમાંડર હોય, અને દરેક

પોલીસ ચોકીમાં પ્લૅટૂન કમાંડર. દરેક ચોકીએ એક-એક કૉન્સ્ટેબલને પ્લૅટૂન કમાંડરના

ગાઇડ તરીકે નીમવાની સૂચના આપવામાં આવી હતી. 

    મારા અંગત અનુભવના આધારે મેં એક વધારાની ટેલીફોન લાઇન માગી લીધી

જેનું સીધું જોડાણ પોલીસ કમિશ્નરની એક્સ્ચેન્જ સાથે હતું. તેનો ઉપયોગ સીધો

પ્લૅટૂન કમાંડર તથા કંપની કમાંડર સાથે એક સાથે સંપર્ક સાધવા માટે  મેં 1969માં

જેની શોધ નહોતી થઇ તે conference callની વ્યવસ્થા કરી. એક ટેલીફોન કંપની

કમાંડર સાથે અને પોલીસ એક્સચેન્જ દ્વારા જે પોલીસ ચોકીમાં અમારી પ્લૅટૂન હતી

તેના કમાંડરનો સંપર્ક સાધી બન્નેને એક માહિતી આપી, તેમને બનાવના સ્થળે મોકલી શકતો. 

કૉન્ફરન્સ કૉલ પર જિપ્સી. બાજુમાં CRPFના LO Ce.

    આ ‘કૉન્ફરન્સ કૉલ’ની વ્યવસ્થાથી BSFના response timeમાં ૫૦% બચત કરી

શક્યો. બનાવની માહિતી મળતાં તત્કાળ – એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં

હું BSFની ટુકડીને બનાવના સ્થળ પર પહોંચી જવાની વ્યવસ્થા કરવા લાગ્યો હતો. 

મારૂં અર્ધું જીવન મેં અમદાવાદમાં વિતાવ્યું હતું. નાનપણમાં આખા શહેરમાં પગપાળા

રખડપટ્ટી કરેલી. ભદ્રમાં રહેતો, પણ ફૂટબૉલ – ક્રિકેટની મૅચ રમવા અને જોવા મણીનગર,

નવરંગપુરા કૉમર્સ કૉલેજ, વસંત વ્યાયામ શાળા તરફથી દેશી રમત ગમતની મૅચ રમવા

ચંડોળા, વટવા વિ. સ્થળે પગપાળા જતો હોવાથી હું અમદાવાદનો ભોમિયો હતો. તેથી

બનાવના સ્થળના રિપોર્ટ મળતાં મને તરત ખ્યાલ આવી જતો કે કઇ પોલીસ ચોકીના

વિસ્તારમાં બનાવ બન્યો છે, અને તેની નજીક રહેલી અમારી પ્લૅટૂનને સીધી જાણ કરી

શકતો. કામ પૂરૂં થયાનો રિપોર્ટ મેજર ટેલરને આપતાં તેઓ આશ્ચર્યચકિત થઇ જતા. 

    “આટલી જલદી તમે કેવી રીતે જવાબી કારવાઇ કરી શકો છો?” મેં જવાબ આપ્યો

ત્યારે તેઓ ખુશ થઇ ગયા. આનું પરિણામ એ આવ્યું કે મિલિટરીની જવાબદારીના

વિસ્તારમાં પણ કોઇ બનાવ બને, તો તે સ્થળ નકશામાં શોધી, તેના સેક્ટર કમાંડર

ક્યા પોલીસ સ્ટેશનમાં છે તેની ચકાસણી કરવામાં મેજર ટેલરને ઘણો સમય લાગી

જતો. હવે incident report મળતાં તેઓ મને તરત પૂછતા, “ભૈરવનાથ ક્યા સેક્ટરમાં છે?”

હું તેમને સેક્ટર નંબર અને સેક્ટર હેડક્વાર્ટર (જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સ્થાપવામાં

આવ્યું હતું) તે જણાવતો. શરૂઆતમાં હું તેમને નકશામાં પોલીસ સ્ટેશન તથા ઘટનાનું

સ્થાન બતાવતો, પણ જે ઝડપથી હું તેમને માહિતી આપતો તે જોઇ તેઓ મારી પાસેથી

માહિતી મેળવી નકશામાં જોયા વગર સીધા સેક્ટર કમાંડરનો સંપર્ક સાધવા લાગ્યા! હવે

અમદાવાદમાં સેના અને બીએસએફ ખરેખર ‘રૅપીડ ઍક્શન’ કરતા થયા. તોફાની

ટોળાંઓને જાણ થઇ ગઇ કે તેઓ ક્યાંય અડપલું કરવા જશે તો પાંચ-છ મિનીટમાં

બીએસએફ કે મિલીટરી ત્યાં પહોંચી જશે. આમ છતાં આખું શહેર ભડકે બળી રહ્યું

હતું. શહેરમાં દર મિનીટે પાંચથી છ બનાવોમાં ખુન, આગ, કતલના સમાચાર આવી

રહ્યા હતા. અમારામાંથી કોઇને એક મિનીટ શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી.

મારી ડ્યુટીના પહેલા દિવસે બપોરના ચાર વાગી ગયા પણ મને પાણીના ગ્લાસ સિવાય

બીજું કશું મળ્યું નહોતું. અમારા એડી સાહેબ તો મને સાવ ભુલી ગયા હતા! હું નહાયો પણ

નહોતો, અને દાઢી પણ કરી નહોતી! જમાલપુર, કાળુપુર, દરિયાપુર, બાપુનગર, સરસપુર,

શાહપુર અને ખાનપુરમાં દર બે-ત્રણ મિનીટે હિંસાના પ્રસંગો બની રહ્યા હતા. હું ફીલ્ડ

કમાન્ડરોને બનાવની ખબર આપી કાર્યવાહી કરવાની સૂચના આપતો હતો અને તેમણે

લીધેલ પગલાંનો રીપોર્ટ મેળવતો હતો. સબ-સેક્ટર કમાન્ડર દ્વારા અપાતા વિગતવાર

રીપોર્ટ સંાભળીને પણ કમકમાં ઉપજે. આખી રાતના ઉજાગરા બાદ બીજા દિવસે

પરોઢિયે ચાર વાગે હું બાથરૂમમાં ગયો, અને ત્યાં અરીસા નજીક પડેલી ટૂથપેસ્ટ

આંગળી પર લગાડી દાંત સાફ કર્યા. ભૂખથી હું બેહાલ થઇ ગયો હતો! અહીં ટેલીફોનની

ઘંટડી એક ક્ષણ પણ શાંત નહોતી રહેતી.

    આમ ને આમ બીજો દિવસ અને રાત વિતી ગયા. JOCમાં મિલીટરીના ચાર અફસરો

હતા, અને તેઓ એકબીજાને દર ચાર કલાકે રીલીવ કરતા હતા. તેમનો સ્ટાફ તેમને ચ્હા

અને નાસ્તો લાવી આપતા હતા. હું ચોવિસે કલાક ડ્યુટી પર હતો, પણ કોઇએ મને

સૌજન્ય દાખવવા પણ તેની ઑફર ન કરી.  શાળાના ત્રણ વર્ષ – ૧૪ વર્ષની વયથી ૧૭

સુધી હું અમદાવાદ મોટાભાઇ પાસે ભણવા અમદાવાદ રહ્યો હતો. વૅકેશનમાં હું અમદાવાદથી

ભાવનગર બા પાસે જતો ત્યારે ટ્રેનના પ્રવાસીઓ ભોજનના સમયે ડબા ખોલી એકબીજા

સાથે ભાથું વહેંચીને જમતા. અહીં તો વાત જ જુદી હતી. મિલિટરીના અફસરો BSFને

જાણે ‘પરાયા’ ગણતા હોય તેવું લાગ્યું. 
એટલું જ નહીં, જાણે કોઇ દ્વેષભાવ હોય તેવું લાગ્યું. આનો પ્રત્યક્ષ અનુભવ

થોડા દિવસમાં જ મળ્યો, જેની વાત આગળ જતાં કરીશ.

***Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૬૯ : દાવાનળ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Tuesday, August 17, 2021

૧૯૬૯ : દાવાનળ

    દાંતિવાડા (બનાસકાંઠા)માં તે સમયે BSFની બે બટાલિયનો માટેનું મુખ્ય મથક

બનાવવામાં આવ્યું હતું. અમારી કંપનીઓ (દરેક કંપનીમાં લગભગ ૧૨૦ જવાન-

અફસર હોય) બૉર્ડર પર જાય તે પહેલાં ઘનિષ્ઠ રીતે દરેક પ્રકારના યુદ્ધના અભિયાનો

તથા I.S. Duty (ઇન્ટર્નલ સિક્યૉરિટી ડ્યુટી) માટે તૈયારી કરી રહી હતી. કંપની

કમાંડર તરીકે અમારે કંપનીના દરેક જવાનને એવી રીતે તૈયાર કરવાનો હતો કે

જરૂર પડતાં કોઇના માર્ગદર્શન વગર તેને સોંપાયેલ ફરજ તે બજાવી શકે. બૉર્ડર

પર તહેનાત થવા માટે હજી સમય હતો. અમારે IS Duties માટે પણ તૈયાર રહેવાનું

હતું તેથી તે અંગેની અમે સૌએ પ્રૅક્ટિસ કરી હતી. તેવામાં મારે નાગપુર ખાતે આવેલ

સિવિલ ડિફેન્સ કૉલેજમાં પ્રશિક્ષણ માટે જવાનું થયું.  

સપ્ટેમ્બર ૧૯૬૯ : 

તે દિવસે હું નાગપુરથી ટ્રેનિંગ પૂરી કરીને અમદાવાદ આવ્યો ત્યારે અનુરાધા અને

નાનકડી કાશ્મિરા અમદાવાદ હતા. તેમને લઇ બીજા દિવસે દાંતિવાડા જવાની

તૈયારી કરી ત્યાં સમાચાર મળ્યા કે શહેરમાં તોફાન ફાટી નીકળ્યા છે. ૧૯૬૭ બાદ

અમદાવાદમાં મોટા પાયા પર જ્યારે પણ અશાંતિ થતી ત્યારે બીએસએફને

બોલાવવામાં આવે. સવારે રેડિયો પર સમાચાર સાંભળી ખ્યાલ આવ્યો કે આ

વખતે તોફાને માઝા મૂકી હતી. ન્યુ મેન્ટલ પાસે આવેલા અમારા હેડક્વાર્ટર્સમાં

ફોન કર્યો તો જાણવા મળ્યું કે અમારી બટાલિયન આગલી રાતે જ દાંતિવાડાથી

અમદાવાદ આવી હતી અને શહેરના કોટ વિસ્તારમાં આવેલા કાળુપુર-દરિયાપુર

વિસ્તારમાં ફરજ પર હતી. શહેરમાં તોફાન ચાલી રહ્યા હતા. અમારા વાહનો અને

બધા ‘રીસોર્સીઝ’ ડ્યુટી પર પરોવાયા હતા. હેડક્વાર્ટર્સના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે

મને હુકમ આપ્યો કે તેઓ મારા માટે ગાડી કે ‘એસ્કૉર્ટ’ મોકલી શકશે નહિ, અને

મારે કોઇ પણ હિસાબે કાળુપુરમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવી

રહેલ અમારી ટુકડીમાં પહોંચી જવાનું છે! મીઠાખળીમાં રિક્ષા કે ટૅક્સી નજરે પડતી

નહોતી. હું મીઠાખળી છ રસ્તા તથા નવરંગપુરા તરફ જવાનો વિચાર કરતો હતો

ત્યાં અમારા પાડોશી મારી પાસે આવ્યા. “સાહેબ, તમે બીએસએફના અફસર છો

તે જાણીને વિનંતી કરવા આવ્યો છું. અમારા ભાઇનો પરિવાર કાળુપુરના હિંસાગ્રસ્ત

વિસ્તારને અડીને આવેલ પોળમાં રહે છે. અમને તેમની ચિંતા છે. તેમને ત્યાંથી બહાર

લાવી, નજીકની જ સલામત ગણાતી ટંકશાળની પોળમાં ખસેડવાના છે. તમે અમને

મદદ કરી શકો? તેમના ઘર સુધી લઇ જવા મોટરની વ્યવસ્થા હું કરીશ. તમે યુનિફૉર્મ

પહેરેલો હશે તો તમને કોઇ નહિ રોકે.” 

    અમારી બટાલિયન એ જ વિસ્તારમાં હતી તેથી હું તરત તૈયાર થઇ ગયો.

યુનિફૉર્મ તો પહેર્યો હતો, પણ મારી પાસે મારી ૯ મિલિમિટર કૅલીબરની સર્વિસ

પિસ્તોલ નહોતી. નાગપુરના કોર્સ માટે હથિયાર જરૂરી નહોતાં તેથી હું નિ:શસ્ત્ર

હતો. મને થયું, યુનિફૉર્મ પહેરેલા અફસરને કોણ રોકશે? 

  અમે તેમની ફિયૅટ કારમાં નીકળ્યા. સરદાર બ્રિજ પાર કરી દિલ્હી દરવાજે પાસે

પહોંચ્યા કે ડાબી બાજુએ આવેલી એક ચાલીમાંથી ધારિયાં, લોખંડના સળીયા

અને લાઠીઓ લઇને મોટું ટોળું ધસી આવ્યું. અમારા મિત્ર કાન્તિભાઇ શાહ ગાડી

ચલાવી રહ્યા હતા, મેં તેમને ગાડી રોકવા કહ્યું. મારો યુનિફૉર્મ જોઇને તથા મારી

વાત સાંભળીને તેઓ અમારા પ્રવાસમાં અડચણ ઉભી નહિ કરે એવી મને ખાતરી

હતી. મેં બારણાંનો કાચ નીચે કર્યો, અને લોકોને થોભી જવા માટે હાથ બહાર

કાઢ્યો, પણ કાન્તિભાઇએ ગાડી પૂર ઝડપે મારી મૂકી. ટોળાંના માણસોએ ધારિયાનાં

ઘા માર્યા તે ફિયેટના બૉનેટ, છાપરા પર અને મારી સીટના બારણા પર પડ્યા. મારો

હાથ પૂરો બહાર નહોતો નીકળ્યો, તેથી સહેજમાં બચી ગયો. હું કાન્તિભાઇ પર

નારાજ થયો અને કહ્યું, “તમે ગાડી રોકી હોત તો આવું ન થાત. હું સંભાળી લેત.”

     “નરેનભાઇ, આવા ગાંડાતુર ટોળા પર કદી વિશ્વાસ રખાય? એ તો પહેલાં

કતલ કરે, અને ત્યાર પછી તપાસ કરે કે ગાડીમાં પ્રવાસ કરાનારા કઇ કોમના હતા.” 

   તેમની વાત સાચી હતી. ગાડી પર પડેલા ધારિયાનાં ઊંડા ઘા પરથી તેમના ઝનુનનો

ખ્યાલ આવી ગયો. એક અન્ય વાત – જે હું તે સમયે ભુલી ગયો હતો. તે હતી જનતાની

પોલીસ વિરોધી ભાવના, જે આવા સમયે સઘન રીતે વ્યક્ત થાય છે.

    અંગ્રેજોના સમયથી આંદોલન માટે એકઠી થતી જનતાને વેરવિખેર કરવા વિદેશી

સરકાર પોલીસનો વારંવાર ઉપયોગ કરતી. શાંત, અહિંસક ખાદીધારી પ્રદર્શનકારીઓ

પર ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કરાવવામાં આવતો. સામાન્ય પત્થરબાજી થતી તો તેને

ડામવા ગોળીબાર કરવાનો હુકમ પણ સહેલાઇથી અપાતો અને તેનું પાલન કરવા

સામાન્ય પોલીસના કર્મચારી બાધ્ય હતા. આ પરંપરા કેટલા સમય સુધી ચાલી તેનો

અંદાજ આવે તે માટે જણાવવું જોઇએ કે મહાગુજરાતના આંદોલન (ઑગસ્ટ

૧૯૫૬)ના સમયે મોરારજીભાઇ દેસાઇ દ્વિભાષી મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે

અમદાવાદમાં સભા કરી દ્વિભાષી રાજ્યનું જોરદાર સમર્થન કર્યું ત્યારે અમદાવાદના લાલ

દરવાજામાં કેટલા તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરબાજી કરી અને નાસી ગયા;

નિ:શસ્ત્ર પોલીસે તરત હથિયારબંધ દળને બોલાવ્યું અને તેમણે આવીને ત્યાં નજીકની

કૉલેજમાંથી એકઠા થયેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો.  કેટલાક વિદ્યાર્થીઓ અને

રાહદારીઓ મૃત્યુ પામ્યા હતા. જોતજોતામાં તેના પ્રત્યાઘાત આખા શહેરમાં ફેલાઇ

ગયા. પરિણામ એ આવ્યું કે જ્યાં પોલીસ દેખાય, જનતા તેમનો સામનો કરવા લાગી

જતી. આમ જુના જમાનાથી જનતાનો આક્રોશ ખાખી વર્દીધારી પોલીસ સામે હતો.

તેથી કોઇ પણ હુલ્લડ કે એવી જ કોઇ પરિસ્થિતિ ઊભી થાય અને તે રોકવા પોલીસ

જાય તો  જનતા તેમના પર જ પથ્થરબાજી અને હિંસક હુમલો કરે.     તે દિવસે મારો

પહેરેલો BSFનો યુનિફૉર્મ ખાખી રંગનો હતો. ટોળાંને પોલીસ અને બીએસએફ વચ્ચેના

તફાવતની નથી પડી હોતી અને અમારા પર થનારા જીવલેણ હુમલામાંથી કાન્તિભાઇની

સમયસૂચકતાને કારણે અમે જીવતા કાળુપુર પહોંચ્યા! ત્યાં અમારી બટાલિયનની કંપની

ડ્યુટી પર હતી. જવાનોએ અમારા પાડોશીનાં સગાંવહાલાંઓને સુરક્ષિત સ્થાન પર 

પહોંચાડ્યા. મને મારી બટાલિયન સુધી પહોંચાડવા માટે મેં તેમનો આભાર માન્યો

અને ફરજ પર લાગી ગયો.

    તે રાતે હું એક સેક્શન (દસ જવાન) લઇ અસારવા વિસ્તારમાં પેટ્રોલીંગ પર ગયો.

કર્ફ્યુ હોવાથી રસ્તાઓ સામસુમ હતા. ટાંકણી પડે તો પણ સંભળાય એવી ભયાનક

શાંતિ. રસ્તામાં લગભગ કાટખુણા જેવો વળાંક આવ્યો. જેવા અમે ત્યાં  વળ્યા, વીસે’ક

મીટર પર ચાર-પાંચ માણસ હોળી સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમે તેમને

પડકારતાં જ તેઓ નાસી ગયા. અમે ‘હોળી’ પાસે પહોંચ્યા અને જોયું તો લાકડાના

ઢગલામાં માણસનો પગ દેખાયો. જવાનોએ ઝડપથી લાકડાં હઠાવ્યા તો અંદર

લોહીથી લથપથ બે લાશો હતી. અમે વાયરલેસથી ઍમ્બ્યુલન્સ બોલાવી. અમને

shoot at sightના હુકમ મળ્યા હતા, તેથી સ્થળ પર ત્રણ જવાનોને ચોકી માટે

રાખ્યા અને હુકમ આપ્યો કે ઍમ્બ્યુલન્સ આવે તે પહેલાં કોઇ પણ માણસ અહીં

‘હોળી’ પેટવવા આવે તો ગોળીએ દેવા. આ હુકમ સાંભળી બે લાશોમાંની એક ઉભી

થઇ! આ ૨૦-૨૨ વર્ષનો ઘાયલ યુવાન હતો. તેને મરેલો ધારી તેને તથા તેના સાથીને

ગુંડાઓનું ટોળું બાળવાની તૈયારી કરતું હતું. સશસ્ત્ર સૈનિકો નાગરિકોની રક્ષા કરવા

આવી ગયા છે તેવી ખાતરી થતાં આ ઘાયલ યુવાન ઉઠ્યો અને ઉપકારવશ તેણે

અમારા પગ પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અમે તેને પાણી પાયું અને તેને

હૈયાધારણ આપી. થોડી વારે ઍમ્બ્યુલન્સ આવી પહોંચી અને અમે તેને તથા

તેના મૃત્યુ પામેલ સાથીને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યા. આખી રાત પેટ્રોલીંગ

કરી સવારના પહોરમાં મુખ્ય મથક પર અમે પહોંચ્યા ત્યાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરે

મને હુકમ આપ્યો, “હુલ્લડ બેકાબુ થયા છે. હવે બીએસએફની સાથે જામનગરથી

આર્મીની બ્રિગેડ (3000 સૈનિકો) તથા નીમચ (મધ્ય પ્રદેશ)થી સીઆરપીને

બોલાવવામાં આવેલ છે. તોફાનોને coordinated response આપી પરિસ્થિતિ પર

કાબુ કરવા માટે જામનગર બ્રિગેડ મેજરની આગેવાની નીચે શાહીબાગમાં પોલિસ

કમીશ્નરની કચેરીમાં ‘જોઇન્ટ ઑપરેશનલ કન્ટ્રોલ રૂમ’ (JOC) સ્થાપવામાં આવી છે.

બીએસએફના પ્રતિનિધિ તરીકે તને મોકલું છું. ત્યાં જઇને તારે શું કરવાનું છે તે બ્રિગેડ

મેજર કહેશે. તું હમણાં જ નીકળ,” કહી તેઓ રવાના થઇ ગયા. 

***

    ગુજરાતમાં કોમી અશાંતિ કોઇ નવી વાત નથી. અમદાવાદનો ઇતિહાસ

જોઇએ તો આ શહેરમાં છેક સન ૧૭૧૪થી કોમી તંગદિલી થતી આવી છે

અને તેના પ્રત્યાઘાત ઘણી વાર હિંસક સ્વરૂપના થયા છે. 

   અમદાવાદમાં થયેલા કોમી હુલ્લડોનો ઇતિહાસ જોઇએ તો તેના બે મુખ્ય

કારણો છે. એક તો ધાર્મિક ઉત્સવોની ઉજવણી – જેમાં મસ્જીદ પાસેથી

નીકળતા વરઘોડા – જેમ કે રથયાત્રા, કે વાજાં સાથે નીકળતી કોઇ ઉત્સવની

શોભાયાત્રા; મંદિરોમાં સંધ્યા ટાણે મંજીરાં કે ઘંટ વગાડીને આરતી થતી હોય

અને તે સાંજની નમાજનો સમય હોય; હોળી જેવા ઉત્સવ જેમાં રંગ છાંટવામાં

આવે કે જુના જુમાનામાં અમુક ધર્મના સ્થળ પાસે સામુહિક કુરબાનીનો

કાર્યક્રમ થતો હોય. બીજું મોટું – અને અતિ મહત્વનું કારણ છે અફવા. ખાસ કરીને

કોઇ પંથના ધર્મ ગ્રંથ કે તેમના ધર્મસ્થાનના થયેલા કથિત અપમાનની અફવા.

મોટા ભાગે આવી અફવાઓમાં સત્ય હોતું નથી, પણ તે સાંભળી લોકોની

ભાવનાને ઉશ્કેરનારા ઉગ્રવાદી ‘નેતા’ઓને કારણે તેની પરિણતી એક દવની

જેમ ચોમેર સળગી ઉઠે છે. 

    ૧૯૬૯માં આવું જ થયું હતું.

    ૩ સપ્ટેમ્બર ૧૯૬૯ના દિવસે થયેલા બે પ્રસંગો કહો કે તે વિશે ફેલાયેલી 

અફવાની ચિનગારીને કારણે જે નરસંહાર થયો તેવો અમદાવાદમાં ફરી

કદી થયો નથી. 

    ૨૦૦૨માં પણ નહીં.             

 Posted by Capt. Narendra 

સ્વસ્તિવાચન અને શ્લોક.

स्वस्तिक मंत्र या स्वस्ति मंत्र शुभ और शांति के लिए प्रयुक्त होता है। स्वस्ति = सु + अस्ति = कल्याण हो। जगत, परिवार और स्वयं के कल्याण के लिए, शुभ वचन कहना ही स्वस्तिवाचन है। हिंदू धर्म में वैदिक काल से चले आ रहे पूजा पाठ से जुड़े अनेक रिवाज़ हैं। हर पूजन से पहले स्वस्तिवाचन मंत्र का पाठ का महत्व ऐसा माना जाता है कि मंत्रोच्चार से नेगेटिव एनर्जी खत्म हो जाती है और इससे हृदय और मन मिल जाते हैं। यह मंगल पाठ अवश्य करना चाहिए जिससे सभी देवी-देवताओं को जाग्रत कर प्रशन्न कर सकें। ————— ► इन मुख्य मंत्रों के लिए सीधा यहाँ क्लिक करें ☛ ☛ 00:00:15 |► आ नो भद्राः क्रतवो …… ☛ 00:02:26 |► स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः …… ☛ 00:04:04 |► ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति: ….. ☛ 00:04:47 |► ॐ गणानां त्वा गणपति ग्वँग् …… —————- || सम्पूर्ण स्वस्तिवाचन || मंगलाचरण ||

jitante stotram is one of the oldest slokams. Jitante stotram is a Rigveda khilam meaning an unfrequented portion. The actual secret meaning, of the mantram called Jitante, was expounded by that omniscient sage bhagavan Saunaka. Sections of Jitante stOtram are recited at the end of Bhagavath AarAdhanam.

જિપ્સીની ડાયરી-બીએસએફ અને ગુજરાત (૩)

સૌજન્યઃ કેપ્ટન નર્તેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, August 12, 2021

બીએસએફ અને ગુજરાત (૩)

    બૉર્ડર સિક્યોરિટી ફોર્સની રચના પાછળ ભારતની સીમા સુરક્ષા વિશે જે ભૂમિકા હતી

તેનું સંક્ષિપ્ત વર્ણન ગયા અંકમાં કર્યું હતું. આ ઉપરાંત BSFને એક વધુ મહત્વની જવાબદારી

સોંપવામાં આવી છે. ભારતીય ગણરાજ્યના કોઇ પણ રાજ્યમાં કોઇ કારણસર

કાયદા-કાનૂનની વ્યવસ્થા ભાંગી પડે અને રાજ્ય સરકારનું પોલીસ ખાતું તેના પર નિયંત્રણ

લાવવામાં અસફળ નીવડે ત્યારે ભારતીય સંવિધાન મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને

તેમને આધિન હોય તેવા સશસ્ત્ર બળોને મદદ માટે મોકલવા વિનંતી કરી શકે છે અને

કેન્દ્ર સરકારે આ મદદ પહોંચાડવી પડે. આ વ્યવસ્થા ‘Aid to Civil Authority’ તરીકે

જાણીતી છે.  આ માટે બે વાતો જરૂરી છે. આ હાલતમાં પ્રથમ રાજ્ય સરકારે કેન્દ્ર

સરકારને પૂરા અહેવાલ સાથે વિધિપુર:સર વિનંતી કરવી જરૂરી છે. કેન્દ્ર સરકાર

આ બાબતમાં તરત વિચારણા કરી રાજ્ય સરકારે કરેલી માગણી અનુસાર સેનાની

ટુકડીઓ મોકલે. ગુજરાતને આનો અનુભવ છે. બીજી વાત કેન્દ્ર સરકારના અધિકારની

છે. જો કેન્દ્ર સરકારને લાગે કે દેશ પર વિદેશી હુમલાની સ્થિતિ ઉભી થઇ છે કે ભારતીય

સશસ્ત્ર બળોનો ઉપયોગ કરવામાં ન આવે તો દેશની અખંડીતતા અને દેશના

નાગરિકોની સુરક્ષા ભયમાં આવી જાય. આ હાલતમાં ભારતના રાષ્ટ્રપતિ દેશમાં

આપત્કાલિન – રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ (National Emergency) જાહેર કરે અને

સમગ્ર દેશમાં સશસ્ત્ર સેનાઓને દેશના સંરક્ષણ માટે તહેનાત કરે. સ્વતંત્ર ભારતના

ઇતિહાસમાં કટોકટીની જાહેરાત ફક્ત એક જ વાર થઇ છે. 

    આપણે ઘણી વાર જોયું છે કે રાજ્યોમાં કોમી રમખાણ એટલા વ્યાપક હોય છે કે

તેના પર નિયંત્રણ લાવવું રાજ્ય સરકારના પોલીસ ખાતાની ક્ષમતા બહાર થઇ જાય છે.

દેશ સ્વતંત્ર થયો તે પહેલાં વિદેશી સત્તા આવી હાલતમાં મિલિટરીની ટુકડીઓ મોકલતી.

તે સમયે રાજ્ય સરકારની સ્થાપના નહોતી થઇ. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સ્થાનિક

કેન્ટોનમેન્ટમાં રહેલી સેનાના ગૅરિસન કમાંડરને હુકમ કરી સૈનિક ટુકડીઓને

બોલાવી શકતા. જલિયાઁવાલા બાગમાં આવું જ થયું હતું. આવું વારંવાર થતું

હોવાથી ભારતીય સેનાની છબિ અત્યંત ધૂમિલ થઇ હતી. ૧૯૬૫ની લડાઇ બાદ

ભારતીય સેના એક નવા સ્વરૂપમાં – દેશ માટે આત્મબલિદાન કરનાર વીર સેના

તરીકે ઉભરી. તેમનો સ્થાનિક રમખાણો પર કાબુ કરવા માટે કે રાજનૈતિક ઉદ્દેશ્યની

સિદ્ધી માટે ઉપયોગ કરવાથી પુરાણી અંગ્રેજોની દમનકારક નીતિનો અમલ કરનાર

એજન્ટની જેમ થઇ જાય તે શક્ય હતું. તે ટાળવા ભારત સરકારે Aid to Civil

Authorityની જવાબદારી BSF તથા ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ), CRPF

જેવા  અન્ય અર્ધલશ્કરી બળ – para military forcesને સોંપી. આ કાર્યને ટૂંકમાં

અમે I.S. Duties (ઇન્ટર્નલ સિક્યૉરિટી ડ્યુટી) કહીએ.

    આજના અંકમાં Aid to Civil Authority વિશે અને તેમાં BSF પોતાનું કર્તવ્ય

કેવી રીતે નિભાવે છે તે વિશે થોડી વાત કરીશ, જેથી આપને દેશમાં થતા તોફાન

અને તે બેકાબુ થતાં BSF તથા ભારતીય સેના તેમને સોંપાયેલ કાર્યવાહી કેવી રીતે

અમલમાં મૂકે છે તેનો ખ્યાલ આવશે. 

     દેશની સીમા પર જે કાર્ય કરવાનું હોય છે તેનું પ્રશિક્ષણ અર્ધ લશ્કરી સેનાઓના

જવાનો અને અફસરોને મિલિટરીની જેમ જ અપાય છે. છેલ્લી ગોળી, આખરી સિપાહી

જીવે ત્યાં સુધી સીમા પર લડતા રહે એવી તેમની ટ્રેનિંગ અને ધગશ પ્રેરવામાં આવે છે.

આ સૈનિકોને જ્યારે દેશમાં જ ઉદ્ભવતી સરકાર તથા દેશના નાગરિકો પર આપણા

જ અન્ય નાગરિકો દ્વારા થતા કરપીણ હુમલા અને ખૂનામરકી રોકવા BSFના સૈનિકોને

જવું પડે ત્યારે એક દ્વિધા ભરી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.  દેશના દુશ્મન સામે જે

કાર્યવાહી કરવી પડે તેવી તજવીજ તોફાની તત્વો – જે આપણા દેશના જ નાગરિકો છે,

તેમની સામે ન કરી શકાય. પરંતુ જો આ હિંસક ટોળાં અન્ય ધર્મ અથવા અન્ય

વિચારધારા ધરાવતા પર ખૂની હુમલા કરે, આગ લગાડી સરકારી કે ખાનગી

મિલ્કત/અસક્યામત ધ્વસ્ત કરતા હોય તો દેશનો યુનિફૉર્મ પહેરનાર અને દેશના નાગરિકોનું

રક્ષણ કરવાની શપથ લેનાર સશસ્ત્ર સૈનિક શું કરે?

    આનો જવાબ છે તેમને આ હાલતનો સામનો કરવા માટે અપાતા પ્રશિક્ષણમાં. આ

ફરજ બજાવવા માટે BSFના અફસરોને પહેલાં તો ઇન્ડીઅન પિનલ કોડ તથા ક્રિમિનલ

પ્રોસીજર કોડની સંબંધિત કલમનું ઊંડાણથી શિક્ષણ આપવામાં આવે છે, જેથી તેઓ

જે કાર્યવાહી કરે, તે સંબંધિત કાયદા હેઠળ જ હોય. બીજું મહત્વનું પ્રશિક્ષણ અપાય છે

તે Social Psychologyનું, જેમાં બેકાબુ ટોળાંઓની માનસિકતા, તેમનું ઉન્માદમાં

આવી જઇને થતું વર્તન, તેમને હિંસા કરવા પ્રેરતા પરિબળો વિશે ખાસ અભ્યાસ

કરાવાય છે. 

     BSF માટે આ વિશિષ્ટ કક્ષાનું કાર્ય હોવાથી તે માટે અમને ખાસ ટ્રેનિંગ આપવામાં

આવી. તેમાં ધાર્મિક કે કોમી તોફાનો થવા પાછળનાં કારણ, બેકાબુ ટોળાંઓની

મનોવૃત્તિ,  સામાન્ય રીતે કાયદા-કાનૂનનું સચોટ પાલન કરનાર શાંત જનતા કઇ હાલતમાં

ઉગ્ર અને હિંસક બને છે તેનો અભ્યાસ કરાવવામાં આવ્યો. ખાસ ભાર તો એ વાત પર

મૂકાયો કે શાંત જણાતી જનતાની ઊંડી સંવેદના અને ભાવના કઇ કઇ બાબતોમાં હોય

છે, જેનો ગેરલાભ તોફાની તત્વો લેતા હોય છે. આ કહેવાતા ‘નેતા’ જનતાની સંવેદનાને

ઉશ્કેરી તેમાં આગની ચિનગારી મૂકતા હોય છે. પોતાના રાજકીય કે અંગત લાભ માટે

ઉન્માદી ભાષણો કરી ટોળાંઓને ‘ઑક્સીજન’ આપતા હોય છે, જે એકદમ સળગીને

દાવાનળનું સ્વરૂપ લઇ લે છે. આવી હાલતમાં શાંત, કાયદાનું પાલન કરનાર સામાન્ય

પ્રજાનું ટોળામાં – mob -માં પરિવર્તન થાય છે અને આ mob બનેલા ટોળામાં સામેલ

થયેલ વ્યક્તિઓમાં અંગત સારાસાર વિવેક બુદ્ધિ રહેતી નથી અને તેમનામાં mass

psychosisની સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેમના મગજ પર નિયંત્રણ આવે છે

self-appointed ‘નેતા’ઓનું. તેમના નિર્દેશન નીચે ટોળાં પથ્થરબાજી અને જાહેર

તથા ખાનગી માલિકીના વાહનો કે મકાનોને તોડવા-ફોડવાનું તોફાની કામ શરૂ કરી

આગળ જતાં ખૂના-મરકી, લોકોનાં રહેઠાણોને આગ લગાડી તેમાં રહેનારાઓને જીવતા

સળગાવી દેવા, છરા-બાજી કરવા જેવા હિંસક બની જાય છે. 

    આમ બેકાબુ ટોળાંઓમાં લગભગ ૯૦થી ૯૫ ટકા સામાન્ય નાગરિકો હોય છે.

તેમનું સંચાલન અપૂરતું જ્ઞાન પણ સારી વક્તૃત્વ શક્તિ ધરાવતા અર્ધ શિક્ષિત \સ્થાનિક

નેતા હોય છે.  તેમને આગળ રાખી ઉશ્કેરનારા એક કે બે ટકા  વામપંથી રાજકીય

પક્ષના ideologue કે કટ્ટર ધર્માંધ વ્યક્તિઓ હોય છે, જેમને અંગ્રેજી-ફ્રેંચમાં Agent

provocateurs કહેવાય છે. જ્યારે શાંતિસ્થાપક સેના ત્યાં પહોંચે, આ ખલનાયકો

ટોળામાંથી અદૃશ્ય થઇ જાય છે અને સ્થાનિક નેતા ભૂગર્ભમાં જતા રહે છે. હવે સશસ્ત્ર

સૈનિકો તરફથી જે કાર્યવાહી થાય છે (જેમાં ગોળીબાર પણ થઇ શકે) તેનો ભોગ નિર્દોષ

યુવાનો થાય છે.  ટોળાંઓની તથા તેમને ઉશ્કેરનારા તત્વોની માનસિકતાના અભ્યાસ

કર્યા બાદ BSF તથા ભારતીય સેનાના અફસરો – જવાનોએ બે સિદ્ધાંત ઘડ્યા છે,

જેનું પાલન હંમેશા કરવામાં આવે છે. (૧) ટોળાંઓ સામે ઓછામાં ઓછા બળનો

પ્રયોગ – use of minimum force. (૨) કોઇ પણ કાર્યવાહી થાય તે બદલો લેવાના

ઉદ્દેશથી કદાપિ નહીં કરાય. 

    કાશ્મિરમાં ભારતીય સૈન્ય (જેમાં અર્ધ લશ્કરી બળઆવી જાય છે, તેમના) પર થતી

હિંસક પત્થરબાજી તથા ગ્રેનેડ દ્વારા થતા હુમલાઓ પર તાત્કાલિક ગોળીબાર જેવા

કડક પગલાં શા માટે લેવાતા નથી, તેનું આ મુખ્ય કારણ છે. આપણે જોયું છે કે

કાશ્મિરમાં  કે કોઇ પણ જગ્યાએ encounter થાય છે, ત્યાં સૌ પ્રથમ આપણા

સૈનિકો પર ગોળીબાર કરનાર અને હત્યા કરનાર આતંકવાદીઓને લાઉડ સ્પીકર

પર શરણે આવવાની અપીલ કરવામાં આવે છે. ત્યાર બાદ ચેતવણી અને છેલ્લા

પર્યાય તરીકે તેમના પર લશ્કરી કાર્યવાહી – જેમાં આપણા સૈનિકોએ બલિદાન આપ્યું છે.

આ થઇ BSFની આંતરિક સુરક્ષા અંગેની વિગતવાર ભૂમિકાની વાત. તે કહેવાનું તાત્પર્ય

એક જ છે ; આપણા સૈનિકો આપણા જન સમાજમાં જન્મેલા ભૂમિપુત્રો છે, તેઓ આપણી

સુરક્ષા માટે ફરજ બજાવવા આવે ત્યારે તેમના હાથ તેમને આપેલા પ્રશિક્ષણ – use of

minimum force તથા બદલાની ભાવનાથી કોઇ કાર્યવાહી ન કરવી – માં બંધાયેલા

હોય છે. તેમની આ ભાવનાને આપણે સમજવી જોઇએ. ૧૯૮૦માં અમદાવાદમાં

થયેલા તોફાનોમાં BSFની ટુકડીને લઇ જતા એક ટ્રક પર  દરિયાપુરની એક શેરીના

ત્રીજા માળની અગાશી પરથી કોઇ તોફાની વ્યક્તિઓએ મૅન હોલના દસ કિલો

વજનના લોખંડનું ઢાંકણું ફેંક્યું હતું. નસીબ જોગે આ ભારે ઢાંકણું ટ્રક પર એવા

સ્થાને પડ્યું, જવાનો સહેજમાં બચી ગયા. જવાનોએ કેવળ ટ્રક રોકી, તપાસ

કરી આ વિકૃત માનસની વ્યક્તિને શોધી કેદ કરવાનો પ્રયત્ન કર્યો. જનતાની

વફાદારી પેલી તોફાની વ્યક્તિ પરત્વે નીકળી ! આ માણસ કદી હાથ ન આવ્યો.

જનતાના સમર્થનથી છટકી ગયેલા આ માણસને આવું કુકર્મ કરવા ઉત્તેજન

મળ્યું. ભવિષ્યમાં તે આવું જ કામ કરશે, તે સમયે દેશની રક્ષા કરવા સેનામાં

જોડાયેલો કોઇનો લાડકવાયો બચી શકશે ? શું અમને આપણા દેશવાસીઓ

પ્રત્યે સંવેદનાપૂર્વક ફરજ બજાવવા માટેનું આ ઇનામ છે ? કે સજા?

    વિચાર કરવા જેવી વાત છે. 

    આવતા અંકમાં કેટલીક ખાસ વાતો, ખાસ અનુભવોની વાત કરીશું.
Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને ગુજરાત (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, August 5, 2021

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને ગુજરાત (૨)

 BSF – બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની રચના 1965ના યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાનની 

સરકારો વચ્ચે થયેલી સમજુતી હેઠળ થઇ હતી. આપણા બન્ને દેશો વચ્ચે માન્ય થયેલી 

આંતરરાષ્ટ્રીય સરહદ પંજાબના ગુરદાસપુર જીલ્લાથી શરૂ થઇ ગુજરાતના કચ્છ 

જીલ્લાના સર ક્રિક (Sir Creek)ના છેડા પર પૂરી થાય છે. આ સરહદ પર કૉંક્રિટના 

Boundary Pillars (BP) બાંધવામાં આવ્યા છે. ગુરદાસપુરમાં BP 1 છે. ત્યાંથી ઉત્તરમાં જમ્મુ કાશ્મિર શરૂ થાય છે, જ્યાંથી પૂરા કાશ્મિરને આવરી 

લેતી Line of Control (LOC) છે.  

    1965ના યુદ્ધ બાદ સીમા પરની તંગદિલી ઓછી કરવા માટે બન્ને દેશોએ 

આંતરરાષ્ટ્રીય સીમા પરથી સૈન્યોને હઠાવી, તેમના સ્થાને સશસ્ત્ર પોલીસ રાખવી 

એવો કરાર કર્યો. તે પ્રમાણે ભારતે મધ્ય પ્રદેશ પોલીસના વડા શ્રી. કે. એફ. રુસ્તમજીને 

BSFના ડાયરેક્ટર જનરલ નીમ્યા અને તેમને ભારતના સંરક્ષણ માટેની પ્રથમ હરોળ 

નિર્માણ કરવાની જવાબદારી સોંપી. પાકિસ્તાને તેમના સૈન્યને પાછા ખેંચ્યા અને 

તેમના સ્થાને અર્ધ લશ્કરી Indus Rangersને તેમની સીમા પરની ચોકીઓ પર મૂક્યા. 

ભારત પાસે સીમાની આરપાર થતા ગુના રોકવા માટે વિશીષ્ટ એવું કેન્દ્રીય પોલીસ

સંસ્થાન નહોતું તેથી પશ્વિમ ભારતમાં ગુજરાતની SRP, રાજસ્થાનની RAC (રાજસ્થાન

આર્મ્ડ કૉન્સ્બ્યુલરી) તથા પંજાબ આર્મ્ડ પોલીસ હતા અને તેમની સહાયતા માટે ખાસ

કરીને ગુજરાતમાં CRPFની ટુકડીઓ મૂકવામાં આવી હતી. CRPFની સંઘટના ખાસ તો

અંતર્દેશીય શાંતિ અને રાજ્યની પોલીસને રાજ્યમાં કાબુ બહાર જતી કાનુન વ્યવસ્થાનું

રક્ષણ કરવા માટે રચવામાં આવી હતી. તેથી ૧૯૬૫ના કરાર મુજબ BSF નામની નવી

અર્ધ-લશ્કરી સંઘટના રચવામાં આવી.

BSF ડિસેમ્બર ૧૯૬૫માં અસ્તીત્વમાં આવ્યું ત્યારે ગુજરાત – પાકિસ્તાનની સીમા પર 

ગુજરાત રાજ્યના સ્ટેટ રિઝર્વ પોલીસની બે બટાલિયનો ફરજ બજાવી રહી હતી. યોજના 

એવી હતી તેમના સ્થાને BSFની બટાલિયનો મૂકવામાં આવે. તે મુજબ એક બટાલિયને 

કચ્છ જીલ્લામાં આવતી સીમા પરનો ચાર્જ લીધો અને બીજી બટાલિયન, એટલે 2nd

Battalion BSF – જ્યાં મારી નીમણૂંક થઇ હતી, તેને બનાસકાંઠાના સુઇગામ સેક્ટરમાં 

રાપર તાલુકાના કુડા-બેલાથી માંડી પૂર્વમાં રાજસ્થાનના બાડમેર જીલ્લાની બ્રાહ્મણાં-રી ઢાણી નામની ચોકી સુધી મૂકવામાં આવે. આ ચોકીઓનો ચાર્જ તે સમયે ગુજરાતની 

સ્ટેટ રિઝર્વ પોલીસ પાસે હતો અને અમારી બટાલિયન રણના હવામાનથી પરિચિત 

થવા માટે – જેને acclimatisation process કહેવાય છે, તેનો અભ્યાસ દાંતિવાડામાં 

કરી રહી હતી.

‘ડાયરી’ના ઘણા વાચક વિદેશમાં રહે છે તેથી ગુજરાતમાં આવતી આંતરરાષ્ટ્રીય 

સીમા, રણ પ્રદેશ તથા ત્યાંની ભૌતિક અને 

ભૌગોલિક હાલતનો ખ્યાલ આવે તે માટે સહેજ વિસ્તારથી વર્ણન કરવાનો પ્રયત્ન કરીશ.

***

અંગ્રેજી નકશાઓમાં કચ્છના મોટા રણને ‘The Great Rann of Kutch’ કહેવામાં આવ્યું છે, આ ‘પદવી’ યોગ્ય જ છે. કચ્છના આ મહાન રણમાં 

આવેલ જૂજ એવી વનસ્પતિ, પ્રાણી-પક્ષીની વિવિધતા, પ્રાકૃતિક સૌંદર્ય, ઇતિહાસ 

અને રહસ્ય વિશેનો ખ્યાલ ત્યાં લાંબો 

સમય રહ્યા વગર આવવો મુશ્કેલ છે. એનું વાસ્તવિક વર્ણન કરીએ તો તે કપોલ 

કલ્પિત અતિશયોક્તિ લાગે.  

કચ્છના રણનો વિસ્તાર વિશાળ છે. ભૌગોલિક દૃષ્ટીએ નાનું રણ અને મોટું રણ 

એવા બે મુખ્ય વિભાગ છે. આ Link  પરથી તેનો ખ્યાલ આવશે.

મોટા રણમાં આપણે ત્રણ પ્રકારની ધરા જોઇ શકીએ. એક છે ખારો પાટ – એટલે 

જમીન પર લગભગ દોઢથી બે ફૂટ જાડો મીઠાનો થર જે સેંકડો ચોરસ કિલોમીટરમાં 

ફેલાયો છે. આ થરની નીચે કાળા, ચીકણા કાદવની પાતળી પથારી અને તેની નીચે 

દરિયો. હજારો વર્ષ પહેલાં અહીં ઘૂઘવતો સમુદ્ર હતો. અહીં હતું પુરાતન મહાનદી 

સરસ્વતીનું મુખ. સિદ્ધપુર પાસેથી વહેતી સરસ્વતી મુખ્ય સરસ્વતીની ઉપ-નદી

(tributary river) હતી, પણ જ્યારે tectonic movementને કારણે મુખ્ય સરસ્વતી

પૃ઼થ્વીના ગર્ભમાં લુપ્ત થઇ. ધરતીની હજારો વર્ષની તરસ ન મટી અને ત્યાં રણની

રેતી ફેલાઇ ગઇ. ગુજરાતની સરસ્વતી આ રણની રેતીમાં જઇ મળી. તે સાગરને

મળતી નથી તેથી આપણી સિદ્ધપુરની સરસ્વતીને ‘કુમારિકા’ કહેવાય છે. 

જ્યારે ઋગ્વેદમાં અને પુરાણોમાં વર્ણવેલી સરસ્વતી ધરતીની નીચે દબાઇ ગઇ,

તેનું કચ્છના અખાતથી માંડી સિંધના નૈઋત્ય (South-West)માં આવેલા સમુદ્રદરિયામાં સતત આવતું પાણી બંધ થઇ ગયું અને અતિ ગરમીને કારણે 

સમુદ્રની સપાટી પરના જળની બાષ્પ થઇ અને તેના સ્થાને જામતા ગયા મીઠાના

 થર. પ્રાકૃતિક કારણોને લીધે દોઢ – બે ફીટના મીઠાના થરની નીચે દરિયો જેમનો 

તેમ રહ્યો. તેનું તળીયું કેટલું નીચે છે તેનો અંદાજ કાઢી શકાયો નથી. ખારા પાટનો 

વણલિખિત નિયમ છે (જેને બાદમાં BSFના ઑપરેશનલ ઑર્ડરમાં સામેલ કરાયો છે) 

કે સફેદ ખારા પાટ પરનું મીઠું ગમે એટલું કઠણ લાગે અને એવું લાગે કે તેના પરથી 

ચાલીને કે વાહન દ્વારા તેની પાર જઇ શકાય, તો પણ તેના પર પગ ન મૂકવો કે ન તેના 

પર વાહન ચલાવવું. ખારા પાટના કિનારા પર, જ્યાં રેતીલી અને સમતળ ધરા લાગે, ત્યાં 

જો વાહન ચલાવવામાં આવે, અને જમીન પરથી સહેજ જેટલો પણ કાદવ ઉડે, વાહન 

રોકી તેને રિવર્સ કરીને પાછું લઇ જવું,

બીજા પ્રકારમાં દેખાશે સખત લાગતી જમીન. આ વિસ્તાર ટેનિસ કોર્ટ જેવો સમતળ, 

સપાટ અને કઠણ છે. ત્યાં પૂર ઝડપે વાહન ચલાવી શકાય. આવી જ રીતે ત્રીજા 

પ્રકારની જમીન એટલે રેતીલું રણ. રણમાં વર્ષોથી વણઝારાઓ દ્વારા વપરાતા માર્ગના 

ચીલા છે. આ ચીલા છોડીને ન તો ચાલીને જવાનો હુકમ ન ઊંટ દ્વારા. વાહનો માટે 

તો સખત મનાઇ. આનું કારણ છે કળણ – quick sand. રણની રેતીમાં કઇ જગ્યાએ 

કળણ છે તેની જાણ કોઇને નથી. આ કારણસર સરકારના સર્વેયર જનરલ દ્વારા 

બનાવાયેલા ઑર્ડનાન્સ સર્વે મૅપમાં પણ તે દર્શાવી શકાયા નથી.  બીજી મુશ્કેલી 

એ છે કે પૂરા રણમાં – નાના કે મોટા રણમાં કોઇ વૃક્ષ, મંદિર કે ઝૂંપડાં જેવું કોઇ મનુષ્ય 

નિર્મિત કે નૈસર્ગિક કોઇ ચિહ્ન નથી. સ્વાભાવિક છે તેના અભાવમાં નકશા પર પણ 

કોઇ એવા માર્ગદર્શક ચિહ્નો નથી જે માણસને માર્ગ બતાવી શકે. તેમ છતાં સર્વેયર

જનરલ દ્વારા આવી જમીન પર Trig Point અથવા Triangular Station નામથી

ઓળખાતા કૉંક્રિટના બનાવેલા નિશાન મૂકવામાં આવે છે, જેના આધારે નકશો

વાપનાર વ્યક્તિ જાણી શકે કે તે નકશાના અનુસંધાનમાં જમીન પર કયા સ્થાન પર

ઉભી છે. આમ ભોમિયા કે જાણકાર પગીની મદદ વગર ચીલો છોડીને ગયેલા માણસ 

તો ઠીક, ઊંટ પણ તેમાં ગરક થઇ ગયાના દાખલા છે. આ જ કારણે રાતના સમયે રણમાં 

અનુભવી પગીની મદદ વગર પગ પણ મૂકવાની મનાઇ છે. આનાં પરિણામ વિશે 

આગળ વાત કરીશું.

કચ્છના મોટા રણમાં વરસાદનું એક મોટું ઝાપટું પડે તો તેમાં આવેલા બેટની ચારે 

તરફ સરોવર જાય,  બે દિવસ વરસાદ ચાલુ રહે તો જાણે દરિયો ઘૂઘવતો હોય. 

આથી BSFની ચોકીઓ, જે બેટમાં છે, તે ખરેખર ટાપુ બની જાય અને બાકીના 

દેશથી સાવ વિખૂટા પડે. તેથી અષાઢનાં વાદળાં ક્ષિતિજ પર જામે તે પહેલાં જ 

રણમાં આવેલી ચોકીઓમાં ત્રણ મહિનાની રાશન સામગ્રી અને પાણીનો ભંડાર 

ભેગો કરી રાખવો પડે. BSFમાં સૌથી મુશ્કેલ વાત ખાધા-ખોરાકીના સામાનની હતી. જમ્મુ કાશ્મિરમાં BSFના એકમ ભારતીય સેનાના આધિપત્ય નીચે 

ફરજ બજાવતા હોવાથી જવાનોનું રાશન સૈન્ય તરફથી અગ્રિમ ચોકીઓ સુધી પહોંચાડવાની 

વ્યવસ્થા થતી. બાકીના બધા વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોને ration allowance 

હેઠળ નજીવી રકમ મળે છે. દર મહિને કંપની કમાંડર જવાનોએ નીમેલી મેસ કમિટીના 

સભ્યોને લઇ ભુજની બજારમાં જાય અને મહિનાનું રાશન ખરીદી લાવે. રણમાં ફરજ 

બજાવતી કંપનીઓને તાજાં શાકભાજી મહિનામાં  પંદર -વીસ દિવસે આવે, તેથી 

કાંદા – બટેટાનું શાક અને દાલ – રોટી સિવાય બીજું કશું ન મળે.  ૧૯૬૦ – ૭૦ના દશકમાં 

અમુલ દ્વારા દૂધનો પાઉડર બજારમાં આવ્યો નહોતો તેથી જવાનો માટે ચ્હા બનાવવા માટે 

અમે પેંડા મંગાવી રાખતા, જેમાંથી ચ્હા બનાવીએ ! જવાનોને મળતા રાશન એલાવન્સમાં

કન્ડેન્સ્ડ મિલ્કના ડબા ખરીદવું પોસાતું નહીં. 

આ થઇ ચોમાસાની વાત. ઉનાળામાં રણ એટલું ધખધખે, ટેમ્પરેચર પચાસ ડિગ્રી સેલ્સિયસ 

સુધી પહોંચી જાય.  આ જાણે ઓછું હોય, કુદરતે જાણે ઍલાર્મનું ઘડિયાળ રાખ્યું હોય

તેમ સવારે બરાબર દસ વાગે ગરમ રેતીનું તોફાન શરૂ થઇ જાય. શિંગ-ચણા શેકવા

માટે ગરમ કરાતી રેતી જેવી ઉષ્ણ રણની રેતી જોરથી ચહેરા પર આવીને ભટકાય. તેથી

ઉંટ પર બેસી રણમાં ગસ્ત પર ગયેલા સૈનિકો અને સેન્ટ્રી ડ્યુટીમાં ચોકી ફરતો પહેરો

ભરનાર જવાનો સિવાય બાકીના બધા બૅરૅકમાં બારી બારણાં બંધ કરીને આરામ કરે. 

રસોડાની બારી – બારણાં બંધ કરીને રસોઇ કરી હોય તો પણ ભોજનમાં પાઉડર જેવી

રેતીના કણ રોટલીમાં આવે. રેતીનું તોફાન સાંજે છ વાગ્યાના સુમારે બંધ પડે અને એકાદ

કલાક બાદ સુંદર, શીતળ વાયુનાં વિંઝણા શરૂ થાય. જીવનનું પરમ સુખ એટલે તે

દિવસે પેટ્રોલિંગ કરીને આવ્યા બાદ ખારા પાણીમાં નાહીને બૅરેકની બહાર વિતાવેલી

સાંજ અને રાત ! તેમાં પણ ચાંદની રાત હોય, ખારા પાટ પર ચાંદીનો ઢોળ ચઢાવ્યો હોય

તેવું દૃશ્ય દેખાતું હોય અને રેડિયો પર હેમંત કુમારે ગાયેલું “યે રાત, યે ચાંદની ફિર કહાં,

સુન જા દિલ કી દાસ્તાઁ” સંભળાતું હોય તો બસ ! આખા દિવસનો ઉકળાટ, થાક,

બધું ભૂલાઇ જવાય. 

 રણમાં સૌથી મોટી તકલીફ પાણીની. તે સમયે પાણી ચાલીસ – પચાસ કિલોમિટર દૂરથી 

લાવવું પડતું. જ્યાંથી પાણી લાવીએ અને તે પણ ખારૂં. પાણીનાં માટલાંમાં પણ પાણી

ગરમ થઇ જાય. અમે એક વાર વિચાર કર્યો, પેપરમિંટની ગોળી મ્હોંમાં રાખી પાણી

પીવાથી કદાચ તેમાં ઠંડક વરતાય. જી, ના. કોઇ ઉપાય નહોતો. સન ૨૦૦૧ બાદ

ગુજરાતના મુખ્યમંત્રી કચ્છના રણમાં આવેલી BSFની ચોકીઓની મુલાકાતે ગયા હતા.

જવાનોની સેવાપરાયણતાથી તેઓ પ્રભાવિત થયા. જ્યારે તેમણે જવાનોની પાણીની

જરૂરિયાત અંગેની હાડમારી જોઇ, તેમણે રાજ્ય સરકારના જાહેર બાંધકામ ખાતાને

હુકમ કરી BSFની ચોકીઓ સુધી પાણીની પાઇપલાઇન બિછાવી નિયમિત રીતે પાણી

મળે તેવી વ્યવસ્થા કરી.  

તે અગાઉ પાણીની કમી હોવાથી વ્યક્તિ દીઠ દર રોજ વીસ લિટર પાણીનું રૅશન હતું. જવાનોને પેટ્રોલિંગ પર જવાનું થતું તો હંમેશા બબ્બે પાણીની બાટલી જવાન 

દીઠ આપીએ. જવાનોની સલામતીને ખાતર અગ્રિમ ચોકીમાંથી કોઇ વાહન હેડક્વાર્ટર 

તરફ જવા નીકળે તો તેમણે રસ્તામાં પડતી દરેક ચોકીમાં જઇ વાયરલેસથી સૌને 

ખબર કરવાનો હુકમ હતો કે તેમનું વાહન ક્યાં પહોંચ્યું છે. રસ્તામાં કોઇ વાહન 

યાંત્રિક ખામીને કારણે અટકાઇ  જાય તો સૌને હુકમ હતો કે જ્યાં વાહન બંધ પડી 

ગયું છે, ત્યાં જ રોકાય અને નક્કી કરેલા સમય સુધી વાહન બીજી ચોકીમાં ન પહોંચે

તો તેમના માટે બીજું વાહ મોકલવામાં આવે. સાંજે નીકળેલ વાહન નક્કી કરેલા

સમય પ્રમાણે વાહન સૂર્યાસ્ત પહેલાં બીજી ચોકીમાં ન પહોંચે તો બીજા દિવસે મળસ્કે આગળ – પાછળની એવી બન્ને ચોકીઓમાંથી તેમની શોધમાં 

વાહનો નીકળે અને સાથે અટલાયેલા જવાનો માટે ભોજન અને પાણી લઇ જાય. 

દરેક જવાન પાસે બે -બે પાણીની બાટલીઓ હોવાથી તેઓ ડિહાઇડ્રેશનમાંથી 

બચી જાય.  બેઉ ચોકીઓમાંથી ગયેલી સર્ચ પાર્ટી રણમાં અટવાયેલા જવાનોને

શોધી, તેમને બચાવે. 

૧૯૬૭-૬૮માં ગુજરાતની SRP પાસેથી BSFના અફસર અને જવાનોએ ચાર્જ લીધો, 

ગુજરાતના સૈનિકોને અમે સલામ કરી. રાજ્ય સરકાર પાસે સાધનોની કમી હતી, 

તેમ છતાં તેઓ આવા વિષમ-તમ હવામાનમાં રહી શક્યા હતા અને પૂરી ધગશથી

સેવા બજાવી હતી. તેમની પાસેથી અમને ઘણું શીખવા મળ્યું.  જ્યારે અમે ગુજરાત

સ્ટેટ રિઝર્વ પોલીસની ૧૯૬૫ના યુદ્ધની અને તે અગાઉ પાકિસ્તાન તરફથી થયેલા

આપણા પોલીસ પરના હુમલામાં જે શૌર્યથી કરેલા સામનાની અને સર્વોચ્ચ બલિદાનની

વાત સાંભળી, અમે ચકિત થઇ ગયા હતા. આવી બહાદુરી ભારતીય સૈન્યના પૂરૂં

પ્રશિક્ષણ મેળવેલા ઇન્ફન્ટ્રીના સૈનિકો પાસેથી અપેક્ષિત હોય તેવી બહાદુરી

ગુજરાતના વીર પોલીસ જવાનોએ પ્રદર્શિત કરી હતી, કમભાગ્યે આ વાત ભારત તો

ઠીક, પણ ગુજરાતમાં પણ બહુ ઓછા લોકો જાણે છે. આવતા એકાદ અંકમાં આનો

સંક્ષિપ્ત અહેવાલ આપવાનો પ્રયત્ન કરીશું. 

Flora & fauna ની વાર કરીએ તો રણમાં અનેક વિવિધતાઓ જોવા મળે. 

નાના રણમાં। અને સુઇગામ સેક્ટરમાં આવેલા જંગલી ગધેડા (ઘૂડખર –

wild asses) અને નીલગાયનાં ટોળાં જોવા મળે. આ પ્રાણીઓ -કલાકના ૪૦ કિલોમીટરની ગતિએ દોડી શકે છે, અને તેમને પાળવાના બધા પ્રયત્ન 

નિષ્ફળ ગયા છે, નાનપણમાં આપણે જોડકણા સાંભળતા, તેમાં “રાતા બગલા રણે 

ચડ્યા, પાણી દેખી પાછા ફર્યા” સાંભળી નવાઇ લાગતી. બગલા કદી લાલ રંગના 

હોય? પણ આ રાતા બગલા – ફ્લેમિંગો આપને કચ્છના રણમાં જોવા મળશે ! વિદેશની 

ટાઢમાંથી બચવા ભારતમાં આવતા આ મહેમાનોને તેમના ‘ચાતુર્માસ’ના રહેવાસ 

દરમિયાન રણનાં છિછરા પાણીમાં માળા બનાવીને રહેવાની સુવિધા મળે છે. વળી 

આ છિછરા પાણીમાં લાખોની સંખ્યામાં ઉપજતા નાનકડા જીંગાનો મબલખ આહાર મળે 

છે. આ સમય દરમિયાન માદા ફ્લેમિંગો ઇંડાં મૂકી, પાછા ફરવાના સમય સુધીમાં મોટાં 

થયેલાં બચ્ચાંઓને લઇને પોતાના મલકમાં પાછા જતા હોય છે. આપે ભુજના વિખ્યાત 

છબિકાર શ્રી. પોમલના Flamingo Cityનાં ચિત્રો જોયાં હશે. અહીં ક્લીક કરવાથી 

આપને ગુજરાતના રણપ્રદેશનો આછો ખ્યાલ આવશે. 

રણમાં જ્યાં ખારો પાટ ન હોય ત્યાં જમીન સખત, લીસી અને ટેનિસ કોર્ટ જેવી સપાટ 

અને સમતળ હોય, પણ ખારો પાટ એટલે ખતરાનો પાટલો! ઉપરથી સખત લાગતા 

દૂધ જેવા સફેદ મીઠાના થરની નીચે પોચો અને કાળો કાદવ જેની નીચે ઊંડો, અગાધ 

દરિયો. તેમાં કોઇ ઉતરે તો તેમાં એવી રીતે ગરક થઇ જાય કે તેનું નામોનિશાન ન રહે. 

અમારા ઑપરેશલ ઑર્ડરમાં સ્પષ્ટ હુકમ હતો કે રણમાં કોઇ પણ સ્થાને જીપ કે અન્ય 

વાહનના ટાયરમાંથી જરા જેટલો કાદવ ઉડે, ગાડી તત્કાળ રોકી, રિવર્સ કરી પાછા 

ફરવું. આગળ પગપાળા જવાની પણ મનાઇ હતી. 

જ્યાં ખારો પાટ કે સખત. સપાટ જમીન ન હોય ત્યાં થારનું રેતીલું રણ. રણની રેતીમાં 

ક્યાંક ક્યાંક કળણ (quicksand) પણ હોય — જેનાં ઊંડાણ માપવા મુશ્કેલ છે. રેતીલી 

જગ્યાઓમાં આવેલી આ કળણ એવી 

ખતરનાક હોય છે કે તેમાં ભુલેચૂકે પ્રવેશ કરનાર માણસ તેમાં ગરક થઇ જાય તો 

તેમની કોઇ નિશાની જોવા ન મળે. હજારો વર્ષ પહેલાં આ સમુદ્રમાં નાનાં નાનાં 

ટાપુ હતા. સમુદ્ર જેમ જેમ પશ્ચિમ તરફ ખસતો ગયો અને પાણી ઓસર્યાં ત્યારે 

આ ટાપુ વસતીને લાયક તો નહીં, પણ રણમાંથી પ્રવાસ કરનારા વણઝારાઓ 

માટે વિરામ સ્થાન બની ગયા, અને તેમને નામ અપાયાં. અમારા સુઇગામ 

સેક્ટરમાં કેવળ બે જ બેટ હતા – નાડા બેટ અને બોરિયા બેટ. આ સિવાયની 

અન્ય ચોકીઓ મુખ્ય ધરાતળના છેવાડે હતી, જેમ કે રાઘાજીના નેસડા, જલોયા, 

પાડણ, માવસારી વિ. આથી વિપરીત અને વિષમ દશા કચ્છ જીલ્લામાં હતી. 

ત્યાંની બે ચોકીઓ સિવાયની બધી ચોકીઓ (જેને અમારા શબ્દકોશમાં BOP 

કહેવાય છૈ – Border Outpost).

રણના કિનારે આવેલા રેતીલા ભાગમાં આકડાના તથા કેરડાના બેસુમાર ઝાડવાં 

અને હરણાંઓના ઝુંડ મળી આવે. આવી જમીનમાં રૂંછાદાર પૂંછડી વાળા ઉંદર, 

અને તેમનો આહાર કરી જીવતા અતિ વિષૈલ નાગ તથા  લોકભાષામાં ‘બાંડી’ 

નામથી ઓળખાતા અઢી-ત્રણ ફૂટ લાંબા saw scaled viper  સાપની વસ્તી 

પણ એટલી જ. નાગની જેમ ‘બાંડી’ ડંખ મારે અને તાત્કાલિક 

સારવાર ન મળે તો મૃત્યુ અટળ ! દરરોજ કરવી પડતી Stand-toની કવાયત (આ એવી drill છે જેનો હુકમ મળતાં કેવળ બે મિનિટમાં જ દરેક 

સૈનિક તેની નિયત ખાઇમાં કૂદીને અંગત શસ્ત્ર અને પૂરી equipment સાથે તૈયાર 

થઇ તેને અપાયેલા જવાબદારીના વિસ્તાર તરફ શસ્ત્ર તાણીને  તૈયાર રહે. રણમાં 

આ કવાયત કરતાં પહેલાં અમારે જમીનમાં ખોદેલા મોરચા (trench)માં ઉતરતાં પહેલાં 

બૅટરીના પ્રકાશમાં જોવું પડતું કે તેમાં બાંડી તો પડી નથીને! દર ત્રીજે ચોથે દિવસે 

દરેક ચોકીની એકાદ ટ્રેન્ચમાં તો આ સર્પ દેવતા અચૂક પડેલા હોય. 

સુઇગામ સેક્ટરમાં આવેલ એક ચોકી નાડાબેટમાં માતાજીનું સ્થાનક છે. હાજરાહજુર 

ગણાતા માતાજીએ સૈનિકો તથા ત્યાંના વતનીઓની રક્ષા કરી તેમણે પરમ માતૃત્વ 

શક્તિના અનેક પરચા આપ્યાની અનેક દંતકથાઓ ત્યાં પ્રવર્તે છે. રણમાં રાતે તરલ 

હોકાયંત્ર (liquid prismatic compass) સાથે નીકળીએ તો પણ ચોકીમાં પાછા 

પહોંચવાની આશા ન રખાય. હોકાયંત્ર જે અંશ બતાવે તેની સીધી લીટીમાં પણ 

ન જવાય, કેમ કે કઇ જગ્યાએ કળણ (quicksand) છે તે નકશામાં નોંધાયા નથી. 

રણની આખ્યાયિકાઓ જેટલી બેસુમાર છે, એટલી જ માતાજીએ સૈનિકોને 

બચાવ્યાની દંતકથાઓ વિવિધ. 

૧૯૬૮માં અમે અમારી 2 BSF Bnને લઇ સુઇગામ સેક્ટરની સીમાનો ચાર્જ લેવા 

ગયા તે સમયે ગુજરાત SRPના કંપની કમાંડર શ્રી. રેડકર અને કમલાકર આંબેગાંવકરે 

રણની આખ્યાયિકાઓની વાત કહી હતી. આ વિશેનું ખાસ જુદું પ્રકરણ આગળ

જતાં મૂકીશું.

અનુરાધા તથા કાશ્મિરાને લઇ હું દાંતિવાડા પહોંચ્યો ત્યારથી એક અઠવાડિયું અમને 

રસોઇ કરવી પડી નહોતી. બન્ને વખતના ભોજન માટે કોઇ ને કોઇ અફસર પરિવાર 

તરફથી અમને નિમંત્રણ મળતું. આ અહીંનો શિરસ્તો હતો. મુખ્ય કારણ એ હતું કે દાંતિવાડામાં એક પણ દુકાન નહોતી. નજીકમાં નજીક શહેર પાલનપુર અથવા 

ડીસા, જ્યાં જઇને જરૂરી કરિયાણું, શાક ભાજી અને મરી-મસાલા લાવવા પડે. 

નવા આવેલા અફસરોને સ્થિર થવામાં ચાર-ચ દિવસ તો લાગી જતા. આનો બધાંને 

અનુભવ હતો, તેથી અમારે ત્યાં આ પ્રથા શરૂ થઇ હતી.

દાંતિવાડામાં સ્થિર થવામાં બહુ સમય ન લાગ્યો. નવેસરથી જીવન શરૂ

કરવાનું હતું તે હવે શરૂ થઇ ગયું. 

Posted by Capt. Narendra