ભારતીય સંસ્કૃતિ એટલે સૌથી જુનો સંસ્કૃતિ સ્તંભ. ચીનનો પણ લગભગ એટલો જ જુનો. ઘણી બધી લાંબી મજલ કાપીને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા સાંપ્રદાયિક ઊધઈના રાફડાઓ વળગ્યા છે. જાત જાતનાં રાફડાને ભાત ભાતના રાફડા. જેટલું લાકડું જુનું એટલી ઊધઈ પણ વધારે વળગેલી હોય. પણ પાછું બહુ જુનું લાકડું ઊધઈ ને ગાંઠે નહિ. એમાય વળી શિશમનું હોય તો જરાય ના ગાંઠે. મૂળ હિન્દુ વિચારધારા ભલે ખુબજ પ્રાચીન રહી, પણ આજનો હિંદુ ધર્મ એ પહેલાનો પ્રાચીન હિંદુ ધર્મ નથી. હિન્દૂઇઝમ કોઈ એક ધર્મ નથી. જુદી જુદી હજારો વિચારધારાઓનો મેળો છે. ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયોની ઊધઈ વળગી છે. અને રોજ નવી વળગતી જાય છે. મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે. અરે આ ઊધઈને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે. દરેક સંપ્રદાયની અલગ વિચારધારા છે. જો બધા એક જ હિંદુ ધર્મને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? એક કહેશે હું સ્ત્રીઓના મોઢા ના જોઉં તો બીજો કહેશે તમારી સ્ત્રીઓ પણ મને સોપો હું કૃષ્ણ સ્વરૂપ છું. દરેક ને પોતાના અલગ અલગ આચાર વિચાર, નીતિ નિયમો ઉમેરીને પાછું હિંદુ જ કહેવડાવવું છે, આ હિંદુ ધર્મની બહુ મોટી મજબૂરી છે.

પ્રથમ સિંધુ નદીના તીરે સિંધુ નદીની સંસ્કૃતિ(Before 2000 BCE) વિકસી. આ એક નગર સંસ્કૃતિ હતી. શહેરી સંસ્કૃતિ હતી. બે મુખ્ય શહેર હરપ્પા ને મોહેંજો ડેરો મળી ચૂક્યાં છે. ૪૦,૦૦૦ લોકો બહુ ઊંચું શહેરી જીવન જીવતા હતા, પાણી પુરવઠા ને ગટર યોજના સાથે. અનાજ એ અર્થવ્યવસ્થાનું મુખ્ય અંગ હતું. બહુ મોટા અનાજના ભંડાર ટૅક્સ રૂપે ઉઘરાવેલા હોય તેના મળેલા છે. છેક ગુજરાતના લોથલ, કચ્છના ધોળાવીરાથી હિમાલયના પશ્ચિમ વિભાગથી માંડીને ઈરાનની બોર્ડર સુધી આ સંસ્કૃતિના શહેરો હતા. આ એક સ્વતંત્ર રૂપે વિકસેલી સંસ્કૃતિ હતી. અહીં કઈ ભાષા હતી તે ખાસ ખ્યાલમાં આવ્યું નથી. ધર્મ વિષે પણ કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પણ પ્રાણીઓના બલિદાન અપાતા હતા. ટેરાકૉટાના શિલ્પોથી લાગે છે કે ભગવાનની જગ્યાએ પુરુષ ને બદલે સ્ત્રીને બેસાડેલી હશે. પવિત્ર સ્નાન, બલિદાન અને સ્ત્રીની ભગવાન તરીકેની પૂજા બીજા પ્રાચીન ધર્મોની વિચારધારા પણ રહી છે. પછી આવનાર હિંદુ ધર્મનો પાયો અહીં પણ હોઈ શકે.

પછી આવ્યો વેદિક યુગ(1500-500BCE). એક મત એવો છે કે આર્યો મધ્ય એશિયાથી અહીં આવ્યા. પહેલા અત્યારની સ્વાત(પાકિસ્તાન) ખીણમાં વસ્યા ને પછી ધીરે ધીરે ઉત્તરથી મધ્ય ભારત તરફ વસવાનું ચાલુ કર્યું. બીજો મત એવો છે કે આર્ય સંસ્કૃતિ એ સિંધુ નદીની સંસ્કૃતિનો જ વિકાસ હતો. એટલે આર્યો બહારથી આવ્યા નથી. પણ આખું વેદિક સાહિત્ય વેદિક સંસ્કૃતમાં રચાએલું છે. વેદિક સંસ્કૃત અને પાણિનીએ વ્યાકરણ લખ્યું છે તે સંસ્કૃત થોડું અલગ છે. યુરોપની ઘણી બધી ભાષાના શબ્દો ને સંસ્કૃતના શબ્દો સાથે સામ્યતા છે. કોઈ પ્રાચીન ઇન્ડો યુરોપિયન ભાષા ગ્રૂપ સાથે આ બધી ભાષાઓ સંકળાએલી હોઈ શકે. અને બીજું સિંધુ સંસ્કૃતિમાં ઘોડાનું કોઈ સ્થાન હતું નહિ. જ્યારે આર્ય સંસ્કૃતિમાં ઘોડા મહત્વનું સ્થાન ધરાવતા હતા. ઘોડાના બલિદાન અપાતા હતા, અશ્વમેધ.

ભલે હાલના હિંદુ ધર્મના દમ્ભીઓ ના માને પણ વેદિક પિરિયડ આખો બલિદાનનો અને એના દ્વારા મળેલા ખોરાકને વહેંચીને ખાવામાં રમમાણ હતો. અને અનેક જુદા જુદા ભગવાનને પૂજવા વાળો હતો. કુદરતની મળેલી દરેક સંપદાનો એક અલગ ભગવાન હતો. વાયુ, ઇન્દ્ર, મરુત, અગ્નિ, આકાશ, બ્રહ્સ્પતી, વિષ્ણુ વગેરે વગેરે. આમાં પર્યાવરણ અને ઇકોલોજીની પૂજા આવી જાય એનું બહુમાન પણ કહેવાય. જુદા જુદા અવતારોની થિયરી શરુ થઈ. પહેલો થયો મત્સ્યાવતાર પછી કૂર્મ, વરાહ એમ આગળ ચાલ્યું આમાં ઉત્ક્રાંતિની થોડી ઘણી સમજ હોવી જોઈએ એવું મને લાગે છે. સમુદ્રમાં પહેલા વ્યવસ્થિત સજીવો માછલા હતા. રીચાર્ડ ડોકિન્સ પણ કહે છે આપણો પહેલો પૂર્વજ માછલી છે. અવતારો બધા પ્રતીક છે. જીવન શરુ થયું પાણી એટલે કે સમુદ્રમાં અને એનું પોષણ પણ સમુદ્રમાં થયું. માટે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા. દરેક ભગવાન કે અવતારને વાહન તરીકે કોઈને કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ બીજો સજીવ આપેલો છે. દરેક સજીવોનું મહત્વ ગણેલું છે. ઉંદર જેવું નકામું લાગતું પ્રાણી પણ ગણેશનું વાહન બનાવેલ છે. ઉંદર લગભગ બધું કાતરી ખાય છે. રીસાયકલીંગ માટે કદાચ કામ લાગતો હશે અથવા પછી બીજા પ્રાણીઓનો ખોરાક બની કામ લાગતો હશે. આજે આધુનિક દવાઓના સંશોધનોમાં સૌથી વધારે ઉંદર જ વપરાય છે.

પછી આવ્યો પુરાણ કાળ(500BCE-500CE) અહીં મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યો, ધર્મસુત્રો અને શાસ્ત્રો રચાયા. મહાભારતની અંદર અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદ રૂપે ગીતાની રચના થઈ. જે ભારતની ઓળખ બની ચૂકી છે. ભવિષ્યમાં કોર્ટમાં ખોટા સોગંદ લેવા એની જરૂર પડવાની હતી. કોર્ટમાંથી ગીતાને હટાવી લેવી જોઈએ, આ તો એનું બહુ મોટું અપમાન રોજ રોજ થઈ રહ્યું છે. આ પુરાણોની વાર્તાઓ હજુ પણ ખુબજ પ્રચલિત છે. નિયમ, કર્તવ્ય, અને સત્ય આ ત્રણ ધર્મ સૂત્રો અને શાસ્ત્રોમાં મુખ્ય વિષયો હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો થવા લાગી. અહીં યજ્ઞો ઓછા થયા. પશુઓના બલિદાનો પણ ઓછા થયા. અને શરુ થઈ પૂજા. આ સમય લગભગ બુદ્ધનો સમય પણ હતો. ગુપ્ત સામ્રાજયનો ઉદ્ભવ થયો. લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા. સિકંદર જેવો પણ ઘૂસ મારી ના શક્યો. બસ પ્રજાને જલસા થઈ ગયા. ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી. સુવર્ણ યુગ હતો. એજ સતયુગ લાગે છે. તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા. કવિતાઓ, મહાકાવ્યો રચાયા. પુરાણો રચાયા. પ્રજાને છેતરવાનું શરુ થયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી ધંધા શરુ થયા. વેદવ્યાસના નામે બધા ચરવા માંડ્યા. પૂજા પાઠની સાથે મંદિરો બાંધવા શરુ થયા. મૂળ વેદિક પિરિયડ યજ્ઞો એટલે અગ્નિપૂજા ને બલિદાનનો હતો. એમાં મંદિરોને સ્થાન હતું જ નહિ. અહીં થી શરુ થાય છે વૈષ્ણવ(વિષ્ણુ), શૈવ(શિવ) અને શાક્ત(દેવી) સંપ્રદાયોનું અસ્તિત્વ. અહીંથી વિચારધારાઓ જુદી પડવાનું શરુ થાય છે. ભક્તિ અને મંદિરો સાથે કાવ્યાત્મક સાહિત્ય પણ રચાયું

હવે જોઈએ મધ્યયુગ(500CE-1500CE)ગુપ્ત સામ્રાજયની પડતી શરુ થઈ. નાનામોટા રાજ્યો બનતા ગયા. પ્રાદેશિક રાજાઓએ વૈષ્ણવ, શૈવ, અને શાક્ત સંપ્રદાયોને મહત્વ આપવા માંડ્યું હતું. દક્ષિણમાં ચૌલ રાજાઓએ શૈવ સંપ્રદાયને અપનાવ્યો. તાન્જાવુંરમાં શિવનું મોટું મંદિર એની સાબિતી છે. ભવ્ય મંદિરો બનવા લાગ્યા. પુરીમાં જગન્નાથજીનું ભવ્ય મંદિર બન્યું. ધર્મ અને સત્તાનું કેન્દ્ર મંદિરો બનવા લાગ્યા. આ યુગમાં ભક્ત કવિઓ, સંતો ને ગુરુઓ સાથે આચાર્યો વધવા લાગ્યા. સંસ્કૃતની સાથે પ્રાદેશિક ભાષામાં ભક્તિ સાહિત્ય રચવા લાગ્યું. શંકરાચાર્ય (૭૮૦-૮૨૦)આખા હિન્દુસ્તાનમાં ફરી શાસ્ત્રાર્થ ફરી અદ્વૈત અને વેદાંતનો ઝંડો ફરકાવી દીધો. એમણે થોડા ફટકા ઊધઈ ખંખેરવા લગાવ્યા. પણ વહેલા જતા રહ્યા. એમના ચેલાઓએ નવી ઊધઈ બનાવી લીધી. અહી આવ્યો ભક્ત કવિ જયદેવ, એણે ગીતગોવિંદ નામનું કાલ્પનિક મહાકાવ્ય રચ્યું. એને ખબર નહિ હોય કે એના કાવ્યને મૂરખ ભારતીયો ઐતિહાસિક હકીકત માની રાધા મેનિયામાં સપડાઈ જશે. એના ભાઈ બોપદેવે શ્રીમદ ભાગવત રચ્યું છે એવું કહેવાય છે.

નાના મોટા કોઈ કોઈ વચ્ચે ઊધઈ ને ખંખેરવા પ્રયત્નો કરે પણ જેટલો જુનો થાંભલો એટલી જૂની ઊધઈ. પાકી સિમેન્ટ જેવી. ખંખેરવા વાળો જ ઊકલી જાય. વૈષ્ણવ ફિલૉસૉફર રામાનુજ અને માધવ હવે મેદાનમાં આવ્યા. સાથે સાથે અભિનવ ગુપ્તે તંત્ર ઉપર સાહિત્ય રચ્યું. વામમાર્ગ પણ સાથે સાથે જ મેદાનમાં હતો. મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુનનો છૂટથી ઉપયોગ તંત્ર માર્ગીઓ કરવા લાગ્યા. એકલાં ભોજ રાજાએ હજારો તાંત્રિકોને લટકાવી દીધા હતા. તાંત્રિકો ત્યાર પછી ભૂગર્ભમાં પ્રવૃત્તિ ચલાવતા અને હજુ પણ મળે. સ્વામી વિવેકાનંદને પણ એનો કડવો અનુભવ થયેલો.

૧૫૦૦ થી ૧૭૫૭ સુધી મુસ્લિમ યુગ શરુ થઈ ચૂક્યો હતો. આ ગાળામાં ભક્તો ને સંતોની બોલબાલા રહી. ઘણા બધા મંદિરો તોડી પડાયા. તુલસી, તુકારામ, સુરદાસ, મીરાબાઈનો આ યુગ હતો. અકબરના જમાનાના તુલસીએ વાલ્મિકીના રામાયણને બદલી નાખ્યું. વાલ્મિકીના રામ એક રાજા એક મનુષ્ય છે, તુલસીએ ભગવાન બનાવી દીધા, શબરીને યુવાનમાંથી ડોસી બનાવી દીધી, ને ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ ધોકાના અધિકારી કહી લક્ષ્મણ રેખા દોરી નાખી જે વાલ્મિકીએ નહોતી દોરી.

ત્યાર પછી દયાનંદ સરસ્વતી આવ્યા, મોરબીના ટંકારાથી. આ કેવો ભગવાન એના પર ઉંદરડા ફરે ને હટાવી પણ શકતો નથી. ખૂબ ડંડા માર્યા, સત્યાર્થ પ્રકાશ નામનો ઘણ માર્યો. પણ ઊધઈઓ મજબૂત. એમને જ લાડવામાં ઝેર આપી દીધું. ખબર પડી તો માંડ્યા દંડ બેઠક કરવા, જે પસીનામાં ઝેર નીકળી જાય તેટલું ઓછું. પહેલવાનો મોકલાતાં તો સ્વામીજી પણ પહેલવાન હતા. ઊંચકીને ફેંકી દેતાં. પણ કપટ આગળ લાચાર બન્યા. રસોયાને પૈસા આપ્યા ને કહે ભાગી જા, મારો ભક્ત રાજા તને ફાંસીએ લટકાવી દેશે. ૧૭૫૭ થી ૧૯૪૭ સુધીના બ્રિટીશ યુગમાં હિંદુ ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો દૂર કરવા ને એને નવું સ્વરૂપ આપવા રામ મોહન રાય ને દયાનંદ સરસ્વતી પ્રયત્નો કરી રહ્યા હતા. મુર્તી પૂજાની વિરુદ્ધ અને એક જ ભગવાનની માન્યતા પાછી લાવવાના એમના પ્રયત્નો આજે આપણે જાણીએ છીએ કે વિફળ થયા છે.

સર્વધર્મ સમભાવ ને ભક્તિનો સંદેશ લઈ આવ્યા રામકૃષ્ણ પરમહંસ(૧૮૩૬-૮૬)એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે(૧૮૬૩-૧૯૦૨) એમના વિચારો આગળ ધપાવ્યા અને રાજકીય રીતે અખંડ ભારતનું સ્વપ્ન સેવ્યું. વિવેકાનંદ કહે ૧૦૦ યુવાનો આપો આખો સ્તંભ ઊધઈ વિહોણો કરી દઉં. ભારતનું કમનસીબ યુવાનીમાં જ શંકરાચાર્યની જેમ સિધાવી ગયા.

અહિંસાનો સંદેશો લઈ આ સ્વપ્ન આગળ ધપાવ્યું રાજકારણી સંત ગાંધીજીએ(૧૮૬૯-૧૯૪૭). એમના પછી કોઈ રાજકારણી સંત જેવો ના પાક્યો. ગાંધીજીને થયું નવો પશ્ચિમનો થાંભલો સારો. પણ જુના સંસ્કાર આડે આવ્યા. જૈન રાજચંદ્રને ગુરુ માન્યાં. થોડી સાફસફાઈ શરુ કરી, હરિજન વાસમાં ફરવા લાગ્યા, પણ પહેલા આઝાદીનું કામ કરીએ. ભગવી ધજાઓ બગડી. આ વાણિયો તો મંદિરો, કૂવા અભડાવશે. ઊધઈ વીફરી ધરબી દીધી ગોળીઓ છાતીમાં. છેલ્લે ના મહાવીર યાદ આવ્યા ના જિસસ, યાદ આવ્યો હે ! રામ ! અચેતન મનમાં રહેલા સંસ્કાર ના જાય તે આનું નામ. ભાગલાની કડવી યાદો સાથે લઈ ગાંધીજી વિદાય થયા એમની હત્યા થવાથી.

સાવરકર જેવા રાજકારણી ને આઝાદીના તકવાદી લડવૈયાઓએ હિન્દુત્વના ખયાલ અમલમાં મૂક્યા. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ને વિશ્વહિન્દુ પરિષદની સ્થાપના થઈ. દરિયા પાર ભારતીયો વસવા લાગ્યા. તો એમની પાછળ સંતો ને ગુરુઓ પણ પ્રચાર માટે જવા લાગ્યા છે. મંદિરોની સંસ્કૃતિ ફરી પાછી જોરમાં આવવા લાગી છે. દરેકને પોતાનો અહંકાર આડે આવે છે, ને રોજ એક નવો સંપ્રદાય ઊભો થાય છે. હિંદુ કોઈ એક વિચારધારા રહ્યો નથી. ૨૫૦૦૦ કરતા વધુ રજિસ્ટર્ડ સંપ્રદાયોનો શંભુમેળો બની ચૂક્યો છે. એ.સી હોલોમાં ઊધઈઓ વિકસતી જાય. કરોડો રૂપિયા વપરાય. ગંગા મેલી થાય પણ કોઈનું ના ચાલે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલીવાલા ડંડા મારે ચાલો અભિગમ બદલીએ, વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, પણ કોણ જાગે?
ઘેલી ગુજરાતને લૂંટવાને યુપી બિહારના પંડાઓની ફોજ તૂટી પડેલી તો મરાઠી માનુસ શું કામ બાકી રહે? રંગ રંગ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા.

હું કહું અલ્યા ગંદકી નાબૂદીની કથાઓ કરો, ઘોંઘાટ વિરુધની કથાઓ કરો. પણ કોણ સાંભળે. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચવું કઈ રીતે? સંસ્કૃતિ સ્તંભ તો અડીખમ ઊભો છે પણ નજીક જવું કઈ રીતે?

:ભૂપેન્દ્રસિંહ રાઓલ, સાઉથ એબિંગન્ટન. પેન્સિલવેનિયા.

 

No photo description available.