જિપ્સીની ડાયરી-બીએસએફ અને ગુજરાત (૩)

સૌજન્યઃ કેપ્ટન નર્તેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, August 12, 2021

બીએસએફ અને ગુજરાત (૩)

    બૉર્ડર સિક્યોરિટી ફોર્સની રચના પાછળ ભારતની સીમા સુરક્ષા વિશે જે ભૂમિકા હતી

તેનું સંક્ષિપ્ત વર્ણન ગયા અંકમાં કર્યું હતું. આ ઉપરાંત BSFને એક વધુ મહત્વની જવાબદારી

સોંપવામાં આવી છે. ભારતીય ગણરાજ્યના કોઇ પણ રાજ્યમાં કોઇ કારણસર

કાયદા-કાનૂનની વ્યવસ્થા ભાંગી પડે અને રાજ્ય સરકારનું પોલીસ ખાતું તેના પર નિયંત્રણ

લાવવામાં અસફળ નીવડે ત્યારે ભારતીય સંવિધાન મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને

તેમને આધિન હોય તેવા સશસ્ત્ર બળોને મદદ માટે મોકલવા વિનંતી કરી શકે છે અને

કેન્દ્ર સરકારે આ મદદ પહોંચાડવી પડે. આ વ્યવસ્થા ‘Aid to Civil Authority’ તરીકે

જાણીતી છે.  આ માટે બે વાતો જરૂરી છે. આ હાલતમાં પ્રથમ રાજ્ય સરકારે કેન્દ્ર

સરકારને પૂરા અહેવાલ સાથે વિધિપુર:સર વિનંતી કરવી જરૂરી છે. કેન્દ્ર સરકાર

આ બાબતમાં તરત વિચારણા કરી રાજ્ય સરકારે કરેલી માગણી અનુસાર સેનાની

ટુકડીઓ મોકલે. ગુજરાતને આનો અનુભવ છે. બીજી વાત કેન્દ્ર સરકારના અધિકારની

છે. જો કેન્દ્ર સરકારને લાગે કે દેશ પર વિદેશી હુમલાની સ્થિતિ ઉભી થઇ છે કે ભારતીય

સશસ્ત્ર બળોનો ઉપયોગ કરવામાં ન આવે તો દેશની અખંડીતતા અને દેશના

નાગરિકોની સુરક્ષા ભયમાં આવી જાય. આ હાલતમાં ભારતના રાષ્ટ્રપતિ દેશમાં

આપત્કાલિન – રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ (National Emergency) જાહેર કરે અને

સમગ્ર દેશમાં સશસ્ત્ર સેનાઓને દેશના સંરક્ષણ માટે તહેનાત કરે. સ્વતંત્ર ભારતના

ઇતિહાસમાં કટોકટીની જાહેરાત ફક્ત એક જ વાર થઇ છે. 

    આપણે ઘણી વાર જોયું છે કે રાજ્યોમાં કોમી રમખાણ એટલા વ્યાપક હોય છે કે

તેના પર નિયંત્રણ લાવવું રાજ્ય સરકારના પોલીસ ખાતાની ક્ષમતા બહાર થઇ જાય છે.

દેશ સ્વતંત્ર થયો તે પહેલાં વિદેશી સત્તા આવી હાલતમાં મિલિટરીની ટુકડીઓ મોકલતી.

તે સમયે રાજ્ય સરકારની સ્થાપના નહોતી થઇ. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સ્થાનિક

કેન્ટોનમેન્ટમાં રહેલી સેનાના ગૅરિસન કમાંડરને હુકમ કરી સૈનિક ટુકડીઓને

બોલાવી શકતા. જલિયાઁવાલા બાગમાં આવું જ થયું હતું. આવું વારંવાર થતું

હોવાથી ભારતીય સેનાની છબિ અત્યંત ધૂમિલ થઇ હતી. ૧૯૬૫ની લડાઇ બાદ

ભારતીય સેના એક નવા સ્વરૂપમાં – દેશ માટે આત્મબલિદાન કરનાર વીર સેના

તરીકે ઉભરી. તેમનો સ્થાનિક રમખાણો પર કાબુ કરવા માટે કે રાજનૈતિક ઉદ્દેશ્યની

સિદ્ધી માટે ઉપયોગ કરવાથી પુરાણી અંગ્રેજોની દમનકારક નીતિનો અમલ કરનાર

એજન્ટની જેમ થઇ જાય તે શક્ય હતું. તે ટાળવા ભારત સરકારે Aid to Civil

Authorityની જવાબદારી BSF તથા ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ), CRPF

જેવા  અન્ય અર્ધલશ્કરી બળ – para military forcesને સોંપી. આ કાર્યને ટૂંકમાં

અમે I.S. Duties (ઇન્ટર્નલ સિક્યૉરિટી ડ્યુટી) કહીએ.

    આજના અંકમાં Aid to Civil Authority વિશે અને તેમાં BSF પોતાનું કર્તવ્ય

કેવી રીતે નિભાવે છે તે વિશે થોડી વાત કરીશ, જેથી આપને દેશમાં થતા તોફાન

અને તે બેકાબુ થતાં BSF તથા ભારતીય સેના તેમને સોંપાયેલ કાર્યવાહી કેવી રીતે

અમલમાં મૂકે છે તેનો ખ્યાલ આવશે. 

     દેશની સીમા પર જે કાર્ય કરવાનું હોય છે તેનું પ્રશિક્ષણ અર્ધ લશ્કરી સેનાઓના

જવાનો અને અફસરોને મિલિટરીની જેમ જ અપાય છે. છેલ્લી ગોળી, આખરી સિપાહી

જીવે ત્યાં સુધી સીમા પર લડતા રહે એવી તેમની ટ્રેનિંગ અને ધગશ પ્રેરવામાં આવે છે.

આ સૈનિકોને જ્યારે દેશમાં જ ઉદ્ભવતી સરકાર તથા દેશના નાગરિકો પર આપણા

જ અન્ય નાગરિકો દ્વારા થતા કરપીણ હુમલા અને ખૂનામરકી રોકવા BSFના સૈનિકોને

જવું પડે ત્યારે એક દ્વિધા ભરી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.  દેશના દુશ્મન સામે જે

કાર્યવાહી કરવી પડે તેવી તજવીજ તોફાની તત્વો – જે આપણા દેશના જ નાગરિકો છે,

તેમની સામે ન કરી શકાય. પરંતુ જો આ હિંસક ટોળાં અન્ય ધર્મ અથવા અન્ય

વિચારધારા ધરાવતા પર ખૂની હુમલા કરે, આગ લગાડી સરકારી કે ખાનગી

મિલ્કત/અસક્યામત ધ્વસ્ત કરતા હોય તો દેશનો યુનિફૉર્મ પહેરનાર અને દેશના નાગરિકોનું

રક્ષણ કરવાની શપથ લેનાર સશસ્ત્ર સૈનિક શું કરે?

    આનો જવાબ છે તેમને આ હાલતનો સામનો કરવા માટે અપાતા પ્રશિક્ષણમાં. આ

ફરજ બજાવવા માટે BSFના અફસરોને પહેલાં તો ઇન્ડીઅન પિનલ કોડ તથા ક્રિમિનલ

પ્રોસીજર કોડની સંબંધિત કલમનું ઊંડાણથી શિક્ષણ આપવામાં આવે છે, જેથી તેઓ

જે કાર્યવાહી કરે, તે સંબંધિત કાયદા હેઠળ જ હોય. બીજું મહત્વનું પ્રશિક્ષણ અપાય છે

તે Social Psychologyનું, જેમાં બેકાબુ ટોળાંઓની માનસિકતા, તેમનું ઉન્માદમાં

આવી જઇને થતું વર્તન, તેમને હિંસા કરવા પ્રેરતા પરિબળો વિશે ખાસ અભ્યાસ

કરાવાય છે. 

     BSF માટે આ વિશિષ્ટ કક્ષાનું કાર્ય હોવાથી તે માટે અમને ખાસ ટ્રેનિંગ આપવામાં

આવી. તેમાં ધાર્મિક કે કોમી તોફાનો થવા પાછળનાં કારણ, બેકાબુ ટોળાંઓની

મનોવૃત્તિ,  સામાન્ય રીતે કાયદા-કાનૂનનું સચોટ પાલન કરનાર શાંત જનતા કઇ હાલતમાં

ઉગ્ર અને હિંસક બને છે તેનો અભ્યાસ કરાવવામાં આવ્યો. ખાસ ભાર તો એ વાત પર

મૂકાયો કે શાંત જણાતી જનતાની ઊંડી સંવેદના અને ભાવના કઇ કઇ બાબતોમાં હોય

છે, જેનો ગેરલાભ તોફાની તત્વો લેતા હોય છે. આ કહેવાતા ‘નેતા’ જનતાની સંવેદનાને

ઉશ્કેરી તેમાં આગની ચિનગારી મૂકતા હોય છે. પોતાના રાજકીય કે અંગત લાભ માટે

ઉન્માદી ભાષણો કરી ટોળાંઓને ‘ઑક્સીજન’ આપતા હોય છે, જે એકદમ સળગીને

દાવાનળનું સ્વરૂપ લઇ લે છે. આવી હાલતમાં શાંત, કાયદાનું પાલન કરનાર સામાન્ય

પ્રજાનું ટોળામાં – mob -માં પરિવર્તન થાય છે અને આ mob બનેલા ટોળામાં સામેલ

થયેલ વ્યક્તિઓમાં અંગત સારાસાર વિવેક બુદ્ધિ રહેતી નથી અને તેમનામાં mass

psychosisની સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેમના મગજ પર નિયંત્રણ આવે છે

self-appointed ‘નેતા’ઓનું. તેમના નિર્દેશન નીચે ટોળાં પથ્થરબાજી અને જાહેર

તથા ખાનગી માલિકીના વાહનો કે મકાનોને તોડવા-ફોડવાનું તોફાની કામ શરૂ કરી

આગળ જતાં ખૂના-મરકી, લોકોનાં રહેઠાણોને આગ લગાડી તેમાં રહેનારાઓને જીવતા

સળગાવી દેવા, છરા-બાજી કરવા જેવા હિંસક બની જાય છે. 

    આમ બેકાબુ ટોળાંઓમાં લગભગ ૯૦થી ૯૫ ટકા સામાન્ય નાગરિકો હોય છે.

તેમનું સંચાલન અપૂરતું જ્ઞાન પણ સારી વક્તૃત્વ શક્તિ ધરાવતા અર્ધ શિક્ષિત \સ્થાનિક

નેતા હોય છે.  તેમને આગળ રાખી ઉશ્કેરનારા એક કે બે ટકા  વામપંથી રાજકીય

પક્ષના ideologue કે કટ્ટર ધર્માંધ વ્યક્તિઓ હોય છે, જેમને અંગ્રેજી-ફ્રેંચમાં Agent

provocateurs કહેવાય છે. જ્યારે શાંતિસ્થાપક સેના ત્યાં પહોંચે, આ ખલનાયકો

ટોળામાંથી અદૃશ્ય થઇ જાય છે અને સ્થાનિક નેતા ભૂગર્ભમાં જતા રહે છે. હવે સશસ્ત્ર

સૈનિકો તરફથી જે કાર્યવાહી થાય છે (જેમાં ગોળીબાર પણ થઇ શકે) તેનો ભોગ નિર્દોષ

યુવાનો થાય છે.  ટોળાંઓની તથા તેમને ઉશ્કેરનારા તત્વોની માનસિકતાના અભ્યાસ

કર્યા બાદ BSF તથા ભારતીય સેનાના અફસરો – જવાનોએ બે સિદ્ધાંત ઘડ્યા છે,

જેનું પાલન હંમેશા કરવામાં આવે છે. (૧) ટોળાંઓ સામે ઓછામાં ઓછા બળનો

પ્રયોગ – use of minimum force. (૨) કોઇ પણ કાર્યવાહી થાય તે બદલો લેવાના

ઉદ્દેશથી કદાપિ નહીં કરાય. 

    કાશ્મિરમાં ભારતીય સૈન્ય (જેમાં અર્ધ લશ્કરી બળઆવી જાય છે, તેમના) પર થતી

હિંસક પત્થરબાજી તથા ગ્રેનેડ દ્વારા થતા હુમલાઓ પર તાત્કાલિક ગોળીબાર જેવા

કડક પગલાં શા માટે લેવાતા નથી, તેનું આ મુખ્ય કારણ છે. આપણે જોયું છે કે

કાશ્મિરમાં  કે કોઇ પણ જગ્યાએ encounter થાય છે, ત્યાં સૌ પ્રથમ આપણા

સૈનિકો પર ગોળીબાર કરનાર અને હત્યા કરનાર આતંકવાદીઓને લાઉડ સ્પીકર

પર શરણે આવવાની અપીલ કરવામાં આવે છે. ત્યાર બાદ ચેતવણી અને છેલ્લા

પર્યાય તરીકે તેમના પર લશ્કરી કાર્યવાહી – જેમાં આપણા સૈનિકોએ બલિદાન આપ્યું છે.

આ થઇ BSFની આંતરિક સુરક્ષા અંગેની વિગતવાર ભૂમિકાની વાત. તે કહેવાનું તાત્પર્ય

એક જ છે ; આપણા સૈનિકો આપણા જન સમાજમાં જન્મેલા ભૂમિપુત્રો છે, તેઓ આપણી

સુરક્ષા માટે ફરજ બજાવવા આવે ત્યારે તેમના હાથ તેમને આપેલા પ્રશિક્ષણ – use of

minimum force તથા બદલાની ભાવનાથી કોઇ કાર્યવાહી ન કરવી – માં બંધાયેલા

હોય છે. તેમની આ ભાવનાને આપણે સમજવી જોઇએ. ૧૯૮૦માં અમદાવાદમાં

થયેલા તોફાનોમાં BSFની ટુકડીને લઇ જતા એક ટ્રક પર  દરિયાપુરની એક શેરીના

ત્રીજા માળની અગાશી પરથી કોઇ તોફાની વ્યક્તિઓએ મૅન હોલના દસ કિલો

વજનના લોખંડનું ઢાંકણું ફેંક્યું હતું. નસીબ જોગે આ ભારે ઢાંકણું ટ્રક પર એવા

સ્થાને પડ્યું, જવાનો સહેજમાં બચી ગયા. જવાનોએ કેવળ ટ્રક રોકી, તપાસ

કરી આ વિકૃત માનસની વ્યક્તિને શોધી કેદ કરવાનો પ્રયત્ન કર્યો. જનતાની

વફાદારી પેલી તોફાની વ્યક્તિ પરત્વે નીકળી ! આ માણસ કદી હાથ ન આવ્યો.

જનતાના સમર્થનથી છટકી ગયેલા આ માણસને આવું કુકર્મ કરવા ઉત્તેજન

મળ્યું. ભવિષ્યમાં તે આવું જ કામ કરશે, તે સમયે દેશની રક્ષા કરવા સેનામાં

જોડાયેલો કોઇનો લાડકવાયો બચી શકશે ? શું અમને આપણા દેશવાસીઓ

પ્રત્યે સંવેદનાપૂર્વક ફરજ બજાવવા માટેનું આ ઇનામ છે ? કે સજા?

    વિચાર કરવા જેવી વાત છે. 

    આવતા અંકમાં કેટલીક ખાસ વાતો, ખાસ અનુભવોની વાત કરીશું.
Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને ગુજરાત (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, August 5, 2021

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને ગુજરાત (૨)

 BSF – બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની રચના 1965ના યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાનની 

સરકારો વચ્ચે થયેલી સમજુતી હેઠળ થઇ હતી. આપણા બન્ને દેશો વચ્ચે માન્ય થયેલી 

આંતરરાષ્ટ્રીય સરહદ પંજાબના ગુરદાસપુર જીલ્લાથી શરૂ થઇ ગુજરાતના કચ્છ 

જીલ્લાના સર ક્રિક (Sir Creek)ના છેડા પર પૂરી થાય છે. આ સરહદ પર કૉંક્રિટના 

Boundary Pillars (BP) બાંધવામાં આવ્યા છે. ગુરદાસપુરમાં BP 1 છે. ત્યાંથી ઉત્તરમાં જમ્મુ કાશ્મિર શરૂ થાય છે, જ્યાંથી પૂરા કાશ્મિરને આવરી 

લેતી Line of Control (LOC) છે.  

    1965ના યુદ્ધ બાદ સીમા પરની તંગદિલી ઓછી કરવા માટે બન્ને દેશોએ 

આંતરરાષ્ટ્રીય સીમા પરથી સૈન્યોને હઠાવી, તેમના સ્થાને સશસ્ત્ર પોલીસ રાખવી 

એવો કરાર કર્યો. તે પ્રમાણે ભારતે મધ્ય પ્રદેશ પોલીસના વડા શ્રી. કે. એફ. રુસ્તમજીને 

BSFના ડાયરેક્ટર જનરલ નીમ્યા અને તેમને ભારતના સંરક્ષણ માટેની પ્રથમ હરોળ 

નિર્માણ કરવાની જવાબદારી સોંપી. પાકિસ્તાને તેમના સૈન્યને પાછા ખેંચ્યા અને 

તેમના સ્થાને અર્ધ લશ્કરી Indus Rangersને તેમની સીમા પરની ચોકીઓ પર મૂક્યા. 

ભારત પાસે સીમાની આરપાર થતા ગુના રોકવા માટે વિશીષ્ટ એવું કેન્દ્રીય પોલીસ

સંસ્થાન નહોતું તેથી પશ્વિમ ભારતમાં ગુજરાતની SRP, રાજસ્થાનની RAC (રાજસ્થાન

આર્મ્ડ કૉન્સ્બ્યુલરી) તથા પંજાબ આર્મ્ડ પોલીસ હતા અને તેમની સહાયતા માટે ખાસ

કરીને ગુજરાતમાં CRPFની ટુકડીઓ મૂકવામાં આવી હતી. CRPFની સંઘટના ખાસ તો

અંતર્દેશીય શાંતિ અને રાજ્યની પોલીસને રાજ્યમાં કાબુ બહાર જતી કાનુન વ્યવસ્થાનું

રક્ષણ કરવા માટે રચવામાં આવી હતી. તેથી ૧૯૬૫ના કરાર મુજબ BSF નામની નવી

અર્ધ-લશ્કરી સંઘટના રચવામાં આવી.

BSF ડિસેમ્બર ૧૯૬૫માં અસ્તીત્વમાં આવ્યું ત્યારે ગુજરાત – પાકિસ્તાનની સીમા પર 

ગુજરાત રાજ્યના સ્ટેટ રિઝર્વ પોલીસની બે બટાલિયનો ફરજ બજાવી રહી હતી. યોજના 

એવી હતી તેમના સ્થાને BSFની બટાલિયનો મૂકવામાં આવે. તે મુજબ એક બટાલિયને 

કચ્છ જીલ્લામાં આવતી સીમા પરનો ચાર્જ લીધો અને બીજી બટાલિયન, એટલે 2nd

Battalion BSF – જ્યાં મારી નીમણૂંક થઇ હતી, તેને બનાસકાંઠાના સુઇગામ સેક્ટરમાં 

રાપર તાલુકાના કુડા-બેલાથી માંડી પૂર્વમાં રાજસ્થાનના બાડમેર જીલ્લાની બ્રાહ્મણાં-રી ઢાણી નામની ચોકી સુધી મૂકવામાં આવે. આ ચોકીઓનો ચાર્જ તે સમયે ગુજરાતની 

સ્ટેટ રિઝર્વ પોલીસ પાસે હતો અને અમારી બટાલિયન રણના હવામાનથી પરિચિત 

થવા માટે – જેને acclimatisation process કહેવાય છે, તેનો અભ્યાસ દાંતિવાડામાં 

કરી રહી હતી.

‘ડાયરી’ના ઘણા વાચક વિદેશમાં રહે છે તેથી ગુજરાતમાં આવતી આંતરરાષ્ટ્રીય 

સીમા, રણ પ્રદેશ તથા ત્યાંની ભૌતિક અને 

ભૌગોલિક હાલતનો ખ્યાલ આવે તે માટે સહેજ વિસ્તારથી વર્ણન કરવાનો પ્રયત્ન કરીશ.

***

અંગ્રેજી નકશાઓમાં કચ્છના મોટા રણને ‘The Great Rann of Kutch’ કહેવામાં આવ્યું છે, આ ‘પદવી’ યોગ્ય જ છે. કચ્છના આ મહાન રણમાં 

આવેલ જૂજ એવી વનસ્પતિ, પ્રાણી-પક્ષીની વિવિધતા, પ્રાકૃતિક સૌંદર્ય, ઇતિહાસ 

અને રહસ્ય વિશેનો ખ્યાલ ત્યાં લાંબો 

સમય રહ્યા વગર આવવો મુશ્કેલ છે. એનું વાસ્તવિક વર્ણન કરીએ તો તે કપોલ 

કલ્પિત અતિશયોક્તિ લાગે.  

કચ્છના રણનો વિસ્તાર વિશાળ છે. ભૌગોલિક દૃષ્ટીએ નાનું રણ અને મોટું રણ 

એવા બે મુખ્ય વિભાગ છે. આ Link  પરથી તેનો ખ્યાલ આવશે.

મોટા રણમાં આપણે ત્રણ પ્રકારની ધરા જોઇ શકીએ. એક છે ખારો પાટ – એટલે 

જમીન પર લગભગ દોઢથી બે ફૂટ જાડો મીઠાનો થર જે સેંકડો ચોરસ કિલોમીટરમાં 

ફેલાયો છે. આ થરની નીચે કાળા, ચીકણા કાદવની પાતળી પથારી અને તેની નીચે 

દરિયો. હજારો વર્ષ પહેલાં અહીં ઘૂઘવતો સમુદ્ર હતો. અહીં હતું પુરાતન મહાનદી 

સરસ્વતીનું મુખ. સિદ્ધપુર પાસેથી વહેતી સરસ્વતી મુખ્ય સરસ્વતીની ઉપ-નદી

(tributary river) હતી, પણ જ્યારે tectonic movementને કારણે મુખ્ય સરસ્વતી

પૃ઼થ્વીના ગર્ભમાં લુપ્ત થઇ. ધરતીની હજારો વર્ષની તરસ ન મટી અને ત્યાં રણની

રેતી ફેલાઇ ગઇ. ગુજરાતની સરસ્વતી આ રણની રેતીમાં જઇ મળી. તે સાગરને

મળતી નથી તેથી આપણી સિદ્ધપુરની સરસ્વતીને ‘કુમારિકા’ કહેવાય છે. 

જ્યારે ઋગ્વેદમાં અને પુરાણોમાં વર્ણવેલી સરસ્વતી ધરતીની નીચે દબાઇ ગઇ,

તેનું કચ્છના અખાતથી માંડી સિંધના નૈઋત્ય (South-West)માં આવેલા સમુદ્રદરિયામાં સતત આવતું પાણી બંધ થઇ ગયું અને અતિ ગરમીને કારણે 

સમુદ્રની સપાટી પરના જળની બાષ્પ થઇ અને તેના સ્થાને જામતા ગયા મીઠાના

 થર. પ્રાકૃતિક કારણોને લીધે દોઢ – બે ફીટના મીઠાના થરની નીચે દરિયો જેમનો 

તેમ રહ્યો. તેનું તળીયું કેટલું નીચે છે તેનો અંદાજ કાઢી શકાયો નથી. ખારા પાટનો 

વણલિખિત નિયમ છે (જેને બાદમાં BSFના ઑપરેશનલ ઑર્ડરમાં સામેલ કરાયો છે) 

કે સફેદ ખારા પાટ પરનું મીઠું ગમે એટલું કઠણ લાગે અને એવું લાગે કે તેના પરથી 

ચાલીને કે વાહન દ્વારા તેની પાર જઇ શકાય, તો પણ તેના પર પગ ન મૂકવો કે ન તેના 

પર વાહન ચલાવવું. ખારા પાટના કિનારા પર, જ્યાં રેતીલી અને સમતળ ધરા લાગે, ત્યાં 

જો વાહન ચલાવવામાં આવે, અને જમીન પરથી સહેજ જેટલો પણ કાદવ ઉડે, વાહન 

રોકી તેને રિવર્સ કરીને પાછું લઇ જવું,

બીજા પ્રકારમાં દેખાશે સખત લાગતી જમીન. આ વિસ્તાર ટેનિસ કોર્ટ જેવો સમતળ, 

સપાટ અને કઠણ છે. ત્યાં પૂર ઝડપે વાહન ચલાવી શકાય. આવી જ રીતે ત્રીજા 

પ્રકારની જમીન એટલે રેતીલું રણ. રણમાં વર્ષોથી વણઝારાઓ દ્વારા વપરાતા માર્ગના 

ચીલા છે. આ ચીલા છોડીને ન તો ચાલીને જવાનો હુકમ ન ઊંટ દ્વારા. વાહનો માટે 

તો સખત મનાઇ. આનું કારણ છે કળણ – quick sand. રણની રેતીમાં કઇ જગ્યાએ 

કળણ છે તેની જાણ કોઇને નથી. આ કારણસર સરકારના સર્વેયર જનરલ દ્વારા 

બનાવાયેલા ઑર્ડનાન્સ સર્વે મૅપમાં પણ તે દર્શાવી શકાયા નથી.  બીજી મુશ્કેલી 

એ છે કે પૂરા રણમાં – નાના કે મોટા રણમાં કોઇ વૃક્ષ, મંદિર કે ઝૂંપડાં જેવું કોઇ મનુષ્ય 

નિર્મિત કે નૈસર્ગિક કોઇ ચિહ્ન નથી. સ્વાભાવિક છે તેના અભાવમાં નકશા પર પણ 

કોઇ એવા માર્ગદર્શક ચિહ્નો નથી જે માણસને માર્ગ બતાવી શકે. તેમ છતાં સર્વેયર

જનરલ દ્વારા આવી જમીન પર Trig Point અથવા Triangular Station નામથી

ઓળખાતા કૉંક્રિટના બનાવેલા નિશાન મૂકવામાં આવે છે, જેના આધારે નકશો

વાપનાર વ્યક્તિ જાણી શકે કે તે નકશાના અનુસંધાનમાં જમીન પર કયા સ્થાન પર

ઉભી છે. આમ ભોમિયા કે જાણકાર પગીની મદદ વગર ચીલો છોડીને ગયેલા માણસ 

તો ઠીક, ઊંટ પણ તેમાં ગરક થઇ ગયાના દાખલા છે. આ જ કારણે રાતના સમયે રણમાં 

અનુભવી પગીની મદદ વગર પગ પણ મૂકવાની મનાઇ છે. આનાં પરિણામ વિશે 

આગળ વાત કરીશું.

કચ્છના મોટા રણમાં વરસાદનું એક મોટું ઝાપટું પડે તો તેમાં આવેલા બેટની ચારે 

તરફ સરોવર જાય,  બે દિવસ વરસાદ ચાલુ રહે તો જાણે દરિયો ઘૂઘવતો હોય. 

આથી BSFની ચોકીઓ, જે બેટમાં છે, તે ખરેખર ટાપુ બની જાય અને બાકીના 

દેશથી સાવ વિખૂટા પડે. તેથી અષાઢનાં વાદળાં ક્ષિતિજ પર જામે તે પહેલાં જ 

રણમાં આવેલી ચોકીઓમાં ત્રણ મહિનાની રાશન સામગ્રી અને પાણીનો ભંડાર 

ભેગો કરી રાખવો પડે. BSFમાં સૌથી મુશ્કેલ વાત ખાધા-ખોરાકીના સામાનની હતી. જમ્મુ કાશ્મિરમાં BSFના એકમ ભારતીય સેનાના આધિપત્ય નીચે 

ફરજ બજાવતા હોવાથી જવાનોનું રાશન સૈન્ય તરફથી અગ્રિમ ચોકીઓ સુધી પહોંચાડવાની 

વ્યવસ્થા થતી. બાકીના બધા વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોને ration allowance 

હેઠળ નજીવી રકમ મળે છે. દર મહિને કંપની કમાંડર જવાનોએ નીમેલી મેસ કમિટીના 

સભ્યોને લઇ ભુજની બજારમાં જાય અને મહિનાનું રાશન ખરીદી લાવે. રણમાં ફરજ 

બજાવતી કંપનીઓને તાજાં શાકભાજી મહિનામાં  પંદર -વીસ દિવસે આવે, તેથી 

કાંદા – બટેટાનું શાક અને દાલ – રોટી સિવાય બીજું કશું ન મળે.  ૧૯૬૦ – ૭૦ના દશકમાં 

અમુલ દ્વારા દૂધનો પાઉડર બજારમાં આવ્યો નહોતો તેથી જવાનો માટે ચ્હા બનાવવા માટે 

અમે પેંડા મંગાવી રાખતા, જેમાંથી ચ્હા બનાવીએ ! જવાનોને મળતા રાશન એલાવન્સમાં

કન્ડેન્સ્ડ મિલ્કના ડબા ખરીદવું પોસાતું નહીં. 

આ થઇ ચોમાસાની વાત. ઉનાળામાં રણ એટલું ધખધખે, ટેમ્પરેચર પચાસ ડિગ્રી સેલ્સિયસ 

સુધી પહોંચી જાય.  આ જાણે ઓછું હોય, કુદરતે જાણે ઍલાર્મનું ઘડિયાળ રાખ્યું હોય

તેમ સવારે બરાબર દસ વાગે ગરમ રેતીનું તોફાન શરૂ થઇ જાય. શિંગ-ચણા શેકવા

માટે ગરમ કરાતી રેતી જેવી ઉષ્ણ રણની રેતી જોરથી ચહેરા પર આવીને ભટકાય. તેથી

ઉંટ પર બેસી રણમાં ગસ્ત પર ગયેલા સૈનિકો અને સેન્ટ્રી ડ્યુટીમાં ચોકી ફરતો પહેરો

ભરનાર જવાનો સિવાય બાકીના બધા બૅરૅકમાં બારી બારણાં બંધ કરીને આરામ કરે. 

રસોડાની બારી – બારણાં બંધ કરીને રસોઇ કરી હોય તો પણ ભોજનમાં પાઉડર જેવી

રેતીના કણ રોટલીમાં આવે. રેતીનું તોફાન સાંજે છ વાગ્યાના સુમારે બંધ પડે અને એકાદ

કલાક બાદ સુંદર, શીતળ વાયુનાં વિંઝણા શરૂ થાય. જીવનનું પરમ સુખ એટલે તે

દિવસે પેટ્રોલિંગ કરીને આવ્યા બાદ ખારા પાણીમાં નાહીને બૅરેકની બહાર વિતાવેલી

સાંજ અને રાત ! તેમાં પણ ચાંદની રાત હોય, ખારા પાટ પર ચાંદીનો ઢોળ ચઢાવ્યો હોય

તેવું દૃશ્ય દેખાતું હોય અને રેડિયો પર હેમંત કુમારે ગાયેલું “યે રાત, યે ચાંદની ફિર કહાં,

સુન જા દિલ કી દાસ્તાઁ” સંભળાતું હોય તો બસ ! આખા દિવસનો ઉકળાટ, થાક,

બધું ભૂલાઇ જવાય. 

 રણમાં સૌથી મોટી તકલીફ પાણીની. તે સમયે પાણી ચાલીસ – પચાસ કિલોમિટર દૂરથી 

લાવવું પડતું. જ્યાંથી પાણી લાવીએ અને તે પણ ખારૂં. પાણીનાં માટલાંમાં પણ પાણી

ગરમ થઇ જાય. અમે એક વાર વિચાર કર્યો, પેપરમિંટની ગોળી મ્હોંમાં રાખી પાણી

પીવાથી કદાચ તેમાં ઠંડક વરતાય. જી, ના. કોઇ ઉપાય નહોતો. સન ૨૦૦૧ બાદ

ગુજરાતના મુખ્યમંત્રી કચ્છના રણમાં આવેલી BSFની ચોકીઓની મુલાકાતે ગયા હતા.

જવાનોની સેવાપરાયણતાથી તેઓ પ્રભાવિત થયા. જ્યારે તેમણે જવાનોની પાણીની

જરૂરિયાત અંગેની હાડમારી જોઇ, તેમણે રાજ્ય સરકારના જાહેર બાંધકામ ખાતાને

હુકમ કરી BSFની ચોકીઓ સુધી પાણીની પાઇપલાઇન બિછાવી નિયમિત રીતે પાણી

મળે તેવી વ્યવસ્થા કરી.  

તે અગાઉ પાણીની કમી હોવાથી વ્યક્તિ દીઠ દર રોજ વીસ લિટર પાણીનું રૅશન હતું. જવાનોને પેટ્રોલિંગ પર જવાનું થતું તો હંમેશા બબ્બે પાણીની બાટલી જવાન 

દીઠ આપીએ. જવાનોની સલામતીને ખાતર અગ્રિમ ચોકીમાંથી કોઇ વાહન હેડક્વાર્ટર 

તરફ જવા નીકળે તો તેમણે રસ્તામાં પડતી દરેક ચોકીમાં જઇ વાયરલેસથી સૌને 

ખબર કરવાનો હુકમ હતો કે તેમનું વાહન ક્યાં પહોંચ્યું છે. રસ્તામાં કોઇ વાહન 

યાંત્રિક ખામીને કારણે અટકાઇ  જાય તો સૌને હુકમ હતો કે જ્યાં વાહન બંધ પડી 

ગયું છે, ત્યાં જ રોકાય અને નક્કી કરેલા સમય સુધી વાહન બીજી ચોકીમાં ન પહોંચે

તો તેમના માટે બીજું વાહ મોકલવામાં આવે. સાંજે નીકળેલ વાહન નક્કી કરેલા

સમય પ્રમાણે વાહન સૂર્યાસ્ત પહેલાં બીજી ચોકીમાં ન પહોંચે તો બીજા દિવસે મળસ્કે આગળ – પાછળની એવી બન્ને ચોકીઓમાંથી તેમની શોધમાં 

વાહનો નીકળે અને સાથે અટલાયેલા જવાનો માટે ભોજન અને પાણી લઇ જાય. 

દરેક જવાન પાસે બે -બે પાણીની બાટલીઓ હોવાથી તેઓ ડિહાઇડ્રેશનમાંથી 

બચી જાય.  બેઉ ચોકીઓમાંથી ગયેલી સર્ચ પાર્ટી રણમાં અટવાયેલા જવાનોને

શોધી, તેમને બચાવે. 

૧૯૬૭-૬૮માં ગુજરાતની SRP પાસેથી BSFના અફસર અને જવાનોએ ચાર્જ લીધો, 

ગુજરાતના સૈનિકોને અમે સલામ કરી. રાજ્ય સરકાર પાસે સાધનોની કમી હતી, 

તેમ છતાં તેઓ આવા વિષમ-તમ હવામાનમાં રહી શક્યા હતા અને પૂરી ધગશથી

સેવા બજાવી હતી. તેમની પાસેથી અમને ઘણું શીખવા મળ્યું.  જ્યારે અમે ગુજરાત

સ્ટેટ રિઝર્વ પોલીસની ૧૯૬૫ના યુદ્ધની અને તે અગાઉ પાકિસ્તાન તરફથી થયેલા

આપણા પોલીસ પરના હુમલામાં જે શૌર્યથી કરેલા સામનાની અને સર્વોચ્ચ બલિદાનની

વાત સાંભળી, અમે ચકિત થઇ ગયા હતા. આવી બહાદુરી ભારતીય સૈન્યના પૂરૂં

પ્રશિક્ષણ મેળવેલા ઇન્ફન્ટ્રીના સૈનિકો પાસેથી અપેક્ષિત હોય તેવી બહાદુરી

ગુજરાતના વીર પોલીસ જવાનોએ પ્રદર્શિત કરી હતી, કમભાગ્યે આ વાત ભારત તો

ઠીક, પણ ગુજરાતમાં પણ બહુ ઓછા લોકો જાણે છે. આવતા એકાદ અંકમાં આનો

સંક્ષિપ્ત અહેવાલ આપવાનો પ્રયત્ન કરીશું. 

Flora & fauna ની વાર કરીએ તો રણમાં અનેક વિવિધતાઓ જોવા મળે. 

નાના રણમાં। અને સુઇગામ સેક્ટરમાં આવેલા જંગલી ગધેડા (ઘૂડખર –

wild asses) અને નીલગાયનાં ટોળાં જોવા મળે. આ પ્રાણીઓ -કલાકના ૪૦ કિલોમીટરની ગતિએ દોડી શકે છે, અને તેમને પાળવાના બધા પ્રયત્ન 

નિષ્ફળ ગયા છે, નાનપણમાં આપણે જોડકણા સાંભળતા, તેમાં “રાતા બગલા રણે 

ચડ્યા, પાણી દેખી પાછા ફર્યા” સાંભળી નવાઇ લાગતી. બગલા કદી લાલ રંગના 

હોય? પણ આ રાતા બગલા – ફ્લેમિંગો આપને કચ્છના રણમાં જોવા મળશે ! વિદેશની 

ટાઢમાંથી બચવા ભારતમાં આવતા આ મહેમાનોને તેમના ‘ચાતુર્માસ’ના રહેવાસ 

દરમિયાન રણનાં છિછરા પાણીમાં માળા બનાવીને રહેવાની સુવિધા મળે છે. વળી 

આ છિછરા પાણીમાં લાખોની સંખ્યામાં ઉપજતા નાનકડા જીંગાનો મબલખ આહાર મળે 

છે. આ સમય દરમિયાન માદા ફ્લેમિંગો ઇંડાં મૂકી, પાછા ફરવાના સમય સુધીમાં મોટાં 

થયેલાં બચ્ચાંઓને લઇને પોતાના મલકમાં પાછા જતા હોય છે. આપે ભુજના વિખ્યાત 

છબિકાર શ્રી. પોમલના Flamingo Cityનાં ચિત્રો જોયાં હશે. અહીં ક્લીક કરવાથી 

આપને ગુજરાતના રણપ્રદેશનો આછો ખ્યાલ આવશે. 

રણમાં જ્યાં ખારો પાટ ન હોય ત્યાં જમીન સખત, લીસી અને ટેનિસ કોર્ટ જેવી સપાટ 

અને સમતળ હોય, પણ ખારો પાટ એટલે ખતરાનો પાટલો! ઉપરથી સખત લાગતા 

દૂધ જેવા સફેદ મીઠાના થરની નીચે પોચો અને કાળો કાદવ જેની નીચે ઊંડો, અગાધ 

દરિયો. તેમાં કોઇ ઉતરે તો તેમાં એવી રીતે ગરક થઇ જાય કે તેનું નામોનિશાન ન રહે. 

અમારા ઑપરેશલ ઑર્ડરમાં સ્પષ્ટ હુકમ હતો કે રણમાં કોઇ પણ સ્થાને જીપ કે અન્ય 

વાહનના ટાયરમાંથી જરા જેટલો કાદવ ઉડે, ગાડી તત્કાળ રોકી, રિવર્સ કરી પાછા 

ફરવું. આગળ પગપાળા જવાની પણ મનાઇ હતી. 

જ્યાં ખારો પાટ કે સખત. સપાટ જમીન ન હોય ત્યાં થારનું રેતીલું રણ. રણની રેતીમાં 

ક્યાંક ક્યાંક કળણ (quicksand) પણ હોય — જેનાં ઊંડાણ માપવા મુશ્કેલ છે. રેતીલી 

જગ્યાઓમાં આવેલી આ કળણ એવી 

ખતરનાક હોય છે કે તેમાં ભુલેચૂકે પ્રવેશ કરનાર માણસ તેમાં ગરક થઇ જાય તો 

તેમની કોઇ નિશાની જોવા ન મળે. હજારો વર્ષ પહેલાં આ સમુદ્રમાં નાનાં નાનાં 

ટાપુ હતા. સમુદ્ર જેમ જેમ પશ્ચિમ તરફ ખસતો ગયો અને પાણી ઓસર્યાં ત્યારે 

આ ટાપુ વસતીને લાયક તો નહીં, પણ રણમાંથી પ્રવાસ કરનારા વણઝારાઓ 

માટે વિરામ સ્થાન બની ગયા, અને તેમને નામ અપાયાં. અમારા સુઇગામ 

સેક્ટરમાં કેવળ બે જ બેટ હતા – નાડા બેટ અને બોરિયા બેટ. આ સિવાયની 

અન્ય ચોકીઓ મુખ્ય ધરાતળના છેવાડે હતી, જેમ કે રાઘાજીના નેસડા, જલોયા, 

પાડણ, માવસારી વિ. આથી વિપરીત અને વિષમ દશા કચ્છ જીલ્લામાં હતી. 

ત્યાંની બે ચોકીઓ સિવાયની બધી ચોકીઓ (જેને અમારા શબ્દકોશમાં BOP 

કહેવાય છૈ – Border Outpost).

રણના કિનારે આવેલા રેતીલા ભાગમાં આકડાના તથા કેરડાના બેસુમાર ઝાડવાં 

અને હરણાંઓના ઝુંડ મળી આવે. આવી જમીનમાં રૂંછાદાર પૂંછડી વાળા ઉંદર, 

અને તેમનો આહાર કરી જીવતા અતિ વિષૈલ નાગ તથા  લોકભાષામાં ‘બાંડી’ 

નામથી ઓળખાતા અઢી-ત્રણ ફૂટ લાંબા saw scaled viper  સાપની વસ્તી 

પણ એટલી જ. નાગની જેમ ‘બાંડી’ ડંખ મારે અને તાત્કાલિક 

સારવાર ન મળે તો મૃત્યુ અટળ ! દરરોજ કરવી પડતી Stand-toની કવાયત (આ એવી drill છે જેનો હુકમ મળતાં કેવળ બે મિનિટમાં જ દરેક 

સૈનિક તેની નિયત ખાઇમાં કૂદીને અંગત શસ્ત્ર અને પૂરી equipment સાથે તૈયાર 

થઇ તેને અપાયેલા જવાબદારીના વિસ્તાર તરફ શસ્ત્ર તાણીને  તૈયાર રહે. રણમાં 

આ કવાયત કરતાં પહેલાં અમારે જમીનમાં ખોદેલા મોરચા (trench)માં ઉતરતાં પહેલાં 

બૅટરીના પ્રકાશમાં જોવું પડતું કે તેમાં બાંડી તો પડી નથીને! દર ત્રીજે ચોથે દિવસે 

દરેક ચોકીની એકાદ ટ્રેન્ચમાં તો આ સર્પ દેવતા અચૂક પડેલા હોય. 

સુઇગામ સેક્ટરમાં આવેલ એક ચોકી નાડાબેટમાં માતાજીનું સ્થાનક છે. હાજરાહજુર 

ગણાતા માતાજીએ સૈનિકો તથા ત્યાંના વતનીઓની રક્ષા કરી તેમણે પરમ માતૃત્વ 

શક્તિના અનેક પરચા આપ્યાની અનેક દંતકથાઓ ત્યાં પ્રવર્તે છે. રણમાં રાતે તરલ 

હોકાયંત્ર (liquid prismatic compass) સાથે નીકળીએ તો પણ ચોકીમાં પાછા 

પહોંચવાની આશા ન રખાય. હોકાયંત્ર જે અંશ બતાવે તેની સીધી લીટીમાં પણ 

ન જવાય, કેમ કે કઇ જગ્યાએ કળણ (quicksand) છે તે નકશામાં નોંધાયા નથી. 

રણની આખ્યાયિકાઓ જેટલી બેસુમાર છે, એટલી જ માતાજીએ સૈનિકોને 

બચાવ્યાની દંતકથાઓ વિવિધ. 

૧૯૬૮માં અમે અમારી 2 BSF Bnને લઇ સુઇગામ સેક્ટરની સીમાનો ચાર્જ લેવા 

ગયા તે સમયે ગુજરાત SRPના કંપની કમાંડર શ્રી. રેડકર અને કમલાકર આંબેગાંવકરે 

રણની આખ્યાયિકાઓની વાત કહી હતી. આ વિશેનું ખાસ જુદું પ્રકરણ આગળ

જતાં મૂકીશું.

અનુરાધા તથા કાશ્મિરાને લઇ હું દાંતિવાડા પહોંચ્યો ત્યારથી એક અઠવાડિયું અમને 

રસોઇ કરવી પડી નહોતી. બન્ને વખતના ભોજન માટે કોઇ ને કોઇ અફસર પરિવાર 

તરફથી અમને નિમંત્રણ મળતું. આ અહીંનો શિરસ્તો હતો. મુખ્ય કારણ એ હતું કે દાંતિવાડામાં એક પણ દુકાન નહોતી. નજીકમાં નજીક શહેર પાલનપુર અથવા 

ડીસા, જ્યાં જઇને જરૂરી કરિયાણું, શાક ભાજી અને મરી-મસાલા લાવવા પડે. 

નવા આવેલા અફસરોને સ્થિર થવામાં ચાર-ચ દિવસ તો લાગી જતા. આનો બધાંને 

અનુભવ હતો, તેથી અમારે ત્યાં આ પ્રથા શરૂ થઇ હતી.

દાંતિવાડામાં સ્થિર થવામાં બહુ સમય ન લાગ્યો. નવેસરથી જીવન શરૂ

કરવાનું હતું તે હવે શરૂ થઇ ગયું. 

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-બૉર્ડર સિક્યોરિટી ફોર્સ અને ગુજરાત !

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Wednesday, August 4, 2021

બૉર્ડર સિક્યોરિટી ફોર્સ અને ગુજરાત !

   વિધાતાએ પુરુષના ભાગ્યમાં શું લખ્યું છે, તે અન્ય દેવો પણ જાણી શક્યા

નથી – देवो न जानाति कुतो मनुष्यम् . 

મિલિટરીની સેવા પૂરી થયા બાદ જિપ્સીનું ભાગ્ય તેને ક્યાં લઇ જશે તેનો

કોઇ અંદાજ નહોતો. કર્મનો સિદ્ધાંત કહે છે કે દરેક વ્યક્તિ પોતપોતાના

ક્રિયમાણ અને સંચિત કર્મનું ભાગ્ય ભોગવીને બાકી કમાવેલા કર્મને પ્રારબ્ધ તરીકે

લઇને નવો જન્મ લે છે. બુદ્ધિજીવી માણસ એવું કહેશે કે માનવી તેના Free Will

પ્રમાણે પોતાનું કામ – કર્મ કરતો હોય છે. તેમાં ન તો કોઇ પૂર્વ જન્મ કે પ્રારબ્ધ

હોવાનો પૂરાવો છે કે નથી કોઇ તથ્ય કે પ્રમાણ. કર્મના તત્વજ્ઞાન કે રૅશનાલિસ્ટોના

તે વિશેના વિચારોના વિવાદમાં ન પડતાં જિપ્સી ફક્ત એક સૈનિકના જીવન અને

તેમાં અંગત રીતે અનુભવેલ vicissitudes – જીવનની આંટી ઘૂંંટી, વિષમતા અને

સંઘર્ષની વાત કરે છે. જીવનમાં થતી ઘટનાઓના કાર્યકારણનું મનોમંથન કે સંબંધોમાં

ઉપજતી અપેક્ષાઓ, તેની પૂર્તિ કે તે પૂરી ન થવાને કારણે આવતા આનંદ, વિક્ષેપ

અને દુ:ખની વાતો તેણે ટાળી છે. માણસનું વર્તન તેની હર ઘડીએ બદલાતી મનસ્થિતિ,

આર્થિક કે શારીરિક સમસ્યાઓ પર આધાર રાખે છે જે આપણે જાણવા શક્તિમાન

હોતાં નથી. તેથી તેણે તેની સંવેદના પર અસર કરનારા નિજ જનોના વ્યવહારની

વાત કરી નથી. ઘણી વાર મદ, મત્સર કે ક્રોધના આવેગમાં આવીને કોઇ આપણી

સાથે જે કોઇ રીતે વર્તે તો તેના વર્તન પર આપણો કોઈ કાબુ કે અધિકાર હોતો નથી.

તેથી આપણા સમાજના પરંપરાગત ક્ષમાસૂચક શબ્દ “હશે”, કહી આગળ વધવું સારૂં. 

   જીવનના અગત્યના નિર્ણયો લેવામાં જિપ્સીએ ઘણી ભૂલો કરી. મોટા ભાગની

ભૂલો તેણે પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ પણ ભાવનાના આવેશમાં આવીને

કરી હતી. તેમાંના ઘણા પરિણામ નુકસાનકારક નીવડ્યાં. 

BSFમાં જોડાવાનો નિર્ણય જિપ્સીએ આવી જ રીતે ભાવનાના આવેશમાં આવીને

લીધો હતો કે કેમ, તે અંગે પચાસ વર્ષ બાદ પણ તે હજી વિમાસણમાં છે.

આની વિસ્તારથી વાત કરીશું.

ભારતીય સેનામાં પાંચ વર્ષ સેવા બજાવી તે દરમિયાન જિપ્સીના જીવનમાં

ઘણી ઉથલપાથલ થઇ ગઇ. માટીના ચૂલા તો સૌના ઘરમાં હોય છે, પણ કેટલાક

પરિવારોમાં તે ઘણા દાહક હોય છે. બાઇના અવસાન બાદ અમારી માનસિક

અને ભૌતિક પરિસ્થિતિ અત્યંત વિષમ હતી. સૈન્યનો સેવાકાળ પૂરો થયો અને

જીવન વિમા કૉર્પોરેશનમાં પાછા જવાનો સમય આવ્યો ત્યારે તેમાં અફસરની

જગ્યા મળશે કે કેમ તે શંકાસ્પદ હતું. અનુરાધાની સલાહ હતી કે જિપ્સીની સૈન્યમાં

જોડાઇને દેશ માટે લડી આવવાની મહત્વાકાંક્ષા પૂરી થઇ હતી, તેથી હવે civilian

જીવનમાં પાછા આવવું જોઇએ. અમારી દિકરી કાશ્મિરાની ઉમર બાળમંદિરમાં

જવા જેટલી થઇ હતી. સૈન્ય સેવામાં નિયમ છે કે દરેક સૈનિક – પછી તો અફસર

હોય કે અદનો સિપાહી – ત્રણ વર્ષ મોરચા પર એટલે Field Stationમાં સેવા

બજાવે ત્યાર પછીના ત્રણ વર્ષ શાંતિના સ્થળે, જ્યાં તે પરિવાર સાથે રહી શકે એવી

જગ્યાએ તેની બદલી થાય. પરંતુ પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશ હોય ત્યાં

યુદ્ધ કે શાંતિની કોઇ બાંહેધરી આપી ન શકે. તેથી લગ્ન બાદ ઝાંસી જેવા સુંદર

શહેરમાં બદલી થયાના એક મહિનામાં જ જિપ્સીને બૉર્ડર પર જવું પડ્યું હતું. 

તેથી સૈન્યમાંથી છૂટા થયા બાદ શહેરમાં રહેવાની અનુરાધાની સલાહ યોગ્ય હતી.

આગળ જતાં જો LIC નિર્ણય લે અને જિપ્સીને યોગ્ય હોદ્દો મળે તો ઠીક નહીં તો

કૅનેડા કે બ્રિટન જવાનો પ્રયત્ન કરવું શક્ય હતું. તે સમયે (૧૯૬૮માં) ત્યાંનો વિઝા

મેળવવું સહેલું હતું અને અનુરાધાના ભાઇઓ, માતા-પિતા અને બહેનો આફ્રિકા

છોડી લંડનમાં વસી ગયા હતા. તેમ છતાં અનુરાધાની વાત ન માનતાં જિપ્સીએ

BSFમાં અરજી કરી હતી. આ કરવા પાછળ કેટલાક કારણો હતા, પણ મુખ્ય

કારણ તેનું અભિમાન હતું એવું અત્યારે લાગે છે. 

જિપ્સી સેકંડ લેફ્ટેનન્ટ થઇ તેના દમકતા ઑલિવ-ગ્રીન યુનિફૉર્મમાં અમદાવાદ

ગયો ત્યારે તેના સાથીઓ તથા ખુદ તેના ડિવિઝનલ મૅનેજર તરફથી સત્કાર મળ્યો

હતો. તે સમયે અમદાવાદમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઍક્ચ્યુઅરી થઇને આવેલા

સિનિયર ડિવિઝનલ મૅનેજરે અનુરાધા તથા જિપ્સીને તેમના ઘેર ભોજન માટે

બોલાવ્યા હતા. આ વાત પણ ઑફિસમાં કોઇએ જાહેર કરી હતી. હવે ત્યાં જ નિમ્ન

કક્ષાએ કામ કરવા જવું પડશે એવો કટાક્ષ કોઇએ કર્યો તે જિપ્સીથી સહન ન થયું.

આ માનહાનિ ટાળવા તેણેે BSFમાં અરજી કરી હતી અને તેમાં તેની નિયુક્તિ પણ

થઇ હતી. આ વાતના છ-એક મહિના બાદ LICએ નિર્ણય લીધો હતો કે જિપ્સી જેવા

જેટલા તેમના કર્મચારીઓ ભારતીય સેનામાં એમર્જન્સી કમિશન્ડ ઑફિસર તરીકે

સેવા બજાવી આવ્યા હતા તેમને આસિસ્ટન્ટ બ્રાન્ચ મૅનેજર તરીકે પ્રમોશન આપી

ડિવિઝનલ કે ઝોનલ હેડક્વાર્ટરમાં તેમની બદલી કરવી.

મને મારા LIC પહેલાના સેવા કાળ દરમિયાન અમારા હેડ-પિયૂન સવજીભાઈ

રાઠોડનું વાક્ય યાદ આવ્યું : નરેનભાઈ, સમય સમયને માન છે. અને નસીબનું

પાંદડું ક્યારે ફરી જાય એનો ભરોસો નહીં. જે થાય છે સારા માટે જ એવું ગણવું.

અમારાં બાઇ પણ એ જ કહેતાં – आलिया भोगासी असावें साजिरे…” જે થવાનું

હોય છે તેને પરમાત્માની પ્રસાદી માનીને તેનું સ્વાત કરીએ!

બીએસએફમાં જિપ્સીને પહેલું પોસ્ટિંગ મળ્યું તે ગુજરાતમાં! 

***

ગુજરાતની માટીમાં એવો તે શો જાદુ છે, બીજા પ્રાંતમાંથી આવતા લોકો 

ગુજરાતની ધરતી અને ગુજરાતની પ્રજાના પ્રેમમાં રંગાઇ જાય છે. ભુજમાં બદલી

થનાર અફસર ‘રણમાં કેવી રીતે જીવાશે’ની ચિંતામાં દુ:ખી થઇને આવે છે. અહીં

ત્રણ વર્ષ રહ્યા બાદ ગુજરાતની જનતાના સ્નેહ, આદર અને સ્વચ્છ વ્યવહારથી તે

એવો અંજાઇ જાય છે, અહીંથી જતાં પહેલાં દુ:ખી થઇને જતો હોય છે. આવી

સંસ્કારી ધરતી છોડીને જવું પડશે તેનું દુ:ખ વસમું લાગતું હોય છે. હવે તો ભુજ,

ગાંધીધામ જેવા શહેરોમાં પંજાબ, કેરાલા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા

અફસરો નિવૃત્તી બાદ તેમના પરિવાર સાથે કચ્છ અને ગુજરાતમાં કાયમ માટે

વસી ગયા છે.

જીપ્સીની નીમણૂંક  દાંતિવાડા/ સુઇગામમાં સેકન્ડ બીએસએફ બટાલિયનમાં 

થઇ તે સમયે ગુજરાતમાં 

બીએસએફની કેવળ બે બટાલિયનો હતી. 1 BSF Battalion કચ્છની સીમા પર હતી.

મારી નવી, 2 BSF Battalionનો દાંતિવાડા ડૅમ પાસેના ગુજરાત સરકારના PWD

ખાતાની જુની કૉલોનીમાં પડાવ હતો. અહીં અમારી બટાલિયને acclimatisation

તથા induction Training બાદ  સુઇગામ સેક્ટરમાં આવેલી ભારત – પાકિસ્તાનની

આંતરરાષ્ટ્રીય સીમા પર સેવા બજાવવા જવાનું હતું. 

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-૧૯૬૮ – જીવનનો નવો પડાવ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Friday, July 30, 2021

૧૯૬૮ – જીવનનો નવો પડાવ

ભારતીય સેના છોડવાની ક્ષણ વસમી હતી. કેટકેટલા પ્રસંગોની છબિઓ જિપ્સીના સ્મૃતિ

પટલ પર એક વિડિયોના Fast Rewindની જેમ વહી ગઇ. કેટલીક મીઠી તો કેટલીક મોળી.

જિપ્સી તેના અંગત જીવનની વાત કરવાનો પ્રયત્ન કરશે તો એક દળદાર પણ અતિ નિરસ

એવા ગ્રંથનું નિર્માણ થશે. તેથી તેનો પ્રયત્ન તો ઠીક, વિચાર પણ નહીં થાય! જો કે એક

વાત સાચી કે તેને જન્મ આપનાર તથા મૃત્યુના મુખ સુધી પહોંચવા છતાં અનેક વાર

જીવનદાન દેનાર અચળ પથદર્શક ધ્રુવ તારા સમાન મહાન આત્મા ‘બાઇ’ – જિપ્સીનાં

માતા – વિશે વચ્ચે વચ્ચે વાત કરશે. કેવળ ચોથી ચોપડી સુધી ભણેલાં પણ આત્મવિકાસ

અત્યંત ઉચ્ચ કક્ષાનો એવાં બાઇ નમ્રતા અને કરૂણાનો અવતાર હતાં. તેમના જીવનકાળ

દરમિયાન તેમની મહત્તા કોઇએ ન જાણી. જ્યારે તેમણે લખેલી ‘મારી જીવનકથા’  

બોપલના સ્વાતિ પ્રકાશને “બાઇ”ના શિર્ષકથી પ્રસિદ્ધ કરી કે તરત જ તે ગુજરાતી

સાહિત્યમાં અનન્ય સ્થાન પામી. 

સ્વ. ભોળાભાઇ પટેલ, સ્વ. વિનોદ ભટ્ટ જેવા મહાન વિવેચકોએ તેને બિરદાવી, અને

મુંબઇના ‘જન્મભૂમિ-પ્રવાસી’ તેને તે વર્ષના ‘દરેક પરિવારે વસાવવા જેવા દસ પુસ્તકો’માં

સ્થાન આપ્યું. અત્યારે તો આ પુસ્તક અપ્રાપ્ય – out of print – છે. હાલ પૂરતું તો એટલું

જ કહીશ કે મનુષ્યની રક્ષા કરવા પરમાત્મા એક guardian angel નિયુક્ત કરે છે.

બાઇના રૂપમાં તેની પ્રતિતિ જિપ્સીને અનેક વાર થઇ જે આગળ જતાં વર્ણવવાનો

પ્રયત્ન કરીશ. (બાઇના હસ્તાક્ષર અને તેમની છબિનો અહીં અણસાર આવશે).

***

૧૯૬૭માં ભારતીય સેનામાં જે એમર્જન્સી કમિશન્ડ ઑફિસર્સ સેવારત હતા તેમાથી

મોટા ભાગના અફસરોનું demobilisation કરવાનું સરકારે નક્કી કર્યું. જીપ્સી જેવા

ઘણા અફસરો, જે અન્ય સરકારી ખાતાં કે LIC, State Bank of India, Air India 

જેવા રાષ્ટ્રિય-કૃત સંસ્થાનોમાં lien (જુની નોકરીની સુરક્ષિતતા) જાળવીને સેનામાં

જોડાયા હતા, તેમને release કરવામાં આવ્યા. જો કે આ માટે પણ પહેલાં જેવો 

Services Selection Boardનો વિધિ રાખવામાં આવ્યો હતો. જે અફસરોને પોતપોતાના

ખાતાં કે સંસ્થાનોમાં પાછા જવાનો હુકમ થયો તેમના માટે આ ખાતાંઓએ સમાન

કક્ષા અને પગારની Class One અફસરોમાં નિયુક્તિ કરી. કેવળ જીવન વિમા કૉર્પોરેશને

આ વિશે નિર્ણય નહોતો લીધો. જિપ્સીને તો એટલી હદ સુધી જણાવવામાં આવ્યું કે

તેને તેના જુના પદ પર હાજર થવું પડશે અને મિલિટરીમાં મળતો પગાર નહીં મળે.

૧૯૬૭માં તેને કૅપ્ટનના પદ પર હાલના દર પ્રમાણે મહિને આશરે Rs.75000નો પગાર

મળતો હતો તેના બદલે  કેવળ Rs. 9000નો પગાર સ્વીકારવો પડશે એવું કહેવામાં

આવ્યું. કોઇ પણ સ્વમાની વ્યક્તિ આ માનહાનિ સ્વીકારી ન શકે. 

તે સમયે BSF, CRPF અને Indo Tibetan Border Policeમાં સેનામાંથી છૂટા થનારા

અફસરોમાંથી તેમની કંપની કમાંડરની નીમણૂંક માટે અરજીઓ મંગાવી હતી. જિપ્સીએ 

Border Security Force (BSF)માં અરજી કરી અને ઇન્ટરવ્યૂની રાહ જોવા લાગ્યો.

તે સમયે (૧૯૬૭માં) જિપ્સીની બદલી જમ્મુ શહેરની નજીક થઇ હતી. તે સમયે અચાનક

બાઇની તબિયત કથળી ગઇ. તેમની પ્રકૃતિ શરદીના કોઠાની હતી. જમ્મુની કાતિલ

ટાઢ તેમનાથી સહન ન થઇ અને તેઓ અત્યંત માંદા પડી ગયાં. આ માંદગી ભયંકર

સ્વરૂપ લેશે તેનો અમને કોઇને ખ્યાલ નહોતો. અમે તેમને જમ્મુની મિલિટરી

હૉસ્પિટલમાં દાખલ કર્યાં. તે સમયે જમ્મુની મિલિટરી હૉસ્પિટલમાં સાવ પ્રાથમિક કક્ષાની

સુવિધાઓ હતી. અફસરોના પરિવાર માટે કેવળ એક જ બેડ ઉપલબ્ધ હતી. ત્યાંના

ડૉક્ટર મેજર પરેરાએ પૂરી તપાસ અને લૅબ ટેસ્ટ કરાવ્યા. અંતે જે જાણવા મળ્યું તે

અત્યંત આઘાતપૂર્ણ હતું.

બાઇને લુકેમિયા થયો હતો. તેની સારવાર કાં તો જાલંધર અથવા દિલ્હી થાય.

અમે તેમને અમદાવાદ લઇ જવાનું નક્કી કર્યું. મારી બે મહિનાની રજા due થઇ

હતી તે લઇ અમે અમદાવાદ ગયા અને બાઇને વાડીલાલ સારાભાઇ હૉસ્પિટલમાં

દાખલ કર્યા. તેમની હાલત બગડતી જતી હતી અને અમે સૌ ચિંતામગ્ન હતા. તેવામાં

મને દિલ્હીથી ભારત સરકારના ગૃહ ખાતાના Joint Selection Board તરફથી

ઇન્ટરવ્યૂ માટેનો પત્ર મળ્યો. બાઇની તબિયત હવે સાવ કથળી ગઇ હતી અને મેં આ

ઇન્ટરવ્યૂમાંથી બાકાત રહેવાનો નિર્ણય કર્યો. જે થવાનું હશે તે થશે એવું વિચાર્યું.

ઇન્ટરવ્યૂને એક દિવસ બાકી રહ્યો હતો ત્યારે મારાં મોટાં ભાભીએ બાઇને આ વાત કરી.

“નરેનને ઉંચી પાયરીની નોકરીનો ઇન્ટરવ્યૂ આવ્યો છે, પણ તમને છોડીને તે જવાની ના

પાડે છે.” બપોરના બાર – એકનો સમય હતો. હું તે સમયે વૉર્ડની બહારના બાંકડા પર

બેઠો હતો. બાએ મને બોલાવ્યો અને કહ્યું, “ભાઇ, આવું ન કર. તું ઇન્ટરવ્યૂ માટે જા.

તું પાછો આવે ત્યાં સુધી મને કંઇ નહીં થાય. મારા આશિર્વાદ છે. તને આ નોકરી મળી જશે.”

ઇન્ટરવ્યૂ બીજા દિવસે સવારે ૧૧ વાગે હતો. હું કોઇ પણ હિસાબે દિલ્હી પહોંચી શકવાની

સ્થિતિમાં નહોતો. ટ્રેનથી તે સમયના ગાળામાં અમદાવાદથી દિલ્હી મેઇલ કે દિલ્હી

એક્સપ્રેસથી નવી દિલ્હી પહોંચવા ૨૪ કલાક લાગી જતા. હું વિચારમાં પડી ગયો. તેવામાં

અનુરાધાના બનેવી કર્નલ મધુસુદન ત્યાં આવી પહોંચ્યા.

“તું ચિંતા ના કર. મારી જાણ પ્રમાણે મુંબઇ -અમદાવાદ-જયપુર- દિલ્હીનું વિમાન

અમદાવાદથી રાતના સાત વાગે નીકળે છે. નવી દિલ્હીમાં મારી નાની બહેન રહે છે.

આ લે તેનું સરનામું. એક રાતની વાત છે. આજની રાત તેને ત્યાં રહેજે અને કાલે

ઇન્ટરવ્યૂ પતે એટલે પાછો આવી જા.”

મારા માટે આ ચમત્કાર જ હતો. સદ્ભાગ્યે મને વિમાનની રિટર્ન ટિકિટ મળી ગઇ.

રાતે નવ વાગે હું દિલ્હી પહોંચ્યો, બીજા દિવસે ઇન્ટરવ્યૂ થયો. મારો યુદ્ધના સમયનો

રિપોર્ટ જોવામાં આવ્યો અને કાબેલ વકીલની ઉલટ તપાસણી જેવા પ્રશ્નો પૂછાયા.

છેલ્લો પ્રશ્ન BSFના કાબેલ, બહુમુખી પ્રતિભા ધરાવનાર ડાયરેક્ટર જનરલ

રૂસ્તમજીએ પૂછ્યો.

“તમારા પ્રિય લેખક કોણ છે?”

“મારા પ્રિય લેખક W. Somerset Maugham છે, સર.”

“તેમનું ક્યું પુસ્તક તમે વાંચ્યું છે?”

“આમ તો મેં તેમણે લખેલા સઘળા પુસ્તકો વાંચ્યા છે.”

“એમ કે? તો તેમની દીર્ઘ નવલિકા The Rainની નાયિકાનું નામ મને કહો.”

મેં જવાબ આપ્યો. “સર, તેમનું નામ મિસ સેડી થોમ્પસન છે.”

ઇન્ટરવ્યૂને અંતે મને BSFમાં કંપની કમાંડરની નીમણૂંકની ઑફર

કરવામાં આવી, જે મેં સ્વીકારી.”

તે દિવસની સાંજની ફ્લાઇટથી હું પાછો ઘેર આવવા નીકળ્યો. રાતના આઠ

વાગે હું અમદાવાદ પહોંચ્યો અને હું સીધો VS Hospitalમાં ગયો. બાઇ મારી રાહ

જોઇને બેઠાં હતાં. મેં તેમને સારા સમાચાર આપ્યા. તેમના ચહેરા પરનું સ્મિત મને

હજી યાદ છે.

ત્રીજા દિવસની પરોઢે બાઇ અમને સૌને મૂકી અનંતના પ્રવાસે નીકળી ગયાં. 

***

થોડા દિવસ બાદ જિપ્સીને બનાસકાંઠાના દાંતિવાડામાં આવેલી 2 BSF Battalionમાં હાજર થવાનો હુકમ મળ્યો. જુલાઇ ૧૫, ૧૯૬૮ના રોજ અનુરાધા, 

અમારી નવજાત પુત્રી કાશ્મિરા અને હું દાંતિવાડા પહોંચ્યા.

જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-1965 – 1968 : શાંતિ ?

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, July 29, 2021

1965 – 1968 : શાંતિ ?

  22 સપ્ટેમ્બર ૧૯૬૫. આ દિવસે કાશ્મિરનું બીજું યુદ્ધ સમાપ્ત થયું. નવાઇની વાત

એ છે કે ૧૯૪૮માં શરૂ થયેલ કાશ્મિરનું પ્રથમ યુદ્ધ હજી સુધી –  આ 21મી સદીમાં

પણ ચાલ્યા કરે છે અને હું વાત કરી રહ્યો છું કાશ્મિરના બીજા ુયુદ્ધની સમાપ્તિની!

હકીકત એ છે કે આ બન્ને યુદ્ધોમાં સહેજ તફાવત છે : કાશ્મિરની પહેલી લડાઇ જે 

૧૯૪૭-૪૮માં શરૂ થઇ, તે ઘોષિત યુદ્ધ – declared war – નહોતું. તે પરોક્ષ, એટલે

અંગ્રેજીમાં જેને ‘Proxy War’ કહીએ તે હતું. .કાશ્મિરની બીજી લડાઇ  પાકિસ્તાને 

યુદ્ધની ઘોષણા કર્યા વગર જ ભારતના છમ્બ – જૌડિયાં વિસ્તાર પર હુમલો કરીને

શરૂ કરી હતી. અચાનક થયેલા આ હુમલામાં જનરલ અયૂબ ખાને પાકિસ્તાનની

સેના તે ક્ષેત્રના સેનાપતિ મેજર જનરલ અખ્તર હુસેન મલિકને તેમના કમાંડ હેઠળ

‘Chicken Neck’ નામથી જાણીતા થયેલા કાશ્મિરના વિસ્તાર પર હુમલો કરી,

કાશ્મિરને ભારતથી જોડનાર ધોરી નસ સમાન ચિનાબ નદીના પરના અખનૂર

શહેર પર કબજો કરવાનો હુકમ કર્યો હતો. તેમનું લક્ષ્ય હતું ભારત – કાશ્મિરને

જોડનારા ચિનાબ નદી પરનો આ પૂલ. તે સર કરવા જનરલ અખ્તર ખાન મલિક

ભારતના છમ્બ – જૌડિયાઁ પર હુમલો કરીને ઠેઠ ચિનાબ નદીના સુધી પહોંચી ગયા

હતા.  અખનૂરનો પૂલ તેમના હાથ વેંતમાં હતો. આ ક્ષણ એવી હતી કે ચિનાબના

સામા કાંઠે ભારતની સેનામાં ભારે ખુવારી પહોંચી હતી અને આપણી સેનાને

સમયસર કૂમક ન પહોંચે તો મેજર જનરલ મલિક ચિનાબ પાર કરી અખનૂરનો

અકબંધ – ક્ષતિહિન પૂલ કબજે કરી શકે તેમ હતા. તેઓ આ તકનો લાભ લઇ 

નદી પાર કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં તેમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ

અયુબ ખાને હુકમ કર્યો કે તેઓ તેમની સેનાનો કમાંડ જનરલ યાહ્યા ખાનને

સોંપી Corps HQમાં પાછા ફરે. મલિક આ હુકમ સાંભળી અવાક થઇ ગયા.

તેમણે જનરલ અયૂબ ખાનને મોકલાવેલ વાયરલેસ સંદેશ, “Why change the

Horse in midstream?” હજી સુધી પાકિસ્તાનના સૈનિક ઇતિહાસમાં

અવિસ્મરણીય રીતે કોતરાયા છે. એક સતત વહેતા, વણ-રૂઝાયેલા ઘાની જેમ.

અયૂબ ખાને આ સંદેશનો જવાબ ન આપ્યો અને કેવળ તેમને જણાવ્યું કે યાહ્યા

ખાન ઇસ્લામાબાદથી રવાના થઇ ચૂક્યા છે અને જેવા તેઓ ત્યાં પહોંચે, તેમને સમગ્ર

અભિયાન (operation) સમજાવી, તેનો ચાર્જ સોંપી દે.

    પ્રેસિડેન્ટ અયૂબ ખાને આ નિર્ણય બે કારણસર લીધો હતો. મુખ્ય કારણ એ હતું

કે જનરલ અખ્તર હુસેન મલિક અહેમદીયા – કાદિયાની પંથના હતા. કટ્ટર સુન્ની

પંથના રાજકર્તા અને પાકિસ્તાનની બહુમતી સુન્ની પ્રજા કાદિયાની મુસલમાનોને

મુસ્લિમ ગણતી જ નથી. એટલી હદ સુધી કે જ્યારે ઝુલફિકાર અલી ભુટ્ટો વડા

પ્રધાન થયા, તેમણે કાયદો પસાર કરી કાદિયાની – અહેમદીયા પંથને બિન

મુસ્લિમ જાહેર કર્યા અને તેમને હજ પઢવાના અધિકારમાંથી પણ વંચિત કર્યા.

જો ઉપર જણાવેલ સંજોગોમાં જનરલ મલિક અખનૂરના પૂલ પર હુમલો કરીને

તેના પર કબજો કરે તો સમગ્ર કાશ્મિરને “આઝાદ” કરવાનું શ્રેય એક કાદિયાનીને

મળે. પ્રેસિડેન્ટ અયૂબ ખાનને તે મંજુર નહોતું. બીજું કારણ : અયુબ ખાન તેમના

લાડિલા ઉત્તરાધિકારી મેજર જનરલ યાહ્યા ખાનને કાશ્મિરના તારણહાર બનાવવા

માગતા હતા. તેમના મનમાં તો ખાતરી હતી કે અખનૂર બ્રિજ તો લગભગ હાથમાં

આવી ગયો છે તેથી જનરલ અખ્તર હુસેનને હઠાવી તેમના સ્થાને યાહ્યા ખાનને

મોકલી, તેમના હસ્તે પાકિસ્તાનનો ઝંડો ત્યાં લહેરાવી શકાય તેવી સ્થિતિ

નિર્માણ થઇ હતી!

    જનરલ યાહ્યા ખાન મોરચા પર પહોંચે અને પૂરા અભિયાનનો ‘ચાર્જ લે એટલામાં જે

સમય વિત્યો, તે દરમિયાન ભારતીય સેનાની કૂમક અખનૂર પહોંચી ગઇ. વળી અસલ

ઉત્તર અને ફિલ્લોરા-ચવિંડાના યુદ્ધમાં પાકિસ્તાને એટલી ટૅંક્સ ગુમાવી હતી કે અખનૂર

પર કબજો કરીને ભારતના strategic અને vital ground પર પાકિસ્તાની  પહોંચે તો

તેમની પાસે અતિ આવશ્યક ગણાય તેવું ‘આર્મર’ નહોતું. તેમ છતાં વિજયની આશામાં

મત્ત બનેલા જનરલ યાહ્યાખાને ભારતીય રક્ષા પંક્તિ પર લગભગ ત્રીસ હજાર સૈનિક (

બે ડિવિઝન) સાથે પ્રચંડ હુમલો કર્યો. તેમને ખબર નહોતી કે તેમની સામે સિંહ

જેવા \હૃદય અને અભિમન્યુ સમાન જુસ્સા સાથે લડનારી કેવળ ચાર હજાર ભારતીય

સૈનિકોની એક બ્રિગેડને પરાજિત કરી શકાય નહીં. ભારતીય બ્રિગેડ પર અનેક વાર

હુમલા કરવા છતાં યાહ્યા ખાનની સેના આપણા સૈનિકોને  અખનૂર વિસ્તારમાંથી

હઠાવી શકી નહીં. Defensive Warની બહાદુરી ભરેલા આ યુદ઼્ધ ગાથાને

પાકિસ્તાનની સેનાએ પણ બિરદાવી. (આ યુદ્ધ વિશે પાકિસ્તાનની સેનાના

નિવૃત્ત અફસર મેજર હૂમાયૂઁ આગા અમિને વિસ્તારથી વર્ણન કર્યું છે.) 

    કાશ્મિર પર કબજો કરવાનું  અયૂભ ખાનનું સ્વપ્ન પૂરૂં ન થયું.

***

    ૧૯૬૫ની લડાઇમાં વિશ્વ સામે બે વાતો છતી થઇ. પ્રથમ : ૧૯૪૮ની જેમ

૧૯૬૫માં પણ હુમલો કરનાર દેશ પાકિસ્તાન હતો. બીજી વાત : આધુનિક-તમ

શસ્ત્ર સામગ્રીથી સજ્જ પાકિસ્તાનની સેના સામે બીજા વિશ્વયુદ્ધના સમયના

શસ્ત્ર-સામગ્રીથી લડી રહેલ ભારતીય સેના વિજયી એટલા માટે નિવડી કે આપણા

સૈનિકોનું મનોબળ, તેમને મળેલ ટ્રેનિંગ અને તેમને નેતૃત્વ પૂરૂં પાડનાર અફસરોની

સ્વાર્પણ, બલિદાન અને તેમના કમાંડ હેઠળના સૈનિકો પ્રત્યેની નિષ્ઠા અપ્રતિમ હતા.

આનો અર્થ એ નથી કે પાકિસ્તાની સેના કંઇ ઓછી બહાદુર હતી. અંતિમ વિશ્લેષણમાં

તો શ્રેષ્ઠતા તો એની જ ગણાય કે જેના શૌર્યમાં માનવતા અને વિજયમાં અહંકાર-વિહિનતા

હોય. ભારતીય સેનાએ દરેક યુદ્ધમાં આ મૂલ્યો જાળવી રાખ્યા છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે.

    યુદ્ધ પૂરૂં થતાં જિપ્સીના મનની વાત કરીએ તો તેના મનમાં એક સમાધાનની લાગણી 

હતી. જે ધ્યેય અને ધગશથી 

તે સેનામાં જોડાયો હતો, તે સિદ્ધ થયાનો સંતોષ હતો.

***

    શાંતિનો સમય : 

    ૧૯૬૫થી ૧૯૬૮ દરમિયાન જિપ્સીના અંગત જીવનમાં એક સુખદ અને 

એક દુ:ખદ એવા બે ચિરસ્મરણીય પ્રસંગો બની ગયા. પહેલો પ્રસંગ ૧૯૬૫માં

જ તેના પરિવારમાં એક બાલિકાનો જન્મ થયો. ખાસ કરીને જિપ્સીનાં માતાનો

આનંદ તો ગગન સુધી વ્યાપી ગયો! અલબત્ જિપ્સી અને તેનાં પત્નીની ખુશી

તો અપરિમિત બની રહી. હજી સુધી!

    એક સામાન્ય સૈનિકને તેની ભાષામાં અલંકાર લાવવો શક્ય નથી. સાદી ભાષામાં

કહીએ તો પૂર્ણિમા બાદ તેના જીવનમાં અમાસ આવી તે ૧૯૬૮ની સાલમાં. અમાસ

પણ એવી અને એટલી લાંબી કે સમસ્ત અમાવાસ્યાની કદી પૂરી ન થનારી રાતમાં

તારા પણ લુપ્ત થઇ ગયા હતા. પરોઢ થશે કે કેમ તે પણ શંકાસ્પદ હતું. તે વર્ષના

મે માસમાં જિપ્સીનાં માતા અવસાન પામ્યાં. આ જાણે ઓછું હોય, તેનો ભારતીય

સેનાનો સેવાકાળ પણ સમાપ્ત થયો હતો. 

    કહેવાય છે કે માણસે તેની અંગત વ્યથા એકલા પંડે જ ભોગવવી સારી; લોકો

ભલે કહે કે આનંદ વહેંચવાથી બમણો થાય છે અને દુ:ખ વહેંચવાથી તે અર્ધું થાય છે.

આ બધા વ્યર્થ, માણસના મનને ભોળવવાના શબ્દો છે. Cliché  કહો કે platitudes ;

તેથી વધુ કંઇ હોતું નથી. આનો ખુલાસો કરવાની પણ જરૂર નથી કેમ કે તેની સત્યતા

આપણે સૌએ અનુભવી છે. સૌ જાણે છે કે આજના કાળમાં કોઇને અન્ય વ્યક્તિઓના

આનંદમાં કે દુ:ખમાં ભાગિદાર થવાનો સમય નથી. દરેક પોતપોતાની વ્યથા, ચિંતામાં

એટલા અટવાયેલા હોય છે. તેથી આનંદ અને શોકની સ્થિતિ વ્યક્તિગત હોય છે,

અને લોકો તેમને તેનું નિરાકરણ કરવા એકાંત અને સમય આપતા હોય છે. પશ્ચિમના

દેશોમાં ઉદ્ભવેલી Individualismની વિચારસરણીએ આપણી જુની communalism

(અહીં તેનો અર્થ જાતિવાદ કે ધાર્મિક જૂથબાજી નહીં, પણ community spiritની)

ભાવનાનું સ્થાન લીધું છે, તેથી તેની અહીં ચર્ચા કે વર્ણન ન કરતાં આગળ વધીશું. 

    જિપ્સીની અંગત વાત કરીએ તો માતાજીના અવસાનથી તેના જીવનમાં 

જે શૂન્યતા જન્મી તે કાયમ માટે રહી. 

    માતાના અવસાનના ફક્ત બે માસ બાદ તેના જીવનમાં ત્રીજો ફેરફાર આવ્યો.

    જીવન વિમા કૉર્પોરેશનમાં પાછા જવાને બદલે તેણે ભારતીય સીમા સુરક્ષા દળ

– બૉર્ડર સિક્યૉરિટી ફોર્સમાં કંપની કમાંડરની નીમણૂંકનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું. 

    આની પાછળ વિધીનાં કોઇ લખાણ હતાં કે કેમ, તે તેને તે વખતે ન સમજાયું.

***Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-ચવિંડાનું યુદ્ધ : વીરતા, વિવાદ અને વિશ્લેષણ (૨)

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Monday, July 26, 2021

ચવિંડાનું યુદ્ધ : વીરતા, વિવાદ અને વિશ્લેષણ (૨)

    ચવિંડાના યુદ્ધમાં ભારતીય સેનાની પરંપરાગત વીરતાની પરાકાષ્ઠા જોવા મળી. તેમાં

૧૦૦૦ સૈનિકોની સેનાનું નેતૃત્વ કરનાર કર્નલ તારાપોર, કર્નલ જેરથ અને મેજર અબ્દુલ

રફી ખાન જેવા અફસરોથી માંડી બલબીરસિંહ બિષ્ટ જેવા અદના સિપાહીઓએ જ્વલંત

ઉદાહરણ પુરા પાડ્યા છે. સિયાલકોટ ક્ષેત્રમાં ઉચ્ચ  પદના અફસરોએ અંગત રીતે

આગળ વધીને નેતૃત્વ પૂરૂં પાડ્યું – જેમાં શહીદ થયા મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના

કર્નલ નોલન, કર્નલ મનોહર, ગઢવાલ રેજિમેન્ટના કર્નલ જેરથ અને ઍક્ટિંગ કમાંઁડિંગ

અફસર મેજર અબ્દુલ રફી ખાન, કર્નલ અદી તારાપોર તથા ઘણા જુનિયર કક્ષાના

યુવાન લેફ્ટેનન્ટ્સ, કૅપ્ટન્સ અને મેજર. 

    આ બ્લૉગમાં દર્શાવાયેલ પ્રસંગો કેવળ અમારી 1 Armoured Divisionના

અભિયાનના છે, જેમાં જિપ્સીએ શરૂઆતથી આખર સુધી ભાગ લીધો હતો. અન્ય

ક્ષેત્રો – જેમ કે લાહોર ક્ષેત્ર – જ્યાં Colonel Desmonde Haydeની આગેવાની નીચે

3 Jat Battalion પાકિસ્તાનની અભેદ્ય ગણાતી ઇચ્છોગિલ કૅનાલ અને તેની બન્ને

બાજુએ બાંધવામાં આવેલ સિમેન્ટ કૉન્ક્રિટના બંકર અને pill boxesમાં  બેસીને

બ્રાઉનિંગ મશિનગનના મારાની અને તોપના બૉમ્બાર્ડમેન્ટની પરવા કર્યા વગર

શત્રુને પરાસ્ત કરી, ઈચ્છોગિલ નહેર પાર કરી લાહોરના બર્કી નામના પરા સુધી

પહોંચી ગયા હતા. તેઓ તેમની બ્રિગેડની એક અન્ય બટાલિયનને બાટાપુરનો

પુલ પાર કરી તેમની કૂમકમાં આવી મળે તેની રાહ જોઇ રહ્યા હતા જેથી લાહોર

સર કરી શકાય. જાટ સૈનિકો તૈયાર બેઠા હતા. 19 Maratha Light Infantryના

સૈનિકો તેમના કર્નલ પરબની આગેવાની નીચે આગળ વધવાની તૈયારીમાં હતા અને…

    કમભાગ્યે તે સમયે ભારતીય સેનાના Chief of Army Staff ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉ

નહોતા. ઇચ્છોગિલ કૅનાલ પરના બાટાપુરના પુલ પર કબજો કરવા આગળ વધી રહેલી

3 Jat બટાલિયનને પાછા વળવાનો તે સમયના ભારતીય સેનાના ચીફ જનરલ ચૌધરીએ

હુકમ કર્યો ! ફક્ત ભારતીય સેનાએ બાટાપુરનો પુલ પાર કર્યો છે તેનો એક સંદેશ મળતાં

જ કર્નલ હેડ તથા તેમના જાટ સૈનિકો આગળ વધી લાહોર પર કબજો કરવા તૈયાર હતા.

આગેકૂચના સિગ્નલને બદલે તેમને પાછા વળવાનો હુકમ મળ્યો. આખી જાટ બટાલિયનમાં

નિરાશા છવાઇ ગઇ. 

    આ વાતમાં કોઇને અતિશયોક્તિ નથી. લાહોરનું રક્ષણ કરવા માટે આપણો સામનો

કરવા ત્યાં હાજર રહેલી પાકિસ્તાનની 3 Baluch Regimentના સી.ઓ. લેફ્ટેનન્ટ કર્નલ

તજમ્મુલ હુસેન મલિકના શબ્દો રજુ કર્યા છે પાકિસ્તાની મિલિટરી ઇતિહાસકાર મેજર

આગા હુમાયૂં અમિને. તેમને આપેલા ઇન્ટરવ્યૂમાં મેજર જનરલના પદ પર નિવૃત્ત

થયેલા તજમ્મુલ હુસેન મલિક કહે છે, “...Instead of pressing their attack to capture

the bridges across the canal, they (Indians) decided to halt the advance….Till

today, I call it a miracle. For, had the Indians succeeded in capturing the

Batapur Bridge that morning, Lahore would have fallen by 11 o’clock that

morning and General Chaudhury, the then C-in-C Indian Army would have

celebrated their victory in Gymkhana Club over a peg of whiskey, as

promised to his officers on the eve of the battle.” (Academia magazineમાં

પ્રકાશિત થયેલ મેજર જનરલ તજમ્મુલ હુસેન મલિકની સૈનિક કારકિર્દીને તેમના જ

મુખે કથિત આત્મચરિત્ર. મેજર હુમાયૂઁ આગા અમિનનો મૂળ લેખ વાંચવો હોય તો

જિપ્સીને જણાવશો. તે મોકલી શકશે.)

    આ જ રીતે સિયાલકોટ સેક્ટરમાં ચવિંડાના યુદ્ધ વિશે પાકિસ્તાનના ઇતિહાસકારો

કહે છે, ભારતીય સેનાની હાર થઇ હતી. તેમનો દાવો છે કે ભારતીય સેનાની ચાર

ડિવિઝન્સ – 1 Armoured Division, 14th Infantry Division, 6 Mountain

Division અને 26 Infantry Division સાથે ચવિંડાના મોરચે  કરેલ હુમલાને અંતે

પણ ચવિંડા પર ભારતીય સેનાને પાકિસ્તાને હરાવી હતી.  જિપ્સીના અભ્યાસ મુજબ 

ચવિંડાના યુદ્ધમાં બન્ને સેનાઓના સેંકડો સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી હતી. હજાર

જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. ટૅંક્સ તથા અન્ય સાધનસામગ્રીનું ભારે નુકસાન થયું

હતું. ટૅંક્સની વાત કરીએ તો ફિલ્લોરા અને ચવિંડાની સંયુક્ત લડાઇમાં ભારતની સેનાએ

પાકિસ્તાનની ૬૦થી વધુ ટૅંક્સ નષ્ટ કરી હતી, જેની સામે ભારતે ૧૧ ટૅંક્સ ગુમાવી હતી.

એક અન્ય આશ્ચર્ય જનક વાત :  પાકિસ્તાનના અખબારોએ તેમની પ્રજાને હંમેશ મુજબ

ખોટા પ્રચાર દ્વારા મિથ્યાભિમાનમાં દોરતી ગઇ. ચવિંડા – ફિલ્લોરાને તેઓ ‘Graveyard

of Indian Tanks’ કહે છે. જ્યારે લોકોએ તે જોવાની ઇચ્છા પ્રગટ કરી, તેમને ત્યાં જવા

પર પ્રતિબંધ મુક્યો : ‘યુદ્ધ વિસ્તાર છે; ત્યાં માઇનફિલ્ડ છે ; હજી લડાઇનો ભય છે’ કહી

તે ટાળતા રહ્યા. અંતે તેમણે ભારતની પાંચ સેન્ચ્યુરિયન ટૅંક્સ પાકિસ્તાનના જુદા જુદા

શહેરમાં પ્રદર્શન તરીકે મૂકી. ભારત માટે અતિ દુ:ખની વાત એ હતી કે કર્નલ તારાપોરની

‘ખુશાબ’ નામની ‘કમાંડ ટૅંક’ને આપણે પાછી લાવી શક્યા નહીં અને પાકિસ્તાનની

સેનાએ તેને અદ્વિતિય war trophy તરીકે જાહેરમાં સજાવી રાખી છે. તેઓ હજી

જાહેરાત કર્યા કરે છે કે ૧૯૬૫માં તેમણે ભારત સામે વિજય પ્રાપ્ત કર્યો હતો ! તેનો

પૂરાવો દર્શાવવા તેઓ કર્નલ તારાપોરની ટૅંકનું પ્રદર્શન કરતા રહ્યા છે.    

    ચવિંડાના યુદ્ધમાં હાર-જીતનો નિષ્કર્ષ નીકળ્યો નહીં. એક વાત સાચી કે ભારતીય

સેના ચવિંડા પર કબજો કરી શક્યા નહીં. ભારતના સેંકડો સૈનિકોએ પ્રાણની આહૂતિ

આપી હતી. તેમની બૉમ્બવર્ષામાં ઘણી ટૅંક્સ ક્ષતિગ્રસ્ત થઇ હતી. આપણે પણ

પાકિસ્તાનની 6 Armoured Divisionને પાંગળી કરી હતી. આ મોરચા પર ભારતની

વાયુસેના આકાશમાં સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપી શકી નહીં અને પાકિસ્તાનના અંતરાળમાં

રહેલી આર્ટિલરીની તોપને નષ્ટ કરી શક્યા નહીં. ચવિંડાના મોરચા પર આપણી સૌથી

સૈનિક શક્તિને હાનિ પહોંચી હોય તો તે તેમની આર્ટિલરીને કારણે, નહીં કે ટૅંક કે

ઇન્ફન્ટ્રીની કાર્યવાહીથી.  આ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં ભારતના સેનાપતિઓએ

પરિસ્થિતિ પર કાબુ કરવા અને આગળની યોજના કરવા માટે ચવિંડા પર ફરી હુમલો

કરવાને બદલે ફિલ્લોરા – ચવિંડાની વચ્ચેના વિસ્તારમાં મોરચા બાંધવાનો નિર્ણય લીધો. 

    ભારતની સેનાના આ પગલાને પીછેહઠ ધારી, તેનો લાભ લેવા જનરલ અયૂબખાને

તેમના સેનાધ્યક્ષને ભારતીય સેના પર હુમલો કરી તેમને (એટલે આપણી સેનાને)

પાકિસ્તાનમાંથી હઠાવવા ‘Operation Windup’ નામથી  હુમલો કરવાનો આદેશ આપ્યો.

Military Wikia લખે છે : “According to the Pakistani C in C (કમાંડર-ઇન-ચીફ) 

the operation was cancelled since ‘both sides had suffered heavy tank

losses……would have been of no strategic importance….’ and above all ‘

the decision…was politically motivated as by then the Government of Pakistan

had made up their mind to accept cease fire and foreign sponsored proposals’.

આ દર્શાવે છે કે તેઓ હિંમત હારી ચૂક્યા હતા અને લડવાની ઇચ્છા શક્તિ બચી નહોતી.

    આમ ગુમાવેલ વિસ્તાર અને પ્રતિષ્ઠાને લડીને પાછી મેળવવા કરતાં યુદ્ધ વિરામ કરવા

માટે અમેરિકા, રશિયા તથા યુનાઇટેડ નેશન્સ તરફથી આવી રહેલા દબાણને માન આપી

યુદ્ધને રોકવું સારૂં એવું સ્વીકારીને પાકિસ્તાનના સેનાધ્યક્ષે પરોક્ષરીતે હાર સ્વીકારી હતી, 

અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે પાકિસ્તાનની સરકારે તેમની પ્રજામાં જાહેર કર્યું

હતું કે ભારતની હાર થઇ છે. વાસ્તવિકતા એ હતી તે સમયે ભારતની સેનાના કબજામાં

પાકિસ્તાનના સિયાલકોટ જીલ્લાનો ૨૦૦ ચોરસ માઇલનો વિસ્તાર હતો, જેમાં

સઇદાંવાલી, મિયાંવાલી, મસ્તપુર, મહારાજકે, ફિલ્લોરા, ચરવાહ જેવા ઘણાં

ગામ આવી ગયા હતા.

    ૨૨મી સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ જ્યારે શસ્ત્રસંધિ જાહેર થઇ તે સમયે જિપ્સી અને તેની

પ્લૅટૂનનો પડાવ પાકિસ્તાનના સઇદાંવાલી ગામમાં હતો.

    શસ્ત્રસંધિ બાદ યુદ્ધમાં થયેલ અસંખ્ય માનવોની પ્રાણાહૂતિ જોઇને અદૃશ્ય રુધિરથી

જખમી થયેલ આત્મા, ઘાયલ અને મૃત્યુ પામેલા સાથીઓના વિયોગના હૃદયમાં થયેલા

ઘા ધોવા જિપ્સીને યુદ્ધભૂમિથી દૂર તેના કંપની હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યો. જ્યારે

તે પહોંચ્યો, યુદ્ધનો પૂરો સમય હેડક્વાર્ટરમાં રહેલા અફસરો તેના અનુભવો સાંભળવા

આતુર હતા. આ વાત તો ગૌણ હતી, પણ મારા માટે આઘાતપૂર્ણ વાત હતી

કૅપ્ટન હરીશ શર્માના અવસાનની.

    યુદ્ધમાં લડી રહેલ બન્ને પક્ષની સેનાઓ એકબીજાની supply line ઉધ્વસ્ત કરવાનો

પ્રયત્ન કરે. કૅપ્ટન હરીશનું કામ હતું અગ્રિમ વિસ્તારમાં લડી રહેલ બ્રિગેડ્સને તેમનું

રાશન અને દારૂગોળો પહોંચાડવાનું. આ માટે તેઓ એક કામચલાઉ Supply Point

સ્થાપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં પાકિસ્તાનના સેબર જેટ્સે તેમની પ્લૅટૂન પર

હુમલો કર્યો. પહેલાં મશિનગનથી strafing અને ત્યાર બાદ નેપામ બૉમ્બ છોડ્યા.

હરીશનો એક સૈનિક આગની લપેટમાં આવી ગયો હતો. તેને બચાવવા જતાં

હરીશની નજીક બીજો બૉમ્બ પડ્યો અને પૂરા નેપામની જ્વાળામાં સપડાઇ ગયા.

તેમનું ૮૦ ટકા શરીર દાઝી ગયું હતું. હુમલો પૂરો થતાં તેમને પહેલાં પઠાણકોટ અને

ત્યાર બાદ જાલંધરના મિલિટરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં

તેમનું અવસાન થયું હતું.

      મેજર સોહનલાલને જ્યારે મેં મારી પ્લૅટૂનની કાર્યવાહીનો રિપોર્ટ આપ્યો, તેમને ઘણું

લાગી આવ્યું. મને સારૂં લાગે એવી ઘણી વાતો કહી, અને એક વાતનો અફસોસ જાહેર

કર્યો. “તેં જે રીતે પ્લૅટૂનનું યુદ્ધમાં સંચાલન કર્યું, જવાનોના પ્રાણની રક્ષા કરી, અલબત્

આપણા પાંચ વાહનો નાશ પામ્યા, પણ તારી સમગ્ર કાર્યવાહીને માન્યતા અપાવે તેવો

કોઇ ઍવોર્ડ મળવો જોઇએ. પણ શું કરૂં? તારા વિશે મને કોઇ માહિતી જ નહોતી

મળતી. કંપનીના કો’કને તો માન મળવું જોઇએ તેથી મારી સાથે સૅમી હતો તેના

માટે મેં ભલામણ કરી હતી. યુદ્ધ વિસ્તારમાં તે એક કૉન્વૉય લઇ ગયો હતો તેથી

તેને Mentioned in Despatches – જે સેના મેડલની નીચેનો પુરસ્કાર ગણાય તે

મળ્યો છે. હવે તો શસ્ત્રસંધિ થઇ ગઇ  અને ઍવોર્ડ માટેની આખરી તારિખ ગયા

અઠવાડિયે જ પૂરી થઇ. Any way, તેં ઘણી સારી કામગિરી બજાવી અને કંપનીનું નામ

ઉંચું રાખ્યું તે માટે મારા હૃદયપૂર્વકના અભિનંદન.”

    હું ત્રણ દિવસ માટે હેડક્વાર્ટરમાં હતો તે દરમિયાન મારા CO કર્નલ રેજીનાલ્ડ

ગૉન (જેઓ આયરિશ-ભારતીય હતા) ગોરખા રેજિમેન્ટના CO કર્નલ ગરેવાલને મળવા

ગયા હતા – એ જાણવા માટે કે તેમની બટાલિયન સાથે સતત રહેલ જિપ્સી તથા તેની

પ્લૅટૂનનું કામ કેવું રહ્યું હતું. તેમણે જે વાત કહી તેના પરિણામરૂપે તે વર્ષમાં CO તરફથી

દરેક અફસર માટે લખાતા Annual Confidential Report (ACR) માં જિપ્સીને

બટાલિયનમાં સર્વશ્રેષ્ઠ ACR મળ્યો હતો. સૈન્યમાં લખાતા ACRના શેરામાં બે શબ્દો

અતિ મહત્વના ગણાય છે : courageous તથા dependable. જિપ્સી માટે આ સર્વશ્રેષ્ઠ

પુરસ્કાર હતો.

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-ચવિંડાનું યુદ્ધ : વીરતા, વિવાદ અને વિશ્લેષણ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Saturday, July 24, 2021

ચવિંડાનું યુદ્ધ : વીરતા, વિવાદ અને વિશ્લેષણ

    ૧૯૬૫માં આપણી પશ્ચિમ સેનાનું લક્ષ્ય સિયાલકોટ-લાહોરના ધોરી માર્ગને ‘કાપવાનું’ 

હતું. તે સિદ્ધ કરવા પાછળનો ઉદ્દેશ હતો કાશ્મિર પર હુમલો કરી રહેલ શત્રુ સેનાને

પોતાનો દેશ બચાવવા ભારત પર હુમલો કરવાનું છોડી પાછા પંજાબ ક્ષેત્રમાં આવવાની

ફરજ પડે. પાકિસ્તાને અત્યાર સુધી કરેલા ભારત પરના હુમલા, પરોક્ષ યુદ્ધ (proxy war)

તથા ઘોંચ પરોણાનો જવાબ ભારત આપી શકે છે તેનો પાઠ શીખવવાની વાત પણ તેમાં

સામેલ હતી. 

    દેશના ભાગલા થયા બાદના સમયથી સામરિક દૃષ્ટિએ ભારતની ભૂમિકા ઉદાસિનતાભરી

– passive રહી હતી. આઝાદીની ચળવળના સમયથી આપણી માનસિકતા પર’અહિંસા’નું

તત્વજ્ઞાન ભારપૂર્વક ઠસાવવામાં આવ્યું હતું. તે એટલી હદ સુધી કે આપણે આઝાદી પણ

તકલી-પૂણી અને ચરખો ચલાવી ચલાવીને જ મેળવી હતી. આ વિશે ભારે ચર્ચા અને વિવાદ

થઇ શકે છે, પણ અહીં નહીં. હાલ પૂરતું તો એક સામાન્ય સૈનિકની જે અનુભવકથા છે તેના

પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ. હા, તો કહેવાનું કે સેનાના ઘડતર અને તેને આધુનિક બનાવવા

પાછળ સરકારની મનોવૃત્તિ નરમ અને ઔદાસિન્ય ગણી શકાય તેવી હતી. એક તો

ભારતીય સંસ્કૃતિનો પરંપરાગત ઉદ્દેશ પરોપકાર અને નિ:સ્વાર્થ સહકારનો રહ્યો છે.

તેથી જ ભારતે કદી પરાયી ભૂમી પર સામ્રાજ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો નહીં. પરંતુ

તેમ કરવા જતાં આપણે એ વિચાર ન કર્યો કે અન્ય રાષ્ટ્રો ભારતની સમૃદ્ધ ભૂમિ પર

કબજો કરી આપણી પ્રાકૃતિક અને ઐહિક સમ્પદાનું શોષણ કરવાનો પ્રયત્ન કરશે

અને તે માટે આક્રમણ કરી શકશે. આ કારણસર આપણે કદી આપણી સેનાને

સંરક્ષણાત્મક વ્યૂહનીતિ માટે તૈયાર ન કરી. ભારત સ્વતંત્ર થયા બાદ તરત જ 

– ૧૯૪૭-૪૮માં થયેલા આક્રમણની લપડાક બાદ પણ આપણે બીજો ગાલ જે આવે

તેની સામે ધરવા લાગ્યા હતા. ૧૯૬૨ની ચીન સામેની લડાઇ આનું સ્પષ્ટ સ્વરૂપ છે.

નવાઇની વાત તો એ નીકળી કે ૧૯૬૨ બાદ પણ આપણે…  

૧૯૬૫નું યુદ્ધ પાંચ મોરચા પર થયું હતું. સૌ પ્રથમ કચ્છ. અહીં પહેલ કરી હતી પાકિસ્તાને. 

તેમની ટૅંકોએ છાડ બેટ પર હુમલો કરી તેના પર કબજો કર્યો હતો. આ સીમાનું રક્ષણ કરવા

ગુજરાત સરકારની પોલીસ ચોકીઓ હતી, અને તેનો પહેરો ભરવા આપણી SRP – સ્ટેટ

રિઝર્વ પોલીસ હતી. હથિયારમાં લાઠીઓ અને થોડી હથિયારખાનામાં તાળા-ચાવીમાં બંધ

કરાયેલી રાઇફલ. બીજી તરફ રાજસ્થાનમાં. અહીં પણ મુનાવાવ પર હુમલો કરનાર હતી તેમની

સેના. ત્રીજો મોરચો પંજાબના ખેમકરણ વિસ્તારમાં. અહીં પણ તેમની (પાકિસ્તાનની)

1 Armoured Division દ્વારા હુમલો થયો હતો. ચોથો મોરચો, છમ્બ-જૌડિયાં – અખનૂર

પર, જેના પર તેમણે જ હુમલો કર્યો હતો. પાંચમો મોરચો સિયાલકોટ ક્ષેત્રમાં – આપણી

1st Armoured Division દ્વારા, જેમાં આપણે પહેલ કરી હતી. આનું શ્રેય કોઇને આપવું

હોય તો તે સૌ પ્રથમ આપણા વડા પ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને, તથા તેમના હુકમને

સફળતાના પંથે પહોંચાડનાર લેફ્ટેનન્ટ જનરલ હરબક્ષ સિંહને. તેમના વિશે વાત કરીશું

૧૯૬૫ના યુદ્ધના સર્વાંગીણ વિશ્લેષણમાં – આગળ જતાં. આ વાતો અગાઉના બ્લૉગમાં

કે “જિપ્સીની ડાયરી” પુસ્તકમાં પણ કરવામાં આવી નહોતી. હાલ પૂરતું તો વર્ણન

કરીશું ચવિંડાના યુદ્ધનું.

    પાકિસ્તાનની સેનાએ આપણી સેનાને રોકવા પ્રથમ ફિલ્લોરા અને ત્યાર બાદ ચવીંડામાં 

રક્ષાપંક્તિ બનાવી હતી. આપણે આક્રમણ કરી રહ્યા હતા. ગયા અંકમાં જોયું કે આર્મર્ડ 

બ્રિગેડના રિસાલા પુના હૉર્સ તથા હડસન્સ હૉર્સની સાથે લૉરીડ બ્રિગેડની અમારી 

ગોરખા અને જાટ બટાલિયને ફિલ્લોરાની રક્ષાપંક્તિ પર હુમલો કરીને જીત હાંસલ 

કરી હતી. આ બન્ને રેજિમેન્ટના ઘણા સૈનિકો મૃતક/ઘાયલ થયા હતા તેથી ચવીંડા 

પર હુમલો કરવા માટે આપણી આર્મર્ડ બ્રિગેડના 17 Poona Horse, તથા

4 Horse (Hodson’s)ની સાથે અમારી લૉરીડ ઇન્ફન્ટ્રી બ્રિગેડની 8મી ગઢવાલ

રાઇફલ્સને મોકલવામાં આવી. સાથે સાથે આપણી 6th માઉન્ટન ડિવિઝન તથા

14th ઇન્ફન્ટ્રી ડિવિઝન હતી. ભારતીય સેનાને મળેલી માહિતી મુજબ ચવીંડામાં

આપણો સામનો કરવા પાકિસ્તાનની છઠી આર્મર્ડ ડિવીઝનના ચાર રિસાલા 

– 20th લાન્સર્સ, 25th કૅવેલ્રી તથા ૩૧ અને ૩૩મા ટૅંક ડીસ્ટ્રોયર યુનિટ્સ (TDUs) 

આવી પહોંચ્યા હતા. તેમને સાથ આપવા તેમની ૮મી ઇન્ફન્ટ્રી ડિવિઝન આવી પહોંચી

હતી – જેમાં તેમના કૂલ ૧૫૦૦૦ જેટલા સૈનિકો હતા.

    ૧૪મી સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ થયેલું ચવીંડાનું યુદ્ધ ભારત-પાકિસ્તાનના 

ઇતિહાસમાં વિશીષ્ઠ સ્થાન ધરાવે છે. ૧૯૬૫ના યુદ્ધની પરાકાષ્ટા સમાન આ લડાઇમાં

બન્ને પક્ષે વીરતાની ઘણી વાતો બહાર આવી. તેમાં ભારતીય સેનાના સિયાલકોટ

મોરચા પર આપણા અફસરો અને સૈનિકોએ દાખવેલા અપ્રતિમ શૌર્ય અને બલિદાનના

પ્રસંગો ૧૯૬૫ની લડાઇના કાશ્મિર મોરચા પર અદ્વિતિય ગણાયા છે. 

    જુના જમાનામાં કોઇ સેના આક્રમણ કરે તો સૌ પ્રથમ તેના ઘોડેસ્વાર સૈનિકો ધસી જતા.

તેમની પાછળ પાછળ દોડીને જતા પાયદળના સૈનિકો. આ ક્રમનું રૂપાંતર થયું તે ઘોડેસ્વાર

રિસાલાના સ્થાને ટૅંક્સ આવી. જુના જમાનાની ઘોડેસ્વાર રેજિમેન્ટ્સને બીજા વિશ્વયુદ્ધમાં

ટૅંક આપવામાં આવી, જો કે રેજિમેન્ટનાં નામ એ જ રહ્યા. 17th Poona Horse, Hodson’s

Horse (જે 4 Horseના નામે ઓળખાય છે), 2 Lancers (જે ગાર્ડનર્સ હૉર્સ કે સેકન્ડ રૉયલ

લાન્સર્સના નામથી પણ જાણીતી છે, જેના સૌથી પહેલા ભારતીય કમાંડિંગ ઑફિસર

જામનગરના મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી, DSO, હતા!). આ ત્રણે રિસાલાઓએ

ચવિંડાના હુમલામાં ભાગ લીધો હતો.

    આ હુમલામાં સૌથી મોખરે હતી ગુજરાતી ભાષી કર્નલ અરદેશર (અદી) બરજોરજી

તારાપોરની 17 Poona Horse. તેમને સાથ આપી રહી હતી 8 Garhwal Rifles- જેના

કમાંડિંગ ઑફિસર હતા મરાઠી ભાષી યહુદી અફસર કર્નલ જેરી જેરાથ. મરાઠી ભાષી

યહુદી કહેવાનું કારણ ઐતિહાસિક છે, જેમનો ઇતિહાસ પણ પારસીઓ જેવો જ રસપ્રદ

છે જેના વિશે કોઇ વાર વાત કરીશું.

    ચવિંડામાં ભારે હિંસક લડાઇ થઇ. જેમ અશ્વોને નામ અપાય છે, તેમ કર્નલ તારાપોરની

ટૅંકને પણ નામ હતું -‘ખુશાબ’. ભારત-ઇરાન વચ્ચે ૭ ફેબ્રુઆરી ૧૮૫૭ના રોજ ખુશાબ

નામના યુદ્ધક્ષેત્રમાં થયેલી લડાઇમાં આ રેજિમેન્ટે અતૂલ્ય વીરતા દર્શાવી હતી જેનું Battle

Honour Khushab તેમને અપાયું હતું. તેની યાદગિરીમાં કર્નલ તારાપોરની ટૅંકને આ નામ

અપાયું હતું. ચવિંડામાં ‘ખુશાબ’ની અગ્રેસરતામાં પાકિસ્તાનની ૧૧ પૅટન ટૅંક્સનો પુના હૉર્સે

સંહાર કર્યો. કર્નલ તારાપોર બુરી રીતે ઘાયલ થયા હતા, અને તેમને તેમના બ્રિગેડ કમાંડરે

હુકમ કર્યો કે સેકન્ડ-ઇન-કમાંડને રેજિમેન્ટનો ચાર્જ સોંપી તેઓ સારવાર માટે પાછા ફરે.

“મારા ઘણા સ્વાર જખમી થયા છે, જેમાંથી એક પણ સારવાર લેવા પાછળ જવા તૈયાર

નથી. સૌ પોતપોતાના ઘા પર ઍન્ટિસેપ્ટિક ફિલ્ડ ડ્રેસિંગ લગાવીને આગેકૂચ કરવાની

રજા માગી રહ્યા છે, હું તેમની સાથે જઇ રહ્યો છું,” કહી કર્નલ તારાપોર મુખ્ય સેનાથી

માઇલો આગળ બુટૂર ડોગરાં’દી નામના ગામમાં પહોંચી ગયા અને તેના પર હુમલો

કરીને કબજો કર્યો. અત્યંત જખમી હાલતમાં હતા અને ટૅંકમાં બેસીને અકડાઇ ગયેલા

કર્નલ ‘ખુશાબ’ બહાર નીકળ્યા. તેઓ પોતાના ઘા તપાસી રહ્યા હતા ત્યાં તેમના એક

સૈનિકે તેમના માટે સફેદ મગમાં ચા બનાવીને આપી. ‘આભાર’ કહીને તેમણે એક

ઘૂંટડો લીધો અને…  કમભાગ્યે આ ગામમાં દુશ્મનનો FOO સંતાયો હતો. તેણે આ

‘અમૂલ્ય’ તકનો લાભ લીધો અને ‘ખુશાબ’ પર તેમની આર્ટિલરીના ગોળા વરસાવ્યા.

કર્નલ તારાપોર ત્યાં જ ઢળી પડ્યા. કોણ જાણે તેમને પોતાના મૃત્યુની પૂર્વ સૂચના મળી

હતી, એક દિવસ પહેલાં જ તેમણે તેમના સેકન્ડ-ઇન-કમાંડને કહ્યું હતું, “જો આ લડાઇમાં

હું કામ આવી જઉઁ તો મારો અગ્નિસંસ્કાર કરાવજો. અમારા પરંપરાગત પારસી

રિવાજ મુજબ નહીં.”

લેફ્ટેનન્ટ કર્નલ તારાપોર

કર્નલ તારાપોરને ભારતીય સેનાના યુદ્ધમાં અપાતું પરમોચ્ચ શુરવીરતાનું પદક 

પરમ વીર ચક્ર મરણોપરાંત અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

    યુદ્ધ ચાલતું હોય ત્યારે ટૅંક રેજિમેન્ટ તથા તેમના ઘટક – જેને સ્ક્વૉડ્રન કહેવામાં આવે છે,

તેમની સાથે ઇન્ફન્ટ્રીની ટુકડીઓ જોડવામાં આવે છે. ટૅંક્સ દુશ્મનની હરોળને નષ્ટ કરી શકે,

પણ જ્યાંથી દુશ્મનને હઠાવવામાં આવે છે, તે જમીન પર મોરચાબંધી કરી તેનું રક્ષણ કરવાની

જવાબદારી ઇન્ફન્ટ્રીની હોય છે. આ ઉપરાંત રાતના સમયે ટૅંક્સ છુટી છવાઇ રાખી શકાતી

નથી. તેના ઘણાં કારણ હોય છે, જેમાંનું મુખ્ય કારણ છે તેમની સુરક્ષા. એક ટૅંકમાં ત્રણ

થી ચાર સૈનિકો હોય છે, જેમાં એક ટૅંક કમાંડર, એક ચાલક, એક તોપ ચલાવનાર અને

એક તોપની ચૅમ્બરમાં ગોળો ચઢાવનાર સૈનિક. હોય છે. ત્રણ ટૅંકના સમૂહને ‘Troop’

કહેવાય છૈ અને તેના કમાંડર સેકન્ડ લેફ્ટેનન્ટ કે કૅપ્ટન હોય છે. બાકીની બે ટૅંક્સનો કમાંડ

એક રિસાલદાર કે નાયબ રિસાલદાર અને એક સિનિયર દફેદાર પાસે હોય છે. આમ એક

ટ્રુપમાં કેવળ બાર જેટલા સૈનિકો હોય છે. રાતના સમયે દુશ્મનની ટૅંક્સનો રિકૉઇલલેસ

રાઇફલ કે stream grenadeથી ધ્વંસ કરવા માટે ખાસ ટુકડીઓ – જેને Tank Hunting

Party કહેવામાં આવે છે, તેમના રક્ષણ માટે ઇન્ફન્ટ્રીની ટુકડીઓને  તહેનાત કરવામાં આવે

છે. 17 Poona Horseની સાથે 8 ગઢવાલ રાઇફલ્સને સંલગ્ન કરવામાં આવી હતી.

કર્નલ તારાપોરની સાથે તેમની તથા બાકીની સ્કવૉડ્રન સાથે ગઢવાલી

સૈનિકોની ટુકડીઓ હતી. 

    ૧૬મી સપ્ટેમ્બર ૧૯૬૫. કર્નલ જેરથને પુના હૉર્સની બે સ્કવૉડ્રન સાથેે ચવિંડા પર

વહેલી સવારે હુમલો કરવાનો હુકમ મળ્યો. કર્નલ જેરથ આ લક્ષ્યની નજીક પહોંચ્યા અને 

હુમલો કરવાનો હુકમ આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ડિવિઝન હેડક્વાર્ટરથી

હુકમ મળ્યો કે ચવિંડા પર હુમલો કરવાને બદલે ચવિંડા અને પસરૂર શહેરને જોડતી

ધોરી સડક પર આવેલા બુટુર ડોગરાં દી પર હુમલો કરવો અને આ ધોરી સડક પર

કબજો કરવો. આમ કરવાથી લાહોર સુધીનો રસ્તો આપણી સેનાના હાથમાં આવે. 

બુટુર ડોગરાં દીમાં શત્રુની એક બ્રિગેડ – ત્રણ બટાલિયનો હતી અને ત્યાંની રક્ષા

પંક્તિ મજબૂત હતી. વળી તેને વધુ શક્તિશાળી કરવા પાકિસ્તાનની 25 Cavalryની

પૅટન ટૅંક્સની એક સ્ક્વૉડ્રન હતી. કર્નલ જેરથે હુમલો શરૂ કરતાં જ તેમના પર ભારે

માત્રામાં તોપના ગોળા વરસાવા લાગ્યા. એક ગોળો સીધો તેમની નજીક પડ્યો અને

તેમના બન્ને પગ કપાઇ ગયા. જમીન પર પડતાં પડતાં તેમણે તેમના જમણા ખભા પરનો

રક્ત રંજિત Lanyard – કાઢી, હાથમાં રાખી જે ઉંચે ફરકાવ્યો અને બૂમ પાડીને કહ્યું,

“યહ રસ્સીકી શાન કે લિયે કુરબાન હોને સે બઢ કર કોઇ ઔર બાત નહીં હોતી…”

 સેનાપતિ પોતે જ ઘાયલ થાય તેની ખબર સર્વત્ર ફેલાતી હોય છે. સૈનિકોને આઘાત લાગે

પણ તેની બે પ્રકારની પ્રતિક્રિયા થઇ શકે છે. પહેલી અસર પાણીપતના બીજા અને ત્રીજા

યુદ્ધમાં થઇ તેવી. પાણીપતના બીજા યુદ્ધમાં દિલ્હીના સમ્રાટ હેમુ વિક્રમાદિત્ય,

જેઓ હાથી પર બેસી આક્રમણકારી જલાલ-ઉદ્દીન મોહમ્મદ અકબર સામે યુદ્ધનું

મોખરા પર સંચાલન કરી રહ્યા હતા અને જીતના આરે હતા, ત્યારે અચાનક એક

બાણ તેમની આંખમાં વાગ્યું અને તેઓ બેભાન થઇને ઢળી પડ્યા. તેમને પડેલા

જોઇ તેમના સૈનિકોનું મનોબળ ભાંગી પડ્યું અને ભારતનો ઇતિહાસ બદલાઇ ગયો.

તે જ રીતે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સેનાપતિ સદાશિવરાવ ભાઉ અને પેશ્વાના

પુત્ર વિશ્વાસ રાવ ઘાયલ થઇને પડ્યા, અને મરાઠા સૈન્યનું મનોબળ ભાંગી પડ્યું હતું. 

    વર્ષો  વિત્યા. ભારતીય સેનાની વિચારધારા અને રણનીતિ બદલાઇ. મરણમુખે

આવેલ સેનાપતિ પોતાના સૈનિકોને અંતિમ ક્ષણ સુધી લડી લેવા ઉત્સાહ વધારતા

હોય છે. તેમનું સૈન્ય આહત સેનાપતિના બલિદાનનો બદલો લેવા ત્યારે જ અંતિમ

પરિણામ સુધી લડી લેતા હોય છે. 

લેફ્ટેનન્ટ કર્નલ જેરથ

કર્નલ જેરથે જે ‘રસ્સી’ની વાત કરીને ગઢવાલીઓનો ઉત્સાહ વધાર્યો તે હતું તેમના

જમણા ખભા પર પહેરાતું Lanyard. ભારતીય સેનાના યુનિફૉર્મમાં લેન્યાર્ડ – રસ્સી -નું મહત્વ

સૈનિકોને મળતા બહાદુરીના  ઇલ્કાબ જેટલું જ મહત્વનું હોય છે. સામાન્ય રીતે લેન્યાર્ડ

ડાબા ખભા પર પહેરવામાં આવે છે. કેવળ કેટલીક જ રેજિમેન્ટ્સ, જેમની યુદ્ધમાં

પરંપરા કેવળ અને કેવળ બહાદુરીની પરાકાષ્ઠાની રહી છે, જેને તેમના રાજકર્તા

તેમની અંગત  ‘શાહી’ – Royal – રેજિમેન્ટ’ તરીકે જાહેર કરી હોય, તેમને જ આ

લૅન્યાર્ડ જમણા ખભા પર પહેરવાનો અધિકાર આપવામાં આવે છે. જિપ્સીની

માહિતી પ્રમાણે ભારતીય સેનાની ઇન્ફન્ટ્રીમાં આ બહુમાન કેવળ ત્રણ રેજિમેન્ટ્સને

આપવામાં આવેલ છે, જેમાં ગઢવાલ રેજિમેન્ટ અગ્રસ્થાન પર છે. 

    દુશ્મનનો બૉમ્બ કર્નલ જેરથની એટલો નજીક પડ્યો હતો કે તેમના બન્ને પગ

કપાઇને જુદા થઇ ગયા હતા. કેટલી યાતના થતી હશે તેની કલ્પના જ ન થઇ શકે, પણ 

તેમણે પોતાનું લૅન્યાર્ડ ખેંચી કાઢ્યું, અને હાથમાં લઇ હાથ ઉંચો કર્યો અને આસપાસ

રહેલા જવાનોને કહ્યું, “યહ રસ્સીકી શાનકી ખાતિર લડને જૈસી ગૌરવકી બાત ઔર કોઇ

નહીં હો સકતી,” અને ગઢવાલ રેજિમેન્ટનો યુદ્ધઘોષ કર્યો, “બોલો બદરી વિશાલ-લાલ કી

જય”! અને બેભાન થઇ ગયા.

    બટાલિયને શત્રુ પર જબરજસ્ત આક્રમણ શરૂ કર્યું. બટાલિયનનો કમાંડ હવે

કર્નલ જેરથના ઉપસેનાપતિ મેજર અબ્દુલ રફી ખાનના હાથમાં હતો. તેમની

આગેવાની હેઠળ ગઢવાલી સૈનિકોએ તેમની સામે ફ્રન્ટિયર ફોર્સ તથા તેમની સહાયે

ગયેલ ૧૦મી કૅવેલ્રીની ટૅંક્સ પર હુમલો શરૂ કર્યો. ટૅંકની ઉપરનું ચઢી, તેના cupolaનું

ઢાંકણું (hatch) ખોલી, તેમાં ગ્રેનેડ નાખી અંદરના શત્રુ તથા ટૅંકના એન્જિનને નષ્ટ કર્યા. 

    હવે પાકિસ્તાની સેનાની એક મોટી સેના – Corpsનું તોપખાનું ત્યાં આવી પહોંચ્યું

હતું. કૂલ લગભગ ૧૦૦થી વધુ હૉવિત્ઝર શ્રેણીની ૧૦૫ મિલિમિટરના નાળચાવાળી

તોપ. તેમણે આખા ચવિંડાના મોરચા પર ગોળા વિંઝવાનું શરૂ કર્યું. બટાલિયનનો

હુમલો કરવા આગળ વધી રહેલ મેજર અબ્દુલ રફી ખાન આ તોપના       

મેજર અબ્દુલ રફી ખાન, VrC

ગોળાના વરસાદમાં શહીદ થયા. તેમની સાથેના સિપાહી બલબીરસિંહ બિષ્ટથી 

સહન ન થયું. તેણે રિકૉઇલલેસ રાઇફલ  ઉઠાવી તે ટૅંક પર રૉકેટ ચલાવીને તેને

ઉડાવી. નજીકની એક ટૅંકે આ જોયું અને બલબીરસિંહ પર મશિનગનનો મારો

કર્યો જેમાં તે શહીદ થયો. ગઢવાનું શૌર્ય ગજબનું હતું. તેમના કાનમાં તેમના કર્નલના

શબ્દો ગુંજતા હતા. બુટુર ડોગરાં દીની લડાઇમાં ૪૮ ગઢવાલી સૈનિકોએ પરમોચ્ચ

બલિદાન આપ્યું. ૧૯૬૫ની લડાઇમાં આ કેવળ એક જ ઉદાહરણ છે કે કેવળ એક

બટાલિયનમાં ઘાયલ થયેલા સૈનિકો કરતાં બલિદાન આપનાર સૈનિકોની સંખ્યા

વધુ હતી. બટાલિયનને Battle Honour Butur Dogran-di એનાયત કરવામાં

આવ્યું. બટાલિયનનો ઉત્સાહ પણ કેવો! હાથોહાથની લડાઇમાં તેઓ દુશ્મનની

હરોળની પાછળ પહોંચી ગયા હતા, જેના કારણે દુશ્મન પણ ચોંકી ગયા હતા. તેમ

કરવામાં તેઓ આપણી મુખ્ય સેનાથી જુવ અળગા પડી ગયા હતા. તેમને પાછા

વળવાનો આદેશ આપવામાં આવ્યો.

    યુદ્ધનો આ અંતિમ હિસ્સો ગણાયો. ચવિંડા પર કબજો ન થયો, પણ આપણી

સેના સિયાલકોટથી કેવળ ૭ કિલોમિટર દૂર સુધી પહોંચી હતી અને તેની નજીકનું

અલહર સ્ટેશન સર કર્યું હતું.

    પાકિસ્તાનના પ્રસિદ્ધી ખાતાએ આ યુદ્ધ વિશે સાવ જુદી વાત કહી છે. તેમણે

જાહેર કરેલી વાતો  – જેમાંની મોટા ભાગની અતિશયોક્તિ ભરેલી છે. જે આગળ

જતાં આપીશું. તેમ છતાં એટલું તો આપણે જરૂર સ્વીકારવું જોઇશે કે આપણી

શક્તિશાળી 1 Armoured Divisionની આગેકૂચને ચવિંડામાં રોકી.

    અહીં એક વિડિયો રજુ કરીએ, જેમાં 17 Poona Horseની આ લડાઇ

વિશે કેટલીક માહિતી મળશે.

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-ફિલ્લોરા

સૌજન્યઃ નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Thursday, July 22, 2021

ફિલ્લોરા

    ૧૯૩૯-૪૪માં થયેલા બીજા વિશ્વયુદ્ધ બાદ જગતના ઇતિહાસમાં સૌથી ભયંકર ટૅંક યુદ્ધ

ફિલ્લોરામાં થયું હતું. અહીં ભિડાઇ હતી પાકિસ્તાનની 6 Armoured Division, જેમની

પાસે હતા આધુનિક યંત્રણા અને હથિયારોથી સજ્જ થયેલ પૅટન તથા  ચૅફી ટૅંક  અને

ઇન્ફન્ટ્રી પાસે જીપ પર ચઢાવેલ ભારે RCL (રિકૉઇલ-લેસ) ગન, જેના ખાસ પ્રકારના

ગોળા આપણી ટૅંકને ભેદી શકે. તેમની સામે હતી ભારતની 1 Armoured Division

જેમની પાસે સેન્ચ્યુરિયન તથા જુની શર્મન ટૅંક્સ હતી.

    ભારતીય સેના માટે ફિલ્લોરા પર કબજો કરવાનું કારણ એ હતું કે ત્યાંથી ઉત્તરમાં

સિયાલકોટ તરફ અને પશ્ચિમમાં લાહોર પર કબજો કરી શકાય એવી પરિસ્થિતિ ઉભી

કરવી. આ સ્થિતિને ટાળવા પાકિસ્તાનની સેના, જે અખનૂર પાસેના ચિનાબ નદી

પરના પૂલ પર, અને ત્યાંથી જમ્મુની દક્ષિણનો ધોરી માર્ગ કબજે કરી કાશ્મિરને

ભારતથી અલગ કરવાની યોજના કરી રહી હતી, તેને ત્યાંથી પાછા ફરી

સિયાલકોટ-પસરૂર-લાહોરનું રક્ષણ કરવા માટે જવું પડે. જ્યારે આપણી સેનાએ

રામગઢ થઇ ચરવાહ અને મહારાજકે વિસ્તાર પર કબજો કર્યો, તેમની સેનાને ઉપર

જણાવેલ વિસ્તારમાંથી પાછા આવી ફિલ્લોરા તથા તેની ઉત્તરમાં આવેલ ચવિંડાના

ચાર રસ્તા પર મોરચાબંધી કરવાની ફરજ પડી. 

   ફિલ્લોરા ગામ પાકિસ્તાનના સિયાલકોટ શહેરથી 25 કિલોમિટર દક્ષિણમાં આવેલ છે.

તેના પર સંયુક્ત હુમલો કરવાની જવાબદારી  કર્નલ અરદેશર તારાપોરની 17 Horse

(જે પુના હૉર્સના નામે પ્રખ્યાત છે) તથા 4 Horse – જે ‘હડસન્સ હૉર્સ’ ના નામે જાણીતી

છે, તેમને તથા ઇન્ફન્ટ્રી (પાયદળ)માં અમારી 5/9 ગોરખા રાઇફલ્સ તથા 5મી જાટ

બટાલિયનને સોંપવામાં આવી. 

    ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૫ની વહેલી સવારે પુના હૉર્સ અને હડસન્સ હૉર્સની તોતીંગ

સેન્ચ્યુરીયન ટૅંક્સના ગડગડાટ ભર્યા અવાજમાં તેમની સાથે મારા વાહનોમાં સવાર

થયેલા ગોરખાઓને લઇ અમે ધસી ગયા. સામે તૈયાર બેઠેલી તેમની ટૅંક્સ તથા

ઇન્ફન્ટ્રીની રિકૉઇલલેસ ગનની ગોલંદાજી સામે એક તરફ ટૅંક યુદ્ધ શરૂ થયું, અને

સાથે સાથે તેમની બલોચ, ફ્રન્ટિયર ફોર્સ તથા પંજાબ રેજિમેન્ટના લડવૈયાઓ સામે

જયઘોષની ગર્જના થઇ : ગોરખા બટાલિયનની  “જય મહાકાલી – આયો ગોરખાલી”

અને બીજી પાંખ પર જાટ રેજિમેન્ટનો યુદ્ધ નિનાદ  “જાટ બલવાન-જય ભગવાન”ના

નારાથી રણ મેદાન ગાજી ઉઠ્યું. અમારાં વાહનોમાંથી ઉતરીને કતારબદ્ધ થયેલા

ગોરખાઓ દુશ્મનની તોપની બૉમ્બવર્ષામાંથી આગળ વધી ખાઇઓમાં ઉભા રહીને

કાતિલ લાઇટમશીન ગન તથા બ્રાઉનીંગ મીડિયમ મશીનગનથી ગોળીબાર કરી રહેલ

શત્રુ પર ધસી ગયા. તેમના ગોળીબારમાં આપણા ઘણા યોદ્ધાઓ વીર થયા, ઘાયલ થયા,

પણ અંતિમ લક્ષ્ય પરથી કોઇની નજર હઠી નહિ. ટૅંકોની તોપોની ધણધણાટી, તેના પાટા

નીચેથી ઉડતી ધૂળ, કાળભૈરવના સેંકડો મુખમાંથી નીકળતા ક્રુર અને ખડખડાટ હાસ્યનો

આભાસ કરાવતા હોય તેવા મશીનગનના ગોળીબારના અવિરત ધ્વનિમાં ઠેર ઠેરથી સામુહિક

ગર્જના સંભળાતી હતી “આયો ગોરખાલી”! દુશ્મન પર ધસી જતા આપણા સૈનિકો ગોળી

વાગતાં ધરા પર પડતા હતા, પણ ઘસડાતા જઇને દુશ્મનની ખાઇમાં હાથગોળા

(ગ્રેનેડ) ફેંકવા આગળ વધતા હતા.

     દુશ્મન પર “ચાર્જ” કરતી વખતે (ધસી જવાના સમયે) જમીન પર પડતા સૈનિકને તે

ઘડીએ ઉઠાવવા કોઇ રોકાય નહિ. તેમના સાથીઓનું કામ હોય છે કેવળ ખાઇ (ટ્રેન્ચ)માં

બેસી અમારા પર રાઇફલ અને મશીનગનથી ગોળીઓનો મારો કરી રહેલ દુશ્મનને

તેની ખાઇમાંજ ખતમ કરવાનું. 

     તેમની ટૅંકોની એક બ્રિગેડ (૧૨૦ જેટલી ટૅંક્સ) આપણો હુમલો નાકામ કરવા તથા

પોતાના પાયદળના સૈનિકોનું રક્ષણ કરવા તૈયાર હતી. પૅટન ટૅંક આધુનિક શસ્ત્ર-સામગ્રીથી

સજ્જ હોવા છતાં આપણી સેન્ચ્યુરિયન ટૅંક્સના યુવાન અફસરો તથા અનુભવી JCOsની

ટ્રેનિંગ તથા નિશાનબાજી અચૂક હતી.  આ લડાઇમાં ટૅંકની સામે ટૅંક એક બીજા પર

ગોળા વરસાવતી હતી. અંતે આપણા સૈનિકોનો આત્મવિશ્વાસ, હિંમત, અનુભવ અને

પ્રશિક્ષણ વધુ પ્રભાવશાળી નિવડ્યો. આ ઘમસાણ યુદ્ધમાં ભારતની ૧૫૦ – ૨૦૦ વર્ષની

જુની પરંપરાગત શૌર્યગાથા ધરાવતી ‘પુના હૉર્સ’ અને ‘હડસન્સ હૉર્સ’ના સવારોએ

આ લડાઇમાં પાકિસ્તાનની ૬૦ જેટલી ટૅંક્સ ધ્વસ્ત કરી. તેની સામે આપણે ૬ સેન્ચ્યુરિયન 

ટૅંક્સ ગુમાવી. હાથોહાથની લડાઇમાં ગોરખા તથા જાટ સૈનિકોએ તેમની સામેના

પાયદળની સંગિન મોરચાબંધી પર ધસી ગયા. અમારી ગોરખા રેજિમેન્ટનો ‘ચાર્જ’

જોવા જેવો હતો. ગોરખા સૈનિકો ડાબા હાથમાં રાઇફલ અને જમણા હાથમાં ખુલ્લી

ખુખરી વિંઝતા  “આયો ગોરખાલી”ની ત્રાડ પાડી તેમની ખાઇઓ પર ધસી ગયા.

અમારી બાજુના flank (પડખા)માં રહેલા દુશ્મન પર રાઇફલ પર બૅયોનેટ ચઢાવીને

ધસી રહ્યા હતા જાટ સૈનિકો. જોતજોતામાં પર્તિસ્પર્ધીને પરાજિત કરી અમે ફિલ્લોરા

ગામની સીમમાં મોરચાબંધી કરી..

    વિશ્વની સૈનિક પરંપરામાં જે રણભૂમિ પર વિજય ગાથા લખનાર રેજિમેન્ટને

માન-ચિહ્ન અપાય ચે – જેને Battle Honour કહેવામાં આવે છે. આ યુદ્ધમાં 5/9 GR

(નવમી ગોરખા રેજિમેન્ટની પાંચમી બટાલિયન)ને તથા જાટ રેજિમેન્ટની પાંચમી

બટાલિયનને ‘Battle Honour Phillora’ ના બહુમાનથી વિભૂષિત કરવામાં આવી.

    ત્યારથી દર વર્ષે ૧૧મી સપ્ટેમ્બરના રોજ પાંચમી જાટ અને 5/9 ગોરખા બટાલિયન

Phillora Day ઉજવે છે. શહિદોને અંજલી આપે છે. તે દિવસે યોજાતા “બડા ખાના”માં

અફસરો અને જવાનો એક સાથે ભોજન કરી તે દિવસનો ઉત્સવ ઉજવે છે.  

9th Gorkha Rifles - Wikipedia
5/9 ગોરખા રાઇફલ્સનો કૅપમાં લગાવવાનો બૅજ

    આવતા અંકમાં આ રણક્ષેત્રમાં ખેલાયેલ બીજા યુદ્ધની – ચવીંડાની

લડાઇની વાત કરીશું.   
Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી- યુદ્ધ, યોદ્ધા અને યુદ્ધબંદી!

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Wednesday, July 21, 2021

યુદ્ધ, યોદ્ધા અને યુદ્ધબંદી!

    અમારી બ્રિગેડનું પ્રથમ લક્ષ્ય હતું ચરવાહ નામનું ગામ. અહીં પાકિસ્તાનની સેના

બે રીતે અમારૂં સ્વાગત કરવા તૈયાર હતી. યુદ્ધ પ્રણાલીમાં આને classical scenario

કહી શકાય. રક્ષણ કરવા સુરક્ષિત ખાઇઓ ખોદી, તેમાં સાબદા બેઠેલા સૈનિકો તેમના

પર હુમલો કરવા આવનાર સેનાને મરણીયા થઇને રોકવા તૈયાર બેઠા હોય છે. આ

ખાઇઓ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે સામાન્ય નજરે જોઇ ન શકાય.

આ ખાઇઓ પર ઘાસ, ઝાંખરા, વેલા અને પત્થર એવી રીતે ગોઠવવામાં આવે છે –

જેને camouflage કહેવામાં આવે છે, જેથી આગંતુક સેનાને એવું લાગે કે આ

સામાન્ય વિસ્તાર છે, અને ત્યાં આસાનીથી જઇ શકાય. તેથી આગેકૂચ કરનાર સૈનિક

સહેજ અસાવધ રહે અને જેવા તેઓ ખાઇમાં બેસેલા સૈનિકોના હથિયારની rangeમાં

આવે, તેમની આગેકૂચ રોકીને શકે. તેમના સંરક્ષણમાં વધારો કરવા બીજી પણ તૈયારી

કરવામાં અવે છે. જ્યાં હુમલો થવાની આશંકા હોય, ત્યાં અગાઉથી આ તૈયારી થાય,

જેમાં ખાઇથી ૫૦૦ આગળના વિસ્તારમાં આર્ટિલરીના ગોળા વરસાવવા માટેની

યોજના. તેમાંથી પણ આગળ વધી જનાર સૈન્યને રોકવા ખાઇઓની સામે માઇનફિલ્ડ

બિછાવવામાં આવે છે. છેલ્લે મોરચાબંધી કરીને બેસેલા સૈનિકો તેમના હથિયાર

સાથે તૈયાર હોય. 

    અમારી ડિવિઝને જે Front પરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો, તે વિસ્તારમાં

તેમની સેનાએ કોઇ પૂર્વ તૈયારી કરી નહોતી. તેથી ત્યાં  માઇનફિલ્ડ નહોતાં, પણ

તેમની આર્ટિલરી અને ઇન્ફન્ટ્રીને ત્યાં મોકલી ઉતાવળે જ મોરચાબંધી કરી હતી.

વળી આ વિસ્તારમાં ઉઁચા વૃક્ષ હતા અને ગામડાંઓમાં ગીચ વસ્તી હતી. આ

જગ્યાઓમાં તેમના FOO છુપાયા હતા અને અમારા પર સચોટ અને

અસરકારક ગોળા વરસાવી રહ્યા હતા. 

    ડિવિઝનની આગેકૂચમાં તે સમયે મોખરા પર હતી ગઢવાલ રાઇફલ્સની આઠમી

બટાલિયન. ઘમસાણ યુદ્ધ થયું. બન્ને પક્ષે યોદ્ધાઓ પોતાનું શૌર્ય બતાવી રહ્યા હતા.

આપણે ત્યાં સામાન્ય રીતે એવું મનાય છે કે પાકિસ્તાનના સૈનિકો સામે યુદ્ધ

સહેલાઇથી જીતી શકાય છે. આ માન્યતા બરાબર નથી. અમે પ્રત્યક્ષ જોયું છે કે

તેમના સૈનિકો સુદ્ધાં છેલ્લી ગોળી – છેલ્લા સૈનિક સુધી લડી લેવાની ક્ષમતા ધરાવે છે.

જે જોયું તેનું સવિસ્તર વર્ણન કરી શકાય નહીં; એટલું જરૂર કહીશ કે અમારી તરફ

રાઇફલ તાકીને બેસેલા તેમના મૃત સૈનિકોને જોયા છે, અને અમે અમારી સૈનિકોની

રીતભાત પ્રમાણે દુશ્મનોના પણ મૃત સૈનિકોને સૅલ્યૂટ કરી વંદન કરીએ અને અંતિમ

માન આપીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે બલિદાન વગર વિજય પ્રાપ્ત નથી થતો

અને યુદ્ધમાં તો કદી નહીં. 

   યુદ્ધની રણનીતિમાં જે ટુકડીઓ હુમલો કરવામાં અગ્રેસર હોય છે, તેમને હુમલો

પૂરો થતાં જખમપટ્ટી કરવા relieve કરવામાં આવે છે અને તેમના સ્થાને બીજી

ટુકડીઓ મોકલવામાં આવે છે. ચરવાહ ગામમાં થયેલી લડાઇમાં ગઢવાલ

રાઇફલ્સને ઘણું નુકસાન પહોંચ્યું હતું. અમે (એટલે ગોરખા રેજિમેન્ટે) તેમને રિલીવ

કરી ત્યારે તેમના અફસરોને મળ્યા. તેમના એક અફસરનો આબાદ બચાવ થયેલો જોોયો.

કૅપ્ટન સિંધુના લોખંડી ટોપા (હેલ્મેટ)નો ઉપરનો ભાગ તોપના ગોળાની કરચથી ઉડી

ગયો હતો. એકાદ ઇંચ નીચે આ કરચ લાગી હોત તો…સૈન્યમાં કહેવત છે : મારનેવાલે

કો દો હાથ હોતે હૈં. બચાને વાલે કે હજાર હાથ! શિરસ્તા પ્રમાણે અમે ગઢવાલ રેજીમેન્ટે

clear કરેલ ચરવાહ ગામથી આગળ ગયા અને ત્યાંની જમરૂખની વાડીમાં મોરચા

બાંધ્યા. રાત થઇ હતી અને અમે અમારી બ્રિગેડના મોબાઇલ સ્ટોરેજ, કિચન વિ.ના

વિસ્તાર – જેને B-Echelon Area કહેવાય છે, ત્યાંથી આવનાર ભોજનની ગાડીઓની

રાહ જોતા હતાં. લડાઇમાં રોજ રાતે ગરમ ભોજન અને બીજા દિવસના બ્રેકફાસ્ટ અને

લંચના પાર્સલ, તાજું પાણી, સૈનિકોની ટપાલ વિ. આવતા હોય છે. ત્યાં ખબર આવી કે

સવારે પાકિસ્તાની સેબર જેટે અમારા કૉલમની જે ગાડીઓ ઉધ્વસ્ત કરી હતી તેમાં

અમારા ‘ફીલ્ડ કિચન’ અને રાશનના કોઠારની ગાડીઓ હતી. વહેલી સવારે અમે કૂચ

કરી ત્યારે અમને ગરમ પૂરી-શાક નાસ્તામાં મળ્યાં હતા, અને સાથે બપોર માટે

‘પૅક લંચ’માં પરાઠાં અને સૂકી દાળ મળ્યા હતા. બસ, અમારી પાસે આટલું જ ભોજન હતું.

    નેપોલિયને કરેલું રણનીતિનું ચિરસ્મરણીય વાક્ય આજે પણ સત્ય છે: લશ્કર પોતાના

પેટ પર કૂચ કરતું હોય છે. (Army marches on its stomach!) યુદ્ધમાં આ પ્રકારનાં

વાહન બૉમ્બ વર્ષામાં નષ્ટ થાય તો તેની અવેજીમાં બીજા વાહનો તરત આપવામાં

આવે છે. અમને ખાતરી હતી કે બહુ બહુ તો એકાદ દિવસનું મોડું થશે, અને બીજા

દિવસની રાત સુધીમાં બીજા ટ્રક્સમાં લદાઇને ભોજન અને દારૂગોળો આવી જશે.

કમનસીબે પરિસ્થિતિ એવી થઇ કે નષ્ટ થયેલા ટ્રક્સની જગ્યાએ નવા ટ્રક્સ આવવામાં

વિલંબ થયો હતો. વળી તેમની આધુનિક તોપ અને સ્ટાર ફાઇટર વિમાનોએ અમારી

supply chain પર બુરી અસર કરી હતી તેથી પાંચ દિવસ સુધી અમને તાજું ભોજન

મળ્યું નહીં ! કૂચ કરવાના પહેલા દિવસે મળેલી પૂરી અને પરાઠા ત્રીજા દિવસે ચામડા

જેવી થઇ ગયા હતા. આ વખતે મેં સાથે લીધેલ દાલમોઠના ડબા મને યાદ આવ્યા.

પણ જ્યાં આખી ફોજ અન્ન-વિહીન હોય ત્યાં હું એકલો ખાવાનો વિચાર પણ કેવી

રીતે કરી શકું?

    આપણી જુની કહેવત છે કે લાખ મરજો પણ લાખોના તારણહાર ન મરજો.

અમારા સમયમાં બટાલિયનના કમાન્ડીંગ ઑફિસર (CO)ને જવાનો માઇબાપ કહેતા.

સીઓ એટલે ૧૦૦૦ સૈનિકોના પિતા, તારણહાર. હું મારી પાસે હતા એટલા

દાલમોઠના ડબા, રમની બાટલી વિ. લઇ અમારા CO કર્નલ ગરેવાલ અને 2IC મેજર

બાગચી પાસે ગયો અને આ વસ્તુઓ તેમને આપી. કર્નલ ગરેવાલે ઉર્મિભર્યા સ્વરે કહ્યું,

”તારી ભાવનાઓની હું અંત:કરણપૂર્વક કદર કરું છું. પણ આપણી આખી પલ્ટન ભૂખી

છે, ત્યાં હું આ નાસ્તો કેવી રીતે ખાઇ શકું? ”

    મેજર બાગચીએ કહ્યું, “નરેન, તારી આ ભેટને આ દિવસની યાદગીરી તરિકે

કાયમ માટે શો કેસમાં રાખીશ.”

    અમે બધાં જ ભુખ્યા રહ્યા.

***    ત્રીજા દિવસના પ્રસંગો મારા માટે અવિસ્મરણીય છે.અમારી બટાલિયનને

આર્મર્ડ બ્રિગેડની સાથે રહી ફિલ્લોરા નામના ગામ નજીકની કાચા રસ્તાની ચોકડી

પર કૂચ કરી રહી હતી. ખેમકરણ સેક્ટર તરફ જવા નીકળેલી પાકિસ્તાનની

૬ઠી આર્મર્ડ ડિવીઝનની ટૅંક્સને તેમણે અમારા સેક્ટરમાં વાળી, તે તથા ઇન્ફન્ટ્રીની

એક બ્રિગેડ અમારી રાહ જોઇને બેઠી હતી. તેમના પર હુમલો કરવા સૌ પ્રથમ અમને

મહારાજકે નામના ગામ પર કબજો કરી આગળના આક્રમણ માટે તૈયારી કરવાની

હતી. આ નાનકડા ગામમાં પાકિસ્તાનની સેનાએ મોરચાબંધી કરી હતી, પણ ઘમસાણ

લડાઇ બાદ પાકિસ્તાનની સેના હારી અને તેમને આ ગામ છોડવું પડ્યું. તેમની ‘અજેયતા’

પર ભરોસો રાખનાર મહારાજકેના ગ્રામવાસીઓ ગામમાં રોકાઇ રહ્યા હતા, પણ

તેમના ‘રક્ષક’ તેમને ભગવાન ભરોસે છોડી ગયા હતા. આપણા સૈન્યની ટૅંક્સનો

ભયાવહ અવાજ નજીક આવેલો સાંભળી ગામમાં  રહી ગયેલા સિવિલિયનો ગામ

છોડીને નજીકના શેરડીના ખેતરમાં છુપાઇ ગયા. ગામ પર અમે કબજો કર્યો ત્યારે

રાત હતી. સવારે જ્યારે અમે ગામને ‘ક્લિયર’ કર્યું અને આગળ પેટ્રોલિંગ કરવા

ટુકડીઓ મોકલી, તેમાંની એક ટુકડી આ ખેતરમાં ગઇ અને તેમાં છુપાયેલ ૩૦-૩૫

જણાંના ટોળાને શોધ્યું.  ટોળામાં હતી કિશોરીઓ, બાળાઓ,  મહિલાઓ અને

કેટલાક વૃદ્ધજનોને. પાકિસ્તાની સ્ત્રીઓ બીકથી એટલી ગભરાઇ ગઇ હતી કે તેમાંની

કેટલીક બહેનો થરથર કાંપતી હતી. ઘણી બહેનોની આંખોમાંથી આંસુની ધારાઓ

વહેતી હતી. હું ઍડમિનીસ્ટ્રેશન એરિયા કમાંડર હતો, તેથી તેમને મારી પાસે

લાવવામાં આવ્યા. મેં તેમને હિંમત આપીને  જ કહ્યું, “જુઓ, અમે ભારતીય સિપાહીઓ

છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર

સામે છે, તમારી સાથે નહિ. તમે ગભરાશો મા. લડાઇના આ વિસ્તારથી દૂર અમે નિર્વાસીતો

માટે કૅમ્પ બનાવ્યા છે, ત્યાં તમને હમણાં જ અમારી ગાડી લઇ જશે. અમારી પાસે

આપ બધા સુરક્ષિત છો.”
    આ સમૂહના આગેવાન ગામની પ્રાથમિક શાળાના પ્રૌઢ હેડમાસ્તર હતા.

આ સદ્ગૃહસ્થ ગળગળા થઇ ગયા અને કહ્યું, “અમારા અખબાર અને રેડિયો આપની

સેના વિશે  ગંદો પ્રચાર કરતા રહે છે. સિવિલિયનો અને સ્ત્રીઓ તો… સાચે જ અમે બહુ

ગભરાઇ ગયા હતા. ભારતી ફોજ શરીફ છે એવી મને ધારણા હતી, તેમાં આપ ખરા

ઉતર્યા છો. ખુદા આપને…” તેઓ આગળ કશું બોલી શક્યા નહીં.
    મેં આ લોકોને સાંબા જીલ્લાના કઠુઆ નામના ગામ પાસે આવેલા રેફ્યુજી

કૅમ્પમાં લઇ જવાની જવાબદારી મારા પ્લૅટુન હવાલદાર ઉમામહેશ્વરનને

આપી અને તરત જ તેમને રવાના કર્યા.

Posted by Capt. Narendra 

જિપ્સીની ડાયરી-પ્રખર થતું યુદ્ધ

સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે

જિપ્સીની ડાયરી

સામાન્ય પ્રવાસી – અસામાન્ય અનુભવો

Tuesday, July 20, 2021

પ્રખર થતું યુદ્ધ

   હવે યુદ્ધ ઉગ્ર થવા લાગ્યું હતું. તેમના હવાઇ હુમલાની સાથે સાથે તેમની આર્ટિલરી 

રેજિમેન્ટની તોપ પણ અમારા પર ગોળા વરસાવી રહી હતી. 

    અહીં કેટલાક ખુલાસા આવશ્યક છે. વાચકના મનમાં પ્રષ્ન થાય કે આપણા કે 

આપણા પ્રતિસ્પર્ધીની તોપને આગળ વધતા શત્રુને રોકવા ગોલંદાજી કરવી હોય 

તો તે કેવી રીતે કરે? કાર્ગિલ જેવી ફિલ્મોમાં આપે જોયું હશે કે તોપ ૨૦-૨૫

કિલોમિટર દૂરથી દુશ્મન પર ગોળા વરસાવતી હોય છે. આટલે દૂરથી તોપનો

ગોલંદાજ દુશ્મનને કેવી રીતે જોઇ શકે?  ‘અદૃશ્ય’ શત્રુ પર અંધાધૂંધ ગોલંદાજી 

કરવી અમેરિકા જેવા દેશને પણ ન પોષાય; તોપના એક-એક ગોળાની કિંમત 

હજારો રૂપિયા હોય છે. તેથી દરેક ગોળો બરાબર દુશ્મન પર જ પડે તે અત્યંત 

આવશ્યક હોય છે. 

    આ કાર્ય કરવા માટે તોપખાનામાં ખાસ પ્રશિક્ષણ પામેલ અફસર નીમવામાં 

આવે છે : Forward Observation Officer. (FOO). આ અફસર એકલા કે તેમના

કોઇ સાથી જોડે વાયરલેસ સેટ તથા તે વિસ્તારના નકશા લઇ દુશ્મનના પ્રદેશમાં 

કે દુશ્મનની આગેકૂચના માર્ગમાં કોઇ વૃક્ષ કે મકાનની 

છત પર અથવા જ્યાં camouflage કરીને ડૂંગરની કંદરામાં સંતાઇ, શક્તિશાળી દુરબિનથી દુશ્મનની હિલચાલ પર ધ્યાન રાખતા હોય છે. જેવા દૂશ્મનના

સૈનિકો તેમને દેખાય અને તે આપણી તોપના ફાયરિંગની rangeમાં આવે, તેમનું સ્થાન નકશામાં નોંધી, તેનો ‘ગ્રિડ રેફરન્સ’ વાયરલેસ દ્વારા તેમની  ૨૦-૨૫

કિલોમિટર દૂર સુરક્ષિત સ્થાનમાં છુપાવવામાં આવેલ આર્ટિલરી કમાંડરને આપે. તોપખાનાની છ તોપની ટુકડીને ‘બૅટરી’ કહેવામાં આવે છે, જેના કમાંડર 

મેજરની રૅંકના અફસર હોય છે. FOO તેમને શરૂઆતમાં એક-એક ગોળો ફાયર 

કરવાનો આદેશ આપે છે. પહેલો ગોળો સીધો દુશ્મન પર ન પડતાં આગળ-પાછળ

પડે, તો FOO બૅટરી કમાંડરને નિશાન બદલવાની સૂચના, જેમકે “૧૦૦ મિટર જમણી

કે ડાબી બાજુ” વિ. જણાવે. આ સૂચના મુજબ જ્યારે કોઇ ગોળો બરાબર દુશ્મન

પર પડે, ત્યારે FOO તેના બૅટરી કમાંડરને ‘બૅટરી ફાયર’નો હુકમ આપે, જેથી છએ

છ તોપ એકી સાથે ગોળા વરસાવવાનું શરૂ કરે. આ ક્રમ દુશ્મન ધ્વસ્ત થાય ત્યાં

સુધી ચલાવવામાં આવે છે.  

    હવે નકશાના ‘ગ્રિડ રેફરન્સ’ વિશે થોડી સમજુતી.

     દરેક દેશની સરકાર તેમના દેશની ઇંચે-ઇંચ જમીનનો નિષ્ણાત સર્વેયર,

ડ્રોન અથવા હવે સેટેલાઇટ દ્વારા અણીશુદ્ધ  (accurate) સર્વે કરાવતા હોય છે.

દરેક નકશા જુદા જુદા scaleના હોય છે અને દેશના વિવિધ ખાતાઓની

જરુરિયાત મુજબ વિશેષ માહિતીવાળા ખાસ નકશા બનાવવામાં આવતા હોય છે.

આનું ઉદાહરણ છે શાળાના ઍટલાસ, ભૌગોલિક, ખનિજ કે હવામાન દર્શાવતા 

નકશા. તેમાં મિલિટરી માટેના નકશાને Ordnance Survey Maps કહેવામાં 

આવે છે. આ ખાસ પ્રકારના નકશા હોય છે અને જાહેર જનતા માટે તે ઉપલબ્ધ નથી હોતા. સામાન્ય રીતે આ નકશાનો સ્કેલ ૧ ઇંચ = ૧ માઇલના ચોરસમાં હોય છે.

એટલે નકશામાંનો એક ચોરસ ઇંચ જમીન પરના એક ચોરસ માઇલને દર્શાવતો

હોય છે. ૨૦૦ કે ૪૦૦ ચોરસ ઇંચની કદના ક્ષેત્રીય નકશાને તથા તેમાંના દરેક

ચોરસને ખાસ નંબર અપાય છે. નકશા પરના દરેક ચોરસ માઇલમાં આવતા 

મંદિર, મોટાં વૃક્ષ (જેને survey tree કહેવાય છે), ઇદગાહ, શાળા, હૉસ્પિટલ 

વિ.ને વિશેષ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે ત્યાં ખેતર માટે થતા

સાત-બારના ઉતારામાં કે નકશામાં જે accuracy હોય છે, તેવી જ accuracy

આ ઑર્ડનાન્સ સર્વે મૅપમાં હોય છે. તેથી જમીન પરના સ્થાનને નકશાના

સ્થાનમાં ઓળખી, તેના co-ordinates કાઢી FOO તેના બૅટરી કમાંડરને 

દર્શાવે. કમાંડર તેમની તોપના નાળચાના કોણનો અંશ તે પ્રમાણે calibrate 

કરી ફાયર કરે. આટલા અંતરેથી તોપચીને ખબર ન પડે કે ગોળો 

ક્યાં પડ્યો છે તેથી FOO તેને વળતા સંદેશથી જણાવતા હોય છે, અને ગોળા 

બરાબર આગંતુક સેના પર પડે તે પ્રમાણે તેમને સૂચના 

(Direction) આપતા રહે છે.  આ કાર્યને Directing Artillery Fire કહેવાય છે. 

મોરચા પર કાર્યરત રહેલા અન્ય આર્મ (ઇન્ફન્ટ્રી, ટૅંક, સિગ્નલ્સ વિ.)ના અફસર

તથા JCOને તેનું પ્રશિક્ષણ અપાય છે. જિપ્સીએ આ પ્રશિક્ષણ પ્રૅક્ટિકલ

બૉમ્બવર્ષા કરાવીને પૂરૂં કરેલ છે, અને અહીં આપેલી માહિતી આ ટ્રેનિંગને

આધારે અપાઇ છે.

    મોટા ભાગના દેશોની સેનાઓ તેમના સીમા ક્ષેત્ર પરના વિસ્તાર, જ્યાં

શત્રુના હુમલાની સંભાવના હોય તેવા ભૂભાગને તેમની ફાયરિંગની યોજના 

અંતર્ગત નોંધી રાખતી હોય છે. આ વિસ્તારોને ખાસ સંજ્ઞા કે ટાર્ગેટ નંબર 

આપવામાં આવે છે. આવા અગાઉથી નોંધી રખાયેલા વિસ્તારને ‘ટાર્ગેટ નંબર

આલ્ફા વન-ઝીરો’ કે એવી જ પૂર્વનિયોજિત સંજ્ઞા આપવામાં આવે છે. આ ગુપ્ત

સંજ્ઞા FOO તેના બૅટરી કમાંડરને જણાવે, અને તેનું કૅલિબ્રેશન તોપના કમ્પ્યુટરમાં

અગાઉથી કરેલું હોવાથી વિના વિલંબ તે સ્થાન પર ગોળા વરસાવવાની સુવિધા 

રહે. ૧૯૬૫ અને ૧૯૭૧માં આપણી તોપ સાથે જોડાયેલ હોકાયંત્ર (કંપાસ) દ્વારા

કોણ માપીને  manually (હાથ વડે) તોપની દિશા બદલવામાં આવતી. હવેની

તોપમાં કમ્પ્યુટર હોય છે, જેમાં ગ્રિડ રેફરન્સ ટાઇપ કરવાથી તોપનું નિશાન

સાધવાનું કામ કમ્પ્યુટર કરે,અને તે ટાર્ગેટ પર lock થઇ ક્ષણોમાં જ ફાયરિંગ

માટે તૈયાર થાય.

    જમીન પર તહેનાત કરાયેલા FOO ઉપરાંત આર્ટિલરીમાં 

Air OP (Air Observation Post) હોય છે, જેમાં અફસર હેલિકૉપ્ટરમાં કે ટ્વિન 

એન્જિન વિમાનમાં ઉડ્ડયન કરી દુશ્મનની હિલચાલ જોઇ, તોપનું ફાયરિંગ કરાવે.

અમેરિકા, ઇઝરાએલ, ફ્રાન્સ તથા બ્રિટન જેવા દેશ સૅટેલાઇટ તથા ડ્રોન દ્વારા

છોડાતા રૉકેટનો ઉપયોગ કરી નિશ્ચિત વ્યક્તિ અથવા તેમને લાવનાર – લઇ

જનાર વાહનને નષ્ટ કરી શકે છે, પણ તેમનું આગમન વિ.નું નિરિક્ષણ કરવા

FOOની ટુકડીની આવશ્યકતા હોય છે, જેને ટાર્ગેટ પર પ્રત્યક્ષ નજર રાખવા

તેની નજીક કલાકો સુધી રહેવું પડે. આમ FOOનું મહત્વ આધુનિક યુદ્ધમાં પણ

એટલું જ છે જેટલું ૧૯૬૫થી લઇ કાર્ગિલના યુદ્ધમાં હતું. 

    ગયા અંકમાં જિપ્સીએ કહયા પ્રમાણે યુદ્ધની કથાઓ વાચક માટે રમ્ય કે 

રોમાંચક લાગતી હોય; સૈનિકો માટે ઘણી કષ્ટદાયક હોય છે. અહીં આર્ટિલરીના 

FOOની વાત નીકળી જ છે તો જિપ્સી OTS પુનામાં તેની જ આલ્ફા કંપનીમાં 

ટ્રેનિંગ મેળવેલા તેના સાથી કૅડેટની વાત કરશે. કૅડેટનું નામ અશોક કરકરે.

દરરોજ મેસમાં ભોજન સમયે એક જ ટેબલ પર સાથે  બેસનાર સાથી. ટ્રેનિંગ

બાદ તેની આર્ટિલરીમાં સેકંડ લેફ્ટેનન્ટ તરીકે નીમણૂંક થયેલી અને અમે

સાથીઓ વિખરાઇ ગયા હતા.

    ૧૯૭૧ની લડાઇમાં પંજાબના ખાલરા સેક્ટરમાં રાજપુત રેજિમેન્ટ સાથે 

કૅપ્ટન અશોક કરકરેને FOO તરીકે ઍટેચ કરવામાં આવ્યા હતા.  

તેમને મરણોપરાંત વીર ચક્ર એનાયત થયું હતું. તેમની 

કાર્યવાહીની ટૂંક માહિતી :

Gazette Notification: 77 Pres/72,17-6-72

Operation: 1971 Cactus Lily

Date of Award: 08 Dec 1971

Citation

Captain Ashok Kumar Karkare of the Regiment of Artillery was

the Forward Observation Officer with a company of Rajput

Regiment during their attack on Khalra in the Western Sector.

The enemy immediately brought down intense artillery fire

inflicting heavy casualties on our troops. Captain Karkare secured

a captured enemy artillery radio set and through it misguided the

enemy, thereby diverting enemy artillery fire and saving casualties

to our troops. On the morning of 8 December, the enemy launched

determined counter-attacks with infantry supported by armour. 

Undeterred by the heavy shelling and small arms fire, Captain Karkare

directed own artillery in an accurate manner and was instrumental in

repulsing the attacks. He continued to engage the enemy till our troops

had extricated themselves from the position. While he was himself

withdrawing, he was hit by a machine gun burst and killed on the spot.

Throughout, Captain Karkare displayed gallantry, leadership and

devotion to duty of a high order. 

***

આવતા અંકમાં આપણે પાછા ૧૯૬૫ના અભિયાનમાં જઇશું.

Posted by Capt. Narendra